23 February, 2013

ઉંદરો પરના પ્રયોગોઃ સમય અને પૈસાનો બગાડ?


માણસજાતે આદિમાનવમાંથી અત્યારના સુધરેલા સામાજિક પ્રાણી બનવાની લાખો વર્ષની પ્રક્રિયામાં પૃથ્વી ગ્રહ પર વસતા અન્ય જીવોને જાણ્યે અજાણ્યે ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. કુદરતી ચક્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા અનેક જીવો લુપ્ત થઈ ગયા છે અને કેટલાક વિનાશને આરે છે. પૃથ્વી પર સહ-અસ્તિત્વનો જેને પૂરેપૂરો હક્ક છે એવા અનેક જીવોનો વૈજ્ઞાનિક શોધો માટે માણસ ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. આવી શોધોના પ્રયોગો માટે સુસંસ્કૃત માણસોએ સૌથી વધુ ઉપયોગ ઉંદરોનો કર્યો છે. પરંતુ ઉંદરો પર કોઈ દવાનો પ્રયોગ સફળ થાય એનો અર્થ એ નથી કેતે દવા માનવીય રોગોમાં પણ અસરકારક નીવડશે. તાજેતરમાં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કેકેટલાક રોગોમાં ઉંદરો પર કરેલા પ્રયોગો વિજ્ઞાનીઓને ગેરમાર્ગે દોરી શકે છે.

આ દિશામાં સંશોધન કરી રહેલા વિજ્ઞાનીઓએ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સનામની જર્નલના તાજા અંકમાં આ મુદ્દે ઊંડી છણાવટ કરી છે. આ જર્નલમાં જણાવાયું છે કે, “આમ તો વિજ્ઞાનીઓ ઘણાં લાંબા સમયથી ઉંદરો પર સફળ પ્રયોગો કરતા આવ્યા છે. પરંતુ સેપ્સિસ (લોહીમાં સડો થઈ જાય એ પ્રકારનો રોગ), બર્ન્સ (દાઝી જવું) અને ટ્રોમા (માનસિક આઘાત)ની દવાઓના ઉંદરો પર કરેલા પ્રયોગો વિજ્ઞાનીઓને 100 ટકા ગેરમાર્ગે દોરે છે.અત્યાર સુધી આવા ખોટા પ્રયોગો પાછળ અનેક વર્ષો અને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ જર્નલમાં સંશોધન પેપરના લેખક અને માસાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલના સેપ્સિસ રિસર્ચર ડૉ. એચ. શૉ વૉરેન કહે છે કે, “શક્ય છે કે આ લેખથી કમસે કમ અત્યારની સ્થિતિ વિશે લોકોને જાણ થાય.

ડૉ. એચ. શૉ વૉરેન

જોકે વિજ્ઞાનીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે, આ અભ્યાસ એમ નથી કહેતો કે દવાઓ માટે ઉંદરો પર પ્રયોગ કરવા અયોગ્ય વૈજ્ઞાનિક મોડેલ છે, પરંતુ ઈમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક તંત્ર અને હૃદયને લગતા રોગોમાં તેમને કંઈક ખામીઓ જોવા મળી છે. જેમાં કેન્સરનો પણ સમાવેશ થાય છે. આ સંશોધન માટે છેલ્લાં કેટલાક સમયમાં સેપ્સિસની 150 દવાનું ઉંદરો પર પરીક્ષણ કરાયું હતું, જે તમામ દવા ઉંદરો માટે સારી પરંતુ માનવશરીર માટે બિનઅસરકારક સાબિત થઈ હતી. આ પ્રયોગ એવા ઉંદરો પર કરાયા હતા જેમને સેપ્સિસ નામનો રોગ હતો.

આ સંશોધન સાથે નહીં સંકળાયેલા મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે, આ પ્રયોગ પછી સમગ્ર વિશ્વમાં સંશોધનની પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે, જે ઘોર નિરાશાજનક સ્થિતિ છે. સેપ્સિસ લોહીમાં થતો એક પ્રકારનો સડો છે, જેના કારણે ચામડી પણ સડવા માંડે છે. આ રોગનો પ્રતિકાર કરવા માનવ શરીર ખૂબ જ પ્રયાસ કરે છે. ફક્ત અમેરિકામાં વર્ષે 7,50,000 લોકો આ રોગના ભોગ બને છે, જેમાંના ચોથાથી અડધા ભાગના લોકો મોતને ભેટે છે. આ લોકોની સારવાર માટે અમેરિકન સરકારને વાર્ષિક 17 મિલિયન ડૉલરનો ખર્ચ થાય છે. ઈન્ટેસિવ કેર યુનિટમાં સૌથી વધુ લોકો આ રોગથી મરી જાય છે.

મહાસત્તા અમેરિકાને હંફાવતા સેપ્સિસ જેવા ગંભીર રોગ પર થયેલા સંશોધનોથી અનેક વિજ્ઞાનીઓને આશ્ચર્ય થયું છે. લોસ એન્જલસની પબ્લિક રિસર્ચ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સેપ્સિસ નિષ્ણાત ડૉ. મિશેલ ફિન્ક આ સંશોધન વિશે જણાવે છે કે, “આ સંશોધન ગેમ ચેન્જર છે.જ્યારે વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનલ મેડિસિનના પૂર્વ અધ્યક્ષ અને ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના પૂર્વ એડિટર ડૉ. રિચર્ડ વેન્ઝેલ જણાવે છે કે, “આ આશ્ચર્યજનક છે.યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સેપ્સિસ પર સંશોધન કરી રહેલા ડૉ. ક્લિફોર્ડ ડચમેન પણ આ સંશોધન સંપૂર્ણ સાચું હોવાની શક્યતા જુએ છે. ડૉ. ડચમેન કહે છે કે, માનવશરીરના રોગપ્રતિકારક તંત્રમાં માનસિક આઘાત કે દાઝી જવાના કારણે નુકસાન પામેલા કોષોમાંથી બેક્ટેરિયા, વાયરસ, ફંગસ કે પ્રોટીન જેવા ઝેરી તત્ત્વો છૂટે અને મગજને ખતરાનો સંદેશ મળે ત્યારે રોગપ્રતિકારક તંત્ર જોરદાર પ્રતિક્રિયા આપે છે, અને કદાચ તે જ પ્રતિભાવ માણસ માટે જીવલેણ સાબિત થાય છે.

આવી સ્થિતિમાં માનવશરીરનું રોગપ્રતિકારક તંત્ર જેનો પ્રતિકાર કરી ન શકાય એટલી મોટી માત્રામાં પોતાનું પ્રોટીન છોડવાનું ચાલુ કરે છે. જેના કારણે સૂક્ષ્મ રક્તકોશિકાઓ ફાટી જાય છે. કોશિકાઓ ફાટવાથી ખૂબ મોટી માત્રામાં ગળતર (લિકેજ) શરૂ થાય છે અને લોહીના અંશો નાનકડી કોશિકાઓમાંથી બહાર આવવાના શરૂ થઈ જાય છે. તેની સૌથી પહેલી અસર હૃદય પર થાય છે, અને બ્લડપ્રેશર ખૂબ જ ઘટી જાય છે. શરીરના મહત્ત્વના અંગોને લોહીનો પુરવઠો પહોંચતો બંધ થઈ જાય છે. આવા દર્દીને ઈન્ટેસિવ કેર યુનિટમાં રખાયો હોવા છતાં ડૉક્ટરો કોઈ સંજોગોમાં ગળતર કે નુકસાન પામી રહેલા કોષોને રોકી શકતા નથી. છેવટે એક પછી એક અંગ કામ કરતા બંધ થઈ જાય છે.

રોનાલ્ડ ડેવિસ
સેપ્સિસ વિશે આટલી લાંબી ચર્ચા કરવાનું કારણ એટલું જ છે કે, 39 સંશોધકોએ સતત દસ વર્ષ સુધી વિવિધ દેશમાં કરેલા આ સંશોધનમાં સેપ્સિસ, બર્ન અને ટ્રોમાથી પીડાતા હજારો દર્દીઓના લોહીમાં રહેલા શ્વેતકણોની ઊંડી તપાસ કરી હતી. સંશોધકો જાણવા માગતા હતા કે, ખતરાનો સંદેશ મળે ત્યારે શ્વેતકણો કયા જનીનોનો ઉપયોગ કરે છે. આ અંગે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મોલેક્યુલર બાયોલોજીના નિષ્ણાત અને આ સંશોધન પેપરના લેખક રોનાલ્ડ ડેવિસ કહે છે કે, આ સંશોધનમાં ખૂબ રસપ્રદ પેટર્ન જોવા મળી છે અને અમે ખૂબ મોટા પાયે આવા ડેટા એકત્રિત કર્યા છે. કેટલીક પેટર્ન એવી છે કે જેને જોઈને કહી શકાય કે, કયો દર્દી બચી જશે અને કયો દર્દી ઈન્ટેસિવ કેર યુનિટમાં દમ તોડી નાંખશે. ખેર, આ સંશોધન દરમિયાન એકત્રિત કરાયેલો ડેટા ઉંદરો પર સંશોધન કરાયેલા ડેટા સાથે મેળ ખાતો નથી. એટલે કે, ઉંદરોના જનીન માણસના જનીનોની જેમ પ્રતિભાવ નથી આપતા. આ અંગે ડેવિસ કહે છે કે, “વિજ્ઞાનીઓ મોટે ભાગે ઉંદરો પર પ્રયોગ કરવા ટેવાયેલા છે, પરંતુ તેઓ વિચારે છે કે, હવે તેઓ પોતાના પ્રયોગોને કેવી રીતે પુષ્ટિ આપી શકશે. વિજ્ઞાનીઓ ઉંદરોની સારવાર કરવામાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે, માણસોની સારવાર કરવાનું જ ભૂલી ગયા. આ વાતે અમને વિચારતા કરી મૂક્યા છે. ઉંદરનું શરીર માનવશરીરની જેમ જ પ્રતિક્રિયા આપે છે કે નહીં?”

