20 December, 2017

ગૂગલ કે ફેસબૂક જેવા 'ડિજિટલ દેશો'નો સુપરપાવર


લોકશાહીમાં પ્રજાને મત આપવાનો હક મળે છે. એ 'મત' પ્રજાનો અભિપ્રાય (ઓપિનિયન) અને અવાજ (વોઇઝ) છે. લોકતાંત્રિત પદ્ધતિમાં રાજ કરવા નેતાઓને પ્રજાની સંમતિ મળે છે પણ એ 'અધકચરી' હોય છે. એટલે જ લોકશાહી શાસનની સર્વોત્તમ પદ્ધતિ નથી, પરંતુ શાસન કરવાનો તેનાથી સારો વિકલ્પ પણ બીજો કોઈ નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા હોવા છતાં ઈન્ટરનેટ પર હજારો લોકો તેમને કેમ ધિક્કારી રહ્યા છે? અમેરિકાની જ થિંક ટેન્ક પ્યૂ રિસર્ચે કરેલા સર્વેક્ષણ પ્રમાણે, ફક્ત વીસ ટકા અમેરિકનોને વ્હાઈટ હાઉસમાંથી ચાલતી સરકારમાં વિશ્વાસ છે. આવું કેમ? આ પ્રકારના પ્રશ્નોના કારણે લોકશાહી સામે પણ આંગળી ચીંધાવી સ્વાભાવિક છે, અને ચીંધાવી જ જોઈએ. જાહેર ચર્ચાવિમર્શથી જ લોકશાહી વધુ પરિપક્વ બને છે.

આ તો સ્ટેટ, નેશન એટલે કે ભારત, ચીન, અમેરિકા અને બ્રિટન જેવા દેશોની વાત થઈ, પરંતુ ઈન્ટરનેટ યુગમાં ફેસબૂક અને ટ્વિટર જેવા 'નેટ સ્ટેટ' કે 'ડિજિટલ સ્ટેટ' પણ અસ્તિત્વમાં આવ્યા છે. હવે દુનિયામાં ફક્ત સ્ટેટ-નેશનનો ઈજારો નથી. આપણે ડિજિટલ દેશોના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. ભારત જેવા દેશો પૃથ્વી પર છે, જ્યારે ફેસબૂક, ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવા દેશો ઈન્ટરનેટ પર. પાયાનો ફર્ક આટલો જ છે, બાકી બંને પ્રકારના દેશ વચ્ચે ઘણી સામ્યતાઓ છે. સાચુકલા દેશોની જેમ ડિજિટલ દેશમાં પણ જુદા જુદા અભિપ્રાયો આપતા લોકો છે. ત્યાં પણ રાજકીય પક્ષો છે, જૂથો (ગ્રૂપ્સ) છે, વાડાબંધી છે, સમાજ છે, વિચારોનું આદાનપ્રદાન છે અને અસામાજિક તત્ત્વો પણ છે.




એક સીધાસાદા ઉદાહરણથી આ મુદ્દો સમજીએ. જેમ કેફેસબૂક એક નેટ સ્ટેટ કે ડિજિટલ સ્ટેટ છે. ફેસબૂકના કુલ યુઝર્સ બે અબજ છે, જેને ફેસબૂક નામના દેશની વસતી ધારી લઈએ. ચીનની વસતી ૧.૪૦ અબજ છે એટલે ફેસબૂક પર મૂકાતા અભિપ્રાયો કેટલા મહત્ત્વના છે એ સમજી શકાય એમ છે. ફેસબૂક પર પણ દેશમાં હોય છે એવો બોલકો વર્ગ છે. આ વર્ગનો અવાજ બુલંદ છે અને વત્તે-ઓછે અંશે તેની અસર ચૂંટણીઓ પર પડે છે. ઈન્ટરનેટના કારણે આખું વિશ્વ એક ગામડું (ગ્લોબલ વિલેજ-વિશ્વગ્રામ) બની રહ્યું હોવાથી ડિજિટલ દેશોની અવગણના ના કરી શકાય. ડિજિટલ દેશમાં કોમ્યુનિકેશન અત્યંત ઝડપી છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની અસર ફ્રાંસ, બ્રિટન કે ભારત પર પણ પડી શકે છે. અત્યારે એ અસર ઓછી હશે, પરંતુ ભવિષ્યમાં એ વધશે. 

ડિજિટલ દેશમાં અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથો પણ છે. આ પ્રકારના નાના-મોટા વિધ્વંસક જૂથો વાંદરા જેવા છે, જે ઈન્ટરનેટની નિસરણી પર ચઢીને દુનિયાભરમાં આતંક-અરાજકતા ફેલાવી રહ્યા છે. ઈન્ટરનેટના કારણે જ શસ્ત્રો વિનાનું યુદ્ધ વધુ ગંભીર બની ગયું છે. સોશિયલ મીડિયામાં ખેલાતા યુદ્ધમાં ગોળીઓ નથી છૂટતી પણ વિધ્વંસક વિચારોની મિસાઇલો છૂટે છે. આ વિચારો ગમે ત્યાં ગોળીઓ છોડાવી શકે છે. ઇસ્લામિક સ્ટેટે ફેસબૂક, ટ્વિટર અને યુ ટ્યૂબ પર કરેલા કુપ્રચારના કારણે જ અમેરિકાથી લઈને યુરોપ સુધી કત્લેઆમ થઈ રહી છે. કટ્ટરવાદી વિચારધારાનો ફેલાવો પણ પરમાણુ હથિયારો જેટલો જ ખતરનાક છે.

કટ્ટરવાદી વિચારો એક દેશ માટે જેટલા ખતરનાક છે, નાથી પણ વધુ જોખમી ડિજિટલ દેશોમાં છે કારણ કે, આ દેશો ખુદ એક ‘કોમ્યુનિકેશન ચેનલ’ છે. કટ્ટરવાદના ઝેરની અસર પેઢી દર પેઢી આગળ વધતી રહે છે અને ડિજિટલ દેશમાં તો તે જંગલની આગની જેમ ફેલાય છે. જોકે, ડિજિટલ દેશના ‘નેટિઝન’ આવું કંઈ વિચારતા નથી. ત્યાં તો લાઈક્સ, હીટ્સ, કોન્ટેક્ટ્સ, બિઝનેસ અને ફાસ્ટફૂડિયા વિચારોની બોલબાલા છે. સત્ય, આદર્શ, સિદ્ધાંતોનું પાલન કરવા હિંમત અને ધીરજ જોઈએ પણ એ બધું બોરિંગ છે, જ્યારે ઘાંટા પાડીને કહેવાતા જૂઠમાં થ્રીલ છે. તેમાં દલીલબાજી કરીને સામેવાળાને ચૂપ કરી દેવાનો વિકૃત આનંદ પણ મળે છે. બાવા, બાપુ, બાબા અને ક્યારેક પત્રકારોનું હળવું ચિંતન મમળાવતી પ્રજા લાંબુ વિચારવાની તસ્દી ના લેતી હોય તો એમાં નવાઈ ના લાગવી જોઈએ. આ પ્રકારની પ્રજા મનલુભાવન અને ઉપરથી તાર્કિક લાગતી જૂઠી દલીલો ગોખીને પલાયનવાદ સ્વીકારી લે છે. કમનસીબે, તેમાં મીડિયોકર લેખકો-કોલમકારો (પત્રકારો નહીં)નો પણ સમાવેશ થાય છે. જાહેરમાં શાબ્દિક હિંસા પર ઉતરવાને મર્દાનગી સમજતા એ કલમઘસુઓના કારણે જ સામાન્ય નાગરિકો પણ તેમના જેવું જ (મીડિયોકર) બોલતા અને વિચારતા શીખતા જાય છે. 





