28 July, 2013

આ આઈસક્રીમ આઠ કલાક સુધી ઓગળશે નહીં


વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વ્યાપ જેટલો વધી રહ્યો છે તેટલા જ તેની સામે નવા નવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે અને એના ઉકેલો શોધવા માટે ફરી આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજી તરફ નજર દોડાવવી પડે છે. છેક સોળમી સદીથી અનેક વિજ્ઞાનીઓએ કરેલા પ્રયોગો બાદ આજે આપણને જાતભાતના પ્લાસ્ટિક મળ્યા છે અને આ જ પ્લાસ્ટિક આજે વિજ્ઞાનીઓ માટે માથાનો દુઃખાવો બની ગયું છે. કારણ કે, કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ એટલે કે જમીનમાં વિઘટિત થઈ શકે એવું નથી. પરિણામે વિજ્ઞાનીઓ રોજિંદા જીવનમાં વ્યવહારુ બની શકે એવું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક વિકસાવવા પણ સતત સંશોધનો કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક ઈન્વેન્ટરો અવનવા ખ્યાલ અમલમાં મૂકીને વિશ્વને પ્લાસ્ટિકથી બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આવા જ બે ઈન્વેન્ટર છે ડેવિડ એડવર્ડ અને ફ્રેન્કોઈસ એઝમબર્ગ. ડેવિડ અને એઝમબર્ગે દુનિયામાં સૌથી વધુ વેચાતા ખાદ્યપદાર્થ આઈસક્રીમ માટે એવી પદ્ધતિ શોધી છે જેના પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ જ નથી કરવો પડતો. તેઓને આશા છે કે, જો આ પદ્ધતિ વ્યવહારુ બનાવી શકાય તો દુનિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ્સો ઘટી જાય.

આજકાલ બજારમાં મોટા ભાગના ખાદ્યપદાર્થોનું પેકેજિંગ પ્લાસ્ટિકનું હોય છે. કારણ કે, દરેક ખાદ્યો માટે પૂંઠાનું પેકેજિંગ કરવું શક્ય નથી હોતું. આઈસક્રીમ સ્કૂપ કે ફેમિલી પેક માટે કરોડો ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જો એવી કોઈ પદ્ધતિ શોધવામાં આવે કે આઈસક્રીમ ખાવા માટે પ્લાસ્ટિકના ડબ્બાની જરૂરિયાત જ ના રહે તો હજારો ટન પ્લાસ્ટિક કચરાથી પૃથ્વી બચી જાય અને જમીનનું પ્રદૂષણ થતું અટકે. જોકે, આ પદ્ધતિ વિશે વાત કરતા પહેલાં પ્લાસ્ટિક વિશે થોડું જાણી લઈએ. પ્લાસ્ટિકના મૂળભૂત બે જ પ્રકાર છે, એક થર્મોપ્લાસ્ટિક અને બીજું થર્મોસેટિંગ પોલિમર્સ. પરંતુ આ બંને પ્લાસ્ટિકના અનેક પેટા પ્રકારો છે અને તે બધાનો ઉપયોગ જુદા જુદા કામમાં થતો હોય છે. આ તમામ પ્લાસ્ટિક નોન-બાયોડિગ્રેડેબલ એટલે કે જમીનમાં વિઘટિત થઈ શકે એવા નથી. કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનું વિઘટન થતા હજારો વર્ષ લાગે છે.

આ આઈસક્રીમ આવી રીતે હાથમાં પકડીને ખાઈ શકાશે

જોકે, આગળ કહ્યું તેમ આશરે 400-500 વર્ષોમાં અનેક સંશોધકોએ કરેલા પ્રયોગો પછી આપણને વિવિધ પ્રકારના પ્લાસ્ટિક મટિરિયલ મળ્યા છે. ધાતુ અને કાચની સરખામણીમાં પ્લાસ્ટિક ઘણું જ હલકું છે. એટલે વર્ષે દહાડે ઠંડા પીણાંની કરોડો બોટલો વેચતી પેપ્સી કે કોકાકોલા જેવી મહાકાય કંપનીઓ પ્લાસ્ટિક બોટલનો જ ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે, પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશન વખતે પણ 25 ટકા ઊર્જાની બચત થાય છે, પરંતુ હવે પ્લાસ્ટિક જ મુશ્કેલી બની ગયું ત્યારે શું કરવાનું? વર્ષ 1950થી દુનિયામાં હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ ચૂક્યો છે. આ પ્લાસ્ટિકની પર્યાવરણ પર કેવી અસર પડે તે સમજી શકાય એમ છે. આ પ્રશ્ન ડેવિડ અને ફ્રેન્કોઈસને પણ સતાવતો હતો.

ડેવિડ એડવર્ડ હાવર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સમાં બાયોએન્જિનિયરિંગના પ્રોફેસર છે. આ ઉપરાંત તેઓ વિઝ ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલી ઈન્સ્પાયર્ડના સભ્ય પણ છે. જ્યારે ફ્રેન્કોઈસે ફ્રાંસમાં ઈલેક્ટ્રો-ટેક્નિક્સમાં તાલીમ લઈને પેરિસની કોલેજ ઓફ એપ્લાઈડ આર્ટ્સમાં અભ્યાસ કર્યો છે. આ બંને વિજ્ઞાનીઓ મટિરિયલ સાયન્સમાં ઊંડો રસ ધરાવે છે અને વર્ષ 2009થી તેઓ ફૂડ પેકેજિંગને નાબૂદ કરી નાંખે એવી ટેક્નોલોજી શોધવા મથી રહ્યા હતા. આ ટેક્નોલોજીની ઓળખ તેઓ ‘વિકિ-સેલ્સ’ તરીકે આપે છે, જે ખાદ્યપદાર્થોમાંથી જ પાતળું પડ વિકસાવવાની એક પદ્ધતિ છે. આ ખાઈ શકાય એવું પડ પૌષ્ટિક સ્ત્રાવથી એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલું હોય છે. તેમનો હેતુ ફક્ત પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો નહીં પણ પ્લાસ્ટિક દૂર કરીને માણસને વધુને વધુ પૌષ્ટિક ખાદ્ય મળી શકે એ પણ હતો.

ડેવિડ એડવર્ડ

ફ્રેન્કોઈસ એઝમબર્ગ

સાદી ભાષામાં કહીએ તો વિકિ-સેલ્સ બાયોડિગ્રેડેબલ પોલિમર કે ફૂડ પાર્ટિકલ્સમાંથી ખાઈ શકાય એવું મટિરિયલ બનાવવાની ટેક્નોલોજી છે. આ પડ ઈંડાના પડ જેવું મજબૂત હોય છે. વળી, આ મટિરિયલને ઓરેન્જ, એપલ, ગ્રેપ, ચોકલેટ અને વાઈન એમ કોઈ પણ ફ્લેવરમાં બનાવી શકાય છે. જોકે, હાલના તબક્કે આટલું વૈવિધ્ય નથી, પરંતુ ભવિષ્યમાં પેપ્સી, કોકાકોલા કે બિયરની બોટલ કે ટીન પણ ખાઈ શકાય એવા મટિરિયલમાંથી બનતા હશે. આ બોટલ કે ટીનનો સ્વાદ પણ એની અંદર રહેલા પીણાં જેવો જ આવતો હશે. એવી જ રીતે, ટોમેટો કેચઅપની અને ઓરેન્જ જ્યૂસની બોટલ પણ એક ખાદ્યપદાર્થ જ હશે. એડવર્ડ તો ત્યાં સુધી કહે છે કે, આપણે ભવિષ્યમાં વિકિ-સેલ્સ મશીન પણ વિકસાવી શકીશું, જેની મદદથી લોકો પોતાને જોઈતી ફ્લેવરની બોટલ બનાવી શકશે.

એડવર્ડ અને ફ્રેન્કોઈસે આશરે પાંચેક વર્ષના સંશોધનો પછી ‘વિકિ-પર્લ’ નામનો આઈસક્રીમ વિકસાવ્યો છે, જે આ ટેક્નોલોજીના ઉપયોગથી પેદા કરાયેલો પહેલવહેલો ખાદ્યપદાર્થ છે. હાલ વિકિ-પર્લ ફક્ત ત્રણ જ ફ્લેવરમાં આવે છે અને તેના એક સ્કૂપમાં 50 કેલરી હોય છે. વિકિ-પર્લનો મેંગો સ્કૂપ કોકોનટ (કોપરું) સ્કીન, ચોકલેટ સ્કૂપ હેઝલનટ (એક પ્રકારનો સૂકોમેવો) સ્કીન અને વેનિલા સ્કૂપ પીનટ (મગફળી) પડમાં ઉપલબ્ધ છે. હાલ પ્રાયોગિક ધોરણે ડેવિડ એડવર્ડે પેરિસના લુવ્ર મ્યુઝિયમ નજીક ‘વિકિ-બાર’ નામની નાનકડી શૉપ શરૂ કરીને આ આઈસક્રીમ વેચવાનું સાહસ શરૂ કર્યું છે. એડવર્ડનું માનવું છે કે, વર્ષ 2025ને ધ્યાનમાં રાખીને કોઈ ટેક્નોલોજી ડેવલપ કરાતી હોય ત્યારે લોકો તેના વિશે શું વિચારે છે એ જાણવું જરૂરી છે. આ આઈસક્રીમની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે સતત આઠ કલાક સુધી પીગળતો નથી. જોકે, આ આઈસક્રીમ કપ, કોન્સ કે શેકના રૂપમાં નથી પણ એક નાનકડા સ્કૂપ જેવા બૉલના રૂપમાં છે. આ સ્કૂપ દેખાવમાં સામાન્ય આઈસક્રીમ જેવો જ છે પણ તેનું પડ ઝડપથી ઓગળતું નહીં હોવાથી તેને લાડુની જેમ ખાઈ શકાય છે. આમ છતાં, વિકિ-પર્લને ઠંડો રાખવા માટે વિકિ-બારમાં એક ખાસ કૂલર પણ ડિઝાઈન કરાયું છે.

સ્ટાઈલિશ વિકિ-બાર

વિકિ-બારમાં વિકિ-પર્લનું વિકિ-મેન્યૂ   :-)

જોકે ડેવિડ અને ફ્રેન્કોઈસ ભારપૂર્વક કહે છે કે, આ કોઈ ફ્રોઝન ફૂડ નથી, પરંતુ સાચુકલો આઈસક્રીમ છે. ડેવિડ અને ફ્રેન્કોઈસને આશા છે કે, આ તો હજુ શરૂઆત છે. વિકિ-સેલ્સ ટેક્નોલોજીનો હજુ પણ વિકાસ થશે અને ભવિષ્યમાં બજારમાં હજારો ખાદ્યપદાર્થો ઉપલબ્ધ હશે જેનું પેકેટ ખાઈ શકાય એવું હશે. જો આ પ્રકારના ખાદ્યપદાર્થો લોકો પસંદ કરવા માંડશે તો નજીકના ભવિષ્યમાં જ વિકિ-સેલ્સ ખાદ્યપદાર્થો સ્ટોર્સ અને સુપરમાર્કેટમાં મળતા થઈ જશે. એટલું જ નહીં, આ પ્રકારના ખાદ્યપદાર્થો પીરસતી રેસ્ટોરન્ટ્સ ખૂલવા માંડે તો નવાઈ નહીં. અમેરિકામાં આ જ વર્ષે વ્યવસાયિક ધોરણે વિકિ-સેલ્સ ખાદ્યોનું વેચાણ શરૂ થઈ જશે, જ્યારે માસાચ્યુસેટ્સના કેમ્બ્રિજમાં બીજો એક વિકિ-બાર શરૂ થઈ ગયો હશે. ડેવિડનો અંદાજ છે કે, વર્ષ 2014 સુધીમાં ‘વિકિ-વેન્ડિંગ મશીન’ પણ આવી ગયા હશે અને ગ્રાહકો પોતે જ પોતાનો આઈસક્રીમ અને એનું પડ પસંદ કરી શકશે. ડેવિડ કહે છે કે, “જો તમે વિકિ-બારમાં ફ્રેન્ચ ફ્રાઈઝના પડમાં ઓરેન્જ સોડા ઈચ્છતા હશો તો તે પણ મળશે. વળી, ઓર્ડર મશીન જ તૈયાર કરી આપશે. વિકિ-ટેક્નોલોજીની મદદથી મા-બાપ ઘરે બેઠા બેઠા જ તેમના બાળકો માટે પૌષ્ટિક નાસ્તો બનાવી શકશે. આ અમલમાં મૂકી શકાય એવી શોધ છે.” આ ઉપરાંત આફ્રિકાના પછાત ગામડાંઓને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પણ આ ટેક્નોલોજી અકસીર સાબિત થશે એમ પણ ડેવિડનું માનવું છે.

