27 May, 2015

ફેસબૂકનું 'બ્લોકિંગ' ફિચર: હેય ગર્લ્સ, જરા સંભલ કે...


ફેસબૂક પર આપણા જેવી બ્યુટિફુલ છોકરીઓ સૌથી વધારે કયા ફિચરનો ઉપયોગ કરે છે?
અપડેટ સ્ટેટસ?
નોપ્પ.
તો પછી એડ ફોટોઝ કે ક્રિએટ ફોટો આલ્બમ?
નોઓઓઓ...
તો પછીઈઈઈ... એડ વોટ ટુ આર ફિલિંગ અથવા એડ અ લોકેશન ટુ પોસ્ટ?
નાઆઆ...
તો બોલને હવે...
બ્લોકિંગ બટન
હેહેહે...

થોડા સમય પહેલાં એક કાફેટેરિયામાં બે કોલેજિયન છોકરીઓ વચ્ચે આ સંવાદ સાંભળ્યો હતો. છોકરીઓએ  માનસિક ત્રાસ આપતા લોકોને કાયમ માટે ચૂપ કરવા બ્લોકિંગ ફિચરનો નિર્દયતાથી ઉપયોગ કરવો જ જોઈએ પણ ક્યારેક આ બટનનો ઉપયોગ નહીં કરવામાંય સમાજનું હિત હોય છે. દિલ્હી કોલેજની વિદ્યાર્થિની પ્રેરણા પ્રથમ સિંઘની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયેલી ફેસબૂક પોસ્ટે આ વાત ફરી એકવાર સાબિત કરી છે.

પ્રેરણાના ફેસબૂક ઈનબોક્સમાં ૧૬મી મેએ રોશનકુમાર નામના એક ફેસબૂક ફ્રેન્ડે 'હલ્લો સેક્સી' કહીને મેસેજ કર્યો હતો. મોટા ભાગના ફેસબૂક ફ્રેન્ડની જેમ આ વ્યક્તિ પણ પ્રેરણા માટે બિલકુલ અજાણી હતી. પ્રેરણાને એ પણ નહોતી ખબર કે, રોશનકુમારની પ્રોફાઈલ અસલી છે નકલી. જોકે, પ્રેરણાએ તેને તરત જ બ્લોક ના કર્યો પણ રોશનકુમારને 'સર' સંબોધન કરીને એક લાંબો મેસેજ કર્યો. આ મેસેજમાં પ્રેરણાએ લખ્યું હતું કે, ''...હું તમારા જેવા હલકા લોકો આસપાસ બધે જ જોઈ રહી છું. આ બાબત હું અવગણીશ, તો એ મારી ભૂલ હશે. પણ હું તમને પ્રસિદ્ધિ અપાવવા મક્કમ છું...''

પ્રેરણા સિંઘ

પ્રેરણાએ લીધેલો સ્ક્રિન શોટ 


આ મેસેજ કર્યા પછી પ્રેરણાએ ફેસબૂક મેસેજ ઈનબોક્સનો સ્ક્રિન શોટ લઈને તેને ફેસબૂક પર અપલોડ કરી દીધો હતો. પ્રેરણાએ આ પોસ્ટ વધુને વધુ લોકો સાથે શેર કરવા વિનંતી પણ કરી હતી. રોશનકુમારને કરેલા મેસેજના અંતે પ્રેરણાએ લખ્યું હતું કે, ''... હું આ કરવા જઈ રહી છું ત્યારે તમારી પત્નીને કહેજો કે, મારી સહાનુભૂતિ તમારી સાથે છે. સંપૂર્ણ અને સાચી. પ્રસિદ્ધિ માટે શુભેચ્છા. જોકે તેને દિમાગ પર હાવી થવા ના દેતા...''

