29 May, 2013

રામભરોસે સરકારી તંત્ર સામે જડબેસલાક નક્સલ નેટવર્ક


ભારતમાં ચારેય તરફ સ્પોટ ફિક્સિંગ છવાઈ ગયું હતું ત્યારે નક્સલવાદીઓએ છત્તીસગઢના સુકમા જિલ્લામાં કોંગ્રેસની પરિવર્તન રેલી પર હુમલો કરીને 27 લોકોની હત્યા કરી દીધી છે. આ વખતે નક્સલોએ સરકારી અધિકારી, પોલીસ કે લશ્કરી જવાનોને લક્ષ્ય બનાવવાના બદલે રાજકારણીઓ પર જ હુમલો કરી દીધો. આ ઘટના બાદ ઈન્ટેલિજન્સ નેટવર્ક અને નક્સલવાદ ડામવા માટે સરકારના પ્રયાસો સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. કારણ કે, છત્તીસગઢના સુકમા વિસ્તારમાં જ્યાં હુમલો થયો છે તે પહેલેથી જ નક્સલવાદીઓનો ગઢ છે, તો આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પરિવર્તન રેલીને ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કે પોલીસે ગંભીરતાથી કેમ ન લીધી? વળી, આ રેલીમાં નક્સલવાદીઓ જેમને પોતાના સૌથી મોટા દુશ્મન ગણતા હતા તે ‘સલવા જુડમ’ના પ્રણેતા મહેન્દ્ર કર્મા પણ સામેલ હતા.

હજુ થોડા સમય પહેલાં જ મહેન્દ્ર કર્માએ નક્સલવાદ અંગે કહ્યું હતું કે, “આ શાંતિનો સમય છે, અને એ આપણા માટે જોખમી છે.” નક્સલોની નીતિરીતિથી સારી રીતે વાકેફ મહેન્દ્ર કર્મા જાણતા હતા કે, હવે નક્સલો કંઈક મોટું કરવાના મૂડમાં છે, અને કર્મા સાચા પડ્યા. આ હુમલો સુકમા નજીક તોંગપાલ અને દરબા વિસ્તાર વચ્ચેના જંગલો અને પહાડોથી ઘેરાયેલા વિસ્તારમાં થયો છે. અહીં નક્સલવાદીઓએ સુરંગ બિછાવીને બે કાર ઉડાવી દીધી, રસ્તા પર એક મોટું ઝાડ પાડીને રેલી રોકી દીધી અને ત્યાર પછી આસપાસના પહાડી વિસ્તારમાં છુપાયેલા 200થી પણ વધુ નક્સલોએ અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ રેલીમાં કોંગ્રેસના મોટા નેતાઓ હતા અને તેઓ કમાન્ડોથી ઘેરાયેલા હતા. જ્યારે મહેન્દ્ર કર્મા ઝેડ પ્લસ સિક્યોરિટીથી ફૂલપ્રૂફ હતા. એનો અર્થ એ છે કે, આ હુમલા માટે નક્સલવાદીઓએ ઘણાં સમય પહેલાંથી સજ્જડ તૈયારી કરી રહ્યા હતા.


નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા કેન્દ્ર સરકારે ઈઝરાયેલ પાસેથી ચાર મિલિયન ડૉલરથી પણ વધુનો ખર્ચ કરીને હેરોન લૉન્ગ રેન્જ સર્વેઈલન્સ ડ્રોન ખરીદ્યા છે. પરંતુ સુરક્ષા નિષ્ણાતો જાહેરમાં કબૂલી ચૂક્યા છે કે, આ ડ્રોન ફક્ત ઉડ્યા જ કરે છે, તેઓ સચોટ માહિતી લાવી જ નથી શકતા અને લાવે છે તો નેશનલ ટેકનિકલ રિકોનાઈસન્સ ઓર્ગેનાઈઝેશન તે ડેટાનું સચોટ વિશ્લેષણ જ નથી કરી શકતું. ઈન્ટેલિજન્સ એજન્સીની બાતમીને ગંભીરતાથી લેવામાં ના આવે એ પણ આપણે ત્યાં સામાન્ય ઘટના છે. આ ઘટના વખતે પણ અહેવાલ છે કે, એપ્રિલ, 2013માં ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ચેતવણી આપી હતી કે, નક્સલવાદીઓ હાઈ પ્રોફાઈલ અને મહત્ત્વના લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આટલો મોટો હુમલો છત્તીસગઢ પોલીસ તો ઠીક ઈન્ટેલિજન્સ એજન્સીઓની પણ નિષ્ફળતા દર્શાવે છે. મીડિયામાં સતત ચમકતા નક્સલવાદીઓના અહેવાલ પરથી એટલું તો સાબિત થાય જ છે કે, તેઓનું નેટવર્ક જડબેસલાક છે અને એકદમ સુવ્યવસ્થિત રીતે ચાલે છે, જ્યારે સામે પક્ષે સરકારી તંત્ર રામ ભરોસે છે. નક્સલો પોતાના હેતુમાં પ્રતિબદ્ધ છે, જ્યારે આપણું રાજકારણ, ઈન્ટેલિજન્સ અને પોલીસ ભ્રષ્ટાચારથી ખદબદે છે.

