25 November, 2012

‘કેગ’માં ચૂંટણી પંચની એક્શન રિપ્લે?


(નોંધઃ આ લેખ લખ્યો ત્યારે હજુ આર. પી. સિંગે ‘કેગ’ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યું ન હતું.  જોકે, આર. પી. સિંગનું નિવેદન પણ વિવિધ પ્રકારની શંકાઓથી પર નથી. વળી, તેમના નિવેદનથી કોંગ્રેસને ક્લિન ચિટ પણ નથી મળી જતી. ખરેખર તો આર. પી. સિંગ જવાબદાર અધિકારી હોય તો પછી તેમણે છેક અત્યારે કેમ આ નિવેદન કર્યું? વળી, કોઈના દબાણમાં આવીને  ‘કેગ’ના અહેવાલમાં ફેરફાર કરાયા હોય એ વાત જ બકવાસ છે.)

વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા રાજ્યમંત્રી નારાયણસામીએ ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા (મલ્ટી મેમ્બર બોડી) બનાવવાની વાત કરતા જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોમનવેલ્થ, કોલ બ્લોક અને સ્પેક્ટ્રમ ખામીયુક્ત ફાળવણીને લગતા વિવિધ કૌભાંડો અને રાજકારણીઓની ઉદ્યોગપતિઓ સાથેની મિલિભગત મુદ્દે ‘કેગ’ના આક્રમક વલણની ચોતરફ ચર્ચા થઈ રહી છે, એવા જ સમયે વડાપ્રધાન કાર્યાલયના મંત્રી ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાની વાત કરે ત્યારે હોબાળો થવો સ્વાભાવિક છે. નારાયણસામીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવા સક્રિયપણે વિચારી રહી છે. આ નિવેદનને વિરોધ પક્ષો અને સિવિલ સોસાયટી સાચી કે ખોટી રીતે ‘કેગ’ની બંધારણીય સત્તા પરની તરાપ માની રહ્યા છે. જોકે, જોરદાર વિરોધ વચ્ચે યુપીએ સરકારે ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવાનો પ્રસ્તાવ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. પરંતુ નારાયણસામીના નિવેદન પરથી રાજકીય વિશ્લેષકો અનુમાન કરી રહ્યા છે કે, નજીકના ભવિષ્યમાં કેન્દ્ર સરકાર ચૂંટણી પંચની જેમ ‘કેગ’ને પણ બહુ-સભ્યક બનાવી દેશે એ વાતમાં કોઈ શંકા નથી.

છેલ્લાં કેટલાક વર્ષોમાં વિવિધ કૌભાંડો મુદ્દે જવાબ આપીને થાકી ગયેલી યુપીએ સરકારના મંત્રીઓ ‘કેગ’ વિશે બેફામ નિવેદનો કરી ચૂક્યા છે. જેમાં, ‘કેગ’ ફક્ત સનસનાટી ફેલાવવા આ બધું કરી રહ્યા છે એવા મનઘડંત નિવેદનનો પણ સમાવેશ થાય છે. કદાચ એટલે જ 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ ગયાની જોરશોરથી જાહેરાત કરીને મનીષ તિવારી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર કોંગ્રેસી મંત્રીઓ દોષનો ટોપલો ‘કેગ’ પર ઢોળ્યો હતો. ત્યારે એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આટઆટલા કૌભાંડો બાદ જ કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવા કેમ સક્રિય થઈ ગઈ? યુપીએના સાથી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમે (ડીએમકે) પણ ‘કેગ’ને ચૂંટણી પંચની જેમ બહુ-સભ્યક સંસ્થા બનાવવા તરફેણ કરી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે, 2G સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપીઓ એ. રાજા અને કનીમોઝી ડીએમકેને નેતાઓ છે. વળી, કનીમોઝી તો કરુણાનિધિના પુત્રી છે.

‘કેગ’ વિનોદ રાય 

જો વર્તમાન ‘કેગ’ સારી રીતે કામ કરી રહ્યા હોય તો સરકારને આવું વિચારવાની જરૂર જ શું કામ પડી રહી છે? જો, કોઈ કંપની સારી રીતે કામ કરતી ન હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેની ખામીઓ શોધીને તેને ઉકલેવાના પ્રયાસો કરશે. પરંતુ કંપનીનો ઓડિટર નહીં બદલી નાંખે. એવી જ રીતે, કેન્દ્ર સરકારે પણ ‘કેગ’માં કંઈ સુધારાવધારા કરવાના બદલે પોતાનું ગવર્નન્સ સુધારવાની જરૂર છે. બીજી તરફ, ‘કેગ’ પણ અત્યાર સુધી ક્યારેય વિવાદમાં સપડાઈ નથી કે તેની કાર્યવાહી પણ શંકાસ્પદ રહી નથી.

આમ છતાં કેટલાક બંધારણીય નિષ્ણાતો ઉદાર મત વ્યક્ત કરતા કહે છે કે, જો સરકાર ખરેખર કોઈ સુધારો કરવા માંગતી હોય તો ‘કેગ’ની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર કરવો જોઈએ. જેમ કે, ‘કેગ’ને પસંદ કરતી સમિતિમાં વડાપ્રધાન કે ગૃહ મંત્રાલયની સાથે, લોકસભા અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતાઓનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ. આવી કોઈ સિસ્ટમ ન હોય તો સરકાર કોઈ માનીતા અધિકારીને વફાદારીની ‘ભેટ’ આપવા ખાતર ‘કેગ’ તરીકે નિમણૂક કરે એવી શંકા રહે છે. એ વાત અલગ છે કે, કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલા ‘કેગ’ પ્રામાણિકતાથી કામ કરે છે. પરંતુ એક વાત નક્કી છે કે, ‘કેગ’ની પસંદગી પ્રક્રિયામાં હજુ પણ સુધારાને અવકાશ છે. કારણ કે, આ પ્રક્રિયામાં કોઈનેય ખાતરી નથી હોતી કે, ‘કેગ’ તેમનું કામ કરવા સ્વતંત્ર છે કે નહીં?

ખરેખર પૂર્વ ‘કેગ’ વી. કે. શૂંગ્લુના વડપણ હેઠળ નિમાયેલી સમિતિએ એક અહેવાલ રજૂ કરીને ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા બનાવવાની ભલામણો કરી હતી. આ દરમિયાન યુપીએ સરકાર વિવિધ કૌભાંડોથી ઘેરાયેલી હોવાથી ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાનું વિચારી શકે એમ પણ ન હતી. નવાઈની વાત એ છે કે, કેબિનેટ સેક્રેટરિયેટે એપ્રિલ 2011માં જ ‘કેગ’ વિનોદ રાયને પત્ર લખીને શૂંગ્લુ સમિતિની ભલામણો મુદ્દે તેમનું મંતવ્ય માંગ્યું હતું. આ પત્રથી ‘કેગ’ વિનોદ રાય અને તેમના સહકર્મચારી ડેપ્યુટી ‘કેગ’ને સ્વાભાવિક રીતે જ ભારે આશ્ચર્ય થયું હતું. કારણ કે, તેમનું અનુમાન હતું કે કેન્દ્ર સરકારે ‘કેગ’ને બહુ-સભ્યક બનાવવાનો વિચાર હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. જોકે, વિનોદ રાયે કેબિનેટ સેક્રેટરિયેટને વળતો પત્ર લખી સ્પષ્ટ જણાવ્યું હતું કે, “આવી બંધારણીય સંસ્થામાં ફક્ત એક જ વડો હોવો જોઈએ. એક જ વડાનો અર્થ આપખુદશાહી નથી થતો. તેની સમગ્ર કામગીરી વિવિધ સભ્યોની બનેલી સમિતિને જવાબદાર હોય છે.”

‘કેગ’ને પાંચ ડેપ્યુટી ‘કેગ’ પણ ફાળવવામાં આવ્યા હોય છે. ‘કેગ’ દ્વારા તૈયાર કરાયેલા તમામ ઓડિટ રિપોર્ટની ઝીણવટપૂર્વક તપાસ કરવાનું અને તેને અંતિમ રૂપ આપવાનું કામ આ પાંચેય ડેપ્યુટી ‘કેગ’ કરે છે. વર્ષ 2008માં જ કેન્દ્ર સરકારે ‘કેગ’ની પાંચ ડેપ્યુટી ‘કેગ’ની ભલામણોનો સ્વીકાર કર્યો છે. આટલા હોદ્દેદારોની નિમણૂક પછી આ વિભાગને કોઈ વધારાના ફેરફારોની જરૂર જ નથી. એટલું જ નહી, ‘કેગ’માં સરકાર દ્વારા નિમાતા તમામ હોદ્દેદારો વિવિધ પ્રકારની સંસ્થાઓનું ઓડિટ કરવા માટે પૂરતી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય છે. ‘કેગ’ વિનોદ રાયે પણ કેબિનેટ સેક્રેટરિયેટને લખેલા પત્રમાં ઉપરોક્ત તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

‘કેગ’ને બહુ-સભ્યક સમિતિ બનાવવા માંગતા લોકોને જડબાતોડ જવાબ આપતા વિનોદ રાયે આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, આશરે 34 કોમનવેલ્થ દેશોમાં ‘કેગ’ જેવી સંસ્થામાં ફક્ત એક જ વડો છે. જ્યારે બંધારણીય નિષ્ણાત સુભાષ કશ્યપ જણાવે છે કે, “એક સભ્ય હોય કે ત્રણ, તેનાથી કોઈ ફર્ક પડતો નથી. બધો જ આધાર આ ઉચ્ચ બંધારણીય હોદ્દા પર નિમાયેલી વ્યક્તિના વ્યક્તિત્વ પર આધારિત છે. ફક્ત એક જ સભ્ય ધરાવતી ‘કેગ’ પણ ત્રણ સભ્યોની ‘કેગ’ કરતા વધુ સારું કામ કરી શકે છે.” પરંતુ મૂળ વાત એ છે કે, જો હાલની વ્યવસ્થા સારી રીતે કામ કરતી હોય તો તેને બદલવા માટે સરકારને ‘સક્રિય’ કેમ થઈ છે. આ સક્રિયતા પાછળ શૂંગ્લુ સમિતિની ભલામણો નહીં પણ વર્તમાન ‘કેગ’ પ્રત્યે યુપીએ સરકારનો ગુસ્સો કારણભૂત છે.

પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષાન પણ આવી જ રીતે રાજકારણીઓના ગુસ્સાનો ભોગ બન્યા હતા. પોતાને મળેલી બંધારણીય સત્તાને સારી રીતે ઓળખતા શેષાને ભારતમાં આક્રમક રીતે ચૂંટણી સુધારા કર્યા હતા. બાદમાં કેન્દ્ર સરકારે ચૂંટણી પંચમાં બે નાયબ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી હતી. એ વાત અલગ છે કે, ચૂંટણી પંચને બહુ-સભ્યક બનાવ્યા પછી પણ તેની કામગીરી ઘણી અસરકારક રહી છે. જોકે, આપણે ચૂંટણી વખતે ચૂંટણી કમિશનરો વચ્ચે પણ સર્જાતા મતભેદોને પણ ન ભૂલવા જોઈએ. આ અંગે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ચૂંટણી પંચ અને ‘કેગ’ની સરખામણી બિલકુલ અયોગ્ય છે. કારણ કે, તે બંનેનું કામ બિલકુલ અલગ છે. એક ‘કેગ’ 1.76 લાખ કરોડ, બીજા ‘કેગ’ ફક્ત રૂ. 50 કરોડ અને ત્રીજા ‘કેગ’ બિલકુલ નુકસાન નહીં થયાનો અહેવાલ આપે એ શક્ય છે?

