27 October, 2015

બેંકિંગ સિસ્ટમ: કાળું નાણું સગેવગે કરવાનો નવતર કીમિયો


બેંક ઓફ બરોડાનું ૬,૧૭૨ કરોડ રૂપિયા હોંગકોંગ મોકલી દેવાનું કૌભાંડ ખરા સમયે બહાર આવ્યું છે. આ કૌભાંડ બહાર આવ્યું એ જ અરસામાં કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે, અમે ૯૦ જ દિવસમાં વિદેશમાં છુપાવાયેલા રૂ. ૪,૧૪૭ કરોડ ભારત પાછા લઈ આવ્યા છીએ. કાળા નાણા મુદ્દે ઉછળી ઉછળીને બોલતી સરકારે જેટલું કાળું નાણું પાછું લઈ આવ્યાનો દાવો કર્યો છે, એનાથી ૨,૦૨૫ કરોડ રૂપિયા વધારે ફરી પાછા વિદેશમાં જતા રહ્યા છે. દેશની બેંકિંગ સિસ્ટમથી કાળું નાણું વિદેશ મોકલવાનું આ અત્યાર સુધીનું સૌથી મોટું અને આંખ ઉઘાડનારું કૌભાંડ છે. આ કેસની તપાસ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી તપાસ એજન્સીઓનું કહેવું છે કે, આ પહેલાં બેંકિંગ ચેનલનો ઉપયોગ કરીને આટલા મોટા જથ્થામાં કાળું નાણું સગેવગે કરાયું હોવાનું નોંધાયું નથી... અત્યાર સુધી વિદેશોમાં કાળું નાણું મોકલવા હવાલા પદ્ધતિનો ઉપયોગ કરાતો હતો. આ મોડસ ઓપરેન્ડીથી સીબીઆઈ અને ઈડીના તપાસ અધિકારીઓ પણ ચક્કર ખાઈ ગયા છે. જો દેશનું કરોડો-અબજો રૂપિયાનું કાળું નાણું વિદેશમાં હોય તો અત્યાર સુધી બેંકોનો જ 'કેરિયર' તરીકે ઉપયોગ નહીં કરાયો હોય એની શું ગેરંટી? આ કૌભાંડ બહાર આવ્યા પછી આવું નહીં થાય એની પણ શું ગેરંટી? ઊલટાનું કાળું નાણું વિદેશ મોકલવાની આ મોડસ ઓપરેન્ડીમાંથી બીજા કૌભાંડીઓ 'પ્રેરણા' નહીં લે એની પણ શું ગેરંટી?

આ કેસમાં બેંક ઓફ બરોડાની દિલ્હીની અશોક વિહાર શાખાના બે અધિકારી અને એચડીએફસી બેંકના એક અધિકારી સહિત કુલ છ લોકોની ધરપકડ કરાઈ છે. જોકે, આ કૌભાંડમાં હજુ સુધી કોઈ રાજકારણીનું નામ ઊછળ્યું નથી પણ હવે કદાચ ઘીના ઠામમાં ઘી પડી જશે. આ બધો વહીવટ પાર પાડવામાં સ્વાભાવિક રીતે જ રાજકારણીઓની ભૂમિકા મહત્ત્વની રહેશે અને થોડા દિવસ પછી વધુ એક કૌભાંડ ભૂલાઈ જશે. બહુ ઉહાપોહ થશે તો 'બલિનો બકરો' શોધી કઢાશે અને ચેનલિયા કેમેરા સામે એક-બે નિવેદન ઠપકારી દેવાશે. જોકે, બધી વાતમાં રાજકારણીઓનો જ દોષ કેમ કાઢવાનો? હવે તો એવી માન્યતા દૃઢ થઈ રહી છે કે, સમાજને એવા જ નેતાઓ મળતા હોય છે, જેવો સમાજ હોય છે. નેતાઓ પણ સમાજમાંથી જ આવતા હોય છે. મજબૂત અને પ્રભાવશાળી નેતાઓ સમાજના જ ગુણ-અવગુણની ભઠ્ઠીમાં ઘડાતા હોય છે. સમાજ કેવા નેતાને ખુરશી પર બેસાડે છે એના પરથી એ સમાજનું ચરિત્ર નક્કી થાય છે. દરેક વ્યક્તિને ઓળખાણો અને પૈસાથી કામ પતાવટ કરી લેવી હોય છે, સ્વાર્થ સાધી લેવો હોય છે અને લાભ ખાટી લેવો હોય છે. રાજકારણને સામૂહિક રીતે પ્રભાવિત કરી શકે છે એવો સમાજનો બોલકો-મજબૂત વર્ગ પણ સ્વાર્થ સિવાય કશું વિચારતો નથી તો કાવાદાવા કરીને ખુરશી સુધી પહોંચેલા ફૂલટાઈમ રાજકારણીઓ પાસેથી બહુ મોટી અપેક્ષા કેવી રીતે રાખી શકાય!



રાજકારણીઓના ભ્રષ્ટાચાર અને બે છેડા ભેગા કરવા પાંચ-પચીસનો જુગાડ કરી લેતા આમઆદમીના ભ્રષ્ટાચારમાં આસમાન-જમીનનો ફર્ક છે એ વાત ખરી પણ અહીં સમાજના મજબૂત વર્ગની વાત થઈ રહી છે. રાજકારણીઓ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એટલે એમની પાસેથી અપેક્ષા વધારે જ હોય પણ સમજદાર લોકોએ પણ જાગતા રહેવું જરૂરી હોય છે. બેંક ઓફ બરોડા અને એચડીએફસીના જે કોઈ અધિકારીઓની આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા છે તેઓ બેંકમાં ઉચ્ચ હોદ્દા પર હતા. સીબીઆઈએ બેંક ઓફ બરોડા-નવી દિલ્હીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ફોરેન એક્સચેન્જ ડિવિઝનના વડા અને ઈડીએ એચડીએફસી બેંકના ફોરેન એક્સચેન્જ ડિવિઝનમાં કાર્યરત એક ઉચ્ચ અધિકારીની ધરપકડ કરી છે. ઊંચા પગારધોરણો ધરાવતા આ અધિકારીઓએ બે છેડા ભેગા કરવા નહીં પણ લાલચથી પ્રેરાઈને આ ખેલ પાડયો છે. કોઈ પણ મોટા કૌભાંડો ગરીબ અને નિરક્ષર લોકો નહીં પણ પૈસેટકે સુખી અને ભણેલા-ગણેલા લોકો કરતા હોય છે. વ્યક્તિ શિક્ષણ લઈને પણ આ પ્રકારના ધંધા કેમ કરતો હશે? શું આ કૌભાંડોમાં આપણી કંગાળ શિક્ષણ વ્યવસ્થાનું પ્રતિબિંબ પડે છે? છ હજાર કરોડથી પણ વધારે નાણાં વિદેશ કેવી રીતે મોકલી દેવાયા એના કરતા પણ વધારે પેચીદા પ્રશ્નો તો આ છે.

