19 December, 2016

ભૂખના પ્રયોગો: ઝુંકા-ભાકર અને ઈડલી-સાંભર


જયલલિતાનું પાંચમી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ અવસાન થયું એ પછીના ત્રણ દિવસ તમિલનાડુમાં જડબેસલાક બંધ પળાયો. સ્કૂલો-કોલેજો, સરકારી કચેરીઓ અને કોર્પોરેટ હાઉસની જેમ દારૂની આશરે છ હજાર દુકાનો અને બાર પણ સંપૂર્ણપણે બંધ રહ્યા. જોકે, આ બંધ વચ્ચે આશરે ૩૦૦ અમ્મા ઉનાવગમએટલે કે અમ્મા કેન્ટિનધમધમતી રહી.

બંધ તો ઠીક છે, કોઈ અપવાદને બાદ કરતા વર્ષના ૩૬૫ દિવસ અમ્મા કેન્ટિન ચાલુ રહે છે. અમ્મા કેન્ટિનની સફળતા જોઈને કોઈ પણ રાજકીય પક્ષ આ સેવાનો ધંધોકરવા લલચાય અને એવું થયું પણ ખરું! અત્યાર સુધી અનેક રાજ્યોમાં ભૂખના પ્રયોગોથઈ ચૂક્યા છે, પરંતુ એકેયને અમ્મા કેન્ટિન જેવી ઝળહળતી સફળતા મળી નથી.

તમિલનાડુમાં હીટ, બીજે ફ્લોપ

અરવિંદ કેજરીવાલે જૂન ૨૦૧૫માં જાહેરાત કરી હતી કે, તમિલનાડુના અમ્મા કેન્ટિનની જેમ આમ આદમી પાર્ટી પણ બે જ મહિનામાં આખા દિલ્હીમાં આમ આદમી કેન્ટિનરૂ કરશે. આ કેન્ટિનમાં રૂ. પાંચમાં નાની અને રૂ. દસમાં મોટી થાળી પીરસાશે... આમ આદમી કેન્ટિનનો મુખ્ય હેતુ ગરીબ તરફી રાજકારણ (એમાં કશો વાંધો પણ નથી)ની સાથે કોંગ્રેસના નેતા શીલા દીક્ષિતની જન આહારયોજના વિરુદ્ધ આપ સરકારની એક્સક્લુસિવ સસ્તા આહાર યોજના શરૂ કરવાનો હતો. જોકે, કેજરીવાલની આ જાહેરાત ફક્ત જાહેરાતબનીને રહી ગઈ છે.

દિલ્હીના જન આહાર કેન્દ્રોમાં ૧૫ રૂપિયામાં શાક, છ પૂરી કે ચાર ચપાટી અને દાળ-ભાતની એક થાળી ખરીદીને પેટ ભરી શકાય છે. શીલા દીક્ષિતે જન આહાર કેન્દ્રો ઊભા કરવા કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહિલા જૂથોને જમીન ફાળવી હતી. હાલ આ સંસ્થાઓ અને જૂથો દ્વારા આવા ચાળીસેક કેન્દ્રોનું સંચાલન થઈ રહ્યું છે, પરંતુ તેમાં અમ્મા કેન્ટિન જેવું પ્રોફેશનાલિઝમ નથી.

દિલ્હીનું જનઆહાર કેન્દ્ર

જન આહાર કેન્દ્રો રાંધવા-જમવાના સ્થળે અસ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તાને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત જન આહાર કેન્દ્રોમાં અઠવાડિયામાં માંડ બે વાર પૂરી મળે છે, મૌસમી સબ્જીના બદલે રોજેરોજ આલૂ અપાય છે, દાળ અપાતી નથી અને રાયતું જોઈતું હોય તો વધારાના પાંચ રૂપિયા આપવા પડે છે- એવી પણ ફરિયાદો થઈ ચૂકી છે.

દક્ષિણ ભારતના બીજા રાજ્યોના પણ દિલ્હી જેવા જ હાલ છે. થોડા સમય પહેલાં છત્તીસગઢમાં ૧૪૫ અને ઝારખંડમાં ૧૦૦ દાળ-ભાત કેન્દ્ર શરૂ કરાયા હતા, જે અનેકવાર ચાલુ-બંધ થઈ ચૂક્યા છે. ઓડિશાએ પણ કેટલાક દાળ-ભાત કેન્દ્રો શરૂ કર્યા હતા અને તેમાંય અનેક બંધ થઈ ગયા છે. તેલંગાણાએ માર્ચ ૨૦૧૪માં મોટી હોસ્પિટલો, રેલવે-બસ સ્ટેશન અને મોટા ચાર રસ્તા નજીક ૨૨ દાળ-ભાત કેન્દ્ર શરૂ કર્યા હતા, પરંતુ વસતીના પ્રમાણમાં તેની સંખ્યા ખૂબ ઓછી છે! વળી, આ તમામ રાજ્યોના સસ્તા આહાર કેન્દ્રોમાં ફક્ત દાળ-ભાત પીરસાતા હોવાથી કુપોષણ સામે લડવામાં તેમની ભૂમિકા નહીંવત છે. ઉત્તરાખંડે ઓગસ્ટ ૨૦૧૫માં ઈન્દિરા અમ્મા ભોજનાલય યોજના હેઠળ વીસ રૂપિયામાં સંપૂર્ણ થાળીઆપતા ૧૪ કેન્દ્રો શરૂ કર્યા હતા. ઉત્તરાખંડ સસ્તા આહાર કેન્દ્રો અને ભોજનના વૈવિધ્યને લઈને સારું કામ કરી રહ્યું છે, પરંતુ અમ્મા કેન્ટિન જેવી સફળતાથી ઘણું દૂર છે.

અમ્મા કેન્ટિન એક્સક્લુસિવ આઈડિયાનથી

અમ્મા કેન્ટિનની સફળતા જોઈને અનેક રાજ્યોએ તેની નકલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સસ્તા આહાર કેન્દ્રો તમિલનાડુનો એક્સક્લુસિવ આઈડિયા નથી. અમ્મા કેન્ટિન યોજનાની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી, જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની યુતિ સરકારે ૧૯૯૫માં રૂ. એકમાં જમવાની સુવિધા આપતા છ હજાર ઝુંકા-ભાકર કેન્ટિન શરૂ કરી હતી. મહારાષ્ટ્રમાં ચણાના લોટમાંથી બનતી બેસન જેવી એક વાનગી ઝુંકા તરીકે ઓળખાય છે. ઝુંકા જવાર કે બાજરાની ભાખરી (ભાકર) સાથે ખાવામાં આવે છે.