ભારતના કેટલા જિલ્લા, જંગલ વિસ્તારો નક્સલવાદથી પ્રભાવિત છે એ અંગેની મોટા ભાગની માહિતી વિવાદાસ્પદ છે. એવું કહેવાય છે કે દેશના 180 જિલ્લામાં નક્સલવાદીઓની હાજરી છે. શોષણ અને અન્યાયની લાગણીથી સર્જાયેલા નક્સલવાદ અને હાલના નક્સલવાદમાં ઘણું અંતર છે. અત્યારે નક્સલવાદના ટોચના નેતાઓ પોતાના લાભ માટે આ ચળવળ જીવિત રાખી રહ્યા છે. નક્સલવાદીઓનું સર્વોચ્ચ તંત્ર પોલિટ બ્યુરો કે કેન્દ્રિય સમિતિ તરીકે ઓળખાય છે. આ સમિતિમાં 13થી 14 સભ્યો હોય છે. આ સભ્યો રાજકારણીઓ અને પાડોશી દેશો સાથે સાંઠગાંઠ રાખીને ભંડોળ ભેગું કરે છે. ભારતમાં નક્સલવાદ વકરાવવામાં આતંકવાદી સંગઠનોને પણ રસ છે અને નક્સવાદીઓ તેમના હાથા બની ગયા છે. વળી, નક્સલવાદીઓનું ટોચનું તંત્ર ઉદ્યોગસાહસિકોને પણ ડરાવી ધમકાવીને ખંડણી ઉઘરાવે છે. પોલિટ બ્યુરો અંતર્ગત સ્પેશિયલ એરિયા કમિટી, સ્પેશિટલ ઝોનલ કમિટિ અને સ્ટેટ કમિટી હોય છે. મોટે ભાગે જંગલોમાં રહેતા નક્સલવાદીઓને હુમલો કરવાનો આદેશ આ કમિટીઓ દ્વારા મળે છે. આ તમામ કમિટીના પણ ચોક્કસ કામ હોય છે અને દરેકે તેમને ફાળવેલું કામ જ કરવાનું હોય છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિઓની નીચે રીજનલ કમિટી હોય છે, અને તેની નીચે ઝોનલ, ડિસ્ટ્રિક્ટ અને ડિવિઝનલ કમિટી હોય છે. આમ તમામ કમિટીના સભ્યો સબ-ઝોનલ, સબ ડિવિઝનલ અને એરિયા કમિટીની રચના કરીને સ્થાનિક નેટવર્ક મજબૂત કરે છે.

રીજનલ કમિટીની અંતર્ગત આવતી આ તમામ કમિટીઓની મદદથી એરિયા કમિટીને ભંડોળ, જંગલમાં જીવવા માટે જરૂરી હોય એ તમામ સાધનસામગ્રી અને શસ્ત્રો પહોંચાડવામાં આવે છે. એરિયા કમિટી સુધી પહોંચાડાયેલી તમામ ચીજવસ્તુઓ પહોંચાડવા ક્યારેક સ્થાનિક સમિતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં જ ભારત સરકાર સમક્ષ આત્મસમર્પણ કરનારા રઘુ સાદમાતે (39) નામના નક્સલવાદીએ લશ્કર અને પોલીસ અધિકારીઓને રસપ્રદ માહિતી આપી હતી. ફક્ત 15 વર્ષની વયે નક્સલવાદી બની ગયેલો રઘુ નક્સલી તંત્રમાં શક્તિશાળી ગણાતી ઝોનલ કમિટીના સભ્ય સુધી પહોંચ્યો હતો. રઘુએ કહ્યું હતું કે, “જંગલનું જીવન અત્યંત હાડમારીભર્યું હોય છે. દિવસો સુધી ખાવાનું નસીબ નથી થતું. જંગલમાં સતત ચાલતા રહેવાનું હોવા છતાં અમે રોજિંદી પ્રવૃત્તિઓ નિયમિત અને ફરજિયાત ધોરણે કરીએ છીએ. આઠ દસ લોકોના જૂથની જરૂરિયાત પૂરી કમાન્ડરને દૈનિક ધોરણે રૂ. 100થી 200 પહોંચાડાય છે...”

આ પૈસાની મદદથી તેઓ સ્થાનિક કમિટીની મદદથી જોઈતી ચીજવસ્તુઓ ખરીદી લે છે. સ્થાનિક સમિતિઓમાં વિલેજ કમિટી, બસ્તી, ફેક્ટરી અને કોલેજ કમિટી જેવા વિભાગ હોય છે. આવી કેટલીક સમિતિઓમાં સંદેશો પહોંચાડવા કુરિયર પણ હોય છે. મોટે ભાગે સ્થાનિક ભાષા જાણતા અને જંગલ વિસ્તારનું ઊંડુ જ્ઞાન ધરાવતા લોકોની આ કામ માટે પસંદગી કરાય છે. નક્સલવાદીઓ સ્થાનિક સમિતિઓની બાતમીના આધારે રહેઠાણ બદલતા રહે છે અને જંગલમાં એક દિવસમાં 30-40 કિલોમીટર ચાલવું સામાન્ય છે. જોકે, ચાલવાની સાથે કરાતી રોજિંદી પ્રવૃત્તિમાં રસોઈ અને માઓ-લેનિન-માર્ક્સવાદી વિચારધારાના વર્ગોનો સમાવેશ થાય છે. નક્સલવાદી પ્રવૃત્તિનું સૌથી પ્રાથમિક જૂથ સેલ નામે ઓળખાય છે, જ્યાંથી લોકોમાં નક્સલવાદનું ઝેર ભરવામાં આવે છે. રઘુએ કહ્યું હતું કે, “અનેક લોકોની હત્યા અને આત્મસમર્પણ કર્યા પછી મેં ગાંધીજીના વિચારો વિશે સાંભળ્યું હતું અને તે શીખવાનું શરૂ કર્યું હતું.”

એક અંદાજ મુજબ, ભારતના પાંચમા ભાગના જંગલ વિસ્તારમાં નક્સલોનું વર્ચસ્વ છે. આ તમામ વિસ્તારોમાં નક્સલવાદીઓ ઘાતકી હુમલા કરતા રહે છે. છેલ્લાં દસ વર્ષમાં નક્સલોએ આનાથી પણ વધુ મોટા હુમલા કર્યા છે. છઠ્ઠી એપ્રિલ, 2010ના રોજ નક્સલવાદીઓએ છત્તીસગઢના જ દાંતેવાડામાં 76 સીઆરપીએફ જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નક્સલવાદના ઈતિહાસનો સૌથી મોટો હુમલો ખરેખર એ હતો, પરંતુ એ વખતે કોઈ રાજકારણીની હત્યા થઈ ન હોવાથી એ ભૂલાઈ ગયો હતો. કદાચ એટલે જ નક્સલવાદીઓ ‘મોટો હુમલો’ કરવાના મૂડમાં હતા. છેલ્લાં દસ વર્ષોમાં હજારો નિર્દોષો, પોલીસ અને સરકારી અધિકારીઓ અને લશ્કરી જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આમ છતાં, કેન્દ્ર સરકારે નક્સલવાદીઓનો સામનો કરવા સુવ્યવસ્થિત તંત્ર ઊભું કરવાની શરૂઆત પણ કરી નથી.

