23 April, 2016

ગાંધીજી અને નટેસનઃ ગાંધીયુગનું ભૂલાયેલું પ્રકરણ


મોહનદાસ ઈ.સ. ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા ગયા, ત્યાં તેમણે બે દાયકા રાજકીય-સામાજિક આંદોલનમાં ગાળ્યાં, અને ઈ.સ. ૧૯૧૫માં ૪૬ વર્ષની ઉંમરે ભારત પરત ફર્યા. ગાંધીજી (એ વખતે ગાંધીભાઈ) દ. આફ્રિકાથી ભારત આવ્યા એ પહેલાં જ અહીંના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં જાણીતા થઈ ગયા હતા. સોશિયલ મીડિયાના ઉદ્ભવની એક સદી પહેલાં ભારતમાં પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી ચૂકેલા ગાંધીભાઈને જાહેર સમારંભોમાં જોવા-સાંભળવા ઊમટતી ભીડ જોઈને ત્યારના અનેક નેતાઓને આશ્વર્ય થતું. એ વખતે તેઓ મહાત્માતરીકે નહીં પણ દ. આફ્રિકામાં વસતા હિંદીઓના અધિકાર માટે સત્યાગ્રહ કરનારા બારિસ્ટર તરીકે જાણીતા હતા. એક એવા બારિસ્ટર જેમણે સત્ય અને અહિંસાના માર્ગે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. એ પહેલાં વિશ્વએ આવું વિશિષ્ટ પ્રકારનું આંદોલન જોયું ન હતું. હવે સવાલ એ છે કે, ગાંધીજી દ. આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો ભારતના રાજકીય-સામાજિક અને બૌદ્ધિક વર્તુળોમાં કેવી રીતે પહોંચ્યા હતા? જવાબઃ ભારતીય સમાજમાં પત્રકારત્વ અને પુસ્તકો થકી ગાંધીવિચારનો પ્રચાર-પ્રસાર કરનારી વ્યક્તિ હતી, ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસન. ભારતીય સ્વતંત્રતા આંદોલનના એ રસપ્રદ પ્રકરણ પર બાઝી ગયેલી ધૂળ ખંખેરવાનો પ્રયાસ કરીએ.

ગણપતિ નટેસન તમિળનાડુના પત્રકાર, લેખક, પુસ્તક પ્રકાશક અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ ૨૫મી ઓગસ્ટ, ૧૮૭૩ના રોજ તમિલનાડુના તાંજોર જિલ્લાના અગ્રાહરમ અન્નાદુરાઈ ગામે થયો હતો. મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી લીધા પછી નટેસને ૨૧ વર્ષની વયે મદ્રાસ ટાઈમ્સમાં નોકરી શરૂ કરી દીધી હતી. ઉદ્યોગસાહસિકતાના ભરપૂર ગુણ ધરાવતા નટેસને ઈ.સ. ૧૮૯૭માં નોકરી છોડીને જી.એ. નટેસન એન્ડ કંપનીનામે પ્રકાશન સંસ્થા શરૂ કરી. નટેસનની પ્રકાશન કંપનીનું કામ સારું ચાલતું હતું, પરંતુ ઈ.સ. ૧૯૦૦માં તેમણે ધ ઈન્ડિયન રિવ્યૂનામનું અંગ્રેજી માસિક શરૂ કરી ફરી એકવાર પત્રકારત્વમાં ઝંપલાવ્યું. આ માસિકમાં નટેસને ધર્મ, રાજકારણ, આર્થિક-સામાજિક પ્રવાહો, અર્થતંત્ર, કૃષિ, સાહિત્યિક સમીક્ષાઓની સાથે ગાંધીજી વિશે પણ ઘણું છાપ્યું. આ સામાયિકના કવરપેજ પર નટેસન તમામ વિષયોની ચર્ચાને વરેલું માસિકએ મતલબની જાહેરખબર પણ મૂકતા. ધ ઈન્ડિયન રિવ્યૂના શરૂઆતના અંકો પ્રાપ્ય નથી પણ વર્ષ ૧૯૧૦ અને એ પછીના અંકોમાં ગાંધીજીના અનેક ઉલ્લેખ મળે છે.


‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ની વર્ષ ૧૯૧૫માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિનું  કવર અને બાજુમાં
એ જ પુસ્તકમાં ગાંધીજી અને કસ્તુરબા સાથે જી.એ. નટેસનની તસવીર.

ગાંધીજી ગાંધીભાઈહતા ત્યારથી જ નટેસનનો તેમના સાથે નાતો જોડાઇ ગયો હતો. ગાંધીજીનો અક્ષરદેહમાં નટેસનનો સૌથી પહેલો ઉલ્લેખ ૩૦મી જુલાઈ, ૧૯૦૯ના રોજ ગાંધીજીએ દ. આફ્રિકાના આંદોલનમાં તેમના સાથીદાર હેનરી પોલાકને લખેલા પત્રમાં મળે છે. એ પત્રમાં ગાંધીજીએ પોતાના વિચારો અને અભિપ્રાયોનો પ્રચાર કરવા નટેસન સાથે ચોક્કસ પ્રકારની સમજૂતી થાય એવી પોલાક સમક્ષ આશા સેવી હતી. જોકે, ગાંધીજી નટેસનની કામગીરીથી કેવી રીતે પરિચિત થયા એ વિશે માહિતી મળતી નથી, પરંતુ જુલાઈ ૧૯૦૯ પછી નટેસને ગાંધીજીના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં મદદ કરી હતી, એ સાબિતીઓ ગાંધીજીના પત્રો અને લખાણોમાં મળે છે. ગાંધીજીના ભારત આગમન પહેલાં વર્ષ ૧૯૦૯માં નટેસને ‘ધ ઈન્ડિયન્સ ઓફ સાઉથ આફ્રિકા, હેલોટ્સ વિથિન ધ એમ્પાયર એન્ડ હાઉ ધે ટ્રીટેડ’ નામનું હેનરી પોલાકનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પછીના વર્ષે તેમણે એમ. કે. ગાંધી એન્ડ ધ સાઉથ આફ્રિકા ઈન્ડિયન પ્રોબ્લેમનામનું પ્રાણજીવન જગજીવન મહેતા લિખિત પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકોના કારણે અંગ્રેજી જાણતા-બોલતા ભારતીયો ગાંધીજીના દ. આફ્રિકાના આંદોલનના વધુ નિકટ પરિચયમાં આવ્યા હતા.

ગાંધીજી અને કસ્તુરબા દ. આફ્રિકાથી ભારત આવ્યા એ જ વર્ષે ૧૭મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ મદ્રાસની મુલાકાતે ગયા, ત્યારે તેમનો ઉતારો નટેસનના ઘરે હતો. ગાંધીજી અને કસ્તુરબા મદ્રાસ સેન્ટ્રલ સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમને જોવા-સાંભળવા અને તેમનું સ્વાગત કરવા આશરે બે હજાર લોકો ભેગા થયા હતા. ગાંધી દંપતીના મદ્રાસ આગમનનો ધ હિંદુમાં અહેવાલ છપાયો હતો, જેની નોંધ ગાંધીજીનો અક્ષરદેહમાં છે. આ અહેવાલ પ્રમાણે, ‘‘... શ્રી ગાંધી દૂબળા પાતળા દેખાતા હતા. એમણે એક ખૂલતું પહેરણ અને પાયજામો પહેર્યાં હતા, જે બંને ચાર દિવસની સતત મુસાફરીને લીધે મેલાં થઈ ગયાં હતાં. લોકો એ ડબા ઉપર ધસી ગયા અને ભીડ એટલી બધી હતી કે ત્યાં ઊભેલા ડઝનેક પોલીસ એને કાબૂમાં રાખી શક્યા નહીં. એટલે આખરે તેઓ એ ટોળાને એની મરજી પર છોડી દઈ ત્યાંથી હઠી ગયા... ટોળામાંથી ગાંધી દંપતી ઝિંદાબાદ’, ‘અમારા વીર ઝિંદાબાદ’, ‘વન્દે માતરમના પોકારો ગાજી ઊઠ્યા. શ્રી ગાંધીએ નમસ્કાર કરી એ પોકારો ઝીલ્યા. પછી તેમને ઘોડાગાડી નજીક લઈ જવામાં આવ્યા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા. એમણે ગાડીને જોડેલા ઘોડાને છૂટો કરી નાખ્યો અને પોતે ગાડી ખેંચવા આગળ આવ્યા. તેઓ ગાડીને ખેંચીને સુનકુરામ ચેટ્ટી સ્ટ્રીટમાં આવેલા મેસર્સ નટેસન એન્ડ કંપનીના મકાને લઈ ગયા. આખે રસ્તે લોકો શ્રી ગાંધીનો હર્ષનાદથી જયજયકાર કરતા હતા...’’ 
‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધી’ ની ૧૯૨૨માં પ્રકાશિત ત્રીજી આવૃત્તિમાં
નટેસને મૂકેલી ગાંધીજીના પુસ્તકની જાહેરખબર. આ જાહેરખબરમાં ‘ઈન્ડિયન રિવ્યૂ’ના
ગ્રાહકોને વિવિધ પુસ્તકો પર અપાતા ડિસ્કાઉન્ટની પણ વિગતો જાણવા મળે છે.  