જોકે, ડિજિટલ દેશની એક વાત સારી છે. ત્યાં ખેલાતા યુદ્ધ મોટા ભાગે અહિંસક હોય છે, જેથી વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી નથી. ગૂગલફેસબૂક અને ટ્વિટર જેવા ડિજિટલ દેશની સરખામણી અમેરિકા જેવા સુપરપાવર સાથે પણ કરી શકાય કારણ કે, તેઓ પણ વિકસિત દેશોની જેમ બીજા દેશોમાં બિઝનેસ કરવા શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવતા ખચકાતા નથી. આ દેશોમાં પણ નાના-નાના જૂથો હોય છે. એ લોકોને પાર્ટી-શાર્ટી અને ફન, ફિલ્મ્સ સિવાય બીજા કશામાં રસ નથી. ઈન્ટરનેટ પર આવેલા ઈન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કંઈક એવા જ ડિજિટલ દેશો છે. આ પ્રકારના દેશો પૃથ્વી પરના સંપૂર્ણ વિકસિત દેશો જેવા છે, જ્યાં લગભગ બધું જ સુંદર અને સારું છે અને ત્યાંની લાઈફ સ્મૂધ એન્ડ સ્લો છે. જેમ કે, અત્યંત સુખી-સમૃદ્ધ સ્કેન્ડેનેવિયન દેશો. યુરોપના સ્કેન્ડેનેવિયા નામના પ્રદેશમાં આવેલા ડેનમાર્ક, નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ અને આઈસલેન્ડ વગેરે સ્કેન્ડેનેવિયન દેશો તરીકે ઓળખાય છે.

એ દેશોમાં બધાને બધુ સહેલાઈથી મળી ગયું છે, પરંતુ મુશ્કેલી ભારત કે અમેરિકા જેવા દેશોની છે. એટલે જ આ દેશોમાં એક્ટિવિઝમ છે. ડિજિટલ સ્ટેટની સાથે ડિજિટલ એક્ટિવિઝમનો પણ જન્મ થયો છે. વિકિલિક્સ અને એનોનિયમ્સ જેવા હેક્ટિવિસ્ટ (હેકર+એક્ટિવિસ્ટ) અમેરિકા જેવા સુપરપાવરની સાથે ગૂગલ જેવા ડિજિટલ દેશોને પણ આડકતરી રીતે ભીંસમાં રાખે છે. તંદુરસ્ત લોકશાહીમાં એ પણ આવકાર્ય છે. ડિજિટલ દેશોના 'નાગરિકો'ની રાષ્ટ્રીયતા જુદી જુદી હોય છે. જેમ કેફેસબૂક કે ટ્વિટર જેવા ડિજિટલ સ્ટેટના યુઝર્સ ફક્ત એક જ દેશમાં નથી રહેતા પણ દુનિયાભરમાં ફેલાયેલા છે. આ બધા જ નાગરિકો જુદા જુદા દેશ, ધર્મ, જાતિ, રંગના હોવા છતાં સહેલાઈથી એકબીજા સાથે જોડાઈને 'એક' થઈ રહ્યા છે, જે ભવિષ્યના સોશિયલ મીડિયાની સૌથી મોટી તાકાત હશે!

આ વાત પણ એક ઉદાહરણથી સમજીએ. ઈન્ટરનેટની દુનિયાના સુપરપાવર ગણાતા ગૂગલે ૨૦૧૩માં  સારું કામ કરતી નાની-નાની ન્યૂઝ વેબસાઇટને સાયબર હુમલાથી બચાવવા 'પ્રોજેક્ટ શિલ્ડ' ચાલુ કર્યો હતો. આ યોજનાનો હેતુ ચૂંટણીઓ વખતે મતદારો જાગૃત થાય એવું કન્ટેન્ટ પીરસતી, માનવાધિકારોને પ્રોત્સાહન આપતી તેમજ વાણી સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોની તરફેણ કરતી ન્યૂઝ વેબસાઈટને ઓનલાઈન ગુંડાગીરી સામે ફ્રીમાં સુરક્ષા પૂરી પાડવાનો હતો. એ માટે ગૂગલે કેટલાક ધારાધોરણો બનાવીને અમુક વેબસાઇટ પસંદ કરી. એ પસંદગી કરતી વખતે ગૂગલે એ વેબસાઇટ કયા દેશની છે એ ના વિચાર્યું, પણ ગૂગલે ફક્ત કન્ટેન્ટના આધારે એ વેબસાઇટોની પસંદગી કરી હતી. આમ પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં આવે ત્યારે સ્પિરિટ બતાવવામાં મેઇન સ્ટ્રીમ કરતા સોશિયલ મીડિયા વધુ આક્રમક પુરવાર થાય છે કારણ કે, તેનો ઢાંચો જ લોકતાંત્રિક છે. છાપા કે ચેનલમાં સામાન્ય વ્યક્તિનો સીધો કોઈ અવાજ નથી હોતો, પરંતુ સોશિયલ મીડિયામાં એ ખામી નથી. 




