30 October, 2014

બ્લુ એલઈડીને નોબલઃ વિવાદ અને વાસ્તવિકતા


નોબલ પુરસ્કારને લઈને થયેલા મોટા ભાગના વિવાદ વિશ્વશાંતિ માટે અપાયેલા કે નહીં અપાયેલા નોબલને લઈને થયા છે, પણ આ વર્ષે ભૌતિકશાસ્ત્ર માટે અપાયેલા નોબલ પુરસ્કારને લઈને વિવાદ સર્જાયો છે. ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મોટા ભાગે બ્રહ્માંડના રહસ્યો પર પ્રકાશ પાડનારા વિજ્ઞાનીઓને અપાયો છે. આ વખતે તેનાથી ઊલટું સાચુકલો પ્રકાશશોધનારા સંશોધકોને નોબલ પુરસ્કાર અપાયો છે. જાપાનની મેઈજો યુનિવર્સિટીના સંશોધક ઈસામુ આકાસાકી, નાગોયા યુનિવર્સિટીના સંશોધક હિરોશી અમાનો તેમજ કેલિફોર્નિયા યુનિવર્સિટીના જાપાનીઝ સંશોધક શૂજી નાકુમારાને બ્લુ એલઈડીનું સર્જન કરવા બદલ સંયુક્ત ધોરણે ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અપાયો છે. બ્લુ એલઈડીનું સર્જન ઊર્જા ક્ષેત્ર માટે ક્રાંતિકારી હોવાથી નોબલ સમિતિએ યોગ્ય રીતે જ તેના સર્જકોને નોબલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તો પછી વિવાદ કેમ સર્જાયો? આ નાનકડા સવાલનો જવાબ મેળવતા પહેલાં નોબલ સમિતિએ બ્લુ એલઈડીની શોધને નોબલ પુરસ્કારને લાયક કેમ ગણી એ જાણીએ.

બ્લુ એલઈડીને નોબલ પુરસ્કાર કેમ?

વર્ષ ૧૯૬૦-૭૦માં એન્જિનિયરોએ રેડ અને ગ્રીન એલઈડી વિકસાવી લીધી હતી, પરંતુ બ્લુ એલઈડી માટે અત્યંત જરૂરી એવું ગેલિયમ નાઈટ્રાઈડ નામનું રસાયણ વિકસાવવું માથાનો દુખાવો બની ગયું હતું. આ શોધના ત્રીસ વર્ષ પછી એંશીના દાયકામાં જાપાનના નોબલ પુરસ્કાર વિજેતા ત્રણેય વિજ્ઞાનીઓએ બ્લુ એલઈડી માટે જરૂરી ઉચ્ચ ગુણવત્તાવાળું ગેલિયમ નાઈટ્રાઈડ વિકસાવી લીધું હતું. અત્યારે પણ તેઓ બ્લુ એલઈડીને વધુ અસરકારક બનાવવાના સંશોધનોમાં વ્યસ્ત છે. આજના ફ્લેટ પેનલ ટેલિવિઝન, સ્માર્ટફોન અને કમ્પ્યુટર સ્ક્રીન તેમજ નેટવર્કિંગ, ડેટા સ્ટોરેજ અને ડેટા ટ્રાન્સમિશનનો યુગ પણ બ્લુ એલઈડીની શોધ સાથે શરૂ થઈ ગયો હતો. ઈસામુ આકાસાકી, હિરોશી અમાનો અને શૂજી નાકુમારાએ બ્લુ એલઈડીમાં ફ્લુરોસન્ટ કેમિકલની મદદથી વ્હાઈટ એલઈડીનું સર્જન પણ શક્ય બનાવ્યું છે. વ્હાઈટ એલઈડી ઊર્જાની બચતનો રામબાણ ઉપાય છે. ખેર, વર્ષ ૧૯૬૯માં હર્બર્ટ મારુસ્કા અને તેમની ટીમે બ્લુ એલઈડી વિકસાવી લીધી હતી, પરંતુ તેનો વ્યવહારુ ઉપયોગ શક્ય ન હતો.

શૂજી નાકુમારા, ઈસામુ આકાસાકી અને હિરોશી અમાનો 

સામાન્ય ભાષામાં લાઈટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી એક સેમીકન્ડક્ટર (અર્ધવાહક) છે, જેને એક્ટિવેટ કરવાથી તે પ્રકાશ ફેંકે છે. એલઈડી પરંપરાગત બલ્બ જ નહીં, કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ (સીએફએલ) કરતા પણ ઘણી ઓછી ઊર્જામાં વધુ પ્રકાશ આપે છે. એક સામાન્ય એલઈડી બલ્બ પ્રતિ વૉટ ૮૩ લ્યુમેન્સ (નરી આંખે જોઈ શકાય એવા પ્રકાશને માપવાનો એકમ)નું સર્જન કરે છે, જ્યારે સીએફએલ બલ્બ પ્રતિ વૉટ ૬૭ અને પરંપરાગત બલ્બ પ્રતિ વૉટ ફક્ત ૧૬ લ્યુમેન્સનું સર્જન કરી શકે છે. એલઈડીમાં સેમીકન્ડક્ટર (અર્ધવાહક)ની મદદથી વીજપ્રવાહ પસાર કરીને પ્રકાશ સર્જી શકાય છે, જ્યારે પરંપરાગત બલ્બમાં વાયરોના તાંતણામાં ગરમી પેદા કરીને પ્રકાશ મેળવાય છે. આ પ્રક્રિયામાં ઘણી ઊર્જાનો વ્યય થાય છે અને પ્રકાશ પણ ઓછો મળે છે.

અત્યાધુનિક એલઈડી બલ્બ જેટલી વીજળીનો ઉપયોગ કરે છે તેના પચાસ ટકા વીજળી પ્રકાશમાં પરિવર્તિત કરી શકે છે, જ્યારે સામાન્ય બલ્બ ફક્ત ચાર ટકા વીજળીને પ્રકાશમાં ફેરવી શકે છે. એલઈડીનું આયુષ્ય સામાન્ય બલ્બ કરતા ૩૦ ગણું વધારે હોય છે. એલઈડી બલ્બ બનાવતી કેટલીક કંપનીઓ તો તેમના બલ્બનું આયુષ્ય ૨૫ હજાર કલાક હોવાનો પણ દાવો કરે છે. એનો અર્થ એ થયો કે, એલઈડી બલ્બને રોજ ચારેક કલાક બાળવામાં આવે તો પણ ૧૭ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. બ્લુ એલઈડીની શોધ ઊર્જા કટોકટીશબ્દનું નામોનિશાન મિટાવી દેવા સક્ષમ હોવાથી નોબલ સમિતિએ ત્રણેય સંશોધકોને નોબલ પુરસ્કારને લાયક ગણ્યા છે.

