28 December, 2015

ટાગોર-ઓકામ્પોઃ ફ્રોમ આર્જેન્ટિના વિથ લવ...


મને ખાલી હાથે વિદાય આપ
રખેને પ્રેમની તેં ચૂકવેલી કિંમત
મારા હૃદયની નિર્ધનતાને ઉઘાડી પાડે
એટલે એજ સારું છે હું નિઃશબ્દ રહું
અને મને ભૂલી જવામાં તને મદદ કરું

રવીન્દ્રનાથ ટાગોરે આર્જેન્ટિનાની વિક્ટોરિયા ઓકામ્પો નામની એક સન્નારીને 'આશંકા' નામનું આ કાવ્ય (અહીં મૂળ બંગાળી કાવ્યના અંગ્રેજી અનુવાદનો ભાવાનુવાદ મૂક્યો છે.) અર્પણ કર્યું હતું. આ કવિતામાં ટાગોર વિક્ટોરિયાને કહે છે કે, હું નિઃશબ્દ થઈ જાઉં એ સારું છે જેથી મને ભૂલી જવામાં તને મદદ કરી શકું. જોકે, ટાગોર અને ઓકામ્પો જીવનના અંત સુધી એકબીજાને ભૂલી શક્યા ન હતા. ઊલટાનું ટાગોર જીવનના અંતિમ ૧૭ વર્ષ વિક્ટોરિયાને લાગણીમય પત્રો લખીને 'લાઈવ કોન્ટેક્ટ'માં રહ્યા હતા.

વિક્ટોરિયા નવેમ્બર ૧૯૨૪માં આર્જેન્ટિનાથી ટાગોરને પત્ર લખીને આ કવિતાનો જવાબ આપતા લખે છે કે,  ''ફરી નિહાળવાની કોઈ તક મળવાની ન હોય તો પણ ભારતનું તમારું પોતાનું આકાશ તમે ભૂલી શકો ખરા? મારે માટે તમે એ આકાશ જેવા છો. પ્રત્યેક કળી અને એકેએક પર્ણથી પોતાને પ્રકાશમાં દૃઢમૂળ કરવા વૃક્ષ જેમ શાખાઓ પસારે છે તેમ મારાં હૃદય ને મન તમારા તરફ વળ્યાં છે. બારીમાંથી ડોકાઈ સૂર્યનો અણસાર પામવાથી વૃક્ષને કદી સંતોષ થાય ખરો? એને તો થાય કે સૂરજ એના પર વરસે, તેને ભીંજવી નાંખે અને સૂર્યનું તેજ ચૂસી તેનું નાનામાં નાનું જીવડું પણ ફૂલમાં ખીલી ઊઠવાનો આનંદ ઊજવે. આકાશમાંથી વરસતા પ્રકાશને લઈને જ વૃક્ષ પોતાની જાતને ઓળખે છે, પ્રકાશ સાથે એકાકાર થઈને જ વૃક્ષ મહોરે છે. વૃક્ષ પ્રકાશને કદી ભૂલી ન શકે, કારણ કે પ્રકાશ જ તેનું જીવન છે...'' 

નવેમ્બર ૧૯૨૪માં ટાગોર આર્જેન્ટિનામાં પહેલીવાર વિક્ટોરિયાને  મળે છે ત્યારે તેમની ઉંમર હતી ૬૩ વર્ષ, જ્યારે વિક્ટોરિયાની ઉંમર હતી ૩૪ વર્ષ. આ મુલાકાત પછી ટાગોર અને વિક્ટોરિયાએ અજાણતા જ સર્જેલું 'પત્ર સાહિત્ય' વાંચતા આપણી સમક્ષ ટાગોર અને વિક્ટોરિયાના જીવનનું, તેમના વ્યક્તિત્વનું એક અનોખું પાસું ખૂલે છે. ટાગોર-વિક્ટોરિયાની મુલાકાત એક રસપ્રદ અકસ્માત હતો. વર્ષ ૧૯૧૩માં 'ગીતાંજલિ' માટે નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોર વૈશ્વિક સ્તરની ખ્યાતનામ હસ્તી હતા. બંગાળમાં શાંતિનિકેતન અને વિશ્વભારતીની સ્થાપના થઈ ગઈ હતી અને તેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી રહી હતી. આ સંસ્થાઓ માટે ભંડોળ ભેગું કરવા ટાગોર વિશ્વભ્રમણ કરી રહ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોર અને વિક્ટોરિયા ઓકામ્પો

આ દરમિયાન ઓક્ટોબર ૧૯૨૪માં ટાગોરને લેટિન અમેરિકાના નાનકડા દેશ પેરુના સ્વાતંત્ર્ય સંગ્રામની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. ટાગોર હાજર રહે તો પેરુ સરકાર વિશ્વભારતી માટે એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. એ પછી ટાગોરે મેક્સિકોની મુલાકાતે જવાનું હતું અને ત્યાંની સરકાર પણ એક લાખ ડૉલરનું દાન આપવાની હતી. આ આમંત્રણ પહેલાં જ ૬૦ વર્ષ વટાવી ચૂકેલા ટાગોર ચીન-જાપાનના ચાર મહિનાના પ્રવાસેથી થાકીને પરત ફર્યા હતા. આમ છતાં, શાંતિનિકેતનને આર્થિક મજબૂતી આપવાના હેતુથી તેઓ દરિયાઈ માર્ગે લેટિન અમેરિકા જવા નીકળ્યા. જોકે, જહાજમાં ટાગોરની તબિયત બગડતા તબીબોએ તેમને સંપૂર્ણ આરામની સલાહ આપી. ટાગોરને એવી પણ સલાહ અપાઈ કે, પેરુની સરમુખત્યાર સરકાર તેમના જેવી વિભૂતિને 'સરકારી કાર્યક્રમ'માં હાજર રાખે તો વિશ્વમાં અયોગ્ય સંકેતો જઈ શકે છે! (આ સલાહ કોણે આપી હતી એ જાણી શકાયું નથી.) આ કારણોસર ટાગોર અને તેમના અમેરિકન સેક્રેટરી લિયોનાર્ડ એમહર્સ્ટે આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરિસમાં રોકાવું પડ્યું.

જોકે, ટાગોરને અનિશ્ચિત દિવસો સુધી હોટેલમાં રોકાવું પોસાય એમ નહોતું એટલે લિયોનાર્ડે મદદ માટે સંપર્કો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેને જાણકારી મળી કે, બ્યુનોસ એરિસથી થોડે દૂર સાન ઈસિદ્રોમાં વિક્ટોરિયા ઓકામ્પો નામની ટાગોરની એક ઘેલી વાચક અને ચાહક રહે છે. વિક્ટોરિયાએ ફક્ત ૨૨ વર્ષની વયે મનગમતા યુવક સાથે લગ્ન કર્યા હતા પણ લગ્નજીવન ભંગાણે ચડતા તેમણે 'લિગલ સેપરેશન' મેળવ્યું હતું. એ દુઃખદ દિવસોમાં 'ગીતાંજલિ'નો ફ્રેન્ચ અનુવાદ વાંચીને વિક્ટોરિયાના મનને શાંતિ મળી હતી. તેમણે ટાગોરના અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પેનિશ અનુવાદો પણ વાંચ્યા હતા. આર્જેન્ટિનાના અગ્રણી અખબારોમાં પણ વિક્ટોરિયા પ્રસંગોપાત લખતા હતા. તેમણે ગાંધી, રસ્કિન (બ્રિટીશ કળા વિવેચક, વિચારક) અને દાંતે વિશે લેખો લખ્યા હતા. ટાગોર આર્જેન્ટિના આવ્યા ત્યારે યોગાનુયોગે તેમણે 'રવીન્દ્રનાથને વાંચવાનો આનંદ' શીર્ષક હેઠળ એક લેખ લખ્યો હતો. આર્જેન્ટિનાના સાહિત્ય જગતમાં વિક્ટોરિયા ઓકામ્પો એક ઊભરતું નામ હતું. તેમનું એક નાનકડું પુસ્તક પણ પ્રગટ થયું હતું અને એક નાટકના પ્રકાશનની તૈયારી થઈ રહી હતી. તેઓ પણ ટાગોરની જેમ સ્કૂલમાં નહીં પણ ઘરે ભણ્યા હતા અને જમીનદાર પરિવાર સાથે સંકળાયેલા હતા.

