24 April, 2014

શબ્દોના જાદુગર ‘ગેબો’નું અવસાન, ‘ન્યૂ જર્નાલિઝમ’નો યુગાંત


“હું એક પત્રકાર છું. હું હંમેશા પત્રકાર રહ્યો છું. જો હું પત્રકાર ના હોત તો આ પુસ્તકો લખાયા ના હોત. કારણ કે, આ બધું જ લખાણ વાસ્તવિકતામાંથી લેવાયું છે...” આ શબ્દો વીસમી સદીના મહાન સાહિત્યકાર ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝે ઉચ્ચાર્યા હતા. 17મી એપ્રિલ, 2014ના રોજ મેક્સિકોના ન્યૂ મેક્સિકો શહેરમાં 87 વર્ષની વયે ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝનું અવસાન થયું છે. તેઓ વર્ષ 1999થી લિમ્ફેટિક કેન્સરથી પીડાઈ રહ્યા હતા. અંગત મિત્રો તથા સાહિત્ય અને પત્રકારત્વની દુનિયામાં ‘ગેબો’ નામે ઓળખાતા આ સાહિત્યકારે છ નવલકથા, ચાર ટૂંકી નવલ, પાંચ વાર્તાસંગ્રહ અને સાત નોન-ફિક્શન પુસ્તકો આપ્યા છે. વર્ષ 1982માં તેમને ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથા માટે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.

ગેબોની સૌથી પ્રખ્યાત કૃતિ ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’એ વિશ્વભરના સાહિત્યકારો, લેખકો, બૌદ્ધિકો અને સામાન્ય વાચકો પર પણ ઊંડી છાપ છોડી હતી. આ પુસ્તકથી જ તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. આ નવલકથા વિષે ચીલીના મહાન કવિ પાબ્લો નેરુદાએ કહ્યું હતું કે, “મિગુલ દ સર્વાન્ટિસની ‘ડોન ક્વિકસોટ’ (પર્સનલ ફેવરિટ) પછી તે સ્પેનિશ ભાષાની સૌથી ઉત્તમ કૃતિ છે.” જ્યારે જાણીતા નવલકથાકાર વિલિયમ કેનેડીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, “બુક ઓફ જિનેસિસ પછી આ સાહિત્યનું પહેલું સર્જન છે, જે આખી માનવજાતે વાંચવું જોઈએ.” હિબ્રુ ભાષામાં લખાયેલા બાઈબલ ‘તનાખ’ કે ખ્રિસ્તીઓના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’નું પહેલું પુસ્તક ‘બુક ઓફ જિનેસિસ’ તરીકે ઓળખાય છે. આ પુસ્તકને મળેલી પ્રચંડ લોકપ્રિયતાના કારણે ગેબોને એક સમયે એવો ડર લાગ્યો હતો કે, આ પુસ્તક પછી તેઓ જે કોઈ પુસ્તક લખશે તેને વાચકોની દૃષ્ટિએ મૂલવવામાં નહીં આવે તો? ખેર, ગેબોનો ડર ખોટો સાબિત થયો હતો અને એ પછી તેમણે લખેલા મોટા ભાગના સર્જનને સમીક્ષકો અને વાચકો બંનેએ ખૂબ પસંદ કર્યું છે. આજે પણ વિશ્વના અનેક દેશોમાં તેમના પુસ્તકો એટલી જ ઉત્કટતાથી વંચાઈ રહ્યા છે.

ગેબ્રિઅલ ગાર્સિયા  માર્કવેઝ 

વર્ષ 1967માં પ્રકાશિત થયેલી ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથાનો વિશ્વની 37 ભાષામાં અનુવાદ થયો છે અને અત્યાર સુધી તેની પાંચ કરોડથી પણ વધારે નકલો વેચાઈ ચૂકી છે. ગેબોની ‘ક્રોનિકલ ઓફ એ ડેથ ફોરટોલ્ડ’, ‘લવ ઈન ધ ટાઈમ ઓફ કોલેરા’ તેમજ ‘ઓટમ ઓફ ધ પેટ્રિયાક’નું પણ ધૂમ વેચાણ થયું હતું. એક અંદાજ પ્રમાણે, ફક્ત બાઈબલ જ એક એવું પુસ્તક છે જે ગેબોની કૃતિઓ કરતા વધારે વેચાયું છે. ગેબોએ તેમના જીવનમાં કંઈક વિશિષ્ટ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. તેમના મોટા ભાગના સર્જનનું બેકગ્રાઉન્ડ લેટિન અમેરિકન સમાજ, સંસ્કૃતિ અને તેમની માન્યતાઓ છે પણ તેનો પ્રભાવ હંમેશા વિશ્વ વ્યાપી રહ્યો છે. કદાચ એટલે જ તેમના સર્જનોનો વિશ્વની અનેક ભાષામાં અનુવાદ થયો છે. ગેબોના લખાણોની ખાસિયત એ છે કે, તેમના સ્પેનિશમાં લખાયેલા પુસ્તકોનો બીજી ભાષામાં અનુવાદ થાય એ પછી પણ વાચક વચ્ચેનો તેમનો નાતો અકબંધ રહે છે, અને કદાચ એટલે જ ગેબોના પુસ્તકોનો પ્રભાવ હંમેશાં વ્યાપક રહ્યો છે.

ગેબો જે કંઈ લખતા હતા તેને સમીક્ષકો ‘મેજિકલ રિયાલિઝમ’ના ખાના (જોનર)માં મૂકે છે. તેમની કૃતિઓમાં ચમત્કારિકતા અને વાસ્તવવાદનો સુંદર સમન્વય હતો. ગેબોની વાર્તાઓમાં ઝંઝાવાતો વર્ષો સુધી શમવાનું નામ ન લેતા, આકાશમાંથી ફૂલો વરસતા અને જમીન પર તેના ઢગલા થતાં, જુલમી શાસકો સદીઓ સુધી જીવિત રહેતાં, સંતો હવામાં બેસી શકતા અને ખેતરોમાં લીધેલો પાક બગડતો નહીં. અરે, તેમના લખાણોમાં પ્રેમીઓની ઉત્કટતા પચાસ વર્ષ પછી પણ સજીવન થઈ જતી. ફિલ્મ કે સાહિત્ય જગતમાં મેજિકલ રિયાલિઝમ શૈલીની નવાઈ નથી પણ ગેબોએ સામાન્ય માણસની વાત કહેવા માટે આ શૈલીનો અદ્ભુત ઉપયોગ કર્યો હતો. ગેબોના લખાણોની મદદથી લેટિન અમેરિકાના લોકોને પહેલીવાર ઓળખ મળી હતી અને ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ કૃતિની મદદથી જ વિશ્વને લેટિન અમેરિકનોની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, શક્તિ અને અંધશ્રદ્ધાની દુનિયામાં ડોકિયું કરવાની તક મળી હતી. આ પુસ્તક લેટિન અમેરિકાની સામાજિક અને રાજકીય ઈતિહાસનો દસ્તાવેજ ગણાય છે.