દેશના ચુનંદા વિદ્યાર્થીઓ યુપીએસસીમાં ઉતીર્ણ થઈને આઈએએસ, આઈપીએસ અને આઈએફએસના હોદ્દા પર બિરાજે છે. આમ છતાં, કોઈ પણ સરકારમાં થયેલા મસમોટા કૌભાંડોમાં આ ઉચ્ચ અધિકારીઓ હંમેશા સંડોવાયેલા હોય છે. તાજેતરનો ઈતિહાસ જોઈએ તો યુપીએ સરકારમાં થયેલા કૌભાંડોમાં સંખ્યાબંધ સનદી અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે અને કેટલાક જેલની હવા ખાઈ રહ્યા છે. અહીં બધાને એક જ લાકડીએ હાંકવાનો ઈરાદો નથી પણ પ્રશ્ન એ છે કે, જે કોઈ કૌભાંડો થાય છે એમાં આવા ઉચ્ચ શિક્ષણ લીધેલા અને ઊંચા પગારધોરણોના લાભ લેતા 'સરકારી જમાઈઓ'ની સંડોવણી કેમ હોય છે? બેંક ઓફ બરોડાની અશોક વિહાર શાખામાંથી સતત એક વર્ષ સુધી દાળ-ચોખા અને કાજુની આયાતનું બિલ ચૂકવવાના બહાને આઠ હજાર ટ્રાન્ઝેક્શન કરાયા હતા. ખરેખર, આ એવી આયાત હતી જે ક્યારેય થવાની જ ન હતી. આ બિલ ચૂકવવા કેવાયસી (નો યોર કસ્ટમર)ના નિયમોનો ભંગ કરાયો હતો. ટ્રાન્ઝેક્શન કરવા બેંકમાં ૫૯ નકલી ખાતા ખોલવામાં આવ્યા હતા. આ ખાતા ખોલાવવા પેપર પર નકલી કંપનીઓ પણ ઊભી કરવામાં આવી હતી. બેંકના ઓટોમેટિક ડિટેક્શન સોફ્ટવેરમાં પકડાઈ ના જવાય એટલે દોઢેક વર્ષ સુધી આઠેક હજાર ટ્રાન્ઝેક્શન કરીને રૂ. એક-એક લાખથી ઓછી રકમ હોંગકોંગ મોકલાઈ હતી.

જો એકસાથે મોટી રકમ મોકલવામાં આવે તો બેંકના ઓટોમેટિક ડિટેક્શન સોફ્ટવેરમાં ઝડપાઈ જવાય. એમાંથી નીકળી જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટની આંખે ચઢી જવાય. કોઈને શંકા ના જાય એટલે એચડીએફસી બેંકના ૧૧ ખાતામાંથી બેંક ઓફ બરોડાના વિવિધ ખાતામાં ધીમે ધીમે રકમ જમા કરાઈ હતી. આટલી હોશિયારી સાથે કરાયેલા કૌભાંડમાં બેંકના હાઈલી ક્વોલિફાઈડ અધિકારીઓની સંડોવણી ના હોય એ શક્ય છે? સીબીઆઈ અને ઈડીએ કહ્યું છે કે, આ પહેલાં આટલું જંગી કાળું નાણું મોકલવા બેંકિંગ સિસ્ટમને ભેદતી આવી મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો નથી. એનો અર્થ એ પણ છે કે, આ પહેલાં નાની-મોટી રકમ વિદેશોમાં સગેવગે કરવા બેંકોનો ઉપયોગ થતો જ હતો પણ એ મોડસ ઓપરેન્ડી આવી ન હતી. વર્ષ ૨૦૧૩માં 'કોબ્રાપોસ્ટ' ન્યૂઝ વેબ પોર્ટલે એક સ્ટિંગ ઓપરેશન કરીને દેશની અનેક પ્રતિષ્ઠિત બેંકોનું કેવાયસી અને એન્ટિ મની લોન્ડરિંગ માર્ગદર્શિકા તેમજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-૧૯૯૯ (ફેમા)નું ઉલ્લંઘન કર્યાનું કૌભાંડ બહાર પાડયું હતું. આ પ્રકારની ગેરરીતિમાં લગભગ તમામ બેંકોની સંડોવણી હતી. આ કૌભાંડની તપાસ કરીને આરબીઆઈએ ૨૨ બેંકને રૂ. ૫૦ કરોડનો દંડ ફટકાર્યો હતો, જેમાં એક્સિસ બેંકને રૂ. પાંચ કરોડ, એચડીએફસી બેંકને રૂ. સાડા ચાર કરોડ અને આઈસીઆઈસીઆઈ બેંકને રૂ. એક કરોડના દંડનો પણ સમાવેશ થતો હતો.

આરબીઆઈએ આ તમામ બેંકોની ઓફિસોમાં બુક્સ ઓફ એકાઉન્ટ્સ, ઈન્ટરનલ કંટ્રોલ અને કોમ્પ્લાયન્સ સિસ્ટમની ચકાસણી કરીને દંડ ફટકારવાનો નિર્ણય લીધો હતો. આ કૌભાંડમાં બેંકોને દંડ ફટકારાયો હતો   પણ એકેય બેંક અધિકારીને જવાબદાર ઠેરવી શકાયો ન હતો. એપ્રિલ ૨૦૧૫માં જાહેર કરાયેલા એક બેંકિંગ ફોરેન્સિક સર્વેક્ષણ પ્રમાણે, છેલ્લાં બે જ વર્ષમાં બેંકિંગ ફ્રોડમાં ૯૩ ટકાનો વધારો થયો છે. એટલે જ અત્યારના જમાનામાં આર્થિક ગુનાને લગતા કાયદા વધુને વધુ કડક કરવાની જરૂર છે કારણ કે, આર્થિક ગુના કરતી વ્યક્તિ એક ખૂની કરતા પણ ગંભીર ગુનો કરે છે. આ પ્રકારની ગુનાખોરીથી એકસાથે સંખ્યાબંધ પરિવારોને નુકસાન થાય છે અને દેશના અર્થતંત્રને પણ જોરદાર ફટકો પડે છે. આ પહેલાં ગુજરાતના બેંક કૌભાંડોમાં એકસાથે અનેક પરિવારો કેવી રીતે બરબાદ થયા હતા એ આપણે જોઈ ચૂક્યા છીએ. છેલ્લાં બે વર્ષમાં બેંકના ઉચ્ચ અધિકારીઓએ કરોડોની લોન પાસ કરવા લાંચ લીધી હોવાના સંખ્યાબંધ કૌભાંડો બહાર આવ્યા અને ભૂલાઈ ગયા. ખેડૂતથી લઈને સીધાસાદા નોકરિયાતને રૂ. ૫૦ હજારની લોન માટે ૫૦ ધક્કા ખવડાવતી રાષ્ટ્રીયકૃત બેંકોએ કિંગફિશર એરલાઈન્સ લિ.ને રૂ. સાતેક હજાર કરોડની લોન આપી હતી. હવે એવા અહેવાલ છે કે, વિજય માલયાએ લોન લીધા પછી મોટા ભાગની રકમ ટેક્સ હેવન રાષ્ટ્રોમાં સુરક્ષિત કરી દીધી છે.

જો બેંકો જાણતા કે અજાણતા પણ કાળા નાણા વિદેશમાં મોકલવાનું 'કેરિયર' બની ગઈ હોય તો એ સિસ્ટમને અત્યારથી જ તોડી પાડવી જોઈએ.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

19 October, 2015

'ઈમોજીસ'ની ભાષા: દુનિયા ખરેખર ગોળ છે ;)


ભાષા કેવી રીતે અસ્તિત્વમાં આવી હશે? ભાષાવિજ્ઞાન કહે છે કે, સૌથી પહેલાં સાંકેતિક ભાષા અસ્તિત્વમાં આવી. સાંકેતિક ભાષામાં મ્હોંના હાવભાવ, હાથ અને કદાચ આખા શરીરની ભંગિમાનો ઉપયોગ કરીને પોતાની વાત રજૂ થતી હતી. સાંકેતિક ભાષાના વિકાસ પછી બોલીઓ અસ્તિત્વમાં આવી. બોલીઓ વિકસ્યા પછી માણસ-માણસ વચ્ચે સાંભળી શકાય એવો સંવાદ શક્ય બન્યો. જોકે, બોલીઓને દૃશ્ય એટલે કે જોઈ શકાય એવું સ્વરૂપ આપવું શક્ય ન હતું કારણ કે, ભાષાને લખવા માટેની લિપિ જ ન હતી. જો ભાષા લખી જ ના શકાય તો બીજી વ્યક્તિ સુધી સંદેશ પહોંચે કેવી રીતે? આ મુશ્કેલીમાંથી જ સંજ્ઞા અને આંકડા સાથેની વિવિધ લિપિઓનો વિકાસ થયો. આજે પણ અનેક ભાષાઓની લિપિ જ નથી, જેથી તે બીજી ભાષાની લિપિમાં લખાય છે. જેમ કે, મરાઠી, નેપાળી અને સંસ્કૃત હિન્દીની જેમ દેવનાગરી લિપિમાં લખાય છે. લિપિના કારણે જ ભાષાને કાગળ કે સ્માર્ટફોનની સ્ક્રીન પર ઉતારીને સંવાદ કરી શકાય છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટરની મદદથી સંવાદ વધ્યા પછી રોમન લિપિની બોલબાલા વધી ગઈ એવી જ રીતે, આજકાલ સાંકેતિક ભાષાની પણ બોલબાલા વધી છે. આ સાંકેતિક ભાષા એટલે 'ઈમોજી'ની ભાષા.