વિક્ટોરિયાને જ્યારે ખબર પડી કે, ટાગોર આર્જેન્ટિના આવ્યા છે ત્યારે તેની ખુશીનો પાર ના રહ્યો. તેમણે ટાગોર જેવા મહાન યજમાનને નદી કિનારે આવેલો 'વિલા મિરાલરિયો' રહેવા આપી દીધો અને પોતે પિતાના ઘરે રહેવા જતા રહ્યા. આ વિલામાં ટાગોર ૫૦ દિવસ રોકાયા. અહીં એક આર્મચેર (આરામખુરશી) પર બેસીને ટાગોરે ઘણી બધી કવિતાઓ-ગીતોનું સર્જન કર્યું. આર્જેન્ટિનાથી પરત ફરતી વખતે વિક્ટોરિયાએ તેમને આ આર્મચેર ભેટ આપી હતી, જેને ભારત લાવવા માટે ટાગોરે જહાજના કેબિનનો દરવાજો તોડાવી નંખાવ્યો હતો. આ આર્મચેર આજેય શાંતિનિકેતનમાં છે. નવેમ્બર ૧૯૨૪માં વિલા મિરાલરિયોમાંથી તેઓ વચ્ચે પત્રવ્યવહાર અને રોમેન્ટિક સંબંધ શરૂ થયો હતો. ટાગોર-વિક્ટોરિયાએ એકબીજાને ૬૦ પત્ર લખ્યા હતા, જે તેમના વચ્ચે કેવો શારીરિક આકર્ષણયુક્ત અને નાજુક લાગણીમય પ્રેમસંબંધ હતો એ વાતના લેખિત પુરાવા છે. તેઓનો સંબંધ એટલી નાજુક ક્ષણે પહોંચ્યો હતો કે, નવેમ્બર-ડિસેમ્બર ૧૯૨૪માં એક જ સ્થળે અને ક્યારેક એક જ ઘરમાં હોવા છતાં તેમણે રુબરુ વાત કરવાના બદલે એકબીજાને પત્રો લખ્યા હતા. આવા કુલ નવ પત્ર છે. એક પત્રમાં વિક્ટોરિયા લખે છે કે, ''લાગણી હૃદયતંત્રને હલબલાવી મૂકે ત્યારે બોલી શકાતું નથી...'' વિક્ટોરિયાએ અનેક પત્રો વહેલી પરોઢે અને મધરાત્રે લખ્યા છે, જે પત્રો પર લખેલા સમય પરથી ખબર પડે છે. ૧૫મી જાન્યુઆરી, ૧૯૨૫ના રોજ વિક્ટોરિયાએ ટાગોરને લખેલા પત્રમાં 'ગુરુદેવ' સંબોધન કર્યું છે અને કૌંસમાં એક મુગ્ધ પ્રેમિકાની જેમ લખ્યું છે કે, વન થાઉઝન્ડ ટાઈમ્સ ડિયર.



વિક્ટોરિયાનો ટાગોર પ્રત્યેનો પ્રેમ ઉત્કટ હતો. આ ઉત્કટતા પાછળ વિક્ટોરિયાની ઉંમર જવાબદાર હોઈ શકે. ટાગોર મધરાત્રે વાતો કરે, કવિતાઓ બોલે અને વિક્ટોરિયા મંત્રમુગ્ધ થઈને સાંભળ્યા કરે એવું પણ ઘણીવાર થયું હશે, એવું પત્રો વાંચીને ખબર પડે છે. ટાગોરે લખ્યું છે કે, ''એકલતાનો ભારે બોજ લઈને હું જીવી રહ્યો છું... મારા અંતરને કોઈ પામે એવી મારી અભિલાષા ફક્ત સ્ત્રીના પ્રેમ વડે સંતોષોઈ શકે એમ છે... તુ મને ચાહે છે એટલે જ આ બધી વાતો તને કહી શકું છું...'' આ પ્રકારના લખાણોમાં ટાગોરની ઊંડી એકલતાની વેદનાનું પ્રતિબિંબ પડે છે. અંગ્રેજીના 'વિક્ટરી' શબ્દ પરથી જ વિક્ટોરિયા શબ્દ બન્યો હોવાથી ટાગોરે પાછળથી તેમને 'વિજયા' કહેવાનું શરૂ કર્યું હતું. વિક્ટોરિયાએ પણ અનેક પત્રોમાં પોતાની સહી 'વિજયા' કરી છે. ટાગોરના જીવનમાં વિજયાનું આગમન ઠંડી હવાની લહેરખી સમાન હતું. આ મુલાકાત પછી જ ટાગોરે જીવનના ઢળતા પડાવે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય સર્જ્યું હતું અને ચિત્રો દોરવાનું પણ શરૂ કર્યું હતું. વર્ષ ૧૯૩૦માં ટાગોરે વિજયાની મદદથી જ પેરિસમાં પોતાના સિલેક્ટેડ ચિત્રોનું પ્રદર્શન કર્યું હતું. આ ચિત્ર પ્રદર્શન જ તેમની વચ્ચેની બીજી અને આખરી મુલાકાત માટે નિમિત્ત બન્યું હતું. ટાગોર પેરિસ ગયા ત્યારે તેમની પાસે ૪૦૦ ક્લાસિક ચિત્રોનો પોર્ટફોલિયો હતો.

ટાગોરે આર્જેન્ટિના જતી વખતે જહાજમાં લખેલા તેમજ આર્જેન્ટિના પહોંચીને લખેલા કાવ્યો-ગીતો વર્ષ ૧૯૨૫માં પ્રકાશિત 'પૂરબી' કાવ્યસંગ્રહમાં સમાવાયા છે, જે તેમણે વિજયાને અર્પણ કર્યા છે. 'પૂરબી'ની એક કવિતામાં તેઓ વિજયાને 'ગેરસમજ નહીં કરવા' અને 'પાછું વળીને નહીં જોવા'ની સલાહ આપે છે. જોકે, આવી કવિતા લખનારા ટાગોર ૨૬મી જાન્યુઆરી, ૧૯૩૯ના રોજ વિજયાને એવું પણ લખે છે કે, ''... આપણે જુદા જ વાતાવરણ વચ્ચે મળીએ એ ગોઠવવાનો વારો હવે તારો છે. એવી મુલાકાત તારા જીવનની વિરલ ઘટના બની રહેશે એની ખાતરી આપું છું...'' આમ, ટાગોરે પ્રેમમાં સભાનતા-સંયમની વાત કરતી કવિતાઓ જરૂર લખી પણ જીવનના અંતિમ વર્ષોમાં લખેલા પત્રોમાં વિજયાને મળવાની ટાગોરની આતુરતા છુપી રહી શકી નથી. ટાગોર-વિક્ટોરિયાના પ્રેમમાં ઉંમર આડે નહોતી આવી શકી કારણ કે, તેઓ બાહ્ય દેખાવના નહીં પણ એકબીજાના વ્યક્તિત્વના પ્રેમમાં હતા. આર્જેન્ટિનાના એ ૫૦ દિવસ પછીયે તેઓ સતત ૧૭ વર્ષ 'જીવંત પત્રો' થકી સહવાસમાં રહ્યા અને સાથે વિકસ્યા પણ ખરા. 

વર્ષ ૧૯૮૦માં શાંતિનિકેન, વિશ્વભારતી અને રવીન્દ્ર ભવને ટાગોર-વિક્ટોરિયાના પત્રોનું સંપાદન કરવાનું કામ બ્રિટન સ્થિત કેતકી કુશારી ડાયસન નામના સંશોધક-લેખિકાને સોંપ્યું હતું. આ પ્રોજેક્ટના ભાગરૂપે તેમણે 'ઈન યોર બ્લોસમિંગ ફ્લાવર-ગાર્ડન' નામના દળદાર પુસ્તકમાં આ પત્રો અને તેની સાથે સંકળાયેલો સંપૂર્ણ ઈતિહાસ આલેખ્યો છે. સંદર્ભો સમજવામાં મુશ્કેલી ના પડે એટલે આ પુસ્તકમાં પત્રો સાથે નોંધો-ટિપ્પણીઓ પણ છે. આ જ પુસ્તક પરથી ગુજરાતીમાં મહેશ દવેએ 'રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ' નામે નાનકડું સંકલિત પુસ્તક પણ તૈયાર કર્યું છે. 