વર્ષ 1982માં આ પુસ્તક બદલ નોબલ પુરસ્કાર સ્વીકારતી વખતે ગેબોએ લેટિન અમેરિકાને ક્રિયેટિવિટીના પ્રચંડ સ્રોત સાથે સરખાવ્યું હતું. ગેબો અખબારોમાં નોન-ફિક્શન લેખો પણ મજેદાર સાહિત્યિક શૈલીમાં લખતા, જે શૈલી ‘ન્યૂ જર્નાલિઝમ’ તરીકે ઓળખાય છે. તેઓ ન્યૂ જર્નાલિઝમની શરૂઆત કરનારા લેખકો પૈકીના એક હતા અને તેમના કારણે જ આ શૈલી વધુ જાણીતી બની હતી. તેમણે લખેલા નોન-ફિક્શન પુસ્તકોમાં ‘સ્ટોરી ઓફ એ શિપરેક્ડ સેઈલર’ પણ ખૂબ જાણીતું છે. આ સિવાય ‘ન્યૂઝ ઓફ અ કિડનેપિંગ’ નામના નોન-ફિક્શન પુસ્તકમાં લેટિન અમેરિકાના જાણીતા ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર અને તેની ગેંગે પોતાના જન્મસ્થળ કોલમ્બિયાને સામાજિક અને નૈતિક રીતે કેવો ફટકો પહોંચાડ્યો છે તેની વાત કરી છે. વર્ષ 1994માં તેમણે ઈબરોઅમેરિકન ફાઉન્ડેશન ફોર ન્યૂ જર્નાલિઝમ નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા આજે પણ પત્રકારત્વની તાલીમ આપે છે અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને લેટિન અમેરિકામાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને લખાણનું સ્તર ઊંચું લાવવા કાર્યરત છે.

ગેબો લેટિન અમેરિકાના બીજા પત્રકારો-લેખકોની જેમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ સક્રિય રસ લેતા હતા. ક્યુબાના પૂર્વ પ્રમુખ ફિડેલ કાસ્ટ્રો સાથે તેમની દોસ્તી જાણીતી હતી અને તેઓ પોતાના અપ્રકાશિત પુસ્તકોના ડ્રાફ્ટ પણ તેમને વાંચવા આપતા હતા. ગેબો સામંતવાદી વિરોધી વલણ ધરાવતા હતા અને તેમના લખાણોમાં ડાબેરી ઝોક રહેતો હતો. આ કારણોસર તેઓ ડાબેરી જૂથોના પ્રિય હતા. ગેબોની ડાબેરી છબિના કારણે કોલમ્બિયાના જમણેરી જૂથોમાં તેમજ અમેરિકાના માધ્યમોમાં તેમની ટીકા થતી રહેતી. જોકે, તેઓ વિયેતનામથી લઈને ચિલી સહિતના મુદ્દે અમેરિકાના વલણનો ખુલ્લેઆમ વિરોધ કરતા. તેઓ વેનેઝુએલા અને નિકારાગુઆમાં ડાબેરી પક્ષોનું સમર્થન કરતા અને તેમને આર્થિક મદદ પણ કરતા. ગેબોની કાસ્ટ્રો સાથેની દોસ્તી અને કોલમ્બિયન કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હોવાની શંકા તળે અમેરિકાએ તેમને સતત ત્રણ દાયકા સુધી વિઝા આપ્યા ન હતા. છેવટે વર્ષ 1995માં અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને તેમને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેમનો વિઝા પ્રતિબંધ દૂર કરાયો હતો.

ખેર, એક પત્રકાર, લેખક અને સાહિત્યકાર તરીકે ગેબોને વિશ્વ યાદ રાખશે. કારણ કે, તેમનો ઈરાદો લેખન થકી સામાન્ય માણસની લાગણીઓની વાત કરવાનો હતો. તેમણે લગભગ આખું જીવન એક સૈનિકની શિસ્તથી લખ્યું હતું. એક યુવાન પિતા તરીકે તેઓ બાળકોને સવારે સ્કૂલે મૂકવા અને બપોરે તેમને લેવા પણ જતા. આ દરમિયાન તેઓ સવારના આઠથી બપોરે બે વાગ્યા સુધી સતત લખતા. એકવાર તેમણે કહ્યું હતું કે, “એક પુસ્તક પૂરું કરું એ પછી જલદીથી બીજું લખી શકતો નથી. પછી હું શીખું છું કે, આવું બીજી વાર કેવી રીતે કરું. એ વખતે હાથ ઠંડા પડી જાય છે. લખતી વખતે જે ઉષ્મા મળી હોય છે તે પાછી શોધવા તમારે બીજી વાર એ શીખવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે...”