વર્ષ 2010માં છત્તીસગઢ સરકારે એક લાખ, 92 હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા જંગલમાં પેટ્રોલિંગ કરવા 27,597 પોલીસ જવાનોની નિમણૂક મંજૂર કરી હતી, જેમાંથી હાલ 17 હજાર જેટલા જવાનો જંગલ વિસ્તારોમાં ટાંચા સાધનોની મદદથી ફરજ બજાવી રહ્યા છે. છત્તીસગઢ જેટલા જ જંગલ વિસ્તાર માટે ગુજરાતમાં 64,200 અને દિલ્હીમાં 69,801 પોલીસ જવાનો છે. એવી જ રીતે, છત્તીસગઢ સરકારને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી લઈને સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુધીના હોદ્દા માટે 370 સિનિયર અધિકારીઓની જરૂર છે, પરંતુ હાલ ફક્ત 288 અધિકારીઓની મદદથી કામ ચલાવાઈ રહ્યું છે. કડવી સચ્ચાઈ એ છે કે, લોકશાહીના મૂલ્યો જાળવવા પણ આપણે નક્સલવાદીઓ સામે લશ્કરની મદદથી કડક હાથે કામ લેવું પડશે, નહીં તો નિર્દોષો મરતા રહેશે અને આતંકવાદીઓ તેમની મદદથી નાપાક ઈરાદા પાર પાડતા રહેશે.  

‘બસ્તર કા શેર’ મહેન્દ્ર કર્મા કોણ હતા?

મહેન્દ્ર કર્મા છત્તીસગઢમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા હતા. વર્ષ 2004થી 2008 સુધી છત્તીસગઢ વિધાનસભામાં તેમણે વિરોધ પક્ષના નેતા તરીકેની ફરજ બજાવી હતી. મહેન્દ્ર કર્માના પિતા દારાબોડા કર્મા બસ્તરના જાણીતા નેતા હતા. મહેન્દ્ર કર્માએ કોલેજ સુધીનું શિક્ષણ લીધું હતું અને તેઓ દંતેશ્વરી કોલેજમાં ભણતા હતા ત્યારથી સ્થાનિક રાજકારણમાં ઊંડો રસ લેતા હતા. તેમના મોટા ભાઈ લક્ષ્મણ કર્મા પણ સંસદ સભ્ય હતા. તેમના બીજા એક ભાઈ પોડિયારામની નક્સલવાદીઓને હત્યા કરી દીધી હતી. પોડિયારામ ભાઈરામગઢ જનપદ પંચાયતના પ્રમુખ હતા. નક્સલવાદીઓએ સમયાંતરે કર્મા પરિવારના વીસ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મહેન્દ્ર કર્માએ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના સ્થાનિક નેતા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, અને બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

‘બસ્તર કા શેર’ તરીકે જાણીતા બનેલા મહેન્દ્ર કર્મા 

મહેન્દ્ર કર્માએ વર્ષ 2005માં જ નક્સલવાદીઓ સામે સશસ્ત્ર લડાઈ કરવા ‘સલવા જુડમ’ નામના વિવાદાસ્પદ જૂથની રચના કરી હતી. સલવા જુડમ એ ગોંડી ભાષાના શબ્દો છે અને તેનો અર્થ ‘પીસ માર્ચ’ કે ‘પ્યોરિફિકેશન હન્ટ’ થાય છે. આ સંસ્થા નક્સલ પ્રભાવિત ગામોના યુવાનોને નક્સલવાદીઓ સામે લડવાની તાલીમ આપતી હતી. સલવા જુડમને રાજ્ય સરકારનો પણ ટેકો હતો. જોકે, નક્સલવાદીઓ સામે લડવાના હેતુથી શરૂ થયેલા સલવા જુડમની અમર્યાદ સત્તા મહેન્દ્ર કર્મા પચાવી શક્યા ન હતા. કર્મા પર આરોપ હતો કે, તેઓ પોતાના વિરોધીને નક્સલવાદી અથવા તેમના ઈન્ફોર્મરમાં ખપાવીને હત્યા કરાવી દેતા હતા. અશિક્ષિત, બેરોજગાર યુવાનો તેમજ બાળકોને પણ અયોગ્ય રીતે શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવા બદલ પણ સલવા જુડમ બદનામ થયું હતું. છેવટે પાંચમી જુલાઈ, 2011ના રોજ સર્વોચ્ચ અદાલતે સલવા જુડમને ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કરીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને છત્તીસગઢ સરકારને સલવા જુડમ વિખેરી નાંખવાના આદેશ કર્યા હતા. આ ઉપરાંત અદાલતે ગ્રામવાસીઓને વહેંચેલા હથિયારો તાત્કાલિક ધોરણે પરત લઈ લેવા અને સલવા જુડમની ગેરકાયદે પ્રવૃત્તિની તપાસ કરવા માટે પણ સરકારને હુકમ કર્યો હતો.

મહેન્દ્ર કર્મા બસ્તર જિલ્લાના આદિવાસી હતા, પરંતુ રાજકારણમાં આવ્યા પછી તેઓ છત્તીસગઢની રાજધાની રાયપુરના લક્ઝુરિયસ ઘરમાં રહેતા હતા. કેટલાક લોકોનું માનવું છે કે, ‘બસ્તરના ટાઈગર’ તરીકે ઓળખાતા મહેન્દ્ર કર્માને મારવા માટે જ નક્સલવાદીઓએ આ હુમલો કર્યો હતો. આ હુમલામાં બચી ગયેલા કોંગ્રેસના નેતા સત્તાર અલીએ મીડિયાને જણાવ્યું છે કે, “કર્માને માર્યા પછી નક્સલો તેમની લાશની આજુબાજુ નાચ્યા હતા. આ જોઈને અમે ડઘાઈ ગયા હતા.” મહેન્દ્ર કર્મા પર અગાઉ પણ અનેકવાર હુમલા થયા હતા. છત્તીસગઢમાં યોજાયેલી પરિવર્તન રેલી વખતે પણ કર્મા તેમની ઝેડ પ્લસ સિક્યોરિટીના કમાન્ડોથી ઘેરાયેલા હતા. નક્સલોએ રેલીને ઘેરી લીધા પછી કર્માએ તેમની સામે હથિયાર ઉઠાવ્યા હતા, પરંતુ બાદમાં બીજા લોકોની સુરક્ષા ખાતર તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. 62 વર્ષીય કર્માને નક્સલો જંગલમાં ઢસડીને લઈ ગયા હતા અને તેમના શરીરમાં 50થી 60 ગોળીઓ ધરબી દીધી હતી. 