નોંધઃ ટાગોર-વિક્ટોરિયાના પત્રો પરથી ધાંસુ ડિરેક્ટર માનવ કોલે ‘કલર બ્લાઈન્ડ’ નામનું નાટક તૈયાર કર્યું છે. પૃથ્વી થિયેટર-મુંબઈમાં સાતમીથી નવમી જાન્યુઆરી, 2016 દરમિયાન આ નાટકના સાત શો થવાના છે, જેની ટિકિટો બુક માય શૉ પરથી બુક કરાવી શકાય છે. 

23 December, 2015

રશિયા નામના અજગરની શીતનિદ્રા પૂરી થઈ ગઈ છે?


જે સજીવો વાતાવરણ અનુકૂળ ના થાય ત્યાં સુધી બિલકુલ નિષ્ક્રિય થઈને સુષુપ્તાવસ્થામાં જતા રહે એ સ્થિતિને હાઈબરનેશન પીરિયડ એટલે કે શીતનિદ્રા કાળ કહે છે. સોવિયત યુનિયનથી લઈને અત્યારના રશિયાનું સરવૈયું જોતા એવું લાગે છે કે, લાંબી શીતનિદ્રા ભોગવ્યા પછી રશિયા ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. સોવિયત યુનિયનના ભાગલા અને એ પછી સુપરપાવરની દોડમાંથી ફેંકાઈ ગયાનું અપમાન સહન કરી ચૂકેલા રશિયાની ઈસ્લામિક સ્ટેટ સામેની આક્રમક કાર્યવાહી દર્શાવે છે કે, રશિયાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની બરાબરી કરી પોતાનું વજન વધારવાની ચાનક ચઢી છે. આ સ્થિતિ રશિયાના જૂના મિત્ર ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની છે કારણ કે, વાજપેઈ કાળથી ભારતે રશિયા સાથેના સંબંધો જાળવી રાખીને અમેરિકા સાથે પણ એક નવો અધ્યાય લખવાની શરૂઆત કરી દીધી હતી. ભારત-રશિયાના ઊંડા વ્યૂહાત્મક સંબંધોના કારણે જ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો છેક નેવુંના દાયકા સુધી વધારે મજબૂતહતા. છેલ્લાં ત્રણ દાયકામાં આ ચારેય દેશો વચ્ચેના સંબંધોમાં આહિસ્તા આહિસ્તા જે બદલાવ આવ્યો છે એ ખૂબ જ રસપ્રદ છે.

હવેના યુદ્ધો હથિયારોની સાથે વ્યૂહાત્મક નીતિઓ અને વેપારી નીતિઓથી પણ લડાઈ રહ્યા છે. ૨૧મી સદીમાં એક ગોળી છોડ્યા વિના પણ કોઈ દેશની ખાનાખરાબી કરવાના સંજોગો ઊભા કરી શકાય છે. હજુ થોડા સમય પહેલાં જ રશિયાએ આવો જ માર ખાધો હોવાથી ઈસ્લામિક સ્ટેટ સામેની લડાઈ અત્યંત આક્રમકતાથી લડી રહ્યું છે. આ વાત ટૂંકમાં સમજીએ. વર્ષ ૨૦૧૪ના અંતમાં રશિયાનો રૂબલ સતત ધોવાઈ રહ્યો હતો. એવું લાગતું હતું કે, રશિયાના હાલ સોવિયત યુનિયન જેવા થશે. રૂબલનું ધોવાણ થવાનું એકમાત્ર કારણ ક્રૂડ ઓઈલના સતત નીચા જઈ રહેલા ભાવ હતા. ક્રૂડનું અર્થતંત્ર અત્યંત જટિલ છે. ક્રૂડના ભાવ નીચા જાય ત્યારે ભારત જેવા ક્રૂડની જંગી આયાત કરતા દેશને ફાયદો થાય છે પણ રશિયા જેવા અનેક દેશોનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય છે. જે ખાડી દેશોનું અર્થતંત્ર જ ક્રૂડ પર નિર્ભર છે ત્યાં ક્રૂડનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું હોવાથી ક્રૂડના ભાવ ઘટી રહ્યા હતા. આમ છતાં, અમેરિકાએ ફક્ત રશિયાનું અર્થતંત્ર ડામાડોળ કરવા પોતે પણ ક્રૂડનું જંગી ઉત્પાદન ચાલુ રાખ્યું, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધારે ઘટે અને રશિયાની સ્થિતિ વધારે ખરાબ થાય. ક્રૂડનું ઉત્પાદન કરવા અમેરિકાને ખાસ કોઈ આર્થિક નુકસાન નહોતું જતું. એને ફક્ત રશિયાને હેરાન કરવામાં રસ હતો.

વ્લાદિમીર પુતિન

હવે મહત્ત્વનો સવાલ એ છે કે, અમેરિકાને અચાનક રશિયા સામે શું વાંધો પડ્યો? વાત એમ હતી કેયુક્રેનની પૂર્વ અને ઉ. પૂર્વીય સરહદે રશિયા છે, જ્યારે દક્ષિણ પૂર્વે ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમિયા છે. સોવિયત યુનિયનના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે વર્ષ ૧૯૫૪માં કેટલાક કરારો કરીને ક્રિમિયાનો હવાલો યુક્રેનને સોંપી દીધો હતો. હાલના ક્રિમિયામાં ૫૮ ટકાથી વધારે વસતી રશિયનોની છે અને બાકીની પ્રજામાં યુક્રેનિયનો સહિતની લઘુમતીઓનો સમાવેશ થાય છે. આ લઘુમતીઓને સતત રશિયનોની દાદાગીરી સહન કરવી પડે છે. અહીં મોટા ભાગના રશિયનો ક્રિમિયાને આજેય રશિયાનો હિસ્સો મનાવવા આતુર છે. ક્રિમિયાના રશિયન સમર્થકો અને યુક્રેન સાથે જ જોડાઈ રહેવા માગતા લોકો વચ્ચે અહીં સંઘર્ષ ચાલતો રહે છે. આ સંઘર્ષ વખતે રશિયા રશિયનોની સુરક્ષાનું બહાનું આગળ ધરીને લશ્કરી કાર્યવાહી કરતું રહે છે. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૪માં તો રશિયાએ આવા બહાના આગળ ધરીને આખેઆખા ક્રિમિયા પર જ કબજો કરી લીધો. એટલું જ નહીં, રશિયન સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે યુક્રેનમાં પણ લશ્કર ખડકી દીધું. રશિયાનું કહેવું હતું કે, અમને યુક્રેનના પ્રમુખે જ તેમના દેશની કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જાળવવા વિનંતી કરી છે...

આ વાત જગત જમાદાર અમેરિકા અને યુરોપિયન દેશોથી સહન ના થઈ અને તેણે મિત્રરાષ્ટ્રો સાથે મળીને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા. અમેરિકા સ્પષ્ટપણે માને છે કે, વિશ્વના દરેક દેશમાં લોકશાહી, માનવાધિકાર અને વાણી સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોની રક્ષા કરવાનો 'હિંસક' અધિકાર ફક્ત તેને જ છે. યુક્રેન મુદ્દે રશિયાએ અમેરિકાના અહંકાર પર ઘા કર્યો હતો. એટલે અમેરિકાએ પણ ક્રૂડ ઓઈલ અર્થતંત્રના આટાપાટાનો લાભ લઈને રશિયાને થોડો સમય ધૂળ ચાટતું કરી દીધું હતું. એ અપમાન સહન કર્યા પછી રશિયાએ લાલઘૂમ થઈને ક્રૂડ ઓઈલના ભાવ સતત નીચા જવા બદલ અમેરિકાને ખુલ્લેઆમ જવાબદાર પણ ઠેરવ્યું હતું. આ દરમિયાન એવા યોગાનુયોગ સર્જાયા કે, રશિયા નામના અજગરને આળસ ખંખેરવાની બહુ મોટી તક મળી ગઈ. સૌથી પહેલી ઘટના રશિયાનું ઈજિપ્તથી સેન્ટ પિટ્સબર્ગ જઈ રહેલું પ્લેન ઈસ્લામિક સ્ટેટે તોડી પાડ્યું એ હતી. આ પ્લેન પોતે જ ફૂંકી માર્યું છે એવો ઈસ્લામિક સ્ટેટે દાવો પણ કર્યો, જે આડેધડ હુમલા કરવા રશિયા માટે બહુ મહત્ત્વનો હતો. બીજી ઘટના હતી પેરિસ પર થયેલો આતંકવાદી હુમલો, જ્યારે ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત ઈસ્લામિક સ્ટેટનો ગઢ સીરિયા છે, એ હતી.