કહેવાય છે ને કે, દુનિયા ગોળ છે. સૌથી પહેલાં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરાતો હતો કારણ કે, એ વખતે લિપિ નહોતી. હવે લિપિ છે પણ સમય નથી અથવા તો વધારે સરળતા જોઈએ છે એટલે 'બાબલા' મૂકીને વાતચીત કરાય છે. સીધીસાદી ભાષામાં કહીએ તો, ઈમોજી એટલે સ્માઈલીથી લઈને વિંક (આંખ મારવી), બિયર ગ્લાસના ચિયર્સથી માંડીને કુઉઉઉલ અને હોસ્પિટલ, સ્કૂલ, ચર્ચથી માંડીને બાયસેપ્સના સિમ્બોલની ભાષા. લાંબા વાક્યો ટાળવા આ સિમ્બોલનો ઉપયોગ કરીને વાત કરી શકાય છે. ઈમોજીનો ઉપયોગ કરવો એ પણ એક કળા છે. દરેક લોકો પોતપોતાની અનુકૂળતા પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે. જેમ કે, હોસ્પિટલના સિમ્બોલનો ઉપયોગ હું હોસ્પિટલાઈઝ્ડ છું એવો પણ થઈ શકે અને હોસ્પિટલમાં જેની ખબર કાઢવા આવ્યો છું એની સાથે જ છું એવો પણ થઈ શકે. ઈમોજીની મજા જ આ છે. બે વ્યક્તિ એકબીજા સાથે અને એ બે વ્યક્તિને જ સમજાય એવી રીતે લાંબી વાતો ટૂંકમાં કરી લે છે.

ઈમોજીની રસપ્રદ ઉત્ક્રાંતિ

ઈમોજીનો ઉત્ક્રાંતિકાળ પણ ભાષા જેટલો જ રસપ્રદ છે. ઈમોજી બોલચાલની ભાષામાં 'ઈમોજીસ' તરીકે ઓળખાય છે, જે ઈમોજીનું બહુવચન છે. ક્યારેક ઈમોજીની 'ઈમોટિકોન' સાથે ભેળસેળ થઈ જાય છે પણ આ બંને શબ્દોના અર્થ ઘણાં જુદા છે. આજના સ્ટાઈલિશ અને એનિમેટેડ ઈમોજી-સ્ટિકરના પૂર્વજો એટલે ઈમોટિકોન. મોડર્ન ઈમોજીનો ઉદ્ભવ ઈમોટિકોનમાંથી થયો છે. ઈમોશન અને આઈકન એ બે શબ્દોમાંથી ઈમોટિકોન શબ્દ ચલણી બન્યો હતો. ઈમોટિકોનની શરૂઆત વાક્યના છેડે બે ટપકાં અને કૌંસ મૂકીને કરાતા સ્માઈલી અને સેડ ફેસમાંથી થઈ હતી. વ્યક્તિ પોતાની હાજરી વિના કંઈક ભાવ વ્યક્ત કરવા માગતો હોય ત્યારે આવા પ્રતીકોનો ઉપયોગ થતો હતો.

એ પછી સ્માઈલ અને સેડ સિવાયના 'મૂડ' દર્શાવવા માટે બ્રેકેટ, એપોસ્ટ્રોફ, ડેશ, કોલન અને કોમા જેવા પન્કચ્યુએશન માર્કનો ઉપયોગ થવા લાગ્યો. જે લોકો ટાઈપ રાઈટિંગથી થોડા ઘણાં પરિચિત હશે તેઓ જાણતા હશે કે, આ પ્રકારના પન્ક્ચ્યુએશન માર્કથી આખેઆખા ચિત્રો પણ દોરી શકાય છે. વિશ્વમાં ઈમોટિકોનનો સૌથી પહેલો ઉપયોગ કરવાનો શ્રેય અમેરિકાના પહેલા રાજકીય કલર કાર્ટૂન સામાયિક 'પક'ને અપાય છે. આ સામાયિકના તંત્રી જોસેફ ફેર્ડિનાન્ડ કેપ્લરે ૩૦મી માર્ચ, ૧૮૮૧ના અંકમાં ઈમોટિકોન પ્રસિદ્ધ કર્યા હતા. જોકે, કેપ્લરે તેને ઈમોટિકોન નહીં પણ 'ટાઈપોગ્રાફિક આર્ટ' નામ આપ્યું હતું. એ પછી નેવુંના દાયકામાં મોડર્ન કમ્પ્યુટરમાં ઘણાં લોકોએ પન્ક્ચ્યુએશન માર્કનો ઉપયોગ કરીને ઈમોટિકોનનો ઉપયોગ કર્યો હોવાના પુરાવા છે.

જોસેફ ફેર્નિનાન્ડે કાર્ટૂન સામાયિક ‘પક’માં છાપેલા ઈમોટિકોનના પૂર્વજો ;)


વિશ્વ વિખ્યાત થઈ ગયેલા  ‘સ્માઈલી’નો જનક  હાર્વી રોસ બાલ 

સૌથી પહેલું મોડર્ન ઈમોટિકોન આજનું પીળા રંગનું સ્માઈલી હતું. અમેરિકન રિસર્ચ સેન્ટર સ્મિથસોનિયનની નોંધ પ્રમાણે, વર્ષ ૧૯૬૩માં અમેરિકાની સ્ટેટ મ્યુચ્યુઅલ લાઈફ એસ્યોરન્સ (અત્યારે હેનોવર) કંપનીએ તેના કર્મચારીઓનો જુસ્સો દર્શાવવા હાર્વી રોસ બાલ નામના ગ્રાફિક આર્ટિસ્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીના અધિકારીઓની વાત સાંભળીને હાર્વીએ ફક્ત દસ મિનિટમાં ભડકીલા પીળા રંગમાં કાળી આંખ અને હોઠના લીટા મારીને એક 'સ્માઈલી' તૈયાર કરી આપ્યું હતું. આજના  પોપ્યુલર કલ્ચરમાં જે સ્માઈલી ખૂબ સામાન્ય થઈ ગયું છે એ હાર્વીના ભેજાની ઉપજ છે. આ સ્માઈલી ડિઝાઈન કરવા બદલ હાર્વીએ ૪૫ ડોલર (૧૯૬૩માં, જે અત્યારના આશરે ૩૫૦ ડોલર થાય) વસૂલ્યા હતા. પીળા રંગના સ્માઈલીના ઉપયોગના આ પહેલવહેલા દસ્તાવેજી પુરાવા છે. વર્ષ ૧૯૭૨માં ફ્રેન્કલિન લુફ્રાનીએ આવો જ એક સ્માઈલી સિમ્બોલ તૈયાર કરીને તેનો કાયદેસરનો ટ્રેડમાર્ક લીધો હતો. આ સ્માઈલીની ડિઝાઈન અત્યંત સરળ હોવાથી તેમજ સદીઓ પહેલાં પણ તેનો ઉપયોગ થતો હોવાના કારણે કોઈ આ ટ્રેડમાર્કને પડકારી શકે એમ ન હતું. એ પછી ફ્રેન્કલિને 'ફ્રાંસ સોઈર' નામના અખબારમાં સારા સમાચારોનો વિભાગ દર્શાવવા આ સ્માઈલીનો ઉપયોગ શરૂ કર્યો હતો.

જોકે, હજારો વર્ષો પહેલાં પણ વિશ્વમાં અનેક સ્થળોએ ખુશી દર્શાવવા આવા હસતા બાબલાનો ઉપયોગ થતો હોવાના પુરાવા છે.