‘કેગ’ના અહેવાલમાં પણ એકથી વધુ રીતે ગણતરી કરીને અંદાજિત આંકડા આપવામાં આવ્યા હોય છે. જેમ કે, 2G સ્પેક્ટ્રમ મુદ્દે કેગએ રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એ. રાજાના સમયગાળામાં કરાયેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલા અંદાજિત નુકસાનની ગણતરી ચાર રીતે ગણતરી કરી શકાય એમ છે. આ ચારેય રીતથી કરેલી ગણતરીના આંકડા અનુક્રમે રૂ. 67,364 કરોડ, રૂ. 69,626 કરોડ, રૂ. 57,666 કરોડ અને રૂ. 1,76,645 કરોડ છે. વિનોદ રાયે વિવિધ કૌભાંડોમાં આપેલા ચોક્કસ અહેવાલોની જેમ જ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, “ઓડિટ રિપોર્ટને ‘કેગ’ અંતિમ રૂપ આપે તે પહેલાં તે વિવિધ તબક્કામાંથી પસાર થયો હોય છે. એનો અર્થ એ છે કે, હાલની સિસ્ટમમાં કોઈ ખામી નથી. કારણ કે, તમામ ઓડિટ રિપોર્ટમાં એક વ્યક્તિનું નહીં પણ સરકારે નિમેલી સમિતિએ જ નિર્ણય લીધા હોય છે.”

વિવાદ કેવી રીતે શરૂ થયો?

વી. નારાયણસામી
વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ફરજ બજાવતા નારાયણસામીએ 11મી નવેમ્બરે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ‘કેગ’ને બહુ-સભ્યક સંસ્થા (મલ્ટી-મેમ્બર બોડી) બનાવવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. એક પછી એક કૌભાંડો તરફ સફળતાપૂર્વક આંગળી ચીંધનારી ‘કેગ’ની આક્રમક કાર્યવાહીથી યુપીએ સરકાર રીતસરની કંટાળી ગઈ છે. આવા સમયે કેન્દ્ર સરકારના ‘કેગ’ વિશેના ‘ગુપ્ત એજન્ડા’નો નારાયણસામીએ ‘પર્દાફાશ’ કરી દેતા હોબાળો મચી જવો સ્વાભાવિક હતો. પરંતુ નારાયણસામીએ પણ દોષનો ટોપલો મીડિયા પર ઢોળતા કહ્યું કે, “હું આવું કશું બોલ્યો જ નથી. મારું નિવેદન તોડી-મરોડીને રજૂ કરાયું છે.”

જોકે, નારાયણસામીને જવાબ આપતા પીટીઆઈએ ઈન્ટરવ્યૂ લીધાના બીજા જ દિવસે 12મી નવેમ્બરે પ્રેસ રિપોર્ટર સાથે થયેલી વાતચીતની ટેપ જાહેર કરી હતી. જેમાં પૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વી. કે. શૂંગ્લુના ‘કેગ’ને મલ્ટી-મેમ્બર બોડી બનાવવાના પ્રસ્તાવ વિશે પૂછતાં કેન્દ્રીય મંત્રી સ્પષ્ટ કહે છે કે, “કેન્દ્ર સરકાર ‘કેગ’ને એકથી વધુ સભ્યવાળું બનાવવાના પ્રસ્તાવ પર સક્રિયતાથી વિચારે છે.” એટલું જ નહીં, નારાયણસામીએ એમ પણ કહ્યું હતું કે, “‘કેગ’ ખૂબ અધીરા થઈ ગયા છે. તેઓ એમ માને છે કે, આ બંધારણીય સંસ્થા તેમના માપદંડ પ્રમાણે ચાલવી જોઈએ.” નોંધનીય છે કે, પૂર્વ ‘કેગ’ વી. કે. શૂંગ્લુએ ‘કેગ’માં પારદર્શકતા લાવવા માટે ત્રણ સભ્યની ભલામણ કરી હતી. 

નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

‘ઝીરો બજેટ’ ફિલ્મ બનાવનારો ગુજરાતી બચ્ચો


છેલ્લાં કેટલાક સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અઢળક ખર્ચ કરીને ફિલ્મો બનાવવાનો દોર ચાલી રહ્યો છે. ફિલ્મના બિઝનેસનું ગણિત જ કંઈક એવું છે કે સારો એવો ખર્ચ કર્યો હોય એ જ ફિલ્મો બોક્સ ઓફિસ પર થોડી ઘણી કમાણી કરી શકે. ઓછા બજેટની ફિલ્મ બનાવવા માટે પણ કલાકારો અને ટેકનિશિયનોની ફી, કોસ્ચ્યુમ્સ, લોકેશન, ટ્રાન્સપોર્ટેશન અને પ્રમોશનનો ખર્ચ એટલો વધારે હોય છે કે દરેક ક્રિએટિવ વ્યક્તિ ફિલ્મ નિર્માણમાં ઝંપલાવી શકતી નથી. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે સામા પ્રવાહે તરવામાં માનતા હોય છે. આવા જ એક યુવાને ઓછા બજેટની નહીં પણ ‘ઝીરો બજેટ’ની ફિલ્મ બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માંધાતાઓને પણ ચોંકાવી દીધા છે. પરંતુ મજેદાર વાત તો એ છે કે, આ વીરલો બીજો કોઈ નહીં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના મહુવા ગામનો છે.

ઝીરો બજેટ ફિલ્મ બનાવનારા આ યુવા દિગ્દર્શક છે, તેજસ પડિયા. તેમણે ‘લો હો ગઈ પાર્ટી’ નામની ફૂલલેન્થ ફિચર ફિલ્મ બનાવવાનું મહાઅભિયાન પૂરું કર્યું છે. એવું પણ માની લેવાની જરૂર નથી કે, ‘લો હો ગઈ પાર્ટી’માં નવાસવા કલાકારોએ કોઈ ફી લીધા વિના કામ કર્યું હશે. કારણ કે, તેમાં ન્યૂકમર્સની સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્થાપિત કલાકાર મનોજ જોશી અને જાણીતા ફિલ્મ દિગ્દર્શક સતીષ કૌશિકે પણ કામ કર્યું છે. કારણ કે, આ ઝીરો બજેટ ફિલ્મ બનાવવા માટે તેજસની પહેલી શરત એ હતી કે, ફિલ્મ મેકિંગના કોઈ પણ તબક્કે કોમ્પ્રોમાઈઝ નહીં કરવાનો. તેજસ આ પહેલાં વર્ષ 2006માં ‘એક શુક્કરવાર’ નામની ફિલ્મ બનાવી ચૂક્યા છે. ‘એક શુક્કરવાર’ની ખાસિયત એ છે કે, તે ભારતની પહેલી મોબાઈલ ફોનથી શૂટ થયેલી ફિલ્મ હતી.

‘લો હો ગઈ પાર્ટી’ના દિગ્દર્શક તેજસ પડિયા

‘લો હો ગઈ પાર્ટી’ના એક પણ કલાકારને ફી આપવાની નહીં હોવા છતાં તેમને પસંદ કરવા રીતસરના ઓડિશન્સ લેવાયા છે. આ અંગે તેજસ કહે છે કે,  “ફિલ્મમાં એક વાની નામની છોકરીની પણ ભૂમિકા છે. તે એકદમ નિર્દોષ છોકરી હોય છે. આ ભૂમિકા માટે મેં 33 છોકરીના ઓડિશન્સ લીધા હતા અને છેવટે પંજાબી છોકરી લવિના ભાટિયા પર પસંદગી ઉતારી હતી.” ‘લો હો ગઈ પાર્ટી’માં ‘હમારી દેવરાની’માં કામ કરી ચૂકેલા પરેશ ભટ્ટ, ‘સસુરાલ સિમરન કા’ સિરિયલમાં કામ કરતી વૈદેહી ધામેચા અને ‘ફૂલવા’માં કામ કરી ચૂકેલા અનિરુદ્ધ ભટ્ટ જેવા કલાકારોએ પણ કામ કર્યું છે.

એ બધું તો બરાબર, પરંતુ ફિલ્મમાં એવું તો શું છે કે, મનોજ જોશી જેવા જાણીતા નાટ્ય અભિનેતા અને સતીષ કૌશિક જેવા જાણીતા દિગ્દર્શક પણ તેમાં કામ કરવા તૈયાર થયા? ‘ગુજરાત ગાર્ડિયન’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ સવાલનો જવાબ આપતા તેજસ કહે છે કે, “જેમ મારે જીવનમાં એકવાર ફિલ્મ બનાવવી હતી, કંઈક નવું કરવું હતું. એવી જ રીતે કલાકારોને પણ નવા નવા પ્રયોગો કરવા ગમતા હોય છે. હું કંઈક નવું કરવા જઈ રહ્યો હતો. હાલ, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100માં વર્ષની ઉજવણી ચાલી રહી છે. 100 વર્ષ પહેલાં દાદાસાહેબ ફાળકેએ બનાવેલી મૂંગી ફિલ્મમાં પણ પૈસા ખર્ચવા પડ્યા હતા. તેથી અમે કરેલું કામ ખરેખર ‘યુનિક’ કહી શકાય.”

તેઓ ઉમેરે છે કે, “ફિલ્મની વાર્તા પાંચ મિત્રોની આસપાસ ફરે છે, જે બોલિવૂડમાં નામ કમાવવા ઈચ્છતા હોય છે. ત્યાર પછી તેમાંનો એક યુવાન સેકન્ડ હેન્ડ કાર ખરીદીને મિત્રોને પાર્ટી આપે છે. તેઓ કાર લઈને ફરવા નીકળે છે પરંતુ એ ભૂલી જાય છે કે તેમણે ખૂબ દારૂ પીધો છે. છેવટે તેઓ જાત પરનો કાબૂ ગુમાવી બેસે છે. ‘લો હો ગઈ પાર્ટી’માં બિલકુલ સરળ રીતે સામાન્ય માણસની વાત કરવામાં આવી છે. આનાથી વધુ કંઈ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.”


‘લો હો ગઈ પાર્ટી’નું પોસ્ટર 
આવી સીધીસાદી કથાવસ્તુ ધરાવતી ફિલ્મ માટે પણ જાતભાતના ટેકનિશિયનોથી માંડીને ફિલ્મ રિલીઝના ખર્ચ મ્હોં ફાડીને ઊભા હોય છે. ‘લો હો ગઈ પાર્ટી’ ટીવી સિરિયલો જે કેમેરાથી શૂટ થાય છે તે ઝેડ-1 અને પીડી-170 કેમેરાથી શૂટ કરાઈ છે. આ કેમેરા ભાડેથી લેવા હોય તો પણ ઘણાં મોંઘા પડે છે. એટલે જે દિવસે શૂટિંગનું આયોજન કર્યું હોય તે દિવસે તેજસને બ્રોડકાસ્ટિંગ ઈમેજિંગ પ્રાઈવેટ લિમિટેડનાં દીપિકા પ્રકાશ એ દિવસ પૂરતો કોઈ ચાર્જ લીધા વિના કેમેરા ફ્રીમાં વાપરવા આપતા હતા.

આ અંગે તેજસ કહે છે કે, “મેં નાનકડી સ્ટેશનરીથી લઈને લોકેશન સુધીની તમામ ચીજવસ્તુ ઉધાર લીધી હતી. આમ તો માંડ 21 જ દિવસનું શૂટિંગ હતું, પરંતુ આટલા દિવસનું શૂટિંગ મેનેજ કરતા કરતા 13 મહિના લાગી ગયા. કેમેરા પણ મફતમાં જોઈતા હોય તો મારે આ તારીખે સાધનો જોઈએ જ, એવી દાદાગીરી તો શક્ય જ નહોતી. આ દરમિયાન એવું પણ થતું કે, ચાર કલાકારો આવે અને એકને ફાવે એમ ન હોય તો આખું શૂટિંગ કેન્સલ કરવું પડે.”

વળી, ફિલ્મનું 60 ટકા શૂટિંગ તેજસના મિત્રના ઘાટકોપર સ્થિત પોશ બંગલૉમાં કરવામાં આવ્યું છે. આ અંગે તેજસ કહે છે કે, “આ બંગલૉના માલિક હિરેન મહેતા અને આરતી મહેતાએ આખા બંગલૉનું રિનોવેશન કરાવ્યું હતું, જે મને ફિલ્મની વાર્તા સાથે બંધબેસતું લાગ્યું. મેં તેમને મારી ઝીરો બજેટ ફિલ્મની વાત કરી. આરતીબહેન મહુવાના હતા એટલે ગામના છોકરાને તુરંત જ મદદ કરવા તૈયાર થઈ ગયા. અહીં પણ શૂટિંગનો સમય એવી રીતે રાખતા કે, ખાવાપીવાનો ખર્ચ જ ન થાય. મેં બધાને કહી જ દીધું હતું કે, એક વાગ્યે શૂટિંગ હોય તો તમારે ઘરેથી જમીને જ આવવાનું. આમ છતાં, આરતીબહેને અમને ચા-નાસ્તાની ક્યારેય તકલીફ પડવા દીધી નથી.”