ગાંધીજી અને નટેસનની એ પહેલી મુલાકાત હતી. ગાંધીજી આઠમી મે, ૧૯૧૫ સુધી એટલે કે ત્રણ અઠવાડિયા નટેસનના ઘરે રોકાયા. આ દરમિયાન તેમણે મદ્રાસમાં કેટલાક સ્થળોએ ભાષણો આપ્યા તેમજ અનેક સંસ્થાઓના આમંત્રણો સ્વીકારીને ત્યાં જાહેર બેઠકો યોજી. ગાંધીજીનો મદ્રાસ જવાનો મુખ્ય હેતુ દ. આફ્રિકાથી હદપાર (ડિપોર્ટ) કરાયેલા સત્યાગ્રહીઓને મળવાનો હતો કારણ કે, દ. આફ્રિકાના મોટા ભાગના હિંદી વસાહતીઓ દક્ષિણ ભારતીયો હતા. દ. આફ્રિકાના ટ્રાન્સવાલથી હદપાર કરાયેલા દ. ભારતીયોને નટેસને ખૂબ મદદ કરી હતી. એ મુદ્દે ગાંધીજીએ ૧૬મી જુલાઈ, ૧૯૧૦ના ઈન્ડિયન ઓપિનિયનમાં નોંધ્યું હતું કે, ‘‘... મિ. નટેસનની સેવાઓની પ્રશંસા કરતા ઘણા પત્રો અમને મળ્યા છે. હદપારીઓની દશા સહ્ય બને તે માટે તેમણે ઘણું ઘણું કર્યું છે. મદ્રાસના વર્તમાનપત્રોએ પણ તેમના વખાણનાં પાનાંના પાનાં ભર્યાં છે. તેમની મહાન લોકલાગણી માટે અમે મિ. નટેસનને અભિનંદન આપીએ છીએ.’’ આમ, દ. આફ્રિકાના આંદોલનોથી શરૂ થયેલો ગાંધીજી-નટેસનનો સંબંધ તેમના ભારત આગમન પછી વધારે ગાઢ બન્યો હતો. એ પછી નટેસને વધુ આક્રમક રીતે પુસ્તકો પ્રકાશિત કરીને ગાંધીવિચારોનો દેશભરમાં ફેલાવો કર્યો હતો.   

ગાંધીજીના ભારત આગમન પછી નટેસને વર્ષ ૧૯૧૮માં સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધીનામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેના શીર્ષક નીચે ઓથોરાઈઝ્ડ. અપ ટુ ડેટ, કોમ્પ્રિહેન્સિવ.એવું ઝીણું લખાણ મૂકાયું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં નટેસને નોંધ્યું છે કે, ગાંધીજીના ભાષણો અને લખાણો ધરાવતું આ સંપૂર્ણ, અધિકૃત અને અપ-ટુ-ડેટ પુસ્તક છે... ગાંધીજી દ. આફ્રિકામાં હતા ત્યારે તેમના વિચારો-અભિપ્રાયો તોડી-મરોડીને રજૂ કરાતા હતા એટલે નટેસને એવું લખાણ રાખ્યું હોઈ શકે! આ જ કારણસર દ. આફ્રિકાના આંદોલન વખતે ગાંધીજીને પોતાનું અખબાર હોવું જોઈએ એવો વિચાર આવ્યો હતો. દ. આફ્રિકામાં ગાંધીજીએ વિવિધ અખબારોમાં લેખો-ચર્ચા પત્રો લખીને તેમજ ઈન્ટરવ્યૂ આપીને લોકમત ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પ્રયાસ અપૂરતા લાગતા તેમણે વર્ષ ૧૯૦૩માં ઈન્ડિયન ઓપિનિયનઅખબાર શરૂ કર્યું. આ અખબાર અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને તમિલ એમ ચાર ભાષામાં પ્રકાશિત થતું હતું. એટલે એવું અનુમાન થઈ શકે કે, દ. આફ્રિકા સ્થિત તમિલભાષીઓ થકી તેમજ પોતાના વિચારો યોગ્ય રીતે લોકો સુધી પહોંચે એવી મથામણમાંથી ગાંધીજી નટેસનના પરિચયમાં આવ્યા હશે! ગાંધીજીએ તમિલ શીખવાની શરૂઆત કર્યા પછી તમિલમાં સૌથી પહેલો પત્ર નટેસનને લખ્યો હતો, જે આજેય તમિલનાડુના મદુરાઈસ્થિત ગાંધી મ્યુઝિયમમાં જોવા મળે છે. દિલ્હીના ગાંધી મ્યુઝિયમમાં પણ ગાંધી-નટેસનના સંબંધની અમુક યાદો સચવાયેલી છે, જે નટેસન પરિવારે ભારત સરકારને ભેટ આપી હતી.


‘સ્પિચિઝ ઓન ઈન્ડિયન અફેર્સ બાય મોર્લી’ પુસ્તકની ત્રીજી આવૃત્તિમાં  ‘સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ’ શ્રેણી
હેઠળના પુસ્તકોની જાહેરખબર.  આ જાહેરખબરમાં પણ ‘ઈન્ડિયન રિવ્યૂ’ના ગ્રાહકોને વિવિધ પુસ્તકો
પર અપાતા ડિસ્કાઉન્ટની વિગતો તેમજ ‘ઈન્ડિયન રિવ્યૂ’નું વાર્ષિક લવાજમ રૂ. પાંચ હતું અે જાણવા મળે છે.

એ પછી નટેસને વર્ષ ૧૯૨૨માં ગાંધીજીનું હિંદ સ્વરાજપુસ્તક હિંદ સ્વરાજ ઓર ઈન્ડિયન હોમ રૂલનામે અંગ્રેજીમાં પ્રકાશિત કર્યું. એ જ વર્ષે સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સ ઓફ એમ. કે. ગાંધીની ત્રીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ હતી, જેના કવરપેજ પર વિથ એન ઈન્ટ્રોડક્શન બાય સી. એફ. એન્ડ્રુઝ એન્ડ એ બાયોગ્રાફિકલ સ્કેચએવું લખાણ જોવા મળે છે. સી. એફ. એન્ડ્રુઝ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ વતી ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા આવેલા પાદરી હતા. ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને દ. આફ્રિકાથી ભારત પાછા આવી જવાનો સંદેશ એન્ડ્રુઝ થકી જ મોકલ્યો હતો. ગાંધીજીને ભારત આવી જવા સફળતાપૂર્વક સમજાવવાનો શ્રેય એન્ડ્રુઝને જાય છે. અહીં એક બીજો મુદ્દો પણ ધ્યાન ખેંચે છે. નટેસને ઈ.સ. ૧૮૯૮માં એટલે કે પ્રકાશન સંસ્થા શરૂ કર્યાના બીજા જ વર્ષે, સ્પિચિઝ ઓફ ધ ઓનરેબલ મિ. જી. કે. ગોખલેપુસ્તક પ્રકાશિત કર્યું હતું. શું ગાંધીજી અને નટેસનનો પરિચય ગોખલે થકી થયો હશે

વર્ષ ૧૯૩૧માં નટેસનની કંપનીએ હેનરી પોલાકના ‘મહાત્મા ગાંધી, એન્ડ એન્લાર્જ્ડ એન અપ-ટુ-ડેટ એડિશન ઓફ હિઝ લાઈફ એન્ડ ટીચિંગ્સ’ નામના પુસ્તકની નવમી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. એક પુસ્તકની આટલી આવૃત્તિઓ પરથી ગાંધીવિચારો ફેલાવવામાં નટેસનનું યોગદાન કેવું હશે, એ સમજી શકાય એમ છે. આજે આપણે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગણપતિ અગ્રાહરમ અન્નાદુરાઈ અય્યર નટેસનને એક ક્રાંતિકારી પુસ્તક પ્રકાશક તરીકે પણ યાદ કરવા જોઈએ. તેમણે ઇ.સ. ૧૯૦૦થી ૧૯૩૦ વચ્ચે સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સઅને જીવનચરિત્રોજેવી શ્રેણી અંતર્ગત મદનમોહન માલવિયા, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાદેવ ગોવિંદ રાનડે, સર દિનશા એડલજી વાચા, દાદાભાઈ નવરોજી, જગદીશચંદ્ર બોઝ, સુરેન્દ્રનાથ બેનરજી, રામક્રૃષ્ણ પરમહંસ, એમિનન્ટ મુસલમાન્સ, લીડર્સ ઓફ બ્રહ્મોસમાજ, ચૈતન્ય ટુ વિવેકાનંદ અને ફેમસ પારસીઝ જેવા પુસ્તકોની એકથી વધારે આવૃત્તિઓ પ્રકાશિત કરી હતી. 

