20 March, 2014

માર્ક ઝકરબર્ગ કો ગુસ્સા ક્યું આતા હૈ?


ફેસબૂક ચિફ માર્ક ઝકરબર્ગે સાયબર જાસૂસી મુદ્દે અમેરિકન સરકાર સામે નારાજગી દર્શાવતા ફરી એકવાર અમેરિકન સરકાર દ્વારા થતી જાસૂસીની યોગ્યતા મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે. એડવર્ડ સ્નોડેને ધ ગાર્ડિયનઅને ધ વૉશિંગ્ટન પોસ્ટજેવા અખબારો સમક્ષ અમેરિકન સરકારના સર્વેઇલન્સ પ્રોગ્રામ પ્રિઝમની ટોપ સિક્રેટ વાતો જાહેર કરી દેતા અમેરિકન મીડિયાએ તેને વગર વિચાર્યે વ્હિસલ બ્લોઅરતરીકે વધાવી લીધો હતો. આ દરમિયાન અમેરિકન સરકારની તરફેણમાં એક સૂર એવો પણ ઉઠ્યો હતો કે, અમેરિકન સુરક્ષા એજન્સીઓ 9/11 પછી 45 જેટલા આતંકવાદી હુમલા રોકી શકી તેમાં સાયબર જાસૂસીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ વખતે સુરક્ષાના કારણોસર યાહૂ, એપલ, ફેસબૂક, ગૂગલ, એઓએલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ જ અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી (એનએસએ)ને પોતાના યુઝર્સની માહિતી આપી હતી.

જોકે, આ કંપનીઓએ સુરક્ષાના કારણોસર અમેરિકન સરકારને પોતાના યુઝર્સની કેટલી અને કેવી માહિતી આપી છે તે કદાચ ક્યારેય જાણી નહીં શકાય. પરંતુ હવે ફેસબૂકના સર્વેસર્વા ઝકરબર્ગે જાસૂસીને લઈને વિરોધ નોંધાવવા સીધો અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને ફોન કરતા અમેરિકન જાસૂસી કથામાં નવો ફણગો ફૂટ્યો છે. જો અમેરિકન કંપનીઓએ જ સરકારને જાસૂસી નેટવર્ક ઊભું કરવા કે જાસૂસીના કામમાં મદદ કરી હોય તો છેક હવે ઝકરબર્ગના પેટમાં તેલ કેમ રેડાયું? અમેરિકન સરકાર સામે ભડાશ ઠાલવતી વખતે ઝકરબર્ગે કહ્યું છે કે, “જાસૂસી મુદ્દે અમેરિકન સરકારના શંકાસ્પદ વર્તનના સતત આવી રહેલા અહેવાલોથી હું મૂંઝવણ અને નિરાશાની લાગણી અનુભવી રહ્યો છું...

માર્ક ઝકરબર્ગ

માર્ક ઝકરબર્ગનું આ નિવેદન બિટ્વિન ધ લાઈન્સસમજીએ તો એવું કહી શકાય કે, અમેરિકન સરકાર દ્વારા થતી જાસૂસી મુદ્દે સતત આવી રહેલા અહેવાલોથી તેઓ પરેશાન છે. કારણ કે, સોશિયલ મીડિયા નેટવર્કિંગમાં લગભગ એકહથ્થું શાસન ભોગવી રહેલા ફેસબૂકનો ઉપયોગ લોકો એકબીજા સાથે ફક્ત સંપર્કમાં રહેવા માટે નથી કરતા પણ પોતાની અંગત માહિતીની આપ-લે કરવા પણ કરે છે. ફેસબૂકના અમેરિકન અને યુરોપિયન દેશોના યુઝર્સ પ્રાઈવેસીને લઈને ફેસબૂકનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે અથવા ઓછો કરી દેશે એવો તેમને ડર હોઈ શકે છે. ફેસબૂક જેવી કંપનીઓ અમેરિકન સરકારને જાસૂસી કામમાં ઓછેવત્તે અંશે મદદરૂપ થતી હોવા છતાં અમેરિકન સરકારને તેનાથી સંતોષ ના હોય એવું પણ શક્ય છે. આ વાત પણ ઝકરબર્ગના ફેસબૂક પેજ પર મૂકાયેલી પોસ્ટથી સાબિત થઈ જાય છે. ઝકરબર્ગે ફેસબૂક પેજ પર અમેરિકન સરકાર સામે રોષ ઠાલવતા કહ્યું છે કે, “નેશનલ સિક્યોરિટી એજન્સીએ કેટલાક કમ્પ્યુટરને વાયરસની મદદથી નુકસાન પહોંચાડવા અમારા સર્વરની પણ નકલ કરી છે...આ કંપનીઓએ આપેલી માહિતીથી અમેરિકન સરકારને સંતોષ ના હોય તો જ નેશનલ સિક્યોરિટી એજન્સી જાસૂસી કરવા આટલી હદે ગઈ હોય એવી પૂરેપૂરી શક્યતા છે.  

એડવર્ડ સ્નોડેને મીડિયા સામે પ્રિઝમપ્રોગ્રામના વટાણાં વેરી નાંખ્યા એ પછી કોઈ અમેરિકન કંપનીના વડાએ પહેલીવાર અમેરિકન સરકાર સામે જાહેરમાં વ્યથા ઠાલવી છે. સ્નોડેનના કિસ્સામાં  કદાચ સરેરાશ અમેરિકનનું અમેરિકન સરકારને સમર્થન હતું. સ્નોડેન વિશે ટાઈમમેગેઝિને કરેલા એક સર્વેક્ષણ મુજબ, 53 ટકા અમેરિકનો તો સ્નોડેન સામે કાયદેસરના પગલાં લેવાની તરફેણ કરતા હતા. સ્નોડેનનો કિસ્સો ગાજ્યો ત્યારે પણ અમેરિકાના બે મુખ્ય પક્ષ ડેમોક્રેટ કે રિપબ્લિકનને પ્રિઝમ પ્રોગ્રામની કાયદેસરતા અંગે કોઈ ચિંતા વ્યક્ત કરી ન હતી. આ પ્રોગ્રામ હેઠળ નેશનલ સિક્યોરિટી એજન્સીએ તમામ અમેરિકનોની કૉલ ડિટેઇલ્સ, ઈ-મેઈલ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ ડેટા આંતરવા માટે ઈલેક્ટ્રોનિક જાસૂસી નેટવર્ક ઊભું કર્યાના સમાચારો વહેતા થયા તો પણ પ્રાઈવેસી મુદ્દે સંવેદનશીલ એવા અમેરિકામાં ખાસ કોઈ વિરોધ ઉઠ્યો ન હતો. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, “100 ટકા પ્રાઈવેસી અને થોડી ઘણી પણ મુશ્કેલી સહન કર્યા વિના તમે 100 ટકા સુરક્ષા મેળવી શકો નહીં...ઓબામાના આ નિવેદનનો પણ ખાસ કોઈ વિરોધ થયો ન હતો. પરંતુ ફેસબૂક યુઝર્સની જાસૂસીના કિસ્સામાં અમેરિકન સરકારને અમેરિકનોનું સમર્થન મળશે કે કેમ એ કહેવું અત્યારે ઘણું વહેલું છે.

ફેસબૂક યુઝર્સની પ્રાઈવેસીને લઈને ઝકરબર્ગના અચાનક ઊભરાઈ ગયેલા પ્રેમ પાછળ તેનો પોતાનો સ્વાર્થ જ છુપાયેલો છે. ઝકરબર્ગે ફેસબૂક પેજ પર યુઝર્સને સંબોધીને એમ પણ લખ્યું છે કે, “અમારા એન્જિનિયરો સુરક્ષાને સુધારવા થાક્યા વિના કામ કરી રહ્યા છે, અમે તમને ગુનેગારો સામે સુરક્ષા આપી શકીએ છીએ, પણ આપણી જ સરકાર સામે નહીં. સરકાર દ્વારા જ આપણા ભવિષ્યને થતા નુકસાનને લઈને વ્યથા ઠાલવવા માટે મેં પ્રમુખ ઓબામાને કૉલ કર્યો છે. કમનસીબે, એવું લાગી રહ્યું છે કે સાચા અર્થમાં સંપૂર્ણ સુધારા થતાં હજુ ઘણી વાર લાગશે.પ્રમુખ ઓબામાને ફોન કરીને મેં વ્યથા ઠાલવી છે એવું ફેસબૂકના વડાએ યુઝર્સ સાથે શેર કરવાની જરૂર કેમ પડી? આ જવાબ શોધવા માટે રોકેટ સાયન્સભણવાની જરૂર નથી. ઝકરબર્ગને ડર છે કે, અમેરિકા તો ઠીક વિશ્વના અનેક દેશોમાં કરોડો નાગરિકો પ્રાઈવેસી મુદ્દે અતિ સંવેદનશીલ હોઈ શકે છે અને જાસૂસી મુદ્દે સતત આવી રહેલા અહેવાલોથી ફેસબૂક સામે વિશ્વસનિયતાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. સોશિયલ નેટવર્કિંગની દુનિયામાં પોતાના હરીફોને સતત પછાડીને આગળ વધી રહેલી ફેસબૂકને વિશ્વસનિયતા સાથે સમાધાન કરવું જરાય પોસાય એમ નથી.
 