જો ગમે તેવી એડવાન્સ ટેક્નોલોજીને લોકો સ્વીકારે નહીં તો તેનો કોઈ અર્થ નથી. આપણે અનેક વર્ષોથી આઈસક્રીમ પ્લાસ્ટિક કપમાં કે સોડા બોટલ કે ગ્લાસથી પીવા માટે ટેવાયેલા છીએ, એટલે એક નાનકડા બોલમાં આઈસક્રીમ ખાવો કે સોડા પીવી થોડો વિચિત્ર અનુભવ હોઈ શકે. કદાચ એટલે જ ડેવિડ અને ફ્રેન્કોઈસે લોકોનો અનુભવ શું કહે છે એ જાણવા માટે આઈસક્રીમ કાઉન્ટરથી શરૂઆત કરી છે. આઈસક્રીમ પછી દહીં અને ચીઝ જેવી ચીજવસ્તુઓ પણ ‘વિકિ-બૉલ’માં મળશે. કારણ કે, આ ખાદ્યપદાર્થોને બૉલના રૂપમાં ખાવા થોડી ઓછી વિચિત્ર અનુભૂતિ છે. સંશોધકો પણ કબૂલે છે કે, “આ વાત કહેવામાં ઘણી સરળ છે, પરંતુ લોકોની આદત બદલવી ઘણી અઘરી છે.” જોકે, આજકાલ બજારમાં નાનામાં નાની ચીજ પ્લાસ્ટિક પેકેટમાં હોય છે અને તે ખાઈ શકાય એવું મટિરિયલ નથી હોતું. એટલે ડેવિડ અને ફ્રેન્કોઈસને આ ટેક્નોલોજીના વિકાસમાં બહુ મોટી સંભાવના દેખાઈ રહી છે.

20 July, 2013

અમર બોઝનો ‘અવાજ’ હવે નહીં સંભળાય


મને સંગીત ગમે છે અને જ્યારે હું એમઆઈટીમાં નવમા વર્ષમાં હતો ત્યારે મેં એક નવી હાઈ-ફાઈ મ્યુઝિક સિસ્ટમ ખરીદવાનું નક્કી કર્યું. મારે જે કંઈ જોઈતું હતું તે બધું જ સ્પેસિફિકેશનમાં હતું. પછી મેં એક હાઈ-ફાઈ સિસ્ટમ ખરીદી અને ખરીદ્યા પછી ચાલુ કર્યું અને પાંચ મિનિટ પછી બંધ કર્યું ત્યાં સુધીમાં તો તેનો અવાજ તરડાઈ ગયો હતો.” જોકે, આ સ્પીકર ખરીદનાર વ્યક્તિ માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહેલો એક અસામાન્ય વિદ્યાર્થી હતો. આ ઘટનાની તેના મન પર એટલી ઘેરી અસર થઈ તેણે એકોસ્ટિક કે સાઉન્ડ ટેક્નોલોજીની દિશામાં સતત સંશોધનો કરીને વિશ્વને અત્યાધુનિક સ્ટીરિયો લાઉડસ્પીકરોની ભેટ ધરી. આજે આ વિદ્યાર્થી અત્યાધુનિક એકોસ્ટિક, સાઉન્ડ કે સ્પીકર ટેક્નોલોજીનો પિતામહ ગણાય છે. આ વિદ્યાર્થી એટલે મૂળ ભારતના પરંતુ વર્ષોથી અમેરિકા રહેતા સંશોધક, ઈન્વેન્ટર અને બિઝનેસમેન સ્વ. અમર બોઝ. હા, અમર બોઝનું 12મી જુલાઈ, 2013ના રોજ 83 વર્ષની વયે અમેરિકામાં મૃત્યુ થયું છે પરંતુ ભારત કરતા અમેરિકામાં વધુ જાણીતી આ હસ્તી વિશે ભારતીયો બહુ ઓછું જાણે છે.

અમર બોઝ ભારતીય પિતા અને અમેરિકન માતાનું ફરજંદ હતા અને તેમનો જન્મ બીજી નવેમ્બર, 1929ના રોજ અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાં થયો હતો. અમરના પિતા નોની ગોપાલ બોઝ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા અને બ્રિટિશ જાસૂસોથી બચવા માટે વર્ષ 1920માં કોલકાતાથી અમેરિકા ભાગી ગયા હતા. અહીં તેમણે શેર્લોટ નામની અમેરિકન યુવતી સાથે લગ્ન કરીને ઘરસંસાર શરૂ કર્યો હતો. નોની નાનકડી રેડિયો શૉપના માલિક અને શેર્લોટ સ્કૂલ શિક્ષિકા હતા. રેડિયો શૉપ પિતાના પુત્ર અમરને નાનપણથી જ ટેક્નોલોજીમાં રસ પડ્યો હતો. વળી, સાતથી ચૌદ વર્ષ સુધી તેમણે વાયોલિન વગાડવાની વિધિસરની તાલીમ લીધી હતી. આ તાલીમથી ‘અવાજ’ની દુનિયામાં તેમનો રસ વધુ મજબૂત થયો હતો. અમરે ફક્ત 13 વર્ષની ઉંમરે જ રેડિયો રીપેરિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. નાનપણથી જ ઉદ્યોગસાહસિકતાના ગુણ ધરાવતો અમર કિશોરાવસ્થામાં ઈલેક્ટ્રિકલ રમકડાં બનાવીને પણ માતા-પિતાને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. આ બધું જ નાનકડા અમર માટે બિલકુલ સહજ હતું. કારણ કે, ઈલેક્ટ્રોનિક્સ તેના માટે એક વિષય નહીં પણ રમત હતી.

અમર બોઝ

અમરનું બચપણ ફિલાડેલ્ફિયામાં વીત્યું હતું અને તેણે નાનપણથી જ ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, ત્રીસી-ચાળીસીના દાયકામાં અમેરિકામાં રંગભેદ ચરમસીમાએ હતો. આ દરમિયાન બોઝ પરિવારે ડગલે ને પગલે રંગભેદ, અન્યાય અને પૂર્વગ્રહોનો સામનો કરવો પડ્યો હતો. બોઝ પરિવારને અમેરિકામાં કોઈ ઘર ભાડે આપવા પણ તૈયાર ન હતું. તેથી અમરના પિતાએ પત્ની શેર્લોટને ઘર શોધવા મોકલવા પડતા હતા. જોકે તેઓ તેમના પતિ અને પુત્ર કરતા સવાયા ભારતીય સાબિત થયા હતા. શેર્લોટ શાકાહારી હતા, હિંદુ તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસુ હતા. એક અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કર્યા પછી નોની બોઝ અને તેમના પુત્ર અમર પર રૂ‌ઢિવાદીઓ કદાચ વધુ ગુસ્સે ભરાયા હતા.

બોઝ પરિવાર રેસ્ટોરન્ટમાં જતો ત્યારે તેઓ કોઈ વેઈટર આવવાની રાહ જોઈને બેસી રહેતા, પણ કોઈ તેમનો ઓર્ડર લેવા ન આવતું અને કોઈ ગોરી વ્યક્તિ તેમને ભોજન પીરસવા તૈયાર ન થતી. પછી નોની બોઝ મેનેજરને ફરિયાદ કરતા અને ક્યારેક રેસ્ટોરન્ટમાં નાનકડું પ્રવચન પણ આપી દેતા. પરંતુ ગોરા લોકોને ‘કાળી’ વ્યક્તિને સર્વિસ આપવાનું ક્યારેય મંજૂર ન હતું. આ અંગે અમર બોઝે એકવાર કહ્યું હતું કે, “આ સંજોગોમાં મારા પિતાએ ક્યારેય એવું કહેવાનો પ્રયાસ નહોતો કર્યો કે, હું આફ્રિકન-અમેરિકન નહીં પણ એક ભારતીય છું. જોકે બીજા ઘણાં લોકો એવું કરતા. પરંતુ જ્યાં સુધી ટેલેન્ટને ઓળખવાની વાત છે તો અમેરિકા જેવો કોઈ દેશ નથી...” અમેરિકામાં આટલું સહન કર્યા પછી અમર બોઝે કરેલું આ નિવેદન ભારતીયો માટે આશ્ચર્યજનક નહીં પણ આઘાતજનક કહેવાય.

અમર બોઝે વર્ષ 1950માં માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એમઆઈટીમાં પ્રવેશ મેળવીને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી લીધી હતી. બાદમાં તેમણે આ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી જ પીએચ.ડી. કર્યું હતું. આ દરમિયાન જ તેમણે પેલા સ્પીકર ખરીદ્યા હતા અને એકોસ્ટિક એન્જિનિયરિંગમાં ઊંડું સંશોધન કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ એવા સ્પીકર ડિઝાઈન કરવા માગતા હતા જે ઘરમાં પણ કોન્સર્ટ હૉલ જેવી અનુભૂતિ કરાવે. જોકે, બોઝને વધુ સંશોધનો કરવા માટે આર્થિક મદદની જરૂર હતી, પરંતુ સંશોધનોને હંમેશા મદદરૂપ થતી માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગના પ્રોફેસર અને અમર બોઝના પીએચ.ડી.ના ગાઈડ યૂક વિંગ લી તેમની મદદે આવ્યા. અમર બોઝે તેમની મદદથી વર્ષ 1964માં બોઝ કોર્પોરેશન (Bose Corporation)ની રચના કરી. આ દરમિયાન તેમણે એકોસ્ટિક ટેક્નોલોજીમાં ઊંડા સંશોધનો કરીને લાઉડસ્પીકર ડિઝાઈનને લગતી બે પેટન્ટ મેળવી. આ પેટન્ટ આજે પણ બોઝ કોર્પોરેશનના નામે છે. 

