23 April, 2017

મેહેર બાબા : ઓસ્કરથી ગ્રેમી એવોર્ડ વિજેતાઓ સુધી


આ કોલમમાં પાંચમી એપ્રિલે મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપેલું પુસ્તક રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે અને હજુ સુધી મળ્યું નથી એ વિશે વાત થઈ. હવે મેહેર બાબા વૈશ્વિક સ્તરે પ્રચંડ લોકપ્રિયતા કેવી રીતે પામ્યા એ વિશે વાત કરીએ.

૧૧મી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ સવારે આઠ વાગ્યે એસ.એસ. રજપૂતાના સ્ટીમર ઇંગ્લેન્ડના માર્સેલ્સ બંદરે લાંગર્યું. 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકમાં નોંધ છે કે, ''મેહેર બાબા અને તેમની મંડળી માર્સેલ્સથી ટ્રેનમાં બેસીને લંડનના વિક્ટોરિયા સ્ટેશને પહોંચ્યા ત્યારે ગાંધીજીને જોવા ત્યાં હજારો લોકો ભેગા થયા હતા.''  આ જ સ્થળેથી મેહેર બાબા અને ગાંધીજી છૂટા પડ્યા. માર્સેલ્સમાં મેહેર બાબાને લેવા મેરેડીથ સ્ટાર નામના ગૂઢવાદી કવિ આવ્યા હતા. તેઓ ૩૦મી જૂન, ૧૯૨૮ના રોજ હરિયાણાના ટોકામાં મેહેર બાબાને મળ્યા હતા. એ પછી મેહેરાબાદના આશ્રમમાં પણ તેમણે થોડો સમય વીતાવ્યો અને વર્ષ ૧૯૨૯માં ઇંગ્લેન્ડ પરત જઇને નોર્થ ડેવનમાં મેહેર બાબાની પ્રેરણાથી ધ્યાન આશ્રમ શરૂ કર્યો.

પશ્ચિમી દેશોને મેહેર બાબાની ઓળખાણ કરાવવાનું તેમજ યુરોપના ગૂઢવાદીઓમાં મેહેર બાબાનો પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય મેરેડીથ સ્ટારને જાય છે. જોકે, મેહેર બાબા સાથે થોડો વખત રહ્યા પછી અત્યંત કડક સ્વભાવના મેરેડીથ સ્ટારને તેમની સાથે વાંકુ પડ્યું. ડિસેમ્બર ૧૯૩૨માં તેમણે બાબાને પત્ર લખીને કહ્યું હતું કે,  ''મને મારા ૪૦૦ પાઉન્ડ પાછા આપો અથવા અધ્યાત્મિક અનુભૂતિ કરાવો. નહીં તો હું તમને છોડીને જતો રહીશ અને તમે પ્રપંચી છો એવો પર્દાફાશ કરીશ...'' આ પત્ર લખ્યાના દોઢ વર્ષ પછી મેરેડીથ સ્ટારે નોર્થ ડેવનનો આશ્રમ વિખેરી નાંખ્યો. આ વાતની નોંધ 'મેહેર પ્રભુ: લોર્ડ મેહેર, ધ બાયોગ્રાફી ઓફ અવતાર ઓફ ધ એજ, મેહેર બાબા' જેવું લાંબુલચક નામ ધરાવતા મેહેર બાબાના જીવનચરિત્રમાં પણ છે, જે બાબાના અનુયાયી વીરસિંઘ કલચુરીએ આલેખ્યું છે.

હોલિવૂડ સ્ટાર્સ સાથે બાબાની મુલાકાત

ઇંગ્લેન્ડમાં આશરે એકાદ વર્ષ દરેક ક્ષેત્રની હસ્તીઓને મળ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ દરિયાઈ મુસાફરી કરીને પહેલીવાર અમેરિકા પહોંચ્યા. ત્યાં બાબાએ બ્રિટીશ અભિનેતા અને કોરિયોગ્રાફર ક્વિટિન ટોડની મદદથી 'મેસેજ ટુ અમેરિકા' શીર્ષક હેઠળ એક હજાર શબ્દોમાં નિવેદન જારી કર્યું. આ નિવેદનમાં બાબાએ મૌન અંગે જણાવ્યું કે, ''હું બોલીશ ત્યારે મારો અસલી સંદેશ દુનિયા સાંભળશે અને તેનો સ્વીકાર થશે.'' બાબાએ વર્ષ ૧૯૩૪માં હોલિવૂડના ઓપન એમ્ફિથિયેટર 'હોલિવૂડ બાઉલ'માં એક કાર્યક્રમ યોજીને મૌન તોડવાની જાહેરાત પણ કરી. જોકે, બાદમાં અચાનક આ યોજના પડતી મૂકીને કહ્યું કે, ‘‘હજુ એ સમય આવ્યો નથી.’’ આવું કહીને બાબા કેનેડાથી દરિયાઇ મુસાફરી કરીને હોંગકોંગ જવા નીકળી ગયા.

 (ક્લોક વાઈઝ) મેરેડીથ સ્ટાર અને મેહેર બાબા, ભાઉ કલચુરી અને મેહેર બાબા.
હોલિવૂડમાં ક્વિન્ટિન ટોડ અને તલ્લુલાહ બેંકહેડ સાથે વચ્ચે મેહેર બાબા.

અમેરિકામાં મેહેર બાબાની મુલાકાત ત્રણ ઓસ્કર સહિત અનેક એવોર્ડ જીતનારા હોલિવૂડ સ્ટાર ગેરી કૂપર સાથે થઈ. એ મુલાકાત વખતે કૂપર ધુરંધર અભિનેતા જરૂર હતો, પરંતુ હજુ ઓસ્કર જીત્યો ન હતો. ભારતમાં પણ ફિલ્મ ક્ષેત્રની હસ્તીઓ મેહેર બાબાથી પ્રભાવિત હોવાના ઉલ્લેખો મળે છે. કદાચ મેહેર બાબા પારસી હોવાથી તેમજ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પારસીઓ મોટા પ્રમાણમાં હોવાથી એવું હોઈ શકે! રસપ્રદ વાત એ છે કે, ભારતની પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા'ના ડિરેક્ટર અરદેશર ઇરાની પણ બાબાના અનુયાયી હતા. અમેરિકામાં મેહેર બાબા આલફ્રેડ હિચકોકની ફિલ્મ 'લાઇફબોટ' ફેઇમ એક્ટ્રેસ તલ્લુલાહ બેંકહેડ, ફ્રેન્કેન્સ્ટાઇન સિરીઝની ફિલ્મોથી જાણીતા થયેલા બ્રિટીશ એક્ટર બોરિસ કાર્લોફ, હોલિવૂડનો પહેલો પશ્ચિમ અમેરિકન સુપરસ્ટાર ટોમી મિક્સ, ફ્રેંચ એક્ટર મોરિસ શેવાલિયર અને જર્મન-અમેરિકન એક્ટર-ડિરેક્ટર અર્નેસ્ટ લુબિક (કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો પર સેક્સી સ્ટાઇલમાં વ્યંગ કરતી ફિલ્મો માટે આજેય 'લુબિક્સ ટચ' જેવો રૂઢિપ્રયોગ થાય છે) જેવી હસ્તીઓને મળ્યા.

