31 March, 2015

કલ્પના-વિશ્વના મહામેઘાવી સર્જકની વિદાય


ઈંગ્લેન્ડના બકિંગહામશાયરના બેકન્સફિલ્ડ નામના નાનકડા શહેરમાં રહેતા ડેવિડ પ્રેચટ અને એલિન પ્રેચટ નામના દંપત્તિના ઘરે ૨૮મી એપ્રિલ, ૧૯૪૮ના રોજ એક બાળકનો જન્મ થાય છે. નાનકડા ગામમાં ઉછરી રહેલો આ બાળક સ્કૂલમાં જાય છે ત્યાં સુધી તેના સીધાસાદા માતા-પિતા સમજી જાય છે કે, ટેણિયો ભણવા-ગણવામાં બહુ સામાન્ય છે. જોકે, એલિન સામાન્ય પરંતુ સમજદાર માતા હોય છે. પુત્ર રખડી ના ખાય એ માટે એલિન પુત્રને હોશિયારીથી વાચન જેવી પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપતી રહે છે. એક પાનું સારી રીતે વાંચીશ તો એક પેની આપીશ- એવી લાલચ આપીને પણ એલિન ટેણિયાને પુસ્તકોમાં વ્યસ્ત રાખવાની કોશિષ કરતી હોય છે. સ્કૂલમાં જતા પુત્રને પુસ્તકોમાં ખાસ રસ નથી પણ પૈસાની લાલચે વાંચવા ખાતર વાંચ્યા કરે છે.

આવી જ રીતે એક દિવસ ટેણિયો કેનેથ ગ્રેહામનું 'ધ વિન્ડ ઈન ધ વિલોઝ' નામનું પુસ્તક વાંચતો હોય છે. વાંચવા ખાતર વાંચતો હોવા છતાં ટેણિયો જેમ જેમ પુસ્તક વાંચતો જાય છે તેમ તેમ આશ્ચર્યમાં ડૂબતો જાય છે. આ પુસ્તકમાં ઉંદર, છછુંદર અને કીડીખાઉં જેવા પ્રાણીઓ માણસોની જેમ બોલતા હોય છે, વર્તતા હોય છે. ટેણિયો વિચારે છે કે, આ તો જૂઠ છે, આવું શક્ય જ નથી પણ તેને સવાલ થાય છે કે, આ જૂઠ કેટલું જબરદસ્ત છે? આ પુસ્તકમાં ટેણિયાને એવી મજા પડે છે કે, ટેણિયો બેકન્સફિલ્ડ પબ્લિક લાઈબ્રેરી ધમરોળી નાંખે છે અને વધુ વાંચન કરવા લાઈબ્રેરીમાં જ પાર્ટ ટાઈમ જોબ કરે છે. 

ટેરી પ્રેચટ

આ ટેણિયો એટલે ૬૬ વર્ષના આયુષ્યમાં ૭૦થી પણ વધારે પુસ્તકો લખનારા સર ટેરેસ ડેવિડ જ્હોન ઉર્ફે ટેરી પ્રેચટ. કલ્પના-વિશ્વના આ મહામેઘાવી સર્જકે 'ડિસ્કવર્લ્ડશ્રેણી હેઠળ એકબીજા સાથે સંકળાયેલી કથાવસ્તુ ધરાવતી જ બે-ચાર નહીં પણ સળંગ ૪૧ નવલકથા લખી છે. ટેરી પ્રેચટના પુસ્તકોનો વિશ્વની ૩૬થી વધારે ભાષામાં અનુવાદ થયો છે અને સાડા આઠ કરોડથી પણ વધુ નકલોનું વેચાણ થયું છે. આ મહાન લેખકનું ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ બ્રિટનના વિલ્ટશાયરમાં અવસાન થયું છે ત્યારે તેમના જીવન પર એક નજર...

કિશોરાવસ્થાથી જ લેખન

વર્ષ ૧૯૫૯માં ટેરી પ્રેચટ ઈલેવન પ્લસ એક્ઝામ પાસ કરીને બકિંગહામશાયરની ટેકનિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. અહીં ટેરીને ખગોળશાસ્ત્રમાં રસ પડે છે અને એટલે તે ટેલિસ્કોપ પણ વસાવી લે છે. આ શોખ તેને સાયન્સ ફિક્શનના વાચન તરફ વાળે છે. ટેરી ફક્ત ૧૩ વર્ષની વયે સ્કૂલના મેગેઝિનમાં 'ધ હેડ્સ બિઝનેસ' નામની વાર્તા લખે છે. ટેરી ૧૫ વર્ષનો થાય છે ત્યારે આ વાર્તા ફરી એકવાર છપાય છે અને તેનો પુરસ્કાર પણ મળે છે. આ વાર્તા છપાતા તેનો આત્મવિશ્વાસ વધે છે. અવકાશ વિજ્ઞાન વિશે વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાને પગલે વર્ષ ૧૯૬૩-૬૪માં ટેરી ૧૬ વર્ષની વયે સાયન્સ ફિક્શન કન્વેશનમાં હાજરી આપે છે. ટેરીને ખગોળશાસ્ત્રી બનવું હોય છે પણ ગણિતમાં અત્યંત નબળો હોવાના કારણે એ શક્ય નથી બનતું. એ વખતે ટેરી મહાન સાયન્સ ફિક્શન લેખક એચ.જી. વેલ્સ તેમજ ક્રાઈમ ફિક્શન અને સસ્પેન્સ થ્રીલરના પ્રચંડ લોકપ્રિય લેખક આર્થર કોનાન ડોયલના પુસ્તકો વાંચી નાંખે છે.

ટેરીની પહેલી નવલકથા ‘ધ કાર્પેટ વર્લ્ડ’

બ્રિટિશ સેકન્ડરી સ્કૂલિંગ હેઠળ ટેરી કળા, અંગ્રેજી ભાષા અને ઈતિહાસનો અભ્યાસ કરે છે. જોકે, વર્ષ ૧૯૬૫માં 'બક્સ ફ્રી પ્રેસ'માં પત્રકાર તરીકેની નોકરી કરવા સ્કૂલનો અભ્યાસ છોડી દે છે. હવે ટેરીને લેખનનો બરાબરનો ચસ્કો લાગ્યો હોય છે અને તેથી તેને પત્રકાર બનવું હોય છે. આ ઘેલછા સંતોષવા તે અંગ્રેજી ભાષા અને પત્રકારત્વનો સર્ટિફિકિટ કોર્સ કરે છે. 'બક્સ ફ્રી પ્રેસ'ના 'ચિલ્ડ્રન્સ સર્કલ' નામના બાળકોના વિભાગ માટે ટેરી અન્કલ જિમ નામે બાળ વાર્તાઓ લખે છે. આ તમામ વાર્તાઓ 'મુનરુંગ્સ' નામના કાલ્પનિક લોકોની આસપાસ ફરતી હોય છે, જે 'કાર્પેટ' નામે ઓળખાતી દુનિયામાં વસતા હોય છે. વર્ષ ૧૯૭૧માં આ વાર્તાઓ પર આધારિત ટેરીની પહેલી નવલકથા 'ધ કાર્પેટ વર્લ્ડ' પ્રકાશિત થાય છે. એ વખતે ટેરીની ઉંમર ૨૩ વર્ષ હોય છે.

ડિસ્કવર્લ્ડ શ્રેણીને પ્રચંડ સફળતા

થોડું ઘણું પત્રકારત્વ અને લેખન કર્યા પછી ટેરી પ્રેચટ વર્ષ ૧૯૮૦માં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી જનરેટિંગ બોર્ડ (સીઈજીબી)માં પબ્લિસિટી ઓફિસર તરીકે કામ કરતા હોય છે. અહીં તેઓ 'ધ કલર ઓફ મેજિક' નામે એક નવલકથા લખે છે. ટેરીની 'ધ કાર્પેટ વર્લ્ડ'નું પ્રકાશન કરનારી કંપની કોલિન સ્મિથ લિ. વર્ષ ૧૯૮૩માં 'ધ કલર ઓફ મેજિક'નું પણ પ્રકાશન કરે છે. આ નવલકથાને સારો એવો આવકાર મળતા તેમને વધુ છ નવલકથા લખવાનો આગોતરો કોન્ટ્રાક્ટ મળે છે. આ કોન્ટ્રાક્ટથી તેમનો આત્મવિશ્વાસ ઓર વધે છે અને સીઈજીબીની નોકરી છોડીને ફૂલ ટાઈમ લેખનની કારકિર્દી શરૂ કરે છે. વર્ષ ૧૯૮૩માં 'ધ કલર ઓફ મેજિક'થી ડિસ્કવર્લ્ડ શ્રેણીની શરૂઆત થાય છે અને વર્ષ ૨૦૧૫માં તેમનું મૃત્યુ થાય છે ત્યાં સુધી આ વણથંભી નવલકથા લેખનની યાત્રા ચાલુ રહે છે. હવે સપ્ટેમ્બર ૨૦૧૫માં ડિસ્કવર્લ્ડ શ્રેણીની 'ધ શેફર્ડ્સ ક્રાઉન' નામની છેલ્લી ૪૧મી નવલકથા પ્રકાશિત થવાની છે.