ગૂગલના પ્રોજેક્ટ શિલ્ડ સામે અમેરિકા કે યુરોપિયન દેશોને વાંધો ન હતો, પરંતુ આફ્રિકા, એશિયાના દેશોએ આ યોજનાને ગેરકાયદે ગણાવી હતી. એટલું જ નહીં, કેટલાક દેશોમાં પ્રોજેક્ટ શિલ્ડને ગૂગલનું કાવતરું કે ગોરખધંધા પણ ખપાવી દેવાઈ હતી. જોકે, હજુયે આ યોજના ચાલુ છે કારણ કે, પ્રોજેક્ટ શિલ્ડ સાથે ગૂગલનો પાયાનો સામાજિક પરિવર્તનનો ખ્યાલ પણ વણાયેલો છે. આ પ્રકારની યોજનાઓથી ગૂગલને ખાસ કોઈ આર્થિક ફાયદો છે જ નહીં. એવી જ રીતે, ઇન્ટરનેટ પર એનોનિયમ્સ નામનો ડિજિટલ દેશ ઘણાં સમયથી સાયન્ટોલોજી નામના વિજ્ઞાન આધારિત ધર્મ વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવી રહ્યો છે. આ ડિજિટલ દેશ ગૂગલથી ઘણો અલગ છે. સાયન્ટોલોજીના વિરોધ મુદ્દે બધાનો અભિપ્રાય અલગ હોઈ શકે છે, પરંતુ એનોનિયમ્સે ગેરકાયદે રીતે સારું કામ કરીને સારી એવી લોકપ્રિયતા હાંસલ કરી છે. 

ઈસ્લામિક સ્ટેટે નવેમ્બર ૨૦૧૫માં પેરિસમાં આતંકવાદી હુમલો કર્યો એ પછી એનોનિયમ્સના યુઝર્સે (નાગરિકો) આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા વીસ હજાર ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા હતા. એનોનિયમ્સની ઓનલાઈન આર્મીએ આ કામ ફક્ત ૪૮ કલાકમાં પાર પાડ્યું હતું. જે કામ માટે સરકારે ચોક્કસ ગાઇડલાઇન અનુસરવી પડે, પેપર વર્ક કરવું પડે અને ઘણો બધો સમય બરબાદ કરવો પડે, એ જ કામ એનોનિયમ્સના ‘બળવાખોર નાગરિકોએ’ ગણતરીના કલાકોમાં પૂરું કરી દીધું. પૃથ્વી પરના દેશોની જેમ ડિજિટલ દેશો પણ આ પ્રકારની ગુપ્ત સત્તા-શક્તિનો દુરુપયોગ કરી શકે છે. ભવિષ્યમાં એ બધું વિચારીને પણ કાયદા-કાનૂન બનશે. 

આજે ભારત કે અમેરિકા જેવા દેશો પણ બિનસત્તાવાર રીતે હેકરોની મદદ લે જ છે, પરંતુ તેની અનેક મર્યાદા છે. આ પ્રકારના કામમાં વિવિધ દેશો સાથે થયેલી આંતરરાષ્ટ્રીય સંધિઓનો ભંગ થવાનું જોખમ રહે છે અને ક્યાંક કાચું કપાય તો જવાબ આપવો ભારે પડી શકે છે, જ્યારે ડિજિટલ દેશોને 'પવિત્ર ગાય' જેવું બંધારણ કે કાયદા-કાનૂનનો ડર હોતો જ નથી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા જ અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ ઈન્ટરનેટના વિકસિત ડિજિટલ દેશોનો વ્યૂહાત્મક લાભ લેવાનું શરૂ કરી દીધું છે. 

ગૂગલ કે ફેસબૂક જેવા ડિજિટલ દેશો ઈન્ટરનેટ પર મોટી 'જમીનો' કબજે કરીને અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના કરોડો લોકો સુધી પહોંચી ગયા છે, જેની માહિતી યુગમાં અવગણના ના કરી શકાય. 

નોંધઃ પ્રતીકાત્મક તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

15 December, 2017

ઝિમ્બાબ્વેમાં મુગાબેના પતન માટે ચીનના 'ગોરખધંધા' જવાબદાર


ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના લોહિયાળ શાસનનો આખરે અંત આવ્યો એ સ્વાભાવિક રીતે જ ભારત માટે મોટા સમાચાર ન હતા. પરંતુ 'મુગાબેના પતન પાછળ ચીન જવાબદાર છે' એવા અહેવાલો આવતા જ ભારત સહિત દુનિયાભરના દેશોએ ઝિમ્બાબ્વેની રાજકીય સ્થિતિનું માઈક્રો સ્કેનિંગ શરૂ કરી દીધું. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા 'રોયટરે' કેટલાક પુરાવા અને તથ્યોના આધારે અહેવાલ આપ્યો છે કે, ઝિમ્બાબ્વેમાં બળવો કરીને મુગાબેની સત્તા ઉથલાવી દેવાનું કાવતરું આફ્રિકાથી હજારો કિલોમીટર દૂર ચીનમાં ઘડાયું હતું. આ સમાચાર પછી અમેરિકા સહિતની વૈશ્વિક સત્તાઓના પણ એન્ટેના ઊંચા થઈ ગયા. અમેરિકા અને યુરોપના અનેક દેશોને આફ્રિકામાં 'બિઝનેસ' કરીને બધું જ લૂંટી લેવું છે, પરંતુ હવે ચીન અને રશિયા જેવો દેશો સ્પર્ધામાં છે. ઝિમ્બાબ્વેની વાત છે તો આ બિઝનેસ વૉરમાં ચીનની જીત થઈ છે.

સેનાને વિશ્વાસમાં લઈ સત્તા પરિવર્તન

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેનું શાસન ઉથલાવી દઇ નવી સરકારની રચના કરવામાં ઝિમ્બાબ્વેની સેનાના વડા કોન્સ્ટેન્ટિનો ચિવેન્ગાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચિવેન્ગા સારી રીતે જાણતા હતા કે, મુગાબેને હટાવવા ચીનની મદદ લેવી જરૂરી છે કારણ કે, ઝિમ્બાબ્વેમાં સૌથી વધુ રોકાણ કરનારો દેશ ચીન છે. ચીનની મદદ વિના ઝિમ્બાબ્વેમાં સત્તા પરિવર્તન થાત તો ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા હતી. આ સ્થિતિમાં દુનિયાના બીજા દેશોની નજર (વાંચો અમેરિકા) પણ ઝિમ્બાબ્વે પર જાય અને તેઓ પણ દખલગીરી કરે. ચીન જેવા દેશને તો દખલગીરી પોસાય જ કેવી રીતે? એટલે ચીને ઝિમ્બાબ્વેની સેનાની મદદથી જ ચૂપચાપ બળવો કરાવ્યો અને નવા પ્રેસિડેન્ટ તરીકે ઇમર્સન મનગાગ્વાની નિમણૂક પણ કરી દીધી.

ઝિમ્બાબ્વેની સેનાના વડા ચિવેન્ગા ચીનના સંરક્ષણ મંત્રી ચેંગ વાંકુઆન

હવે સમાચાર છે કે, ઝિમ્બાબ્વેના નવા પ્રેસિડેન્ટે તેમની કેબિનેટમાં સેનાના ઉચ્ચ અધિકારીઓને પણ મહત્ત્વના કામ સોંપ્યા છે. કહેવાની જરૂર નથી કે, નવા પ્રેસિડેન્ટ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ચીનની જ કઠપૂતળીઓ છે. આ બળવા પછી ચિવેન્ગાએ કોઈ સીધા લાભ લીધા નથી, પરંતુ ઝિમ્બાબ્વેની અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, મુગાબેને હટાવીને કરાયેલું સત્તા પરિવર્તન કાયદેસરનું જ છે.