વ્હાઇટ હાઉસ જેવું મહત્ત્વ ધરાવતો બંગલૉ

હોલિવૂડ સ્ટાર દંપતિ ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડ પણ મેહેર બાબાના અનુયાયી હતા. આ દંપતિએ મેહેર બાબાને હોલિવૂડમાં લોકપ્રિય બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફેરબેન્ક હોલિવૂડ સ્ટાર બનતા પહેલા નામચીન લશ્કરી અધિકારી રહી ચૂક્યા હતા. દ્વિતિય વિશ્વયુદ્ધમાં અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ફેરબેન્કને દક્ષિણ અમેરિકામાં નેવલ ઓફિસર તરીકે સ્પેશિયલ ડ્યૂટી સોંપી હતી. લશ્કરી સેવા બદલ છ મેડલ જીતનારા ફેરબેન્કે ૧૦૦થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. રૂડયાર્ડ કિપલિંગની કવિતા 'ગૂંગા દિન' પરથી એ જ નામે ૧૯૩૯માં રિલીઝ થયેલી ફિલ્મમાં પણ ફેરબેન્કે મુખ્ય ભૂમિકામાં હતા. અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ થયેલી 'ગૂંગા દિન' બોક્સ ઓફિસ પર સુપરહીટ સાબિત થઈ હતી.


બેવરલી હિલ્સમાં આવેલા પિકફેર બંગલૉમાં ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડ

ફેરબેન્કની પત્ની મેરી પિકફોર્ડ પણ હોલિવૂડ સ્ટાર હતી, જેના નામે ૧૦૦થી પણ વધુ ફિલ્મો બોલે છે. હોલિવૂડનું અત્યંત પ્રભાવશાળી ગણાતું આ દંપતિ કેલિફોર્નિયાના બેવરલી હિલ્સમાં ૧૮ એકરમાં ફેલાયેલા ૨૫ બેડરૂમ ધરાવતા 'પિકફેર' બંગલૉમાં રહેતું. 'લાઈફ' મેગેઝિને પિકફેર બંગલૉને 'વ્હાઈટ હાઉસથી થોડુંક જ ઓછું મહત્ત્વ' ધરાવતા સ્થળ તરીકે નવાજ્યું હતું કારણ કે, ત્યાં ફિલ્મ, રાજકારણ અને લશ્કરી ક્ષેત્રની હસ્તીઓનો મેળાવડો જામતો. ડગ્લાસ ફેરબેન્ક અને મેરી પિકફોર્ડે પહેલી જૂન, ૧૯૩૨ના રોજ પિકફેર બંગલૉમાં મેહેર બાબા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં બાબાએ હોલિવૂડને સંદેશ આપ્યો.

અમેરિકામાં મેહેર બાબા બે વર્ષ સુધી આવી હાઈ પ્રોફાઈલ હસ્તીઓ સાથે ગાઢ સંપર્કમાં રહ્યા. એ પછી તેઓ છેક ૧૯૫૦માં અમેરિકાની બીજી મુલાકાતે આવ્યા. એ વખતે અનેક લોકો તેમને ડ્રગ્સનો નશો અને આધ્યાત્મિક અનુભૂતિ વિશે સવાલો કરતા. આ લોકોને મેહેર બાબાએ આધ્યાત્મિક અનુભૂતિ અને ડ્રગ્સ લીધા પછી થતા ચિત્તભ્રમ વચ્ચેનો ભેદ સમજાવ્યો. વર્ષ ૧૯૬૨માં તેમણે 'ગોડ ઇન ધ પિલ' શીર્ષક ધરાવતા એક લેખમાં એલએસડી સહિતના ડ્રગ્સથી થતા શારીરિક અને માનસિક નુકસાનની વાત કરી તેમજ નશાખોરી આધ્યાત્મિક અનુભૂતિમાં પણ બાધારૂપ છે એવું સમજાવ્યું. મેહેર બાબાના આ ડ્રગ્સ વિરોધી સંદેશનો હોલિવૂડ અને મ્યુઝિકની દુનિયામાં પ્રચંડ પ્રભાવ પડ્યો.

'ડોન્ટ વરી, બી હેપ્પી'નું સર્જન

ભારત પરત ફરીને મેહેર બાબાએ દેશીવિદેશી મંડળીજનો સાથે બ્લૂ રંગની બસમાં બેસીને દેશભરમાં આધ્યાત્મિક પ્રવાસ કર્યો. આ પ્રવાસેથી પરત ફર્યા ત્યારે અનેક અખબારોને તેને 'કૌભાંડ' ગણાવ્યું, જેની નોંધ વીરસિંઘ કલચુરીએ લખેલા બાબાના જીવનચરિત્રમાં પણ છે. વર્ષ ૧૯૫૦માં મેહેર બાબાએ અમેરિકાના સાઉથ કેરોલિના અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ધ્યાન આશ્રમો શરૂ કર્યા. આ દરમિયાન ૧૯૬૭માં 'ધ હુ' રોકબેન્ડના બ્રિટીશ ગાયકસંગીતકાર અને ગીતકાર પીટ ટાઉન્સહેન્ડે બાબા વિશે સાંભળ્યું. આ દિગ્ગજ સંગીતકારે ૧૯૬૯માં 'ટોમી' નામનું આલબમ બનાવીને મેહેર બાબાને સમર્પિત કર્યું. 'ધ હુ'ના સભ્યોએ ૧૯૭૧માં બાબાને સંપૂર્ણ સમર્પિત 'બાબા ઓ'રિયલી' નામનું ગીત પણ બનાવ્યું.