‘ચુકવા’ કે ‘અકુપાર’ જેવો  ડિસ્કવર્લ્ડનો ગ્રેટ એ’ટુઈન કાચબો

ડિસ્કવર્લ્ડની પહેલી નવલકથા
‘ધ કલર ઓફ મેજિક’

એવું તો શું છે ડિસ્કવર્લ્ડ શ્રેણીની નવલકથાઓમાં? ડિસ્કવર્લ્ડ શ્રેણીની નવલકથાઓને કોમિક ફેન્ટસી (ફિક્શન નહીં) એટલે કે કાલ્પનિક પણ હાસ્યરસ ઉપજાવે એ પ્રકારના ખાનામાં મૂકાય છે. ડિસ્કવર્લ્ડ એક દુનિયા છે. આ દુનિયા એટલે ગ્રેટ એ'ટુઇન નામના મહાકાય કાચબાની પીઠ પર ચાર ખૂણામાં ચાર હાથી. એ હાથીઓની પીઠ પર થાળી (ડિસ્ક) જેવું એક વાસણ અને તેમાં ખાસ પ્રકારનું પ્રવાહી. આ પ્રવાહી સતત થાળીમાંથી બહાર પડતું રહે છે. જેની પીઠ પર આ દુનિયા છે એ ગ્રેટ એ'ટુઇન કાચબો હિંદુ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે એ ચુકવા અને અકુપાર જેવા કાચબા સાથે સામ્યતા ધરાવે છે. ડિસ્કવર્લ્ડની વાર્તાઓમાં ટેરી પ્રેચટ જે.આર.આર. ટોલ્કિન, રોબર્ટ હોવાર્ડ, એચ. પી. લવક્રાફ્ટ અને શેક્સપિયર જેવા ધુરંધર લેખકો તેમજ પૌરાણિક કથાઓ, લોક સંસ્કૃતિ અને પરીકથાઓમાંથી પ્રેરણા લઈને સામાજિક અને રાજકીય વ્યવસ્થા પર વેધક કટાક્ષ કરે છે.

આ વાર્તાઓમાં તેમણે આટલા જુદા જુદા પ્રકારના રસ એવી રીતે ભેળવ્યા છે કે, વાચક લંબાઈથી કંટાળવાના બદલે આશ્ચર્યમાં ડૂબી જાય છે. ડિસ્કવર્લ્ડની દુનિયા, શહેરો, નકશા, ત્યાંનો સમાજ, સંસ્કૃતિ, કળા, પાત્રો અને તેમના સ્વભાવ, તેમની મુશ્કેલીઓ અને પ્રાણીઓ વિશે માહિતી મેળવવા પણ પુસ્તકો છે. ડિસ્કવર્લ્ડના વિજ્ઞાનની માહિતી આપવા વર્ષ ૧૯૯૯થી ૨૦૦૨ દરમિયાન 'ધ સાયન્સ ઓફ ડિસ્કવર્લ્ડ' નામના પુસ્તકના ચાર ભાગ પ્રકાશિત થયા હતા. વર્ષ ૨૦૦૨માં ડિસ્કવર્લ્ડની વાનગીઓ, રહેણીકરણી અને ફૂલોની માહિતી આપવા 'ધ ઓગ'સ કૂકબુક' નામના પુસ્તક પ્રકાશિત થયું હતું. ડિસ્કવર્લ્ડ શ્રેણી વિશે લોકોની જાણવાની ભૂખ સંતોષવા વર્ષ ૧૯૯૪થી ડિસ્કવર્લ્ડના એન્સાઈક્લોપીડિયાનું પ્રકાશન શરૂ થયું હતું. જોકે, વર્ષ ૨૦૧૨માં પ્રકાશિત થયેલો 'ટર્ટલ રિકોલઃ ધ ડિસ્કવર્લ્ડ કમ્પેનિયન' એન્સાઈક્લોપીડિયા તેની છેલ્લી આવૃત્તિ છે. ટેરી પ્રેચટે સમગ્ર લેખન કારકિર્દીમાં ૭૦ જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં ડિસ્કવર્લ્ડ સિવાયની નવલકથાઓનો પણ સમાવેશ થાય છે.

દુનિયાએ જે. કે. રોલિંગ લિખિત હેરી પોટરની જબરદસ્ત સફળતા જોઈ નહોતી એ પહેલાં નેવુંના દાયકામાં  અંગ્રેજી ભાષાના સૌથી વધુ કમાતા લેખક ટેરી પ્રેચટ હતા. બ્રિટન સહિતના દેશોમાં અંગ્રેજી વાંચતા લોકોને ડિસ્કવર્લ્ડનું ઘેલું લાગ્યા પછી ટેરી પ્રેચટને ટૂંકી વાર્તાઓ, ડિસ્કવર્લ્ડ આધારિત ક્વિઝ બુક્સ, ઓડિયો બુક્સ અને ગ્રાફિક નોવેલ્સ લખવાની ઓફર થતી રહે છે. ડિસ્કવર્લ્ડની કેટલીક વાર્તાઓના આધારે ફિલ્મ અને ટીવી સિરીઝ પણ બની છે, પરંતુ જટિલ કથાવસ્તુના કારણે ડિસ્કવર્લ્ડની વાર્તાઓને કચકડે મઢવી અઘરી હોવાથી તેને પૂરતી સફળતા મળી નથી. જોકે, એન્ટાર્કટિકા સહિતના વિશ્વના તમામ ખંડમાં ડિસ્કવર્લ્ડની કોઈને કોઈ વાર્તાની તખ્તા પર ભજવણી થઈ છે, જે ટેરી પ્રેચટની અનોખી સિદ્ધિ છે. બાળકો, કિશોરો અને યુવાનોમાં ડિસ્કવર્લ્ડની લોકપ્રિયતાને પગલે છેલ્લાં બે દાયકાથી ડિસ્કવર્લ્ડ આધારિત બોર્ડ ગેમ્સ, કાર્ડ ગેમ તેમજ વીડિયો ગેમનું બજાર પણ ધૂમ મચાવી રહ્યું છે.

આસિસ્ટેડ સુસાઈડની તરફેણ

લેખન કારકિર્દી બરાબર જામી રહી હોય છે ત્યારે વર્ષ ૧૯૬૮માં ટેરી પ્રેચટ લિન પર્વ્સ નામની યુવતી સાથે લગ્ન કરે છે અને જીવનના અંત સુધી સાથ નિભાવે છે. લગ્ન કરીને તેઓ સોમરસેટમાં સ્થાયી થાય છે અને વર્ષ ૧૯૭૬માં લિન પુત્રીને જન્મ આપે છે. પ્રેચટ દંપત્તિની પુત્રી રિહાન્ના પ્રેચટ પણ વીડિયો ગેમ લેખિકા છે. ઓગસ્ટ ૨૦૦૭માં ટેરી પ્રેચટ મગજના હુમલાનો ભોગ બને છે, જેમાં જમણી બાજુના મગજને નુકસાન થતા તેમણે ડ્રાઈવિંગ કે લેખન જેવી પ્રવૃત્તિ બંધ કરવી પડે એવી સ્થિતિ સર્જાય છે. સપ્ટેમ્બર ૨૦૦૭માં તેઓ અલ્ઝાઈમર (જ્ઞાનતંતુઓ નબળા પાડી દેતો રોગ)નો ભોગ બને છે, જેમાં તેમની હલનચલન કરવાની ક્ષમતા હણાઈ જાય છે. આ સ્થિતિમાં પણ તેઓ કહેતા હોય છે કે, હજુ હું કેટલાક પુસ્તકો લખી શકું એમ છું...

ટેરી પ્રેચટનો સ્પિરિટ  :)

માર્ચ ૨૦૦૮માં તેઓ અલ્ઝાઈમર્સ રિસર્ચ માટે એક લાખ ડોલરનું દાન આપે છે કારણ કે, અલ્ઝાઈમરથી યુરોપ-અમેરિકામાં લાખો લોકો પીડાતા હોવા છતાં તેના માટે ઓછું ભંડોળ મળે છે, એ વાતનો તેમને ખટકો હોય છે. એપ્રિલ ૨૦૦૮માં બીબીસી 'ટેરી પ્રેચટઃ લિવિંગ વિથ અલ્ઝાઈમર્સ' નામની ડોક્યુમેન્ટ્રી બનાવે છે, જેને ફેક્ચ્યુઅલ સિરીઝ કેટેગરીમાં બાફ્ટા એવોર્ડ મળે છે. આ દરમિયાન તેઓ લેખન માટે તેમના આસિસ્ટન્ટ અથવા સ્પિચ રેકગ્નિશન સોફ્ટવેર પર આધાર રાખતા હોય છે. વર્ષ ૨૦૦૯માં સાહિત્યની સેવા બદલ ટેરી પ્રેચટને નાઈટહુડ (સર)ના ખિતાબથી નવાજવામાં આવે છે. હવે તેઓ અલ્ઝાઈમરનો ગંભીર રીતે ભોગ બની રહ્યા હોય છે. વર્ષ ૨૦૦૯માં એક લેખ લખીને તેઓ ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડથી મૃત્યુ પામવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ રોગથી પીડાતા હોવાથી જ તેઓ પીડિતને તબીબની મદદથી મૃત્યુ પામવાનો અધિકાર હોવો જોઈએ એવું દૃઢપણે માનતા થઈ જાય છે. જોકે, આવું માનતા હોવા છતાં ૧૨મી માર્ચ, ૨૦૧૫ના રોજ અલ્ઝાઈમરના કારણે જ તેમનું કુદરતી મૃત્યુ થાય છે. 