બાળપણથી જ મળી હતી લખવાની પ્રેરણા

ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝનો જન્મ છઠ્ઠી માર્ચ, 1927ના રોજ કોલમ્બિયાના અરાકાટાકા નામના નાનકડા શહેરમાં થયો હતો. ગેબ્રિઅલ તેમના પિતા ગેબ્રિઅલ એલિજિયો અને માતા લુસિયા સેન્ટિયાગાના બાર સંતાનમાં સૌથી મોટા હતા. તેમના પિતા સામાન્ય પોસ્ટલ ક્લાર્ક હોવાથી પરિવાર કારમી ગરીબીમાં સબડતો હતો. આ દરમિયાન ગેબ્રિઅલે તેમનું બાળપણ નાના-નાની સાથે એક ખખડધજ મકાનમાં વીતાવ્યું હતું અને આ મકાનમાં જ તેમનામાં એક લેખકના બીજ રોપાયા હતા. નાનકડા ગેબ્રિઅલ નાની પાસે ચમત્કારોની વાર્તાઓ સાંભળીને અને નાના નિકોલસ માર્કવેઝ મજિયા પાસેથી વીરકથાઓ સાંભળીને મોટા થયા. એટલે જ ગેબોના લખાણોમાં નાની પાસેથી સાંભળેલી વાર્તાઓની સુંદર કલ્પના અને નાના પાસેથી સાંભળેલી ક્રાંતિકથાઓની વાસ્તવિકતાનું સુંદર મિશ્રણ જોવા મળે છે. એકવાર ગેબોએ તેમના નાનાને જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથાનો હીરો કર્નલ બ્યુન્દિયા મારા નાનાને મળતા આવે છે અને એ પુસ્તકમાં જે જાદુઈ ગામ બતાવ્યું છે તે મારા જન્મ સ્થળ અરાકાટાકા જેવું છે.

ગેબો કિશોરવયે જ બોગોટા જતા રહ્યા હતા અને ત્યાં તેઓ કાયદાશાસ્ત્ર ભણ્યા હતા. જોકે તેમણે ડિગ્રી લીધા વિના પત્રકારત્વમાં ઝંપલાવ્યું. એ દરમિયાન વર્ષ 1940થી 1950માં કોલમ્બિયામાં રાજકીય અસ્થિરતા અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. આ સ્થિતિમાં ત્રણેક લાખ લોકોના મૃત્યુ થયા હતા અને ગેબોની અનેક નવલકથાઓમાં આ દુઃખદ ઘટનાનું બેકગ્રાઉન્ડ ઝીલાયું છે. પત્રકારત્વમાં આવ્યા પછી ગેબોએ અર્નેસ્ટ હેમિંગ્વે, વિલિયમ ફોકનર, માર્ક ટ્વેઈન, હર્માન મેલવિલે, ચાર્લ્સ ડિકન્સ, લિયો ટોલ્સટોય, વર્જિનિયા વુલ્ફ અને ફ્રાંક કાફ્કા જેવા વિશ્વ પ્રસિદ્ધ લેખકોને વાંચવાનું ચાલુ કરી દીધું હતું. તેઓ કેવા વાચક હતા તેનો અંદાજ તેમણે કહેલી એક વાત પરથી આવે છે. તેમણે કહ્યું હતું કે, “હું કલ્પના પણ નથી કરી શકતો કે, દસેક હજાર વર્ષના ગાળાના સાહિત્યનો થોડોઘણો અભ્યાસ કર્યા વિના કોઈ નવલકથા લખવાનું વિચારી પણ કેવી રીતે શકે.” જોકે, તેઓ પ્રિય લેખકની નકલ ના થાય એ માટે હંમેશા સાવધ રહેતા. કદાચ એટલે જ ગેબોના લખાણમાં આટલા વર્ષો પછી પણ તાજગી છે અને કદાચ હજુ પણ વર્ષો સુધી તે વંચાતા રહેશે.

19 April, 2014

માતાપિતાને બતાવવા જેવી ફિલ્મ, ‘ટુ સ્ટેટ્સ’


વર્ષ 1981માં એક ફિલ્મ આવી હતી એક દુજે કે લિયે’. આ ફિલ્મમાં તમિલ યુવક વાસુ (કમલ હાસન) અને ઉત્તર ભારતીય યુવતી સપના (રતિ અગ્નિહોત્રી) વચ્ચેના પ્રેમની વાત છે. આ બંને યુવાનોના પરિવાર ગોવામાં એકબીજાની પાડોશમાં રહેતા હોય છે. તે બંનેનું બેકગ્રાઉન્ડ એકબીજાથી તદ્દન જુદું હોય છે અને તેઓ એકબીજાની ભાષા પણ બિલકુલ સમજતા નથી હોતા પણ તેઓ પ્રેમની ભાષા સમજી જાય છે. ગઈ કાલે ચેતન ભગતની નવલકથા પરથી ટુ સ્ટેટ્સજોયા પછી ભારતીય સિનેમાની વન ઓફ ધ બેસ્ટ લવ સ્ટોરીમાં જેની ગણના થાય છે એ એક દુજે કે લિયેયાદ આવી ગઈ. ટુ સ્ટેટ્સને ભલે સમીક્ષકોએ એવરેજ ફિલ્મ કહી હોય પણ આ ફિલ્મ જોવા જેવી છે. 

ટુ સ્ટેટ્સએ આઈઆઈએમ-અમદાવાદમાં ભણતા પંજાબી યુવક ક્રિશ (અર્જુન કપૂર) અને તમિલ યુવતી અનન્યા (આલિયા ભટ્ટ)ની પ્રેમ કહાની છે. તેઓ પ્રેમમાં પડ્યા પછી એકબીજાનું બેકગ્રાઉન્ડ અલગ હોવાના કારણે મુશ્કેલીમાં મૂકાય છે અને તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે એ વાત હળવાશ (રોમેન્ટિક કોમેડી)થી બતાવાઈ છે. ક્રિશની માતા તો પાગલપનની હદ સુધી અનન્યાને ધુત્કારતી હોય છે કારણ કે તે મદ્રાસી છે. તેમના માટે બધા જ દક્ષિણ ભારતીયો મદ્રાસીછે. ફિલ્મમાં પંજાબ અને તામિલનાડુ જેવા બે રાજ્યો વચ્ચેની સંસ્કૃતિ અને ભાષા ભેદના કારણે ઊભી થતી મુશ્કેલીની વાત છે. આ બંને રાજ્યો ભારતના મુખ્ય પ્રવાહમાં હોવા છતાં આ હાલત છે, તો પછી ઉત્તર-પૂર્વીય રાજ્યોની તો વાત જ શું કરવી. એ સ્થિતિમાં તાનિયામ મર્ડર કેસ પણ યાદ આવી જવો સ્વાભાવિક છે. 