(ક્લોક વાઈઝ ) ગ્રેમી એવોર્ડ વિનર ધુરંધર મ્યુઝિશિયન, સિંગર, ગિટારિસ્ટ પીટ ટાઉન્સહેન્ડ,
મેલેની સાફ્કા અને ‘ડોન્ટ વરી બી હેપ્પી’ના સર્જક બોબી મેકફેરિન 

એ પછીયે ટાઉન્સહેન્ડે મેહેર બાબાને ધ્યાનમાં રાખીને રાખીને હેપ્પી બર્થડે, આઈ એમ, હુ કેમ ફર્સ્ટ અને વિથ લવ જેવા ગીતો લખ્યા અને રેકોર્ડ પણ કર્યા. રોક, પાવર પોપ અને જેઝની દુનિયામાં ટાઉન્સહેન્ડની ગણના વિશ્વના અત્યંત પ્રતિભાશાળી સંગીતકારોમાં થાય છે. વિશ્વના ટોપ ૫૦ ગિટારિસ્ટમાં પણ ટાઉન્સહેન્ડનું નામ અચૂક મૂકાય છે. વર્ષ ૨૦૦૧માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ મળ્યો એ પહેલાં ટાઉન્સહેન્ડ દુનિયાભરમાં માન-અકરામ કમાઇ ચૂક્યા હતા. વિખ્યાત ફોક અને કંટ્રી મ્યુઝિશિયન, સિંગર મેલેની સાફકાએ પણ બાબા માટે 'મેહેર બાબા લાઇવ્સ અગેઇન' ગીત રેકોર્ડ કર્યું હતું. વર્ષ ૧૯૮૮માં બોબી મેકફેરિને બાબાથી પ્રભાવિત થઈને 'ડોન્ટ વરી બી હેપ્પી' નામનું ગીત રેકોર્ડ કર્યું. આ ગીતે પણ ગ્રેમી એવોર્ડ જીત્યો અને લાંબા સમય સુધી યુએસ પોપ હીટમાં નંબર વન રહ્યું. 'ડોન્ટ વરી બી હેપ્પી' એ મેહેર બાબાનો તકિયા કલામ હતો, જે તેમના પોસ્ટર્સ, કાર્ડ્સમાં અચૂક વાંચવા મળે છે.

***

દુનિયાભરમાં બાબાની લોકપ્રિયતા વધવાના કારણે અનેક વિદેશી પત્રકારો પણ બાબાને મળવા આવતા અને તેમની ટીકા પણ કરતા. પોલ બ્રન્ટન પણ આવા જ એક પત્રકાર હતા, જે આખા ભારતના આધ્યાત્મિક ગુરુઓને મળ્યા હતા. બ્રન્ટને નોંધ્યું હતું કે, બાબા અનેક વખત યુદ્ધોની આગાહી કરીને વિશ્વના અંતનો દિવસ જાહેર કરતા અને દરેક વખતે તારીખો બદલી નાંખતા. મેહેર બાબાને એક વખત આધ્યાત્મિક અનુભૂતિ થઈ હશે, એનાથી વિશેષ કશું જ નહીં.

જોકે, મેહેર બાબાના અનુયાયીઓને આ બાબતોથી કોઈ ફર્ક નથી પડતો. અહેમદનગર નજીક સ્થાપેલા મહેરાબાદના આશ્રમમાં આજેય મેહેર બાબાની સ્મૃતિઓ જીવંત છે. મેહેર બાબા જે ઘરમાં રહેતા તે 'મેહેરાઝાદ'ને મ્યુઝિયમમાં પરિવર્તિત કરી દેવાયું છે. પાણીની અછત ધરાવતો આ વિસ્તાર બાબાના અનુયાયીઓએ દત્તક લીધો છે. મેહેરાઝાદની દીવાલો પર બાબાની તસવીરો, તેમની પથારી, જૂની ચીજવસ્તુઓ તેમજ જે બ્લૂ બસમાં તેમણે ભારતભ્રમણ કર્યું હતું એ બધું જ એવું ને એવું સચવાયેલું છે. મેહેર બાબાનું તત્ત્વજ્ઞાન 'ડિસ્કર્સ' અને 'ગોડ સ્પિક્સ' નામના પુસ્તકોમાં (ગુજરાતી સહિત દરેક જાણીતી ભાષામાં) ઉપલબ્ધ છે.

મેહેર બાબા અને મેહેરા ઇરાનીનું વિવાદાસ્પદ પ્રકરણ

રાધાકૃષ્ણના અંદાજમાં
મેહેર બાબા અને મેહેરા ઈરાની
મેહેર બાબાની વાત કરતી વખતે મેહેરા દેવીનો ઉલ્લેખ કરવો જ પડે. મેહેર બાબા સાકોરીના ઉપાસની મહારાજના આશ્રમમાં રહેતા હતા ત્યારે ૧૫મી ઓક્ટોબર, ૧૯૨૨ના રોજ મેહેરા ઇરાનીની મુલાકાત બાબા સાથે થઈ. એ વખતે મેહેરા ઇરાનીની ઉંમર ફક્ત ૧૫ વર્ષ હતી અને તેઓ માતા સાથે બાબાને મળવા આવ્યા હતા. આ મુલાકાતના બે વર્ષ પછી, ૧૯૨૪માં, મેહેરા ઇરાની મેહેરાબાદમાં બાબાની આશ્રમ મંડળીમાં જોડાઈને મેહેરા દેવી બની ગયા. મેહેર બાબા મેહેરાને 'પૃથ્વી પરનો સૌથી પવિત્ર આત્મા' કહેતા. બાબા તેમને 'રાધા' તરીકે પણ સંબોધતા અને તેઓ બંને કૃષ્ણ-રાધા જેવા કપડાં પહેરીને તસવીરો પણ પડાવતા. આશ્રમમાં મેહેરાને સ્પર્શવાનો, સાંભળવાનો અને જોવાનો બાબા સિવાય કોઈને અધિકાર ન હતો. આશ્રમમાં મેહેરા દેવીનું નામ પણ કોઈ બોલી ન શકતું. મેહેરા દેવીની વાત કરવા મેહેર બાબાએ મંડળીજનોને 'મિસિસ હિટલર' અને 'મિસિસ ચર્ચિલ' જેવા કોડનેમ બોલવાનો આદેશ આપ્યો હતો. ડેવિડ ફેન્સ્ટર નામના લેખકે બાબા અને મેહેરા ઇરાનીના સંબંધ વિશે સંપૂર્ણ છણાવટ કરીને 'મેહેરા-મેહેર : એ ડિવાઇન રોમાન્સ' નામનું પુસ્તક પણ લખ્યું છે. 

આ પ્રકારના માહોલમાં મેહેર બાબા અને મેહેરા દેવીના સંબંધને લઈને આશ્રમમાં ચણભણ થવી સ્વાભાવિક હતી. મેહેરા દેવીનું કુટુંબ પારસી સમાજમાં નામના ધરાવતું. અનેક અગ્રણી પારસીઓએ માતા-પુત્રીના મેહેર બાબાના સંબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. મેહેરાના કાકા કર્નલ મેરવાન સોરાબ ઇરાનીને તો તેમના પરિવારની સ્ત્રીઓ પર મેહેર બાબાના પ્રભાવ સામે સખત વાંધો હતો. તેમણે મેહેર બાબાને પારસી સમાજનું કલંક તેમજ દંભી, પ્રપંચી સાબિત કરવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.