જોકે, આ કંપનીને અમર બોઝે જીવ્યા ત્યાં સુધી વિશિષ્ટ રીતે ચલાવી હતી. તેમની કંપની નફાખોરીની કટ્ટર વિરોધી હતી અને લાંબા ગાળાના સંશોધનોમાં જ રોકાણ કરતી હતી. અમર બોઝના આ વલણને કારણે મૂડીવાદી અમેરિકાના કોર્પોરેટ જગતને આશ્ચર્ય થવું સ્વાભાવિક હતું. આ મુદ્દે તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “અમારી કંપનીની સો ટકા આવકનું કંપનીમાં જ પુનઃરોકાણ કરવામાં આવે છે અને તેમાંથી મોટા ભાગની રકમ સંશોધન પાછળ ખર્ચવામાં આવે છે.” નવાઈની વાત તો એ છે કે, લાંબા ગાળાના સંશોધનો કરવા માટે તેમણે બોઝ કોર્પોરેશનને હંમેશા પ્રાઈવેટ કંપની રાખવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો હતો. આ અંગે તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “એમબીએ દ્વારા ચલાવાતી કંપનીઓ મારી અનેકવાર હકાલપટ્ટી કરી ચૂકી છે. પરંતુ હું પૈસા બનાવવા માટે બિઝનેસમાં નથી આવ્યો. હું બિઝનેસમાં એટલા માટે આવ્યો છું કે જેથી હું કંઈક નવું અને પહેલાં ક્યારેય ન થયું હોય એવુ કંઈક કરી શકું.” જોકે, બોઝ કોર્પોરેશન તેમના નવેક હજાર કર્મચારીઓને હેન્ડસમ સેલેરી આપવામાં પણ કોઈ કચાશ છોડતી ન હતી.

બોઝ કોર્પોરેશન ચાલુ થયાના ચાર જ વર્ષમાં એટલે કે વર્ષ 1964માં તેમણે 901(R) Direct/Reflecting(R) સ્પીકર સિસ્ટમ રજૂ કરી. આ વિશ્વના પહેલાં સ્ટીરિયો લાઉડસ્પીકર હતા જે ખૂણેખૂણામાં અવાજ પહોંચાડતા હતા. ખેર, આ તો બહુ ટેકનિકલ બાબત થઈ પરંતુ આ સિદ્ધિ કેટલી મોટી હતી તેનો એ વાત પરથી અંદાજ આવે છે કે, સતત 25 વર્ષ સુધી અમેરિકા સહિત કોઈ પણ દેશના એન્જિનિયરો આવા સ્પીકર બનાવી શક્યા ન હતા અને આ સ્પિકરે ઑડિયો માર્કેટમાં સતત 25 વર્ષ રાજ કર્યું હતું. આ ટેક્નોલોજીના આધારે જ બોઝની કંપનીએ કાર સ્ટીરિયો માર્કેટ પર વર્ચસ્વ જમાવ્યું હતું. આજની અત્યાધુનિક ‘નોઈસ કેન્સલેશન’ ઑડિયો ટેક્નોલોજીના પ્રણેતા પણ અમર બોઝ જ છે. વર્ષ 1982માં મર્સીડિઝ અને પોર્શ સહિતની અનેક ઓટોમોબાઈલ કંપનીઓએ પોતાની કારમાં બોઝની સ્પીકર સિસ્ટમ અપનાવી લીધી હતી.

આજે પણ અમર બોઝ કે તેમની કંપનીના નામે 24થી પણ વધુ પેટન્ટ બોલે છે. બોઝે કરેલા લાઉડસ્પિકરનો ઉપયોગ ઓલિમ્પિક સ્ટેડિયમ, વેટિકન સિટીના વિશ્વ વિખ્યાત ચર્ચ સિસ્ટાઈન ચેપલ, મક્કાની જાણીતી અલ હરમ મસ્જિદ, નાસાના સ્પેસ શટલ અને જાપાનના નેશનલ થિયેટરમાં થાય છે. અમર બોઝે બોઝ કોર્પોરેશનનો વહીવટ કરવાની સાથે છેક વર્ષ 1956થી વર્ષ 2000 સુધી એમઆઈટીમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે પણ સેવા આપી હતી. અમર બોઝની આગેવાનીમાં બોઝ કોર્પોરેશનનો સારો વિકાસ થયો હતો. વર્ષ 2006માં નફાખોરીનો સજ્જડ વિરોધ કરતી કંપનીના માલિક અમર બોઝ 1.2 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ફોર્બ્સ બિલિયોનેરની યાદીમાં 271મા સ્થાને હતા. જોકે, પોતાની શિક્ષણ સંસ્થા માટે કંઈ પણ કરી છુટવા માટે હંમેશા તત્પર અમર બોઝે બોઝ કોર્પોરેશનનો બહુ મોટો હિસ્સો એમઆઈટીને દાનમાં આપી દીધો છે. અમર બોઝ પોતાની પાછળ જિજ્ઞાસાવૃત્તિ અને સંશોધનનો વિશાળ વારસો છોડતા ગયા છે.

એમઆઈટીના સૌથી લોકપ્રિય પ્રોફેસર

અમર બોઝે પેન્સિલવેનિયાની એબિંગ્ટન હાઈસ્કૂલમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને વર્ષ 1950માં એમઆઈટીમાં બેચલર ઓફ સાયન્સ (ઈલેક્ટ્રિકલ)ની પદવી લીધી હતી. સંશોધનોમાં ઊંડો રસ ધરાવતા હોવાના કારણે બોઝે એમઆઈટીમાં જ પીએચ.ડી. કરવાનો નિર્ણય લીધો હતો અને આ દરમિયાન જ તેમણે એકોસ્ટિક એન્જિનિયરિંગમાં મહત્ત્વના સંશોધનો કરવાનું શરૂ કરી દીધું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવા છતાં તેઓ શૈક્ષણિક સ્તરે એક પછી એક સિદ્ધિ મેળવી રહ્યા હતા. વર્ષ 1956માં એમઆઈટીએ તેમને ટીચિંગ જોબ ઑફર કરી. પરંતુ એમઆઈટીના અન્ય એક પ્રોફેસર નોર્બર્ટ વિનરે તેમને ફૂલબ્રાઈટ સ્કોલરશિપ મેળવીને એક વર્ષ ભારતમાં ગાળવાની સલાહ આપી. નોર્બર્ટ વિનરની ગણના 20મી સદીના મહાન ગણિતજ્ઞોમાં થાય છે. અમર બોઝે તેમની સલાહ મુજબ એક વર્ષ કોલકાતાની ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઈન્સ્ટિટ્યુટમાં ગાળ્યું. જોકે, થોડા સમય પછી તેઓ પાછા એમઆઈટી આવ્યા અને જીવિત રહ્યા ત્યાં સુધી અહીંના વિદ્યાર્થીઓના સૌથી લોકપ્રિય પ્રોફેસર અને બોઝ કોર્પોરેશનના સંશોધક તરીકે કાર્યરત રહ્યા. એમઆઈટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ માટે તેઓ એંશી વર્ષના ઉત્સાહી યુવાન હતા. તેઓ દર વર્ષે તેમના વેકેશન હોમ હવાઈમાં કેટલાક અઠવાડિયા ગાળતા હતા અને કદાચ ત્યાંથી વધુ સ્ફૂર્તિલા થઈને એમઆઈટી પરત ફરતા હતા. તેઓ વિદ્યાર્થીઓને એકોસ્ટિક જ નહીં પણ તત્ત્વજ્ઞાન, અંગત વર્તન, જીવનમાં શું જરૂરી છે, વિચારો કેવી રીતે કરવા તેમજ અણધારી મુશ્કેલીઓનો સામનો કરીને કેવી રીતે આગળ વધવું એવા ‘વિચિત્ર’ વિષયો વિશે પણ વાતો કરતા રહેતા હતા. હવે એમઆઈટીમાં અમર બોઝનો અવાજ ક્યારેય નહીં સંભળાય પણ એકોસ્ટિક ટેક્નોલોજીમાં તેમણે કરેલા સંશોધનોને કારણે આવનારી અનેક પેઢીઓ ઉત્તમ ‘અવાજ’ સાંભળતી રહેશે.

19 July, 2013

કાર્બન ડાયોક્સાઈડ શોષી લેતું મટિરિયલ વિકસાવાયું


ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિ અને આભ ફાટવાની ઘટના પછી સર્જાયેલા વિનાશ પછી પ્રદૂષણની ચર્ચાએ ફરી એક વાર જોર પકડ્યું છે. જોકે, આવી કુદરતી ઘટનાઓ પાછળ નદીઓ પરના ડેમ કે હેલિકોપ્ટર યાત્રાઓ કેટલી જવાબદાર છે એ ચર્ચાનો વિષય છે. પરંતુ એક વાત નક્કી છે કે, કુદરત પર માનવ વસતીના બેફામ ધસારાના કારણે પ્રદૂષણ વધે છે અને કુદરતને લાંબા ગાળાનું ગંભીર નુકસાન પહોંચે છે. ખેર, વિજ્ઞાનીઓ તો પ્રદૂષણને રોકવા માટે વિજ્ઞાનનો કેવી રીતે ઉપયોગ થઈ શકે છે તે દિશામાં પ્રયોગો કરતા રહે છે. તાજેતરમાં જ વિજ્ઞાનીઓએ વાયુ પ્રદૂષણને લગતો એક સફળ પ્રયોગ કર્યો છે. અમેરિકા સહિતના વિકસિત દેશોના વિજ્ઞાનીઓ એવું મટિરિયલ વિકસાવ્યું છે જે સીધું હવામાંથી જ કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. આ પ્રયોગની સફળતા પછી વિજ્ઞાનીઓ આશા રાખી રહ્યા છે કે નજીકના ભવિષ્યમાં કદાચ વિજ્ઞાન માણસજાત માટે હાનિકારક વાયુઓ શોષી લેતી પદ્ધતિ વિકસાવી લેશે. જો આવા જાદુઈ મટિરિયલનું ઉત્પાદન શક્ય બને તો કદાચ વાયુ પ્રદૂષણ જેવો શબ્દ જ નામશેષ થઈ જાય એવી વિજ્ઞાનીઓને આશા છે.

છેલ્લાં કેટલાક વર્ષોથી આ દિશામાં તનતોડ મહેનત કરી રહેલા વિજ્ઞાનીઓને હાલમાં જ એવું મટિરિયલ બનાવવામાં સફળતા મળી છે જે સીધું વાતાવરણમાંથી જ કાર્બન ડાયોક્સાઈડ શોષી લે છે. યોગાનુયોગ તો એ છે કે, મે, 2013માં પૃથ્વીના વાતાવરણમાં છેલ્લાં આઠ લાખ વર્ષોમાં પહેલીવાર કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ 400 પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન) નોંધાયું છે. કારણ કે, વિશ્વભરમાં થઈ રહેલા બેફામ ઔદ્યોગિકરણ અને વાહનોના કારણે વાતાવરણમાં સતત ઝેરી વાયુઓ ઓકાતા રહે છે. વિધિની વક્રતા એ છે કે, ટેક્નોલોજીના કારણે સર્જાયેલી મુશ્કેલી ઉકેલવા પણ આપણે ટેક્નોલોજી પર જ ભરોસો રાખવો પડે છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી ક્લૉસ લેકનર આવા જ એક આશાવાદી વિજ્ઞાની છે, જે ઘણાં વર્ષોથી કંઈક એવું મટિરિયલ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે સીધું હવામાંથી જ કાર્બન ડાયોક્સાઈડ શોષી લે. લેકનર અને તેમની ટીમે ‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ’માં પ્રકાશિત એક સંશોધન પેપરમાં દાવો કર્યો છે કે, તેમણે એક એવું પ્લાસ્ટિક રેઝિન વિકસાવ્યું છે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરી શકે છે.

