23 August, 2012

ઓલિમ્પિક મેડલ અને જીડીપી વચ્ચેનો સંબંધ


ઓલિમ્પિક પૂરો થયાના આટલા દિવસો પછી પણ ભારતીય મીડિયા ‘ઓલિમ્પિક હેંગઓવર’માંથી બહાર આવ્યું નથી. ઓલિમ્પિકમાં વિશ્વના કુલ 79 દેશોએ ભાગ લીધો હતો, અને ચંદ્રકો જીતવામાં ભારતનું સ્થાન તેમાં 55મું છે. આ વખતે બ્રિટિશ ખેલાડીઓએ પણ ઘરઆંગણે ઉજ્જવળ દેખાવ કરીને અમેરિકા અને ચીન પછી પોતાના દેશને ત્રીજું સ્થાન અપાવ્યું છે. ઓલિમ્પિકમાં સામાન્ય રીતે અમેરિકા, ચીન અને રશિયાનો ટોપ થ્રીમાં સમાવેશ થતો હોય છે. આ વખતે ભારતે પણ કુલ છ- બે રજત અને ચાર કાસ્ય ચંદ્રક જીતીને રેકોર્ડ સુધાર્યો છે. સૌથી મોટી વાત તો એ છે કે, ઓલિમ્પિક અગાઉ ભારતે પાંચ ચંદ્રક જીતવાની આશા રાખી હતી. કદાચ અત્યાર સુધી પહેલીવાર એવું બન્યું છે કે, ભારતે રમતગમતમાં ધાર્યા કરતા વધુ સફળતા મળી હોય! બીજી તરફ, ભારતમાં મીડિયા જગતમાં સતત એવી ચર્ચા છે કે, સવા અબજના દેશમાં ફક્ત છ મેડલ? જોકે, વાત પણ સાચી છે. ભારત સુપરપાવર બનવાની અને ચીન સાથે હરીફાઈ કરવાના સપનાં જોતો દેશ છે, તો પછી રમતગમતની દુનિયામાં પણ તે કેમ ‘શક્તિ પ્રદર્શન’ નથી કરી શકતો. આ માટે ભ્રષ્ટાચારથી લઈને રમતગમત પ્રત્યે સરકારના ઉદાસીન વલણ સહિતના અનેક કારણો આપવામાં આવે છે. આખરે ઓલિમ્પિકમાં ઉજ્જવળ દેખાવ કરતા દેશોની સફળતાનું રહસ્ય શું હોય છે?



એક વાત સ્પષ્ટ છે કે, વધુ વસતી ધરાવતા દેશો ઓલિમ્પિકમાં અગ્રેસર હોય છે. આ માટે એવો તર્ક કરાય છે કે, તમારી પાસે જેટલી વધુ વસતી, તેટલા તમારી પાસે વધુ સારા ખેલાડીઓ. વર્ષ 2008માં બેજિંગ ઓલિમ્પિકમાં ચીનના ખેલાડીઓએ ઘરઆંગણે 51 સુવર્ણ ચંદ્રક જીતીને પોતાની તાકાતનો પરચો દેખાડ્યો હતો. સુવર્ણ ચંદ્રક જીતવામાં અમેરિકા બીજા સ્થાને હતું, પરંતુ સૌથી વધુ કુલ 110 ચંદ્રકો તો અમેરિકાએ જ જીત્યા હતા. વિશ્વના સૌથી વધુ વસતી ધરાવતા ત્રણ દેશો જ ઓલિમ્પિકમાં પહેલાં અને બીજા સ્થાને હતા. થોડા વર્ષો પહેલાંના આંકડા જોઈએ તો પણ કંઈક આવા જ આંકડા મળે છે. વર્ષ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં અમેરિકા અને ચીન જ કુલ 68 સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. જ્યારે વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં પણ અમેરિકા, ચીન પહેલાં ત્રણમાં હતા, અને તે વખતે રશિયા બીજા સ્થાને હતું. રશિયા વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો નવમો દેશ છે. તેની પહેલાં વર્ષ 1996માં એટલાન્ટા ઓલિમ્પિકમાં ચીન ચોથા સ્થાને હતું, અને પહેલાં ત્રણમાં અમેરિકા, રશિયા અને જર્મની હતું. જર્મની પણ બહુ મોટી વસતી ધરાવતો દેશ છે. જોકે ભારત જેવા વિશાળ વસતી ધરાવતા દેશને આ થિયરી લાગુ નથી પડતી. ભારત સૌથી વધુ વસતી ધરાવતો વિશ્વનો બીજા નંબરનો દેશ છે. આમ છતાં, વર્ષ 1960થી 2000 સુધી ભારત ફક્ત બે સુવર્ણ ચંદ્રક જીતી શક્યો છે. આ સ્થિતિ બદલ સ્પોર્ટ્સ એનાલિસ્ટો ભારતના અત્યંત નીચા માથાદીઠ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન)ને જવાબદાર ઠેરવી રહ્યા છે.