ઈરાન અને સીરિયા છેલ્લાં ઘણાં સમયથી અમેરિકાની નીતિઓના વિરોધી રહ્યા છે. આ તકનો લાભ લઈને રશિયાએ બહુ વર્ષો પહેલાં આ બંને દેશો સાથે મજબૂત દોસ્તી કરી લીધી હતી. આ સ્થિતિ રશિયા માટે 'ભાવતું હતું અને વૈદે કહ્યું' સમાન હતી. હવે રશિયા સીરિયાના પ્રમુખ બશર અલ અસદની મંજૂરીથી ઈસ્લામિક સ્ટેટના અડ્ડા ધમરોળી રહ્યું છે. આ વાત અમેરિકા અને યુરોપિયન દેશોને ખૂંચે છે પણ પેરિસ હુમલા પછી ઈસ્લામિક સ્ટેટ એટલે કે આતંકવાદ સામેની લડાઈમાં અજાણતા જ એક નવી ધરી સર્જાઈ હોવાથી અમેરિકા સહિતના દેશો રશિયાનો સજ્જડ વિરોધ કરી શકતા નથી. રશિયા અત્યાધુનિક એરક્રાફ્ટથી ઈસ્લામિક સ્ટેટ પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ હુમલા કરી રહ્યું છે. એટલું જ નહીં, રશિયાએ ભૂમધ્ય મહાસાગરમાં સબમરિન ખડકીને મિસાઈલો પણ ઝીંકી રહ્યું છે. અમેરિકા અને યુરોપના કેટલાક દેશો કોરસ ગાન કરી રહ્યા છે કે, રશિયા ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો બોલાવવાના નામે સીરિયન પ્રમુખના વિરોધીઓને પણ ખતમ કરી રહ્યું છે. રશિયા તેના અત્યાધુનિક હથિયારો પશ્ચિમને બતાવવા આવા હુમલા કરી રહ્યું છે...

જોકે, આ બધા આરોપો વચ્ચે દ્વિતિય વિશ્વયુદ્ધ પછી પહેલીવાર વિશ્વમાં અત્યાધુનિક હથિયારોનો આટલા મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. ઈસ્લામિક સ્ટેટ સામેની કાર્યવાહીમાં રશિયાએ સમજી વિચારીને ગેંગલીડરની ભૂમિકા અપનાવી છે. સીરિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હોવાથી ખરેખર શું રંધાઈ રહ્યું છે એ પણ અમેરિકા અને યુરોપિયન દેશો કળી શકતા નથી. આમ, ઈસ્લામિક સ્ટેટ સામેની અત્યંત આક્રમક લડાઈના મૂળમાં યુક્રેન કટોકટી વખતે જે પલિતો ચંપાયો હતો એ પણ જવાબદાર છે. ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવા નીકળેલા રશિયન જેટને તૂર્કીએ તોડી પાડ્યું ત્યારે પણ રશિયાનું વલણ 'સુપરપાવર' જેવું હતું. રશિયાએ કહ્યું હતું કે, અમે કોઈ પણ સંજોગોમાં 'આ કૃત્ય કરનારાને' માફ નહીં કરીએ...

બીજી તરફ, અમેરિકાના તમામ વિરોધી અને મિત્ર રાષ્ટ્રો સાથે પણ રશિયા વ્યૂહાત્મક સંબંધ આગળ વધારી રહ્યું છે. ઈસ્લામિક સ્ટેટ સામે યુદ્ધ છેડતા પહેલાં રશિયા અણુ ઊર્જા આધારિત યોજના પૂરી કરવામાં ઈરાનને મદદ કરી ચૂક્યું હતું. એ પહેલાં આખા મધ્ય પૂર્વમાં અણુ ઊર્જા આધારિત પ્લાન્ટ ન હતો. ઈરાન સામેના અમેરિકાના આર્થિક પ્રતિબંધોનો રશિયા સતત વિરોધ કરે છે. ઈરાન, સીરિયા અમેરિકા પાસેથી નહીં પણ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યા છે. રશિયાએ ચીન, જાપાન અને કોરિયા સાથેના સંબંધોમાં પણ નવી ઊંચાઈ હાંસલ કરી છે. ચીન-રશિયાએ ક્રૂડના વેપાર માટે સાઇબેરિયન ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટ પૂરો કર્યો છે. રશિયાના સંબંધ ભારત સાથે પણ એવા જ છે, જેવા નહેરુકાળમાં હતા. આજેય સંરક્ષણથી લઈને અવકાશ ટેક્નોલોજીમાં ભારત-રશિયા પરસ્પર સહકાર આપી રહ્યા છે.

આ આખાય 'ફિલ્મી' ઘટનાક્રમોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની છે. પુતિને રશિયન જાસૂસી સંસ્થા કેજીબીમાં ૧૬ વર્ષ કામ કર્યા પછી વર્ષ ૧૯૯૧માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું. વર્ષ ૧૯૯૬માં પુતિને બોરિસ યેલત્સિન સાથે કામ શરૂ કર્યું હતું અને વર્ષ ૧૯૯૯માં યેલત્સિને અચાનક રાજીનામું આપતા તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા હતા. પુતિને સ્થાનિક સ્તરે બધા જ બળવાખોરોને ચૂપ કરીને લોકપ્રિયતા પણ હાંસલ કરી છે. આજે તેઓ રશિયાનો પર્યાય બની ગયા છે. દર થોડા દિવસે વિશ્વભરના અખબારોમાં પુતિનના છરહરા બદનની તસવીરો છપાય છે, જેમાં તેઓ જુડોના દાવ ખેલતા, જંગલમાં રઝળપાટ કરતા કે આઈસ હોકી ખેલતા નજરે પડે છે.

પુતિનની છેલ્લાં બે દાયકાની વિદેશ નીતિ પરથી એવું અનુમાન લગાવી શકાય કે, કેજીબીના પૂર્વ જાસૂસ રશિયાને 'સોવિયેત યુનિયન કાળ'નું ગૌરવ પાછું અપાવવા આતુર છે. પુતિન રશિયાને સુપરપાવર બનાવીને અંકલ સેમને પછાડીને રશિયાના મહાન નેતાથઈ જવાની છુપી મહત્ત્વાકાંક્ષા સેવતા હોય તો પણ નવાઈ નહીં.