જ્યારે બાકીની ફિલ્મનું શૂટિંગ બાંદ્રા અને જોગેશ્વરીમાં કરાયું છે. હવે, જાહેરમાં શૂટિંગ કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડે અને કદાચ પૈસા પણ આપવા પડે. જે ઝીરો બજેટની ફિલ્મમાં શક્ય ન હતું. તેથી આખું શૂટિંગ ચૂપકેથી પતાવી દેવાયું. આ પ્રસંગ યાદ કરતા તેજસ કહે છે કે, “એકવાર કાર્ટર રોડ પર શૂટિંગ ચાલતું હતું ત્યારે મ્યુઝિક થોડું લાઉડ થઈ જતા પોલીસ આવી. પૈસી આપીએ તો પોલીસ જવા દે એમ હતી, પરંતુ ઝીરો બજેટ ફિલ્મ હોવાથી એવું કરવું નહોતું. એટલે મેં પોલીસને સમજાવ્યું કે, બીજા લોકોને જવા દો, હું તમારી સાથે પોલીસ સ્ટેશન આવું છું. જોકે, તે કામ પણ એક ઓળખાણથી પતી ગયું.”

અભિનેતા મનોજ જોશી

‘લો હો ગઈ પાર્ટી”માં કોઈ ફી લીધા વિના કામ કરનારા ‘સપનાંના વાવેતર’ ફેઈમ અભિનેતા મનોજ જોશી ટેલિફોનિક વાતચીતમાં કહે છે કે, “તેજસ મારી પાસે ઝીરો બજેટ ફિલ્મનો પ્રસ્તાવ લઈને આવ્યો ત્યારે તેની કલ્પના જ મને ગમી ગઈ. બીજું, તેનું સિનેમા પ્રત્યેનું પેશન પણ મને ખૂબ જ આકર્ષી ગયું. આ ઉપરાંત તે આપણો ગુજરાતી બચ્ચો છે. જો તે કંઈ નવું કરી રહ્યો હોય તો આપણે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. મને એ ટેલેન્ટેડ છોકરા માટે ગર્વ છે.”

આશરે 13 મહિનાની મહેનત પછી રિલીઝ માટે તૈયાર થયેલી ‘લો હો ગઈ પાર્ટી’ બોલિવૂડની પહેલી ઝીરો બજેટ ફિલ્મ છે. આ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓ પણ આ ફિલ્મના સમગ્ર ક્રૂની પ્રશંસનીય કામગીરી બદલ ધન્યવાદ આપી રહ્યા છે. આ અંગે તેજસ કહે છે કે, “હું મૂળ ગુજરાતના સૌરાષ્ટ્રનો વતની છું અને આ ઈન્ડસ્ટ્રીમાં નવ વર્ષથી કામ કરું છું. આટલા વર્ષોની મહેનત પછી મેં ઝીરો બજેટ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ કામ માટે મારી ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારો અને ટેકનિશિયનોએ એક રૂપિયો લીધા વિના કામ કર્યું છે. પૈસા ખરેખર જરૂરી છે. પરંતુ અમે નસીબદાર છીએ કે, અમને અમારા વિઝનમાં વિશ્વાસ કરે એવા લોકો મળ્યા, અમને મદદ કરવાની તૈયારી બતાવી, અમારામાં વિશ્વાસ અને ધીરજ પણ રાખ્યા. ‘લો હો ગઈ પાર્ટી’ બની એ પાછળ આ બાબતોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.”

હવે, ફિલ્મ રિલીઝ કરવા માટે પણ થોડુંઘણું તો બજેટ તો જોઈએ ને? આ માટે ફિલ્મ દિગ્દર્શકે એક સુંદર તુક્કો અજમાવ્યો છે. આ ફિલ્મ મોટે ભાગે જાન્યુઆરી 2013માં ઓનલાઈન રિલીઝ થવાની છે અને તમામ લોકો ફિલ્મ ટિકિટ લીધા વિના જ જોઈ શકશે. આ અંગે તેજસ ઉત્સાહપૂર્વક કહે છે કે, “મેં એક પણ પૈસો ખર્ચ્યા વિના ફિલ્મ બનાવી છે, અને લોકોને પણ આ ફિલ્મ એક પણ પૈસો ખર્ચ્યા વિના જ જોવા મળશે.” એક ગુજરાતી યુવાને ઝીરો બજેટમાં સફળતાપૂર્વક ફિલ્મ બનાવી તે ખરેખર પ્રશંસનીય છે. ફિલ્મમેકિંગ જેવા ખર્ચાળ વ્યવસાયમાં આખી ફિલ્મ એક પણ પૈસો ખર્ચ્યા વિના પૂરી થઈ ગઈ એ માટે ખરેખર તેના નિર્માતાનો આભાર માનવો પડે. હા, નિર્માતા. ‘લો હો ગઈ પાર્ટી’ની ઓફિશિયલ વેબસાઈટ પર નિર્માતા તરીકે લખ્યું છે, ગોડ (ભગવાન). નવાઈની વાત તો એ છે કે, તેજસે આ વેબસાઈટ પણ ‘ઝીરો બજેટ’માં બનાવી છે.

19 November, 2012

‘કેગ’ને શૂળીએ ચડાવવા કોંગ્રેસના હવાતિયાં


રાજકારણીઓ પોતાની નિષ્ફળતા કે કૌભાંડોને છુપાવવા માટે મરણિયા પ્રયાસ કરતા હોય છે ત્યારે ખૂબ હાસ્યાસ્પદ લાગતા હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ જતાં જ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ નિષ્ફળ હરાજીનો દોષનો ટોપલો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ પર નાંખવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પણ કંઈક આવા જ લાગતા હતા. 2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ જતાં જ નવા નવા માહિતી અને પ્રસારણ મંત્રી બનેલા મનીષ તિવારીએ ગેલમાં આવી જઈને કહ્યું કે, “મિ. કેગ, ક્યાં છે રૂ. 1,76,000 કરોડ.” જાણે 2G સ્પેક્ટ્રમના કૌભાંડ માટે એ. રાજા નહીં પણ ‘કેગ’ વિનોદ રાય જવાબદાર હોય!

યુપીએ સરકારના કાર્યકાળમાં એક પછી એક કૌભાંડો બહાર આવતા હતા ત્યારે મનીષ તિવારી જ પ્રવક્તા તરીકે બખૂબી ‘ડેમેજ કંટ્રોલ’ કરતા હતા. કદાચ એટલે જ કોંગ્રેસ સુપ્રીમોએ ખૂબ સમજી વિચારીને જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવ્યા હશે! નવાઈની વાત તો એ છે કે, ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલ પણ પ્રેસ કોન્ફરન્સમાં તિવારી જેવા મૂર્ખામીભર્યા નિવેદનો કરી રહ્યા હતા. સિબ્બલે કહ્યું હતું કે, “‘કેગ’ના સનસનીખેજ અહેવાલના કારણે જ દેશની ‘ટેલિકોમ સ્ટોરી’ને જંગી નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.” જ્યારે પી. ચિદમ્બરમે શાણી ભાષામાં વાત કરતા કહ્યું કે, “હવે, ભારત દુનિયાને પોતાની ‘ટેલિકોમ સ્ટોરી’ બતાવી નહીં શકે. કારણ કે, હવે તેના પર સનસનીખેજ સમાચારો હાવી થઈ ગયા છે.”

આ બંને સિનિયર મંત્રીઓ એમ કહેવા માંગતા હતા કે, હવે ભારત સરકાર ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ભરેલી હરણફાળની વાત વિશ્વ સમક્ષ નહીં વહેંચી શકે. યુપીએ સરકારના આ બંને સિનિયર મંત્રીઓ ખૂબ હોંશિયાર છે અને તેઓ સારી રીતે જાણે છે કે, લોકો સુધી વાસ્તવિકતાને તોડી-મરોડીને પોતાની અને પક્ષની તરફેણમાં કેવી રીતે રજૂ કરવી. શું મનીષ તિવારી, કપિલ સિબ્બલ અને પી. ચિદમ્બરમ એ નથી જાણતા કે, 2G સ્પેક્ટ્રમનું કૌભાંડ બહાર આવ્યા પછી સર્વોચ્ચ અદાલતે પણ સ્પેક્ટ્રમની ફાળવણીને લગતા 122 લાયસન્સ રદ કર્યા હતા. એટલું જ નહીં, ‘કેગ’ જેવી જવાબદાર સંસ્થા ફક્ત સનસનાટી ફેલાવવા માટે જ કોઈ અહેવાલ રજૂ ન કરે તે વાત પણ તેઓ બરાબર જાણે છે. પરંતુ કૌભાંડોમાં થયેલી બદનામીથી વ્યથિત થઈને યુપીએ સરકારના મંત્રીઓ બેફામ નિવેદનબાજી પર ઉતરી આવ્યા ત્યારે ખૂબ ભદ્દા લાગતા હતા.

કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ અને મનીષ તિવારી

2G સ્પેક્ટ્રમની હરાજી નિષ્ફળ ગયા મુદ્દે વધુ એક ખુલાસો આપતા કપિલ સિબ્બલે કહ્યું હતું કે, અમે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ આપેલી લઘુતમ કિંમતોના આધારે હરાજી કરી હતી. પરંતુ જો ટ્રાઈએ કિંમતો થોડી ઓછી રાખી હોત તો આ હરાજી સફળ રહી હોત! આમ કહીને સિબ્બલ હરાજીની નિષ્ફળતા માટે ટ્રાઈને પણ જવાબદાર ઠેરવે છે. બીજી તરફ, કપિલ સિલ્લબ એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમ ફાળવણીને પણ આડકતરી રીતે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કપિલ સિબ્બલ કંઈક એવું ઠસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, વર્ષ 2008માં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત તેજી હતી અને વર્ષ 2010થી ટેલિકોમ ક્ષેત્રના કપરા સંજોગોની શરૂઆત થઈ હતી. વર્ષ 2008માં તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાના કાર્યકાળમાં થયેલા 2G સ્પેક્ટ્રમના સોદા અંગે ‘કેગ’ દ્વારા 3G સ્પેક્ટ્રમની હરાજીમાંથી થયેલી આવકને આધાર તરીકે લેવાઈ હતી. નોંધનીય છે કે, ટેલિકોમ મંત્રાલયે વર્ષ 2010માં 3G સ્પેક્ટ્રમની હરાજી કરીને રૂ. 67,719 કરોડની કમાણી કરી હતી. આ આર્થિક ફેરફારો સમજવામાં ‘કેગ’ થાપ ખાઈ ગયું અને એ. રાજાના સમયમાં થયેલી સ્પેક્ટ્રમ ફાળવણીને મોટું કૌભાંડ માની લેવાયું!

જોકે તેમની આ વાતનો છેદ ઉડાડતા સીપીઆઈ-એમના નેતા નિલોત્પલ બાસુએ એક ટીવી કાર્યક્રમમાં દલીલ કરી હતી કે, “તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાએ માત્ર રૂ. 9,200 કરોડમાં 2G સ્પેક્ટ્રમના 122 લાયસન્સની લ્હાણી કરી હતી. પરંતુ આ વખતે માત્ર 22 લાયસન્સની હરાજીમાંથી જ રૂ. 9,200 કરોડ કરતાં વધુ આવક થઈ છે.” જો ટેલિકોમ ક્ષેત્રમાં મંદી હોવા છતાં આટલી રકમ મેળવી શકાઈ હોય તો આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, યુપીએ સરકારના મંત્રી એ. રાજાએ 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેવા ગોટાળા કર્યા હશે! અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે, વર્ષ 2008માં એ. રાજાએ હરાજીથી નહીં, પણ ‘વહેલાં તે પહેલાં’ના ધોરણે 2G સ્પેક્ટ્રમની ફાળવણી કરી દીધી હતી.