10 April, 2017

મેહેર બાબા, ગાંધીજી અને એક ખોવાયેલું પુસ્તક


મેહેર બાબાએ કરેલા એક મહાન પ્રયોગને સમજવાની દરકાર સુદ્ધા ના કરાઈ. તેમણે અતિ ઉન્માદી અને પાગલોને શોધવા આખા દેશમાં રઝળપાટ કરી હતી કારણ કે, એ લોકો ઈશ્વરની સૌથી વધારે નજીક હોય છે. પાગલોને ફક્ત તેમની સમજશક્તિને ફરી એકવાર ઝકઝોરી શકે એવા વ્યક્તિની જ જરૂર હોય છે. એ પછી તેઓ પણ ગુરુ બની શકે છે...

દરેક ગુરુએ એ કક્ષાએ પહોંચતા પહેલાં પાગલ બનવું પડે છે. તેણે જબરદસ્ત પાગલપનમાંથી પસાર થવું પડે છે. જોકે, દરેક પાગલો કંઈ ગુરુ નથી હોતા. જો પાગલ એક પાગલ તરીકે જ મૃત્યુ પામે તો એ પણ ચોક્કસ ઇશ્વરને મળે છે, પરંતુ બીજા લોકોને ઇશ્વર સુધી પહોંચવામાં મદદ નથી કરી શકતો...

જો કોઈ પાગલ પ્રબુદ્ધ માણસના શરણે હોય તો તે કહેવાતા ડાહ્યા માણસ કરતા વધારે ઝડપથી આત્મજ્ઞાન ઝડપથી મેળવી શકે છે. આ પૂર્વની પરંપરા છે, જેને એક વ્યક્તિએ પુન: જીવિત કરી અને એ વ્યક્તિ એટલે મેહેર બાબા...

આ ખૂબ જ વિચિત્ર દુનિયા છે. અહીં મહાન કામની કદર ના પણ થાય! કોઈને મેહેર બાબાના કામથી હેરાની જ ના થઈ. મધર ટેરેસાને નોબેલ પુરસ્કાર મળ્યો કારણ કે તેમણે ગરીબ અને અનાથ બાળકોની સેવા કરી, પરંતુ કોઈએ મેહેર બાબાને નોબેલ પુરસ્કાર આપવાનું ના વિચાર્યું, જેમણે ખરેખર મહાન કામ કર્યું હતું. આવી વ્યક્તિઓ સદીઓમાં એક પાકતી હોય છે...

***  

મેહેર બાબા વિશે આ અભિપ્રાયો ક્રાંતિકારી વિચારક ઓશો રજનીશે આપ્યા હતા. ઓશો અનેક પ્રવચનોમાં પોતાના અનુયાયીઓને મેહેર બાબાએ કરેલા આધ્યાત્મિક પ્રયોગો કેટલા મૂલ્યવાન છે એ સમજાવતા. મેહેર બાબા આઝાદીની લડતના કાળમાં થઈ ગયેલા ગૂઢ રહસ્યવાદી પરંપરાના આધ્યાત્મિક ગુરુ હતા. ૭૪ વર્ષના આયુષ્યમાં મેહેર બાબાએ ચાર દાયકાથી પણ વધુ સમય સુધી મૌન પાળ્યું હતું. મેહેર બાબા વિશે ભારતીયો ઘણી ઓછી જાણકારી ધરાવે છે, પરંતુ એક સમયે અમેરિકા-યુરોપની હાઈ સોસાયટી તેમજ કંઈક અંશે પાગલપનમાં જીવન વ્યતિત કરતા પોપ સિંગર, રોક સ્ટાર, મ્યુઝિશિયન અને હોલિવૂડ સ્ટાર્સમાં તેમણે પ્રચંડ લોકપ્રિયતા મેળવી હતી. જોકે ભારતમાં મેહેર બાબાનું જીવન, તેમણે કરેલા આધ્યાત્મિક પ્રયોગો અને ગૂઢ આધ્યાત્મિક વિચારોની ઐતિહાસિક દૃષ્ટિએ પણ મૂલવણી નથી થઈ, જે આપણી ઈતિહાસ પ્રત્યેની ઘોર ઉદાસીનતા દર્શાવે છે.

૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ

આજેય ભારતમાં ગુજરાત સહિત અમેરિકા, યુરોપના અનેક દેશો, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, જાપાન, કોરિયા, ઈઝરાયેલ અને ઈરાન જેવા દેશોમાં પણ મેહેર બાબાના અનુયાયીઓ છે. ગુજરાતી ભાષામાં પણ મેહેર બાબાની પ્રાર્થનાઓ છે. મેહેર બાબાના અનુયાયીઓ દૃઢપણે માને છે કે, મેહેર બાબાને પૃથ્વી પર પાંચ અવતારી પુરુષોએ મોકલ્યા હતા. આ પાંચ 'અવતાર' એટલે ૧. પૂણેના હજરત બાબાજાન ૨. શિરડીના સાંઇ બાબા ૩. સાકોરીના ઉપાસની મહારાજ ૪. નાગપુરના હઝરત તાજુદ્દીન બાબા અને ૫. કેડગાંવના નારાયણ મહારાજ. ગીતામાં કહેવાયું છે કે, યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્. આ કારણસર એવી માન્યતા અસ્તિત્વમાં આવી છે કે, સમયાંતરે ભારતભૂમિ પર ખુદ ઈશ્વર અવતાર ધારણ કરીને આવે છે. એ થિયરી પ્રમાણે મેહેર બાબાના અનુયાયીઓ તેમને આવા જ એક અવતારી પુરુષ ગણે છે.

મેહેર બાબા, ચાર અવતારી પુરુષ અને બાબાના અંતિમ દર્શન

૨૫મી ફેબ્રુઆરી, ૧૮૯૪ના રોજ પૂણેના પારસી પરિવારમાં જન્મેલા મેહેર બાબાનું મૂળ નામ હતું, મેરવાન શેરિયાર ઇરાની. ૧૯ વર્ષની વયે જ આધ્યાત્મિક અનુભૂતિ થતા મેરવાન સળંગ સાત વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને ઉપરોક્ત પાંચેય અવતારી પુરુષો, સંતો અને ફકીરોને મળ્યા. મેરવાનના એ વર્ષો 'બુદ્ધત્વ'ની પ્રાપ્તિ સાથે સરખાવાય છે. એ પછી તેમણે મેહેર બાબા નામ ધારણ કરીને ૨૭ વર્ષની ઉંમરે પોતાને અવતારી પુરુષ જાહેર કર્યા. ૧૦મી જુલાઈ, ૧૯૨૫ના રોજ મેહેર બાબાએ મૌન પાળવાનું શરૂ કર્યું, જે ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ તેમના મૃત્યુ સુધી ચાલ્યું. મૌન કાળમાં તેઓ આલ્ફાબેટ બોર્ડ અને ખાસ પ્રકારના હાવભાવથી સંવાદ કરતા.

