Showing posts with label Nobel Prize. Show all posts
Showing posts with label Nobel Prize. Show all posts

30 October, 2014

બ્લુ એલઈડીને નોબલઃ વિવાદ અને વાસ્તવિકતા


નોબલ પુરસ્કારને લઈને થયેલા મોટા ભાગના વિવાદ વિશ્વશાંતિ માટે અપાયેલા કે નહીં અપાયેલા નોબલને લઈને થયા છે, પણ આ વર્ષે ભૌતિકશાસ્ત્ર માટે અપાયેલા નોબલ પુરસ્કારને લઈને વિવાદ સર્જાયો છે. ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મોટા ભાગે બ્રહ્માંડના રહસ્યો પર પ્રકાશ પાડનારા વિજ્ઞાનીઓને અપાયો છે. આ વખતે તેનાથી ઊલટું સાચુકલો પ્રકાશશોધનારા સંશોધકોને નોબલ પુરસ્કાર અપાયો છે. જાપાનની મેઈજો યુનિવર્સિટીના સંશોધક ઈસામુ આકાસાકી, નાગોયા યુનિવર્સિટીના સંશોધક હિરોશી અમાનો તેમજ કેલિફોર્નિયા યુનિવર્સિટીના જાપાનીઝ સંશોધક શૂજી નાકુમારાને બ્લુ એલઈડીનું સર્જન કરવા બદલ સંયુક્ત ધોરણે ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અપાયો છે. બ્લુ એલઈડીનું સર્જન ઊર્જા ક્ષેત્ર માટે ક્રાંતિકારી હોવાથી નોબલ સમિતિએ યોગ્ય રીતે જ તેના સર્જકોને નોબલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તો પછી વિવાદ કેમ સર્જાયો? આ નાનકડા સવાલનો જવાબ મેળવતા પહેલાં નોબલ સમિતિએ બ્લુ એલઈડીની શોધને નોબલ પુરસ્કારને લાયક કેમ ગણી એ જાણીએ.

બ્લુ એલઈડીને નોબલ પુરસ્કાર કેમ?

વર્ષ ૧૯૬૦-૭૦માં એન્જિનિયરોએ રેડ અને ગ્રીન એલઈડી વિકસાવી લીધી હતી, પરંતુ બ્લુ એલઈડી માટે અત્યંત જરૂરી એવું ગેલિયમ નાઈટ્રાઈડ નામનું રસાયણ વિકસાવવું માથાનો દુખાવો બની ગયું હતું. આ શોધના ત્રીસ વર્ષ પછી એંશીના દાયકામાં જાપાનના નોબલ પુરસ્કાર વિજેતા ત્રણેય વિજ્ઞાનીઓએ બ્લુ એલઈડી માટે જરૂરી ઉચ્ચ ગુણવત્તાવાળું ગેલિયમ નાઈટ્રાઈડ વિકસાવી લીધું હતું. અત્યારે પણ તેઓ બ્લુ એલઈડીને વધુ અસરકારક બનાવવાના સંશોધનોમાં વ્યસ્ત છે. આજના ફ્લેટ પેનલ ટેલિવિઝન, સ્માર્ટફોન અને કમ્પ્યુટર સ્ક્રીન તેમજ નેટવર્કિંગ, ડેટા સ્ટોરેજ અને ડેટા ટ્રાન્સમિશનનો યુગ પણ બ્લુ એલઈડીની શોધ સાથે શરૂ થઈ ગયો હતો. ઈસામુ આકાસાકી, હિરોશી અમાનો અને શૂજી નાકુમારાએ બ્લુ એલઈડીમાં ફ્લુરોસન્ટ કેમિકલની મદદથી વ્હાઈટ એલઈડીનું સર્જન પણ શક્ય બનાવ્યું છે. વ્હાઈટ એલઈડી ઊર્જાની બચતનો રામબાણ ઉપાય છે. ખેર, વર્ષ ૧૯૬૯માં હર્બર્ટ મારુસ્કા અને તેમની ટીમે બ્લુ એલઈડી વિકસાવી લીધી હતી, પરંતુ તેનો વ્યવહારુ ઉપયોગ શક્ય ન હતો.

શૂજી નાકુમારા, ઈસામુ આકાસાકી અને હિરોશી અમાનો 

સામાન્ય ભાષામાં લાઈટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી એક સેમીકન્ડક્ટર (અર્ધવાહક) છે, જેને એક્ટિવેટ કરવાથી તે પ્રકાશ ફેંકે છે. એલઈડી પરંપરાગત બલ્બ જ નહીં, કોમ્પેક્ટ ફ્લુરોસન્ટ (સીએફએલ) કરતા પણ ઘણી ઓછી ઊર્જામાં વધુ પ્રકાશ આપે છે. એક સામાન્ય એલઈડી બલ્બ પ્રતિ વૉટ ૮૩ લ્યુમેન્સ (નરી આંખે જોઈ શકાય એવા પ્રકાશને માપવાનો એકમ)નું સર્જન કરે છે, જ્યારે સીએફએલ બલ્બ પ્રતિ વૉટ ૬૭ અને પરંપરાગત બલ્બ પ્રતિ વૉટ ફક્ત ૧૬ લ્યુમેન્સનું સર્જન કરી શકે છે. એલઈડીમાં સેમીકન્ડક્ટર (અર્ધવાહક)ની મદદથી વીજપ્રવાહ પસાર કરીને પ્રકાશ સર્જી શકાય છે, જ્યારે પરંપરાગત બલ્બમાં વાયરોના તાંતણામાં ગરમી પેદા કરીને પ્રકાશ મેળવાય છે. આ પ્રક્રિયામાં ઘણી ઊર્જાનો વ્યય થાય છે અને પ્રકાશ પણ ઓછો મળે છે.

અત્યાધુનિક એલઈડી બલ્બ જેટલી વીજળીનો ઉપયોગ કરે છે તેના પચાસ ટકા વીજળી પ્રકાશમાં પરિવર્તિત કરી શકે છે, જ્યારે સામાન્ય બલ્બ ફક્ત ચાર ટકા વીજળીને પ્રકાશમાં ફેરવી શકે છે. એલઈડીનું આયુષ્ય સામાન્ય બલ્બ કરતા ૩૦ ગણું વધારે હોય છે. એલઈડી બલ્બ બનાવતી કેટલીક કંપનીઓ તો તેમના બલ્બનું આયુષ્ય ૨૫ હજાર કલાક હોવાનો પણ દાવો કરે છે. એનો અર્થ એ થયો કે, એલઈડી બલ્બને રોજ ચારેક કલાક બાળવામાં આવે તો પણ ૧૭ વર્ષ તેનો ઉપયોગ કરી શકાય. બ્લુ એલઈડીની શોધ ઊર્જા કટોકટીશબ્દનું નામોનિશાન મિટાવી દેવા સક્ષમ હોવાથી નોબલ સમિતિએ ત્રણેય સંશોધકોને નોબલ પુરસ્કારને લાયક ગણ્યા છે.

બ્લુ એલઈડીના પહેલાં શોધકની કથની

અમેરિકાની ટેલિવિઝન જાયન્ટ કંપની આરસીએ (RCA)ના સ્થાપક અને સીઈઓ ડેવિડ સાર્નોફ વર્ષ ૧૯૫૦થી ૧૯૬૦ દરમિયાન કલર ટેલિવિઝનની ભારેખમ ટયૂબનો કોઈ વિકલ્પ શોધી રહ્યા હતા. આ માટે તેમને કોઈ સેમીકન્ડક્ટર (વિદ્યુતના વાહક અને અવાહક વચ્ચે વિદ્યુતના અર્ધવાહક તરીકે કામ કરતું તત્ત્વ)ની જરૂર હતી. જેમ કે, ગેલિયમ આર્સેનિકની મદદથી રેડ એલઈડી અને ગેલિયમ ફોસ્ફાઈડની મદદથી ગ્રીન એલઈડી વિકસાવાઈ હતી, પરંતુ બ્લુ એલઈડી માટે લાયક તત્ત્વ કયું હોઈ શકે એ કોયડો હતો. આ દરમિયાન વર્ષ ૧૯૬૮માં ડેવિડ સાર્નોફે ભારેખમ બજેટ આપીને જેમ્સ તિજેન નામના રસાયણશાસ્ત્રીની આગેવાનીમાં બ્લુ એલઈડી વિકસાવવાની યોજના શરૂ કરાવી.

