07 August, 2012

એક એવી માખી, જેને જોઈને તમે પણ કહેશો...વાહ


‘ઈગા ’ એક ‘લાર્જર ધેન લાઈફ’ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે. આ ફિલ્મ સાબિત કરી દીધું છે કે, નાનું પણ મોટું કામ કરી શકે છે. કલ્પના કરો કે, સિલ્વર સ્ક્રીન પર એક નાનકડી માખી બધાને ટપી જાય જાય એવી ભૂમિકા કરે છે, અને તે પણ કમ્પ્યુટર જનરેટેડ માખી. આ માખી એટલે કે, ‘ઈગા ’ને જોઈને ઓડિયન્સ પર એવી જ અસર થાય છે જેવી એક સુપરસ્ટારને જોઈને. આ તેલુગુ ફિલ્મને જોઈને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા છે. ‘ઈગા’ એક ગેમ ચેન્જર ફિલ્મ છે. – ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

ઈગા  એક ફેમિલી ફિલ્મ છે. રાજામૌલી ખરા અર્થમાં વિજેતા છે. મસ્ટ વૉચ ફિલ્મ. – રાધિકા રાજામણી (રેડિફ.કોમ, ફિલ્મ ક્રિટિક)

આ ફિલ્મના મેં હજુ પ્રોમો જ જોયા છે. રિયલી બ્રિલિયન્ટ આઈડિયા છે, મેં આજ સુધી આવો પ્રોમો જોયો નથી. ખરેખર અભિનંદનને પાત્ર છે. – તરણ આદર્શ (હિંદી મૂવી ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ)

ફિલ્મમાં એક નાનકડી માખીને જ હીરો તરીકે રજૂ કરવી એ આઈડિયાને જ હું ભારતીય સિનેમાની અત્યાર સુધીની અસામાન્ય ઘટના ગણું છું. – રામગોપાલ વર્મા (ફિલ્મમેકર, રાઈટર, પ્રોડ્યુસર)

રાજામૌલીએ બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. એક સારો આઈડિયા કેવી રીતે વેચી શકાય છે તે તેમણે બતાવી આપ્યું છે. જબરદસ્ત અભિનંદનને પાત્ર ફિલ્મ. – અનુરાગ કશ્યપ (ફિલ્મમેકર, રાઈટર, પ્રોડ્યુસર)

‘ઈગા ’ વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કારની હકદાર છે. – સુરેશ બાબુ (તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર)

તાજેતરમાં જ પ્રદર્શિત થયેલી તેલુગુ ફિલ્મ ‘ઈગા ’ની માધ્યમોમાં આવી રીતે પ્રશંસા થઈ રહી છે. ફિલ્મની વાર્તા અત્યંત સરળ છે. ‘ઈગા ’માં ફક્ત ત્રણ મુખ્ય પાત્ર છે, નેની (નેની), બિંદુ (સામંથા) અને સુદીપ (સુદીપ). નેની અને બિંદુ પાડોશી છે. નેની બિંદુને ખૂબ ચાહે છે, પરંતુ તેણે ક્યારેય પોતાના પ્રેમની કબૂલાત કરી નથી. હા, તે બિંદુ પ્રત્યે પ્રેમ જતાવતો રહે છે. બિંદુ પણ તેને પ્રેમ કરે છે, પરંતુ તે નેની સમક્ષ એવું જતાવતી નથી. બિંદુ જ્વેલરી આર્ટિસ્ટ છે, અને નાનકડું ચેરિટી ગ્રૂપ ચલાવે છે. એકવાર બિંદુ ચેરિટી માટે ફંડ લેવા મિલિયોનેર બિઝનેસમેન સુદીપ પાસે પહોંચે છે, જેણે ફક્ત પૈસા ખાતર પોતાની પત્નીની અત્યંત ક્રૂર હત્યા કરી હતી. બિંદુને જોઈને જ સુદીપ તેને ગમે તે ભોગે મેળવવા તત્પર બને છે. બિંદુ પોતાના ચેરિટી ગ્રૂપની વાત કરીને સુદીપ પાસે ફંડની માણી કરી છે. સુદીપ બિંદુને મેળવવા રૂ. 15 લાખનું ફંડ આપે છે. બિંદુને આટલી રકમ મળતા તે ખુશ થઈ જાય છે, અને બીજી તરફ સુદીપ પણ તેને લંચ માટે આમંત્રણ આપીને તેની નજીક જાય છે.