જાદુઈ રેઝિનનું સર્જન અને પ્રયોગ

આ સંશોધન પેપરમાં જણાવ્યા મુજબ વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિક રેઝિનને વાંસ, કાકડી અને તુલસીના છોડ સાથે જોડીને પ્રયોગો કરતા જાણવા મળ્યું હતું કે, આ પ્લાસ્ટિક રેઝિન હવામાંથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડવા સક્ષમ છે. પ્લાસ્ટિક રેઝિન વાતાવરણમાંથી કેટલા ટકા વાયુ શોષે છે એ જાણવા માટે લેકનરે હાઈ ટેક કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, વિવિધ છોડને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ધરાવતી ટ્યુબમાં મૂકીને તપાસ કરતા વિજ્ઞાનીઓને માલુમ પડ્યું હતું કે, આ રેઝિનની મદદથી વનસ્પતિને હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષવામાં મદદ મળે છે. વિજ્ઞાનીઓએ હાઈ ટેક સાધનોની મદદથી પુરાવા એકત્રિત કર્યા છે કે, કાર્બન ડાયોક્સાઈડના રૂપમાં સારા પ્રમાણમાં ખોરાક મળતા જ વનસ્પતિના પાંદડા, મૂળિયા અને ફળોનો ખૂબ ઝડપથી વિકાસ થયો હતો. જેમ કે, કાકડીના છોડે મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ શોષતા તેના ફળ (કાકડી) પહેલાં કરતા વધુ જાડા થઈ ગયા હતા.

ક્લૉસ લેકનર

આ પ્રયોગ કરવા માટે વિજ્ઞાનીઓએ પોલિપ્રોપલીન નામના પ્લાસ્ટિકને 25 માઈક્રોમીટર લાંબા રેઝિન પાર્ટિકલ્સ સાથે જોડીને રૂંછાવાળી કાર્પેટ બનાવી હતી. આ કાર્પેટને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ ધરાવતી એક ગ્રીનહાઉસ ટ્યુબમાં જુદી જુદી વનસ્પતિ સાથે ગોઠવી હતી. આ ટ્યુબમાં સતત કાર્બન ડાયોક્સાઈડ મળતો રહે એ માટે તેની એક બાજુએ પ્લેટલેસ પંખો મૂકાયો હતો. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ટ્યુબમાં જેમ જેમ કાર્બન ડાયોક્સાઈડ શોષાવાનું ચાલુ થયું તેમ તેમ સોડિયમ બાયકાર્બોનેટ પેદા થયો હતો. સોડિયમ બાયકાર્બોનેટને સાદી ભાષામાં બેકિંગ સોડા કહેવાય છે. જે પદાર્થમાં સોડિયમ અણુ હોય તેમાં કાર્બન ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે. આ પ્રક્રિયા વખતે રેઝિને વનસ્પતિ કરતા ઘણી વધારે શક્તિથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લીધો હતો. એવી જ રીતે, કાર્બન ડાયોક્સાઈડને ફરી એકવાર વાતાવરણમાં છોડવા તેમાં પાણી ઉમેરાયું હતું અને વિજ્ઞાનીઓને તેમાં પણ સફળતા મળી હતી. એટલે કે, કાર્બન ડાયોક્સાઈડ શોષવાની જેમ વાતાવરણમાં પાછો ફેંકવાનો પ્રયોગ પણ સફળ રહ્યો હતો.

આ પ્રયોગ બાદ વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. રેઝિનની ગ્રહણ ક્ષમતા ચકાસવા બીજો પણ એક પ્રયોગ કરાયો હતો. આ રેઝિનનો સંગ્રહ કરવા માટે પોલિકાર્બોનેટ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરાયો હતો. કારણકે, પોલિકાર્બોનેટમાં પણ કાર્બન ડાયોક્સાઈડ સંગ્રહાયેલો હોય છે. જોકે, રેઝિને પોલિકાર્બોનેટમાંથી બનાવેલી એક મજબૂત બોટલ પણ તોડી નાંખી હતી. એનો અર્થ એ છે કે, રેઝિને પોલિકાર્બોનેટમાંથી સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરી લીધો હતો અને તેથી બોટલ તરડાઈને તૂટી ગઈ હતી. લેકનરની ગણતરી પ્રમાણે, 24 કલાકમાં રેઝિને આશરે 700 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડ શોષી લીધો હતો. આ પ્રયોગ માટે ગ્રીનહાઉસ ટ્યુબને લેબોરેટરીના હવાઉજાસવાળા છેક ઉપરના માળે ગોઠવવામાં આવી હતી અને ટ્યુબમાં બ્લેડલેસ પંખાની મદદથી સતત હવા પણ ફેંકાતી હતી. વિજ્ઞાનીઓને આશા છે કે, હવે આ પ્રકારના રેઝિનને વૃક્ષો, બ્રશ કે કાર્પેટ સ્વરૂપે બજારમાં વેચવા મૂકી શકાશે. જોકે, આ સામાન્ય વૃક્ષ કે કાર્પેટ નહીં હોય. કારણ કે, તે તમને શુદ્ધ વાતાવરણ પૂરું પાડતા હશે.

રેઝિનની મર્યાદા અને વિકલ્પો

વિજ્ઞાનીઓ જાણે છે કે, 24 કલાકમાં 700 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરી શકતા રેઝિનનો પ્રયોગ સફળ જરૂર છે, પરંતુ તેની મદદથી પૃથ્વીને પ્રદૂષણ મુક્ત બનાવવાની આશા કંઈક વધારે છે. એક ગણતરી મુજબ, ફક્ત 13 વ્યક્તિ 24 કલાકમાં 700 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈ ઉચ્છવાસ રૂપે હવામાં ફેંકતા હોય છે. લેકનરની ગણતરી કહે છે કે, દર વર્ષે વાતાવરણમાંથી 0.5 પીપીએમ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડવા માટે દસ મિલિયન કૃત્રિમ રેઝિન વૃક્ષોની જરૂર પડે. વળી, આ દરેક વૃક્ષને કાર્બન ડાયોક્સાઈડ શોષવા માટે દસ લાખ જુલ (વીજ એકમ) ઊર્જાની જરૂર પડે. જોકે, લેકનરના સંશોધનમાં એ વાતનો ઉલ્લેખ નથી કે કાર્બન ડાયોક્સાઈડને શોષવા અને તેનો બીજી વાર ઉપયોગ કરવા માટે બનાવેલા મશીનમાં કેટલા પાણીની જરૂર પડશે? પાણી એક મહત્ત્વનું કુદરતી સંસાધન હોવાથી આ વાત જાણવી પણ જરૂરી છે. એકવાર રેઝિન મહત્તમ કાર્બન ડાયોક્સાઈડ શોષી લે એ પછી તેનો બીજી વાર ઉપયોગ કરવા માટે પણ આ વાત જાણવી જરૂરી છે.

ગ્રીનહાઉસ ટ્યૂબ

આ ઉપરાંત ગ્રહણ કરેલા કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ અને નિકાલની પ્રક્રિયા શોધવી પણ જરૂરી છે. વિજ્ઞાનીઓના મતે, ખનીજતેલની પુનઃપ્રાપ્તિ જેવા કોઈ ઔદ્યોગિક હેતુસર કાર્બન ડાયોક્સાઈડનો ઉપયોગ કરી શકાય. જોકે, હાલ પૂરતો ઔદ્યોગિક ઉપયોગ નિવારવો હોય તો વાયુને ઘન સ્વરૂપમાં પરિવર્તિત કરીને જમીન નીચે દફનાવવાનો વિકલ્પ છે. ટૂંકમાં આ પ્રકારના વૃક્ષોનું સર્જન કરી દીધા પછી પણ આપણી સામે મજબૂત માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનો પડકાર છે. આ દરમિયાન વિજ્ઞાનીઓએ રેઝિન કેવી રીતે અને કેટલી ક્ષમતાથી કામ કરે છે એ જોવા માટે પણ પ્રયોગ કર્યો હતો. જેમાં જુદા જુદા તાપમાન હેઠળ રેઝિન કેવી રીતે કામ કરે છે તેની પણ ચકાસણી કરાઈ હતી. પરંતુ આ પ્રયોગોમાં પ્લાસ્ટિક રેઝિન કરતા ટેરા-લિફ નામનું મટિરિયલ વધુ શક્તિશાળી પુરવાર થયું હતું.

ટેરા-લિફ ક્લોરોફિલિન પર કામ કરે છે. વનસ્પતિના પાંદડાનો લીલો રંગ ક્લોરોફિલ નામના તત્ત્વને આભારી છે. (ક્લોરોફિલ સોડિયમ આયન અને કોપરની મદદથી મીઠામાં પરિવર્તિત થાય છે.) ક્લોરોફિલિન અને ઊર્જાનો સંગ્રહ ધરાવતું પોલિમર પાંદડાની ત્વચાને કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરવાની ક્ષમતા બક્ષે છે. આ પ્રક્રિયામાં કાર્બન આધારિત રસાયણો અને કદાચ ખનીજતેલ પણ બની શકે છે. હાવર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાની ડેવિડ કિથ અને તેમની ટીમ આ પ્રક્રિયાનો ઊંડો અભ્યાસ કરીને કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરી શકે એવા મશીનો બનાવવા મથામણ કરી રહ્યા છે. આ વિજ્ઞાનીઓ પ્રવાહી સોડિયમ હાઈડ્રોક્સાઈડની મદદથી આવું સાધન વિકસાવી રહ્યા છે. આ પ્રવાહીને ગરમ કરવાથી કાર્બન ડાયોક્સાઈડ ફરી એકવાર વાતાવરણમાં છૂટો પડી શકે છે. સબમરીન અને સ્પેસશિપ પર આવી રીતે શ્વાસ લઈ શકાય એવા વાયુનું સર્જન થઈ શકે છે.

આ ઉપરાંત અમેરિકાની જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓની ટીમ પણ કોઈ જુદી પદ્ધતિથી આવા મશીનો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બજાર શોધવાની મથામણ

આ મટિરિયલના અનેક વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં વિજ્ઞાનીઓને લેકનરના પ્લાસ્ટિક રેઝિનમાં સૌથી વધારે આશા છે. કારણ કે, આ પ્લાસ્ટિક રેઝિન કિંમતની દૃષ્ટિએ અન્ય મટિરિયલથી વધુ સસ્તું છે. ‘મેરેથોન એમએસએ’ નામે પણ ઓળખાતા આ રેઝિનની કિંમત હાલ પ્રતિ કિલોગ્રામ અઢી ડૉલર છે. ફૂડ પ્રોસેસિંગ અને પાણીના શુદ્ધિકરણ માટે પણ તેનો ઉપયોગ થાય છે. લેકનર અને તેની ટીમ છેલ્લાં એક દાયકાથી આ મટિરિયલ પર પ્રયોગ કરતી હોવા છતાં તેમણે સૌથી પહેલાં જે રોલ ખરીદ્યો હતો તે હજુ સુધી ખતમ થયો નથી. જોકે, વિજ્ઞાનીઓ અત્યારે એ દિશામાં વિચાર કરી રહ્યા છે કે, કાર્બન ડાયોક્સાઈડ શોષી શકે એવું મશીન વેચવાની શરૂઆત ક્યાંથી કરી શકાય તેમજ સંગ્રહાયેલો કાર્બન ડાયોક્સાઈડ કોને વેચી શકાય? અમેરિકન ફિઝિકલ સોસાયટીના અંદાજ મુજબ, અત્યારના બજાર પ્રમાણે પ્રતિ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઈડ શોષવા આશરે 600 ડૉલર ચૂકવવા પડે.

