23 May, 2017

ટાગોરના 'તરંગી' વાનગી પ્રયોગો


આમશોટ્ટો દૂધેય ફેલી 
તાહાતેય કોડોલી ડોલી
શોંદેશ માખિયા દિયા તાહેય
હાપૂશ-હુપુશ શોબ્દો
ચરીદિક નિસ્તોબ્ધો
પીપરા કન્ડિયા જાયે પાતે...

ના, અહીં ગુજરાતી ફોન્ટમાં ગરબડ નથી થઈ ગઈ. તમે બરાબર જ વાંચી રહ્યા છો. રવીન્દ્રનાથ ટાગોરે  બંગાળીમાં લખેલા આ કાવ્યમાં તેમના ભોજનપ્રેમની પ્રતીતી થાય છે. કવિવર કહેવા માગે છે કે, સુંવાળા સુંવાળા આમ પાપડ (કેરીનો રસ તડકે સૂકવીને બનાવેલા પાપડ) દૂધમાં નાંખો, થોડા પોચા પોચા કેળા પણ એમાં ઝબોળો અને પછી થોડું સોંદેશ (બંગાળી મીઠાઈ) પણ લઈ લો. એ પછીની નીરવ શાંતિમાં જઠરાગ્નિ ઠરી રહ્યો હોય એવો હાપૂશ-હુપુશ (એક પ્રકારનો અવાજ) અવાજ સંભળાશે. અરે, કીડીઓ પણ ખાલી વાસણો જોઈને તેમના માળામાં પાછી ફરશે અને આંસુડા સારશે.

'નિમંત્રણ' નામના અન્ય એક કાવ્યમાં પણ ટાગોરનો કેરી પ્રેમ છતો થાય છે. એ કાવ્યમાં ગુરુદેવ કહે છે કે, બીજું કશું ના હોય તો વાંસની ટોપલીમાં ગુલાબી ઝાંયવાળી થોડી કેરીઓ રેશમના રૂપેરી રૂમાલમાં લપેટીને લાવજો... આ કાવ્યોમાં ટાગોરના ભોજનપ્રેમની માત્ર નાનકડી ઝલક મળે છે. આજે બહુ ઓછા લોકો જાણે છે કે, ટાગોરે જીવનના ઉત્તરાર્ધના આશરે ચાળીસ વર્ષ સુધી જુદી જુદી વાનગીઓ બનાવવાના પ્રયોગો કર્યા હતા. રસપ્રદ વાત એ છે કે, બાળવયે જ લખવાનું શરૂ કરનારા ટાગોરે પહેલું કાવ્ય ભોજન વિશે જ લખ્યું હતું. સાહિત્ય અને સંગીતની જેમ તેઓ સ્વાદ-સુગંધના પણ જાણતલ અને માણતલ હતા. આજકાલ તો લોકો પોતાનાથી અલગ પ્રકારનો ખોરાક ખાનારા પ્રત્યે પણ સહિષ્ણુ નથી રહી શકતા, ત્યારે ટાગોર જેવા મહામેઘાવી વિશ્વમાનવના ‘સેક્યુલર’ ભોજન પ્રેમને ખાસ યાદ કરવો જોઈએ.


રવીન્દ્રનાથ ટાગોર

ટાગોર ૧૯૦૧માં ૪૦ વર્ષની વયે (આયુષ્ય કુલ ૮૦ વર્ષ) તેમના પિતાની માલિકીની શાંતિનિકેતન એસ્ટેટમાં રહેવા જતા રહ્યા હતા. આ એસ્ટેટને તેમણે આશ્રમમાં પરિવર્તિત કરી દીધી હતી. આ આશ્રમ સ્થાપતા પહેલાં ટાગોરે અગાધ વાંચન અને પ્રવાસ કરીને અન્ય ધર્મો, સમાજ, ગીતસંગીત, કળા-સંસ્કૃતિ અને ભોજનની આદતોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ ખરા અર્થમાં વિશ્વ માનવ બની ચૂક્યા હતા. કદાચ એટલે જ ટાગોરને હોમ સિકનેસ જેવું કશું ન હતું. તેઓ નાનપણથી એક ઘરમાં લાંબો સમય સુધી રહ્યા ન હતા, કદાચ રહી શકતા જ ન હતા. શાંતિનિકેતનમાં પણ ટાગોરે અનેક ઘર અને કોટડીઓ બનાવી હતી. એ તમામ કોટડીમાં તેઓ વારાફરથી રહેવા જતા. આશ્ચર્યની વાત એ છે કે, ભોજનની બાબતમાં પણ ટાગોરે સતત આવા પ્રયોગો કર્યા હતા.