આ કેસમાં સીબીઆઈએ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં ફાઈલ કરેલી ચાર્જશીટમાં એ. રાજા પર જાહેર સેવક તરીકે લોકોના વિશ્વાસનો ભંગ, ગુનાઈત કાવતરું, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા વગેરે આરોપો લગાવ્યા હતા. છેવટે ફેબ્રુઆરી 2011માં એ. રાજાની પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હવે, આવા ‘રાજા’ને બચાવવા પડેલા યુપીએ સરકારના મંત્રીઓને એક સવાલ પૂછવાનું મન થાય છે કે, શું તમે 2G સ્પેક્ટ્રમના સમગ્ર કૌભાંડમાં એ. રાજાના બદલે ‘કેગ’ વિનોદ રાયને ગુનેગાર ઠેરવવા માંગો છો?

કદાચ એટલે જ મનીષ તિવારીએ 2G સ્પેક્ટ્રમની હરાજીની નિષ્ફળતા બાદ ખુશખુશાલ થઈને ‘કેગ’ને સવાલ કર્યો હતો કે, “મિ. કેગ, ક્યાં છે રૂ. 1,76,000 કરોડ?” તો તેમના આ મૂર્ખામીભર્યા સવાલનો જવાબ તેમના સાથીદાર કપિલ સિબ્બલે આપી જ દીધો છે. કપિલ સિબ્બલ કહે છે તેમ વર્ષ 2008ની તેજીને વર્ષ 2010 સાથે સરખાવી ન શકાય. કારણ કે, વર્ષ 2010માં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના વળતા પાણી શરૂ થયા હતા. એટલે મનીષ તિવારીએ પણ સમજી લેવું જોઈએ કે, હાલ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી કપરા સંજોગોમાંથી પસાર થઈ રહી હોય તો હરાજીમાંથી રૂ. 1,76,000 કરોડ ઉપજે કેવી રીતે? તેમણે વર્ષ 2010ની સરખામણી વર્ષ 2012 સાથે ન કરવી જોઈએ.

જોકે, કેટલાક આર્થિક નિષ્ણાતો આ હરાજીને નિષ્ફળ નથી ગણી રહ્યા. તેમનું કહેવું છે કે, ટેલિકોમ મંત્રાલયે નેશનલ સ્પેક્ટ્રમ 5 મેગા હર્ટ્ઝની બેઝ પ્રાઈઝ રૂ. 14,000 કરોડ નક્કી કરી હતી. તેઓને આશા હતી કે, બેઝ પ્રાઈઝના 48 ટકા રકમ તો દિલ્હી, મુંબઈ અને કર્ણાટક એમ ફક્ત ત્રણ જ સર્કલમાંથી મળી જશે! આમ સરકારે આ ત્રણેય સર્કલને અગાઉથી જ ‘ઓવરપ્રાઈઝ’ રાખ્યા હતા. પરંતુ તેમાં ધાર્યા મુજબની હરાજી ન થઈ. જોકે આ ત્રણેય સર્કલ સિવાયની હરાજીને નિષ્ફળ ન ગણી શકાય. કારણ કે, ટેલિકોમ મંત્રાલય કુલ બેઝ પ્રાઈઝના 67.9 ટકા રકમ તો મેળવી જ ચૂક્યું છે. બીજી તરફ, ઉપરોક્ત ત્રણેય સર્કલમાં બીજી વાર હરાજી કરવાનો વિકલ્પ તો ખુલ્લો છે જ.

આ પરથી એવું કહી શકાય કે, યુપીએ સરકારના નેતાઓએ હરાજીની નિષ્ફળતા માટે ‘કેગ’ને જવાબદાર ઠેરવીને ‘ડેમેજ કંટ્રોલ’ કરવાનું આગોતરું આયોજન કર્યું હોઈ શકે છે!  જોકે, તેઓ એ. રાજાને ક્યારેય નિર્દોષ સાબિત નહીં કરી શકે. કારણ કે, ખુદ વડા પ્રધાન મનમોહન સિંહ અને તત્કાલીન નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પણ ઈચ્છતા હતા કે, 2G સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવે. પરંતુ છેવટે તેઓ પણ એ. રાજાની ‘યોજના’માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બન્યા હતા. તેઓની આ બેદરકારીના કારણે જ દેશની તિજોરીને રૂ. 1,76,000 કરોડ (‘કેગ’ના અહેવાલ મુજબ)નું જંગી નુકસાન ભોગવવું પડ્યું હતું. નિષ્ણાતોના મતે, વર્ષ 2008માં 2G સ્પેક્ટ્રમની હરાજી કરાઈ હોત તો આ અંદાજિત આંકડા કરતા ઓછામાં ઓછી અડધી રકમ તો મેળવી જ શકાઈ હોત!

2G સ્પેક્ટ્રમ મુદ્દે ‘કેગ’એ રજૂ કરેલા અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એ. રાજાના સમયગાળામાં કરાયેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીમાં થયેલા અંદાજિત નુકસાનની ગણતરી ચાર રીતે ગણતરી કરી શકાય એમ છે. આ ચારેય રીતથી કરેલી ગણતરીના આંકડા અનુક્રમે રૂ. 67,364 કરોડ, રૂ. 69,626 કરોડ, રૂ. 57,666 કરોડ અને રૂ. 1,76,645 કરોડ છે. ‘કેગ’ વિનોદ રાયે આખરી અભિપ્રાય તરીકે રૂ. 1,76,645 કરોડના અંદાજિત નુકસાનનો આંકડો નહોતો આપ્યો. આમ છતાં, કોંગ્રેસના સિનિયર મંત્રીઓ ‘કેગ’ જેવી સન્માનીય સંસ્થા પર કાદવ ઉછાળીને તેમની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે.

જોકે, મનીષ તિવારી કે કપિલ સિબ્બલ પણ આ વાત સારી રીતે જાણે છે, પરંતુ તેઓ લાફો મારીને ગાલ લાલ રાખી રહ્યા છે. કારણ કે, કદાચ તે જ કોંગ્રેસ પક્ષના ‘હિત’માં છે. જો, મનીષ તિવારીનું ચાલે તો તેઓ ‘કેગ’ને જ તેમના ‘જઘન્ય’ અપરાધ બદલ શૂળીએ ચઢાવી દે. વળી, મનીષ તિવારી એ. રાજાએ કરેલી 2G સ્પેક્ટ્રમની ફાળવણીને કૌભાંડ ગણતા જ થી. ઊલટાનું તેઓ બેશરમીથી કહી રહ્યા છે કે, વિપક્ષોએ 2G સ્પેક્ટ્રમ મુદ્દે કરેલા અપપ્રચાર બદલ દેશની માફી માંગવી જોઈએ. તથાસ્તુ.

નોંધઃ તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

10 November, 2012

કાશ્મીર વેલીની ચૂંટણી, આતંકવાદીઓ અને ‘આશા’ની ચિનગારી


“સરકારી અધિકારીઓ લાંચ લીધા વિના પૈસા અહીં સુધી પહોંચવા જ નથી દેતા. જો અમે કંઈ કામ ગમે તેમ કરીને પાર પાડીએ તો અધિકારીઓ મજૂરોને ચૂકવવાના થતા બિલ પણ લાંચ વિના પાસ નથી કરતા. વિકાસમાં ભ્રષ્ટાચાર જ સૌથી મોટો અવરોધ છે. વળી, પંચાયત માટે પણ અમારા ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે છે. અમે કેટલો સમય આવી રીતે ચલાવી શકીશું? હા, હજુ પંચાયત પદ્ધતિ પણ પૂરેપૂરી વિકસી નથી. ચૂંટણીઓ ફક્ત ગ્રામ્ય સ્તરે થાય છે, બ્લોક કે જિલ્લા સ્તરે નહીં. પંચાયત પદ્ધતિના વિકાસમાં પણ ભ્રષ્ટાચાર જ સૌથી મોટો અવરોધ છે. જ્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય ત્યાં સુધી આપણે ગરીબી દૂર નહીં કરી શકીએ.” આ શબ્દો છે, કાશ્મીર વેલીમાં આવેલા નાનકડા ગામ વુસાનના મહિલા સરપંચ આશા ભાટના.

આશાબાઈની વાત પરથી આપણે સમજી શકીએ છીએ કે, વુસાન જેવા દેશના અંતરિયાળ ગામમાં શિક્ષણ, ગરીબી નાબૂદી, રોજગારીનું સર્જન અને અન્ય માળખાગત સગવડો કેમ પહોંચી શકતી નથી! ચિનારના ઊંચા વૃક્ષો અને ઝરણાના કારણે હિમાલયની ગોદમાં વસેલા નાનકડા વુસાન ગામનું સૌંદર્ય બારેમાસ ખીલેલું હોય છે. આ ગામમાં ફક્ત 105 પરિવાર રહે છે, જેમાં 100 મુસ્લિમ અને પાંચ કાશ્મીરી પંડિત પરિવારો છે. કાશ્મીરી પંડિત પરિવારોમાં આશા ભાટનું કુટુંબ પણ સામેલ છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં આશા ભાટને મળેલા જનસમર્થનના કારણે વિશ્વભરનું ધ્યાન આ ગામ તરફ ગયું હતું. કારણ કે, આ ઘટના ભારત-પાકિસ્તાનના સંબંધો માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. બીજી તરફ, કાશ્મીર વેલીમાં એક મહિલા આતંકવાદીઓનો ભય રાખ્યા વિના મજબૂત નેતાગીરી પૂરી પાડે એ પણ એક અનોખી ઘટના છે.

વુસાનની પંચાયત બેઠકમાં આશા ભાટ (વચ્ચે)

હજુ ત્રીજી ઓક્ટોબરે જ આતંકવાદીઓએ કુલગામ, પત્તન અને સંગ્રામ ગામના ત્રણ સ્થાનિક નેતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ત્રણેય સત્તાધારી પક્ષ નેશનલ કોન્ફરન્સના સ્થાનિક નેતાઓ હતા. આ હત્યાકાંડ પછી કાશ્મીરના ગ્રામ્ય અને પંચાયત વિકાસ મંત્રી અલી મુહમ્મદ સાગરે કહ્યું હતું કે, “બધા જ જાણે છે કે, આ હત્યાકાંડથી કોને ફાયદો થયો છે.” અલી મુહમ્મદ સાગરનો ઈશારો પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી તરફ હતો. કાશ્મીરમાં આવા કોઈ પણ હત્યાકાંડ વખતે નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિકના નેતાઓનું આક્ષેપબાજી પર ઉતરી આવવું સામાન્ય છે. પરંતુ આ સ્થિતિમાં કાશ્મીરી પ્રજાને દાદ આપવી પડે. કારણ કે, આતંકવાદીઓના ભય અને જડભરત રાજકારણીઓ વચ્ચે પણ કાશ્મીરીઓ લોકશાહીના પાયાસમાન પંચાયતો અને સરપંચોમાં વિશ્વાસ કરે છે અને હિંમતથી મતદાન કરે છે.

આ સ્થિતિમાં આશાબાઈ જેવા મહિલા નેતાની હિંમતને ખરેખર બિરદાવવી પડે. આશાબાઈએ હજુ એકાદ વર્ષથી જ સ્થાનિક રાજકારણમાં ઝંપલાવ્યું છે, પરંતુ આટલા ઓછા સમયમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાત મહિલા બની ગયા છે. આમિરખાનના બહુચર્ચિત શૉ ‘સત્યમેવ જયતે’માં પણ તેમને આમંત્રણ મળ્યું હતું. કારણ કે, કાશ્મીર વેલીના વુસાન ગામમાં એપ્રિલ 2011માં આશરે ત્રણ દાયકા બાદ યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં મુસ્લિમ બહુમતી વિસ્તારમાં ચૂંટાઈ આવનાર તેઓ પહેલાં મહિલા નેતા હતા. ચૂંટણીમાં ઝંપલાવવા મુદ્દે તેઓ અત્યંત સહજતાથી કહે છે કે, “હું મારા ગ્રામજનોને કંઈક મદદ કરવા માંગતી હતી, ખાસ કરીને સ્ત્રીઓને. સ્ત્રીઓ માટે મારે રોજગારીનું સર્જન કરવું હતું. જેમ કે, ગરમ વસ્ત્રોનું ગૂંથણકામ કરી આપતું કેન્દ્ર કે પછી આંગણવાડી.”