‘ટુ સ્ટેટ્સ’નું પોસ્ટર

હા, આ તો જુદા જુદા રાજ્યોની વાત છે પણ એક ગુજરાતી છોકરો કોઈ ગુજરાતી છોકરીના પ્રેમમાં પડે તો પણ માતાપિતાને ક્યાં સ્વીકાર્ય હોય છે? આખા દેશમાં અને બધા રાજ્યોમાં (મોટા ભાગે) આ જ હાલત છે. વૈવિધ્યતામાં એકતા એ કિતાબી વાતો છે. ઉત્તરના રાજ્યોમાં તો ખાપ પંચાયતોનું રાજ છે. લગ્ન કરવા માટે ખાલી પ્રેમ હોવો જરૂરી નથી એ વાત ટુ સ્ટેટ્સમાં સુંદર રીતે બતાવાઈ છે. લગ્ન ભલે કુટુંબો વચ્ચે થતા હોય પણ યુવાનોની જેમ વડીલો ક્યારેય એકબીજાને પ્રેમ કરતા નથી, કરી શકતા નથી. વડીલો માટે એકબીજાને નફરત કરવા એટલો મુદ્દો પૂરતો છે કે, સામેની વ્યક્તિનું બેકગ્રાઉન્ડ અને ભાષા આપણાથી અલગ છે. ભાષા એક હોય તો ધર્મ, જાતિ, સંપ્રદાય, દહેજના પ્રશ્નો છે. નફરત કરવા માટે કારણોની ક્યાં કમી છે? ક્રિશના માતાપિતા તો પંજાબી હોય છે પણ તેમને ક્યારેય એકબીજા સાથે બન્યું નથી. આ ફિલ્મમાં લગ્નો પાછળ થતા ખોટા ખર્ચ, છોકરા-છોકરીની કિંમત નક્કી કરવા તેને મળેલી ગિફ્ટ કે તે કેટલું દહેજ લઈને આવી એ ખોખલા માપદંડો તેમજ ગોરી ચામડી પ્રત્યેના મોહ પર ધારદાર વ્યંગ કરાયો છે. 

એની વે, ફિલ્મ વિશે કંઈ ખાસ લખતો નથી. કારણ કે, ‘ટુ સ્ટેટ્સ’ જેવી ફિલ્મ માટે થિયેટર સુધી જવું જોઈએ. આ ફિલ્મને કેટલા સ્ટાર મળ્યા એ ના જોતા. ‘ટુ સ્ટેટ્સ’ ખરેખર એકવાર જોવા જેવી અને માતાપિતાને પણ બતાવવા જેવી ફિલ્મ છે. 

10 April, 2014

ફેસબૂકિયું રાજકારણઃ આ મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ


જો પ્રીતમદાસ જેવા ભક્તકવિ આજે ફેસબૂક પર હોત તો હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામએના બદલે ફેસબૂકનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામએવું લખી નાંખત. આજકાલ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે સોશિયલ મીડિયા પર અંધાધૂંધી ચાલી રહી છે. ફેસબૂક પર એક રાજકીય પક્ષના સમર્થક માટે બીજા પક્ષનો સમર્થક એ દુશ્મન છે, પછી ભલે તેઓ ફેસબૂક ફ્રેન્ડ્સ હોય. ફેસબૂક પર કોઈ રાજકીય મુદ્દે ચર્ચા થવાના બદલે અર્થહીન નિવેદનોની ફેંકાફેંકી વધારે થાય છે. હદ તો ત્યારે થાય છે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ, લેખક કે પત્રકાર દ્વારા તટસ્થ રીતે રજૂ કરાતા વિચારને ડામી દેવા જે તે પક્ષોના ભક્તો તૂટી પડે છે. હા, આવા તટસ્થ લેખોને વાંચ્યા વિના લાઈકકરવામાં આવે છે, પણ તેમાં કમસેકમ અભિવ્યક્તિને દબાવી દેવાની કોશિષ નથી કરાઈ હોતી.

ફેસબૂકની મજા એ છે કે, ફેસબૂક પર કોઈ પક્ષની તરફેણમાં વિચાર રજૂ થાય તો તે પક્ષના સમર્થકોની લાઈકમળે છે. જો તે પક્ષની વિરુદ્ધમાં કોઈ વિચાર રજૂ થાય તો તેના વિરોધીઓની લાઈકમળે છે, પરંતુ આવા સામસામેના છેડાના મત ફેસબૂક પર ભેગા થવાની સંભાવના બહુ ઓછી હોય છે. એટલે કે ફેસબૂક યુઝર્સને પોતાની વૉલ પર તેમને ગમતી હોય એવી જ પોસ્ટ દેખાય છે. આ કારીગરી પાછળ એજરેન્કનામનું ફેસબૂક અલગોરિધમ કામ કરે છે. સોશિયલ મીડિયા સામાન્યમાં સામાન્ય વ્યક્તિ માટેનું અભિવ્યક્તિનું અત્યંત મજબૂત માધ્યમ છે. જોકે, આ માધ્યમની પણ કેટલીક મર્યાદા છે. જેમ કે, કોઈ પણ યુઝર્સની વૉલ પર કઈ પોસ્ટ દેખાશે તે નક્કી કરવા ફેસબૂક એજરેન્ક અલગોરિધમની મદદ લે છે અને આ ટેક્નોલોજી ત્રણ પરિબળની મદદથી કામ કરે છે. 1) જે વ્યક્તિ પોસ્ટ કરે છે તે અને ફેસબૂક યુઝર વચ્ચેનો ફેસબૂક સંબંધ કેટલો છે તે, 2) લાઈક, કમેન્ટ કે ટેગ સંબંધિત પોસ્ટનો પ્રકાર અને 3) જે તે પોસ્ટ મૂક્યાને કેટલો સમય થયો હોય તે. આ ત્રણેયમાં પહેલું પરિબળ અત્યંત મહત્ત્વનું છે કારણ કે, તમે જે વ્યક્તિ સાથે ફેસબૂક પર વધારે સમય વીતાવતા હોવ, તેની પોસ્ટ તમારી વૉલ પર દેખાય એવી શક્યતા વધારે હોય છે.