એક સમયે ટાગોરે શાંતિનિકેતનમાં ફક્ત ઉકાળેલા ભાત અને માટીના વાસણમાં બાફેલા શાકભાજી ખાવાનું શરૂ કર્યું હતું, જેથી બીજા લોકોએ પણ પરાણે એ પ્રયોગ કરવો પડતો. મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમથી  શાંતિનિકેતનમાં મહેમાન બનેલા કેટલાક સભ્યોએ ટાગોરને કહ્યું કે, લસણ પાચન માટે ખૂબ જ સારું છે. તો ગુરુદેવે સવાર-સાંજના ભોજન સાથે લસણની પેસ્ટ નાંખીને બનાવેલા ભજિયા ખાવાનું શરૂ કરી દીધું હતું. જીવનના એક તબક્કે ટાગોરને લાગ્યું કે, સૌથી ઉત્તમ આહાર તો બાફેલા શાકભાજી જ છે. વળી, બંગાળીઓ ૧૫ જાતની જુદી જુદી વાનગી બનાવવા ઘણો બધો સમય બગાડે છે. એ રીતે પણ બાફેલું ખાઈ લેવું ઉત્તમ છે. આવો વિચાર કરીને ટાગોર મહિનાઓ સુધી બાફેલા બટાકા, દૂધી, કોળું અને કારેલા પર લીંબુ નીચોવીને ખાઈ લેતા હતા.


ટાગોરે શાંતિનિકેતનમાં બનાવેલું (ક્લોકવાઈઝ) મૂળ ઘર ઉત્તરાયણ, પીળા રંગની દ્વિજ વિરામ કુટિર, ચીકણી માટીમાંથી 
બનાવેલી કુટિર શ્યામલી, સફેદ રંગનું ઘર ઉદયન અને વૃક્ષોની છાયામાં ઊભેલું પુનાસ્યા 

ટાગોર વારંવાર રહેવાનું સ્થળ બદલતા તેનાથી પરિવારના બીજા સભ્યોને ખાસ તકલીફ નહોતી, પરંતુ તેમના જાતભાતની વાનગીઓ બનાવવાના પ્રયોગોથી શાંતિનિકેતનના બીજા સભ્યો રીતસર ચિંતિત રહેતા. થોડી રમૂજી બાબત એ પણ છે કે, ગુરુદેવ ખૂબ જ ઓછું ભોજન લેતા અને ચિત્રવિચિત્ર વાનગીઓ બનાવવાના પ્રયોગો કરાવીને બીજાને ખવડાવતા. આ ઉપરાંત તેઓ રસોઈ બનાવવાથી માંડીને વિવિધ વાનગીઓની ડાઇનિંગ ટેબલ પરની સજાવટનું એક કલાકાર જેવી બારીક દૃષ્ટિથી ધ્યાન રાખતા. તેઓ બધી જ વાનગીઓ આરસપહાણના સુંદર થાળી-વાટકામાં તૈયાર કરાવતા અને પછી જ ચીવટપૂર્વક પીરસવાનું શરૂ થતું. ગુરુદેવ ભોજન લેવામાં ઓછો રસ લેતા, પરંતુ રસોઈ બનવાથી માંડીને પીરસાય ત્યાં સુધીની બધી જ બાબતોની જાત-તપાસ કરતા.

એકવાર ટાગોર એવું જાણી લાવ્યા કે, લીમડાના પાંદડાનો ગાળ્યા વિનાનો જ્યૂસ અને એરંડાના તેલમાં તળેલા પરાઠા શરીર, મગજ અને આત્મા માટે ઉત્તમ છે. થોડા દિવસ તેમણે આ પ્રયોગ પણ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ટાગોર પરિવારની સ્ત્રીઓ પણ ગુરુદેવમાં ઊંડો વિશ્વાસ રાખી તેમના વાનગી પ્રયોગોમાં સાથ આપતી. ટાગોરના પત્ની મૃણાલિની દેવીના હસ્તે જેકફ્રૂટ યોગર્ટ કરી, દહીં માલપુઆ, સુરણની જલેબી, ફૂલગોબી સોંદેશ, પરવર-જિંઘાનું રાયતું તેમજ મસ્ટર્ડ (સરસવ) પેસ્ટમાં રાંધેલા માંસ જેવી એક એકથી ચડિયાતી વાનગીઓ જન્મી હતી. બંગાળમાં દાયકાઓથી દરિયાઈ ખોરાક, સુરણ અને ખાંડથી ભરપૂર મીઠાઈઓ ભરપૂર ખવાય છે, જે તેની ભૂગોળ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને આભારી છે. શાંતિનિકેતનમાં મૃણાલિની દેવીનું અલાયદું રસોડું પણ હતું. ત્યાં તેઓ  જાતભાતના વાનગી પ્રયોગો કરતા અને ટાગોરના તરંગી વિચારોનો પણ અમલ કરતા. એ સમયે સ્ત્રીઓમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની આવડત હોય તો એ ખૂબ મોટો ગુણ ગણાતો.