આજે કાશ્મીર વેલીમાંથી મોટા ભાગના કાશ્મીરી પંડિતો જમ્મુ કે અન્ય સુરક્ષિત સ્થળોએ ચાલ્યા ગયા છે. પરંતુ આશા ભાટના પરિવાર જેવા કેટલાક લોકોએ અહીં જ રહેવાનું પસંદ કર્યું છે. આ વાતનો જવાબ આપતા તેઓ કહે છે કે, “અમે અહીં રહેવાનું પસંદ કર્યું. કારણ કે, અમને ક્યારેય કોઈનો ભય નથી લાગ્યો, આતંકવાદ તેની ચરમસીમાએ હતો ત્યારે પણ. અમે ક્યારેય વિચાર્યું જ નથી કે અમે હિંદુ છીએ અને મુસ્લિમોની વચ્ચે રહીએ છીએ. અમે હંમેશાં એવું જ વિચારીએ છીએ કે, અમે અમારા ભાઈ-બહેનો સાથે રહીએ છીએ.” કદાચ એટલે જ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવતી વખતે પણ આશા ભાટને એવો વિચાર સુદ્ધાં નહોતો આવ્યો કે, તેઓ એક હિંદુ છે અને પાછા મહિલા છે. તેથી કોઈ મુસ્લિમ તેમને મત નહીં આપે.

રસપ્રદ વાત તો એ છે કે, આશા ભાટને ચૂંટણી લડવાની પ્રેરણા તેમના મુસ્લિમ પાડોશીઓએ જ આપી હતી. વેલીમાં 100 મુસ્લિમ પરિવારોના સહકારના કારણે જ આજે તેઓ સ્થાનિક સ્તરના અગ્રણી નેતા બની શક્યા છે. આપણે સમજી શકીએ છીએ કે, ફક્ત પાંચ કાશ્મીરી પંડિત પરિવારોના ગામના 100 મુસ્લિમ પરિવારોનો વિશ્વાસ જીતનારા આશાબાઈની નેતાગીરીને ખરેખર દાદ આપવી પડે. તેઓ કહે છે કે, ચૂંટણીમાં ઝંપલાવ્યું એ પહેલેથી હું ગામના લોકોને વિવિધ મુદ્દે મદદ કરતી હતી. ગામના છોકરાઓને છોડાવવા માટે પણ વિવિધ પ્રસંગોએ મારે મિલિટરી અધિકારીઓ સાથે વાતચીત કરવાની થતી. આતંકવાદ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે આર્મી શંકાના આધારે કોઈ પણ યુવાનોની અટકાયત કરી લેતી. તેથી ગામમાં મારી છાપ સામાજિક કાર્યકર્તાની પડી ગઈ, અને લોકોએ મને ચૂંટણીમાં જીતાડી દીધી.

જોકે, આશાબાઈ માને છે કે, હજુ ઘણું બધુ કરવાનું બાકી છે. અમે ગરીબ મહિલાઓને મદદ કરી શકીએ એટલા સક્ષમ નથી. અમારી પાસે લોકોને મદદ કરવા માટે પૂરતી સત્તા અને વિવિધ સ્રોતો નથી. નાના નાના કામ માટે સરકારી અધિકારીઓ પાસે જવું પડે છે. તેઓ અત્યંત ધીમી ગતિએ કામ પૂરા કરે છે. અમારે નાના નાના કામ માટે વારંવાર તેમની પાસે જવું પડે છે. પરિણામે અમે ગરીબ લોકોની અપેક્ષાઓમાં ખરા નથી ઉતરી શકતા. પરિણામે અમને પણ લાગે છે કે, અમે પૂરતું કામ કરવા સક્ષમ નથી. હજુ સુધી હું ગામમાં એક નાનું કેન્દ્ર સ્થાપી નથી શકી જેમાં મહિલાઓને રોજગારી આપી શકાય.

આમ છતાં, ખુશીની વાત એ છે કે ગામના લોકો આશાબાઈના કામથી ખુશખુશાલ છે. તેઓ સતત કહેતા રહે છે કે, “અમે આશાબાઈને મત આપીશું, અમે તેમને ચૂંટીશું.” હજુ તો આશાબાઈ ગામમાં ફક્ત પીવાના પાણી માટે હેન્ડ પંપ, નાનકડા રસ્તા અને ખાળમોરીઓ જ બંધાવી શક્યા છે. તેથી લોકો પ્રશ્ન કરે છે કે, જે મહિલા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી ચૂકી છે તે તેના અને આસપાસના ગામને વધુ મદદરૂપ કેમ ન થઈ શકે? આ વાતનો જવાબ આપતા તેઓ કહે છે કે, “હા, હું બહુ પ્રખ્યાત છું અને શરૂમાં મને તે ગમતું હતું. હું મીડિયાને ઈન્ટરવ્યૂ આપતી હતી. મારા કામ અંગે કંઈક બોલવા માટે મને દિલ્હી, નાગપુર, પૂણે અને મુંબઈમાં આમંત્રણો મળતા હતા. પરંતુ આટલી પ્રસિદ્ધિના અંતે પણ ગામમાં કંઈ કામ કરવા માટે મને પૂરતી મદદ નથી મળી. આ મારી સૌથી મોટી મુશ્કેલી છે. લોકો મને ટીવી પર જુએ અને વિચારે છે કે, મારી પાસે દરેક મુશ્કેલીનો જવાબ છે. કેટલાક ગ્રામજનો પણ માને છે કે, આટલી પ્રસિદ્ધિ પછી પણ હું કંઈ ખાસ કરી શકી નથી.”

હિજબુલ મુજાહિદ્દીનો પાકિસ્તાન
સ્થિત વડો સૈયદ સલાહુદ્દીન 
આઘાતજનક સમાચાર તો છે કે, જ્યારથી કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાનું શરૂ થયું છે ત્યારથી આતંકવાદીઓએ હિંસાનું પ્રમાણ વધારી દીધું છે. કારણ કે, પાકિસ્તાન નથી ઈચ્છતું કે, ભારતમાં લોકશાહીના પાયા સમાન ગ્રામ પંચાયતો કે સરપંચો સ્થાનિક સ્તરે કાશ્મીરની પ્રજાને સબળ નેતૃત્વ પૂરું પાડે. આ અંગે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન ‘તહેલકા’ના પત્રકાર રિયાઝ વાનીને એક ઈન્ટરવ્યૂમાં કહે છે કે, “કાશ્મીરીઓને પોતાની તરફેણમાં કરવા ભારત કાશ્મીરી પંચો અને સરપંચોનું શોષણ કરે છે. તેઓ તેમને સતત નિશાન બનાવે છે. અમે એટલે જ સરપંચોને રાજીનામું આપવાનું કહી રહ્યા છીએ તેમજ અમે તેમને કાશ્મીર ચળવળમાં વિઘ્નો ઊભા કરવાના હાથા બનતા રોકવા માંગીએ છીએ. આ ઉપરાંત અમે કાશ્મીરીઓને ગ્રામ પંચાયતોનો વિરોધ કરવાની સલાહ આપીએ છીએ.” જોકે, હિજબુલ મુજાહિદ્દીન જેવા જૂથો કાશ્મીરીઓને ફક્ત સલાહ આપીને અટકી નથી જતા. તેઓ તેમની ‘સલાહ’ નહીં માનનારા સ્થાનિક નેતાઓની સરેઆમ હત્યા કરી નાંખે છે.

આ સ્થિતિમાં કાશ્મીર વેલીમાં અનેક પંચો અને સરપંચોએ રાજીનામા આપી દીધા છે. પરંતુ આશાબાઈ ડરે એ લોકોમાંના નથી. તેમના વિસ્તારમાંથી હજુ કોઈએ રાજીનામું આપ્યું નથી. તેઓ કહે છે કે, “હું અન્ના હજારેમાં વિશ્વાસ કરું છું. હું ભ્રષ્ટાચારની વિરોધી છું અને આપણે ભ્રષ્ટાચાર સામે લડવું જોઈએ. હું મરીશ ત્યાં સુધી ‘આશા’ નહીં ગુમાવું.”

06 November, 2012

હંમેશા પ્રસ્તુત ફિલ્મ ‘જાને ભી દો યારો’


કુંદન શાહની વર્ષ 1983માં રિલીઝ થયેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘જાને ભી દો યારો’ બીજી નવેમ્બરે રિ-રિલીઝ થઈ છે. દેશમાં રોજેરોજ જાતભાતના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ભ્રષ્ટ રાજકારણીઓ પર વ્યંગ કરતી ફિલ્મ રિલીઝ થઈ છે તે એક યોગાનુયોગ છે. આપણે નસીબદાર છીએ કે, ચૂંટણી પંચે આ ફિલ્મની રિલીઝ અટકાવી હોય એવા કોઈ સમાચાર નથી! ‘જાને ભી દો યારો’માં શરૂઆતથી અંત સુધી રાજકારણીઓ, બ્યુરોક્રેસી અને મીડિયાના ભ્રષ્ટાચાર પર જોરદાર કટાક્ષ કરાયા છે. અત્યંત ગંભીર મુદ્દા પણ ફિલ્મમાં અત્યંત કટાક્ષમય રીતે વણી લેવાયા હોવાથી જ કુંદન શાહ અને આ ફિલ્મ હિન્દી સિનેમામાં અમર થઈ ગયા છે. 

કુંદન શાહ 
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પીવીઆર સિનેમાએ સંયુક્ત રીતે ‘જાને ભી દો યારો’ના ડિજિટલી રિ-સ્ટોર વર્ઝનને મુંબઈ, પૂણે, દિલ્હી, ગુરગાંવ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા, ચંદીગઢ, સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના 11 શહેરોમાં રિલીઝ કરી છે. આવી ધમાકેદાર રિ-રિલીઝથી ખુશખુશાલ ‘જાને ભી દો યારો’ના ડિરેક્ટર કુંદન શાહ કહે છે કે, “આ સમાચારથી હું અત્યંત ખુશ છું અને આશા છે કે, ‘જાને ભી દો યારો’ને થિયેટરમાં જોવા દર્શકો પણ આતુર હશે.” 

આજથી 29 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘જાને ભી દો યારો’ની સ્ક્રીપ્ટ કુંદન શાહે સુધીર મિશ્રા સાથે મળીને લખી હતી, જ્યારે સંવાદો રણજિત કપૂર અને સતીષ કૌશિકે લખ્યા હતા. આ ફિલ્મ માટે કુંદન સાહેબે નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, રવિ બાસવાની, પંકજ કપૂર, સતીશ શાહ, ભક્તિ બર્વે, સતીશ કૌશિક અને નીના ગુપ્તા જેવા એક એકથી ચડિયાતા ધુરંધર કલાકારો પસંદ કર્યા હતા. તેનું કારણ એ હતું કે, એ વખતે આમાંના મોટા ભાગના કલાકારો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવાસવા હતા અને તેમને ફિલ્મ માટે સાઈન કરવા બહુ મોટી રકમ આપવાની જરૂર ન હતી.

ફિલ્મમાં દારૂડિયા ‘બિલ્ડર’ની ભૂમિકા કરનારા ઓમ પુરીએ ‘જાને ભી દો યારો’ના શૂટિંગની યાદો વાગોળતા કહ્યું હતું કે, “ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે અમને કલ્પના પણ ન હતી કે, આ ફિલ્મ ભવિષ્યમાં કલ્ટ ક્લાસિક સ્ટેટસ મેળવશે. અમે અલીબાગમાં શૂટિંગ કરતા હતા અને ડિરેક્ટર પાસે પૈસા નહોતા. અમારું આખું ફિલ્મ ક્રૂ પથારી કે ઓશિકા વિના જમીન પર સૂઈ જતું. ક્યારેક અમે અમારા ટોવેલ પાથરીને સૂઈ  જતા.” 

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પૂણેમાંથી અભ્યાસ કરીને બહાર આવેલા કુંદન શાહને પણ ખબર નહોતી કે, આવી સ્થિતિમાં બનાવેલી તેમની પહેલી જ ફિલ્મને સમય જતા ભારતની મહાન ફિલ્મોમાં સ્થાન મળવાનું છે‘જાને ભી દો યારો’ પછી કુંદન સાહેબે વર્ષ 1993માં ‘કભી હા, કભી ના’, વર્ષ 2000માં ‘ક્યાં કહેના’, ‘હમ તો મહોબ્બત કરેગા’ અને વર્ષ 2002માં ‘દિલ હૈ તુમ્હારા’ જેવી ફિલ્મો બનાવી. 