મુંબઈનું ઝુંકા-ભાકર કેન્દ્ર 

ઝુંકા ભાકર કેન્ટિન માટે રાજ્ય સરકારે જમીનો ફાળવી હતી, જેનું સંચાલન ગરીબો-બેકારોને આપી રોજગારીનું પણ સર્જન કરાયું હતું. આ યોજનાનો હેતુ પણ શહેરી ગરીબો, દહાડિયા મજૂરોને સસ્તું અને પોષણયુક્ત ભોજન આપવાનો હતો. જોકે, ૧૯૯૯માં કોંગ્રેસ-એનસીપીની સરકાર આવતા જ ઝુંકા ભાકર કેન્ટિનના દહાડા-પાણી ભરાવાની શરૂઆત થઈ! આ યોજનામાં ગેરરીતિઓ થતી હોવાનું બહાનું કાઢીને નવી સરકારે ઝુંકા ભાકર કેન્ટિનના માલિકોને સબસિડી આપવાનું બંધ કરી દીધું. એ પછી આ કેન્ટિનોના માલિકોએ ઝુંકા ભાકરનો ભાવ વધારી દીધો, તો કેટલાકે ઝુંકા-ભાકર કેન્ટિનને ફાસ્ટ ફૂલ સ્ટૉલમાં ફેરવી દીધી. આ ઉપરાંત અનેક લોકોએ ઝુંકા ભાકર કેન્ટિનો ખાણી-પીણીના ધંધાદારીઓને ભાડે આપી આવકનો સ્રોત ઊભો કરી દીધો.

છેવટે વર્ષ ૨૦૦૦માં મહારાષ્ટ્ર સરકારે ઝુંકા ભાકર કેન્ટિનોની જમીનો પાછી મેળવવા અને ગેરકાયદે દબાણો હટાવવા ઝુંકા ભાકર યોજના સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય લેતા જ ખાણીપીણીની લારીઓ ચલાવતા જૂથોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજ કરી કે, રાજ્ય સરકાર અમારી રોજી છીનવી રહી છે. બાદમાં આ કેસ સુપ્રીમમાં ગયો અને ૨૦૦૬માં કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય માન્ય રાખ્યો. આ ચુકાદો આવતા જ ૨૦૦૭માં મહારાષ્ટ્ર સરકારે એકસાથે ઝુંકા ભાકર કેન્ટિનના લાયસન્સ રદ કરી આ યોજનાની સત્તાવાર પૂર્ણાહૂતિ કરી.

જોકે, આજેય મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક સ્થળોએ ઝુંકા ભાકર બ્રાન્ડ નેમહેઠળ સસ્તા આહાર કેન્દ્રો ચાલુ છે. શિવસેનાનો દાવો છે કે, અમારા જ અનેક કાર્યકરો ઝુંકા ભાકર કેન્ટિનો ચલાવી રહ્યા છે. જોકે, આ કેન્ટિનમાં ફક્ત રૂ. એકમાં, એક થાળી વેચીને કમાણી થતી નહીં હોવાથી હવે બીજી વાનગીઓ પણ વેચવામાં આવે છે.

ભારત માટે સસ્તા આહારકેમ જરૂરી?

એવું નથી કે, અમ્મા કેન્ટિનમાં રસ્તે રખડતા, બેકારો, બેઘરો, નશાખોરો અને ફિઝિકલી ચેલેન્જ્ડ લોકો જ જમે છે. અમ્મા કેન્ટિને સાબિત કરી દીધું છે કે, જો સરકારી કેન્ટિનચોખ્ખી ચણાક હોય, રાંધવાનું કામ આરોગ્યપ્રદ વાતાવરણમાં થાય અને કેન્ટિન સંભાળતા સ્ટાફને કેપ-ગ્લવ્ઝ પહેરીને પીરસવાની તાલીમ અપાય તો એક સાથે અનેક લાભ મળે છે. નાની-મોટી મજૂરી કરતો વર્ગ, રીક્ષા ડ્રાઈવરો, સરકારી-ખાનગી કંપનીઓના નાના કર્મચારીઓ, માર્કેટિંગનું કામ કરતા નાના વેપારીઓ તેમજ મધ્યમ વર્ગીય બાળકો પણ સવારે સ્કૂલે જતી-આવતી વખતે અમ્મા કેન્ટિનમાં પેટ પૂજા કરે છે એ અમ્મા કેન્ટિનની સૌથી મોટી સફળતા છે.

અયૈયો... અમ્મા કેન્ટિન 

અમ્મા કેન્ટિનના ૯૦ ટકા જેટલા ગ્રાહકો પુરુષો અને સ્કૂલે જતા બાળકો કેમ છે એ પણ સમજવા જેવું છે. તમિલનાડુના શહેરો અને નાના નગરોના અનેક ગરીબ-મજૂર પરિવારો ગામડાં અને આસપાસના રાજ્યોમાંથી આવીને વસ્યા છે. આ પરિવારોની મહિલાઓને સવારથી કામે જતા પુરુષ તેમજ બાળકો માટે ટિફિન તૈયાર કરવું પડે છે, પરંતુ અમ્મા કેન્ટિને આવી અનેક મહિલાઓને રાંધવાની જવાબદારીમાંથી મુક્તિ અપાવી દીધી છે. હવે આ મહિલાઓ  તણાવમુક્ત છે અને નાનું-મોટું કામ કરીને પરિવારની આવક વધારવામાં મદદરૂપ થઈ રહી છે. આ પરિવારોમાં બાળકોનો ઉછેર પણ વધુ સારી રીતે થઈ રહ્યો છે. અમ્મા કેન્ટિન અન્ન સુરક્ષા માટે લેવાયેલા પગલાંથી અનેકગણી વધારે સફળતા મેળવી શકી છે.

સસ્તા આહાર કેન્દ્રોમાં મહિલા જૂથો દ્વારા ચલાવવામાં આવે છે, જે આ યોજનાનો વધુ એક મોટો ફાયદો છે. આ ઉપરાંત શાકભાજી, ડુંગળી અને કઠોળના ભાવ વધે ત્યારે ખાણીપીણીના લારીઓ અને નાની હોટેલોના માલિકો અચાનક જ ભાવવધારો કરી દે છે, પરંતુ સસ્તા આહાર કેન્દ્રોમાં નક્કી કરેલા ઓછા ભાવે જ પેટ ભરી શકાય છે. સસ્તા આહાર કેન્દ્રોના કારણે ખાણીપીણીનો લારીઓ અને નાની હોટેલના ભાવ પણ કાબૂમાં રહે છે. દેશની અનેક હોસ્પિટલોમાં સસ્તા આહાર માટે આજેય એકાદ કિલોમીટર જેટલી લાંબી લાઈન હોય છે. આ વાત જ સાબિત કરે છે કે, દેશના અનેક રાજ્યોમાં હજુયે વધારે સસ્તા આહાર કેન્દ્રોની જરૂર છે.

