25 July, 2016

આતંકનું નવું શસ્ત્ર: લોન વુલ્ફ એટેક


ભારતીય લશ્કરે બુરહાન વાનીને ઠાર માર્યા પછી જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર બુરહાન સ્ટિલ અલાઈવલખેલા પોસ્ટર્સ અને સંદેશા જોવા મળતા હતા. આ પહેલાં ઓસામા બિન લાદેન વિશે પણ એવું જ કહેવાતું હતું કે, એક લાદેનને મારશો તો બીજા હજાર પેદા થશે! આપણને ગમે કે ના ગમે. આ વાત સાચી પડી રહી છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ કે બાંગ્લાદેશમાં ત્રાટકતા આતંકવાદી લાદેન કે ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદીના જ ક્લોનછે. આતંકના પોસ્ટર બોય્સને ભલે છુપાઈને રહેવું પડે પણ તેમના વિચારો દુનિયાભરમાં સહેલાઇથી પહોંચે જ છે. આ વિચારમાંથી જ લોન વુલ્ફ એટેકર્સપેદા થાય છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ફ્રાન્સના નીસમાં થયેલો હુમલો આતંકવાદના ઈતિહાસનો સૌથી ખતરનાક લોન વુલ્ફ એટેક છે. આ હુમલા પછી ફરી એકવાર ચર્ચા થઈ રહી છે કે, આખરે લોન વુલ્ફ એટેકને કેવી રીતે રોકી શકાય?

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં લોન વુલ્ફ એટેકનું બેકગ્રાઉન્ડ.

લોન વુલ્ફ એટેક એટલે શું?

લોન વુલ્ફ એટેક એકલા હાથેથતો હોવાથી તે લોનએટેક તરીકે ઓળખાય છે. અહીં લોનશબ્દનો અર્થ એ નથી કે, આ પ્રકારનો હુમલો એક જ વ્યક્તિ કરે છે. આવા હુમલામાં એકથી વધારે વ્યક્તિ સંડોવાયેલી હોઈ શકે છે પણ તેમને કોઈ સંસ્થા કે જૂથનું પીઠબળ નથી હોતું. એ અર્થમાં આ પ્રકારના હુમલા લોન એટેકગણાય છે. આવો હુમલો કરનારી વ્યક્તિ કોઈ ઉદ્દામવાદી જૂથની વિચારધારા અને માન્યતાઓથી પ્રભાવિત હોય છે. લોન વુલ્ફ એટેકરને કોઈ જૂથનો આર્થિક ટેકો નથી હોતો, તેઓ શસ્ત્ર-સરંજામ પણ જાતે મેળવી લે છે અને હુમલાનું આયોજન પણ જાતે જ કરે છે.



હવે વુલ્ફ શબ્દની વાત. સામાન્ય રીતે, જૂથમાં રહેવા ટેવાયેલી વરુની વિવિધ પ્રજાતિમાં ક્યારેક એવા પણ વરુ જોવા મળે છે, જે એકલા રહેવાનું પસંદ કરે છે. આ પ્રકારના વરુ એનિમલ સાયન્સની દુનિયામાં લોન વુલ્ફતરીકે ઓળખાય છે. કોઈ એકલદોકલ વ્યક્તિ દ્વારા કરાતા નાના-મોટા હુમલાને શરૂઆતમાં રખડતા કૂતરા દ્વારા થતાં હુમલા સાથે સરખાવાતા હતા. એ પછી અમેરિકન ટેરરિઝમ એક્સપર્ટ બ્રાયન માઇકલ જેનકિન્સે રખડતા કૂતરા જેવા જ, પણ કૂતરા કરતા વધારે ઘાતક હુમલાને લોન વુલ્ફ એટેકનામ આપ્યું.

નેવુંના દાયકામાં અમેરિકામાં એલેક્સ કર્ટિસ અને ટોમ મેટ્ઝર નામના જાતિવાદી ઉદ્દામવાદીઓના કારણે આ શબ્દ વધુ પ્રચલિત થયો. આ બંને અમેરિકનો સ્પષ્ટપણે માનતા હતા કે, દુનિયામાં શ્વેત પ્રજા કુદરતી રીતે જ  બધી બાબતોમાં શ્રેષ્ઠ છે. આ કારણસર શ્વેતોને તમામ અશ્વેતો પર રાજકીય, આર્થિક અને સામાજિક રીતે ચડિયાતા રહેવાનો હક્ક છે. આવા વિચારો ધરાવતા કર્ટિસ અને મેટ્ઝરે વ્હાઈટ સુપ્રીમસીએટલે કે શ્વેત જ સર્વશ્રેષ્ઠમાં માનતા અમેરિકનોને અપીલ કરી હતી કે, તમે કોઈ સંસ્થા સાથે જોડાઈને નહીં પણ એકલા હાથે જ વ્હાઈટ સુપ્રીમસીનો આક્રમક ફેલાવો કરવા અન્ડરગ્રાઉન્ડ એક્ટિવિટી સતત ચાલુ રાખો. યોદ્ધાની જેમ એકલા કે નાના નાના જૂથોમાં લડો. રોજેરોજ સરકાર કે બીજા લોકો પર સતત હુમલા કરો...

આ વિચારધારાને કર્ટિસે લોન વુલ્ફ એક્ટિવિઝમનામ આપ્યું હતું. એ પછી એફબીઆઈએ કર્ટિસ અને મેટ્ઝરની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા એક ઓપરેશન શરૂ કર્યું હતું, જેને ઓપરેશન લોન વુલ્ફનામ અપાયું હતું. સદનસીબે અમેરિકામાં કર્ટિસ અને મેટ્ઝરના વિચારોને બહુ સમર્થન મળ્યું ન હતું.  

લોન વુલ્ફ એટેક રોકવા અશક્ય

લોન વુલ્ફ એટેક રોકવા અશક્ય છે એ વાત સૌથી તાજા ઉદાહરણથી સમજીએ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોના હાથે મરાયેલો બુરહાન વાની હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર હતો એ તો જગજાહેર વાત છે, પરંતુ બુરહાનથી બીજા હજારો કાશ્મીરીઓ પ્રભાવિત છે એનું શું? આ હજારો કાશ્મીરીઓમાંથી કોઈ પણ ફરી એકવાર આત્મઘાતી હુમલો કરી શકે છે. એ માટે તેમને હિઝબુલ મુજાહિદ્દીન કે લશ્કર એ તોઇબા કે જૈશ એ મોહમ્મદની મદદની જરૂર જ નથી. જે માણસ બ્લેક લિસ્ટેડજૂથ કે વ્યક્તિ સાથે સંપર્ક કર્યા વિના જ મોટું કાવતરું પાર પાડવાનો હોય તો તેને ઝડપવાનો કેવી રીતે?

ટોમ મેટ્ઝર અને એલેક્સ કર્ટિસ

અમેરિકાના ઓરલાન્ડોમાં ગે ક્લબ પર ઓમર માતિને ૫૦ લોકોને શૂટ કરી દીધા એ પછી ખબર પડી કે, માતિન તો ઈસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રભાવિત હતો. માતિન સીરિયા પણ જઈ આવ્યો હતો. એટલે એફબીઆઈના એજન્ટોએ અમેરિકન સ્ટાઈલમાં તેની પૂરેપૂરી તપાસ કરી હતી. માતિનની મનોવૈજ્ઞાનિક ચકાસણી પણ થઈ ગઈ હતી અને એફબીઆઈએ માની લીધું હતું કે, માતિનને છૂટો મૂકવો ખતરારૂપનથી.  આ કારણસર એફબીઆઈએ તેને ચુસ્ત સર્વેલન્સ હેઠળ પણ મૂક્યો ન હતો.

જોકે, માતિન સર્વેલન્સ હેઠળ હોત તો પણ શું? આજેય એફબીઆઈને ખબર નથી કે, માતિને આચરેલા હત્યાકાંડ પાછળ કયું પરિબળ કામ કરી ગયું! હવે જાતભાતની તપાસ કરીને કહેવાય છે કે, માતિન માનસિક બિમાર, તણાવગ્રસ્ત અને નિરાશાવાદી હતો. તે સમલૈંગિકોને નફરત કરતો હતો વગેરે. જો દરેક લોન વુલ્ફ એટેકર કે આતંકવાદીને માનસિક બિમાર ગણી લઈએ તો તે આખી વાતનું ઓવર સિમ્પિલિફિકેશન કરી નાંખ્યું ગણાશે! 