જોકે, ફેસબૂક સિવાય બીજી કોઈ અમેરિકન કંપનીએ સરકાર સામે આટલા આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હોય એવું હજુ સુધી બન્યું નથી. આ સ્થિતિમાં અમેરિકન સરકાર સામે ફેસબૂકનો વિરોધ  મજબૂતાઈ હાંસલ કરે એવી શક્યતા બહુ ઓછી છે. અમેરિકન સરકારમાં ઝકરબર્ગથી પણ વધારે વજન ધરાવતા માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે તો જાસૂસી મુદ્દે ઝકરબર્ગથી જુદું વલણ અપનાવ્યું છે. તાજેતરમાં જ બિલ ગેટ્સે એડવર્ડ સ્નોડેનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ઈન્ટરનેટ પર સરકારે થોડીઘણી સર્વેઈલન્સ કેપેબિલિટીરાખવી જરૂરી છે. ગેટ્સે તો સ્નોડેન વિશે એમ કહ્યું છે કે, “મને લાગે છે કે, તેણે કાયદાનો ભંગ કર્યો છે અને હું તેનું હીરો તરીકે ક્યારેય ચિત્રણ નહીં કરું. તમને મારા તરફથી એના કોઈ વખાણ સાંભળવા નહીં મળે. સ્નોડેનના કૃત્યથી સરકારે સુરક્ષા સાથે સમાધાન કરવું પડ્યું છે.

એડવર્ડ સ્નોડેને જાહેર કરી દીધેલા ગુપ્ત દસ્તાવેજો પરથી જ ફેસબૂકને જાણ થઈ હતી કે, નેશનલ સિક્યોરિટી એજન્સીએ કેટલાક કમ્પ્યુટરમાંથી માહિતી ચોરવા માટે તેના સર્વરની કેવી રીતે નકલ કરી હતી. અમેરિકન સરકાર કેવી રીતે જાસૂસી કરે છે પદ્ધતિ તો જાણી શકાઈ નથી, પરંતુ કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી છે કે કેટલાક યુઝર્સ ફેસબૂકમાં લોગ ઈન કરે ત્યારે તેઓ આપોઆપ નેશનલ સિક્યોરિટી એજન્સીના કમ્પ્યુટર સાથે કનેક્ટ હોઈ શકે છે. આખરે ઝકરબર્ગને આટલો ગુસ્સો કેમ આવ્યો છે એ વિશે તેમણે હજુ સુધી મુદ્દાસરની સ્પષ્ટતા નથી આપી, પણ એવું કહેવાય છે કે તેમને આ કારણોસર જ સૌથી વધારે ગુસ્સો આવ્યો છે. અત્યારે દબંગ મૂડમાં આવી ગયેલા ખુદ ઝકરબર્ગ પહેલાં એવું કહી ચૂક્યા છે કે, સોશિયલ મીડિયામાં પ્રાઈવેસી જેવું કંઈ હોતુ નથી. તો પછી અમેરિકન સરકાર પર આટલા ભડકવાનું કારણ શું છે? કારણ સ્પષ્ટ છે. જો હવે કોઈ જુલિયન અસાન્જ કે એડવર્ડ સ્નોડેન પાણીમાંના દેડકાની જેમ કૂદીને બહાર આવશે તો વિશ્વભરમાં સૌથી વધુ યુઝર્સ ધરાવતા ફેસબૂકને જ નુકસાન થશે એ નક્કી છે.

રસપ્રદ વાત તો એ છે કે, ઝકરબર્ગે સ્નોડેનની તરફેણ કે વિરુદ્ધમાં એક શબ્દ કહ્યો નથી, પરંતુ અમેરિકન સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે બિલ ગેટ્સે સ્નોડેનના કૃત્યનો સ્પષ્ટ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, “જો તેઓ આ મુદ્દો ઉઠાવવા માગતા હોત, દેશમાં જ રહીને અસહકાર કે એવું કંઈક કરવા માગતા હોત અથવા પોતે જે કંઈ જાહેર કરે છે એ માટે સાવચેત રહ્યા હોત તો હું તેમને સૌથી વધારે સહકાર આપત.એટલું જ નહીં ગેટ્સે અમેરિકન સરકારની તરફેણ કરતા હોય એમ કહ્યું છે કે, “સરકારે જાસૂસી કયા સંજોગોમાં કરી એવા વ્યાપક અર્થમાં તેની ચર્ચા થવી જોઈએ...

ટૂંકમાં, જાસૂસી મુદ્દે ઝકરબર્ગ ગમે તેટલી વ્યથા ઠાલવે તો પણ અમેરિકન કોર્પોરેટ્સ કે સરેરાશ અમેરિકનને તેમનું વ્યાપક સમર્થન મળે એવી સંભાવના બહુ ઓછી છે.

12 March, 2014

યુક્રેન કટોકટીઃ શીતયુદ્ધનો ડર અસ્થાને છે


યુક્રેનમાં સર્જાયેલા રાજકીય સંકટ વિશે ભારતે પહેલીવાર પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, “રશિયાને ક્રિમીઆમાં રસ લેવાનો કાયદેસરનો હક્ક છે.” આ દરમિયાન ભારતે યુક્રેનમાં રહેતા પાંચેક હજાર ભારતીયો વિશે પણ ચિંતા વ્યક્ત કરી છે, પણ રશિયા મુદ્દે મગનું નામ મરી નથી પાડ્યું. યુક્રેનમાં વસતા પાંચ હજાર ભારતીયોમાં ચારેક હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રશિયન લશ્કરે યુક્રેનના ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામના વિસ્તાર પર કબજો કર્યો ન હતો ત્યાં સુધી સરેરાશ ભારતીય યુક્રેન વિશે ખાસ કંઈ જાણતો ન હતો. રશિયાના આ લશ્કરી પગલાંથી અમેરિકા અને યુરોપના દેશોને આંચકો લાગ્યો છે અને ધારણા પ્રમાણે જ તેઓ લશ્કરી કાર્યવાહી અટકાવવા રશિયા પર દબાણ કરી રહ્યા છે. પશ્ચિમી દેશો રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો મૂકવાની ધમકી આપી રહ્યા છે પણ રશિયાનું વલણ જોતા એવું લાગે છે કે આ બધી વાતો રશિયાએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી નાંખી છે. આ સ્થિતિમાં વિશ્વમાં ફરી એકવાર શીતયુદ્ધના મંડાણ થશે એવી ગર્ભિત ચેતવણી ઉચ્ચારાઈ રહી છે.

જોકે, હાલના રશિયાની આર્થિક સ્થિતિ તેને અમેરિકા સામે શીતયુદ્ધમાં ઉતરવા દે એ અશક્ય છે. આ મુદ્દે વાત કરતા પહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેની મુશ્કેલીની શરૂઆત કેવી રીતે થઈ એ જાણવું જરૂરી છે. યુક્રેનની પૂર્વ અને ઉત્તરપૂર્વીય સરહદો રશિયા સાથે વહેંચાયેલી છે, જ્યારે પશ્ચિમે બેલારુસ, પોલેન્ડ, સ્લોવેકિયા અને હંગેરી જેવા નાનકડા યુરોપિયન દેશો છે. યુક્રેનની દક્ષિણ-પૂર્વે ઓટોનોમસ રિપબ્લિક ઓફ ક્રિમીઆ નામનો વિસ્તાર છે. આ વિસ્તારમાં રશિયન લોકોની સુરક્ષાને લઈને રશિયા યુક્રેનની આંતરિક બાબતોમાં દખલગીરી કરે છે. ક્રિમીઆના કારણે રશિયા અને યુક્રેનના સંબંધો તણાવગ્રસ્ત રહે છે. ક્રિમીઆ પેનિન્સુલા (દ્વીપકલ્પ) તરીકે ઓળખાતો આ વિસ્તાર દરિયાઈ સરહદો પર મજબૂત વર્ચસ્વ રાખવા ભૌગોલિક રીતે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિસ્તારમાંથી રશિયા ભૂમધ્ય સમુદ્ર, એટલાન્ટિક સમુદ્ર અને કાળો સમુદ્ર એમ ત્રણેય તરફ નજર રાખી શકે છે.

રશિયા, યુક્રેન અને ક્રિમીઆની સરહદો દર્શાવતો નકશો

વર્ષ 1954માં સોવિયેત સંઘના પ્રમુખ નિકિતા ખુશ્ચોવે કેટલાક કરારો હેઠળ ક્રિમીઆનો હવાલો યુક્રેનને સોંપી દીધો હતો. સોવિયેત સંઘના વિઘટન વખતે ક્રિમીઆમાં રશિયનોની બહુમતી હોવા છતાં એ વિસ્તાર યુક્રેનનો જ હિસ્સો રહ્યો. અત્યારે ક્રિમીઆમાં 58 ટકાથી વધુ વસતી રશિયનોની અને 25 ટકા વસતી યુક્રેનિયનોની છે, જ્યારે ક્રિમીઆના મૂળ ટાટાર લોકોની વસતી માંડ 12 ટકા છે. આ લઘુમતી પ્રજાને મોટે ભાગે રશિયનોની દાદાગીરી સહન કરવી પડે છે. આજે પણ ક્રિમીઆમાં રશિયનોનો બહુ મોટો વર્ગ ક્રિમીઆને રશિયાનો હિસ્સો ગણાવવા આતુર છે. વર્ષ 1944માં જોસેફ સ્ટાલિનના હુકમને પગલે લાખો ટાટારોએ ક્રિમીઆ છોડીને સામૂહિક રીતે મધ્ય એશિયા તરફ સ્થળાંતર કરવું પડ્યું હતું. આ દરમિયાન સોવિયેત સંઘના સમર્થકોએ ટાટારોની સામૂહિક હત્યા કરી હોવાનું કહેવાય છે. ક્રિમીઆમાં રશિયાના સમર્થકો અને યુક્રેન સાથે જોડાઈ રહેવા માગતા ક્રિમીઆના લોકો વચ્ચે નાનો-મોટો સંઘર્ષ ચાલતો રહે છે. આ વખતે પણ રશિયન સરકારે રશિયનોની સુરક્ષાનું બહાનું આગળ ધરીને ક્રિમીઆની આંતરિક બાબતોમાં દખલગીરી કરીને યુક્રેન સરકારને બાનમાં લેવાની કોશિષ કરી હતી.

