29 September, 2012

વિચિત્ર શોધો માટે અપાતું આઈજી નોબલ પ્રાઈઝ


કોઈનું ભાષણ સાંભળતી વખતે આપણે કંટાળી ગયા હોઈએ એવું અનેકવાર અનુભવી ચૂક્યા છીએ. પરંતુ બધા જ લોકો આપણી જેમ ભાષણકારને ગાળો દઈને કે અધવચ્ચેથી ભાષણ છોડી દઈને અટકી નથી જતા. જાપાનના બે સંશોધકોએ આવું લાં..બુ ભાષણ કર્યે રાખતા વક્તાઓને કાબૂમાં રાખવા સ્પીચ જામર નામનું સાધન વિકસાવ્યું છે. આ સાધન સેકન્ડના 100માં ભાગમાં વક્તાના ચાળા પાડી-પાડીને તેમને અટકાવી દે છે. આ સાધન વિકસાવનારા જાપાની વિજ્ઞાની કાઝુતાકા કુરિહરા અને કોજી સુકાડાને એકોસ્ટિક કેટેગરીમાં આ વર્ષનું આઈજી નોબલ પ્રાઈઝ જીત્યું છે. હા, આઈજી નોબલ પ્રાઈઝ આવા વિચિત્ર સંશોધનો કરનારા વિજ્ઞાનીઓને જ અપાય છે. આઈજી નોબલ એવી શોધોને આપવામાં આવે છે, જે સાંભળીને પહેલાં હસવું આવે અને પછી સામાન્ય માણસને જ નહીં પણ ભલભલા વિજ્ઞાનીઓને પણ વિચારતા કરી મૂકે એવી હોય છે.  

જેમ કે, સ્પીચ જામર નામનું સાધન વિકસાવીને એકોસ્ટિક કેટેગરીમાં આઈજી નોબલ જીતેલા જાપાની વિજ્ઞાનીઓ પર પહેલાં તો આપણને હસવું જ આવે. પરંતુ આ સાધન બનાવવા પાછળ તેમનો હેતુ ખૂબ ઝડપથી બોલતા તેમજ ફાળવેલા સમય કરતા વધુ સમય લઈને લાંબુ ભાષણ કર્યે રાખતા વક્તાઓને એલર્ટ કરવાનો હતો. આ અંગે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઈન્ડસ્ટ્રિયલ  સાયન્સ એન્ડ ટેક્નોલોજી, જાપાનના વિજ્ઞાની કાઝુતાકા કોરિહરા કહે છે કે, “આ ટેક્નોલોજી મીટિંગમાં પણ ઉપયોગી થઈ શકે છે. જેમ કે, કોઈ વ્યક્તિ બોલતી હોય ત્યારે વચ્ચે બોલતા લોકોને કાબૂમાં રાખવા પણ તે ઉપયોગી છે.” તેઓ ઉમેરે છે કે, “એક ધૂની વિજ્ઞાની તરીકે મારું સપનું હતું કે, હું આઈજી નોબલ પ્રાઈઝ જીતું.” કાઝુતાકા જેવા અનેક વિજ્ઞાનીઓનું સ્વપ્ન હોય છે કે, તેઓ આઈજી નોબલ પ્રાઈઝ જીતે. વળી, આ પ્રાઈઝ નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓના હસ્તે અપાય છે. આઈજી નોબલ પ્રાઈઝ સમારંભમાં ખુદ નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ હાજર રહીને વિજેતાઓને એવોર્ડ આપે છે, અને તેમનો ઉત્સાહ વધારે છે.

સ્પીચ જામરનું નિદર્શન કરી રહેલા એકોસ્ટિક કેટેગરીના
આઈજી નોબલ વિજેતા વિજ્ઞાની કોજી સુકાડા  

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભ દર વર્ષે હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજવામાં આવે છે. આ સમારંભમાં નોબલ પ્રાઈઝની જેમ જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ન્યૂરોસાયન્સ, સાઈકોલોજી, મેડિસિન, એનેટોમી અને લિટરેચર જેવી વિવિધ કેટેગરીમાં આઈજી નોબલ અપાય છે. પરંતુ આઈજી નોબલની વિશિષ્ટતા એ છે કે, તે ચિત્રવિચિત્ર શોધ-સંશોધન કરનારા વિજ્ઞાનીઓને જ અપાય છે. જેમ કે, આ વખતે સાઈકોલોજીનું આઈજી નોબલ ડચ સંશોધકો અનિતા એર્નાલ્ડ, રોલ્ફ ઝ્વાન અને તુલિયો ગડાલૂપને એનાયત કરાયું છે. આ ત્રણેય વિજ્ઞાનીઓએ એ વાતનો જવાબ આપ્યો છે કે, ડાબી તરફ ઝૂકીને જોતા એફિલ ટાવર કેમ નાનો લાગે છે? જ્યારે ન્યૂરોસાયન્સ કેટેગરીમાં ચાર અમેરિકન સંશોધકોએ પ્રાઈઝ જીત્યું હતું. આ સંશોધકોએ એવું સાધન વિકસાવ્યું છે કે જે મૃત માછલીના મગજમાં થતા ફેરફારો દર્શાવી શકે છે.

લિટરેચરનું આઈજી નોબલ પ્રાઈઝ ‘અહેવાલોના અહેવાલો’ તૈયાર કરવા બદલ યુ.એસ. જનરલ એકાઉન્ટેબિલિટી ઓફિસને ફાળે ગયું હતું. આ ડિપાર્ટમેન્ટે અહેવાલોના અહેવાલો પર અહેવાલ કર્યો હતો જેમાં અહેવાલોના અહેવાલો અને તેના પણ અહેવાલોનો અહેવાલ તૈયાર કરવાની ભલામણ કરાઈ હતી.  તો, ફિઝિક્સનું આઈજી નોબેલ બ્રિટિશ-અમેરિકન વિજ્ઞાનીઓની ટીમને ગયું હતું. આ ટીમે શોધી કાઢ્યું હતું કે, આખરે ચાલતી વખતે પોની ટેઈલ (વાળની ચોટલી) કેવી રીતે અને કેમ ઉછળે છે? આ ટીમના સભ્ય અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ભૌતિકશાસ્ત્રી રેમન્ડ ગોલ્ડસ્ટેઈનને યુનિલિવર કંપનીએ પોનીટેઈલનું ફિઝિક્સ સમજવાનું કામ સોંપ્યુ હતું. આ માટે રેમન્ડ અને તેમની ટીમે 3D ઈમેજિંગ સિસ્ટમની મદદથી અવલોકન કર્યું હતું કે, ચાલતી કે દોડતી વખતે પોની ટેઈલ કેવી રીતે ઉછળે છે.

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભમાં એફિલ ટાવરની પ્રતિકૃતિ સામે
નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ એરિક માસ્કિન (2007માં
ઈકોનોમિક્સમાં નોબલ પ્રાઈઝ વિજેતા), રિચાર્ડ રોબર્ટ્સ
(1993માં મેડિસિનમાં નોબલ પ્રાઈઝ વિજેતા) અને
ડૂડલી હેર્શબાચ (1986માં કેમિસ્ટ્રીમાં નોબલ પ્રાઈઝ વિજેતા)  

રેમન્ડ કહે છે કે, “વાળનો જથ્થો એકસાથે સ્પ્રિંગની જેમ જ ઉછળે છે. જ્યારે પણ વાળના જથ્થાને ઓછી જગ્યામાં બળ સમાવી લેવાની જરૂર પડતી ત્યારે તે એટલા જ પ્રમાણમાં ઉછળતા જેટલી જગ્યામાં તેનું બળ સમાઈ ગયું હોય! જોકે, આ એક સાદો નિયમ છે, પરંતુ તેને કોઈ મોટી સિસ્ટમમાં લાગુ કરી શકાય છે.” ખેર, આઈજી નોબલ પ્રાઈઝ આવા વિચિત્ર સંશોધનો માટે જ આપવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે, યુનિલિવર જેવી કંપનીએ આવું સંશોધન કરવા આટલો ખર્ચ કેમ કર્યો હશે? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન્તા બાર્બરાના એન્જિનિયરિંગ પ્રોફેસર રોઝલાન ક્રેચેટનિકોવ અને તેમના વિદ્યાર્થી હેંસ મેયરને ફ્લૂઈડ ડાયનેમિક્સમાં આઈજી નોબલ પ્રાઈઝ મળ્યું છે. તેમણે સંશોધન કર્યું છે કે, કોફીનો કપ લઈને ચાલતી વખતે તેમાં શું ફેરફારો થાય છે. ક્રેચેટનિકોવ અને મેયરને કોફી બ્રેક વખતે ચાલતા-ચાલતા વાતો કરવાની આદત હતી. આ દરમિયાન તેમના કોફી-મગમાં કોફી છલકાતી જોઈને આ ગુરુ-શિષ્યને આવું સંશોધન કરવાનો વિચાર આવ્યો હતો.

ક્રેચેટનિકોવનું કહેવું છે કે, આ દિશામાં અગાઉ પણ સંશોધનો થઈ ચૂક્યા છે. જેમ કે, રોકેટરી સાયન્સ. જો બળને અયોગ્ય રીતે ખસેડવામાં આવે તો મિસાઈલ કે રોકેટ અસ્થિર થઈ શકે છે. પરંતુ અત્યાર સુધી કોઈએ કોફી મગમાં આવો અભ્યાસ નહોતો કર્યો. આ અભ્યાસમાં અમને જાણવા મળ્યું કે, કોફી મગ કેટલો છલકાશે તે વ્યક્તિની ચાલવાની ગતિ, તે વ્યક્તિની એકાગ્રતા અને આસપાસના ઘોંઘાટ પર આધાર રાખે છે. જોકે, આવું સંશોધન કરવાનો અર્થ શું છે? આવો સવાલ પૂછતા ક્રેચેનિટોવ કહે છે કે, અરે, અમારા સંશોધનોનો ઉપયોગ કરીને સારા કોફી મગ ડિઝાઈન કરી શકાય છે, અને વ્યક્તિ ચાલતા ચાલતા પણ કોફીનો આનંદ માણી શકે છે. જોકે, તેઓ કબૂલે છે કે, “અમે ફક્ત અમારી જિજ્ઞાસા સંતોષવા ખાતર આવું સંશોધન કર્યું છે અને પછી અન્ય વિજ્ઞાનીઓ સાથે અમારું સંશોધન વહેંચવા અમે આઈજી નોબલ પ્રાઈઝમાં ભાગ લીધો હતો.”