ટાગોરે ૧૮૮૬માં તેમના જેવા જ ભેજાબાજોની 'ખામ ખેયેલી સભા' એટલે કે 'તરંગી લોકોની ક્લબ' શરૂ કરી હતી. આ ક્લબના સભ્યોમાં વિજ્ઞાાની જગદીશચંદ્ર બોઝ, દેશબંધુ ચિત્તરંજન દાસ, સાહિત્યકાર શરદચંદ્ર ચટોપાધ્યાય, શાસ્ત્રીય ગાયક રાધિકાનાથ ગોસ્વામી અને બંગાળી કવિ-સંગીતકાર દ્વિજેન્દ્રલાલ રે જેવી હસ્તીઓનો સમાવેશ થતો. આ ક્લબની બેઠકમાં ખાણીપીણી સૌથી મહત્ત્વનો હિસ્સો રહેતો. આ દરમિયાન ભોજનની જવાબદારી મૃણાલિની દેવી સંભાળી લેતા અને બધી જ વાનગીઓ આગવી તહેજીબથી પીરસાતી. શાંતિનિકેતનના રસોડામાં અમુક શાકભાજીની છાલ અને બિયામાંથી પણ સ્વાદિષ્ટ વાનગી બનાવવાના પ્રયોગો થયા હોવાનું નોંધાયું છે. 


બોર્નવિટાની જાહેરખબરમાં ગુરુદેવ અને દસમી જુલાઈ, ૧૯૧૨ના રોજ ગીતાંજલિના પ્રકાશન વખતે ઈન્ડિયા સોસાયટી-લંડન 
દ્વારા આયોજિત પાર્ટીનું મેન્યૂ. આ મેન્યૂમાં વિસિચિયસ (બટાકામાંથી બનતો એક પ્રકારનો સૂપ), પ્રોન (જિંઘા) કોકટેલ, એગ્સ ફ્લોરેન્ટાઈન, કિચ લોરેઇન (ઓપન પેસ્ટ્રી જેવી નોનવેજ કેક),  ચિકન અ લા કિવ,  શેફર્ડ્સ પાઈ, ફોન્ડૂ, ફિશ વેરોનિક,
રેટેટ્યૂલી  (શાકભાજીનો વઘારેલો સલાડ), બ્લેક ફોરેસ્ટ રુલેડ અને એપલ સ્ટ્રુડેલ જેવી વાનગીઓનો ઉલ્લેખ છે.

શાંતિનિકેતનમાં આવ્યા પછી ટાગોરે અમેરિકા, યુકે, ઇટાલી, સ્પેન, તૂર્કી, આર્જેન્ટિના તેમજ બાલીજાવા, મલેશિયા અને સિંગાપોરનો પ્રવાસ કર્યો હતો. ટાગોર ખરા પ્રવાસી હતા તેથી જ્યાં જાય ત્યાંથી રાજકીય, સાહિત્યિક અને ગીત-સંગીતની જેમ ભોજનની પણ ઊંડી જાણકારી લઈને આવતા. જે કોઈ દેશોમાં ટાગોરના માનમાં ભોજન સમારંભો યોજાય ત્યારે તેઓ એક મેન્યૂ કાર્ડ અચૂક સાથે રાખી લેતા. આજેય વિશ્વભારતીની આર્કાઇવ્સમાં એ મેન્યૂ કાર્ડ સચવાયેલા છે. ગુરુદેવે આપેલી માહિતીના આધારે શાંતિનિકેતનમાં પશ્ચિમી વાનગીઓ બનતી અને ફ્યૂઝન વાનગીઓના પણ પ્રયોગો થતાં. ટાગોરે પશ્ચિમી દેશોના કલાત્મક વાસણોનો પણ સંગ્રહ કર્યો હતો, જેમાં તેઓ બંગાળી વાનગીઓનો લુત્ફ ઉઠાવતા.