રશિયાનું કહેવું છે કે, “યુક્રેનમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જાળવી રાખવા માટે યુક્રેનના પ્રમુખ વિક્ટર યાનુકોવિચે જ અમને વિનંતી કરી હતી.” જે દેશનો વડાપ્રધાન પોતાના દેશના લશ્કર કે અનામત દળોની મદદ લેવાના બદલે પાડોશી દેશ જોડે લશ્કરી મદદ લે તેના પર શંકા થવી સ્વાભાવિક છે. આ કારણોસર જ વિક્ટર યાનુકોવિચ રશિયાની કઠપૂતળી છે એવું જાહેર થઈ ગયું અને તેમણે દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. વિક્ટર યાનુકોવિચ હજુ પણ પોતાને યુક્રેનના કાયદેસરના પ્રમુખ ગણાવી રહ્યા છે અને તેમને રશિયાનું પણ સમર્થન છે. રશિયા હજુ પણ એક જ વાતનું રટણ કરી રહ્યું છે કે, યુક્રેનમાં જ્યાં સુધી રાજકીય સ્થિરતા નહીં સ્થપાય ત્યાં સુધી રશિયન દળો ત્યાં જ રહેશે.

એક સમયે રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના વડાનો હોદ્દો શોભાવી ચૂકેલા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સામ્રાજ્યવાદી નીતિઓના કારણે કુખ્યાત છે. રશિયા તો ઠીક પાડોશી દેશોમાં પણ પોતાને કટ્ટર રાષ્ટ્રવાદી અને સોવિયેત સંઘ વખતની ‘રશિયન ગ્લોરી’ના પુરસ્કર્તા તરીકે ઓળખાવામાં વ્લાદિમિર પુતિન બિલકુલ નાનમ નથી અનુભવતા. એકવાર તેમણે જાહેર મંચ પરથી જ કહ્યું હતું કે, સોવિયેત સંઘ વખતના જે દેશો રશિયા સાથે જોડાવવા ઈચ્છતા હોય તેને પ્રોત્સાહિત કરવા એ રશિયાની ફરજ છે. નવાઈની વાત તો એ છે કે 16મી માર્ચ, 2014ના રોજ ક્રિમીઆએ એક રેફરન્ડમ (લોકમત)નું પણ આયોજન કરી દીધું છે, જે અંતર્ગત ક્રિમીઆએ રશિયન ફેડરેશનમાં જોડાવવું છે કે યુક્રેનનો જ હિસ્સો બન્યા રહેવું છે એ નિર્ણય કરવો પડશે.

વ્લાદિમિર પુતિન

રશિયા જેવો સામ્રાજ્યવાદી દેશ પાડોશી દેશ સાથે લશ્કરી કાર્યવાહી કરે અને અમેરિકા કે યુરોપિયન દેશોના પેટમાં તેલ ના રેડાય તો જ નવાઈ. અમેરિકાની સાથે બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઈટાલી, પોલેન્ડ, કેનેડા અને યુરોપિયન દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂન તોડવા બદલ રશિયન સરકારની ઝાટકણી કરી છે. પરંતુ ભારત અને ચીને સ્વાભાવિક રીતે જ રશિયાને ભાંડવાના બદલે યુક્રેનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને રશિયાની લશ્કરી કાર્યવાહી મુદ્દે અસ્પષ્ટ નિવેદનો આપ્યા છે. અમેરિકાએ રશિયનોને વિઝા આપવા અંગે કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે, પરંતુ આર્થિક પ્રતિબંધો મૂકવાની ફક્ત ધમકીઓ અપાઈ રહી છે. અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ થવાના એંધાણ હોય એમ અમેરિકા અને યુરોપના દેશો ભારતને રશિયા પ્રત્યે તેનું વલણ સ્પષ્ટ કરવાનું કહી રહ્યા છે, પરંતુ ભારતે લાંબા ગાળાનો વિચાર કરીને પોતાનું ‘અસ્પષ્ટ વલણ’ જાહેર કરી દીધું છે.

હાલના વૈશ્વિક સંજોગોમાં અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધનો ડર જ અસ્થાને છે, પણ ભારતે અમેરિકા કે રશિયા સાથેના વેપારી અને વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખવા જરૂરી છે. આજના રશિયાનું અર્થતંત્ર શેરબજાર પર નિર્ભર છે. રશિયાનો વિકાસ દર આમ પણ ઘણો જ મંદ છે અને વ્લાદિમિર પુતિન સહિતના તમામ રશિયન નેતાઓ પર રશિયાને ફરી એકવાર બેઠું કરવાનું દબાણ છે. રશિયાએ યુક્રેનમાં કરેલી મિલિટરી કાર્યવાહીના કારણે આરટીએસ નામે ઓળખાતો રશિયન શેરબજારનો ઈન્ડેક્સ 12 ટકા જેટલો ગબડી ગયો હતો. આ આંક ગબડવાના કારણે રશિયાને 60 બિલિયન ડૉલર જેટલું નુકસાન થયું હતું, જેનું મૂલ્ય સોચી ઓલિમ્પિકમાં કરેલા ખર્ચ કરતા પણ વધારે ગણાય. અમેરિકાના વૉશિંગ્ટનસ્થિત આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, આરટીએસમાં 12 ટકાનું જંગી ગાબડું પડ્યા પછી રશિયાએ યુક્રેનમાં મિલિટરી કાર્યવાહી પર કાબૂ રાખવા માટે મન મનાવી લીધું હોવાનું પણ કહેવાય છે.

સોવિયેત સંઘના યુગમાં શેરબજારની કોઈ પરવા કરાઈ ન હતી. સોવિયેત યુગની નિષ્ફળતા પાછળ તેના આર્થિક વિચારોની સંકુચિતતા પણ એક મોટું પરિબળ હતું. એ વખતની લડાઈ મૂડીવાદ વિરુદ્ધ સામ્યવાદની હતી, જ્યારે અત્યારે એવું નથી. રશિયાનો ઈતિહાસ કહે છે કે, સોવિયેત સંઘના તત્કાલીન પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવ સોવિયેત અર્થશાસ્ત્રીઓથી પ્રભાવિત હતા અને તેમણે પણ ગોર્બાચોવને ચેતવણી આપી હતી કે, જો સોવિયેત સંઘમાં ખૂબ ઝડપથી આર્થિક સુધારાને વેગ આપવામાં નહીં આવે અને વૈશ્વિક અર્થતંત્ર સાથે કદમ મિલાવવામાં નહીં આવે તો સોવિયેત અર્થતંત્રનું કદ દક્ષિણ કોરિયા કરતા પણ નાનું થઈ જશે. વર્ષ 1917માં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ ત્યારથી શેરબજારોની હાલત કફોડી હતી, પણ વર્ષ 1990માં મિખાઈવ ગોર્બાચોવે મોસ્કોમાં પદ્ધતિસરના સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરીને વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયાસ શરૂ કર્યા હતા. સોવિયેત સંઘમાં વિશ્વ વેપારને લઈને પણ ખાસ કોઈ મુશ્કેલી ન હોવાથી અમેરિકા સાથેનું શીતયુદ્ધ પ્રમાણમાં સરળ હતું.

છેક વર્ષ 1985 સુધી રશિયાનો વિદેશી વેપાર કુલ ઘરેલુ ઉત્પાદનના માંડ ચાર ટકા જેટલો હતો અને એ વેપાર પણ પૂર્વીય યુરોપના નાના નાના સામ્યવાદી દેશો પૂરતો મર્યાદિત હતો. જ્યારે આજે રશિયાનું અર્થતંત્ર એવી અનેક મહાકાય કંપનીઓ પર નિર્ભર છે, જેના મોટા ભાગના શેર રશિયન ફેડરેશન પાસે છે અને આ કંપનીઓના શેરોનું ટ્રેડિંગ બ્રિટન, અમેરિકા અને જર્મની અને ફ્રાંસના શેરબજારોમાં થાય છે. રશિયાની ઊર્જા ક્ષેત્રની ગેઝપ્રોમ પણ આવી જ એક કંપની છે, જેના અડધાથી પણ વધારે શેરહોલ્ડર અમેરિકન છે. રશિયાની આવી અનેક કંપનીઓ અને બેંકો વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડાયેલી છે. ફોર્બ્સની યાદી પ્રમાણે, આજે રશિયામાં 111 બિલિયોનેર છે, પણ સોવિયેત સંઘમાં આર્થિક રીતે આટલા મજબૂત લોકોની સંખ્યા જૂજ હતી. બિલિયોનેરોની સંખ્યાની દૃષ્ટિએ રશિયાનો ક્રમ અમેરિકા અને ચીન પછી ત્રીજો છે. અનેક રશિયન બિલિયોનેર વ્લાદિમિર પુતિન સાથે અંગત સંબંધ ધરાવે છે. અમેરિકાના વિઝા પ્રતિબંધોનું સૌથી વધુ નુકસાન આ લોકોને જ થઈ રહ્યું છે અને તેઓ તરફથી પણ પુતિન પર દબાણ ના આવે એવું શક્ય જ નથી.

