29 October, 2018

ઈન્ડિયન ગ્રે વુલ્ફ : મોગલીના પરિવાર પર ખતરો


રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'માં મોગલીનો ઉછેર વરુઓના એક ઝૂંડમાં થાય છે. મોગલીનો ઉછેર રક્ષા નામની એક માદા વરુ કરે છે, જે મોગલીને શેર ખાનથી કેવી રીતે બચવું અને જંગલી કૂતરાઓને કેવી રીતે ગેરમાર્ગે દોરવા એ શીખવે છે. આ શેર ખાન એટલે રોયલ બેંગાલ ટાઈગર અને મોગલીનો ઉછેર કરતા વરુ એટલે ઈન્ડિયન ગ્રે વુલ્ફ. (કિપલિંગે મોગલીની વાર્તાઓમાં રોયલ બેંગાલ ટાઈગરને 'શેર' પરથી શેર ખાન નામ આપ્યું છે, પરંતુ હિંદીમાં શેરનો અર્થ સિંહ અને બાઘનો અર્થ વાઘ થાય). મોગલીની વાર્તાઓમાં વરુઓને વાઘનો ભય છે, પરંતુ અસલી જિંદગીમાં પણ વાઘ-સિંહના કારણે જ વરુઓના માથે ખતરો તોળાઈ રહ્યો છે. 'ધ જંગલ બુક'માં કહેવાયું છે એવી રીતે નહીં પણ જરા જુદી રીતે.

ભારતમાં 'સેવ વાઈલ્ડ લાઈફ'ની વાત આવે એટલે મુદ્દો વાઘ-સિંહ સુધી આવીને અટકી જાય છે, જેના કારણે ઈકો સિસ્ટમમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતા બીજા અનેક સસ્તન પ્રાણીઓ પર 'સરકારી ધોરણે' પણ ધ્યાન અપાતું નથી. ઈન્ડિયન ગ્રે વુલ્ફ સાથે પણ આવું જ થયું છે, જે ભારતમાં વરુ જેવા સીધાસાદા નામે ઓળખાય છે. આ વરુ જ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતા હરણ, સસલાં, ઉંદરો, મોટા પક્ષીઓ, પહાડી બકરા-ઘેંટા વગેરેનો શિકાર કરીને તેમની વસતી કાબૂમાં રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં એટલે જ વરુનો શિકાર કરવો અપશુનિયાળ મનાતો. ખેડૂતો એવું માનતા કે, વરુનો શિકાર કરવાથી પાક સારો નથી ઉતરતો.

મોગલી અને રક્ષાનું ફિલ્મી દૃશ્ય 

આજકાલ ખેડૂતોની જેમ વરુની સ્થિતિ પણ બદતર છે. ૨૦૦૪માં કરાયેલા અંદાજ પ્રમાણે, દેશભરમાં વરુઓની વસતી માંડ બે-ત્રણ હજાર રહી ગઈ છે. આપણી પાસે તેનો પણ ચોક્કસ આંકડો નથી. એક સમયે ઈન્ડિયન ગ્રે વુલ્ફ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા હતા. આ જ પ્રજાતિ નેપાળ અને ભુતાનમાં પણ જોવા મળતી હતી પણ અત્યારે આ પ્રદેશોમાં તે હયાત છે કે નહીં એ વિશે કોઈ માહિતી નથી. ભારત સરકારે ૧૯૭૨માં ઈન્ડિયન ગ્રે વુલ્ફને ઝડપથી લુપ્ત થઈ રહેલી પ્રજાતિમાં મૂકીને સંરક્ષણ આપ્યું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં જંગલો વધુને વધુ પાંખા થઈ રહ્યા છે, જેના કારણે વરુનો ખોરાક ગણાતા નાના અને મધ્યમ કદના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં વરુ કેવી રીતે બચે? 

ભારતમાં પશ્ચિમ ઘાટથી છેક સામે છેડે પૂર્વ ઘાટ સુધી પથરાયેલો વિસ્તાર 'ડેક્કન પ્લેટો' તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વરુને બચાવવા સારું કામ થઈ રહ્યું છે. સરકારી નહીં, પણ સ્વૈચ્છિક ધોરણે. આ વિશે વિગતે વાત કરીએ. તમે હમ્પીનું નામ સાંભળ્યું હશે. કર્ણાટકમાં આવેલા આ ઐતિહાસિક સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે. ૧૪મી સદીમાં સોળે કળાએ ખીલેલા વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી હતી. આધુનિક કર્ણાટકના બેલ્લારી અને કોપ્પલ જિલ્લાના અમુક વિસ્તારમાં હમ્પીના ઐતિહાસિક સ્થાપત્યો પથરાયેલા છે. દેશી-વિદેશી પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ લોકપ્રિય છે. રોપ અને હાર્નેસ વિના નાનકડા ખડકો પર ક્લાઇમ્બિંગ કરવાની 'બુલ્ડરિંગ' નામની એડવેન્ચર સ્પોર્ટ્સના કારણે પણ હમ્પી જાણીતું છે. જોકે, એક વાત બહુ ઓછી જાણીતી છે. અહીંની વાઈલ્ડ લાઈફ.

વેળાવદરમાં આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ


હમ્પી નજીક આવેલા રેલવે સ્ટેશનથી માંડ ત્રીસેક કિલોમીટર દૂર કોપ્પલની વચ્ચે ચારેય તરફ પર્વતમાળા પથરાયેલી છે. વિસ્તારમાં સ્લોથ બેર અને દીપડા સારી એવી સંખ્યામાં વસે છે. હમ્પીની બાજુમાં જ દારોજી બેર સેન્ચુરી છે અને ત્યાં પણ સ્લોથ બેર જોવા મળે છે. આ ઉપરાંત અહીંના છુટાછવાયા વેરાન વિસ્તારોમાં જળ બિલાડી, ચટાપટાવાળા ઝરખ, કાળિયાર, શાહુડી, શિયાળ, એશિયન પામ સિવેટ (એક પ્રકારની નાની બિલાડી) અને ઈન્ડિયન ગ્રે વુલ્ફ જોવા મળે છે. પોષણકડીમાં ખૂબ જ મહત્ત્વના મનાતા આ તમામ દુર્લભ સસ્તન પ્રાણીઓની વસતી અત્યારે ઝડપથી ઘટી રહી છે. હજુ એકાદ દાયકા પહેલાં અહીં ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ નામના પક્ષી પણ ઠેર ઠેર જોવા મળતા. ગુજરાતીમાં આ પક્ષીને આપણે ઘોરાડ તરીકે ઓળખીએ છીએ. પીળા રંગનું ગળું ધરાવતી બુલબુલ અને તેતર પણ અહીં જોવા મળતા. જોકે, ખડકાળ વિસ્તારોમાં ઝાડીઝાંખરા ઘટવાના કારણે આ પક્ષીઓ પણ હવે લુપ્ત થઈ રહ્યા છે.

