ભારતમાં 30 જુલાઈ, સોમવારની રાત્રે અઢી વાગ્યે ઉત્તરીય ભારતની નોર્ધન ગ્રીડ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ, અને તુરંત જ બીજા દિવસે 31 જુલાઈ, રવિવારે દોઢ વાગ્યે ફરી એકવાર નોર્ધન અને ઈસ્ટર્ન ગ્રીડ ઠપ થઈ જવાના કારણે 21 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. એકસાથે આટલા રાજ્યોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે લગભગ 70 કરોડ લોકોને અસર થઈ. આ આંકડો અમેરિકા અને કેનેડાની સંયુક્ત વસતીથી પણ બમણો છે. ભારત સહિત વિશ્વના મોટા ભાગના સમાચાર માધ્યમો આ વીજ કટોકટીને ઐતિહાસિક ગણાવી રહ્યા છે. જોકે ભારત સરકારે ગણતરીના કલાકોમાં જે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેનો ઉકેલ લાવી દીધો હતો. વળી, જે દિવસે ગ્રીડમાં ખામી સર્જાઈ તે જ દિવસે મોડી સાંજે ઊર્જા મંત્રી સુશીલકુમાર શિંદેની ગૃહ મંત્રી તરીકે બઢતી થઈ, અને ઊર્જા મંત્રાલયનો વધારાનો હવાલો કોર્પોરેટ બાબતોના મંત્રી વીરપ્પા મોઈલીને સોંપવામાં આવ્યો. વિપક્ષોએ આવા સમયે પણ તાર્કિક દલીલોના બદલે રાજકીય નિવેદનો કરવાની તક ઝડપી લીધી. આ તો થઈ રાજકીય વાત, પરંતુ હકીકતમાં આ ઐતિહાસિક વીજ કટોકટીની ફરિયાદો સૌથી વધુ કોણે કરી?
આ
વાતનો અત્યંત વેધક જવાબ આપતા સેલ્કો ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર હરીશ હાંડે જણાવે
છે કે, “ખાસ કરીને જેમના એરકંડિશનર બંધ થઈ ગયા છે એવા શ્રીમંત લોકો જ આ ફરિયાદ કરી
રહ્યા છે. સ્વતંત્ર ભારતમાં 40 કરોડ લોકો તો એવા છે જેમણે હજુ લાઈટ બલ્બ સુદ્ધાં
જોયો નથી, અને વીસેક કરોડ લોકો તો નિયમિત રીતે સાંજે છ વાગ્યાથી લઈ રાત્રે એક
વાગ્યા સુધી વીજળીની અછતનો સામનો કરી રહ્યા છે.” હરીશ હાંડેએ વર્ષ 1995માં સેલ્કો
ઈન્ડિયા નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની ગામડાંમાં વીજ કટોકટી અનુભવતા
લોકો માટે સોલર પેનલ અથવા સ્થાનિક સ્રોતોમાંથી વૈકલ્પિક ઊર્જા ઉત્પન્ન કરી શકે એવા
સાધનો ઉપલબ્ધ કરાવે છે. ઊર્જા ક્ષેત્રે ભારતમાં અમૂલ્ય પ્રદાન કરવા બદલ તેમને વર્ષ
2011માં રોમન મેગ્સેસે એવૉર્ડ મળી ચૂક્યો છે. સેલ્કો ગરીબી રેખાની નીચે જીવતા લાખો
કુટુંબોની જરૂરિયાતો સમજીને તેમના ઘરો સુધી વીજળી પહોંચાડે છે.