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

28 May, 2013

પ્રકાશ રેલાવતા છોડનું સર્જન


અમેરિકાના વિજ્ઞાનીઓએ વીજળી બચાવવા તેમજ સ્ટ્રીટ લાઈટની મુશ્કેલીઓ દૂર કરી શકાય એ માટે ‘ગ્લોઈંગ પ્લાન્ટ્સઃ નેચરલ લાઈટિંગ વિથ નો ઈલેક્ટ્રિસિટી’ નામનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ એવા છોડ ઉગાડવાનો છે જે સતત ‘નેચરલ લાઈટ’નું ઉત્સર્જન કરે. મહત્ત્વની વાત એ છે કે, આ પ્રોજેક્ટ બાયોટેક્નોલોજિસ્ટો અને ઉદ્યોગસાહસિકોના એક નાનકડા જૂથ દ્વારા શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ હેઠળ કામ કરી રહેલા વિજ્ઞાનીઓને આશા છે કે, નજીકના ભવિષ્યમાં તેઓ એવા છોડનું સર્જન કરશે જેમાંથી આપમેળે પ્રકાશ નીકળતો હશે! આવી વનસ્પતિનું સર્જન કરવા માટે કોઈ સજીવના જનીનોનું વનસ્પતિના ડીએનમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે. વિજ્ઞાનની આ શાખા સિન્થેટિક બાયોલોજી નામે ઓળખાય છે.

સિન્થેટિક બાયોલોજી જિનેટિક એન્જિનિયરિંગનો જ એક ભાગ છે. જોકે, કેટલીક સંસ્થાઓએ સિન્થેટિક બાયોલોજી હેઠળ થઈ રહેલા આ પ્રયોગો સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આ સંસ્થાઓનું કહેવું છે કે, કમસેકમ નૈતિક ધોરણે પણ આપણે આવા પ્રયોગો ન કરવા જોઈએ. નૈતિક મુદ્દે થઈ રહેલા વિરોધ છતાં વિજ્ઞાનીઓ આ પ્રયોગમાં મક્કમતાથી આગળ વધી રહ્યા છે. એક અનોખી શોધનું લક્ષ્ય અને બીજી તરફ તેનો વિરોધ થઈ રહ્યો હોવાથી વિજ્ઞાન જગતમાં આ પ્રયોગોની ચર્ચાએ જોર પકડ્યું છે.

પ્રયોગોનો હેતુ અને અપેક્ષા

જો આવા છોડનું સર્જન શક્ય બને તો ભારત જેવા દેશના અંતરિયાળ વિસ્તારોમાં વીજળી પહોંચાડવાની મુશ્કેલીનો ખૂબ ઝડપથી અંત આવી જાય. અમેરિકન વિજ્ઞાનીઓનું માનવું છે કે, આ પ્રકારના છોડ એટલો પ્રકાશ આપશે કે જેમાં સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ આસાનીથી વાંચી શકશે. આ પરથી અંદાજ લગાવી શકીએ છીએ કે, જે દેશમાં આજે પણ વિદ્યાર્થીઓએ વીજળીના થાંભલે ભણવું પડતું હોય ત્યાં આવી શોધ કેટલી ક્રાંતિકારી સાબિત થઈ શકે છે!

બીજી મહત્ત્વની વાત એ છે કે, આ પ્રોજેક્ટે કોર્પોરેટ કે એકેડેમિક લેબોરેટરીમાં નહીં પણ કોમ્યુનલ લેબોરેટરીમાં આકાર લીધો છે. અમેરિકામાં આ પ્રકારની લેબોરેટરીઓને વિવિધ પ્રયોગો કરવા માટે સરકારની ખાસ આર્થિક મદદ મળતી નથી પણ વિજ્ઞાનીઓએ જ ભંડોળ ભેગું કરવું પડે છે. હાલ, અમેરિકાના વિજ્ઞાન જગતમાં કોમ્યુનલ લેબોરેટરીઓના સથવારે ‘ડુ ઈટ યોરસેલ્ફ’ (ડીઆઈવાય) મુવમેન્ટ ચાલી રહી છે. આ નામ પરથી સમજી શકાય છે કે, આ ચળવળનો હેતુ શું છે? આ પ્રોજેક્ટ હેઠળ સંકળાયેલા વિજ્ઞાની અને પ્રોજેક્ટ મેનેજર એન્ટની ઈવાન્સે પણ કિકસ્ટાર્ટર.કોમ (www.kickstarter.com) નામની વેબસાઈટ પર ઓનલાઈન વીડિયો મૂકીને આર્થિક મદદ માગી હતી, અને આ લખાય છે ત્યાં સુધી 4,500 દાતાઓ અઢી લાખ ડૉલરથી પણ વધુ રકમ આપી ચૂક્યા છે. બીજી તરફ, વિજ્ઞાનીઓ પણ પ્રકાશ ફેંકતા છોડ અને છોડનું સર્જન કરવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે.

જેલી ફિશના જનીનોની મદદથી પ્રકાશિત કરાયેલા ઈ કોલી નામના
બેક્ટેરિયા બતાવી રહેલા એન્ટની ઈવાન્સ (ડાબે) અને કાયલી ટેલર 

અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિદ્યાર્થીઓએ થોડા વર્ષ પહેલાં પ્રકાશ ફેંકતા તમાકુના છોડનું સર્જન કર્યું હતું. આ માટે સંશોધકોએ તમાકુના છોડમાં એક ચમકતા દરિયાઈ જીવના જનીનોનું પ્રત્યારોપણ કર્યું હતું. તમાકુના આ છોડમાંથી પ્રકાશ મેળવવા તેને પાંચ મિનિટ સુધી અંધારિયા ખંડમાં રાખવો પડતો હતો અને ત્યાર પછી પણ તેમાંથી ખૂબ ઝાંખો પ્રકાશ આવતો હતો. પરંતુ આ પ્રોજેક્ટમાં કાર્યરત વિજ્ઞાનીઓએ કિકસ્ટાર્ટરના પેજ પર જણાવ્યું છે કે, “અમને આશા છે કે, અમારા છોડ અંધારામાં સહેલાઈથી ઝળહળશે, પરંતુ એટલી બધી અપેક્ષા ના રાખવી જોઈએ કે તે ભવિષ્યમાં બલ્બનું સ્થાન લઈ લે.”