મેહેર બાબા અને ગાંધીજીની મુલાકાત

વર્ષ ૧૯૩૧માં મેહેર બાબા એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં બેસીને પહેલીવાર પશ્ચિમી દેશોના પ્રવાસે નીકળ્યા. એ જ વહાણમાં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા લંડન જઈ રહ્યા હતા. આ દરમિયાન મેહેર બાબા અને ગાંધીજીની એકથી વધુ વખત મુલાકાત થઈ. તેઓની સૌથી પહેલી મુલાકાત વિશે 'મહાદેવભાઈની ડાયરી' અને 'મેહેર બાબાનું જીવનચરિત્ર' પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે. 'મહાદેવભાઈની ડાયરી'માંથી જાણવા મળે છે કે, જમશેદ મહેતાએ ગાંધીજીને તાર કરીને મેહેર બાબાને ખાસ મળવાનું સૂચન કર્યું હતું. (જમશેદ મહેતા કરાચીસ્થિત ગાંધીજીના સાથીદાર હતા. તેઓ કરાચીના પહેલા ચૂંટાયેલા મેયર હતા. અત્યારે પણ પાકિસ્તાનમાં તેઓ 'મેકર ઓફ મોડર્ન કરાચી' તરીકે જાણીતા છે.) આ સૂચનને પગલે આઠમી સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ મહાદેવ દેસાઈ ગાંધીજીને મેહેર બાબાની કેબિન પર મળવા લઈ ગયા. એ વખતે પણ બાબાએ ગાંધીજી સાથે મૂળાક્ષરવાળા પાટિયા પર આંગળી મૂકીને વાતો કરી. ગાંધીજી અને મેહેર બાબા વચ્ચે શું વાત થઈ, એ વિશે વાંચો મહાદેવભાઈના જ શબ્દોમાં.

એસ.એસ. રજપૂતાના સ્ટીમરના સનડેક પર આરામની મુદ્રામાં ગાંધીજી 

''... એમણે બાપુની સત્યની ભક્તિ વિશે બહુ વખાણ કર્યા. તમે તમારી દેશસેવામાં પણ ભગવાન જોવા ઈચ્છો છો એ વિશે શંકા નથી, એમ જણાવ્યું. પણ સલાહ એ આપી કે, તમે જવાબદારી ના લો તો સારું. ગરીબના દુ:ખની પણ જવાબદારી તમારે ન લેવી.''

બાપુ : લઉં છું અને નથી લેતો. ન લઉં તો પાખંડી ગણાઉં.

બાબા : પણ તમને પાખંડનો શેનો ડર હોય?

બાપુ : પણ જગતને માટે તો, મારે, મને, પાખંડી ગણવાનો અધિકાર હોવો જ જોઈએ. બાકી મારા મન સાથે તો ભગવાન સાથે લડી લઉં છું કે, 'ભગવાન તુ જાણે, ગાળો પડે તે પણ તારા ઉપર, અને વખાણ થાય તે પણ તારા.'

બાબા : બરોબર છે. મારી ભલામણ છે કે વિલાયતથી આવીને કામ કરવાનું છોડી એકાંતમાં બેસી જાઓ.  અને એકાંત લો ત્યારે મારે ત્યાં આવજો.

બાપુ : એવો સમય આવશે તો જરૂર આવીશ. એ સમય આવે ત્યારે બોલવાની જરૂર ન પડે, આવી રીતે ઈશારા કરવાની કે મૂળાક્ષરની પાટી ઊભી કરી તેના આંકડા બતાવવાની પણ જરૂર ન રહે. એકાંતમાં બેસી જવાની સ્થિતિ આપોઆપ આવી જશે. ઈશ્વર જ એ માર્ગ સુઝાડશે, જેમ હંમેશા માર્ગ સુઝાડયા કીધો છે. તો પછી જ્યાં હોઉં ત્યાં હું નાચીશ...

ગાંધીજીને વાંચવા અપાયેલું એ પુસ્તક

મેહેર બાબા અને ગાંધીજીની પહેલી મુલાકાત દરમિયાન બીજી પણ એક મહત્ત્વની ઘટના બની. બાબાએ ગાંધીજીને એક પુસ્તક વાંચવા આપ્યું, જે તેમણે મહારાષ્ટ્રના અહેમદનગર નજીક સ્થાપેલા આશ્રમમાં ૧૯૨૫-૨૬ દરમિયાન લખ્યું હતું. ઓક્ટોબર ૧૯૨૫માં મેહેર બાબાએ તેમના અનુયાયીઓને ચાર ફૂટ પહોળું અને સાત ફૂટ લાંબુ એક ટેબલ બનાવવાનું કહ્યું. આ ટેબલને બાબા 'ટેબલ કેબિન' કહેતા. આ ટેબલ કેબિનમાં એક વર્ષ સુધી બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું હતું. વર્ષ ૧૯૨૭માં તેમણે જાહેરાત કરી કે, આ પુસ્તક ભવિષ્યમાં વેદ, અવેસ્તા, બાઇબલ અને કુરાનની જેમ વિશ્વભરમાં ઓળખાશે, જેનો દરેક ધર્મ-જાતિના લોકો સ્વીકાર કરશે. આ મહાન કામ પૂરું થઈ ગયા પછી હું લખવાનું બંધ કરી દઈશ...

મેહેરાબાદનું એ ટેબલ કેબિન, જેમાં બેસીને બાબાએ એ પુસ્તક લખ્યું હતું

મેહેર બાબાની સાથે રહેતા અંગત અનુયાયીઓની ટુકડીને આ પુસ્તક વાંચવાની પરવાનગી હતી. આ ટુકડીને તેઓ 'મંડળી' કહેતા. એસ.એસ. રજપૂતાના સ્ટીમરમાં ઇંગ્લેન્ડ જતી વખતે મેહેર બાબા કાળા રંગની પેટીમાં મૂકીને આ પુસ્તક સાથે લઇ ગયા હતા. 'મહાદેવભાઈની ડાયરી'માં નોંધ છે કે, મેહેર બાબાએ ગાંધીજીને એ પુસ્તક સાથેની પેટી આપી હતી, પરંતુ એની ચાવી ખોવાઈ ગઈ હતી. તેથી ગાંધીજીએ એ પેટી તોડાવીને પુસ્તક વાંચવાની બાબાને ખાતરી આપી. મેહેર બાબાના અનુયાયીઓનું કહેવું છે કે, બાબાએ ગાંધીજી સિવાય કોઈને એ પુસ્તક વાંચવા આપ્યું ન હતું. એ પુસ્તકમાં ગાંધીજીના વિવિધ સવાલો, શંકાઓનું સમાધાન હતું.