જેમ કે, બેજિંગ ઓલિમ્પિક ટેબલને જોતા જણાય છે કે, પહેલાં આઠ દેશોની સરેરાશ આવક ઘણી વધારે છે. જે દેશના લોકો પાસે પૂરતી આવક હોય છે, તે સમાજના લોકો રમતગમત પાછળ વધુ સમય, નાણાં ખર્ચી શકે છે અને તેમાં આગળ વધવા મરણિયા પ્રયાસ પણ કરી શકે છે. આમ તો ચીનમાં પણ માથાદીઠ જીડીપી ઘણું નીચું છે, પરંતુ તે આંકડો ભારત કરતાં ત્રણ ગણો વધારે છે. આ ઉપરાંત ભારત અને ચીનમાં પ્રવર્તતી સત્તામાં પણ ખાસ્સો ફર્ક છે. ચીનમાં આપખુદ સરકાર છે, જે રમતગમત પાછળ બેફામ નાણાં ખર્ચે છે. તમે બેડમિન્ટન અને સ્વિમિંગમાં ચીનની સફળતા જોઈ શકો છો. વિશ્વના અનેક અર્થશાસ્ત્રીઓએ જે તે દેશની આર્થિક તાકાતના આધારે તે દેશ કેટલા ચંદ્રક જીતશે એની ગણતરી હતી. જોકે, આ સિવાય પણ અનેક પરિબળો સારો એવો ભાગ ભજવે છે. જેમ કે, કઝાકિસ્તાન જેવો નાનકડો દેશ વેઈટ લિફ્ટિંગમાં અધધ નાણાં ખર્ચે છે. કૉલ્ડ વૉર વખતે સોવિયેટ યુનિયન પણ શક્તિ પ્રદર્શન કરવાની લ્હાયમાં રમતગમત પાછળ બેફામ ખર્ચ કરતું હતું, અને બીજી તરફ આર્થિક-રાજકીય સ્તરે તેણે ટકી રહેવા મરણિયા પ્રયાસ કરવા પડતા હતા. સોવિયેટ યુનિયન વર્ષ 1972થી સતત ત્રણ ઓલિમ્પિકમાં સૌથી વધુ સુવર્ણ ચંદ્રક જીત્યું હતું. એવી જ રીતે, વર્ષ 2008માં ક્યુબા પોતાના કરતા અનેકગણા મોટા અને ધનવાન પાડોશી દેશ બ્રાઝિલથી વધુ ચંદ્રકો જીત્યું હતું.

