ગૂગલમાં એન.ડી. તિવારી લખીને સર્ચ બટન પર ક્લિક કરતાની સાથે જ ગૂગલ તેની સ્ટાઈલમાં ફક્ત 0.32 સેકન્ડમાં 32,60,000 (32 લાખ 60 હજાર) પરિણામો રજૂ કરી દે છે. આ બધી જ માહિતી લગભગ તેમના બહુચર્ચિત સેક્સ કૌભાંડ વિશે છે. દેશભરના સમાચાર માધ્યમોમાં સમાચાર છે કે, એન.ડી. તિવારીના ડીએનએ ટેસ્ટે સાબિત કરી દીધું છે કે, રોહિત શેખર એ એન.ડી. તિવારી અને ઉજ્જવલા શર્માનું જ ‘લવ ચાઈલ્ડ’ છે. એન.ડી. તિવારી યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી ઉજ્જવલા શર્મા સાથે અંતરંગ સંબંધ ધરાવતા હતા. એ સમયે ઉજ્જવલા કોંગ્રેસના મહિલા એકમના જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. વળી, ઉજ્જવલાના પિતા શેર સિંહ હરિયાણાના સાંસદ હતા અને ઈન્દિરા ગાંધીની સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી પણ હતા. એ વખતે જ ઉજ્જવલાની મુલાકાત યુવાન એન.ડી. સાથે થઈ હતી. આ દરમિયાન ઉજ્જવલાના બી.પી. શર્મા નામના યુવક સાથે લગ્ન અને બાદમાં છુટાછેડા થઈ ચૂક્યા હતા. બીજી તરફ, એન.ડી. અને ઉજ્જવલાના સંબંધ ઘણાં આગળ વધી ચૂક્યા હતા અને તેના પરિપાકરૂપે એક બાળકનો જન્મ થઈ ચૂક્યો હતો, જે આશરે ત્રણ દાયકા પછી પોતાને એન..ડી. તિવારીનો બાયોલોજિકલ પુત્ર સાબિત કરવા જંગે ચડવાનો હતો.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રેવા ખેત્રપાલે ભરચક કોર્ટમાં જ એન.ડી. તિવારીનો ડીએનએ રિપોર્ટ વાંચી સંભળાવ્યો હતો. હૈદરાબાદની તપાસ એજન્સી ‘ડીએનએ ફિંગરપ્રિન્ટ એન્ડ ડાયગ્નોસ્ટિક’ના રિપોર્ટના આધારે કોર્ટે કહ્યું હતું કે, “આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે, રોહિત શર્માના જૈવિક પિતા એન.ડી. તિવારી જ છે, અને ઉજ્જવલા શર્મા તેમની જૈવિક માતા છે.” જસ્ટિસ રેવા ખેત્રપાલે રોહિત શેખર અને ઉજ્જવલા શર્માના વકીલની હાજરીમાં આ સીલબંધ રિપોર્ટ ખોલ્યો હતો, અને તેમણે એન.ડી. તિવારીના વકીલની પણ રાહ જોઈ હતી, પરંતુ તેમના તરફથી કોઈએ કોર્ટમાં હાજરી આપી ન હતી. પરિણામે જસ્ટિસ ખેત્રપાલે એલાન કર્યું હતું કે, “આરોપી તરફથી કોઈ આવ્યું નથી એટલે આ સીલબંધ રિપોર્ટ ખોલવામાં આવે છે અને તેનું વિધિસરનું ફાઈલિંગ કરવામાં આવશે.” આમ એન.ડી. તિવારીએ 32 વર્ષ પહેલાં કરેલું પાપ આખરે છાપરે ચડીને પોકાર્યું હતું.
જોકે લાંબી કાનૂની લડાઈ પછી સાબિત થઈ ગયું કે, રોહિત શેખરના પિતા એન.ડી. તિવારી જ છે. પરંતુ મીડિયા સમક્ષ વાત કરતા રોહિત દુઃખી થઈને જણાવે છે કે, “મને એ સાંભળીને ઘણું દુઃખ થાય છે કે, હું એન.ડી. તિવારીનો નાજાયદ પુત્ર છું, હું ખૂબ દુઃખી છું. ખરેખર હું નાજાયદ પુત્ર નહીં, એન.ડી. તિવારી મારા નાજાયદ પિતા છે.” કુલ ત્રણ વાર ઉત્તર પ્રદેશના અને એક વાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂકેલા એન.ડી. તિવારીએ રોહિતને ચૂપ રાખવા તમામ દાવપેચ અજમાવ્યા હતા. તેમણે ડીએનએ ટેસ્ટ અને પછી તેનો રિપોર્ટ જાહેર નહીં કરવા પણ જાતભાતના કાનૂની હથિયારોનો ઉપયોગ કર્યો હતો, પરંતુ છેવટે એન.ડી. તિવારી પુત્ર સામે હારી ગયા.