હર્બર્ટ મારુસ્કા યુવાનીના દિવસોમાં

હર્બર્ટ મારુસ્કાએ વિકસાવેલી પ્રથમ બ્લુ એલઈડી 

તિજેને હર્બર્ટ મારુસ્કા નામના એક યુવા એન્જિનિયરને સેમીકન્ડક્ટર તરીકે ગેલિયમ આર્સેનાઈડના બદલે ગેલિયમ નાઈટ્રાઈડનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું. એન્જિનિયરો જાણતા હતા કે, ગેલિયમ નાઈટ્રાઈડની મદદથી ખૂબ સારી બ્લુ લાઈટનું સર્જન કરી શકાય છે, પરંતુ આ જ્ઞાન ફક્ત થિયોરેટિકલ હતું. મારુસ્કાએ નવેમ્બર, ૧૯૬૯માં ગેલિયમ નાઈટ્રાઈડમાંથી કેવી રીતે પ્રકાશ પેદા કરી શકાય એ સમજી લીધું. એ જ વર્ષે મારુસ્કા અને તિજેને હાઉ ટુ ગ્લો ગેલિયમ નાઈટ્રાઈડ ક્રિસ્ટલ્સનામે સંયુક્ત રીતે એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું હતું. ડિવાઈસ બનાવવા માટે એનટાઈપ (નેગેટિવ) અને પી’ (પોઝિટિવ) ટાઈપ ગેલિયમ નાઈટ્રાઈડ બનાવીને પીએન (પોઝિટિવ-નેગેટિવ) જંક્શનબનાવવું જરૂરી હતું, પરંતુ એન્જિનિયરો પીટાઈપ ગેલિયમ નાઈટ્રાઈડ બનાવી શકતા ન હતા.

આ મુશ્કેલીને દૂર કરવા બ્લુ એલઈડી પ્રોજેક્ટમાં ભૌતિકશાસ્ત્રી જેક્સ પાન્કોવ અને રસાયણશાસ્ત્રી એડવર્ડ મિલર પણ સામેલ થયા. જોકે, તેઓ પણ પીટાઈપ ગેલિયમ નાઈટ્રાઈડ બનાવી ના શક્યા. છેવટે વર્ષ ૧૯૭૧માં બ્લુ એલઈડીનું સંશોધન પડતું મૂકીને મારુસ્કાએ એ પછીના વર્ષે જ બીજી એક પદ્ધતિથી બ્લુ એલઈડી વિકસાવી, પરંતુ પીએન જંક્શનવિનાની બ્લુ એલઈડીથી ડિવાઈસ બનાવવા શક્ય ન હતા. આ એલઈડીથી પૂરતો પ્રકાશ પણ મેળવી શકાતો નહતો. આમ છતાં, પહેલી બ્લુ એલઈડી વિકસાવવાનું શ્રેય હર્બર્ટ મારુસ્કાને જ અપાય છે. વર્ષ ૧૯૭૪માં આરસીએ દ્વારા બ્લુ એલઈડી પ્રોજેક્ટ અભરાઈએ ચડાવી દેવાયો. એ જ વર્ષે અમેરિકન પેટન્ટ ઓફિસે બ્લુ એલઈડીને લગતી પેટન્ટ મારુસ્કા અને અન્ય બે વિજ્ઞાનીના નામે નોંધી લીધી હતી. આજે પણ કોલેજ ઓફ ન્યૂજર્સીના સાર્નોફ કલેક્શનમાં મારુસ્કાએ બનાવેલી બ્લુ એલઈડી પ્રદર્શનમાં મૂકાઈ છે.

વિવાદોને સમર્થન ના મળ્યું

બ્લુ એલઈડી વિકસાવવા બદલ જાપાનના ત્રણ સંશોધકોનો નોબલ અપાયું ત્યારે અમેરિકામાં ચણભણ શરૂ થઈ હતી કે, આજની બ્લુ એલઈડી વિકસાવવા પાછળ અમેરિકાના વિજ્ઞાનીઓનું જે પ્રદાન છે એ ભૂલાઈ ગયું છે. અમેરિકાના કેટલાક જાણીતા અખબારોએ તો અમેરિકાએ જાપાનીઝ નોબલ માટે કેવી રીતે માર્ગ કરી આપ્યો એવા શીર્ષકો સાથેના અહેવાલો પણ છાપ્યા હતા. જોકે, આ બધા વાદવિવાદ વચ્ચે બ્લુ એલઈડીના પહેલાં શોધક હર્બટ મારુસ્કાએ જ ત્રણેય જાપાનીઝ સંશોધકો નોબલ પુરસ્કારને લાયક છે એ મતબલની વાત કરીને આ વિવાદનો ફૂગ્ગો ફૂલે એ પહેલાં જ તેમાંથી હવા કાઢી નાંખી.

ભૌતિકશાસ્ત્રના નોબલ વિજેતાઓની વાત સાંભળ્યા પછી મારુસ્કાએ કહ્યું હતું કે, ‘‘આ ત્રણેય સંશોધકો નોબલને લાયક છે. હું લોકોને ફક્ત એટલું જ કહેવા માગુ છું કે, એન્જિનિયરોએ વરાળ એન્જિન પર આશરે ૧૦૦ વર્ષ કામ કર્યું. એના શોધક તરીકે આપણે ફક્ત એકનું નામ આપી શકીએ નહીં. જેમ્સ વાટે આ પદ્ધતિ બતાવી નહોતી ત્યાં સુધી આ શક્ય ન હતું. બ્લુ એલઈડીના સંશોધકોએ પણ થાક્યા વિના આ કામ પાર પાડયું છે અને તેઓ નોબલને લાયક છે.’’

નિક હોલોનયાક 

આ વિવાદનું તો બ્લુ એલઈડીના પહેલાં શોધકે જ સમર્થન ના કર્યું, પરંતુ વર્ષ ૧૯૬૨માં રેડ એલઈડી વિકસાવનારા અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના નિવૃત્ત પ્રો. નિક હોલોનયાકે ભૌતિકશાસ્ત્રના નોબલ સામે સખ્ત વાંધો ઉઠાવ્યો છે. હોલોનયાકે જનરલ ઈલેક્ટ્રોનિક્સમાં કામ કરતી વખતે રેડ એલઈડી વિકસાવી હતી. તેમનું માનવું છે કે, અમારી ટીમે વિકસાવેલી પહેલી વિઝિબલ એલઈડી અને બ્લુ એલઈડીના કામને જુદું ના પાડી શકાય. આમ કરીને નોબલ સમિતિએ મારું અપમાન કર્યું છે... નોબલ સમિતિએ ત્રણેય જાપાનીઝ સંશોધકોને નોબલ આપતી વખતે ૧૯મી સદીમાં બલ્બ શોધનારા થોમસ આલ્વા એડિસનથી લઈને હોલોનયાક સહિતના સંશોધકોની નોંધ લીધી હતી, પરંતુ હોલોનયાકને તેનાથી સંતોષ નથી.

જોકે, જાપાનના ત્રણેય સંશોધકોએ બ્લુ એલઈડી વિકસાવવાનું લગભગ અશક્ય (રેડ અને ગ્રીન એલઈડીની સરખામણીમાં) કામ પાર પાડયું હોવાથી હોલોનયાકને વિજ્ઞાનજગતનું સમર્થન મળ્યું નથી. નોબલ સમિતિ નોબલ પુરસ્કાર વિજેતા નક્કી કરતી વખતે જે તે શોધ કે કામની વૈશ્વિક અસરો પર ખાસ નજર રાખે છે. આ પુરસ્કાર જાહેર કરતી વખતે નોબલ સમિતિએ નોંધ્યું હતું કે, આ શોધથી વીજળી વિના જીવતા વિશ્વના દોઢ અબજ લોકોને ઈલેક્ટ્રિસિટી ગ્રીડ વિના વીજળી પહોંચાડી શકાય એમ છે. ઓછા પ્રકાશની જરૂર છે એવા પછાત-અંતરિયળ વિસ્તારોમાં તે સૌર ઊર્જાથી પણ ચલાવી શકાય છે.