૧૭મી મેએ ફેસબૂક પર અપલોડ કરાયેલા આ સ્ક્રિન શોટને પાંચ જ કલાકમાં ૪૫ વાર શેર કરાયો હતો, ,૫૦૦થી પણ વધારે લોકોએ લાઈક કર્યો હતો અને અને ૬૦થી વધુ લોકોએ આક્રમક કમેન્ટ્સ કરીને રોશનકુમારના છાજિયા લીધા હતા. આ પોસ્ટ અંગ્રેજીમાં હતી અને તેનું રિ-શેરિંગ અત્યંત ઝડપથી થઈ રહ્યું હોવાથી જોતજોતામાં તે વાયરલ થઈ ગઈ હતી. આ કારણથી ફેસબૂકે ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં આ પોસ્ટને 'ન્યુડિટી કન્ટેન્ટ' જાહેર કરીને ડિલિટ કરી નાંખી હતી. આ મુદ્દે પણ યુઝર્સે ફેસબૂકનો આક્રમક વિરોધ કર્યો હતો.

જોકે, ફેસબૂકે પોસ્ટ ડિલિટ કરી એ પહેલાં રોશનકુમારનું નામ 'રોશન' થઈ ચૂક્યું હતું અને પ્રેરણાની પોસ્ટ ટ્વિટર અને વોટ્સએપમાં પણ ફરતી થઈ ગઈ હતી. જો પ્રેરણાએ ચૂપ રહીને કે બદનામીના ખોટા ડરે રોશનકુમારને બ્લોક કરી દીધો હોત તો તેની હિંમત વધુ ખૂલી હોત અને કદાચ ભવિષ્યમાં બીજી છોકરીઓને પણ આવા મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હોત!  મોટા ભાગની છોકરીઓ આવા લોકોને અવગણતી હોવાથી જ રોશનકુમારો કે તરુણ તેજપાલોને પ્રોત્સાહન મળે છે. આ કિસ્સાની જ વાત કરીએ તો બદનામી કોની થઈ? પ્રેરણાની કે રોશનકુમારની? ઊલટાનું સોશિયલ મીડિયામાં તમામ લોકોએ પ્રેરણાની હિંમતને દાદ આપી હતી. ફેસબૂક પર હાજર દિલ્હી ટ્રાફિક બ્રાન્ચના સ્પેશિયલ પોલીસ કમિશનર ડૉ. મુકેશ ચંદરે પણ પ્રેરણાને પોલીસ ફરિયાદ નોંધાવવાની જાહેરમાં વિનંતી કરી હતી.

શિક્ષિત હોય એવા સરેરાશ ભારતીય પુરુષને પણ ખ્યાલ નથી હોતો કે, ફ્લર્ટિંગ અને મોલેસ્ટેશનમાં ફર્ક છે. ફ્લર્ટિંગમાં સ્ત્રીની વત્તેઓછે અંશે સહમતિ હોય છે. ફ્લર્ટિંગ કરવા પુરુષ પાસે સ્માર્ટનેસ અને સેન્સ ઓફ હ્યુમર હોવી જરૂરી છે. સુંદર સ્ત્રીની સામે આંખોમાં આંખો મિલાવીને વાત નહીં કરી શકતો પુરુષ ફેસબૂક કે ટ્વિટર પર મહાલતી વખતે પોતાને 'મર્દ' સાબિત કરવા તડપતો હોય  છે. આ પ્રકારના મર્દો લઘુતાગ્રંથિનો શિકાર હોય છે. સામે ઊભેલી સ્માર્ટ પરંતુ અજાણી છોકરીને હાય-હલ્લો કરવામાંય પેટમાં પતંગિયા ઉડવા માંડે એવા 'મર્દો' સોશિયલ મીડિયામાં સ્ત્રીના જાહેરમાં તો ક્યારેક પર્સનલ મેસેજ કરીને વખાણ કરવાની હિંમત કરી લે છે કારણ કે, ફેસબૂક પર બે આંખની શરમ નડતી નથી. કેટલાકની નપુંસકતાનું સ્તર તો એટલું નીચું હોય છે કે, વખાણ કરવા પણ ફેક ફેસબૂક પ્રોફાઈલ બનાવી હોય છે.