ટાગોરને વાંસનું શાક પણ ખૂબ જ ભાવતું. વર્ષ ૧૯૧૩માં નોબલ પુરસ્કાર મળ્યા પછી ટાગોરની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી. એ પછી ઉત્તર-પૂર્વ ભારત અને પૂર્વ બંગાળ (આજનું બાંગ્લાદેશ)ના લોકો ટાગોરને શાંતિનિકેતન મળવા આવે ત્યારે વાંસ (રાંધીને ખાઈ શકાય એવું) લઈને આવતા. આજેય આ પ્રદેશોમાં વાંસનું શાક મોટા પાયે ખવાય છે. બંગાળની પ્રખ્યાત 'ચોરચોરી' પણ ટાગોરની પસંદીદા વાનગી હતી. બટાકા, કોળું, શક્કરિયા અને રીંગણ જેવા શાકભાજીને સરસવના તેલમાં સાંતળીને બનાવાતી આ વાનગીમાં ક્યારેક માછલીનો પણ ઉપયોગ થાય છે. સવાર-સાંજનું ભોજન લેવામાં ટાગોર ટિપિકલ બંગાળી હતા, પરંતુ માંસ-માછલી અને સૂપની બાબતમાં તેઓ પશ્ચિમી હતા. જર્મનીની બોર કેમિકલ કંપનીએ ૧૮૯૮માં સેનેટોજિન નામનું બ્રેઇન ટોનિક બજારમાં મૂક્યું હતું. ગુરુદેવ રોજ રાત્રે એ પીને સૂઈ જતા. બ્રિટીશકાળમાં ટાગોર બોર્નવિટાની પ્રિન્ટ જાહેરખબરમાં દેખાયા હતા.


આ બંને પુસ્તકમાં ટાગોર પરિવારના રસોડાની અંતરંગ માહિતી મળે છે

આશ્ચર્યની વાત એ છે કે, જીવનની અંતિમ ક્ષણ સુધી લેખન કરનારા ટાગોરે અમુક કવિતાઓને બાદ કરતા ભોજન વિશે ખાસ કંઈ લખ્યું નથી. જોકે, ટાગોર પરિવારની સ્ત્રીઓ જાતભાતની વાનગીઓ અને પ્રયોગોની ડાયરીમાં નોંધ (બંગાળી ભાષામાં) કરતી. એ આદતના કારણે જ આપણને બંગાળી ભોજનના ઇતિહાસને લગતા ઉત્તમ પુસ્તકો મળી શક્યા છે. આવું જ એક પુસ્તક એટલે 'વિમેન ઓફ ધ ટાગોર હાઉસહોલ્ડ'. આ પુસ્તક ચિત્રા દેબે બંગાળીમાં જ લખ્યું હતું, જેનો સ્મિતા ચૌધરી અને સોના રોયે અંગ્રેજી અનુવાદ કર્યો છે. પેગ્વિન ઈન્ડિયાએ ૨૦૧૦માં પ્રકાશિત કરેલા આ પુસ્તકમાં ટાગોર પરિવારની સ્ત્રીઓ સાથે સંકળાયેલો રોચક ઇતિહાસ આલેખાયો છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસે 'કલિનરી કલ્ચર ઓફ કોલોનિયલ ઇન્ડિયા' નામે પ્રકાશિત કરેલા પુસ્તકમાં પણ ટાગોર પરિવારના રસોડાની માહિતી મળે છે. ટાગોર પરિવારના રસોડામાં શું બનતું, ટાગોર પરિવારની સ્ત્રીઓએ કઈ કઈ વાનગીઓની શોધ કરી તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં ટાગોર પરિવારના અમૂલ્ય પ્રદાન વિશે જાણકારી મેળવવા માગતા લોકો માટે આ બંને પુસ્તકો તૃપ્તિનો લાંબો ઓડકાર આપે એવા છે.

આશરે ત્રણ સદીનો ઇતિહાસ ધરાવતા ટાગોર પરિવારે રાજકીય, સામાજિક, સાહિત્ય, ગીત-સંગીતની જેમ ભારતની આહાર સંસ્કૃતિના વિકાસમાં પણ જબરદસ્ત પ્રદાન આપ્યું છે એ વાંચતી વખતે અચંબિત થયા વિના રહી શકાતું નથી!