ક્લૉસ લેકનર સહિત અનેક વિજ્ઞાનીઓ સ્પષ્ટપણે માને છે કે, વિશ્વમાં વધી રહેલું વાયુ પ્રદૂષણ રોકવા ઝેરી વાયુઓ શોષતી ટેક્નોલોજી સિવાય બીજો એક પણ ઉપાય નથી. આ દિશામાં કામ કરવા બદલ તેમને 25 મિલિયન ડૉલરની ઈનામી રકમ ધરાવતું વર્જિન અર્થ ચેલેન્જ પ્રાઈઝ પણ મળી ચૂક્યું છે. જોકે, હવે તેઓ એ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે કે, વાતાવરણમાંથી કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ શોષવો યોગ્ય ગણાય? કારણ કે, આખરે પૃથ્વી પરની તમામ વનસ્પતિનો ખોરાક જ કાર્બન ડાયોક્સાઈડ છે.

11 July, 2013

હેસ્ટિંગ્સની કારકિર્દી અને અમેરિકાના ‘કાર’નામાની આંટીઘૂંટી


સામાન્ય વ્યક્તિને એવો ખ્યાલ હોય છે કે, અમેરિકા એટલે તમામ પ્રકારની આઝાદી ધરાવતો દેશ. વ્યક્તિગત સ્વાતંત્ર્ય હોય કે સામાન્યમાં સામાન્ય નાગરિકના અધિકારોની વાત હોય- તેમાં અમેરિકન સરકાર કોઈનું કંઈ ચલાવતી નથી. પરંતુ આ એ જ અમેરિકા છે જે પોતાના દેશની સુરક્ષાની વાત આવે ત્યારે પણ કોઈનું ચલાવતી નથી. કદાચ એટલે જ માનવાધિકારો, લોકશાહી અને દેશની સુરક્ષાના ભોગે પણ આક્રમક રીતે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનનારા લોકોને જુલિયન અસાન્જ અને એડવર્ડ સ્નોડેન સામેની કાર્યવાહી અન્યાયી લાગી રહી છે. આ બંનેનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં જ 33 વર્ષીય યુવા પત્રકાર માઈકલ હેસ્ટિંગ્સનું હાઈ સ્પિડ કાર અકસ્માતમાં મૃત્યુ થતા કેટલાક લોકોએ અમેરિકન સરકારના માથે માછલાં ધોવાનું શરૂ કરી દીધું છે. જોકે, હેસ્ટિંગની કારકિર્દી અને સુરક્ષાની બાબતમાં અમેરિકન સરકારની નીતિરીતિ જોતા આવી શંકા-કુશંકા થવી સ્વાભાવિક પણ છે.

સામાન્ય રીતે જુલિયન અસાન્જ કે એડવર્ડ સ્નોડેન જેવા લોકોને એક્ટિવિસ્ટ, હેક્ટિવિસ્ટ (હેકર+એક્ટિવિસ્ટ) કે વ્હિસલ બ્લોઅર જેવા બિરુદ  આપવામાં બે છેડાના મત જોવા મળે છે. પરંતુ માઈકલ હેસ્ટિંગ એક્ટિવિસ્ટ નહીં પણ એક પત્રકાર હતા એટલે તેમનું કામ આ લોકોથી થોડું અલગ હતું. માઈકલ એક પત્રકારને છાજે એવી રીતે ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ કરવા માટે જાણીતા હતા. 18મી જૂન, 2013ના રોજ માઈકલનું મૃત્યુ થયું ત્યારે તેઓ દર બે અઠવાડિયે પ્રકાશિત થતારોલિંગ સ્ટોનનામના મેગેઝિનના કન્ટ્રિબ્યુટિંગ એડિટર હતા તેમજબઝ-ફિડનામની વેબસાઈટ માટે રિપોર્ટિંગ કરતા હતા. માઈકલ હેસ્ટિંગ્સે વર્ષ 2002માં ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ જર્નાલિઝમની પદવી લીધી હતી. ત્યાર પછી વર્ષ 2002થી વર્ષ 2008 સુધી તેમણેન્યૂઝવિકમેગેઝિન માટે રિપોર્ટિંગ કર્યું હતું. આ દરમિયાન જ યુવાન માઈકલને ઈરાક યુદ્ધનું રિપોર્ટિંગ કરવાની તક મળી હતી.

માઈકલ હેસ્ટિંગ્સ 
એન્ડ્રિયા પાર્હામોવિચ 

આ યુદ્ધ દરમિયાન ઈરાકમાં નેશનલ ડેમોક્રેટિક ઈન્સ્ટિટ્યૂટની સરકારી અધિકારી અને માઈકલની ફિયાન્સી એન્ડ્રિયા પાર્હામોવિચના કારના કાફલાને બોમ્બ વિસ્ફોટ કરીને ફૂંકી મરાયો હતો. ત્યાર પછી માઈકલે એન્ડ્રિયાની યાદમાંઆઈ લોસ્ટ માય લવ ઈન બગદાદઃ એ મોડર્ન વૉર સ્ટોરીનામનું પુસ્તક લખ્યું હતું.  ‘ન્યૂઝવિકમાટે ઈરાક યુદ્ધનું રિપોર્ટિંગ અને આ પુસ્તકને પગલે માઈકલને સારી એવી નામના મળી હતી. પરંતુ હજુ માઈકલના જીવનમાં એક એવી ઘટના બનવાની હતી જે તેમનું જીવન બદલી નાંખવાની હતી. જોકે, આ વાતનો કદાચ માઈકલને અણસાર સુદ્ધાં ન હતો. વર્ષ 2010માં માઈકલરોલિંગ સ્ટોનમાટે અફઘાનિસ્તાન યુદ્ધનું રિપોર્ટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન માઈકલે જુલિયન અસાન્જ સાથે મળીને તાલિબાનો દ્વારા જૂન 2009માં અપહરણ કરાયેલા અમેરિકન સૈનિક બૉવ રોબર્ટ બર્ગડાહલનો એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂ લીધો હતો. તાલિબાનોએ પાકિસ્તાની વિજ્ઞાની આફિયા સિદ્દિકીના બદલામાં બૉવને મુક્ત કરવાની માગ કરી હતી. પરંતુ હાલ આફિયા અમેરિકન સૈનિકની હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં જેલમાં છે. માસાચ્યુસેટ્સ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીની સ્નાતક આફિયાએ અમેરિકાની પ્રાઈવેટ રિસર્ચ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું છે. 

એ વખતે અફઘાનિસ્તાનમાં નાટોના ઈન્ટરનેશનલ સિક્યોરિટી આસિસ્ટન્સ ફોર્સના કમાન્ડર તરીકે જનરલ સ્ટેનલી મેકક્રિસ્ટલની નિમણૂક કરાઈ હતી. અફઘાનિસ્તાન કે ઈરાકમાં અમેરિકન સૈનિકોની ક્રૂરતાના અનેક કિસ્સા આપણે સાંભળ્યા છે, પરંતુ યુદ્ધ વખતે અમેરિકાના ઉચ્ચ સરકારી અધિકારીઓનો એકબીજા પ્રત્યેનો અણગમો અને અમેરિકન સરકાર પ્રત્યેનો રોષ ક્યારેય બહાર નહોતો આવ્યો. આ વાતનો ઘટસ્ફોટ કરવાનો બહુ મોટો યશ માઈકલ હેસ્ટિંગ્સને આપવો પડે. કોલેજમાં ફૂટબોલ ખેલાડી રહી ચૂકેલા માઈકલે અફઘાનિસ્તાનની રણભૂમિ પર તન-મન થકવી નાંખે એવું રિપોર્ટિંગ કરવા પોતાની જાતને સંપૂર્ણપણે ઢાળી દીધી હતી અને તેઓકંઈક નવુંકરવાની શોધમાં હતા. આ દરમિયાન તેમણે જનરલ સ્ટેનલી મેકક્રિસ્ટલ અને તેમના સ્ટાફ સાથે થયેલી વાતચીતના આધારેરોલિંગ સ્ટોનમાટેધ રનવે જનરલનામનો લેખ લખ્યો. આ લેખમાં જનરલ સ્ટેનલી અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર, અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત અને અમેરિકાએ અફઘાનિસ્તાન- પાકિસ્તાનમાં નિમેલા ખાસ અધિકારીઓની ઠેકડી ઉડાડતા હોવાનું જણાતું હતું. એટલું જ નહીં, આ લેખના આધારે જનરલ સ્ટેનલીનો અમેરિકન પ્રમુખ ઓબામા પ્રત્યેનો અણગમો પણ સ્પષ્ટ થતો હતો. આ લેખથી સ્વાભાવિક રીતે જ ખળભળાટ મચી ગયો અને જનરલ સ્ટેનલીએ રાજીનામું આપી દેવું પડ્યું.


બૉવ રોબર્ટ બર્ગડાહલ

આફિયા સિદ્દિકી

આ ઘટના પછી માઈકલ હેસ્ટિંગ્સનું જીવન બદલાઈ ગયું હતું. આ લેખ માટે તેમનેજ્યોર્જ પૉકએવોર્ડ એનાયત કરાયો હતો. (ન્યૂ યોર્કની લૉંગ આઈલેન્ડ યુનિવર્સિટી વર્ષ 1948થી સીબીએસના રિપોર્ટર જ્યોર્જ પૉકની યાદમાં આ એવોર્ડ આપે છે. ગ્રીક સિવિલ વૉરનું રિપોર્ટિંગ કરતી વખતે જ્યોર્જ પૉકની હત્યા થઈ ગઈ હતી.) આ પ્રકારના રિપોર્ટિંગને ધ્યાનમાં રાખીનેહફિંગ્ટન પોસ્ટદ્વારા માઈકલને વર્ષ 2010નોગેમ ચેન્જરજાહેર કરાયો હતો. જોકે, માઈકલ માટે હવે કપરા ચઢાણ શરૂ થયા હતા અને કદાચ તેઓ અમેરિકન જાસૂસી સંસ્થાઓની રડારમાં હતા. બીજી તરફ, માઈકલના રિપોર્ટિંગની વિશ્વસનિયતા સામે સવાલો ઉઠાવવામાં પણ વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોન સતત મહેનત કરતા હતા. જોકે, આ સવાલોનો જવાબ આપવા હોય તેમ માઈકલે વર્ષ 2012માં જનરલ સ્ટેનલી મેકક્રિસ્ટલ અને તેમના સ્ટાફ સાથે કરેલા પ્રવાસની વિસ્તૃત વિગતો આપતુંધ ઓપરેટરઃ ધ વાઈલ્ડ એન્ડ ટેરિફાઈંગ સ્ટોરી ઓફ અમેરિકાઝ વૉર ઈન અફઘાનિસ્તાનનામનું પુસ્તક પ્રકાશિત કર્યું. આ પ્રવાસમાં માઈકલે જનરલ સ્ટેનલી અને તેમના અંગત સ્ટાફનું આશરે વીસ કલાકનું ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ પુસ્તક બાદ તેમને અનેક ધમકીઓ મળી હતી.