એન.ડી. તિવારી પોતાના ‘લવ ચાઈલ્ડ’ને દુનિયાથી છુપાવી રાખવામાં ઘણાં વર્ષો સફળ રહ્યા, પરંતુ આજે પણ એ વાત રહસ્ય જ છે કે, આખરે તેમના અને ઉજ્જવલાના સંબંધોમાં આટલી કડવાશ કેવી રીતે આવી. આજે પણ એન.ડી. તિવારીને નજીકથી જાણતા લોકો ફક્ત એટલી જ વાત જાણે છે કે, વર્ષ 2005માં ઉજ્જવલા ઉત્તરાખંડના સી.એમ. હાઉસમાં એન.ડી.ને મળવા આવી હતી, એ વખતે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી વર્ષ 2008માં રોહિત શેખરે એન.ડી. તિવારી પોતાના બાયોલોજિકલ પિતા હોવાની અરજી દાખલ કરી દીધી હતી. આમ તો એન.ડી. અને ઉજ્જવલાના સંબંધ જગજાહેર હતા, પરંતુ તેઓ વચ્ચે શું થયું એ વિશે ઉજ્જવલાએ ક્યારેય કશું કહ્યું નથી, ના તો એન.ડી. તિવારી કંઈ બોલ્યા છે. એવું કહેવાય છે કે, તિવારીની આસપાસના લોકોએ જ બંનેના સંબંધમાં તિરાડ પાડવાનું કામ કર્યું હતું.
જોકે અનૈતિક સંબંધોમાં વિશ્વભરના રાજકારણીઓ એકબીજાને ટપી જાય એવા છે, પછી તે સિક્રેટ ‘લવ’ ની વાત હોય કે પછી ‘લવ ચાઈલ્ડ’ ની. ભારતના સમાચાર માધ્યમોમાં એન.ડી. તિવારીની ચર્ચા છે, તો અમેરિકામાં આર્નોલ્ડ શ્વાર્ઝનેગર, રશિયામાં વ્લાદિમિર પુતિન, ઈટાલીમાં સિલ્વિયો બર્લુસ્કોની, ફ્રાંસમાં ફ્રેન્કોઈઝ હોલેન્ડ અને ઉત્તર કોરિયામાં કિમ જોંગના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે. અમેરિકામાં બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી પછી કોઈ સેક્સ કૌભાંડની સૌથી વધુ ચર્ચા થઈ હોય તો તે છે આર્નોલ્ડ શ્વાર્ઝનેગરના નોકરાણી સાથેના અનૈતિક સંબંધોની., હોલિવૂડ એક્ટરમાંથી અમેરિકાના રાજકારણમાં ઝંપલાવીને કેલિફોર્નિયાના ગર્વનર બનનાર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર એક દિવસ પત્ની મારિયા શ્રીવર સમક્ષ કબૂલાત કરે છે કે, હું એક લવ ચાઈલ્ડનો પિતા છું અને હવે મારી મિત્ર ઓપ્રાહ વિન્ફ્રેને સાથે રાખીને જાહેરમાં તેની કબૂલાત કરવાનો છું. આ સાંભળતા જ પત્ની પર આભ તૂટી પડે છે. આર્નોલ્ડને પોતાની નોકરાણી મિલ્ડ્રેડ પેટ્રિશિયા બેના સાથે શારીરિક સંબંધ થકી લવ ચાઈલ્ડ હતું, અને આ વાત તેણે સતત 10 વર્ષ પત્નીથી છુપાવી રાખી હતી. નવાઈની વાત તો એ છે કે, આ દસ વર્ષ દરમિયાન ‘ટર્મિનેટરે’ એન.ડી. તિવારીથી વિરુદ્ધ પોતાના ‘લવ ચાઈલ્ડ’ના ભરણપોષણની જવાબદારી બખૂબી ઉઠાવી લીધી હતી. પેટ્રિશિયા આર્નોલ્ડ અને મારિયાના લોસ એન્જલસ સ્થિત 11 મિલિયન યુ.એસ. ડૉલરના મેન્શનમાં જ રહેતી હતી. મારિયા અને પેટ્રિશિયા એકસાથે પોતાના ગર્ભમાં આર્નોલ્ડના બાળક ઉછેરી રહી હતી.