હમ્પીથી એક કલાકના અંતરે વેરાન જંગલમાં રાજવી પરિવારની માલિકીની એક લૉજ છે, જે ઈન્દ્રજીત ઘોરપડેનું નિવાસ સ્થાન છે. તેઓ છ સદીનો ઈતિહાસ ધરાવતા ગજેન્દ્રગઢ રાજવી પરિવારના વંશજ છે. મરાઠી ભાષામાં મોનિટર લિઝાર્ડ (એક પ્રકારની ઘો) 'ઘોરપડે' તરીકે ઓળખાય છે, જેના પરથી રાજવી પરિવારને આ અટક મળી હતી. ઈન્દ્રજીત ઘોરપડે કોપ્પલની વાઈલ્ડ લાઈફના માનદ્ સંરક્ષક છે. તેઓ ડેક્કન કન્ઝર્વેશન ફાઉન્ડેશન હેઠળ ઈન્ડિયન ગ્રે વુલ્ફ સહિતના સસ્તન પ્રાણીઓને બચાવવા પ્રયત્નશીલ છે. ઈન્દ્રજીત ઘોરપડે અહીં ફોટોગ્રાફી કે સફારી કરવા આવતા વાઈલ્ડ લાઈફના રસિયાઓને અંતરિયાળ વિસ્તારમાં ઊંડે સુધી લઈ જઈને સમજાવે ત્યારે અહેસાસ થાય છે કે, વિકાસની દોડમાં જમીન, પાણી અને હવાના પ્રદૂષણના કારણે અત્યંત સમૃદ્ધ જંગલ વિસ્તારોનો કેવી રીતે સફાયો થઈ રહ્યો છે!


હમ્પીનું વિખ્યાત વિરુપક્ષા મંદિર


જેમ કે, થોડા સમય પહેલાં અહીં જંગલી ફૂલો સારા એવા પ્રમાણમાં થતા, જેના કારણે અહીં જાતભાતના પતંગિયા જોવા મળતા, પરંતુ હવે ફૂલોનું વૈવિધ્ય પણ ઘટી રહ્યું છે. હમ્પીની આસપાસના જંગલોમાં ઝાડીઝાંખરા ધરાવતા ખડકાળ જંગલો વધારે છે. આ પ્રકારના પ્રદેશોમાં કુરુબા નામની જાતિના પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં ઘેંટા-બકરા ચરાવતા જોવા મળે, જે ઈન્ડિયન ગ્રે વુલ્ફનો સૌથી મહત્ત્વનો ખોરાક છે. કદાચ એટલે જ અહીં ઈન્ડિયન ગ્રે વુલ્ફે રહેવાનું પસંદ કર્યું હશે! ગીરના માલધારીઓ સિંહ સાથે જેવો સંબંધ રાખે છે, એવો જ સંબંધ અહીંના પશુપાલકોને વરુ સાથે છે. પરંતુ ઘાસિયા મેદાનો ધરાવતા વેરાન વિસ્તારોને કર્ણાટકની સરકાર 'બહુ મહત્ત્વનો નહીં એવો વિસ્તાર' ગણીને દુર્લક્ષ સેવે છે. આ કારણસર ત્યાં વસતા સજીવો સરકારી યોજનાઓથી વંચિત રહી જાય છે. પક્ષીઓ, સરિસૃપો અને જીવડાંની હજારો પ્રજાતિઓ પણ વાઈલ્ડ લાઈફ છે, એ વાત તો જાણે સરકાર ભૂલી જ ગઈ છે.

આપણે વરુની વાત કરીએ. વરુ કોઈ સામાન્ય પ્રાણી નથી. પૃથ્વી પર વિચરતા સૌથી જૂના સસ્તન પ્રાણીઓમાં વરુનો સમાવેશ થાય છે. હમણાં સુધી એવું મનાતું કે, ભારતમાં જોવા મળતા ઈન્ડિયન ગ્રે વુલ્ફ યુરેશિયા (યુરોપ-એશિયાને જોડતા પ્રદેશો) અને ઉત્તર અમેરિકામાં દેખાતા ગ્રે વુલ્ફની જ પેટા પ્રજાતિ છે. જોકે, વિજ્ઞાનીઓની એ માન્યતા પણ ખોટી પડી. તાજેતરના ડીએનએ સંશોધનો અને વિવિધ અશ્મિઓની શોધ પછી એવું જાણવા મળ્યું કે, પાછલા ૪૦ હજાર વર્ષમાં ભારતીય વરુનું બીજી કોઈ જાતિ સાથે ક્રોસ બ્રિડિંગ થયું નથી. એ પછી ગ્રે વુલ્ફની આગળ 'ઈન્ડિયન' લગાડીને તેની જુદી જાતિ તરીકે નોંધ લેવાઈ.  રસપ્રદ વાત એ છે કે, અરેબિયન ઉપખંડ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં દેખાતા વરુ ગ્રે વુલ્ફની જ પેટા પ્રજાતિ મનાય છે, પરંતુ ભારતીય વરુ નહીં. એ પ્રદેશોમાં જોવા મળતા વરુ 'ઈરાનિયન વુલ્ફ' તરીકે ઓળખાય છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળતા વરુ 'હિમાલયન વુલ્ફ' તરીકે ઓળખાય છે. હિમાલયન વુલ્ફ મોટા ભાગે તિબેટિયન ઉપખંડમાં ફેલાયેલા છે. વરુ આઈસ એજમાં પણ ટકી ગયા હતા કારણ કે, અત્યંત કપરી સ્થિતિમાં જીવન ટકાવવાની પદ્ધતિઓ શોધી કાઢવામાં તેઓ માહેર છે.