અત્યારે વિશ્વમાં સૌથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતું ઈઝરાયેલ પણ લોન વુલ્ફ એટેકનો સૌથી વધારે સામનો કરી રહ્યું છે. એ પછી યુરોપના પેરિસ, બ્રસેલ્સ અને લંડન જેવા શહેરો અને અમેરિકાનો નંબર આવે છે. અમેરિકાએ જડબેસલાક ઈમિગ્રેશન નીતિનો અમલ કરીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે, પરંતુ પહેલેથી જ અમેરિકામાં છે એવા સંભવિત લોન વુલ્ફ એટેકર્સનું શું?

અમેરિકન સુરક્ષા નિષ્ણાતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, કઈ વ્યક્તિ ક્યારે હુમલો કરશે એનું ભવિષ્ય ભાખવું અમારા માટે અશક્ય છે.

પોસ્ટ, ટ્વિટ અને હેશટેગ

લોન વુલ્ફ એટેક માટે ઈન્ટરનેટ ગેમ ચેન્જર બનીને આવ્યું છે. જેમ કે, હજારો કાશ્મીરીઓ ક્યારેય બુરહાનને મળ્યા નથી. એવી જ રીતે, ફ્રાન્સના નીસમાં હુમલો કરનારો મોહમ્મદ બુહેલ કે ઓરલાન્ડોની ગે ક્લબનો શૂટર ઓમર માતિન પણ ક્યારેય બગદાદીને મળ્યા ન હતા. આમ છતાં, તેઓ ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત હતા.

ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરો સીરિયા, ઈરાક કે કોઈ બીજા જ દેશમાં બેઠા બેઠા ઈન્ટરનેટ પર આતંક ફેલાવી રહ્યા છે. આ પહેલા એલટીટીઈ અને અલ કાયદાએ પણ ટેક્નોલોજીનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો પણ ઈસ્લામિક સ્ટેટ તો ટેક્નોલોજીની મદદથી આતંકની દુનિયાને નવી જ ઊંચાઈએ પહોંચાડી દીધી છે. ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરોએ કમ્પ્યુટર પર બેસીને દુનિયાભરમાં વિદેશી લડવૈયાઓની ભરતી કરી રહ્યા છે અને લાખો લોકોને ખ્રિસ્તીઓ સામે લડવા ઉશ્કેરી રહ્યા છે. જોકેઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત થનારા યુવાનોમાં ભારતનું સ્થાન સૌથી નીચે છે એ પણ હકીકત છે.

ઓરલાન્ડોની ગે ક્લબ પર હુમલો કરનારો ઓમર માતિન

આમ છતાં, ભારતે અત્યારથી ચેતવું જોઈએ કારણ કે, કાશ્મીરમાં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરાતો શબ્દ આઈએસઆઈએસછે. ઈસ્લામિક સ્ટેટ વૈશ્વિક સ્તરે પબ્લિસિટી મેળવવા, પોતાના વિચારો ફેલાવવા અને પશ્ચિમી મીડિયા તેમના વિશે જે અફવા ફેલાવે છે એનો સામનો કરવા ઈન્ટરનેટનો પ્રચંડ ઉપયોગ કરી રહ્યું છે. કાશ્મીરના યુવાનો રોજેરોજ ફેસબુક પર ભારત વિરોધી પોસ્ટ મૂકે છે કે ફેસબુક પેજ બનાવે છે, ટ્વિટ કરે છે અથવા કોઈ હેશટેગ પોપ્યુલર કરે છે. કાશ્મીર પોલીસ રોજેરોજ આ બધું બ્લોક કરે છે પણ તેને સંપૂર્ણ અટકાવી શકાતું નથી.

હાલમાં સમાચાર હતા કે, સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ ખૂબ મોટો હિસ્સો ગુમાવી દીધો. તેઓ સીરિયા, ઈરાક અને નાટોના લશ્કર સામે હારી ગયા. જો આતંકવાદ જીવતો રાખવાનો સવાલ છે તો ઈસ્લામિક સ્ટેટને આ વાતથી કોઈ ફર્ક નથી પડતો. ઊલટાનું જો તેઓ વિખેરાઈ જશે તો વધારે આક્રમક રીતે લોન વુલ્ફ એટેક કરશે એવો પણ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. ઈસ્લામિક સ્ટેટ જેવી તાકાતોને તોડી પાડવા બહુ જ લાંબા ગાળાની નીતિઓ બનાવવી પડે છે. ફક્ત બંદૂકની ગોળીથી એ કામ શક્ય નથી.

ટૂંકમાં આતંકવાદ સામે લડવા સ્પેશિયલ ફોર્સની મદદથી સાઈકોલોજિકલ અને પર્સેપ્શન મેનેજમેન્ટ કરીને બુલેટલેસ વૉરલડવાની કળા હસ્તગત કરવી પડે. સ્પેશિયલ ફોર્સના કમાન્ડો માટે ગોળી એ અંતિમ વિકલ્પ હોય છે અને તેમના ઓપરેશનમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો સ્પેશિયલ ફોર્સની મદદથી બખૂબી આ કામ કરી રહ્યા છે.

નોંધઃ ‘ઈસ્લામિક સ્ટેટ’ કે ‘સ્પેશિયલ ફોર્સ’ અંગે વાંચવા એ શબ્દ પર ક્લિક કરો.  

18 July, 2016

એમ. ક્રિશ્નન : એક ક્લાસિક કોલમિસ્ટ


અખબારો કે સામાયિકોમાં લખતા કોઈ કોલમિસ્ટ માટે સૌથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે? જો કોલમ વર્ષોવર્ષ ચાલતી રહે, એનું પુસ્તક થાય અને એ પણ વર્ષો સુધી વંચાતુ રહે તો એ લેખકની સિદ્ધિ ગણાય. પણ તમે એવું સાંભળ્યું છે કે, કોઈ કોલમિસ્ટે લખેલા સંખ્યાબંધ લેખો ક્લાસિકની કેટેગરીમાં આવી ગયા હોયહા, એ શક્ય છે પણ એવું બહુ ઓછું બનતું હોય છે.

ઓકે, બીજો સવાલ. જો એ લેખકે રાજકારણ, સાહિત્ય, સામાજિક પ્રવાહો, શિક્ષણ અને વિજ્ઞાન-ટેક્નોલોજી જેવા એકેય વિષય પર નહીં પણ પક્ષીઓ વિશે લખ્યું હોય તો?

હા, એવું પણ શક્ય છે, જો એ લેખકનું નામ માધવિયા ક્રિશ્નન હોય!

ટૂંકમાં એમ. ક્રિશ્નન નામે જાણીતા આ સિદ્ધહસ્ત લેખકે ધ સ્ટેટ્સમેનમાં ૪૬ વર્ષ સુધી પ્રકૃતિ, પશુ-પક્ષીઓ અને જીવજંતુઓ પર કંટ્રી નોટબુકનામની પખવાડિક કોલમ લખી હતી. વર્ષ ૨૦૧૨માં એલેપ બુક કંપનીએ આ લેખમાળા ઓફ બર્ડ્સ એન્ડ બર્ડસોન્ગનામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરી હતી. ક્રિશ્નનની આશરે પાંચ દાયકાની કોલમ યાત્રાનું સંપાદન કરવાનું ભગીરથ કામ શાંતિ ચંડોલા અને આશિષ ચંડોલા નામના વાઈલ્ડ લાઈફ ફિલ્મમેકર અને ફોટોગ્રાફરોએ કર્યું છે.