બ્લુ એલઈડીના પહેલાં શોધકની કથની

અમેરિકાની ટેલિવિઝન જાયન્ટ કંપની આરસીએ (RCA)ના સ્થાપક અને સીઈઓ ડેવિડ સાર્નોફ વર્ષ ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન કલર ટેલિવિઝનની ભારેખમ ટયૂબનો કોઈ વિકલ્પ શોધી રહ્યા હતા. આ માટે તેમને કોઈ સેમીકન્ડક્ટર (વિદ્યુતના વાહક અને અવાહક વચ્ચે વિદ્યુતના અર્ધવાહક તરીકે કામ કરતું તત્ત્વ)ની જરૂર હતી. જેમ કે, ગેલિયમ આર્સેનિકની મદદથી રેડ એલઈડી અને ગેલિયમ ફોસ્ફાઈડની મદદથી ગ્રીન એલઈડી વિકસાવાઈ હતી, પરંતુ બ્લુ એલઈડી માટે લાયક તત્ત્વ કયું હોઈ શકે એ કોયડો હતો. આ દરમિયાન વર્ષ ૧૯૬૮માં ડેવિડ સાર્નોફે ભારેખમ બજેટ આપીને જેમ્સ તિજેન નામના રસાયણશાસ્ત્રીની આગેવાનીમાં બ્લુ એલઈડી વિકસાવવાની યોજના શરૂ કરાવી.

હર્બર્ટ મારુસ્કા યુવાનીના દિવસોમાં

હર્બર્ટ મારુસ્કાએ વિકસાવેલી પ્રથમ બ્લુ એલઈડી 

તિજેને હર્બર્ટ મારુસ્કા નામના એક યુવા એન્જિનિયરને સેમીકન્ડક્ટર તરીકે ગેલિયમ આર્સેનાઈડના બદલે ગેલિયમ નાઈટ્રાઈડનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું. એન્જિનિયરો જાણતા હતા કે, ગેલિયમ નાઈટ્રાઈડની મદદથી ખૂબ સારી બ્લુ લાઈટનું સર્જન કરી શકાય છે, પરંતુ આ જ્ઞાન ફક્ત થિયોરેટિકલ હતું. મારુસ્કાએ નવેમ્બર, ૧૯૬૯માં ગેલિયમ નાઈટ્રાઈડમાંથી કેવી રીતે પ્રકાશ પેદા કરી શકાય એ સમજી લીધું. એ જ વર્ષે મારુસ્કા અને તિજેને હાઉ ટુ ગ્લો ગેલિયમ નાઈટ્રાઈડ ક્રિસ્ટલ્સનામે સંયુક્ત રીતે એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું હતું. ડિવાઈસ બનાવવા માટે એનટાઈપ (નેગેટિવ) અને પી’ (પોઝિટિવ) ટાઈપ ગેલિયમ નાઈટ્રાઈડ બનાવીને પીએન (પોઝિટિવ-નેગેટિવ) જંક્શનબનાવવું જરૂરી હતું, પરંતુ એન્જિનિયરો પીટાઈપ ગેલિયમ નાઈટ્રાઈડ બનાવી શકતા ન હતા.

આ મુશ્કેલીને દૂર કરવા બ્લુ એલઈડી પ્રોજેક્ટમાં ભૌતિકશાસ્ત્રી જેક્સ પાન્કોવ અને રસાયણશાસ્ત્રી એડવર્ડ મિલર પણ સામેલ થયા. જોકે, તેઓ પણ પીટાઈપ ગેલિયમ નાઈટ્રાઈડ બનાવી ના શક્યા. છેવટે વર્ષ ૧૯૭૧માં બ્લુ એલઈડીનું સંશોધન પડતું મૂકીને મારુસ્કાએ એ પછીના વર્ષે જ બીજી એક પદ્ધતિથી બ્લુ એલઈડી વિકસાવી, પરંતુ પીએન જંક્શનવિનાની બ્લુ એલઈડીથી ડિવાઈસ બનાવવા શક્ય ન હતા. આ એલઈડીથી પૂરતો પ્રકાશ પણ મેળવી શકાતો નહતો. આમ છતાં, પહેલી બ્લુ એલઈડી વિકસાવવાનું શ્રેય હર્બર્ટ મારુસ્કાને જ અપાય છે. વર્ષ ૧૯૭૪માં આરસીએ દ્વારા બ્લુ એલઈડી પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દેવાયો. એ જ વર્ષે અમેરિકન પેટન્ટ ઓફિસે બ્લુ એલઈડીને લગતી પેટન્ટ મારુસ્કા અને અન્ય બે વિજ્ઞાનીના નામે નોંધી લીધી હતી. આજે પણ કોલેજ ઓફ ન્યૂજર્સીના સાર્નોફ કલેક્શનમાં મારુસ્કાએ બનાવેલી બ્લુ એલઈડી પ્રદર્શનમાં મૂકાઈ છે.

વિવાદોને સમર્થન ના મળ્યું

બ્લુ એલઈડી વિકસાવવા બદલ જાપાનના ત્રણ સંશોધકોનો નોબલ અપાયું ત્યારે અમેરિકામાં ચણભણ શરૂ થઈ હતી કે, આજની બ્લુ એલઈડી વિકસાવવા પાછળ અમેરિકાના વિજ્ઞાનીઓનું જે પ્રદાન છે એ ભૂલાઈ ગયું છે. અમેરિકાના કેટલાક જાણીતા અખબારોએ તો અમેરિકાએ જાપાનીઝ નોબલ માટે કેવી રીતે માર્ગ કરી આપ્યો એવા શીર્ષકો સાથેના અહેવાલો પણ છાપ્યા હતા. જોકે, આ બધા વાદવિવાદ વચ્ચે બ્લુ એલઈડીના પહેલાં શોધક હર્બટ મારુસ્કાએ જ ત્રણેય જાપાનીઝ સંશોધકો નોબલ પુરસ્કારને લાયક છે એ મતબલની વાત કરીને આ વિવાદનો ફૂગ્ગો ફૂલે એ પહેલાં જ તેમાંથી હવા કાઢી નાંખી.

ભૌતિકશાસ્ત્રના નોબલ વિજેતાઓની વાત સાંભળ્યા પછી મારુસ્કાએ કહ્યું હતું કે, ‘‘આ ત્રણેય સંશોધકો નોબલને લાયક છે. હું લોકોને ફક્ત એટલું જ કહેવા માગુ છું કે, એન્જિનિયરોએ વરાળ એન્જિન પર આશરે ૧૦૦ વર્ષ કામ કર્યું. એના શોધક તરીકે આપણે ફક્ત એકનું નામ આપી શકીએ નહીં. જેમ્સ વાટે આ પદ્ધતિ બતાવી નહોતી ત્યાં સુધી આ શક્ય ન હતું. બ્લુ એલઈડીના સંશોધકોએ પણ થાક્યા વિના આ કામ પાર પાડયું છે અને તેઓ નોબલને લાયક છે.’’

નિક હોલોનયાક 

આ વિવાદનું તો બ્લુ એલઈડીના પહેલાં શોધકે જ સમર્થન ના કર્યું, પરંતુ વર્ષ ૧૯૬૨માં રેડ એલઈડી વિકસાવનારા અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના નિવૃત્ત પ્રો. નિક હોલોનયાકે ભૌતિકશાસ્ત્રના નોબલ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો છે. હોલોનયાકે જનરલ ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરતી વખતે રેડ એલઈડી વિકસાવી હતી. તેમનું માનવું છે કે, અમારી ટીમે વિકસાવેલી પહેલી વિઝિબલ એલઈડી અને બ્લુ એલઈડીના કામને જુદું ના પાડી શકાય. આમ કરીને નોબલ સમિતિએ મારું અપમાન કર્યું છે... નોબલ સમિતિએ ત્રણેય જાપાનીઝ સંશોધકોને નોબલ આપતી વખતે ૧૯મી સદીમાં બલ્બ શોધનારા થોમસ આલ્વા એડિસનથી લઈને હોલોનયાક સહિતના સંશોધકોની નોંધ લીધી હતી, પરંતુ હોલોનયાકને તેનાથી સંતોષ નથી.