નટેસનની કંપનીએ છાપેલા પુસ્તકોમાં વિષય વૈવિધ્ય અને મોટા ભાગના પુસ્તકોની સંખ્યાબંધ આવૃત્તિઓની સંખ્યા ઊડીને આંખે વળગે છે. તેમણે હિંદુ ધર્મ, સંપ્રદાયો, ભારત અને રાષ્ટ્રવાદ, ઈતિહાસ, અર્થતંત્ર, શિક્ષણ, ખેતી, ભારતીય કળા, તેલુગુ લોકસાહિત્ય, શંકરાચાર્ય, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, ઈશાન ભારતીયો, ભારતીય ઉત્પાદકો, ઉદ્યોગો, બ્રિટન તેમજ બ્રિટનની એશિયાઇ કોલોની જેવા વિષયોના કિંમતમાં સસ્તા પણ ‘મૂલ્યવાન’ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. નટેસને પ્રકાશિત કરેલા પુસ્તકોની રેન્જ શેક્સપિયરથી લઈને તેનાલીરામન સુધીની છે. નટેસને ગાંધીવિચાર જ નહીં, ભારતીય સ્વતંત્રતા આંદોલન વખતે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા તેમજ જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા એક ક્રાંતિકારીને છાજે એવી રીતે પુસ્તક પ્રકાશનનું કામ કર્યું હતું.

નટેસને સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીને તેમના વિચારો ફેલાવવાની સાથે આર્થિક મદદ પણ કરી હતી. ‘ગાંધીજીનો અક્ષરદેહ’માં નોંધ્યા પ્રમાણે, ૨૮મી મે, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ નટેસનને તમારો રૂ. ત્રણ હજારનો ચેક મળી ગયો છેએવો ઉલ્લેખ કરતો પત્ર લખ્યો હતો, જે કદાચ તેનો એકમાત્ર અધિકૃત પુરાવો છે.

18 April, 2016

વ્હાઈટ ટાઈગર, સફેદ જૂઠ


રાજકારણીઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા પ્રજાને કેવી રીતે ઉલ્લુ બનાવતા હોય છે અને મીડિયા પણ એ વાતોમાં કેવી રીતે આવી જતું હોય છે એનું વધુ એક તાજું ઉદાહરણ ત્રીજી એપ્રિલે જોવા મળ્યું. એ દિવસે દેશભરના મીડિયામાં 'મધ્યપ્રદેશમાં દેશનો પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક ખૂલ્લો મૂકાયો' કંઈક એવા મથાળા સાથેના સમાચારો છપાયા અને બતાવાયા. મધ્યપ્રદેશ સરકારના દાવા પ્રમાણે, સતના જિલ્લાના મુકુંદપુરમાં દેશનો પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક ખૂલ્લો મૂકાયો છે. એ વખતે કેટલાકને સવાલ થયો હશે કે, જો મુકુંદપુર પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક છે તો તેનાથી ૧૮ કલાકના અંતરે આવેલો ઓરિસ્સાનો નંદનકાનન વ્હાઈટ ટાઈગર નેશનલ પાર્ક શું છે એકરમાં પથરાયેલો ઓરિસ્સાનો નંદનકાનન ઝુલોજિકલ પાર્ક એક વિશિષ્ટ પ્રકારનું ઝૂ છે, જેની સાથે બોટનિકલ ગાર્ડન પણ જોડાયેલો છે અને તેનો અમુક હિસ્સો નેશનલ પાર્ક જાહેર કરાયો છે. હાલ આ ઝૂ તેમજ જંગલમાં ૪થી પણ વધારે સફેદ વાઘ છે. આ પાર્ક હજુયે ચાલુ છે. વર્ષેદહાડે વીસ લાખ લોકો આ પાર્કની મુલાકાત લે છે અને વ્હાઈટ ટાઈગર સફારીની પણ મજા માણે છે. ઓરિસ્સા પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષવા વર્ષોથી નંદનકાનન વ્હાઈટ ટાઈગર સફારી પાર્કની જાહેરખબરો કરે છે. તો પછી મધ્યપ્રદેશે આવો દાવો કેમ કર્યોતમને જાણીને નવાઈ લાગશે કે, ફક્ત રાજકારણીઓએ અંગત મહત્ત્વાકાંક્ષા સંતોષવા મુકુંદપુરને દેશનો પહેલો વ્હાઈટ સફારી પાર્ક બનાવી દીધો છે!

મધ્યપ્રદેશમાં વ્હાઈટ સફારી ટાઈગર પાર્ક ઊભો કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા જનસંપર્ક મંત્રી રાજેન્દ્ર શુક્લએ નિભાવી છે એવો 'સ્ક્રોલ' વેબસાઈટના અહેવાલમાં દાવો કરાયો છે. તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના વિશ્વાસુ મંત્રી છે. શુક્લને મધ્યપ્રદેશમાં વ્હાઈટ સફારી ટાઈગર પાર્ક ઊભો કરવામાં કેમ રસ પડયો એ વિગતે સમજીએ. મુકુંદપુરના ૨૫ હેક્ટર જંગલ વિસ્તારમાં સફેદ વાઘને વસાવવાના વિચાર સાથે મધ્યપ્રદેશ સરકારે ફેબ્રુઆરી ૨૦૧૨માં જ આ સૂચિત પાર્કનો પાયો નાંખ્યો હતો. એ પછી મધ્યપ્રદેશ જંગલ વિભાગે ઓરિસ્સાના નંદનકાનન ઝુલોજિકલ પાર્ક પાસે સફેદ વાઘ માગ્યા, પરંતુ ઓરિસ્સા સરકારે સફેદ વાઘ આપવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી. છેવટે મુખ્યમંત્રી શિવરાજસિંહે ઓરિસ્સાના મુખ્યમંત્રી  નવીન પટનાયક પાસે લેખિતમાં સફેદ વાઘની માગ કરી. એ માગ પણ ફગાવી દેવાઈ. બીજી બાજુ, મધ્યપ્રદેશ મંત્રીમંડળના સભ્ય રાજેન્દ્ર શુક્લ કોઈ પણ ભોગે મધ્યપ્રદેશનું ગૌરવ પાછું અપાવવા માગતા હતા. શુક્લની આ માનસિકતાનું કારણ એ છે કે, તેમનો જન્મ રેવામાં થયો છે.

નંદનકાનન નેશનલ પાર્ક

મધ્યપ્રદેશ રેવા, ભોપાલ, ઈન્દોર, જબલપુર એમ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલું છે. આ દરેક વિભાગને જુદા જુદા જુદા જિલ્લામાં વહેંચી દેવાયા છે. જેમ કે, રેવા વિભાગના ચાર જિલ્લા છે- રેવા, સતના, સીધી અને સિંગરોલી. આ સમગ્ર રેવા પ્રદેશમાં એકાદ સદી પહેલાં સફેદ વાઘ વિચરતા હતા, જે સમયાંતરે નામશેષ થઈ ગયા અને રેવાની એ ગૌરવવંતી ઓળખ ભૂંસાઈ ગઈ. જોકે, પાડોશી રાજ્ય ઓરિસ્સામાં સફેદ વાઘ હતા એટલે શુક્લ જેવા અનેક 'પ્રદેશપ્રેમી' નેતાઓ દૃઢપણે માનતા હતા કે, રેવામાં પણ સફેદ વાઘ હોવા જ જોઈએ! મુકુંદપુર વ્હાઈટ ટાઈગર સફારી પાર્કનો પાયો નંખાયો ત્યારથી મધ્યપ્રદેશ સરકાર સફેદ વાઘ માટે ફાંફા મારતી હતી. છેવટે શિવરાજસિંહ ચૌહાણ અને રાજેન્દ્ર શુક્લની મહત્ત્વાકાંક્ષા 'ભાજપના ભાઇચારા'થી સંતોષાઈ.