નેતાની મર્સીડિઝ બેન્ઝના બોનેટ પર ચઢીને કાચ ફોડી નાંખનારી સાધ્વી પાંડે

મોટા ભાગની સ્ત્રીઓ સોશિયલ મીડિયામાં કે પછી આંખમાં આંખ નાંખીને કરાતી મવાલીગીરી સહન કરી લે છે. એકલી સ્ત્રીને જોઈને સુપરમેન સિન્ડ્રોમ અનુભવતા નામર્દોને સ્ત્રીના શરીર અને મન પર અધિકાર જમાવવામાં જ મર્દાનગીનો કરંટ લાગે છે. પ્રેરણાના બહુચર્ચિત કિસ્સાના માંડ ત્રણ દિવસ પછી આગ્રામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આગ્રામાં સાધ્વી પાન્ડે નામની એક યુવતી તેની બહેન સાથે મોપેડ પર જઈ રહી હતી ત્યારે તેમની નજીકથી સમાજવાદી પક્ષના નેતા અભિનવ શર્માની મર્સીડિઝ બેન્ઝ પસાર થઈ. એ વખતે શર્માના બોડીગાર્ડે સાધ્વીને આંખ મારી. બોડીગાર્ડના આ કૃત્યથી ગભરાયા વિના સાધ્વીએ કાર ઊભી રખાવીને નેતાજીને ફરિયાદ કરી. જોકે, બળાત્કારો મુદ્દે પણ 'બચ્ચે હૈ, ગલતી હો ગઈ' જેવું વિવાદાસ્પદ નિવેદન કરનારા મુલાયમસિંહ યાદવની ઉતરતી નકલ જેવા અભિનવ શર્માએ બોડીગાર્ડને ઠપકો આપવાના બદલે સાધ્વીને ધમકાવી નાંખી.

એ વખતે સાધ્વીની બહેને મોબાઈલમાં ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયાસ કર્યો તો બીજા એક બોડીગાર્ડે મોબાઈલ ફોન પણ પછાડીને તોડી નાંખ્યો. જોકે, આ દાદાગીરીથી ગભરાયા વિના સાધ્વી મર્સીડિઝ બેન્ઝના બોનેટ પર ચઢી ગઈ અને કારની આગળ લગાવેલા સમાજવાદી પક્ષના ઝંડાથી જ કારનો કાચ તોડી નાંખ્યો. આગ્રામાં જાહેર માર્ગ પર અડધો કલાક ચાલેલી આ બબાલનો વીડિયો પણ જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. આ કારણોસર જ અભિનવ શર્મા અને તેના બોડીગાર્ડે માફી માગવી પડી અને મોબાઈલ ફોનનું નુકસાન પણ ચૂકવવું પડયું. સાધ્વીનું કહેવું છે કે, જો નેતાઓ જ આ પ્રકારના કૃત્યને પ્રોત્સાહન આપે તો પ્રજા શું કરશે?

સાધ્વીનો સવાલ વાજબી છે. ઓનલાઈન તો ઠીક, છોકરીઓની ખુલ્લેઆમ છેડતી કરવી, ગંદી કમેન્ટ પાસ કરવી કે તેમના અંગ-ઉપાંગો સામે તાકી તાકીને જોઈને ત્રાસ આપવા જેવા કૃત્યો અનેક સ્ત્રીઓએ વારંવાર સહન કરવા પડે છે. રસ્તામાં, બસમાં કે ઓટોમાં સફર કરતા, થિયેટરોમાં કે કોલેજમાં ગ્રૂપમાં જતી યુવતીઓને પણ આવા અનુભવ થતા હોય છે. વર્ષો પહેલાં પણ સ્ત્રીઓએ આવું સહન કરવું પડતું હતું. હવે બહારની દુનિયામાં સ્ત્રીઓની હાજરી વધી છે અને યુવકોની જેમ યુવતીઓ પણ ઓનલાઈન પ્રેઝન્સ ધરાવતી હોવાથી તેમાં વધારો થવો સ્વાભાવિક છે.