મોડર્ન ઈમોજીનું જનક, જાપાન

આધુનિક યુગમાં પન્ક્ચ્યુએશન માર્કથી ઈમોટિકોનનો વ્યાપક ઉપયોગ વર્ષ ૧૯૮૬માં જાપાનમાં શરૂ થયો હતો, જેનું કારણ જાપાનમાં ટેક્નોલોજીની ભરમાર અને તેની સિમ્બોલિક ભાષાનો સમન્વય હોઈ શકે! જાપાનીઝ ભાષામાં ઈમોટિકોન 'કાઓમોજી' તરીકે ઓળખાતા હતા. આ સીધાસાદા ઈમોટિકોનને જાપાનીઝ ડિઝાઈનરોએ થોડા સ્ટાઈલિશ બનાવ્યા. મોડર્ન ઈમોટિકોન 'પિક્ટોગ્રાફ' એટલે કે પિક્ચર ગ્રાફિક તરીકે ઓળખાતા હતા. બાદમાં એ શબ્દ ભૂલાઈ ગયો અને ઈમોજી શબ્દ ચલણમાં આવ્યો. ઈમોજી શબ્દનું સર્જન '' એટલે પિક્ચર અને 'મોજી' એટલે કેરેક્ટર- એ બે જાપાનીઝ શબ્દમાંથી થયું છે. ટૂંકમાં ઈમોજી એટલે પ્રતીકો અને અક્ષરોની ભાષા.

જાપાનમાં તાપમાનની જાણકારી આપવા પ્રતીકોનો ભરપૂર ઉપયોગ કરાતો હતો. આજે પણ વરસાદ કે વાદળછાયું વાતાવરણ બતાવવા આવા જ પ્રતીકોનો ઉપયોગ સામાન્ય છે. જાપાનની કોમિક બુક્સમાં પણ જાપાનીઝ સંસ્કૃતિ પ્રમાણેના પ્રતીકોનો ભરપૂર ઉપયોગ કરાતો હતો. જેમ કે, કોમિક બુકના કોઈ પાત્રને વિચાર ઝબકે ત્યારે 'લાઈટ બલ્બ'ના પ્રતીકનો વારંવાર ઉપયોગ કરાતો, જે અત્યારે વિશ્વભરમાં જાણીતું છે. એવી જ રીતે, નૂડલ્સથી લઈને જાપાનીઝ સ્ટાઈલમાં પ્રણામ કરતી વ્યક્તિને બતાવવા માટે પણ નાનકડા બાબલાનો ઉપયોગ કરાતો. આ પ્રતીકોમાંથી પ્રેરણા લઈને જાપાનની મોબાઈલ ઓપરેટર કંપની એનટીટી ડોકોમોએ વર્ષ ૧૯૯૮માં ગ્રાફિક ડિઝાઈનર શિંગેતાકા કુરિતાને આકર્ષક ઈમોજી ડિઝાઈન કરવાનું કામ સોંપ્યું હતું. આમ, મોડર્ન ટેલિકોમ ટેક્નોલોજીમાં ઈમોજી લાવવાનું સૌથી પહેલું કામ જાપાને કર્યું છે.

ઈમોટિકોન લોકપ્રિય કરનારા જાપાનીઝ ‘કાઓમોજી’

જાપાનની ટેલિકોમ ટેક્નોલોજી વિદેશ પહોંચતા વિદેશી એન્જિનિયરો અને ગ્રાફિક ડિઝાઈનરો પણ ઈમોજીથી પરિચિત થયા. આ દરમિયાન જાપાનમાં પણ એન્ડ્રોઈડ સ્માટર્ફોન અને એપલની લોકપ્રિયતા વધી. આ કારણોસર એપલે પણ આઈફોનમાં એક એકથી ચડિયાતી ડિઝાઈન કરેલા ઈમોજી સાથે એન્ટ્રી કરી. જેની પાછળ એન્ડ્રોઈડે પણ ઈમોજી ડિઝાઈનિંગનું કામ હાથ પર લીધું. ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમમાં ઈમોજી આપનારી સૌથી પહેલી કંપની  એપલ છે. એ પછી માઈક્રોસોફ્ટે પણ ઈમોજીને ધ્યાનમાં રાખીને વિન્ડોઝમાં ફેરફારો કર્યા.

સ્માર્ટફોનમાં ચેટિંગ એપ્લિકેશન અને સોશિયલ મીડિયા પર સંવાદ વધ્યો એ પછી આ કંપનીઓએ પોતાના ઈમોજીને આકર્ષક બનાવવા કમર કસી છે. હાલમાં ફેસબુકે પણ ઊંડો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરીને આઈરિશ અને સ્પેનિશ યુઝર્સ માટે સાત નવા એનિમેટેડ ઈમોજી લોન્ચ કર્યા છે. ફેસબુકે જાહેર કર્યું છે કે, ટૂંક સમયમાં ભારતના ફેસબુક યુઝર્સને પણ સાત નવા એનિમેટેડ ઈમોજીની સુવિધા અપાશે. 

પોપ કલ્ચરમાં ઈમોજી

વર્ષ ૧૯૭૨માં ફ્રેન્કલિન લુફ્રાનીએ 'ફ્રાંસ સોઈર' અખબારમાં સારા સમાચારોનો વિભાગ દર્શાવવા સ્માઈલીનો ઉપયોગ શરૂ કર્યો હતો. નાઉ કટ ટુ ૨૦૧૫. નવમી ઓક્ટોબર ૨૦૧૫થી 'યુએસએ ટુડે'એ પહેલા પાનાના દરેક સમાચારના સબ હેડ પહેલાં ફેસબુક ઈમોજી મૂક્યા હતા. ઈમોજી મૂકવાનું કારણ આપતા અખબારે કહ્યું છે કે, જે તે સમાચાર વિશે એડિટોરિયલ સ્ટાફ કેવી લાગણી અનુભવે છે એ અમે વ્યક્ત કરવા માગતા હતા.  ટેકનિકલ કોમ્યુનિકેશનની બહારની દુનિયામાં જમ્પ મારવાની ઈમોજીની આ શરૂઆત છે.


‘યુએસએ ટુડે’ના ફ્રન્ટ પેજ પર ઈમોજી :)

હાલમાં જ બ્રિટનમાં યુવાન વિજ્ઞાનીઓ અને એન્જિનયરોને પ્રોત્સાહન આપવા યોજાતા બિગ બેંગ ફેરમાં જુદા જુદા ક્ષેત્રના વિજ્ઞાનીઓના ઈમોજી બનાવીને તેને ઓળખવાનો ક્વિઝ રાઉન્ડ રખાયો હતો. ઓસ્ટ્રેલિયામાં યોજાતા નેશનલ યંગ રાઈટર્સ ફેસ્ટિવલમાં તો ઈમોજી કે શબ્દ મદદથી કુલ ૧૪૦ અક્ષરોમાં વાર્તા કહેવાની હરીફાઈ યોજાઈ હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, સોની પિક્ચર્સ એનિમેશન તો ઈમોજી પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. લુઈ કેરોલના વિખ્યાત પુસ્તક 'એલિસ ઈન વન્ડરલેન્ડ'નો જો હૉલ નામના લેખકે ઈમોજી અનુવાદ કર્યો છે. ઈમોજીની લોકપ્રિયતા સ્ટેશનરીથી લઈને ગાર્મેન્ટ ફેશન સુધી દેખાઈ રહી છે. એપલ ડિવાઈસના ચાહકોએ તો ૧૭મી જુલાઈને 'ઈમોજી ડે' તરીકે ઊજવવાનું શરૂ કરી દીધું છે. હવે સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર અને ટેબલેટનું વેચાણ વધતું જશે એમ ફરી એકવાર સાંકેતિક ભાષાનો વ્યાપ વધતો જશે.

થોડા ઘણાં દાયકા પછી 'મોડર્ન સાઈન લેન્ગ્વેજ'નો વિકાસ કરવામાં સોશિયલ મીડિયા અને ઈમોજી નિમિત્ત બને તો નવાઈ નહીં! દુનિયા ખરેખર ગોળ છે ને? ;)

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

હાઈડ્રોપોલિટિક્સ: સોસાયટીથી સરહદો સુધી...