વર્ષ 1985માં આવેલી ‘ખામોશ’ની વાર્તા પણ તેમણે લખી હતી, જ્યારે 1986માં દેશભરમાં જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરનારી ટેલિવિઝન સીરિઝ ‘નુક્કડ’નું ડિરેક્શન પણ કુંદન શાહે જ સંભાળ્યું હતું. મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મીને પૂણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ સુધી પહોંચેલા એક સામાન્ય યુવક પાસે ફિલ્મ બનાવવાના પૈસા તો ક્યાંથી હોય! પરંતુ કુંદન સાહેબે ગમે તેમ કરીને ‘જાને ભી દો યારો’નું શૂટિંગ શરૂ કર્યું અને ફિલ્મ ક્રૂને ખાવાપીવાની વ્યવસ્થા કરવા માટે પોતાના ઘરે એક રસોઈયો રાખી લીધો.

‘જાને ભી દો યારો’નું પોસ્ટર 

આ વાત યાદ કરતા ઓમ પુરી કહેતા કે, “હા, એ વખતે અમારું ખાવાનું ડિરેક્ટરના ઘરેથી આવતું હતું, અને તે અમને રોજ દૂધીનું શાક અને દાળ ખવડાવતો હતો. મને આજે પણ યાદ છે કે, કોઈ એક કપ ચ્હા માંગે તો પણ પ્રોડક્શન મેનેજર બૂમ મારીને કહેતો હતો કે, અરે ભાઈ કલાક પહેલાં તો ચ્હા પીધી. અમે આવી સ્થિતિમાં શૂટિંગ કર્યું હતું. પરંતુ અમે બધા મિત્રો હતા અને આવા વિપરિત સંજોગો વચ્ચે પણ ગમે તેમ કરીને ફિલ્મ પૂરી કરી.” 

કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી, પરંતુ દેશની એ સમયની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પર આકરા વ્યંગ કરતી આ ફિલ્મને સમય જતા ક્લાસિકનો દરજ્જો મળી ગયો હતો. આ ફિલ્મની વાર્તા નસીરુદ્દીન શાહ અને રવિ બાસવાની નામના બે પ્રામાણિક ફોટોગ્રાફર પર આધારિત છે. તેઓ એક નાનકડો સ્ટુડિયો શરૂ કરે છે અને તેમને ‘ખબરદાર’ નામના એક નાનકડા છાપાનું એસાઈન્મેન્ટ મળે છે. બીજી તરફ, તેઓ રૂ. પાંચ હજારનું ઈનામ જીતવા શહેરમાં આયોજિત એક ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લે છે. સ્પર્ધામાં જીતવા માટે તેઓ મુંબઈમાં રખડપટ્ટી કરીને સંખ્યાબંધ તસવીરો લે છે. હવે ખરી ફિલ્મ શરૂ થાય છે. એક તસવીરમાં તેમને બંદૂક લઈને ઊભેલો એક માણસ દેખાય છે. આ તસવીર એનલાર્જ કરીને જોતા તેમને માલુમ પડે છે કે, મ્યુનિસિપલ કમિશનર ડીમેલો (સતીશ શાહ)નો હત્યારો બીજો કોઈ નહીં, પણ બિલ્ડર તર્નેજા (પંકજ કપૂર) જ છે.

હવે તેઓ તર્નેજાનો પર્દાફાશ કરવા કબ્રસ્તાનમાં જઈને લાશનો કબજો મેળવી લે છે. પરંતુ આ લાશ પણ ચોરાઈ જાય છે. બાદમાં તેમને જાણ થાય છે કે, તર્નેજાનો હરીફ બિલ્ડર આહુજા (ઓમ પુરી) દારૂના નશામાં કાર સાથે લાશને તેના ફાર્મહાઉસ પર લઈ ગયો છે.  એ વખતે તેઓ તર્નેજાને ખુલ્લો પાડવાની આશા સાથે ‘ખબરદાર’ના તંત્રી (ભક્તિ બર્વે) પાસે પહોંચીને બધી જ માહિતી આપે છે, પરંતુ તંત્રી તર્નેજાને બ્લેકમેઇલિંગ કરે છે. તર્નેજા છાપાના તંત્રી અને બંને ફોટોગ્રાફરનું કાસળ કાઢવા બોમ્બ વિસ્ફોટ કરાવે છે, પરંતુ આ વિસ્ફોટમાં તમામ લોકો બચી જાય છે. છેવટે બંને ફોટોગ્રાફરો લાશને પોતાની સાથે લઈ જાય છે.

ફિલ્મના એક દૃશ્યમાં ઓમપુરી

સૌથી મહત્ત્વની વાત એ છે કે, આટલી ગંભીર વાત કહેતી ફિલ્મમાં પણ હાસ્યની છોળો ઊડે છે. ફિલ્મમાં શરૂઆતથી અંત સુધીના દેશની રાજકીય અને સામાજિક સ્થિતિ પર સતત કટાક્ષ કરાયા છે. વળી, કુંદન શાહે ફિલ્મમાં લાશને પણ ભૂમિકા આપી છે, તે પણ એક સિદ્ધિ છે. ફિલ્મના છેલ્લા દૃશ્યમાં સ્ટેજ પર ‘મહાભારત’ ભજવાતું હોય છે, જેમાં વસ્ત્રાહરણ વખતે દ્રોપદીની ભૂમિકામાં ખુદ સતીશ શાહની લાશ હોય છે. દ્રોપદીનું આત્મસન્માન જાળવવા ઓમ પુરી સ્ટેજ પર જઈને સોગંદ લે છે. પરંતુ ખરેખર તે દુર્યોધન હોય છે. આ દૃશ્યમાં દુર્યોધને (ઓમપુરી) ગોગલ્સ પહેર્યા હોય છે.

આ અંગે ઓમપુરી કહે છે કે, “ફિલ્મનું શૂટિંગ ચાલતુ હતું ત્યારે મેં કુંદન શાહને ગોગલ્સ પહેરવા મુદ્દે સવાલ પૂછ્યો હતો કારણ કે, હું બિલ્ડરની ભૂમિકામાં હતો. ત્યારે કુંદન શાહે કહ્યું હતું કે, બિલ્ડર ગોગલ્સ કેમ ના પહેરી શકે? એ પછી મેં શૂટિંગ સાઈટ નજીકની એક નાનકડી દુકાનમાંથી ગોગલ્સ ખરીદી લીધા. એ પછી તો મેં મહાભારતના દૃશ્યમાં પણ ગોગલ્સ પહેરી રાખ્યા અને કુંદન જોરદાર ગુસ્સે થયા. તેમને લાગ્યું હતું કે, હું મૂર્ખો લાગી રહ્યો છું. પછી મેં તેમને સમજાવ્યા કે, આખરે ફિલ્મમાં મારું પાત્ર જ એવું છે તો તેમાં ખોટું શું છે. આ વાત તેઓ તરત જ સમજી ગયા હતા અને આખી ફિલ્મનું સૌથી રસપ્રદ દૃશ્ય એ જ બન્યું.” 

બીજી રસપ્રદ વાત એ છે કે, એ વખતે ઓમ પુરી પોતાની ઈમેજથી ખૂબ કંટાળી ગયા હતા અને તેથી તેમણે આ ફિલ્મ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ કહે છે કે, “ફિલ્મનું શૂટિંગ 1981માં શરૂ થયું હતું, અને હું 1976માં મુંબઈ આવ્યો હતો. આટલા સમયમાં લોકો મને મૂંગો, ગંભીર અને સેન્સ ઓફ હ્યુમરનો બિલકુલ અભાવ હોય એવો અભિનેતા સમજતા હતા. હું ગમે તે ભોગે આ ઈમેજ તોડવા માંગતો હતો અને તેથી મેં નાટકો કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન મારા પર દિલ્હીથી રણજિત કપૂરનો કૉલ આવ્યો. હું હોસ્ટેલમાં રહેતો હતો અને મારી પાસે ત્યાં જવા પૈસા નહોતા. છતાં ગમે તેમ કરીને મેં બે હજાર રૂપિયા ભેગા કર્યા.”

આટલું બોલીને મ્હોં પર હાસ્ય સાથે ઓમ પુરી કહેતા કે, “પછી અમે એક નાટક બનાવ્યું અને તેનો પહેલો જ શૉ પૃથ્વી થિયેટરમાં હતો. આ નાટક જોરદાર હીટ ગયું અને 60 શૉ પૂરા કર્યા. આ સમાચાર બધે જ ફેલાઈ ગયા અને મને પણ આ ફિલ્મ મળી. જો મેં એ નાટક ના કર્યું હોત તો હું જાને ભી દો યારોમાં ના હોત!

જોકે, આટલા વર્ષો પછી ભારતીય દર્શકો ફિલ્મ પસંદ કરશે કે નહીં એ અંગે ‘જાને ભી દો યારો’ના બે મુખ્ય પાત્રો નસીરુદ્દીન શાહ અને ઓમ પુરીને થોડી શંકા છે. નસીરુદ્દીન શાહ એક મુલાકાતમાં કહે છે કે, “અત્યારની દેશની સ્થિતિ જોતા લાગે છે કે, આ ફિલ્મની રિ-રિલીઝનો આનાથી ઉત્તમ સમય બીજો કોઈ ના હોઈ શકે! મને લાગે છે કે, આ વિષય ભારતમાં હંમેશાં પ્રસ્તુત રહેશે કારણ કે, મને નથી લાગતું ભ્રષ્ટાચાર ક્યારેય અટકવાનું નામ લે. ભલે આપણે ભ્રષ્ટાચાર રોકવાના ગમે તેટલા પ્રયત્નો કરીએ.” 

આશા રાખીએ કે નસીર સાહેબ કમસે કમ આ વાતમાં ખોટા પડે.

03 November, 2012

વિજ્ઞાનીઓને પણ હંફાવતું વાવાઝોડું ‘સેન્ડી’


વિજ્ઞાનીઓ વચ્ચે વર્ષોથી મતભેદ છે કે, વાવાઝોડું, દરિયાની સપાટી ઊંચી આવવી અને ગ્લેશિયર પીગળવા જેવી વિવિધ પર્યાવરણીય મુશ્કેલીઓ પાછળ ગ્લોબલ વોર્મિંગ કે ક્લાઈમેટ ચેન્જ કારણભૂત છે કે નહીં? હાલ અમેરિકાના અનેક રાજ્યોમાં તારાજી સર્જનારા વાવાઝોડા ‘સેન્ડી’ અંગે પણ વિજ્ઞાનીઓ જાતભાતના મત ધરાવે છે. નવાઈની વાત તો એ છે કે, વિજ્ઞાનીઓ પણ આવી અનેક કુદરતી દુર્ઘટનાઓને સારી રીતે સમજી શક્યા નથી. પરંતુ ગુજરાતી છાપાના ‘નિષ્ણાત’ કટાર લેખકો દરેક વાવાઝોડા કે વરસાદી ઋતુચક્રમાં થતા ફેરફારો પાછળ ગ્લોબલ વૉર્મિંગ હોવાનું માને છે. ખેર, વિશ્વના બે અગ્રણી ક્લાઈમેટોલોજિસ્ટ કેરી ઈમાન્યુઅલ અને કેવિન ટ્રેનબર્થ આ વિશે શું માને છે એ  બને તેટલી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. 

એમઆઈટીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ કેરી ઈમાન્યુઅલ 
માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ કેરી ઈમાન્યુઅલ વાવાઝોડા સેન્ડીને હાઈબ્રિડ સ્ટોર્મ ગણાવી રહ્યા છે. જોકે, ક્લાઈમેટોલોજિસ્ટો સિવાયના મોટા ભાગના વિજ્ઞાનીઓ આ પ્રકારના વાવાઝોડા વિશે ખાસ કશું જાણતા નથી. હાઈબ્રિડ સ્ટોર્મ શું છે એ સરળ ભાષામાં કહીએ ‘ડેમેજિંગ રેઈનફૉલ’ છે. જે વરસાદી વાદળો વરસતા વરસતા રહી જાય અને તેની આડઅસરરૂપે આ પ્રકારની કોઈ દુર્ઘટના સર્જાય તેને વિજ્ઞાનની ભાષામાં ડેમેજિંગ રેઈનફૉલ કહી શકાય. વિજ્ઞાનીઓ કહે છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે થતું આવું નુકસાન ભવિષ્યમાં આપણને વધુ મોટા પાયે જોવા મળશે. જોકે, કેટલાક વિજ્ઞાનીઓ આ વાવાઝોડાનું કદ જોતા જણાવે છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે આ પ્રકારનું વાવાઝોડુ સર્જાઈ ના શકે. જ્યારે કેટલાક વિજ્ઞાનીઓ તમામ પ્રકારના વાવાઝોડાને ગ્લોબલ વૉર્મિંગની આડઅસર જ ગણાવી રહ્યા છે. (ગુજરાતી લેખકોની જેમ નહીં, પણ ચોક્કસ તાર્કિક કારણો સાથે) આ અંગે કેરી ઈમાન્યુઅલ કહે છે કે, “એ વાત સાચી છે કે કોઈ પણ પર્યાવરણીય ઘટનાને અન્ય ઘટના સાથે સહેલાઈથી જોડી શકાય છે. ભલે પછી તે ક્લાઈમેટ ચેન્જ, અલ નીનો જેવું વાવાઝોડુ હોય કે પછી સવારે તમારી દાદીના દાંત પડી ગયા હોય. તમે દરેક ઘટના માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ન ઠેરવી શકો. ખરેખર તો આ કુદરતની કમાલ છે.”

કેરીના મતે, સેન્ડી એક હાઈબ્રિડ સ્ટોર્મ છે. સેન્ડી વાવાઝોડુ બીજા વાવાઝોડા જેવા સિદ્ધાંત પર ઉદભવ્યું છે, પરંતુ તેમાં વિન્ટર સ્ટોર્મનો સિદ્ધાંત પણ એટલો જ લાગુ પડે છે. વાવાઝોડુ અને વિન્ટર સ્ટોર્મની શક્તિના સ્રોત અલગ અલગ છે. વાવાઝોડુ દરિયાના પાણીના બાષ્પીભવનમાંથી તાકાત એકઠી કરે છે. જ્યારે વિન્ટર સ્ટોર્મનો આકાર આડો (હોરિઝોન્ટલ) હોય છે અને તે વાતાવરણમાંથી શક્તિ ભેગી કરે છે. પરંતુ હાઈબ્રિડ સ્ટોર્મ આ બંને સ્રોતમાંથી શક્તિનો સંચય કરે છે અને એટલે તે આ બંનેથી વધુ શક્તિશાળી હોય છે. 

ક્લાઈમેટ ચેન્જની જેમ હાઈબ્રિડ સ્ટોર્મ વિશે પણ વિજ્ઞાનીઓ વચ્ચે મતમતાંતર છે. આમ તો, હરીકેન ક્લાઈમેટોલોજી વિશે આજનું વિજ્ઞાન ઘણું બધુ જાણે છે, પરંતુ વિજ્ઞાન હાઈબ્રિડ સ્ટોર્મ વિશે ખાસ કશું નથી જાણતુ. કેરી ઈમાન્યુઅલ કહે છે કે, “ક્લાઈમેટની હાઈબ્રિડ સ્ટોર્મ પર કેવી રીતે અસર થાય છે એ સમજવા હાલ વિજ્ઞાન પાસે સારું થિયોરેટિકલ અથવા મોડેલિંગ ગાઈડન્સ નથી. હું સ્પષ્ટપણે માનું છુ કે, તેથી તેના વિશે વધુ કંઈ કહી શકાય એમ નથી. બીજી તરફ, આવા કોઈ સવાલનો સીધી લીટીમાં જવાબ ના આપી શકાય. કારણ કે, આપણે ઘણું બધુ નથી જાણતા. હું એવું નથી કહેતો આ વાવાઝોડા પર ક્લાઈમેટની કોઈ અસર જ નથી. પરંતુ પ્રામાણિકતાથી કહું તો, આના વિશે અમે વધુ કંઈ નથી જાણતા.”

‘નાસા’ના જીયોસ્ટેશનરી ઓપરેશનલ એન્વાયર્મેન્ટલ સેટેલાઈટ-13એ
લીધેલી વાવાઝોડા ‘સેન્ડી’ની તસવીર 

પરંતુ અહીં એક સવાલ થવો સ્વભાવિક છે કે, શું વાતાવરણમાં જેમ જેમ ફેરફારો થતા જશે તેમ તેમ પૃથ્વી પર વાવાઝોડાનું પ્રમાણ પણ વધતુ જશે. હા, કેટલાક વિજ્ઞાનીઓ આવો ભય વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ મુદ્દે પણ કેરીનું કહેવું છે કે, “ખરેખર આ વિશે પણ વિજ્ઞાન ચોક્કસ કશું નથી જાણતુ.” કેરી અને તેમના જેવા અન્ય વિજ્ઞાનીઓ સંભાવનાની થિયરીને રજૂ કરતા કહે છે કે, આવું શક્ય છે પણ ખરું અને નહીં પણ. જોકે, છેલ્લાં ઘણાં વર્ષોમાં આવેલા વિવિધ વાવાઝોડામાં કોઈ મોટા ફેરફારો જોવા નથી મળ્યા. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે, તેમાં કોઈ ફેરફારો નથી થઈ રહ્યા. કારણ કે, પર્યાવરણીય ફેરફારો હજારો-લાખો વર્ષની સતત પ્રક્રિયાના અંતે થતા હોય છે.

આ થિયરીના આધારે એટલું તો કહી શકાય કે, સેન્ડી જેવા હાઈબ્રિડ સ્ટોર્મ પાછળ પણ ક્લાઈમેટ ચેન્જ થોડું ઘણું તો કારણભૂત હશે જ! આ મુદ્દો સમજાવતા કેરી કહે છે કે, સેન્ડી માટે જવાબદાર સૌથી મોટું પરિબળ કોઈ હોય તો તે છે, દરિયાઈ પાણી. આ વર્ષે અમેરિકામાં દરિયાનું પાણી કોઈ કારણોસર દર વર્ષ કરતા વધુ ગરમ હતું. એનો અર્થ એ છે કે, આ વર્ષે બાષ્પીભવન પણ વધુ થયું છે અને એટલે જ આ વાવાઝોડામાં વધુ વરસાદ પડ્યો છે. હા, ક્લાઈમેટ રિસર્ચના અંતે એટલું ચોક્કપણે જાણવા મળ્યું છે કે, દરેક પ્રકારના વાવાઝોડા આગળ વધવા માટે વરસાદી શક્તિનો ઉપયોગ કરે છે. એટલે ગ્લોબલ વૉર્મિંગના કારણે વધુ બાષ્પીભવન થઈ શકે છે અને તેના કારણે વાવાઝોડું વધુ શક્તિશાળી બની શકે છે.

આ પ્રક્રિયા પરથી સમજી શકાય છે કે, વાવાઝોડું વરસાદ અને વરસાદ પૂર જેવી દુર્ઘટનાઓ સર્જી શકે છે. જેમ કે, વર્ષ 1998માં આવેલા ‘મિચ’ વાવાઝોડાના કારણે પૂર આવ્યું હતું. જોકે, વાવાઝોડામાં તો ખાસ કંઈ નુકસાન નહોતુ થયું પરંતુ પૂરના કારણે મધ્ય અમેરિકામાં 11 હજાર લોકો તણાઈ ગયા હતા. તેથી વાવાઝોડાની વરસાદી શક્તિની અવગણના ના કરવી જોઈએ. આપણે વાવાઝોડાની વાત કરીએ છીએ ત્યારે મોટે ભાગે પવનની ગતિને જ ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ તેની વરસાદી શક્તિને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

કેવિન ટ્રેનબર્થ
જોકે, નેશનલ સેન્ટર ફોર એટમોસફેરિક રિસર્ચના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ કેવિન ટ્રેનબર્થ સ્પષ્ટપણે માને છે કે, ક્લાઈમેટ ચેન્જના કારણે જ આ વાવાઝોડાને આટલી પ્રચંડ શક્તિ મળી છે. તેમના મતે, દરિયાની સપાટીમાં થયેલો થોડા ઈંચનો વધારો પણ આવા વાવાઝોડા માટે કારણભૂત છે. આ અંગે કેવિન ટ્રેનબર્થ કહે છે કે, “તમે ઘણી વાર સાંભળ્યુ હશે કે, દરિયાની સપાટી દર વર્ષે ત્રણ મીલિમીટર વધી રહી છે. તમે દરિયા કિનારે જઈને ઊભા રહો અને પછી જુઓ કે, તમારા અંગૂઠા ડૂબ્યા છે કે પછી તમારી ઘૂંટી? ખેર, હું કહેવા માંગુ છુ કે ક્લાઈમેટ ચેન્જ આવી રીતે કામ નથી કરતું. દરિયાઈ સપાટીમાં બહુ મોટા ફેરફારોને પણ આપણે સહેલાઈથી નથી જાણી શકતા. જેવી સપાટી વધે કે તુરંત જ સેન્ડી જેવા વાવાઝોડા નથી ત્રાટકતા.” પરંતુ કેવિન ચોક્કસપણે માને છે કે, સેન્ડી જેવી દુર્ઘટનાઓ વાતાવરણમાં થતા ફેરફારોને જ આભારી છે. તેઓ કહે છે કે, “સેન્ડી પાછળ પણ ક્લાઈમેટ ચેન્જ કારણભૂત હોવાની પ્રબળ સંભાવના છે.” તેમની જેમ અનેક વિજ્ઞાનીઓ કહે છે કે, જે વર્ષે દરિયાનું પાણી ગરમ હોય, દરિયા પરની હવા ગરમ હોય અને ભેજ વધુ હોય ત્યારે જ વાવાઝોડા ત્રાટકે છે. કોઈ પણ વાવાઝોડાને આ ત્રણેય ઊર્જા આપવાનું કામ કરે છે. વળી, આવું વાવાઝોડું વરસાદ અને પૂર જેવી દુર્ઘટનાઓને પણ સાથે લઈને આવે છે. કેવિન કહે છે કે, “કોઈ પણ વાવાઝોડા આવવાનું કારણ પર્યાવરણીય ફેરફારો જ હોય છે. પર્યાવરણીય ફેરફારોની સાથે વાવાઝોડાના પ્રકાર પણ બદલાય છે. જેમ કે, અત્યારે સમુદ્રનું તાપમાન ઊંચુ હોય છે અને વાતાવરણમાં ભેજ વધુ છે. આ સ્થિતિ અત્યંત શક્તિશાળી વાવાઝોડુ સર્જવા પૂરતી છે.” પરંતુ કેવિન અને તેમના જેવા અન્ય વિજ્ઞાનીઓ એ નથી જાણતા કે, આ સ્થિતિમાં વાવાઝોડુ આખરે કયા સમયે સર્જાઈ શકે. 

આ વાત સમજાવતા કેવિન કહે છે કે, “જ્યારે સમુદ્રની સપાટી ગરમ હોય, વાતાવરણમાં ભેજ વધુ હોય ત્યારે વરસાદ વધુ આવે. આવી સ્થિતિમાં વરસાદ પાંચથી દસ ટકા જેટલો વધુ હોય. પરિણામે સમુદ્રની સપાટી પણ થોડી ઊંચી આવે. અત્યારના આંકડા મુજબ, દર સો વર્ષે સમુદ્રની સપાટી એક ફૂટ ઊંચી આવે છે, એટલે કે વીસ વર્ષમાં સમુદ્રની સપાટી 2 1/4 જેટલી ઊંચી આવે. આમ તો તે બહુ મોટો ફેરફાર ન કહેવાય, પરંતુ ટાપુઓ અને દરિયા કિનારાના શહેરો પર તેની બહુ મોટી અસર થાય છે. હવે, સેન્ડી જેવા વાવાઝોડા પાછળ આવા અનેક પરિબળો કારણભૂત હોય છે.”