વિજ્ઞાનીઓ માનતા હતા કે માણસ અને ઉંદર પર થતા પ્રયોગો પછીની પ્રક્રિયામાં કંઈક તો સામ્યતા જોવા મળશે. પરંતુ વિવિધ ડેટાનું વિશ્લેષણ કરાયું ત્યારે કોઈ સામ્યતા જોવા ન મળતા સંશોધકો ચોંકી ગયા હતા. આ બધા પ્રયોગો પછી માલુમ પડ્યું કે, ઉંદરો પર આ બધી જ દવાઓની કોઈ અસર થતી નથી. આ ઉપરાંત ઉંદર પર કામ કરી ગયેલી દવાએ તેના જનીનને નિષ્ક્રિય કરી દીધા હતા, પરંતુ આ જ દવાનો માણસ પર ઉપયોગ ઘાતક સાબિત થઈ શકે છે. ડૉ. એચ. શૉ વૉરેન કહે છે કે, આશ્ચર્યની વાત તો એ છે કે સેપ્સિસ, બર્ન્સ અને ટ્રોમાની દવાઓનો ઉંદરો પર પ્રયોગ કર્યો ત્યારે દરેક વખતે જુદા જુદા જનીન જૂથોનો ઉપયોગ થતો હતો. જોકે, માણસમાં ત્રણેય પ્રકારના રોગમાં એક જ પ્રકારના જનીનોનો ઉપયોગ થતો હતો.  એનો અર્થ એ થયો કે, જો કોઈ સંશોધક આમાંના એક રોગને કાબૂમાં રાખતી દવા શોધે તો તે આ ત્રણેય રોગમાં અકસીર સાબિત થાય.

ટૂંકમાં આ સંશોધન પેપરનો સાર એ છે કે, કોઈ દવાનો પ્રયોગ કરતી વખતે માણસ અને ઉંદરનું શરીર એક સરખો જનીનિક પ્રતિભાવ (જિનેટિક રિસ્પોન્સ) નથી આપતું. આ શોધથી વિશ્વભરમાં થતા ઉંદરો પરના પ્રયોગોની શૈલીમાં ક્રાંતિકારી ફેરફાર કરવા પડી શકે છે. સ્વાભાવિક રીતે જ આ શોધથી અનેક વિજ્ઞાનીઓએ પોતાની થિયરીને નવેસરથી રજૂ કરવાની જરૂર પડી શકે છે. આમ તો, ઉંદર અને માણસના શરીરની સરખામણી થઈ શકે કે નહીં એ મુદ્દો ઘણીવાર ચર્ચામાં આવી ચૂક્યો છે. કોઈ બેક્ટેરિયલ ઈન્ફેક્શનની મદદથી ઉંદરને મારવો અઘરો છે. માણસની સરખામણીમાં ઉંદરને મારવા માટે લાખો ગણા વધારે બેક્ટેરિયાની જરૂર પડે છે.

ડૉ. ડેવિસ કહે છે કે, “ઉંદર કચરો અને સડી ગયેલી ચીજવસ્તુઓ ખાઈ શકે છે. પરંતુ માણસ નહીં. કારણ કે, આપણે ખૂબ સંવેદનશીલ છીએ.પરંતુ હવે સંશોધકો કહે છે કે, જો તેઓ એવું શોધી શકે કે, ઉંદરોમાં આટલી રોગપ્રતિકારક કેવી રીતે હોય છે, તો આ શોધનો ઉપયોગ વિજ્ઞાનીઓ માણસની રોગપ્રતિકારક શક્તિ વધારવા કરી શકે એમ છે.

સંશોધન પેપરને ફગાવી દેવાયું

આ સંશોધન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓએ વધુને વધુ સંશોધકો સુધી આ સંશોધન પહોંચાડવા સાયન્સ એન્ડ નેચરનામના વિશ્વ પ્રતિષ્ઠિત જર્નલનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ સંશોધન પેપરને સતત બે વાર ફગાવી દેવાયું હતું. આ સંશોધનથી સ્વાભાવિક રીતે જ વિશ્વભરના વિજ્ઞાનજગતમાં ભૂકંપ સર્જાયો છે. આટલા મહત્ત્વના સંશોધનને ફગાવી દેવા અંગે સાયન્સ એન્ડ નેચરના સત્તાધારીઓએ એમ કહીને સંતોષ માની લીધો છે કે, “નકારી કાઢેલા સંશોધન પેપરો વિશે કોઈ ટિપ્પણી નહીં કરવાની અમારી નીતિ છે.જોકે, ‘સાયન્સ એન્ડ નેચરજર્નલના રિસર્ચ રાઈટર જિન્જર પિનહોલસ્ટર કહે છે કે, “દર વર્ષે અમને 13 હજાર જેટલા પેપર મળે છે, પરંતુ જર્નલ ફક્ત સાતેક ટકા પેપર્સ જ સ્વીકારી શકે છે. તેથી કોઈ પેપરનો અસ્વીકાર થયો હોય તો તે બહુ મોટી વાત નથી.

જોકે, ડૉ. ડેવિસ કહે છે કે, એક પણ સમીક્ષકે અમારી કોઈ વૈજ્ઞાનિક ભૂલ દર્શાવી ન હતી. તેમનું કહેવું ફક્ત એટલું જ હતું કે, “આ ખોટું હોઈ શકે છે. અમે નથી જાણતા કે, તે ખોટું કેવી રીતે હોઈ શકે, પરંતુ તે ખોટું હોઈ શકે છે.છેવટે સંશોધકોએ નેશનલ એકેડેમી ઓફ સાયન્સની વાટ પકડી અને ડૉ. ડેવિસે તેમના સંશોધનની સમીક્ષા કરવાનું સૂચન કર્યું. તેઓ કહે છે કે, “જો તેમને આ પસંદ ના પડે, તો હું એટલું જ જાણવા માગતો હતો કે કેમ? જોકે, આ જર્નલના એડિટોરિયલ બોર્ડે અમારું પેપર છાપવાનો નિર્ણય લીધો હતો.’’

20 February, 2013

ફોન ટેપિંગના રાજકારણની માયાજાળ


ભાજપ અને કોંગ્રેસ આગામી ચાર રાજ્યો અને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુએ એક લેખ લખીને ભાજપના વડાપ્રધાન પદના બિનસત્તાવાર ઉમેદવાર નરેન્દ્ર મોદીની ટીકા કરતા જ આ યુદ્ધ વધુ ગરમાઈ ગયું છે. જોકે, આ લેખને લઈને સૌથી ઉગ્ર પ્રતિક્રિયા રાજ્યસભાના વિરોધપક્ષના નેતા અરુણ જેટલીએ આપી છે. હાલ અરુણ જેટલી ભાજપના એક અગ્રણી અને વિચારશીલ રાષ્ટ્રીય નેતા ગણાય છે. બીજી તરફ, જેટલીના ફોન ટેપિંગના મામલાનો વિવાદ ચાલી રહ્યો છે. કદાચ ટેલિફોનિક જાસૂસીની ઘટનાથી ભાજપમાં જેટલીનું રાજકીય મહત્ત્વ વધી ગયું છે.

દેશના વિવિધ રાજ્યોમાં સત્તાધારી પક્ષ દ્વારા વિરોધ પક્ષના નેતાઓના ફોન ટેપિંગ મુદ્દે અનેકવાર ધાંધલ-ધમાલ થઈ ચૂકી છે. પરંતુ આ વખતના ફોન ટેપિંગની ઘટનાથી રાષ્ટ્રીય રાજકારણ થોડુ વધુ ગરમાયું છે. આ માટે કદાચ નજીકના ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ હોઈ શકે છે. ફોન ટેપિંગને લઈને ભૂલેચૂકે કોઈ પક્ષના નેતાનું મોટું કૌભાંડ બહાર આવી જાય તો ચૂંટણીઓમાં ભારે નુકસાન ભોગવવું પડી શકે છે! ટુજી સ્પેક્ટ્રમ જેવું મસમોટું કૌભાંડ પણ નીરા રાડિયાના ફોન ટેપિંગ પછી જ બહાર આવ્યું હતું. એટલે જ ભાજપ અને કોંગ્રેસ ફોન ટેપિંગ મુદ્દે પણ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના સહારે બધુ ભૂલાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આમ છતાં, અરુણ જેટલી પોતાના ફોન ટેપિંગની ઘટનાને લઈને થોડા વધુ વ્યથિત છે. ગુજરાતના કેન્દ્ર સમક્ષ પડતર પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સાંસદોની બેઠકમાં હાજરી નહીં આપવા અંગે તેમણે ફોન ટેપિંગનું કારણ આગળ ધર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કૉલ ડિટેઈલના જાસૂસી પ્રકરણમાં ઊંડા ઉતરવા માંગતા હોવાથી તેમણે ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે. જોકે, આ બેઠકમાં તેમની સાથે ભારતીય જનતા પક્ષના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ગેરહાજર રહ્યા હતા.

અરુણ જેટલી

આ અંગે એવો ગણગણાટ પણ થયો હતો કે, તેઓ ભાજપના રાષ્ટ્રીય સ્તરના અગ્રણી નેતાઓ હોવાના કારણે સાંસદોની બેઠકમાં હાજર રહેવાનું દબાણ કરવાની કોઈના હિંમત નથી. પરંતુ અરુણ જેટલીની વાત છે ત્યાં સુધી તેમણે માર્કન્ડેય કાત્જુના નરેન્દ્ર મોદી સામેના લેખનો મજબૂત રીતે જવાબ આપીને મોદી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરી દીધી છે. આમ કરીને તેમણે હોંશિયારીપૂર્વક ભાજપમાં તો ઠીક, રાષ્ટ્રીય રાજકારણમાં પણ પોતાનું કદ વધારી દીધું છે. કારણ કે, મોદી ભાજપના અગ્રણી રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી રહ્યા છે.

ભાજપ પ્રમુખ રાજનાથ સિંઘે તો અરુણ જેટલીના ફોન ટેપિંગની ઘટનાને અત્યંત ગંભીર ગણીને જવાબદારો સામે આકરા પગલાં ભરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, “આ પ્રકારના કામમાં જે કોઈ જવાબદાર હોય તેની ધરપકડ થવી જોઈએ. કોઈ અયોગ્ય રીતે કૉલ ડિટેઈલ મેળવવાની હિંમત કરીને ગંભીર ગુનો આચરી રહ્યું છે.” બીજી બાજુ, ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકર આ ઘટનાનેઆયોજનબદ્ધ જાસૂસીનું કાવતરુંકહી રહ્યા છે. જોકે, સિંઘ કે જાવડેકર ફક્ત રાજકીય હેતુથી જ નિવેદનો કરી રહ્યા છે. કારણ કે, હાલ હિમાચલ પ્રદેશમાં બહાર આવેલા ભાજપ સરકારના ફોન ટેપિંગ પ્રકરણથી તેઓ સારી રીતે પરિચિત છે.