આવી સ્થિતિમાં શીતયુદ્ધની કોઈ શક્યતા જ નથી. સોવિયેત સંઘ વખતે કદાચ વૈશ્વિક અર્થતંત્રનો મુદ્દો એટલું મહત્ત્વ ધરાવતો ન હતો, પરંતુ આજનું વિશ્વ ઘણું આગળ નીકળી ગયું છે. આજના યુદ્ધોમાં અર્થતંત્રનું તત્ત્વ સર્વોપરી છે અને વેપારી સંબંધો જાળવી રાખવા એ મોટા ભાગના દેશોની મજબૂરી છે. વળી, રશિયાની અડધાથી પણ વધારે નિકાસ યુરોપમાં થાય છે. આ નિકાસનો ત્રીજો ભાગ ઓઈલ અને ગેસનો છે, જેમાંથી રશિયા તગડી કમાણી કરે છે. જો યુરોપ રશિયા પાસેથી ઓઈલ કે ગેસ ખરીદવાનું બંધ કરી દે તો પણ રશિયાને 100 બિલિયન ડૉલરનું નુકસાન થઈ શકે છે અને આ નિર્ણય રશિયાના અર્થતંત્ર માટે જીવલેણ નીવડી શકે છે. યુક્રેન મુદ્દે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે કહ્યું હતું એમ વ્લાદિમિર પુતિન કદાચ ‘બીજી દુનિયામાં જીવે’ છે, પણ એ વાતમાં કોઈ શંકા નથી કે, પુતિન યુક્રેન તરફના પોતાના વલણમાં કોઈ ફેરફાર ના કરે તો પણ અમેરિકા અને રશિયાનું શીતયુદ્ધ શરૂ થવાની કોઈ શક્યતા નથી.

09 March, 2014

સે યસ, ટુ ચીઈઈઈઈઈઝ... યમ્મી ચીઝ


આજકાલ આપણે ત્યાં ગુજરાતીથી લઈને દક્ષિણ ભારતીય અને પંજાબીથી લઈને ફાસ્ટફૂડ સુધીની અનેક વાનગીમાં ચીઝનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. આજકાલ ચીઝની વાનગી ખાવાની જાણે ફેશન છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. હજુ થોડા વર્ષો પહેલાં આપણે બટર પાંઉભાજી કે બટર વડાપાંઉ ખાતા હતા પણ ચીઝ એ સેન્ડવિચ કે પીઝા પૂરતી મર્યાદિત હતી. જ્યારે આજકાલ ચીઝ પાંઉભાજી, ચીઝ વડાપાંઉ, ચીઝ ભેળપુરી, ચીઝ ઢોંસા, ચીઝ પાસ્તા, ચીઝ કોર્ન, ચીઝ કેક અને ચીઝ પેસ્ટ્રી જેવી અઢળક વાનગીઓમાં ચીઝનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત જેવા રાજ્યમાં પણ ચીઝની ખપત વધવાનું કારણ આરોગ્ય પ્રત્યેની સભાનતા છે. આજના યુવાનો પ્રોટીનની કમી પૂરી કરવા માટે પણ ચીઝ ભરપૂર માત્રામાં ખાય છે. વિશ્વના તમામ દેશોની જાતભાતની વાનગીઓમાં હજારો પ્રકારની ચીઝનો ઉપયોગ થાય છે. આ વાનગીઓ ખાવામાં જેટલી રસાળ છે એટલું જ રસપ્રદ ચીઝનું વિજ્ઞાન છે. આજે આપણે ચીઝના વિજ્ઞાન વિશે વાત કરીશું.



ચીઝનો રંગ પીળો કેમ હોય છે?

વિશ્વમાં સૌથી વધુ વેરાઇટી કોઈ ખાદ્યપદાર્થની હોય તો તે છે, ચીઝ. ચીઝ જુદા સ્વાદ, સુગંધ અને જુદી જુદી બનાવટમાં ઉપલબ્ધ હોય છે. વળી, આ એક એવો ખાદ્યપદાર્થ છે જેમાં વિટામિન, ખનીજતત્ત્વો અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. આ સ્રોત પાછળ દૂધમાંથી ચીઝ બનવા સુધીની પ્રક્રિયાનું વિજ્ઞાન જવાબદાર છે. ચીઝનો થોડો પીળાશ પડતો દેખાવ પણ આ પ્રક્રિયાના કારણે જ ઉદ્ભવે છે. વૈજ્ઞાનિક સંશોધનો કહે છે કે, કોઈ પણ વાનગીનો રંગ અને દેખાવ જોઈને આપણી તેના પ્રત્યેની અપેક્ષા વધી જાય છે. ચીઝ પણ આમાંથી બાકાત નથી.

વિશ્વભરમાં ચીઝનું મોટા ભાગનું ઉત્પાદન ગાય, ભેંસ કે બકરીના દૂધમાંથી થાય છે. પરંતુ ફક્ત ગાયના દૂધમાંથી બનેલી ચીઝ પીળી હોય છે. કારણ કે, ગાયના ખોરાકમાં કેરોટેનોઈડ્સ નામના તત્ત્વો હોય છે, જેમાં બિટા કેરોટિન અને તેના જેવા બીજા કેટલાક સંયોજનોનો સમાવેશ કરી શકાય. ગાયના ખોરાકમાં રહેલું કેરોટેનોઈડ્સ દૂધની ચરબી સાથે ભળી જાય છે. જોકે, દૂધમાં ઓછામાં ઓછી ચાર ટકા ચરબી અને 0.1 ટકા કેરોટેનોઈડ્સ હોય ત્યારે જ દૂધમાં પીળાશ દેખાય છે. દૂધમાંથી ચીઝ બનાવતી વખતે પાતળું દ્રવ્ય (છાશ) છૂટું પડી જાય છે કારણ કે, તેમાં ચરબી અને કેરોટેનોઈડ તત્ત્વોનું પ્રમાણ વધે છે. આ દરમિયાન ચરબીની ઝીણી ઝીણી દડીઓની આસપાસ રચાયેલું પ્રોટીન દ્રવ્ય પણ ઢીલું પડે છે, જેનો રંગ પીળો હોય છે. આમ પ્રોટીન દ્રવ્ય અને કેરોટેનોઈડના કારણે ચીઝ પીળા રંગની દેખાય છે. ભેંસ, બકરી કે ઘેંટાની પાચનક્રિયા વખતે કેરોટેનોઇડ્સ છૂટું પડીને દૂધમાં ભળતું નથી, પણ આ તત્ત્વોની મદદથી પ્રાણીઓમાં વિટામિન એ બને છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કેટલાક લોકો સફેદ રંગની ચીઝ પસંદ કરે છે. ચીઝને સફેદ રંગ આપવા માટે ટાઈટેનિયમ ડાયોક્સાઈડ નામના ખનીજતત્ત્વનો ઉપયોગ કરાયો હોય છે. ટૂથપેસ્ટને પણ સફેદ રંગ આપવા માટે આ તત્ત્વ ઉમેરાય છે. જ્યારે બદામી રંગની ચીઝ બનાવવા માટે હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બેન્ઝોઈલ પેરોક્સાઈડ જેવા તત્ત્વનો ઉપયોગ કરાય છે.

શું માનવ દૂધમાંથી ચીઝ બની શકે?

સ્તનપાન કરાવતી અનેક મહિલાઓના સ્તનમાં વધારાનું દૂધ રહી જવાની શક્યતા હોય છે. કદાચ એટલે જ ડેરી ઉત્પાદનો પર સંશોધનો કરતા સંશોધકોને પણ આ સવાલ થયો હતો. જોકે, આ સવાલનો જવાબ છે, ના. કારણ કે, માનવ દૂધમાં માંડ એક ટકા જેટલું પ્રોટીન હોવાથી તેની ઘટ્ટતા અત્યંત ઓછી હોય છે અને તેથી માનવ દૂધ યોગ્ય રીતે જામી શકતું જ નથી. દૂધમાંથી ચીઝ બનાવવા માટે 90 ટકા જેટલું ઘટ્ટ પ્રોટીન દ્રવ્ય ઘટીને પચાસ ટકા જેટલું થઈ જાય છે, પરંતુ માનવ દૂધમાં પ્રોટીન નહીં હોવાથી તેમાંથી દહીં બની જ શકતું નથી. હા, આજકાલ કેટલીક કંપનીઓ માનવ દૂધમાંથી બનાવેલા ચીઝનું માર્કેટિંગ કરી રહી છે, પરંતુ માનવ દૂધમાં અન્ય કોઈ દૂધાળા ઢોરના દૂધનું મિશ્રણ કર્યા વિના ચીઝ બની શકતી નથી એ વાત વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે.

કેટલીક ચીઝમાં કાણાં કેમ હોય છે?

આજકાલ અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા શહેરોમાં પણ જાતભાતની ચીઝ મળે છે. ખાસ કરીને સ્વિત્ઝર્લેન્ડમાં બનેલી કેટલીક ચીઝમાં નાના મોટા કાણાં હોય છે. ઘણાં લોકોને પ્રશ્ન થતો હશે કે, કેટલીક ચીઝમાં નાના મોટા કાણાં કેવી રીતે પડતા હશે? ચીઝમાં ચોક્કસ પ્રકારનાં તત્ત્વો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે કાણાં પડે છે. જેમ કે, લેક્ટિક એસિડના ત્રણ અણુ એસેટિક એસિડનો એક, કાર્બન ડાયોક્સાઈડનો એક, પ્રોપિયોનિક એસિડના બે અને પાણીનો એક અણુ બનાવે છે. એ વખતે ઓક્સિજન અને હાઈડ્રોજનના વધારાના અણુઓનું પણ સર્જન થાય છે. આ તમામ અણુઓ ભેગા થઈને બેક્ટેરિયાના કોષોને ઊર્જા આપતા હોય છે. ચીઝનું સર્જન ઓછા તાપમાન પર થતું હોવાથી બેક્ટેરિયાનો નાશ થતો નથી. આ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડના અણુઓ પોચા ભાગની આસપાસ જમા થઈ જાય છે અને પોચી ચીઝમાં પરપોટા પડે છે. છેવટે ચીઝ ઠંડી પડે ત્યારે તેની સપાટી પર કાણાં દેખાય છે. આશરે 80 કિલો સ્વિસ ચીઝની એક પાટ તૈયાર કરતી વખતે 120 લિટર જેટલો કાર્બન ડાયોક્સાઈડ પેદા થાય છે, જેમાંથી ત્રીજા ભાગનો વાયુ વાતાવરણમાં ભળી જાય છે, અડધો દહીંમાં ભળે છે અને બાકીનો કાર્બન ડાયોક્સાઈડ ચીઝમાં કાણાં પાડે છે.