લંડન ઓલિમ્પિક પહેલાં પ્રતિષ્ઠિત અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સ, લંડને ચાર આર્થિક મોડેલનો અભ્યાસ કરીને કયો દેશ, કેટલા ચંદ્રક જીતશે એ અંગે અનુમાન કર્યું હતું. આ અનુમાનોને મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ સહમતિ આપી હતી. તેમની ધારણા હતી કે, લંડન ઓલિમ્પિકમાં અમેરિકા 39 (46), ચીન 37 (38), બ્રિટન 24 (29), રશિયા 12 (24), દક્ષિણ કોરિયા 12 (13), અને જર્મની 9 (11) સુવર્ણ ચંદ્ર જીતશે. કૌંસમાં આપેલા આંકડા વિવિધ દેશોએ જીતેલા વાસ્તવિક સુવર્ણ ચંદ્રકો દર્શાવે છે. નવાઈની વાત તો એ છે કે, અર્થશાસ્ત્રીઓએ વિવિધ દેશો માટે કરેલા અનુમાનો મોટે ભાગે વાસ્તવિક આંકડાઓની ઘણાં નજીક છે. તેમના મતે, કોઈ પણ દેશની વસતી, માથાદીઠ જીડીપી, ભૂતકાળનો દેખાવ અને ઓલિમ્પિક કયા દેશમાં યોજાઈ રહ્યો છે- તેના આધારે કયો દેશ કેટલા ચંદ્રકો જીતશે તેનું ચોક્કસ અનુમાન કરી શકાય છે. આ ઉપરાંત ખેલાડીઓ માટે તાલીમનું માળખું અને ખેલકૂદના સાધનોની સુવિધા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.

કોઈ પણ દેશની વસતી અને જીડીપી રમતગમતના દેખાવ પર સ્પષ્ટ અસર કરે છે. વિશાળ વસતી ધરાવતા દેશ પાસે વધુ ખેલાડીઓ હોવાથી ચંદ્રક જીતવાની તક વધુ હોય છે. જ્યારે ઊંચા જીડીપીનો અર્થ છે કે, તે દેશ પાસે રમતગમતનું માળખું વિકસાવવા અને ચંદ્રકો જીતી શકે એવા ખેલાડીઓને તાલીમ આપવા પૂરતા નાણાં છે. પછી, ભૂતકાળનો દેખાવ જોવામાં આવે છે. ઓલિમ્પિકની કોઈ રમતમાં મેડલ જીત્યા પછી જે તે દેશમાં તે રમતની ઘેલછામાં વધારો થાય છે, અને તેને વધુ ભંડોળ મળે છે. જેમ કે, અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં, સાઈનાએ બેડમિન્ટન અને સુશીલકુમારે કુશ્તીમાં ચંદ્રક જીત્યા પછી ભારતમાં આ રમતોનું મહત્ત્વ વધ્યું છે, અને હવે તેમને પૂરતા નાણાં પણ મળી રહ્યા છે. ત્યાર પછીનું મહત્ત્વનું પાસું છે, ઓલિમ્પિક ક્યાં યોજાઈ રહ્યો છે, એટલે કે, હોમ એડવાન્ટેજ. ક્રિકેટઘેલા લોકો જાણે છે કે, ભારતની ક્રિકેટ ટીમનો ઘરઆંગણે અને વિદેશની પિચો પરના દેખાવમાં કેટલો ફર્ક છે. ઓલિમ્પિકમાં પણ જ્યાં ખરેખર ઓલિમ્પિક રમાવાનો છે ત્યાં તાલીમ લેવાના ઘણાં મનોવૈજ્ઞાનિક લાભ મળે છે. એટલું જ નહીં, જે દેશમાં ઓલિમ્પિક યોજાયો હોય ત્યાંના ખેલાડીઓને સ્પોન્સરશિપ પણ વધુ મળે છે. જેમ કે, વર્ષ 2004માં બ્રિટિશ ખેલાડીઓને 79 મિલિયન પાઉન્ડની સ્પોન્સરશિપ મળી હતી. પરંતુ આ વખતના લંડન ઓલિમ્પિકમાં બ્રિટિશ ખેલાડીઓને 264 મિલિયન પાઉન્ડની સ્પોન્સરશિપ મળી હતી. છેલ્લાં દસ વર્ષનું ઓલિમ્પિક ટેબલ જોતા માલુમ પડે છે કે, જે દેશમાં ઓલિમ્પિક યોજાયો હોય તે દેશ 54 ટકા વધુ ચંદ્રકો જીતે છે.