આજકાલ જોવા મળતા જે તે રાજકીય પક્ષોના કે જે તે રાજકીય પક્ષ તરફ ઝોક ધરાવતા ફેસબૂકિયા ગ્રૂપનો વિકાસ આ અલગોરિધમના કારણે થઈ રહ્યો છે એવું કહી શકાય. ટૂંકમાં ફેસબૂક પર એક જ રાજકીય પક્ષનું સમર્થન કરતા, સમાન રાજકીય ઝોક ધરાવતા કે સમાન વિચારો અને રસ ધરાવતા લોકો એકસાથે રહે એમાં ટેક્નોલોજી પણ મદદરૂપ થઈ રહી છે. આ ટેક્નોલોજીના કારણે એક પ્રકારનો મત ધરાવતા લોકોને ફેસબૂક પર તેમનાથી વિરુદ્ધ મત ધરાવતા લોકો મળે એવી સંભાવના બહુ ઓછી હોય છે. જોકે, પોતાનાથી વિરુદ્ધ મત ધરાવનારની ફેસબૂક વૉલ પર જઈને નિવેદનોની ફેંકાફેંક કરતા રાજકીય પક્ષોના પીઠ્ઠુ જેવા પ્રોફેશનલ ફેસબૂકિયાઓને દૂર રાખવા એજરેન્ક અલગોરિધમ પણ દૂર રાખી નથી શકતું અને કદાચ એ જ ડિજિટલ ડેમોક્રેસીછે. ભારતીય પ્રજાનો મૂળ સ્વભાવ પોલિટિકલ પરફેક્ટરહેવાનો છે. રાજકારણ જેવા ક્ષેત્રમાં ડાબું કે જમણું, સાચું કે ખોટું એની વચ્ચે પણ કંઈક હોય છે એ વાત સ્વીકારવી સરેરાશ ભારતીય માટે અઘરી છે.

લોકો ભૂલી જાય છે કે, ફેસબૂક એ ચ્હાની કિટલી નહીં પણ બહુ મોટું નેટવર્ક છે. અહીં બધા જ તમારા મિત્રો નથી પણ ફેસબૂક ફ્રેન્ડ્સછે અને એ બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. ફેસબૂક પર તમે તમારા ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સના ફ્રેન્ડ્સ સાથે નેટવર્કમાં હોવ છો. ભારતમાં દસેક કરોડ લોકો ફેસબૂકનો ઉપયોગ કરે છે. ફેસબૂક પર જે મૂકાય છે તે જોનારા-વાંચનારા લોકો તમારા ફ્રેન્ડ્સ લિસ્ટથી અનેકગણા વધારે હોઈ શકે છે. ફેસબૂક પર લખાયેલા શબ્દો એ અમુક લોકો વચ્ચે થયેલો સંવાદ નથી. અહીં એવા અનેક લોકો છે જે તમને ઓળખતા નહીં હોવા છતાં તમારી વાત સાંભળે છે અને એ વાંચ્યા પછી તમારો માનસિક વિકાસ કેટલો થયો છે એનું માપ કાઢે છે. આપણા દેશમાં ઓનલાઈન રાજકીય પ્રચાર માટે ફેસબૂક અને ટ્વિટરનો મહત્તમ ઉપયોગ થાય છે. આ ઓનલાઈન રાજકારણમાં કોઈને વિરુદ્ધ મત તો ઠીક, વિરુદ્ધ મત ધરાવતો યુઝર પણ સ્વીકાર્ય નથી એવું તેમનું વર્તન હોય છે.

રાજકીય મુદ્દે ગરમાગરમી થયા પછી અનેક ફેસબૂક યુઝર્સે પોતાના ફ્રેન્ડ્સ લિસ્ટમાંથી આવા લોકોને શોધી શોધીને બ્લોક કરવા પડ્યા હોય એવા દાખલા આપણી આસપાસ મોજુદ છે. કારણ કે, રાજકીય મુદ્દે ચર્ચા કરતી વખતે અંગત ટિપ્પણી કરતા પણ લોકો ખચકાતા નથી. ફેસબૂક પર આપણે સામાન્ય રીતે જાહેરમાં ના બોલતા હોઈએ એવી રીતે (એ પ્રકારની શૈલીમાં) અભિવ્યક્તિ ઠાલવતા રહીએ છીએ. ફેસબૂક પર ખેલાતા રાજકારણનો સમાજશાસ્ત્રીયથી લઈને મનોવૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકે છે. આપણે રુબરુ મળીએ ત્યારે એકબીજા સાથે રાજકારણ સહિતના મુદ્દે જુદો મત ધરાવતા હોઈએ તો પણ પ્રમાણમાં સારી રીતે વાતચીત કરી છીએ કારણ કે, આપણને બે આંખની શરમ નડતી હોઈ શકે છે. જોકે, સોશિયલ મીડિયા પર બે આંખની શરમ નહીં હોવાથી લોકો ઝનૂન, દુરાગ્રહ અને પાગલપનની હદ સુધી ટીકા-ટિપ્પણી કરીને પોતાનું ચરિત્ર ઉજાગર કરતા રહે છે. 

આવી સાયબર અંધાધૂંધીમાં જાહેર જીવનમાં હોય એવા લોકો અને રાજકીય મુદ્દે લખતા લેખક-પત્રકારે અંગત ટિપ્પણીનો સામનો વધારે કરવો પડે છે, પણ જો તેઓને આ મુશ્કેલી વ્યાપક સ્તરે સહન કરવી ના પડતી હોય તો તેની પાછળ એજરેન્ક અલગોરિધમની બહુ મહત્ત્વની ભૂમિકા છે.