કાચા દૂધમાંથી બનેલી ચીઝ ખાવી જોખમી છે?

અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં જ્યાં ચીઝનો ઉપયોગ વધુ થાય છે ત્યાં આરોગ્ય તંત્ર દ્વારા પાંચ વર્ષથી ઓછી વયના બાળકો, ગર્ભવતીઓ, ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેમજ લાંબા ગાળાથી કોઈ અસાધ્ય રોગથી પીડાતા લોકોને કાચા દૂધની કોઈ બનાવટનો ખાદ્ય તરીકે ઉપયોગ નહીં કરવાની ભલામણ કરવામાં આવે છે. જોકે, પેશ્ચ્યુરાઈઝ્ડ દૂધમાંથી બનાવેલી ચીઝને ચીઝ પ્રેમીઓ ડેડ ચીઝકહે છે. કારણ કે, પેશ્ચ્યુરાઈઝ્ડ દૂધમાં જીવાણુંઓનો નાશ થઈ જવાની સાથે સાથે કુદરતી રીતે ઉદ્ભવેલા બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય છે. ચીઝના ઉત્તમ સ્વાદ અને આરોગ્યને લગતા ફાયદા મેળવવા માટે આ બેક્ટેરિયા ખૂબ જ જરૂરી હોવાનું મનાય છે.

ખેર, પેશ્ચ્યુરાઈઝ્ડ નહીં કરેલા દૂધમાં ઈ કોલી, કેમ્ફિલોબેક્ટર અને સાલ્મોનેલા નામના આરોગ્ય માટે જોખમી બેક્ટેરિયા હોઈ શકે છે. આવા દૂધમાંથી બનાવેલી ચીઝ ખાનારાની તબિયત જોખમાઈ શકે છે. લિસ્ટેરિયા નામના બેક્ટેરિયાના કારણે ક્યારેક લિસ્ટેરિયોસિસ નામનો જીવલેણ રોગ પણ થાય છે, જે વ્યક્તિના માનસિક આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે.

લેક્ટોસ ઈન્ટોલરન્ટલોકો ચીઝ ખાઈ શકે?

લેક્ટોસ ઈન્ટોલરન્ટ એટલે એવો લોકો જેમની હોજરી લેક્ટોસ તત્ત્વ પચાવી શકવા સક્ષમ નથી. એક અંદાજ પ્રમાણે, વિશ્વમાં 65 ટકા વસતી લેક્ટોસ ઈન્ટોલરન્ટ છે. કેટલાક લોકોને દૂધ અને દૂધની બનાવટોની પણ એલર્જી હોય છે, પરંતુ લેક્ટોસ ઈન્ટોલરન્ટ તેના કરતા અલગ છે. જ્યાં સુધી શરીરમાં બીટા-ગેલેક્ટોસિડેસ નામના લેક્ટેસ એન્ઝાઈમની હાજરી ના હોય ત્યાં સુધી લેક્ટોસના અણુઓ વિભાજિત થતા નથી. આ એન્ઝાઈમ જ નાના આંતરડામાં લેક્ટોસનું વિભાજન કરીને ગ્લુકોઝ અને ગેલેક્ટોસનું સર્જન કરે છે. પરંતુ જો લેક્ટેસ એન્ઝાઈમ ના હોય તો લેક્ટોસ મોટા આંતરડામાં જતા રહે છે, અહીં બેક્ટેરિયાની મદદથી ચયાપચયની ક્રિયા થાય છે અને આ સ્થિતિમાં શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ, હાઈડ્રોજન અને મિથેન જેવા વાયુઓનું સર્જન થાય છે. આ સંજોગોમાં ક્યારેક ડાયેરિયા પણ થઈ જાય છે.

લેક્ટોસ કોણ પચાવી શકે છે એ સવાલનો જવાબ ઘણો અઘરો છે. કારણ કે, આ સવાલની સાથે ઉત્ક્રાંતિ, ભૌગોલિક, શારીરિક અને સામાજિક એમ અનેક પાસાં જોડાયેલા છે. ભારતમાં લેક્ટોસ ન પચાવી શકે એવા લોકોનું પ્રમાણ ઘણું ઓછું હોઈ શકે છે. કારણ કે, ભારતના લગભગ તમામ રાજ્યોમાં હજારો વર્ષોથી લોકો દૂધ અને દૂધની બનાવટોનો ખોરાકમાં ઉપયોગ કરે છે.

ઉત્તર-પશ્ચિમી યુરોપના મોટા ભાગના લોકો લેક્ટેસ એન્ઝાઈમ ધરાવે છે, પણ દક્ષિણ અને પૂર્વીય યુરોપમાં આ સંખ્યા ઘટતી જાય છે. લિબિયામાં ખોદકામ દરમિયાન મળેલા વાસણોનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓએ એ વાત પણ સાબિત કરી છે કે, ઈ.સ. પૂર્વે 5,200થી 3,800 વચ્ચે યુરોપમાંથી અનેક લોકો મધ્ય આફ્રિકામાં સ્થળાંતરિત થયા હતા. આ કારણોસર જ કેટલાક આફ્રિકનો અને મધ્ય પૂર્વીય દેશોના લોકો પણ દૂધને પચાવી શકે છે, પરંતુ પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના લોકોમાં દૂધ પચાવવાની શક્તિ નહીંવત છે. જોકે, લેક્ટોસ ઈન્ટોલરન્ટ લોકો પણ ચીઝ ખાઈ શકે છે કારણ કે, દૂધમાંથી ચીઝ બનાવતી વખતે મોટા ભાગનું લેક્ટોસ દૂર થઈ જાય છે.

આ તો થયું ચીઝનું વિજ્ઞાન પણ ચીઝ પોષણની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. ફક્ત સો ગ્રામ ચીઝમાં 36 ટકા જેટલું પ્રોટીન હોય છે. ગુજરાતી ખાણામાં પ્રોટીનના બહુ ઓછા સ્રોત હોય છે, જે ચીઝની મદદથી સહેલાઈથી પૂરી થઈ શકે છે. હા, સો ગ્રામ ચીઝમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ પણ 33 ટકા જેટલું હોય છે, એટલે સ્થૂળતાથી પીડાતા લોકોએ ચીઝ ખાવાનું ટાળવું જોઈએ. 

ચીઝી શબ્દનો અર્થ હલકુંએવો કેવી રીતે થઈ ગયો?

અંગ્રેજીમાં ચીઝી (Cheesy) શબ્દનો અર્થ હલકું કે ઉતરતી કક્ષાનું એવો થાય છે. આ શબ્દની ઉત્પત્તિ પણ ચીઝ શબ્દને આભારી છે. ઉર્દુ ભાષામાં ચીઝનો અર્થ થાય છે, વસ્તુ. ગુજરાતીમાં પણ આપણે ચીજવસ્તુજેવો શબ્દ વાપરીએ જ છીએ. આ દરમિયાન ઉત્તમ વસ્તુ માટે ઉર્દુમાં બડિયા ચીઝશબ્દ વપરાતો હતો. અંગ્રેજો 18મી સદીમાં ઉર્દુ બોલતા લોકોના સંપર્કમાં આવ્યા અને એ દરમિયાન તેમની ભાષામાં રિયલ ચીઝશબ્દ ઉમેરાયો, જેનો અર્થ તેઓ અસલી વસ્તુકંઈક એવો કરતા. શરૂઆતમાં ચીઝ અને ચીઝી શબ્દ બહુ મહત્ત્વની વ્યક્તિ માટે વપરાતો. પરંતુ વર્ષ 1896 સુધીમાં કેટલીક અંગ્રેજી ડિક્શનરીઓમાં ચીઝીશબ્દનો ઉલ્લેખ વ્યંગ કે નિંદાના અર્થમાં નોંધાયો. આમ આજે ચીઝી શબ્દનો અર્થ ચીપ, અનપ્લીઝન્ટ, બ્લન્ટલી ઈનઓથેન્ટિક એ પ્રમાણેનો નોંધાઈ ગયો. આ તમામ શબ્દોનો અર્થ હલકું કે ઉતરતી કક્ષાનો એવો થાય છે.

06 March, 2014

હજુ કેટલા સૈનિકોની શહીદી જોઈશે?


એક તરફ ભારતીય સેનામાં હુંસાતુંસી, આત્મહત્યા જેવા દુષણો અને હત્યા જેવી ગંભીર ગુનાખોરીએ જોર પકડ્યું છે અને બીજી તરફ, જૂનીપુરાણી ટેક્નોલોજીના કારણે અકસ્માતોનું પ્રમાણ પણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. એવું કહેવાય છે કે, ભારતીય સેના અત્યારે સૌથી ખરાબ કાળમાંથી પસાર થઈ રહી છે. નવી દિલ્હીમાં 14મી ઓગસ્ટ, 2013ના રોજ 67માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ આઈએનએસ સિંધુરક્ષક નામની સબમરિને જળસમાધિ લઈ લીધી હતી અને હવે 26મી ફેબ્રુઆરીએ સિંધુ ફેમિલીની આઈએનએસ સિંધુરત્ન સબમરિન સાથે પણ આવો અકસ્માત થતા રહી ગયો. નવાઈની વાત એ છે કે, આ બંને સબમરિનના બેટરી કમ્પાર્ટમેન્ટમાં ખામી સર્જાઈ હતી, પરંતુ સદનસીબે સિંધુરત્ન ડૂબી જતા બચી ગઈ અને મોટી જાનહાનિ ના થઈ.