પરંતુ બિંદુનો નેની સાથેનો વ્યવહાર જોઈને સુદીપ ઈર્ષાની આગમાં ભડકી ઊઠે છે. છેવટે એક દિવસ નેની બિંદુ સમક્ષ પ્રેમની કબૂલાત કરે છે. આ દરમિયાન સુદીપ નેનીનું અપહરણ કરે છે, અને કહે છે કે તે બિંદુને ચાહે છે. પરંતુ નેની ગુસ્સે થઈને તેને ધમકાવે છે. તેથી સુદીપ નેનીની ક્રૂર રીતે મારઝૂડ કરે છે. આ દરમિયાન બિંદુ પણ નેનીના મોબાઈલ ફોન પર મેસેજ અને કૉલ કરીને નેનીના પ્રેમનો સ્વીકાર કરે છે. આટલું સાંભળ્યા પછી નેનીનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ નેનીનો પુનર્જન્મ થાય છે, અને તે પણ એક માખી તરીકે. હવે તે માખી જ પોતાની હત્યાનો બદલો લે છે. આમ ખરી ફિલ્મ તો નેનીના પુનર્જન્મ પછી શરૂ થાય છે.

એસ. એસ. રાજામૌલી
‘ઈગા ’ના દિગ્દર્શક એસ.એસ. રાજામૌલી તેલુગુ સિનેમામાં જ નહીં, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જાણીતું નામ છે. કારણકે, હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની જ ફિલ્મોની સૌથી વધુ રિમેક બને છે. જેમ કે, તાજેતરમાં જ પ્રદર્શિત ‘રાઉડી રાઠોડ’ તેમની જ સુપરહિટ ફિલ્મ ‘વિક્રમારકુડુ’ની રિમેક છે, તો ‘સન ઓફ સરદાર’ પણ તેમની અત્યંત લોકપ્રિય ફિલ્મ ‘મર્યાદા રામન્નાની’ રિમેક છે. રાજામૌલીની ‘મગધીરા’ની પણ હિન્દી રિમેક બની રહી છે. તો, હવે ‘ઈગા ’ની 3D હિન્દી રિમેક પાઈપલાઈનમાં છે. વળી, આ ફિલ્મ તો મલયાલમ, મરાઠી, ભોજપુરી અને અન્ય પ્રાંતીય ભાષાઓ સહિત ચાઈનીઝ, મેક્સિકન, સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓમાં પ્રદર્શિત કરવાનું પણ ડિસ્ટ્રિબ્યુટરોનું દબાણ છે.

‘ઈગા ’ 6 જુલાઈ, 2012ના રોજ તેલુગુ અને તમિલ ભાષામાં એકસાથે પ્રદર્શિત કરાઈ અને તેના થોડા સમયમાં જ ‘ઈગા ’ અમેરિકામાં પણ પ્રદર્શિત થઈ. આ ફિલ્મે અમેરિકામાં પહેલા ત્રણ અઠવાડિયામાં જ પાંચેક કરોડનો વકરો કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે, ફિલ્મ પ્રદર્શિત થઈ તેના ત્રણ અઠવાડિયા પછી વિદેશી ઓડિયન્સનો રિસ્પોન્સ જોઈને ‘ઈગા ’ને અંગ્રેજી સબ ટાઈટલ્સ સાથે પ્રદર્શિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ લખાય છે ત્યાં સુધી ‘ઈગા ’એ અમેરિકામાં એક મિલિયન યુ.એસ. ડૉલરનો આંકડો વટાવી દીધો છે. અત્યાર સુધી ફક્ત બે જ તેલુગુ ફિલ્મો ‘દુક્કડુ’ અને ‘ગબ્બર સિંઘ’ અમેરિકામાં એક મિલિયન યુ.એસ. ડૉલરનો બિઝનેસ કરી શકી છે. પરંતુ ‘ઈગા ’એ અત્યારથી જ આ બંને ફિલ્મોનો બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

રાજામૌલી કહે છે કે, ‘છેલ્લાં દસ વર્ષથી મારા મગજમાં ‘ઈગા ’નો આઈડિયા ભમરાતો હતો. હું મારા પિતા વિજયેન્દ્ર પ્રસાદ સાથે કામ કરતો ત્યારે મેં એક યુવક માખી બનીને પોતાની હત્યાનો બદલો લે છે એવી વાર્તા સાંભળી હતી. આ વાર્તા પરથી હું એક સ્મોલ બજેટ ફિલ્મ બનાવવા માંગતો હતો, પરંતુ આ ફિલ્મમાં જંગી ખર્ચ થઈ ગયો છે.’