જોકે, યુવતીઓ ઓનલાઈન હેરાનગતિમાં બ્લોકિંગ ફિચરનો ઉપયોગ કરી શકે છે, પણ ખુલ્લેઆમ થતી હેરાનગતિનું શું? આવી હેરાનગતિને મોટા ભાગની સ્ત્રીઓ અવગણતી હોય છે, જે ખરેખર આખા સમાજનું અહિત કરવા બરાબર છે. બ્લેક કે બ્લૂ જ નહીં પણ વ્હાઈટ કોલર જોબ કરતા એક્ઝિક્યુટિવના સ્વાંગમાં પણ મવાલી છુપાયો હોઈ શકે છે. આ મવાલીઓને સહન કરવાથી પણ બળાત્કાર જેવા જઘન્ય ગુનાને પ્રોત્સાહન મળે છે. સ્ત્રીઓ ક્યારેય ફરિયાદ નથી કરવાની એ આત્મવિશ્વાસ જ ખંડિત વ્યક્તિત્વ ધરાવતા પુરુષોને વધુ ગંભીર ગુનો કરવા પ્રેરે છે. સ્ત્રીઓ વર્ષોથી આવી ગુનાખોરી સામે 'બ્લોક' કે 'લેટ ગો' કરી રહી હોવાથી જ સડકછાપ પુરુષોનો આત્મવિશ્વાસ સતત વધે છે. 

હવે ડર રાખ્યા વિના પ્રેરણા કે સાધ્વીની જેમ એકાદ વાર 'બ્લોક'નો ઉપયોગ ટાળી જોજો. નપુંસકને પુરુષ સમજવાનો તમારો ભ્રમ દૂર થઈ જશે!

આ બદીને ઉઘાડી પાડવાની બાબતમાં ખોટો વિનય ન રાખવો : ગાંધીજી

વર્ષ ૧૯૩૯માં એક પંજાબી યુવતીએ છેડતી કરનાર સામે અહિંસાનું શસ્ત્ર કેવી રીતે વાપરી શકાય એ જાણવા ગાંધીબાપુને કાગળ લખ્યો હતો. પહેલી જાન્યુઆરી, ૧૯૩૯ના 'હરિજનબંધુ'માં ગાંધીજીએ આ કાગળનો તરજુમો પ્રકાશિત કર્યો હતો. તેના રસપ્રદ અંશો...

- ... અને તેમને આમ એકલા જતાં જતાં જુએ છે એટલે દુષ્ટ માણસો તેમની પાછળ પડે છે. તેઓ બાજુએ થઈને ચાલતાં ભૂંડી અશ્લીલ ભાષા ઉચ્ચારે છે અને જો આસપાસ ડરવા જેવું ન જુએ તો એથી પણ વઘુ છૂટ લેવાની હિંમત કરતાં અચકાતા નથી. આવે પ્રસંગે અહિંસા કઈ રીતનું કામ આપી શકે એ જાણવા ઈંતેજાર છું...

- ... રસ્તે ભીડ નહોતી. થોડે આગળ નહિ ગયાં હોઈએ અને એટલામાં પેલો સાઇકલવાળો અગાડી નીકળી જઈને પાછો વળ્યો. દૂરથી જ અમે એને ઓળખ્યો. એણે સાઇકલ અમારા તરફ આણવા માંડી. અમને ઘસીને સાઇકલ કાઢવાનો એનો ઈરાદો હતો કે ઉતરવાનો એ તો પ્રભુ જાણે... હું પોતે સામાન્ય બાળાઓ કરતા નબળા બાંધાની છું. પણ મારા હાથમાં એક મોટી ચોપડી હતી. કોણ જાણે ક્યાંથી મારામાં હિંમત આવી ગઇ. મેં પેલાની સાઇકલ સામે પેલી મોટી ચોપડી ઝીકી અને ત્રાડૂકીઃ ચાળા કરવા છે? આવી તો જો’. પેલો લથડ્યો, જેમ તેમ સાઇકલ સંભાળી અને દોડી ગયો...