આજે પણ વિજ્ઞાન જગતમાં સિન્થેટિક બાયોલોજીમાં થઈ રહેલા પ્રયોગો અસ્પષ્ટ અને શંકાસ્પદ છે. આવા પ્રયોગો જિનેટિક એન્જિનિયરિંગથી થોડાં અલગ હોય છે. જિનેટિક એન્જિનયરિંગમાં એક સજીવના જનીનને બીજાના ડીએનએમાં મૂકવાનો હોય છે. જ્યારે સિન્થેટિક બાયોલોજીમાં ડીએનએના કૃત્રિમિકરણ અને તેને કુદરતના અન્ય જનીનો સાથે મેળ બેસાડવાના પ્રયોગો થાય છે. આ પ્રોજેક્ટ પાછળ સાન ફાન્સિસ્કોના ટેક્નોલોજી આંત્રપ્રિન્યોર એન્ટની ઈવાન્સ, બાયોકેમિસ્ટ ઓમરી એમિરેવ-ડ્રોરીનું ભેજું છે. તેઓ સિલિકોન વેલીની નફો નહીં કરતી સંસ્થા સિંગ્યુલારિટી યુનિવર્સિટીમાં મળ્યા હતા, જ્યાં તેમણે ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજી તરીકે આવા પ્રયોગોની રજૂઆતો કરી હતી.

ડૉ. એમિરેવ-ડ્રોરી ‘જિનોમ કમ્પાયલર’ નામની કંપનીના માલિક છે. આ કંપની ડીએનએ સિક્વન્સની ડિઝાઈનમાં ઉપયોગ કરી શકાય એવા પ્રોગ્રામ બનાવે છે. જ્યારે ત્રીજા વિજ્ઞાની કાયલી ટેલરે હજુ ગયા વર્ષે જ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મોલેક્યુલર અને સેલ બાયોલોજીમાં પી.એચડી. પૂરું કર્યું છે. કાયલી છોડમાં સિન્થેટિક (કૃત્રિમ) ડીએનએ મૂકવાની પ્રક્રિયાના ઈન ચાર્જનો હોદ્દો સંભાળી રહ્યા છે. આ દિશામાં તેમણે સિલિકોન વેલીની ‘બાયોક્યુરિયસ’ નામની કોમ્યુનલ લેબોરેટરીમાં પ્રાથમિક સંશોધન કર્યું છે. આ લેબોરેટરી પોતાને બાયોટેક્નોલોજીની દુનિયાની ‘હેકર સ્પેસ’ તરીકેનું ગૌરવ લે છે. ગ્લોઈંગ પ્લાન્ટનો સૌથી પહેલો પ્રયોગ રાઈની જાતિના એરાબિડોપ્સિસ થેલિયાના નામના છોડ અને ઉંદરો પર કરાયો છે. હવે વિજ્ઞાનીઓ પ્રકાશ રેલાવતા ગુલાબનું સર્જન કરવાની આશા રાખી રહ્યા છે.

નૈતિક મૂલ્યો મુદ્દે વિરોધ

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “એટલી બધી અપેક્ષા ના રાખવી જોઈએ કે આ છોડ ભવિષ્યમાં બલ્બનું સ્થાન લઈ લે...” આ નિવેદથી અન્ય વિજ્ઞાનીઓ આ પ્રોજેક્ટને શંકાસ્પદ નજરે જુએ છે. કેટલાક બાયોટેક્નોલોજિસ્ટો ભય વ્યક્ત કરે છે કે, આ પ્રયોગો વખતે અકસ્માતે એવા કોઈ હાનિકારક જીવાણુનું સર્જન ના થઈ જાય જે માણસજાત માટે ખતરારૂપ હોય. ‘ફ્રેન્ડ્સ ઓન અર્થ’ અને ‘ઈટીસી ગ્રૂપ’ નામની બે પર્યાવરણવાદી સંસ્થાઓએ તો કિકસ્ટાર્ટર.કોમને ‘ગ્લોઈંગ પ્લાન્ટ્સ’ના પ્રયોગો બંધ કરવાની ભલામણ કરી છે. આ મુદ્દે તેમણે અમેરિકાના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટને પણ પત્ર લખ્યો છે.

આ બંને સંસ્થાઓનું દૃઢપણે માનવું છે કે, કિકસ્ટાર્ટ.કોમની વેબસાઈટ પરથી આ પ્રોજેક્ટને લગતી માહિતી તાત્કાલિક ધોરણે દૂર નહીં કરાય તો નજીકના ભવિષ્યમાં બાયોએન્જિનિરિંગની જોખમી પદ્ધતિઓથી વિકસાવેલા બીજનું ઉત્પાદન શરૂ થઈ જશે. વળી, આ પ્રોજેક્ટમાં તેના ચારેક હજાર દાતાને પણ આવા બીજ આપવાનું વચન અપાયું છે. આ મુદ્દે પણ ઉપરોક્ત બંને સંસ્થાએ ભય વ્યક્ત કર્યો છે. પરંતુ વિજ્ઞાનીઓ સિન્થેટિક બાયોલોજીને લગતા વિશ્વના સૌપ્રથમ પ્રોજેક્ટનું ગૌરવપૂર્વક શ્રેય લઈ રહ્યા છે અને અમેરિકાના એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટે પણ આ પ્રયોગો સામે હજુ સુધી વાંધો ઉઠાવ્યો નથી. આ અંગે પ્રોજેક્ટ મેનેજર એન્ટની ઈવાન્સ કહે છે કે, “આ પ્રયોગો સુરક્ષિત છે. અમે એવા લોકો સાથે કામ કરીએ છીએ જે આ ક્ષેત્રમાં વીસ વર્ષથી કાર્યરત છે... વળી, અમે તમામ ભંડોળ લોકોના ભલા માટે વાપરવાના છીએ.”