રાજકીય દલીલબાજીઃ હકીકતોથી દૂર, પ્રચારની નજીક

ફેસબૂક પર રાજકીય મુદ્દે લખતા લેખકો-પત્રકારોએ ઓનલાઈન બૂમબરાડા વધારે સહન કરવા પડે છે. ફેસબૂક પર નિયમિત રીતે હાજરી પુરાવીને ફેસબૂકિયું રાજકારણખેલનારા લોકો બે પ્રકારના હોય છે. પહેલાં પ્રકારમાં રાજકીય પક્ષોના ‘પ્રોફેશનલ ફેસબૂકિયા’ હોય છે અને બીજા પ્રકારમાં ફેસબૂક પર હાજરી પુરાવીને રાજકીય પક્ષોનું મફતમાં કામ કરતા ફેસબૂકિયા હોય છે. પહેલાં પ્રકારના ફેસબૂકિયા કદાચ પોતાના પક્ષની નબળાઈઓ જાણે છે પણ તેમણે જાત છેતરીનેય આગળ વધવાનું છે. આ લોકો કોઈ પક્ષનો પ્રચાર કરવામાં આવી રીતે મદદરૂપ થતા રહે છે, જ્યારે બીજા પ્રકારના ફેસબૂકિયા રાજકીય પક્ષોની નબળાઈઓથી પૂરતા માહિતગાર નથી હોતા અને એટલે જ તેમની દલીલો હકીકતોથી દૂર અને રાજકીય પક્ષોએ કરેલા પ્રચારની નજીક હોય છે.

આ બીજા પ્રકારના ફેસબૂકિયાઓનું સમગ્ર રાજકીય વ્યક્તિત્વ રાજકીય પક્ષોના કુપ્રચારમાંથી ઘડાયું હોય છે. કોઈ પણ લાભ વિના રાજકીય પક્ષોની કંઠી પહેરેલા આ ફેસબૂકિયા પ્રોફેશનલ ફેસબૂકિયાઓથી પણ વધુ ખતરનાક હોય છે. આ લોકો ગમે તેમ કરીને પોતાના વિરોધીઓને ચૂપ કરવા ઈચ્છતા હોય છે. આ નવા પ્રકારની ગુંડાગીરીને આપણે સાયબર ગુંડાગીરીકહી શકીએ. સોશિયલ મીડિયામાં નિયમિત રીતે હાજર આ એન્ટી-સોશિયલ તત્ત્વોની દલીલો ઠાલી અને અધકચરી હોવા છતાં તેઓ પોતાની ઓળખ જાહેર કરતા ખચકાતા નથી. આ લોકોને રાજકીય પક્ષોએ ખરીદી લીધા હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર પોતાના પક્ષ સામે ઉઠતા અવાજને દબાવી દેવા તેઓ ઉત્સુક હોય છે. આ લોકો વાસ્તવિક જીવનમાં પ્રશ્ન પૂછી શકે એટલા સક્ષમ નથી હોતા પણ સોશિયલ મીડિયા પર શૂરા હોય છે. કારણ કે, પોતાના પર પસ્તાળ પડે ત્યારે અહીં શાહમૃગની જેમ મોંઢું જમીનમાં સંતાડવું વધારે સરળ છે.

પરંપરાગત મીડિયાનું સ્થાન લઈ રહેલું સોશિયલ મીડિયા

અણ્ણા હજારે, જનલોકપાલ બિલ, દિલ્હી સામૂહિક બળાત્કાર કેસ, અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી અને સત્યમેવ જયતે જેવા અનેક ઉદાહરણો પછી એટલું સાબિત થઈ ગયું છે કે, સોશિયલ મીડિયાના કારણે આજના યુવાનો અને મધ્યમ વર્ગને રાજકીય, સામાજિક રીતે વધુ સક્રિય થવાની તક મળી છે. આજે મોટા ભાગના રાજકારણીઓએ ફેસબૂક કે ટ્વિટર પર હાજરી પુરાવવી જરૂરી બની છે. દેશના મોટા ભાગના અખબારો, સામાયિકો અને સમાચાર ચેનલો તેમના સમાચારની ફિડ સોશિયલ મીડિયા પર મૂકે છે. સોશિયલ મીડિયા મુખ્ય પ્રવાહમાં પ્રવેશી ચૂક્યું છે અને એટલે જ રાજકારણીઓ પોતાના વિરોધીઓનો વિરોધ કરવા પોસ્ટ મૂકે છે અને ટ્વિટ કરે છે. આ સમાચારોની મુખ્ય પ્રવાહના મીડિયામાં પણ નોંધ લેવાય છે. નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ અને બિહારની રાજકીય રેલીઓમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પર હુમલો કર્યો ત્યારે નીતીશકુમારે ફેસબૂક પોસ્ટની મદદથી મોદીને વિસ્તૃત જવાબ આપ્યો હતો, અને આવા અનેક ઉદાહરણો આપણી સામે છે.

ઈન્ટરનેટનો ઉપયોગ શહેરી વર્ગમાં વધુ હોવાથી સોશિયલ મીડિયા શહેરની બેઠકોના ચૂંટણી સમીકરણો બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ફેસબૂક કે ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર મોટા ભાગે રાજકારણની જ ચર્ચા થાય છે, જે દર્શાવે છે કે રાજકારણ હવે શેરીઓમાંથી સોશિયલ મીડિયાની ગલીઓમાં પ્રવેશી ગયું છે. હવે લોકો જ પોતાને મનપસંદ સમાચારો શેરકરે છે અને પોતે જ સમાચારોનું સર્જન કરે છે. એક રીતે આ પત્રકારત્વનું પણ લોકશાહીકરણ છે. ભવિષ્યમાં હજુ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ વધશે અને લોકો દરેક રાજકીય મુદ્દામાં ભાગીદાર બનવા થનગનશે. કારણ કે, અહીં કંઈ કહેવા માટે માઈકમાગવુ નથી પડતું. અહીં જે પણ કંઈક લખાય છે તેનો ત્વરિત પ્રતિભાવ મળે છે અને ત્વરિત પ્રતિભાવ આપી પણ શકાય છે. આ મજબૂત માધ્યમની મદદથી લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે અને એટલે જ તેના પર કંઈક કહેતા પહેલાં આંખ-કાન ખુલ્લા રાખીને, વિચારીને બોલવું વધારે જરૂરી છે.

ખેર, ફેસબૂક જેવા માધ્યમનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરતા લોકોએ સાયબર ગુંડાગીરીની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, તેમની સાથે ફેસબૂક ફ્રેન્ડ્સ હોય કે ના હોય, એજરેન્ક અલગોરિધમ જરૂર છે. આવા ઓનલાઈન વાતાવરણમાં ફેસબૂક પર પૂર્વગ્રહમુક્ત અને વિશ્લેષણ કરીને રાજકીય મત રજૂ કરવો એ ખરેખર શૂરાનું કામ છે. 