મુગાબેને સ્વદેશી વિચારધારા ભારે પડી

મુગાબેને તો ચીન સાથે વર્ષો જૂની મિત્રતા હતી અને એટલે જ ચીન ઝિમ્બાબ્વેમાં કરોડો ડૉલરનું રોકાણ કરી શક્યું હતું. તો પછી ચીનને અચાનક શું વાંધો પડ્યો?

વાત એમ છે કે, ચીન માટે મુગાબે 'જવાબદારી' બની ગયા હતા. (ચીન માટે ઉ. કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ પણ એ જ રસ્તે છે) મુગાબેએ ચીનને ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરવાની લાલ જાજમ બિછાવી હતી, પરંતુ મુગાબેની સ્વદેશી વિચારધારાથી ચીનને નુકસાન થઈ રહ્યું હતું. ઝિમ્બાબ્વેમાં કેટલાક કાયદા એવા છે, જે સ્થાનિક બિઝનેસને વિદેશોના ભોગે વધુ પ્રોત્સાહન આપે છે. ચીનને એ કાયદા પસંદ ન હતા. આ કાયદાના કારણે ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરતી વિદેશી કંપનીઓનો કાબૂ મૂળ ઝિમ્બાબ્વેના નાગરિકો પાસે રહે છે. આ કાયદા સામે ચીનને પણ વાંધો હતો.

ડિસેમ્બર ૨૦૧૫માં ચીની પ્રમુખ જિંગપિંગે ઝિમ્બાબ્વેની
મુલાકાત લીધી ત્યારે પ્રમુખ રોબર્ટ મુગાબે સાથે 

ઝિમ્બાબ્વેમાં પ્રેસિડેન્ટ તરીકે મનગાગ્વાની નિમણૂક થતાં જ ચીનની થિંક ટેંક 'ચાઇનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સ'એ સત્તાવાર નિવેદન કર્યું હતું કે, અમને આશા છે કે નવા પ્રેસિડેન્ટ જૂના સ્વદેશી કાયદાને મર્યાદિત કરશે અથવા નાબૂદ કરી દેશે.

૨૧મી સદીમાં બિઝનેસ એજ સર્વસ્વ

મોટા દેશો નાના દેશોમાં સતત દખલગીરી કરે એ ઈતિહાસ બહુ જૂનો છે. અમેરિકા, ચીન અને ભારત પણ તેમાંથી બાકાત નથી. વર્ષ ૧૯૫૪માં ભારત અને ચીને પંચશીલના કરારો કર્યા હતા, જે પ્રમાણે બંને દેશે એકબીજાની આંતરિક બાબતોમાં દખલીગીરી નહીં કરવા સહમતિ દાખવી હતી. આ કરારો કર્યાના એક વર્ષ પછી ચીનના તત્કાલીન વડાપ્રધાન ઝોઉ એનલાઇએ પંચશીલના કરારોના આધારે એશિયા અને આફ્રિકાના દેશો સાથે મજબૂત સંબંધો બનાવવાની શરૂઆત કરી. એ વખતે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના અધ્યક્ષ માઓ ઝેદોંગ ઉર્ફે માઓ ત્સે તુંગ હતા. આ બંને નેતાઓને પંચશીલના સિદ્ધાંતો સાથે ઝાઝી લેવાદેવા ન હતી. એ વર્ષોમાં દુનિયાના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવાનું આંદોલન ચાલી રહ્યું હતું. એટલે ચીને પંચશીલના સિદ્ધાંતોની ઐસીતૈસી કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો સહિત ભારતમાં પણ સામ્યવાદી આંદોલનને ટેકો આપ્યો. આ રીતે બહારથી ટેકો આપવાથી ચીનને બીજા દેશો સામે ફક્ત વ્યૂહાત્મક ફાયદો મળતો, આર્થિક લાભ નહીં.

વર્ષ ૧૯૫૪માં ચીનના પેકિંગ સ્થિત રાજ દૂતાવાસમાં
માઓ ઝેદોંગ સાથે જવાહરલાલ નહેરુ 

ઝેદોંગ યુગમાં પણ ચીન ફક્ત એજ દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં સફળ થયું, જેમની સાથે તેને મિત્રતા હતી. જે દેશો સાથે ચીનને ખાટા સંબંધ હતા ત્યાંની આંતરિક બાબતોમાં માથું મારવું ચીન માટે અઘરું હતું કારણ કે, કોઈ પણ વિચારધારા ફેલાવવા માટે જે મૂડી જોઈએ એ 'સામ્યવાદીઓ' પાસે ક્યાંથી હોય! આ એ વખતના સામ્યવાદીઓની વાત છે. એ જમાનો સામ્યવાદના 'રોમેન્ટિઝમ'માં રાચવાનો હતો, પરંતુ આ ૨૧મી સદી છે. દુનિયામાં મૂડીવાદની બોલબાલા છે. હવે બીજા દેશોમાં આંદોલન કે બળવો વ્યૂહાત્મક લાભ લેવા નહીં પણ 'બિઝનેસ' કરવા થાય છે.

મેક ઇન ચાઇના અભિયાનની શરૂઆત

ચીન પણ હવે પૈસાના જોરે સત્તા પરિવર્તન કરાવી શકે છે અને ઝિમ્બાબ્વે તેનું જ તાજું ઉદાહરણ છે. ચીનમાં જ સામ્યવાદ, મૂડીવાદ અને સમાજવાદના મિશ્રણ જેવું મોડેલ અસ્તિત્વમાં આવ્યું છે એટલે તેઓને બીજા દેશમાં રાજકીય સ્તરે સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં ક્યાંથી રસ હોય? ઝેદોંગ યુગ પછી ચીનમાં કેટલાક દાયકાઓ સુધી એવા નેતાઓએ શાસન કર્યું, જેમણે વિશ્વ સાથે બહુ ઓછો સંપર્ક રાખ્યો અને ચીનમાં શું થઈ રહ્યું છે- એ વિશ્વને ખ્યાલ ના આવે એ રીતે ચીનની અંદર ક્રાંતિકારી પરિવર્તનો લાવવાનો પ્રયાસ કર્યો. એ યુગમાં ચીનના કુદરતી સ્રોતોનો પણ મહત્તમ ઉપયોગ થયો. આ દરમિયાન ચીને વિદેશોમાં થતાં (અને કરાવાતા) આંદોલનો-બળવા પર ધ્યાન આપવાનું સંપૂર્ણ બંધ કરી દીધું, જેના લાભ ચીનને જ મળ્યા.