પરંતુ સિન્થેટિક બાયોલોજીમાં થઈ રહેલા પ્રયોગો વખતે હંમેશા નૈતિક મુદ્દે વિરોધ થતો રહ્યો છે. આવા નાના-મોટા વિરોધ વચ્ચે વિજ્ઞાનીઓ સંશોધનના હેતુસર પ્રકાશ રેલાવતા વાંદરા, બિલાડી, ભૂંડ, કૂતરા અને અન્ય નાના જીવજંતુઓનું સર્જન કરી ચૂક્યા છે. ઝેબ્રા ફિશ તો ઘણાં વર્ષો સુધી અમેરિકાના એક્વેરિયમમાં વેચાતી મળતી હતી. આવા સજીવોને ગ્રીન ફ્લુરોસન્ટ પ્રોટીનના જનીનોની મદદથી પ્રકાશિત કરાય છે, જે મોટે ભાગે જેલી ફિશમાંથી મેળવીને ડીએનએમાં મૂકવામાં આવે છે અને તેમના પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે ત્યારે જ તે પ્રકાશિત થાય છે. આ ઉપરાંત વર્ષ 1980માં કેટલાક વિજ્ઞાનીઓએ આગિયા (રાત્રે ચમકતા એક પ્રકારના જીવડાં)ના લ્યુસિફેરેસ નામના ઉત્સેચક (એન્ઝાઈમ)ના જનીનને છોડમાં પ્રત્યારોપિત કર્યા હતા. આ ઉત્સેચક આગિયાને પ્રકાશિત કરવા જવાબદાર છે. પરંતુ લ્યુસિફેરસ અન્ય એક કેમિકલ લ્યુસિફેરિન વિના નકામું છે. પરિણામે આ પ્લાન્ટ પ્રકાશ આપી શક્યો નહીં. આ દરમિયાન વિજ્ઞાનીઓને જાણવા મળ્યું કે, વનસ્પતિને સતત લ્યુસિફેરિન મળતું ના રહે ત્યાં સુધી તેમાં પ્રકાશનું સર્જન શક્ય નથી.

વર્ષ 2010માં અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી સ્ટોની બ્રૂક પબ્લિક રિસર્ચ યુનિવર્સિટીના સંશોધકોએ જાહેર કર્યું કે, “અમે પ્રકાશનું ઉત્સર્જન કરતા તમાકુના છોડનું સર્જન કર્યું છે, જોકે તે ઝાંખો છે.” આ સંશોધકોએ એક દરિયાઈ જીવનો ઉપયોગ કરીને લ્યુસિફેરેસ અને લ્યુસિફેરિન નામના તત્ત્વો મેળવ્યા હતા અને તેને પ્રકાશિત કરવા જવાબદાર તમામ છ જનીનોનું તમાકુના છોડમાં પ્રત્યારોપણ કર્યું હતું. આ તમામ સંશોધન એલેક્ઝાન્ડર ક્રિચસ્કી નામના વિજ્ઞાનીની આગેવાનીમાં થયું હતું અને બાદમાં તેમણે ‘બાયોગ્લો’ નામની કંપની પણ સ્થાપી હતી. તેમનો હેતુ પ્રકાશિત છોડનું વ્યાપારીકરણ કરવાનો હતો, પરંતુ તેઓ હજુ સુધી આવું કંઈ કરી શક્યા નથી. થોડા સમય પહેલાં તેઓ ‘અવતાર’ ફિલ્મના ચમકતા છોડની યાદ અપાવીને કહેતા હતા કે, “શું તમે અંધારામાં પ્રકાશિત થાય એવા છોડ પસંદ નહીં કરો?

કેટલાક અણિયાળા સવાલો

હજુ સુધી વિજ્ઞાનીઓ એ જાણતા નથી કે, જો ભવિષ્યમાં ખરેખર લાઈટ બલ્બનું સ્થાન લઈ લે એવા પ્રકાશિત છોડનું સર્જન કરી શકાય તો આવા છોડ પ્રકાશનું સર્જન કરવા માટે કેટલી શક્તિ વાપરશે? આ ઉપરાંત જો તે સારી રીતે પ્રકાશ આપતો હશે તો પણ તેનો વિકાસ થશે? તેમજ સૌથી મહત્ત્વનો સવાલ છે કે, આવા છોડમાં કોઈ નવા જ પ્રકારની જીવાણુઓ થશે એની શક્યતા કેટલી છે? જોકે, આવા કોઈ સવાલનો વિજ્ઞાનીઓ પાસે જવાબ નથી.

બીજી બાજુ, અમેરિકન એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, વિજ્ઞાનીઓ દ્વારા પ્રયોગો કરીને સર્જાતા જિનેટિકલી મોડિફાઈડ છોડ અમારા કોઈ કાયદા હેઠળ આવતા નથી. કારણ કે, તેઓ કોઈ જીવાણુંનું નહીં પણ વનસ્પતિનું સર્જન કરી રહ્યા છે. આ મુદ્દે ડિપાર્ટમેન્ટે ‘બાયોગ્લો’ કંપનીને એક મંજૂરી પત્ર પણ પાઠવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, “તમારા પ્રકાશનું ઉત્સર્જન કરતા છોડને અમારી મંજૂરીની જરૂર જ નથી કારણ કે, તે છોડના જીવાણુ નથી, અને તમે આવા જીવાણુઓનો ઉપયોગ પણ કરતા નથી.” પરિણામે એન્ટની ઈવાન્સ અને તેમની ટીમને ખાતરી છે કે, નજીકના ભવિષ્યમાં તેમને પણ આવી મંજૂરી મળી જશે.

જોકે, આ પ્રોજેક્ટને લઈને અમેરિકા સહિતના દેશોના અનેક વિજ્ઞાનીઓને આશા છે કે, આ પ્રયોગોથી વિજ્ઞાન સિન્થેટિક બાયોલોજીના એક નવા પાસાંને વધુ ઊંડાણપૂર્વક સમજી શકશે.