ટેરી પ્રેચટે મૃત્યુ વિશે એકવાર કહ્યું હતું કે, ''મૃત્યુ ક્રૂર નથી, પણ પોતાનું કામ કરવામાં અતિશય સારું છે.'' ડિસ્કવર્લ્ડની ૪૧મી નવલકથા પ્રકાશિત થવાની હજુ બાકી છે ત્યારે તેમના ચાહકોના કાનમાં આ વાત પડઘાતી હશે!

23 March, 2015

...જ્યારે શેરલોક હોમ્સનો સર્જક એક પારસીને બચાવવા 'શેરલોક' બન્યો


શેરલોક હોમ્સ જેવા વિશ્વવિખ્યાત જાસૂસ પાત્રના સર્જક સર આર્થર કોનાન ડોયલે એકવાર પોતાના જ પાત્ર 'શેરલોક ધ જાસૂસ'ની ભૂમિકા ભજવી હતી. ના, ડોયલે ફિલ્મ કે ટીવી પડદે નહીં પણ વાસ્તવિક જીવનમાં શેરલોકની ભૂમિકા ભજવી હતી અને એ પણ એક પારસીને બચાવવા. આ પારસી એટલે છેક ૧૮૭૬માં બ્રિટનના સાઉથ સ્ટેફર્ડશાયરના ગ્રેટ વિર્લી પરગણાંના સેંટ માર્ક્સ ચર્ચના વિકાર (ઊંચો હોદ્દો ધરાવતા ડેપ્યુટી કક્ષાના પાદરી) અને ક્યુરેટ (સમગ્ર પરગણાંના ધાર્મિક વડા) જેવા હોદ્દા સુધી પહોંચનારા પહેલા એશિયન શાપુરજી એડલજીના પુત્ર જ્યોર્જ એડલજી. અંગ્રેજી ભાષામાં આ રસપ્રદ કિસ્સા પર આધારિત સર આર્થર કોનાન ડોયલના 'સ્ટોરી ઓફ મિ. જ્યોર્જ એડલજી', 'ધ કેસીસ ઓફ એડલજી એન્ડ સ્લેટર', 'ધ કેસ ઓફ મિ. જ્યોર્જ એડલજી- ધ કલેક્ટેડ વર્ક્સ ઓફ સર આર્થર કોનાન ડોયલ' જેવા કેટલાક પુસ્તકો ઉપલબ્ધ છે. ગોર્ડન વિવરનું 'કોનાન ડોયલ એન્ડ ધ પાર્સન્સ સન : ધ જ્યોર્જ એડલજી કેસ' તેમજ રોજર ઓલ્ડફિલ્ડનું 'આઉટરેજ : ધ એડલજી ફાઈવ એન્ડ ધ શેડો ઓફ શેરલોક હોમ્સ' પણ જાણીતા પુસ્તકો છે.


     ‘આર્થર એન્ડ જ્યોર્જ’ ટીવી સિરીઝમાં સર આર્થર કોનાન ડોયલનું પાત્ર ભજવનાર બ્રિટિશ અભિનેતા
માર્ટિન ક્લુન્સ અને જ્યોર્જ એડલજીનું પાત્ર ભજવનાર પાકિસ્તાની બ્રિટિશ અભિનેતા અર્શર અલી

વર્ષ 2005માં મેન બુકર પ્રાઈઝ માટે નોમિનેટ થયા ત્યારે ‘આર્થર એન્ડ જ્યોર્જ’ પુસ્તક સાથે જુલિયન બાર્ન્સ 

જોકે, પુસ્તકોના મર્યાદિત વેચાણ જેવા અનેક કારણોસર પારસીઓ, ગુજરાતીઓ અને ભારતીયો માટે ઘણું રસપ્રદ કહેવાય એવું આ પ્રકરણ બહુ ઓછું જાણીતું છે. વર્ષ ૨૦૦૫માં બ્રિટિશ લેખક જુલિયન બાર્ન્સનું આ કિસ્સા પર આધારિત 'આર્થર એન્ડ જ્યોર્જ' નામનું પુસ્તક આવ્યું અને તેની મેન બુકર પ્રાઈઝ માટે પસંદગી થઈ. ત્યાર પછી બ્રિટિશ નાટયકાર ડેવિડ ઈગરે વર્ષ ૨૦૧૦માં આ પુસ્તકનું નાટય રૂપાંતર કરીને તેને ભજવ્યું. આમ, વર્ષ ૨૦૦૫ અને વર્ષ ૨૦૧૦માં આ કિસ્સો થોડો ચર્ચાસ્પદ થયો અને પછી ભૂલાઈ ગયો. પરંતુ યુ.કે.માં ત્રીજી માર્ચ, ૨૦૧૫ના રોજ 'આર્થર એન્ડ જ્યોર્જ' પુસ્તક પર આધારિત ત્રણ હપ્તાની ટીવી સિરીઝ પ્રદર્શિત થઈ છે ત્યારે આ કિસ્સો ફરી એકવાર તાજો કરીએ.

શાપુરજી એડલજી પરિવારનું બેકગ્રાઉન્ડ

વર્ષ ૧૮૪૧માં બ્રિટિશકાળના મુંબઈમાં પારસી વેપારી દોરાલજી એડલજીના ત્યાં શાપુરજીનો જન્મ થયો હતો. શાપુરજીએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના દાદાભાઈ નવરોજી જેવી હસ્તીના હાથ નીચે અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે દિનશા એડલજી વાચા પણ અભ્યાસ કરતા હતા. દાદાભાઈ નવરોજી અને સર દિનશા એડલજી વાચા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના સ્થાપકો પૈકીના એક છે. એ વખતના ભારતીય સમાજમાં તિરસ્કાર અને અવગણનાથી વ્યથિત શાપુરજી વર્ષ ૧૮૫૬માં સ્કોટિશ પાદરી જ્હોન વિલ્સનથી પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને વર્ષ ૧૮૬૪માં મુંબઈની ફ્રી કિર્ક કોલેજમાં પ્રવેશ મેળવે છે. વર્ષ ૧૮૪૩માં ચર્ચ ઓફ સ્કોટલેન્ડનું પ્રભુત્વ ફગાવીને નવો ખ્રિસ્તી સંપ્રદાય ઊભો કરનારા પાદરીઓ ફ્રી કિર્ક તરીકે ઓળખાય છે. ખ્રિસ્તીઓના આ સંપ્રદાયની મુંબઈસ્થિત કોલેજ પણ 'ફ્રી કિર્ક કોલેજ' તરીકે ઓળખાતી હતી. અહીં અભ્યાસ કર્યા પછી તેઓ વારલી આદિવાસીઓ માટે થોડો સમય કામ કરે છે અને પછી પાદરી બની જાય છે.

શાપુરજી એડલજી

અત્યંત રસપ્રદ વાત એ છે કે, શાપુરજી એડલજીએ ૧૮૬૩માં 'ગુજરાતી એન્ડ ઈંગ્લિશ ડિક્શનરી' અને વર્ષ ૧૮૬૭માં 'ગ્રામર ઓફ ધ ગુજરાતી લેંગ્વેજ' એમ બે પુસ્તકો લખ્યા હતા. આ બંને પુસ્તકોમાં ગુજરાતીનો સ્પેલિંગ Gujeratiછે. સિવાય વર્ષ ૧૮૬૪માં બોમ્બે ડાયલેક્ટિક સમાજમાં આપેલા ભાષણોનું 'ધ બ્રહ્મ સમાજ' નામનું સંકલિત પુસ્તક પણ તેમના નામે છે. વર્ષ ૧૮૬૬માં તેઓ બ્રિટનના કેન્ટબરીની સેંટ ઓગસ્ટાઈન કોલેજમાં પાદરીની વિધિવત તાલીમ લે છે અને ૧૮૬૯માં ક્યુરેટ (વિકાર કરતા નીચેનો હોદ્દો ધરાવતા ખ્રિસ્તી સંત)ની પદવી લઈને ઓક્સફોર્ડ, લેન્કેશાયર, કોર્નવેલ અને બ્રોમ્બલી સેંટ લિયોનાર્ડના ચર્ચમાં ક્યુરેટ તરીકે સેવા આપે છે. ૧૭મી જૂન, ૧૮૭૪માં શાપુરજી શ્રોપશાયરના કેન્ટલીના વિકાર થોમ્પસન સ્ટોનહામની પુત્રી શેર્લોટ એલિઝાબેથ સ્ટુઅર્ટ સાથે લગ્ન કરે છે. આ દંપત્તિને જ્યોર્જ, હોરેસ અને મૌડ નામના ત્રણ સંતાન હોય છે.