આ પુસ્તકને કેટલાક લોકોએગ્લોબલ વૉર ઓન ટેરરિઝમને લગતું શ્રેષ્ઠ પુસ્તક ગણાવ્યું હતું. આ પુસ્તકેન્યૂ યોર્ક ટાઈમ્સની બેસ્ટ સેલરની યાદીમાં પણ સ્થાન મેળવ્યું હતું. પરંતુ વૉલ સ્ટ્રીટ જનરલજેવા અખબારોએ આ પુસ્તકની ટીકા કરી હતી. માઈકલ અને તેમના જેવા બીજા કેટલાક પત્રકારોના રિપોર્ટિંગના પ્રત્યાઘાત એટલા તીવ્ર હતા કે, વર્ષ 2013માં ઓબામા સરકારે યુદ્ધ વખતે કરાતા પત્રકારત્વ પર લગામ તાણવાની ભલામણ કરવી પડી હતી. આ દરમિયાન માઈકલેબઝ-ફિડમાટેવાય ડેમોક્રેટ્સ લવ ટુ સ્પાય ઓન અમેરિકન્સશીર્ષક હેઠળ એક લેખ લખ્યો. આ લેખ સાતમી જૂનના રોજ પ્રસારિત થયો હતો અને તેઓ જાણતા ન હતા કે આ તેમનો છેલ્લો લેખ સાબિત થવાનો છે. આ પ્રકારની કારકિર્દી ધરાવતા પત્રકારના હાઈ-પ્રોફાઈલ દુશ્મનો ના હોય તો જ નવાઈ. વળી, તેઓ એકબિગ સ્ટોરીપર કામ કરી રહ્યા હતા અને ટૂંક સમયમાં તેને પ્રકાશિત કરવાના હતા. આ માટે માઈકલેબઝ-ફિડમાં કાર્યરત પોતાના મિત્રને એક ઈ-મેઈલ પણ કર્યો હતો. આ ઈ-મેઈલના સબ્જેક્ટમાં માઈકલેએફબીઆઈ ઈન્વેસ્ટિગેશનએમ લખ્યું હતું.

જનરલ સ્ટેનલી મેકક્રિસ્ટલ

આ મેઈલમાં માઈકલે બઝ-ફિડની ઓફિસે કોઈ પણ સરકારી અધિકારી આવે તો સૌથી પહેલાં વકીલનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. માઈકલને શંકા હતી કે એફબીઆઈના અધિકારીઓ તેમનીન્યૂઝ ગેધરિંગ પ્રેક્ટિસને પગલેબઝ-ફિડની ઓફિસે આવી શકે છે. આ મેઈલમાં માઈકલે પોતેબિગ સ્ટોરીકરવા જઈ રહ્યો છે અને તેથી તેણે રડારમાંથી બહાર નીકળવું જરૂરી છે એવો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મેઈલ કર્યાના 24 કલાક પૂરા થયા એ પહેલાં જ માઈકલ હેસ્ટિંગ્સની મર્સિડિઝ C250 કૂપ એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

માઈકલના મોતના કારણે હોબાળો અને શંકા-કુશંકાઓ થવી સ્વાભાવિક છે. કેટલાક લોકોના મતે, માઈકલ એફબીઆઈ કે પ્રિઝમ (અમેરિકનોએ સુરક્ષા માટે લોકો પર દેખરેખ રાખવા તૈયાર કરેલો પ્રોગ્રામ) અંગે લખવાના હતા. તો કેટલાકના મતે, માઈકલ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ કે સરકાર જેના સામે આંખ આડા કાન કરી રહી છે એવા કોઈ કેસ વિશે લખવાના હતા. આ ઉપરાંત કાર અકસ્માત પહેલાં માઈકલે કાનૂની સલાહ લેવા માટે વિકિલિક્સની લિગલ ટીમની પણ મુલાકાત લીધી હતી. માઈકલે તેમને જણાવ્યું હતું કે, એફબીઆઈ તેની તપાસ કરી રહી છે.

આ ગૂંચવાડાભરી ઘટનાને ખુદ વિકિલિક્સે પણ આંટીઘૂંટીભરી ગણાવીને હાલ પૂરતું કંઈ કહેવાનું ટાળ્યું છે. આ ઉપરાંત એફબીઆઈના વર્તનના કારણે પણ શંકા જન્મી છે. સામાન્ય રીતે એફબીઆઈ અમેરિકન મીડિયાના ગમે તેવા બદનક્ષીજનક રિપોર્ટિંગ તરફ ધ્યાન નથી આપતી, પરંતુ આ કામ પોલીસને સોંપી દેવાય છે. જોકે, આ વખતે એફબીઆઈ પણ મેદાનમાં આવી ગઈ છે અને તેમણે નિવેદન જારી કર્યું છે કે, એફબીઆઈ માઈકલ હેસ્ટિંગ્સ સામે કોઈ તપાસ નહોતી કરતી. માઈકલનો કાર અકસ્માત પણ ખૂબ રહસ્યમય છે. મર્સિડિઝ જેવી અત્યાધુનિક કાર એક વૃક્ષ સાથે અથડાઈ પછી તેનું એન્જિન ઘટના સ્થળેથી સો ફૂટ દૂરથી મળી આવ્યું હતું. નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે મર્સિડિઝ જેવી કાર માટે આ અસામાન્ય ઘટના છે. કેટલાક લોકોએ માઈકલની હત્યા પાછળ કાર હેકિંગ થિયરી વહેતી કરી છે. કાર હેકિંગ શક્ય છે, પરંતુ માઈકલ કિસ્સામાં પણ ખરેખર આમ થયું હતું કે નહીં તેમજ તેમની કાર ઈન્ટરનેટ સાથે જોડાયેલી હતી કે નહીં એ વાતની હજુ કોઈ માહિતી મળતી નથી.

જોકે, અમેરિકાના કારનામા જોતા એવું લાગે છે કે આ હત્યાનું રહસ્ય હંમેશાંરહસ્યજ રહેશે

09 July, 2013

ડાયનોસોરના પીંછા કેવા રંગના હતા?


છેલ્લાં ઘણાં સમયથી વિજ્ઞાનીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર વિચરતા પક્ષીઓ અને નોન-એવિયન ડાયનોસોરનો રંગ કેવો હતો? આ માટે વિજ્ઞાનીઓ કરોડો વર્ષ પહેલાં જમીનમાં ધરબાઈ ગયેલા અશ્મિઓનું વિશ્લેષણ કરીને તેમનો રંગ કેવો હતો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા અને યુરોપના દેશોના વિજ્ઞાનીઓ આ દિશામાં કેમ સંશોધનો કરી રહ્યા છે એ હકીકતો પણ ખૂબ રસપ્રદ છે. જો આપણે પૃથ્વી પર કરોડો વર્ષ અસ્તિત્વ ધરાવતા હતા તેવા નોન-એવિયન ડાયનોસોર અને પ્રાચીન પક્ષીઓનો મૂળ રંગ કેવો હતો તે જાણી શકીએ તો ઘણાં બધાં રહસ્યો પરથી પડદો ઉંચકાય એમ છે. જેમ કે, અશ્મિઓના રૂપમાં મળેલા પીંછા પર સંશોધનો કરવાથી આપણે પક્ષીના સમગ્ર શરીર અને પીંછા પર થયેલી રાસાયણિક પ્રક્રિયાને જાણી શકીશું. આ રાસાયણિક પ્રક્રિયાને સચોટ રીતે સમજી લેવામાં આવે તો આપણે એ જાણી શકીશું કે, કરોડો વર્ષ પહેલાંના પક્ષીઓ અને નોન-એવિયન ડાયનોસોરનો રંગ અને તેમની ભાત (Pattern) કેવી હતી. એટલું જ નહીં,  આ રાસાયણિક પ્રક્રિયાની મદદથી વિજ્ઞાન રંગોને પણ વધુ સારી રીતે સમજી શકશે એવી વિજ્ઞાનીઓને આશા છે.

પ્રયોગની શરૂઆત અને સમજ

આ દિશામાં સંશોધનો કરી રહેલા પેલેન્ટોલોજિસ્ટ (અશ્મિ વિજ્ઞાનીઓ) આર્કાઈઓપ્ટેરિક્સ અને નોન-એવિયન ડાયનોસોરના અશ્મિઓ પર સંશોધનો કરી રહ્યા છે. એટલે પહેલાં આ બંને શબ્દો વિશે જાણકારી મેળવીએ. આર્કાઈઓપ્ટેરિક્સ એ બીજું કંઈ નહીં પણ વિજ્ઞાને અત્યાર સુધી મળેલા પુરાવાના આધારે કલ્પેલું સૌથી પ્રાચીન પક્ષી છે. વર્ષ 1874-75માં જર્મનીના બ્લૂમબર્ગ શહેરમાં જેકોબ નિમેયર નામના ખેડૂતને આર્કાઈઓપ્ટેરિક્સના અશ્મિ મળ્યા હતા. આ ખેડૂતે ગાયો ખરીદવા માટે તે અશ્મિઓ વેચી દીધા હતા. હાલ આ અશ્મિ જર્મનીના હુમ્બોલ્ટ મ્યુઝિયમમાં સચવાયા છે. આ અશ્મિ મળ્યા બાદ જ વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું કે, ડાયનોસોર અને પક્ષી વચ્ચે કંઈક સંબંધ છે. બાદમાં અશ્મિ વિજ્ઞાનીઓએ વિવિધ અશ્મિઓ પરથી સાબિત કર્યું હતું કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર પાંખો અને પીંછા ધરાવતા દસ હજારથી પણ વધુ જાતિના ડાયનોસોર વિચરતા હતા. આ જાતિના ડાયનોસોર વૈજ્ઞાનિક ભાષામાં નોન-એવિયન તરીકે ઓળખાય છે. જે સજીવો પાંખ અને પીંછા ધરાવતા હોવા છતાં ઉડી શકતા ના હોય અથવા તો મર્યાદિત ઉડાન ભરવા જ સક્ષમ હોય તેને નોન-એવિયનની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

જર્મનીમાંથી મળેલું આર્કાઈઓપ્ટેરિક્સનું અશ્મિ 

અશ્મિ વિજ્ઞાનીઓને આશા છે કે, નજીકના ભવિષ્યમાં તેઓ આર્કાઈઓપ્ટેરિક્સ અને નોન-એવિયન ડાયનોસોરના અશ્મિઓનો અત્યાધુનિક પદ્ધતિઓથી અભ્યાસ કરીને ઘણાં બધા રહસ્યો ઉકેલી નાંખશે. નોન-એવિયન ડાયનોસોરના પીંછાના અશ્મિઓનો અભ્યાસ કરવા સૌથી પહેલાં સંશોધકો અત્યાધુનિક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની મદદથી તેનું સંપૂર્ણ માળખું કેવું હતું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પદ્ધતિની મદદથી સંશોધકો અંદાજ લગાવી શક્યા છે કે, કરોડો વર્ષ પહેલાંના જંગલી પક્ષીઓના શરીર પર કયા કયા રંગ હશે. આ પદ્ધતિની મદદથી જ સંશોધકો તેમનું ‘મેલેનોસોમ’ કેવું હશે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. મેલેનોસોમ એક જૈવિક કોષમાં રહેલું એક તત્ત્વ છે, જેમાં મેલેનીન હોય છે. મેલેનીન એ સજીવોમાં જોવા મળતું સૌથી સામાન્ય રંગદ્રવ્ય છે, જે પ્રકાશના અણુઓને શોષી શકે છે. એટલે કે, સજીવનો રંગ કેવો છે તેનો આધાર આ પ્રક્રિયા પર પણ રહેલો છે.