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે ત્યારે બ્લુ એલઈડી અને તેને પગલે વ્હાઈટ એલઈડી વિકસાવવી શક્ય બની હોવાથી નોબલ સમિતિએ આ કામને નોબલ પુરસ્કારને લાયક ગણ્યું છે.

22 October, 2014

બાળમજૂરી માટે નોબલઃ પુરસ્કાર કે વેકઅપ કૉલ?


'ભારતને શાંતિનું નોબલ' અને 'બાળમજૂરી સામે વણથંભ્યા કામ'ના ઉજવણાં વચ્ચે કૈલાશ સત્યાર્થીએ પોતાને ઘેરી વળેલા ટેલિવિઝન કેમેરા સામે બાળમજૂરી અને બાળવેપાર (ચાઈલ્ડ ટ્રાફિકિંગ)ના દુષ્ચક્રમાં ફસાયેલા બાળકોને યાદ કરતા કહ્યું હતું કે, ''જ્યારે તમે મારી તસવીરો ક્લિક કરવા ભેગા થયા છો, મારી બાઈટ લઈ રહ્યા છો, ત્યારે પણ હું એ બાળકોને જ યાદ કરવા માગુ છું જે હજુ પોતાના પરિવારો માટે કામ કરી રહ્યા છે, કોઈ ખાણમાં પથ્થરો તોડી રહ્યા છે અથવા ભઠ્ઠીમાંથી ગરમ ઈંટો લાવી રહ્યા છે. કારણ કે, તેઓ હજુયે ઈનવિઝિબલ અને અનનોટિસ્ડ રહેશે...'' શું નોબલ પુરસ્કારની ઉજવણીના ઘોંઘાટમાં સત્યાર્થીને એવો ડર લાગ્યો હશે કે, હવે તેમની 'નોબલ પ્રાઈઝ વિનર'ની ઝળહળતી છબિ પાછળ બાળમજૂરીનો વિકરાળ પ્રશ્ન અંધારામાં રહી જશે!

ભારતને શાંતિનું નોબલ જાહેર થયા પછી સત્યાર્થી સહિતના લાખો લોકોના મનમાં આશા જાગી છે કે, હવે ભારતમાં બાળકોના હક્કોનો મુદ્દો પ્રકાશમાં આવશે. સરકારને અને લોકોને તેનું મહત્ત્વ સમજાશે. સત્યાર્થી પણ માને છે કે, આ દિશામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે અને નોબલ પુરસ્કારથી વિશ્વભરમાં અને દેશમાં બાળમજૂરી અને બાળશોષણ સામે લડી રહેલા કર્મશીલોને પ્રોત્સાહન મળશે. વર્ષ ૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે દેશમાં પાંચથી ૧૪ વર્ષની વયના ૧.૨૦ કરોડ બાળમજૂરો છે, જેમાંથી ૧.૨૦ લાખ બાળકો આરોગ્યની દૃષ્ટિએ અત્યંત જોખમી કામ કરી રહ્યા છે. જોકે, યુનિસેફના અંદાજ પ્રમાણે ભારતમાં છથી ૧૪ વર્ષની ઉંમરના ૨.૮૦ કરોડ બાળમજૂરો છે. ઊંચા જન્મદરના કારણે વિશ્વમાં ૧૪ વર્ષથી નીચેના મજૂરોનું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે, જ્યારે વસતીની ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ બાળમજૂરો આફ્રિકન દેશોમાં છે.

કૈલાશ સત્યાર્થી બાળકો સાથે...

ગરીબ દેશોમાં ગરીબાઈનો પ્રશ્ન જાતભાતના રૂપ ધારણ કરીને સામે આવતો હોય છે, જેમાંનું એક રૂપ બાળમજૂરી પણ છે. દેશમાં ગલીએ ગલીએ કામ કરતા 'છોટુ', 'ટેણી' અને 'મુન્ની' રોજેરોજ આપણી આંખ સામે ભટકાય છે. જોકે, ચ્હાની કિટલીએ લોકોની ગાળો ખાતા, ધોબીની દુકાને કામ કરતા, ઘરે-ઘરે વાસણ-કપડાં ધોતા, કપડાં સીવતા, ખેતમજૂરી કરતા અને ટ્રેનમાં બદનામ મુન્નીના ગીતો સંભળાવતા બાળકોની સ્થિતિ તો ઘણી સારી કહી શકાય. આ બાળકોને તેમના માતાપિતા પેટ ખાતર કામ કરાવતા હોય છે, આવા કેટલાક બાળકોને તો સ્કૂલ અને માતાપિતાનો પ્રેમ પણ નસીબ થતો હોય છે. આ બાળકો સાથે ક્રૂરતાભર્યું વર્તન થવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ જે બાળકોને ગોંધી રાખીને (બોન્ડેડ લેબર) મજૂરી કરાવાતી હોય તેમની હાલત બદતર હોય છે. આ બાળકોનું શારીરિક શોષણ પણ થતું હોય છે.

બાળવેપારમાં સંડોવાયેલા ગુનેગારો ભીખ માગવાના 'ધંધા' માટે બાળકોને અંધ કે લૂલા-લંગડા કરી દેતા પણ  ખચકાતા નથી. 'સસ્તા' મજૂરો માટે દેશમાં બાળકોનો રીતસરનો વેપાર થાય છે. બાળચોરી કરતી ગેંગો નાના-મોટા કારખાનાઓમાં બાળકોને વેચી દે છે. કારખાનાના માલિકને ફક્ત જ એક જ વાતથી નિસબત હોય છે, સસ્તી મજૂરી. સસ્તી મજૂરીથી ઉત્પાદન દર નીચો રહે છે અને નફો વધારે મળે છે. આ બાળકો માટે અત્યાચારનો અર્થ ભારેખમ સ્કૂલબેગથી ઘણો વિશેષ છે.  સત્યાર્થીની સ્વૈચ્છિક સંસ્થા 'બચપન બચાઓ આંદોલન'ના અભ્યાસ મુજબ, સસ્તી મજૂરીની લાલચે ઉત્પાદકો પુખ્તવયના લોકોને કામ આપવાના બદલે તેમના સંતાનોને કામ આપવાની લાલચ આપે છે અને ગરીબ લોકો પૈસાની લાલચમાં બાળકોને મજૂરી માટે સોંપી દે છે. બાળકો યુનિયન બનાવી શકતા નહીં હોવાથી તેમનું શોષણ કરવું સરળ હોય છે. મોટા લોકોની સરખામણીમાં બાળકો ચૂપચાપ કામ કરે છે અને કામચોરી કરતા ડરે છે. આ વાત સંવેદનહીન શેઠિયા સારી રીતે જાણતા હોય છે. આ ચુંગાલમાં ફસાયેલા બાળકો કુમળી વયે જ માનસિક રીતે પડી ભાંગે છે.

પાકિસ્તાનમાં લશ્કર એ તૈયબા જેવા આતંકવાદી સંગઠનો તો અનાથ અને માનસિક રીતે પડી ભાંગેલા બાળકોને પસંદ કરીને તેમને 'દિશા' આપે છે. આ બાળકોને ધર્મના નામે ગુમરાહ કરીને ખૂંખાર આતંકવાદી બનાવાય છે. બાળકોનો ગુનાખોરીમાં ઉપયોગ થાય ત્યારે સમાજને સંવેદનહીન ગુનેગારો અને આતંકવાદીઓ મળવાની સંભાવના અનેકગણી વધી જાય છે. પાકિસ્તાન સહિત વિશ્વના ૧૪૪ દેશોમાં બાળમજૂરી અને બાળવેપારના દુષણ સામે લડી રહેલા સત્યાર્થીનું કામ વિશ્વશાંતિમાં આ રીતે મદદરૂ થઈ રહ્યું છે. સત્યાર્થીએ બાળમજૂરી સામે લડવાનું ચાલુ કર્યું ત્યારે તેમણે પણ કંઈક આવા સવાલોનો સામનો કર્યો હતો. ગરીબ બાળકોને કામ કરવા નહીં દઈએ તો તેઓ ખાશે શું? તમે એમ ઈચ્છો છો કે, તેઓ કામ ના કરે અને ભીખ માગે? તેમને કમાણી કરવા દઈને આપણે તેમને મદદ ના કરવી જોેઈએ? આવી સાંભળવામાં સારી અને જવાબદારીમાંથી છટકવામાં મદદરૂપ થાય એવી દલીલો કરનારાને બાળમજૂરીના દુષ્ચક્રની ભયાનકતાનો અંદાજ નથી હોતો. 

મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં ૧૧મી જાન્યુઆરી, ૧૯૫૪ના રોજ જન્મેલા કૈલાશ સત્યાર્થીએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પદવી લઈને ભોપાલમાં લેક્ચરર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. પરંતુ વર્ષ ૧૯૮૦માં તેમણે લેક્ચરર તરીકે રાજીનામું આપીને 'બચપન બચાઓ આંદોલન' નામે સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરીને બાળમજૂરીના દુષણ સામે લડવાનું શરૂ કર્યું. આમ, ત્રણ દાયકાથી પણ વધારે સમયથી કામ કરી રહેલી આ સંસ્થાએ અત્યાર સુધી ૮૦ હજારથી પણ વધુ બાળકોને બાળમજૂરીના ખપ્પરમાંથી છોડાવ્યા છે. દેશમાં ગલીએ ગલીએ બાળપણ ખોવાયું હોય ત્યાં આ કામ પાશેરીમાં પૂણી સમાન છે એ વાત સત્યાર્થીએ પણ કબૂલી છે. દેશના લગભગ તમામ મોટા શહેરોમાં જ્યાં નાના-મોટા ઉદ્યોગો વિકસ્યા હોય ત્યાં બાળમજૂરી સામાન્ય છે. કારખાના પર છાપા મારીને બાળકોને છોડાવી લાવવાથી કે દંડાવાળીથી આ દુષણ રોકવું અશક્ય છે. જેમ કે, તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા બનાવવાના ઉદ્યોગમાં બાળમજૂરી સામે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ પછીયે અહીં બાળમજૂરી સંપૂર્ણપણે નાબૂદ થઈ નથી.

આ પ્રકારના ઉદ્યોગોમાં હિત ધરાવતા લોકો પાસે રાજકારણીઓને ચૂપ રાખવા ચૂંટણીમાં ભંડોળ આપવાની ટેકનિક હાથવગી છે. ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં કાર્પેટ બનાવવાના ઉદ્યોગમાં પણ બાળમજૂરીનું પ્રમાણ વધારે છે. લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૧૯૯૬ અને ૧૯૯૯માં મિરઝાપુર મતવિસ્તારમાંથી ચૂંટાયેલા ફૂલનદેવીએ જાહેરમાં કહ્યું હતું કે, ''દેશમાં બાળમજૂરી જેવો કોઈ પ્રશ્ન છે જ નહી. બાળમજૂરીને લગતા તમામ કાયદાને હવે નાબૂદ કરી દેવા જોઈએ.'' મિરઝાપુરમાં બાળમજૂરીના દુષણ વિશે વાત કરતા ડાકુરાણીએ કરેલું આ નિવેદન આપણા ભ્રષ્ટ તંત્ર તેમજ ચૂંટણી જીતવા તોતિંગ ભંડોળ મેળવવાનું દુષણ પણ કેટલું વધ્યું છે એ વિશે ઘણું બધું કહી જાય છે. આ સ્થિતિમાં બાળકોને છોડાવ્યા પછીયે તેઓ આ દુષ્ચક્રમાં પાછા નહીં ધકેલાય એની કોઈ ગેરંટી નથી. બાળમજૂરી સામે લડવા લોકજાગૃતિ, બાળકોના શિક્ષણ, પુનઃર્વસન અને તેમના માતાપિતાને રોજગારી જેવા અનેક મોરચે લડવું પડે છે. આ દિશામાં સત્યાર્થીની સંસ્થા માતબર કામ કરી રહી છે.

સત્યાર્થી જેવા અનેક કર્મશીલો લોકજાગૃતિથી માંડીને વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરીને લગતા ધારાધોરણો ઘડાય એ માટે પ્રયત્નશીલ છે, જેથી બાળમજૂરીનું દુષણ મૂળમાંથી ઉખેડી શકાય. જોકે, બાળમજૂરીને લઈને વિશ્વ વેપાર સંસ્થામાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચે હંમેશા સામસામેના અભિપ્રાય રહ્યા છે. વિકસિત દેશોનું માનવું છે કે, ગરીબ અને વિકાસશીલ દેશો વચ્ચે સસ્તી મજૂરીની લાલચ આપીને બહુરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવાની હોડ જામી હોય ત્યારે બાળમજૂરીનું દુષણ રોકવું અશક્ય છે. આ માટે અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોએ વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરી માટે ચોક્કસ માપદંડો નક્કી કરવાની ચર્ચા કરી હતી, પરંતુ ભારત અને મલેશિયાની આગેવાનીમાં આ સૂચન ફગાવી દેવાયું હતું. ભારત સહિતના વિકાસશીલ દેશોનું કહેવું હતું કે, બાળમજૂરી દરેક દેશની અંગત બાબત છે, જે તેની સંસ્કૃતિ, પરંપરા અને અર્થતંત્રને લગતી પ્રાથમિકતા પર નિર્ભર કરે છે.

ખરેખર, વિકાસશીલ દેશોને ભય છે કે, વિકસિત દેશો વિશ્વ વેપાર સંસ્થામાં બાળમજૂરીના ધારાધોરણોનો ઉપયોગ એક હથિયાર તરીકે કરશે. આ નિયમોની મદદથી તેઓ વિકાસશીલ દેશોમાં ઓછા ખર્ચે ઉત્પાદિત કરાતી ચીજવસ્તુઓના ઉદ્યોગો જરૂર પડયે બંધ કરાવશે. વિકાસશીલ દેશોના આવા વલણ બાદ અમેરિકાએ બાળમજૂરોથી તૈયાર થયેલી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ નિર્ણયને પગલે વિકાસશીલ દેશોમાં સસ્તી મજૂરીની લાલચે ઉત્પાદન કરતી અમેરિકન કંપનીઓએ ઉહાપોહ કર્યો હતો. આમ છતાં, અમેરિકન સરકારે ટ્રેડ યુનિયનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના દબાણને વશ થઈને આ નિર્ણય લીધો હતો. વિકસિત દેશોમાં બાળમજૂરી સામે મજબૂત અવાજ ઉઠતો હોવાથી સરકારે નમવું પડે છે એ આ જરા આશ્વાસન લઈ શકાય એવી બાબત છે, પરંતુ બંને તરફ બાળમજૂરીનો પ્રશ્ન ગૌણ છે અને મુખ્ય ચિંતા ફક્ત 'વિકાસ'ની છે.

આ વિકાસના ચક્કરમાં બાળપણ રુંધાતું બંધ થશે તો જ ભારતને મળેલું નોબલ સાર્થક થયું ગણાશે, નહીં તો કૈલાશ સત્યાર્થી પણ બાળમજૂરી સામેની લડતનું પ્રતીક બનીને રહી જાય એ દિવસો આવતા વાર નહીં લાગે!

24 April, 2014

શબ્દોના જાદુગર ‘ગેબો’નું અવસાન, ‘ન્યૂ જર્નાલિઝમ’નો યુગાંત


“હું એક પત્રકાર છું. હું હંમેશા પત્રકાર રહ્યો છું. જો હું પત્રકાર ના હોત તો આ પુસ્તકો લખાયા ના હોત. કારણ કે, આ બધું જ લખાણ વાસ્તવિકતામાંથી લેવાયું છે...” આ શબ્દો વીસમી સદીના મહાન સાહિત્યકાર ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝે ઉચ્ચાર્યા હતા. 17મી એપ્રિલ, 2014ના રોજ મેક્સિકોના ન્યૂ મેક્સિકો શહેરમાં 87 વર્ષની વયે ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝનું અવસાન થયું છે. તેઓ વર્ષ 1999થી લિમ્ફેટિક કેન્સરથી પીડાઈ રહ્યા હતા. અંગત મિત્રો તથા સાહિત્ય અને પત્રકારત્વની દુનિયામાં ‘ગેબો’ નામે ઓળખાતા આ સાહિત્યકારે છ નવલકથા, ચાર ટૂંકી નવલ, પાંચ વાર્તાસંગ્રહ અને સાત નોન-ફિક્શન પુસ્તકો આપ્યા છે. વર્ષ 1982માં તેમને ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથા માટે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું.