મધ્યાહ્ન ભોજન યોજનાના મૂળ પણ તમિલનાડુમાં

દેશના તમામ રાજ્યોમાં અમ્મા કેન્ટિન ઉદાહરણરૂપ બની ગયું છે એવી જ રીતે, મધ્યાહ્ન ભોજન યોજનાના મૂળ પણ તમિલનાડુમાં જ પડેલા છે. દક્ષિણ ભારતના રાજકારણના કિંગમેકરગણાયેલા કુમારાસામી કામરાજ (જન્મ-૧૯૦૩, મૃત્યુ-૧૯૭૫) ઉર્ફે કે. કામરાજે ભૂખ અને કુપોષણ સામે લડવા વર્ષ ૧૯૬૨-૬૩માં સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના શરૂ કરી હતી. ગાંધીવાદી વિચારોથી પ્રભાવિત કામરાજ ૧૯૬૪થી ૧૯૬૭ સુધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ, ૧૯૫૪થી ૧૯૬૩ સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તેમજ વર્ષ ૧૯૫૨-૫૪ અને ૧૯૬૭-૭૫ દરમિયાન લોકસભાના સાંસદ હતા. ૨૭મી મે, ૧૯૬૪ના રોજ નહેરુના અવસાન પછી કોંગ્રેસને ચોક્કસ દિશા આપનારા ગણ્યાગાંઠયા નેતાઓમાં પણ કામરાજની ગણના થાય છે. વર્ષ ૧૯૭૬માં કામરાજને મરણોત્તર ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા.

કે. કામરાજ

કામરાજના શાસનમાં મધ્યાહ્ન ભોજન યોજના પૂરબહારમાં ખીલી. નવમી જૂન, ૧૯૮૦ના રોજ એમ. જી. રામચંદ્રન તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ મધ્યાહ્ન ભોજનની સફળતા જોઈને આ યોજનાને તમામ આર્થિક લાભ આપવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહીં, વર્ષ ૧૯૮૨માં તમિલનાડુમાં ૬૮ લાખ જેટલા બાળકો કુપોષણથી પીડાતા હતા. આ આંકડા જોઈને એમજીઆરએ મધ્યાહ્ન ભોજન યોજનામાં સુધારો કરીને પોષણયુક્ત આહાર યોજનારૂ કરી.

એ પછી તો ૧૯૮૪માં ગુજરાત સરકારે પણ આ યોજના શરૂ કરી. બાદમાં કેરળ, ગોવા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, કર્ણાટક અને ઓરિસ્સાની સરકારી સ્કૂલોમાં પણ મધ્યાહ્ન ભોજન યોજના અમલી થઈ.

***

કલ્યાણકારી યોજનાઓ માટે આઉટ ઓફ બોક્સવિચારવાની તમિલનાડુની આવડતના નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને પણ વખાણ કર્યા હતા. સેને નોંધ્યું છે કે, તમિલનાડુમાં જાહેર સેવા ગરીબો સુધી પહોંચાડવાની ડિલિવરી સિસ્ટમ એક્સલન્ટનહીં, પણ ગુડતો છે જ.

આ રાજ્યની સામાજિક યોજનાઓમાં સર્વોદયવાદ’ (યુનિવર્સલિઝમ) પાયાનો વિચાર છે. તમિલનાડુની મધ્યાહ્ન ભોજન, જાહેર વિતરણ વ્યવસ્થા અને અમ્મા કેન્ટિનમાં પણ સર્વોદયવાદ સામાન્ય બાબત છે. આ પ્રકારની યોજનાઓના કારણે જ સિસ્ટમમાં રહેલી છટકબારીઓ બંધ કરવામાં મદદ મળી છે...

તમિલનાડુની જેમ બીજા રાજ્યોમાં સસ્તા ભોજન યોજના કેમ સફળ ના થઈ, એ સવાલનો સીધોસાદો જવાબ આપવો હોય તો કહી શકાય કે, રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ!

13 December, 2016

૨૧મી સદીમાં ગૂગલનું સામ્રાજ્ય


નેવુંના દાયકામાં ઈન્ટરનેટની પહેલી તેજી આવી ત્યારે એવું કહેવાતું કે, ૨૧મી સદીમાં ઈન્ટરનેટ જે વ્યક્તિના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું હશે તેઓ ઈન્ડિયન, અમેરિકન કે ચાઈનીઝ સિટીઝનની જેમ 'નેટિઝન' તરીકે ઓળખાશે! એટલે જ ધુરંધર ફ્યુચરોલોજિસ્ટ એલ્વિન ટોફલરે ગૂગલનો ઉદ્ભવ થયો એ પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું કે, ૨૧મી સદી માહિતી યુગની હશે! ગૂગલની શોધ થતા જ આ વાત વધુને વધુ મજબૂત રીતે સાબિત થવાની શરૂઆત થઈ ગઈ હતી. ગૂગલ તમામ પ્રકારની માહિતીનો સ્રોત નહીં, ધસમસતો ધોધ છે.

હાલના ગૂગલના ફેલાવાની સરખામણી રોમ કે બ્રિટીશ સામ્રાજ્ય સાથે કરી શકાય! ગ્રીસના એલેક્ઝાન્ડર ધ ગ્રેટે છેક ભારત સુધી રોમન સામ્રાજ્ય ફેલાવ્યું હતું. એ પછી મજબૂત શાસકો તરીકે બ્રિટીશરોનો ઉદ્ભવ થયો. બ્રિટીશરોનું સામ્રાજ્ય પણ દુનિયાભરમાં વિસ્તરેલું હતું. પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં સૂરજ ડૂબે તો પૂર્વ ગોળાર્ધમાં ઊગે અને પૂર્વ ગોળાર્ધમાં ડૂબે તો પશ્ચિમ ગોળાર્ધમાં ઊગે. એ ન્યાયે પૃથ્વીના બંને ગોળાર્ધના અનેક દેશોમાં બ્રિટીશરોનું શાસન હોવાથી એવું કહેવાતું કે, બ્રિટીશ સામ્રાજ્યનો સૂરજ કદી ડૂબતો નથી. જોકે, રોમન રાજાઓ હોય કે બ્રિટીશ શાસકો, આ તમામે પોતાનું સામ્રાજ્ય ફેલાવવા ખૂબ લાંબો સમય લીધો અને કત્લેઆમ પણ કરી, પરંતુ ગૂગલે એક પણ ગોળી છોડ્યા વિના ફક્ત બે દાયકામાં અમર્યાદ સત્તા હાંસલ કરી છે. એટલું જ નહીં, ગૂગલે પ્રાચીન રોમ કે બ્રિટીશ સામ્રાજ્ય કરતા વધારે દેશોમાં કબજો કર્યો છે. હાલ દુનિયાના ૯૬ ટકા માનવ વિસ્તારની સૌથી લોકપ્રિય વેબસાઈટ ગૂગલ અથવા યૂ ટ્યૂબ છે. નવેમ્બર ૨૦૦૬માં ગૂગલે ૧.૬૫ અબજમાં યૂ ટ્યૂબ પણ ખરીદી લીધી હતી.