પુસ્તકનું કવર અને બાજુમાં એમ. ક્રિશ્નન

આ પુસ્તકનું નામ વાંચીને ખ્યાલ આવી જાય છે કે, તેમાં પક્ષીઓની અને પક્ષીવિજ્ઞાનની વાત કરાઈ છે! જોકે, આ લખાણો એટલી રસાળ શૈલીમાં છે કે, જેમને પક્ષીઓની દુનિયામાં રસ ના હોય એ લોકો પણ એકવાર આ પુસ્તક હાથમાં લીધા પછી પૂરું કર્યા વિના રહી શકતા નથી. આ પ્રકારનો વિષય હોવા છતાં પુસ્તકના પાને પાને લેખકની સેન્સ ઓફ હ્યુમરઅને સેટાયર શૉટવિખરાયેલા પડ્યાં છે. દાખલા તરીકે, મોરનું વર્ણન કરતી વખતે તેઓ લખે છે કે, ‘‘...રોજ સવારે અને સાંજે તેઓ કઠોર ગગનભેદી અવાજથી વાતાવરણ ગજવી મૂકે છે. એ મને રાજકારણીઓની યાદ અપાવે છે. શું એટલે જ મોરને ભારતનું રાષ્ટ્રીય પક્ષી જાહેર કરાયું છે?...’’

બીજું એક ઉદાહરણ વાંચો. ક્રો ફેઝન્ટ નામના પક્ષીની માહિતી આપતા ક્રિશ્નન કહે છે કે, ‘‘ક્રો-ફેઝન્ટ બિલકુલ મજા ના આવે એવું નામ ધરાવતું પક્ષી છે કારણ કે એ નથી ક્રો (કાગડો) કે નથી ફેઝન્ટ (તેતર), પણ એક સ્વાવલંબી કોયલ છે. આ કોયલ તેની વંશપરંપરાને ગંભીરતાથી લે છે અને પોતાના ઈંડા બીજાને વળગાડી દેવાના બદલે જાતે જ માળો બાંધે છે...’’

આ લેખોમાં ક્રિશ્નન જંગલી પક્ષીઓ જ નહીં, આપણી આસપાસ રોજેરોજ દેખાતા પક્ષીઓની પણ અવનવી વાતો કરે છે. ક્રિશ્નન જે પક્ષીની વાત શરૂ કરે તેની આદતો, વિચિત્રતાઓ, માળો બનાવવાની શૈલી, સંવનન અને માતા-પિતા તરીકે તેમનું જીવન કેવું હોય છે એ બધું જ રસાળ શૈલીમાં પીરસતા જાય છે.

જેમ કે, પક્ષીઓ વિશે થોડી ઘણી જાણકારી ધરાવનારને ખ્યાલ હોય કે, ગરમ પ્રદેશમાં રહેતા મોટા ભાગના પક્ષીઓ ભરબપોરે આરામ ફરમાવતા હોય છે. પણ તમને એ ખબર છે કે, ફ્લેમિંગો જેવા મોટા વૉટરબર્ડ્સ બપોરે આરામના મૂડમાં હોય ત્યારે એક પગ પાણીની બહાર રાખતા હોય છે? ખબર છે કેમ? જવાબ: શરીરની ગરમી બચાવવા. જોકે, પેરાકિટ (લાંબી પૂંછડીવાળો નાનકડો પોપટ) બે પગ પર સૂતો હોય તો સમજવું કે, તેની તબિયત નથી સારી.

શું તમને ખ્યાલ છે, કોમન કિંગફિશર ઇંગ્લેન્ડનું સૌથી રંગીન પક્ષી તરીકેનું સન્માન ભોગવે છે? જોકે, આ પક્ષી ભારતના કિંગફિશર સાથે હરીફાઈ કરી શકે એમ નથી. આપણું નાનકડું ડ્વાર્ફ કિંગફિશર ગમે તેવા રંગીન કિંગફિશર સાથે હરીફાઈ કરી શકે એમ છે. આ પહેલાં ડ્વાર્ફ કિંગફિશર ભારતમાં થ્રી ટો કિંગફિશરએટલે કે ત્રણ અંગૂઠાવાળા કિંગફિશરતરીકે ઓળખાતું હતું. આ કિંગફિશરનું નામ બ્રિટિશ બર્ડવૉચર્સે બદલી નાંખ્યું હતું.

પર્પલ સનબર્ડ નામનું નાનકડું સુંદર પંખી મોટા ભાગના લોકોએ જોયું હશે! સનબર્ડ પણ હમિંગબર્ડની જેમ ફૂલોનો રસ ચૂસીને પેટ ભરે છે પણ હમિંગબર્ડની જેમ પાંખો ફફડાવીને હવામાં ઊભું રહી શકતું નથી. જે સનબર્ડના કુમાશદાર પીળા ગળાથી લઈને પેટ સુધી પર્પલ લીટી હોય એ મેલ હોય અને એવી લીટી ના હોય તો સમજવું કે એ ફિમેલ છે.

તમે ગીધ પણ જોયા હશે! ગીધની ઉડવાની ક્ષમતા ગજબની હોય છે પણ તેઓ સમુદ્રની ઉપર ભાગ્યે જ મંડરાય છે. એટલે જ તો શ્રીલંકામાં ગીધ જોવા નથી મળતા. પણ ગીધ કેમ સમુદ્રની ઉપર નથી ઉડતા? કદાચ હાડપિંજરો અને પશુઓના મૃતદેહ ખાઈને પેટ ભરવાની ગીધોની કુદરતી આદતના કારણે એવું હોઈ શકે!

કોમન પેટ્રિજ નામનું કબૂતર જેવું પક્ષી બધે જ જોવા મળતું હોવાથી તેના નામ આગળ કોમનશબ્દ છે, પરંતુ ક્રિશ્નને તેને ફાઈનેસ્ટ પૂઅર મેન્સ ડૉગનામ આપ્યું છે. ક્રિશ્નનને વાંચ્યા પછી કબૂતરને પણ ધ્યાનથી નીરખ્યા કરવાની ચાનક ચઢે છે. કબૂતરને સંદેશો મોકલાવાની તાલીમ કેવી રીતે અપાય અને રેસિંગ હોમર (રેસિંગમાં ઉપયોગમાં લેવાતા કબૂતર) શું ખવડાવવું જોઈએ એવી જાતભાતની વાતો ક્રિશ્નન સ્હેજ પણ ભાર વિના સમજાવી દે છે.

આવી રીતે ક્રિશ્નન ફકરે ફકરે કુતુહલ સંતોષાય એવી રીતે માહિતી આપે છે. આ પુસ્તકનું સૌથી મજબૂત પાસું એ છે કે, તેના બધા જ પાસાં મજબૂત છે. જેમ કે, એમ. ક્રિશ્નનનું અસ્ખલિત અને રસાળ અંગ્રેજી, નક્કર માહિતીની સુંદર ગૂંથણી અને વાચકના માનસપટ પર પક્ષીઓની દુનિયા છવાઈ જાય એવી રીતે ખુદ એમ. ક્રિશ્નને દોરેલા પેન્સિલ સ્કેચ. જોકે, ક્રિશ્નનનું અંગ્રેજી વાંચતી વખતે ડિક્શનરી હાથવગી રાખવી પડે છે કારણ કે, તેઓ નવા નવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે અને ક્યારેક નવા શબ્દો પણ સર્જે છે. જોકે, આ લખાણો વાંચતી વખતે વાચકને કંટાળો નથી આવતો, ઊલટાની ઇંતેજારી વધતી જાય છે અને અંગ્રેજી ભાષાનું પણ સતત જ્ઞાન મળે છે.

જેમ કે, ‘સીન થ્રૂ ધ કેરેજ વિન્ડોનામના પ્રકરણમાં ક્રિશ્નનને એક સુંદર શબ્દ સર્જ્યો છે. તેઓ લખે છે કે, ‘‘તમે ટ્રેનની બારીની બહાર સુંદર પક્ષીઓનું નિરીક્ષણ કરીને કંટાળાજનક પ્રવાસને આનંદદાયક મુસાફરીમાં બદલી શકો છે. રેલવેના પાટા જ્યાં જાય છે ત્યાં અનંત સુધી ટેલિગ્રાફ વાયરો પણ વિસ્તરેલા હોય છે. આ વાયરો ખાસ પક્ષીઓ માટે જ ડિઝાઈન કરાયા હોય એવું લાગે છે...’’ આ પ્રકારના બર્ડવૉચિંગને ક્રિશ્નને ટેલિફોનાનામ આપ્યું છે કારણ કે, અંગ્રેજીમાં વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે ફ્લોરા એન્ડ ફોનાશબ્દ છે. એટલે ક્રિશ્નને ટેલિફોનના વાયરો અને ફોના પરથી નવો જ શબ્દ સર્જ્યો, ટેલિફોના.