હમ્પીના ખડકો પર બુલ્ડરિંગ

આ સુંદર જીવ એક સમયે ખેડૂતમિત્ર મનાતા પણ છેલ્લી બે-ત્રણ સદીમાં તેની ક્રૂરતાપૂર્વક કત્લેઆમ કરાઈ છે. બ્રિટીશ રાજમાં અંગ્રેજ અધિકારીઓ શિકાર કરવા નીકળે ત્યારે વરુને નહોતા મારતા, પરંતુ બાદમાં જંગલો ઘટતા વરુ માનવ વસતી તરફ આવવા લાગ્યા. વરુના ઢોરો અને બાળકો પર હુમલા વધી ગયા. એક અંદાજ પ્રમાણે, ૧૮૭૧થી ૧૯૧૬ વચ્ચે રાજા-મહારાજાઓ, અંગ્રેજો અને સ્થાનિકોએ ફક્ત બક્ષિસ માટે એક લાખ વરુનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. ભારત સરકારના આંકડા પ્રમાણે, ૧૮૭૮માં વરુએ ઉત્તર પ્રદેશમાં ૬૨૪ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મધ્ય ભારતમાં ઈસ. ૧૯૦૦માં ૨૮૫ લોકો વરુના હુમલામાં મરી ગયા. ૧૮૭૬માં બિહારમાં ઢોરો અને માણસો પર વરુના ૭૨૧ હુમલા નોંધાયા. આ હુમલાને પગલે સ્થાનિકોએ ૨,૮૨૫ વરુની હત્યા કરી નાંખી. એ પછીના વર્ષે વરુના ૬૨૪ હુમલા નોંધાયા, જેની પ્રતિક્રિયા રૂપે ૨,૬૦૦ વરુની હત્યા કરાઈ।

ઈસ. ૧૯૦૦ પછી સતત વીસેક વર્ષ સુધી ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં વરુ સંખ્યાબંધ બાળકોને ઉઠાવી ગયા અથવા હુમલા કર્યા. આ જ પ્રકારની વાતોમાંથી વરુના ટોળામાં મોટા થયેલા બાળકની સાચી-ખોટી વાતો ફેલાઈ અને રુડયાર્ડ કિપલિંગે મોગલી નામના મહાન કાલ્પનિક પાત્રનું સર્જન કર્યું. 

રાજા-મહારાજાઓના સમયમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ ડેક્કન પ્લેટનો આત્મા ગણાતા. આશા રાખીએ કે, ભારતીય ઉપખંડના સૌથી જૂની ભૌગોલિક રચના ગણાતા આ વિસ્તારનો આત્મા અમર રહે!

23 October, 2018

શેરલોક હોમ્સ : થોડી હકીકત, થોડી કલ્પના


શેરલોક હોમ્સ. આશરે ૧૩૧ વર્ષ પહેલાં અંગ્રેજી સાહિત્યકાર આર્થર કોનાન ડોયલે સર્જેલા આ પાત્ર પરથી ડિસેમ્બરમાં વધુ એક ફિલ્મ આવી રહી છે, 'હોમ્સ એન્ડ વૉટ્સન'. રજેરજની વિગતોની નોંધ રાખતા પશ્ચિમી દેશો પાસે પણ ચોક્કસ જવાબ નથી કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ડિટેક્ટિવ કથાઓનું કેટલીવાર એડપ્શન થયું? આવી ગણતરી શક્ય પણ નથી કારણ કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ૨૫૦થી પણ વધારે ફિલ્મ આવી ગઈ અને ૧૦૦થી પણ વધુ અભિનેતા આ મહાન પાત્રને રૂપેરી પડદે જીવંત કરી ચૂક્યા છે. ફિલ્મોની જેમ વિશ્વના અનેક દેશોમાં ટેલિવિઝન સિરીઝ, ઓપેરા, નાટકો, રેડિયો, પેરોડી, મ્યુઝિકલ્સ, કાર્ટૂન, કોમિક્સ, ક્વિઝ, ગેમ્સથી માંડીને પુસ્તકોમાં આજેય શેરલોક હોમ્સ છવાયેલા છે. આ રીતે જુદા જુદા સ્વરૂપે થયેલા એડપ્શનનો આંકડો ૨૫ હજારથી પણ વધુ થવા જાય છે.

શેરલોક હોમ્સ આર્થર કોનાન ડોયલના ક્રિએટિવ દિમાગમાં જન્મેલું કોઈ કાલ્પનિક પાત્ર હતું કે પછી હકીકતમાં એવો કોઈ માણસ હતો? ડોયલે કેવા સંજોગોમાં આ મહાન પાત્રનું સર્જન કર્યું હતું? સવા સદીથી પણ વધુ સમય પહેલાં ડોયલને આ પાત્ર રચવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે?

આજે આવા અનેક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.

***

વર્ષ ૧૮૭૭. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ. અનેક વિદ્યાર્થીઓ મેડિકલના બોરિંગ લેક્ચરથી કંટાળે, પરંતુ એક પ્રોફેસર તેમાં અપવાદ. નામ એમનું જોસેફ બેલ. મેડિસિનનું જ્ઞાન આપતી વખતે પણ તેઓ જાતભાતના વિષયો પર ઊર્જાસભર, મનોરંજક અને રસપ્રદ લેક્ચર આપીને વિદ્યાર્થીઓને ઉત્સાહથી છલકાવી દેતા. કોઈ દર્દી મળવા આવે ત્યારે પ્રો. બેલ ફક્ત અવલોકન કરીને તેના ચરિત્રથી માંડીને વ્યવસાય સુધીની બાબતોનું સચોટ અનુમાન કરી લેતા. જેમ કે, એકવાર એક દર્દી તેમને મળવા આવ્યો. પ્રો. બેલે તેના પર ડૉક્ટર નહીં પણ જાસૂસની અદાથી નજર નાંખી અને કહ્યું:''વેલ, માય મેન. આર્મીમાં સર્વિસ કરતા હતા? આર્મીમાંથી છુટા થયાને તમને બહુ લાંબો સમય નહીં થયો હોય, બરાબરને? હાઈલેન્ડ રેજિમેન્ટમાં હતા? નોન-કમિશન્ડ ઓફિસર? તમારી ડયૂટી બાર્બાડોસમાં હતી ને?''

આર્થર કોનાન ડોયલ અને ડૉ. જોસેફ બેલ 

આશ્ચર્યની વાત એ હતી કે, પેલા દર્દીએ પ્રો. બેલના આ બધા જ સવાલોનો 'હા'માં જવાબ આપ્યો. ફક્ત ૧૮ વર્ષની ઉંમરે જોયેલા આ દૃશ્યની આર્થર કોનાન ડોયલ પર ઘેરી અસર થઈ હતી. એ વખતે તેઓ પણ એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલના વિદ્યાર્થી હતા. તેમણે પ્રો. બેલને જબરદસ્ત કુતુહલથી પૂછ્યું પણ ખરું. તમે આ દર્દીની બધી જ બાબતોનું આવું સચોટ અનુમાન કેવી રીતે કર્યું? આ વાતનો પ્રો. બેલે યુવાન ડોયલને આપેલો જવાબ ખરેખર રસપ્રદ હતો.