ભાજપના નેતાઓ જેટલીના ફોન ટેપિંગને લઈને યુપીએ સરકારના ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મૂળ વાત એ છે કે, આ ઘટનામાં હજુ સુધી શિંદેની કોઈ ભૂમિકા બહાર આવી નથી. ખરેખર તો હિમાચલ પ્રદેશમાં ફોન ટેપિંગના મુદ્દાને લઈને ભીંસમાં આવેલો ભારતીય જનતા પક્ષ જેટલીના ફોન ટેપિંગની ઘટનાને ઢાલ બનાવીને રાજકીય રમત રમી રહ્યો છે. જેટલીના ફોન ટેપિંગનો સીધો આરોપ દિલ્હીના એક સામાન્ય કોન્સ્ટેબલ પર છે. અરવિંદ દબાસ નામના આ કોન્સ્ટેબલે સિનિયર પોલીસ અધિકારીના ઈ-મેઈલનો દુરુપયોગ કરીને ટેલિકોમ કંપની પાસે જેટલીના કૉલ ડિટેઈલ માંગી હતી

જોકે, આ કોન્સ્ટેબલની ધરપકડ પછી નીરજ રામ નામના પ્રાઈવેટ ડિટેક્ટિવની ધરપકડથી આ ઘટનામાં નવો ફણગો ફૂટ્યો છે. એવું કહેવાય છે કે, નીરજને જેટલી સહિતના કેટલાક વીવીઆઈપીના કૉલની જાસૂસી કરવા માટે ખૂબ મોટી રકમ ચૂકવવામાં આવતી હતી. નીરજની ધરપકડ અરવિંદ દબાસના નિવેદનના આધારે કરાઈ છે. દિલ્હીમાં રાજકારણીઓ કે કોર્પોરેટ્સ દ્વારા પ્રાઈવેટ ડિટેક્ટિવની સેવા લેવી કંઈ નવી વાત નથી. જોકે, જેટલીના ફોન ટેપિંગમાં કોર્પોરેટ્સને રસ હતો કે રાજકારણીઓને તે અત્યારે કહી શકાય એમ નથી. આ રાજકારણીઓ તેમના પક્ષના પણ હોઈ શકે છે. આ મુદ્દે જેટલીએ હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નથી કરી, પરંતુ પોલીસે પોતે જદેશની સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને આ કેસ નોંધ્યો છે.

જો, સર્વોચ્ચ અદાલતના અગ્રણી વકીલ અરુણ જેટલી ફોન ટેપિંગને લઈને ખરેખર ગંભીર હોય તો તેમણે હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાવી? આમ કરવા પાછળ જેટલીના ફોન ટેપિંગનો સમય કે પછી હિમાચલ ફોન ટેપિંગનો કેસ પણ જવાબદાર હોઈ શકે છે. નીતિન ગડકરી પ્રમુખ તરીકે ચાલુ રહેશે કે નહીં તે અંગે ભાજપમાં પેંતરાબાજી ચાલી રહી હતી ત્યારે જેટલીના ફોન ટેપ થયા હતા. જો, પક્ષની અંદરનો જ કોઈ નેતા આ માટે જવાબદાર હોય તો ચૂંટણી સમયે જ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી જાય એમ છે. તેનાથી સ્વાભાવિક રીતે જ ભાજપને નુકસાન ભોગવવું પડી શકે છે.

જ્યારે હિમાચલ પ્રદેશમાં ફોન ટેપિંગને લઈને ભાજપ ભીંસમાં મૂકાયો છે. હિમાચલ પ્રદેશ ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલના શાસનમાં રાજકારણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારોના કુલ એકાદ હજાર ફોન ટેપ થયા હતા. જોકે, આ મુદ્દે કોંગ્રેસનું ત્રાજવું ભારે છે. કારણ કે, હિમાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી વીરભદ્ર સિંઘ પાસે ભાજપ સરકારે કરાવેલા ફોન ટેપિંગના મજબૂત ફોરેન્સિક પુરાવા ઉપલબ્ધ છે. વળી, આટલી મોટી સંખ્યામાં ફોન ટેપિંગ થયા ત્યારે પ્રેમકુમાર ધુમલ મુખ્યમંત્રીની સાથે ગૃહમંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવતા હતા.

આમ, જો ભાજપ ફોન ટેપિંગ મુદ્દે પોતાની બદનામી કે રાજકીય થાપ ખાવા ઈચ્છતો ન હોય તો તેણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે એવી સ્થિતિ છે. વળી, ચારેય બાજુ ભ્રષ્ટાચારના આરોપો અને કૌભાંડોથી ઘેરાયેલી યુપીએ સરકાર પણ પોતાના કટ્ટર હરીફ પક્ષ પર કોઈ મુદ્દે દબાણ ઊભું કરવા તલપાપડ છે. પરંતુ ભાજપે સમજી વિચારીને જ ફોન ટેપિંગ કેસને મહત્ત્વ આપવાના બદલે સમગ્ર ધ્યાન માર્કેન્ડેય કાત્જુના વિવાદાસ્પદ લેખના વિરોધ કરવા પર આપીને હાલ પૂરતી રાજકીય પરિપક્વતા દાખવી છે.

ફોન ટેપિંગ કોણ કરી શકે?

ભારતમાં કાયદા મુજબ, ઈન્ટેલિજન્સ બ્યુરો, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, સીબીઆઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ જ ફોન ટેપિંગ કરી શકે છે. આ યાદીમાં ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગનું નામ છેક હમણાં વર્ષ 2012માં ઉમેરાયું છે. એનો અર્થ એ નથી કે, તે અત્યાર સુધી ફોન ટેપિંગ કરતી ન હતી. પરંતુ તેણે ફોન ટેપિંગ માટે વિધિસરની મંજૂરી લેવી પડતી ન હતી. આવી સત્તા આઈબીને પણ હતી. આ બંને એજન્સીને ટેલિફોન એક્સચેન્જમાં ડેઝિગ્નેટેડ બૂથની સુવિધા આપવામાં આવે છે.

જોકે, હવે તમામ એજન્સીઓએ ફોન ટેપિંગ કરવા એપ્રૂવલ લેવી પડે છે. જે તે એજન્સીના ઉચ્ચ અધિકારીએ સૌથી પહેલાં પોતાના વડાને એક વિનંતી પત્ર લખીને જણાવવું પડે છે કે, આખરે તેઓ કેમ જે તે વ્યક્તિનું ફોન ટેપિંગ કરવા માગે છે. આ ઉપરાંત જાહેર સુરક્ષા માટે પણ તે કેવી રીતે જરૂરી છે તેનો સંતોષજનક ખુલાસો આપવો પડે છે. ત્યાર પછી એજન્સીના વડા ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ અરજી સ્વીકારીને ગૃહ સચિવ સમક્ષ મંજૂરી માગતી અરજી કરે છે. જોકે, નાણા મંત્રાલય હેઠળની ત્રણ એજન્સી ઈડી, સીબીડીટી અને ડીઆરઆઈએ નાણાં સચિવ સમક્ષ અરજી કરવાની હોય છે. નીરા રાડિયા ફોન ટેપિંગ કેસ પછી આ ફેરફાર કરાયો હતો.

એવું કહેવાય છે કે, ગૃહ સચિવ અઠવાડિયાના સરેરાશ બેથી ત્રણ કલાક ફોન ટેપિંગની અરજીઓને મંજૂરી આપવી કે નહીં તેની પ્રક્રિયા પાછળ વીતાવે છે. જો, ગૃહ સચિવ કોઈ કારણોસર હાજર ન હોય તો હોદ્દાની રૂએ સંયુક્ત સચિવે આ જવાબદારી સંભાળવાની હોય છે. આવી અરજી આવ્યાના એક જ અઠવાડિયામાં કેબિનેટ સચિવના વડપણ હેઠળ યોજાયેલી ગૃહ સચિવ, કાયદા સચિવ અને સંદેશાવ્યવહાર સચિવની બેઠકમાં તેને મંજૂરી અપાય છે. એવી જ રીતે, વિવિધ રાજ્યોમાં ફોન ટેપિંગને મંજૂરી આપવા માટે ગૃહ સચિવ અને સમીક્ષા સમિતિ આ જવાબદારી નિભાવે છે. ગૃહ સચિવે જે તે સંસ્થાના વડાની વિનંતીને ધ્યાનમાં રાખીને આ કામ કરવાનું હોય છે અને કાયદાની રૂએ તે તેમાં કોઈ શંકા વ્યક્ત કરી શકતો નથી. કારણ કે, આ એજન્સીઓના વડા તરીકે પ્રામાણિક અને સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા અધિકારીની જ નિમણૂક કરાઈ હોય છે.

જોકે, કાયદાકીય રીતે ઉપરોક્ત એજન્સીઓ ગૃહ સચિવની મંજૂરી મળે એ પહેલાં ફોન ટેપિંગ કરી શકે છે, પરંતુ તેમણે જરૂરી ડેટા 72 કલાકની અંદર મેળવી લેવો પડે છે. જોકે, કોઈ પણ એજન્સીને કાયદાકીય રીતે મળેલી ફોન ટેપિંગની મંજૂરી બે મહિના પછી એક્સપાયર થઈ જાય છે, અને તેને વધુમાં વધુ 180 દિવસ સુધી જ લંબાવી શકાય છે. આ વધારો લેવા માટે એજન્સીએ પોતે એકત્રિત કરેલા ડેટાને પહેલાં 60 દિવસમાં જ જવાબદાર સત્તા સમક્ષ નોંધાવી દેવા પડે છે. જ્યારે, આવા ડેટાનો નાશ પણ છ મહિના પછી જ કરી શકાય છે.