ક્રિશ્નનના લખાણો સામાન્ય પક્ષીઓને જોવાની નવી દૃષ્ટિ આપે છે એ રીતે તેમજ બીજી ઐતિહાસિક રીતે પણ અત્યંત મહત્ત્વનું છે. ક્રિશ્નને અનેક પક્ષીઓને કોમનની કેટેગરીમાં મૂક્યા છે, જે આજે દુર્લભ છે અથવા સહેલાઈથી જોવા નથી મળતા! આટલા દાયકામાં કોમન બર્ડ’ તો ઠીક ઘરની આસપાસ દેખાતા ચકલી અને કાગડા જેવા પક્ષીઓની સંખ્યા પણ જબરદસ્ત ઘટી ગઈ છે. આ સિવાય પણ ક્રિશ્નનના લખાણોમાં આવતી અનેક હકીકતો પ્રકૃતિવિદો માટે પ્રમાણિત દસ્તાવેજો સમાન છે. 

વર્ષ ૧૯૬૭માં ક્રિશ્નને યુનિવર્સિટી સ્તરના અનેક વિદ્યાર્થીઓને લાલ રંગના ફૂલો આપતા બે વૃક્ષ અને ફક્ત ભારતમાં જ જોવા મળે એવા પ્રાણીનું નામ પૂછ્યું હતું. કોઈ વિદ્યાર્થી આ સવાલનો જવાબ આપી ન શકતા ક્રિશ્નને વ્યથિત થઈને લખ્યું હતું કે, ‘‘...આપણા યુવાનો સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ધરમૂળથી કંઈક ખોટું થઈ રહ્યું છે. તેઓ મારા એક સીધાસાદા સવાલનો જવાબ નથી આપી શકતા. કે પછી હું વધારે પડતો ઉત્સાહી છું અને એટલે સમજી નથી શકતો કે, મારો સવાલ જ અયોગ્ય છે?...’’

આ પ્રકારના વિચારો ધરાવતા ક્રિશ્નનને લેખન અને વાચનના સંસ્કાર ગળથૂથીમાં જ મળ્યા હતા. ક્રિશ્નનો જન્મ ૩૦મી જૂન, ૧૯૧૨ના રોજ તમિલનાડુના તિરુનેલવેલીમાં થયો હતો. તેમના પિતા એ. માધવિયા મદ્રાસ સરકારમાં ઉચ્ચ અધિકારી અને સુધારાવાદી વલણ ધરાવતા લેખક હતા. તેમણે તમિલ ભાષાની પહેલી વાસ્તવવાદી નવલકથા પદ્માવતી ચરિત્રમ્લખી હતી, જે ઈસ. ૧૮૯૮માં પ્રકાશિત થઈ હતી. વર્ષ ૧૯૧૬માં તેમણે થિલ્લાઇ ગોવિંદનનામે અંગ્રેજી નવલકથા પણ લખી હતી. નિવૃત્તિકાળમાં એ. માધવિયાએ પંચમિત્રમ્નામના સામાયિકનું પણ પ્રકાશન કર્યું હતું. વર્ષ ૧૯૨૫માં તેમનું અવસાન થયું ત્યારે એમ. ક્રિશ્નનની ઉંમર માંડ ૧૩ વર્ષ હતી.

પિતાના મૃત્યુ પછી ક્રિશ્નનનું બાળપણ મદ્રાસના માયલાપોરમાં વીત્યું. અહીં જ તેમણે હિંદુ હાઈસ્કૂલ અને પ્રેસિડેન્સી કોલેજમાંથી શિક્ષણ લીધું. નાનપણથી જ ક્રિશ્નન ગોફણ અને ચપ્પુ લઈને આસપાસના જંગલોમાં તેમજ નીલગીરી-કોડાઈકેનાલની ટેકરીઓ પર પશુપક્ષીઓને જોવા રઝળપાટ કરતા. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે રાજકીય સચિવ, શિક્ષક અને ન્યાયાધીશ જેવા હોદ્દે પણ ફરજ બજાવી. વર્ષ ૧૯૪૨ પછી ક્રિશ્નને ધ ઈલસ્ટ્રેટેટ વિકલી ઓફ ઈન્ડિયામાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ ડાયરીનામે એક લેખમાળા લખી. એ પછી તેમને ધ હિંદુમાં પણ લખવાની તક મળી. આ દરમિયાન ક્રિશ્નને અનેક નાના-મોટા તમિલ સામાયિકોમાં ચિત્રો અને કાર્ટૂન પર પણ હાથ અજમાવ્યો. એ પછી વર્ષ ૧૯૫૦માં તેમને ધ સ્ટેટ્સમેનમાં પખવાડિક કોલમ લખવાની ઑફર થઈ, જે ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ તેમના મૃત્યુ સુધી પ્રકાશિત થઈ. વર્ષ ૧૯૦માં ભારત સરકારે તેમને પદ્મશ્રી આપીને સન્માનિત કર્યા હતા. 

છેલ્લે એમ. ક્રિશ્નનના જ એક ક્વૉટેબલ ક્વૉટ સાથે વાત પૂરી કરીએ. ક્રિશ્નને ભારતીય શિક્ષણ પદ્ધતિ પર બળાપો કાઢતા કહ્યું હતું કે, ‘‘... એક સરેરાશ શિક્ષિત વ્યક્તિ દેશના છોડફૂલ અને પશુપક્ષી વિશે બહુ જ ઓછી કે બિલકુલ જાણકારી નથી ધરાવતી. ઢોરઢાંખરમાં તેમને રસ નથી પડતો અને તેમને એમ લાગે છે કે, દુનિયા એટલે ફક્ત માણસો. તેઓ ક્યારેય પર્વતો અને કૂતરા સાથે દોસ્તી કરી શકતા નથી. જો તેની સાથે વાત કરવા કોઈ ના હોય, વાંચવા પુસ્તક ના હોય અને ચાલુ-બંધ કરવા કોઈ ગેજેટ ના હોય તો તે ગયો જ સમજો. આ બધા માટે સ્કૂલનું શિક્ષણ જ જવાબદાર છે...’’

11 July, 2016

એલ્વિન ટોફલર : જ્યોતિષી નહીં, ફ્યુચરિસ્ટ


હવે પછીના કેટલાક દાયકાઓમાં ઈ-મેઇલ, ટેક્સ્ટ મેસેજ, ઓનલાઈન ચેટિંગ રૂમ, એનિમેશન, કેબલ ટીવી નેટવર્ક અને ડિજિટલ વર્લ્ડની બોલબાલા હશે. જોકે, ડિજિટલ વર્લ્ડમાં ઈન્ફોર્મેશન ઓવરલોડ’ની સ્થિતિ સર્જાશે. 

ભવિષ્યનો સમાજ નવા જ પ્રકારની ગુનાખોરી અને ડ્રગ્સનો શિકાર બન્યો હશે. સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધશે, પણ લોકો લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરોને અપનાવી લેશે. લોકો લગ્ન કરીને બાળકો મોડા પેદા કરશે.

એડવાન્સ ટેક્નોલોજીની મદદથી ભવિષ્યમાં ઘરે બેસીને કામ કરતા લોકોની સંખ્યા ઘણી વધી જશે. ખાસ કરીને કમ્પ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન ટેક્નોલોજીની મદદથી એ બધું શક્ય બનશે.

ભવિષ્યમાં સ્ત્રીઓ બીજી સ્ત્રીના ગર્ભનો પોતાના ગર્ભાશયમાં ઉછેર કરશે. આ રીતે તે પોતાના શરીરમાં બીજી સ્ત્રીના બાળકને જન્મ આપશે. આ ઉપરાંત સ્ત્રીઓ કારકિર્દી માટે પણ મોડી માતા બનશે અને એ બધું ટેક્નોલોજીથી શક્ય બનશે.