ગૂગલ આપણને સર્ચ, ઈ મેઈલ, યૂ ટ્યૂ, મેપ્સ, ટ્રાન્સલેટ, પ્લસ, ફોટોઝ, ડ્રાઈવ, કેલેન્ડર, બુક્સ અને ક્રોમ સહિતની તમામ સુવિધા ફ્રીમાં આપે છે. કદાચ આ ફ્રી સર્વિસના કારણે જ ઈન્ટરનેટ સિટીઝન 'ગૂગલ સિટીઝન' બની ગયા છે. આપણે એન્ડ્રોઈડ સ્માર્ટફોન ખરીદીએ ત્યારે પણ ગૂગલ કોન્ટેક્ટથી માંડીને ફોટોગ્રાફ્સ, ફાઈલ્સ જેવો બધો ડેટા સાચવવાની ફ્રી સુવિધા આપે છે. વર્ષ ૨૦૧૬માં એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો માર્કેટ શેર ૮૭.૬ ટકા હતો, જ્યારે આઈ ફોનનો માંડ ૧૧.૭ ટકા. હવે તો ગૂગલ પાસે પોતાનો જ એક્સક્લુસિવ સ્માર્ટફોન છે, જે ટેકનિકલી ગૂગલ સાથે વધારે ગાઢ રીતે જોડાયેલો છે. દુનિયામાં કરોડો લોકો એવા છે, જે ફેસબૂક કે ટ્વિટરમાં લોગ-ઇન થવા માટે પણ ગૂગલનો ઉપયોગ કરે છે. આમ, ટૂથ પેસ્ટ લેવા જતી વ્યક્તિ દુકાનદાર પાસે 'કોલગેટ' માગે, કંઈક એવી જ મજબૂત ઈજારાશાહી ઈન્ટરનેટની દુનિયામાં ગૂગલ પાસે છે. જોકે, મુશ્કેલી પણ એ જ છે. એટલે જ અમેરિકા જેવા દેશોએ ગૂગલ જેવી ટેક કંપનીઓ ઈન્ટરનેટની દુનિયામાં ઈજારાશાહી ઊભી કરીને યુઝર્સ સાથે અન્યાય ના કરે એ માટે શું કરી શકાય, એ દિશામાં વિચારવાનું શરૂ કરી દીધું છે.

સિલિકોન વેલીના ટેક્નોલોજી થિંકર્સ સવાલ કરી રહ્યા છે કે, ઈન્ટરનેટ યુઝર્સ અત્યારે જે (થોડી ઘણી) સ્વતંત્રતા અને ગુપ્તતા ભોગવી રહ્યા છે, એ ભવિષ્યમાં હેમખેમ રહેશે ખરી? ખાસ કરીને દુનિયાભરમાં ફેસબૂકે ફ્રી બેઝિક્સના નામે નેટ ન્યુટ્રાલિટી પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો એ પછી આ પ્રશ્ન વધારે ગંભીર બની ગયો છે. સાદી ભાષામાં કહીએ તો નેટ ન્યુટ્રાલિટી એટલે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમામ વેબસાઈટો-ડેટાને એકસમાન મહત્ત્વ મળવું જોઈએ તે! અત્યારે આવું છે જ, પણ ફેસબૂકના કર્તાહર્તા માર્ક ઝકરબર્ગ ઈન્ટરનેટની દુનિયામાં પણ વર્ણવ્યવસ્થા લાવવા માગતા હતા. આપણે ઈન્ટરનેટ ડેટા પ્લાન ખરીદ્યા પછી કમ્પ્યુટર કે સ્માર્ટફોનની મદદથી ઈચ્છીએ તે વેબસાઈટ પર જઈ શકીએ. ઈન્ટરનેટ વેચતી કંપનીનું કામ ત્યાં પૂરું થઈ જાય પણ ફેસબૂકને તેનાથી સંતોષ નહોતો. ઝકરબર્ગ ઈચ્છતા હતા કે, હું ભારત જેવા દેશોમાં ગામડે ગામડે ફ્રી ઈન્ટરનેટ આપું અને પછી અમુકતમુક કંપનીઓ સાથે કરાર કરું અને એ કંપનીઓની વેબસાઈટ ઝડપથી ખૂલે એવી ગોઠવણ કરી આપું!

એટલે કે, ફેસબૂક અને ફ્લિપકાર્ટ કરાર કરે અને તમે એફબીના ફ્રી ઈન્ટરનેટ યુઝર હોવ તો તમારા સ્માર્ટફોનમાં ફ્લિપકાર્ટ ઝડપથી ખૂલી જાય! ટૂંકમાં વેબસાઈટનો અપલોડ ટાઈમ ફેસબૂક નક્કી કરે. આમ, ફેસબૂક સાથે જે કંપનીઓ જોડાય એમને જલસા પણ જે કંપનીઓ ઈન્ટરનેટની દુનિયામાં ઓછું રોકાણ કરીને ધંધો કરવા આવી છે એમનું તો અસ્તિત્વ છે કે નહીં એય ખબર ના પડે! હા, તમે એફબીના ફ્રી ઈન્ટરનેટ યુઝર હોવ તો પણ એમેઝોન કે સ્નેપડીલ પરથી ખરીદી કરી જ શકો, પણ એ વેબસાઈટો ટેકનિકલી પાવરફૂલ હોય તો પણ ફ્લિપકાર્ટ જેવા ઝડપથી ખૂલવાના ફાયદા એને ના મળે. ફેસબૂક અને ફ્લિપકાર્ટે આવા કરાર કરી પણ દીધા હતા, પણ ભારે વિરોધ પછી ફ્લિપકાર્ટે એ કરાર રદ કર્યો અને ફેસબૂક પણ ભારતમાં ફ્રી બેઝિક્સ સર્વિસ ચાલુ કરી ના શકી. ટૂંકમાં ફેસબૂક 'ફ્રી બેઝિક્સ' જેવા છેતરામણા નામે સેવા નહીં પણ મેવા ખાવા માગતી હતી. ફેસબૂક ગરીબ દેશોમાં ફ્રી ઈન્ટરનેટની મદદથી 'ગેરકાયદે ઈજારાશાહી' ઊભી કરીને રોકડી કરવા માગતી હતી.

દુનિયામાં આ પ્રકારની ઈજારાશાહીનું પોસ્ટર બોય ગૂગલ છે. આ અત્યંત ગંભીર મુદ્દો છે. ઈન્ટરનેટનો કોમર્શિયલ ઉપયોગ શરૂ થયાના ૩૫ જ વર્ષમાં સિલિકોન વેલીની ગણીગાંઠી કંપનીઓ દુનિયાભરમાં અમર્યાદ ઈજારાશાહી ભોગવી જ રહી છે, પરંતુ હજુયે તેમને સંતોષ નથી. અત્યારે અમેરિકામાં એટી એન્ડ ટી કંપનીએ ડેટા ફ્રી ટેલિવિઝન ઓફર કરી છે, જેને લઈને ફરી એકવાર નેટ ન્યુટ્રાલિટી અંગે વિવાદ સર્જાયો છે.