ફિઝિક્સનું આઈજી નોબલ સ્વીકારવા હાથમાં ચોટલી
લઈને આવેલા રેમન્ડ ગોલ્ડસ્ટેઈન 

આ ઉપરાંત કેમિસ્ટ્રીનું પ્રાઈઝ સ્વિડનના વિજ્ઞાની જોઆન પેટરસનને ફાળે ગયું છે. સ્વિડનના એન્ડરસ્લોવ નામના શહેરમાં લોકોના વાળ લીલા કેમ થઈ જાય છે એ અંગે સંશોધન કરવા બદલ તેમને આ પ્રાઈઝ અપાયું છે. જ્યારે શાંતિનું નોબલ પ્રાઈઝ રશિયાની એસકેએન કંપની જીતી છે, જેણે રશિયાના જૂના દારૂગોળાને નવા પ્રકારના હીરામાં પરિવર્તિત કરવાની ટેકનિક શોધી છે. આમ આઈજી નોબલ પ્રાઈઝ હસવું આવે તેવા સંશોધનો કરનારા લોકોને અપાય છે, પરંતુ આવી કોઈ શોધ ભવિષ્યના વિજ્ઞાનને વિકસવામાં મદદરૂપ થઈ શકે એવી પણ હોઈ શકે છે. જેમ કે, એનેટોમી એટલે કે, શરીરરચનામાં અપાતું આઈજી નોબેલ પ્રાઈઝ ફ્રાન્સ દ વાલ અને જેનિફર પોકોર્ની નામના વિજ્ઞાનીઓ જીત્યા છે. તેમણે શોધી કાઢ્યું છે કે ચિમ્પાન્ઝી એવું પ્રાણી છે જે અન્ય ચિમ્પાન્ઝીની પાછળથી પાડેલી તસવીરો ઓળખી શકે છે. પ્રાણીઓનું વર્તન સમજવામાં આ પ્રકારના સંશોધનો ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે.

વિશ્વભરના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને શોધ-સંશોધનો માટે પ્રોત્સાહિત કરવામાં આઈજી નોબલનો મહત્ત્વનો ફાળો છે.

આઈજી નોબલ પ્રાઈઝ શું છે?

આઈજી નોબલ પ્રાઈઝમાં ‘આઈજી’ શબ્દ ‘ઈગ્નોબલ’ નામના અંગ્રેજી શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ ‘અપ્રતિષ્ઠિત’ થાય છે. જોકે, આઈ નોબલ પ્રાઈઝ સમારંભના સંચાલન વખતે ‘ઈગ્નોબલ’ના ઉચ્ચારમાં જાણી જોઈને ‘નોબલ’ શબ્દ પર વધુ ભાર મૂકાય છે. વર્ષ 1991થી સાયન્ટિફિક હ્યુમર મેગેઝિન ‘એનલ્સ ઓફ ઈમપ્રોબેબલ રિસર્ચ’ આ એવોર્ડ સમારંભનું આયોજન કરે છે. હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજાતા આ સમારંભમાં નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ પણ હાજર રહે છે, અને તેમના હસ્તે જ ચિત્રવિચિત્ર સંશોધનો કરનારા સંશોધકોનો એવોર્ડ અપાય છે. આ કારણથી આઈજી નોબલ પ્રાઈઝનું મહત્ત્વ વધી જાય છે અને મીડિયામાં પણ તેને સારું એવું કવરેજ મળે છે. આ સમારંભ પછી માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં આઈજી નોબલ પ્રાઈઝ વિજેતાઓ દ્વારા નોબલ પ્રાઈઝ વિજેતાઓના લેક્ચર્સનું આયોજન કરાય છે. ‘નેચર’ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને આઈજી નોબલ પ્રાઈઝ વિશે લખ્યું હતું કે, “...અહીં જે સંશોધનોને ઈનામ આપીને સન્માનિત કરાય છે, તે પહેલાં લોકોને હસાવે છે, પરંતુ તેમને વિચારતા પણ કરી મૂકે છે.

આઈજી નોબલ અને નોબલ પ્રાઈઝ જીતેલા એકમાત્ર વિજ્ઞાની

આંદ્રે ગેમ 
નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ રેડબાઉન્ડના બ્રિટિશ-ડચ ભૌતિકશાસ્ત્રી આંદ્રે ગેમ અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સર માઈકલ બેરીએ પ્રયોગ કરીને સાબિત કર્યું હતું કે, જીવતો દેડકો પણ લોહીચુંબકથી હવામાં અદ્ઘર કરી શકાય છે. આ બદલ તેમને વર્ષ 2000નું આઈજી નોબલ પ્રાઈઝ મળ્યું હતું. ત્યાર પછી વર્ષ 2010માં આંદ્રે ગેમ ગ્રેફેન નામના 2મટીરિયલમાં અત્યંત મહત્ત્વનું સંશોધન કરવા બદલ અન્ય એક વિજ્ઞાની સાથે સંયુક્ત રીતે ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ જીત્યા હતા. સાદી ભાષામાં કહીએ તો, કાર્બનનું આણ્વિક બંધારણ ગ્રેફેન તરીકે ઓળખાય છે. આમ આઈજી નોબલ અને નોબલ પ્રાઈઝ બંને જીત્યા હોય એવા તે એકમાત્ર વિજ્ઞાની છે.



આઈજી નોબલ પ્રાઈઝનો વિશિષ્ટ સમારંભ

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભ છેલ્લાં ઘણાં વર્ષોથી હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજવામાં આવે છે. અહીં દરેક વિજેતાને નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓના હસ્તે જ એવોર્ડ અપાય છે. આમ છતાં સમારંભ ભારેખમ ન થઈ જાય એ માટે મિસ સ્વિટી પૂ નામની એક બાળકી હાજર જ હોય છે. જો કોઈ વિજ્ઞાની વધુ પડતુ લાંબુ ભાષણ કરે તો આ મિસ સ્વિટી પૂ જોરથી રડવા લાગે છે અને કહે છે, “પ્લીઝ સ્ટોપ, આઈ એમ બોર”. આ સમારંભમાં હાવર્ડ કમ્પ્યુટર સોસાયટી, હાવર્ડ-રેડક્લિફ સાયન્સ ફિક્શન એસોસિયેશન અને હાવર્ડ-રેડક્લિફ સોસાયટી ઓફ ફિઝિક્સ સ્ટુડન્ટ્સ સંયુક્ત ધોરણે સ્પોન્સર હોય છે. દરેક સમારંભ કોઈને કોઈ થીમ આધારિત હોય છે. જેમ કે, આ વખતનો 22મો સમારંભ યુનિવર્સ થીમ પર હતો. જ્યારે દરેક સમારંભ “ઈફ યુ ડીડ નોટ વિન અ પ્રાઈઝ, એન્ડ એસ્પેશિયલી ઈફ યુ ડીડ, બેટર લક નેક્સ્ટ યર!” શબ્દો સાથે પૂર્ણ કરવામાં આવે છે. 

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે. 

25 September, 2012

જર્મન સંસ્કૃતિને જાણવા અને માણવાનું સરનામું ઓક્ટોબરફેસ્ટ


માનવ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી ત્યારથી મેળા વિવિધ પ્રકારની ઉજવણી, સંવાદ અને લોકસંપર્કનું સાધન રહ્યા છે. વિશ્વની દરેક સંસ્કૃતિમાં જાતભાતના મેળાનો મહિમા છે. હજારો વર્ષોથી મેળા યોજાઈ રહ્યા છે. હા, મેળાની ઉજવણીમાં થોડો બદલાવ જરૂર આવ્યો છે, પરંતુ મેળાની બાબતમાં વિશ્વભરની પ્રજાનો ઉત્સાહ આજે પણ અકબંધ છે. કારણ કે, આખરે માનવી સામાજિક પ્રાણી છે. જર્મનીમાં 22મી સપ્ટેમ્બરથી વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય એવા ‘ઓક્ટોબર બિયર ફેસ્ટિવલ’ની શરૂઆત થઈ છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંતમાં શરૂ થતો આ બિયર ફેસ્ટિવલ ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી 16 દિવસ ચાલે છે. ટૂંકમાં ‘ઓક્ટોબરફેસ્ટ’ તરીકે ઓળખાતો આ વિશ્વનો સૌથી લાંબો ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલને માણવા દર વર્ષે વિશ્વભરના 50 લાખ પ્રવાસી જર્મનીના બેવરિયા રાજ્યના મ્યુનિક શહેરની મુલાકાત લે છે. જર્મન સંસ્કૃતિને સમજવા ઓક્ટોબરફેસ્ટ ઘણો મહત્ત્વનો પ્રસંગ છે. આ ફેસ્ટિવલ એટલો લોકપ્રિય છે કે, આજે અમેરિકા, કેનેડા, બ્રિટન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ચિલી, કોલમ્બિયા, પેલેસ્ટાઈન અને ભારતમાં પણ ઓક્ટોબર મહિનામાં બિયર ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે.

સામાન્ય રીતે ઓક્ટોબરફેસ્ટ 16 દિવસનો હોય છે. પરંતુ વર્ષ 1994માં પશ્ચિમ અને પૂર્વ જર્મની એક થઈ ગયા પછી ત્રીજી ઓક્ટોબરને રાષ્ટ્રીય તહેવાર જાહેર કરાયો હતો. બીજી તરફ, ઓક્ટોબર બિયર ફેસ્ટિવલની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને જર્મન સરકારે એવું નક્કી કર્યું છે કે, જો ઓક્ટોબરનો પ્રથમ રવિવાર પહેલી કે બીજી તારીખે આવે તો તેને જર્મન યુનિટી ડે એટલે કે, ત્રીજી તારીખ સુધી લંબાવવો. તેથી ઓક્ટોબરનો પહેલો રવિવાર બીજી ઓક્ટોબરે આવે તો આ ફેસ્ટિવલ 17 દિવસ અને પહેલી ઓક્ટોબરે આવે તો 18 દિવસ સુધી ઊજવાય છે. આ સિવાય પણ સમય-સંજોગોને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલના આયોજનમાં ફેરફાર કરવામાં આવે છે. જેમ કે, વર્ષ 2010માં ફેસ્ટિવલ ઓક્ટોબરના પહેલા સોમવાર સુધી લંબાવાયો હતો. કારણ કે, એ દિવસે ઓક્ટોબર ફેસ્ટિવલને 200 વર્ષ પૂર્ણ થયા હતા.





ઓક્ટોફેસ્ટમાં એકસાથે આઠ-દસ મગ લઈને
બિયર પીરસવો એ પણ એક કળા છે

આ ફેસ્ટિવલમાં સોળ જ દિવસમાં જ સાત મિલિયન લિટર બિયર પીવાઈ જાય છે. જોકે, મ્યુનિકમાં આવતા લાખો પ્રવાસીઓના કારણે પણ વિવિધ પ્રકારના બિયરની ખપત વધુ થાય છે. વળી, અહીં વિશિષ્ટ રીતે રાંધેલી રોસ્ટેડ પોર્ક અને ગ્રીલ્ડ હેમ હોક જેવી ભૂંડના માંસની વાનગીઓ, ચિકન તેમજ સ્વાદિષ્ટ નોન-વેજ ડિશ સાથે ચીઝ નૂડલ્સ, ગ્રીલ્ડ ફિશ, પોટેટો પેનકેક અને રેડ કેબેજ જેવી પરંપરાગત જર્મન વાનગીઓનો લ્હાવો લેવા પણ પ્રવાસીઓ ઊમટી પડે છે. હા, જર્મનીમાં પીરસાતો બિયર પણ અનેક રીતે વિશિષ્ટ હોય છે. કારણ કે, ફેસ્ટિવલમાં ‘જર્મન બિયર પ્યોરિટી લૉ’ હેઠળ ફક્ત છ ટકા આલ્કોહોલ ધરાવતો બિયર જ પીરસી શકાય છે. એટલું જ નહીં, ઓક્ટોબર ફેસ્ટિવલ બિયર બનાવવા ફક્ત પાણી, જવજળ અને હોપ્સ નામના ફૂલોના રસનો જ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ફેસ્ટિવલમાં પીરસાતો બિયર મ્યુનિક શહેરમાં જ બનાવાયેલો હોય છે. નવાઈની વાત તો એ છે કે, આ પ્રકારનો દારૂ બનાવવાની કાયદેસરતા ફક્ત પાંચ કંપની પાસે છે, અને ‘ઓક્ટોબરફેસ્ટ બિયર’ શબ્દ ક્લબ ઓફ મ્યુનિક બ્રેવરીઝનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.