ઇંગ્લેન્ડમાં થોડો સમય વીતાવ્યા પછી મેહેર બાબા ૨૦મી મે, ૧૯૩૨ના રોજ પહેલીવાર અમેરિકા ગયા ત્યારે પણ એ પુસ્તક સાથે જ લઈ ગયા હતા. એનો અર્થ એ કે, ગાંધીજીએ એ પુસ્તક પાછું આપી દીધું હતું.

અને પુસ્તક અચાનક ગાયબ થઈ ગયું

અમેરિકાથી ભારત પરત ફર્યા પછી મેહેર બાબાએ એ પુસ્તક મુંબઈની એક બેંકના લોકરમાં મૂકાવી દીધું, જ્યાં તે સળંગ ૨૧ વર્ષ સુધી રખાયું. આ દરમિયાન બાબાએ રામજૂ અબ્દુલ્લા નામના એક અનુયાયીને એ પુસ્તક બેંકમાંથી પાછું લઈ આવવા કહ્યું. એ પછી પુસ્તક આશ્રમમાં આવ્યું ય ખરું, પણ ૧૯૫૮માં રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું. મેહેર બાબાના મૃત્યુના છ દિવસ પહેલાં, ૨૫મી જાન્યુઆરી ૧૯૬૯ના રોજ એરચ જેસ્સાવાલાએ બાબાને એ પુસ્તક ક્યાં છે એ વિશે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં બાબાએ કહ્યું હતું કે, ''એ સારા હાથમાં છે.'' જેસ્સાવાલા નવ વર્ષની ઉંમરથી જ બાબાની મંડળીમાં જોડાઈ ગયા હતા. બાબાએ મૌન લઈને ઈશારાથી વાત કરવાનું ચાલુ કર્યા પછી જેસ્સાવાલા તેમના દુભાષિયા તરીકે કામ કરતા હતા. 


ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ અને ઇન ગોડ્સ હેન્ડ પુસ્તકો

બાબાના મૃત્યુના થોડા દિવસ પછી, ૧૯૬૯માં, મેહેરાબાદ આશ્રમના એક રૂમમાંથી ૨૫૫ પાનાંનું હાથથી લખાયેલું પુસ્તક મળ્યું, પરંતુ એ બાબાના અક્ષરો ન હતા. આ ઘટનાના વર્ષો પછી, ૧૯૯૮માં, મેહેર બાબાના અક્ષરોમાં લખાયેલું ૩૯ પાનાનું એક નાનકડું પુસ્તક મળી આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, એ પુસ્તક અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકમાં ઘણી સમાનતા હતા. એટલે એવું પણ મનાયું કે, કોઈએ બાબાએ લખેલા પુસ્તકનું વિસ્તૃત સમજૂતી આપીને સારા અક્ષરોમાં લખવાનો પ્રયાસ કર્યો હશે! શેરિયાર પ્રેસ દ્વારા વર્ષ ૨૦૦૦માં એ ૩૯ પાનાના પુસ્તકનું 'ઈન ગોડ્સ હેન્ડ' નામે અને ૧૯૬૯માં મળેલા ૨૫૫ પાનાના પુસ્તકનું 'ઇન્ફિનિટ ઇન્ટેલિજન્સ' નામે પ્રકાશન કરાયું હતું.

***

આજેય કોઈ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી કે, મેહેર બાબાએ ટેબલ નીચે બેસીને લખ્યું હતું એ પુસ્તક એટલે પેલું ૩૯ પાનાનું પુસ્તક. જો એવું હોય તો કહી શકાય કે, મેહેર બાબાએ ગાંધીજીને વાંચવા આપ્યું હતું એ પુસ્તક 'ઈન ગોડ્સ હેન્ડ'ની હસ્તપ્રત જ હતી. ખેર, એવા કોઈ જ પુરાવા નહીં હોવાથી આ પુસ્તક આજેય 'ખોવાયેલું' જ ગણાય છે.

આ રહસ્યમય ઘટના સાથે સંકળાયેલા અનેક સવાલો ઇતિહાસમાં જ દફન થઈ ગયા છે. જેમ કે, મેહેર બાબાએ લખેલા ૩૯ પાનાના પુસ્તકની સમજૂતી આપવાનો પ્રયાસ કોણે કર્યો હતો? ગાંધીજીએ કાળા રંગની પેટી તોડાવીને એ પુસ્તક વાંચવાની મેહેર બાબાને ખાતરી આપી, પરંતુ એ પછી ગાંધીજીએ એવું કર્યું હતું ખરું? એસ.એસ. રજપૂતાના સ્ટીમર પર ગાંધીજી અને મેહેર બાબા એકથી વધુ વખત મળ્યા હતા, ત્યારે તેઓ બંને વચ્ચે એ પુસ્તક વિશે વાત થઈ હતી?

ગાંધી સાહિત્ય કે મેહેર બાબા વિશે લખાયેલા સાહિત્યમાં આ અંગે કોઈ જ ઠોસ જાણકારી મળતી નથી!

03 April, 2017

સાયબર કમાન્ડોઝ : ડિજિટલ ઇન્ડિયાની પાયાની જરૂરિયાત


આજની દુનિયામાં બે પ્રકારના યુદ્ધો લડાઇ રહ્યા છે. પહેલું છે સીધેસીધું સામસામે બંદૂકો, તોપો અને મિસાઇલોથી લડાતું યુદ્ધ. આ પ્રકારના યુદ્ધો શસ્ત્રોનું શક્તિ પ્રદર્શન કરીને પણ લડાય છે, જ્યારે બીજા પ્રકારનું યુદ્ધ વર્ચ્યુઅલ કે ડિજિટલ સ્તરે લડાઈ રહ્યું છે. એ યુદ્ધ આભાસી છે, દેખાતું નથી પણ વધારે ખતરનાક છે. કોઈ પણ દેશ પાસે સીધું યુદ્ધ લડવા ચોક્કસ સિસ્ટમ છે, જે દુનિયાને દેખાય છે એટલે બે આંખની શરમ પણ નડે છે, પરંતુ વર્ચ્યુઅલ કે ડિજિટલ યુદ્ધમાં શરમાવાનો સવાલ જ નથી કારણ કે, એ યુદ્ધ દુનિયા સહેલાઈથી જોઈ નથી શકતી. દુનિયાથી નજર બચાવીને, ચૂપચાપ બીજા દેશોની સરહદમાં ભેલાણ કરી શકાય છે. જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાન સતત ઘૂસણખોરીને પ્રોત્સાહન આપે છે, એ દુનિયા જોઈ શકે છે પણ ભારતની સત્તાવાર વેબસાઇટોમાં સતત ઘૂસણખોરી, તોડફોડ કરે છે એ કોઇ જોઇ શકતું નથી. ડિજિટલ યુદ્ધો 'અન્ડરગ્રાઉન્ડ' લડાતા હોય છે. ડિજિટલ યુદ્ધમાં ફાયર કરાતી મિસાઇલ અન્ડરગ્રાઉન્ડ ઇન્ટરનેટ કેબલમાંથી છૂટીને આવે છે. એ મિસાઇલોને તોડી પાડવા પણ ડિફેન્સ સિસ્ટમ જરૂરી છે.