***

આ બધી વાતોની અત્યારે કોઈ નવાઈ નથી પણ છેક સિત્તેરના દાયકામાં એક વ્યક્તિએ આવા અનેક મુદ્દે ઊંડો અભ્યાસ કરીને આ બધું લખ્યું ત્યારે વિશ્વ ચોંકી ગયું હતું. આ ભવિષ્યવાણી કોઈ જ્યોતિષીએ નહીં પણ ૨૦મી સદીના સૌથી વધુ ચર્ચાસ્પદ લેખકો-પત્રકારોમાંના એક એલ્વિન ટોફલરે કરી હતી. આ મહાન હસ્તીનું ૨૭મી જૂન, ૨૦૧૬ના રોજ લોસ એન્જલસમાં ૮૭ વર્ષની વયે મૃત્યુ થઈ ગયું. ટોફલરે વર્ષ ૧૯૭૦માં ફ્યુચર શૉક’, ૧૯૮૦માં ધ થર્ડ વેવઅને ૧૯૯૦માં પાવરશિફ્ટનામે ટ્રિલોજી (ગ્રંથત્રયી) લખીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવી હતી. તેમના લખાણોએ દુનિયાભરમાં ભારે ચર્ચા જગાવી હતી. સામાન્ય રીતે નોન-ફિક્શન પુસ્તકોનું વેચાણ નવલકથાઓ જેટલું થતું નથી, પરંતુ ફ્યુચર શૉકપુસ્તકની દોઢ કરોડ નકલો વેચાઈ હતી અને હજુયે દર વર્ષે આ ટ્રિલોજી પ્રકાશિત થતી રહે છે.    

એલ્વિન ટોફલર

ટોફલરે સાંસ્કૃતિક પરિવર્તનોથી માંડીને ઉત્પાદન આધારિત અર્થતંત્ર પર ડઝનેક પુસ્તક લખ્યા છે. અર્થતંત્ર માટે જુદા જુદા ડેટા કેટલા મહત્ત્વના બની જશે એ વાત ટોફલરે ગૂગલ-ફેસબુકની બોલબાલા વધી તેના વર્ષો પહેલા કરી હતી. કોઈ પણ વ્યક્તિ માટે ૨૧મી સદીમાં માહિતી કેટલી બધી જરૂરી બની જશે એ વિશે પણ તેમણે ભવિષ્ય ભાખ્યું હતું. ૨૧મી સદી ઈન્ફોર્મેશન એજએટલે કે માહિતી યુગની હશે એ વાત પણ સૌથી પહેલા ટોફલરે જ કરી હતી. જે વ્યક્તિ નવી નવી માહિતી નહીં મેળવે તે અભણ રહી જશે એ સમજાવવા ટોફલરે લખ્યું હતું કે, ૨૧મી સદીમાં જેમને લખતા-વાંચતા નહીં આવડતું હોય એ નહીં પણ જે લોકો નવું શીખતા નહીં હોય, જૂનુંપુરાણું જ્ઞાન ઝડપથી ભૂલતા નહીં હોય તેમજ નવું નવું નહીં શીખવાનો પ્રયત્ન નહીં કરતા હોય, એ લોકો અભણ ગણાશે.

ટોફલરની ભવિષ્યવાણીઓએ દુનિયાભરના બિઝનેસમેન, રાજકારણીઓ અને પ્રચંડ બુદ્ધિમતા ધરાવતા ઉદ્યોગપતિઓનું પણ ધ્યાન ખેંચ્યું હતું. કેબલ ન્યૂઝ નેટવર્ક (સીએનએન) જેવી અત્યંત સફળ ટેલિવિઝન ચેનલના સ્થાપક ટેડ ટર્નરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં બે-ચાર ચેનલોની ઈજારાશાહીનો અંત આવી જશે એવી ટોફલરની ભવિષ્યવાણીથી હું પ્રભાવિત થયો હતો... એ પછી તો ટર્નરની પબ્લિશિંગ કંપની ટર્નર બ્રોડકાસ્ટિંગએ ૧૯૯૫માં ટોફલરનું ક્રિએટિંગ એ ન્યૂ સિવિલાઈઝેશનનામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું. એ પુસ્તક બજારમાં આવ્યાના થોડા જ સમયમાં રશિયન પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવે સાન ફ્રાન્સિસ્કોમાં એક ગ્લોબલ કોન્ફરન્સ યોજી, જેની થીમ હતી ‘ટોવર્ડ્સ એ ન્યૂ સિવિલાઈઝેશન’. આ કોન્ફરન્સમાં જ્યોર્જ બુશ સિનિયર, બ્રિટીશ રાજકારણી માર્ગારેટ થેચર, પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા લેખક કાર્લ સેગન તેમજ અનેક ઉદ્યોગપતિઓ અને વિચારકોએ હાજરી આપી હતી. ત્યાર પછી અમેરિકન કોંગ્રેસના સ્પીકર ન્યૂટ ગ્રીનગ્રિચે તમામ અમેરિકન સાંસદોને આ પુસ્તક વાંચવાની ભલામણ કરી હતી. ટોફલરના પુસ્તકોનો પ્રભાવ એવો કે, અમેરિકા સહિત અનેક દેશોના રાજકારણીઓ જાહેર નીતિ ઘડતી વખતે ટોફલરના વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરતા. 

ચીનની લોખંડી દીવાલો પણ ટોફલરના વિચારોને રોકી શકી ન હતી. નેવુંના દાયકામાં ચીનના વડાપ્રધાન ઝાઓ ઝિઆંગ, સિંગાપોરની સિકલ બદલી નાંખનારા લિ ક્વાન યૂ અને દક્ષિણ કોરિયાના કિમ દા જંગે પણ એશિયાનું ભવિષ્ય કેવું હશે એ જાણવા ટોફલરના લખાણો વાંચવાની ફરજ પડી હતી. ચીને તો ટોફલરના ઘણાં લખાણો અને પુસ્તકોને સેન્સર કર્યા હતા, પરંતુ તેમનું ધ થર્ડ વેવપુસ્તક અને તેના પરથી બનેલી ડોક્યુમેન્ટ્રી ચીનમાં બેસ્ટ સેલર્સ રહ્યાં. વર્ષ ૧૯૮૦ અને ૧૯૮૫માં ઝાઓ ઝિઆંગે ધ થર્ડ વેવની ચર્ચા કરવા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. વર્ષ ૨૦૦૬માં પીપલ્સ ડેઇલીએ મોડર્ન ચાઇનાના ઘડતરમાં ફાળો આપનારા વિદેશીઓની યાદી બહાર પાડી હતી, જેમાં ટોફલરનું નામ હતું. એક લેખક-પત્રકાર માટે આનાથી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે! 

એસેન્ચર મેનેજમેન્ટ ફર્મે નોંધ્યું છે કે, દુનિયાભરના બિઝનેસ ગુરુઓને ટોફલરના વિચારોએ સૌથી વધારે પ્રભાવિત કર્યા છે. લંડનના ફાઈનાન્સિયલ ટાઈમ્સએ ટોફલરને વિશ્વના સૌથી પ્રખ્યાત ફ્યુચરિસ્ટ ગણાવ્યા છે. ટોફલરના ફ્યુચરિસ્ટિક લખાણોથી પ્રભાવિત થઈને આઈબીએમ જેવી મહાકાય કંપનીએ ટોફલરને કમ્પ્યુટરની માનવ સમાજ પર કેવી અસર થશે એ દિશામાં સંશોધન કરવા આમંત્રણ આપ્યું હતું. આ સંશોધનો કરતી વખતે તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરતા ટેક્નોલોજિસ્ટોના સંપર્કમાં આવ્યા. ટેલિકોમ્યુનિકેશન જાયન્ટ એટી એન્ડ ટી કંપની પણ લાંબા ગાળાના બિઝનેસ પ્લાનિંગ માટે ટોફલરની મદદ લેતી. કોર્પોરેટ્સ સાથેના અનુભવોના નિચોડરૂપે ટોફલરે ફ્યુચર શૉક’ ટ્રિલોજીનું ત્રીજું પુસ્તક લખ્યું, ‘પાવરશિફ્ટ’. આ પુસ્તકમાં ટોફલરે વૈશ્વિક સત્તાના સમીકરણો કેવી રીતે બદલાશે એની છણાવટ કરી છે.   