ઓક્ટોબરફેસ્ટનું સૌથી સુંદર આયોજન કોઈ હોય તો તે છે, બિયરના પ્રકાર મુજબ ટેન્ટ ઊભા કરવા. આ ટેન્ટ ફક્ત બે જ પ્રકારના હોય છે, મોટા અને નાના. મોટા ટેન્ટમાં એક હજારથી લઈને આઠેક હજાર લોકો બેસી શકે છે, અને નાના ટેન્ટમાં એકસોથી લઈને પાંચસો વ્યક્તિના બેસવાની વ્યવસ્થા હોય છે. અહીં સામાન્ય રીતે 14 મોટા અને 20 નાના ટેન્ટ હોય છે. આ દરેક ટેન્ટને ખાસ નામ હોય છે અને તે દરેકમાં દર વર્ષે એક જ પ્રકારનો બિયર અને વાનગીઓ પીરસાય છે. વળી, દરેક ટેન્ટનું આગવું સંગીત પણ હોય છે. આમ કરવાથી ફૂટબોલ ટીમની જેમ ટેન્ટના પણ ચાહકો ઊભા થાય છે. જેમ કે, હીપ્પોડ્રોમ નામના ટેન્ટની અંદર 3,200 અને બહાર હજાર લોકો બેસી શકે છે. દર વર્ષે ફેસ્ટિવલમાં મુલાકાતીઓને સૌથી પહેલાં આ જ ટેન્ટ જોવા મળે છે. કારણ કે, તેની જગ્યા પણ દર વર્ષે એ જ હોય છે. અહીં વાઈઝમ અને સેક્ત (સ્પાર્કલિંગ વાઈન) જેવા બિયરની સાથે ઓક્ટોબરફેસ્ટના ક્લાસિકલ સંગીતની મજા લઈ શકાય છે. તો, ઓચસેનબ્રાટેરી નામના ટેન્ટમાં સ્પેટન નામનો બિયર અને બળદના માંસની જાતભાતની વાનગીઓ પીરસાય છે. આ ટેન્ટની અંદર 5,900 અને બહાર 1,500 લોકો બેસી શકે છે. જ્યારે ગ્લોકલ રિટ નામના નાના ટેન્ટમાં ફક્ત 140 લોકો બેસી શકે છે. પરંતુ આ ટેન્ટમાં જર્મન કલાકારોના અને જર્મન સંસ્કૃતિને દર્શાવતા તૈલ ચિત્રો, એન્ટિક ચીજવસ્તુઓ અને રસોઈના સાધનો જોઈ અને ખરીદી શકાય છે. આમ દરેક ટેન્ટ જર્મન સંસ્કૃતિની ઓળખ કરાવે છે.


મોટા ટેન્ટની અંદરનું દૃશ્ય 

પરંપરાગત ચીજવસ્તુઓ વેચતો નાનકડો ટેન્ટ

વર્ષ 1950થી મ્યુનિકના મેયર બપોરે બાર વાગ્યે બિયરનું પહેલું પીપ ભરીને ઓક્ટોબરફેસ્ટ ખૂલ્લો મૂકે છે, અને આ દરમિયાન ફેસ્ટિવલને બાર બંદૂકોની સલામી પણ આપવામાં આવે છે. ત્યાર પછી મેયર બાવરિયા સ્ટેટના મંત્રી કે પ્રમુખને બિયરનો પહેલો ગ્લાસ આપે છે. ઓક્ટોબરફેસ્ટની સાથે કૃષિ મેળો અને ભવ્ય ઘોડા દોડનું પણ આયોજન થતું હતું, પરંતુ વર્ષ 1960થી ઘોડા દોડ બંધ કરી દેવાઈ છે. બીજી તરફ, આ જ વર્ષથી જર્મનીનો બિયર ફેસ્ટિવલ વિશ્વભરમાં લોકપ્રિય થતો ગયો. શરૂઆતમાં વિશ્વભરના ફોટોગ્રાફરો પરંપરાગત કપડાંમાં સજ્જ જર્મનોની તસવીરો લેવા ફેસ્ટિવલમાં આવતા હતા. દુનિયાના ખૂણે ખૂણે ઓક્ટોબરફેસ્ટને પહોંચાડવામાં આ ફોટોગ્રાફરોનો પણ સિંહફાળો છે.

જોકે, વર્ષો પહેલાંના અને અત્યારના ઓક્ટોબરફેસ્ટમાં આસમાન જમીનનો તફાવત છે. આજે મ્યુનિકના થેરેસિનવિઝ નામના હાર્દસમા 42 હેક્ટર વિસ્તારમાં યોજાતા આ ફેસ્ટિવલમાં ક્ષમતા કરતા વધુ બિયર પી જતા યુવાનોની સારવાર કરવી અને તેમને સાચવવા એ પણ મોટો પ્રશ્ન છે. યુવાનો ભૂલી જાય છે કે, વધુમાં વધુ છ ટકા આલ્કોહોલ ધરાવતા બિયરમાં સુગરનું પ્રમાણ ખૂબ ઊંચુ હોય છે. જોકે ફેસ્ટિવલમાં જર્મન રેડ ક્રોસ એક હજાર વોલેન્ટિયર ડૉક્ટરો સાથે ખડે પગે સેવા આપે છે. આ સિવાય મ્યુનિક પોલીસ, ફાયર વગેરેની ખાસ ટુકડીઓ પણ ફરજ પર હોય છે. આ સિવાય અહીં અલાયદો ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ નામનો તંબૂ ઊભો કરવામાં આવે છે. અહીં મુલાકાતીઓ ખોવાયેલી ચીજવસ્તુઓ જ નહીં, પોતાના બાળકો પણ મેળવી શકે છે. વળી, વર્ષ 1970થી તો જર્મન ગે ઓર્ગેનાઈઝેશન ઓક્ટોબરફેસ્ટમાં ‘ગે ડે’નું પણ આયોજન કરે છે. જર્મનીના સંગીતનો પરિચય મેળવવા પણ આ ફેસ્ટિવલ ઉત્તમ છે. જોકે, બાળકો અને ઘરડાં લોકોને ધ્યાનમાં રાખીને વર્ષ 2005થી અહીં ‘ક્વાયટ ઓક્ટોબરફેસ્ટ’નો ખ્યાલ અમલી કરાયો છે. જે અંતર્ગત સાંજે છ વાગ્યા સુધી 85 ડેસિબલથી વધુ અવાજે સંગીત વગાડી શકાતું નથી.



ફેસ્ટિવલમાં વિવિધ રાઈડ્સ
જર્મનીના મ્યુનિક શહેરની  થેરેસિનવિઝ નામની  42 હેક્ટર જગ્યામાં જ્યાં
ઓક્ટોબર ફેસ્ટિવલ ભરાય છે તેની રાત્રે લીધેલી એરિયલ તસવીર 

ઓક્ટોબરફેસ્ટના અંતે એક હજાર ટન કચરો પેદા થાય છે. જોકે, સતત 16 દિવસ સુધી રોજેરોજ સવારે આખું 42 હેક્ટરનું મેદાન સંપૂર્ણ સાફ કરવામાં આવે છે. આ આયોજન સિટી ઓફ મ્યુનિક અને સ્પોન્સર સંયુક્ત ભાગીદારીમાં હોય છે. જેમાં હંગામી ધોરણે ઊભા કરાયેલા 1,800 ટોઈલેટનો પણ સમાવેશ થાય છે. જોકે, દર વર્ષે ટોઈલેટની સંખ્યા પણ સતત વધતી રહે છે. વળી, ફેસ્ટિવલમાં રખાયેલા ટેન્ટમાં મોબાઈલ પર વાતચીત કરવા પર પણ પ્રતિબંધ છે. તેથી વર્ષ 2005માં આયોજકોએ મોબાઈલ ફોન જામર્સ લગાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જર્મનીમાં જામિંગ ડિવાઈસનો ઉપયોગ ગેરકાયદે હોવાથી આ યોજના પડતી મૂકાઈ હતી, અને સાઈન બોર્ડ લગાવીને સંતોષ માન્યો હતો.

આ ફેસ્ટિવલ આયોજનની દૃષ્ટિએ અન્ય મેળા કરતા અનેકગણો ચડિયાતો છે. ભારત જેવા તહેવારોના દેશે પોતાના તહેવારો, પરંપરા અને વિવિધ મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે લોકપ્રિય બનાવવા તે આવા વૈશ્વિક લોકપ્રિયતા ધરાવતા ફેસ્ટિવલોમાંથી શીખવું જોઈએ.

બિયર ફેસ્ટિવલની ઉજવણીનો ઈતિહાસ

રાણી થેરેસ ઓફ
સાક્સ-હિલ્ડબરઘોસેન
જર્મનીના રાજા લુડવિગ પહેલાએ 12 ઓક્ટોબર, 1810ના રોજ રાણી થેરેસ ઓફ સાક્સ-હિલ્ડબરઘોસેન સાથે લગ્ન કર્યા હતા. આ રાજવી લગ્નમાં આખા મ્યુનિકની પ્રજાને આમંત્રણ અપાયું હતું. એકસાથે આટલા લોકોની ખાણીપીણી અને ઉજવણીની વ્યવસ્થા નામના વિસ્તારમાં કરાઈ હતી. આજે 42 હેક્ટરમાં ફેલાયેલી આ જગ્યા રાણીના નામ પરથી થેરેસિનવિઝ તરીકે ઓળખાય છે. જેનો જર્મન ભાષામાં અર્થ થાય છે, થેરેસાનું ખેતર. આ લગ્નમાં લોકોના મનોરંજન માટે રાજવી પરિવારે એક ઘોડા દોડનું આયોજન કર્યું હતું. પરંતુ વર્ષ 1950થી આવી દોડ બંધ કરી દેવાઈ છે. જ્યારે છેલ્લાં 200 વર્ષમાં કોલેરાનો રોગચાળો અને વિશ્વ યુદ્ધ જેવા કારણોસર ઓક્ટોબરફેસ્ટ કુલ 24 વાર રદ કરાયો છે. વર્ષ 1980માં જર્મન જમણેરી જૂથના સભ્યોએ ઓક્ટોબરફેસ્ટમાં પાઈપ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં 13 લોકોનો મોત નિપજ્યા હતા, અને 269 લોકોને ઈજા થઈ હતી. 