પાણી એ દુનિયાના લોકો વચ્ચે સૌથી વધારે વહેંચાયેલો કુદરતી સ્રોત છે. પાણી દરેક વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે અને એટલે જ આ મહત્ત્વના કુદરતી સ્રોતની વહેંચણીમાં અસમાનતા થાય તો વ્યક્તિ-વ્યક્તિ, રાજ્ય-રાજ્ય અને દેશ-દેશ વચ્ચે ઘર્ષણ થાય છે. પાણી માટે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થાય છે એટલે જ રાજ્ય-રાજ્ય વચ્ચે પણ થાય છે. પાણી માટે બે રાજ્યો સામસામે તલવારો ખેંચી શકતા હોય તો આવતીકાલે બે દેશ વચ્ચે પણ પાણી માટે યુદ્ધ થઈ શકે છે. આ સ્થિતિ સમજવા બહુ દૂર સુધી જવાની જરૂર નથી. એક વિસ્તારમાં બે સોસાયટી વચ્ચે પાણીનો ઝઘડો હોય તો જે સોસાયટીના આગેવાનો કાવાદાવા કરીને કે રાજકીય વગ વાપરીને પોતાની સોસાયટીમાં પાણીનો ફ્લો લાવવામાં સફળ થાય એ લોકોને પાણીની તકલીફ પડતી નથી. વળી, આર્થિક રીતે સદ્ધર લોકો પાણીની મહાકાય ટાંકીઓ વસાવીને પણ પાણીનો સંગ્રહ કરી લે છે, જ્યારે સોસાયટીથી થોડે દૂર ઝૂંપડપટ્ટીમાં પાણી માટે લાઈનો લાગેલી હોય છે. વિધિની વક્રતા તો એ છે કે, ચૂંટણીઓમાં મતદાનનો ઉત્સાહ અહીં વધારે હોય છે અને છતાં ચૂંટણી સિવાયની મોસમમાં એમનો કોઈ ‘નેતા’ નથી હોતો. નેતા નથી હોતો એટલે એમની પાસે આડકતરી સત્તા પણ નથી હોતી. દિલ્હી સહિતના દરેક મોટા શહેરોમાં આ દૃશ્ય સામાન્ય છે. દિલ્હી હોય કે અમદાવાદ- દરેક 'સોસાયટી'ને રાજકારણ ખેલીને, કાવાદાવા કરીને અને સત્તાનો દુરુપયોગ કરીને પાણી પર કબજો જમાવવો છે.

ટૂંકમાં, શહેરના જે વિસ્તારોનું રાજકીય વજન વધારે હોય છે અથવા જે લોકો પાસે સીધી કે આડકતરી રીતે સત્તાનું સુકાન હોય છે ત્યાંના લોકોને પાણીની તકલીફ (કાયમી) પડતી નથી. દરેક વ્યક્તિ કે સોસાયટી પાણીની વાત આવે ત્યારે પાડોશી સાથે 'સુપરપાવર' જેવું વર્તન કરે છે. બિલકુલ આવું જ નાટક રાજ્ય-રાજ્ય અને દેશ-દેશ વચ્ચે પણ ભજવાતું રહે છે. દક્ષિણ એશિયામાં ભારત સહિત તમામ દેશોએ પાણીને નજર સામે રાખીને નીતિવિષયક નિર્ણયો લેવા પડે છે. આ સ્થિતિ 'હાઈડ્રોપોલિટિક્સ' તરીકે ઓળખાય છે. અરુણ પી. એલહાન્સ નામના લેખકે 'હાઈડ્રોપોલિટિક્સ ઓફ ધ નાઈલ વેલી' નામના જાણીતા પુસ્તકમાં આ શબ્દનો સૌથી પહેલીવાર ઉપયોગ કર્યો હતો. દક્ષિણ એશિયામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, નેપાળ, ભુતાન, માલદીવ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, જેમાં પાણીનો સૌથી વધારે ઉપયોગ કરતો દેશ ભારત છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે પાણી શું ચીજ છે એ સમજી શકાય એવી બાબત છે. જો પાણી હોય તો જ ખેતી થાય, ખેતી થાય તો જ અર્થતંત્ર ફૂલગુલાબી રહે અને મોંઘવારી કાબૂમાં રહે. પાણીની રેલમછેલ હોય તો શેરબજાર પણ તગડું રહે અને લોકોને સેન્સેક્સ, જીડીપી અને વિકાસના ખયાલોમાં મગ્ન રાખવામાં પણ સરળતા રહે! દક્ષિણ એશિયાના તમામ દેશો વસતી વધારો અને અન્નની અછતનો સામનો કરી રહ્યા હોવાથી પણ પાણી અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. વળી, દક્ષિણ એશિયા ગરમ પ્રદેશ હોવાથી અહીંના જળસ્રોતોમાં પાણીનું બાષ્પીભવન પણ ઝડપથી થાય છે.




દક્ષિણ એશિયામાં વિશ્વની પાંચ ટકા જમીન અને ચાર ટકા પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) જળસ્રોતો છે. આ જળસ્રોતો સંખ્યાબંધ નદીઓ અને પેટા નદીઓમાં પથરાયેલા છે. આ નદીઓ બે દેશોની સરહદો વચ્ચે પણ વહી રહી છે. દક્ષિણ એશિયામાં ૯૦ ટકા પાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં વિશ્વની ૨૫ ટકા વસતી દક્ષિણ એશિયામાં હશે! દક્ષિણ એશિયાની ૭૫ ટકા વસતી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમની  આજીવિકાનો મુખ્ય સ્રોત કૃષિ કે કૃષિ સંબંધિત ધંધા-વ્યવસાય છે. આ વિસ્તારની ૩૩ ટકા જેટલી વસતી ભયાનક ગરીબીમાં જીવે છે. આ તમામ મુશ્કેલીઓની સાથે દક્ષિણ એશિયામાં હિમાલયના કારણે ક્લાઈમેટ ચેન્જની અસર પણ ઝડપથી થાય છે. હિમાલયની હિમનદીઓ પીગળી રહી હોવાથી ગંગા, સતલજ, બ્રહ્મપુત્રા અને સિંધુ જેવી નદીઓની ફ્લો પેટર્ન પણ બદલાઈ રહી છે. હિમાલયમાંથી નીકળતી આ નદીઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભુતાનના લાખો લોકોનું 'જીવન' છે. વળી, આ તમામ નદીઓ બે દેશો વચ્ચે સરહદી વિવાદો હોય ત્યાંથી જ વહે છે.

જેમ કે, સિંધુ કાશ્મીરના એવા વિસ્તારોમાંથી પણ વહે છે, જે વિસ્તાર પર પાકિસ્તાન દાવો કરી રહ્યું છે. એટલે કે, એ વિસ્તારના પાણી પર પણ પાકિસ્તાનનો દાવો છે. એવી જ રીતે, પૂર્વીય હિમાલયમાંથી નીકળતી બ્રહ્મપુત્રાના પાણી પર ચીન દાવો કરી રહ્યું છે કારણ કે, બ્રહ્મપુત્રા અરુણાચલ પ્રદેશમાંથી ભારતમાં પ્રવેશે છે અને અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરી રહ્યું છે. રસપ્રદ વાત તો એ છે કે, દક્ષિણ એશિયામાં ચીન અને મ્યાંમારનો 'સત્તાવાર' સમાવેશ થતો નથી. એ વાત અલગ છે કે, દક્ષિણ ચીન અને મ્યાંમાર ભૌગોલિક રીતે દક્ષિણ એશિયામાં જ ગણાય છે. ચીન અને મ્યાંમારે પણ સાઉથ એશિયન એસોસિયેશન ફોર રીજનલ કો-ઓપરેશન (સાર્ક)માં સંપૂર્ણ સભ્યપદ માટે અરજી કરી છે. ચીન સાર્ક દેશોમાં હોય કે ના હોય ચીનને કોઈ ફર્ક પડતો નથી. દક્ષિણ એશિયામાં ચીન સુપરપાવરની જેમ વર્તી રહ્યું છે. સરહદી પ્રશ્નો હોય કે પાણીનો વિવાદ, માનવાધિકારની વાત હોય કે પછી દરિયાઈ સરહદો પર દાવો કરવાનો હોય- આ બધી જ બાબતમાં ચીનની દાદાગીરી છે. દક્ષિણ એશિયાના દેશો પરસ્પર સહકાર સાધીને હિમાલયમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પાણીની મુશ્કેલીને હળવી કરી શકે છે. હિમાલયની અનેક હિમ નદીઓના કારણે પૂર આવે છે. અહીં ડેમ બાંધીને જરૂરિયાતના સમયમાં એ પાણીનો ઉપયોગ કરી શકાય છે. આ પાણીનો રેલો સૂકા વિસ્તારો સુધી પણ લઈ જઈ શકાય છે.