ફોન ટેપિંગઃ ગઈ કાલ અને આજ

ભારતમાં થોડા વર્ષો પહેલાં થતા અને આજના ફોન ટેપિંગમાં પણ આસમાન જમીનનો તફાવત છે. હજુ પંદરેક વર્ષ પહેલાં ફોન ટેપિંગ માટે બેંગલુરુ સ્થિત એક કંપની દ્વારા બનાવવામાં આવેલા સાધનો અને ટેપ્સનો ઉપયોગ થતો હતો. આ મશીનનો પણ મેન્યુઅલી કામ કરતા હતા અને સંવાદને રેકોર્ડ કરવા માટે વિવિધ લાઈન્સમાં પ્લગિંગ પણ કરવું પડતું હતું. વર્ષ 1992 સુધી તો એક મશીન દસેક વાક્યો જ ટેપ કરી શકતું હતું. એટલું જ નહીં, આવી ટેપના રિપેરિંગની પણ મુશ્કેલીઓ હતી. રિપેરિંગ માટે પણ બેંગલુરુની એક નાનકડી કંપની પર જ આધાર રાખવો પડતો, અને તે કંપનીનો એક મિકનિક સમગ્ર દેશની વિવિધ સાઈટ પર જઈને રિપેરિંગ કરતો. પરિણામે આ કામમાં દિવસો નીકળી જતા અને જાસૂસીનું કામ પણ સારી રીતે પાર નહોતું પડતું.

જોકે, આજે ફોન ટેપિંગ કરવા માટે જાતભાતના સાધનો ઉપલબ્ધ છે. અત્યારના કેટલાક ગેજેટ તો માણસનો અવાજ પણ ઓળખી શકે છે અને અવાજ ઓળખીને સંવાદ રેકોર્ડ કરી શકે છે. હાલ ભારત સરકાર રૂ. 200 કરોડના ખર્ચે સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ પણ વિકસાવી રહી છે, જેની મદદથી તમામ ઈન્ટેલિજન્સ એજન્સીઓને જોઈતા ફોન નંબરોની સીધી કનેક્ટિવિટી મળી જશે. એટલું જ નહીં, ફોન ટેપિંગ માટે એજન્સીઓએ ટેલિકોમ કંપનીની પણ મદદ નહીં લેવી પડે. આ પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં તમામ રાજ્યોની રાજધાનીમાં પણ શરૂ કરવામાં આવવાનો છે. જોકે, હાલ આ પ્રોજેક્ટ સ્ટાફની અછત અને અન્ય વહીવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

17 February, 2013

ભવિષ્યના રોબોટિક બોસનું સપનું સાચું પડશે?


આજથી વીસેક વર્ષ પહેલાં ટેક્નોલોજીએ માનવ જીવનનું પુનર્ગઠન (રિઓર્ગેનાઈઝ) કરવાની શરૂઆત કરી દીધી હતી. આપણે જ્યાં કામ કરતા હતા ત્યાં ટેક્નોલોજી ધીમી પણ મક્કમ ગતિએ પગપેસારો કરી ચૂકી હતી અને આપણો રોજિંદો સંવાદ વિશિષ્ટ પ્રકારનો બની ગયો હતો. હવે આપણી પાસે સંવાદ કરવાના એકથી વધુ માધ્યમો છે. સંવાદને લગતી એવી એક પણ મુશ્કેલી ન હતી, જેનો ટેક્નોલોજીએ ઉકેલ શોધી ના કાઢ્યો હોયઆજે અહીં આવા જ એક પ્રસંગની વાત કરવી છે, જેમાં સંવાદની જટિલ મુશ્કેલીને ટેક્નોલોજીની મદદથી દૂર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

‘પોપ્યુલર સાયન્સ’ નામના ફ્યૂચર સાયન્સ અને ટેક્નોલોજીને વરેલા સામાયિકના એડિટર ઈન ચિફ જેકોબ વૉર્ડ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન ફ્રાન્સિસ્કોમાં રહીને કામકાજ કરે છે. જ્યારે બાકીનો સ્ટાફ ન્યૂયોર્કના ન્યૂયોર્ક સિટીમાં બેસીને પોતાનું કામ સંભાળે છે. આમ તો ઘણાં સમય સુધી ‘પોપસાઈ’ (ટૂંકમાં આ નામે પ્રચલિત છે)ના સ્ટાફને આવી રીતે કામ કરવામાં કોઈ મુશ્કેલી ન પડી. પરંતુ એક તબક્કે તેમણે અનુભવ્યું કે, એક સામાયિક માટે તેઓ સાથે મળીને કામ નથી કરી શકતા અને એકબીજા સાથે પૂરતો સંવાદ નહીં થતો હોવાના કારણે ‘ઓફિસ કલ્ચર’ વિકસી શકતું નથી. પરિણામે જેકોબ વૉર્ડે પોતાના સ્ટાફ સાથે લાઈવ વીડિયો ચેટ કરીને કામ કરવાની શરૂઆત કરી. આમ છતાં, અહીં એ સવાલ તો ઉપસ્થિત જ છે કે, શું ટેક્નોલોજીની મદદથી માણસ સામે ઊભેલી વ્યક્તિ સાથે જેવી રીતે સંવાદ સાધતો હોય તેવો ‘જીવંત અનુભવ’ કરી શકે? શું ગમે તેવી એડવાન્સ ટેક્નોલોજી માણસ-માણસ વચ્ચેનું અંતર ઘટાડી શકે?

ભવિષ્યના ‘ટેલિપ્રેઝન્ટ’ બોસની પ્રેરણા

આવા સવાલોમાંથી જ ‘પોપસાઈ’એ આ મુશ્કેલી નાથવા વિવિધ તુક્કા અજમાવ્યા અને વિજ્ઞાનીઓની સલાહ લેવાનું શરૂ કર્યું. ‘પોપસાઈ’ના સ્ટાફને એક એવા બોસની જરૂર હતી જેમની સાથે ગમે ત્યારે સહેલાઈથી વાતચીત કરી શકાય. આજની કોમ્યુનિકેશન ટેક્નોલોજીની મદદથી આવી વ્યવસ્થા ઊભી કરવી બહુ મોટી વાત ન હતી. ઓફિસમાં જરૂર હતી એકદમ સીધાસાદા ઓડિયો-વીડિયો ટ્રાન્સમિશનની. જોકે, ‘પોપસાઈ’ના એડિટર જેકોબ વૉર્ડને તેનાથી સંતોષ ન હતો. તેઓ ઈચ્છતા હતા કે, મારો સ્ટાફ જે હવામાં શ્વાસમાં લે છે, તે જ હવામાં હું પણ શ્વાસ લઉં. આ અંગે જેકોબનું કહેવું હતું કે, “આવી વ્યવસ્થાથી શારીરિક હાજરી હોવાનો અનુભવ વર્તાય અને બિન-મૌખિક સંવાદ સધાય.” જોકે, જેકોબ વૉર્ડને આટલાથી પણ સંતોષ ન હતો. તેમને આ વ્યવસ્થામાં ‘મોબિલિટી’ પણ જોઈતી હતી. એટલે કે, તેઓ એવી રીતે મીટિંગ કરવા ઈચ્છતા હતા કે જ્યાં આસપાસ દીવાલો હોય અને સામે વ્હાઈટ બોર્ડ પણ હોય. જેકોબ કહે છે કે, “આ ઉપરાંત હું જ્યાં મીટિંગ હોય ત્યાં જઈ શકું, એવું ઈચ્છતો હતો.” (હા, ઓફિસમાં બેઠા બેઠા વર્ચ્યુઅલી.)

‘પોપ્યુલર સાયન્સ’ના એડિટર ઈન ચિફ જેકબ વૉર્ડ

જોકે, લોકો એકબીજા સાથે મળીને કામ કરી શકે એનો સીધોસાદો ઉકેલ શોધવામાં ઓફિસનું કામ ગૂંચવાડાભર્યું થઈ જાય એવી શક્યતા હતી. જેકોબ કહે છે કે, “હું એટલો સરળ ઉકેલ ઈચ્છતો હતો કે, કોઈ પણ ન્યૂયોર્ક ઓફિસમાં આવે, અને મારી જરૂર હોય તો ફક્ત એક જ બટન દબાવે, અને હું દેશમાં કોઈ પણ સ્થળે હોઉં પણ તુરંત જ ઓફિસમાં હાજર થઈ જાઉં.” તેઓ ‘પોપસાઈ’ના એડિટર હતા એટલે એવું ઈચ્છતા હતા કે, આવા પ્રયાસમાંથી ફ્યૂચર ટેક્નોલોજીના દ્વાર ખૂલી જાય.

આ અંગે માહિતી આપતા જેકોબ વૉર્ડ કહે છે કે, “અમે સ્કાયપ, ફેસટાઈમ અને ફ્યૂઝબોક્સ જેવું ઘણું બધુ અજમાવી જોયું, અને છેવટે પાછો હું ગૂગલ વીડિયો ચેટ પર આવી ગયો.” આવા બધા ઉકેલો અપનાવતી વખતે તેઓ અનુભવતા હતા કે, જે સામાયિક ‘ફ્યૂચર ટેક્નોલોજી’ વિષય પર વિષદ છણાવટ કરે છે તેને આ ઉપાયો ફ્યૂચરિસ્ટિક ન કહેવાય. ઓફિસ કામ માટે એકબીજા સાથે ગૂગલ વીડિયો ચેટની મદદથી સંવાદ કરવામાં અનેક મર્યાદા છે. કારણ કે, બંને છેડે યુઝર્સે પોતપોતાના ડેસ્કટોપ કે લેપટોપ સામે બેસી રહેવું પડે છે. હા, મોબાઈલ ચેટિંગ કે કૉલિંગની મદદથી પણ ઓફિસનું કામ કરવામાં કેટલીક મર્યાદા રહે જ છે.
ખેર, આવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા ‘પોપસાઈ’એ ટેલિપ્રેઝન્ટ બોસ માટે કેવી કેવી જરૂરિયાતો રહેશે તેની એક યાદી તૈયાર કરવા માંડી. તેઓને આશા હતી કે, નજીકના ભવિષ્યમાં જ તેઓ ‘ટેલિપ્રેઝન્ટ બોસ’ની રચના કરી દેશે.

ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીની મુશ્કેલીઓ  

‘ફ્યૂચરિસ્ટિક ટેલિપ્રેઝન્ટ બોસ’ની રચના કરવા માટે ‘પોપસાઈ’એ વિચાર્યું કે, નજીકના ભવિષ્યમાં રોબોટિક બોસની રચના કરવા વ્યવહારમાં શક્ય હોય એવા કયા પગલાં શક્ય છે. આ દિશામાં ‘પોપસાઈ’ની થિંક ટેંકે જાતને સવાલ પૂછવાનું શરૂ કર્યું કે, આપણે એડિટરને ઈચ્છીએ ત્યારે બોલાવી શકીએ એવી વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ? છેવટે આ સવાલનો જવાબ માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઓબ્જેક્ટ-બેઝ્ડ મીડિયા ગ્રૂપના ડિરેક્ટર માઈકલ બોવ પાસે મળ્યો, અને તેમનો જવાબ હતોઃ હોલોગ્રામ. હોલોગ્રાફી ટેક્નોલોજીની મદદથી આપણે જીવંત 3D વીડિયો જોઈ શકીએ છીએ.