સુરેશબાબુ
‘ઈગા ’ને ધમાકેદાર રીતે રજૂ કરનારા દગ્ગુબાટી સુરેશ બાબુ ફિલ્મના બજેટની માહિતી આપતા કહે છે કે, “અમારો ઈરાદો ઓછા બજેટની ફિલ્મ બનાવવાનો હતો. રાજામૌલીએ મને રૂ. દોઢથી સાડા ત્રણ કરોડના ખર્ચનો અંદાજ આપ્યો હતો. પરંતુ ફિલ્મ બનાવવાનું ચાલુ કર્યાના એકાદ મહિનામાં અમારી ફિલ્મ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ પણ આ પ્રોજેક્ટમાં જોડાયા અને મને તેમની મહેનત, લગન જોઈને મને લાગ્યું કે, ફિલ્મની ગુણવત્તા સાથે સહેજ પણ સમાધાન ન થવું જોઈએ. રાજામૌલીએ કેવી રીતે ફિલ્મ બનાવી છે તેનો હું સાક્ષી છું. રાજામૌલી જેટલા ધ્યાન અને એકાગ્રતાથી કામ કરતો મેં એક પણ દિગ્દર્શક જોયો નથી, તે 24x7 કામ કરે છે. ફિલ્મને લઈને તેમનો આટલો ઉત્સાહ જ મને આનંદ આપતો હતો. તેઓ એટલા ઉત્સાહથી કામ કરતા હતા કે, જો આ ફિલ્મ નિષ્ફળ જાત તો પણ થોડા કરોડ રૂપિયા વેડફાયાનો મને અફસોસ ના થાત.”

જોકે આટલા નાના બજેટની ફિલ્મ પાછળ અંતે રૂ. 30 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો હતો. આ અંગે રાજામૌલી કહે છે કે, “અરે, ભાઈ હું પણ ‘મર્યાદા રામન્ના’ પછી નાના બજેટની ફિલ્મ જ બનાવવા માંગતો હતો. પરંતુ આખી સ્ક્રીપ્ટ તૈયાર કર્યા પછી મને લાગ્યું કે, આ કંઈ નાની ફિલ્મ નથી. મેં પ્રોડ્યુસરોને આ મુદ્દે સમજાવ્યા અને સ્ક્રીપ્ટ સંપૂર્ણ તૈયાર થઈ જાય પછી બજેટની ચિંતા કરવાની સલાહ આપી. પછી તો તેઓને સ્ક્રીપ્ટ એવી પસંદ પડી કે, તેમણે બજેટની ચિંતા જ છોડી દીધી.”

કમ્પ્યુટર જનરેટેડ ‘ઈગા ’ને તૈયાર કરવામાં અને તેની સાથે અભિનય કરાવવામાં ફિલ્મની રિલીઝ ડેટ વારંવાર પાછળ ખેંચાઈ હતી. એક કમ્પ્યુટર ગ્રાફિકલ માખી તૈયાર કરવા માટે સુરેશ બાબુએ રાજામૌલીને સાતેક મહિનાનો સમય આપ્યો  હતો. કારણકે, ફિલ્મનો અસલી હીરો જ એ માખી હતી. આ મુદ્દે સુરેશ બાબુ કહે છે કે, “ફિલ્મમાં કુદરતી માખી બતાવવી શક્ય ન હતી, પરંતુ અમારે એકદમ કૃત્રિમ માખી પણ નહોતી બનાવવી. છેવટે સાત-આઠ મહિનાની મહેનત પછી અમે એનિમેટેડ માખી તૈયાર કરી. આ પ્રોજેક્ટમાં મોડું થઈ રહ્યું હોવા છતાં મને રાજામૌલીના આઈડિયામાં ભરોસો હતો.”