જો વિજ્ઞાન અશ્મિઓની મદદથી મેલેનોસોમને ઊંડાણપૂર્વક જાણી શકે તો આપણે લાખો વર્ષ પહેલાંના પ્રાણીઓ કે પક્ષીઓ પર કેટલા રંગો હતા અને તેમના શરીર પર કેવી ભાત હતી તે આપણે જાણી શકીએ. હાલ પૃથ્વી પરના તમામ સજીવોનો રંગ જુદો જુદો જ છે. એવી જ રીતે, કરોડો વર્ષ પહેલાંના પશુ-પક્ષીઓ પણ જુદા જુદા રંગના જ હશે અને અને તેમના શરીર પરની ભાત પણ અલગ અલગ હશે. જેમ કે, વાઘ કે દીપડાના શરીર પરના ચટાપટા કે ઝીબ્રાના શરીરની ભાત ચોક્કસ પ્રક્રિયાને જ આભારી છે. હાથીનો રંગ કાળો અને મોરનો રંગ પચરંગી હોવા પાછળ પણ અમુક રાસાયણિક પ્રક્રિયાઓ જ જવાબદાર છે. અત્યારે વિજ્ઞાનીઓ ફક્ત એટલું જ જાણે છે કે, કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ અને પક્ષીઓ પણ રંગ અને ભાતને લઈને જોરદાર વૈવિધ્ય ધરાવતા હતા. પરંતુ હજુ સુધી આપણે એ નથી જાણી શક્યા કે, જો અત્યારે પૃથ્વી પર વિચરતા પશુ-પંખીઓ આટલા વૈવિધ્યસભર છે, તો કરોડો વર્ષ પહેલાંના પશુ-પંખીઓ કેવા હશે! હોલિવૂડની ફિલ્મોમાં દર્શાવાતા ડાયનોસોર વૈજ્ઞાનિકોએ કરેલી કલ્પનાના આધારે ડિઝાઈન કરાયા છે, પરંતુ આ મુદ્દે વિજ્ઞાનીઓ ખાતરીપૂર્વક કંઈ કહી શકે એમ નથી. 

અત્યાધુનિક પદ્ધતિની મદદ

અશ્મિ પર સંશોધન કરતી વખતે વિજ્ઞાનીઓનું સૌથી પહેલું લક્ષ્ય અશ્મિમાંથી મહત્તમ માહિતી ભેગી કરવાનું હોય છે. જોકે, આ વાતને લઈને તેઓ ક્યારેય સંતોષી હોતા નથી. બીજી તરફ, આ હેતુ પાર પાડવા માટે અન્ય શાખાના વિજ્ઞાનીઓની મદદથી અશ્મિ પર સંશોધનો કરવાની અત્યાધુનિક ટેક્નોલોજી વિકસાવવાના પણ પ્રયાસ થતા રહે છે. આવા સંશોધનો કરવા જ વિજ્ઞાનીઓએ અત્યાધુનિક ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ શોધ્યા હતા. આ સાધનોની મદદથી જ અશ્મિ વિજ્ઞાનીઓ અશ્મિના એક-એક નેનોમીટર જેટલું કદ ધરાવતા ભાગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. એક નેનોમીટરનું કદ આશરે એક મિલિમીટરના દસ લાખમાં ભાગ જેટલું હોય છે. આ સાધનની મદદથી જ વિજ્ઞાનીઓ પક્ષીના પીંછાના અશ્મિઓની રાસાયણિક પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માઈક્રોરેપ્ટર જાતિના ડાયનોસોરના અશ્મિ. સફેદ
એરો  માઈક્રોરેપ્ટર પીંછા દર્શાવી રહ્યા છે. 

અશ્મિઓનો અભ્યાસ કરવા માટે વિજ્ઞાનીઓએ સિન્ક્રોટ્રોન પાર્ટિકલ એક્સેલેટર નામના સાધનની પણ મદદ લીધી હતી. આ સાધનની મદદથી અશ્મિઓમાં રહેલા ઘટક તત્ત્વો શોધી શકાય છે અને તેનો સંપૂર્ણ નકશો પણ તૈયાર કરી શકાય છે. આ પદ્ધતિ પર સંશોધકોને બહુ આશા છે. કારણ કે, આ તેની મદદથી જ તેઓ જાણી શકશે કે, પક્ષીઓના પીંછા જેવા નરમ કોષોમાં સડો થાય ત્યારે તેના મૂળભૂત તત્ત્વો સચવાઈ જાય છે. જેમ કે, તાંબુ. જેમ કે, પીંછામાં લાલ રંગ માટે તાંબુ જવાબદાર હોય છે. એટલે કે, આ અશ્મિમાંથી તાંબુ મળે તો એવું કહી શકાય કે, પીંછા લાલ રંગના હતા અથવા તો તેમાં લાલ રંગ પણ હતો. આમ આ રાસાયણિક પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમજાઈ જાય તો વિજ્ઞાનીઓ કરોડો વર્ષ પહેલાંના નોન-એવિયન ડાયનોસોરની આબેહૂબ ડિઝાઈન કરવા સક્ષમ છે. ટૂંકમાં, જો વિજ્ઞાનીઓ પીંછામાં થયેલી રાસાયણિક પ્રક્રિયા અને મેલનોસોમ વિશે જાણી લે તો આ પદ્ધતિની મદદથી પશુ-પક્ષીઓના રંગ અને તેમના શરીર પરની ભાત કેવી હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય એમ છે.

વિજ્ઞાનની મર્યાદા અને યુવી પદ્ધતિ

તાજેતરમાં જ અશ્મિ વિજ્ઞાનીઓનું એક જૂથ તમામ પ્રયોગો પછી એવા તારણ પર આવ્યું છે કે, પૃથ્વી પરના પહેલા પક્ષી ગણાતા ‘આર્કાઇઓપ્ટેરિક્સ’ના પીંછાની ધાર અને તેના ટેરવા પર ઘેરો રંગ હશે. કારણ કે, આ પ્રકારના પક્ષીઓમાં સામાન્ય રીતે આવું જ જોવા મળતું હોય છે. જ્યારે પક્ષીઓના પીંછાના પાછળના ભાગના રંગદ્રવ્યોમાં થોડો ફેરફાર થયો હોય છે અને તેના કારણે ત્યાં સફેદ રંગ હોય છે. આ પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજવા માટે સંશોધકોએ સમગ્ર અશ્મિનું સ્કેનિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું છે કે, પીંછાના કેટલાક અશ્મિમાં સ્પષ્ટ રંગ દેખાય છે, જ્યારે કેટલાક અશ્મિ પરથી રંગનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. મુશ્કેલી એ છે કે, ખડકોમાં દટાયેલા હાડકાનો રંગ લગભગ એ ખડક જેવો જ થઈ ગયો હોય છે. આ ઉપરાંત કુદરતી પ્રકાશમાં માણસ પાસે મર્યાદિત દૃષ્ટિ છે, એટલે માનવ આંખ રંગને સંપૂર્ણ જોઈ શકતી નથી. માનવ આંખ સામાન્ય તરંગ લંબાઈ અને અલ્ટ્રાવાયોલેટ તરંગોમાં જે કંઈ જુએ છે તેમાં બહુ મોટો તફાવત હોય છે.

અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં દેખાતા આર્કાઈઓપ્ટેરિક્સના અશ્મિ

આશરે છેલ્લાં 100 વર્ષથી અશ્મિ વિજ્ઞાનીઓ અલ્ટ્રાવાયોલેટ કિરણો હેઠળ જ અશ્મિઓનો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી આ જ અભ્યાસ વધુ શક્તિશાળી અને બજારમાં સરળતાથી ઉપલબ્ધ યુવી બલ્બ હેઠળ કરાઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે, આ પદ્ધતિની મદદથી અશ્મિ વિજ્ઞાનીઓને અત્યાર સુધી ક્યારેય જાણવા ન મળ્યા હોય એવા તથ્યો જાણવા મળ્યા છે. વિજ્ઞાનીઓએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, અમે અલ્ટ્રાવાયોલેટની મદદથી ચામડી, પીંછા, ભીંગડાની ભાત, ચાંચ, પંજા, નહોર, ચહેરાનો સંપૂર્ણ આકાર તેમજ હાથ-પગના સ્નાયુઓની પણ ઊંડી માહિતી મેળવી શક્યા છીએ. હવે વિજ્ઞાનીઓને આશા છે કે, યુવી અને અન્ય અત્યાધુનિક પદ્ધતિઓની મદદથી તેઓ ખૂબ નજીકના ભવિષ્યમાં નોન-એવિયન ડાયનોસોરની આબેહૂબ ડિઝાઈન તૈયાર કરી શકશે.

નોંધઃ પહેલી બે તસવીર વિકિપીડિયાની છે અને છેલ્લી ગૂગલ પરથી લીધી છે. 

04 July, 2013

‘ગ્રીન એનર્જી’ મેળવવાનો ક્રાંતિકારી વિચાર


કુદરતી હોનારતો માટે ગ્લોબલ વૉર્મિંગ કેટલું જવાબદાર છે એ વિજ્ઞાન માટે આજે પણ સંશોધનનો વિષય છે, પરંતુ ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસ માનવજાત માટે નુકસાનકારક છે એ વાતે તમામ વિજ્ઞાનીઓ સહમત છે. વાતાવરણમાં આ વાયુઓનું પ્રમાણ ઘટાડવા માટેનો એકમાત્ર ઉપાય છે ગ્રીન એનર્જી. છેલ્લાં ઘણાં વર્ષોથી વિજ્ઞાનીઓ ગ્રીનહાઉસ ગેસને ઘટાડવા ગ્રીન એનર્જી ક્ષેત્રે સંશોધનો કરી રહ્યા છે. સૂર્ય ઊર્જાથી ચાલતા વાહનો અને સંપૂર્ણ ગ્રીન એનર્જીની મદદથી ચાલતા નાના-મોટા કારખાના કે ઘરો આ સંશોધનોનો જ એક ભાગ છે. ગ્રીન એનર્જી પર આમ તો અનેક અગ્રણી વિજ્ઞાનીઓએ સંશોધનો કર્યા છે અને હજુ કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ પૃથ્વી પરના ગ્રીનહાઉસ ગેસમાં ઘટાડો કરવા વિજ્ઞાનીઓએ એક ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો છે. આ વિચાર બીજા કોઈએ નહીં પણ ગ્રીન એનર્જી ક્ષેત્રે મહત્ત્વના સંશોધનો કરી ચૂકેલા વિજ્ઞાની રિક વાન ગ્રોન્ડેલે રજૂ કર્યો છે અને એટલે જ દુનિયાભરના ગ્રીન એનર્જી નિષ્ણાતો તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.

રિક વાન ગ્રોન્ડેલ નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ સ્થિત વ્રિજ યુનિવર્સિટીના બાયોફિઝિક્સના પ્રોફેસર છે. પ્રો. રિકે ગ્રીન એનર્જી માટે સૌથી મહત્ત્વના સ્રોત શેવાળને લગતો એક મહત્ત્વનો વિચાર રજૂ કર્યો છે. કારણ કે, શેવાળમાંથી સૌથી ઉત્તમ બાયોફ્યૂલ બની શકે છે અને તે ઓછામાં ઓછા ગ્રીનહાઉસ ગેસનું સર્જન કરે છે. દુનિયામાં ઔદ્યોગિકરણનો વ્યાપ વધ્યા પછી કાર્બન ડાયોક્સાઈડ જેવા હાનિકારક ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. આ ગ્રીનહાઉસ ગેસ થર્મલ ઈન્ફ્રારેડ રેન્જમાંથી રેડિયેશન ગ્રહણ કરે છે અને તેને વાતાવરણમાં પાછું ફેંકે છે. તેથી આ વાયુઓ માણસ સહિતના તમામ સજીવો માટે જોખમી છે. માણસ ઊર્જા માટે ફોસિલ ફ્યૂલનો ઉપયોગ કરે છે અને તેના બળવાથી વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસમાં વધારો થાય છે. વનસ્પતિ તથા અન્ય સજીવોના વિઘટનની હજારો વર્ષોની પ્રક્રિયા બાદ સર્જાયેલા કોલસા અને ખનીજતેલ જેવા બળતણોને વૈજ્ઞાનિક ભાષામાં ફોસિલ ફ્યૂલ કહેવાય છે.