જોકે, જાપાનના ત્રણેય સંશોધકોએ બ્લુ એલઈડી વિકસાવવાનું લગભગ અશક્ય (રેડ અને ગ્રીન એલઈડીની સરખામણીમાં) કામ પાર પાડયું હોવાથી હોલોનયાકને વિજ્ઞાનજગતનું સમર્થન મળ્યું નથી. નોબલ સમિતિ નોબલ પુરસ્કાર વિજેતા નક્કી કરતી વખતે જે તે શોધ કે કામની વૈશ્વિક અસરો પર ખાસ નજર રાખે છે. આ પુરસ્કાર જાહેર કરતી વખતે નોબલ સમિતિએ નોંધ્યું હતું કે, આ શોધથી વીજળી વિના જીવતા વિશ્વના દોઢ અબજ લોકોને ઈલેક્ટ્રિસિટી ગ્રીડ વિના વીજળી પહોંચાડી શકાય એમ છે. ઓછા પ્રકાશની જરૂર છે એવા પછાત-અંતરિયળ વિસ્તારોમાં તે સૌર ઊર્જાથી પણ ચલાવી શકાય છે.

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે બ્લુ એલઈડી અને તેને પગલે વ્હાઈટ એલઈડી વિકસાવવી શક્ય બની હોવાથી નોબલ સમિતિએ આ કામને નોબલ પુરસ્કારને લાયક ગણ્યું છે.

22 October, 2014

બાળમજૂરી માટે નોબલઃ પુરસ્કાર કે વેકઅપ કૉલ?


'ભારતને શાંતિનું નોબલ' અને 'બાળમજૂરી સામે વણથંભ્યા કામ'ના ઉજવણાં વચ્ચે કૈલાશ સત્યાર્થીએ પોતાને ઘેરી વળેલા ટેલિવિઝન કેમેરા સામે બાળમજૂરી અને બાળવેપાર (ચાઈલ્ડ ટ્રાફિકિંગ)ના દુષ્ચક્રમાં ફસાયેલા બાળકોને યાદ કરતા કહ્યું હતું કે, ''જ્યારે તમે મારી તસવીરો ક્લિક કરવા ભેગા થયા છો, મારી બાઈટ લઈ રહ્યા છો, ત્યારે પણ હું એ બાળકોને જ યાદ કરવા માગુ છું જે હજુ પોતાના પરિવારો માટે કામ કરી રહ્યા છે, કોઈ ખાણમાં પથ્થરો તોડી રહ્યા છે અથવા ભઠ્ઠીમાંથી ગરમ ઈંટો લાવી રહ્યા છે. કારણ કે, તેઓ હજુયે ઈનવિઝિબલ અને અનનોટિસ્ડ રહેશે...'' શું નોબલ પુરસ્કારની ઉજવણીના ઘોંઘાટમાં સત્યાર્થીને એવો ડર લાગ્યો હશે કે, હવે તેમની 'નોબલ પ્રાઈઝ વિનર'ની ઝળહળતી છબિ પાછળ બાળમજૂરીનો વિકરાળ પ્રશ્ન અંધારામાં રહી જશે!

ભારતને શાંતિનું નોબલ જાહેર થયા પછી સત્યાર્થી સહિતના લાખો લોકોના મનમાં આશા જાગી છે કે, હવે ભારતમાં બાળકોના હક્કોનો મુદ્દો પ્રકાશમાં આવશે. સરકારને અને લોકોને તેનું મહત્ત્વ સમજાશે. સત્યાર્થી પણ માને છે કે, આ દિશામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને નોબલ પુરસ્કારથી વિશ્વભરમાં અને દેશમાં બાળમજૂરી અને બાળશોષણ સામે લડી રહેલા કર્મશીલોને પ્રોત્સાહન મળશે. વર્ષ ૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં પાંચથી ૧૪ વર્ષની વયના ૧.૨૦ કરોડ બાળમજૂરો છે, જેમાંથી ૧.૨૦ લાખ બાળકો આરોગ્યની દૃષ્ટિએ અત્યંત જોખમી કામ કરી રહ્યા છે. જોકે, યુનિસેફના અંદાજ પ્રમાણે ભારતમાં છથી ૧૪ વર્ષની ઉંમરના ૨.૮૦ કરોડ બાળમજૂરો છે. ઊંચા જન્મદરના કારણે વિશ્વમાં ૧૪ વર્ષથી નીચેના મજૂરોનું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે, જ્યારે વસતીની ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ બાળમજૂરો આફ્રિકન દેશોમાં છે.

કૈલાશ સત્યાર્થી બાળકો સાથે...

ગરીબ દેશોમાં ગરીબાઈનો પ્રશ્ન જાતભાતના રૂપ ધારણ કરીને સામે આવતો હોય છે, જેમાંનું એક રૂપ બાળમજૂરી પણ છે. દેશમાં ગલીએ ગલીએ કામ કરતા 'છોટુ', 'ટેણી' અને 'મુન્ની' રોજેરોજ આપણી આંખ સામે ભટકાય છે. જોકે, ચ્હાની કિટલીએ લોકોની ગાળો ખાતા, ધોબીની દુકાને કામ કરતા, ઘરે-ઘરે વાસણ-કપડાં ધોતા, કપડાં સીવતા, ખેતમજૂરી કરતા અને ટ્રેનમાં બદનામ મુન્નીના ગીતો સંભળાવતા બાળકોની સ્થિતિ તો ઘણી સારી કહી શકાય. આ બાળકોને તેમના માતાપિતા પેટ ખાતર કામ કરાવતા હોય છે, આવા કેટલાક બાળકોને તો સ્કૂલ અને માતાપિતાનો પ્રેમ પણ નસીબ થતો હોય છે. આ બાળકો સાથે ક્રૂરતાભર્યું વર્તન થવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ જે બાળકોને ગોંધી રાખીને (બોન્ડેડ લેબર) મજૂરી કરાવાતી હોય તેમની હાલત બદતર હોય છે. આ બાળકોનું શારીરિક શોષણ પણ થતું હોય છે.

બાળવેપારમાં સંડોવાયેલા ગુનેગારો ભીખ માગવાના 'ધંધા' માટે બાળકોને અંધ કે લૂલા-લંગડા કરી દેતા પણ  ખચકાતા નથી. 'સસ્તા' મજૂરો માટે દેશમાં બાળકોનો રીતસરનો વેપાર થાય છે. બાળચોરી કરતી ગેંગો નાના-મોટા કારખાનાઓમાં બાળકોને વેચી દે છે. કારખાનાના માલિકને ફક્ત જ એક જ વાતથી નિસબત હોય છે, સસ્તી મજૂરી. સસ્તી મજૂરીથી ઉત્પાદન દર નીચો રહે છે અને નફો વધારે મળે છે. આ બાળકો માટે અત્યાચારનો અર્થ ભારેખમ સ્કૂલબેગથી ઘણો વિશેષ છે.  સત્યાર્થીની સ્વૈચ્છિક સંસ્થા 'બચપન બચાઓ આંદોલન'ના અભ્યાસ મુજબ, સસ્તી મજૂરીની લાલચે ઉત્પાદકો પુખ્તવયના લોકોને કામ આપવાના બદલે તેમના સંતાનોને કામ આપવાની લાલચ આપે છે અને ગરીબ લોકો પૈસાની લાલચમાં બાળકોને મજૂરી માટે સોંપી દે છે. બાળકો યુનિયન બનાવી શકતા નહીં હોવાથી તેમનું શોષણ કરવું સરળ હોય છે. મોટા લોકોની સરખામણીમાં બાળકો ચૂપચાપ કામ કરે છે અને કામચોરી કરતા ડરે છે. આ વાત સંવેદનહીન શેઠિયા સારી રીતે જાણતા હોય છે. આ ચુંગાલમાં ફસાયેલા બાળકો કુમળી વયે જ માનસિક રીતે પડી ભાંગે છે.