તેમણે કહ્યું કે, ''યૂ સી, જેન્ટલમેન. એ દર્દી એક આદરણીય અને અદબવાળો માણસ હતો, પરંતુ મને મળવા આવ્યો ત્યારે તેણે પોતાની હેટ નહોતી કાઢી. તેને આર્મીમાંથી છૂટા થયાને લાંબો સમય થયો હોત તો તેને સિવિલિયન સામે પેશ થતાં આવડી ગયું હોત અને તેણે મને મળતી વખતે હેટ ઉતારી હોત! એટલે મેં અનુમાન કર્યું કે, તેને આર્મીમાંથી છૂટા થયાને હજુ બહુ સમય નથી થયો. તે થોડો અકડુ હતો એટલે મેં ધાર્યું કે, તે સ્કોટિશ હશે. તે મારી જોડે હાથીપગાની ફરિયાદ લઈને આવ્યો હતો. અત્યારે વેસ્ટ ઈન્ડિઝમાં એ રોગનો વાયરસ ફેલાયો છે. વેસ્ટ ઈન્ડિઝ બહુ મોટો પ્રદેશ છે, પરંતુ અત્યારે સ્કોટલેન્ડની હાઈલેન્ડ રેજિમેન્ટ બાર્બાડોસમાં છે. એટલે મેં ધાર્યું કે, તે છેલ્લે બાર્બાડોસમાં ફરજ બજાવતો હશે! અને આ રોગના કારણે મેં પહેલી નજરે ધારી લીધું હતું કે, તે અત્યારે આર્મીમાં નથી.

આર્થર કોનાન ડોયલે આત્મકથા 'મેમરીઝ એન્ડ એડવેન્ચર્સ'માં પણ આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. પ્રો. બેલ સ્કોટલેન્ડની જાણીતી હસ્તી હતા. લંડનના કુખ્યાત અને આજદિન સુધી નહીં ઓળખાયેલા સિરિયલ કિલર 'જેક ધ રિપર' (મીડિયાએ આપેલું નામ)ને પકડવા સ્કોટલેન્ડ યાર્ડ ડૉ. બેલની મદદ લીધી હતી. આવા ડૉ. બેલ સાથે ડોયલની દોસ્તી જામી ગઈ. મેડિકલ કોલેજમાં એડમિશન લીધાના બીજા જ વર્ષે, ૧૮૭૮માં, નવું નવું શીખવાનો ઉત્સાહ ધરાવતા ડોયલ પ્રો. બેલના આસિસ્ટન્ટ બની ગયા. ડોયલનું કામ પણ રસપ્રદ હતું, જે બાદમાં શેરલોક હોમ્સની વાર્તાઓ લખવામાં પણ મદદરૂપ થવાનું હતું. કોઈ પણ દર્દીને પ્રો. બેલ પાસે મોકલતા પહેલાં ડોયલે તેમની પૂછપરછ કરીને એક બેઝિક નોટ લખવાની રહેતી, જેથી પ્રો. બેલનો સમય ના બગડે. આ કામ કરતા કરતા ડોયલ પ્રો. બેલના 'ડૉ. જ્હોન વૉટ્સન' બની ગયા. શેરલોકની વાર્તાઓમાં ડૉ. વૉટ્સન એક મહત્ત્વનું પાત્ર છે, જે શેરલોકને ગુનાના મૂળ સુધી પહોંચવામાં ફોરેન્સિક મદદ કરે છે. 

વર્ષ ૧૮૯૩માં ‘શેરલોક હોમ્સ’ નાટકમાં શેરલોકનું પાત્ર ભજવનારા (ડાબે) ચાર્લ્સ બ્રુકફિલ્ડ
અને વિવિધ નાટકોમાં શેરલોકને એક હજારથી પણ વધુ વાર તેમજ શેરલોક આધારિત
મૂંગી ફિલ્મમાં શેરલોકનું પાત્ર ભજવીને મહાન થઈ ગયેલા વિલિયમ જિલેટ 

ડોયલે ડૉ. બેલના ક્લાર્ક તરીકે દસેક વર્ષ સુધી કામ કર્યું અને ૧૮૮૭માં પહેલી નવલકથા લખી, 'એ સ્ટડી ઈન સ્કારલેટ'. એ નવલકથામાં તેમણે ડૉ. બેલના વ્યક્તિત્વમાં કલ્પનાના રંગ ઉમેરીને એક મહાન પાત્રનું સર્જન કર્યું, ડિટેક્ટિવ શેરલોક હોમ્સ. આ નામ પણ ડોયલે રસપ્રદ રીતે શોધ્યું હતું. ડોયલે પ્રિય સંગીતકાર આલફ્રેડ શેરલોક અને એ વખતના જાણીતા ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સનું નામ ભેગું કરીને પોતાના ડિટેક્ટિવને 'શેરલોક હોમ્સ' નામ આપ્યું હતું. એક ભેજાબાજ લેખક તરીકે ડોયલ સારી રીતે જાણતા હતા કે, ગુનેગાર સુધી પહોંચવા શેરલોક સાથે બીજું એક રસપ્રદ પાત્ર હશે તો જ વાચકોનો રસ જળવાઈ રહેશે. આ વિચારમાંથી જન્મ થયો, ડૉ. જ્હોન વૉટ્સનનો. ડૉ. વૉટ્સન સજ્જન છે. તરંગી છે. શેરલોકના ખાસ મિત્ર છે. ક્યારેક તેમને શેરલોકના આસિસ્ટન્ટ  તરીકે પણ દર્શાવાય છે, પરંતુ એક ખાસ વાત. કોઈ પણ ગુનાનું એનાલિસિસ કરીને તેના મૂળ સુધી પહોંચવાની ડૉ. વૉટ્સનની આવડત શેરલોક હોમ્સથી ઓછી છે કારણ કે, ડોયલનો હીરો શેરલોક હોમ્સ છે.