22 May, 2017

સિલ્ક રૂટઃ ૨૧મી સદીનું ચાઇનીઝ સપનું


ભારત હજુયે ગાયનું પૂંછડું પકડીને જલ્લીકટ્ટુના આખલાની જેમ વિકાસદોડ લગાવવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે ચીન બે હજાર વર્ષ જૂનો સિલ્ક રૂ સજીવન કરીને સુપરપાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વિવાદો અને મુશ્કેલીઓ તો દરેક દેશમાં હતી અને છે, પરંતુ તેનો ઉકેલ તેઓ કેવી રીતે લાવે છે એના આધારે દેશ-સમાજ મહાન બનતા હોય છે. ચીન ૫૦૦ અબજ ડૉલરના ખર્ચે 'વન બેલ્ટ, વન રોડ' નામની યોજના હેઠળ ' સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ એન્ડ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી મેરીટાઈમ સિલ્ક રોડ' તૈયાર કરી રહ્યું છે. આશરે બે હજાર વર્ષ જૂનો જમીન અને દરિયાઈ સિલ્ક રૂ પુનઃજીવિત કરીને તગડો અને ઝડપી નફો કરવાનું સપનું સાહસિક પ્રજાના વારસદારો જોઈ શકે! ઈસ. પૂર્વે ૨૦૬થી આશરે ૪૦૦ વર્ષ સુધી ચીનમાં શાસન કરનારા હાન વંશના રાજાઓએ વેપાર કરવા અરેબિયા, આફ્રિકા, યુરોપ સુધી જમીન અને દરિયાઈ માર્ગો શોધવાનું સપનું જોયું હતું. સપનું તેમણે શૂરવીર સેનાપતિઓ અને છપ્પનની છાતી ધરાવતા પ્રવાસીઓની મદદથી હકીકતમાં પલટ્યું હતું.

ઈસ. પૂર્વે ૧૫૬માં થઈ ગયેલા હાન વંશના રાજા વુએ ચાઈનીઝ પ્રદેશની બહારના સામ્રાજ્યોની માહિતી મેળવવાની અને તેમની સાથે ધંધો-વેપાર તકો શોધવાની જવાબદારી ઝાન કિઆન નામના અધિકારીને સોંપી હતી. આદેશ મળતા હાન સામ્રાજ્યમાં ઉચ્ચ હોદ્દો ભોગવતા ઝાન કિઆને બીજા અધિકારીઓને હુકમ  કરવાના બદલે પોતે બહાદુર સૈનિકોની ટુકડી તૈયાર કરીને દરિયો, જંગલો અને ડુંગરો ખૂંદીને નવા રસ્તા શોધવા નીકળી ડ્યો હતો. મિશન હેઠળ તેણે સળંગ ૨૫ વર્ષ જમીન અને દરિયાઇ માર્ગે રઝળપાટ કરીને આજના કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, તાજિકિસ્તાન, તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, આફ્રિકા અને યુરોપિયન વિસ્તારોની માહિતી ભેગી કરી હતી. ઝાન કિઆને આ તમામ દેશોની માહિતી આપતા વિસ્તૃત અહેવાલો રાજા વુને મોકલ્યા હતા. આ અહેવાલોમાં તેણે કયા વિસ્તારમાં કોનું રાજ છે?, તેમની સેના અને શસ્ત્રો કેવા છે?, જે તે દેશના લોકોનો શારીરિક દેખાવ કેવો છે?, તેઓ ખેતી કેવી રીતે કરે છે? તેમજ તેઓ કેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે? વગેરે સવાલોના જવાબ આપ્યા હતા.

બે હજાર વર્ષ પહેલાં ઝાન કિઆને શોધેલો પ્રાચીન સિલ્ક રૂટ

આ તમામ દેશોમાં લઈ જતા રસ્તા શોધવામાં ઝાન કિઆને લૂંટફાટ કરતી જાતિઓ, કુદરતી આફતો, ભૌગોલિક સ્થિતિ અને અને મનોબળ તોડી નાંખતા વિપરિત હવામાનનો સામનો પણ કરવો પડ્યો. જોકે, આ તમામ મુશ્કેલીઓનો ઝાન કિઆને હોંશિયારીથી માર્ગ કાઢ્યો કારણ કે, તે વિચક્ષણ બુદ્ધિમતા, ઠંડી તાકાત અને બાવડામાં અખૂટ તાકાત ધરાવતો યોદ્ધો તેમજ મગજ ચકારાવે ચડાવી દે એવા વ્યૂહ ઘડી શકનારો સેનાપતિ પણ હતો. તેણે કેટલાક વિસ્તારોની જાતમુલાકાત લીધી, તો કેટલાક સ્થળે વફાદાર અને આજ્ઞાંકિત સાથીદારોને મોકલીને સચોટ માહિતી ભેગી કરી. રસપ્રદ વાત છે કે, ઝાન કિઆનના મૃત્યુના આશરે ૧૦૦ વર્ષ પછી થઈ ગયેલા ચાઇનીઝ ઇતિહાસકાર સીમા કિઆને 'રેકોર્ડ્સ ઓફ ગ્રાન્ડ હિસ્ટોરિયન' નામના ગ્રંથમાં પ્રવાસની રજેરજની વિગતો નોંધી છે. ગ્રંથ પ્રમાણે, ઝાન કિઆને તેના સાથીદારોની મદદથી ભારતની માહિતી આપતા અહેવાલમાં લખ્યું છે કે, ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્યની દક્ષિણ પૂર્વે શેંડુ સામ્રાજ્ય આવેલું હોવાનું મને જાણવા મળ્યું છે. લોકો પણ ખેતી કરે છે. ત્યાંનું વાતાવરણ ગરમ અને ભેજવાળું છે. લોકો યુદ્ધમાં જાય ત્યારે હાથીઓનો ઉપયોગ કરે છે. સામ્રાજ્ય શેંડુ નદીના કિનારે આવેલું છે...