પાકિસ્તાનમાં લશ્કર એ તૈયબા જેવા આતંકવાદી સંગઠનો તો અનાથ અને માનસિક રીતે પડી ભાંગેલા બાળકોને પસંદ કરીને તેમને 'દિશા' આપે છે. આ બાળકોને ધર્મના નામે ગુમરાહ કરીને ખૂંખાર આતંકવાદી બનાવાય છે. બાળકોનો ગુનાખોરીમાં ઉપયોગ થાય ત્યારે સમાજને સંવેદનહીન ગુનેગારો અને આતંકવાદીઓ મળવાની સંભાવના અનેકગણી વધી જાય છે. પાકિસ્તાન સહિત વિશ્વના ૧૪૪ દેશોમાં બાળમજૂરી અને બાળવેપારના દુષણ સામે લડી રહેલા સત્યાર્થીનું કામ વિશ્વશાંતિમાં આ રીતે મદદરૂ થઈ રહ્યું છે. સત્યાર્થીએ બાળમજૂરી સામે લડવાનું ચાલુ કર્યું ત્યારે તેમણે પણ કંઈક આવા સવાલોનો સામનો કર્યો હતો. ગરીબ બાળકોને કામ કરવા નહીં દઈએ તો તેઓ ખાશે શું? તમે એમ ઈચ્છો છો કે, તેઓ કામ ના કરે અને ભીખ માગે? તેમને કમાણી કરવા દઈને આપણે તેમને મદદ ના કરવી જોેઈએ? આવી સાંભળવામાં સારી અને જવાબદારીમાંથી છટકવામાં મદદરૂપ થાય એવી દલીલો કરનારાને બાળમજૂરીના દુષ્ચક્રની ભયાનકતાનો અંદાજ નથી હોતો. 

મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં ૧૧મી જાન્યુઆરી, ૧૯૫૪ના રોજ જન્મેલા કૈલાશ સત્યાર્થીએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પદવી લઈને ભોપાલમાં લેક્ચરર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ વર્ષ ૧૯૮૦માં તેમણે લેક્ચરર તરીકે રાજીનામું આપીને 'બચપન બચાઓ આંદોલન' નામે સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરીને બાળમજૂરીના દુષણ સામે લડવાનું શરૂ કર્યું. આમ, ત્રણ દાયકાથી પણ વધારે સમયથી કામ કરી રહેલી આ સંસ્થાએ અત્યાર સુધી ૮૦ હજારથી પણ વધુ બાળકોને બાળમજૂરીના ખપ્પરમાંથી છોડાવ્યા છે. દેશમાં ગલીએ ગલીએ બાળપણ ખોવાયું હોય ત્યાં આ કામ પાશેરીમાં પૂણી સમાન છે એ વાત સત્યાર્થીએ પણ કબૂલી છે. દેશના લગભગ તમામ મોટા શહેરોમાં જ્યાં નાના-મોટા ઉદ્યોગો વિકસ્યા હોય ત્યાં બાળમજૂરી સામાન્ય છે. કારખાના પર છાપા મારીને બાળકોને છોડાવી લાવવાથી કે દંડાવાળીથી આ દુષણ રોકવું અશક્ય છે. જેમ કે, તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા બનાવવાના ઉદ્યોગમાં બાળમજૂરી સામે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ પછીયે અહીં બાળમજૂરી સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી.

આ પ્રકારના ઉદ્યોગોમાં હિત ધરાવતા લોકો પાસે રાજકારણીઓને ચૂપ રાખવા ચૂંટણીમાં ભંડોળ આપવાની ટેકનિક હાથવગી છે. ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં કાર્પેટ બનાવવાના ઉદ્યોગમાં પણ બાળમજૂરીનું પ્રમાણ વધારે છે. લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૧૯૯૬ અને ૧૯૯૯માં મિરઝાપુર મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ફૂલનદેવીએ જાહેરમાં કહ્યું હતું કે, ''દેશમાં બાળમજૂરી જેવો કોઈ પ્રશ્ન છે જ નહી. બાળમજૂરીને લગતા તમામ કાયદાને હવે નાબૂદ કરી દેવા જોઈએ.'' મિરઝાપુરમાં બાળમજૂરીના દુષણ વિશે વાત કરતા ડાકુરાણીએ કરેલું આ નિવેદન આપણા ભ્રષ્ટ તંત્ર તેમજ ચૂંટણી જીતવા તોતિંગ ભંડોળ મેળવવાનું દુષણ પણ કેટલું વધ્યું છે એ વિશે ઘણું બધું કહી જાય છે. આ સ્થિતિમાં બાળકોને છોડાવ્યા પછીયે તેઓ આ દુષ્ચક્રમાં પાછા નહીં ધકેલાય એની કોઈ ગેરંટી નથી. બાળમજૂરી સામે લડવા લોકજાગૃતિ, બાળકોના શિક્ષણ, પુનઃર્વસન અને તેમના માતાપિતાને રોજગારી જેવા અનેક મોરચે લડવું પડે છે. આ દિશામાં સત્યાર્થીની સંસ્થા માતબર કામ કરી રહી છે.

સત્યાર્થી જેવા અનેક કર્મશીલો લોકજાગૃતિથી માંડીને વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરીને લગતા ધારાધોરણો ઘડાય એ માટે પ્રયત્નશીલ છે, જેથી બાળમજૂરીનું દુષણ મૂળમાંથી ઉખેડી શકાય. જોકે, બાળમજૂરીને લઈને વિશ્વ વેપાર સંસ્થામાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે હંમેશા સામસામેના અભિપ્રાય રહ્યા છે. વિકસિત દેશોનું માનવું છે કે, ગરીબ અને વિકાસશીલ દેશો વચ્ચે સસ્તી મજૂરીની લાલચ આપીને બહુરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવાની હોડ જામી હોય ત્યારે બાળમજૂરીનું દુષણ રોકવું અશક્ય છે. આ માટે અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોએ વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરી માટે ચોક્કસ માપદંડો નક્કી કરવાની ચર્ચા કરી હતી, પરંતુ ભારત અને મલેશિયાની આગેવાનીમાં આ સૂચન ફગાવી દેવાયું હતું. ભારત સહિતના વિકાસશીલ દેશોનું કહેવું હતું કે, બાળમજૂરી દરેક દેશની અંગત બાબત છે, જે તેની સંસ્કૃતિ, પરંપરા અને અર્થતંત્રને લગતી પ્રાથમિકતા પર નિર્ભર કરે છે.