જોકે, ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન જેવા મોટા દેશોના સરહદોના પ્રશ્નો જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી એવા 'અચ્છે દિન' નહીં આવે એ હકીકત છે. ૨૧મી સદીમાં ફક્ત સરહદી વિવાદો પર ધ્યાન કેન્દ્રિત કરીને નહીં પણ જરૂરી હોય એ તમામ વિસ્તારોને 'હાઈડ્રો-પોલિટિકલ ઝોન' તરીકે જોઈને નીતિવિષયક નિર્ણયો લેવાઈ રહ્યા છે. યુનાઈટેડ નેશન્સમાં દરેક દેશ પાણી જેવા કુદરતી સ્રોતો પર સમાન અધિકાર અને ન્યાયની વાતો કરે છે પણ કોઈ દેશને એવું વર્તન કરવું નથી. અત્યારે સ્થિતિ એ છે કે, કુદરતી સંસાધનો પર કબજો કરવાની અને તેનો વધારેમાં વધારે કસ કાઢવાની દોડમાંથી કોઈ દેશને બહાર નીકળવું નથી. ભારતમાં રાજ્ય-રાજ્ય વચ્ચે પાણીના વિવાદનો ઉકેલ લાવવામાં શ્વાસ ચઢી જતો હોય તો બે દેશ વચ્ચેના પાણીના વિવાદોને ઉકેલવા કેટલા અઘરા હશે એ કલ્પના થઈ શકે છે. હિમાલયની નદીઓનો પ્રવાહ એકધારો નહીં હોવાથી પણ હાઈડ્રોપોલિટિક્સ પ્રભાવિત થાય છે. પર્યાવરણીય ફેરફારો પ્રમાણે 'સ્વભાવ' બદલતી નદીઓના લીધે દરેક દેશ નદીઓના જળસ્રોતોની વ્યાખ્યા તોડી-મરોડી નાંખે છે. દરેક દેશ વ્યાખ્યા બદલીને પાણી પર દાવા અને પ્રતિ દાવા કરે છે. વર્ષ ૧૯૬૦માં ભારત-પાકિસ્તાને સિંધુ નદીના પાણીના ઉપયોગ મુદ્દે સંધિ કરી હતી. ભારત-બાંગ્લાદેશે પણ વર્ષ ૧૯૯૬માં ગંગાના પાણીનો ઉપયોગ કરવા સંધિ કરી હતી. જોકે, આ બંને સંધિઓનો યોગ્ય અમલ થયો નથી અને ભારત સહિત તમામ દેશોએ જળસ્રોતો પર પોતાનો અધિકાર જમાવવાનું ચાલુ રાખ્યું છે. ભારત જળસ્રોતો પર કેવી રીતે વર્ચસ્વ જમાવી રહ્યું છે એ અંગે પાકિસ્તાન-બાંગ્લાદેશ અનેકવાર ફરિયાદ કરી ચૂક્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે ભારત જેવું વર્તન કરી રહ્યું છે, એવું જ વર્તન ચીન ભારત સાથે કરી રહ્યું છે.

હવે સમજી શકાશે છે કે, દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોના પોશ અને મધ્યમ વર્ગીય વિસ્તારો પાણીની વાત આવે છે ત્યારે સામાજિક-રાજકીય રીતે નબળા લોકોનો વિચાર કેમ નથી કરતા? જેમની પાસે આર્થિક અને રાજકીય શક્તિ છે એ લોકો પાસે સત્તા હોય છે, જેની મદદથી તેઓ નબળા વર્ગ પર સહેલાઈથી ધોંસ જમાવી લે છે. આ પ્રકારની સત્તાનું સુકાન દેખાતું નથી પણ એ આડકતરું હોય છે. દિલ્હી સહિતના દરેક મોટા શહેરોના પોશ વિસ્તારોમાં તંત્રએ ઝખ મારીને પાણી પૂરું પાડવું પડે છે, જ્યારે ગરીબ વિસ્તારોમાં શું સ્થિતિ હોય છે એ આપણે જાણીએ છીએ. આજેય દેશના અનેક વિસ્તારોમાં પાણીની રેલમછેલ હોવાથી તેનો વેડફાટ થાય છે, તો ક્યાંક એક બુંદ માટે પણ લોકો તરસીને મરી જાય  છે. પાણીને લગતા સરહદી પ્રશ્નો તો ઉકેલાવાના હશે ત્યારે ઉકેલાશે પણ દેશમાં પાણીની ખામીયુક્ત વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે, વરસાદી પાણીના સંગ્રહની ટેક્નોલોજીને વધુને વધુ પ્રોત્સાહન અપાય તેમજ વિવિધ રાજ્યો વચ્ચેના વિવાદને હકારાત્મક અભિગમ રાખીને સુલઝાવવામાં આવે તો પણ પાણીની અછત ઘણે અંશે ઓછી કરી શકાય.

આ બધુંય જ્યારે થવાનું હશે ત્યારે થશે પણ દેશ-દેશ અને રાજ્ય-રાજ્ય વચ્ચેની પાણીની મુશ્કેલીઓ હળવી કરવા આપણે શું કરી શકીએ? કમસેકમ પાણીનો વેડફાટ ઓછો કરી શકીએ, પાડોશી સોસાયટી સાથે 'સુપરપાવર'ની જેમ નહીં પણ પાણી પર તમામનો સમાન હક્ક છે એવું વર્તન કરીને દાખલો બેસાડી શકીએ અને શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહ કરવામાં થોડું પ્રદાન આપી શકીએ.

શક્ય છે કે દરેક ‘સોસાયટી’ આટલું કરે તો પણ પાણી માટે થનારું યુદ્ધ અટકી જાય!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

07 October, 2015

ઈલોન મસ્ક : ધ ગોડ ઓફ સિલિકોન વેલી


અમેરિકા-યુરોપમાં આતંકથી ત્રાસીને દુનિયાભરના શરણાર્થીઓ આવી રહ્યા છે, જેમાં 'ક્લાઈમેટ રેફ્યૂજીઝ'નો પણ સમાવેશ થાય છે. દરિયાઈ સપાટી ઊંચી આવવાથી વિસ્તારો ડૂબી જાય, રણપ્રદેશો આગળ વધે અને ખૂબ લાંબા સમય સુધી વરસાદ-પાણીનો અભાવ સર્જાય ત્યારે મજબૂર થઈને બેવતન થનારા લોકોને ક્લાઈમેટ અથવા એન્વાયર્મેન્ટલ રેફ્યૂજીના ખાનામાં મૂકવામાં આવે છે. આખરે કોઈએ પર્યાવરણના કારણે પોતાનું ઘર-વતન કેમ છોડવું પડે? આવી સ્થિતિ કેમ સર્જાય છે? આ મુશ્કેલીના મૂળમાં પેટ્રોલ-ડીઝલ જેવા બળતણોથી પર્યાવરણને થતું નુકસાન, ઊર્જા-પાણી-જમીનની અછત, વસતી વધારો, ટ્રાફિક, શહેરીકરણ અને ગંદકી જેવા માથાદુખ્ખણ પ્રશ્નો છે. આ તમામ મુશ્કેલીઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને આ બધામાં એક વાત કોમન છે. ક્લાઈમેટ રેફ્યૂજીથી લઈને ઊર્જા સહિતના કોઈ પણ પ્રશ્ને એક વ્યક્તિના અભિપ્રાયનું ખાસ્સું વજન પડે છે. આવા કોઈ પણ મુદ્દે તેઓ શું કહે છે એ સાંભળવા અમેરિકન પ્રમુક બરાક ઓબામાથી માંડીને સિલિકોન વેલીના આંત્રપ્રિન્યોર, ઈનોવેટર, ઈન્વેન્ટર, સાયન્ટિસ્ટ, ફ્યૂચરોલોજિસ્ટ અને બિઝનેસમેન આતુર હોય છે. આ વ્યક્તિ એટલે ટેસ્લા મોટર્સ, સોલાર સિટી અને સ્પેસ-એક્સના સીઈઓ ઈલોન રીવ મસ્ક.