ડોયલે પોતાની પહેલી નવલકથાને થ્રીલર બનાવવા જાતભાતના અખતરા કર્યા હતા. જેમ કે, ગુનાની તપાસ કરવા માટે શેરલોક એક મહત્ત્વનું સાધન વાપરતો, મેગ્નિફાઇંગ ગ્લાસ. એ પહેલાં વાચકોએ મેગ્નિફાઇંગ ગ્લાસનો આવો ઉપયોગ જોયો ન હતો. જોકે, 'એ સ્ટડી ઈન સ્કારલેટ' નિષ્ફળ રહી. પહેલી જ નવલકથા 'ડિટેક્ટિવ થ્રીલર' લખીને નિષ્ફળ જનારા ડોયલે ૧૮૮૯માં હિસ્ટોરિકલ ફિક્શન જોનર પર હાથ અજમાવ્યો અને 'મિકાહ ક્લાર્ક' નામની નવલકથા લખી. એ જ વર્ષે તેમણે હોરર એડવેન્ચર જોનરમાં પણ ઘૂસ મારી અને 'ધ મિસ્ટરી ઓફ ક્લુમ્બર' લખી. આ ત્રણેય જોનરમાં સફળતા ના મળતા ડોયલે શેરલોક હોમ્સ અને ડૉ. જ્હોન વૉટ્સનને ચમકાવતી પહેલી નવલકથાની સિક્વલ લખી, 'ધ સાઈન ઓફ ફોર'. એ પણ નિષ્ફળ.

ત્યાર પછી ડોયલે ઘણાં બધા મેગેઝિનોમાં ટૂંકી વાર્તાઓ લખી, જે થોડે ઘણે અંશે સફળ રહી. આ દરમિયાન માર્ચ ૧૮૯૧માં ડોયલે એ વખતના જાણીતા 'સ્ટ્રેન્ડ' મેગેઝિનમાં શેરલોક હોમ્સને ચમકાવતી 'ધ વોઈઝ ઓફ સાયન્સ' નામની ટૂંકી વાર્તા લખી, જેમાં લોકોને રસ પડ્યો. એટલે 'સ્ટ્રેન્ડ'ના તંત્રીએ ડોયલને બીજી એક વાર્તા લખવાની ઓફર કરી અને જુલાઈ ૧૮૯૧માં તેમણે 'એ સ્કેન્ડલ ઈન બોહેમિયા' નામની ટૂંકી વાર્તા લખી. આ વાર્તા સુપરહીટ રહી. એ પછી ડોયલે જીવનમાં ક્યારેય પાછું વળી જોયું નહીં અને શેરલોક હોમ્સે તો આજ દિન સુધી. ડોયલે અનેકવાર જાહેરમાં કબૂલાત કરી હતી કે, 'એડિનબર્ગ યુનિવર્સિટીમાં ડૉ. જોસેફ બેલ સાથેની યાદોમાં સાહિત્યિક કલ્પનાનું મિશ્રણ કરીને મેં શેરલોક હોમ્સનું પાત્ર ગૂંથ્યું હતું...' એવી જ રીતે, એક ડૉ. બેલને લખેલા એક પત્રમાં ડોયલ વિના સંકોચે લખે છે કે, 'શેરલોક હોમ્સ ખુદ તમે છો અને એ માટે હું તમારો ઋણી છું... '

પ્રો. હેનરી લિટલજ્હોન 

ડોયલના 'શેરલોક હોમ્સ'માં ડૉ. જોસેફ બેલનું વ્યક્તિત્વ સૌથી વધારે ઝીલાયું એ વાત ખરી, પરંતુ આ પાત્રમાં બીજી પણ એક વ્યક્તિની છાંટ હતી. નામ એમનું, પ્રો. હેનરી લિટલજ્હોન. એ પણ ડૉ. બેલની જેમ સ્કોટિશ હતા અને એડિનબર્ગ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના પ્રોફેસર હતા. એ દિવસોમાં ભયાવહ્ અકસ્માતો, હત્યાઓ અને શંકાસ્પદ મૃત્યુના કેસોમાં પોલીસ પ્રો. લિટલજ્હોનની મદદ લેતી. તેમણે ફિંગરપ્રિન્ટ અને તસવીરી પુરાવાના આધારે જટિલ કેસ ક્રેક કરવાની પદ્ધતિઓ વિકસાવી હતી. પ્રો. લિટલજ્હોને સ્કોટલેન્ડના બહુચર્ચિત આર્ડલમોન્ટ મર્ડર કેસમાં પોલીસને ખૂબ મદદ કરી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, આલ્ફ્રેડ જ્હોન મોન્સોન નામના એક પ્રોફેસર અને તેમનો વીસ વર્ષીય વિદ્યાર્થી સેસિલ હેમબરો દસમી ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ એક હન્ટિંગ ટ્રીપ પર ગયા. આ દરમિયાન સ્કોટલેન્ડના આર્ડલમોન્ટ હાઉસ નજીક સેસિલને માથામાં ગોળી વાગી અને તેનું મૃત્યુ થઈ ગયું. મામલો અદાલતમાં ગયો. આરોપી હતા, પ્રોફેસર મોન્સોન. તેમના વકીલોએ કહ્યું કે, ગોળી તો અકસ્માતે વાગી હતી. જોકે, મૃતકના પરિવારજનોએ તેને હત્યા ગણાવી. પોલીસ પર સત્ય બહાર લાવવાનું દબાણ હતું. છેવટે પોલીસે પ્રો. લિટલજ્હોનની મદદ લીધી. તેમણે સેસિલની માથામાં ગોળી ઘૂસવાની દિશા, ઘસરકા, ખોપડીને થયેલું નુકસાન, બળેલી ચામડી અને તેમાંથી આવતી ગંધ વગેરે ચકાસીને કહ્યું કે, આ હત્યા છે. અદાલતે સંતોષ ખાતર બીજા પણ એક નિષ્ણાતને બોલાવ્યા. એ હતા, ખુદ ડૉ. જોસેફ બેલ. તેમણે પણ પ્રો. લિટલજ્હોન સાથે સંમતિ દર્શાવી. જોકે, પોલીસ પુરાવા ભેગા ના કરી શકી અને પ્રો. મોન્સોન નિર્દોશ છૂટી ગયા, પરંતુ આ ઘટનાનો આધાર લઈને ડોયલે ડિસેમ્બર ૧૮૯૩માં 'ધ ફાઈનલ પ્રોબ્લેમ' વાર્તા લખી, જે ખૂબ લોકપ્રિય થઈ.