તેઓ
કહે છે કે, “ભારતમાં પાવર ગ્રીડ ઠપ થઈ એ વાતનું મને સહેજ પણ આશ્ચર્ય નથી. મને
આશ્ચર્ય તો એ વાતનું છે કે, આ ઘટના આટલી મોડી કેમ બની. આ ટાઈમ બોમ્બ તો ક્યારનોય
ટિક ટિક કરતો હતો. ઊર્જાની બિનકાર્યક્ષમતા, વીજ ચોરી અને ઈન્ડસ્ટ્રીમાં વીજળીની
કટોકટી જેવા મુદ્દે બહુ પહેલાં વિચારવાનું હતું. ગામડાંથી શહેરો તરફ લોકોના
ધસારાના કારણે શહેરીકરણ વધી રહ્યું છે. હવે આપણે શહેરોમાં સારા ઘરો ડિઝાઈન કરવા
પડશે, અને આ દિશામાં આગળ વધવાની સુવર્ણ તક આવી પહોંચી છે. જેમ કે, સૂર્યશક્તિનો
ઉપયોગ કરીને કમસે કમ દિવસે કુદરતી પ્રકાશ મળતો રહે એવા ઘરો બનાવી શકાય એમ છે.”
હરીશ હાંડે |
જોકે
ભારતની વર્તમાન સ્થિતિ જોતા એવું લાગતું નથી કે, આપણાં રાજકારણીઓ કે પોલિસી
મેકર્સે આ દિશામાં કંઈ વિચાર્યું હોય. હાંડે કહે છે કે, “મોટા શહેરોમાં મોડર્ન
ડિઝાઈનના નામે બહારની બાજુ કાચની દીવાલો ધરાવતી બિલ્ડિંગોનો પાર નથી, જે અંદરની
તરફ ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે. પરિણામે કુલિંગ માટે એરકંડિશનર એટલે કે વીજળીની જરૂર
પડે છે. કોઈ પણ બિલ્ડિંગ સ્થાનિક વાતાવરણને અનુરૂપ જ બનાવવું જોઈએ. રાજકારણીઓ મત
બેંકને મજબૂત રાખવા ખેડૂતોને વૉટર પમ્પિંગ માટે વીજળીમાં જંગી સબસિડી આપે છે. તેથી
ભૂર્ગભ જળ સ્તર પણ નીચું જતું જાય છે, કારણકે બધા ખેડૂતો વધુને વધુ શક્તિશાળી વૉટર
પંપનો ઉપયોગ કરવા લાગે છે. આમ વધુને વધુ વીજળીનો વપરાશ થાય છે.”
ઉત્તર
પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોના ખેડૂતો નબળા ચોમાસાના કારણે પાવરફૂલ વૉટર
પંપનો ભરપૂર ઉપયોગ કરતા હોવાથી નોર્ધન ગ્રીડ પર દબાણ વધી જાય છે. વરસાદના અભાવે
હાઈડ્રોઈલેક્ટ્રિક ડેમ પણ પૂરતો વીજ પુરવઠો આપી શકતા નથી. પરિણામે આ રાજ્યો તેમને ફાળવાયો
હોય તેનાથી વધુ વીજ પુરવઠો ખેંચી લે છે. જોકે તમામ રાજ્યોએ આ આરોપો ફગાવી દીધા છે.
બીજી તરફ, પાવર ગ્રીડના અધ્યક્ષ રામ નાયકે તમામ રાજ્યોને ‘ગ્રીડ ડિસિપ્લિન’ રાખવા
ચેતવણી ઉચ્ચારતો પત્ર પણ મોકલી દીધો છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, આ
સંજોગોમાં કોઈએ વધુ વીજ પુરવઠો ખેંચી લીધો એવું કહેવું સૌથી સરળ છે. હા, ખાસ કરીને
ઉત્તરીય રાજ્યો ઉનાળામાં વધુ વીજ પુરવઠો ખેંચવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ તે
રોકવા પણ પાવર ગ્રીડમાં પૂરતું મિકનેઝિમ હોય જ છે. બીજી તરફ, ભારતમાં અડધાથી પણ
વધુ વીજળી કોલસા આધારિત પ્લાન્ટોમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ પાવર પ્લાન્ટોને પણ કોલસાનો
પૂરતો જથ્થો મળતો નહીં હોવાના કારણે તેઓ પોતાની પૂરેપૂરી ક્ષમતા પ્રમાણે વીજળી
પેદા કરી શકતા નથી.