તમને ખ્યાલ આવી ગયો હશે કે, ઝાંગ કિઆન 'શેંડુ' એટલે કે સિંધુ સંસ્કૃતિની વાત કરી રહ્યો છે. ગ્રેકો બેક્ટ્રિયન સામ્રાજ્ય એટલે આજનું ઇરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. અહીં ગ્રેકો એટલે ગ્રીકો અને બેક્ટ્રિયન એટલે ઈરાનના લોકોનું સામ્રાજ્ય હતું. ઝાન કિઆનના મિશન થકી ચીનને ઘોડાને ખવડાવવાના રજકોના બીજ, મજબૂત ખરી ધરાવતા ઘોડા, ભારતીય સંગીત અને જ્યોતિષ શાસ્ત્ર, આયુર્વેદિક દવાઓ, જાતભાતના રોગોમાં અકસીર વનસ્પતિઓ, મસાલા, બૌદ્ધ જ્ઞાન, ઇસ્લામિક વિચાર તેમજ માર્શલ આર્ટ જેવી વિદ્યાનો પરિચય થયો. એવી રીતે, ચીને ભારત, આફ્રિકા અને યુરોપને કાગળ, ચાઈનીઝ ચા, ગન પાવડર, હોકા યંત્ર, ચિનાઇ માટીના વાસણો તેમજ તાઓ અને કોન્ફ્યુશિયસના વિચારોની ભેટ આપી

કેરળમાં સદીઓથી એક બાજુ લાકડાનો સીધો અને બીજી બાજુ ગોળાકાર મૂઠ ધરાવતા તાંસળા આકારના વાસણનો ઉપયોગ થાય છે, જે ચીનની દેન છે. ચીનમાં 'વૉક' નામે ઓળખાતા વાસણથી નુડલ્સ, સૂપ સહિતની કોઈ પણ વાનગી બનાવી શકાય છે. દક્ષિણ ભારતના દરિયા કિનારે આજેય માછલી પકડવાની ચાઇનીઝ નેટ અને પદ્ધતિનો ઉપયોગ થાય છે. વિદ્યા પણ ત્યાં સુધી સિલ્ક રૂ થકી આવી હતી. ઝાંગ કિઆનની સાહસિક યાત્રા પછી એશિયા અને યુરોપ એકબીજાની વધુ નજીક આવ્યા અને વેપારની સાથે પ્રચંડ સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ થયું. વિશ્વને ચીનની સંસ્કૃતિનો પરિચય આપવા બદલ તેમજ ચીનને વૈશ્વિક સંસ્કૃતિથી પરિચિત કરાવવા બદલ ઝાંગ કિઆન આજેય ચીનના 'નેશનલ હીરો' ગણાય છે.
અનેક દેશોમાં વપરાતું ચાઈનીઝ વૉક નામનું આ વાસણ
દુનિયાભરમાં સિલ્ક રૂટ થકી પહોંચ્યું હતું

ઝાન કિઆન અને તેણે શોધેલા રસ્તાને ‘સિલ્ક રૂટ’ નામ
આપનારા જર્મન વિજ્ઞાની ફર્ડિનાન્ડ વોન રિક્થોફેન  