- ... તમને દુઃખ અને આશ્ચર્ય થશે કે દીવાળી વગેરે તહેવારો દરમ્યાન છાપાંવાળા એવી જાહેર ચેતવણીઓ છાપે છે કે, સ્ત્રીઓેએ રોશનાઈ વગેરે જોવા સારુ પણ ઘર છોડી ન નીકળવું. આ એક જ વાત પરથી આપ જોશો કે, આ તરફ અમારી કેવી દયામણી હાલત છે! આવી ચેતવણીઓ છાપનારાઓને કે તેના વાંચનારાઓને કોઈને જ એ વાતનું ભાન નથી કે આવી ચેતવણીઓ છાપવી પડે એમાં તેમની કેવડી મોટી શરમ સમાયેલી છે...

આ મુદ્દે ગાંધીજીએ આપેલા જવાબના અંશો...

- જ્યાં તાત્કાલિક અંગત રક્ષાનો જ સવાલ હોય ત્યાં અલબત્ત પત્ર લખનાર બાળાએ પોતે શરીરબળમાં નબળી છતાં જે ઉપાય લીધો, એટલે કે સાઇકલવાળા પર ચોપડી ઝીકી- એ તદ્દન બરાબર હતો.

- બીભત્સ ભાષાથી બહેનોએ ન હડબડવું, પણ ચૂપ ન રહેવું. આવા બધા કિસ્સાઓને છાપાંમાં પ્રગટ કરવા જોઈએ. જ્યાં ગુનેગારોના નામ જડી શકે ત્યાં નામો પણ પ્રગટ કરવાં. આ બદીને ઉઘાડી પાડવાની બાબતમાં ખોટો વિનય ન રાખવો જોઈએ.  જાહેર ગેરવર્તનની ખબર લેવાને જાહેર પ્રજામત જેવો બીજો સચોટ બીજો કોઈ ઈલાજ નથી.

21 May, 2015

હર ચહેરા કહેતા હૈ, એક નઈ કહાની


ટેરાકોટા સૈન્ય વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન ધરાવે છે. તે ચીનની સાંસ્કૃતિક સિદ્ધિનો પુરાવો છે. આ વારસાની અસામાન્ય રીતે જાળવણી કરીને જે રીતે સાચવવામાં આવ્યો છે તે જોઈને હું ખૂબ જ પ્રભાવિત થયો છું... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેરાકોટા વોરિયર્સ મ્યુઝિયમની મુલાકાત લીધા પછી વિઝિટર્સ બુકમાં આ શબ્દો લખ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેરાકોટા મ્યુઝિયમની મુલાકાત વખતે...

ટેરાકોટા આર્મી, ટેરાકોટા વોરિયર્સ અથવા ટેરાકોટા વોરિયર્સ એન્ડ હોર્સીસ નામે ઓળખાતું આ પૂતળાનું સૈન્ય ચીનની સાંસ્કૃતિક સિદ્ધિનો જ નહીં પણ સમગ્ર માનવજાતની સભ્યતાનું પણ મહત્ત્વનું પ્રતીક છે. ટેરાકોટા સૈન્ય ત્રીજી સદીમાં થઈ ગયેલા કિન વંશના સ્થાપક કિન શિ હુઆંગના કિન સામ્રાજ્યની પ્રચંડ લશ્કરી તાકાત દર્શાવે છે. ચીનમાં ઈસ. પૂર્વે ૨૨૧થી ૨૦૭ દરમિયાન કિન વંશનું શાસન હતું. ચીનના પહેલા રાજા તરીકે ઓળખાતા કિન શિ હુઆંગે મૃત્યુ પછીયે પોતાની કબરનું રક્ષણ કરવાના હેતુથી આખા સૈન્યના ટેરાકોટા શિલ્પો બનાવવાનો આદેશ કર્યો હતો. ૨૯મી માર્ચ, ૧૯૭૪ના રોજ શાન્ઝી પ્રોવિન્સની રાજધાની ઝિયાંગમાં આવેલા લિન્તોંગ જિલ્લામાં કેટલાક ખેડૂતો કૂવો ખોદી રહ્યા હતા ત્યારે જમીન નીચેથી આ મહાકાય કબ્રસ્તાન મળી આવ્યું હતું. આ કબ્રસ્તાન એટલે કિન શિ હુઆંગની કબર અને તેના રક્ષણ માટે તૈયાર કરાયેલા ટેરાકોટા વોરિયર્સ એન્ડ હોર્સીસ. વર્ષ ૧૯૭૪ના એ દિવસથી પુરાતત્ત્વવિદો આધુનિક ટેક્નોલોજીની મદદથી ટેરાકોટા સૈન્યને નુકસાન ના થાય એ રીતે અત્યંત ધીમી ગતિએ મૂર્તિઓ શોધવાનું ભગીરથ કામ કરી રહ્યા છે.