09 April, 2014

નેન્સી પોવેલના રાજીનામા પાછળના ત્રણ પરિબળો


અમેરિકાના ભારતસ્થિત રાજદૂત નેન્સી પોવેલે રાજીનામું આપ્યું ત્યારે અમેરિકાને અંદાજ હતો કે, મુદ્દે પણ તેમની સરકારે ચોખવટ કરવાનો વારો આવશે. ભારતના મીડિયાએ નેન્સી પોવેલના રાજીનામા પાછળ દેવયાની ખોબ્રાગડે અને નરેન્દ્ર મોદી જેવા બે મહત્ત્વના પરિબળો જવાબદાર હોવાની વાત ચગાવી ત્યાં સુધી બધું ઠીક હતું, પરંતુ અમેરિકન મીડિયાએ પણ નેન્સી પોવેલનું રાજીનામુંરુટિન પ્રોસેસહોવાની વાત ફગાવી દેતા અમેરિકાએ સત્તાવાર નિવેદન કરવું પડ્યું છે કે, નેન્સી પોવેલનું રાજીનામું નથી લેવાયું પણ તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી છે. જોકે, નેન્સી પોવેલે અયોગ્ય સમયે આપેલા રાજીનામાથી બે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. એક, રુટિન પ્રોસેસ નથી અને બીજું, એશિયામાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે તેમજ એક બજાર તરીકે ભારત અમેરિકા માટે ખૂબ મહત્ત્વનો દેશ છે.

નેન્સી પોવેલના કાર્યકાળમાં બનેલી ઘટનાઓ પરથી એવી શંકા થવી સ્વાભાવિક છે કે, અમેરિકાએ તેમને પરાણે નિવૃત્ત કરી દીધા છે. નેન્સી પોવેલના કાર્યકાળમાં ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રાગડેની ધરપકડ મુદ્દે ભારતે આપેલી ઉગ્ર પ્રતિક્રિયા તેમના માટે શરમજનક સાબિત થઈ હોવાનું કહેવાય છે. દેવયાની ખોબ્રાગડેની ધરપકડ પછી બંને દેશોના વેપારી સંબંધો પણ બગડ્યા હતા. કારણ કે, અમેરિકન સરકારે ભારતીય રાજદૂતની ધરપકડ કરી પછી નેન્સી પોવેલ ભારત સરકારનો મૂડ સમજવવામાં અને પછીડેમેજ કંટ્રોલકરવામાં સરેઆમ નિષ્ફળ ગયા હતા. દરમિયાન ભારતે અમેરિકન રાજદૂત અને અન્ય અધિકારીઓને એરપોર્ટ પર સુરક્ષાને લગતા ચેકિંગમાંથી મુક્તિ આપવાનો ખાસ અધિકાર પણ તાત્કાલિક ધોરણે રદ કરી દીધો હતો. ભારત સરકારની આવી પ્રતિક્રિયા પછી નેન્સી પોવેલ કશું કરી શક્યા હતા.

નેન્સી પોવેલ અને નરેન્દ્ર મોદી 

દેવયાની ખોબ્રાગડે પર તેની નોકરાણી સંગીતા રિચર્ડને ઓછા વેતનનો મુદ્દો ચગ્યો ત્યારે પણ નેન્સી પોવેલની હાલત જોવા જેવી થઈ હતી. નેન્સી પોવેલ પર આરોપ હતો કે, તેમણે સંગીતા અને તેના પરિવારોનેટીવિઝા પર ભારતથી અમેરિકા પહોંચવામાં મદદ કરી હતી. રસપ્રદ વાત તો છે કે, દેવયાની ખોબ્રાગડેની ધરપકડ થઈ એના એક દિવસ પહેલાં સંગીતા રિચર્ડ અને તેનો પરિવાર ભારતથી અમેરિકા જવા નીકળી ગયો હતો. સંગીતા રિચર્ડ તેના પરિવારના અમેરિકા પહોંચવાના કિસ્સામાં અમેરિકાના ભારતસ્થિત અન્ય એક રાજદૂત વેન મેની પણ હકાલપટ્ટી કરવામાં આવી હતી. વેન મેએ સંગીતા રિચર્ડ અને તેના પરિવારનાટીવિઝા અપાવવામાં તમામ મદદ કરી હતી. વખતે તેઓ અમેરિકન એમ્બેસીના રાજદૂતો માટે અમેરિકન સરકારે ફાળવેલા 424 સુરક્ષા અધિકારીઓના વડા હતા. જોકે, વખતે અમેરિકા દેવયાની ખોબ્રાગડેના કિસ્સામાં સાચું છે એવું સાબિત કરવા મથતું હોવાથી તેઓ નેન્સી પોવેલનું રાજીનામું લઈ શકે એવા સંજોગો હતા.

દેવયાની ખોબ્રાગડેના કિસ્સાના કારણે નેન્સી પોવેલ અને નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત પણ છેક ફેબ્રુઆરી 2014માં શક્ય બની હતી, જે ખરેખર ડિસેમ્બર 2013માં થવાની હતી. મુલાકાતથી અમેરિકા માટે રાજકીયઅછૂતએવા નરેન્દ્ર મોદી અમેરિકાનીગુડ બુકમાં સત્તાવાર રીતે નોંધાઈ ગયા હતા. અમેરિકન સરકારની સૂચનાથી ભારતના વિરોધ પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર સાથે નેન્સી પોવેલની મીટિંગ થઈ ત્યાં સુધી તેઓ વૉશિંગ્ટનમાં ભારતીય રાજકારણનું બદલાઈ રહેલું ચિત્ર રજૂ કરી શક્યા હતા. ભારતમાં ચૂંટણીને લઈને સતત પ્રગટ થઈ રહેલા સર્વેક્ષણોમાં કહેવાતું હતું કે, વખતે ભારતીયોમાં સત્તાવિરોધી લાગણી ઘણી પ્રબળ છે અને તેના કારણે યુપીએ સરકારની જોરદાર હાર થઈ શકે છે. વળી, ભારતીય મધ્યમવર્ગ અને યુવાનોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી હોવા છતાં નવી સરકાર સાથે કામ પાર પાડવા માટે જરૂરી પ્લેટફોર્મ તૈયાર કરવામાં પણ નેન્સી પોવેલ યોગ્ય કામગીરી કરી શક્યા હતા.