ભારત સરકારની 'આધાર' વિશ્વની સૌથી મોટી ઓનલાઈન યોજના બની રહી છે ત્યારે આ દિશામાં વિચારવું જરૂરી છે કારણ કે, આપણી સાયબર ડિફેન્સ સિસ્ટમ અત્યંત નબળી, ઢીલીપોચી અને ખોખલી છે. સાયબર યુદ્ધની દૃષ્ટિએ અત્યારે અનેક દેશો માટે ચિંતાજનક સમય ચાલી રહ્યો છે. દુનિયાના કરોડો કમ્પ્યુટર એકબીજા સાથે ઇન્ટરનેટથી જોડાયેલા છે. ઈન્ટરનેટ પ્લેટફોર્મની મદદથી કોઈ પણ દેશમાં ઘૂસણખોરી શકાય છે, એ માટે ભારે જોખમો ઉઠાવવાની જરૂર નથી પડતી. હેકિંગનો આતંક ફેલાવીને બીજા દેશની સિસ્ટમને તહસનહસ કરનારા દેશો પર 'આતંકવાદી રાષ્ટ્ર' હોવાનું લાંછન પણ નથી લાગતું. કદાચ એટલે જ પાકિસ્તાને ઘણાં વર્ષો પહેલાં ભારત સામે એક સમાંતર સાયબર યુદ્ધ પણ છેડી દીધું હતું. અત્યારે દુનિયામાં દરેક 'દુશ્મન દેશો' વચ્ચે એક પ્રકારનું 'કૉલ્ડ વૉર' ચાલી રહ્યું છે, પરંતુ એ વર્ષો પહેલાં અમેરિકા-રશિયા વચ્ચે ખેલાયું હતું એવું નથી. એ વખતે જે તે દેશમાં જાસૂસ મોકલવાની ઘટનાઓ વધારે સામે આવતી, જ્યારે અત્યારે સાયબર જાસૂસી વધારે થાય છે.



હજુ પંદરેક દિવસ પહેલા જ અમેરિકાએ બે રશિયન જાસૂસ અને બે હેકરો પર યાહૂનો ડેટા ચોરવાનો આરોપ મૂક્યો હતો. એ લોકોએ યાહૂ પર અસ્તિત્વ ધરાવતા એક અબજ લોકોનો ડેટા ચોર્યો હતો. ડેટા ઈઝ ન્યૂ ઓઈલએ મતલબનો રૂઢિપ્રયોગ એમ જ ચલણમાં નથી આવ્યો! આ પહેલા રશિયાએ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં પણ હિલેરી ક્લિન્ટનના ઇ-મેઇલ હેક કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે, એવું થાય તો તેમને મત ઓછા મળે અને ટ્રમ્પ જીતી જાય. રશિયાને ફાયદો ટ્રમ્પ જીતે એમાં હતો. આ ગુનો પણ કોઈ દેશ સામે યુદ્ધ છેડવા જેટલો જ ગંભીર છે. આ હેકિંગ બદલ અમેરિકા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સામે ખુલ્લેઆમ આરોપો મૂક્યા હતા, પરંતુ અમેરિકા હજુ સુધી કંઈ સાબિત નથી કરી શક્યું. આવા કેસ કદાચ સાબિત થાય તો પણ તેમાં સજા કરવી લગભગ અશક્ય હોય છે. ડિજિટલ દુનિયામાં ગુનાખોરી કરતા નાના મોટા સાયબર ગુનેગારોને પકડવા પણ માથાના દુ:ખાવા સમાન છે, ત્યારે એક દેશની પોલીસ કે ઈન્ટેલિજન્સ માટે બીજા દેશની સરકાર સામે ગુનો સાબિત કરવો અને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવા એ કેટલું અઘરું હોય, એ સમજી શકાય એમ છે!

ચીન પણ ભારત, અમેરિકા અને તાઇવાન જેવા દેશોના કમ્પ્યુટરોમાં ભાંગફોડ કરીને, ડેટા ચોરીને સાયબર યુદ્ધ ખેલી રહ્યું છે. કોઈ પણ દેશની ડિફેન્સ સિસ્ટમ મજબૂત બનાવવા 'ઇથિકલ હેકર' પાયાની જરૂરિયાત છે. જેમ એક દેશનો સૈનિક બીજા દેશના સૈનિકની હત્યા કરે એ જાયઝ છે એવી જ રીતે, એક હેકર ગેરકાયદે રીતે બીજા દેશની સિસ્ટમમાં તોડફોડ કરે એ પણ જાયઝ છે. આ માણસજાતે બનાવેલી નાજાયઝ વ્યાખ્યાઓ છે. ઇથિકલ હેકરોને ગેરકાયદે કામ કરવા 'સ્ટેટ સપોર્ટ' મળે છે, એટલે કે, તેમને કોઈ પણ ગેરકાયદે કામ કરવા જે તે દેશની સરકારની મંજૂરી મળે છે. આજકાલ વિકસિત દેશોમાં હેકરોને ‘ડિજિટલ ગોડ’ જેવો માન-મરતબો મળે છે. રશિયા, ચીન, પાકિસ્તાન, તાઇવાન, દક્ષિણ કોરિયા, ઇઝરાયેલ, ઇરાન અને અમેરિકા જેવા અનેક દેશો સાયબર યુદ્ધ માટે ઇથિકલ હેકરોને કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. વિકિલિક્સ પણ પર્દાફાશ કરી ચૂક્યું છે કે, યુએસ સિક્રેટ સર્વિસ અને સીઆઈએ દ્વારા જાસૂસી અને હેકિંગ માટેના 'શસ્ત્રો' બનાવડાવ્યા છે. રશિયાએ તો નૈતિકતા નેવે મૂકીને હેકરોની મદદ લેવા રશિયન માફિયા સાથે જ ગઠબંધન કર્યું છે.