જોકે યુનિવર્સિટી
ઓફ માસાચ્યુસેટ્સમાંથી એનર્જી એન્જિનિયરિંગ (સોલર સ્પેશિયાલિટી)માં ડૉક્ટરેટ તેમજ
આઈઆઈટી, ખરગપુરમાંથી એનર્જી એન્જિનિયરિંગમાં અનુસ્નાતકની પદવી મેળવનાર હરીશ હાંડે આ
વાતનો ઉકેલ આપતા કહે છે કે, “ભારત અને ભારતીયો માટે આ જ યોગ્ય સમય છે, ખાલી ફરિયાદો
ન કરો. ફરિયાદો કરવાથી સમસ્યા નહીં ઉકેલાય. આ પ્રશ્નોનું નિરાકરણ કોલસો કે
ન્યુક્લિયર એનર્જીથી ક્યારેય નહીં આવે. આ ઉપાયો ફક્ત થોડા સમય માટે જ ઉકેલ આપશે. વૈકલ્પિક
ઊર્જાના સ્રોતોની મદદથી જ આ જટિલ પ્રશ્નોનો કાયમ માટે અંત લાવી શકાય છે. ખરેખર આ
ઘટનાને એક તક તરીકે જોવી જોઈએ, પરંતુ દુઃખદ વાત એ છે કે, આખી ચર્ચા જ આડે પાટે ચડી
ગઈ છે. જેમ કે, અત્યારે પમ્પિંગ થવાથી વધુ વીજળી વપરાય છે, એવી ચર્ચા થઈ રહી છે.
વળી, ક્લાઈમેટ ચેન્જ અને તેના ઉપાયોની ચર્ચા પણ બાજુ પર રહી ગઈ છે. પરંતુ મને આશા
છે કે, આશરે 40 કરોડ ભારતીયો કે જેમની પાસે વીજળી જ નથી, તેઓ ભવિષ્યમાં બાકીના
ભારતને શીખવશે કે આપણે કેવી રીતે વર્તવું જોઈએ.”
ભારત
એશિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે, ત્યારે એ વિચારવાનો સમય પણ આવી ગયો છે
કે, શું આ પ્રકારની માળખાગત સુવિધા અને ઊર્જા ક્ષેત્રને ગંભીરતાથી નહીં લઈને આપણે
કેટલો વિકાસ સાધી શકીશું? એસોચેમના પ્રમુખ રાજકુમાર ધૂત જણાવે છે કે, “હવે આપણે ઊર્જા ક્ષેત્રે ખૂબ
ઝડપથી સુધારા કરવાનો સમય આવી ગયો છે. આ દેશ નવથી 10 ટકાના વિકાસદરે આગળ વધી રહ્યો
છે, પરંતુ બીજી તરફ, ઊર્જા ક્ષેત્રને ભારતે ક્યારેય ગંભીરતાથી લીધું જ નથી. ખરેખર
અર્થતંત્રના વિકાસ માટે અત્યંત જરૂરી ક્ષેત્ર તે જ છે. આપણે તાત્કાલિક ધોરણે
તમામની જવાબદારીઓ નક્કી કરી લેવી જોઈએ, આ ઘટના ‘ચલતા હૈ’ અભિગમના કારણે જ બની છે.
ઊર્જા ક્ષેત્ર ફક્ત ઈન્ડસ્ટ્રી માટે નહીં પણ રેલવે, મેટ્રો ટ્રેન, હોસ્પિટલ અને
પાણીનો પુરવઠો પહોંચાડવા માટે પણ અત્યંત જરૂરી છે.”