આજે આઈફોન જેવા સ્માર્ટફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે

ચીનના નેતાઓ દેશમાં પરિવર્તન લાવવા ક્રાંતિકારી સુધારા કરતા ચીનની આર્થિક સ્થિતિ મજબૂત થવાની શરૂઆત થઈ. ચીને 'મેક ઇન ચાઇના' અભિયાન શરૂ કર્યું. એ માટે ચીની ઉત્પાદકોને સતત વીજળી, કાચો માલ અને આંતરરાષ્ટ્રીય બજારની જરૂર હતી. આ સ્થિતિમાં રાજકારણીઓ, કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને લશ્કરી અધિકારીઓ સાથે ચીની કોર્પોરેટ્સની એક મજબૂત ધરી રચાઈ. જે ચીન છ-સાત દાયકા પહેલાં નાના દેશોમાં સામ્યવાદનો ફેલાવો કરી વ્યૂહાત્મક લાભ ખાટવાના પ્રયાસ કરતું, એ ચીન  હવે કોર્પોરેટ્સની મદદથી બીજા દેશોમાં બિઝનેસ માટે સત્તા પરિવર્તન કરાવે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ચીની કંપનીઓએ આફ્રિકન દેશોમાં કરોડોની સંપત્તિ ખરીદી છે અને ત્યાં ચીની નાગરિકો કામ પણ કરે છે. આફ્રિકાના અનેક આપખુદ અને શંકાશીલ નેતાઓને ડૉલર કરતા ચીનનો યુઆન વ્હાલો છે કારણ કે, પશ્ચિમી દેશોને રોકાણના બદલામાં રાજકીય અને આર્થિક સ્તરે ઉદારીકરણ જોઈએ છે. એ માટે આફ્રિકન નેતાઓ તૈયાર નથી એટલે ચીન ફાવી ગયું છે. માનવાધિકાર જેવી પાયાની બાબતોથી લઈને પારદર્શક વહીવટમાં પશ્ચિમી કંપનીઓનો ટ્રેક રેકોર્ડ સારો છે, તેઓને યુએનની થોડી ઘણીયે શરમ છે, પરંતુ ચીનને બિઝનેસ સિવાય કંઈ પડી નથી.

આફ્રિકાના નાના દેશોના નેતાઓનું હોર્સ ટ્રેડિંગ

આ પ્રકારના ગોરખધંધાની અસર ચીનની વિદેશનીતિ પર પણ પડે છે. યુએનમાં આફ્રિકન દેશોના કોઈ સરમુખ્યાર સામે ખરડો પસાર કરાય ત્યારે ચીન વિટોનો ઉપયોગ કરે છે અને અમેરિકા જેવા દેશોએ મ્હોં વકાસીને ઊભા રહી જાય છે. ઝિમ્બાબ્વે, ઇથોપિયા, બુરુન્ડી, નાઇજિરિયા, ઘાના, ટાન્ઝાનિયા, મોઝામ્બિક, કેન્યા, રવાન્ડા, ગેબન, ટયુનિશિયા, સિએરા લિયોન અને કોંગો જેવા દેશોના નેતાઓ પણ ચીનની તરફેણમાં મતદાન કરે છે અને ચીન પાસેથી 'ઇનામ' લઈ લે છે. આ નાના-પછાત આફ્રિકન દેશોના નેતાઓને ખબર પણ નથી હોતી કે, તેઓ કયા ખરડા વિરુદ્ધ મતદાન કરીને ચીનને સાથ આપી રહ્યા છે. આ અનેક દેશોમાં સિવિલ વૉર ચાલુ રાખવા ચીન શસ્ત્રો પણ પહોંચાડે છે. જેમ કે સુદાન.


વર્ષ ૨૦૦૨માં ચીની પ્રમુખ જિઆંગ ઝેમિન
લીબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી સાથે 

લીબિયામાં પણ ચીને મુઅમ્મર ગદ્દાફીને સાથ આપ્યો હતો, જેની દુનિયાભરમાં ટીકા થઈ હતી. સીરિયામાં પણ ચીન બશર અલ-અસદને સાથ આપી રહ્યું છે. બિલકુલ રશિયાની જેમ. ટૂંકમાં ચીન આફ્રિકાના 'સરમુખત્યાર' નેતાઓની સેવા કરીને મેવા ખાઈ રહ્યું છે. અમેરિકા અને તેના મિત્ર દેશો પણ બીજા દેશોમાં દખલગીરી કરીને ભાગ્યેજ કશું સારું કરે છે. ઈરાક અને લીબિયા તેના ઉત્તમ ઉદાહરણ છે. આ જ માર્ગે ચીની ડ્રેગન આગળ વધી રહ્યો છે.

મહાસત્તાઓને દખલગીરી ભારે પડી છે

એંશીના દાયકામાં મુગાબેએ ઝિમ્બાબ્વેનું વડાપ્રધાનપદ સંભાળતા પહેલાં ગોરા લોકોની લઘુમતી સામે આક્રમક 'મુક્તિ સંઘર્ષ' ખેલ્યો હતો. એ આંદોલનમાં પણ ચીને મુગાબેને પૂરેપૂરો સાથ આપ્યો હતો. જુલમી શાસકોને સાથ આપવામાં આર્થિક લાભ થતો હોય તો ચીન બીજું કશું વિચારતું નથી. જરૂર પડે ત્યાં ચીન સત્તાધારી પક્ષોના વિરોધીઓ સાથે પણ સાંઠગાંઠ કરે છે. થોડા સમય પહેલાં ચીને નેપાળમાં ભારતની કઠપૂતળી સરકાર સામે અવાજ ઉઠાવતા વિપક્ષોનું જોડાણ મજબૂત કરવા દલાલી કરી હતી. એનું કારણ પણ રસપ્રદ છે. એવું કહેવાય છે કે, ભારતે નેપાળમાં વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકાર ઉથલાવીને પુષ્પ કમલ દહલ (પ્રચંડ)ને વડાપ્રધાન બનાવ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, નેપાળની પ્રચંડ સરકાર ભારત તરફ ઘણું કૂણું વલણ ધરાવે છે. આ જ કારણથી ચીનને પણ શંકા છે કે, ભારતે જ નેપાળમાં ઓલીને ઉથલાવીને પ્રચંડને વડાપ્રધાન બનાવ્યા છે.   