માઈક્રોસોફ્ટ, એપલ, એમેઝોન જેવી કંપનીઓ એક્સક્લુસિવ પ્રોડક્ટ કે સર્વિસ વેચીને નામ અને દામ કમાઈ રહી છે, જ્યારે ગૂગલ કે ફેસબૂક જેવી કંપનીઓ પાસે જુદા પ્રકારની સત્તા છે. આ પ્રકારની કંપનીઓ પાસે જે સત્તા છે તેને હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર અને ટેક ગુરુ શોષાના ઝુબોફે 'સર્વેઇલન્સ કેપિટાલિઝમ' નામ આપ્યું છે. સરળ ભાષામાં કહીએ તોસર્વેઇલન્સ કેપિટાલિઝમ એટલે ડેટાના આધારે દુનિયાભરના લોકોની અંગત જિંદગીમાં ડોકિયું કરવાની સત્તા. આ કંપનીઓ ડેટાનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. આ ડેટા કેટલો અમૂલ્ય છે એવું દર્શાવવા એક નવો ભાષા પ્રયોગ પણ અસ્તિત્વમાં આવ્યો છે, ડેટા ઈઝ ન્યૂ ઓઈલ.

આ ડેટા આપણે જ કંપનીઓને આપી દઈએ છીએ. આપણે કોઈ કંપનીની વેબસાઈટ પર જઈએ ત્યારે 'આઈ એગ્રી' પર ક્લિક કરીએ છીએ. તેનો અર્થ એ છે કે, હું થર્ડ પાર્ટીને મારી બધી માહિતી વાંચવાની મંજૂરી આપું છું. એ ક્લિક કરતી વખતે આપણે 'ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ' કદી વાંચતા નથી અને વાંચીએ તો પણ કશું કરી શકતા નથી કારણ કે, જ્યાં સુધી 'આઈ એગ્રી' પર ક્લિક ના કરીએ ત્યાં સુધી વેબસાઈટમાં આગળ જઈ શકાતું નથી! આ એક પ્રકારની દાદાગીરી છે. ૨૧મી સદીના નેટિઝનને સગવડ જોઈતી હોય તો 'ફેસિલિટી' અને 'પ્રાઈવેસી' વચ્ચે 'ફેસિલિટી' જ પસંદ કરવી પડે છે, બંને સાથે મળતું નથી. ઈન્ટરનેટ સર્ચ ટ્રાફિક, ફેસબૂક લાઈક, પોસ્ટ, હેશટેગ, ટ્વિટ, બ્લોગ, યૂ ટ્યૂબ સર્ચ અને અપલોડ સહિતના સોશિયલ મીડિયા બિહેવિયર થકી એક વ્યક્તિના, આખા સમાજના કે કોઈ વિસ્તારના જાતભાતના ડેટા મેળવી શકાય છે. કયા વિસ્તારના લોકો કયા રાજકીય પક્ષ સાથે છે એનો પણ અંદાજ મેળવી શકાય છે.

ઈન્ટરનેટ ટ્રાફિક પરથી જાણકારી મળી છે કે, ઓનલાઈન પોર્ન જોવામાં પાકિસ્તાન પહેલું છે, તો ભારત છઠ્ઠા નંબરે છે. એવી જ રીતે, ઓનલાઈન શોપિંગના પણ દેશ અને વિસ્તાર પ્રમાણે આંકડા મેળવી શકાય છે. આ બધો ડેટા છે, જેનો ગૂગલ જેવી કંપનીઓ ધંધો કરે છે પણ એમાંથી આપણને કાણો પૈસોય મળતો નથી કારણ કે, એ લોકો નેટિઝનને 'ફ્રી સર્વિસ' આપી જ રહ્યા છે અને આપણને તેની આદત થઈ ગઈ છે. આ ડેટાનો કેવી રીતે ઉપયોગ થાય છે એ નાનકડા ઉદાહરણથી સમજીએ. તમે ગૂગલ પર ‘વિન્ટર સેલ’ સર્ચ કરીને સ્વેટર, લેધર જેકેટ વગેરે જુઓ ત્યારે ગૂગલ એ ડેટા વાંચી લે છે. એ પછી તમે કોઈ પણ ન્યૂઝ વેબસાઈટ પર જાઓ તો ગૂગલ તમને એ વેબપેજની બાજુમાં એ પ્રોડક્ટની એડ્સ બતાવ્યા કરશે! એટલું જ નહીં, ગૂગલ તમને ઈ મેઈલ પણ કર્યા કરશે.

આ પ્રકારના ડેટા પર કબજો ધરાવતી ટેક કંપનીઓ અમેરિકા જેવા દેશો માટે પણ માથાના દુ:ખાવા સમાન છે. ટેક કંપનીઓ જે ડેટા ભેગો કરે છે તેનો કેવી રીતે ઉપયોગ કરે છે એ દિશામાં દેખરેખ રાખવી અમેરિકા માટે પણ ખૂબ જ અઘરું અને ખર્ચાળ છે. રાષ્ટ્રીય સુરક્ષા સિવાયના કોઈ પણ પ્રશ્ને આ કંપનીઓને મનાવી શકાતી નથી કે તેમની સાથે દાદાગીરી પણ થઈ શકતી નથી! વળી, ગૂગલ જેવી કંપનીઓ સરહદ પાર કોઈ બીજા દેશો સાથે શિંગડા ભરાવે તો પણ અમેરિકન સરકાર મધ્યસ્થી કરી શકતી નથી કારણ કે, ગૂગલ કે ફેસબૂક જેવી કંપનીઓને એક જ દેશના નહીં પણ જે તે દેશોના સ્થાનિક કાયદા લાગુ પડે છે. આ મુદ્દો સમજવા રાઈટ ટુ બી ફોરગોટનનો ચુકાદો ઉત્તમ ઉદાહરણ છે.

વર્ષ ૨૦૦૯માં સ્પેનનો મારિયો કોસ્ટેજો ગોન્ઝાલેઝ ગૂગલિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે ગૂગલ પર જોયું કે, ૧૬ વર્ષ પહેલાં હું આર્થિક સંકડામણમાં હતો ત્યારે મારા ઘરની હરાજી થઈ ગઈ હતી અને આ બધું જ ગૂગલ પર દેખાઈ રહ્યું છે. આ માહિતી જોઈને મારિયો ખિન્ન થઈ ગયો અને તેણે સ્પેનના રાઈટ ટુ બી ફોરગોટન કાયદા હેઠળ ગૂગલ પર કેસ કરી દીધો. મારિયોનું કહેવું હતું કે, આ વાત મને વારંવાર યાદ કરાવવાનો શું અર્થ? આ પ્રકારની માહિતી મારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી અને માનહાનિ કરનારી છે વગેરે... છેવટે મે ૨૦૧૪માં યુરોપિયન કોર્ટે સ્પેનિશ કાયદાના આધારે મારિયોની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે ગૂગલ જેવી કંપનીઓનું ઓનલાઈન માહિતી આપવાનું સ્વાતંત્ર્ય, વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સ્પેનનો ‘ખરાબ દિવસો ભૂલવાના હક્ક’નો કાયદો સામસામે ટકરાયા હતા. 