કમર દર્દને ભૂતકાળ બનાવવા મથતા વિજ્ઞાનીઓ


વિશ્વમાં એવો એક પણ દેશ નથી જ્યાં કમરના દુઃખાવાથી પીડાતા દર્દીઓ ના હોય. કમરના દુઃખાવાની ફરિયાદ દરેક ઉંમરના લોકો તેમજ પુરુષો અને સ્ત્રીઓ બંને કરતા હોય છે. ઓફિસમાં લાંબો સમય બેસીને કામ કરતા લોકો નાની ઉંમરથી કમરના દુખાવાથી પીડાવા લાગે છે. ભારત સહિતના દેશોમાં વીસથી ચાળીસ વર્ષની વય વચ્ચેના લોકો કમરના દુઃખાવાનો સૌથી વધુ ભોગ બને છે. ગરદનથી લઈને કરોડરજ્જુ અને તેની આસપાસના કુલ 26 હાડકામાં ખામી સર્જાય ત્યારે કમરનો દુખાવો થાય છે. પરંતુ ખુશીની વાત છે કે, તાજેતરમાં ડેન્માર્કના વિજ્ઞાનીઓએ કમરના હઠીલા દુખાવાની એન્ટિબાયોટિક સારવાર વિકસાવ્યાનો દાવો કર્યો છે. અંગેનો અહેવાલ યુરોપની પ્રતિષ્ઠિતયુરોપિયન સ્પાઈન જર્નલમાં છપાયો છે. વળી, કેટલાક પ્રતિષ્ઠિત તબીબોએ શોધ નોબલ પ્રાઈઝને લાયક હોવાનું કહ્યું છે. એટલે સ્વાભાવિક રીતે  વૈશ્વિક મેડિકલ જગતમાં ફરી એકવાર આ મુદ્દે ચર્ચા થઈ રહી છે, ત્યારે આપણે આ શોધ શું છે એ વિશે થોડી જાણકારી મેળવીએ.

કમરના દુઃખાવાની સારવાર શોધનારા વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, હવે હઠીલા કમર દર્દથી પીડાતા 40 ટકાથી વધુ દર્દીઓને એન્ટિબાયોટિકની મદદથી સાજા કરી શકાશે અને સર્જરીની જરૂર નહીં રહે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ કોલેજ લંડન હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ એન્ડ સ્પાઈનલ સર્જન પીટર હેમલિન સહિત અન્ય દેશોના તબીબો પણ પોતાના વ્યવસાયિક અનુભવોના આધારે કહે છે કે, શોધ નોબલ પ્રાઈઝને લાયક છે. અંગે તેઓ કહે છે કે, “હવે અડધાથી પણ વધારે સર્જરીનું સ્થાન એન્ટિબાયોટિક્સ સારવાર લઈ લેશે, જે બહુ મોટી વાત છે.” તેઓ મેદાન પર ઈજાગ્રસ્ત થયેલા રગ્બી કે ફૂટબોલ ખેલાડીઓની સારવાર કરી ચૂક્યા છે. એટલે કે, કમરના દુખાવાનું કારણ દર વખતે બેક્ટેરિયલ ઈન્ફેશન ના પણ હોય. ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ રમતા કે અકસ્માત વખતે થયેલી ઈજા પણ હઠીલા કમર દર્દનું કારણ બની શકે છે. જોકે, યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કના સંશોધકોનો દાવો છે કે, કમરના નીચેના ભાગમાં સખત દુખાવાના ચાળીસેક ટકા કેસમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન મુખ્ય કારણ હોય છે.


કમર દર્દને સર્જરી વિના કેવી રીતે મટાડી શકાય દિશામાં પ્રયોગો કરતી વખતે ડેન્માર્કના સંશોધકોના ધ્યાનમાં આવ્યું હતું કે, તેમાંના ઘણાં લોકો બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ભોગ બનવાના કારણે કમર દર્દનો ભોગ બન્યા હતા. સંશોધકોએ કમરમાં નીચેની તરફ થતા દુખાવાથી પીડાતા દર્દીઓને સર્જરી નહીં પણ એન્ટિબાયોટિક સારવાર આપીને સાજા કર્યા હતા. એટલું નહીં, સર્જરીના વિકલ્પ તરીકે ઉપયોગમાં લીધેલી એન્ટિબાયોટિકનું મૂલ્ય આશરે 114 પાઉન્ડ જેટલું છે, જે ખર્ચાળ સર્જરીથી ઘણું ઓછું કહેવાય. યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કના સંશોધકો પૈકીના એક ડૉ. હાના આલબર્ટ કહે છે કે, “ એન્ટિબાયોટિક સામાન્ય દુખાવામાં મદદરૂપ નહીં થાય. દવા એક્યુટ કે સબ-એક્યુટ સ્તરના ક્રોનિક લૉઅર બેક પેઈનના દર્દીઓ માટે છે.” ડૉ. હાનાનો મુદ્દો સમજવા કમર દર્દનું મેડિકલ વર્ગીકરણ સમજવું જરૂરી છે.

કમર દર્દ મુખ્યત્વે ચાર ભાગમાં થાય છે, જેમાં ગરદન (નેક), કમરનો વચ્ચેનો ભાગ (મિડલ બેક), કમરનો નીચેનો ભાગ (લૉઅર બેક) અને કરોડના છેલ્લાં મણકા (ટેઈલ-બોન)નો સમાવેશ થાય છે. એવી રીતે, કમર દર્દ જેટલો સમય રહે તેના આધારે પણ ઓળખાય છે. કમર દર્દ સતત સાત અઠવાડિયા સુધી રહે તો એક્યુટ, સાતથી બાર અઠવાડિયા રહે તો સબ-એક્યુટ અને બાર અઠવાડિયાથી લાંબો સમય રહે તો મેડિકલ પરિભાષામાં ક્રોનિક પેઈન (હઠીલું દર્દ) તરીકે ઓળખાય છે. ઉપરાંત અયોગ્ય મુદ્રામાં બેસી રહેવાના કારણે થતું કમર દર્દ પોશ્ચર સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. યુવાનીમાં કમર દર્દ થવા પાછળનું સૌથી મોટું કારણ છે. એવી રીતે, ‘સ્લિપ ડિસ્કના કારણે થતો દુખાવો ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. સ્લિપ ડિસ્કને સાદી ભાષામાંગાદી ખસી જવીએમ કહે છે. જ્યારે સાંધા-સ્નાયુઓ અને લિગામેન્ટ્સ (બે હાડકાને જોડતા સ્નાયુઓ)ની પોચી પેશીઓને નુકસાન થવાથી થતું કમર દર્દ ડાયસફંક્શન સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. સતત ભાગદોડભર્યું જીવન જીવતા અને કસરત નહીં કરતા લોકો રોગનો ભોગ બને છે. પરંતુ ડૉ. હાના કહે છે કે, “આવા લોકો ફરી એકવાર એટલા સામાન્ય થઈ શકે છે, જેની તેમણે કલ્પના સુદ્ધાં નહીં કરી હોય.”