રિક વાન ગ્રોન્ડેલ

આ ફોસિલ ફ્યૂલના બદલે એવી કોઈ ચીજ શોધી કાઢવામાં આવે કે જેને બાળવાથી મહત્તમ ઊર્જા મળે અને ગ્રીનહાઉસ ગેસનું નહીંવત સર્જન થાય તો ઊર્જાના મહત્ત્વના સ્રોત ખાલી થઈ જવાના ભયમાંથી છુટકારો મળી જાય. આ ઉપરાંત માણસજાત ઝેરી વાયુઓ અને ગ્લોબલ વૉર્મિંગથી થતી સંભવિત અસરો સામે પણ સુરક્ષિત થઈ જાય. પ્રો. રિકે વનસ્પતિમાં થતા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઊંડા સંશોધનો કરીને સાબિત કર્યું છે કે, શેવાળમાંથી ઊર્જાનો ઉત્તમ સ્રોત બની શકે એમ છે. એકવાર પ્રો. રિક દક્ષિણ ફ્રાંસના પ્રવાસે હતા ત્યારે તેમણે ફ્રેંચોના ઘરના વરંડામાં દ્રાક્ષના બગીચા જોયા. આ બગીચા જોઈને સ્વાભાવિક રીતે જ દ્રાક્ષનો વાઈન પીવાની ઈચ્છા થાય. પ્રો. રિકને પણ આવો વિચાર આવ્યો હશે, પરંતુ તેમને એક બીજો વિચાર પણ આવ્યો અને ગ્રીન એનર્જીની દિશામાં મહત્ત્વનું સંશોધન શરૂ થયું.

આ બગીચા જોઈને પ્રો. રિકને વિચાર આવ્યો કે, આપણે ઊર્જા આપતી શેવાળ શોધી કાઢીએ તો ઘરની નજીક તેના તળાવો વિકસાવી શકાય અને દરેક વ્યક્તિ જરૂરિયાત મુજબ તેમાંથી બાયોફ્યૂલ મેળવી શકે. અગાઉ પણ શેવાળમાંથી બાયોફ્યૂલ બનાવવાના પ્રયોગો થયા છે પણ ગ્રીન એનર્જી ક્ષેત્રે મહત્ત્વના સંશોધનો કરી ચૂકેલા પ્રો. રિકે ગ્રીન એનર્જીની દિશામાં પદ્ધતિસરનો ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો છે. શેવાળમાંથી બાયોફ્યૂલ સર્જવાના વિચારથી આગળ વધીને પ્રો. રિક કહે છે કે, “ઈથેનોલ અને બ્યુટેનોલ જેવા બળતણો ફક્ત શેવાળમાંથી જ નહીં પણ કૃત્રિમ પાંદડામાંથી પણ પેદા કરી શકીએ છીએ. આ પાંદડા સામાન્ય વનસ્પતિના પાંદડા જેવા જ દેખાતા હશે, પરંતુ એ વૃક્ષો પર જોવા મળતા પાંદડા જેવા નહીં હોય.” પ્રો. રિકે કલ્પના કરેલા પાંદડા લીલા રંગના ના પણ હોય અને છતાં કુદરતી વનસ્પતિ જેવું જ કામ કરતા હશે. એટલે કે, આ પાંદડા પ્રકાશમાંથી ઊર્જા મેળવીને રાસાયણિક ઊર્જાનું સર્જન કરતા હશે.

જો આ પ્રકારની વનસ્પતિનું સર્જન શક્ય બને તો બાયોફ્યૂલ બનાવવાની પ્રક્રિયા સરળ થઈ જાય. બાયોફ્યૂલ જ એકમાત્ર એવું બળતણ છે જે ઔદ્યોગિક પ્રક્રિયામાં ફોસિલ ફ્યૂલનું સ્થાન લઈ શકે એમ છે. વિજ્ઞાનીઓ શેરડીના સાંઠા જેવા કુદરતી કચરામાંથી પણ બાયોફ્યૂલ બનાવી ચૂક્યા છે. પરંતુ આ તમામ બળતણોને વ્યવહારમાં મૂકવા એટલા જ અઘરા છે. હાલના ઔદ્યોગિક માળખામાં મોટા ફેરફાર કર્યા વિના શેવાળમાંથી બનાવેલા બળતણનો ઉપયોગ કરી શકાય છે. જોકે, શેરડીમાંથી પેદા કરાતા બળતણ માટે વધુને વધુ જમીન પર તેની જ ખેતી કરવામાં આવે તો પર્યાવરણ પર માઠી અસર થઈ શકે છે. પછી કદાચ એવું પણ થાય કે, વિશ્વભરના વધુને વધુ લોકો જંગલો અને ખેતીલાયક જમીનો પર બાયોફ્યૂલનું ઉત્પાદન કરવા માટેની વનસ્પતિઓ ઉગાડવા લલચાય. આ સંજોગોમાં જૈવવૈવિધ્યતા પર માઠી અસર પડવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

આ માટે જ પ્રો. રિકે એક એવી વનસ્પતિનો વિચાર રજૂ કર્યો છે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે વધુ સક્ષમ હશે. આ વનસ્પતિ સામાન્ય વનસ્પતિ જેટલી જગ્યા રોકીને વધુ ઊર્જા આપશે. આ બાયોફ્યૂલ સ્થાનિક સ્તરે થતા વાહનવ્યવહાર માટે પણ ઉપયોગમાં લઈ શકાશે. કારણ કે, આજે વિશ્વભરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાહનવ્યવહારના કારણે ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે. પ્રો. રિકે લગભગ 30 વર્ષ પર સંશોધન કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે, વનસ્પતિના પાંદડા પર પ્રકાશ પડ્યા પછી રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઈડ અને પાણીની મદદથી કેવી રીતે કાર્બોહાઈડ્રેટનું સર્જન થાય છે. આટલા વર્ષોના અનુભવ પછી તેમનું માનવું છે કે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આશ્ચર્યજનક રીતે અસરકારક છે. પ્રકાશમાંથી ઊર્જા મેળવવા વનસ્પતિ ખૂબ સરળ અણુઓનો ઉપયોગ કરે છે અને આ પ્રક્રિયા એક સેકન્ડથી પણ ઓછા સમયમાં થઈ જાય છે.

છેલ્લાં 30 વર્ષથી કરી થઈ રહેલા આ સંશોધન બાદ પ્રો. રિક એ તારણ પર આવ્યા છે કે, “હજુ હું એ વાત સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું કે, આખરે આ પ્રક્રિયા કેવી રીતે શરૂ થાય છે અને તેમાંથી મળેલી ઊર્જાનો ઉપયોગ કેવી રીતે થાય છે. કારણ કે, તેમાંથી જ આપણે કુદરત પાસેથી કંઈક શીખી શકીશું અને એક દિવસ સૂર્યથી ચાલતા કોઈ ડિવાઈસમાં એની નકલ કરીને ઊર્જા મેળવી શકીશું.” આ સંશોધનમાં જણાવાયું છે કે, આપણે ફોટોવોલ્ટેઈક(વીજ કરંટ પેદા કરવાનું વિજ્ઞાન)ના બદલે ફોટોસિન્થેસિસ (પ્રકાશસંશ્લેષણ) ટેક્નોલોજીમાં રોકાણ કરવું જોઈએ. આ ઉપરાંત બાદમાં ઉપયોગ કરવા માટે બાયોફ્યૂલનો સંગ્રહ પણ થઈ શકે છે, જ્યારે સૂર્ય અને પવન ઊર્જામાં આવી અનેક મુશ્કેલીઓ છે અને તે ઊર્જા સતત મેળવી શકાતી નથી. પ્રકાશસંશ્લેષણની મદદથી વનસ્પતિ ઊર્જાનો સંગ્રહ કરે છે, અને આપણે પણ આમ કરી શકીએ છીએ.

પ્રો. રિક અને તેમના સહ-સંશોધકોએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજી લીધી છે. વનસ્પતિના પાંદડાની સપાટી પર રહેલા અણુઓ ક્લોરોફિલ નામના રંગદ્રવ્યોની મદદથી પ્રકાશ કેવી રીતે ગ્રહણ કરે છે અને અણુઓની મદદથી તે કેવી રીતે ઊર્જા પેદા કરે છે. આ ઉપરાંત અણુઓ ઊર્જાની મદદથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણીને ઓક્સિજન એટલે કે પોતાના ખોરાકમાં પરિવર્તિત કરી દે છે. આટલી પ્રક્રિયા ઊંડાણપૂર્વક જાણ્યા પછી સંશોધકોએ આ કુદરતી પ્રક્રિયાની નકલ કરવાનો પડકાર ઝીલી લીધો છે. પ્રો. રિક કહે છે કે, “અમે એવી સપાટી વિકસાવી રહ્યા છે જે પ્રકાશના મોટા ભાગના તરંગો ગ્રહણ કરી શકે. આ રીતે આપણે વધુ ઊર્જા મેળવી શકીશું.” સંશોધકોના મતે, મોટા ભાગની વનસ્પતિ અને શેવાળ પોતે જીવી શકે એટલી જ ઊર્જા પેદા કરી શકે છે. જો આપણે જોઈતી ઊર્જા મેળવવા એક વૃક્ષ પાછળ ખર્ચેલા પૈસાની ગણતરી કરીએ તો તે બહુ નિરાશાજનક આંકડા છે.

આ આંકડા સુધરવા માટે સૌથી પહેલાં શેવાળ જેવી વનસ્પતિની સરળ રચનાને ઊંડાણપૂર્વક સમજવી પડશે. અત્યારે વિજ્ઞાનીઓ ફક્ત એટલું જ જાણે છે કે, શેવાળમાં અન્ય કોઈ પણ વનસ્પતિ કરતા ખૂબ સક્ષમ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. એટલું જ નહીં, વિજ્ઞાનીઓ જનીનિક ફેરફારો કરીને વધુને વધુ પ્રકાશ ગ્રહણ કરતી શેવાળ બનાવી શકે એમ છે. પ્રો. રિકનું માનવું છે કે, હજુ સંશોધનો ચાલી રહ્યા છે ત્યારે એ કહેવું અઘરું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્ષમતાનો આપણે કેટલો સક્ષમ રીતે ઉપયોગ કરી શકીએ એમ છીએ. જોકે, વિજ્ઞાનીઓને ખાતરી છે કે, આવનારા દસ જ વર્ષમાં તેઓ ખૂબ ઓછા ખર્ચે ઈથેનોલ અને બુટાનોલ જેવા બાયોફ્યૂલનું ઉત્પાદન કરવા સક્ષમ હશે!

વર્ષ 2010માં યુરોપિયન રિસર્ચ કાઉન્સિલે પ્રો. રિક અને તેમની ટીમને પ્રકાશ સંશ્લેષણ અને શેવાળ પર સંશોધન કરવા ત્રણ મિલિયન યુરોનું ભંડોળ આપ્યું હતું. કારણ કે, ગ્રીન એનર્જીની મદદથી જ આપણે પર્યાવરણના જટિલ પ્રશ્નો સામે લડી શકીશું.. પ્રો. રિક દાવો નથી કરતા કે આ સંશોધન દુનિયાને બચાવી લેશે પણ તેઓ ભારપૂર્વક કહે છે કે, “દુનિયામાં ઊર્જાની સતત વધતી જતી માગને આપણે ટેક્નોલોજી અને રાજકીય વ્યૂહની મદદથી જ ઉકેલી શકીશું.” પ્રો. રિકને આશા છે કે, આગામી વર્ષોમાં ઘરના વરંડામાં નાનકડા તળાવ કે ટાંકીમાં શેવાળનું ઉત્પાદન થતું હશે અને તેની મદદથી સ્થાનિક સ્તરે ઊર્જાની માગ સંતોષાતી હશે.