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.

14 September, 2012

ક્રાંતિકારી ફિલ્મ ડિરેક્ટર બેડોની ફિલ્મ ‘ચિત્તગોંગ’


એક ક્રાંતિકારી વિચારો ધરાવતો બંગાળી યુવક કોલકાતામાં કોલેજ પૂરી કરીને વધુ અભ્યાસ માટે આઈઆઈટી ખરગપુર જાય છે. અહીં તે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક થઈને ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં એડમિશન લે છે. અહીં માસ્ટર્સ અને પીએચ.ડી. પૂરું કરે છે. આ દરમિયાન તે ચારેક મિત્રો સાથે મળીને એક્ટિવ પિક્સલ સેન્સર નામની ટેક્નોલોજી વિકસાવીને વિશ્વનો સૌથી નાનો કેમેરા બનાવે છે. આ કેમેરાને અમેરિકાની સ્પેસ ટેક્નોલોજી હૉલ ઓફ ફેમમાં સ્થાન મળે છે. આજકાલ આ કેમેરાનો મોબાઈલ ફોનમાં ઉપયોગ થઈ રહ્યો છે. બાદમાં આ યુવક સતત 18 વર્ષ સુધી નાસામાં સિનિયર રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે. આજે અમેરિકામાં આ યુવકના નામે બે-ચાર નહીં, પણ કુલ 87 પેટન્ટ બોલે છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે, આટલા અભ્યાસની સાથે-સાથે આ યુવક નાટકો, રેલીઓ અને કલાત્મક રજૂઆતો થકી સામાજિક મુદ્દા ઉઠાવતો રહે છે.

બેડાબ્રતા પેન
આ ક્રાંતિકારી યુવક એટલે બેડાબ્રતા પેન. તેઓ કહે છે કે, “હવે હું મારી જાતને અભિવ્યક્ત કરવા ‘ચિત્તગોંગ’ નામની ફિલ્મ લઈને આવ્યો છું.” આપણે કબૂલવું પડે કે, બેડાબ્રતા ઉર્ફે બેડો જેવુ વિચિત્ર નામ ધરાવતા આ ફિલ્મ ડિરેક્ટરનું નામ હિન્દી સિનેમામાં બિલકુલ જાણીતું નથી. કારણ કે, આ પહેલાં તેઓ નિર્માતા તરીકે કોંકણા સેન શર્માને ચમકાવતી ‘અમુ’ નામની ફિલ્મ લઈને આવ્યા હતા. હવે તેઓ ચિત્તગોંગ ક્રાંતિ પર આધારિત ‘ચિત્તગોંગ’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેમણે આશુતોષ ગોવારીકરની ‘ખેલે હમ જી જાનસે’ જોઈ હશે તેઓ બંગાળની ચિત્તગોંગ ક્રાંતિ અને સૂર્યાસેન વિશે થોડું ઘણું જાણતા હશે. આઝાદીકાળ વખતે સૂર્યાસેન નામના બંગાળના એક શિક્ષકે અનેક વિદ્યાર્થીઓને બ્રિટિશરો સામે લડવા માટે તૈયાર કર્યા હતા. સૂર્યાસેનના પ્રયાસોના કારણે બંગાળમાં બ્રિટિશરો વિરુદ્ધની ક્રાંતિકારી લડતમાં ઘણી મદદ મળી હતી. છેવટે સૂર્યાસેનને 12 જાન્યુઆરી, 1934ના રોજ ફાંસી આપી દેવાઈ હતી. આઝાદીની જ્યોત જીવતી રાખવાના તેમના અનન્ય પ્રયાસને બિરદાવવા ભારતે વર્ષ 1977 અને બાંગલાદેશે વર્ષ 1999માં તેમના નામે ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ‘ચિત્તગોંગ’માં સૂર્યાસેન નામના શિક્ષકનું પાત્ર મનોજ બાજપાઈએ ભજવ્યું છે.

જોકે, બેડોનું કહેવું છે કે, “મારી ફિલ્મમાં માસ્ટર દા સૂર્યાસેનના જીવનમાં બનેલી ઘટનાઓને એક 14 વર્ષના એકદમ સંસ્કારી કિશોર સુબોધ રોયની દૃષ્ટિએ જોવાનો પ્રયાસ કરાયો છે. આ ફિલ્મમાં તેનું નામ ઝૂંકુ છે, જે ક્રાંતિકારી બનતા પહેલાં પોતાની જાત સાથે લડે છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખતી વખતે મેં મારા પુત્ર ઈશાનને નજર સમક્ષ રાખ્યો હતો. હું સતત મારી જાતને પૂછતો હતો કે, જો મારો પુત્ર ઈશાન કોઈ લક્ષ્ય ખાતર આવા ક્રાંતિકારી જૂથમાં જોડાવા ઈચ્છે તો હું શું પ્રતિક્રિયા આપત! આવા પ્રશ્નોમાંથી આ વાર્તાનું સર્જન થયું છે.”

‘ચિત્તગોંગ’ ફિલ્મનું પોસ્ટર 

હવે, ઈશાનની વાત કરતાં પહેલાં થોડો ભૂતકાળ જોઈએ. બેડો કોલમ્બિયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ અને પીએચ.ડી. કરતા હતા ત્યારે ત્યાં પોલિટિકલ સાયન્સમાં શોનાલી બોઝ નામની એક બંગાળી યુવતી પણ માસ્ટર્સ કરતી હતી. એકસરખા વિચારો ધરાવતા આ બંને આઝાદ ખયાલી યુવાનો એકબીજાને પસંદ કરવા માંડે છે અને છેવટે લગ્ન કરી લે છે. શોનાલી પણ ફિલ્મ દિગ્દર્શક, સ્ક્રીપ્ટ રાઈટર અને નિર્માત્રી છે. શીખ રમખાણો પર આધારિત ‘અમુ’ ફિલ્મનું દિગ્દર્શન શોનાલીએ જ સંભાળ્યું હતું. આ ફિલ્મને શ્રેષ્ઠ અંગ્રેજી ફિચર ફિલ્મ શ્રેણીમાં વર્ષ 2005નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો હતો. ‘અમુ’માં શોનાલીએ સીપીએમના મહિલા નેતા વૃંદા કરાત પાસે પણ બખૂબી અભિનય કરાવ્યો હતો. બેડો અને શોનાલીએ ‘અમુ’થી ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ સાત વર્ષના પુત્ર ઈશાનના માતાપિતા પણ બની ગયા હતા. પરંતુ એક દિવસ ઈશાન બાથરૂમમાં શાવર લેતી વખતે ઈલેક્ટ્રિક કરંટ લાગતા મૃત્યુ પામે છે. આ ઘટનાથી તેઓ પર આભ તૂટી પડે છે.

આટલા ઊંડા આઘાતનો ભોગ બનેલા બેડોએ કદાચ એટલે જ ‘ચિત્તગોંગ’ના બળવાને 14 વર્ષીય કિશોરની દૃષ્ટિએ જોવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે, “આમ તો આ ફિલ્મ પ્રિતિલતા વાડેદર નામની ક્રાંતિકારી કિશોરીને પણ યાદ કરે છે. પ્રિતિલતા પણ સૂર્યાસેન સાથે જોડાઈને ક્રાંતિકારી બની ગઈ હતી અને તેણે યુરોપિયન ક્લબ પર હુમલો કર્યો હતો. બાદમાં તેણે જીવિત નહીં પકડાવાની યોજનાના ભાગરૂપે આત્મહત્યા કરી લીધી હતી. મેં જ્યારે પહેલીવાર પ્રિતિલતા વિશે વાંચ્યું ત્યારે હું ચોંકી ગયો હતો. કારણ કે, તે ફક્ત 21 વર્ષની જ હતી.” નોંધનીય છે કે, પ્રિતિલતાએ જે યુરોપિયન ક્લબ પર હુમલો કર્યો તેના પર “ડોગ્સ એન્ડ ઈન્ડિયન્સ નોટ એલાઉડ” એ મુજબનું બોર્ડ માર્યું હતું. 

આમ તો, બેડો બંગાળમાં ઉછર્યા હોવાથી નાનપણથી જ ચિત્તગોંગની લડતની વાર્તાઓ સાંભળીને મોટા થયા હતા. તેમને લાગતું હતું કે, ચિત્તગોંગના બળવાની વાત ઘણી જાણીતી છે. કદાચ એટલે જ તેમને આ વાર્તા કોઈને સંભળાવવાની જરૂર નહોતી લાગતી. પરંતુ દિલ્હી યુનિવર્સિટીના ઈતિહાસના એક સ્નાતક સાથે વાતચીત કરતા તેમને જાણ થાય છે, આ યુવકે પણ ચિત્તગોંગ ક્રાંતિ વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ અનુભવ પછી બેડોને લાગે છે કે, ચિત્તગોંગ પર ફિલ્મ બનાવવી જોઈએ. બેડોએ ‘ચિત્તગોંગ’નું શૂટિંગ ચિત્તગોંગમાં જ કર્યું છે, જે પ્રદેશ હાલ બાંગલાદેશમાં છે. આ ફિલ્મ માટે નિર્માતાઓ શોધતા બેડોને બે વર્ષ લાગી ગયા હતા. છેવટે સુનિલ બહોરા, અનુરાગ કશ્યપ અને એનડીટીવી સહમત થયા હતા. બેડો કહે છે કે, “આ ફિલ્મ માટે મેં પણ મારી 87 પેટન્ટમાંથી કમાયેલો એક એક પૈસો ખર્ચી કાઢ્યો છે.”

‘ચિત્તગોંગ’ 12 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવી રહી છે. ત્યાર પછી બેડો આસામ, મધ્ય ભારત અને કાશ્મીરની રાજકીય ડામાડોળ સ્થિતિ વચ્ચે આકાર લેતી એક લવસ્ટોરી પર કામ શરૂ કરવાના છે. આ ઉપરાંત તેઓ એક ક્લાસિકલ પ્રાદેશિક ફિલ્મની રિમેક બનાવવાનું પણ વિચારી રહ્યા છે. આશા રાખીએ કે, ‘ચિત્તગોંગ’ સફળ થાય અને તેમણે પેટન્ટ થકી કરેલી કમાણી તેમને પાછી મળી જાય!