ઓરિસ્સા સફેદ વાઘ આપવા ટસનું મસ થતું નહોતું એટલે મધ્યપ્રદેશે મહારાષ્ટ્ર અને છત્તીસગઢ તરફ નજર દોડાવી. આ બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. મધ્યપ્રદેશે આ રાજ્યો પાસે સફેદ વાઘ માગ્યા. આ વર્ષે મહારાષ્ટ્રે તેના ઔરંગાબાદ ઝૂમાંથી બે સફેદ વાઘ મધ્યપ્રદેશને સોંપ્યા અને ગયા વર્ષે ભીલાઈ સ્થિત મૈત્રીબાગ ઝૂમાંથી છત્તીસગઢે પણ મધ્યપ્રદેશને બે સફેદ વાઘ આપ્યા. હવે મુકુંદગઢના ૨૫ હેક્ટર વિસ્તારમાં ચાર સફેદ વાઘ વિચરી રહ્યા છે. મધ્યપ્રદેશના મુકુંદપુરમાં આવી રીતે 'દેશનો સૌથી પહેલો વ્હાઈટ ટાઈગર સફારી પાર્ક' ખૂલ્લો મૂકાયો છે. આ પાર્ક ખૂલ્લો મૂકાયા પછી રાજેન્દ્ર શુક્લ હાથી પર બેસીને મુકુંદપુર સફારીની લટારે નીકળ્યા- એવા સ્થાનિક અખબારોમાં અહેવાલો છપાયા હતા.

મધ્યપ્રદેશ સરકારની સત્તાવાર વેબસાઈટ પર શુક્લના રસના વિષયોમાં 'ટ્રાવેલિંગ' નહીં પણ 'ટુરિઝમ'નો ઉલ્લેખ છે. આ લટાર માર્યા પછી તેમણે મીડિયાને કહ્યું હતું કે, અહીં વાઘ નથી દેખાતા એવી માન્યતા હવે ખોટી પડી રહી છે. હવે તો પ્રવાસીઓને પણ વાઘ દેખાવા લાગ્યા છે... ભારત દેશમાં આવું બધું કરીને પણ પ્રજાને ભોળવી શકાય છે અને મત ઉઘરાવી શકાય છે. આ ઘટનાની સૌથી રસપ્રદ વાત એ છે કે, મધ્યપ્રદેશે કરેલા દાવામાં આખો દેશ છેતરાઈ ગયો છે! દરેક નાની-મોટી વાતમાં ટ્વિટર પર ટ્રોલ કરતા હરખપદૂડાઓએ પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના આ ટ્વિટરિયા દાવા સામે સવાલો નહોતા કર્યા.

મધ્યપ્રદેશમાં સફેદ વાઘ લાવવાનો નિર્ણય સંપૂર્ણ રાજકીય છે એનો વધુ એક પુરાવો જોઈએ. બે વર્ષ પહેલાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ પણ મધ્યપ્રદેશ સરકારની મુકુંદપુરમાં સફેદ વાઘ વસાવવાની અરજી ફગાવી દીધી હતી કારણ કે, બીજા પ્રાણીઓની જેમ સફેદ વાઘનું સંવર્ધન કરી શકાતું નથી. ભારતના મોટા ભાગના વાઈલ્ડ લાઈફ નિષ્ણાતો સફેદ વાઘનું કૃત્રિમ ગર્ભાધાન કરાવીને તેનો ઉછેર કરવાના વિરોધી છે. સફેદ વાઘમાં એક જ પરિવારનું અંદરોદર કૃત્રિમ સમાગમ કરાવવાથી કિડનીની ખામી અને કરોડરજ્જુની જન્મજાત મુશ્કેલી ધરાવતા સફેદ વાઘ જન્મે છે. આ પ્રકારના વાઘ ફક્ત સુશોભનના નમૂના તરીકે સારા હોય છે. અમેરિકામાં દાયકાઓથી વાઈલ્ડ લાઈફ બ્રિડર સફેદ વાઘનું સંવર્ધન કરાતું હતું. એ લોકોનો એકમાત્ર હેતુ સફેદ વાઘ વેચીને પૈસા કમાવવાનો હતો. જોકે, અમેરિકન ઝુલોજિકલ એસોસિયેશને વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવીને તારણ કાઢ્યું છે કે, સફેદ વાઘનું કૃત્રિમ રીતે સંવર્ધન કરવાથી તેમનામાં વિકૃતિ આવે છે અને જેમ જેમ કૃત્રિમ રીતે તેમની સંખ્યા વધારીએ છીએ એમ તેઓ નબળા પડતા જાય છે. આ કારણસર વર્ષ ૨૦૦૮થી અમેરિકાએ પણ સફેદ વાઘના સંવર્ધન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

જોકે, ભારતમાં સૌથી પહેલાં સફેદ વાઘનો જન્મ કુદરતી રીતે થયો હતો. ડિસેમ્બર ૧૯૧૫માં રેવાના મહારાજા ગુલાબ સિંહને બે વર્ષનો સફેદ બાળ વાઘ મળ્યો હતો, જેને મહારાજાએ પાંચ વર્ષ સુધી મહેલમાં ઉછેર્યો. આ વાઘના મૃત્યુ પછી મહારાજાએ બ્રિટીશ રાજ પ્રત્યેની વફાદારીની પ્રતીકાત્મક ભેટ તરીકે તેનું મમી ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમાને મોકલ્યું હતું. એ ઘટનાના ૩૬ વર્ષ પછી મહારાજા ગુલાબસિંહના પુત્ર માર્તંડસિંહ જુદેવે ૨૭મી મે, ૧૯૫૧ના રોજ એક સફેદ વાઘ પકડ્યો. એ વાઘને મહારાજાએ 'મોહન' નામ આપ્યું હતું. આજેય દેશભરમાં અનેક લોકો પહેલો સફેદ વાઘ મોહન હોવાનું માને છે પણ એ ભૂલ છે. અત્યારના બધા જ રોયલ બેંગાલ વ્હાઈટ ટાઈગરનો 'પિતા' મોહન હોવાથી એ ગેરસમજ થઇ હોઇ શકે છે. મોહનનો રાધા નામની વાઘણ સાથે સમાગમ કરાવાયો એ પછી ૩૦મી ઓક્ટોબર, ૧૯૫૮ના રોજ ચાર સફેદ વાઘનો જન્મ થયો હતો.

નિષ્ણાતોનો દાવો છે કે, એક સમયે ભારતમાં કુદરતી રીતે જન્મેલા સફેદ વાઘની ઘણી વસતી હશે કારણ કે, વર્ષ ૧૯૨૦થી ૧૯૩૦ વચ્ચે ફક્ત બિહારમાં જ ૧૫ સફેદ વાઘનો શિકાર કરાયો હતો. આ તો બહુ જૂની વાત થઈ. એ પછી વર્ષ ૧૯૮૦માં ઓરિસ્સાના નંદનકાનન ઝુલોજિકલ પાર્કમાં ત્રણ સફેદ વાઘ જન્મ્યા હતા. આ ત્રણેય સફેદ વાઘના પિતા દીપક અને માતા ગંગા કેસરી વાઘ હતા. આપણે જેને બેંગાલ ટાઈગર તરીકે ઓળખીએ છીએ એ પ્રજાતિના વાઘમાં ફિયોમેલેનિન નામના રંગદ્રવ્યની ઉણપ હોય ત્યારે સફેદ વાઘ જન્મે છે. (અહીં રોયલ બેંગાલ વ્હાઈટ ટાઈગરની વાત થઈ રહી છે, પણ એ સિવાયની પ્રજાતિમાં પણ સફેદ વાઘ જોવા મળે છે.) એટલે કે, સફેદ વાઘ એ કોઈ અલગ પ્રજાતિ નહીં પણ કુદરતી ખામીથી જન્મેલા વાઘ છે. માતા-પિતાના જનીનિક કોડમાં ખાસ પ્રકારનું મેચિંગ થાય ત્યારે ભ્રૂણમાં એ રંગદ્રવ્યની ખામી સર્જાય છે અને સફેદ વાઘ જન્મે છે. આશરે દસ હજારે માંડ એકવાર આવો કિસ્સો જોવા મળે છે.

ખેર, ઓરિસ્સાના પ્રવાસન ઉદ્યોગમાં નંદનકાનનના સફેદ વાઘ ઘણાં મહત્ત્વના છે. શું આ વાતથી મધ્યપ્રદેશ સરકાર કે તેના જંગલ વિભાગના અધિકારીઓ અજાણ હોઈ શકેઆ સફેદ જૂઠ માટે શિવરાજસિંહ ચૌહાણ સરકારને ખરેખર દાદ આપવી પડે!

07 April, 2016

જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ...


'જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ, ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ... 