કેટલીક ખર્ચાળ રમતોમાં ગરીબ દેશો ભાગ પણ લઈ શકતા નથી. જેમ કે, ઈક્વેસ્ટ્રિયન, સેઈલિંગ, સાયકલિંગ અને સ્વિમિંગ. આ રમતો રનિંગ, કુશ્તી કે બેડમિન્ટન કરતા ઘણી ખર્ચાળ છે. ઓછી જીડીપી ધરાવતા દેશ માટે આ રમતના ખેલાડીઓને તૈયાર કરવા લગભગ અશક્ય છે. જેમ કે, ઈથોપિયામાં દર 60 લાખની વસતીએ ફક્ત એક સ્વિમિંગ પુલ છે. હાલ ઈથોપિયાની અંદાજિત વસતી સાડા આઠ કરોડ છે. ઘણીવાર એવું બને છે કે, ગરીબ દેશે કેટલીક રમતમાંથી બહાર નીકળી જવું પડે છે. એક સમયે હોકીમાં ભારતનો ડંકો વાગતો હતો. ઓલિમ્પિકમાં વર્ષ 1928થી 1968 સુધીના હોકીના તમામ સુવર્ણ ચંદ્રક ભારતના નામે છે. પરંતુ પછી ભારત અચાનક હોકીમાં નબળું કેમ પડી ગયું? સ્પોર્ટ્સ એનાલિસ્ટો જણાવે છે કે, જ્યારથી હોકી ઘાસના મેદાન પરથી સિન્થેટિક પિચ પર રમાવાની ચાલુ થઈ ત્યારથી ભારત ફક્ત એક ચંદ્રક જીતી શક્યું છે. સાયકલિંગ, રોવિંગ જેવી રમતોમાં કેમ ધનિક દેશો જ ઉજ્જવળ દેખાવ કરે છે. કારણ કે, આ રમતો અત્યંત ખર્ચાળ છે અને ગરીબ દેશોને તેનો ખર્ચ પોસાય એમ નથી. આવા વિવિધ પાસાંને ધ્યાનમાં રાખીને સંશોધકોએ અનુમાન કર્યુ છે કે, વર્ષ 2016ના રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં બ્રાઝિલ 15 ચંદ્રકો જીતીને 21મા સ્થાને રહેશે.

આ અંગે ગરીબ દેશોને એવી સલાહ આપવામાં આવે છે કે, વધુને વધુ ચંદ્રકો જીતવા માટે તમે જે રમતમાં સૌથી વધુ સારો દેખાવ કરી શકતા હોવ તે રમતમાં તમારા શ્રેષ્ઠ ખેલાડીઓને ઉતારો. આ રમતો પાછળ પૂરતા નાણાં ખર્ચો અને ચંદ્રકો જીતવા તે રમત અને ખેલાડીમાં પૂરેપૂરો વિશ્વાસ રાખો. જોકે, અર્થશાસ્ત્રીઓનો એક વર્ગ વાજબી રીતે જ એવી દલીલ કરે છે કે, ભારત જેવા દેશે કે જ્યાં જીવનજરૂરી ચીજવસ્તુઓની પણ અછત છે તેણે ચંદ્રકો જીતવા શા માટે ખર્ચ કરવો જોઈએ? આ ઉપરાંત એક એવી પણ દલીલ કરાય છે કે, શું આપણે રમતગમતમાં વિજેતાઓ પેદા કરીને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આવી સફળતા મેળવી શકીશું? આ અર્થશાસ્ત્રીઓની દલીલ છે કે, ગરીબ દેશો માટે શિક્ષણ, ઘર અને આરોગ્ય પાછળ ખર્ચ કરવો વધુ હિતાવહ છે. રમતગમત તો ફક્ત મનોરંજન છે, જ્યારે બાકીની તમામ જરૂરિયાતો છે. પરંતુ રમતગમતની તરફેણ કરતા અર્થશાસ્ત્રીઓ કહે છે કે, રમતગમતમાં સફળતા સૂક્ષ્મ રાષ્ટ્રીય ભાવના પેદા કરે છે અને પ્રજાનો ઉત્સાહ વધે છે. રમતગમતમાં ઉજ્જવળ દેખાવ કરતા દેશના લોકો અન્ય ક્ષેત્રમાં પણ આત્મવિશ્વાસથી સારો દેખાવ કરવા પ્રેરાય છે.