પાવર ગ્રીડમાં ખામી સર્જાતા જેને
ભારતનું શ્વસન તંત્ર કહેવાય છે એવું રેલવે તંત્ર પણ ઠપ થઈ ગયું હતું. ઉત્તર ભારત,
મધ્ય ભારત અને ઉત્તર-પૂર્વથી અન્ય રાજ્યોમાં જઈ રહેલી 700થી વધુ ટ્રેનો તેમજ
દિલ્હીની મેટ્રો રેલ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. ઉત્તર અને પૂર્વ ભારતની હજારો હોસ્પિટલોમાંથી દર્દીઓને ઓપરેશન થિયેટરમાંથી
પરત લાવવા પડ્યા હતા, અને અનેક ખાણિયાઓ વીજળીના અભાવે જમીનની નીચે ફસાઈ ગયા હતા. તેથી
જ રામચંદ્ર ગુહા જેવા ખ્યાતનામ ભારતીય ઈતિહાસકાર જણાવે છે કે, “આ તો સરકારની
નબળાઈનું નાનકડું ઉદાહરણ છે. તમિલનાડુમાં 30મી જુલાઈએ ટ્રેનમાં આગ લાગતા 32
વ્યક્તિ જીવતી ભુંજાઈ ગઈ હતી. ભારતીય રેલ સેવા અને ઊર્જા ક્ષેત્ર બંને ‘અન્ડર
ફાઈનાન્સ્ડ’ છે, અને તે બંનેને ખૂબ ઝડપથી અપગ્રેડ કરવાની જરૂરિયાત છે. ભારતે
દુનિયા સમક્ષ પોતાને સુપર પાવર કહેવાનું બંધ કરી દેવું જોઈએ, અને પોતાની મુશ્કેલીઓ
પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”
પરંતુ આ મુદ્દે નવનિયુક્ત ઊર્જા
મંત્રી સુશીલકુમાર શિંદેએ કંઈક અલગ જ સૂર ઉચ્ચારતા કહ્યું હતું કે, “અમારા
અધિકારીઓએ જેવી રીતે પાંચથી છ કલાકમાં પાવર ગ્રીડ ફરી એકવાર ચાલુ કરી દીધી એ બદલ
અમને અભિનંદન મળવા જોઈએ. અમેરિકામાં પણ ચાર દિવસ સુધી વીજળી આવતી નથી, પરંતુ અમે ગણતરીના
કલાકોમાં સિસ્ટમ ચાલુ કરી દીધી હતી.” જોકે આ ગણતરીના કલાકો ભારતના કરોડો સામાન્ય
લોકો માટે નિરાશા, ગુસ્સો અને કેટલાક લોકો માટે તો ભયમાં પસાર થયા હતા. બિહારના
પટણા શહેરના એક અંતરિયાળ ગામમાં રહેતા 49 વર્ષીય કિર્તી શ્રીવાસ્તવ જણાવે છે કે, “મારા
પાડોશીના ઘરમાં વીજળી નહોતી. એટલે પાણી પણ ન હતું, કશી સૂઝ પડતી ન હતી. અમે ખૂબ
ચિંતાતુર હતા. મારા ઘર નજીકની બધી દુકાનો બંધ થઈ ગઈ હતી. અમે બસ ફક્ત ભગવાનને એટલી
પ્રાર્થના કરતા હતા કે, અંધારાનો લાભ લેવા અહીં કોઈ ચોર-લૂંટારા આવી ન જાય.”
વીજળી જ નહીં, તો પછી કટોકટી
શેની?
ભારત સરકારના રાષ્ટ્રીય કૌટુંબિક
આરોગ્ય સર્વેના તાજેતરના આંકડા મુજબ, હજુ પણ દેશના ફક્ત ત્રીજા ભાગના ઘરોમાં જ વીજળી
પહોંચી શકી છે. આજે પણ ઉત્તરપ્રદેશમાં 42.8 ટકા અને બિહારમાં 27.7 ટકા ઘરોમાં
વીજળી પહોંચાડી શકાઈ નથી. પરિણામે આ અંધારપટની ઘટના ઉત્તર અને પૂર્વીય ભારતના ફક્ત
અડધી જ વસતીએ અનુભવ્યો હતો. બીજી તરફ, દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યોના 90 ટકાથી
પણ વધુ ઘરોમાં તેમજ સમગ્ર ભારતમાં સરેરાશ 67.9 ટકા ઘરોમાં વીજળી પહોંચાડી શકાઈ છે.
આ કોઠો જોતા સમજાશે કે, દેશના કયા રાજ્યોના કેટલા ટકા ઘરોમાં વીજળી પહોંચી શકી છે.