એ વાર્તામાં આર્થર કોનાન ડોયલે પ્રો. લિટલજ્હોનમાંથી પ્રેરણા લઈને શેરલોક હોમ્સને ચમકાવ્યો હતો. ડોયલે પોતાના સમયના અનેક સનસનીખેજ ગુનાઇત કૃત્યો, અદાલતી કાર્યવાહી, ફોરેન્સિક નિષ્ણાતો અને કાબેલ પોલીસ અધિકારીઓમાં કલ્પનાના રંગ ઉમેરીને શેરલોક હોમ્સ કેન્દ્રિત ૫૬ ટૂંકી વાર્તા અને ચાર નવલકથા લખી. ડોયલે ૧૯૨૭ સુધી ડિટેક્ટિવ-થ્રીલર સાહિત્યનું સર્જન કર્યું અને ૧૯૩૦માં હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું, પરંતુ શેરલોક હોમ્સ જીવશે ત્યાં સુધી ડોયલ પણ જીવતા રહેશે એ વાતમાં કોઈ શંકા નથી.

10 October, 2018

...અને 'સાયમન ગો બેક'ના નારાથી દેશ ગાજી ઉઠ્યો


ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવતું 'ક્વિટ ઈન્ડિયા' ઉર્ફ 'ભારત છોડો' આંદોલન  કેવી રીતે શરૂ થયું એ વિશે આપણે ગયા અઠવાડિયે વાત કરી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકના બીજા દિવસે, આઠમી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ, ગાંધીજીએ આપેલા ભાષણ પછી 'ક્વિટ ઈન્ડિયા'નો નારો દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો. ગાંધીજીને 'ક્વિટ ઈન્ડિયા' સૂત્ર યુસુફ મહેર અલી મર્ચન્ટ નામના એક યુવકે આપ્યું હતું. આ માહિતી આઝાદીના આંદોલનમાં ગાંધીજી સાથે સક્રિય ઉદ્યોગપતિ શાંતિકુમાર મોરારજીએ નોંધી હતી, જે 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના પૂર્વ તંત્રી એન. ગોપાલસ્વામીના પુસ્તક 'બોમ્બે એન્ડ ગાંધી'માં વાંચવા મળે છે. 

આ વિશે વિગતે વાત થઈ ગઈ, આજે યુસુફ મહેર અલી વિશે વાત.

***

ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ દેશના બીજા શહેરોની જેમ બોમ્બેની હવામાં પણ બ્રિટીશ રાજ સામેનો રોષ ભભૂકી રહ્યો હતો. એ દિવસે બ્રિટનથી દરિયાઈ મુસાફરી કરીને ભારત આવવા નીકળેલા સાયમન કમિશનના સભ્યો બોમ્બે બંદરે ઉતરવાના હતા. બ્રિટીશ રાજે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કર્યો હતો. પ્રતિનિધિમંડળનો વિરોધ કરવા બંદરની આસપાસ ફરકવું પણ મુશ્કેલ હતું. આ દરમિયાન માંડ પચીસેક વર્ષના એક યુવકે તેના સાથીદારો સાથે બોટમાં મધદરિયે જઈને સાયમન કમિશનના સભ્યોનો વિરોધ કરવાનું નક્કી કર્યું. જોકે, આ યોજના લિક થઈ ગઈ અને આવું કોઈ પણ 'નાટક' રોકવા પોલીસ અધિકારીઓ સક્રિય થઈ ગયા. પેલો યુવક પણ ગાંજ્યો જાય એમ ન હતો. તેણે બીજી યોજના બનાવી. તે પોતાના સાથીદારો સાથે કુલીનો વેશ ધારણ કરીને, વહાણ લાંગર્યું હતું ત્યાં સુધી ઘૂસી ગયો. ત્યાં જઈને તેમણે કાળા વાવટા ફરકાવ્યા અને સાયમન કમિશનના સભ્યોની વિરુદ્ધમાં ગગનભેદી નારા લગાવ્યા, 'સાયમન ગો બેક'. આ દરમિયાન પોલીસે તેમના પર ત્રણ વાર લાઠીચાર્જ કર્યો, પરંતુ તેઓ આક્રમક વિરોધ પ્રદર્શન કરીને જ જંપ્યા.


સાયમન કમિશનની વિરુદ્ધમાં દેખાવો 

એ યુવક એટલે યુસુફ મહેર અલી મર્ચન્ટ. સાયમન કમિશનનો વિરોધ કરીને તેમણે બહુ નાની ઉંમરમાં જ પોતાનું કૌતુક બતાવી દીધું હતું. 'ક્વિટ ઈન્ડિયા'ની જેમ આ નારો પણ યુસુફ મહેર અલીના દિમાગની ઉપજ હતો. સર જ્હોન ઑલ્સબ્રૂક સાયમન નામના અંગ્રેજ અધિકારીની આગેવાનીમાં સાત સભ્યનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું. એટલે એ પ્રતિનિધિમંડળને નામ મળ્યું, સાયમન કમિશન. આ કમિશનનો હેતુ ભારતમાં બંધારણીય અને રાજકીય સુધારા કરવાનો હતો, પરંતુ તેમાં એકેય ભારતીયની નિમણૂક કરાઈ ન હતી. એ જ વર્ષે, ૧૯૨૮માં, યુસુફ મહેર અલીએ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય થવા બોમ્બે યુથ લિગની સ્થાપના કરી હતી. આ સંસ્થાના કાર્યકર તરીકે જ તેમણે બોમ્બેના અનેક યુવાનોને સાયમન કમિશનનો વિરોધ કરવા એકજૂટ કર્યા હતા.

સાયમન કમિશનના સભ્યોનો બોમ્બે બંદરે વિરોધ થયો એ સમાચાર આખા દેશમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા, અને, ગાંધીજી સહિત સમગ્ર દેશના હોઠ પર 'સાયમન ગો બેક'નો નારો પહોંચી ગયો. આ ઘટના પછી 'સાયમન ગો બેક'ના નારા સાથે દેશમાં અનેક સ્થળે સાયમન કમિશનનો વિરોધ થયો અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ યુસુફ મહેર અલી નામના જુવાનિયા વિશે પૂછપરછ કરતા થઈ ગયા. ૩૦મી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ સાયમન કમિશનના સભ્યો લાહોર ગયા. ત્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા લાલા લજપત રાયે શાંતિથી વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લોકો તેમને શાંતિથી સાંભળી રહ્યા હોવા છતાં પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો. એટલું જ નહીં, પોલીસ અધિકારી જેમ્સ સ્કોટના ઈશારે લાલા લજપત રાય પર પણ રીતસરનો 'હુમલો' કર્યો. જોકે, તેમણે ઈજાગ્રસ્ત થઈને પણ ભાષણ ચાલુ રાખીને કહ્યું કે, 'હું જાહેર કરું છું કે, આજે મારા પર થયેલો આ પ્રહાર ભારતમાં બ્રિટીશ રાજના કોફિન પર છેલ્લો ખીલ્લો હશે...'