નેવુંના દાયકામાં એક જાપાનીઝ કાર્ટૂન સિરીઝ પરથી બની રહેલી હિન્દી કાર્ટૂન સિરીઝનું ટાઈટલ સોંગ લખવાનું કામ ગુલઝાર સાહેબને સોંપાયું. એ વાર્તા સાંભળીને તેમણે આ શબ્દો ટપકાવ્યાં અને એ ગીત આખા દેશની જીભે ચડી ગયું. બોલો, કહેવાની જરૂર છે કે અહીં 'ધ જંગલ બુક'ના ગીતની વાત થઈ રહી છે? આ ગીતનું સંગીત વિશાલ ભારદ્વાજે આપ્યું હતું. જુલાઈ ૧૯૯૩માં દૂરદર્શન પર બપોરે બાર વાગ્યે આ ગીત સંભળાય એટલે નાના બાળકો જ નહીં, મોટા લોકો પણ ટીવી સામે ગોઠવાઈ જતા. હોલિવૂડમાં બનતી બીજી બાળફિલ્મો કરતા મોગલીની ફિલ્મો ભારતીયોને વધુ અપીલ કરે છે એનું એક મહત્ત્વનું કારણ 'ધ જંગલ બુક'માં આવતા ભારતીય જંગલોના વર્ણન હોઈ શકે! આમ છતાંઅત્યાર સુધી ‘જંગલ બુક’ના આધારે બનેલી ઢગલાબંધ ફિલ્મો અને ટીવી એપિસોડમાં એકેય સંપૂર્ણ ભારતીય નથી. રશિયા અને જાપાન પણ મોગલીની વાર્તાઓના આધારે કાર્ટૂન ફિલ્મો બનાવી ચૂક્યા છે, પણ આપણે નહીં. આ તમામ ફિલ્મોમાં ભારતીય એક્ટર્સ કે વોઈઝ આર્ટિસ્ટ્સનું કામ પણ નહીંવત છે. અત્યાર સુધી ફક્ત ત્રણ જ ફિલ્મમાં મોગલીની ભૂમિકા ભારતીય કલાકારે કરી છે, જેમાંની એક ફિલ્મ છેક ૧૯૪૨માં આવી હતી, બીજી કાલે આવી રહી છે અને ત્રીજી આવતા વર્ષે આવશે.

બે દિવસ પછી રિલીઝ થઈ રહેલી 'ધ જંગલ બુક'નું બજેટ મોગલીની પહેલાંની કોઈ પણ ફિલ્મ કરતા ઘણું વધારે છે. આ ફિલ્મમાં મૂળ ભારતના અમેરિકન બાળક નીલ સેઠીએ મોગલીને જીવંત કર્યો છે, તો વોઈઝ આર્ટિસ્ટ્સ તરીકે નાના પાટેકર (શેરખાન), પ્રિયંકા ચોપરા (કા- અજગર), ઈરફાન ખાન (બાલુ), ઓમ પુરી (બગીરા) અને શેફાલી શાહ (રક્ષા-વરુ) જેવા ધુરંધર કલાકારો છે. આ પહેલાં પણ નાના પાટેક દૂરદર્શનની મોગલી કાર્ટૂન સિરીઝમાં શેરખાનનો અવાજ આપી ચૂક્યા છે. વોલ્ટ ડિઝની પિક્ચર્સ અને ડિરેક્ટર જોન ફાવરુએ બે હજાર છોકરામાંથી ૧૨ વર્ષના નીલની પસંદગી કરી હતી. આ પહેલાં નીલે 'દિવાલી' નામની ફક્ત એક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું હતું. મોગલી બન્યા પછી ન્યૂયોર્ક સિટીમાં જન્મેલો અને ત્યાં જ ઉછરેલો નીલ રાતોરાત સ્ટાર છે. જો આપણને નીલની સ્ટોરી ફેસિનેટિંગ લાગતી હોય તો છેક ૧૯૪૨માં ભારતમાં જન્મેલો-મોટો થયેલો એક છોકરો મોગલીની બનીને રાતોરાત હોલિવૂડ સ્ટાર બન્યો હતો અને આજે ભૂલાઈ પણ ગયો, એ કહાનીઈન્ટરેસ્ટિંગ લાગશે!


સાબુ દસ્તગીર

વર્ષ ૧૯૩૪-૩૫ની આસપાસ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મેકર રોબર્ટ ફ્લાહર્ટી રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'ની એક વાર્તા 'તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ' પરથી ફિલ્મ બનાવવા માગતા હતા. એ ફિલ્મ માટે ફ્લાહર્ટી અને તેમનો કેમેરામેન ભારતમાં મૈસુરની આસપાસ લોકેશન શોધવા રઝળપાટ કરતા હતા ત્યારે તેમની નજર 'મોગલી' જેવા એક છોકરા પર પડી. સાબુ દસ્તગીર નામના આ છોકરાને લઈને ફ્લાહર્ટી લંડન ગયા અને વર્ષ ૧૯૩૭માં ‘જંગલ બુક’ સંગ્રહની એક વાર્તા ‘તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ’ના આધારે 'ધ એલિફન્ટ બોય' નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મ મેગા હીટ રહી અને ફ્લાહર્ટીને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. ફિલ્મની સફળતાના કારણે સાબુ દસ્તગીરને પણ ફાયદો થયો. એ પછી સાબુએ 'ધ ડ્રમ' (૧૯૩૭) અને 'ધ થિફ ઓફ બગદાદ' (૧૯૪૦) જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું. આ ત્રણ ફિલ્મો કર્યા પછી સાબુએ વર્ષ ૧૯૪૨માં 'ધ જંગલ બુક'માં મોગલીની ભૂમિકા ભજવી. આ ફિલ્મ પણ સુપરડુપર હીટ રહી.

આ દરમિયાન બીજા વિશ્વયુદ્ધના કારણે સાબુને બ્રિટીશ ફિલ્મોમાં કામ મળતું બંધ થઈ ગયું, એટલે સાબુ વર્ષ ૧૯૪૪માં અમેરિકા જઈ ત્યાંનો નાગરિક બની ગયો અને હોલિવૂડમાં કામ કરવા લાગ્યો. રસપ્રદ વાત તો એ છે કે, અહીં સાબુ અમેરિકન એરફોર્સમાં જોડાયો અને વર્ષ ૧૯૬૪ સુધી ફિલ્મોમાં પણ કામ કરતો રહ્યો. સાબુ હોલિવૂડમાં ઝળહળતી સફળતા મેળવનારો પહેલો ભારતીય અભિનેતા ગણાય છે. એટલું જ નહીં, અમેરિકા વતી અનેક યુદ્ધ મિશનોમાં ભાગ લઈ સાબુ લશ્કરી કારકિર્દીમાં પણ સફળ રહ્યો હતો. વર્ષ ૧૯૪૦-૫૦ના ગાળામાં સાબુની ગણના અમેરિકા જઈને લખલૂટ પૈસો અને લોકપ્રિયતા મેળવનારા પહેલવહેલા બિન-નિવાસી ભારતીયોમાં થતી હતી. અમેરિકાના સફળ બિન-નિવાસી ભારતીયોના ઈતિહાસમાં સાબુનું નામ સુવર્ણ અક્ષરે કોતરાયેલું છે. યાદ રાખો, એ વખતે એશિયન કલાકારોની ભૂમિકા પણ પશ્ચિમના ગોરા કલાકારો ભજવતા હતા. સાબુને કુદરતી અભિનય ક્ષમતા અને શારીરિક સૌષ્ઠવના કારણે હોલિવૂડમાં માન-સન્માન મળ્યું હતું. જોકે, હોલિવૂડના એક્શન-એડવેન્ચર સ્ટાર ગણાતા સાબુનું વર્ષ ૧૯૬૩માં ફક્ત ૩૯ વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

જેમ્સ સ્ટુઅર્ટ અને રોનાલ્ડ રેગન જેવા હોલિવૂડ સ્ટાર સાબુના મિત્રો હતા. રોનાલ્ડ રેગન જાન્યુઆરી ૧૯૮૧માં અમેરિકાના ૪૦મા પ્રમુખ બન્યા હતા અને સતત બે ટર્મ સુધી તેમણે અમેરિકન પ્રમુખપદ સંભાળ્યું હતું. કંઈક એવી જ રીતે, સાબુએ પણ અમેરિકન એરફોર્સ અને ફિલ્મો, એમ બે જુદા જુદા ક્ષેત્રમાં ઝળહળતી સફળતા મેળવી હતી. સાબુએ અમેરિકન એરફોર્સના અનેક મહત્ત્વના યુદ્ધ અભિયાનોમાં ગનમેન તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. સાબુ પછી બીજો ભારતીય મોગલી આવતા સાત દાયકાથી પણ વધારે સમય વીતી ગયો છે. વર્ષ ૨૦૧૭માં વોલ્ટ ડિઝનીની કટ્ટર હરીફ કંપની વોર્નર બ્રધર્સ 'જંગલ બુકઃ ઓરિજિન્સ' લઈને આવી રહી છે. આ ફિલ્મમાં પણ મોગલીની ભૂમિકા માટે 'લોન સર્વાઈવર' ફેઇમ ભારતીય બાળકલાકાર રોહન ચાંદને સાઇન કરાયો છે.