12 September, 2012

“જો કભી નહીં જાતી, વો જાતિ હૈ”


યુપીએ સરકારે ચોમાસું સત્ર પૂર્ણ થવાનું હતું ત્યારે અનુસુચિત જાતિ અને જનજાતિ માટે સરકારી નોકરીમાં બઢતીમાં અનામત રાખવા અંગે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. પરંતુ કોલસાની ખાણોની ફાળવણી મુદ્દે વિપક્ષ સંસદ ચાલવા દેતો નહીં હોવાથી આ પ્રસ્તાવની ચર્ચા હવે શિયાળુ સત્રમાં થવાની ધારણા છે. આમ તો કેન્દ્ર સરકાર અનુસુચિત જાતિ અને જનજાતિઓના વિકાસ માટે અગાઉ પણ ચાર બંધારણીય સુધારા કરી ચૂકી છે. પરંતુ સર્વોચ્ચ અદાલતમાં આ ચારેય સુધારાને એમ કહીને પડકારવામાં આવ્યા હતા કે, આ પ્રકારના બંધારણીય ફેરફારોથી બંધારણના મૂળભૂત માળખાનો ભંગ થાય છે. વર્ષ 1992માં સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહની કેસમાં ચુકાદો આપતી વખતે બઢતીમાં અનામતના લાભને બંધારણ વિરોધી ગણાવ્યો હતો. આમ છતાં, દેશની તત્કાલીન સ્થતિને ધ્યાનમાં લઈને આ પ્રકારની અનામતને પાંચ વર્ષ સુધી અમલી રાખવાની છૂટ આપી હતી. પરંતુ વર્ષ 1995માં સરકારે 77મો બંધારણીય સુધારો કરીને બઢતીમાં અનામતને ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ વર્ષ 2006માં નાગરાજ કેસમાં અનામતને પડકારાતા સર્વોચ્ચ અદાલતે પછાતપણું, અપૂરતું પ્રતિનિધિત્વ અને વહીવટી તંત્રની ક્ષમતા જોખમાય નહીં એ ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખીને બઢતીમાં અનામત ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

જોકે, દેશમાં વ્યાપક સ્તરે તકોની અસમાન વહેંચણી હોય અને બંધારણ તમામ નાગરિકોને સમાન ગણતું હોય ત્યારે સરકાર પછાત લોકોને વિકસિત વર્ગ નજીક લાવવાની કોશિષ કરે તે સંપૂર્ણ બંધારણીય પગલું જ છે. પરંતુ મોટે ભાગે બને છે તેમ ‘અનામત’ શબ્દ સાંભળીને જ સવર્ણો ઉછળી પડે છે અને બીજી તરફ, મતબેંકનું રાજકારણ ખેલતા મોટા ભાગના પક્ષો અનામત જેવા ગંભીર મુદ્દાને પણ રાજકીય ગણતરીઓ કરીને આગળ વધારે છે. પરિણામે આટલા આટલા ગંભીર મુદ્દાની વ્યાપક પરિપ્રેક્ષ્યમાં છણાવટ થઈ શકતી નથી. દેશ-સમાજને ગમે તેવું નુકસાન થતું હોય તો પણ મતદારોને નારાજ કરવાનું રાજકારણીઓને ગમતું નથી. ખરેખર, આ સ્થિતિ રાજકારણીઓ કરતા પ્રજા માટે વધુ શરમજનક ગણાવી જોઈએ. પ્રજા જ જ્ઞાતિપ્રથા કે જાતિવાદમાં રચીપચી રહે છે અને રાજકારણીઓ તેનો બખૂબી લાભ લઈ રહ્યા છે. દેશની પ્રવર્તમાન સ્થિતિ જોતા લાગે છે કે, ભારતમાંથી ક્યારેય અનામત નાબૂદી શક્ય નહીં બને. આઝાદી વખતના અને અત્યારના સરેરાશ ભારતીયની માનસિકતામાં આશ્ચર્યજનક રીતે કોઈ ફર્ક નથી પડ્યો. કદાચ એટલે જ એકવાર રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે, “જો કભી નહીં જાતી, વો જાતિ હૈ.”

સંસદમાં ચોથી સપ્ટેમ્બરે બઢતીમાં અનાતનો વિરોધ કરી રહેલા સાંસદો 

બઢતીમાં અનામતનો સ્વભાવિક રીતે સવર્ણો અને અન્ય સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત સમાજવાદી પક્ષે પણ બઢતીમાં અનામતનો વિરોધ કરતા કહ્યું છે કે, દલિતોને બઢતીમાં અનામતનો લાભ આપવાથી પછાતો વધુ પાછળ જશે. સમાજવાદી પક્ષ પછાત જાતિનો પક્ષ છે અને તેમને એવું લાગે છે કે, આ પ્રકારના બંધારણીય ફેરફારોથી તેમને નુકસાન થશે. બીજી તરફ, માયાવતીના બહુજન સમાજ પક્ષે બઢતીમાં અનામતને ટેકો આપ્યો છે. કારણ કે, તે દલિતોનો પક્ષ છે. અહીં નોંધવું જોઈએ કે, આજે દેશમાં દલિતોનું નેતૃત્વ નહીંવત છે અને બહુજન સમાજ પક્ષ જેવા ગણ્યાગાંઠ્યા પક્ષો જ દલિતોનું રાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રતિનિધિત્વ કરે છે. કમનસીબે, પછાત જાતિઓનું પ્રતિનિધિત્વ કરતા પક્ષો આ પ્રકારના બંધારણીય ફેરફારો થાય તો પણ રાજકીય લાભ ખાટી લેવા માંગે છે. પછાત વર્ગોની ઈચ્છા છે કે, એકવાર આ દરખાસ્ત મંજૂર થઈ જાય તો પછાતોને પણ બઢતીમાં અનામત માટેનો માર્ગ મોકળો થઈ જશે. પરંતુ હાલ તો સમાજવાદી પક્ષનું અનામતમાં બઢતી મુદ્દે અક્કડ વલણ છે. તેથી કેટલાક લોકો માને છે કે, આ ખરડો પણ મહિલા અનામતની જેમ રાજકીય પ્રતિસ્પર્ધામાં અટવાઈ જશે.

‘બઢતીમાં અનામત’ જેવો શબ્દ સાંભળતા જ મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. જેમ કે, નોકરી માટે અનામતની જોગવાઈ છે તો બઢતીમાં પણ અનામત કેમ? કોઈ વ્યક્તિની યોગ્યતા અને કૌશલ્યને નજરઅંદાજ કરીને દલિતને બઢતી અપાશે? મહેનત, ફરજનિષ્ઠતા અને મેરિટનું શું? આ વાતનો જવાબ આપતા નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઈબના અધ્યક્ષ પી.એલ. પૂનિયા કહે છે કે, “દલિતો કે આદિવાસીઓને તેમના દેખાવના આધારે જ બઢતી અપાશે. પરંતુ સમાજવાદી પક્ષ એસ.સી. કે એસ.ટી.ને બહુ બધા લાભ મળી જશે એવા જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યો છે. યોગ્ય દેખાવ નહીં કરતા અને અયોગ્ય કર્મચારીઓને બઢતી નહીં આપવામાં આવે. આ નીતિથી ફક્ત સમાજના એક વર્ગને લાભ મળશે જેમને અગાઉ કોઈ લાભ નથી મળ્યા. જો દલિતો અને આદિવાસીનો પહેલેથી જ સમાન તકો મળતી હોત તો, હું એ પહેલી વ્યક્તિ હોત કે જેણે આવી અનામત માટે ના પાડી દીધી હોત. પરંતુ આજે અમે જમીન પણ રાખી શકતા નથી. જો ભારતમાં જાતિ આધારિત સમાજ વ્યવસ્થા અટકી જાય અને અસ્પૃશ્યતા પણ ન હોય તો અનામતની જરૂર નથી. પરંતુ જ્યાં સુધી આવી સ્થિતિ છે ત્યાં સુધી ખાસ લાભ મળવા જોઈએ.”

બઢતીમાં અનામતનો વિરોધ કરી રહેલા લોકો મુખ્યત્વે મેરિટ, બઢતીમાં અન્યાય, જાતિવાદને આડકતરું પ્રોત્સાહન અને પરિણામે સમાજમાં વૈમનસ્યમાં વધારો જેવા મુદ્દા આગળ ધરી રહ્યા છે. જોકે, આ તમામ મુદ્દામાં થોડા ઘણાં અંશે વજૂદ રહેલું છે. કારણ કે, પી.એલ. પૂનિયા કહે છે તેમ દલિતો કે આદિવાસીઓને ભલે દેખાવના આધારે બઢતી આપવામાં આવે પરંતુ તેમના જેટલું જ કે તેમનાથી વધુ કૌશલ્ય ધરાવતા સહકર્મચારીઓ આ વાત ક્યારેય સ્વીકારી નહીં શકે. આવા કારણોસર ધીમે ધીમે સમાજમાં સવર્ણો અને દલિતો વચ્ચેના વૈમનસ્યમાં વધારો થશે. ખરેખર અનામતનો હેતુ સમાજના દરેક વર્ગને સમાન તક આપીને સંતુલિત વિકાસ સાધવાનો હતો.

બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું હતું કે, આમ કરવાથી જાતિવાદનો ભેદભાવ દૂર થઈ જશે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે, અનામતે જાતિવાદને પ્રોત્સાહન મળ્યું છે અને કમનસીબે જાતિવાદી રાજકારણ પણ આપણા લમણે લખાઈ ગયું છે. આજે ગુર્જરો, રાજપૂતો સહિતના લોકો દલિતોની જેમ અનામતની માંગ કરી રહ્યા છે. બંધારણના ઘડવૈયાઓ પણ માનતા હતા કે, જાતિભેદને નાબૂદ કરવા માટે તમામ પ્રકારનાં અનામતને ધીમે ધીમે હટાવી દેવા જોઈએ. પરંતુ મતબેંકના રાજકારણમાં આઝાદી પછીના આટલા વર્ષોમાં તે શક્ય નથી બની શક્યું અને ઊલટાનો અનામતનો વ્યાપ વધારાઈ રહ્યો છે. 

બઢતીમાં અનામતની તરફેણ કરતા લોકો એમ પણ કહે છે કે, દલિતો ક્યારેય ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકતા નથી અને પરિણામે સમાજમાં તેમનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે. તેથી બઢતીમાં અનામતપ્રથા લાગુ કરવી જોઈએ. પરંતુ નિષ્ણાતોનો તર્ક છે કે, ઉંમરમાં છૂટછાટ હોવાના કારણે દલિતો અન્ય લોકો કરતા નોકરીમાં મોડા આવે છે. તેથી તેમનો નોકરીનો કાર્યકાળ અન્ય અધિકારીઓની સરખામણીમાં ઓછા હોય છે, અને તેથી તેઓ ઉચ્ચ હોદ્દા પર પહોંચી નથી શકતા. ખેર, ભારતમાં અનામત પ્રથાના કારણે અત્યંત જટિલ પ્રશ્નો સર્જાયા છે. ઓ.પી. શુક્લ નામના એક સામાજિક કાર્યકર્તાએ સર્વોચ્ચ અદાલતમાં અનુસુચિત જાતિ અને જનજાતિઓની યાદીમાંથી કેટલાક દલિત સમુદાયોને જ રદ કરવાની માંગણી કરી હતી. તેમની દલીલ છે કે, દલિતો માટેની અનામત બેઠકોના નવ્વાણું ટકા બેઠકો ફક્ત દસેક દલિત કોમો પાસે છે. જ્યારે બાકીની 1,500થી પણ વધુ દલિત કોમોના ફાળે માત્ર એક ટકો બેઠકો છે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, રાજકીય, શૈક્ષણિક અને નોકરીની અનામતોના લાભ નાનકડા વર્ગ પૂરતા મર્યાદિત છે, અને સમગ્ર દલિત કે આદિવાસી સમાજને તેના લાભ મળ્યા નથી. ગુજરાતમાં પણ દલિતોમાં નીચામાં નીચા ગણાતા 35 લાખ દલિતો એવા છે કે જેમને અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળ્યું જ નથી. વળી, એક આરટીઆઈમાં બહાર આવ્યું છે કે, ગુજરાતમાં દલિતોની 13 બેઠક પર ચૂંટાયેલા દલિત પ્રતિનિધિઓએ નીચી ગણાતી દલિત કોમના મુદ્દા ઉઠાવ્યા જ નથી. આદિવાસી સમાજની સ્થિતિ પણ કંઈક આવી જ છે. આદિવાસીઓની ઉચ્ચ ગણાતી પાંચેક જાતિઓને જ અનામતના લાભ મળ્યાં છે. તેથી આજના સંજોગોમાં સૌથી મહત્ત્વનું છે, અનામત પ્રથાને બને તેટલી ન્યાયસંગત બનાવવાનો પ્રયાસ કરવો.