ગેબોની સૌથી પ્રખ્યાત કૃતિ ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’એ વિશ્વભરના સાહિત્યકારો, લેખકો, બૌદ્ધિકો અને સામાન્ય વાચકો પર પણ ઊંડી છાપ છોડી હતી. આ પુસ્તકથી જ તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. આ નવલકથા વિષે ચીલીના મહાન કવિ પાબ્લો નેરુદાએ કહ્યું હતું કે, “મિગુલ દ સર્વાન્ટિસની ‘ડોન ક્વિકસોટ’ (પર્સનલ ફેવરિટ) પછી તે સ્પેનિશ ભાષાની સૌથી ઉત્તમ કૃતિ છે.” જ્યારે જાણીતા નવલકથાકાર વિલિયમ કેનેડીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, “બુક ઓફ જિનેસિસ પછી આ સાહિત્યનું પહેલું સર્જન છે, જે આખી માનવજાતે વાંચવું જોઈએ.” હિબ્રુ ભાષામાં લખાયેલા બાઈબલ ‘તનાખ’ કે ખ્રિસ્તીઓના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’નું પહેલું પુસ્તક ‘બુક ઓફ જિનેસિસ’ તરીકે ઓળખાય છે. આ પુસ્તકને મળેલી પ્રચંડ લોકપ્રિયતાના કારણે ગેબોને એક સમયે એવો ડર લાગ્યો હતો કે, આ પુસ્તક પછી તેઓ જે કોઈ પુસ્તક લખશે તેને વાચકોની દૃષ્ટિએ મૂલવવામાં નહીં આવે તો? ખેર, ગેબોનો ડર ખોટો સાબિત થયો હતો અને એ પછી તેમણે લખેલા મોટા ભાગના સર્જનને સમીક્ષકો અને વાચકો બંનેએ ખૂબ પસંદ કર્યું છે. આજે પણ વિશ્વના અનેક દેશોમાં તેમના પુસ્તકો એટલી જ ઉત્કટતાથી વંચાઈ રહ્યા છે.

ગેબ્રિઅલ ગાર્સિયા  માર્કવેઝ 

વર્ષ 1967માં પ્રકાશિત થયેલી ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથાનો વિશ્વની 37 ભાષામાં અનુવાદ થયો છે અને અત્યાર સુધી તેની પાંચ કરોડથી પણ વધારે નકલો વેચાઈ ચૂકી છે. ગેબોની ‘ક્રોનિકલ ઓફ એ ડેથ ફોરટોલ્ડ’, ‘લવ ઈન ધ ટાઈમ ઓફ કોલેરા’ તેમજ ‘ઓટમ ઓફ ધ પેટ્રિયાક’નું પણ ધૂમ વેચાણ થયું હતું. એક અંદાજ પ્રમાણે, ફક્ત બાઈબલ જ એક એવું પુસ્તક છે જે ગેબોની કૃતિઓ કરતા વધારે વેચાયું છે. ગેબોએ તેમના જીવનમાં કંઈક વિશિષ્ટ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. તેમના મોટા ભાગના સર્જનનું બેકગ્રાઉન્ડ લેટિન અમેરિકન સમાજ, સંસ્કૃતિ અને તેમની માન્યતાઓ છે પણ તેનો પ્રભાવ હંમેશા વિશ્વ વ્યાપી રહ્યો છે. કદાચ એટલે જ તેમના સર્જનોનો વિશ્વની અનેક ભાષામાં અનુવાદ થયો છે. ગેબોના લખાણોની ખાસિયત એ છે કે, તેમના સ્પેનિશમાં લખાયેલા પુસ્તકોનો બીજી ભાષામાં અનુવાદ થાય એ પછી પણ વાચક વચ્ચેનો તેમનો નાતો અકબંધ રહે છે, અને કદાચ એટલે જ ગેબોના પુસ્તકોનો પ્રભાવ હંમેશાં વ્યાપક રહ્યો છે.

ગેબો જે કંઈ લખતા હતા તેને સમીક્ષકો ‘મેજિકલ રિયાલિઝમ’ના ખાના (જોનર)માં મૂકે છે. તેમની કૃતિઓમાં ચમત્કારિકતા અને વાસ્તવવાદનો સુંદર સમન્વય હતો. ગેબોની વાર્તાઓમાં ઝંઝાવાતો વર્ષો સુધી શમવાનું નામ ન લેતા, આકાશમાંથી ફૂલો વરસતા અને જમીન પર તેના ઢગલા થતાં, જુલમી શાસકો સદીઓ સુધી જીવિત રહેતાં, સંતો હવામાં બેસી શકતા અને ખેતરોમાં લીધેલો પાક બગડતો નહીં. અરે, તેમના લખાણોમાં પ્રેમીઓની ઉત્કટતા પચાસ વર્ષ પછી પણ સજીવન થઈ જતી. ફિલ્મ કે સાહિત્ય જગતમાં મેજિકલ રિયાલિઝમ શૈલીની નવાઈ નથી પણ ગેબોએ સામાન્ય માણસની વાત કહેવા માટે આ શૈલીનો અદ્ભુત ઉપયોગ કર્યો હતો. ગેબોના લખાણોની મદદથી લેટિન અમેરિકાના લોકોને પહેલીવાર ઓળખ મળી હતી અને ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ કૃતિની મદદથી જ વિશ્વને લેટિન અમેરિકનોની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, શક્તિ અને અંધશ્રદ્ધાની દુનિયામાં ડોકિયું કરવાની તક મળી હતી. આ પુસ્તક લેટિન અમેરિકાની સામાજિક અને રાજકીય ઈતિહાસનો દસ્તાવેજ ગણાય છે.

વર્ષ 1982માં આ પુસ્તક બદલ નોબલ પુરસ્કાર સ્વીકારતી વખતે ગેબોએ લેટિન અમેરિકાને ક્રિયેટિવિટીના પ્રચંડ સ્રોત સાથે સરખાવ્યું હતું. ગેબો અખબારોમાં નોન-ફિક્શન લેખો પણ મજેદાર સાહિત્યિક શૈલીમાં લખતા, જે શૈલી ‘ન્યૂ જર્નાલિઝમ’ તરીકે ઓળખાય છે. તેઓ ન્યૂ જર્નાલિઝમની શરૂઆત કરનારા લેખકો પૈકીના એક હતા અને તેમના કારણે જ આ શૈલી વધુ જાણીતી બની હતી. તેમણે લખેલા નોન-ફિક્શન પુસ્તકોમાં ‘સ્ટોરી ઓફ એ શિપરેક્ડ સેઈલર’ પણ ખૂબ જાણીતું છે. આ સિવાય ‘ન્યૂઝ ઓફ અ કિડનેપિંગ’ નામના નોન-ફિક્શન પુસ્તકમાં લેટિન અમેરિકાના જાણીતા ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર અને તેની ગેંગે પોતાના જન્મસ્થળ કોલમ્બિયાને સામાજિક અને નૈતિક રીતે કેવો ફટકો પહોંચાડ્યો છે તેની વાત કરી છે. વર્ષ 1994માં તેમણે ઈબરોઅમેરિકન ફાઉન્ડેશન ફોર ન્યૂ જર્નાલિઝમ નામની સંસ્થા સ્થાપી હતી. આ સંસ્થા આજે પણ પત્રકારત્વની તાલીમ આપે છે અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીને લેટિન અમેરિકામાં ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ અને લખાણનું સ્તર ઊંચું લાવવા કાર્યરત છે.