ખરેખર, વિકાસશીલ દેશોને ભય છે કે, વિકસિત દેશો વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરીના ધારાધોરણોનો ઉપયોગ એક હથિયાર તરીકે કરશે. આ નિયમોની મદદથી તેઓ વિકાસશીલ દેશોમાં ઓછા ખર્ચે ઉત્પાદિત કરાતી ચીજવસ્તુઓના ઉદ્યોગો જરૂર પડયે બંધ કરાવશે. વિકાસશીલ દેશોના આવા વલણ બાદ અમેરિકાએ બાળમજૂરોથી તૈયાર થયેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ નિર્ણયને પગલે વિકાસશીલ દેશોમાં સસ્તી મજૂરીની લાલચે ઉત્પાદન કરતી અમેરિકન કંપનીઓએ ઉહાપોહ કર્યો હતો. આમ છતાં, અમેરિકન સરકારે ટ્રેડ યુનિયનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના દબાણને વશ થઈને આ નિર્ણય લીધો હતો. વિકસિત દેશોમાં બાળમજૂરી સામે મજબૂત અવાજ ઉઠતો હોવાથી સરકારે નમવું પડે છે એ આ જરા આશ્વાસન લઈ શકાય એવી બાબત છે, પરંતુ બંને તરફ બાળમજૂરીનો પ્રશ્ન ગૌણ છે અને મુખ્ય ચિંતા ફક્ત 'વિકાસ'ની છે.

આ વિકાસના ચક્કરમાં બાળપણ રુંધાતું બંધ થશે તો જ ભારતને મળેલું નોબલ સાર્થક થયું ગણાશે, નહીં તો કૈલાશ સત્યાર્થી પણ બાળમજૂરી સામેની લડતનું પ્રતીક બનીને રહી જાય એ દિવસો આવતા વાર નહીં લાગે!

19 October, 2014

આલોક શેટ્ટીઃ કળા ખાતર કળા નહીં, સમાજ માટે કળા-કારીગરી


જમ્મુ કાશ્મીર અને આસામમાં આવેલા પૂરમાં અનેક લોકો બેઘર થઈ ગયાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે ‘ટાઈમ’ મેગેઝિને બેંગલુરુના આલોક શેટ્ટી નામના 28 વર્ષીય યુવકને ‘ફ્લડપ્રૂફ’ ઘર ડિઝાઈન કરવા બદલ ‘યંગ લીડર્સ ઓફ ટુમોરો’ની યાદીમાં સ્થાન આપ્યું હોવાનો યોગાનુયોગ સર્જાયો છે. અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સિટીના માસ્ટર ઈન આર્કિટેક્ટ આલોક શેટ્ટીએ એવા લોકો માટે ઘર ડિઝાઈન કર્યું છે જેમનું ઘર એક જ વરસાદમાં વહી જાય છે. ભારત જેવા વસતીથી ફાટફાટ દેશમાં લાખો લોકો બેઘર છે અને કરોડો લોકો ઝૂંપડપટ્ટીઓમાં વસે છે. ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતો વખતે ગરીબોના ઘર તૂટી જાય છે અને ઝૂંપડપટ્ટી વિસ્તારો મચ્છરોના બ્રિડિંગ સેન્ટર બને છે. પરિણામે બેઘર થયેલા લોકો મેલેરિયા અને ટાઈફોઈડ જેવી બિમારીઓનો ભોગ બને છે અને અહીં આરોગ્યને લગતી સુવિધાઓનો પણ અભાવ હોય છે. આલોક શેટ્ટીએ આવી અનેક જટિલ મુશ્કેલીઓનો એકદમ સરળ ઉપાય શોધ્યો છે.

વર્ષ 2014ની ‘નેક્સ્ટ જનરેશન લીડર્સ’ની યાદીમાં સ્થાન મેળવનારા આલોક શેટ્ટી વિશે ‘ટાઈમ’એ નોંધ્યું છે કે, “એક આર્કિટેક્ટ તરીકે આલોક શેટ્ટીએ જટિલ મુશ્કેલીઓના સરળ ઉપાય આપ્યા હોવાથી તેઓ ભારત માટે આશાનું કિરણ છે.” બેંગલુરુમાં હાઈટેક ટેક્નોલોજી પાર્ક નજીક એલઆરડીઈ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. અહીં આશરે બે હજાર લોકો તાડપત્રી કે પ્લાસ્ટિક શીટ્સમાંથી બનાવેલા ઘરમાં રહે છે. થોડા ભારે વરસાદમાં પણ આ ઘર ટકી શકતા નથી. બેંગલુરુની ‘પરિણામ ફાઉન્ડેશન’ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે કામ કરતી વખતે શેટ્ટીએ ગરીબોને ધ્યાનમાં રાખીને બાંધકામ વખતે ફેંકી દેવાયેલો વેસ્ટેડ સરસામાન, વાંસ અને લાકડામાંથી પૂરમાં ટકી શકે એવા સ્માર્ટ ઘર બનાવ્યા છે.


આલોક શેટ્ટી 

ચાર વ્યક્તિ માટે ડિઝાઈન કરાયેલું આ ઘર ચાર કલાકમાં બની શકે છે અને એટલા જ સમયમાં છૂટું પણ પાડી શકાય છે. કામની શોધમાં વારંવાર સ્થળ બદલતા લાખો ગરીબો માટે આ વિશિષ્ટતા ઘણી ઉપયોગી છે. વળી, આ ઘર જમીનથી એક ફૂટ ઉપર બાંધી શકાતું હોવાથી વરસાદી પાણીથી પણ થોડી રાહત મળે છે. ટાઈમ મેગેઝિને નોંધ્યું છે કે, “શેટ્ટીએ ડિઝાઈન કરેલું ઘર ફ્ક્ત 300 ડોલર (આશરે રૂ. 18 હજાર)માં તૈયાર કરી શકાય.” આ ઘર લાખો ગરીબોને ઉપયોગી થઈ શકે છે, પરંતુ જે દેશના શહેરોમાં રોજના રૂ. 47 અને ગામડાંમાં રોજના રૂ. 32ની કમાણી પર નભતા લોકો ગરીબી રેખાની નીચે ગણાતા હોય તો ગરીબી રેખાની ઉપરના ગરીબોની સ્થિતિ પણ બહુ સારી ના હોય એ સમજી શકાય એમ છે. જોકે, પરિણામ ફાઉન્ડેશનનું માનવું છે કે, આ ઘર જેમને ના પોસાય તેઓ સરકારી સબસિડીની મદદથી ટકાઉ ઘરના માલિક બની શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાયાત્રા દરમિયાન કહ્યું હતું કે, વહીવટી પરિવર્તન, લોકસશક્તિકરણ, સામાજિક પડકારોના સસ્તા અને ટકાઉ ઉકેલ તેમજ પહેલાં ક્યારેય પહોંચ નહોતી એ ઝડપે લોકો સુધી પહોંચવા માટે હું દૃઢપણે ટેક્નોલોજી અને ઈનોવેશનમાં વિશ્વાસ ધરાઉં છું... જો હવે સરકાર ભાષણબાજીથી થોડી આગળ વધીને ઈનોવેટરો અને ઈનોવેટિવ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા કોઈ ખાસ યોજના બનાવે તો ગરીબી રેખાની નીચે જીવતા લોકો સુધી વિકાસના ફળ ઝડપથી પહોંચે એવી આશા જરૂર રાખી શકાય. જેમ કે, હાલ આલોક શેટ્ટી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી આરોગ્ય અને શિક્ષણ પહોંચે એ દિશામાં એક ઈનોવેટિવ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