તેલુગુ સિનેમામાં સુરેશ બાબુના કુટુંબની ગણના હિન્દી સિનેમામાં પૃથ્વીરાજ કપૂરના કુટુંબ જેવી થાય છે. તેઓ તેલુગુ સિનેમાના દિગ્ગજ નિર્માતા ડી. રામાનાઇડુના પુત્ર છે. દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર દગ્ગુબાટી વેંકટેશ તેમનો ભાઈ થાય. જ્યારે ‘દમ મારો દમ’થી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરનાર રાણા દગ્ગુબાટી તેમનો પુત્ર અને તેલુગુ ફિલ્મ સ્ટાર નાગ ચૈતન્ય તેમનો ભાણીયો છે. તેઓ કહે છે કે, “આ વાર્તાનો પહેલો ડ્રાફ્ટ જોઈને જ હું રાજમૌલીને ભેટી પડ્યો હતો અને મેં તેમને કહ્યું કે, આટલી સુંદર ફિલ્મ બનાવતા મને ગર્વ થશે. હું કારકિર્દીમાં પહેલીવાર કોઈ દિગ્દર્શકને ભેટી પડ્યો હતો. મને વિશ્વાસ હતો કે, ભારતીયોને ‘જોઝ’, ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મો પસંદ પડે છે, તો ‘ઈગા ’ પણ ગમશે.”

જોકે, આપણે ‘ઈગા ’ જોવા થોડી રાહ જોવી પડશે. રાજામૌલીએ તેની હિન્દી રિમેક બનાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે, પરંતુ તે ક્યારે પ્રદર્શિત થશે તેની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર થઈ નથી.

એક માખી માટે કરવી પડી આટલી મહેનત...

‘ઈગા ’ના દિગ્દર્શક રાજામૌલી, નિર્માતાઓ, ફિલ્મ પ્રેઝન્ટર સુરેશબાબુ તેમજ ફિલ્મ ક્રિટિક્સના મતે, આ ફિલ્મનો અસલી હીરો કમ્પ્યુટરમાં તૈયાર કરાયેલી માખી છે. તો સાંભળીએ રાજામૌલીના જ શબ્દોમાં કે, આખરે આવી માખી તૈયાર કેવી રીતે કરાઈ...
કમ્પ્યુટર કરામતથી તૈયાર કરાયેલી ‘ઈગા’ 
“હું જાણતો હતો કે, કમ્પ્યુટર ગ્રાફિક્સ અને એનિમેશનના કારણે ફિલ્મ ધાર્યા કરતા મોડી બની રહી છે. કારણકે, અમે એકદમ સોફિસ્ટિકેટેડ એનિમેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માખી બનાવી હતી. અમારા કેમેરા સતત માખીની પાછળ ફરતા હતા. અમે માખીને ફૂલ્લી ડિટેઈલ્ડ રીતે રજૂ કરવા માંગતા હતા, જેમ કે તેની બોડી લેન્ગ્વેજ, ચહેરાના હાવભાવ વગેરે. આ માખી બનાવવા મેં ઈન્ટરનેટ પર પણ ખૂબ ખાંખાખોળા કર્યા. પરંતુ મને એવું એક પણ સંતોષજનક ચિત્ર ન મળ્યું જેમાં માખીનો ચહેરો, શરીર, પગ વગેરેનું ડિટેઈલિંગ હોય. તેથી મેં માખીની ફોટોગ્રાફી શરૂ કરી, પરંતુ જેવી તેના પર લાઈટ પડતી અને તે ઊડી જતી. છેવટે મેં એક બોટલમાં માખીઓ ભેગી કરી અને તેને રેફ્રિજરેટરમાં સાચવવાનું શરૂ કર્યું. પછી મેં શાંતિથી માખીઓનું સંપૂર્ણ ફોટોશૂટ કર્યું, અને હું સમજી શક્યો કે માખી સ્ક્રીન પર કેવી દેખાવી જોઈએ. આમ છતાં સ્ક્રીન પર માખીનો મોટો ચહેરો ભયાનક લાગતો હતો. હવે અમે ફિલ્મના હીરોને કદરૂપો કેવી રીતે બતાવી શકીએ. તેથી મેં ‘ઈગા ’માં કેટલાક કોસ્મેટિક ચેન્જ કર્યા, અને તેને હેન્ડસમ માખી બનાવી દીધી.”

1 comment:

  1. Now , it's releasing in hindi as " Makkhi " !

    ReplyDelete