વર્ષ ૧૮૭૬માં લિંચફિલ્ડના બિશપ જ્યોર્જ સેલ્વિન શાપુરજી એડલજીની સેંટ માર્ક્સ ચર્ચના વિકાર તેમજ ગ્રેટ વિર્લીના પેરિશ તરીકે નિમણૂક કરે છે. અહીં તેઓ સતત ૪૨ વર્ષ જીવનના અંત સુધી સેવા આપે છે. એ પહેલાં કોઈ એશિયન ખ્રિસ્તી ધર્મમાં આટલા ઊંચા હોદ્દા પર પહોંચ્યો ન હતો. શાપુરજી એડલજી પ્રતિષ્ઠિત ધાર્મિક આગેવાન હતા પણ વર્ષ ૧૮૭૯માં ઈંગ્લેન્ડની સ્કૂલોના સ્થાનિક ચર્ચના ભવિષ્ય મુદ્દે તેઓ કેટલાક લોકો સાથે ઘર્ષણમાં ઉતર્યા ત્યારે તેમની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી હતી. વર્ષ ૧૯૧૮માં પાંચ અઠવાડિયા હેમરેજની પીડા ભોગવ્યા પછી  ૨૩મી મેના રોજ શાપુરજીનું અવસાન થયું હતું.

એડલજી દંપત્તિના પુત્ર જ્યોર્જ પર શંકા

વર્ષ ૧૮૮૮, ૧૮૯૨ અને ૧૮૯૫માં ગ્રેટ વિર્લીમાં રહેતા એડલજી પરિવારને ગાળો દેતા, જાતભાતના આરોપો મૂકતા અને ધમકી આપતા નનામા પત્રો મળે છે. અન્ય પાદરીઓ, પ્રતિષ્ઠિત પરિવારો અને આ કેસની તપાસ કરતા પોલીસ અધિકારીઓને પણ આવા પત્રો મળે છે. આ મુદ્દે સ્થાનિક પોલીસની તપાસમાં અન્ય લોકોની સાથે શાપુરજીના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટા પુત્ર જ્યોર્જ અર્નેસ્ટ થોમ્પસન એડલજીનું પણ નામ સામે આવે છે. વર્ષ ૧૮૮૮માં મળેલા નનામા પત્રો જ્યોર્જ એડલજીની સ્કૂલ હોમવર્ક બુકના પાનાં પર લખાયા હતા. એ વખતે જ્યોર્જની ઉંમર ફક્ત સાડા બાર વર્ષ હતી. આમ છતાં, પોલીસને શંકા હતી કે, આ પત્રો લખવામાં અન્યોની સાથે જ્યોર્જની પણ સંડોવણી છે. જોકે, આ આરોપોનો શાપુરજી આક્રમક વિરોધ કરે છે. આ કેસનું સંશોધન કરનારા મોટા ભાગના લેખકોએ નોંધ્યું છે કે, એડલજી પરિવાર એ વખતના ઈંગ્લેન્ડની સ્ટેફર્ડશાયર કાઉન્ટીના ગ્રેટ વિર્લી જેવા નાનકડા ગામમાં લોકોની રંગભેદ માનસિકતાનો ભોગ બન્યા હોય એવું માનવાના અનેક કારણો છે. વળી, શાપુરજીએ સ્થાનિક રાજકારણમાં અત્યંત આક્રમક રીતે ભાગ લઈને અનેક લોકોની ખફગી પણ વ્હોરી લીધી હતી.


જ્યોર્જ એડલજી

આ દરમિયાન જ્યોર્જ કાયદાની પ્રોફેશનલ એક્ઝામ અસામાન્ય રીતે ઊંચા માર્ક્સે પાસ કરીને સોલિસિટરની પદવી મેળવે છે અને વર્ષ ૧૮૯૯માં પરિવારની મદદથી બર્મિંગહામમાં ઓફિસ ઊભી કરીને પ્રેક્ટિસ શરૂ કરે છે. નનામા પત્રોની ઘટના માંડ થાળે પડી હોય છે ત્યાં વર્ષ ૧૯૦૩માં ગ્રેટ વિર્લીમાં ઘોડા, ગાય અને ઘેંટા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની ઘટનાઓ બને છે. એ વખતે જ્યોર્જ ૨૭ વર્ષના હોય છે. આ પહેલાં સ્ટેનફોર્ડના ખેડૂત સમાજે પ્રાણીઓ પર ઘાતકી હુમલાની ઘટનાઓ જોઈ-સાંભળી ન હતી. પોલીસને ફરી એકવાર નનામો પત્ર મળે છે, જેમાં પ્રાણીઓ પરના હુમલા માટે જ્યોર્જ એડલજી સહિત તેમના કેટલાક મિત્રોને જવાબદાર ઠેરવાયા હોય છે. પ્રાણીઓ પરના હુમલા વિકારેજ (પાદરીનું રહેઠાણ) આસપાસ જ થતા હોય છે. પોલીસનો દાવો હોય છે કે, જ્યોર્જના બૂટની હિલ વિચિત્ર રીતે ફાટેલી હોવાથી જમીન પર ખાસ પ્રકારની નિશાની પડતી હોય છે અને એ નિશાન વિકારેજ સુધી જાય છે. બાદમાં પોલીસ વિકારેજમાં જઈને હથિયાર શોધવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, પરંતુ પોલીસને જ્યોર્જના કાદવવાળા બૂટ, ટ્રાઉઝર અને હાઉસકોટ મળે છે.

આ પુરાવાના આધારે જ્યોર્જ સામે કાયદાકીય કાર્યવાહી ચાલે છે. સ્થાનિકોમાં એડલજી પરિવાર પ્રત્યેના અણગમાની બાબતને ધ્યાનમાં રાખીને આ કેસ બહારની અદાલતમાં ખસેડાય છે. આમ છતાં, જ્યોર્જને સાત વર્ષની કડક કેદની સજા થાય છે.

સર આર્થર કોનાન ડોયલની એન્ટ્રી

જ્યોર્જ એડલજીની તરફેણમાં હજારો વકીલો સહિત દસેક હજાર લોકો ઓટોગ્રાફ કરે છે. આ અભિયાનને મુંબઈમાં જન્મેલા નોબલ પુરસ્કાર વિજેતા બ્રિટિશ લેખક રૂડયાર્ડ કિપ્લિંગનો પણ ટેકો હોય છે. અગ્રણી વકીલોનું કહેવું હોય છે કે, ઇંગ્લિશ કાયદા હેઠળ નનામા પત્રો લખવા બદલ તેમજ પ્રાણીઓ પર ઘાતકી હુમલો કરવા બદલ- એમ બંને ગુનાની કાર્યવાહી જુદી જુદી થવી જોઈએ. પ્રાણીઓ પર હુમલા જ્યોર્જે કર્યા હતા એવું સાબિત કરવા નનામા પત્રો જ્યોર્જે લખ્યા હતા એવા પુરાવાનો આધાર ના લઈ શકાય...


શેરલોક હોમ્સના વિખ્યાત પાત્રના સર્જક સર આર્થર કોનાન ડોયલ

આવી વિવિધ રજૂઆતો બાદ ત્રણ વર્ષ પછી જ્યોર્જને જામીન મળે છે. આ દરમિયાન જ્યોર્જ એડલજી સર આર્થર કોનાન ડોયલને પત્ર લખીને પોતાને નિર્દોષ સાબિત કરવા વિનંતી કરે છે. એ વખતે તેઓ શેરલોક હોમ્સ જેવા અમર પાત્રનું સર્જન કરીને વિશ્વભરમાં જબરદસ્ત પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હોય છે. આ મુદ્દે વાત કરવા જ્યોર્જ અને સર આર્થર કોનાન ડોયલ લંડનની ચેરિંગ ક્રોસ હોટેલમાં મળે છે. અહીં તેઓ તુરંત જ જ્યોર્જને ઓળખી લે છે કારણ કે, ફોયરમાં ફક્ત એક જ ભારતીય હોય છે. જોકે, જ્યોર્જ ફોયરમાં તેમની રાહ જોતા અખબાર વાંચી રહ્યો હોય છે ત્યારે સર આર્થર કોનાન ડોયલ નોંધે છે કે, જ્યોર્જની દૃષ્ટિ નબળી હતી કારણ કે, તેણે અખબાર આંખથી માંડ થોડા ઈંચ દૂર રાખ્યું હતું. આટલી નબળી દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ રાતના અંધારામાં પ્રાણીઓ પર હુમલો ના કરી શકે. આ મુલાકાત પછી તેઓ જ્યોર્જને માફી અપાવવા નનામા પત્રોની લીટીએ લીટીનો ઊંડો અભ્યાસ કરે છે, પ્રાણીઓ પર હુમલાના સ્થળોએ જઈને તપાસ કરે છે, અન્ય શંકાસ્પદોને મળે છે તેમજ પુરાવાની વિશ્વસનિયતા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.