શું સેન્ડી જેવા પ્રચંડ શક્તિશાળી વાવાઝોડા વરસાદ લાવીને સમુદ્રની સપાટી વધારવામાં પણ અસર કરતા હોય છે? આ વાતનો જવાબ આપતા કેવિન કહે છે કે, દરિયાકિનારાનું પાણી સામાન્ય રીતે પાંચ ડિગ્રી ફેરનહીટ ગરમ હોય છે. જો તેમાં એકાદ ડિગ્રીનો વધારો થાય તો આપણે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ઠેરવી શકીએ! આવી રીતે ગરમ થયેલું પાણી વરસાદી વાવાઝોડું સર્જી શકે છે. બીજી તરફ, એટલાન્ટિકનું પાણી પણ દરિયાના પાણીમાં વધારો કરે છે. આવા વિવિધ કારણોસર દરિયાની સપાટી ઊંચી આવે છે, અને તે વાવાઝોડા સર્જી શકે છે.

સેન્ડી જેવા શક્તિશાળી વાવાઝોડા માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે. પરંતુ એક વાત નક્કી છે કે, આધારભૂત આંકડાઓ મુજબ, ગઈ સદીમાં સમુદ્રની સપાટી છ ઈંચ વધી હતી. એવી જ રીતે, છેલ્લાં કેટલાક દાયકાના આંકડા તપાસીએ તો સમુદ્રની સપાટી અગાઉ કરતા ઘણી ઊંચી આવી છે. આવા ફેરફારોના કારણે દરિયા કિનારાના ગામો, શહેરો ડૂબી રહ્યા છે એ નિર્વિવાદિત સત્ય છે.

02 November, 2012

ભારતના કાર માર્કેટનું ‘ડીઝલાઈઝેશન’


કેન્દ્ર સરકારે પેટ્રોલપંપ ડીલરોને કમિશન આપવાનું બહાનું કાઢીને ફરી એકવાર પેટ્રોલમાં લિટરે 30 પૈસા અને ડીઝલમાં લિટરે 18 પૈસાનો ભાવવધારો કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, પેટ્રોલની સાથે ડીઝલના પણ ભાવ સતત વધી રહ્યા હોવા છતાં હાલ દેશમાં ચાલી રહેલી ડીઝલાઈઝેશનની પ્રક્રિયાની ઝડપ બિલકુલ ઓછી થઈ નથી. અત્યારે  દેશની લગભગ બધી જ ઓટોમોબાઈલ કંપનીઓ વચ્ચે એકબીજા કરતા વધુ સારી ડીઝલ કાર લૉન્ચ કરવાની ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. એ વાતમાં બિલકુલ શંકા નથી કે, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનું ડીઝલાઈઝેશન થવાનું સૌથી મોટું કારણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રહેલો જંગી તફાવત પણ છે.

છેલ્લાં એક મહિનામાં જ અનેક ઓટોમોબાઈલ જાયન્ટે ડીઝલ કાર અંગે નીતિવિષયક જાહેરાતો કરી છે. જે જોતા લાગે છે કે, ફૂગાવાની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર બિલકુલ અસર નથી થઈ રહી. કારણ કે, દેશની મોટા ભાગની કંપનીઓ દ્વારા નવા ડીઝલ વ્હિકલ લૉન્ચ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ છે. અત્યાર સુધી હોન્ડા સિવાય તમામ ઓટોમોબાઈલ કંપનીઓ ડીઝલ કારનું ઉત્પાદન કરતી હતી. ડીઝલ મોડેલના અભાવના કારણે હોન્ડા છેલ્લાં ઘણાં સમયથી કાર માર્કેટમાં હિસ્સો ગુમાવતી જતી હતી. પરિણામે હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડે પણ આવતા ત્રણેક વર્ષમાં જ એક નહીં પણ ત્રણથી ચાર ડીઝલ કાર માર્કેટમાં મૂકવાની જાહેરાત કરી છે.

‘હોન્ડા’ની પણ ટૂંક સમયમાં ડીઝલ મોડેલ લાવવાની જાહેરાત 

એવી જ રીતે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ તેની પહેલી પ્રીમિયમ એસયુવી રેક્સટનનામનું ડીઝલ મોડેલ લઈને આવી રહી છે. મહિન્દ્રાએ વર્ષ 2011માં કોરિયાની સાંગયોંગ કંપનીનું હસ્તાંતરણ કર્યા પછી આ તેની  પહેલી ડીઝલ કાર હશે. અત્યાર સુધી કંપની બોલેરો, સ્કોરપિયો, ઝાયલો, ક્વેન્ટો અને વર્ટિગો જેવા મોડેલમાં ડીઝલનો વિકલ્પ આપતી હતી. ડીઝલના ભાવ વધી રહ્યા હોવા છતાં તેની કિંમત પેટ્રોલ કરતા ઘણી ઓછી હોવાના કારણે નજીકના ભવિષ્યમાં ડીઝલ કારની લોકપ્રિયતામાં ઘટાડો થાય એવી કોઈ શક્યતા નથી.

ડીઝલમાં ભાવવધારા મુદ્દે મહિન્દ્રા ગ્રૂપના પ્રેસિડેન્ટ અને સાંગયોંગ મોટર કંપનીના ચેરમેન પવન ગોયેન્કા કહે છે કે, મને નથી લાગતું કે જ્યાં સુધી એસયુવી સેગમેન્ટની વાત છે ત્યાં સુધી ડીઝલમાં ભાવવધારાની તેના વેચાણ પર બિલકુલ અસર નહીં થાય. બીજી બાજું, હેચબેક કેટેગરીમાં ગ્રાહકો પાસે ડીઝલ અને પેટ્રોલ બંને વિકલ્પ ઉપલબ્ધ હોય જ છે. જોકે, ડીઝલના ભાવવધારાની વેચાણ પર અસર થાય છે કે નહીં, એવા કોઈ આંકડા હજુ ઉપલબ્ધ નથી. તેથી કંઈ પણ કહેવું વહેલું ગણાશે.

ઓટોમોબાઈલ કંપનીઓ જાણે છે કે, ભારતના કાર માર્કેટમાં ટકી રહેવા માટે અત્યારે ડીઝલ કાર અત્યંત જરૂરી છે. હોન્ડાએ ડીઝલ માર્કેટમાં પ્રવેશ વખતે જ સિડન અને કોમ્પેક્ટ યુટિલિટી કાર આપવાનો નિર્ણય લીધો છે. હોન્ડાએ જાહેરાત કરી છે કે, કંપની તેનું પહેલું સિડન મોડેલ બ્રિયો કારના પ્લેટફોર્મ પર ઊભું કરશે. આમ કરીને તેઓ મારુતિના ડીઝાયર મોડેલને ટક્કર આપશે. ત્યાર પછી જેઝ, સિટી અને અન્ય એમપીવી/એસયુવી પણ ડીઝલ એન્જિનમાં લૉન્ચ કરાશે. જોકે, અત્યારે પ્રીમિયમ હેચબેક કેટેગરીમાં પણ ડીઝલ મોડેલ ઉપલબ્ધ હોવાના કારણે હોન્ડાએ પણ સિટીનું ડીઝલ મોડેલ લૉન્ચ કરવું જરૂરી બની ગયું છે.

હીરોનોરી કાનાયામા
હોન્ડા કારના પ્રેસિડેન્ડ અને એમડી હીરોનોરી કાનાયામાએ પણ જાહેરમાં નિવેદન કર્યું હતું કે, નજીકના વર્ષોમાં ડીઝલ કાર લૉન્ચ કરવા માટે અત્યંત મહત્ત્વકાંક્ષી યોજનાઓ બનાવી છે. અમારા લગભગ તમામ નવા મોડેલો ડીઝલ હશે અને આવતા વર્ષ સુધીમાં અમે સ્મૉલ સિડન મોડેલ પણ લૉન્ચ કરી દઈશું. અમને આશા છે કે, બે-ત્રણ વર્ષમાં જ અમે ત્રણથી ચાર ડીઝલ મોડેલ માર્કેટમાં મૂકી શકીશું. હાલ, અમે કાર લૉન્ચિંગની અંગે વિચારણા કરી રહ્યા છે. હમણાં સુધી લોકો મેઈન્ટેનન્સ, ફ્યૂલ કે એન્જિન પાવર જેવા કારણોસર ડીઝલ મોડેલ પર પસંદગી ઉતારતા નહોતા. પરંતુ અત્યારે અનેક કંપનીઓએ ઉત્તમ ડીઝલ એન્જિન વિકસાવ્યા છે અને હજુ પણ વધુ સારા એન્જિન બનાવવા માટે સંશોધન પાછળ ખર્ચ કરાઈ રહ્યો છે. હાલ ભારતીય બજારમાં ટાટા, શેવરોલે, ફોર્ડ, મારુતિ, સ્કોડા, ફિયાટ, ફોક્સવેગન, ટોયોટો, હ્યુન્ડાઈ, નિસાન, રીનોલ્ટ અને મિત્સુબિશી જેવી સંખ્યાબંધ કંપનીઓ ડીઝલ કાર વેચી રહી છે. આ ઉપરાંત ઓડી, વોલ્વો, મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ, રેન્જરોવર, જેગુઆર અને પોર્શમાં પણ ડીઝલ મોડેલ ઉપલબ્ધ છે.

કાનાયામાએ માહિતી આપતા કહ્યું હતું કે, કંપનીએ તેના રાજસ્થાન પ્લાન્ટમાં ડીઝલ એન્જિનનું ઉત્પાદન કરવાની તડામાર તૈયારી કરી દીધી છે. જોકે, આ માટે કંપની કેટલું રોકાણ કરી રહી છે એ અંગે જણાવવાની તેમણે ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે, અમે માગના આધારે ઉત્પાદન કરવાના છીએ. ઉલ્લેખનીય છે કે, કંપનીએ એપ્રિલ, 2012માં જાહેરાત કરી હતી કે ડીઝલ કારના લૉન્ચિંગ માટે કંપની રાજસ્થાન પ્લાન્ટમાં ઉત્પાદના માટે રૂ. ત્રણ હજાર કરોડનું રોકાણ કરવાની છે. બીજી તરફ, મહિન્દ્રાએ ડીઝલ કારના ઉત્પાદન માટે તેના પૂણેના પ્લાન્ટનું વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતનું કાર માર્કેટ મર્યાદિત છે. વળી, દેશભરમાં નાની કારનું માર્કેટ 50 ટકા કરતા વધુ છે. પરિણામે ડીઝલ કાર માર્કેટમાં ઝંપલાવવા માંગતી કંપનીઓ સ્મોલ સેગમેન્ટમાં ડીઝલ કાર લૉન્ચ કર્યા વિના ટકી શકે એમ નથી. જોકે, હોન્ડા સહિતની કંપનીઓ હવે સ્મોલ અને સિડન મોડેલ રજૂ કરવા જઈ રહી છે.

વર્ષ 2011-12માં હોન્ડા કંપનીએ 54,427 કારનું વેચાણ કર્યું હતું, જે આગલા વર્ષ કરતા 8.46 ટકા ઓછું હતું. જ્યારે કંપનીએ ગયા વર્ષે 34,440 બ્રિયો કારનું વેચાણ કર્યું હતું, જે કંપનીની સત્તાવાર વેબસાઈટ મુજબ આગલા વર્ષ કરતા 47 ટકાનો જંગી વધારો દર્શાવે છે. કદાચ એટલે જ હોન્ડાએ બ્રિયો પ્લેટફોર્મ પર ડીઝલ કાર લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ, પેટ્રોલમાં થઈ રહેલા સતત ભાવવધારાના કારણે પણ ભારતનો મધ્યમ વર્ગ ડીઝલ કારને પ્રાથમિકતા આપી રહ્યો છે. એટલું જ નહીં, ભારતનો શ્રીમંત વર્ગ પણ ડીઝલ કારને પસંદ કરી રહ્યો છે. કદાચ એટલે જ છેલ્લાં કેટલાક સમયમાં શ્રીમંત વર્ગે એસયુવી પર પસંદગી ઉતારી છે. હાલ દેશમાં વિવિધ કેટેગરીની ડીઝલ કારના 400થી પણ વધુ મોડેલ ઉપલબ્ધ છે. આમ ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી અત્યારે વિશિષ્ટ તબક્કામાંથી પસાર થઈ રહી છે.