ઝાંગ કિઆને શોધેલા રૂ થકી ચાઈનીઝ, આરબો, ભારતીયો, સોમાલિયનો, સીરિયનો, ઈરાનિયનો, તૂર્કો, પર્શિયનો, જ્યોર્જિયનો (આજના રશિયન, યુક્રેનિયન), સોગેડિયનો (આજના ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન), ગ્રીકો અને રોમનો (ગ્રીકો-રોમનો જુદા છે) સંપર્કમાં આવ્યા અને પરસ્પર વેપાર કરતા થયા. રસ્તે ચીનના વેપારીઓએ સદીઓ સુધી સિલ્ક એટલે કે રેશમનો ધીકતો ધંધો કર્યો. ઇસ. ૧૮૬૮થી ૧૮૭૨ વચ્ચે જર્મન પ્રવાસી, વિજ્ઞાની અને ભૂગોળવેત્તા ફર્ડિનાન્ડ વોન રિક્થોફેને ચીનની સાત વાર મુલાકાત લઈને સિલ્કના વેપારની ખાસ નોંધ લીધી હતી. રસ્તાને તેમણે જ સૌથી પહેલાં ‘સિલ્ક રૂ નામ આપ્યું હતું. ચીનના લોકો સુરક્ષિત વેપાર માટે અત્યંત સભાન હતા અને એટલે વેપાર માટે સારા માર્ગો શોધવા સાહસયાત્રાઓ કરતા કે ધનદોલત ખર્ચતા ખચકાયા હતા. ચીનની દીવાલ બાંધવાનો એક હેતુ સિલ્ક રૂટનું રક્ષણ કરવાનો પણ હતો. જૂન ૨૦૧૪માં યુનેસ્કોએ મધ્ય ચીનથી મધ્ય એશિયા સુધી જતા પાંચ હજાર કિલોમીટર લાંબા પ્રાચીન સિલ્ક રૂટને 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' જાહેર કરી હતી.

પ્રાચીન સિલ્ક રૂ શોધાયાની સદીઓ પછી, આશરે ૧૫મી સદીની રૂઆતમાં, મિંગ વંશના નૌકાકાફલાના કપ્તાન ઝેંગ હેએ સાત વાર હિંદ મહાસાગરના રસ્તે જુદા જુદા દેશોની મુલાકાત લીધી. ઝેંગ હેએ શ્રીલંકાના ગેલ શહેરની મુલાકાત લીધી. ત્યાં તેણે ચાઈનીઝ, પર્શિયન અને તમિળ ભાષામાં હિંદુ દેવીદેવતાઓને વિનંતી કરતો એક શિલાલેખ કોતરાવીને લખાવ્યું કે, હે ઇશ્વર હું વેપાર-ધંધા થકી એક શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માંગું છું. મારા પ્રયત્નોમાં મને સાથ આપો... આશરે સદી પહેલાં લખાવેલા શબ્દો આજેય કોલંબો નેશનલ મ્યુઝિયમના અડીખમ શિલાલેખમાં વાંચવા મળે છે.

નાઉ કટ ટુ૨૦૧૭.

ઝેંગ હેની સાહસયાત્રાની સદી પછી ચાઈનીઝ પ્રમુખ શી જિનપિંગ પણ 'વન બેલ્ટ, વન રોડ' યોજના હેઠળ વેપાર-ધંધા વધારીને શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન કરવા માગે છે. જિનપિંગની સ્વપ્નિલ યોજના હેઠળ બીજી પણ અનેક વિશાળ યોજનાઓ આકાર લઈ રહી છે. પ્રાચીન સિલ્ક રૂટને પુનઃજીવિત કરવો ચીનની વિદેશ નીતિનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. યોજના હેઠળ ચીન બાંગ્લાદેશ-ચીન-ભારત-મ્યાંમાર ઇકોનોમિક કોરિડોર, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, ચોંગકિંગ-શિનજિયાંગ-જર્મની રેલવે તેમજ યિવૂ-લંડન રેલવે લાઈન જેવી યોજનાઓ પર કામ કરી રહ્યું છે. ચીન મેરીટાઇમ સિલ્ક રોડ એટલે કે ચોક્કસ દરિયાઇ રૂટનો અમલ કરવા પણ પ્રયત્નશીલ છે. યોજના માટે ચીન વિશ્વના લગભગ બધા દેશોને મનાવવામાં સફળ રહ્યું છે

મલેશિયાના મલાકા શહેરમાં ઊભેલું ઝેંગ હેનું પૂતળું અને બાજુમાં
શ્રીલંકાના ગેલ શહેરમાં તેણે તૈયાર કરાવેલો શાંતિનો શિલાલેખ 