સિંધુરક્ષક સબમરિન દરિયામાં ડૂબી ગઈ ત્યારે ઓન બોર્ડ હાજર નૌકા દળના 18 અધિકારીઓના મૃત્યુ થયા હતા. જ્યારે સિંધુરત્ન સબમરિનના બેટરી કમ્પાર્ટમેન્ટમાં ગેસ લિકેજની દુર્ઘટના થઈ ત્યારે બે અધિકારીના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા પણ ત્યાં હાજર અન્ય સાત અધિકારીને હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવાયા હતા. સિંધુરક્ષકે જળસમાધિ લીધી ત્યારે સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટની હતા અને અત્યારે પણ એ.કે. એન્ટની જ સંરક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભારતીય સેનાના વડાઓ આધુનિકીકરણની વાત કરે છે ત્યારે રાજકારણીઓ તેમની વાતને સિફતપૂર્વક ભૂલાવી દે છે. સેનાના વિમાન, સબમરિન કે વહાણ સાથે થયેલો અકસ્માત મોટો છે કે નાનો તેને માપવાની ફૂટપટ્ટી તેમાં કેટલા સૈનિકોનું મૃત્યુ થયું એ નથી હોતો એ વાત કદાચ રાજકારણીઓ ભૂલી જાય છે.

એ.કે. એન્ટની અને ડી.કે. જોશી 

સિંધુરત્નમાં ભલે બે સૈનિકોનું મૃત્યુ થયું એ પણ અત્યંત ગંભીર વાત છે. કારણ કે, છેલ્લાં અનેક વર્ષોથી ભારતીય સેનામાં જૂનાપુરાણી ટેક્નોલોજીના કારણે જવાનો કમોતે મરી રહ્યા છે. સિંધુરત્ન અને સિંધુરક્ષક પહેલાં ભારતીય સેના આઈએનએસ એરાવત, ગાઈડેડ મિસાઈલ ફ્રિગેટ આઈએનએસ બેટવા, આઈએનએસ સિંધુઘોષ, આઈએનએસ તલવાર અને આઈએનએસ કોંકણ જેવા અનેક વાહનોમાં નાના-મોટા અકસ્માતોનો સામનો કરી ચૂકી છે. આ મુદ્દાની મીડિયામાં ચર્ચા થાય અને જાડી ચામડીના રાજકારણીઓના પેટનું પાણી હલે એટલા માટે જ નૌકા દળના વડા એડમિરલ ડી.કે. જોશીએ ‘નૈતિક જવાબદારી’ સ્વીકારીને  તાત્કાલિક રાજીનામું આપી દીધું છે. ડી. કે. જોશીની છાપ નૌકા દળના બાહોશ અને ગંભીર અધિકારી તરીકેની છે અને એક સૈનિક તરીકે પણ તેઓ ઉજ્જવળ રેકોર્ડ ધરાવે છે. નવાઈની વાત તો એ છે કે, એ.કે. એન્ટનીએ ભારતીય સેનાના અધિકારીઓ અને જવાનોનું મનોબળ વધારતા બે શબ્દો કહેવાના બદલે ડી.કે. જોશીનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે અને ગોખેલું નિવેદન આપીને ઘરભેગા થઈ ગયા છે.

હજુ નવેમ્બર 2013માં સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ ભારતીય સેનામાં અકસ્માતોને પગલે કમોતે મરતા સૈનિકો અંગે કહ્યું હતું કે, દેશની આ મૂલ્યવાન સંપત્તિ (સૈનિકો)ને આવી રીતે વેડફવા નહીં દેવાય... જોકે, બધા જ સંરક્ષણ મંત્રીઓ આવા નિવેદન તો આપે છે પણ પછી કેન્દ્ર સરકાર કે સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય સેનાને આધુનિક વાહનો અને અન્ય શસ્ત્રસરંજામ આપવા માટે કોઈ ગંભીર પ્રયાસ કરાતા નથી. એટલું જ નહીં, છેલ્લાં કેટલાક વર્ષોમાં તો કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાના અહેવાલોમાં પણ કહેવાયું છે કે, સૈન્યના આધુનિકીકરણમાં મોડું થઈ રહ્યું હોવાથી ભારતીય નૌકા દળની તાકાત સતત ઘટી રહી છે. ભારતમાં સેના માટે વિવિધ પ્રકારના શસ્ત્રસરંજામની ખરીદીની મંજૂરી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ આપે છે અને આ કાઉન્સિલના અધ્યક્ષ હોદ્દાની રૂએ સંરક્ષણ મંત્રી જ હોય છે. આ કાઉન્સિલની મંજૂરી પછી જ ભારતીય સેનાની ત્રણેય પાંખ માટેના શસ્ત્રસરંજામની ખરીદી કરવામાં આવે છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના વર્ષ 2008-09ના અહેવાલમાં પણ સબમરિનની બેટરીમાં સર્જાતી ખામીને ગંભીરતાથી લેવામાં આવી હતી. આ અહેવાલમાં કહેવાયું હતું કે, “સબમરિન માટેની બેટરી મોનિટરિંગ સિસ્ટમની ખરીદ પ્રક્રિયા ઝડપથી થવી જોઈએ અને આ કામમાં અયોગ્ય રીતે મોડું થઈ રહ્યું છે...” આ અહેવાલને સંરક્ષણ મંત્રાલયે ગંભીરતાથી કેમ ના લીધો? સિંધુરત્ન સબમરિનમાં પણ બેટરી કમ્પાર્ટમેન્ટમાં જ આગ લાગી હતી અને તેના કારણે થયેલા ધુમાડામાં ગુંગળાઈ જવાના કારણે નૌકા દળે બે બાહોશ જવાનો ગુમાવવાનો વારો આવ્યો છે. ગયા વર્ષે સિંધુરક્ષકની જળસમાધિ પછી ભારતીય નૌકા દળે સુરક્ષાના કારણોસર સિંધુરત્નને ફરજમાંથી મુક્ત કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ એ પહેલાં જ આ અકસ્માતમાં વધુ બે અધિકારીનો ભોગ લેવાઈ ગયો છે.

ભારતીય નૌકા દળના આધુનિકીકરણ માટે તૈયાર કરાયેલો સ્કોર્પેન પ્રોજેક્ટ પણ ભારતની ઢીલી અને ભ્રષ્ટ અમલદારશાહીનું ઉત્તમ ઉદાહરણ છે. સ્કોર્પેન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2005માં મુંબઈના મઝગાંવ ડોક્સ લિમિટેડમાં છ ફ્રેન્ચ-સ્પેનિશ ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરિન વિકસાવવાના કાર્યક્રમને મંજૂરી આપી દેવાઈ હતી. આ કાર્યક્રમ પછી આવી વધારાની છ સબમરિન વિકસાવવાનું પણ આયોજન છે, પરંતુ અત્યાર સુધી એક પણ સબમરિનને ભારતીય નૌકા દળમાં સમાવી શકાઈ નથી. આ સબમરિનની ડિલિવરી વર્ષ 2012થી ચાલુ કરી દેવાની હતી પણ હવે તે વર્ષ 2016 સુધી પાછી ઠેલવવામાં આવી છે. સિંધુ ફેમિલીની સિંધુરક્ષક અને સિંધુરત્ન સોવિયેત યુગની સબમરિનો હતી અને 25-30 વર્ષનું તેનું આયુષ્ય પણ લગભગ પૂરું થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં મોડું થવા પાછળનું કારણ ગોકળગાય ગતિએ ચાલતી અમલદાર પ્રક્રિયા જ જવાબદાર છે.

જોકે, વાત ફક્ત સબમરિનોની નથી. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 24મી ફેબ્રુઆરીએ જ ચાર એમ્ફિબિયસ વહાણો અને એન્ટિ-સબમરિન વૉરફેરની સુવિધા ધરાવતા 16 મલ્ટી-રોલ હેલિકોપ્ટરો ખરીદવાના નૌકા દળના સૂચનને ફગાવી દીધું છે. આ દરમિયાન ભારતીય સેના અને ભારતીય વાયુ સેનાએ પણ કેટલોક શસ્ત્રસરંજામ ખરીદવાની કાઉન્સિલને ભલામણ કરી હતી. એવું કહેવાય છે કે, આ સૂચન ફગાવી દેવાયું ત્યારે પણ એડમિરલ ડી.કે. જોશીએ સવાલ ઉઠાવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2005માં 126 મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદી માટે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર બહાર પડ્યાના બે વર્ષ પછી એટલે કે વર્ષ 2007માં અમલદારો છ ઉત્પાદકોની ફક્ત એક યાદી બનાવી શક્યા હતા. ત્યાર પછી વર્ષ 2012માં થોડી ચહલપહલ થઈ અને ફરી એકવાર કિંમત અને મેઈન્ટેન્સ મુદ્દે ખરીદીમાં ગૂંચવણો ઊભી થઈ. અમલદારશાહી-બાબુશાહીના કારણે સીધી કે આડકતરી રીતે સૈનિકોની જિંદગી સાથે કેવો ખિલવાડ થઈ રહ્યો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.