ગેબો લેટિન અમેરિકાના બીજા પત્રકારો-લેખકોની જેમ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ સક્રિય રસ લેતા હતા. ક્યુબાના પૂર્વ પ્રમુખ ફિડેલ કાસ્ટ્રો સાથે તેમની દોસ્તી જાણીતી હતી અને તેઓ પોતાના અપ્રકાશિત પુસ્તકોના ડ્રાફ્ટ પણ તેમને વાંચવા આપતા હતા. ગેબો સામંતવાદી વિરોધી વલણ ધરાવતા હતા અને તેમના લખાણોમાં ડાબેરી ઝોક રહેતો હતો. આ કારણોસર તેઓ ડાબેરી જૂથોના પ્રિય હતા. ગેબોની ડાબેરી છબિના કારણે કોલમ્બિયાના જમણેરી જૂથોમાં તેમજ અમેરિકાના માધ્યમોમાં તેમની ટીકા થતી રહેતી. જોકે, તેઓ વિયેતનામથી લઈને ચિલી સહિતના મુદ્દે અમેરિકાના વલણનો ખુલ્લેઆમ વિરોધ કરતા. તેઓ વેનેઝુએલા અને નિકારાગુઆમાં ડાબેરી પક્ષોનું સમર્થન કરતા અને તેમને આર્થિક મદદ પણ કરતા. ગેબોની કાસ્ટ્રો સાથેની દોસ્તી અને કોલમ્બિયન કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હોવાની શંકા તળે અમેરિકાએ તેમને સતત ત્રણ દાયકા સુધી વિઝા આપ્યા ન હતા. છેવટે વર્ષ 1995માં અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને તેમને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે તેમનો વિઝા પ્રતિબંધ દૂર કરાયો હતો.

ખેર, એક પત્રકાર, લેખક અને સાહિત્યકાર તરીકે ગેબોને વિશ્વ યાદ રાખશે. કારણ કે, તેમનો ઈરાદો લેખન થકી સામાન્ય માણસની લાગણીઓની વાત કરવાનો હતો. તેમણે લગભગ આખું જીવન એક સૈનિકની શિસ્તથી લખ્યું હતું. એક યુવાન પિતા તરીકે તેઓ બાળકોને સવારે સ્કૂલે મૂકવા અને બપોરે તેમને લેવા પણ જતા. આ દરમિયાન તેઓ સવારના આઠથી બપોરે બે વાગ્યા સુધી સતત લખતા. એકવાર તેમણે કહ્યું હતું કે, “એક પુસ્તક પૂરું કરું એ પછી જલદીથી બીજું લખી શકતો નથી. પછી હું શીખું છું કે, આવું બીજી વાર કેવી રીતે કરું. એ વખતે હાથ ઠંડા પડી જાય છે. લખતી વખતે જે ઉષ્મા મળી હોય છે તે પાછી શોધવા તમારે બીજી વાર એ શીખવાની પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે...”

બાળપણથી જ મળી હતી લખવાની પ્રેરણા

ગેબ્રિઅલ ગાર્સિયા માર્કવેઝનો જન્મ છઠ્ઠી માર્ચ, 1927ના રોજ કોલમ્બિયાના અરાકાટાકા નામના નાનકડા શહેરમાં થયો હતો. ગેબ્રિઅલ તેમના પિતા ગેબ્રિઅલ એલિજિયો અને માતા લુસિયા સેન્ટિયાગાના બાર સંતાનમાં સૌથી મોટા હતા. તેમના પિતા સામાન્ય પોસ્ટલ ક્લાર્ક હોવાથી પરિવાર કારમી ગરીબીમાં સબડતો હતો. આ દરમિયાન ગેબ્રિઅલે તેમનું બાળપણ નાના-નાની સાથે એક ખખડધજ મકાનમાં વીતાવ્યું હતું અને આ મકાનમાં જ તેમનામાં એક લેખકના બીજ રોપાયા હતા. નાનકડા ગેબ્રિઅલ નાની પાસે ચમત્કારોની વાર્તાઓ સાંભળીને અને નાના નિકોલસ માર્કવેઝ મજિયા પાસેથી વીરકથાઓ સાંભળીને મોટા થયા. એટલે જ ગેબોના લખાણોમાં નાની પાસેથી સાંભળેલી વાર્તાઓની સુંદર કલ્પના અને નાના પાસેથી સાંભળેલી ક્રાંતિકથાઓની વાસ્તવિકતાનું સુંદર મિશ્રણ જોવા મળે છે. એકવાર ગેબોએ તેમના નાનાને જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ’ નવલકથાનો હીરો કર્નલ બ્યુન્દિયા મારા નાનાને મળતા આવે છે અને એ પુસ્તકમાં જે જાદુઈ ગામ બતાવ્યું છે તે મારા જન્મ સ્થળ અરાકાટાકા જેવું છે.

ગેબો કિશોરવયે જ બોગોટા જતા રહ્યા હતા અને ત્યાં તેઓ કાયદાશાસ્ત્ર ભણ્યા હતા. જોકે તેમણે ડિગ્રી લીધા વિના પત્રકારત્વમાં ઝંપલાવ્યું. એ દરમિયાન વર્ષ 1940થી 1950માં કોલમ્બિયામાં રાજકીય અસ્થિરતા અને ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હતી. આ સ્થિતિમાં ત્રણેક લાખ લોકોના મૃત્યુ થયા હતા અને ગેબોની અનેક નવલકથાઓમાં આ દુઃખદ ઘટનાનું બેકગ્રાઉન્ડ ઝીલાયું છે. પત્રકારત્વમાં આવ્યા પછી ગેબોએ અર્નેસ્ટ હેમિંગ્વે, વિલિયમ ફોકનર, માર્ક ટ્વેઈન, હર્માન મેલવિલે, ચાર્લ્સ ડિકન્સ, લિયો ટોલ્સટોય, વર્જિનિયા વુલ્ફ અને ફ્રાંક કાફ્કા જેવા વિશ્વ પ્રસિદ્ધ લેખકોને વાંચવાનું ચાલુ કરી દીધું હતું. તેઓ કેવા વાચક હતા તેનો અંદાજ તેમણે કહેલી એક વાત પરથી આવે છે. તેમણે કહ્યું હતું કે, “હું કલ્પના પણ નથી કરી શકતો કે, દસેક હજાર વર્ષના ગાળાના સાહિત્યનો થોડોઘણો અભ્યાસ કર્યા વિના કોઈ નવલકથા લખવાનું વિચારી પણ કેવી રીતે શકે.” જોકે, તેઓ પ્રિય લેખકની નકલ ના થાય એ માટે હંમેશા સાવધ રહેતા. કદાચ એટલે જ ગેબોના લખાણમાં આટલા વર્ષો પછી પણ તાજગી છે અને કદાચ હજુ પણ વર્ષો સુધી તે વંચાતા રહેશે.

29 September, 2012

વિચિત્ર શોધો માટે અપાતું આઈજી નોબલ પ્રાઈઝ


કોઈનું ભાષણ સાંભળતી વખતે આપણે કંટાળી ગયા હોઈએ એવું અનેકવાર અનુભવી ચૂક્યા છીએ. પરંતુ બધા જ લોકો આપણી જેમ ભાષણકારને ગાળો દઈને કે અધવચ્ચેથી ભાષણ છોડી દઈને અટકી નથી જતા. જાપાનના બે સંશોધકોએ આવું લાં..બુ ભાષણ કર્યે રાખતા વક્તાઓને કાબૂમાં રાખવા સ્પીચ જામર નામનું સાધન વિકસાવ્યું છે. આ સાધન સેકન્ડના 100માં ભાગમાં વક્તાના ચાળા પાડી-પાડીને તેમને અટકાવી દે છે. આ સાધન વિકસાવનારા જાપાની વિજ્ઞાની કાઝુતાકા કુરિહરા અને કોજી સુકાડાને એકોસ્ટિક કેટેગરીમાં આ વર્ષનું આઈજી નોબલ પ્રાઈઝ જીત્યું છે. હા, આઈજી નોબલ પ્રાઈઝ આવા વિચિત્ર સંશોધનો કરનારા વિજ્ઞાનીઓને જ અપાય છે. આઈજી નોબલ એવી શોધોને આપવામાં આવે છે, જે સાંભળીને પહેલાં હસવું આવે અને પછી સામાન્ય માણસને જ નહીં પણ ભલભલા વિજ્ઞાનીઓને પણ વિચારતા કરી મૂકે એવી હોય છે.  