અગાઉ પણ અનેકવાર કહેવાયું છે કે, ભારતમાં અનામતને ન્યાયસંગત બનાવવાનો સૌથી આદર્શ વિકલ્પ જ્ઞાતિ સ્તરે અનામત પાછી ખેંચી લઈને કૌટુંબિક સ્તરે અનામત આપવાનો છે. કેન્દ્રીય સ્તરે કાર્યરત પછાતવર્ગોના અનેક મંડળોએ પણ આ સિદ્ધાંત અપનાવ્યો છે અને તે લગભગ સ્વીકૃત પણ બન્યો છે. જેમ કે, જેની પાસે સારું ઘર છે, સાક્ષર છે અને નોકરી છે તેઓ અનુસુચિત જાતિ કે જનજાતિના હોવા છતાં તેમને અનામતના લાભ લેતા રોકી શકાય છે. એવી જ રીતે કોઈ અનામત વર્ગનો વિદ્યાર્થી સારા ગુણ લાવે તો તેનો પ્રવેશ જનરલ કેટેગરીમાં ગણીને વધુ પછાત અને ઓછા ગુણવાળા વિદ્યાર્થીને અનામતનો લાભ આપી શકાય. જોકે, હાલ આ વ્યવસ્થા છે જ, પરંતુ તે વૈકલ્પિક છે. પરંતુ હવે તેને ફરજિયાત બનાવી દેવી જોઈએ. એક સરળ ઉદાહરણ જોઈએ તો, કોઈ અંતરિયાળ ગામમાં ઢોર ચરાવતા રબારી અને શહેરમાં જમીન-મકાનની દલાલી કરતા રબારીની જીવનશૈલીમાં આસમાન-જમીનનો તફાવત હોય છે.

કેન્દ્ર સરકારે સમયાંતરે આ પ્રકારની મોજણી કરીને ફક્ત સમાજના વાસ્તવિક રીતે પછાત વર્ગને જ અનામતના લાભ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. બંધારણની રચના વખતે પણ અનામતની વ્યવસ્થા ફક્ત દસ વર્ષ માટે હતી, પરંતુ દર દસ વર્ષે મૂલ્યાંકન કરતા માલુમ પડે છે કે અનામતનો હેતુ પૂરો થયો નથી, અને સંસદે ફરી એકવાર ઠરાવ પસાર કરીને અનામત લંબાવે છે. પરંતુ આમ તો ક્યારેય અનામત પ્રથા નાબૂદ નહીં થાય. ખરેખર તો, જે લોકો અનામતના લાભ લઈને જીવનમાં આગળ વધી ગયા છે તેવા કુટુંબો કે જાતિને સરકારે જ અનામતના લાભ લેતા રોકવા જોઈએ. આ માટે વિવિધ સમાજના આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ. કારણ કે, રાજકારણીઓને મતબેંકનું રાજકારણ ખેલતા અટકાવવાનો આ જ સૌથી સારો વિકલ્પ છે. જેમ કે ભૂતકાળમાં કચ્છના કોળી અને વાઘરીને અનુસુચિત જનજાતિમાંથી દૂર કરીને બક્ષીપંચમાં સમાવાયા હતા. અનામત પ્રથા ધીમે ધીમે નાબૂદ કરવા માટે પણ આ ઉત્તમ રસ્તો છે. અનામતનો અર્થ સામાજિક સમાનતા નથી, પરંતુ સામાજિક સમાનતા માટે વધુ સારા ઉપાયોના અભાવમાં જન્મેલી મજબૂરી છે. તેથી આપણે તાત્કાલિક ધોરણે આવા સારા ઉપાયોનો અમલ શરૂ દેવો જોઈએ.

નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

11 September, 2012

પોતાને જીવિત સાબિત કરવા ખર્ચી કાઢ્યા 24 વર્ષ


દેશભરમાં રાશન કાર્ડથી લઈને આધાર કાર્ડ મેળવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળે છે. પરંતુ તમે એ વાત ક્યારેય નોંધી છે કે, આવી કતારોમાં મહિલાઓની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં હોય છે. આમ છતાં ધોમધખતા તાપમાં ઊભી રહીને રાશન કાર્ડ મેળવતી મહિલાઓ લગ્નની નોંધણી માટે જાગૃત નથી. એવી જ રીતે, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાસપોર્ટ માટે પડાપડી કરતી શહેરની મહિલાઓ પણ લગ્નનું પ્રમાણપત્ર મેળવવામાં ઉદાસીન છે. લગ્નનું પ્રમાણપત્ર નહીં હોવાના કારણે પુરુષ કરતા મહિલાઓને વધુ સહન કરવું પડે છે એ વાત યાદ રાખવી જરૂરી છે. આવા અનેક કિસ્સા આપણે સાંભળીએ છીએ પણ કમનસીબે ‘ન્યૂઝ વેલ્યૂ’ ધરાવતા કિસ્સા જ ટીવી ચેનલો કે અખબારોમાં ચમકતા હોય છે. આવી જ એક ઘટનાની એક ન્યૂઝ ચેનલ અને કેટલાક રાષ્ટ્રીય અખબારોએ નોંધ લીધી હતી. અશરફી દેવી નામની આ મહિલાના ફક્ત 12 વર્ષની ઉંમરે એક વિધુર સાથે લગ્ન કરી દેવાયા હતા, 19 વર્ષે માતા બની ગઈ હતી, 23 વર્ષે પતિએ ઘરની બહાર કાઢી મૂકી હતી અને 40 વર્ષે ખોટા પ્રમાણપત્રના આધારે મૃત જાહેર કરી દેવાઈ હતી. પરિણામે અશરફી દેવીએ ફક્ત એક પ્રમાણપત્રના અભાવે જિંદગીના 24 વર્ષ પોતાને જીવિત સાબિત કરવામાં વિતાવવા પડ્યા છે.

અશરફી દેવીનો જન્મ વર્ષ 1960માં બિહારના રોહતાસ જિલ્લાના બારૂન ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેના માતાપિતાએ ફક્ત 12 વર્ષની ઉંમરે નાનકડી અશરફીના લગ્ન તેમના જ ગામના ખેડૂત રમઝાન સિંઘ સાથે કરી દીધા હતા. જોકે, રમઝાન સિંઘ અને અશરફી દેવીએ પોતાના લગ્નની નોંધણી કરાવી ન હતી. ગ્રામ્ય ભારતમાં આજે પણ લગ્નોની નોંધણીનું પ્રમાણ નહીવત છે. પરિણામે અશરફી દેવી પાસે પોતાના લગ્નને કાયદેસરતા આપવા કોઈ જ દસ્તાવેજો નથી. જોકે, અશરફી દેવીને બરાબર યાદ છે કે, તેમના બહુ નાની વયે લગ્ન કરી દેવાયા હતા. એ દિવસે તેમને દુલ્હનની લાલ સાડી પહેરાવીને સજાવાયા હતા અને તેમના લગ્નના દિવસે આખો દિવસ મહોલ્લામાં લાઉડ સ્પિકર પર હિન્દી ફિલ્મોના ગીતો વાગ્યા હતા.

અશરફી દેવીને વર્ષ 1988માં મૃત જાહેર કરાયા હતા.

અશરફી દેવીના લગ્ન ફક્ત 12 વર્ષની ઉંમરે કરી દેવાયા હોવા છતાં તેઓ ખુશ હતા. પરંતુ આ ખુશી લાંબો સમય ટકી ન હતી. તેમના લગ્ન થયાના થોડા જ દિવસમાં તેમને જાણ થઈ કે, તેઓ રમઝાન સિંઘના બીજા પત્ની છે. ખરેખર તે વિધુર હતો અને અગાઉ પણ લગ્ન કરી ચૂક્યો હતો. પરંતુ તેની પહેલી પત્ની ઝલકિયા દેવીનું આ લગ્નના થોડા સમય પહેલાં જ મૃત્યુ થયું હતું. આમ છતાં રૂઢિચુસ્ત સમાજ અને નાની ઉંમરના કારણે અશરફી દેવી પતિનો વિરોધ કરી શકે એમ ન હતા. છેવટે ફક્ત 19 વર્ષની વયે તેમણે એક બાળકીને જન્મ આપ્યો. હવે, અશરફી દેવીની કુખે પુત્રીનો જન્મ થયો હોવાથી રમઝાન સિંઘે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો.

અશરફી દેવી જણાવે છે કે, “મારી પુત્રીના જન્મના ચાર જ વર્ષમાં પતિએ અમને કાઢી મૂક્યા, અને પછી અમે મારા માતા-પિતાના ઘરે રહેતા હતા.” આવી રીતે વર્ષો વીતી ગયા અને તેમની પુત્રી બિમલા દેવી પણ પરણવાને લાયક થઈ ગઈ. અશરફી દેવીએ શાકભાજીનો ધંધો કરતા અનિલકુમાર સિંઘ નામના યુવક સાથે ધામધૂમથી પુત્રીના લગ્ન કરાવ્યા. આ લગ્નનો ખર્ચ અશરફી દેવીના પિતા અને ભાઈએ ઉઠાવ્યો. કદાચ અશરફી દેવીને લાગ્યું કે, પુત્રીનું યોગ્ય યુવક સાથે લગ્ન કરાવીને તેમનું જીવન સુધરી ગયું છે. પરંતુ અશરફી દેવી શાંતિથી જીવન જીવે એ કદાચ વિધાતાને મંજૂર નહોતું.