ચીનનું કહેવું છે કે, યોજનાથી યુરેઝિયા (યુરોપ-એશિયા)નો સંયુક્ત વિકાસ થશે, આર્થિક સહકાર વધુ મજબૂત અને ઊંડા બનશે, યોગ્ય રસ્તા બનાવવાથી સમય અને પૈસા બચશેવેપાર ઝડપી બનશે તો રોકાણો પણ ઝડપથી આવશે તેમજ સાંસ્કૃતિક આદાનપ્રદાન વધશે.ચીને બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા) દેશો સાથે મળીને ન્યૂ ડેવપમેન્ટ બેંકની પણ રચના કરી છે, જેના થકી સિલ્ક રોડની યોજનાઓમાં રોકાણની તકો અનેકગણી વધી જશે. સિલ્ક રૂટ મુદ્દે ચર્ચાવિમર્શ કરવા ૧૪-૧૫ મેના રોજ બેજિંગમાં યોજાયેલી ૦થી વધુ દેશની બેઠકમાં ચીને કહ્યું હતું કે, આ રૂટ થકી ચીન શાંતિપૂર્ણ રીતે વિશ્વ વેપાર કરવા માંગે છે અને બીજા લોકોને પણ તેમાં સહભાગી બનાવવા ઈચ્છીએ છીએ. અમે તમામ દેશના સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીઅે. ચીને સિલ્ક રૂટના ટુરિઝમ વિશે વિચારવાનું પણ ચાલુ કરી દીધું છે વગેરે... 

જેબ્બાત. ૨૧મી સદીમાં ફક્ત બંદૂકની ગોળીથી રાજ નહીં થઈ શકે વાત ચીનના મોડર્ન ઝાન કિઆન ઉર્ફે શી જિનપિંગ જાણે છે. અત્યારે તો ડ્રેગન આવી ડાહી ડાહી વાત કરી રહ્યો છે, પરંતુ ચીન ક્યારે શું કરશે  કળી શકાય એમ નથી. એવું પણ નથી કે, સિલ્ક રૂટની મદદથી ચીન બીજા દેશોની જમીનો જ પચાવી પાડવા માગે છે, પરંતુ સિલ્ક રૂટ યોજનામાં ચીને લશ્કરી નીતિ પણ સમાવાઈ છે. જેમ કે, ચીને પહેલેથી જ સ્પષ્ટતા કરી હતી કે, પાકિસ્તાનમાં ગ્વાદર બંદર તૈયાર થઈ ગયા પછી અમારો નૌકાકાફલો ત્યાં તૈનાત રહેશે. એટલે જ સિલ્ક રૂટ યોજના ભારત માટે સૌથી વધુ સંવેદનશીલ છે. બીજા કેટલાક દેશો પણ આ યોજનામાં શરતો મૂકીને સાવચેતીથી આગળ વધી રહ્યા છે.  

આપણે ભવિષ્ય જોઈ શકતા નથી પરંતુ ઇતિહાસ પર નજર જરૂર કરી શકીએ છીએ. શ્રીલંકામાં શાંતિનો સંદેશ કોતરાવનારા ઝેંગ હેએ આજના શ્રીલંકા, ઇન્ડોનેશિયા, મ્યાંમાર અને દક્ષિણ ભારતના દરિયા કિનારે આવેલા સામ્રાજ્યોમાં કઠપૂતળી સરકાર બેસાડવા વંશપરંપરાગત શાસનમાં લશ્કરી હસ્તક્ષેપ કર્યો હતો. ઝેંગ હે 'શાંતિદૂત' હતો પણ તેને ચીનના શાસન હેઠળ શાંતિપૂર્ણ શાસન ખપતું હતું! શ્રીલંકાના સાર્વભૌમત્વના પ્રતીકસમા ભગવાન બુદ્ધનો એક દાંત હાલ ચીન પાસે છે, જે ઝેંગ હે લઈ ગયો હતો. આજના સિલ્ક રૂટથી ચીન સહિત બધા દેશને ફાયદો થવાનો છે વાત ખરી, પરંતુ ચીન સિલ્ક રૂ થકી કોઈ દેશમાં સીધી લશ્કરી દખલગીરી નહીં કરે એવું ખાતરીથી કોઈ કહી શકે એમ નથીહવે આપણે શું કરવું જોઈએ

ઈતિહાસ વિજેતાઓ લખતા હોય છે અને તક દરેકને મળતી હોય છે. આપણે નકલી રાષ્ટ્રવાદ, દંભી સર્વધર્મ સમભાવ અને પાયાથી ખોખલા સમાનતાના અવગુણોને છુપાવવા ડાલ ડાલ પે સોને કી ચીડિયા, મહાન સંસ્કૃતિ, પ્રાચીન જ્ઞાન અને મેરા ભારત મહાનની પિપૂડી વગાડ્યા કરવી છે કે પછી વિજ્ઞાન અને વેપાર ક્ષેત્રે આકાશી ઉડાન ભરવાનું શૌર્ય બતાવવું છે?

જવાબ ફક્ત રાજકારણીઓએ નહીં, આપણે બધાએ આપવાનો છે!