જેમ કે, સ્પીચ જામર નામનું સાધન વિકસાવીને એકોસ્ટિક કેટેગરીમાં આઈજી નોબલ જીતેલા જાપાની વિજ્ઞાનીઓ પર પહેલાં તો આપણને હસવું જ આવે. પરંતુ આ સાધન બનાવવા પાછળ તેમનો હેતુ ખૂબ ઝડપથી બોલતા તેમજ ફાળવેલા સમય કરતા વધુ સમય લઈને લાંબુ ભાષણ કર્યે રાખતા વક્તાઓને એલર્ટ કરવાનો હતો. આ અંગે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ઈન્ડસ્ટ્રિયલ  સાયન્સ એન્ડ ટેક્નોલોજી, જાપાનના વિજ્ઞાની કાઝુતાકા કોરિહરા કહે છે કે, “આ ટેક્નોલોજી મીટિંગમાં પણ ઉપયોગી થઈ શકે છે. જેમ કે, કોઈ વ્યક્તિ બોલતી હોય ત્યારે વચ્ચે બોલતા લોકોને કાબૂમાં રાખવા પણ તે ઉપયોગી છે.” તેઓ ઉમેરે છે કે, “એક ધૂની વિજ્ઞાની તરીકે મારું સપનું હતું કે, હું આઈજી નોબલ પ્રાઈઝ જીતું.” કાઝુતાકા જેવા અનેક વિજ્ઞાનીઓનું સ્વપ્ન હોય છે કે, તેઓ આઈજી નોબલ પ્રાઈઝ જીતે. વળી, આ પ્રાઈઝ નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓના હસ્તે અપાય છે. આઈજી નોબલ પ્રાઈઝ સમારંભમાં ખુદ નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ હાજર રહીને વિજેતાઓને એવોર્ડ આપે છે, અને તેમનો ઉત્સાહ વધારે છે.

સ્પીચ જામરનું નિદર્શન કરી રહેલા એકોસ્ટિક કેટેગરીના
આઈજી નોબલ વિજેતા વિજ્ઞાની કોજી સુકાડા  

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભ દર વર્ષે હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજવામાં આવે છે. આ સમારંભમાં નોબલ પ્રાઈઝની જેમ જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ન્યૂરોસાયન્સ, સાઈકોલોજી, મેડિસિન, એનેટોમી અને લિટરેચર જેવી વિવિધ કેટેગરીમાં આઈજી નોબલ અપાય છે. પરંતુ આઈજી નોબલની વિશિષ્ટતા એ છે કે, તે ચિત્રવિચિત્ર શોધ-સંશોધન કરનારા વિજ્ઞાનીઓને જ અપાય છે. જેમ કે, આ વખતે સાઈકોલોજીનું આઈજી નોબલ ડચ સંશોધકો અનિતા એર્નાલ્ડ, રોલ્ફ ઝ્વાન અને તુલિયો ગડાલૂપને એનાયત કરાયું છે. આ ત્રણેય વિજ્ઞાનીઓએ એ વાતનો જવાબ આપ્યો છે કે, ડાબી તરફ ઝૂકીને જોતા એફિલ ટાવર કેમ નાનો લાગે છે? જ્યારે ન્યૂરોસાયન્સ કેટેગરીમાં ચાર અમેરિકન સંશોધકોએ પ્રાઈઝ જીત્યું હતું. આ સંશોધકોએ એવું સાધન વિકસાવ્યું છે કે જે મૃત માછલીના મગજમાં થતા ફેરફારો દર્શાવી શકે છે.

લિટરેચરનું આઈજી નોબલ પ્રાઈઝ ‘અહેવાલોના અહેવાલો’ તૈયાર કરવા બદલ યુ.એસ. જનરલ એકાઉન્ટેબિલિટી ઓફિસને ફાળે ગયું હતું. આ ડિપાર્ટમેન્ટે અહેવાલોના અહેવાલો પર અહેવાલ કર્યો હતો જેમાં અહેવાલોના અહેવાલો અને તેના પણ અહેવાલોનો અહેવાલ તૈયાર કરવાની ભલામણ કરાઈ હતી.  તો, ફિઝિક્સનું આઈજી નોબેલ બ્રિટિશ-અમેરિકન વિજ્ઞાનીઓની ટીમને ગયું હતું. આ ટીમે શોધી કાઢ્યું હતું કે, આખરે ચાલતી વખતે પોની ટેઈલ (વાળની ચોટલી) કેવી રીતે અને કેમ ઉછળે છે? આ ટીમના સભ્ય અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ભૌતિકશાસ્ત્રી રેમન્ડ ગોલ્ડસ્ટેઈનને યુનિલિવર કંપનીએ પોનીટેઈલનું ફિઝિક્સ સમજવાનું કામ સોંપ્યુ હતું. આ માટે રેમન્ડ અને તેમની ટીમે 3D ઈમેજિંગ સિસ્ટમની મદદથી અવલોકન કર્યું હતું કે, ચાલતી કે દોડતી વખતે પોની ટેઈલ કેવી રીતે ઉછળે છે.

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભમાં એફિલ ટાવરની પ્રતિકૃતિ સામે
નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ એરિક માસ્કિન (2007માં
ઈકોનોમિક્સમાં નોબલ પ્રાઈઝ વિજેતા), રિચાર્ડ રોબર્ટ્સ
(1993માં મેડિસિનમાં નોબલ પ્રાઈઝ વિજેતા) અને
ડૂડલી હેર્શબાચ (1986માં કેમિસ્ટ્રીમાં નોબલ પ્રાઈઝ વિજેતા)  

રેમન્ડ કહે છે કે, “વાળનો જથ્થો એકસાથે સ્પ્રિંગની જેમ જ ઉછળે છે. જ્યારે પણ વાળના જથ્થાને ઓછી જગ્યામાં બળ સમાવી લેવાની જરૂર પડતી ત્યારે તે એટલા જ પ્રમાણમાં ઉછળતા જેટલી જગ્યામાં તેનું બળ સમાઈ ગયું હોય! જોકે, આ એક સાદો નિયમ છે, પરંતુ તેને કોઈ મોટી સિસ્ટમમાં લાગુ કરી શકાય છે.” ખેર, આઈજી નોબલ પ્રાઈઝ આવા વિચિત્ર સંશોધનો માટે જ આપવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે, યુનિલિવર જેવી કંપનીએ આવું સંશોધન કરવા આટલો ખર્ચ કેમ કર્યો હશે? યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન્તા બાર્બરાના એન્જિનિયરિંગ પ્રોફેસર રોઝલાન ક્રેચેટનિકોવ અને તેમના વિદ્યાર્થી હેંસ મેયરને ફ્લૂઈડ ડાયનેમિક્સમાં આઈજી નોબલ પ્રાઈઝ મળ્યું છે. તેમણે સંશોધન કર્યું છે કે, કોફીનો કપ લઈને ચાલતી વખતે તેમાં શું ફેરફારો થાય છે. ક્રેચેટનિકોવ અને મેયરને કોફી બ્રેક વખતે ચાલતા-ચાલતા વાતો કરવાની આદત હતી. આ દરમિયાન તેમના કોફી-મગમાં કોફી છલકાતી જોઈને આ ગુરુ-શિષ્યને આવું સંશોધન કરવાનો વિચાર આવ્યો હતો.