ચીન નૈતિકતાને નેવે મૂકીને ફક્ત 'બિઝનેસ ઇન્ટરેસ્ટ' પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદેશ નીતિ નક્કી કરી રહ્યું છે અને ભારત પણ એ જ માર્ગે છે. આ પ્રકારની વિદેશ નીતિમાં સામેના દેશ કરતા થોડો વધારે ફાયદો થઈ જાય તો ભારત કે ચીનને સ્થાનિક મીડિયામાં સારું એવું કવરેજ પણ મળે છે, જેનો સીધો ફાયદો જે તે દેશના રાજકારણીઓ ઉઠાવે છે. 


માર્ચ ૨૦૧૭માં નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે બેજિંગની
મુલાકાત લીધી ત્યારે ચીની પ્રમુખ જિનપિંગ સાથે 

પ્રજા પણ મનલુભાવન અખબારી અહેવાલો જોઈને વિચારે છે કે, મેરા દેશ મજબૂત હો રહા હૈ, આગે બઢ રહા હૈ ઓર વિકાસ હો રહા હૈ... જો રોકડિયા પાકોની ખેતી કરીને ઓછી મહેનતે વધારે 'ધંધો' મળતો હોય તો મહેનત કોણ કરેકંઈક આવું જ વિચારીને રાજકારણીઓ આવું લોલીપોપ રાજકારણ છોડતા નથી અને અમેરિકા-ચીન જેવા દેશોના કારણે આ દુષચક્ર ચાલ્યા જ કરે છે. 

***

વિશ્વની જુદી જુદી થિંક ટેન્કે કરેલા અભ્યાસ પ્રમાણે, અમેરિકાએ ૧૯૪૬થી ૨૦૦૦ વચ્ચે બીજા દેશોમાં સત્તા પરિવર્તન અને તોડફોડ કરવા સરેરાશ ૮૦ પ્રયાસ કર્યા હતા, જ્યારે રશિયાએ ૩૬ વાર. હવે અમેરિકા તેના જ કર્મોના ફળ ભોગવી રહ્યું છે. રશિયાએ પણ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને ફાયદો થાય એ રીતે હિલેરીને બદનામ કરવા જેવા ઘણાં બધા કામ કર્યા હતા. મહાસત્તાઓએ કરેલી દખલગીરીની આખી દુનિયાએ કિંમત ચૂકવવી પડે છે. અફઘાનિસ્તાનમાં રશિયાને હંફાવીને (કહેવાતા) વ્યૂહાત્મક લાભ લેવાના બહાને અમેરિકાએ જ તાલિબાનોને ઊભા કર્યા હતા એય ઇતિહાસ જાણીતો છે. અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકનો ભોગ એકલું અમેરિકા નહીં, આપણે પણ બન્યા છીએ.

સુપરપાવર બનવાના ખ્વાબ જોતા ચીને ઇતિહાસ યાદ રાખવો જોઈએ કે કૂટનીતિને ધ્યાનમાં રાખીને કરેલા કુનીતિથી કોઈનો ઉદ્ધાર થયો નથી, પરંતુ આશાવાદીઓ ઈતિહાસની હંમેશા અવગણના કરતા હોય છે!

05 December, 2017

વર્ટિકલ ગાર્ડનિંગ: સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે


દિલ્હીની જેમ ચંદીગઢમાં ઝેરી સ્મોગનું સામ્રાજ્ય હોય છે ત્યારે લુધિયાણા આવકવેરા ઓફિસની હવા ચંદીગઢ શહેર કરતા ૭૫ ટકા વધારે શુદ્ધ હોય છે. આ શુદ્ધ હવાનું કારણ છે, વર્ટિકલ ગાર્ડન. આ સરકારી કચેરીએ 'ગ્રીન પ્લાસ્ટિક ઇનિશિયેટિવ' નામના અભિયાન હેઠળ છ હજાર વેસ્ટ પ્લાસ્ટિક બોટલને કૂંડામાં પરિવર્તિત કરીને આ અભૂતપૂર્વ કામ કર્યું છે. અહીં કામ કરતા સરકારી બાબુઓએ આ આંકડો ૧૫ હજાર બોટલ સુધી પહોંચવાનું નક્કી કર્યું છે, જેથી કચેરીની બધી જ દીવાલોને લીલોતરીથી ઢાંકી શકાય. ગંદકી અને પ્રદૂષણથી ખદબદતી નીરસ સરકારી કચેરીઓ માટે લુધિયાણા આવકવેરા ઓફિસ પ્રેરણા સમાન છે. દિવસે ને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે દિલ્હી સહિત બધા મોટા શહેરોમાં વધુને વધુ વર્ટિકલ ગાર્ડનની જરૂર છે.

ગયા અઠવાડિયે આપણે આ કોલમમાં 'ગેરીલા ગાર્ડનિંગ'ની વાત કરી હતી. હવે વાત કરીએ વર્ટિકલ ગાર્ડનિંગની. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે, વર્ટિકલ ગાર્ડનિંગ એટલે શું? આ સવાલનો જવાબ જરા વિગતે મેળવીએ. 

***

આપણે ઘણી વાર જોયું છે કેફક્ત જમીનમાં ઉગી શકે એવો નાનકડો છોડ કે વેલો પથ્થર જેવી કડક જમીન કે ખડક પર ઊગી નીકળ્યો હોય છે. પહાડી વિસ્તારોમાં તો નાના-મોટા ખડક પર છોડ ઉગ્યો હોય એવું તો અનેક જગ્યાએ જોવા મળે. આ લીલોતરી જાણે 'ભીંત ફાડીને પીપળો ઉગ્યો હોયએમ ખડકની છાતી ફાડીને વટભેટ બહાર આવી હોય! પીપળા અને વડ જેવા મહાકાય વૃક્ષો આખેઆખી ભીંત કે ખડક તોડીને ઊગે જરૂર પણ તેના મૂળિયા તો જમીનમાં જ હોય. આવા મોટા વૃક્ષોને જમીનમાંથી ખોરાક-પાણી મળતા હોય, પરંતુ અહીં વાત છે પથરાળ જમીન પર ઊગી નીકળેલા નાનકડા છોડવા અને વેલાની. આ પ્રકારની નાજુક વનસ્પતિના મૂળિયા તો જમીનમાં ઊંડે સુધી હોય પણ નહીં અને છતાં ખડક જેવી સપાટી પર પણ દાદાગીરીથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય. આ પ્રકારની વનસ્પતિઓ જાણે આપણને કહી રહી હોય કે, અમારે જીવવા માટે જમીનની જરૂર જ નથી. આવું જ દૃશ્ય એક વ્યક્તિએ જોયું અને જન્મ થયો વર્ટિકલ ગાર્ડનિંગનો.