લાલા લજપત રાય 

એ ઈજા પછી લાલા લજપત રાય ક્યારેય સંપૂર્ણ સાજા ન થયા. ૧૭મી નવેમ્બર, ૧૯૨૮ના રોજ તેઓ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. તબીબોના કહેવા પ્રમાણે, તેમના મૃત્યુ માટે લાઠીચાર્જ  પણ જવાબદાર હતો. આ ઘટના પછી જ ભગત સિંહ, રાજગુરુ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદે લાલા લજપત રાયના મૃત્યુનો બદલો લેવા પોલીસ અધિકારી સ્કોટને મારવાનું આયોજન કર્યું હતું. જોકે, તેમણે  ઓળખમાં ભૂલ કરીને સ્કોટના બદલે જ્હોન સોન્ડર્સની હત્યા કરી દીધી. આમ, સાયમન કમિશન વિરુદ્ધ લોકજુવાળ ઊભો કરવામાં યુસુફ મહેર અલીનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું ગણી શકાય.

***

યુસુફ મહેર અલીની વધતી જતી લોકપ્રિયતા અને આક્રમક અભિપ્રાયોને જોઈને બ્રિટીશ રાજ સચેત થઈ ગયું હતું. એ જમાનામાં અનેક રાષ્ટ્રવાદી નેતાઓ વકીલાત કરતા હતા અને બ્રિટીશ રાજ પણ પોતાના વિરોધી નેતાઓને કાયદાની પ્રેક્ટિસ કરતા રોકતું ન હતું. જોકે, બ્રિટીશ રાજે યુસુફ મહેર અલીને પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો કારણ કે, તેમને એ યુવકના વિચારો 'જોખમી' લાગતા હતા. સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે યુસુફ મહેર અલી બોમ્બેની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ઈતિહાસ અને અર્થશાસ્ત્રમાં બેચલર ડિગ્રી લઈને સરકારી કોલેજમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા.

સાયમન કમિશન વિરુદ્ધના આંદોલન પછી, ૧૨મી માર્ચ ૧૯૩૦ના રોજ, ગાંધીજીએ દાંડી કૂચ શરૂ કરી. મીઠા જેવી સામાન્ય ચીજની મદદથી આઝાદીના આંદોલન માટે કેવો અસામાન્ય માહોલ સર્જી શકાય છે એ વાતથી ગાંધીજી સારી રીતે વાકેફ હતા. આ દરમિયાન પોલીસે દેશભરમાંથી કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત કુલ ૬૦ હજાર લોકોને જેલમાં ધકેલી દીધા. નેતાઓએ લોકોને સવિનય કાનૂન ભંગ અને અસહકારની મદદથી બ્રિટીશ રાજ સામે આંદોલન ચાલુ રાખવાની અપીલ કરી, પરંતુ બ્રિટીશ રાજે એ આંદોલનને  કચડી નાંખવામાં કોઈ કસર ના છોડી. અંગ્રેજો સાથે વાટાઘાટો કરવામાં સામેલ લોકપ્રિય નેતાઓથી માંડીને સામાન્ય પ્રજાની આશાઓ ડૂબી રહી હતી. ત્યારે કોંગ્રેસને ફક્ત એક જ ચીજની જરૂર હતી, સામાન્ય માણસમાં ભારતની આઝાદી માટે આશાઓ ટકાવી રાખવાની. એ કામ પણ યુસુફ મહેર અલીએ બખૂબી કર્યું. કોંગ્રેસના ટોચના નેતાઓનો જનસંપર્ક તૂટી ગયો ત્યારે તેમણે હજારો લોકોને ભેગા કરીને બ્રિટીશ રાજ સામેના વિરોધ પ્રદર્શનો સતત ચાલુ રાખવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. યુસુફ મહેર અલીની હિંમતથી નેતાગીરી કરવાની ક્ષમતા અને સફળ આયોજનો કરવાનું કૌશલ્ય આ જ ગાળામાં ખીલ્યું હતું.


દાંડી કૂચ અને બીજા કેટલાક દુર્લભ ફૂટેજ 



વર્ષ ૧૯૩૨માં યુસુફ મહેર અલીને બે વર્ષ નાસિક જેલમાં ધકેલી દેવાયા. ત્યાં તેમનો સંપર્ક વિદ્વાન સમાજવાદી નેતાઓ સાથે થયો અને તેઓ પણ સમાજવાદથી આકર્ષાયા. નાસિક જેલમાંથી ૧૯૩૪માં બહાર આવીને તેમણે જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી અને નરેન્દ્ર દેવ જેવા નેતાઓ સાથે કામ શરૂ કર્યું. આ નેતાઓએ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી.  સમાજવાદીઓનો હેતુ કોમી એકતા અને સમાજના તમામ વર્ગના આર્થિક કલ્યાણનો હતો. યુસુફ મહેર અલી યુવાનીથી જ વૈશ્વિક ઈતિહાસ, રાજકીય વ્યવસ્થા અને કાયદાના અભ્યાસુ હતા. ન્યૂયોર્કમાં ૧૯૩૮માં આયોજિત વર્લ્ડ યૂથ કોંગ્રેસમાં ભારત વતી યુસુફ મહેર અલીના પ્રતિનિધિમંડળે ભાગ લીધો. એ પહેલાં તેઓ એકવાર મેક્સિકોમાં વર્લ્ડ કલ્ચરલ કોન્ફરન્સમાં પણ ભાગ લઈ ચૂક્યા હતા. 