11 December, 2015

તુ જહાં કે વાસ્તે ખુદ કો ભૂલકર અપને હી સાથ ના એસે જુલમ કર


શું તમે ક્યારેય એવું ફિલ કર્યું છે કે, શું કરવું હતું અને શું થઈ ગયું! ક્યાં જવા માગતા હતા અને ક્યાં આવી ગયા! મમ્મી-પાપાએ ફોર્સ કર્યો-મેનિપ્યુલેટ કર્યા કે ઈમોશનલ બ્લેક મેઈલિંગ કર્યા એટલે કરવું હતું એન્જિનિયરિંગ અને આવી ગયા જામેલા ફેમિલી બિઝનેસમાં! માઉન્ટેઇનિયરિંગ-ટ્રેકિંગને જ પ્રોફેશન બનાવીને એક જુદી જ દુનિયા જોવી હતી પણ આજે એવી નોકરીમાં ફસાયા છીએ કે, શહેરથી થોડે દૂર બે-ચાર દિવસ કેમ્પિંગ પણ નથી થઈ શકતું! એક સમયે સ્વિમિંગ ચેમ્પિયન બનવાના સપના આવતા હતા પણ આજે પોતાનું જ પેટ જોઈને હસવું આવે છે! એ છોકરી કે છોકરા માટે તો હું સિરિયસ નહોતો કે નહોતી અને હવે તો અમને એકબીજા વિના ચાલતુંય નથી! લાઈફ એકદમ સ્ટિરિયોટાઈપ થઈ ગઈ છે-લાઈફમાં થ્રીલ નથી રહી, પણ હવે મારી-મચડીને સંજોગો અનુકૂળ બનાવવા છે-સંજોગોને મારી તરફેણમાં કરવા છે અને પછી મનગમતું કામ કરવું છે. એક નિર્ણય 'ખોટો કે વણગમતો' લેવાઈ ગયો તો શું થઈ ગયું? જાગ્યા ત્યારથી સવાર! હજુ મોડું નથી થયું દોસ્ત... ઊઠ, જાગ અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો! બહુ ઈમોશનલ થયા વિના મંજિલ સુધી પહોંચવાના પ્રયત્નો કરતા રહો કારણ કે, સફરમાં જે મજા છે એ ત્યાં પહોંચવામાં નથી!

જો તમને જીવનમાં એકાદવાર પણ આવી મેલોડ્રામેટિક કિક વાગી હશે તો તમને ઈમ્તિયાલ અલીની બહુ વગોવાયેલી 'તમાશા' ફિલ્મ ગમશે. કેટલાક તો એટલા કમનસીબ હોય છે કે, તેમને એકેય વાર આવી કિક વાગી નથી હોતી કારણ કે, એવા લોકોમાં 'માણસ' બચ્યો જ નથી હોતો, એ લોકો ‘રોબોટ’ થઈ ગયા હોય છે. આપણે સંત-મહાત્માઓની વાત નથી કરતા પણ મારા-તમારા જેવા માણસોની વાત કરીએ છીએ. સંતો સંતોષી હોય પણ સંસારી વ્યક્તિ જ્યારે એમ કહે કે, અમને તો બધું જ સહેલાઈથી મળી ગયું છે. બસ હવે કંઈ નથી જોઈતું- તો તે બહુ નસીબદાર છે અથવા જાત સાથે છેતરપિંડી કરે છે. ખરેખર તો બધું જ મળી જાય એમાં મજા જ નથી. મજા છે રોજેરોજ નવા પડકારો ઝીલવામાં, મજા છે રોજેરોજ નવું એક્સપ્લોર કરવામાં, મજા છે એકાંતમાં જાતને એક્સપ્લોર કરવામાં, મજા છે ટોળા વચ્ચે એકાંત માણવાનું શીખવામાં, મજા છે હારીને-થાકીને-ટીકાઓથી નિરાશ થઈને-અવગણના સહન કરીને અને ભૂલો કરીને ફરી એકવાર કરોળિયાની જેમ પડીને પાછું ઊઠવામાં, મજા છે સંઘર્ષ પેશનને ફોલો કરવાના સંઘર્ષમાં, મજા છે મારે લાઈફમાં શું કરવું છે અને મને શેમાં મજા આવે છે-એવા સવાલો જાતને પૂછીને જીવનનો દિવ્ય સંતોષ મેળવવા આગળ વધતા રહેવામાં...




એટલે જ બધું સહેલાઈથી મેળવનારી વ્યક્તિને સંઘર્ષ પછીના વિજયનો આનંદ નસીબ નથી હોતોદરેક વ્યક્તિનું જીવનસંજોગોઈચ્છાઓસ્વભાવક્ષમતા અને સપનાં અલગ અલગ છે એટલે તેનું જનરલાઈઝેશન ના થઈ શકેલાઈફ ઈઝ ફૂલ ઓફ કલરફૂલ કોલાજદરેકના જીવનના કોલાજ જુદા જુદા હોય છેમાણસને પોતાના જીવનથી સંતોષ હોવો એમાં કશું ખોટું નથીપરંતુ સંતોષ હોવો અને સંજોગોને આધીન થઈ જવું એ બેમાં બહુ ફર્ક છેફરી પાછી એ જ વાતહું સંજોગોને આધીન થઈ ગયો પણ મને એનું કોઈ દુઃખ નથી હવે હું ખુશ છું એવું કહેનારા પણ મળી જાય છેજેટલા વ્યક્તિ એટલા વિચારકદાચ મોટા ભાગના લોકો આવા જ હોય છેપરંતુ કેટલાક લોકો દુનિયાથી થોડા જુદા હોય છેઆ લોકો માટે દુનિયાદારી શીખવી અને એમાં સેટ થવું અઘરું હોય છેએ લોકો પરિસ્થિતિ-સંજોગોમાં સહેલાઈથી ઢળી નથી શકતાએ લોકોનું દિલ કંઈક શોધતું હોય છેએમને કંઈક મનગમતું કામ કરવું હોય છે પણ પારિવારિક અને આર્થિક સંજોગો આડે આવે છેઆ સ્થિતિમાં તેઓ સતત અકળાય છેપોતાનો રસ્તો કાઢવા મથામણ કરે છે અને છેલ્લે કદાચ હારી જાય છેએટલે જ તો એવા લોકો પર ફિલ્મો નથી બનતીનથી એમની કહાનીઓ હોતી કે નથી ઈતિહાસમાં તેમને સ્થાન હોતુંજો આટલું સમજાયું હોત તો 'તમાશાઅવાસ્તવિક કે સપનાંની દુનિયા બતાવતી ફિલ્મ ના લાગી હોત!

ઈમ્તિયાઝ અલીની 'તમાશા' એટલે આવા જ એક વ્યક્તિના આંતરિક સંઘર્ષની કહાની. આ વ્યક્તિ એટલે ‘તમાશા’નો વેદ ઉર્ફે કપૂર ખાનદાનનો વધુ એક ધુરંધર એક્ટર રણબીર કપૂર. આ ફિલ્મની ટીકા જરા વધારે પડતી થઈ ગઈ છે. હા, એગ્રી. દરેક ફિલ્મ બધાને ના ગમે. ફિલ્મો જ નહીં, કવિતા હોય કે નવલકથા, પેઈન્ટિંગ હોય કે ફોટોગ્રાફ, સ્માર્ટફોન હોય કે વ્હિકલ- દરેકની પસંદ અલગ હોઈ શકે, પણ ‘તમાશા’ની ટીકામાં થોડા લોચા છે. એક તો તેની વાર્તા થોડી અઘરી, એક્સપિરિમેન્ટલ નેરેશન અને ફિલ્મના સંવાદોથી લઈને લિરિક્સ બધું જ સામાન્ય માણસને ઉપરથી જાય એવું. કદાચ એટલે આ ફિલ્મની વજુદ વગરની ટીકાઓ થઈ ગઈ. જેમ કે, ‘તમાશા’ વાર્તા વેદની આસપાસ ફરતી હોવા છતાં ટીકાકારો કહે છે કે, ફિલ્મમાં દીપિકા ઉર્ફે તારાએ કંઈ કરવાનું આવ્યું જ નથી. આ નોનસેન્સ દલીલ છે. ખરેખર દીપિકા એક સિમ્પલ માઈન્ડેડ, સ્માર્ટ, કરિયર ઓરિયેન્ટેડ, નો-નોનસેન્સ અને હેપ્પી ગો લકી ગર્લ છે. ફ્રાન્સના સ્ટાઈલિશ આઈલેન્ડ ટાઉન કોર્સિકામાં તારાનો પાસપોર્ટ ખોવાય છે ત્યારે તે ઘરે ફોન કરીને મદદ મેળવી લે છે, એવું બતાવ્યું એટલે સમજી જવાનું કે તારા સદ્ધર ખાનદાનની છોકરી છે. એ જલસાથી નોકરી કરે છે એટલે એવું પણ સમજી જવાનું કે, એ કરિયર ગર્લ છે, એને જે જોઈતું હતું એ મળ્યું છે અને એટલે જ્યાં નોકરી કરે છે ત્યાં ખુશ છે.