રસપ્રદ વાત એ છે કે, મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ તરીકે ઓળખાતા આ મિલિટરી પ્લેન ભારતીય વાયુસેનાના મિગ વિમાનોનું સ્થાન લેવાના હતા. વર્ષ 1960થી ભારતીય વાયુ સેના મિગ કોમ્બેટ જેટ વિમાનોનો ઉપયોગ કરી રહી છે પણ આટલા વર્ષો પછી આ વિમાનોમાં ઉડવું અત્યંત જોખમી થઈ ગયું છે. મિગ વિમાનોના અકસ્માતોમાં અત્યાર સુધી ભારતીય સેનાના અનેક જવાનો કમોતે માર્યા ગયા છે અને એટલે જ તે ‘ફ્લાઈંગ કોફિન’ નામે કુખ્યાત છે. છેલ્લાં વીસેક વર્ષમાં અનેક મિગ વિમાનો અકસ્માતોનો ભોગ બન્યા હોવા છતાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે વાયુ સેનાને અત્યાધુનિક વિમાનો આપવા કોઈ ગંભીરતા દર્શાવી નથી. નવાઈની વાત તો એ છે કે, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે બી-737 બોઈંગ બિઝનેસ જેટની ખરીદીને મંજૂરી આપી દીધી છે, જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીની લાવવા-લઈ જવા માટે કરાય છે. વળી, આ જેટ વિમાનોની ખરીદી સિંગલ વેન્ડર સિસ્ટમ આધારિત હોય છે. આ સિસ્ટમ પ્રમાણે એક જ ઉત્પાદકને પસંદ કરીને ખરીદી કરી લેવાય છે. એક જ ઉત્પાદક પાસેથી કરાતી ખરીદીમાં અન્ય ઉત્પાદકો પસંદ કરીને તેની યાદી બનાવવાની ‘લાંબી પ્રક્રિયા’માંથી પસાર જ નથી થવું પડતું.

ભારતીય સેના માટે થતી ખરીદી હંમેશાં શંકાસ્પદ હોય છે અને એટલે જ તેની સામે સવાલો ઉઠતા રહે છે. ભારત સરકારે આઈએલ-78 નામના હેવી-લિફ્ટ એરક્રાફ્ટ માટે ત્રણ ફાલ્કન એરબોર્ન વૉર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમની પણ ખરીદી છે. આ સામે ભારતીય સેનાના જ કેટલાક અધિકારીઓ અને સુરક્ષા નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા છે કે, આ સિસ્ટમની ભારત સરકારને ખરેખર જરૂર હતી? તાજેતરમાં જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ નામની ઈટાલિયન કંપની પાસેથી 12 હેલિકોપ્ટર ખરીદવાનું લાંચ કૌભાંડ ચગ્યું હતું. આ કૌભાંડના કારણે જ ઓગસ્ટા વેસ્ટલેન્ડ સાથેનો કરાર ભારત સરકારે રદ કરી દીધો હતો. આ હેલિકોપ્ટરની ખરીદીનો કરાર પણ સિંગલ વેન્ડર સિસ્ટમ આધારિત હતો.

ભારતીય સેનાનું આધુનિકીકરણ કરવાનો સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીનો રેકોર્ડ અત્યંત નબળો સાબિત થયો છે. ભારતીય સેનાની ત્રણેય પાંખનું આધુનિકીકરણ કરવા માટે હજુ કેટલાક સૈનિકોની શહીદીની રાહ જોવાઈ રહી છે? ભારતીય સેના માટે કરાતી ખરીદીમાં પારદર્શકતા આવે એ પણ એટલો જ ગંભીર મુદ્દો છે. નહીં તો શસ્ત્રોની ખરીદીમાંથી રાજકારણીઓ રોકડી કરતા રહેશે અને દેશ માટે ખડે પગે રહેતા નિર્દોષ સૈનિકો કમોતે મરતા રહેશે. આપણે યાદ રાખવુ જોઈએ કે, ગમે તેવા શૂરવીર યોદ્ધાને પણ સારા શસ્ત્રોની જરૂર હોય જ છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગુગલ પરથી લીધી છે. 

01 March, 2014

ભારતના બે યુવા એન્જિનિયરોનું ‘મૂન મિશન’


ગૂગલ દ્વારા આયોજિત ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝસ્પર્ધાના પાંચ ફાઈનલિસ્ટમાં પહેલીવાર ભારતની ટીમ ઈન્દુસનામની ટીમની પણ પસંદગી થઈ છે. વિશ્વભરના યુવા ટેક્નોલોજિસ્ટને આકર્ષતી આ સ્પર્ધામાં ડિસેમ્બર 2015 સુધીમાં વિશ્વની અનેક ટીમો ચંદ્ર પર રોબોટિક અવકાશયાન મોકલવાનો પ્રયાસ કરશે. ટીમ ઈન્દુસની રચના આઈઆઈટીના રાહુલ નારાયણન અને ઈન્દ્રનીલ ચક્રબોર્થીની નામના બે વિદ્યાર્થીઓએ કરી છે. ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝનો હેતુ વિશ્વભરના યુવાન એન્જિનિયર અને આંત્રપ્રિન્યોરને અવકાશ અને રોબોટિક ક્ષેત્રે સંશોધન કરવા પ્રેરણા આપવાનો અને પડકારો ઝીલતા કરવાનો છે. કુલ ત્રણ કેટેગરીમાં યોજાતી આ સ્પર્ધામાં વિજેતા ટીમો વચ્ચે કુલ 40 મિલિયન યુ.એસ. ડૉલરની રકમ વહેંચવામાં આવે છે.

ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝ સ્પર્ધામાં ભાગ લેનારી ટીમે સંશોધનો માટે થનારો ખર્ચ પોતે જ કરવો પડે છે. જોકે, દરેક ટીમ વ્યક્તિગત ધોરણે આર્થિક મદદ લઈને અને ભંડોળ ભેગું કરીને પોતાનો પ્રોજેક્ટ પાર પાડી શકે છે. આ સ્પર્ધામાં જીતવા માટે દરેક ટીમે ચંદ્રની સપાટી પર પોતાનો રોબોટ મૂકવાનો હોય છે. આ સ્પર્ધાના નિયમ મુજબ, દરેક ટીમનો રોબોટ અવકાશ યાનથી સફળતાપૂર્વક છૂટો પડીને ચંદ્રની ધરતી પર ઓછામાં ઓછું 500 મીટર ભ્રમણ કરી શકે એ પણ જરૂરી છે. એટલું જ નહીં, દરેક ટીમે રોબોટ પર હાઈ-ક્વૉલિટી ઈમેજિંગ સિસ્ટમ વિકસાવીને પૃથ્વી પર હાઈ-ક્વૉલિટી ઈમેજ અને વીડિયો પ્રસારિત કરવા પણ જરૂરી છે. આ માટે દરેક ટીમે પોતાનું અવકાશ યાન પણ વિકસાવવાનું હોય છે, જે રોબોટ (રોવર)ને લઈને ચંદ્રની ધરતી પર હળવેકથી લેન્ડિંગ કરી શકે.


ઈન્દ્રનીલ ચક્રબોર્થી અને રાહુલ નારાયણન 

આ વર્ષે ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝમાં વિશ્વભરમાંથી 33 ટીમોએ અરજી કરી હતી. અમેરિકા જેવા દેશોમાં તો સ્થાનિક ટીમો વચ્ચે પણ સ્પર્ધામાં ફાઈનલ સુધી પહોંચવાની જોરદાર હરીફાઈ હોય છે. ભારતમાંથી ફક્ત ટીમ ઈન્દુસએ આ સ્પર્ધા માટે અરજી કરી હતી. આ સ્પર્ધામાં અનેક ટીમો પહેલેથી જ હાર સ્વીકારીને હટી જાય છે અને અનેક ટીમોને નિર્ણાયકો અમાન્ય જાહેર કરી દે છે. ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝના નવ નિર્ણાયકોએ છેલ્લે સુધી ટકી ગયેલી ટીમોમાંથી કુલ 11 ટીમની પસંદગી કરી હતી. આ 11 ટીમ વચ્ચે પણ આખરી પાંચ ફાઈનલિસ્ટમાં પહોંચવા માટે ગળાકાપ સ્પર્ધા હતી, જેમાં ટીમ ઈન્દુસની પસંદગી થઈ છે. હવે, ‘ટીમ ઈન્દુસની સ્પર્ધા અમેરિકાની એસ્ટ્રોબોટિક અને મૂન એક્સપ્રેસ, જાપાનની હાકુટો અને જર્મનીની પાર્ટ-ટાઈમ સાયન્ટિસ્ટ્સ એમ ચાર ટીમ સાથે થશે. ટીમ ઈન્દુસની સ્પર્ધા આર્થિક રીતે અત્યંત સદ્ધર ટીમો સાથે થવાની છે. આ તમામ ટીમ પોતપોતાના દેશમાં વર્લ્ડ ક્લાસ રોબોટિક્સ અને સ્પેસ સંશોધકોની મદદ લઈને પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવા મચી પડી છે.

ટીમ ઈન્દુસનું મોટા ભાગનું કામ તેના સ્થાપક રાહુલ નારાયણન અને ઈન્દ્રનીલ ચક્રબોર્થી સંભાળવાના છે. આ સિવાય તેમની ટીમમાં એક્સ પાયલોટ સમીર જોષી, મેનેજમેન્ટ ગુરુ જુલિયસ અમ્રિત, બ્રાન્ડિંગ એક્સપર્ટ અને જાણીતા ઓટોમોબાઈલ ડિઝાઇનર દિલીપ છાબરિયાનો સમાવેશ થાય છે. રાહુલ નારાયણન અને ઈન્દ્રનીલ ચક્રબોર્થી અત્યારે ચાળીસીમાં પ્રવેશી ચૂક્યા છે. રાહુલ જાણીતા આંત્રપ્રિન્યોર છે, જ્યારે ઈન્દ્રનીલ એરોસ્પેસ એન્જિનિયર છે. રાહુલ અને ઈન્દ્રનીલ નવી દિલ્હીના આર.કે. પુરમમાં છઠ્ઠા ધોરણથી દિલ્હી પબ્લિક સ્કુલમાં સાથે ભણતા હતા. ત્યાર પછી રાહુલ કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા આઈઆઈટી-દિલ્હી અને ઈન્દ્રનીલ એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા આઈઆઈટી-ખરગપુર ગયા હતા. આ બંને મિત્રો વર્ષ 1995માં એકસાથે આઈઆઈટીમાંથી સ્નાતક થયા હતા અને વર્ષ 2009-10માં ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝ વિશે સાંભળીને તેઓ ફરી એકવાર ભેગા થયા છે.