એમઆઈટીના ઓબ્જેક્ટ બેઝ્ડ મીડિયા
ગ્રૂપના ડિરેક્ટર માઈકલ બોવ
આ અંગે માઈકલ બોવ કહે છે કે, “એટલું સ્પષ્ટ છે કે, આપણે આવું કરી શકીએ છીએ.” હા, હાલની હોલોગ્રાફિક ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજી મર્યાદિત અને ધીમી છે. પરંતુ તેમાં સમયાંતરે સુધારા થતા રહ્યા છે. આમ છતાં, ‘પોપસાઈ’ ઈચ્છે છે એવી એડવાન્સ ટેક્નોલોજી વિકસાવવામાં કેટલાક પડકારો છે. આ અંગે ખુલાસો કરતા માઈકલ કહે છે કે, “સૌથી પહેલો પડકાર કદનો છે. નજીકના ભવિષ્યમાં અમે જે કંઈ કરવા માંગીએ છીએ તેના માટે ડેસ્કટોપ જેટલું કદ નાનું કહેવાય. ફૂલ કલર હોલોગ્રાફિક ટેલિપ્રેઝન્સનો વાસ્તવિક અનુભવ કરવા માટે આપણે સામાન્ય ડેસ્કટોપને થોડા ઈંચ મોટું કરી શકીએ છીએ, પરંતુ મોટા ભાગની એપ્લિકેશન માટે તે યોગ્ય નથી.” આ ઉપરાંત બીજી મુશ્કેલી બેન્ડવિડ્થ અને પ્રોસેસિંગને લગતી છે. જેમ કે, ‘પોપસાઈ’ની સેન ફ્રાંસિસ્કો ઓફિસમાં બેઠેલા જેકોબને કેપ્ચર કરીને ફરી પાછો ન્યૂયોર્ક સિટીની ઓફિસમાં ‘રિયલ ટાઈમ’માં રિ-ક્રિએટ કરવા વેબ પર પુષ્કળ ડેટા એકસાથે સ્ટ્રીમ કરવો પડે. એટલું જ નહીં, આ ડેટાને રિસિવ કરવા માટે પણ ન્યૂયોર્ક સિટીની ઓફિસમાં હાઈટેક કમ્પ્યુટેશન કરવું પડે. જોકે, યુનિવર્સિટી ઓફ એરિઝોનાના સંશોધકોએ આ દિશામાં સંશોધન કર્યું છે. માઈકલ કહે છે કે, અત્યાર સુધી તેઓ ફક્ત સ્થિર ઈમેજને જ લાઈફ-સાઈઝ હોલોગ્રામમાં પરિવર્તિત કરી શકતા હતા. તેને રિફ્રેશ પણ કરી શકાતી હતી, પરંતુ સામેની વ્યક્તિ આંખમાં આંખ પરોવીને વાત કરી શકે એવું શક્ય ન હતું.

હોલોગ્રાફિક ટેલિપ્રેઝન્સ રચવા માટે બંને ઓફિસમાં હાઈટેક કેમેરા અને સેન્સર ફિટ કરવા જેવા પડકારોને તો ગણતરીમાં જ નથી લેવાયા. હાલની ટેક્નોલોજીની મર્યાદા સમજાવતા માઈકલ કહે છે કે, “લાઈફ સાઈઝ જેકોબ રચવો અઘરો છે.” આમ છતાં, આ ક્ષેત્રના વિજ્ઞાનીઓને આશા છે કે, નજીકના ભવિષ્યમાં આ ટેક્નોલોજીમાં સુધારો થશે અને ‘પોપસાઈ’નું સપનું પૂર્ણ કરી બતાવશે. 

ટેલિપ્રેઝન્સની મર્યાદા ઢાંકવા ટેલિરોબોટિક્સ

માઈકલની જેમ ટેલિપ્રેઝન્સ ક્ષેત્રે કાર્યરત સંશોધકોએ ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીની મર્યાદાઓ સામે બાથ ભીડવા ટેલિરોબોટિક્સનો માર્ગ અપનાવ્યો છે. જોકે, વિજ્ઞાનની આ શાખા માનવજાતના કામને વધુ સરળ બનાવવા ધીમી પણ મક્કમ ગતિએ વિકસી રહી છે. અનેક રોબોટિક્સ કંપનીઓએ ટેલિપ્રેઝન્સનું રોબોટિક સોલ્યુશન આપ્યું છે.

આ વિશે વધુ જાણવા ‘પોપસાઈ’ આઈ રોબોટના સહ-સ્થાપક અને સીઈઓ કોલિન એન્જલની મદદ લે છે. કોલિન એન્જલ બોમ્બ ડિસ્પોસલ રોબોટ બનાવી ચૂક્યા છે. યુ.એસ. મિલિટરી ઈરાક અને અફઘાનિસ્તાનમાં આ રોબોટનો ઉપયોગ કરે છે. અગાઉ તેમણે કચરો વાળી શકે એવો રોબોટ બનાવ્યો હતો. તાજેતરમાં જ આઈ રોબોટ દ્વારા આરપી-વિટા ટેલિપ્રેઝન્સ રોબોટ રજૂ કરાયો છે. આ રોબોટનો હેતુ ડૉક્ટરોને 24 કલાક હોસ્પિટલમાં હાજર રાખવાનો છે. એટલે કે, ડૉક્ટર વિશ્વમાં ગમે ત્યાં હશે, પરંતુ જરૂર પડ્યે તેમને વર્ચ્યુઅલી હોસ્પિટલમાં હાજર કરી શકાશે. વળી, ડૉક્ટર દર્દીના મેડિકલ ડેટાને પણ એક જ ક્લિકની મદદથી જોઈ શકે છે. કોલિનનું કહેવું છે કે, આવી જ રીતે રોબો-એડિટર પણ બનાવી શકાય છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આપણે ખરેખરો માણસ હાજર હોય એવું હુબહુ વાતાવરણ ક્યારેય ઊભું ન કરી શકીએ. હા, ટેક્નોલોજીની મદદથી આપણે ડોક્ટર રોબોટ જેવા ફાયદા જરૂર થાય, પરંતુ બે માણસ સામસામે ઊભા રહીને જે રીતે સંવાદ કરે તેવો સંવાદ ટેક્નોલોજીની મદદથી કરવો અશક્ય છે. આ અંગે કોલિન એન્જલને પૂછાયો હતો કે, શું આપણે ખરેખરા હાજર હોઈએ એવી ટેક્નોલોજી વિકસાવી શકીએ? તેમનો જવાબ હતો, “કદાચ નહીં.”

ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીમાં સુધારો શક્ય

આઈ રોબોટના સહસ્થાપક અને
સીઈઓ કોલિન એન્જલ
ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીમાં સુધારો કેવી રીતે શક્ય છે તે સમજાવતા કોલિન એન્જલ કહે છે કે, આપણે ‘પોપસાઈ’ની સેન ફ્રાન્સિસ્કો અને ન્યૂયોર્ક ઓફિસને જોડી શકીએ છીએ. હવે તેમાં સાત વ્યક્તિનો કોન્ફરન્સ રૂમ ધારી લો. તેમાં જેકોબ વૉર્ડ એટલે કે, રોબો એડિટર ફેસિયલ રેકગનિશન સોફ્ટવેરની મદદથી દરેક વ્યક્તિને ઓળખશે અને જેની સાથે, જે મુદ્દા ચર્ચવા હશે તેને ઓટોમેટિકલી તે બતાવી શકશે. વળી, દરેક સાથે વાત કરતી વખતે તેના જૂના ઈ-મેઈલ, ચેટિંગ વગેરે કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકશે. એટલું જ નહી, દરેકના ટેબલ નજીક જઈને વાત પણ કરી શકશે. આ અંગે કોલિન એન્જલ કહે છે કે, આવું શક્ય છે. પરંતુ અહીં રોબોટિકનું કામ પૂરું થાય છે અને ઓગ્મેન્ટેડ રિયાલિટી અને ટચ સ્ક્રીન ટેક્નોલોજીનું કામ શરૂ થાય છે. તેમને આશા છે કે, નજીકના ભવિષ્યમાં વિવિધ ક્ષેત્રના વિજ્ઞાનીઓ ભેગા થઈને ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીમાં સુધારા કરશે. વીડિયો ગેમમાં પણ યુઝર્સને વર્ચ્યુઅલ વિશ્વમાંથી બહાર કાઢવા માટે ‘ટચ’ ટેક્નોલોજીનો જ ઉપયોગ થાય છે.

‘પોપસાઈ’ને એવો સવાલ પણ થાય છે કે, શું સેન ફ્રાન્સિસ્કોમાં બેઠેલા એડિટર ન્યૂયોર્ક ઓફિસમાં ટેબલ પરથી પેપર ઉઠાવી શકે? આ અંગે કોલિન એન્જલ કહે છે કે, “જ્યાં સુધી પેપરનો સવાલ છે ત્યાં સુધી તમે આટલું વજન ઉઠાવીને હાઈ-ડેફિનેશન કેમેરાની મદદથી તેમાં જે કંઈ લખ્યું છે તે જોઈ શકો, અને તેને આઈપેડમાં નોંધી પણ શકો છો. ત્યાર પછી તમે રોબોટ સાથે જોડાયેલા પ્રિન્ટરની મદદથી તેની પ્રિન્ટ પણ આપી શકો છો.”

જોકે, આ અંગે જેકોબ વૉર્ડ કહે છે કે, “આવું કરવાથી ઓફિસમાં ગૂંચવાડો સર્જાઈ શકે છે. હું એ નથી જાણતો કે, આવો પ્રયોગ કરીને અમે વિજ્ઞાન માટે કોઈ નવી દિશા ખોલી આપી છે કે નહીં.” પોપ્યુલર સાયન્સની ઓફિસમાં ટૂંક સમયમાં ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીનો ટેસ્ટ કરવાનું વિચારણા હેઠળ છે. ખેર, વિજ્ઞાનીઓએ ‘પોપસાઈ’ની મુશ્કેલીઓના જે ઉપાય બતાવ્યા છે તે ભવિષ્યમાં ક્રાંતિકારી સાબિત થાય તો નવાઈ નહીં.