ક્રેચેટનિકોવનું કહેવું છે કે, આ દિશામાં અગાઉ પણ સંશોધનો થઈ ચૂક્યા છે. જેમ કે, રોકેટરી સાયન્સ. જો બળને અયોગ્ય રીતે ખસેડવામાં આવે તો મિસાઈલ કે રોકેટ અસ્થિર થઈ શકે છે. પરંતુ અત્યાર સુધી કોઈએ કોફી મગમાં આવો અભ્યાસ નહોતો કર્યો. આ અભ્યાસમાં અમને જાણવા મળ્યું કે, કોફી મગ કેટલો છલકાશે તે વ્યક્તિની ચાલવાની ગતિ, તે વ્યક્તિની એકાગ્રતા અને આસપાસના ઘોંઘાટ પર આધાર રાખે છે. જોકે, આવું સંશોધન કરવાનો અર્થ શું છે? આવો સવાલ પૂછતા ક્રેચેનિટોવ કહે છે કે, અરે, અમારા સંશોધનોનો ઉપયોગ કરીને સારા કોફી મગ ડિઝાઈન કરી શકાય છે, અને વ્યક્તિ ચાલતા ચાલતા પણ કોફીનો આનંદ માણી શકે છે. જોકે, તેઓ કબૂલે છે કે, “અમે ફક્ત અમારી જિજ્ઞાસા સંતોષવા ખાતર આવું સંશોધન કર્યું છે અને પછી અન્ય વિજ્ઞાનીઓ સાથે અમારું સંશોધન વહેંચવા અમે આઈજી નોબલ પ્રાઈઝમાં ભાગ લીધો હતો.”

ફિઝિક્સનું આઈજી નોબલ સ્વીકારવા હાથમાં ચોટલી
લઈને આવેલા રેમન્ડ ગોલ્ડસ્ટેઈન 

આ ઉપરાંત કેમિસ્ટ્રીનું પ્રાઈઝ સ્વિડનના વિજ્ઞાની જોઆન પેટરસનને ફાળે ગયું છે. સ્વિડનના એન્ડરસ્લોવ નામના શહેરમાં લોકોના વાળ લીલા કેમ થઈ જાય છે એ અંગે સંશોધન કરવા બદલ તેમને આ પ્રાઈઝ અપાયું છે. જ્યારે શાંતિનું નોબલ પ્રાઈઝ રશિયાની એસકેએન કંપની જીતી છે, જેણે રશિયાના જૂના દારૂગોળાને નવા પ્રકારના હીરામાં પરિવર્તિત કરવાની ટેકનિક શોધી છે. આમ આઈજી નોબલ પ્રાઈઝ હસવું આવે તેવા સંશોધનો કરનારા લોકોને અપાય છે, પરંતુ આવી કોઈ શોધ ભવિષ્યના વિજ્ઞાનને વિકસવામાં મદદરૂપ થઈ શકે એવી પણ હોઈ શકે છે. જેમ કે, એનેટોમી એટલે કે, શરીરરચનામાં અપાતું આઈજી નોબેલ પ્રાઈઝ ફ્રાન્સ દ વાલ અને જેનિફર પોકોર્ની નામના વિજ્ઞાનીઓ જીત્યા છે. તેમણે શોધી કાઢ્યું છે કે ચિમ્પાન્ઝી એવું પ્રાણી છે જે અન્ય ચિમ્પાન્ઝીની પાછળથી પાડેલી તસવીરો ઓળખી શકે છે. પ્રાણીઓનું વર્તન સમજવામાં આ પ્રકારના સંશોધનો ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે.

વિશ્વભરના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને શોધ-સંશોધનો માટે પ્રોત્સાહિત કરવામાં આઈજી નોબલનો મહત્ત્વનો ફાળો છે.

આઈજી નોબલ પ્રાઈઝ શું છે?

આઈજી નોબલ પ્રાઈઝમાં ‘આઈજી’ શબ્દ ‘ઈગ્નોબલ’ નામના અંગ્રેજી શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ ‘અપ્રતિષ્ઠિત’ થાય છે. જોકે, આઈ નોબલ પ્રાઈઝ સમારંભના સંચાલન વખતે ‘ઈગ્નોબલ’ના ઉચ્ચારમાં જાણી જોઈને ‘નોબલ’ શબ્દ પર વધુ ભાર મૂકાય છે. વર્ષ 1991થી સાયન્ટિફિક હ્યુમર મેગેઝિન ‘એનલ્સ ઓફ ઈમપ્રોબેબલ રિસર્ચ’ આ એવોર્ડ સમારંભનું આયોજન કરે છે. હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજાતા આ સમારંભમાં નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓ પણ હાજર રહે છે, અને તેમના હસ્તે જ ચિત્રવિચિત્ર સંશોધનો કરનારા સંશોધકોનો એવોર્ડ અપાય છે. આ કારણથી આઈજી નોબલ પ્રાઈઝનું મહત્ત્વ વધી જાય છે અને મીડિયામાં પણ તેને સારું એવું કવરેજ મળે છે. આ સમારંભ પછી માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં આઈજી નોબલ પ્રાઈઝ વિજેતાઓ દ્વારા નોબલ પ્રાઈઝ વિજેતાઓના લેક્ચર્સનું આયોજન કરાય છે. ‘નેચર’ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિને આઈજી નોબલ પ્રાઈઝ વિશે લખ્યું હતું કે, “...અહીં જે સંશોધનોને ઈનામ આપીને સન્માનિત કરાય છે, તે પહેલાં લોકોને હસાવે છે, પરંતુ તેમને વિચારતા પણ કરી મૂકે છે.

આઈજી નોબલ અને નોબલ પ્રાઈઝ જીતેલા એકમાત્ર વિજ્ઞાની

આંદ્રે ગેમ 
નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ રેડબાઉન્ડના બ્રિટિશ-ડચ ભૌતિકશાસ્ત્રી આંદ્રે ગેમ અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સર માઈકલ બેરીએ પ્રયોગ કરીને સાબિત કર્યું હતું કે, જીવતો દેડકો પણ લોહીચુંબકથી હવામાં અદ્ઘર કરી શકાય છે. આ બદલ તેમને વર્ષ 2000નું આઈજી નોબલ પ્રાઈઝ મળ્યું હતું. ત્યાર પછી વર્ષ 2010માં આંદ્રે ગેમ ગ્રેફેન નામના 2મટીરિયલમાં અત્યંત મહત્ત્વનું સંશોધન કરવા બદલ અન્ય એક વિજ્ઞાની સાથે સંયુક્ત રીતે ભૌતિકશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ જીત્યા હતા. સાદી ભાષામાં કહીએ તો, કાર્બનનું આણ્વિક બંધારણ ગ્રેફેન તરીકે ઓળખાય છે. આમ આઈજી નોબલ અને નોબલ પ્રાઈઝ બંને જીત્યા હોય એવા તે એકમાત્ર વિજ્ઞાની છે.



આઈજી નોબલ પ્રાઈઝનો વિશિષ્ટ સમારંભ

આઈજી નોબલ પ્રાઈઝ સમારંભ છેલ્લાં ઘણાં વર્ષોથી હાવર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરમાં યોજવામાં આવે છે. અહીં દરેક વિજેતાને નોબલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીઓના હસ્તે જ એવોર્ડ અપાય છે. આમ છતાં સમારંભ ભારેખમ ન થઈ જાય એ માટે મિસ સ્વિટી પૂ નામની એક બાળકી હાજર જ હોય છે. જો કોઈ વિજ્ઞાની વધુ પડતુ લાંબુ ભાષણ કરે તો આ મિસ સ્વિટી પૂ જોરથી રડવા લાગે છે અને કહે છે, “પ્લીઝ સ્ટોપ, આઈ એમ બોર”. આ સમારંભમાં હાવર્ડ કમ્પ્યુટર સોસાયટી, હાવર્ડ-રેડક્લિફ સાયન્સ ફિક્શન એસોસિયેશન અને હાવર્ડ-રેડક્લિફ સોસાયટી ઓફ ફિઝિક્સ સ્ટુડન્ટ્સ સંયુક્ત ધોરણે સ્પોન્સર હોય છે. દરેક સમારંભ કોઈને કોઈ થીમ આધારિત હોય છે. જેમ કે, આ વખતનો 22મો સમારંભ યુનિવર્સ થીમ પર હતો. જ્યારે દરેક સમારંભ “ઈફ યુ ડીડ નોટ વિન અ પ્રાઈઝ, એન્ડ એસ્પેશિયલી ઈફ યુ ડીડ, બેટર લક નેક્સ્ટ યર!” શબ્દો સાથે પૂર્ણ કરવામાં આવે છે. 

નોંધઃ તમામ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.