આ પ્રવાસોમાં તેમણે અનુભવ્યું કે, પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં રાજકીય, સામાજિક અને આર્થિક માહિતી આપતા સાહિત્યનો દુકાળ છે. આ જગ્યા પૂરવા તેમણે 'લીડર્સ ઓફ ઈન્ડિયા' શ્રેણી હેઠળ અનેક અંગ્રેજી પુસ્તકો લખ્યા. એ પુસ્તકોમાં તેમણે સાંપ્રત પ્રવાહોને પણ વણી લીધા. આ પુસ્તકોના ગુજરાતી, હિંદી અને ઉર્દૂ અનુવાદો પણ પ્રકાશિત થયા. જેલમાં પણ તેમનું વાંચન-લેખનનું કામ ચાલુ રહેતું. યુસુફ મહેર અલીએ 'ધ મોડર્ન વર્લ્ડઃ એ પોલિટિકલ સ્ટડી સિલેબસ', 'ધ પ્રાઈઝ ઓફ લિબર્ટી' અને 'અન્ડરગ્રાઉન્ડ મૂવમેન્ટ' જેવા કુલ પાંચ પુસ્તક લખ્યા. ૧૯૪૨માં તેઓ લાહોર જેલમાં હતા, ત્યારે બોમ્બેના મેયર માટે કોંગ્રેસે તેમનું નામ નોમિનેટ કર્યું. સરદાર પટેલે તેમને મેયર બનાવવા અંગત રસ લીધો હતો. 

***

જેલમાંથી બહાર આવતા જ યુસુફ મહેર અલી ૩૯ વર્ષની ઉંમરે બોમ્બેના સૌથી યુવાન મેયર બન્યા. તેમનો જન્મ ૨૩મી સપ્ટેમ્બર, ૧૯૦૩ના રોજ મૂળ કચ્છના ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો, પરંતુ દેશદાઝથી પ્રેરિત થઈને તેમણે સુખસુવિધાવાળી જિંદગીને લાત મારીને આઝાદીના આંદોલનમાં ઝંપલાવી દીધું હતું. મેયર બન્યા પછી મુંબઈના લોકોને સારામાં સારી મ્યુનિસિપાલિટી સર્વિસ આપીને તેઓ ટૂંક સમયમાં જ અતિ લોકપ્રિય યુવા નેતા તરીકે ઉભર્યા. મેયર તરીકે તેમણે એર રેડ પ્રિકોશન્સ (એઆરપી) યોજના હેઠળ બ્રિટીશ રાજને મ્યુનિસિપાલિટીનું ભંડોળ આપવાનું બંધ કરી દીધું હતું. સંભવિત હવાઈ હુમલા વખતે નાગરિકોના બચાવ કાર્ય પાછળ થતાં ખર્ચને પહોંચી વળવા બ્રિટીશ રાજે એ યોજના શરૂ કરી હતી. બ્રિટીશ રાજની હાસ્યાસ્પદ દલીલ હતી કે, જરૂર પડ્યે એ પૈસા અમે ડૉક્ટરો, એમ્બ્યુલન્સ, ડ્રાઈવરો તેમજ પોલીસ-ફાયર બ્રિગેડ સાથે મળીને કામ કરનારી રેસ્ક્યૂ પાર્ટી પાછળ ખર્ચીશું. યુસુફ મહેર અલી મેયર બન્યા ત્યાં સુધી બ્રિટીશ રાજ આ યોજના હેઠળ બોમ્બે મ્યુનિસિપાલિટીમાંથી રૂ. ૨૪ લાખ ઘર ભેગા કરી દેતું હતું.


યુસુફ મહેર અલી (હાથમાં પુસ્તક સાથે)ના તેમના ઘરમાં અને પાછળ જયપ્રકાશ નારાયણ
તસવીર સૌજન્યઃ લાઈફ મેગેઝિન આર્કાઈવ્સ

આ દરમિયાન 'ક્વિટ ઈન્ડિયા' આંદોલન શરૂ થયું અને કોંગ્રેસના મોટા ભાગના નેતાઓને ફરી એકવાર જેલમાં ધકેલી દેવાયા. એ વખતે યુસુફ મહેર અલીએ ભૂગર્ભ પ્રવૃત્તિઓ શરૂ કરી. અરુણા અસફ અલી, રામ મનોહર લોહિયા અને અચ્યુત પટવર્ધન જેવા નેતાઓને ભેગા કર્યા અને લોકોમાં સ્વતંત્રતા આંદોલનનો જુસ્સો જીવંત રાખવા રચનાત્મક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખી. 'ક્વિટ ઈન્ડિયા' સૂત્રને ઘરે ઘરે પહોંચાડવા હજારો પતાકા છપાવ્યા અને પત્રિકાઓનું વિતરણ કરીને લોકશિક્ષણનું કામ કર્યું.

છેવટે તેઓ છેલ્લી અને ચોથી વાર જેલમાં ધકેલાયા અને હૃદયરોગના હુમલાનો ભોગ બન્યા. બ્રિટીશ રાજે તેમને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ખસેડીને તાત્કાલિક સારવાર આપવાની તૈયારી કરી, પરંતુ તેમણે જેલમાં બંધ બીજા બે સ્વાતંત્ર્ય સેનાનીને પણ પોતાના જેવી જ સારવાર આપવાની માંગ કરી અને સારવાર ના લીધી. ૧૯૪૩માં જેલ મુક્તિ પછી યુસુફ મહેર અલીની તબિયત સતત લથડતી ગઈ. એ વખતે ગાંધીજી અત્યંત વ્યસ્તતા વચ્ચે સતત તેમની તબિયતની પૂછપરછ કરતા અને તેમના લેખો-ભાષણોની પણ ગંભીરતાથી છણાવટ કરતા. 'ગાંધીજીનો અક્ષરદેહ'માં સમાવિષ્ટ અનેક પત્રોમાં આ વાતની સાબિતી મળે છે.

યુસુફ મહેર અલીનું શરીર ખતમ થઈ રહ્યું હતું, પરંતુ જીવન પ્રત્યેનો ઉત્સાહ કાબિલેદાદ હતો. ભારતની આઝાદી પછી હોસ્પિટલોના બિછાને હોવા છતાં તેઓ બોમ્બેના કાલા ઘોડામાં સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરતા. બીજી જુલાઈ, ૧૯૫૦ના રોજ ૪૭ વર્ષની વયે તેમનું અવસાન થયું ત્યારે ક્યારેય નહીં થંભતું બોમ્બે શહેર રીતસરનું થંભી ગયું હતું. એ દિવસે સ્કૂલ-કોલેજો, મિલો, ફેક્ટરીઓ, ટ્રેન, બસ, ટ્રામ, દુકાનો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનું ટ્રેડિંગ પણ બંધ રહ્યું હતું. 

યુસુફ મહેર અલી નાના આયુમાં મોટું જીવન જીવી ગયા હતા.

નોંધઃ આ લેખનો પહેલો ભાગ અહીં.