બોલિવૂડમાં રોમાન્સના બાદશાહ અને બેગમ


યશરાજ અને કરણ જોહર બ્રાન્ડ ફિલ્મો જોઈને આપણે તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે, આવી ફિલ્મો જોવા કરતા તો એકતાકપૂરની સિરિયલ જોતા જોતા પોપકોર્ન ખાધા હોત તો સારું થાત! હાલ મુંબઈમાં ભજવાઈ રહેલા ભરત દાભોલકરના એક નાટકનું નામ ‘બ્લેમ ઈટ ઓન યશરાજ’ રખાયું છે. આ નાટકમાં ખર્ચાળ લગ્નો અને શ્રીમંતાઈના પ્રદર્શન પર કટાક્ષ કરાયા છે. જોકે, આ નાટકમાં યશરાજનું ક્યાંય નામ નથી. પરંતુ આવું નામ રાખીને તેમણે આધુનિક લગ્નોના કુરિવાજો માટે યશરાજ ફિલ્મના લગ્નના દૃશ્યો, સ્વિત્ઝર્લેન્ડવાળી ફિલ્મો અને શિફોન સાડી પહેરીને ગીતો ગાતી હીરોઈનોને જવાબદાર ઠેરવી છે. ખેર, આવા કુરિવાજો માટે ફક્ત યશરાજને બેનર ન ઠેરવી શકાય. યશ ચોપરા પહેલાં સૂરજ બડજાત્યા પણ આવી ફિલ્મો બનાવી ચૂક્યા છે, અને ત્યાર પછી કરણ જોહરની ફિલ્મોમાં પણ સમાજના ફક્ત ઉચ્ચ વર્ગની જીવનશૈલીને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

આમ છતાં, હિન્દી સિનેમાની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મોની વાત આવે એટલે યશરાજ બેનરનું નામ લેવું જ પડે. વેલેન્ટાઈન ડેના રોજ સમાચાર હતા કે, એક ઓનલાઈન સર્વેક્ષણમાં હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કાજોલને હિન્દી સિનેમાના અત્યાર સુધીના સૌથી રોમેન્ટિક કપલ તરીકે મત મળ્યા છે. આ સર્વેક્ષણ ‘સનોના’ નામના યુ.કે.ના સૌથી મોટા ઈન્ડિયન મૂવી પોર્ટલ દ્વારા કરાયું છે. આ સ્પર્ધામાં શાહરૂખ અને કાજોલની સાથે રાજકપૂર અને નરગીસ, ધર્મેન્દ્ર અને હેમામાલિની તેમજ અમિતાભ બચ્ચન અને રેખાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ યશરાજ બેનર હેઠળ બનેલી આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (ડીડીએલજે) જેવી સુપરડુપર હીટ ફિલ્મના કારણે શાહરૂખ અને કાજોલે હિન્દી સિનેમાના સૌથી યાદગાર રોમેન્ટિક કપલ રાજકપૂર અને નરગીસને પણ પાછળ પાડી દીધા છે.

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું દૃશ્ય

કરણ જોહરે બનાવેલી પહેલી જ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને કારણે પણ શાહરૂખ અને કાજોલને ફાયદો થયો છે. વર્ષ 1995માં ફક્ત ચાર કરોડમાં બનેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 122 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ડીડીએલજેના ત્રણ વર્ષ પછી આઠેક કરોડમાં બનેલી ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મે રૂ. 103.38 કરોડનો બિઝનેસ કર્યો હતો. શાહરૂખ અને કાજોલની જોડી ચમકાવતી આ ચોથી ફિલ્મ હતી. અહીં એ કહેવાની જરૂર નથી કે, આ બંને ફિલ્મો વિશ્વના સૌથી યુવા દેશ ગણાતા ભારતીય યુવાનો અને બિનનિવાસી ભારતીયોને ખૂબ જ પસંદ પડી હતી. વળી, સનોનાનું સર્વેક્ષણ પણ વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ તેમજ ઈ-મેઈલના આધારે કરાયું છે. આમ, ઈન્ટરનેટ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો મહત્તમ ઉપયોગ યુવાનો જ કરતા હોવાથી શાહરૂખ અને કાજોલ આ સ્પર્ધામાં વિજેતા બની શક્યા છે.

ખેર, શાહરૂખ અને કાજોલ જેવા જ કે કદાચ તેનાથી પણ ચડિયાતા ઓનસ્ક્રીન રોમેન્ટિક કપલની મળવાની બાબતમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ નસીબદાર છે. જેમ કે, રાજકપૂર અને નરગીસ. રાજ અને નરગીસ રીલ નહીં, પણ રિયલ લાઈફમાં પણ પ્રેમીપંખીડા હતા એ વાત જગજાહેર હતી. તેથી રાજ અને નરગીસની પડદા પરની કેમેસ્ટ્રી જોવી રસપ્રદ રહેતી હતી. કારણ કે, રાજ પરિણીત પુરુષ હોવા છતાં એ વખતની સ્ટાર હીરોઈનના પ્રેમમાં પડ્યા હતા. આજે પણ હિન્દી સિનેમાના ઉત્તમ રોમેન્ટિક દૃશ્યો માટે રાજ અને નરગીસની ‘આગ’, ‘બરસાત’, ‘ચોરી ચોરી’, ‘શ્રી 420’ અને ‘આવારા’ને યાદ કરાય છે. રાજકપૂર અને નરગીસે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આજે તો એલસીડી અને એલઈડીનો જમાનો છે, પરંતુ એ વખતના બ્લેક એન્ડ વ્હાઈટ યુગમાં રાજ અને નરગીસે ફક્ત અભિનયના જોરે સ્ક્રીન પર શાહરૂખ-કાજોલ જેવા રોમાન્સને જીવંત કરી બતાવ્યો હતો.

રાજકપૂર અને નરગીસ 

હેમામાલિની અને ધર્મેન્દ્ર

હિન્દી સિનેમાના અનેક સફળ રોમેન્ટિક કપલને તેમની રિયલ લાઈફ લવસ્ટોરી પણ ફળી છે. વળી, ફિલ્મ મેકરો પણ સ્ટાર્સની રિયલ લાઈફને ‘વકરા’માં પરિવર્તિત કરવા હંમેશાં ઉત્સુક હોય છે. આવું જ એક રોમેન્ટિક કપલ હતું ધર્મેન્દ્ર અને હેમામાલિની. એવું નથી કે, આ જોડી ફક્ત તેમના ચર્ચાસ્પદ પ્રેમ પ્રકરણના કારણે સફળ થઈ હતી. હેમામાલિની પોતાના આનંદી સ્વભાવ અને ભવ્ય ખૂબસુરતી માટે જાણીતી હતી. તો, ધર્મેન્દ્ર પણ એ જમાનામાં હેન્ડસમ માચોમેન તરીકે લોકપ્રિય હતા. એ વખતે આ બંને સ્ટાર્સના ઓફ-સ્ક્રીન રોમાન્સની વાતો અખબારોમાં છપાતી રહેતી અને મુંબઈની પાર્ટી સર્કલમાં પણ ‘ડ્રીમ ગર્લ’ અને ‘મેરીડ હીમેન’ના રોમાન્સની ચણભણ થતી હતી. ધર્મેન્દ્રે પોતાની રિયલ લાઈફ પ્રેમિકા સાથે ‘રાજારાની’, ‘સીતા ઓર ગીતા’, ‘શરાફત’, ‘તુમ હસીં મે જવાં’, ‘જુગ્નુ’, ‘ચરસ’, ‘મા’, ‘ચાચા ભતીજા’, ‘આઝાદ’ અને ‘શોલે’ જેવી અનેક હીટ ફિલ્મો આપી હતી.

ધર્મેન્દ્રની સૌથી મોટી સફળતા એ હતી કે, માચોમેનની ઈમેજ પડી ગઈ હોવા છતાં તેમણે મીનાકુમારી, સાયરા બાનુ, શર્મિલા ટાગોર, મુમતાઝ, આશા પારેખ, રેખા અને ઝીનત અમાન સાથે પણ એકથી વધુ સફળ રોમેન્ટિક ફિલ્મો આપી હતી. જોકે, બાદમાં મુમતાઝે રાજેશ ખન્ના સાથે સફળ રોમેન્ટિક ફિલ્મો આપી હતી. જ્યારે રેખાએ અમિતાભ સાથે ઉત્તમ રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજેશ ખન્ના અને મુમતાઝ આજે પણ હિન્દી સિનેમાનું સૌથી પ્રભાવશાળી અને આકર્ષક રોમેન્ટિક કપલ ગણાય છે. રાજેશ ખન્ના અને મુમતાઝની ‘અપના દેશ’, ‘રોટી’, ‘આપ કી કસમ’ અને ‘દો રાસ્તે’ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. હિન્દી સિનેમાના ‘ફર્સ્ટ સુપરસ્ટાર’ ગણાતા રાજેશ ખન્ના અને મુમતાઝે કારકિર્દીમાં એકબીજા સાથે કરેલી એકપણ ફિલ્મ ફ્લોપ નહોતી ગઈ. મજબૂત સ્ક્રીપ્ટ અને સુરીલું ગીતસંગીત ધરાવતી અનેક હીટ ફિલ્મો આપીને રાજેશ ખન્ના અને મુમતાઝ રોમાન્સનો પર્યાય બની ગયા હતા.