જો ભારતના આગામી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવાની પાતળી શક્યતા હોય તો પણ અમેરિકા માટે નવી સરકાર સાથે કામ પાર પાડવા તૈયારી અગાઉથી કરવી જરૂરી હતી. પોવેલ અને મોદીની મીટિંગ પણ અગાઉની તૈયારીના ભાગરૂપે યોજવામાં આવી હતી. ગુજરાતના રમખાણોના મુદ્દે નરેન્દ્ર મોદીને ભાંડી ચૂંકેલુ અમેરિકા મોદી વડાપ્રધાન બને કે તુરંત તેમને વિઝા આપે તો અમેરિકન સરકાર પર ટીકાનો મારો થાય એવી શક્યતા હતી. સંજોગોમાં અમેરિકાએ મોદીને અપનાવી લીધા છે એવા ધીમા પણ મક્કમ સંકેતો આપવા જરૂરી હતા. નેન્સી પોવેલના રાજીનામા પછી અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા મૂળ ભારતીય નિશા બિસ્વાલે કહ્યું હતું કે, “હજુ મોદીને વિઝા મળ્યા નથી, પણ જો તેઓ વડાપ્રધાન બનશે તો અમેરિકામાં તેમનું સ્વાગત છે...” સત્તાવાર નિવેદન પછી અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, અમેરિકા માટે ભારત સાથેના વેપારી સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીથી વધારે મહત્ત્વનું કંઈ નથી.

અમેરિકાને મોદી પ્રત્યે અચાનક પ્રેમ નથી ઊભરાયો પણ પોતાના વેપારી સ્વાર્થ ખાતર તેમણે મોદી સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. ભારત સાથેના સંબંધો મજબૂત રાખવા અમેરિકાને એક એવા ચહેરાની જરૂર હતી, જે બંને દેશોના સંબંધો સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે. એવું કહેવાય છે કે, ભૂમિકા સારી રીતે ભજવી શકે એવી આવડત ઓબામા સરકારને યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના વડા રાજીવ શાહમાં દેખાઈ છે. ઓબામાની ટીમમાં રાજીવ શાહ સર્વોચ્ચ હોદ્દો ભોગવતા ભારતીય અમેરિકન છે અને તેઓ ગુજરાતી પણ છે. એટલે કદાચ અમેરિકા પણ માની રહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે ભારતના વડાપ્રધાન બને એવી પૂરેપૂરી શક્યતા છે.

નેન્સી પોવેલની કમનસીબી હતી કે, ભારતે યુક્રેન મુદ્દે અમેરિકાથી વિરુદ્ધનું વલણ અપનાવ્યું ત્યારે પણ તેઓ રાજદૂત હતા. ભારતે યુનાઈટેડ નેશન્સમાં યુક્રેન મુદ્દે અમેરિકાને નહીં પણ રશિયાને સહકાર આપવાનું વલણ અપનાવ્યું મુદ્દો પણ અમેરિકા માટે આઘાતજનક હતો. અલબત્ત, ભારતનું પગલું તટસ્થ હતું, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું વજન વધારવા સમજી-વિચારીને લેવાયેલું હતું. ભારતે ભલે જે કંઈ વિચારીને પગલું ભર્યું હોય પણ અમેરિકા માટે સ્પષ્ટ સંદેશ હતો કે, ભારત અમેરિકા માટે તેના જૂના અને વફાદાર મિત્ર રશિયાનું બલિદાન આપી શકે એમ નથી. અમેરિકા માટે વેક અપકૉલ હતો. ભારતને અમેરિકાની જેટલી જરૂર છે એટલી જરૂર અમેરિકાને પણ ભારતની છે. વર્ષ 2010માં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ કહ્યું હતું કે, “અમેરિકા અને ભારતના સંબંધો 21મી સદીની ખૂબ મહત્ત્વની બાબતો પૈકીના એક હશે...” ઉપરાંત ભારત જેવાબજારસાથે પણ અમેરિકાએ મજબૂત સંબંધો જાળવી રાખવા જરૂરી છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે 63 બિલિયન ડૉલરનો વેપાર થયો હતો.

દેવયાની ખોબ્રાગડે, નરેન્દ્ર મોદી અને યુક્રેન મુદ્દે ભારત સાથે સંબંધો ખાટા થયા પછી ઓબામા સરકાર ભારતમાં રચાવા જઈ રહેલી નવી સરકારને એ સંકેત આપવા માગે છે કે, અમેરિકા માટે ભારત સાથે સંબંધો મહત્ત્વના છે અને તેને તેઓ હજુ વધુ મજબૂત બનાવવા માટે આતુર છે. કારણ કે, દેવયાની ખોબ્રાગડેના કિસ્સા પછી અમેરિકા પણ એ જોવા આતુર છે કે, આખરે ભારતમાં રચાનારી નવી સરકાર અમેરિકાને લઈને નવી નીતિ ઘડે છે કે પછી યુપીએ સરકારની જ નીતિને આગળ ધપાવે છે? દેવયાની ખોબ્રાગડેના કિસ્સા પછી ભારતે અમેરિકાના તમામ રાજદૂતો અને દૂતાવાસ અધિકારીઓના આર્થિક બાબતોની ઊંડી તપાસ કરવાના આવકવેરા વિભાગને આદેશ કર્યા હતા અને આ તપાસ હજુ ચાલી રહી છે.

આમ, નેન્સી પોવેલના રાજીનામા પાછળ દેવયાની ખોબ્રાગડે, નરેન્દ્ર મોદી અને યુક્રેન નામના ત્રણ પરિબળો વત્તેઓછે અંશે જવાબદાર હોઈ શકે છે, એ વાતમાં કોઈ શંકા નથી.