અમેરિકાની સિલિકોન વેલીમાં ઈલોન મસ્ક ફ્યૂચરિસ્ટિક બિઝનેસમેન, એન્જિનિયર, ઈન્વેન્ટર અને ઈનોવેટર તરીકે જાણીતા છે. ઈલોન પર્યાવરણને લગતા પ્રશ્નો ટેક્નોલોજી ક્ષેત્રે ઈનોવેટિવ બિઝનેસ કરીને ઉકેલવા માગે છે. ટેસ્લા મોટર્સ ઓટોમોટિવ અને એનર્જી સ્ટોરેજ ઈક્વિપમેન્ટ કંપની છે. આ કંપની વર્ષ ૨૦૧૭ સુધીમાં સામાન્ય વ્યક્તિને પરવડે એવા ભાવે ઈલેક્ટ્રિક કારનું ધમધોકાર ઉત્પાદન કરીને બજારમાં મૂકવા માગે છે. રિચાર્જેબલ બેટરી કે એનર્જી સ્ટોરેજ ડિવાઈસથી ચાલતી કારને ઈલેક્ટ્રિક કાર કહેવાય. ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં વિશ્વભરમાં કુલ સાત લાખ, ૧૨ હજાર ઈલેક્ટ્રિક કાર વેચાઈ છે, જેમાં જાપાનની નિસાન લીફ કંપનીની જ બે લાખથી પણ વધારે ઈલેક્ટ્રિક કાર કુલ ૪૬ દેશોના રસ્તા પર દોડી રહી છે. નિસાન લીફે ડિસેમ્બર ૨૦૧૦માં પહેલી હાઈટેક ઈલેક્ટ્રિક કાર બજારમાં મૂકી હતી. એ પછી વર્ષ ૨૦૧૨માં ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં આવેલી ટેસ્લા મોટર્સે નેવું હજાર કારનું વેચાણ સાથે બીજા નંબરે છે. આપણે લાંબી મુસાફરી પર લઈ જઈ શકાય એવી તેમજ હાઈ સ્પિડ ઈલેક્ટ્રિક કારની વાત કરી રહ્યા છીએ, ગોલ્ફ કોર્સ કે રિસોર્ટમાં વપરાય છે એવા નાનકડા ઈલેક્ટ્રિક વ્હિકલની નહીં. એ પ્રકારની લૉ સ્પિડ કાર ટેકનિકલ ભાષામાં લાઈટ-ડયૂટી ઈલેક્ટ્રિક વ્હિકલ તરીકે ઓળખાય છે. એવા વ્હિકલ પણ અત્યાર સુધી છ લાખ કરતા વધારે વેચાઈ ચૂક્યા છે.

ઈલોન મસ્ક

જોકે, પેટ્રોલ-ડીઝલ કારની જેમ દર વર્ષે લાખો ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરવામાં હજારો અવરોધો છે. જો ઈલેક્ટ્રિક કારનું માસ પ્રોડક્શન કરાય તો જ પ્રતિ કારનો ઉત્પાદન ખર્ચ ઓછો આવે.  કંપનીનો એક કાર ઉત્પાદનનો ખર્ચ ઓછો આવે તો જ તે બજારમાં ઓછા ભાવે કાર વેચવા મૂકીને લોકોને આકર્ષી શકે. કારની કિંમત ઓછી (બહુ ઓછી) હોય તો જ લોકો સ્પિડ અને ચાર્જિંગની મર્યાદાઓને અવગણીને ઈલેક્ટ્રિક કાર ખરીદે. કારની કિંમત ઓછો રાખવી ત્યારે જ શક્ય બને જ્યારે ઈલેક્ટ્રિક કાર માટે સૌથી મહત્ત્વની રિચાર્જેબલ બેટરીનું પણ માસ પ્રોડક્શન શક્ય બને અને કંપનીને તે સસ્તામાં પડે. હા, ઈલેક્ટ્રિક બેટરીને એકવાર રિચાર્જ કરીને ૧૫૦ કિલોમીટર સુધી ડ્રાઈવ કરી શકાય એવી હાઈટેક બેટરી ટેક્નોલોજી વિકસાવી લેવાઈ છે પણ ૧૫૦ કિલોમીટર પર ચાર્જિંગ પૂરું થઈ જાય તો? આ માટે વિકસિત દેશોમાં પેટ્રોલ પંપની જેમ ચાર્જિંગ સ્ટેશનોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે પણ તેની પહોંચ હજુ ઓછી છે. વળી, ઈલેક્ટ્રિક કાર બેટરીને ચાર્જ થતાં બહુ સમય લાગે છે. હવે અડધો જ કલાકમાં ૮૦ ટકા ચાર્જ થઈ જાય એવી બેટરી વિકસાવી લેવાઈ છે પણ આવી બેટરી પણ ત્યારે જ સસ્તી પડે જ્યારે તેનું માસ પ્રોડક્શન શક્ય બને. માસ પ્રોડક્શન કરીને સસ્તી બેટરીનું ઉત્પાદન શક્ય બનાવીએ તો પણ તે ચાર્જિંગ કર્યા પછી ચાલે છે તો ૧૫૦ કિલોમીટર સુધી જ! આ સિવાય ઈલેક્ટ્રિક કાર માટે પૂરતી સરકારી સબસિડી અને કરવેરાને લગતા પ્રોત્સાહનોનો અભાવ તેમજ સંશોધનો કર્યા પછી તેના વ્યવહારુ અમલ જેવી મુશ્કેલીઓના કારણે રસ્તાઓ પર ઈલેક્ટ્રિક કારનો ટ્રાફિકજામ થાય એ દિવસો હજુ દૂર છે.

... પણ આ દિવસોને નજીક લાવવા જે કંઈ મથામણ થઈ રહી છે એના 'પોસ્ટર બોય' ઈલોન મસ્ક છે. મસ્ક પાસે આ દરેક મુશ્કેલીઓના ઉપાય માટે પદ્ધતિસરની યોજના છે. કોમ્યુનિકેશન ક્ષેત્રે જે રીતે સ્ટિવ જોબ્સે એપલ કંપનીમાં ઈનોવેશન કલ્ચર સર્જ્યું કર્યું હતું એવી રીતે, મસ્કે ઓટોમોબાઈલ, એનર્જી અને સ્પેસ ક્ષેત્રે ઈનોવેશન કલ્ચર ઊભું કર્યું છે. મસ્ક પણ વર્ષ ૨૦૧૪ સુધી ફક્ત એક ડોલર (સ્ટિવ જોબ્સની જેમ) પગાર લેતા હતા. મસ્કની સોલારસિટી કંપનીએ પાવરવૉલ નામની બેટરી બજારમાં મૂકી છે, જે સૂર્યઊર્જાનો સંગ્રહ કરીને આખા ઘરને વીજળી પૂરી પાડવા સક્ષમ છે. આ ડિવાઈઝ ભારત જેવા મહાકાય દેશોની વીજઅછતની મુશ્કેલીને ઉકેલી નાંખે એવું પણ શક્ય છે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા મુલાકાત વખતે કેલિફોર્નિયામાં ટેસ્લા મોટર્સની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોદી અને મસ્કે ઈલેક્ટ્રિક કાર અને ઊર્જા ક્ષેત્રમાં ભારતમાં રહેલી સંભાવનાઓ મુદ્દે ચર્ચા કરી હતી. સોલારસિટી વધુમાં વધુ અમેરિકનોના ઘરમાં સૂર્યઊર્જાનો ઉપયોગ થાય એ માટે સોલાર એનર્જી સર્વિસ પણ આપી રહી છે. જો ટેક્નોલોજીની મદદથી ઈલેક્ટ્રિક કારનું સપનું પૂરું કરી શકાય અને સૂર્યઊર્જાના ઉપયોગનો વ્યાપ વધારી શકાય તો દુનિયાની કેટલી બધી મુશ્કેલીઓનો અંત આવી જાય? મસ્ક લિથિયમ બેટરી અને સોલારપાવર બેટરી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કારણ કે, એનાથી તેમની કંપનીને અત્યારે જ નહીં ભવિષ્યમાં પણ ફાયદો છે. જેમ કે, ભવિષ્યમાં ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીઓએ મસ્કની કંપની પાસેથી કદાચ બેટરી ખરીદવી પડે એવું પણ થઈ શકે છે! 