એક દિવસ અશરફી દેવીને સમાચાર મળ્યા કે, રમઝાન સિંઘે સૂર્યપૂરા પંચાયતમાં અશરફી દેવીના મૃત્યુનું ખોટું પ્રમાણપત્ર બનાવડાવીને ત્રીજા લગ્ન કરી દીધા છે. આ સમાચાર મળતા જ અશરફી દેવીના ગુસ્સાનો પાર ન રહ્યો. અશરફી દેવીના મૃત્યુનું પ્રમાણપત્ર 30 ડિસેમ્બર, 1988ના રોજ ઈસ્યૂ કરાયુ હતું. આમ રમઝાને 40 વર્ષની વયે અશરફીને મૃત્યુ જાહેર કરી દેતા તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા. જોકે, અશરફી દેવીએ આત્મવિશ્વાસ સાથે સૌથી પહેલાં પોતાને જીવિત સાબિત કરવાનો નિર્ણય લીધો, અને પોલીસ, રાજકારણીઓ અને અદાલતોમાં ચક્કર કાપવાના શરૂ કર્યા.

અશરફી દેવી કહે છે કે, “મેં અનેક લોકોના દરવાજા ખટખટાવ્યા, પોલીસથી લઈને અદાલતોના. હું જીવતેજીવ તેમની સામે ઊભી હોવા છતાં કોઈ મને સત્તાવાર રીતે જીવિત સાબિત કરી શકે એમ ન હતું. છેવટે એક સમયે મેં પણ આશા છોડી દીધી હતી.” પોતે જીવિત છે એવું સાબિત કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેથી માતાપિતા અને ભાઈને પોતાના કારણે કોઈ ધાક-ધમકીનો સામનો ન કરવો પડે એ માટે અશરફી દેવી પુત્રીના ઘરે રહેવા જતા રહ્યા. અશરફી દેવીના જમાઈ અને પુત્રી પણ બારૂનમાં તેમની ઝૂંપડીથી અડધો કિલોમીટર દૂર જ રહેતા હતા. આ દરમિયાન તેમને રમઝાન સિંઘ અને તેની નવી પત્ની સુભોગા દેવીની ધમકીઓ મળતી રહેતી હતી. બીજી તરફ, લગ્નનું પ્રમાણપત્ર નહીં હોવાના કારણે તેઓ એવું પણ સાબિત કરી શકે એમ ન હતા કે, રમઝાન સિંઘ તેમનો પતિ છે.

આ દરમિયાન રમઝાન સિંઘે વર્ષ 1993-94માં અશરફી દેવી પર ચોરીના ખોટા આરોપો મૂકીને તેમને જેલની સજા કરાવી. વળી, અશરફી દેવીને કાગળ પર મૃત્યુ જાહેર કરીને તેણે પોતાની તમામ સંપત્તિના વારસાઈ હક્ક નવી પત્નીને આપી દીધા હતા. પરંતુ અશરફી દેવીના જીવનનું એક જ લક્ષ્ય હતું કે, કોઈ પણ ભોગે તેઓ રમઝાન સિંઘના સત્તાવાર પત્ની છે અને પોતે જીવિત છે એવું સાબિત કરવું. છેવટે તેમણે સૂર્યપૂરા પંચાયતમાં પોતાને જીવિત જાહેર કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરી. પરંતુ ભારતમાં તો વ્યક્તિને ન્યાય મળે એ પહેલાં તેનો સ્વર્ગવાસ થઈ ગયો હોય એવા અનેક દાખલા મોજુદ છે. જોકે, અશરફી દેવી થોડા નસીબદાર હોવાથી તેમને ન્યાય મળ્યો. પંચાયતે વિવિધ પુરાવાનો અભ્યાસ કરીને આઠ મહિના બાદ અશરફી દેવીને જીવિત જાહેર કર્યા. અશરફી દેવી જીવિત છે એવું સાબિત કરવા પુરાવા જોવાની શું જરૂર છે, એ ત્યાં હાજર પત્રકારો પણ સમજી શક્યા ન હતા. હા, પંચાયતનો ચુકાદો આવવાનો હતો ત્યારે અશરફી દેવી અને તેમનો પરિવાર, રમઝાન સિંઘ અને તેની નવી પત્ની, ગ્રામજનો, સ્થાનિક પોલીસ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને કેટલાક પત્રકારો પણ હાજર હતા. 

ગ્રામ્યના વડા સંધ્યા સિંહાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે વિવિધ હકીકતો અને પુરાવાના આધારે અશરફી દેવીને ન્યાય અપાવ્યો છે અને જાહેર કર્યું છે કે તેઓ જીવિત છે.” આ ચુકાદાથી સ્વભાવિક રીતે જ અશરફી દેવી સૌથી વધુ ખુશ છે. તેઓ કહે છે કે, “હવે, મારી પાસે મારા અસ્તિત્વના પુરાવા છે. હું મૃત્યુ નથી પામી.” ભારતમાં અશરફી દેવી જેવી કદાચ લાખો મહિલાઓ છે, જે અસ્તિત્વની ખોજમાં જિંદગી ખર્ચી કાઢે છે. સમયની સાથે આવી અનેક અશરફી દેવીનું જીવન ધીમે ધીમે ઓગળતું જાય છે. કોઈને અશરફી દેવીની જેમ અસ્તિત્વના પુરાવા મળી જાય છે. પરંતુ ક્યારેક તે ક્ષણજીવી પણ સાબિત થતા હોય છે. રમઝાન સિંઘ હજુ પણ અશરફી દેવીના અસ્તિત્વનો ઈનકાર કરી રહ્યો છે. રમઝાન કહે છે કે, “અશરફી દેવી વર્ષ 1988માં જ મૃત્યુ પામી હતી. મને ખબર નથી પડતી કે, કેમ આ મહિલા મારી પત્ની હોવાનો દાવો કરે છે. તેને જ પૂછોને, હું શું કહું?

રમઝાન સિંઘ અને અશરફી દેવીએ લગ્નની નોંધણી પણ કરાવી ન હતી. જો અશરફી દેવીએ લગ્નની નોંધણી કરાવી હોત અને લગ્નના પ્રમાણપત્રનો નાશ થઈ ગયો હોત તો પણ સત્તાવાર રેકોર્ડના આધારે તેમને રમઝાન સિંઘના પત્ની સાબિત કરી શકાયા હોત! પરંતુ હવે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા અશરફી દેવી પાસે બીજા 24 વર્ષનું જીવન બચ્યું નથી.

લગ્નનું પ્રમાણપત્ર અને તેની જરૂરિયાત

લગ્નનું પ્રમાણપત્ર કોઈ પણ વ્યક્તિના લગ્નનો સત્તાવાર પુરાવો છે. પોતાને કોઈ વ્યક્તિની કાયદેસરની પત્ની કે પતિ સાબિત કરવા આ પુરાવો કામ લાગે છે. આ ઉપરાંત પાસપોર્ટ મેળવવા કે લગ્ન પછી પતિની અટક ધારણ કરવા પણ આ પ્રમાણપત્ર ઉપયોગી છે. ભારતમાં ધ હિંદુ મેરેજ એક્ટ, 1955 અને સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અંતર્ગત લગ્નની નોંધણી થાય છે. કાયદા મુજબ, લગ્ન કરવા માટે પુરુષ અને સ્ત્રીની લઘુતમ ઉંમર અનુક્રમે 21 અને 18 વર્ષ હોવી ફરજિયાત છે. હિંદુ મેરેજ એક્ટ મુજબ, લગ્ન કરતી વખતે પુરુષ અને સ્ત્રી બંને અપરીણિત હોવા જરૂરી છે અથવા અગાઉ લગ્ન કર્યા હોય તો છૂટાછેડા થયેલા અને જો છૂટાછેડા લીધા ન હોય તો પતિ કે પત્નીનું મૃત્યુ થઈ ગયું હોવું જરૂરી છે. આ ઉપરાંત લગ્ન કરતી વખતે સ્ત્રી અને પુરુષ બંને માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ અને કોઈ પણ પ્રકારે કાયદાથી પ્રતિબંધિત અવસ્થામાં ન હોવા જોઈએ.

હિંદુ મેરેજ એક્ટ તમામ હિંદુને લાગુ પડે છે, જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ ભારતના તમામ નાગરિકો માટે છે. ભારતના કોઈ પણ ખૂણામાં રહેતું અને કાયદા મુજબ લગ્ન કરનારું યુગલ સ્થાનિક સિવિક સેન્ટરમાં જઈને લગ્નની નોંધણી કરાવી શકે છે. જોકે, હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન કરનારને હિંદુ મેરેજ એક્ટ મુજબ આપમેળે કાયદેસરતા મળી જાય છે. હિંદુ વિધિ મુજબ, લગ્ન કરનારે રજિસ્ટ્રાર સાથે લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત નથી. પરંતુ ઉપર જણાવ્યું તેમ પાસપોર્ટ મેળવવા, પતિની અટક ધારણ કરવા અને વિદેશમાં સ્થળાંતર કરવા લગ્નનું પ્રમાણપત્ર જરૂરી હોય છે. આમ કરીને ભારત સરકારે લગ્નના પ્રમાણપત્રને આંશિક રીતે ફરજિયાત બનાવ્યું છે. જ્યારે સ્પેશિયલ મેરેજ એક્ટ, હિંદુ વિધિ સિવાયના કોઈ પણ ધર્મ મુજબ કરેલા લગ્ન તેમજ લગ્ન અધિકારી દ્વારા નોંધાયેલા લગ્નને કાયદેસરતા આપે છે. પરિણામે આજે પણ ભારતમાં પરીણિત લોકોના ચોક્કસ આંકડા મેળવવાનો એકમાત્ર આધાર વસતી ગણતરી માટે ભારતના તમામ નાગરિકો પાસે ભરાવાતું ફોર્મ છે, જેમાં પાંચ નંબરના ખાનામાં વ્યક્તિએ પોતે પરીણિત છે કે અપરીણિત તે જણાવવાનું હોય છે. પરિણામે સ્વભાવિક રીતે જ ભારતમાં નોંધાયેલા લગ્નોના ચોક્કસ આંકડા મળવા મુશ્કેલ છે.

જોકે, કેટલાક કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર લગ્નને કાયદેસરતા બક્ષવા માટે મહત્ત્વનો પુરાવો બની શકે છે. કારણ કે, આજે પણ ગ્રામ્ય ભારતમાં થતા હજારો લગ્નોમાં શહેરોમાં થતા લગ્નોની જેમ લગ્નના આલબમ, ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી જેવા પુરાવા ઉપલબ્ધ હોતા નથી.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શતાબ્દીનું આર્ટિસ્ટિક સેલિબ્રેશન


હાલ મુંબઈના કેટલાક પોશ વિસ્તારોથી લઈને ગંદી દીવાલો બોલિવૂડ મ્યુરલ્સ (ભીંતચિત્રો)થી સજાવાઈ રહી છે. મ્યુરલ્સ જોતા પહેલો ઉપરછલ્લો વિચાર આવે કે, કોઈ નવી ફિલ્મ પ્રદર્શિત થવાની હશે! પરંતુઅનારકલીજેવી ફિલ્મ અને રાજેશ ખન્નાના પોસ્ટરો જોતા આપણને સ્પાર્ક થાય કે, અરે કંઈ નજીકના ભવિષ્યમાં પ્રદર્શિત થનારી ફિલ્મનું માર્કેટિંગ કરવાનું ગતકડું નથી, પણ કંઈક બીજું છે. વાત એમ છે કે, આવતા વર્ષે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. હા, ભારતની પહેલી ફૂલ લેન્થ ફિલ્મરાજા હરિશ્ચંદ્રવર્ષ 1913માં બની હતી. જોકે તે  સાઈલેન્ટ એટલે કે, મૂંગી ફિલ્મ હતી. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100 વર્ષની ભવ્ય ઉજવણી કરવા રણજિત દહિયા નામના કલાકારે મુંબઈની દીવાલોને બોલિવૂડ થીમ પ્રમાણે સજાવવાનું અભિયાન ઉપાડ્યું છે.