આ કેસના વિવિધ પુરાવા ભેગા કરીને તેઓ આ કેસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ અને ગૃહ મંત્રાલયને સંખ્યાબંધ પત્રો લખે છે. લંડનના 'ધ ડેઈલી ટેલિગ્રાફ'માં જ્યોર્જ એડલજીની તરફેણમાં લેખો લખે છે. સર આર્થર કોનાન ડોયલનું આક્રમક વલણ જોઈને ગૃહ મંત્રાલય આ કેસની તપાસ કરવા સમિતિની રચના કરે છે. આ સમિતિ મે ૧૯૦૭માં પ્રાણીઓ પરના હુમલાના કેસમાં જ્યોર્જને માફી આપે છે, પણ કેટલાક નનામા પત્રો તેણે જ લખ્યા હોવાનું પુરાવાના આધારે તારણ આપે છે. કાયદાકીય દૃષ્ટિએ જ્યોર્જ ક્યારેય સંપૂર્ણ નિર્દોષ સાબિત થતાં નથી અને એટલે જ સજા ભોગવવા બદલ તેમને આર્થિક વળતર પણ મળતું નથી. જોકે, નવેમ્બર ૧૯૦૭માં તેમને સોલિસિટર તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી મળી જાય છે. આ કેસમાંથી બહાર નીકળીને જ્યોર્જ એડલજી સોલિસિટર તરીકે પ્રેક્ટિસમાં વ્યસ્ત થઈ જાય છે અને ૧૭મી જૂન, ૧૯૧૭ના રોજ ૭૭ વર્ષની વયે તેમનું અવસાન થાય છે.

ખેર, આજે પણ અનેક લોકો સર આર્થર કોનાન ડોયલ સાથે સહમત નથી અને જ્યોર્જ ખરેખર નિર્દોષ હતા કે નહીં એ વાત આજે પણ વિવાદાસ્પદ છે. આ સત્ય ઘટના પર આધારિત 'આર્થર એન્ડ જ્યોર્જ' ટીવી સિરીઝમાં સર આર્થર કોનાન ડોયલનું ધાંસુ પાત્ર બ્રિટિશ અભિનેતા માર્ટિન ક્લુન્સે અને જ્યોર્જ એડલજીનું પાત્ર અર્શર અલીએ ભજવ્યું છે.

09 March, 2015

ફિફ્ટી શેડ્સ ઓફ 'ઈન્ડિયન રેપ કલ્ચર'


મહિલાઓએ સુરક્ષા માટે કડક સાવચેતી રાખવી. કોઈ જાણીતી અને વિશ્વાસુ વ્યક્તિના સંગાથ વિના રાત્રે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ના કરવો, સાંજે મનોરંજન માટે જાણીતી જગ્યાઓએ જવાનું પણ ટાળવું અને દિવસ સહિત કોઈ પણ સમયે ઓછી વસતી હોય ત્યાં જવાનું બિલકુલ ટાળવું. હોટેલનો રૂમ નંબર કોઈને આપવો નહીં અને રૂમ ડોર પર ચેઈન, ડેડ લોક્સ અને પીપ હોલ્સ હોય એની ખાતરી કરી લેવી. શક્ય હોય ત્યાં સુધી જૂથમાં કે મિત્રો સાથે જ ફરવું, એકલા નહીં...''

આ ટીપિકલ સલાહ કોઈ વડીલે નહીં પણ અમેરિકાએ ભારત આવતી અમેરિકન યુવતીઓને આપી છે. અમેરિકાનું કામકાજ એટલું પાક્કું છે કે, તેણે ભારત આવતી આફ્રિકન મૂળની મહિલાઓએ શું સહન કરવું પડી શકે એ બાબતે પણ ચેતવણી આપી છે. જેમ કે, અમેરિકન આફ્રિકન યુવતીઓએ ભારતમાં અશ્લીલ કમેન્ટ્સ, અટકચાળા અને ઈવ ટીઝિંગ (ઘૂરી ઘૂરીને જોવું) જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતમાં બજારો, રેલવે-બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે બોલાચાલી કે છેડતી પછી અચાનક હુમલો થઈ શકે છે. આ બાબતોથી બચવા અમેરિકાએ યુવતીઓને કપડાં પહેરવામાં થોડું રૂઢિચુસ્ત રહેવાની અને સ્થાનિક રીતભાત જાળવવાની સલાહ આપી છે. આ તો થઈ અમેરિકાની વાત પણ યુનાઈટેડ કિંગ્ડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુરોપિયન યુનિયનના અમુક દેશોએ પણ ભારત આવતી યુવતીઓ માટે ખાસ એક માર્ગદર્શિકા જાહેર કરી છે. 

બીજી બાજુ, 'અતુલ્ય ભારત'નો અનુભવ લઈને સ્વદેશ પરત ફરેલા વિદેશીઓ પણ ફેસબુક, ટ્વિટર અને બ્લોગ જેવા સોશિયલ પ્લેટફોર્મ પર ભારત આવતા લોકોને આવી ચેતવણી આપી રહ્યા છે.

વિદેશી યુવતી એટલે 'અવેલેબલ'?

છેલ્લાં ઘણાં સમયથી ભારત આવતી વિદેશી મહિલાઓ પરના જાતીય હુમલામાં અનેકગણો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં ‘પધારો મ્હારે દેશ' ફેઈમ રાજસ્થાનના પ્રવાસે આવેલી એક જાપાનીઝ યુવતીએ જયપુરમાં ટુરિસ્ટ ગાઈડની ઓળખ આપતા એક યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આ યુવકે જાપાનીઝ યુવતીને ગેસ્ટ હાઉસ મૂકવા જવાનું કહીને છેતરપિંડી કરી હતી. એ પહેલાં નવેમ્બર ૨૦૧૪માં બિહારના બોધગયાના પ્રવાસે આવેલી એક જાપાનીઝ યુવતીએ કોલકાતાના છ અજાણ્યા યુવક સામે અપહરણ, લૂંટ અને બળાત્કારની ફરિયાદ કરી હતી. આ બનાવો પછી ભારતસ્થિત જાપાનીઝ દૂતાલયે ભારત આવતી જાપાનીઝ યુવતીઓએ ભારતમાં કેવી રીતે વર્તવું તેની સલાહ આપતો એક પરિપત્ર જારી કર્યો હતો. 

તાજેતરમાં દિલ્હીમાં એક નાઈજિરિયન  યુવતી પર સામૂહિક બળાત્કાર થયો. એ પહેલાં ડેનમાર્કની યુવતી, મધ્યપ્રદેશમાં સ્વિત્ઝર્લેન્ડની સાયકલિસ્ટ, પશ્ચિમ બંગાળમાં આયર્લેન્ડની ચેરિટી વર્કર અને તમિલનાડુમાં જર્મન કિશોરી બળાત્કારની ફરિયાદો નોંધાવી ચૂકી છે. આ તમામ દેશોએ ભારત આવતી યુવતીઓ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા અને ટ્રાવેલ બ્લોગરોના સલાહ-સૂચનો જોતા જણાય છે કે, ભારતમાં વિદેશી યુવતીઓએ બસ, ટ્રેન, જાહેર માર્ગો અને મૉલ-મલ્ટિપ્લેક્સ જેવા તમામ સ્થળે નાની-મોટી જાતીય સતામણીનો ભોગ બનવું પડે છે.



વિદેશી યુવતીઓ સામેની જાતીય હિંસા માટે વિદેશી યુવતી એટલે 'અવેલેબલ' જ હોય એવી માનસિકતા, લૂંટનો ઈરાદો અને વિકૃતિની હદ સુધીના હિંસક વંશીય ભેદભાવ જેવા અનેક કારણો જવાબદાર છે. આપણા પોલીસ સ્ટેશનોમાં બળાત્કારનો ભોગ બનનારી યુવતીઓ સાથે ગુનેગાર જેવું વર્તન થાય છે એટલે વિદેશી યુવતીને ઝડપથી ન્યાય મળે એ શક્ય જ નથી. વિદેશી યુવતીઓ પર બળાત્કારનો મુદ્દો દેશની સુરક્ષા વ્યવસ્થા સાથે વધારે જોડાયેલો છે. આ મુદ્દો 'રાષ્ટ્રીય શરમ'નો અને દેશના પ્રવાસન ઉદ્યોગ માટે પણ અત્યંત ગંભીર છે. આ પ્રકારની ગુનાખોરીને પબ્લિક પાર્ટરનશિપ વિના કાબૂમાં રાખવી અશક્ય છે.  

નિર્ભયા કાંડની નકારાત્મક અસર

દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કાંડ પછી દેશમાં ૨૩ અત્યંત ઘાતકી બળાત્કારો પોલીસ ચોપડે નોંધાયા છે. વર્ષ ૨૦૧૨માં નિર્ભયા કાંડે દેશને ઝકઝોર્યો એના ૧૧ જ દિવસ પછી રાજસ્થાનના જયપુરમાં સામૂહિક બળાત્કાર કરેલી હાલતમાં પાંચ વર્ષીય બાળકી મળી આવી, જેના જનનાંગોમાંથી બોટલ અને કાચના ટુકડા પણ મળ્યા હતા. મીડિયાનામાં 'ગુડિયા' નામે જાણીતી થયેલી આ બાળકી આજે પણ સામાન્ય જિંદગી જીવવા ઝઝૂમી રહી છે. ગુડિયાએ ઈન્ફેક્શનથી બચવા રોજેરોજ સારવાર લેવી પડે છે. ઉંમર વધવાની સાથે આ સારવાર તેને હંમેશા એ વાતની યાદ અપાવશે કે, નાનપણમાં તેના સાથે કંઈક ભયાનક બન્યું હતું. હાલ ગુડિયા નર્સરીમાં જવાને લાયક થઈ ગઈ છે પણ તે બળાત્કાર પીડિત હોવાથી કોઈ સ્કૂલ તેને પ્રવેશ આપવા તૈયાર નથી. સમાજનું આ વર્તન ગુડિયાને હંમેશા યાદ અપાવતું રહેશે કે, તે 'ગુનેગાર' છે. ખરેખર તો જેણે બળાત્કાર કર્યો છે તેની સાથે સમાજે ગુનેગાર જેવું વર્તન કરવું જોઈએ, પરંતુ જડસુ પુરુષ પ્રધાન અને સંવેદનહીન ભારતીય સમાજમાં એવા અચ્છે દિનની મંજિલ હજુ બહુ દૂર છે.