ડૉ. હાના આલબર્ટ

છેલ્લાં એક દાયકાથી એકથી વધારે દેશના અનેક સંશોધકોએ, અનેક દર્દીઓ પર પ્રયોગો કરીને સારવારની શોધ કરી છે. સંશોધકોએ સતત દસ વર્ષ સુધી અનેક ઉતાર-ચઢાવ આવ્યા હોવા છતાં સંશોધન કાર્ય આગળ ધપાવ્યે રાખ્યું હતું. ‘યુરોપિયન સ્પાઈન જર્નલમાં સંશોધકોએ વિસ્તૃત રીતે સમજાવ્યું છે કે, ગાદીમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન કેવી રીતે કમર દર્દમાં પરિવર્તિત થઈ જાય છે. એટલું નહીં, તેના કારણે કરોડમાં લાંબા ગાળે હેર લાઈન (વાળ જેટલા પાતળા) ફ્રેક્ચર પણ થઈ જાય છે. ડેન્માર્કના સંશોધકોએ હઠીલા કમર દર્દથી પીડાતા દર્દીઓની કરોડરજ્જુની આસપાસની પેશીઓના નમૂનાનું બારીક નિરીક્ષણ કર્યું હતું, અને 80 ટકાથી પણ વધારે દર્દીઓમાંપ્રોપિઓનિબેક્ટેરિયમ એક્નેસનામના જીવાણુઓ જોવા મળ્યા હતા. ચહેરા પર ખીલ (Acne) થવાનું કારણ બેક્ટેરિયા હોય છે. બેક્ટેરિયા વાળના બારીક મૂળિયા કે દાંત વચ્ચેની જગ્યામાં રહેતા હોય છે, પરંતુ આપણે બ્રશ કરીએ ત્યારે તે સહેલાઈથી લોહીમાં ભળી જાય છે.

સામાન્ય રીતે બેક્ટેરિયા નુકસાન નથી કરતા, પરંતુ જો તમે સ્લિપ ડિસ્કથી પીડાતા હો તો સંજોગો બદલાતા વાર નથી લાગતી. સ્લિપ ડિસ્કથી પીડાતું શરીર આપમેળે સારવાર કરવા નાનકડી રક્તવાહિનીઓનું સર્જન કરે છે. જોકે, તેનાથી દર્દીના દુખાવામાં રાહત થવાના બદલે બેક્ટેરિયાને મદદ મળે છે. કારણ કે, રક્તવાહિનીઓની મદદથી બેક્ટેરિયા સ્લિપ ડિસ્કની આસપાસ પહોંચી જાય છે અને ત્યાં જઈ ગંભીર નુકસાન પહોંચાડે છે. સ્લિપ ડિસ્કના દર્દીનું એમઆરઆઈ સ્કેન કરાવવાથી સોજા દેખાય છે. સંશોધકોના મતે, તેઓ હઠીલા કમર દર્દને પણ 100 ટકા મટાડી શકે છે. પરંતુ માટે દર્દીના દુખાવાનો અભ્યાસ કરીને એન્ટિબાયોટિક ડોઝ લેવા પડે છે. સંશોધનોમાં પસંદ થયેલા કમર દર્દના 80 ટકા દર્દીઓને આવી રીતે સારવાર આપવાથી રાહત આપી શકાઈ છે. તમામ દર્દીઓ મહિનાથી પણ વધુ સમયથી કમર દર્દથી પીડાતા હતા અને તેમના એમઆરઆઈ સ્કેનમાં નુકસાન પામેલા હાડકા જોઈ શકાતા હતા.

ડૉ. પીટર હેમલિન

જોકે, ડૉ. હાના આલબર્ટ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, “દરેક દર્દી પર એન્ટિબાયોટિક અસર ના પણ કરે. પ્રકારની દવાનો વધુ પડતો ઉપયોગ કરાય તો બેક્ટેરિયા એન્ટિબાયોટિકથી બચવાની ક્ષમતા મેળવી લઈ શકે છે.” મેડિકલ જગત પહેલેથી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. પરંતુ એન્ટિબાયોટિક સારવાર સર્જરીથી સારો વિકલ્પ છે અને તેની મદદથી સર્જરી કર્યા પછી પણ કમર દર્દથી પીડાતા લોકોમાં ચોક્કસ ઘટાડો કરી શકાશે. સંશોધકોનું કહેવું છે કે, હવે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ અને ડૉક્ટરોને પણ શિક્ષિત કરવા જોઈએ જેથી દરેક દર્દીને જે જરૂરી હોય એવી સારવાર મળે, તેમજ આગામી પાંચેક વર્ષમાં બિનજરૂરી સર્જરીને નિવારી શકાય. પીટર હેમલિન કહે છે કે, “ભવિષ્યમાં સંશોધકોનું લક્ષ્ય એન્ટિબાયોટિકની વધુમાં વધુ દર્દીઓ પર કેવી રીતે અસર થાય તેમજ દર્દમાંથી તેઓ બને તેટલા ઝડપથી કેવી રીતે મુક્ત કરી શકાય, દિશામાં હોવું જોઈએ. સિદ્ધિ તેઓ કદાચટારગેટેડ ડ્રગ્સની મદદથી મેળવી શકે છે.”

જોકે,  યાદ રાખવું જરૂરી છે કે, સારવાર કમર દર્દથી પીડાતા દર્દીઓ માટે છે. પરંતુ કમર દર્દનો ભોગ ના બનીએ માટે નિયમિત કસરત, પોષણયુક્ત આહાર અને સમતોલ પેટ સિવાય બીજો એક પણ વિકલ્પ નથી. હાડકાને મજબૂતાઈ બક્ષવામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત ન્યુટ્રિશનિસ્ટ તો ત્યાં સુધી કહે છે કે, કરોડરજ્જુને મજબૂત કરવા વિટામિન D3, વિટામિન C અને ફોસ્ફેટ જેવા તત્ત્વો પણ ખૂબ જરૂરી છે. ગર્ભાવસ્થા પછી થતું કમર દર્દ નિવારવા સ્ત્રીઓએ પણ પોષણયુક્ત આહાર અને નિયમિત કસરત કરીને પેટ પરની ચરબીને કાબૂમાં રાખવી જોઈએ, જેથી કમર દર્દથી બચી શકાય.