ટૂંકમાં આ ફિલ્મ વેદની છે. વેદ એટલે કે આપણા જેવા ઘણાંની છે. આપણે એક સમયે ઊલટી ખોપડીના અને સપનાંની દુનિયામાં જીવતા અલ્લડ-ફકીર જેવા કલાહૃદય ધરાવતા સંવેદનશીલ યંગ બ્લડ હતા. આપણે ફિલ્મ, મ્યુઝિક, સિંગિંગ, ડાન્સિંગ, એક્ટિંગ, લેખન અને રમતગમત જેવા શોખને જ કરિયર બનાવવું હતું. પરંતુ દર વખતે એવું શક્ય નથી હોતું. સામાજિક કે આર્થિક જવાબદારીઓ આપણને બીજે ક્યાંક ઢસડી જાય એવું બની શકે છે. પછી આપણે એ બધું સ્વીકારી લઈએ છીએ. ખુશ રહેવું હોય તો સ્થિતિ-સંજોગોને સ્વીકારતા પણ શીખવું જ જોઈએ. એમાં કશું ખોટું નથી પણ ધીમે ધીમે આપણામાંના મોટા ભાગના લોકો સંજોગોના ગુલામ બની જાય છે. આ લોકો પોતાનામાં રહેલા બાળકને સ્લો પોઈઝન આપીને ખતમ કરી નાંખે છે. પોતાની કલાદૃષ્ટિ ખતમ કરી નાંખે છે. તેમનું જીવન એટલું ફાસ્ટ, કરિયર ઓરિએન્ટેડ, પરફેક્ટ, રીધમેટિક અને રોબોટિક થઈ ગયું હોય છે કે, તેમને કશુંય ધીમું ગમતું નથી. આ પ્રકારના લોકોને કાવ્યમય કે કલાત્મક હોય એ કશું ગમતું નથી. એક સમયે પોતાની જ જાત સાથે વધુને વધુ સમય વીતાવતો માણસ રોબોટિક થઈ જાય પછી એકાંતમાં બેબાકળો થઈ જાય છે અને જાત સાથે વાત કરતા ડરે છે. જોકે, એને એવી પણ અનુભૂતિ હોતી નથી. આ લોકો એકાંતમાં કંઈ વિચારે ત્યારે બધું સમજે છે પણ બીજા દિવસની સવાર પડતા જ ફરી પાછો પલાયનવાદી થઈ જાય છે.

'ફિલ્મી' નહીં પણ વાસ્તવિક સિચ્યુએશન છે. ‘તમાશા’માં ફોલો યોર પેશનથી ઘણી ઊંચી ‘જાગી જવાની’ વાત કરાઈ છે. તારાએ વેદને નોકરી છોડવા નહીં પણ રોબોટિક લાઈફમાંથી બહાર નીકાળવા, દિલનો અવાજ સાંભળવા અને અંદર પડેલા બાળકને જગાડવા ઢંઢોળ્યો છે. પોતે જ નોકરી કરતી તારા જેવી સ્માર્ટ કરિયર ગર્લ વેદને નોકરી છોડવાનું શું કામ કહે? તારાનો હેતુ વેદને નોકરી છોડાવવાનો નહીં પણ એનામાં જીવતા થઈ ગયેલા ‘રોબોટ’ના સકંજામાંથી છોડાવવાનો હતો. એમાં નોકરી છોડવાની વાત જ નથી. વેદની નોકરી તારાના કારણે નહીં પણ પોતે ‘બાળકવેડાં’ કર્યા એમાં જતી રહે છે. બાળક બનવું અને બાળકવેડાં કરવા- એ બેમાં બહુ ફર્ક છે. એક્ચ્યુલી વેદ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ નહોતો રાખી શક્યો એટલે ‘રોબોટ’ થઈ ગયો હતો. અને હા, ‘તમાશા’ના વેદ પાસે તો એક્સ્ટ્રાઓર્ડિનરી ટેલેન્ટ હતું, બચત હતી અને પરિવાર સદ્ધર હતો એટલે નોકરી છોડ્યા પછી મુશ્કેલી ના પડી. પણ તમે છો? આવા સવાલોના જવાબ ફક્ત તમારી પાસે જ હોય. સપનાં જુઓ, ખુલ્લી આંખે જુઓ પણ પોતાની ક્ષમતા-સંજોગો શું છે એ પણ ફક્ત તમે જ જાણો છો, એ વાત યાદ રાખો. 

આ ફિલ્મનો સૌથી મોટો મેસેજ એ છે કે, પ્રોફેશનલ લાઈફ સાથે પણ થોડો સમય કાઢીને મનગમતું કામ થઈ જ શકે છે. તમે ગમે તે નોકરી કરતા હોવ કે ગમે તેવો સંઘર્ષ કરી રહ્યા હોવ- એટલિસ્ટ પોતાની સાથે વાત કરવાની ટેવ પાડો. તમારે શું જોઈએ છે અને તમે શું કરી શકો છો એ સૌથી વધારે તમને જ ખબર છે... આટલું ખબર પડ્યા પછી જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરો અને એ યાદીમાં જે છેલ્લે હોય એનો હિંમતથી ભોગ આપો. એક સાથે બે ઘોડે સવારી નહીં થઈ શકે એવી નાની નાની વાતો ઝડપથી સમજો. આપણી સામાજિક વ્યવસ્થા પૈસા સાથે જોડાયેલી હોવાથી કલાકાર બનવા જ માતા-પિતા અને સમાજ સાથે સંઘર્ષ કરવો પડે છે. મારે કમ્પ્યુટર સાયન્સ નથી કરવું પણ ડોક્ટર બનવું છે- એવો વિકલ્પ પસંદ કરતી વખતે પેલો સંઘર્ષ નથી કરવો પડતો, પણ જ્યારે એમ કહેવામાં આવે કે, મારે ગિટારિસ્ટ બનવું છે કે ડાન્સર બનવું છે ત્યારે મામલો ગૂંચવાય છે. એટલે એક વાત યાદ રાખો કે, હોબીને કરિયર બનાવવાનું ડિસિઝન દર વખતે પ્રેક્ટિકલ નથી હોતું. પ્રોફેશનલ લાઈફ સાથે હોબી એન્જોય કરી જ શકાય છે. પેટ ભરેલું હશે તો જ કળાત્મક વિચારો આવશે, નહીં તો થાકી જશો. પ્રોફેશનલ લાઈફ તમારી હોબીને અનુકૂળ હશે તો કદાચ ઉત્તમ ગઝલકાર, સિંગર કે ફોટોગ્રાફર પણ બની શકશો, નહીં તો હારી જશો.

બીજી એક જરૂરી વાત. એવું ના વિચારો કે બધો જ ખેલ પૈસાનો છે. ખરો ખેલ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવાની કળામાં છે. આ બંને લાઈફ વચ્ચે તમારે જ બેલેન્સ રાખવાનું છે, બાજુવાળાએ નહીં. પણ કેવી રીતે? એ ફક્ત તમે જાણો છો. પ્રોફેશનલ લાઈફ સાથે પણ પોતાનામાં પડેલા ‘બાળપણને જીવવું’ એ બહુ મોટી કળા છે. તમારો પરિવાર તમારો દુશ્મન નથી એમને કન્વિન્સ કરો. ના થાય તો સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ ના બનો પણ સંજોગો સામે લડો અને સંજોગો અનુકૂળ કરવા ધીરજ રાખીને મહેનત કરો. ઘર છોડો તો વિજેતા બનવાની હિંમત રાખો અથવા જ્યાં છો ત્યાં ખુશખુશાલ રહેતા પણ શીખો. તમારા માતા-પિતા, પાર્ટનર, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ, હસબન્ડ-વાઈફ અને દોસ્તોને પણ તમારા પાસેથી કંઈક જોઈએ છે એટલે એમને પણ શાંતિથી અને બાળક જેવી નિર્દોષતાથી સાંભળો. આ બેલેન્સ રાખશો તો તમારામાં રહેલો બાળક જીવતો રહેશે એ નક્કી.