રુડયાર્ડ કિપલિંગ અને તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગ

સર રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'માં ભારત અને ભારતીયતા છલકાતી હોવા છતાં આપણે તેના પરથી સફળ ફિલ્મો બનાવી નથી. આજેય કિપલિંગે લખેલી મોગલીની વાર્તાઓ વાંચવાની એટલી જ મજા આવે છે, જેટલી એકાદ સદી પહેલાંના બાળકોને આવી હશે! આમ છતાં, દુનિયામાં સૌથી વધારે ફિલ્મો બનાવવાનું ગૌરવ લેતી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આવી અનેક ભારતીય વાર્તાઓ પરથી હજુ સુધી ફિલ્મો કે ટીવી સિરીઝ બનાવી નથી, એ ખરેખર આશ્ચર્યની વાત છે. (વીડિયો ગેમ્સની તો વાત જ દૂર છે) મોગલીની વાર્તાઓ કહેતું કિપલિંગનું પહેલું પુસ્તક 'જંગલ બુક' ઇસ. ૧૮૯૪માં પ્રકાશિત થયું હતું. એ વખતે તેમની ઉંમર ફક્ત ૨૯ વર્ષ હતી. આ પુસ્તકને સફળતા મળી એટલે તેમણે એ પછીના વર્ષે 'ધ સેકન્ડ જંગલ બુક' જેવું સીધુસાદું નામ આપીને બીજું એક પુસ્તક લખી નાંખ્યું.

આ વાર્તાઓ તેમણે અમેરિકાના વર્મોન્ટ સ્ટેટમાં ગાળેલા દિવસોમાં લખી હતી. રુડયાર્ડનો જન્મ ૩૦મી ડિસેમ્બર, ૧૯૬૫માં બ્રિટીશ ઈન્ડિયાની બોમ્બે પ્રેસિડેન્સીમાં થયો હતો અને તેમના બાળપણના શરૂઆતના છ વર્ષ બોમ્બેમાં વીત્યા હતા. બોમ્બેમાં નાનકડા રુડયાર્ડની દેખભાળ રાખવા તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગે એક પોર્ટુગીઝ આયા અને મીતા નામની એક ભારતીય નોકરાણી રાખી હતી. આ બંને પાસેથી રુડયાર્ડ અને તેમની બહેન એલિસે અનેક વાર્તાઓ સાંભળી હતી. કિપલિંગે કબૂલ્યું છે કે, આ વાર્તાઓ સાંભળીને તેમની કલ્પનાસૃષ્ટિ ખીલી હતી. રુડયાર્ડ કિપલિંગને ગુજરાતના સાપુતારા (અપભ્રંશ શબ્દ, મૂળ નામ સાતપુરા)ના જંગલોમાંથી પણ 'જંગલ બુક'ના વર્ણનો કરવાની પ્રેરણા મળી હતી. 

આ વાત જરા વિગતે કરીએ. ઈસ. ૧૮૮૭માં રોબર્ટ આર્મિટેજ સ્ટર્નડેલ નામના બ્રિટીશ પ્રકૃતિશાસ્ત્રી, લેખક અને બિઝનેસમેને  મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી ફેલાયેલી સાપુતારા પર્વતમાળામાં રઝળપાટ કરીને 'સિઓની એન્ડ કેમ્પ લાઈફ ઓફ સાતપુરા રેન્જ' નામનું સુંદર પુસ્તક લખ્યું હતું. (મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં સિઓની ટેકરીઓ આવેલી છે.) કિપલિંગને વરસાદી જંગલોનું વર્ણન કરવાની પ્રેરણા આ પુસ્તકમાંથી મળી હતી. મોગલીની વાર્તાઓમાં રોયલ બેંગાલ ટાઇગર પણ મહત્ત્વનું પાત્ર છે. એક સમયે આ પ્રજાતિના વાઘ સાપુતારામાં પણ જોવા મળતા હોવાના પુરાવા છે. શું કિપલિંગને શેરખાનનું પાત્ર રચવાની પ્રેરણા આવી રીતે મળી હશે?


રુડયાર્ડ કિપલિંગના મુંબઈના બંગલૉ બહાર નીલ સેઠી

આ સિવાય પણ કિપલિંગે બે અત્યંત મહત્ત્વના પુસ્તકોની પહેલવહેલી આવૃત્તિનો અભ્યાસ કર્યો હોવાની માહિતી મળે છે. એક, તેમના પિતા જ્હોન લોકવૂડ કિપલિંગનું 'ધ બિસ્ટ્સ એન્ડ મેન'. આ પુસ્તકમાં માણસો અને પશુ-પંખીઓના સંબંધનો વિકાસ, હિંદુ સંસ્કૃતિમાં પશુ-પંખીઓનું મહત્ત્વ તેમજ તેના સાથે જોડાયેલા રીતરિવાજોની ઊંડી છણાવટ કરાઈ છે. તેમાં સિનિયર કિપલિંગે એક એકથી ચડિયાતા રેખાચિત્રો દોર્યા છે. બીજું પુસ્તક છે, જ્યોર્જ સેન્ડરસનનું 'થર્ટીન યર્સ એમોંગ ધ વાઈલ્ડ બિસ્ટ્સ ઓફ ઈન્ડિયા'. સેન્ડરસન પ્રિન્સલી સ્ટેટ ઓફ મૈસૂરના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને જાણીતા પ્રકૃતિશાસ્ત્રી હતા. ખેતરોના પાકને જંગી નુકસાન પહોંચાડતા જંગલી હાથીઓને પકડીને તેમને કેવી રીતે કાબૂમાં લેવા અને પાળવા એ વિશે તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી હતી. આ કારણસર બ્રિટીશ ઈન્ડિયામાં તેઓ 'એલિફન્ટ કિંગ' તરીકે જાણીતા હતા. એવું કહેવાય છે કે, કિપલિંગની 'તુમાઈ ઓફ ધ એલિફન્ટ્સ' વાર્તાના પીટરસન સાહેબ એટલે આ જ્યોર્જ સેન્ડરસન. ટૂંકમાં, ‘જંગલ બુક’ના વર્ણનોમાં આવતા ભારતીય જંગલોમાં રુડયાર્ડ ક્યારેય ગયા જ ન હતા! એટલે કે રુડયાર્ડની કલ્પનાશક્તિ પણ ગજબની હતી અને તેમણે વાંચેલા પુસ્તકો પણ આલા દરજ્જાના હતા, જેની મદદથી તેઓ ભારતીય જંગલોના વર્ણનો કર્યા હતા. 

કિપલિંગના મૃત્યુ પછી થયેલા સંશોધનો દરમિયાન તેમણે લખેલી એક નોંધ મળી આવી હતી. આ નોંધ પ્રમાણે કિપલિંગે સૌથી નાની પુત્રી જોસેફાઈન માટે 'ધ જંગલ બુક'ની વાર્તાઓ લખી હતી... જોસેફાઈન ફક્ત છ વર્ષની વયે ન્યુમોનિયાના કારણે મૃત્યુ પામી હતી. આ દરમિયાન કિપલિંગે લખેલો એક પત્ર પણ મળી આવ્યો હતો, જેમાં તેમણે 'ધ જંગલ બુક' વિશે ચોંકાવનારી, પણ નિખાલસ કબૂલાત કરતા કહ્યું છે કે, ''... મેં મારી જાતને અનૈતિક રીતે મદદ કરી હોય એવી પૂરેપૂરી શક્યતા છે, પણ અત્યારે મને કશું યાદ નથી કે મેં કોની વાર્તાઓ ચોરી હતી...''