શેટ્ટી ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે આ પ્રોજેક્ટના બીજ રોપાયા હતા. અહીં અભ્યાસ કરતી વખતે શેટ્ટીએ વિશ્વવિખ્યાત ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઈનમેન્ટ ડિઝાઈન) ટૉકમાં ભાગ લઈને મોબાઈલ ઓડિટોરિયમ ડિઝાઈન કરવાની ચેલેન્જ સ્વીકારી હતી. આ ચેલેન્જના ભાગરૂપે શેટ્ટીએ બે મિત્રો સાથે ફક્ત ચાર જ કલાકમાં 40 ફૂટ ઊંચા શિપિંગ કન્ટેઇનટરમાંથી 250 બેઠકો ધરાવતું મિની ઓડિટોરિયમ ડિઝાઈન કર્યું હતું. આ પ્રોજેક્ટને પૂરો કરીને તેઓ ભારત પર આવી ગયા, પરંતુ મિની ઓડિટોરિયમની ડિઝાઈન પરથી તેમને મોબાઈલ દવાખાનાં અને વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ ડિઝાઈન કરવાનો વિચાર આવ્યો. શેટ્ટીએ આ પ્રકારના મોબાઈલ દવાખાના અને ક્લાસરૂમને દેશમાં સૌથી મજબૂત નેટવર્ક ધરાવતી રેલવેલાઈન સાથે જોડવાનો વિચાર પણ રજૂ કર્યો છે. ગ્રામ્ય ભારતમાં કિલોમીટરો સુધી આરોગ્ય અને શિક્ષણને લગતું માળખું અલ્પવિકસિત છે. આ સુવિધા આપવા અહીં મકાનો બાંધવાનું અશક્ય નથી પણ તે સમય માગી લેનારું અને ખર્ચાળ કામ હોવાથી શેટ્ટીએ ઈનોવેટિવ આઈડિયા આપ્યો છે.

જો મોબાઈલ દવાખાના અને મોબાઈલ ક્લાસરૂમને રેલવેલાઈન સાથે જોડી દેવાય તો દેશની વિકાસને લગતી મુશ્કેલીઓને હાલ પૂરતી હળવી કરી શકાય. અત્યારે દેશભરનું આરોગ્યને લગતું અત્યાધુનિક માળખું ફક્ત વીસ શહેરોમાં કેન્દ્રિત છે પણ એક લાખ કિલોમીટરથી પણ લાંબો રેલવે ટ્રેક ધરાવતી ભારતીય રેલવે દેશના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે છે. આ સંજોગોમાં આ આઈડિયા ક્રાંતિકારી સાબિત થઈ શકે એમ છે. શેટ્ટીએ આર્કિટેકચરલ કમિશનની આર્થિક મદદથી આ પ્રોજેક્ટનું મોડેલ તૈયાર કર્યું છે. આ પ્રોજેક્ટનો અમલ થશે તો દેશના ખૂણેખૂણામાં આરોગ્ય અને શિક્ષણની સુવિધા પહોંચાડવામાં ભારતીય રેલવેના પ્રદાનની પણ અનોખી શરૂઆત થશે!

આલોક શેટ્ટી કોઈ પણ પ્રોજેક્ટમાં કળા કરતા મુશ્કેલીના ઉકેલને વધારે મહત્ત્વ આપે છે. આ ઉપરાંત તેઓ પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા હોવાથી તેમના ઈનોવેટિવ આઈડિયાનું મહત્ત્વ ઓર વધી જાય છે. આલોક શેટ્ટીએ કન્સ્ટ્રક્શન સાઈટ પરના ભંગારમાંથી વજનમાં હલકી ઈંટો બનાવી છે. શેટ્ટીનો વિચાર છે કે, ભૂકંપ ઝોનમાં મકાનો બાંધવા આવી ઈંટોનો ઉપયોગ કરાય તો ભૂકંપ વખતે નુકસાન ઓછું થાય. એવી જ રીતે, આજકાલ ડિઝાઈનિંગના નામે 24 કલાક એ.સી. ચલાવવા પડે એવી બિલ્ડિંગો ઊભી કરાઈ રહી છે, ત્યારે શેટ્ટી બિલ્ડિંગ કુદરતી રીતે જ ઠંડુ રહે અને ઊર્જાનો વ્યય ના થાય એવી ડિઝાઈનની તરફેણ કરે છે. કારણ કે, તેમનો ઝોક ‘કળા ખાતર કળા’ કરતા ‘સમાજ માટે કળા’ તરફ વધારે છે.

બેંગલુરુમાં અભ્યાસ કરતી વખતે ફક્ત 19 વર્ષની વયે આલોક શેટ્ટીને એક સ્પર્ધામાં વિજયી થયા પછી જયપુરની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ રિ-ડિઝાઈન કરવાની તક મળી હતી. હવે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો માટે વાંસના દવાખાનાનું મોડેલ બનાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા વતી રવાન્ડાના એઈડ્સ કેમ્પના આદિવાસીઓ સાથે કામ કરતી વખતે તેમને આ વિચાર આવ્યો હતો. આ આદિવાસીઓ શરૂઆતમાં રોજના ત્રણ ફૂટ વધે એવા વાંસને ગોળાકારમાં રોપીને તેને ઉપરથી આવરી લઈને ઝૂંપડી બનાવે છે. જોકે, આર્થિક મુશ્કેલીના કારણ શેટ્ટી આ પ્રોજેક્ટમાં આગળ વધી શક્યા નથી પણ તેમને આશા છે કે, એક દિવસ અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણની સુવિધા પહોંચાડવા આ પ્રોજક્ટનો અમલ થશે.

કોઈ પણ કામથી છેવાડાના માણસને લાભ તેમજ કુદરતને ઓછામાં ઓછા નુકસાનની આલોક શેટ્ટીની ભાવના લોરેન્સ ડબલ્યુ લોરી બેકર નામના બ્રિટિશ આર્કિટેક્ટની યાદ અપાવે છે. બેકરના વિચારો અને તેમની બિલ્ડિંગ ડિઝાઈનિંગ પર ગાંધીજીના વિચારોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. બાદમાં બેકર પત્ની સાથે કેરળ સ્થાયી થઈ ગયા હતા. અહીં આવીને બેકરે ઓછામાં ઓછી કિંમતમાં ગરીબોના ઘર, હોસ્પિટલો અને સરકારી મકાનો બનાવી શકાય એ દિશામાં કામ શરૂ કર્યું હતું. બેકરે ‘ધ ગાંધી ઓફ આર્કિટેકચર’ નામના પુસ્તકમાં ગાંધીજી સાથેના સંસ્મરણો નોંધતા કહ્યું છે કે, “હું ભારતમાં ગાંધીજીને મળ્યો ત્યારે અમે ગ્રામ્ય ભારતમાં મકાનોની બાંધણીની ચર્ચા કરી હતી. તેઓ કહેતા કે, અહીંના ઘરો માટે જે કાચો માલ જોઈએ તે આઠ કિલોમીટરની ત્રિજ્યામાં મળી જવો જોઈએ.”