‘તમાશા’ના ક્લાઈમેક્સને પણ બોગસ ગણાવાઈ રહ્યો છે પણ ખરેખર સાવ એવું નથી. એ સીનમાં 'નાના બાળક' જેવો વેદ તારાનો આભાર કેવી રીતે માને, એ પણ ઈમ્તિયાઝ અલીએ વેદની જેમ વિચારીને કર્યું છે. તારા સ્ટેજ પર આવીને વેદને હગ નથી કરતી, પણ વેદ સ્ટેજ પરથી જ તારાને દંડવત્ પ્રણામ કરે છે. વેદ પોતાને 'જીવતો' કરવા બદલ તારાને નહીં પણ એક સ્ત્રીની શક્તિને પ્રણામ કરે છે. એક્ચ્યુલી રણબીર કપૂર આવી જ રીતે સ્ટેજ પર દીપિકાને જાહેરમાં પગે લાગી ચૂક્યો છે. યાદ છે ને?

અને છેલ્લે. ‘તમાશા’ને તેડું ના હોય. શું કહો છો? ;) 

07 December, 2015

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે


આજ મૈં વારિસ શાહ સે કહતી હું અપની કબ્ર મેં સે બોલો
ઔર ઈશ્ક કી કિતાબ કા, કોઈ નયા પૃષ્ઠ ખોલો
પંજાબ કી એક બેટી રોઈ થી, તુને એક લંબી દાસ્તાન લિખી
આજ લાખો બેટિયા રો રહી હૈ, વારિસ શાહ તુમસે કહ રહી હું
એ દર્દમંદો કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશો સે અટા પડા હૈ, ચિનાબ લહુ સે ભરી પડી હૈ
કિસી ને પાંચો દરિયા મેં, એક ઝહર મિલા દિયા હૈ
ઔર યહી પાની, ધરતી કો સિંચને લગા હૈ
ઈસ જરખેજ ધરતી સે, ઝહર ફૂટ નિકલા હૈ
દેખો સુર્ખી કહાં તક આ પહુંચી, ઔર કહર કહાં તક આ પહુંચા
ફિર ઝહરીલી હવા ઈન જંગલો મેં ચલને લગી
ઉસમેં હર બાંસ કી બાંસુરી, જેસે એક નાગ બના દી
નાગો ને લોગો કે હોઠ ડંસ લિયે, ઔર ડંખ બઢતે ચલે ગયે
ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
હર ગલે સે ગીત ટૂટ ગયા, હર ચરખે કા ધાગા છૂટ ગયા
સહેલિયાં એકદૂસરે સે છૂટ ગઈ
ચરખો કી મહેફિલ વીરાન હો ગઈ
મલ્લાહોં ને સારી કશ્તિયાં, સેજ કે સાથ હી બહા દી
પીપલો ને સારી પેંગે, ટહનિયો કે સાથ તોડ દીં
જહાં પ્યાર કે નગ્મે ગૂંજતે થે, વહ બાંસુરી જાને કહાં ખો ગઈ
ઔર રાંઝે કે સબ ભાઈ, બાંસુરી બજાના ભૂલ ગયે
ધરતી પર લહૂ બરસા, કબ્રેં ટપકને લગી
ઔર પ્રીત કી શહજાદિયાં, મજારો મેં રોને લગી
આજ સબ કૈદો બન ગયે, હુસ્ન ઈશ્ક કે ચોર, મૈં કહાં સે ઢૂંઢ લાઉં
એક વારિસ શાહ ઔર...

હૃદય ચીરી નાંખતા આ શબ્દો વિખ્યાત પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના છે. વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા થયા ત્યારે પંજાબના પણ ભાગલા થયા, અને એ વખતની દર્દનાક સ્થિતિ જોઈને અમૃતા પ્રીતમે ચિશ્તી પરંપરાના પંજાબી સૂફી કવિ પીર સૈયદ વારિસ શાહને સંબોધીને આ અપીલ કરી હતી. વારિસ શાહ અઢારમી સદીમાં પંજાબી લોકસાહિત્યની લોકપ્રિય લવ-ટ્રેજેડી હીર-રાંઝાના આધારે કાવ્યાત્મક વાર્તા લખીને અમર થઈ ગયા. આમ તો આ કવિતા ભાગલાના દર્દમાંથી જન્મી છે પણ અત્યારના પંજાબની સ્થિતિ જોઈને પણ આ કાવ્યાત્મક શબ્દો યાદ આવી રહ્યા છે.


પંજાબના બળતા ખેતરોની નાસાએ જારી કરેલી તસવીર

થોડા દિવસ પહેલાં જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ધુમાડામાં લપેટાયેલા ઉત્તર ભારતની તસવીરો પ્રસિદ્ધ કરી હતી. એક સમયે આખા દેશની હરિયાળી ક્રાંતિનું પ્રતીક ગણાતું પંજાબ આજે આવી વગર વિચાર્યે કરેલી 'ક્રાંતિ'ના કારણે જ આ મુશ્કેલીમાં સપડાયું છે. આ મુશ્કેલીના મૂળ કેટલા ઊંડા છે એ સમજવા જેવું છે. વર્ષ ૧૯૫૩થી ભારત સરકારે જંગી ઉત્પાદન આપતા હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું હતું. એ વખતે પંજાબના ખેડૂતોએ હાઈબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો. આ બિયારણોનો પંજાબ સહિત દેશમાં જ્યાં પણ ઉપયોગ થયો ત્યાં કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. હવે ખેડૂતો પૈસાદાર થઈ રહ્યા હતા અને ખુશ હતા. જોકે, આ ખુશી બહુ લાંબુ ના ટકી અને ખેડૂતોએ અમેરિકન બોલવોર્મ નામના દુશ્મનનો સામનો કરવાનો આવ્યો. અમેરિકન બોલવોર્મ કપાસમાં થતી ફૂદ્દા જેવી જીવાત છે, જેને ખેડૂતો સફેદ માખી તરીકે ઓળખે છે. નેવુંના દાયકાથી આ જીવાતના કારણે પંજાબમાં કપાસના પાકની બરબાદી વધવા લાગી. જોકે, થોડા સમય પછી આ માખીની જનીનિક સિસ્ટમે જંતુનાશકોનો સામનો કરવાનું શીખી લીધું હતું. પરિણામે તેના પર લાખો ટન જંતુનાશકોની પણ કોઈ જ અસર થતી નહોતી અને જમીન વધુને વધુ ઝેરી થઇ રહી હતી.

હાઈબ્રિડ બિયારણોના ઉપયોગ પહેલાં કપાસમાં થતી જીવાતો આટલી ખાઉધરી અને બેકાબૂ નહોતી. એ પહેલાં પણ પાક પર જીવાત હુમલા કરતી જ હતી, પણ ખેડૂતો માટે ય ઘણું બધું બચતું હતું. અમેરિકન બોલવોર્મે પંજાબમાં કપાસના પાકને ખદેડવાનું ચાલુ કર્યું એ પછી રાજ્ય સરકારે ખરીદીની ખાતરી અને ટેકાના ભાવની જાહેરાતો કરીને ત્યાંની જમીનમાં 'એલિયન' કહેવાય એવો ડાંગરનો પાક લેવા ખેડૂતોને લલચાવ્યા. ખેડૂતો તો આમ પણ કપાસના પાકની બરબાદીથી કંટાળ્યા હતા એટલે તેમણે ડાંગરનો પાક લેવાનું શરૂ કર્યું. અહીં કપાસનો પાક કુદરતી રીતે જ વધારે થતો હતો પણ ડાંગર અહીંની ઈકોલોજી (પરિસ્થિતિવિજ્ઞાન) માટે નવો પાક હતો. ડાંગરને કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી વધારે જોઈતું હતું. કપાસનો પાક તો કેનાલના પાણીથી પણ લઈ શકાતો હતો પણ ડાંગર 'પિયક્કડ' હતી. એટલે ખેડૂતોએ ટ્યૂબ વેલોથી જમીનનું પાણી બેફામ ખેંચવાનું ચાલુ કર્યું. અત્યારે પણ દેશભરમાં જમીન નીચે પાણીનું સૌથી વધારે ઊંડું સ્તર (ઓછામાં ઓછા ૮૦ ફૂટથી વધુમાં વધુ ૫૦૦ ફૂટ) પંજાબમાં છે. ૨૯મી નવેમ્બર, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં પંજાબ સરકાર અને રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તમે ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા માટે પ્રોત્સાહિત કરો કારણ કે, જમીન નીચેના પાણીનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે.