ગુડિયા કાંડ માંડ ભૂલાયો ત્યાં ફરી એક જઘન્ય બળાત્કારનો કિસ્સો ચમક્યો. સિંગાપોરમાં નિર્ભયાએ અંતિમ શ્વાસ લીધાના બે મહિના પછી દિલ્હીના બદરપુરમાં સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ અને સામૂહિક બળાત્કારના સમાચાર આવ્યા. એ છોકરીની સ્કૂલમાં ભણતા ચાર સિનિયરે જ આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ ચારેય યુવકે દિવસો સુધી બળાત્કાર કર્યા પછી કિશોરીને જીવતી સળગાવી દીધી. થોડા દિવસ પછી તેની ૧૦૦ ટકા બળી ગયેલી લાશ મળી. આ કિશાોરીની ઓળખ કરતા પરિવારજનોને બે દિવસ લાગ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૫માં હરિયાણાના રોહતકમાં નેપાળની ૨૮ વર્ષીય ફિઝિકલી ચેલેન્જ્ડ યુવતી પરના બળાત્કારમાં પણ ગુનેગારોએ અત્યંત ઘાતકી કૃત્ય આચર્યું હતું. આ યુવતી અપહરણ કરાયાના પાંચમા દિવસે મળી ત્યારે વારંવાર સામૂહિક બળાત્કાર ગુજારીને તેનું લોહીથી લથપથ શરીર ઝાડીઓમાં ફેંકી દેવાયું હતું. આ યુવતીના શરીરમાંથી હૃદય અને ફેફસા ગાયબ હતા, કૂતરા-ઉંદરડા તેનું અડધુ માથું ખાઈ ગયા હતા. તેના જનનાંગોમાંથી તૂટેલી લાકડી, પથ્થરો અને ૩૦ કોન્ડોમ મળ્યા હતા. એ પહેલાં ઓક્ટોબરમાં રોહતકમાં જ એક યુવતી પર સામૂહિક બળાત્કાર પછી જનનાંગમાં એસિડ નાંખવાના સમાચાર આવ્યા હતા.

નિર્ભયા કાંડ પછી જ બળાત્કાર પીડિતાઓને મદદરૂપ થવા કાયદાકીય સુધારા થયા છે અને છ નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાઈ છે. સરકારી હોસ્પિટલોમાં 'વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર' અને 'નિર્ભયા સેન્ટર' નામે ટ્રોમા સેન્ટરો ઊભા કરવાની દરખાસ્તો થઈ છે, જેને સર્વાનુમતે આવકારાઈ છે. નાણા મંત્રી અરુણ જેટલીએ વર્ષ ૨૦૧૫ના બજેટમાં મહિલાઓની સુરક્ષા માટે વધારાના રૂ. એક હજાર કરોડના નિર્ભયા ફંડની જાહેરાત કરી છે. આમ છતાં, નિર્ભયા કાંડ પછી જ બળાત્કારીઓ યુવતીને વધુને વધુ નુકસાન પહોંચાડવાની જાણે હરીફાઈ કરી રહ્યા છે એ સૌથી વધારે ચિંતાનો વિષય છે. 

નિર્ભયાકાંડ પછી કાયદાકીય કડકાઈ કરવામાં સૌથી મોટું ભયસ્થાન પણ બાળકીઓ કે યુવતીઓને જ છે કારણ કે, વિકૃત માનસિકતા ધરાવતો ગુનાખોર એવું વિચારે છે કે, આને જીવતી રાખીશું તો ફરિયાદ કરશે ને. તેઓ એવું નથી વિચારતા કે, આવું જઘન્ય કૃત્ય કરીને તેઓ છટકી નહીં શકે. 

બળાત્કારોમાં ઘાતકીપણું કેમ વધ્યું?

સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે, નિર્ભયા કાંડ પછી બળાત્કારોમાં ઘાતકીપણું વધવાનું સૌથી મોટું કારણ બળાત્કારોના સનસનીખેજ સમાચારો પણ છે. મીડિયામાં બળાત્કારોના સમાચાર આપવા જરૂરી છે પણ હાલના સંજોગોમાં તેની રજૂઆત કેવી રીતે કરવી એ ચર્ચા માગી લેતો મુદ્દો છે. ગુનાખોર માનસિકતા ધરાવતી વ્યક્તિ સમાચારોમાંથી પ્રેરણા પણ ગુનાની જ લે છે એવી દલીલ પણ કરાય છે, જેની સાથે સહમત થવાના મજબૂત કારણો પણ છે. જેમ કે, અન્ડરવર્લ્ડ માફિયાઓની ફિલ્મ બનાવતા હિન્દી ફિલ્મ ડિરેક્ટરો ઓડિયન્સને ધ્યાનમાં રાખીને ગુનેગારને જ ગ્લોરિફાય કરે છે. આવી ફિલ્મોમાં ગુનો કરવાની શું કિંમત ચૂકવવી પડે છે એ વાત કરતા ગુનેગાર પાસે કેટલો 'પાવર' હોય છે એ વાતનું વધારે ગ્લોરિફિકેશન કરાયું હોય છે. આ વાત કદાચ બળાત્કારોના સમાચારોને પણ લાગુ પડે છે. કદાચ એટલે જ આપણે તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. જો લશ્કરને લગતા નકારાત્મક સમાચારોની સેન્સરશિપ રાખી શકાતી હોય તો બળાત્કારો માટે પણ આ દિશામાં વિચારવાનો સમય થઈ ગયો છે.

ફિલ્મ કે ટેલિવિઝનની નકારાત્મક બાજુની હંમેશા વધુ ચર્ચા થાય છે કારણ કે, આ માધ્યમ સરળતાથી ઉપલબ્ધ છે અને તેને સ્વીકારનારો વર્ગ ઘણો મોટો છે. ઈન્ટરનેટના જમાનામાં 'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' જેવી ઈરોટિક-રોમેન્ટિક ડ્રામા ભારતમાં અનસેન્સર્ડ રિલીઝ થવી જોઈએ કે નહીં એના કરતા હિન્દી, ભોજપુરી અને દક્ષિણ ભારતની વધુ સરળતાથી ઉપલબ્ધ ફિલ્મોમાં સ્ત્રીને કેવી ભદ્દી રીતે રજૂ કરાય છે એ વાત વધુ ચિંતાજનક છે. હોલિવૂડ કરતા હિન્દી ફિલ્મોમાં સ્ત્રીને વધારે બિભત્સ રીતે દર્શાવવામાં આવે છે એ વાત આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણોમાં પણ સાબિત થઈ ચૂકી છે. ભારતીય સમાજમાં સ્ત્રી લક્ષ્મી નહીં પણ 'માલ' છે એવું સમાજનું પ્રતિબિંબ ફિલ્મોમાં બતાવવું બહુ જરૂરી છે? હકીકતમાં સ્ત્રી શું કરી શકે છે કે કરી રહી છે- એવું પણ ફિલ્મોમાં બતાવી જ શકાય છે. ભારતીય અને અમેરિકન સમાજ તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં આસમાન-જમીનનો ફર્ક છે એટલે આ દિશામાં વિચારવું 'આઉટ ઓફ ફેશન' નથી.

એક બાજુ ફિલ્મો અને ટેલિવિઝનની નકારાત્મક અસરો અને બીજી બાજુ કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિએ ઘાતકી બળાત્કારોમાં અનેકગણો વધારો કર્યો છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કૌટુંબિક લડાઈમાં બદલો લેવા પણ પાશવી બળાત્કાર ગુજારાય છે. કોઈ યુવતી તાબે નથી થતી તો પણ બળાત્કાર અને શહેરી યુવાનોમાં બ્રેક-અપ પછી પોતાનો અહંકાર સંતોષવા પણ બળાત્કાર ઝડપથી વધી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બદાયુ બળાત્કાર કેસમાં જુબાની આપવા કોઈ તૈયાર નહીં હોવાથી ગુનેગારો હજુયે આઝાદ છે. 

આ પ્રકારના સમાચારો નબળા તંત્રને લપડાક મારવા પ્રકાશિત કરાય છે પણ તેનાથી ગુનેગારોની હિંમત વધે છે!