જોકે, કિપલિંગ પર પ્લેજિયારિઝમ (સાહિત્યચોરી)નો ગંભીર આરોપ મૂકી શકાય કે નહીં એ આજેય ચર્ચાનો વિષય છે. ખેર, વર્ષ ૧૯૦૭માં આ મહાન લેખક નોબલ પુરસ્કાર જીતીને નોબલ જીતનારા પહેલા બ્રિટીશ લેખક બન્યા હતા. કહેવાય છે ને કે, ક્યારેક સત્ય કલ્પના કરતા પણ વધારે રોમાંચક હોય છે.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

પંચતંત્રની વાર્તાઓ પાછળની વાર્તા


વિશ્વભરના બાળસાહિત્યના ઈતિહાસમાં ‘પંચતંત્ર’ જેટલી સફળતા કદાચ કોઈને નથી મળી. પંચતંત્રની વાર્તાઓ જેટલા વ્યાપક અનુવાદ ભારતની નહીં પણ વિશ્વની એકેય સાહિત્યિક કૃતિના નથી થયા. છેક ત્રીજી સદીમાં વિષ્ણુ શર્મા (સંસ્કૃત નામ વિષ્ણુશર્મન) નામના વિદ્વાને સંસ્કૃતમાં લખેલી આ વાર્તાઓ આજેય દુનિયાના કોઈ પણ દેશના બાળકને અપીલ કરે છે. સંસ્કૃત ભાષાના અમેરિકન વિદ્વાન ફ્રેન્કલિન એડર્ટનના (૧૮૮૫-૧૯૬૩) સંશોધન પ્રમાણે, દુનિયાની ૫૦થી પણ વધારે ભાષામાં પંચતંત્રની વાર્તાઓ વાંચવા મળે છે, જેમાં ત્રીજા ભાગની ભાષાઓ ભારતની નથી. ૧૧મી સદીમાં જ આ વાર્તાઓ યુરોપ પહોંચી ગઈ હતી. ઈસ. ૧૬૦૦ સુધી તે અંગ્રેજી, ગ્રીક, લેટિન, સ્પેનિશ, જર્મન, ઈટાલિયન, જૂની સ્લેવોનિક ભાષાઓ એટલે કે રશિયન, યુક્રેનિયન, ઝેક અને બલ્ગેરિયનમાં પણ અનુવાદિત થઈ ગઈ હતી. ઈન્ડોનેશિયાના જાવા ટાપુઓની જાવાનીઝ અને રિપબ્લિક ઓફ આઈલેન્ડની આઈલેન્ડિક જેવી અત્યંત ઓછી જાણીતી ભાષાઓમાં પણ પંચતંત્રની વાર્તાઓ વાંચવા મળે છે...

અમેરિકાના જાણીતા લેખક ફ્રેન્કલિન એડર્ટને કરેલી આ નોંધ વાંચીને દુનિયાના કોઈ પણ ભાષાના સાહિત્યકારને વિષ્ણુ શર્માની ઈર્ષા થઈ શકે! તેઓ અમેરિકાની યેલ અને પેન્સિલવેનિયા તેમજ ભારતની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણાવતા હતા. એડર્ટન ભગવદ્ ગીતાના અત્યંત ઉચ્ચ દરજ્જાના અંગ્રેજી અનુવાદના કારણે વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા હતા, જે વર્ષ ૧૯૪૪માં હાવર્ડ ઓરિએન્ટલ સીરિઝ હેઠળ પ્રકાશિત થયો હતો. તેમણે વિષ્ણુ શર્મા લિખિત સિંહાસન બત્રીસીની સંસ્કૃત કથાઓનું પણ સંપાદન કર્યું હતું. વિષ્ણુ શર્મા લિખિત પંચતંત્રની વાર્તાઓ અત્યારે મૂળ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી, પરંતુ અથાક સંશોધન કરીને તેની પુન:રચના કરવાનો શ્રેય પણ એડર્ટનને જાય છે. પંચતંત્રની વાર્તાઓમાં સદીઓથી ફેરફાર થઈ રહ્યા છે. કોઈએ સ્થાનિક-આધુનિક બોલીઓમાં પંચતંત્રની વાર્તાઓ લખી છે, તો કોઈએ નવા શ્લોક કે કાવ્યોમાં તેને પરિવર્તિત કરી છે. સંસ્કૃત ભાષામાં જ પંચતંત્રની વાર્તાઓની જુદી જુદી ૨૫ આવૃત્તિ મોજુદ છે. આ તમામ આવૃત્તિના લેખકો જુદા છે અને એમના નામ અનેક સંશોધનો પછીયે જાણવા મળ્યા નથી.

‘પંચતંત્ર’નો એક પોસ્ટેજ સ્ટેમ્પ

પંચતંત્ર પર નજર કરતા જણાય છે કે, વિષ્ણુ શર્માએ મહાનવલ લખતા હોય એવી ડિસિપ્લિનથી પંચતંત્રનું સર્જન કર્યું હશે! તેમણે પાંચ ભાગમાં વાર્તાઓ રચી હોવાથી તેને પંચતંત્ર (એટલે કે પાંચ ભાગ) નામ આપ્યું હતું. આ પાંચ ભાગમાં મિત્રભેદ, મિત્રલાભ અથવા મિત્રસંપ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિત કારકનો સમાવેશ થાય છે. મિત્રભેદમાં મિત્રો સાથે થતા મનદુ:ખ અને જુદાઈના આધારે ધીરજ રાખવાનો બોધ અપાયો છે. મિત્રપ્રાપ્તિમાં મિત્ર મળે તો જીવનમાં કેવા કેવા લાભ થઈ શકે એવો સંદેશ આપવા આ વાર્તાઓ કહેવાઈ છે. કાકોલુકિયમમાં કાગડા અને ઘુવડ જેવા પાત્રોના આધારે સ્વાર્થી લોકોથી બચવાની વાર્તાઓ કહેવાઈ છે. લબ્ધપ્રણાશમાં વાંદરા અને મગરની વાતના આધારે હાથ લાગેલી ચીજ હાથમાંથી જતી રહી શકે છે એવો સંદેશ આપતી કથાઓ છે. અપરીક્ષિત કારક એટલે કે છેલ્લા ભાગમાં વિચારશીલ અને ગૂઢ નીતિઓની વાત સરળ શબ્દોમાં કહેવાઈ છે. આ જ ભાગમાં વિષ્ણુ શર્માનું ઊંડુ ચિંતન છતું થાય છે. આ ભાગની મુખ્ય કથા આંધળુ અનુકરણ કરનારાની હાલત ખરાબ થાય છે એવો સંદેશ આપે છે.

વિષ્ણુ શર્માએ આ પાંચેય ભાગની એક મૂળ વાર્તા લખી છે, જેને સાહિત્યની પરિભાષામાં ફ્રેમ સ્ટોરી કહેવાય. આ મૂળ વાર્તાની આડ વાતોમાંથી જ બીજી વાર્તા નીકળે અને એમાંથી ત્રીજી-ચોથી વાર્તા પણ આવે અને એવી રીતે કથા આગળ વધતી જાય. આ શૈલી પંચતંત્રને વધારે રસપ્રદ બનાવે છે. રામાયણ અને મહાભારતમાં પણ આવી વાર્તા શૈલીનો ઉપયોગ કરાયો છે. આપણે વાંચેલી કે સાંભળેલી વાર્તાઓ મોટા ભાગે મૂળ વાર્તાની આડ વાર્તાઓ છે અને અત્યારે બજારમાં પણ પંચતંત્રની એવી જ વાર્તાઓની ભરમાર છે. પદ્ધતિસર લખાયેલા આ પાંચેય ભાગ જોતા એવું અનુમાન થઈ શકે કે, પંચતંત્રનું સર્જન કરતા પહેલાં વિષ્ણુ શર્મા કયા ભાગમાં કયો બોધપાઠ આપવાનો છે એ બાબતે પહેલેથી જ સ્પષ્ટ હતા.

આ વાર્તાઓની બીજી એક ખાસિયત તેનું અદ્ભુત પાત્રાલેખન છે. વિષ્ણુ શર્માએ રાજનીતિ, મનોવિજ્ઞાન અને વ્યવહારુપણાંની સરળ સમજ આપવા માણસોની સાથે પશુ-પંખીઓના પણ સુંદર પાત્રો સર્જ્યા છે. જેમ કે, આ વાર્તાઓમાં માણસોની સાથે સિંહ, વાઘ, શિયાળ, હાથી, સસલું, બળદ અને ગધેડો જેવા પશુઓ તેમજ કાગડો, ઘુવડ, મોર, કબૂતર, પોપટ જેવા પક્ષીઓ અને કીડી જેવા નાનકડા જંતુ જેવા પાત્રો પણ છે. આ વાર્તાઓ વાંચતા ખ્યાલ આવે છે કે, વિષ્ણુ શર્માએ વાર્તાના પાત્રો ઉપસાવતી વખતે તમામ પશુ-પંખીઓનું ઊંડુ નિરીક્ષણ પણ કર્યું હશે! આ ઉપરાંત તેમણે નદી, પર્વત, ગુફા અને વૃક્ષનો પણ પાત્ર તરીકે ઉપયોગ કર્યો છે. વિષ્ણુ શર્માએ આવા પાત્રોની મદદથી આખેઆખું નીતિશાસ્ત્ર રચ્યું છે, જેને આજે દુનિયા ‘પંચતંત્ર’ તરીકે ઓળખે છે.

પંચતંત્ર દુનિયાભરમાં કેવી રીતે પહોંચ્યું?