આમ રમતગમતમાં સારો દેખાવ કરવા રોકાણ કરવું જરૂરી છે. વિશ્વનો આર્થિક ઈતિહાસ સાક્ષી છે કે, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, જર્મની અને અમેરિકામાં પણ આર્થિક સફળતા અને રમતગમતમાં દેખાવ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આર્થિક તાકાત વધતા સરકાર રમતગમત સહિતના ક્ષેત્રોમાં સારો ખર્ચ કરી શકે છે, અને સફળતાનું ચક્ર શરૂ થઈ જાય છે. પરંતુ આર્થિક શક્તિ નબળી પડતા જ ચંદ્રકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઘટી જાય છે. તો પછી ભારત જેવો નીચો જીડીપી ધરાવતો દેશ રમતગમત પાછળનો ખર્ચ કેવી રીતે કરી શકશે? અર્થશાસ્ત્રીઓ પાસે કદાચ આનો જવાબ નહીં હોય!

ઓલિમ્પિક 2040માં ચંદ્રકો જીતવામાં ભારત બીજા નંબરે હશે

ઓલિમ્પિક દરમિયાન અનેક અર્થશાસ્ત્રીઓ વસતી, માથાદીઠ જીડીપી, ભૂતકાળનો દેખાવ અને ઓલિમ્પિક કયા દેશમાં રમાઈ રહ્યો છે તેના આધારે ભવિષ્યના વિવિધ ઓલિમ્પિકમાં કોણ વિજેતા બનશે એની ભવિષ્યવાણીઓ કરી છે. પરંતુ આપણને પ્રશ્ન થવો સ્વભાવિક છે કે, ભારત ઓલિમ્પિકમાં ક્યારે અગ્રેસર બનશે? આ અંગે ભારતીય અમેરિકન પત્રકાર ફરીદ ઝકરિયા ભવિષ્ય ભાખતા જણાવે છે કે, વર્ષ 2040નો કોઈ ઓલિમ્પિક નાઈજિરિયા કે લાઓસમાં રમાઈ રહ્યો હશે. વિશ્વમાં વિકસતા બજાર ધરાવતા દેશોની બોલબાલા હશે. આ દેશો અડધાથી પણ વધુ ચંદ્રકો જીતતા હશે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ આવશે, વર્ષ 2050 સુધીમાં ચારમાંથી એક ચાઈનીઝની ઉંમર 65 વર્ષથી વધુ હશે. જાપાનમાં પણ આવું થશે. ઓલિમ્પિક ટેબલ પર નજર કરતા જણાય છે કે, છેલ્લાં કેટલાક વર્ષોથી જાપાન ઓછા ચંદ્રકો જીતી રહ્યું છે. હવે, યુવાન વસતી અને ઝડપથી વિકસતા અર્થતંત્રો ધરાવતા દેશો સારો દેખાવ કરશે. તેથી મારું માનવું છે કે, વર્ષ 2040માં અમેરિકા, ભારત, ચીન, ઈન્ડોનેશિયા અને બ્રાઝિલ એમ પાંચ દેશો આ જ ક્રમમાં ચંદ્રકો જીતશે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

No comments:

Post a Comment