હવે સવાલ એ છે કે, આ સ્થિતિમાં ભારત ક્યાં છે? એક સરેરાશ ભારતીય સિલિકોન વેલીના ઈન્ડિયન અમેરિકનોની દંતકથાઓ સાંભળતો એવું માનતો હોય છે કે, ભારત ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં હરણફાળ ભરી રહ્યું છે. હકીકત એ છે કે, આપણી સાયબર ડિફેન્સ સિસ્ટમમાં પાકિસ્તાન જેવો પછાત દેશ પણ તોડફોડ કરી શકે છે. ભારતે ૨૦૧૩માં નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી બનાવી હતી, જે અંતર્ગત પાંચ લાખ સાયબર એક્સપર્ટનો વર્કફોર્સ ઊભો કરવાનું કહેવાયું હતું. એ વાત અલગ છે કે, અત્યારે દેશની સાયબર સિક્યોરિટી માટે માંડ એક લાખ લોકો કામ કરે છે. વળી, આ ડિફેન્સ સિસ્ટમમાં કામ કરતા લોકોની ગુણવત્તા સામે પણ અનેક સવાલો છે. ભારત સરકાર માટે કામ કરતા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરનો હિસ્સો નથી. તેઓ જે તે મંત્રાલયો, વિભાગો કે પછી સરકાર સાથે કામ કરતી સંસ્થાઓ વતી કામ કરે છે. ટૂંકમાં, આ વર્કફોર્સ એક વિભાગ હેઠળ નથી અને એટલે જ સાયબર હુમલો થાય ત્યારે કોઈની જવાબદારી નક્કી કરી શકાતી નથી. આ લોકો 'ખોખલા રાષ્ટ્રવાદ'ના સંતોષ ખાતર ફક્ત પાકિસ્તાન અને ચીનની વેબસાઇટો પર હુમલા કરતા રહે છે, પરંતુ સાયબર હુમલો થાય તો આપણી તૈયારી કેવી છે? જવાબ છે, એકદમ કંગાળ. 

આ પ્રકારની તૈયારી ત્યારે જ હોય, જ્યારે આ સિસ્ટમમાં કામ કરતા ઇથિકલ હેકરો આપણી સાયબર સિક્યોરિટી સિસ્ટમમાં ‘લૂપહૉલ્સ’ શોધવાનું કામ કરે, જેથી બીજા દેશના હેકરો ત્યાં પહોંચે એ પહેલાં આપણે જ આપણી ખામી શોધીને તેની સામે સુરક્ષા કવચ ઊભું કરી શકીએ. ભારત પાસે પણ એવા અનેક હેકિંગ એક્સપર્ટ છેજે જાયન્ટ ટેક કંપનીઓની ભૂલો શોધી કાઢે છે. જોકે, આપણે તેમનો યોગ્ય ઉપયોગ કરી શક્યા નથી. ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૬માં ભારત સરકારની ૧૯૯ વેબસાઇટ હેક થઈ હતી. ચીન કે પાકિસ્તાનમાંથી પણ ભારતીય બેંકિંગ સિસ્ટમનો ડેટા ચોરાયો હતો, જેમાં ડેબિટ-ક્રેડિટ કાર્ડ ડેટાનો પણ સમાવેશ થઈ જાય છે. પહેલી જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ તો નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (એનએસજી)ની વેબસાઇટ પણ હેક કરાઇ હતી. ચીનના હેકરો તો અનેકવાર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝન (ડીઆરડીઓ)ની વેબસાઇટમાં ઘૂસીને ક્લાસિફાઇડ ઇન્ફોર્મેશન ચોરી ચૂક્યા છે. 

જોકે, આજેય ભારતના બહુ જ મોટા આર્થિક વ્યવહારો ઓફલાઇન થાય છે, ઇન્ટરનેટ ઘરે ઘરે સુલભ નથી અને ઇન્ટરનેટ સ્પિડના પ્રશ્નો પણ વિકરાળ છે, એટલે સાયબર હુમલા સામે થોડું ઘણું ‘ડિફોલ્ટ’ રક્ષણ મળી જાય છે. ભારત 'ડિજિટલ ઈન્ડિયા' તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ વાત સરકારને સતત યાદ અપાવતા રહેવું જોઈએ. ડિજિટલ ઇન્ડિયા મુદ્દે તો પોલિસી એક્સપર્ટ ત્યાં સુધી કહી રહ્યા છે કે, હવે સ્કૂલ અભ્યાસક્રમમાં જ કમ્પ્યુટર કૉડિંગનો વિષય દાખલ કરી દેવો જોઈએ. રશિયા અને ચીનમાં કૉડિંગ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને એટલે જ તેમની કમ્પ્યુટર સિસ્ટમ વધારે મજબૂત છે.

ભારતમાં સાયબર સિક્યોરિટી માટે કામ કરતી થિંક ટેન્કનું કહેવું છે કે, ભારત પાસે ધુરંધર કહી શકાય એવા હેકરોની ફોજ નથી. કોઈ દેશ સાયબર હુમલો કરે તો જડબાતોડ જવાબ આપવા આપણે સક્ષમ નથી. હા, પાકિસ્તાનને પણ નહીં. ભારતની ઢગલાબંધ એન્જિનિયરિંગ કોલેજોથી પણ દેશને જોઈએ એવો ફાયદો મળતો નથી. આ કોલેજોમાં પેદા થતાં મોટા ભાગના એન્જિનિયરો અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા કે જાપાનીઝ ટેક કંપનીઓ દ્વારા આઉટસોર્સ કરાયેલું 'બેક ઓફિસ' કામ કરે છે. ભારતની આઈઆઈટીમાં પેદા થયેલા મોટા ભાગના જિનિયસ એન્જિનિયર ભારતની નહીં, વિદેશની કંપનીમાં નોકરી કરે છે. ટૂંકમાં, એવા એન્જિનિયરોનું બ્રેઇન ડ્રેઇન થઈ જાય છે અને સરવાળે ભારતને ખાસ કોઈ ફાયદો મળતો નથી. એ માટે આપણું કંગાળ વર્ક કલ્ચર પણ એટલું જ જવાબદાર છે. આપણે ટૂંકી, સ્વાર્થી અને દૂરંદેશી માનસિકતાના અભાવે ગૂગલ, ટેસ્લા કે ટ્વિટર જેવી કંપનીઓ ઊભી નથી કરી શક્યા અને કદાચ હજુયે એ દિવસો બહુ દૂર છે. 

આ જ સ્થિતિમાં આપણે ‘ડિજિટલ ઈન્ડિયા’ બનવા તરફ આગળ વધી રહ્યા છીએ અને એટલે જ દેશને જંગી ભંડોળ ધરાવતી સાયબર ડિફેન્સ સિસ્ટમની જરૂર છે. આ ઉપરાંત ટેલેન્ટેડ યૂથ ફોર્સને યોગ્ય દિશામાં વાળવાનો સમય પણ આવી ગયો છે. આતંકવાદ સામે લડવા જેમ એલિટ કમાન્ડોઝની જરૂર પડે છે એવી જ રીતે, સાયબર ટેરરિઝમ સામે લડવા એલિટ ‘સાયબર કમાન્ડોઝ’ પાયાની જરૂરિયાત છે.