સરમુખત્યારશાહી ધરાવતા દેશોમાં તો રાજકારણીઓની દરેક વાતને ‘ઓફિશિયલ સિક્રેટ’ ગણવામાં આવે છે. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન પણ કંઈક આવા જ મુદ્દે ચર્ચામાં છે. ઉ. કોરિયાના માધ્યમોમાં ચર્ચા છે કે, કિમ જોંગ સાથે જે મહિલા દેખાઈ રહ્યા છે તે તેમના પત્ની રિ સોલ જૂ છે. રિ સોલ પૂર્વ ગાયિકા છે, અને એક જાહેર કાર્યક્રમમાં બંનેની આંખ મળી જતા તેમણે લગ્ન કરી લીધા હતા. ઉ. કોરિયા જેવા ‘સિક્રેટ સ્ટેટ’માં કશું જ સત્તાવાર રીતે જાહેર થતું નથી, એટલે રાજકીય વિશ્લેષકોનો અંદાજ છે કે, આમ તો કિમ જોંગ ઉન અને રિ સોલના લગ્ન વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેઓ ચોક્કસ સંદેશ આપવા જ જાહેરમાં સાથે દેખાયા છે. કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ-1નું ગયા ડિસેમ્બરમાં મૃત્યુ થયું ત્યારે એટલે કે, લગભગ 20 વર્ષની ઉંમરે જ તેમણે લગ્ન કરી લીધા હતા. જોકે, કિમ જોંગ ઉનની ઉંમર અત્યારે કેટલી છે તેના વિશે પણ દુનિયા પાસે કોઈ માહિતી નથી. જોંગના પિતા કે તેમના દાદા પોતાની પત્નીઓ સાથે ક્યારેય જાહેરમાં દેખાયા ન હતા.
સિઓલ નેશનલ યુનિવર્સિટીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ પીસ એન્ડ યુનિફિકેશન સ્ટડીઝ ના પ્રોફેસર ચેંગ યોંગ સૂક કહે છે કે, “જાહેરમાં પત્ની સાથે દેખાઈને જોંગ સાબિત કરવા માંગે છે કે, તે ‘બાળક’ નથી. જો તેઓ એકલા દેખાય તો પ્રજા તેમને એક બાળક તરીકે જોશે, પરંતુ પત્નીને સાથે રાખીને તેઓ એવું બતાવવા માંગે છે કે, હું કુટુંબનો વડો છું, અને પરિપક્વ છું.” જોકે દક્ષિણ કોરિયાથી ફક્ત એટલા જ સમાચાર છે કે, નાના વાળ અને હસતો ચહેરો ધરાવતી એ વીસેક વર્ષીય મહિલા પૂર્વ ગાયિકા છે, જેને ખાસ કિમના કોન્સર્ટ માટે તાલીમ આપવામાં આવી હતી.
જ્યારે રશિયાના વડાપ્રધાન વ્લાદિમિર પુતિન તો પોતે માચો મેન’ છે એવું દર્શાવવાની એક પણ તક છોડતા નથી. વર્ષ 2006 સુધી દુનિયા જાણતી ન હતી કે, પૂર્વ જિમ્નાસ્ટ એલિના કાબેવા પુતિનની ‘સિક્રેટ ગર્લફ્રેન્ડ’ છે. આ સંબંધોથી 57 વર્ષીય પુતિન અને 27 વર્ષીય એલિના દિમિત્રિ નામના ‘લવ ચાઈલ્ડ’ના માતાપિતા પણ બન્યા છે, પરંતુ હાલ રશિયાના સમાચાર માધ્યમોમાં ગૂસપૂસ થઈ રહી છે કે, પુતિનની ગર્લફ્રેન્ડ અને લવ ચાઈલ્ડ ‘ગાયબ’ છે. ન્યૂ યોર્ક પોસ્ટના એક પત્રકારને એલિનાની મિત્ર જણાવે છે કે, “તેના તમામ ટેલિફોન બંધ છે, તેની સાથે ફક્ત પાંચેક જણનો જ સંપર્ક છે, તેના માતાપિતા, એક્સ કોચ અન્ય બે જિમ્નાસ્ટ, કારણકે તે બંને રશિયન સંસદમાં ફરજ બજાવે છે.” ન્યૂ યોર્ક પોસ્ટમાં પુતિન સામે બળાપો ઠાલવતા કહેવાયું છે કે, “આ પુતિનની મોડસ ઓપરેન્ડી છે. તેમણે હંમેશાં પ્રેસને નફરત કરી છે, પરંતુ શર્ટલેસ ફોટો શૂટ કે સાઈબેરિયામાં વાઘનો શિકાર કરતી વખતે તેમને પ્રેસ યાદ આવી જાય છે.”