ઉત્તર પ્રદેશ, 36.8, બિહાર 27.7,
જમ્મુ-કાશ્મીર 93.2, હરિયાણા 91.5, પંજાબ 96.3, પશ્ચિમ બંગાળ 52.5, રાજસ્થાન 66.1,
ઓરિસ્સા 45.4, ઝારખંડ 40.2, મિઝોરમ 92.3, હિમાચલ પ્રદેશ 98.4, ઉત્તરાખંડ 80,
દિલ્હી 99.3, આસામ 38.1, મેઘાલય 70.4, ત્રિપુરા 68.8, સિક્કિમ 92.1, અરુણાચલ
પ્રદેશ 76.9, નાગાલેન્ડ 82.9, મણિપુર 87.
ગુજરાત બન્યું ઉદાહરણરૂપ
રાષ્ટ્રીય આરોગ્ય કૌટુંબિક
સર્વેના તાજા આંકડા મુજબ, સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મોટા
શહેરો સહિત નાના ગામડાંમાં વીજળી પહોંચાડી શકાઈ છે. ગુજરાતના મુખ્ય મંત્રી
નરેન્દ્ર મોદીની ઓફિશિયલ વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, જ્યોતિગ્રામ યોજના થકી લોડ શેડિંગ
કે વીજ કટોકટીના દિવસો ગુજરાતમાં જૂના થઈ ગયા છે. હાલ દેશમાં ફક્ત ગુજરાત જ એવું
રાજ્ય છે જે ગામડે ગામડે અવિરત વીજ પુરવઠો પૂરો પાડે છે. જ્યોતિગ્રામ યોજના પાછળ મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદીનો જ વિચાર હતો, જેના અમલ સરકાર ગુજરાતના 9680 ઉપનગરો તેમજ તેની સાથે
જોડાયેલા 18,742 ગામડાંમાં 3 ફેઝ, 24x7 અવિરત વીજ પુરવઠો પૂરો પાડે છે. આમ છતાં, ગુજરાત સરકારે
વીજ ઉત્પાદન 13,500 મેગા વોટથી વધારીને 18,000 મેગા વોટ સુધી પહોંચાડવાની યોજના અમલમાં
મૂકી છે.
સરકારના દાવા મુજબ, આ એક જ
યોજના થકી ગ્રામ્ય ગુજરાતની જીવનશૈલી અને અર્થતંત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી
શકાયું છે. ગામડાંમાંથી સ્થળાંતરનું પ્રમાણ પણ મોટા પાયે ઘટાડી શકાયું છે, અને નવા
‘રુર્બન’ (રૂરલ+અર્બન)નું નિર્માણ શક્ય બને એ દિશામાં આગળ વધી શકાયું છે. જ્યોતિગ્રામ યોજનાના
કારણે ગુજરાતના તમામ શહેરો અને ગામડાંના તમામ ઘરો, નાના-મોટા ઉદ્યોગો અને શૈક્ષણિક
સંસ્થાઓમાં વીજળી પહોંચી ગઈ છે. આમ આ યોજના થકી જ ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય
બન્યું છે, જેના 100 ટકા ઘરોમાં વીજળી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ગુજરાત સરકારે રૂ.
1200 કરોડના ખર્ચે જ્યોતિગ્રામ યોજનાનો અમલ કરીને કૃષિને વીજળી પૂરી પાડતા ફિડરને ડોમેસ્ટિક
અને ઈન્ડસ્ટ્રિટલ ફિડરથી અલગ કર્યા છે. વળી, કૃષિને વીજળી પૂરી પાડવા અને તેનું નિરીક્ષણ
કરવા સમાંતર તંત્ર ઊભું કર્યું છે. પરિણામે સરકાર ખેડૂતોને વધુ સારી રીતે વીજળી
પૂરી પાડી શકી છે. હાલ ખેડૂતોને સતત આઠેક કલાક ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે
છે, જ્યારે અગાઉ તેઓ 13થી 14 કલાક અનિયમિત ધોરણે વીજળી મેળવતા હતા.
રાજકીય ઈચ્છાશક્તિના કારણે જ જ્યોતિગ્રામ
જેવી યોજનાનો યોગ્ય અમલ શક્ય બન્યો છે, જેણે ગુજરાતના સામાજિક-આર્થિક અને શૈક્ષણિક
સ્તરે ક્રાંતિ આણી છે.
No comments:
Post a Comment