આ સ્પર્ધા વિશે સાંભળતા જ રાહુલ અને ઈન્દ્રનીલમાં રહેલો ઉદ્યોગસાહસિકતાનો કીડો સળવળવા લાગ્યો હતો. હવે આ બંને મિત્રોએ ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝમાં જીતવા માટે સંપૂર્ણ ધ્યાન સ્પેસ વેન્ચર પર કેન્દ્રિત કર્યું છે. આ અંગે રાહુલ કહે છે કે, “અમને ખ્યાલ હતો કે, આ વાત સરળ નહીં હોય. અમે જાણતા હતા કે, આ કામ પાર પાડવા જબરદસ્ત ધીરજ રાખવી પડશે અને પડીને ઊભા થવાની તાકાત જોઈશે...રાહુલ અને ઈન્દ્રનીલ સામે સૌથી પહેલો પડકાર આ સ્પર્ધામાં અરજી કરવા પચાસ હજાર ડૉલર ભેગા કરવાનો હતો. આ ભંડોળ ભેગું કરવા માટે તેઓ નેશનલ ઈનોવેશન કાઉન્સિલના અધ્યક્ષ સામ પિત્રોડા, ઈસરોના પૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરીરંગન, નાસકોમના પૂર્વ પ્રમુખ કિરણ કર્ણિક, બ્રિટિશ ટેલિકોમ ઈન્ડિયાના પૂર્વ વડા અને અલ્કાટેલ-લ્યુસેન્ટ ઈન્ડિયાના અધ્યક્ષ અરુણ સેઠ તેમજ સીએ ટેક્નોલોજીસ ઈન્ડિયાના અધ્યક્ષ સૌરભ શ્રીવાસ્તવ જેવી હસ્તીઓને મળ્યા અને પ્રોજેક્ટ માટે તેમણે કરેલી સંપૂર્ણ તૈયારી રજૂ કરી.

આ બધી માથાકૂટ વચ્ચે તેઓ અને તેમના મિત્રો દ્વારા ટીમ ઈન્દુસનો સોશિયલ મીડિયા પર સારો એવો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો હતો. પરિણામે ટીમ ઈન્દુસને અનેક લોકો આર્થિક મદદ કરવાની ઑફર કરતા હતા. આ બંને યુવા એન્જિનિયરો અનેક લોકો સમક્ષ જઈને પહેલેથી છેલ્લે સુધી પોતાનો પ્રોજેક્ટ થાક્યા વિના સમજાવતા રહેતા હતા. આ અંગે અરુણ સેઠ કહે છે કે, “હું અનેક સ્ટાર્ટ-અપ (નવી કંપની) સાથે સંકળાયેલો છું પણ મેં આટલા સાહસિક યુવાનો ક્યારેય નથી જોયા. જ્યારે હું પહેલીવાર તેઓને મળ્યો ત્યારે મને લાગ્યું કે, તેઓ કંઈક વધારે પડતા ઉત્સાહી છે. પણ જ્યારે તેમણે આખો પ્રોજેક્ટ સમજાવ્યો અને તેમણે કરેલી તૈયારી જોયા પછી હું સંમત થઈ ગયો. હવે આ વાત આખા દેશ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે, ખાસ કરીને યુવાનો માટે...

જોકે, ‘ટીમ ઈન્દુસઆખરી પાંચ સ્પર્ધકોમાં તો પહોંચી ગઈ છે, પરંતુ ખરી સ્પર્ધા હવે શરૂ થવાની છે. તેમની સોફ્ટવેર ડિઝાઈન તો ખૂબ સારી રીતે કામ કરી રહી છે, પરંતુ હવે તેને હાર્ડવેરમાં પરિવર્તિત કરવાનું કામ ચાલી રહ્યું છે. ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝના નિયમ મુજબ જે ટીમ સપ્ટેમ્બર, 2015 સુધીમાં પોતાની રોબોટિક ડિઝાઈન નિર્ણાયકો સમક્ષ રજૂ કરી શકે તે જ આ સ્પર્ધામાં ટકી શકે એમ છે. સ્પર્ધામાં કંઈ કાચું ના કપાય એ માટે રાહુલ અને ઈન્દ્રનીલ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સાથે સીધા સંપર્કમાં રહેવા માટે એક વર્ષ પહેલાં જ બેંગલુરુ સ્થાયી થઈ ગયા હતા. ટીમ ઈન્દુસના રોબોટને અવકાશમાં લઈ જવા માટે પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલ (પીએસએલવી)ની સુવિધા ઈસરો આપવાનું છે. આ ઉપરાંત લેન્ડર અને રોવર જેવા સાધનો બનાવી આપતી સારી એરોસ્પેસ કંપનીઓ પણ ફક્ત બેંગલુરુમાં છે, જે રોબોટને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર મૂકવા માટે અત્યંત જરૂરી છે. આ માટે તેઓ સેસ્કન નામની બેંગલુરુસ્થિત કંપનીની મદદ લઈ રહ્યા છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થનારું અવકાશ યાન બાંધવા અને તેને અવકાશમાં તરતું મૂકવા ટીમ ઈન્દુસને અંદાજે રૂ. 200 કરોડ જેટલો ખર્ચ થશે. આ ઉપરાંત અવકાશ યાનના લૉન્ચિંગ માટે ઈસરોને જ રૂ. 100 કરોડ જેટલી ફી ચૂકવવી પડે એમ છે. ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝના નિયમ પ્રમાણે, સ્પર્ધામાં ભાગ લેતી તમામ ટીમનો 90 ટકા જેટલો ખર્ચ વ્યક્તિગત ધોરણે લીધેલી આર્થિક મદદમાંથી જ થવો જોઈએ. આ નિયમના કારણે ટીમ ઈન્દુસઈસરોને ફી માફી કરવાનું પણ કહી શકે એમ નથી. કારણ કે, જો ફી માફી થાય તો તેમનો પ્રોજેક્ટ સરકારી મદદમાં ખપી જાય. કિરણ કર્ણિક પણ ટીમ ઈન્દુસના પ્રોજેક્ટને લઈને ઉત્સાહી છે. તેઓ કહે છે કે, “આ યુવાનોએ જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતોને એક છત્ર નીચે લાવીને એક પ્રોજેક્ટ પૂરો કરવાનો નિર્ણય લીધો છે એ ખૂબ મોટી વાત છે. તેમની ડિઝાઈન ખૂબ સારી છે. આ સ્પર્ધાનું પરિણામ જે કંઈ આવે તે ખરેખર એક દેશ માટે ખૂબ મોટી વાત હશે.

ટીમ ઈન્દુસએ ઓછામાં ઓછા ખર્ચે આ પ્રોજેક્ટ પાર પાડવાનો છે, જ્યારે અમેરિકા અને જર્મની જેવા દેશોની ટીમો પાસે જબરદસ્ત આર્થિક તાકાત છે. ટીમ ઈન્દુસને આશા છે કે, આ સ્પર્ધામાં તેઓ આખા દેશને તેમના પર ગર્વ થાય એવો દેખાવ કરશે.  

ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝ શું છે?

ગૂગલ લુનાર એક્સ-પ્રાઈઝ મૂન 2’ તરીકે પણ ઓળખાય છે. 13મી સપ્ટેમ્બર, 2007માં વાયર્ડ નેક્સ્ટફેસ્ટમાં એક્સ-પ્રાઈઝ નામની એક સ્વૈચ્છિક સંસ્થાએ અવકાશ યાનની મદદથી ચંદ્ર પર રોબોટ લેન્ડિંગ, મોબિલિટી અને ઈમેજિંગ એમ ત્રણ કેટેગરીમાં આ સ્પર્ધા યોજવાની જાહેરાત કરી હતી. આ સ્પર્ધામાં લેન્ડિંગ, મોબિલિટી અને ઈમેજિંગ સિસ્ટમમાં વિજેતાઓને અનુક્રમે દસ લાખ, પાંચ લાખ અને અઢી લાખ ડૉલરનું ઈનામ આપવામાં આવે છે. લેન્ડિંગમાં વધુમાં વધુ ત્રણ જ્યારે મોબિલિટી અને ઈમેજિંગ સિસ્ટમની કેટેગરીમાં વધુમાં વધુ ચાર ટીમોને વિજેતા જાહેર કરાય છે. એ રીતે આ સ્પર્ધામાં કુલ 40 મિલિયન ડૉલર જેટલી ઈનામી રકમ વહેંચવામાં આવે છે. જોકે, એક જ કેટેગરીમાં વિજેતા બનતી ટીમોને એકસરખી રકમ નથી મળતી, પરંતુ જે ટીમ સૌથી પહેલાં વિજયી થવાનો દાવો કરે છે તેને જ ગ્રાન્ડ પ્રાઈઝમળે છે. જોકે, આ સ્પર્ધાની ખાસ વાત એ છે કે, દરેક ટીમ સ્પર્ધાના નિયમ પ્રમાણે ઓછામાં ઓછી જરૂરિયાતથી વધુ સારો દેખાવ કરીને ઈનામી રકમ કમાઈ શકે છે. જેમ કે, જે તે ટીમનો રોબોટ ચંદ્રની સપાટી પર ઓછામાં ઓછો 500 મીટર તો ભ્રમણ કરવો જ જોઈએ એવો નિયમ છે, પરંતુ સ્પર્ધકો પોતાના રોબોટને પાંચ હજાર મીટર સુધી ચલાવીને પણ વધુ મોટી રકમ કમાઈ શકે છે.