લુધિયાણા આવકવેરા કચેરીએ વેસ્ટ બોટલ્સમાંથી બનાવેલો વર્ટિકલ ગાર્ડન 
બેંગલુરુમાં ફ્લાયઓવર પિલાર પર તૈયાર કરેલો વર્ટિકલ ગાર્ડન



દેશમાં કરોડો લોકોને ચોખ્ખી હવા પણ નસીબ નથી ત્યારે ગેરીલા કે વર્ટિકલ ગાર્ડનિંગ શું છે એ સમજવું સમયની જરૂરિયાત છે. વર્ટિકલ ગાર્ડનિંગ એટલે નાની-મોટી બિલ્ડિંગોની અંદર-બહારની દીવાલો પર નાનકડા છોડ-વેલા ઊગાડવાનું શાસ્ત્ર. જમીન ના હોય છતાં તમારે તમારો પોતાનો બગીચો જોઈતો હોય તો વર્ટિકલ ગાર્ડન ઉત્તમ ઉપાય છે. વર્ટિકલ ગાર્ડન ટીપિકલ ગાર્ડનિંગથી થોડું અલગ છે, જેમાં છોડ-વેલા ઊભી જમીન પર ઉગાડવાના હોવાથી વનસ્પતિઓની પસંદગીમાં પણ ધ્યાન રાખવું પડે. જોકે, આજના સમયમાં ઓનલાઈન કોમ્યુનિટી પાસેથી એ બધું શીખીને વર્ટિકલ ગાર્ડન સર્જી શકાય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇમાં લેન્ડસ્કેપ આર્કિટેચર ભણાવતા પ્રો. સ્ટેનલી હાર્ટ  વ્હાઇટને ૧૯૩૮માં વર્ટિકલ ગાર્ડનિંગનો વિચાર આવ્યો હતો. આ રેકોર્ડેડ પુરાવા છે કારણ કે, પ્રો. વ્હાઇટે આ આઇડિયાની પેટન્ટ પણ કરાવી હતી. એ વખતે વર્ટિકલ ગાર્ડનિંગ શબ્દ અસ્તિત્વમાં નહોતો આવ્યો એટલે પ્રો. વ્હાઇટે 'વેજિટેશન બેરિંગ આર્કિટેક્ટોનિક સ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ' જેવું લાંબુલચક નામ આપીને વર્ટિકલ ગાર્ડનિંગના કોન્સેપ્ટની પેટન્ટ કરાવી હતી. પ્રો. વ્હાઇટે ઇલિનોઇમાં પોતાના બંગલૉની પાછળ વર્ટિકલ ગાર્ડનિંગના પ્રયોગો કર્યા હતા પણ તેમાં તેમને સફળતા મળી ન હતી. એ પછી આ વાત ભૂલાઈ ગઈ અને થોડા વર્ષો પછી ફ્રેન્ચ બોટનિસ્ટ (વનસ્પતિશાસ્ત્રી) પેટ્રિક બ્લેન્કે ખડકાળ ભેખડો પર ઊગેલા છોડ જોયા અને તેમને ચમકારો થયો કે, જો અનેક વનસ્પતિઓ કુદરતી રીતે જ કડક સપાટી પર ઉગી શકતી હોય તો કૃત્રિમ રીતે પણ આ કામ કરી જ શકાય ને?


સિટી ઓફ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી-પેરિસની ગ્રીન વૉલ
પેરિસના જેક્સ ચિરાક મ્યુઝિયમની ગ્રીન વૉલ

આ વિચારના આધારે તેમણે વર્ટિકલ ગાર્ડનની ડિઝાઈન વિશે વિચારવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં બ્લેન્કે  જમીન વિના ઉગી શકે એવા છોડ-ઘાસની યાદી બનાવી અને હાઇડ્રોપોનિક્સનું પણ પ્રાથમિક જ્ઞાન મેળવ્યું. હાઇડ્રોપોનિક્સ એટલે જમીન વિના ફક્ત ખનીજો ધરાવતા પાણીની મદદથી વનસ્પતિઓ ઉગાડવાનું શાસ્ત્ર. અમુક વનસ્પતિઓના મૂળિયા ટૂંકા હોવાથી તેમને જમીનની નહીં, ફક્ત ખોરાકની જરૂર હોય છે. આ પદ્ધતિથી અમુક વનસ્પતિઓને ખનીજ દ્રવ્યોથી ભરપૂર પાણી પાઈને ઉછેરવી અને ટકાવી રાખવી શક્ય છે. આ દરમિયાન બ્લેન્કે આગવી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ પણ વિકસાવી, જેની મદદથી વર્ટિકલ સ્ટ્રક્ચર પર રાખેલા છોડને ચોક્કસ સમયે પાણી પીવડાવવું પણ શક્ય બન્યું.

આવા અનેક પ્રયોગોની સફળતા પછી પેટ્રિક બ્લેન્કે ૧૯૮૬માં પેરિસના 'સિટી ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી' નામના સાયન્સ મ્યુઝિયમમાં એક ગ્રીન વૉલનું સર્જન કર્યું. આ ગ્રીન વૉલ એટલે દુનિયાનો સૌથી પહેલો વર્ટિકલ ગાર્ડન. આ કામમાં સફળતા મળ્યા પછી બ્લેન્કે ૨૦૦૫માં એ જ મ્યુઝિયમના બીજા એક બિલ્ડિંગની બહારની દીવાલ પર વર્ટિકલ ગાર્ડન તૈયાર કર્યો. યુરોપના આ સૌથી મોટા સાયન્સ મ્યુઝિયમનું કામ જ સાયન્સ-ટેક્નોલોજી કલ્ચરનો વધુને વધુ પ્રચાર-પ્રસાર કરવાનું છે, જેનો બ્લેન્કના ઇનોવેશનોને લાભ મળ્યો. વળી, ગ્રીન વૉલનું સર્જન કરવામાં બ્લેન્કને તેમના જેવા જ જિન નુવેલ નામના ઉત્સાહી આર્કિટેકની પણ મદદ મળી. જિન નુવેલને આર્કિટેકચરનું 'નોબેલ' ગણાતો પ્રિત્ઝકર પુરસ્કાર તેમજ આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેકચર જેવા સન્માનો મળી ચૂક્યા છે.