આ વાર્તાઓ સદીઓ પહેલાં દુનિયાભરમાં કેવી રીતે પહોંચી એ પણ એક રસપ્રદ કહાની છે. પંચતંત્રની વાર્તાઓ ભારત બહાર સૌથી પહેલા બૌદ્ધ સાધુઓ દ્વારા ગઈ હતી. ભારત ભ્રમણ કરતી વખતે બૌદ્ધ ભિક્ષુકોએ પંચતંત્રની મૂળ સંસ્કૃત વાર્તાઓ સાંભળી કે વાંચી હતી. આવી રીતે આ વાર્તાઓ તિબેટ, નેપાળ, ચીન અને મોંગોલિયા સુધી પહોંચી અને સમયાંતરે પંચતંત્રની ચાઈનીઝ, તિબેટન, મોંગોલિયન, જાવાનીઝ અને લાઓ જેવી ભાષાઓની આવૃત્તિઓ સર્જાઈ. જોકે, અત્યારે આ બધી ભાષાની આધુનિક આવૃત્તિઓ જ હયાત છે.

પંચતંત્રનો સૌથી પહેલો અનુવાદ ઈસ. ૫૭૦માં બુર્ઝોય નામના ડૉક્ટરે કર્યો હોવાના પુરાવા મળ્યા છે. એવું કહેવાય છે કે, પર્શિયાના રાજા ખુસરો (ઈસ. ૫૦૧થી ૫૭૯)ની મદદથી બુર્ઝોય ભારતમાં જડીબુટ્ટી શોધવા આવ્યો હતો. એણે ક્યાંક વાંચ્યું હતું કે, ભારતના પહાડોમાં એવી જડીબુટ્ટી મળે છે, જેને નાશ પામેલી વનસ્પતિ પર છાંટતા જ તે જીવંત થઈ જાય છે. બુર્ઝોયને એવી કોઈ જડીબુટ્ટી તો ના મળી પણ તે ભારતથી 'ડહાપણ શીખવતું પુસ્તક' લઈને પર્શિયા પરત ફર્યો. આ પુસ્તક એટલે જ પંચતંત્રની વાર્તાઓ, જેનો તેણે પાહલવી એટલે કે મધ્યયુગીન પર્શિયનમાં અનુવાદ કર્યો હતો. મૂળ સંસ્કૃતમાંથી થયેલો આ અનુવાદ નાશ પામ્યો એ પહેલાં ઈસ. ૭૫૦માં ઇબ્ન અલ-મુકફ્ફાએ તેનો અરબીમાં અનુવાદ કરી દીધો હતો. આ અરબી અનુવાદ થકી જ પંચતંત્રની વાર્તાઓ ૧૦મી સદીમાં આરબોની સીરિયક બોલીમાં, ૧૧મી સદીમાં ગ્રીકમાં અને ૧૨મી સદીમાં હિબ્રુમાં અનુવાદિત થઈ. આ હિબ્રુ આવૃત્તિ પરથી ૧૩મી સદીના સાહિત્યકાર જ્હોન કપુઆએ પંચતંત્રની વાર્તાઓ લેટિનમાં ઉતારી. આ પુસ્તકના આધારે પંચતંત્ર જર્મન જેવી યુરોપિયન ભાષામાં પહોંચ્યું.

રસપ્રદ વાત એ છે કે, પ્રિન્ટિંગ પ્રેસના શોધક તરીકે અમર થઈ જનારા જોહાનિસ ગુટેનબર્ગે પણ ઈસ. ૧૪૮૩માં પંચતંત્રની જર્મન આવૃત્તિ છાપી હતી. ગુટેનબર્ગે બાઈબલ સહિત પહેલવહેલા છાપેલા પુસ્તકોમાં પંચતંત્રનો પણ સમાવેશ થાય છે. ઈસ. ૧૫૫૨માં એન્ટોનફ્રેન્સેસ્કો દોનીએ લેટિન આવૃત્તિ પરથી પંચતંત્રનો ઈટાલિયન અનુવાદ કર્યો હતો, જેના આધારે ઈસ. ૧૫૭૦માં સર થોમસ નોર્થે એલિઝાબેથ અંગ્રેજી (જૂની અંગ્રેજી)માં પંચતંત્રની વાર્તાઓનો અનુવાદ કર્યો અને તેના આધારે જ પંચતંત્રની સંખ્યાબંધ આધુનિક અંગ્રેજી આવૃત્તિઓ અસ્તિત્વમાં આવી. 

આમ, પંચતંત્રની વાર્તાઓ દુનિયાભરમાં ફેલાઈ અને દરેક સર્જકોએ તેમાં પોતપોતાની સંસ્કૃતિ, ભાષા અને સમજ પ્રમાણે ફેરફારો કરીને તેને અપનાવી લીધી. ભારતની સૌથી વધારે અને સતત અનુવાદિત થયેલી સાહિત્યિક કૃતિમાં પંચતંત્રનો સમાવેશ થાય છે. આ વાર્તાઓ સદીઓથી દુનિયાભરના બાળકો જ નહીં મોટેરાઓને પણ મનોરંજનની સાથે બોધપાઠ આપી રહી છે.

પંચતંત્રની સૌથી પ્રાચીન હસ્તપ્રતો

સંશોધકોએ સરળતા ખાતર પંચતંત્રની સૌથી પ્રાચીન આવૃત્તિઓને ચાર ભાગમાં વહેંચી છે. પહેલા ભાગમાં પાહલવી ભાષામાંથી અરબી અને સીરિયન ભાષામાં થયેલા પંચતંત્રના અનુવાદોનો સમાવેશ થાય છે. અત્યારે પાહલવીના અનુવાદ અપ્રાપ્ય છે, પણ અરબી અને સીરિયન અનુવાદો ઉપલબ્ધ છે. બીજા ભાગમાં ક્ષેમેન્દ્રએ રચેલી 'બૃહત્કથા મંજરી' અને સોમદેવની 'કથાસરિત્સાગર'નો સમાવેશ કરાયો છે. આ બંને ગ્રંથ ગુણાઢ્ય નામના વિદ્વાને પૈશાચી ભાષામાં લખેલી 'બૃહદ્કથા'ના અનુવાદો છે. જોકે, હાલ 'બૃહદ્કથા' અપ્રાપ્ય છે. ત્રીજા ભાગમાં 'તંત્રાખ્યાયિકા'નો સમાવેશ કરાયો છે, જેમાં જૈન કથાઓનો સંગ્રહ છે. પંચતંત્રની આ સૌથી પ્રાચીન આવૃત્તિ મનાય છે. જાણીતા જર્મન વિદ્વાન જોહાનિસ હર્ટેલે (૧૮૭૨-૧૯૫૫) સખત મહેનત પછી આ આવૃત્તિ શોધી કાઢી હતી. પંચતંત્રની મૂળ વાર્તાઓની નજીકમાં નજીક હોય એવી આવૃત્તિઓ શોધવામાં ભારત કરતા પશ્ચિમી વિદ્વાનોનું પ્રદાન વધારે છે. 'તંત્રાખ્યાયિકા' જ આધુનિક યુગનું ‘પંચતંત્ર’ ગણાય છે. ચોથા ભાગમાં નેપાળી પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓનો સમાવેશ કરાયો છે. ભારતીય વિદ્વાનોના મતે, હિતોપદેશની વાર્તાઓના સર્જક નારાયણ પંડિતે પણ પંચતંત્રના આધારે જ હિતોપદેશની વાર્તાઓ રચી હોવાનું કબૂલ્યું હતું. 

પંચતંત્રની રચના ચાણક્યએ કરી હોવાનો મત કેમ ઉદ્ભવ્યો?

ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના સમયમાં એટલે કે ત્રીજી સદીમાં પંચતંત્રની રચના થઈ હતી. ચાણક્યએ રચેલા 'નીતિશાસ્ત્ર'નો પંચતંત્રની વાર્તાઓમાં સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. આ કારણોસર કેટલાક લોકો એવું માનતા હતા કે, પંચતંત્રની વાર્તાઓના સર્જક પણ ચાણક્ય છે. જોકે, કેટલાક સંશોધનો પછી અમુક વિદ્વાનો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, ચાણક્યનું બીજું નામ વિષ્ણુગુપ્ત છે અને પંચતંત્રની વાર્તાઓના સર્જક વિષ્ણુ શર્મા છે. આ નામોની સમાનતાના કારણે આવી ગેરસમજ થઈ હતી.

અમુક વિદ્વાનોએ તો ચાણક્ય અને વિષ્ણુગુપ્તને પણ અલગ અલગ વ્યક્તિ ગણાવ્યા છે. આ થિયરીમાં માનતા વિદ્વાનોનું કહેવું છે કે, ચાણક્ય કે કૌટિલ્યની કૃતિઓનું વિષ્ણુગુપ્ત નામના વિદ્વાને પુન:લેખન કર્યું હતું. આ કારણસર કેટલાક સંશોધકો ચાણક્ય કે કૌટિલ્યને જ વિષ્ણુગુપ્ત માની બેઠા છે. હકીકતમાં ચાણક્યનું બીજું નામ વિષ્ણુગુપ્ત ન હતું.