આ સ્થિતિમાં સ્વતંત્રતા અને ગુપ્તતા જેવા મુદ્દે અત્યંત સંવેદનશીલ વિકસિત દેશો પણ ચિંતા સેવી રહ્યા છે કે, આખરે ઈન્ટરનેટ પર રાજ કરતી ટેક કંપનીઓ પર કાબૂ કેવી રીતે રાખી શકાય! અત્યારે તો એવું લાગે છે કે, ૨૧મી સદીમાં ઈન્ટરનેટનું સંચાલન વિવિધ દેશોની સરકારો પાસે નહીં, પણ ગૂગલ કે ફેસબૂક જેવી ટેક કંપનીઓ પાસે હશે! 

જોકે, ઈતિહાસ ગવાહ છે કે, મહાન સામ્રાજ્યોનું સંચાલન કરવું અઘરું થઈ પડે છે! શું ગૂગલ સાથે પણ એવું જ થશે કે પછી ૨૧મી સદીમાં તેનું સામ્રાજ્ય ઓર મજબૂત થશે?

ગૂગલ જાણે!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે ;) 

06 December, 2016

સોનમ વાંગચુક: 'થ્રી ઈડિયટ્સ'નો અસલી ઈડિયટ


તમને 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મમાં છેલ્લે આવતો ફૂનસૂક વાંગડુ યાદ હશે! ફિલ્મના અંતિમ દૃશ્યોમાં આમિર ખાનને લદાખમાં અનોખી સ્કૂલ ચલાવતા ભેજાબાજ એન્જિનિયર ફૂનસૂક વાંગડુ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ફૂનસૂક વાંગડુ અને એમની સ્કૂલનું દૃશ્ય એ ફિલ્મી કલ્પના નહીં, પણ સત્ય ઘટના છે. જોકે, ફિલ્મમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી આવતો. અત્યારે પણ ફૂનસૂક વાંગડુ લદાખમાં એવી જ સ્કૂલ ચલાવે છે. વાંગડુ મૂળ લદાખના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શિક્ષક અને ઈનોવેટર છે. ૧૬મી નવેમ્બરે વાંગડુએ પોતે જ ટ્વિટ કરીને સમાચાર આપ્યા ત્યારે ભારતમાં મોટા ભાગના લોકોને જાણ થઈ કે, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત રોલેક્સ એવોર્ડનું સન્માન મળ્યું છે.

બાય ધ વે, ફૂનસૂક વાંગડુનું અસલી નામ સોનમ વાંગચુક છે. લદાખમાં પાણીની અછત ધરાવતા ગામોમાં 'આઈસ સ્તૂપ'નો આઈડિયા આપવા બદલ તેમને રોલેક્સ એવોર્ડ મળ્યો છે. રોલેક્સ એવોર્ડ એકસાથે અનેક લોકોનું જીવન બદલી નાંખવા સક્ષમ હોય એવા ઈનોવેટિવ પ્રોજેક્ટ પર કામ કરનારાને અપાય છે. આ એવોર્ડ સાથે એક લાખ સ્વિસ ફ્રાંક (આશરે રૂ. ૬૭.૬૮ લાખ)નું રોકડ ઈનામ પણ મળે છે. આ વર્ષે રોલેક્સ એવોર્ડ માટે ૧૪૪ દેશમાંથી ૨,૩૩૨ અરજી આવી હતી, પરંતુ દર વર્ષે ફક્ત પાંચ જ બ્રેવહાર્ટ્સને આ સન્માન અપાય છે.   

પણ આઈસ સ્તૂપ શું છે? એનાથી અનેક લોકોનું જીવન કેવી રીતે બદલાય? જરા, વિગતે વાત કરીએ.

આઈસ સ્તૂપ, એક ક્રાંતિકારી વિચાર 

૮૬,૯૦૪ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા લદાખમાં ૮,૮૫૮થી ૧૩ હજાર ફૂટ ઊંચાઈએ અનેક ગામ આવેલા છે. અહીંના મોટા ભાગના વિસ્તાર બર્ફીલા રણ છે, જેથી ખેતીવાડી માટે તો ઠીક ઘરેલુ જરૂરિયાત માટે પણ ખૂબ ઓછું પાણી મળે છે.

સોનમ વાંગચુકની ટ્વિટ 


લદાખમાં શિયાળામાં તાપમાન માઈનસ ૩૦ ડિગ્રીએ પહોંચે અને આખા વર્ષનો વરસાદ માંડ ચાર ઈંચ પડે છે. એપ્રિલ-મે મહિનામાં ઠંડી ઘટતા જ ખેડૂતો ખેતી શરૂ કરે ત્યારે તેમને પાણીની ભારે અછત પડે છે. બર્ફીલા રણમાંથી પાણી ઓગાળીને લાવી શકાય. પણ કેવી રીતે? આ પ્રકારના 'તુક્કા' આપવા સહેલા છે,  પણ અમલ અઘરો. સિંચાઈ માટે એ અકસીર ઉપાય નથી એ વાત સાબિત થઈ ગઈ છે.

હા, ઠંડી ઘટતા હિમનદીઓ એટલે કે ગ્લેશિયર પીગળવાનું શરૂ થઈ જાય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ગ્લેશિયર પીગળવાનો સમય બદલાઈ ગયો છે, વહેણ બદલાઈ ગયા છે અને પાણીનો પ્રવાહ પણ ઓછો થઈ ગયો છે. આ સ્થિતિમાં પણ ખેડૂતો ગ્લેશિયરના પાણીનો જ ખેતીકામમાં ઉપયોગ કરે છે, પરંતુ મોટા ભાગનું શુદ્ધ પાણી પહાડી ઢોળાવોના કારણે ખૂબ ઝડપથી સિંધુ ખીણમાં વહી જાય છે. કારણ કે, મહાકાય ગ્લેશિયર રહેણાક વિસ્તારો નજીક નહીં, અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારોમાં ઊંચાઈ પર આવેલા હોય છે.

સોનમ વાંગચુકનો આઈડિયા અહીંથી શરૂ થાય છે. કુદરત કંઈ માણસને જોઈએ ત્યાં ગ્લેશિયર ના બનાવે પણ આપણે તો બનાવી શકીએ ને?