પેટ્રિક બ્લેન્કે સર્જેલો 'ઊભો વન-વગડો' રૂઆતમાં ગ્રીન વૉલ તરીકે ઓળખાતો, પરંતુ એ પછી વર્ટિકલ ગાર્ડન શબ્દ પ્રચલિત થઈ ગયો. ગ્રીન વૉલનો ડેટા બેઝ રાખતી ગ્રીનરૂફ ડોટ કોમ નામની વેબસાઇટના મતે, અત્યારે દુનિયામાં કુલ ૬૧ વિશાળ આઉટડોર વૉલ છે, જેમાંની ૮૦ ટકા જેટલી ગ્રીન વૉલ ૨૦૦૯ અને એ પછી તૈયાર થઈ છે. આ પૈકીની મોટા ભાગની ગ્રીન વૉલ એરપોર્ટ કે ગવર્મેન્ટ ઇન્સ્ટિટયુટ જેવા જાહેર સ્થળે છે. અત્યારે દુનિયાનો સૌથી મોટો વર્ટિકલ ગાર્ડન મેક્સિકોના લોસ કાબોસ શહેરમાં આવેલા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આવેલો છે. આ વર્ટિકલ ગાર્ડન કુલ ૨૯,૦૬૩ સ્ક્વેર ફીટ (અડધો એકરથી પણ વધુ)ના ક્ષેત્રફળમાં તૈયાર કરાયો છે. વર્ષ ૨૦૧૨માં લોસ કાબોસમાં જી-૨૦ સમિટનું આયોજન કરાયું ત્યારે આ કન્વેશન સેન્ટર તૈયાર કરાયું હતું.


ઓફિસમાં સર્જેલા વગડા વચ્ચે પેટ્રિક બ્લેન્ક
લોસ કાબોસમાં જી-20 સમિટ માટે તૈયાર કરાયેલા
કન્વેન્શન સેન્ટરમાં તૈયાર કરાયેલી ગ્રીન વૉલ


હાલ પેટ્રિક બ્લેન્ક ફ્રાંસના સૌથી મોટા રિસર્ચ સેન્ટર 'ફ્રેંચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ'માં કામ કરે છે. આજે દુનિયા બ્લેન્કને વર્ટિકલ ગાર્ડનના જનક તરીકે ઓળખે છે. તેમણે કરેલા ઇનોવેશન્સના કારણે જ અત્યારે વર્ટિકલ ગાર્ડનિંગનો કોન્સેપ્ટ દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં ફ્રેંચ રાજદૂતાવાસે વર્ટિકલ ગાર્ડનિંગ પર એક સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું. આ સિમ્પોઝિયમમાં પણ બ્લેન્કે હાજરી આપીને દેશના અગ્રણી આર્કિટેકને વર્ટિકલ ગાર્ડનિંગનું મહત્ત્વ સમજાવ્યું હતું. ફ્રેન્ચ દૂતાવાસમાં પણ બ્લેન્કે એક સુંદર વર્ટિકલ ગાર્ડનનું સર્જન કર્યું છે.  

ભારતમાં વર્ટિકલ ગાર્ડનનો કોન્સેપ્ટ બહુ મોડો આવ્યો. દેશનો પહેલો વર્ટિકલ ગાર્ડન બનાવવાનો શ્રેય બેંગલુરુને જાય છે. અહીંના હોસુર રોડ પર આવેલા ફ્લાયઓવરના એક પિલાર પર માર્ચ ૨૦૧૭માં 'સે ટ્રીઝનામની સંસ્થાએ વર્ટિકલ ગાર્ડન બનાવ્યો હતો. આ મહાકાય પિલાર પર દસ જાતની વનસ્પતિના ૩,૫૦૦ છોડ મૂકવામાં આવ્યા છે. જો આપણે બધા જ ફ્લાયરઓવર પિલાર્સ કે દરેક શહેરની આઇકોનિક બિલ્ડિંગો પર વર્ટિકલ ગાર્ડન સર્જીએ તો ગરમી અને પ્રદૂષણમાંથી ખાસ્સો છુટકારો મળે. એટલું જ નહીંદિલોદિમાગને થકવી નાંખતા કોંક્રિટના જંગલોમાં પણ આંખને રાહત મળે એવું કુદરતી સૌંદર્ય સર્જાય. 

રૂરી નથી કે વર્ટિકલ ગાર્ડન બાહ્ય સ્થળોએ જ હોય. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર કે ઓફિસની અંદર અનુકૂળ હોય એટલી જગ્યામાં નાના-મોટા વર્ટિકલ ગાર્ડન બનાવી શકે છે. વર્ટિકલ ગાર્ડનિંગ બનાવવાની અનેક રીતો છે. જેમ કે, બજારમાં તૈયાર મળતી વર્ટિકલ મોડયુલર પેનલોની છાજલીઓમાં નાના-મોટા કૂંડા ગોઠવીને જુદી જુદી વનસ્પતિઓ ઉગાડીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી શકાય. આ પ્રકારની પેનલોને પંદરેક વર્ષ સુધી બદલવી નથી પડતી અને ગમે તેવી વિશાળ દીવાલો પર પણ પેનલો સહેલાઇથી ફિટ કરી શકાય છે. ટકાઉ વર્ટિકલ ગાર્ડન બનાવવાની આ સૌથી ઉત્તમ રીત છે. આ ઉપરાંત કાથી-માટીની અથવા તો પોલિયુથેરિન જેવા સિન્થેટિક રેઝિનની તૈયાર સાદડીઓ પર પણ વનસ્પતિઓ ઉગાડીને વર્ટિકલ ગાર્ડન તૈયાર કરી શકાય. આ સાદડીઓમાં જ ઈન્ટિગ્રેટેડ વૉટર ડિલિવરી સિસ્ટમ હોય છે. તેમાંથી જ વનસ્પતિઓને પોષણ મળે છે અને બગીચો હર્યોભર્યો રહે છે.


વિવિધ પ્રકારની ઈનડોર ગ્રીન વૉલ

ગેરીલા ગાર્ડનિંગમાં મહેનત થોડી વધારે છે. તેનો લાભ આખા શહેરને કે બીજા લોકોને મળે છે, જ્યારે વર્ટિકલ ગાર્ડનિંગ પોતાના ઘર કે ઓફિસમાં વ્યક્તિગત લાભ માટે પણ થઈ શકે છે. પોતાના જ ખેતર કે બગીચામાં મહેનત-મજૂરી કરીને ઊગાડેલા શાકભાજી-ફળો ખાઈએ ત્યારે કેવો અનેરો આનંદ મળે છે? એવો જ આનંદ વર્ટિકલ ગાર્ડનરને શુદ્ધ વાતાવરણનું સર્જન કરવાનો મળે છે. વર્ટિકલ ગાર્ડનિંગથી શુદ્ધ હવા મળે છે, શુદ્ધ હવાથી આરોગ્યને શારીરિક અને માનસિક લાભ (લીલોતરીની હાજરીથી) પણ મળે છે. લીલોતરીથી માણસોનું મન પ્રફૂલ્લિત રહે છે એ વાત પણ સાબિત થઈ ગઈ છે. 

શહેરોમાં (પ્રદૂષણ ના હોય તો પણ) તો વર્ટિકલ ગાર્ડનિંગ પરિવારને આપેલી બહુ મોટી ભેટ સમાન છે.


(શીર્ષક પંક્તિ : નર્મદ)

નોંધઃ આ લેખનો ભાગ-1