મસ્કની યોજનાઓ અત્યારે અશક્ય લાગતી હોઈ શકે પણ ગૂગલના સીઈઓ લેરી પેજ અને સર્ગેઈ બ્રીન જેવા સિલિકોન વેલીના ભેજાબજો તેમના માટે પૂજ્યભાવ ધરાવે છે. એક સમયે સિલિકોન વેલીના મોટા ભાગના બડિંગ આંત્રપ્રિન્યોરને સ્ટિવ જોબ્સ જેવું બનવું હતું અને અત્યારે બધાને ઈલોન મસ્ક જેવા બનવું છે. મસ્કને એપલના સ્ટિવ જોબ્સનું સાઈ-ફાઈ વર્ઝન કહી શકાય કારણ કે, તેઓ ટ્રાન્સપોર્ટની સાથે સ્પેસ ટ્રાન્સપોર્ટેશન જેવા અત્યંત જટિલ ક્ષેત્રમાં પણ આવી જ રીતે આગળ વધી રહ્યા છે. મસ્કની સ્પેસએક્સ કંપનીમાં ઓછામાં ઓછા ખર્ચે અવકાશમાં કેવી રીતે જવાય એ દિશામાં સંશોધન થઈ રહ્યું છે. ઈલોન મસ્ક એન્ડ કંપનીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પુરવઠો પૂરો પાડવા ડ્રેગન સ્પેસક્રાફ્ટ ડિઝાઈન કર્યું છે, જેને અવકાશમાં તરતું મૂકવા સ્પેસએક્સે ફાલ્કન સીરિઝના બે રોકેટ પણ ડિઝાઈન કર્યા છે. હવે સ્પેસએક્સમાં ડ્રેગન સ્પેસક્રાફ્ટનું મેન્ડ વર્ઝન (સમાનવ આવૃત્તિ) પણ વિકસાવાઈ રહ્યું છે, જેમાં અવકાશયાત્રીઓ પણ સુરક્ષિત સફર કરી શકશે. મંગળ પર ઓછામાં ઓછા ખર્ચે માનવ વસાહતો સ્થાપી શકાય એ માટે સ્પેસએક્સ બીજીવાર ઉપયોગમાં લઈ શકાય એવા રોકેટ બનાવી રહી છે, જેથી ઓછામાં ઓછા ખર્ચે લોકો મંગળ પરથી આવનજાવન કરી શકે. સ્પેસએક્સના ઈનોવેશનો અને ઈલોન મસ્કની કૃતનિશ્ચયતા જોઈને વર્ષ ૨૦૦૬માં ‘નાસા’એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કાર્ગો રિસપ્લાય કરવા ડિઝાઈન અને ડેમોસ્ટ્રેશન કરવાનો કરાર સ્પેસક્રાફ્ટને આપ્યો હતો.

જૂન ૨૦૧૫માં સ્પેસક્રાફ્ટે અમેરિકન સરકાર પાસે ચાર હજાર ઉપગ્રહોનું નક્ષત્ર અવકાશમાંથી જ સમગ્ર વિશ્વને ઈન્ટરનેટ પૂરું પાડતું હોય એવી યોજનાનું પરીક્ષણ કરવાની મંજૂરી માંગી છે. જો આ યોજના સફળ થશે તો જ્યાં કલ્પના પણ ના થઈ શકે ત્યાં ત્યાં ઈન્ટરનેટ પહોંચી જશે. અત્યારે કેલિફોર્નિયામાં આકાર લઈ રહેલી 'કેલિફોર્નિયા હાઈસ્પિડ રેલ' નામની યોજનાથી ઈલોન મસ્ક નિરાશ છે. આ કારણોસર મસ્ક અને તેમના એન્જિનિયરોએ મહિનાઓ સુધી રાત-દિવસ મહેનત કરીને 'હાયપરલૂપ' નામની અનોખી યોજના રજૂ કરી છે. કેલિફોર્નિયા હાઈસ્પિડ રેલમાં લોસ એન્જલસથી સેન ફ્રાન્સિસ્કો વચ્ચેનું ૬૧૫ કિલોમીટરનું અંતર પ્રતિ કલાક ૩૫૦ કિ.મી.ની ઝડપે એટલે કે બે કલાક અને ૪૦ મિનિટમાં કાપી શકાશે. જોકે, મસ્કે રજૂ કરેલી હાયપરલૂપ ટેક્નોલોજીનો અમલ થાય તો ૫૬૦ કિલોમીટરનું અંતર ૩૫ મિનિટમાં કાપી શકાશે. આ યોજના કાગળ પર તો સારી છે પણ તેનો યોગ્ય ખર્ચે-જોખમે અમલ કરી શકાય છે કે નહીં એ વિશે શંકા છે. જોકે, મસ્ક કહે છે કે, આ યોજના સફળ થઈને રહેશે. જાન્યુઆરી ૨૦૧૫માં મસ્કે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમે ટૂંક જ સમયમાં ટેક્સાસમાં વિદ્યાર્થીઓ માટે આઠ કિલોમીટર લાંબો હાયપરલૂપ બનાવવા પર કામ કરી રહ્યા છે.

મસ્ક જેવા વિઝનરી લોકો જે કંઈ વિચારે છે એના ફળ આખી માનવજાતને ચાખવા મળે છે. છેક ૧૮૮૪માં બ્રિટીશ ઈલેક્ટ્રિક એન્જિનિયર થોમસ પાર્કરે ઈલેક્ટ્રિક કાર બનાવી હતી કારણ કે, લંડનની પ્રદૂષિત હવા અને તેની આરોગ્ય પર થતી અસરોની તેને ચિંતા હતી. ૧૯મી સદીના અંતકાળમાં પાર્કરે ડિઝાઈન કરેલી ઈલેક્ટ્રિક કારનો સુવર્ણયુગ હતો પણ પેટ્રોલ-ડીઝલ કાર સામે તે લોકપ્રિય ના થઈ શકી. આ કાર લોકપ્રિયતામાં આગળ હતી પણ એનાથી માનવજાતને કેવું નુકસાન થઈ શકે છે એ સમજતા બીજા થોડા દાયકા નીકળી ગયા. આજે પણ મસ્ક જેવા ગણ્યાગાંઠયા બિઝનેસમેન જ આ વાતને સમજીને આગળ વધી રહ્યા છે. ઈલોન મસ્ક 'વન મેન આર્મી'ની જેમ ભવિષ્યની ઊર્જા કટોકટી, ટ્રાફિક, વસતી વધારો અને આ બધાના કારણે સર્જાતા પર્યાવરણીય અને માનવીય પ્રશ્નોને ઉકેલવા 'બિઝનેસ' કરી રહ્યા છે. વસતી વધારાના કારણે જ જમીન માટે યુદ્ધો થાય છે અને કદાચ એટલે જ ઊર્જાની વધારે જરૂર પડે છે. ઊર્જાની વધારે જરૂર પડે છે એટલે જ પર્યાવરણના પ્રશ્નો સર્જાય છે.

મસ્કની યોજનાઓનો અભ્યાસ કરતી વખતે સમજાય છે કે, તેમનું વિઝન શું છે!