બેકરે નિખાલસતાથી કબૂલ્યું છે કે, ...શરૂમાં ગાંધીની વાત હું પૂરેપૂરી સમજી શક્યો નહતો, પરંતુ 40 વર્ષની કારકિર્દી પછી હું સમજ્યો કે, ગ્રામ્ય ભારતની ઝીણામાં ઝીણી વાતથી ગાંધી કેટલા વાકેફ હતા અને તેમનું વિઝન કેટલું સ્પષ્ટ હતું...

07 October, 2014

શું ઈલ્હામ તોહતી ચીનના ‘મંડેલા’ બનશે?


વડાપ્રધાન  નરેન્દ્ર મોદી અમેરિકા યાત્રાએ હતા ત્યારે તમિલનાડુના સત્તાનશીન મુખ્યમંત્રી જે. જયલલિતાને ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં જવું પડયું. એવી જ રીતે, ચીનના પ્રમુખ શી જિનપિંગ ૧૭થી ૧૯મી સપ્ટેમ્બર ભારત સરકારની મહેમાનનવાજી ભોગવી રહ્યા હતા ત્યારે ચીન સરકારે ૧૭-૧૮ સપ્ટેમ્બરે ચીનના લઘુમતી ઉઈઘુર-Uighur મુસ્લિમ સમાજના આગેવાન અને ઈકોનોમિક્સના પ્રોફેસર ઈલ્હામ તોહતી પર કેસ ચલાવ્યો અને ફક્ત ચાર જ દિવસ પછી ૨૩મી સપ્ટેમ્બરે તેમને આજીવન કેદની સજા ફટકારી દીધી. જયલલિતા અને તોહતીના કેસમાં સામ્યતા ફક્ત એટલી જ છે કે, બંને દેશોના વડા દેશબહાર હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી, જેમાં એક કુખ્યાત રાજકારણી છે તો બીજા પ્રસિદ્ધ સામાજિક નેતા અને શિક્ષણવિદ્ છે.

ભારતમાં બનેલી ઘટનાને અમ્માના અફીણી ભક્તો સિવાય બધાએ આવકારી છે અને આ કેસમાં ભારત સરકારની પાછલા બારણે કોઈ ભૂમિકા ન હતી, જ્યારે ચીન સરકારે તોહતીને ફટકારેલી આજીવન કેદની સજા સામે વિશ્વભરમાંથી વિરોધનો સૂર ઊઠી રહ્યો છે અને તેમને આકરી સજા ફટકારવામાં ચીનની દમનકારી સરકારની મહત્ત્વની ભૂમિકા છે. ચીનની નીતિરીતિના પશ્ચિમી નિષ્ણાતોનું કહેવું છે કે, જિનપિંગ ભારતયાત્રાએ હતા ત્યારે પણ તોહતીના કેસને લઈને પોતાના વિશ્વાસુઓ સાથે સતત સંપર્કમાં હતા. આટલું જાણ્યા પછી એ સવાલ થાય કે, ભારત તો ઠીક અમેરિકા જેવી મહાસત્તાની પણ સાડાબારી નહીં રાખનારા ચીને એક પ્રોફેસરને આજીવન કેદ કરવાનો નિર્ણય કેમ લેવો પડયો? આ સવાલનો જવાબ મેળવવા ચીનના લઘુમતી મુસ્લિમ ઉઈઘુર સમાજ અને પ્રોફેસર ઈલ્હામ તોહતીની પૂર્વભૂમિકા.


ઈલ્હામ તોહતી

૪૪ વર્ષીય ઈલ્હામ તોહતી ચીનના લઘુમતી ઉઈઘુર મુસ્લિમ સમાજના હક્કો માટે છેલ્લાં ઘણાં સમયથી ચીન સરકાર સામે અભિયાન ચલાવી રહ્યા છે. ચીનની પશ્ચિમે આવેલા ઝિનજિયાંગનું સંચાલન ચીન સરકારની નજર હેઠળ થાય છે, પરંતુ તે એક સ્વાયત્ત પ્રદેશ છે. આ પ્રદેશમાં અક્સાઈ ચીનના કેટલાક વિવાદાસ્પદ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. દસ લાખ, ૬૦ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું ઝિનજિયાંગ વિશ્વનો આઠમા નંબરનો સૌથી મોટો સ્વાયત્ત પ્રદેશ છે, જ્યારે ચીન સરકાર દ્વારા સંચાલિત તે સૌથી મોટો સ્વાયત્ત વિસ્તાર છે. વર્ષ ૨૦૧૦ની વસતી ગણતરી પ્રમાણે અહીં ઉઈઘુર મુસ્લિમોની વસતી ૪૩.૩ ટકા (એક કરોડથી વધુ) અને હાન સમાજના લોકોની વસતી ૪૧ ટકા જેટલી હતી, પરંતુ સમગ્ર ચીનમાં બહુમતી ધરાવતો હાન સમાજ અહીં પણ વર્ચસ્વ જમાવવા કોશિષ કરી રહ્યો છે. ચીન સરકારની નીતિઓનો પણ હાન સમાજને સીધો કે આડકતરો ફાયદો મળે છે.

બેજિંગની મિન્ઝુ યુનિવસટીમાં અર્થશાસ્ત્ર ભણાવતા તોહતી ઉઈઘુર લોકોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા અને તેમને ટપારવા માટે 'ઉઈઘુર ઓનલાઈન' નામની વેબસાઈટ ચલાવતા હતા. ચીનની લોખંડી દીવાલો પાછળ શું થાય છે એ વિશે દુનિયાને બહુ ઓછી અને બહુ મોડી ખબર મળે છે, પણ તોહતીની સજા સામે વિશ્વભરમાંથી વિરોધ ઉઠ્યા પછી ચીન સરકારે તોહતી સામે બે-ચાર નહીં પણ ૨૧૦ પુરાવા રજૂ કર્યા છે. આ પુરાવામાં એક વીડિયો ક્લિપનો પણ સમાવેશ થાય છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, ''ચીનની પશ્ચિમે ઝિનજિયાંગ પ્રાંત ઉઈઘુર મુસ્લિમ સમાજ સાથે સંબંધ ધરાવે છે, નહીં કે બહુમતી હાન લોકો સાથે...'' બીજા એક લેખિત પુરાવા પ્રમાણે તેઓ પોતાના વિદ્યાર્થીઓને કહી રહ્યા હતા કે, ''હું ચાઈનીઝ નથી, કારણ કે હું ઉઈઘુર છું...'' આ ઉપરાંત તેમના પર ઉઈઘુર વિદ્યાર્થીઓને ભડકાવીને અલગતાવાદી ચળવળ ચલાવવાનો અને હિંસાને ઉત્તેજન આપવાનો પણ આરોપ છે. આવા આરોપો મૂકીને ચીન સરકારે તોહતી સાથે સાત વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી છે.