ચીનની દીવાલનો સ્વપ્નદૃષ્ટા રાજા

કિન સામ્રાજ્યના સ્થાપક કિન શિ હુઆંગ વિશ્વના સૌથી સ્વપ્નદૃષ્ટા રાજાઓમાં સ્થાન ધરાવે છે. કિન સામ્રાજ્યનું રક્ષણ કરવા ચીનની ઉત્તરીય સરહદ પર ચીનની ઐતિહાસિક દીવાલ બંધાવવાની વિશિષ્ટ સિદ્ધિ પણ કિનના નામે છે. જોકે, કિન શિ હુઆંગને ટેરાકોટા સૈન્યના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી છે. આ કબરના રક્ષણ માટે કિને ટેરાકોટાના આઠ હજાર સૈનિક, ૫૨૦ ઘોડા સહિતના ૧૩૦ રથ તેમજ ૧૫૦ અશ્વસવારોના પૂતળા તૈયાર કરાવ્યા હતા. વર્ષ ૧૯૮૭માં યુનેસ્કોએ આ સમગ્ર કબ્રસ્તાનનો હેરિટેજ સાઈટમાં સમાવેશ કર્યો હતો.

લિ નામના પર્વતની તળેટીમાં એક વિશાળ ખાડો કરીને તૈયાર કરાયેલું આ કબ્રસ્તાન હાલના ઝિયાંગ શહેરમાં છે. આ પર્વતની તળેટીમાં કિનની પિરામિડ આકારની કબર અને તેની આસપાસ કિન સામ્રાજ્યના રાજવી મહેલની પ્રતિકૃતિ છે. આ પ્રતિકૃતિના ભાગરૂપે જ કબરની આસપાસ ટેરાકોટામાંથી બનાવેલા સૈનિકોના શિલ્પો ગોઠવવામાં આવ્યા છે. આ કબ્રસ્તાનમાં રાજવી મહેલમાં હતી એવી ઓફિસ, મહાકાય સભાખંડ અને તબેલા પણ છે. સમગ્ર કબ્રસ્તાનની આસપાસ માટી અને ચુના પથ્થર જેવા કુદરતી પદાર્થોમાંથી બનાવેલી અત્યંત મજબૂત દીવાલ અને અંદર જવા વિશાળ દરવાજો છે.

કિન શિ હુઆંગ

ટેરાકોટા વોરિયર્સ એન્ડ હોર્સીસ

ટેરાકોટા સૈન્યની સૌથી મોટી ખૂબી એ છે કેદરેક સૈનિકનો ચહેરો બીજા સૈનિક કરતા અલગ છે. આ તમામ સૈનિકોના ચહેરા તૈયાર કરવા ફક્ત આઠ બીબાનો ઉપયોગ કરાયો છેપણ તમામ ચહેરાના લક્ષણો અને હાવભાવ અલગ હોવાથી તેમાં પાછળથી માટી ઉમેરીને 'ફેસિયલ ફિચર્સડેવલપ કરાયા છે. એ જમાનામાં ગટરની પાઈપ બનાવવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરાતો હતોએ પદ્ધતિનો ઉપયોગ કરીને સૈનિકોના પગ બનાવાયા છે. આ તમામ શિલ્પના માથાહાથ-પગ અને ધડ અલગ-અલગ તૈયાર થયા છેજુદી જુદી ભઠ્ઠીમાં પકવવામાં આવ્યા છે અને એ પછી તમામને જોડવામાં આવ્યા છે. 