ભેજાબાજ એન્જિનિયરની 'યુરેકા મોમેન્ટ'

મે મહિનાના ઉનાળાના દિવસોમાં સોનમ વાંગચુક લદાખની વાદીઓમાં ટહેલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક પુલ નીચે બરફ જામેલો જોયો અને તેમને 'યુરેકા મોમેન્ટ' (મળી ગયું, મળી ગયું)નો અનુભવ થયો. વાંગચુકને આઈડિયા આવ્યો કે, પુલના પડછાયામાં સૂર્યપ્રકાશ નહીં પડવાથી બરફ પીગળ્યો નથી. જો આપણે શિયાળામાં પસંદગીના સ્થળોએ કૃત્રિમ ગ્લેશિયરો બનાવી દઈએ તો? તો એ ગ્લેશિયર પણ ઉનાળા સુધી પીગળે નહીં અને એનું પાણી પાઈપલાઈનથી સીધું ખેતરોમાં પહોંચાડી શકાય. પિરામિડ જેવા આકાર ધરાવતા બર્ફીલા પહાડોની સપાટી મજબૂત બરફથી જામેલી હોય પણ અંદર શુદ્ધ પાણી હોય એ વાત વાંગચુક જાણતા હતા.

સોનમ વાંગચુક

જોકે, આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી જ અઘરી છે. કોઈ જગ્યાએ બરફનો ઢગલો કરો એટલે કૃત્રિમ ગ્લેશિયર ના બની જાય! એ માટે પાણીનો સતત પ્રવાહ જોઈએ. પાણી તો છે નહીં! તો શું કરી શકાય? વાંગચુકે વિચાર્યું કે, ગ્લેશિયરનું વેડફાઈ જતું લાખો લિટર પાણી જ પાઈપલાઈનની મદદથી પસંદગીના સ્થળે લાવીને કૃત્રિમ ગ્લેશિયર બનાવી શકાય!

આ વિચારને સાકાર કરવા વાંગચુકે જાન્યુઆરી ૨૦૧૪માં તેમની સ્કૂલ નજીક એક ખુલ્લી જગ્યા પસંદ કરી કૃત્રિમ ગ્લેશિયરનો પ્રયોગ શરૂ કર્યો. એ માટે તેમણે લેહ ખીણ વિસ્તારનો દરિયાઈ સપાટીથી સૌથી નીચો (ઊંચાઈ પર ઠંડી વધુ હોય એટલે) અને સૂર્યપ્રકાશથી ભરપૂર વિસ્તાર પસંદ કર્યો હતો. આવો વિસ્તાર પસંદ કરવાનું કારણ એટલું જ કે, જો અહીં કૃત્રિમ ગ્લેશિયર ટકી જાય તો લદાખના કોઈ પણ વિસ્તારમાં તે ટકી શકે અને પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય. એટલું જ નહીં, અરુણાચલ પ્રદેશથી લઈને છેક અફઘાનિસ્તાન સુધીના પહાડી વિસ્તારોમાં હાડમારીભર્યું જીવન જીવતા લોકોને ખેતી સહિતની જરૂરિયાતો માટે ઓછામાં ઓછા ખર્ચે પાણી આપી શકાય!

...અને ઉનાળાની ગરમીમાં જાદુ થઈ ગયો

એ સ્થળે વાંગચુક સ્કૂલ કેમ્પસમાંથી પાણીની એક પાઈપલાઈન ખેંચી લાવ્યા અને પચાસેક ફૂટની ઊંચાઈએથી  જમીન પર પાણીનો ધીમો પ્રવાહ આપવાનું શરૂ કર્યું. એકાદ મહિના પછી ત્યાં ૨૨-૨૩ ફૂટ ઊંચું ગ્લેશિયર બની ગયું. આટલી ઊંચાઈ અને ૬૦ ફૂટ જેટલો ઘેરાવો ધરાવતા કૃત્રિમ ગ્લેશિયરમાં એક કરોડ લિટર જેટલું પાણી સંઘરાયેલું હોય! વાંગચુકે વિચાર્યું કે, જો મે મહિનામાં પણ આ 'મેડ ઈન લદાખ' ગ્લેશિયર પીગળે નહીં તો જાદુ થઈ જાય! અને ખરેખર એવું જ થયું!

વાંગચુકની સ્કૂલ નજીક તૈયાર થયેલું કૃત્રિમ ગ્લેશિયર

ગ્લેશિયર બનવા અને નહીં પીગળવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે. આપણે જેમ ઊંચાઈએ જઈએ તેમ સૂર્યના કિરણોની શક્તિ ઘટે અને હવા પણ પાતળી થાય. ખૂબ ઊંચાઈએ આવેલા કુદરતી ગ્લેશિયરને પણ આ નિયમ લાગુ પડે, એટલે તે કૃત્રિમ ગ્લેશિયર જેટલા ઝડપથી પીગળે નહીં. લદાખ દરિયાઈ સપાટીથી ૯,૮૦૦ ફૂટ ઊંચાઈ પર છે. મે મહિનામાં લદાખમાં દિવસનું તાપમાન ૧૬ ડિગ્રી અને રાત્રિનું ત્રણ ડિગ્રી હોય છે. આ ઉપરાંત હિમાલયના બર્ફીલા અને શુદ્ધ પવનો પણ ત્યાં સતત વહેતા હોય છે.

ટૂંકમાં, અમદાવાદનું તાપમાન ૧૬ ડિગ્રી જેટલું નીચું જાય તો પણ કૃત્રિમ ગ્લેશિયર ના બને. અમદાવાદ તો ઠીક, માઉન્ટ આબુ જેવા સ્થળે પણ ગમે એટલી ઠંડીમાં ગ્લેશિયર ના બને! જોકે, વાંગચુકે સર્જેલું કૃત્રિમ ગ્લેશિયર પહેલી મેએ પણ દસ ફૂટ ઊંચું હતું અને પાણી આપવા સક્ષમ હતું. એટલું જ નહીં, આ ગ્લેશિયર છેક ૧૮મી મેએ આખું પીગળ્યું અને ત્યાં સુધી પાણી આપતું રહ્યું. એ ખરેખર જાદુ હતો.

કૃત્રિમ ગ્લેશિયરનો પ્રયોગ સફળ થતા જ વાંગચુકે ઓક્ટોબર ૨૦૧૪માં ક્રાઉડ ફન્ડિંગની મદદથી આ યોજના  પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ક્રાઉડ ફન્ડિંગ એટલે ઈન્ટરનેટની મદદથી વિશ્વને તમારી યોજના જણાવો અને દાન ઉઘરાવો. કૃત્રિમ ગ્લેશિયરને વાંગચુકે બૌદ્ધ સ્તૂપ પરથી આઈસ સ્તૂપ નામ આપ્યું છે. જોકે, અસલી ગ્લેશિયર કરતા તેનું કદ ઘણું નાનું હોય છે. આ આઈડિયાના આધારે વાંગચુક લદાખના સૂકાભઠ વિસ્તારોને ફરી ગાઢ લીલોતરીથી આચ્છાદિત કરવાનું પણ સપનું જોઈ રહ્યા છે.