એક્શન પ્લાનની તાત્કાલિક જરૂર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા પ્રમાણે, ભારતમાં પોલીસ ચોપડે રોજના ૯૨ બળાત્કાર નોંધાય છે. નિર્ભયા કાંડ થયો એ વર્ષ ૨૦૧૨માં દિલ્હીમાં જ ૫૮૫ બળાત્કારો નોંધાયા હતા પણ ૨૦૧૪માં આ આંકડો ૨,૪૪૧એ પહોંચ્યો. આ તો પોલીસ ચોપડે નોંધાયેલા બળાત્કારો છે. 

ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં વિવિધ કારણોસર બળાત્કારોને પ્રોત્સાહન મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં સંડાસના અભાવે દૂરસુદુરના વિસ્તારમાં કુદરતી હાજતે જતી યુવતીઓ બળાત્કારોનો ભોગ બને છે. વીજ અછત ધરાવતા વિસ્તારોમાં પ્રકાશના અભાવે પણ જાતીય હિંસા થાય છે. શહેરોમાં જાતીય શિક્ષણના અભાવે થયેલું વિકૃત માનસ, છિન્ન-ભિન્ન કૌટુંબિક સંબંધો, પ્રેમસંબંધમાં નિષ્ફળતા, પૈસાના જોરે સ્વેચ્છાએ અપનાવેલી બેરોજગારી અને આવા વિવિધ કારણોસર સર્જાયેલું ખંડનાત્મક (ડિસ્ટ્રક્ટિવ) વ્યક્તિત્વ ગંભીર જાતીય હિંસાને પ્રોત્સાહન આપે છે. કામના સ્થળોએ નાની-મોટી જાતીય હિંસાનો ભોગ પણ શહેરી સ્ત્રીઓ વધુ બને છે અને તેની ફરિયાદ કોઈને કરી શકાતી નથી.

હવે વધારે રાક્ષસી બળાત્કારોની રાહ જોયા વિના વિદેશી, ગ્રામીણ અને શહેરી મહિલાઓ સામેની જાતીય હિંસાના કારણો તપાસીને દરેક સ્તરે તેને કાબૂમાં લેવા અત્યારથી જ એક્શન પ્લાન બનાવવો જોઈએ.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

03 March, 2015

મેડિકલ એજ્યુકેશનને 'પ્રિસ્ક્રિપ્શન'ની જરૂર


એક સમયે તબીબો સાક્ષાત ભગવાનનું રૂપ મનાતા હતા કારણ કેતેઓ માણસને મોતના મુખમાંથી ઉગારી લાવવા સક્ષમ હોય છે. એ પછી તબીબી જગતમાં વ્યવસાયિકરણ (પ્રોફેશનાલિઝમ) વધતું ગયું અને આ પ્રતિષ્ઠિત વ્યવસાયમાં પણ ચોંકાવનારા દુષણો ઘર કરતા ગયા. પૈસા નહીં તો દવા નહીં એ વણલિખિત નિયમના કારણે વ્યક્તિનું મોત થઈ જાય એવા દૃશ્યો આપણે હિન્દી ફિલ્મોમાં પણ જોઈ ચૂક્યા છીએ. તબીબી વ્યવસાય સામાજિક જવાબદારી સાથે જોડાયેલો હોવા છતાં સરકાર કે સમાજ કોઈ પણ વ્યવસાયિક (પ્રોફેશનલ) તબીબને પરાણે સેવા માટે મજબૂર ના કરી શકે. તબીબી વ્યવસાયમાં ઘૂસી ગયેલા દુષણોના મૂળ તબીબી શિક્ષણ (મેડિકલ એજ્યુકેશન)માં વ્યાપેલા ભ્રષ્ટાચારમાં છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વ્યાપ્ત ભ્રષ્ટાચારનો મુદ્દો હંમેશા 'કરન્ટ ઈવેન્ટહોવાથી તેની ન્યૂઝ વેલ્યૂ ખતમ થઈ ગઈ છે. જોકેઉચ્ચ શિક્ષણના અન્ય ક્ષેત્રો કરતા તબીબી જગત સામાજિક જવાબદારી સાથે વધારે જોડાયેલું હોવાથી થોડું ઘણુંય તેને ગંભીરતાથી લેવામાં આવે છે. 

હાલમાં જ 'બ્રિટિશ મેડિકલ જર્નલ'માં ભારતની પ્રાઈવેટ મેડિકલ કોલેજો દ્વારા વસૂલાતી 'કેપિટેશન ફી'ના દુષણની વાત છેડાતા આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. કેપિટેશન (માથાદીઠ) ફી શિક્ષણ સંસ્થાના વિકાસ માટે વિદ્યાર્થી પાસેથી વસૂલાતું એક પ્રકારનું 'ડોનેશનછે. એ વાત અલગ છે કેવિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ડોનેશન (દાન) પણ ફરજિયાત છે. બ્રિટિશ મેડિકલ જર્નલની ટિપ્પણી પછી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના સર્જિકલ એન્ટ્રોલોજી એન્ડ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગના વડા તેમજ 'કરન્ટ મેડિસિન રિસર્ચ એન્ડ પ્રેક્ટિસ'ના એડિટર ઈન ચિફ સમીરન નંદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ''દેશની હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં ચારેકોર ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને તેની શરૂઆત કેપિટેશન ફીથી થાય છે.'' નવાઈની વાત તો એ છે કેસર્વોચ્ચ અદાલતે પ્રાઈવેટ મેડિકલ કોલેજોને તબીબી બેઠકો વેચવા મનાઈ ફરમાવી છે. આમ છતાંપ્રાઈવેટ મેડિકલ કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલીને તેમને તબીબ બનાવે છે. પ્રાઈવેટ મેડિકલ કોલેજોની દુકાન ધમધમતી રહેવાનું એક કારણ વિદ્યાર્થીઓની તબીબ બનવાની અથવા તો સંતાનોને ગમે તેમ કરીને તબીબ બનાવવાની વાલીઓની ઘેલછા પણ છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણના વ્યાપારીકરણ સામે થયેલા આંદોલનો નિષ્ફળ જવાનું આ પણ એક મહત્ત્વનું કારણ છે. 



અહીં આપણે ફક્ત તબીબી શિક્ષણની વાત કરીએ. વિદ્યાર્થી લાખો રૂપિયા ખર્ચીને તબીબી શિક્ષણ મેળવેસફળ તબીબ બનેતગડી કમાણી કરીને લાખો-કરોડોના ખર્ચે હોસ્પિટલ ઊભી કરે અને પછી તેને પ્રશ્ન થાય કેઆટલો જંગી ખર્ચ કરીને ઊભી કરેલી હોસ્પિટલનો વારસો આપીશ કોનેઆ પ્રશ્નમાંથી પુત્ર કે પુત્રીને જ તબીબ બનાવવાની ઘેલછા જન્મે. કોઈ પણ તબીબ પોતાના સંતાનો તબીબ જ બને એવું વિચારે એમાં કશું ખોટું નથી પણ તબીબોના સંતાનો પણ તબીબો બને એ ઘેલછા રાજકારણીના સંતાન રાજકારણીઆર્કિટેક્ટના સંતાન આર્કિટેક્ટ અને પત્રકારના સંતાન પત્રકાર બને એના કરતા ઘણી વધારે ગંભીર છે. કારણ કેતબીબ બનવા માટેની શૈક્ષણિક લાયકાત સીધી સામાજિક જવાબદારી સાથે જોડાયેલી છે. લાયકાત વિનાનો રાજકારણી કે પત્રકાર આપોઆપ ફેંકાઈ જાય છે પણ માતા કે પિતાએ ઊભી કરી આપેલી હોસ્પિટલ કે દવાખાનામાં પ્રેક્ટિસ કરતો લાયકાત વિનાનો તબીબ સમાજ માટે વધારે જોખમી છે. 
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં બોગસ ડોક્ટરોના કૌભાંડો આપણે જોઈ ચૂક્યા છીએ.

શૈક્ષણિક લાયકાત વિનાના વિદ્યાર્થીને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ ના મળે ત્યાં સુધી બધું બરાબર હોય છેપરંતુ આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે પ્રાઈવેટ મેડિકલ કોલેજો હાજર છે. હાલ દેશમાં ૧૮૩ સરકારી અને ૨૧૫ પ્રાઈવેટ એમ કુલ ૩૯૮ મેડિકલ કોલેજોમાં ૫૨,૧૦૫ બેઠકો છે. જો સરકાર વધુને વધુ મેડિકલ કોલેજો બનાવે અને મેરિટના આધારે જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે તો બધી મુશ્કેલીનો અંત આવી જાયપરંતુ મેડિકલ કોલેજો ઊભી કરવા જંગી મૂડીની જરૂર પડે અને સરકાર પાસે તેનો અભાવ છે. આ સ્થિતિમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓની માગને પહોંચી વળવા સરકારે દર વર્ષે પ્રાઈવેટ મેડિકલ કોલેજોને પણ મંજૂરી આપવી પડે છે. પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાઓને મંજૂરી આપ્યા પછી ભ્રષ્ટ સરકારી તંત્ર તેના પર કાબૂ રાખવામાં ઉદાસીન રહે છે. ગુજરાતમાં છ સરકારી અને ૧૩ પ્રાઈવેટ મેડિકલ કોલેજ છેજેમાં અનુક્રમે ૧,૦૮૦ અને ૨,૭૮૦ જેટલી બેઠકો છે. આ કોલેજોમાં પ્રવેશ લેવા ૧૧-૧૨ ધોરણ અને ગુજકેટના ૬૦ઃ૪૦ રેશિયો તેમજ નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ના મેરિટના પ્રમાણે પ્રવેશ મળે છે.