એલિનાએ વર્ષ 2006માં જિમ્નાસ્ટિકમાંથી નિવૃત્તિ લીધી ત્યારે પુતિને પોતાના પક્ષમાંથી તેને ટિકિટ અપાવી હતી, જેમાં એલિનાની જીત પણ થઈ હતી. અર્ધી મુસ્લિમ એલિનાનો જન્મ સોવિયેત યુનિયનના તાશ્કંતમાં થયો હતો, જે હાલ ઉઝબેકિસ્તાનની રાજધાની છે. એલિના સાથેના સંબંધ જાહેર થયા ત્યારે પુતિનનું પત્ની લુડમિલા સાથેનું લગ્નજીવન તૂટી જવાની અણી પર આવી ગયું હતું, જેના થકી પુતિન બે પુત્રીના પિતા છે. રશિયાના અખબારોમાં એવા પણ અહેવાલ છે કે, રશિયામાં આશરે 3 કરોડ મુસ્લિમો છે, પરંતુ તે પુતિનનો ‘રાજકીય લાભ’ છે. કારણકે, તેમની સુંદર પત્ની પણ આખરે અડધી મુસ્લિમ જ છે.
સેક્સ કૌભાંડોને લઈને વિશ્વભરનું ધ્યાન ખેંચનારા સૌથી પ્રખ્યાત યુરોપિયન રાજકારણી કોઈ હોય તો તે છે, ઈટાલીના ત્રણ-ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂકેલા સિલ્વિયો બર્લુસ્કોની. ફેબ્રુઆરી 2011માં બર્લુસ્કોની પર 18 વર્ષથી નાની વયની નાઇટ ક્લબ ડાન્સર કરિમા અલ માહરૂગ સાથે સેક્સ કરવા બદલ ગુનો દાખલ કરાયો હતો. પરિણામે બર્લુસ્કોનીએ જાહેર કરવું પડ્યુ હતું કે, તેઓ મૂળ મોરોક્કોની કરિમા સાથે લગ્ન કરવા માંગતા હતા. વડાપ્રધાનના આ કૃત્યને લઈને સમગ્ર ઈટાલીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. આ દરમિયાન બર્લુસ્કોની પર આરોપ હતા કે, તેમણે પોતાના કૌભાંડોનો ઢાંકપિછોડો કરવા સત્તાનો દુરુપયોગ કર્યો હતો. અઠંગ રાજકારણી અને મીડિયા ટાયકૂન બર્લુસ્કોની હાલ આવા અનેક આરોપસર કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. જોકે આ મુદ્દે તેમણે એક જર્મન અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “અરે, આ તો મને બદનામ કરવાનું રાજકીય કાવતરું છે. જેવી રીતે આખી દુનિયાના ડિસ્કોમાં છોકરીઓ ડાન્સ કરતી હોય છે, તેવી જ રીતે તે પણ ફક્ત ડાન્સ કરતી હતી.”
જ્યારે ફ્રાંસના પ્રમુખ ફ્રેન્કોઈઝ હોલેન્ડ અને તેમના પત્ની વેલેરી ટ્રીવેલરની લવસ્ટોરી તો બિલકુલ ફિલ્મી છે. ફ્રાંસના આ ફર્સ્ટ કપલે જાહેરાત કરી છે કે, તેઓ નજીકના ભવિષ્યમાં અલગ થવાના છે. તેનું કારણ એ છે કે, ફ્રાંસની પેટા ચૂંટણીમાં જ વેલેરીએ સેગોલેન રોયલની સામે ઊભા રહેલા ઉમેદવારની તરફેણમાં ટ્વિટ કર્યું હતું, જે પ્રમુખ ફ્રેન્કોઈઝ હોલેન્ડના ચાર સંતાનની માતા છે. ફ્રેન્કોઈઝ અને વેલેરીનો સંબંધ શરૂ થયો એ પહેલાં ફ્રેન્કોઈઝ અને સેગોલેને 28 વર્ષ લાંબુ સુખી દામ્પત્ય જીવન માણ્યું હતું. આમ ફ્રેન્કોઈઝ અને વેલેરીના છુટા પડવામાં પણ સેગોલેન રોયલ જ નિમિત્ત બન્યા. બની શકે કે, ફ્રેન્કોઈઝ આજે પણ સેગોલેન સાથેના લાગણીભર્યા સંબંધ ભૂલ્યા ન હોય!
લેખના અંતે કંઇક કનક્લુઝન હોય તો વધુ મજા આવે .. અને ભારતના પહેલા વડપ્રધાન જવાહર લાલના સંબંધો અને મૃત્યુનું ખરું કારણ મળે તો કદાચ આવો જ એકાદ લેખ બની શકે...
ReplyDeletesandeep kanani
આમ તો, કન્ક્લુઝન છે જ, પરંતુ હજુ કંઈ જોઈતું હોય તો આવી બાબતોમાં જાતે જ સમજી લેવું જોઈએ... :-)))
Delete