આખરે ખેડૂતો ખેતરો બાળે છે કેમ એ સમજવા આટલું જાણવું જરૂરી હતું. હવે વાંચો આગળ. પહેલાં ઓછા ખર્ચે કપાસનો પાક લેવાતો અને ખેડૂતો નફો કરતા, પરંતુ ડાંગરનો પાક લેવા સિંચાઈ, ખાતર અને જંતુનાશકો સહિતનો ખર્ચ વધારે થાય છે. ખેડૂતોના બજેટ પર ચોખા બજારના નકારાત્મક પરિબળો પણ હાવી રહે છે. આ સ્થિતિમાં ડાંગરનો પાક લેતા ખેડૂતોની નફાકારકતા ઘટી રહી હોવાથી તેઓ ખરીફ પાક લેતા ખેતરોનું નીંદણ બાળી નાંખે છે. હાલ પંજાબમાં જ્યાં પણ ખેડૂતો ખેતરો બાળીને છેક દિલ્હી સુધી પ્રદૂષણ કરી રહ્યા છે, એ મોટા ભાગે ડાંગરનું નીંદણ બાળવાથી થયેલું છે. ખેડૂતોના આ પગલાં પાછળ 'ડાંગરનું આગવું અર્થતંત્ર' જવાબદાર છે, એ વાત ઉદાહરણથી સમજીએ.

જેમ કે, હરિયાળી ક્રાંતિમાં કમાયેલા અને પૂર્વજોની મસમોટી જમીન ધરાવતા અનેક જમીનદાર ખેડૂતો ડાંગરનો પાક લેવામાં નિષ્ણાત હોય એવા ખેડૂતોને પોતાની જમીન પ્રતિ એકર ભાડાપટ્ટે આપે છે. ધારો કે, મોટા ખેડૂતે પ્રતિ એકર ભાડું રૂ. ૪૫ હજાર નક્કી કર્યું છે. હવે નાનો ખેડૂત કે ભાગીદાર બાસમતી ચોખાનો પાક લેવા પ્રતિ એકર બીજા રૂ. ૧૦ હજાર ખર્ચે છે. જે તે વર્ષે બાસમતીનો બજાર ભાવ ઓછો હોય તો પણ પ્રતિ એકર રૂ. ૩૦-૩૫ હજાર મળી જાય છે. આ કમાણીમાંથી પણ જેની પાસે જમીન નથી એ ખેડૂતે પ્રતિ એકર રૂ. ૨૫ હજાર જેટલી બચત કરવાની છે કારણ કે, ડાંગરનો પાક લેવાઈ જાય પછી એણે ઘઉં વાવીને ગુજરાન ચલાવવાનું છે. આ સ્થિતિમાં નીંદણને ફરી જમીનમાં દાટીને જમીન વધુ ફળદ્રુપ બનાવી શકાય છે. જોકે, ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોય તો પણ આવું નથી કરતો કારણ કે, નીંદણને પાછું જમીનમાં દાટવા પ્રતિ એકર રૂ. પાંચેક હજારનો ખર્ચ આવે છે. જો ખેડૂતે જમીન ભાડા પટ્ટે લીધી હોય તો તેણે જમીન ખોદવા ટ્રેક્ટર ભાડે લેવું પડે છે અને નીંદણ જમીનમાં દાટવા મજૂરી ચૂકવવી પડે છે. એટલે ખેડૂતો બચત કરવા આખેઆખું ખેતર જ બાળી નાંખે છે. ભલે પછી દિલ્હીમાં ગમે એટલા લોકો શ્વાસોચ્છવાસના રોગોથી મરે કે આખો તાજમહેલ કાળો થઈ જાય. આ બાબતોની ખેડૂતો પરવા કરતા નથી. 

પહેલાં હાઈબ્રિડ કપાસ અને પછી ડાંગરનો પાક અવૈજ્ઞાનિક રીતે લેવાથી પંજાબની ઈકોલોજીમાં ભંગાણ પડી ચૂક્યું છે. પંજાબ જ નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વત્તેઓછે અંશે આવી  રીતે ખેતરો બાળવાનું ચાલુ છે. ખેતરો બાળવાનું અટકે એ માટે રાજ્ય સરકારો છ મહિનાની જેલથી લઈને દંડ ફટકારવાના નિયમો બનાવી ચૂકી છે, જેની ખાસ કોઈ અસર થઈ નથી. આ બરબાદી અહીં અટકી નથી પણ કદાચ વધારે ભયાવહ્ રીતે શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં ભારત  સરકારે બીટી કોટન બિયારણોને મંજૂરી આપી. હાઈબ્રિડ બિયારણોથી અમેરિકન બોલવોર્મ બેકાબૂ બની એટલે ડાંગરનો પાક લેવાનું શરૂ કરાયું, ડાંગરથી ઈકોલોજી ખોરવાઈ એટલે આવ્યા બીટી કોટન બિયારણો. સ્વાભાવિક રીતે જ ડાંગરથી કંટાળેલા ખેડૂતોએ કપાસમાંથી નફો કરવાની લાલચે બીટી કોટન હોંશેહોંશે અપનાવ્યા. મોન્સાન્ટો કંપનીએ અમેરિકન બોલવોર્મને મારવાનું ઝેર વનસ્પતિ પોતે જ પેદા કરે એવા બિયારણો વિકસાવ્યા હતા. એટલે કે, આ બિયારણોમાંથી જીવાત પોષણ મેળવે એવા જ તેના રામ રમી જાય. મોન્સાન્ટોનો દાવો હતો કે, આ બિયારણો જોરદાર ઉત્પાદન કરશે અને જીવાતને મારવા જે ઝેર ઉત્પન્ન કરે છે તેનાથી આપણને બીજું કોઈ નુકસાન નથી. જોકે, એવું કશું થયું નહીં.

ઊલટાનું હાઈબ્રિડ બિયારણોમાં જીવાત પડવાથી જંતુનાશકોનો તેમજ ડાંગરનું ઉત્પાદન વધારવા કરેલા રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી પંજાબના જમીન-હવા-પાણી 'કાળા અને નીલા' પડી ગયા છે. હવે બીટી કોટન બિયારણોમાં પણ અમેરિકન બોલવોર્મ ત્રાટકે છે અને પાક બરબાદ થઈ જાય છે.  આ 'વિષચક્ર'ના કારણે જ અત્યારે દેશમાં કેન્સરના સૌથી વધારે દર્દીઓ પંજાબમાં છે. દેશમાં કપાસ પકવતા સૌથી મોટા ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સરેરાશ ૯૦ ટકા ઉત્પાદનમાં બીટી કોટન બિયારણોનો ઉપયોગ થયો છે. ખોટા નિર્ણયોએ પંજાબના સામાજિક, આર્થિક અને આરોગ્ય માળખા પર ઊંડો ઘા કર્યો છે. જો હવેની સરકારો બિયારણો અને જંતુનાશકોના ઉપયોગમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ નહીં વધે તો કદાચ પંજાબની જેમ આખો દેશ કલ્પના બહારની મુશ્કેલીઓનો સામનો કરશે. 

હરિયાળી ક્રાંતિમાં આપણે સિંચાઈ, ટપક સિંચાઈ, જમીન સુધારા, કૃષિ લોન, કૃષિને લગતા વિવિધ ખાતાનું એકીકરણ, ટેક્નોલોજી પર પણ ભાર મૂક્યો હતો. આપણે હજુયે આ દિશામાં વધુ સારી રીતે આગળ  વધી શકીએ છીએ અને એવું કરવું એ પંજાબ જ નહીં આખા દેશના હિતમાં છે.