થોડી જાણકારી, સોનમ વાંગચુક વિશે

સોનમ વાંગચુકનો જન્મ (પહેલી સપ્ટેમ્બર, ૧૯૬૬) માંડ પાંચ ઘર ધરાવતા ઉલેય ટોકપો નામના અંતરિયાળ ગામમાં થયો હતો. આ ગામમાં સ્કૂલ તો ક્યાંથી હોય! એટલે વાંગચુક સાડા આઠ વર્ષ સુધી ઘરમાં માતા સાથે જ ભણ્યા. એ પછી વાંગચુક પરિવારે તેમને નજીકના નુબ્રા ગામની સ્કૂલમાં મૂક્યા, પરંતુ વાંગચુકને છ મહિનામાં બે સ્કૂલ બદલવી પડી અને છેવટે લેહની સ્કૂલમાં ભરતી થયા. જોકે, શિક્ષકોએ વાંગચુકની પ્રતિભા પારખીને તેમને સીધેસીધા ત્રીજા ધોરણમાં બેસવાની મંજૂરી આપી.


આઈસ સ્તૂપમાંથી છૂટી રહેલી પાણીની જાદુઈ ધારા 

જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં શિક્ષણની આવી મુશ્કેલીઓ છે. વિચાર કરો, સોનમ વાંગચુકના પિતા તો રાજ્ય સરકારમાં મંત્રી હતા, છતાં સોનમ વાંગચુકની આ સ્થિતિ હતી. જોકે, વાંગચુક અનેકવાર જાહેરમાં ગૌરવથી કહી ચૂક્યા છે કે, હું મોટી કહી શકાય એવી ઉંમર સુધી માતા પાસે વાંચતા-લખતા શીખ્યો અને એ પણ માતૃભાષામાં. એટલે જ હું સ્વતંત્ર રીતે કુદરત સાથે ઓતપ્રોત થઈને શક્ય હતું એટલું સારું શિક્ષણ લઈ શક્યો...

આ દરમિયાન નવ વર્ષની ઉંમરે વાંગચુકને પિતા સાથે શ્રીનગર જવું પડ્યું. એટલે વાંગચુકનો અભ્યાસ શ્રીનગરની સ્કૂલમાં ચાલુ થયો અને તેમના માટે એ નવી મુશ્કેલી હતી. કારણ કે, શ્રીનગરમાં ઉર્દૂ અને કાશ્મીરી ભાષામાં જ શિક્ષણ અપાતું એટલે વાંગચુક કશું જ સમજી નહોતા શકતા. આ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાંગચુકને 'ઈડિયટ' સમજતા. વાંગચુકે કહ્યું હતું કે, એ મારા જીવનના સૌથી અંધકારમય દિવસો હતા... 

છેવટે ૧૯૭૭માં ૧૧ વર્ષની વયે સોનમ વાંગચુક જાતે જ દિલ્હી આવીને વિશેષ કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલને મળ્યા. ભારતના સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકાર કોઈ જ ફી લીધા વિના આવી રેસિડેન્શિયલ સ્કૂલો ચલાવે છે. આ સ્કૂલના શિક્ષકોએ વાંગચુકને સતત અને સખત પ્રોત્સાહન આપીને ભણાવ્યા. વાંગચુકે પણ અભ્યાસ, એક્સ્ટ્રા-કરિક્યુલમ એક્ટિવિટીઝમાં મન પરોવી દીધું અને ૧૯૮૩માં નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી-શ્રીનગરમાં મિકેનિકલ એન્જિનિયર બનવા સરળતાથી પ્રવેશ પણ મેળવ્યો.

પહાડી જિંદાદિલીથી આગળ વધ્યા

જોકે, સોનમ વાંગચુકની મુશ્કેલીઓનો અંત ન હતો. તેમના પિતા ઈચ્છતા હતા કે, સોનમ મિકેનિકલ નહીં સિવિલ એન્જિનયર બને. આ જીદના કારણે તેમણે વાંગચુકને ફી ભરવાના પૈસા ના આપ્યા. જોકે, જિંદાદિલ વાંગચુકે દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા વેકેશન બેચ શરૂ કરીને પૈસા કમાવવાનું શરૂ કર્યું અને એન્જિનિયરિંગ અભ્યાસનો ખર્ચ જાતે જ ઉઠાવ્યો. દસમા ધોરણના ટ્યૂશન કરતી વખતે વાંગચુકે અનુભવ્યું કે, અનેક હોશિયાર વિદ્યાર્થીઓ ભાષાની મુશ્કેલીઓ કે સામાજિક પ્રશ્નોના કારણે અમુક વિષયોમાં નાપાસ થઈ જાય છે અને જીવનભર એના ભાર તળે જીવે છે. એટલે વાંગચુકે શૈક્ષણિક સુધારા કરવાની ગાંઠ વાળી લીધી.

ફે ગામમાં સેમકોલ સ્કૂલનું મુખ્ય બિલ્ડિંગ

વાંગચુક ૧૯૮૭માં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કરીને લદાખ પાછા ફર્યા અને બીજા જ વર્ષે ૧૯૮૮માં સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદાખ (સેકમોલ) નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. આ સંસ્થાનો હેતુ 'એલિયન એજ્યુકેશન સિસ્ટમ'નો ભોગ બનેલા લદાખી વિદ્યાર્થીઓમાં ફરી એકવાર આત્મવિશ્વાસનો સંચાર કરવાનો છે. આ આખી ઈન્સ્ટિટયુટના તમામ ઉપકરણો વીજળીથી નહીં, સૂર્ય ઊર્જાથી ચાલે છે, જેની પાછળ વાંગચુક અને બીજા વિદ્યાર્થીઓની મહેનત છે.

વર્ષ ૧૯૯૪માં કેન્દ્ર સરકાર, સિવિલ સોસાયટી અને ગ્રામ્ય આગેવાનોએ સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધારવા 'ઓપરેશન ન્યૂ હોપ' શરૂ કર્યું હતું. આ યોજનામાં પણ વાંગચુક ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. એક સમયે લદાખમાં ધોરણ ૧૦માં માંડ પાંચ ટકા વિદ્યાર્થી પાસ થતા હતા, પરંતુ આ આંદોલન પછી સફળતાની ટકાવારી ૭૫ ટકાએ પહોંચી ગઈ છે! 

***

મહાન વિચારક ચાણક્યે કહ્યું હતું કે, ''શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમેં પલતે હૈ...'' આ વાત ચાણક્યએ સોનમ વાંગચુકને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરનારા અને ખુદ સોનમ વાંગચુક જેવા 'અસાધારણ' શિક્ષકો માટે કરી હશે!