‘દો  રાસ્તે’ના એક દૃશ્યમાં મતાઝ અને રાજેશ ખન્ના
‘સિલસિલા’માં અમિતાભ બચ્ચન અને રેખા

સફળતાપૂર્વક લગ્નજીવન નિભાવનારા રીશિકપૂર અને નીતુ સિંગ

એવી જ રીતે, રેખાએ અમિતાભ સાથે હિન્દી સિનેમાની યાદગાર રોમેન્ટિક ફિલ્મો કરી છે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં કદાચ અમિતાભ અને રેખાની લવસ્ટોરીની સૌથી વધુ ચર્ચા થઈ છે. કારણ કે, એ વખતના સુપરસ્ટાર અમિતાભ પણ ધર્મેન્દ્રની જેમ પરીણિત પુરુષ હતા, અને એક સ્ટાર હીરોઈનના પ્રેમમાં પડ્યા હતા. આજે પણ અનેક લોકો હિન્દી સિનેમાના સૌથી રોમેન્ટિક કપલ તરીકે અમિતાભ અને રેખાને પહેલો નંબર આપે છે. આ રોમેન્ટિક કપલને પણ યશ ચોપરાએ અત્યંત કાવ્યાત્મક રીતે સિલ્વર સ્ક્રીન પર ચમકાવ્યું હતું. ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની વાત આવે એટલે ‘સિલસિલા’ ફિલ્મને યાદ કરવી જ પડે, જેમાં આ અમિતાભ-રેખાનો ઓફ-સ્ક્રીન રોમાન્સ સુંદર રીતે ઝીલાયો છે. ‘સિલસિલા’ની લવ ટ્રાયંગલ વાર્તાને ન્યાય આપવા માટે જ યશ ચોપરાએ અમિતાભ, જયા અને રેખાને સાથે કામ કરવા મનાવ્યા હતા. આ ફિલ્મ માટે ચોપરાએ પહેલાં પરવીન બાબી અને સ્મિતા પાટિલની પસંદગી કરી હતી.

એક એકથી ચડિયાતી રોમેન્ટિક હીટ ફિલ્મો આપીને રિયલ લાઈફમાં પણ સફળતાપૂર્વક લગ્નજીવન નિભાવનારું બીજું એક રોમેન્ટિક કપલ છે, રીશીકપૂર અને નીતુસિંઘ. નવાઈની વાત તો એ છે કે, ‘સનોના’એ કરેલા સર્વેક્ષણમાં આ કપલને શાહરૂખ-કાજોલ પછી બીજું સ્થાન અપાયું છે. રીશીકપૂર કપૂર ખાનદાનનો પુત્ર હોવાના કારણે એ સમયે નીતુસિંઘ સાથેનો તેનો ઓફ-સ્ક્રીન રોમાન્સ ખૂબ ચગ્યો હતો. બીજી તરફ, તેમણે ‘રફૂચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘કભી કભી’, અને ‘અમર અકબર એન્થની’ જેવી અનેક હીટ ફિલ્મો આપી હતી. એટલું જ નહીં, તાજેતરના વર્ષોમાં પણ આ જોડીએ ‘લવ આજ કલ’, ‘દો દૂની ચાર’ અને ‘જબ તક હૈ જાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરીને તેમની રોમેન્ટિક ફિલ્મોની યાદ અપાવી છે. રીશીકપૂર અને નીતુસિંઘે અત્યાર સુધી પંદરેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ સિવાય પણ હિન્દી સિનેમાને અનેક રોમેન્ટિક કપલ મળ્યાં છે. જેમાં અનિલકપૂર-માધુરી દિક્ષિત અને ગોવિંદા-કરિશ્માકપૂરને પણ સ્થાન આપવું પડે. સનોનાએ કરેલા સર્વેક્ષણમાં રણબીરકપૂર-કેટરિના કૈફ, શાહીદકપૂર-પ્રિયંકા ચોપરા અને રીતિક રોશન-કરીના કપૂરને પણ લોકોએ મત આપ્યા છે. જોકે, રીતિક અને કરીનાએ વર્ષ 2003માં ‘મૈ પ્રેમ કી દીવાની હું’ પછી એક પણ ફિલ્મ કરી નથી. આ સર્વેક્ષણની ખાસ વાત એ છે કે, ટોપ ટેન રોમેન્ટિક કપલની યાદીમાં શાહરૂખને બે વાર સ્થાન મળ્યું છે, એકવાર કાજોલ સાથે અને બીજી વાર રાણી મુખર્જી સાથે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં શાહરૂખનું નામ રોમાન્સના બાદશાહ તરીકે નોંધાઈ ચૂક્યું છે.

04 February, 2013

કુંભ મેળાનું જડબેસલાક મેનેજમેન્ટ


થોડાં સમય પહેલાં જ સમાચાર હતા કે, વિશ્વ પ્રતિષ્ઠિત હાવર્ડ યુનિવર્સિટી કુંભ મેળાના આયોજન વિશે સંશોધન કરવાની છે. ભારતીય સંસ્કૃતિ અને કુંભ મેળા જેવા જાહેર ઉત્સવો વિશે સાંભળીને પશ્ચિમી દેશોમાં મોટા ભાગના લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. તેમને નવાઈ લાગે છે કે, એક સપાટ મેદાન અચાનક એક શહેરમાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે? હા, શહેર. કારણ કે અહીં લોકો છે, ધર્મ છે, સંસ્કૃતિ છે, પોલીસ અને ફાયર સ્ટેશનો છે, ખોરાક-પાણી વિતરણ અને સેનિટેશન સિસ્ટમ છે, હોસ્પિટલ અને રસીકરણ કેન્દ્રો છે, ઈલેક્ટ્રિસિટી ગ્રીડ છે, લોકોના મનોરંજન માટેની સુવિધા છે તેમજ આખેઆખું બજાર પણ છે. કદાચ એટલે જ આવા મહાકાય કુંભ મેળાના આયોજન વિશે સંશોધન કરવાની હાવર્ડ યુનિવર્સિટીના કોઈ એકાદા વિભાગે હિંમત નથી કરી, પરંતુ આ કામમાં હાવર્ડ ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, સ્કૂલ ઓફ ડિઝાઈન, હાવર્ડ બિઝનેસ સ્કૂલ, સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, હાવર્ડ મેડિકલ સ્કૂલ, હાવર્ડ ડિવિનિટી સ્કૂલ અને હાવર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ પણ જોડાયા છે. આ તમામ વિભાગો કુંભ મેળા વિશે પોતપોતાના ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યા છે.હાવર્ડની ટીમ એ પ્રશ્નનો જવાબ શોધી રહી છે કે, આખરે પૃથ્વી પર આટલા વિશાળ પ્રસંગનું આયોજન શક્ય કેવી રીતે બને છે?


કુંભ મેળાના ધાર્મિક અને સાંસ્કૃતિ માહાત્મ્ય વિશે તો આપણે ઘણું જાણીએ છીએ. કારણ કે, તેના વિશે ઘણું બધુ લખાય છે, વંચાય છે. પરંતુ વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કેવી રીતે થાય છે તેના વિશે આપણે ખાસ કંઈ નથી જાણતા. આ વર્ષનો કુંભ મેળો 14મી જાન્યુઆરીથી 10મી માર્ચ એમ સતત 55 દિવસ સુધી ચાલવાનો છે. આ દરમિયાન 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, 27મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા, 10મી ફેબ્રુઆરીએ મૌની અમાસ, 15મી ફેબ્રુઆરીએ વસંત પંચમી, 25મી ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમા અને 10મી માર્ચે મહાશિવરાત્રિના દિવસે સ્નાનનું ખૂબ વધારે મહત્ત્વ હોય છે. આ પાંચેય દિવસે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની કુંભમાં સ્નાન કરવા ભીડ જામે છે. નવાઈની વાત તો એ છે કે, આ વર્ષે મકરસંક્રાંતિના રોજ એક કરોડ, દસ લાખ અને પોષ પૂર્ણિમાએ 55 લાખ શ્રદ્ધાળુઓ કુંભ સ્નાન કરી ચૂક્યા છે. જ્યારે મૌની અમાસે ત્રણ  કરોડ, પાંચ લાખ, વસંત પંચમીએ એક કરોડ, 93 લાખ, માઘી પૂર્ણિમાએ અનુક્રમે એક કરોડ, 65 લાખ અને મહાશિવરાત્રીએ 55 લાખ ભક્તો આવશે એવો અંદાજ છે. (આ અંદાજિત આંકડામાં વધારો થઈ શકે છે, પરંતુ અંદાજ કરતા ઓછા માણસો ક્યારેય આવતા નથી.)

બસ અને રેલવે સેવા

કુંભમાં નદીની સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ પણ અવિરત વહ્યા કરે છે. આ પ્રવાહમાં કોઈ ખલેલ ન પહોંચે એ માટે રાજ્ય પરિવહન અને રેલવે તંત્રને પણ જવાબદારી સોંપવામાં આવે છે. આ વર્ષે અલ્હાબાદમાં શ્રદ્ધાળુઓની સેવામાં પાંચ બસ સ્ટેશનો પરથી 892 બસ દોડાવાઈ રહી છે. આ ઉપરાંત કુલ 3,608 સ્પેશિયલ બસોનું પણ શ્રદ્ધાળુઓ માટે સંચાલન કરાઈ રહ્યું છે. જ્યારે સાત રેલવે સ્ટેશનો ઉપરથી કુલ 750 ટ્રેનો તો ફક્ત કુંભ મેળામાં લોકોના પ્રવાહને પહોંચી વળવા માટે જ દોડાવવામાં આવે છે.

પોલીસ સુરક્ષા

આ વર્ષના કુંભ મેળામાટે 1936.56 હેક્ટર વિસ્તારમાં જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે. આટલા મોટા વિસ્તારમાં સહેલાઈથી આયોજન કરી શકાય એ માટે કુલ 14 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં 99 પાર્કિંગ એરિયા ઊભા કરાયા છે. ઉત્તરપ્રદેશ સરકારે કુંભમાં સુરક્ષા માટે 12,461 પોલીસ જવાનો તૈનાત કર્યા છે, જેમને કુલ 30 પોલીસ સ્ટેશનમાંથી માર્ગદર્શન મળતું રહે છે. આ ઉપરાંત 40 પ્રોવિન્સિયલ આર્મ્ડ કોન્સ્ટેબુલરી અને 40 પેરા મિલિટરી પર્સોનલ યુનિટ પણ ફરજ બજાવી રહ્યા છે. પોલીસને સહાય કરવા માટે મહત્ત્વના 85 સ્થળે સીસીટીવી કેમેરા મૂકાયા છે. જ્યારે 30 ફાયર સ્ટેશનોનો સ્ટાફ પણ ખડેપગે હાજર છે. પોલીસ જવાનોની ટુકડીઓ ડૂબતા લોકોને બચાવવા માટે ઘાટ પર પણ ખડેપગે હાજર હોય છે. આ વર્ષે પણ જવાનોએ અનેક લોકોને ડૂબી જતા બચાવ્યા છે. આ ઉપરાંત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ, બોમ્બ ડિસ્પોસલ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વૉડની ટીમ પણ 24 કલાક સતર્ક રહે છે.