ઝિનજિયાંગ પ્રાંત

હકીકત એ છે કે, તોહતીએ ઝિનજિયાંગ પ્રાંતની સ્વતંત્રતાની ક્યારેય તરફેણ કરી નથી. તેમણે ઉઈઘુરો દ્વારા થતી હિંસાનો પણ સોઈ ઝાટકીને વિરોધ કર્યો છે. તેઓ દ્વેષભાવયુક્ત નિવેદનબાજીમાં ઉતર્યા વિના ચીન સરકારની નીતિનો ફક્ત તર્કબદ્ધ વિરોધ કરે છે અને એટલે જ પશ્ચિમી દેશોમાંથી તોહતીને જેલ નહીં પણ શાંતિનું નોબલ પુરસ્કાર આપવાનો અવાજ ઉઠયો છે. અલ્પ વિકસિત ઝિનજિયાંગ પ્રાંતમાં તકોના અભાવ અને સરકારની ભેદભાવયુક્ત નીતિના કારણે અહીંની યુવાન મહિલાઓમાં રોજગારી માટે પૂર્વ ચીનમાં સ્થાયી થવાનું ચલણ વધી રહ્યું છે. બીજી તરફ, ચીનના અન્ય પ્રાંતોમાંથી ઝિનજિયાંગમાં સ્થાયી થવા આવતા લોકોને ચીન સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તોહતી આ પ્રકારની નીતિઓનો વિરોધ કરતા હોવાથી સરકારને તેઓ આંખના કણાની જેમ ખૂંચે છે.

તોહતીએ ઉઈઘુર અને હાન સમાજના લોકો વચ્ચે લવાદની ભૂમિકા ભજવીને હંમેશાં સૌમ્યતાપૂર્વક અને ઉદાર મતવાદી અવાજ ઉઠાવ્યો છે, પરંતુ ચીન સરકારે તોહતીના લખાણો કે નિવેદનોના પૂર્વાપરના સંબંધ ચકાસ્યા વિના અથવા જાણીજોઈને છુપાવીને ખૂબ ઝડપથી અદાલતી કાર્યવાહી પૂરી કરી દીધી છે. ચીન જેવી આપખુદ સરકાર પણ આજીવન કેદની સજા બહુ ઓછા ગુનેગારોને આપે છે. આ સંજોગોમાં ચીનની અદાલતે બે જ દિવસ ટ્રાયલ ચલાવીને માનવ અધિકાર માટે લડતા તોહતીને જેલમાં ધકેલી દીધા છે. આ આશ્ચર્યજનક ઘટનાના કારણો ઊંડા છે.

તોહતીએ ઉઈઘુર સમાજને વાચા આપવા વર્ષ 2006માં ઉઈઘુર ઓનલાઈન નામની વેબસાઈટ શરૂ કરી ત્યારથી તેમની મુશ્કેલીઓના બીજ રોપાયા હતા. ચીન સરકારની ભેદભાવયુક્ત નીતિઓના કારણે છેલ્લાં બે દાયકામાં ઉઈઘુર સમાજમાં અન્યાયની ભાવના ઘર કરી ગઈ છે. ઝિનજિયાંગમાં હાન લોકોનું સ્થળાંતર વધી રહ્યું હોવાથી ઉઈઘુર સમાજમાં પોતાની સંસ્કૃતિ-વારસો ખતમ થઈ જવાનો ભય પેઠો છે.વર્ષ ૨૦૦૯માં ઝિનજિયાંગ પ્રાંતમાં થયેલા કોમી તોફાનોમાં આશરે ૧૫૦ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં મોટા ભાગના લોકો હાન સમાજના હતા. ત્યાર પછી છેલ્લાં કેટલાક વર્ષોમાં છૂટાછવાયા છમકલાં પછી ઓક્ટોબર ૨૦૧૩માં ચીનના જાણીતા તિયાનમેન સ્ક્વેર પર કાર બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી, જેમાં ઉઈઘુર ઉગ્રવાદીઓનો હાથ હોવાની વાત બહાર આવી હતી.

ચીનના ઉગ્રવાદી મુસ્લિમ ઉઈઘુર જૂથો ઝિનજિયાંગના ભાગલા કરીને પૂર્વ તુર્કિસ્તાનની માગણી કરી રહ્યા છે. ચીનની વિસ્તારવાદી નીતિ જોતા તે આ માગને સહન કરે એ શક્ય જ નથી. તાજેતરમાં ચીનના કુનમિંગ રેલવે સ્ટેશન અને ઉરુક્મી પ્રાંતના બજારમાં નાના મોટા આતંકવાદી હુમલાની ઘટનાઓ બાદ ચીન સરકારે તેની અન્યાયી નીતિઓનો વધુ કડક અમલ શરૂ કર્યો છે. ચીન સરકારે આ તમામ ઘટનાઓને સરકાર સામેના યુદ્ધ તરીકે જોઈને 'ધાર્યું ધણીનું જ થશે' એવી દાદાગીરી સાથે ઉઈઘુર સમાજમાંથી ઉઠેલા અલગાવવાદી સૂરને ઉગતો જ ડામી દેવા ઈલ્હામ તોહતી સહિત તમામને એક જ લાકડીએ હાંકવાની અન્યાયી નીતિ અમલમાં મૂકી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા અને અલગાવવાદીઓ પર ધાક જમાવવા ચીને કમનસીબે તોહતી પરનો ગાળિયો વધુ મજબૂત કરવાનો ખોટો નિર્ણય લીધો છે.

તાજેતરમાં જ ઈરાક અને સીરિયામાં આતંક મચાવનારા ઈસ્લામિક સ્ટેટ-આઈએસ જૂથે જાહે કર્યું હતું કે, ચીન પણ મુસ્લિમોના સૌથી મોટા દુશ્મનો પૈકીનું એક છે. એશિયાઈ દેશોના અનેક સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે, તોહતી સામે ચીનના વલણથી ઝિનજિયાંગ પ્રાંતમાં આતંકવાદ વકરશે. ઈલ્હામ તોહતીને આજીવન કેદની સજા જાહેર થયા પછી ચીનના જાણીતા લેખક વાંગ લિક્સિઓંગ અને કેટલાક પશ્ચિમી પત્રકારોએ તેમની સરખામણી નેલ્સન મંડેલા સાથે કરી છે, જેમણે વર્ષ ૧૯૯૪માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ બનતા પહેલાં ૯૫ વર્ષના આયુષ્યમાં ૨૭ વર્ષ જેલમાં વિતાવવા પડયા હતા. જોકે ચીનની સરકારી સમાચાર એજન્સી ઝિન્હુઆએ તોહતીની મંડેલા સાથેની સરખામણીના અહેવાલો ફગાવી દેતા લખ્યું છે કે, મંડેલા સમાધાનના માર્ગે આગળ વધ્યા હતા, જ્યારે ઈલ્હામ તોહતી નફરત અને હિંસાનો ઉપદેશ આપે છે.

આશા રાખીએ કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં ચીન સરકાર બધાને લાંબો સમય મૂર્ખ નહીં બનાવી શકે અને તોહતીએ પણ ન્યાય માટે મંડેલાની જેમ બહુ લાંબો સમય રાહ જોવી ના પડે!

નોંધઃ અત્યાર સુધી આ બ્લોગમાં મૂકેલા બધા જ લેખો સુરતથી પ્રકાશિત થતાં અખબાર ‘ગુજરાત ગાર્ડિયન’માં પ્રકાશિત થયા છે. હવેથી અહીં ‘ગુજરાત સમાચાર’ની શતદલ પૂર્તિમાં મારી કોલમ ફ્રેન્ક્લી સ્પીકિંગમાં પ્રકાશિત થયેલા લેખો તેમજ અન્ય વિગતો મૂકીશ.