રણજિત દહિયા
રણજિત દહિયાએ જૂન 2012માં પોતાના મિત્ર ટોની પીટર્સ સાથે મળીને બોલિવૂડ આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત મુંબઈની દીવાલોને બોલિવૂડ મ્યુરલ્સથી સજાવવાનો નિર્ણય લીધો હતો. ખડતલ કદકાઠીના, બેઠી દડીના અને લાંબા કાળા વાળ ધરાવતા 33 વર્ષીય રણજિત બોલિવૂડના જબરદસ્ત પ્રશંસક છે. પરંતુ જ્યારે વર્ષ 2008માં તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમને નવાઈ લાગી કે, ‘મુંબઈ શહેરમાં બોલિવૂડની કોઈ હાજરી નથી.” આમ પણ મુંબઈ શહેરને જોઈને આપણે કલ્પના પણ કરી શકતા નથી કે, અહીં દર વર્ષે વિશ્વની સૌથી વધુ ફિલ્મો બને છેવળી, વિશ્વભરમાં પણ તે ફિલ્મોના કારણે ઓળખાય છેપરંતુ રણજિત કોઈ સામાન્ય માણસની જેમ આવું વિચારીને બેસી રહે એમાંના નહોતા. પછી તો, જૂન 2012 સુધીમાં તેમણે જાણીતી ક્લાસિક હિન્દી ફિલ્મઅનારકલી’, અમિતાભ બચ્ચન અને સ્વ. રાજેશ ખન્નાના મ્યુરલ્સ ચીતરી દીધા. જોકે, જેવા તેવા નહીં, પરંતુ 24 ફૂટ ઊંચા અને 42 ફૂટ પહોળા પેઈન્ટિંગ હતા. હાલ અનેક હિન્દી ફિલ્મ સ્ટારો જ્યાં રહે છે તેવા બાંદ્રામાં આવા મ્યુરલ્સ નજરે પડે છે. આમ તો, ભારતીય સિનેમામાં કોઈ ફિલ્મનું માર્કેટિંગ કરવા હેન્ડ પેઈન્ટેડ પોસ્ટરોનો લાંબો ઈતિહાસ છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી કળા લુપ્ત થઈ ગઈ છે. ફિલ્મ પ્રોડ્યુસરો જથ્થાબંધ પોસ્ટર બનાવવાનો ઓર્ડર આપે છે, અને તેમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થવો સ્વભાવિક છે. જોકે, રણજિતને પ્રકારના મ્યુરલ્સથીપોસ્ટર યુગજીવંત થવાની આશા છે.

‘અનારકલી’નું મ્યુરલ 

રણજિતે પોતાના બોલિવૂડ પ્રેમ અને વૉલ પેઈન્ટિંગના પ્રેમનું સુંદર સંયોજન કર્યું છે. મુંબઈની શુષ્ક, નીરસ દીવાલો અને તેના પર સામાન્ય સ્તરનું ગ્રાફિટી પેઈન્ટિંગ જોઈને તેમને વૉલ પ્રોજેક્ટ કરવાની પ્રેરણા મળી હતી. તેઓ પોતાના વતન હરિયાણાના સોનીપતમાં કળા શીખ્યા હતા. નવાઈની વાત તો છે કે, તેમને ખરાબ વર્તન કરવા બદલ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા પછી તેઓ કળાના ઉસ્તાદ થયા હતા. વાત એમ છે કે, આ વધારાના સમયમાં તેમણે લોકોના ઘરનો વ્હાઈટ વૉશ કરવાનું કામ કર્યું. બાદમાં ફરી એકવાર સ્કૂલમાં એન્ટ્રી લીધી અને ત્યાં એક દિવસ તેમને સરસ્વતી દેવીનું ભીંતચિત્ર દોરવાની તક મળી. પછી તો તેમણે ટ્રક, સ્ટોર અને રેસ્ટોરન્ટમાં પણ ભીંતચિત્રો દોર્યા અને તેમને પોતાનામાં રહેલી કળાની ઓળખ થઈ.

તેમણે વર્ષ 1990માં નવી દિલ્હીના ગોલ્ચા સિનેમામાં પોતાનું પહેલું હેન્ડ પેઈન્ટેડ બોલિવૂડ પોસ્ટર તૈયાર કર્યું હતું. જોકે, ત્યાર પછી તેઓ ફાઈન આર્ટ્સનો પદ્ધતિસરનો અભ્યાસ કરવા ચંદીગઢ કોલેજ ઓફ આર્ટમાં ગયા અને બાદમાં અમદાવાદની પ્રખ્યાત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનમાંથી પણ ડિગ્રી લીધી. તેઓ કહે છે કે, “આ અભ્યાસ દરમિયાન હું દીવાલને સાફ કરવાથી લઈને તેના પર કેવી રીતે પેઈન્ટિંગ કરવું તે તમામ બાબતો ઝીણવટપૂર્વક શીખ્યો. મ્યુરલ્સ એટલે દીવાલ અને કળાનો સંગમ. આ બંને વચ્ચે કેમેસ્ટ્રી ઊભી કરવી એ ખૂબ મહત્ત્તવની વાત છે.” આજે પણ રણજિત એ જ શૂઝ બ્રશનો ઉપયોગ કરે છે, જેનાથી તેઓ ટ્રક પેઈન્ટિંગ કરતા હતા.

રાજેશ ખન્નાનું સદાબહાર મ્યુરલ

રણજિત માટે પણ કળાની કદર કરનારા લોકોનું મહત્ત્વ ઘણું વધારે છે. તેઓ કહે છે કે, “મુંબઈમાં વૉલ પેઈન્ટિંગ કર્યા પછી એક પરિવાર મને ગુલદસ્તો આપી ગયો હતો. તમને નવાઈ લાગશે કે, આ વ્યક્તિ મારા ‘અનારકલી’ પેઈન્ટિંગ નજીક પાણીપુરી વેચે છે, અને મારી પાસે પાણીપૂરીના પૈસા પણ નથી લેતો. વાત એમ છે કે, કદર કરનારા લોકોના કારણે અમને પ્રેરણા મળતી રહે છે.”

બાંદ્રામાં રહેતા સ્થાનિક લોકો પણ રણજિત દ્વારા નિસ્વાર્થ ભાવે થતા કામની કદર કરે છે. જોકે, એવું પણ નથી કે, તમામ લોકો તેમના વૉલ પેઈન્ટિંગથી ખુશ છે. અમિતાભ બચ્ચનનું પેઈન્ટિંગ કરતી વખતે એક વ્યક્તિએ રણજિતને લાફો ઝીંકી દીધો હતો. વળી, લોકો મહેનત કરીને સજાવેલી દીવાલો પર પાન-મસાલાની પિચકારી મારતા પણ ખચકાતા નથી. તેઓ કહે છે, “પરંતુ હું પોતે જ જઈને આવા ડાઘા સાફ કરી દઉ છું.”

ફિલ્મ ‘દીવાર’નું અમિતાભ બચ્ચનું મ્યુરલ 

આ પ્રોજેક્ટના બજેટ વિશે પૂછતા તેઓ કહે છે કે, “આ પ્રોજેક્ટમાં અમને મદદ નથી મળી. હું એક ગ્રાફિક ડિઝાઈનર છું, અને તેમાંથી પૈસા કમાઈને આ પ્રોજેક્ટ આગળ વધારુ છું.” જ્યારે રણજિતના ભાગીદાર ટોની પીટર્સ પ્રોડક્શન કંપની ચલાવે છે, અને તેઓ આ પ્રોજેક્ટમાં મદદ કરી રહ્યા છે. જોકે, તેઓ કોઈ કલાકાર નથી, પરંતુ આ પ્રોજેક્ટના ફાઈનાન્સ જેવા પાસાં તેઓ સંભાળે છે. કારણ કે, આવું એક વૉલ પેઈન્ટિંગ તૈયાર કરતા દસ દિવસ થાય છે, અને તેનો ખર્ચ 27થી 37 હજાર આવે છે. વળી, દીવાલો અંગત મિલકતો હોવાથી પેઈન્ટિંગ કરવા પદ્ધતિસરની મંજૂરી પણ લેવી પડે છે.

મુંબઈમાં રહેણાક વિસ્તારોની દીવાલો પર પેઈન્ટિંગ કરવાની મોટે ભાગે મંજૂરી મળી જાય છે. પરંતુ ક્યારેક લોકોને સમજાવવા અઘરા પડી જાય છે. જેમ કે, એક મહિલાએ પેઈન્ટિંગની મંજૂરી આપવા તેઓ પાસે રૂ. 50 હજારની માગણી કરી હતી. ઊલટાનું આ પ્રોજેક્ટમાં આર્થિક મદદ માટે તેમણે લોકોને સમજાવવા પડે છે. બીજી તરફ, રણજિત કે ટોની પોતાના પેઈન્ટિંગ પર કોઈ કંપનીનું નામ કે લોગો પણ મૂકવા નથી માંગતા. પરિણામે તેમને કોર્પોરેટ તરફથી પણ આર્થિક મદદ નથી મળી રહી. જોકે, અનેક મુશ્કેલીઓ છતાં રણજિતને મુંબઈનો ઉત્સાહ ગમે છે અને તેઓ ક્યારેય આ શહેર છોડીને જવા નથી માંગતા. કારણ કે, તેમને અહીંની દરેક દીવાલ પર મ્યુરલની સંભાવના દેખાય છે.

મુંબઈમાં ચોમાસું પૂરું થતા જ રણજિત હિન્દી સિનેમાની પહેલી આઈટમ ગર્લ હેલનને પેઈન્ટ કરવાનો એક મોટો પ્રોજેક્ટ ઉપાડવાના છે. આ ઉપરાંત તેઓ મુંબઈની ગલીઓમાં હિન્દી ફિલ્મોના સંગીતકારો, દિગ્દર્શકો અને વિલનોના પચાસેક પેઈન્ટિંગ દોરવાનું પણ આયોજન કરી રહ્યા છે.

આશા રાખીએ કે, હિન્દી સિનેમાની શતાબ્દીની કલાત્મક ઉજવણી કરવા 100 કરોડ ક્લબના કોઈ દિગ્દર્શક કે ફિલ્મ સ્ટાર્સ જરૂર રણજિતની મદદે આવશે.