આ પહેલાં 'નીટઓલ ઈન્ડિયા પ્રિ મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ઓળખાતી હતી. ગુજરાતમાં ૧૫ ટકા ક્વોટા 'નીટ'નો અને બાકીનો ક્વોટા રાજ્ય સરકારનો છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ તબીબી શિક્ષણ સ્વર્ગ સમાન છે. હાલ ગુજરાતમાં છ સરકારી તેમજ ૧૩ અર્ધસરકારી અને પ્રાઈવેટ મેડિકલ કોલેજો છે. અર્ધસરકારી કોલેજોમાં પણ સરકારી મેડિકલ કોલેજોની સરખામણીએ ૫૦ ગણી વધારે ફી વસૂલવામાં આવે છેજ્યારે પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં તો કોઈ પણ પ્રકારની નોંધ વિના તોતિંગ કેપિટેશન ફી કે ડોનેશન વસૂલવામાં આવે છે. એવું કહેવાય છે કેગુજરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તબીબી શિક્ષણની સૌથી વધુ માગ હોય એવી એક-એક બેઠક રૂ. ૫૦ લાખ સુધીમાં વેચાય છે. જેમ કેપી.જી.માં કાર્ડિયોલોજીન્યુરોલોજીનેફ્રોલોજી અને કેન્સરની માગ વધારે હોવાથી આ બેઠકોનો બંધબારણે ધંધો થાય છે. આવી કોલેજમાંથી તબીબ થનારો વિદ્યાર્થી શિક્ષણ માટે ખર્ચેલી ફી વસૂલે કે ગામડે જઈને સામાજિક સેવા કરે?

જોકેદેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સ્થિતિ ઘણી સારી છે. મહારાષ્ટ્રકર્ણાટક અને તમિલનાડુ  સહિતના રાજ્યોની પ્રાઈવેટ કોલેજોમાં એમબીબીએસ કરવાનો ભાવ રૂ. ૬૦ લાખ સુધી જાય છેજ્યારે પી.જી.માં પ્રવેશ માટે એમબીબીએસથી અઢી ગણી વધુ કિંમત વસૂલાય છે. એટલે કે એમબીબીએસ થવા માટે માતાપિતા જ અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં થાય એટલો ખર્ચ કરે છે. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ  પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલિસીના અહેવાલ પ્રમાણેવર્ષ ૨૦૧૪માં પ્રાઈવેટ મેડિકલ કોલેજોેએ ૬૦ અબજ રૂપિયા જેટલી કેપિટેશન ફી વસૂલી હોવાનો અંદાજ છે. આ અહેવાલમાં પ્રાઈવેટ એજ્યુકેશન ક્ષેત્રને દેશમાં કાળા નાણાનો ઉદ્ભવ કરતા સૌથી મોટા ક્ષેત્રોમાં બીજો નંબર અપાયો છે. આંકડાકીય રીતેહાલ દેશમાં એક હજાર વ્યક્તિએ એક કરતા પણ ઓછા તબીબ છે. દેશમાં તબીબોની જોરદાર માગવિદ્યાર્થીઓ અને માતાપિતાની તબીબ બનવાની ઘેલછા અને ભ્રષ્ટ તંત્રના કોકટેલના કારણે તબીબી શિક્ષણ મોટા ધંધામાં ફેરવાઈ ગયું છે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જૂન ૨૦૧૪માં માળખાગત સુવિધાઓ અને શિક્ષકોના અભાવ જેવા કારણોસર દસ પ્રાઈવેટ મેડિકલ કોલેજોની મંજૂરી રદ કરી દીધી છે. પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં શિક્ષકોની હંમેશા અછત હોય છે. કારણ કેવિદ્યાર્થીઓને તબીબ બનીને શિક્ષક બનવામાં નહીં પણ ફક્ત પ્રેક્ટિસ કરીને કરીને કમાણી કરવામાં રસ હોય છે. પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં જંગી ફી ભરીને તબીબ બનેલો વિદ્યાર્થી તો ભૂલથીય શિક્ષક બનવાના 'ખોટના ધંધા'માં પડતો નથી. એમસીઆઈ પ્રાઈવેટ મેડિકલ કોલેજો સાથે સખ્તાઈથી વર્તીને કોલેજો બંધ કરાવે તો વિદ્યાર્થીઓ માટે બેઠકોની અછત સર્જાય  છે. આ સ્થિતિમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજોની બેઠકોના ભાવ ઓર ઊંચા જાય છે અને વધુ કેપિટેશન ફી વસૂલાય છે. જેમ કેગયા વર્ષે એમસીઆઈએ વિવિધ કારણોસર કેટલીક પ્રાઈવેટ મેડિકલ કોલેજો બંધ કરાવી હોવાથી આ વર્ષે 'નીટઆપનારા આઠેક લાખ વિદ્યાર્થીઓ માટે એમબીબીએસની ૬,૩૦૦ જેટલી બેઠકો ઘટી ગઈ છે. જોકેએબીબીએસની બેઠકના ભાવ ગમે તેટલા ઊંચા બોલાય તો પણ પ્રાઈવેટ મેડિકલ કોલેજોને કરોડપતિ વિદ્યાર્થીઓ મળી જશે એ આપણું કમનસીબ છે. 

દેશમાં હલકી ગુણવત્તાની મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ ઊભી કરવા બદલ સરકાર અને સમાજ બંને જવાબદાર છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કેપ્રાઈવેટ મેડિકલ કોલેજના તબીબોની ક્લિનિકલ સ્કિલ ઓછી હોઈ શકે છે કારણ કેઆ કોલેજો ભરોસાપાત્ર હોસ્પિટલો સાથે સંકળાયેલી નહીં હોવાથી તેમની તાલીમ યોગ્ય રીતે ના પણ થઈ હોય. શું આપણે આ મેડિકલ એજ્યુકેશન સિસ્ટમ પાસે ગુણવત્તાયુક્ત અને સામાજિક રીતે જવાબદાર તબીબની અપેક્ષા રાખી શકીએ?

ભ્રષ્ટાચારને કાબૂમાં લેવાના 'સરકારીપ્રયાસ

ફાઉન્ડેશન ઓફ એડવાન્સમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશનના વર્ષ ૨૦૧૦ના વૈશ્વિક અહેવાલમાં  કહેવાયું છે કેવિશ્વમાં સૌથી વધારે મેડિકલ સ્કૂલ ભારતમાં છેપરંતુ ગુણવત્તા અને પારદર્શકતાની દૃષ્ટિએ પ્રાઈવેટ સ્કૂલોનો વિકાસ ચિંતાજનક છે. નિષ્ણાતોનું માનવું છે કેભારતમાં ભ્રષ્ટાચારી મેડિકલ માફિયાઓઅને રાજકારણીઓની સાંઠગાંઠને પગલે તબીબી શિક્ષણની હાલત કથળી ગઈ છે. તબીબી શિક્ષણમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યા પછી વર્ષ ૨૦૦૯માં આરોગ્ય મંત્રાલયે સંસદમાં રજૂ કરેલા નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રિસોર્સીસ ફોર હેલ્થ બિલમાં નોંધ્યું હતું કેપ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ પર ફીનું જોરદાર ભારણ છે અને તેમની પ્રવેશ પ્રક્રિયામાં પણ પારદર્શકતાનો અભાવ છે. જોકેમેડિકલ માફિયાઓ સાથે હિત ધરાવતા કેટલાક સાંસદોના દબાણ પછી આ બિલ દફનાવી દેવાયું છે. આ મુદ્દો સર્વોચ્ચ અદાલતમાં ગયો એ પછી જુલાઈ ૨૦૧૩માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અલતમસ કબીરની ખંડપીઠે દેશભરની કોલેજોમાં પ્રવેશ માટે એક જ રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા લેવાનું સૂચન કર્યું હતું. ઓગસ્ટ ૨૦૧૪માં પણ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ એફ.એમ.આઈ. કલિફુલ્લા અને શિવા કિર્તી સિંઘની ખંડપીઠે પ્રાઈવેટ મેડિકલ અને એન્જિનિયરિંગમાં કેપિટેશન ફીના દુષણને નાબૂદ કરવા યોગ્ય પગલાં લેવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત ખંડપીઠે  કેપિટેશન ફીના દુષણને જડમૂળમાંથી નાબૂદ કરવા જાણીતા વકીલ અને પૂર્વ મંત્રી સલમાન ખુરશીદની એમિકસ ક્યુરી (અદાલત મિત્ર) તરીકે નિમણૂક કરીને વિવિધ સૂચનો પણ મંગાવ્યા હતા. જોકેઆ દિશામાં શું પ્રગતિ થઈ એ જાણવું અને પછી સમજવું અઘરું છે.