આ  ટ્રિલોજીએ પોપ કલ્ચરને પણ પ્રભાવિત કર્યું હતું. જેમ કે, ટોફલરે ટેક્નો રિબેલ્સનામના શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવનારા અમેરિકન સંગીતકારોએ આ શબ્દ વધાવી લીધો હતો. કર્ટિસ મેફિલ્ડ અને હાર્બી હેનકોકે તો ફ્યુચર શૉકનામે ગીતો પણ લખ્યા. આ જ પુસ્તકથી પ્રભાવિત થઈને સાયન્સ ફિક્શન લેખક જ્હોન બ્રુનરે ૧૯૭૫માં ધ શૉકવેવ રાઈડરનામની નવલકથા લખી હતી, જેનો હીરો કમ્પ્યુટર હેકર હતો.

ટોફલર એક વિઝનરી લેખક-પત્રકાર હતા, 

***

ટોફલરનો જન્મ ત્રીજી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ ન્યૂયોર્ક સિટીમાં એક યહૂદી કુટુંબમાં થયો હતો. ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં સ્નાતક કરતી વખતે જ ટોફલરને પોલિટિકલ એક્ટિવિઝમરસ પડ્યો. આ કારણસર અભ્યાસમાંથી ટોફલરનો રસ ઉડી ગયો અને તેમણે એક કારખાનામાં નોકરી સ્વીકારી લીધી. જોકે, યુવાન ટોફલર માટે એ નોકરીમાંથી પૈસા કમાવવાનો હેતુ ગૌણ હતો. હકીકતમાં તેઓ બિઝનેસ, મેનેજમેન્ટ અને લેબર જેવા વિષયો પર લખવા માટે યુવાનીના પાંચ વર્ષ જથ્થાબંધ ઉત્પાદન કરતા કારખાનામાં બ્લુ કોલર વર્કર તરીકે કામ કરવા માગતા હતા. આ પ્રકારના વિષયો પર લખતા હોવાથી ટોફલરને સામ્યવાદથી પ્રભાવિત યુનિયનના છાપાઓમાં લેખો લખવાની તક મળી. બાદમાં તેમણે ત્રણ વર્ષ પેન્સિલવેનિયાના એક દૈનિકમાં વ્હાઈટ હાઉસ કોરસપોન્ડન્ટ તરીકે પણ કામ કર્યું.

આટલા અનુભવ પછી વર્ષ ૧૯૫૯માં ફોર્ચ્યુનમેગેઝિને ટોફલરને લેબર વિષય પર લખવાનું આમંત્રણ આપ્યું. એ વખતે તેમની ઉંમર હતી, ૩૧ વર્ષ. આ બ્રેક મળતા જ ટોફલરે ફ્રીલાન્સ પત્રકાર અને લેખક તરીકે પ્રતિષ્ઠિત અખબારો અને જર્નલ્સમાં લખવાનું ચાલુ કર્યું. વર્ષ ૧૯૬૪માં તેમણે ફોર્ચ્યુનમેગેઝિન માટે રશિયન લેખક વ્લાદિમિર નાબોકોવ અને રશિયન લેખિકા આયન રેન્ડનો ધમાકેદાર ઈન્ટરવ્યૂ કર્યો, જે આજેય ફોર્ચ્યુનનો ઝળહળતો વારસો ગણાય છે. યુવાન ટોફલરે નાબોકોવનો ઈન્ટરવ્યૂ લીધો એના દસેક વર્ષ પહેલાં નાબોકોવ લોલિતા’ જેવી વિવાદાસ્પદ નવલકથા લખીને વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા, જ્યારે રેન્ડે તો વર્ષ ૧૯૪૩માં ધ ફાઉન્ટેઇનહેડજેવી ક્લાસિક કૃતિ લખીને સાહિત્યની દુનિયામાં નામના મેળવી લીધી હતી. એવું કહેવાય છે કે, આયન રેન્ડના એ ઈન્ટરવ્યૂ પછી જ ફોર્ચ્યુનજેવા મેગેઝિનોમાં મહિલા બૌદ્ધિકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ આપવાની શરૂઆત થઈ હતી.

એક સમયે ચીન, કોરિયા અને વિયેતનામના ક્રાંતિકારીઓ સામ્યવાદના પ્રણેતા કાર્લ માર્ક્સે કલ્પેલી દુનિયા રચવા માગતા હતા, જ્યારે એ પછી આવેલા અનેક ક્રાંતિકારી વિચારકો સિલિકોન વેલીને ટોફલરની કલ્પના પ્રમાણે પરિવર્તિત કરવા માગતા હતા. 

***

ગાંધીવાદી વિચારક સ્વ. કાન્તિ શાહે ધ થર્ડ વેવ’ અને પાવરશિફ્ટ’ પુસ્તકના નિચોડરૂપે ભૂમિપુત્રમાં અનુક્રમે ૧૫ અને ૧૨ હપ્તામાં એક લેખમાળા લખી હતી. આ લેખમાળા પ્રકાશિત થયા પછી અમદાવાદ અને ભાવનગરમાં પણ ટોફલરના પુસ્તકોની ગોષ્ઠિઓ અને ચર્ચાસભાઓ યોજાઈ હતી. જુલાઈ ૧૯૮૨માં યજ્ઞ પ્રકાશને આ લેખમાળાને ત્રીજું મોજું’ નામના પુસ્તકરૂપે પ્રકાશિત કરી હતી. 

ત્રીજું મોજું’ની પ્રસ્તાવનામાં લેખકે નોંધ્યું છે કે, ‘‘ટોફલરનું જીવનદર્શન ગાંધીના જીવનદર્શન કરતા સાવ જુદું છે, તે હું જાણતો હતો. પરિવર્તનનાં પરિબળો તરફ જોવાનો તેનો અભિગમ પણ સાવ ભિન્ન, તે વિશેય હું સભાન હતો. એરિક ફ્રોમ કે અબ્રાહમ માસ્લો જેવા માનવતાવાદી પાશ્ચાત્ય ચિંતકો જેવું ઊંડાણ પણ ટોફલરમાં જણાતું નહોતું. કેટલુંક તો બહુ છીછરું, આડંબરયુક્ત ને ચબરાકિયું માત્ર લાગતું હતું...’’ 

કોઈ પણ મહાન વ્યક્તિ તટસ્થ મૂલ્યાંકનમાંથી અપવાદ ના હોઈ શકે. ટોફલરની પણ અનેક બાબતોમાં ટીકા થઈ શકે છે, પરંતુ વૈશ્વિક રાજકારણ અને ઉદ્યોગજગતને વિચારતું કરનારા એક ફ્યુચરિસ્ટ લેખક તરીકે દુનિયા તેમને હંમેશા યાદ રાખશે. ટોફલરના વિચારોની સમજણ મેળવવા માગતા લોકોએ ત્રીજું મોજું’ પુસ્તક વાંચવું જોઈએ.

04 July, 2016

ભાગ ઈન્ડિયા ભાગ


દોડવુંઅને જોગિંગએ બે વચ્ચે શું ફર્ક છે? ઘણો ફર્ક છે. ધાણીઅને પોપકોર્નવચ્ચે હોય છે એટલો બધો ફર્ક છે. જોક અપાર્ટ. અંગ્રેજીમાં રનિંગ, જોગિંગ, ડિસ્ટન્સ રનિંગ, મેરેથોન, એથ્લેટિક્સ અને સ્પ્રિન્ટ એ દરેક શબ્દ જુદી જુદી શારીરિક પ્રવૃત્તિ સૂચવે છે, જ્યારે ગુજરાતીમાં દોડવુંશબ્દ છે. કોઈ ઝડપથી દોડે કે ધીમે દોડે, લાંબા અંતર દોડ લગાવે કે ટૂંકા અંતરની - આ બધી જ પ્રવૃત્તિ માટે ગુજરાતીમાં ‘દોડ’ શબ્દ છે. ખરેખર, કલાકના છ કિલોમીટરથી વધારે ઝડપથી દોડનારાને રનરકહેવાય અને એનાથી ઓછી ઝડપે દોડનારો જોગરછે. લાંબા અંતરની દોડ મેરેથોનછે અને ટૂંકું અંતર ઝડપથી કાપીએ તો એ સ્પ્રિન્ટછે. એથલેટ શબ્દનો અર્થ ઘણો વ્યાપક છે. સ્ટ્રેન્થ, સ્ટેમિના અને સ્પિડની એકસાથે જરૂર પડે એવી અનેક સ્પોર્ટ્સ એથ્લેટિક્સના ખાનામાં મૂકી શકાય અને એ ગેમના ખેલાડીને એથ્લેટકહેવાય. અંગ્રેજીમાં દરેક ફિઝિકલ એક્ટિવિટી માટે જુદા જુદા શબ્દો છે કારણ કે, લગભગ બધા જ ક્ષેત્રોની જેમ ફિઝિકલ એક્ટિવિટીનું કલ્ચર પણ પશ્ચિમી દેશોમાં જ વિકસ્યું છે. હવે આ પવન એશિયા તરફ ફૂંકાઈ રહ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી.