શિલ્પકારો આખેઆખું વન-પીસ શિલ્પ તૈયાર કરી શકતા હતા પણ ગુણવત્તા જાળવવા તેમણે એમ કર્યું નથી. આ તમામ સૈનિકોના ચહેરા તો ઠીક હાથ-પગ, હેર સ્ટાઈલ, પોષાક અને કદ પણ જુદા જુદા છે. આધુનિક ઈતિહાસકારોનું માનવું છે કે, કિન વંશના કુશળ કારીગરોએ દરેક સૈનિક, ઘોડો કે રથની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર હોઈ શકે છે કારણ કે, ટેરાકોટા સૈન્યનું દરેક શિલ્પ લાઈફ-સાઈઝનું એટલે કે જીવતા-જાગતા સૈનિક, રથ કે ઘોડા જેટલું જ કદ ધરાવે છે. વળી, દરેક સૈનિકના હાવભાવ, કપડાં, હડપચી અને કાનના આકાર પણ અલગ અલગ છે. આવા વિવિધ કારણોસર એવું માનવાને પણ બળ મળે છે કે, ટેરાકોટા સૈન્યનું દરેક શિલ્પ કિન સામ્રાજ્યના અસલી સૈનિકની જ પ્રતિકૃતિ છે.

આ શિલ્પો કિન સામ્રાજ્યમાં નોકરી કરતા કારીગરો, મજૂરો અને સ્થાનિક કલાકારો સહિત કુલ સાત લાખ લોકોની મદદથી તૈયાર કરાયા હતા. કિન વંશમાં તૈયાર કરાયેલા તમામ શિલ્પોના નાનામાં નાના પાર્ટ્સની ગુણવત્તા ખૂબ ઊંચી કક્ષાની છે કારણ કે, એ જમાનામાં પણ કિન શિન હુઆંગે 'ક્વોલિટી કંટ્રોલ' માટે ઉત્પાદિત કરાયેલી ચીજવસ્તુ પર જે તે વર્કશોપનું નામ કોતરવાનો નિયમ ફરજિયાત કર્યો હતો. આ કારણોસર પુરાતત્ત્વવિદો ટેરાકોટા સૈન્યની વિવિધ ચીજવસ્તુઓ કયા વર્કશોપમાં તૈયાર થઈ હતી એ પણ જાણી શક્યા છે.

આખું સૈન્ય અસલી શસ્ત્રોથી સજ્જ

કિન શિ હુઆંગના કબ્રસ્તાનના કુલ ચાર ભાગ છે, જે પિટ (ખાડો) ૧,,૩ અને ૪ તરીકે ઓળખાય છે. મૂળ સ્મારક (કબર) ફૂટબોલના મેદાન જેટલું વિશાળ છે. આ કબરના રક્ષણ માટે તમામ સૈનિકોને તેમના હોદ્દા મુજબ ખાડામાં મિલિટરી ફોર્મેશનમાં ગોઠવાયા છે. ટેરાકોટા સૈનિકોના હાથમાં તલવાર, બરછી, ભાલા, તીર-કામઠાં અને ઢાલ જેવા અસલી શસ્ત્રો છે. નવાઈની વાત તો એ છે કે, તમામ શસ્ત્રોની ડિઝાઈન અત્યાધુનિક છે. જેમ કે, તીર-કામઠાંમાં બંદૂક જેવું ટ્રિગર મિકેનિઝમ છે, જેની મદદથી ૭૦૦થી ૮૦૦ મીટર દૂર સુધી તીર છોડી શકાય છે.