માર્ગો અને પુલનું બાંધકામ 

કુંભ મેળામાં કરોડો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી કોઈ સ્થળે ટ્રાફિક જામને લઈને અવ્યવસ્થા કે દુર્ઘટના ના સર્જાય એ હેતુથી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ હંગામી ધોરણે રસ્તાઓ બનાવી આપે છે. આ ઉપરાંત કુંભમાં નદીમાં સ્નાન કરવા માટે જતા શ્રદ્ધાળુઓ માટે પુલ બાંધવાની જવાબદારી પણ આ વિભાગના શિરે હોય છે. આ વર્ષે પીડબલ્યુડીએ કુંભના સ્થળને જોડતા 156.20 કિલોમીટર લાંબા રસ્તા બનાવ્યા છે, જ્યારે નદીમાં કુલ 18 સ્થળે પહોળા અને મજબૂત પુલ બાંધવામાં આવ્યા છે.

પાણી વિતરણ

કુંભમાં શ્રદ્ધાળુઓના પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરવાનું કામ જળનિગમને સોંપવામાં આવે છે. આ વર્ષે જળનિગમે પીવાના પાણી માટે આશરે 80 હજાર કિલોમીટર લાંબી પાઈપલાઈન બનાવવાનું કામ સુંદર રીતે પાર પાડ્યું છે. પીવાના પાણી સિવાયની પાઈપલાઈન પણ 550 કિલોમીટર લાંબી છે. આટલી લાંબી પાઈપલાઈનો માટે 20 હજાર સ્થળે પાણીના જોડાણો અપાયા છે. આ ઉપરાંત 40 ટ્યૂબ વેલ સ્ટેશન અને પાંચ વિશાળ ઓવર હેડ ટાંકીનું પણ અહીં નિર્માણ કરવામાં આવ્યું છે.

વીજ વિતરણ

કુંભમાં વીજ વિતરણ પણ ખૂબ જ પેચીદો પ્રશ્ન હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન આ કામગીરી બખૂબી પાર પાડે છે. આ વર્ષે પણ કુંભમાં વીજ વિતરણ માટે 770 કિલોમીટર લાંબા વીજવાયરો દ્વારા વીજ વિતરણ કરાઈ રહ્યું છે. આ માટે કુલ 22 હજાર સ્થળે સ્ટ્રીટ લાઈટ પોઈન્ટ મૂકાયા છે. આમ સમગ્ર વિસ્તારમાં વિવિધ પ્રકારના કુલ 73 સબ-સ્ટેશનોની મદદથી ખૂણે ખૂણામાં વીજ વિતરણ કરાય છે.

આરોગ્ય અને સ્વચ્છતા

કુંભમાં દરેક વિભાગે પોતપોતાનું કામ ઉત્તમ રીતે પાર પાડવાનું હોય છે અને આયોજન આપોઆપ જળવાઈ રહે છે. આરોગ્ય વિભાગને કુંભ મેળાની આરોગ્ય અને સ્વચ્છતા વિષયક કામગીરી સોંપવામાં આવે છે. આ વર્ષે આરોગ્ય વિભાગે પ્રયાગમાં 14 એલોપેથિક, 12 હોમિયોપેથિક અને 12 આયુર્વેદિક હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે. આ તમામ હોસ્પિટલોમાં 370 પથારીની વ્યવસ્થા છે. આ સિવાય ટોઈલેટ ઊભા કરવાની જવાબદારી પણ આરોગ્ય વિભાગની હોય છે. જે અંતર્ગત આ વર્ષે 1936.56 હેક્ટર વિસ્તારમાં 35 હજાર વ્યક્તિગત, 7,500 ટ્રેન્ચ પેટર્નવાળા, એક હજાર બિન-પરંપરાગત ટોઈલેટ તેમજ 340 સુલભ કોમ્પ્લેક્સ બનાવ્યા છે.

ખાદ્ય અને પુરવઠો

કુંભમાં લાખોની સંખ્યામાં આવતા લોકોના ખાવાપીવાની વ્યવસ્થા કરવા માટે પણ ઝીણવટભર્યું આયોજન કરવું પડે છે. જે અંતર્ગત આ વર્ષે ખાદ્ય અને પુરવઠા વિભાગે બે લાખ રેશન કાર્ડની વહેંચણી કરી છે. આ ઉપરાંત 16,200 મેટ્રિક ટન ઘઉં, 9,600 મેટ્રિક ટન ચોખા, છ હજાર મેટ્રિક ટન ખાંડ અને 13,200 કિલો તેલનું વિતરણ કર્યું છે. અનાજની વહેંચણી માટે મેળામાં 125 કેન્દ્રો ઊભા કરાયા છે. આ ઉપરાંત 400 કિલો દૂધ અને દૂધના વિતરણ માટે 150 કેન્દ્રો પણ કાર્યરત છે.

***

દેવપ્રેમ અને દેશપ્રેમનો સંગમ 

કુંભ મેળામાં એક જ સ્થળે લાખો લોકો સ્નાન કરતા હોવાથી સ્વાભાવિક રીતે જ જબરદસ્ત જળ પ્રદૂષણ ફેલાતું હતું. ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવતી નદીઓની હાલત ગટરથી પણ બદતર થઈ જતી હતી. આમ એકબાજુ ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરાઓની વાત હોય છે, તો બીજી બાજુ પર્યાવરણીય મુદ્દા મ્હોં ફાડીને ઊભા હોય છે.

સ્વામી ચિદાનંદ સરસ્વતી 
જોકે, આ વખતે ગંગા શુદ્ધિકરણના સ્વપ્નદૃષ્ટા એવા ઋષિકેષના પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતીએ સંતોષ વ્યક્ત કરતા મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિના શાહીસ્નાન પછી ગંગા પોલિથીનથી ઊભરાઈ જતી હતી. જોકે, આ વખતે હું સ્નાન કરીને પાછો ફર્યો અને બધું બદલાઈ ગયું હતું. અમે પોલિથીન કરતા હાથ વધારે જોયા. ત્યાં ફર્ક સ્પષ્ટ હતો અને હવે આવું થતું રહેશે એ માટે અમે આશાવાદી છીએ.” જોકે, સ્વામી ચિદાનંદે ઉમેર્યું હતું કે, “ફક્ત થોડા ટેન્ટ અને અમુક લોકો પૂરતા નથી. અમારી પહેલ ‘ગલીથી ગંગા’ સુધીની છે. મારી લોકોને વિનંતી છે કે, તેમના ઘર, મંદિરો, મસ્જિદો અને ગામડા હરિયાળા રાખે. આ માટે મેં વિશ્વભરના અધ્યાત્મિક ગુરુઓને પણ ‘ગ્રીન પ્લેજ’ લેવા માટે આમંત્રિત કર્યા છે.”

સ્વામી ચિદાનંદ તેમના ક્રાંતિકારી વિચારો માટે જાણીતા છે, તેનું બીજું એક ઉદાહરણ જોઈએ. કુંભ મેળા જેવા પ્રસંગે સ્વામી ચિદાનંદે વર્ષ 1999માં કારગીલ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના માતાપિતાનું સન્માન કર્યું હતું. વર્ષ 1999માં કારગીલ યુદ્ધમાં અસાધારણ હિંમત દાખવનારા ચાર સૈનિક કેપ્ટન મનોજ પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્ર યાદવ, રાઈફલમેન સંજય કુમાર અને કેપ્ટન વિક્રમ બત્રાને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પરમવીર ચક્ર વિજેતાઓના માનમાં સંગમના વિવિધ સ્થળે 21 છોડ રોપવામાં આવ્યા છે. પરમવીર ચક્ર દેશનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર છે. આ અંગે સ્વામી ચિદાનંદ કહે છે કે, “આ રાજ્ય (ઉત્તરપ્રદેશ) દેશને સૌથી વધુ સૈનિક અને પાણી આપે છે. કુંભ દેવપ્રેમ અને દેશપ્રેમનો સંગમ છે.” 

ધ ગ્રેટેસ્ટ શૉ ઓન અર્થ 

વિશ્વના સૌથી મોટા ધાર્મિક મહોત્સવ તરીકે ઓળખાતા કુંભમાં મીડિયાને રસ ન પડે તો જ નવાઈ. કુંભ મેળામાં પત્રકારોને જાતભાતની માહિતી આપવા માટે ખાસ વિભાગ ઊભો કરવામાં આવે છે. આ સિવાય કુંભ મેળા પર ફિલ્મ અને ડોક્યુમેન્ટરી પણ બની ચૂકી છે. વર્ષ 1982માં દિલિપ રોયે કુંભ મેળા પર આધારિત ‘અમૃતા કુંભેર સંધાને’ નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. જ્યારે વર્ષ 2001માં ગ્રેહામ ડે નામના ફિલ્મમેકરે ‘કુંભ મેલાઃ ધ ગ્રેટેસ્ટ શૉ ઓન અર્થ’ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી. વર્ષ 2004માં મોરિઝિયો બેનાઝો અને નિક ડે નામના ફિલ્મમેકરોએ ‘કુંભ મેલાઃ સોન્ગ્સ ઓફ ધ રિવર’ નામની ફિલ્મ બનાવી હતી. આટલાથી સંતોષ ન થતાં એ જ વર્ષે નિક ડેએ ‘શોર્ટ કટ ટુ નિર્વાણાઃ કુંભ મેલા’ નામની એક ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી, જેના નિર્માતા મોરિઝિયો બેનાઝો હતા. આ ડોક્યુમેન્ટરીનું શુટિંગ વર્ષ 2001ના કુંભ મેળામાં કરાયું હતું. વર્ષ 2008માં નદીમ ઉદ્દીને ‘ઈન્વોકેશનઃ કુંભ મેલા’ નામની ફિલ્મ બનાવી હતી. 28મી એપ્રિલ, 2010ના રોજ બીબીસીએ કુંભ મેળા વિશે એક ઓડિયો અને વીડિયો રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેનું શીર્ષક હતું ‘કુંભ મેલા, ગ્રેટેસ્ટ શૉ ઓન અર્થ’. આ ઉપરાંત વર્ષ 2010ના હરિદ્વારમાં આયોજિત કુંભ મેળામાં જોનાસ શ્યૂ અને ફિલિપ આઈએ શૂટિંગ કરીને ‘અમૃત નેક્ટર ઓફ ઈમમોર્ટાલિટી’ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

નોંધઃ પહેલી તસવીર પ્રતીકાત્મક છે. બંને તસવીર ગૂગલ પરથી લીધી છે.