છેલ્લાં એકાદ દાયકાથી પશ્ચિમી દેશોની જેમ ૨૧મી સદીના ઈન્ડિયામાં પણ રનિંગ કલ્ચર વિકસી રહ્યું છે. વર્ષ ૨૦૧૬નું ઈન્ડિયન મેરેથોન કેલેન્ડર જોઈને આંખો ચાર થઈ જાય છે! મનાલી, લેહ, ફરીદાબાદ, પતિયાલા, દિલ્હી, મુંબઈ, પણજી, પૂણેથી લઈને અમદાવાદ, વડોદરા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, તુતિકોરિન, ઋષિકેશ અને કોલકાતા સુધી ફૂલ મેરેથોન (૪૨.૧૯૫), હાફ મેરેથોન (૨૧.૦૯), દસ અને પાંચ કિલોમીટર સુધીની રેસની તારીખો આવી ગઈ છે. ભારતીય કેલેન્ડરમાં વિશ્વની સૌથી અઘરી રેસ પૈકીની એક ગણાતી અલ્ટ્રા મેરેથોન પણ જોવા મળે છે. ભારતમાં હિમાલયની પર્વતમાળાઓમાં તેમજ મહારાષ્ટ્ર, તમિલનાડુના પહાડી વિસ્તારોમાં આવી મેરેથોન યોજાય છે, જેમાં ચઢાણવાળા, ખરબચડા અને ઝાડીઝાંખરા ધરાવતા વિસ્તારોમાંથી ઠંડી, ગરમી કે વરસાદમાં ૪૨ કિલોમીટરથી વધારે લાંબુ અંતર કાપવાનું હોઈ શકે છે! વડોદરામાં પણ આવી જ એક મેરેથોન યોજાવાની છે, વડોદરા અલ્ટ્રા. ચાંપાનેરમાં યોજાતી આ રેસમાં ૨૫ અને ૫૫ કિલોમીટર રેસમાં ભાગ લઈ શકાય છે.

અનુ વૈદ્યનાથન, કૌસ્તુભ રાડકર, મિલિન્દ સોમન

ભારતમાં શારીરિક અને માનસિક શક્તિની કસોટી કરે એવી હૈદરાબાદ ટ્રાયથ્લોન કે ચેન્નાઈ ફૂલ આયર્ન ટ્રાયથ્લોન પણ યોજાય છે. ટ્રાયથ્લોન ફૂલ, હાફ, ઓલિમ્પિક કે સ્પ્રિન્ટ એમ વિવિધ કેટેગરીમાં હોય છે. જેમ કે, હૈદરાબાદની ઓલિમ્પિક ટ્રાયથ્લોનમાં ૪૦ કિલોમીટર સાયકલિંગ, દસ કિલોમીટર રનિંગ અને એક કિલોમીટર સ્વિમિંગ રેસ હોય છે! એવી જ રીતે, ફૂલ આયર્નમેન ચેમ્પિયનશિપમાં ૩.૮ કિલોમીટર સ્વિમિંગ કર્યા પછી તરત જ ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને એ પછી ૪૨.૨ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. હજુ તો ભારતમાં ફિઝિકલ કલ્ચર મુવમેન્ટની શરૂઆત થઈ છે, પણ આયર્નમેન અને અલ્ટ્રામેન જેવી મેરેથોન રેસ પૂરી કરનારા ભારતીયોમાં એક યુવતીનું નામ વાંચવા મળે છે. અલ્ટ્રામેન કેનેડા રેસ પૂરી કરનારી પહેલી એશિયન વ્યક્તિ ભારતની છે પણ એ મેનનહીં વુમનછે. વર્ષ ૨૦૦૯માં બેંગલુરુમાં રહેતી અનુ વૈદ્યનાથને ફક્ત ૨૫ વર્ષની ઉંમરે અલ્ટ્રામેન કેનેડા મેરેથોન પૂરી કરી હતી. આ ત્રિદિવસીય રેસમાં દરિયામાં દસ કિલોમીટર સ્વિમિંગ પછી ચઢાણવાળા વિસ્તારોમાં ૪૨૦ કિલોમીટર સાયકલિંગ અને ૮૪.૪ કિલોમીટર રનિંગ કરવાનું હોય છે. વિશ્વભરમાં આ રેસ પૂરી કરનારા માંડ ૪૫૦ લોકો છે.

જોકે, અલ્ટ્રામેન એ આયર્નમેન કરતા સરળ રેસ ગણાય છે કારણ કે, અલ્ટ્રામેન જુદા જુદા સ્ટેજમાં એકથી વધારે દિવસમાં પૂરી કરવાની હોય છે, જ્યારે આયર્નમેન એક જ દિવસમાં પૂરી કરવાની હોવાથી એથલેટની જબરદસ્ત શારીરિક-માનસિક કસોટી થાય છે. આ રેસમાં પણ ભારતીયોનો રેકોર્ડ જોઈને સાનંદાશ્ચર્ય થાય છે. પૂણેના ડૉ. કૌસ્તુભ રાડકરે દુનિયાના છ ખંડમાં ૧૨ વાર આયર્ન મેન રેસ પૂરી કરી છે. ગયા વર્ષે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલી આયર્ન મેન ચેમ્પિયનશિપમાં ૩૨ વર્ષીય ડૉ. રાડકરે ૩.૮૬ કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને ૪૨.૨ કિલોમીટર રનિંગ રેસ ફક્ત ૧૨ કલાક અને ૩૨ સેકન્ડમાં પૂરી કરી હતી. આ એક લોખંડી સિદ્ધિ છે કારણ કે, આયર્નમેન રેસ પૂરી કરવા ૧૭ કલાકનો સમય અપાય છે. ઝ્યુરિકમાં યોજાયેલી આ રેસ મિલિન્દ સોમન સહિત કુલ પાંચ ભારતીયોએ પૂરી કરી હતી, પરંતુ સેલિબ્રિટી સ્ટેટસના કારણે અંગ્રેજી અખબારો અને ટ્વિટર પર મિલિન્દ સોમન છવાઈ ગયો હતો. આ રેસ તેણે ૧૫ કલાક અને ૧૯ મિનિટમાં પૂરી હતી અને એ પણ ૫૦ વર્ષની ઉંમરે. મહત્ત્વની વાત એ છે કે, મિલિન્દ સોમને ૩૮ વર્ષની વયે મેરેથોન દોડવાનું શરૂ કર્યું હતું. સ્વાભાવિક રીતે જ આ બહુ મોટી સિદ્ધિ છે પણ મહારાષ્ટ્રના ૫૧ વર્ષીય ડૉ. આનંદ પાટિલે પણ ૧૫ કલાક અને ૫૩ મિનિટમાં આયર્નમેન મેરેથોન પૂરી કરી હતી. પૃથ્વીરાજ પાટિલ અને ઈન્ફોસિસ રનિંગ ક્લબના હિરેન પટેલે પણ ૧૭ કલાકની અંદર આયર્નમેન રેસ પૂરી કરી હતી.

અલ્ટ્રામેન કે આયર્નમેન રેસ પૂરી કરવી એ બહુ મોટી સિદ્ધિ છે પણ તેમાં ભારતીય એથલેટ ચેમ્પિયન બને એ હજુ દૂરની વાત છે. આ તો એક્સટ્રિમ રનિંગની વાત થઈ પણ આજે હજારો ભારતીયો હાફ મેરેથોન કે પાંચ-દસ કિલોમીટર રનિંગની ગંભીરતાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ લોકો માટે અનુ વૈદ્યનાથન, ડૉ. કૌસ્તુભ રાડકર કે મિલિન્દ સોમન પ્રેરણામૂર્તિ છે. અનુ ફૂલ ટાઈમ પ્રોફેશનલ એથલેટ નથી પણ ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ કન્સલ્ટન્ટ છે. તેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યા પછી ન્યૂઝીલેન્ડની યુનિવર્સિટી ઓફ કેન્ટરબરીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી લીધી છે. ડૉક્ટરેટની ડિગ્રી પણ તેણે ફક્ત ૨૬ મહિનાના રેકોર્ડ બ્રેક ટાઈમમાં લઈ લીધી હતી. અનુ આઈઆઈટી-રોપર અને આઈઆઈએમ-અમદાવાદમાં ફેકલ્ટી મેમ્બર પણ છે. ડૉ. કૌસ્તુભ રાડકરે હેલ્થકેર મેનેજમેન્ટ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં એમબીએ કર્યું છે. હવે તેઓ બીજા છ ભારતીયોને આયર્નમેન ચેમ્પિયનશિપ માટે કોચિંગ આપી રહ્યા છે. આ દોડતું ભારત જોઈને લાગી રહ્યું છે કે, એક્સટ્રિમ રનિંગમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે.

બીજી તરફ, ભારતમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો અને એરટેલ સહિત અનેક નાની-મોટી કંપનીઓ રનિંગ કલ્ચરને જબરદસ્ત પ્રોત્સાહન આપી રહી છે. એક્સટ્રિમ રનિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે, આઠ કલાકની નોકરી કે બીજા વ્યવસાયની સાથે પ્રેક્ટિસ, ડાયટ અને ડેડિકેશનથી તેને જીવનશૈલીનો હિસ્સો બનાવી શકાય છે. આજકાલ કોર્પોરેટ્સ પણ સામાજિક હેતુ માટે રનિંગ ઇવેન્ટ યોજવાનું પસંદ કરે છે કારણ કે, તેનાથી બહુ ઓછા ખર્ચે લાખો લોકોનો સીધો સંપર્ક કરીને બ્રાન્ડિંગ થઈ શકે છે. બે-પાંચ કે દસ હજાર લોકોની મેરેથોન ઈવેન્ટ કરવા પાણી, ટી-શર્ટ, ગ્લુકોઝ, ટાઈમિંગ ચિપ અને મેડલ્સ સિવાય કોઈ મોટો ખર્ચ થતો નથી. વળી, આ બધું કામ વૉલન્ટિયર્સ સંભાળી લે છે અને મેરેથોન ઈવેન્ટને સહેલાઈથી મીડિયા કવરેજ પણ મળે છે. મેરેથોન યોજતી કંપનીઓને બીજા કોર્પોરેટ સ્પોન્સર્સ પણ મળી જાય છે કારણ કે, તેઓ પણ ઓછા ખર્ચે મજબૂત બ્રાન્ડિંગ કરવા માગતા હોય છે. ભારતના ફિઝિકલ કલ્ચર રિવોલ્યુશનમાં મેરેથોન એક અસાધારણ ઘટના (ફિનોમેનન) સાબિત થઈ રહી છે એ પાછળ ઓછા ખર્ચે વધુ નફાનું મેરેથોન ઈકોનોમિક્સ જવાબદાર છે.

આજે દેશમાં ૪૦૦થી વધારે રનિંગ કે મેરેથોન ક્લબ છે, જેમાં મોટા ભાગના એથલેટનો હેતુ ફિટનેસનો અથવા નાની-મોટી મેરેથોન પૂરી કરવાનો છે. આ સ્થિતિ પરથી અનુમાન થઈ શકે છે કે, ભારતની સ્પોર્ટ્સ કલ્ચર મુવમેન્ટમાં મેરેથોન કલ્ચર કેટલું મહત્ત્વનું સાબિત થવાનું છે! વિશ્વના સૌથી યુવાન અને ફિટનેસમાં સૌથી કંગાળ રેકોર્ડ ધરાવતા ભારત માટે આ ખૂબ સારી નિશાની છે. રનિંગને પ્રોત્સાહન આપીને એકસાથે ઘણાં લાભ મેળવી શકાય છે. જેમ કે, વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના દુષણ પર કાબૂ મેળવવા પણ રનિંગ જેવી સ્પોર્ટ ગેમ ચેન્જર બની શકે છે. આ તો મેરેથોન કે એક્સટ્રિમ રનિંગની વાત થઈ પણ બે છેડા ભેગા કરવા હંમેશા ભાગતો આમ આદમી પણ શારીરિક-માનસિક ચુસ્તી માટે નિયમિત રનિંગ કરીને કલ્પના બહારના લાભ મેળવી શકે છે. ઓછા ખર્ચે વધારે ફાયદો આપતી વિશ્વની સૌથી સરળ સ્પોર્ટ અને એક્સરસાઈઝ રનિંગ છે. ફિટ રહેવાનો સૌથી કુદરતી રસ્તો પણ રનિંગ છે.

વિશ્વની એકેય એવી ફિઝિકલ સ્પોર્ટ નથી, જેમાં કસરત તરીકે રનિંગને મહત્ત્વ અપાતું ના હોય! ક્રિકેટ હોય કે ફૂટબોલ, સ્વિમિંગ હોય કે સાયકલિંગ, ટ્રેકિંગ હોય કે ટેનિસ- આવી કોઈ પણ સ્પોર્ટમાં રનિંગ મસ્ટ છે. રનિંગ કોઈ પણ ઋતુમાં કરી શકાય છે અને એ માટે શૂઝ સિવાય કોઈ મોંઘા ઈક્વિપમેન્ટની જરૂર નથી પડતી. રનિંગ કરતી વખતે સ્પિરિચ્યુઅલ મ્યુઝિક પણ સાંભળી શકાય છે, જે આ સ્પોર્ટનું સૌથી મોટું બોનસ છે. બીજી કોઈ સ્પોર્ટમાં એક્સરસાઈઝની સાથે મનગમતું મ્યુઝિક સાંભળવું  શક્ય નથી. (એરોબિક્સમાં પણ ખાસ મ્યુઝિક જ સાંભળવું પડે છે) આ રીતે કરાતી રનિંગ પ્રેક્ટિસથી એકાગ્રતા પણ વધે છે. રનિંગ મોનોટોનસ થઈ જાય તો તેમાં વૈવિધ્ય પણ લાવી શકાય છે. જેમ કે, મ્યુઝિક  કે રૂટ બદલી નાંખો!

રનિંગથી ઘણાં બધા શારીરિક-માનસિક રોગોને દૂર રાખી શકાય છે. પશ્ચિમી દેશોમાં પણ ઔદ્યોગિક ક્રાંતિની સાથે આવેલા દુષણોથી બચવા જ રનિંગ કલ્ચરની શરૂઆત થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિ પછી બેઠાડું જીવન જીવતા અને ઓડ ટાઈમ જોબ કરતા લોકોની સંખ્યા અનેકગણી વધી ગઈ. આ જીવનશૈલીના કારણે ડાયાબિટીસ, હૃદયરોગ, હાડકા નબળા પડવા, ઢીંચણની મુશ્કેલીઓ, કમરદર્દની સાથે માનસિક રોગોથી પીડાતા લોકોની સંખ્યા પણ સતત વધવા લાગી. આ દુષણો સામે લડવાની શરૂઆતમાંથી જ ત્યાં રનિંગ કલ્ચર વિકસ્યું હતું. આજે અમેરિકા-યુરોપમાં વિકસેલા એક્સટ્રિમ સ્પોર્ટ્સ અને ફિટનેસની બોલબાલા પાછળ રનિંગ કલ્ચર આભારી છે. આજેય અમેરિકામાં એક કરોડથી વધારે લોકો ફિટનેસ માટે નિયમિત રીતે રનિંગ કરે છે, જ્યારે યુ.કે.માં આ આંકડો વીસ લાખનો છે.

જોકે, ભારતના આવા સત્તાવાર આંકડા મળતા નથી પણ આજના યુવાનો ભવિષ્યના ફિટ ઈન્ડિયાની પિચ તૈયાર કરી રહ્યો છે એ વાતમાં કોઈ શંકા નથી!