વિવિધ ગલીઓમાં મિલિટરી ફોર્મેશનમાં ગોઠવેલા ટેરાકોટા શિલ્પ

અત્યાધુનિક ધાતુવિજ્ઞાનનો ઉપયોગ કરીને બનાવેલી તલવાર

બે સદીથી પણ વધુ સમય પહેલાંના આ શસ્ત્રોને ક્રોમિયમ ડાયોક્સાઈડનો ઢોળ ચઢાવાયો છે, જેના કારણે ૨,૨૦૦ વર્ષ દટાયેલી રહેવા છતાં મોટા ભાગની ચીજવસ્તુઓને કાટ લાગ્યો નથી. તલવારો જેવા અનેક શસ્ત્રો તાંબુ, જસત, નિકલ, મેગ્નેશિયમ અને કોબાલ્ટ જેવી ધાતુમાંથી બનાવાયા છે. અત્યાર સુધી કરાયેલા ખોદકામમાં ૪૦ હજાર શસ્ત્રો મળી આવ્યા છે. આ શસ્ત્ર-સરંજામ લાંબા સમય સુધી હેમખેમ રાખવા જે ધાતુવિજ્ઞાનનો ઉપયોગ કરાયો છે, એનો ઉપયોગ જર્મનીમાં વર્ષ ૧૯૩૭માં અને અમેરિકામાં વર્ષ ૧૯૫૦માં શરૂ થયો હતો.

સમગ્ર સૈન્યને ટેરાકોટાથી તૈયાર કર્યા પછી સૈનિકોના હોદ્દા પ્રમાણે જુદો જુદો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો છે. ના, યુનિફોર્મ અસલી નથી પણ શિલ્પોને લાલ, લીલો, ગુલાબી, વાદળી, સફેદ, કાળો અને બદામી રંગથી રંગીને પોષાક પહેરાવાયો છે. ટેરાકોટા સૈનિકો પર કરેલું રંગકામ અને તેમના હાથમાં આપેલા શસ્ત્રોથી સમગ્ર સૈન્ય આગેકૂચ કરી રહ્યું હોય એવો ભાસ થાય છે. ટેરાકોટા સૈન્ય તૈયાર કર્યું એના થોડા સમય પછી કોઈ યુદ્ધમાં મોટા ભાગના શસ્ત્રો લૂંટી લેવાયા હતા. આ ઉપરાંત મોટા ભાગના શિલ્પોના રંગનું પડ ઉખડી ગયું છે કે ઝાંખુ થઈ ગયું છે.

જોકે, મોડર્ન ટેક્નોલોજીની મદદથી અનેક શિલ્પોને જેવા તૈયાર કરાયા હતા એવા જ રિસ્ટોર કરીને મ્યુઝિયમમાં  પ્રદર્શનાર્થે મૂકાયા છે.

વર્ષ ૧૯૭૪થી ચાલી રહ્યું છે ખોદકામ

ટેરાકોટા શિલ્પોને નુકસાન ના થાય એ સહિતના કારણોસર વર્ષ ૧૯૯૪થી ચારેય ખાડાનું ખોદકામ બંધ કરાયું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના માંડ ૧૪ દિવસ પહેલાં ૩૦મી એપ્રિલ, ૨૦૧૫એ ફરી એકવાર શરૂ થયું છે. જોકે, ચાળીસ વર્ષથી પણ વધુ સમયના ખોદકામના અનુભવ પછી પુરાતત્ત્વવિદોએ ફૂટબોલ મેદાન જેટલું કદ ધરાવતું મહાકાય સ્મારક નહીં ખોદવાનો નિર્ણય કર્યો છે. જો આ કબર ખોદવામાં આવે તો હાલના ઝિયાનના વાતાવરણમાં ટેરાકોટાના શિલ્પોની સપાટી ફક્ત ૧૫ સેકન્ડમાં ચીમળાઈ શકે છે અને ચાર મિનિટમાં તૂટી જઈ શકે છે. આ કબ્રસ્તાનના ચારેય ખાડામાં સરેરાશ સાત મીટર સુધી ખોદકામ કરાયું છે. ચારેય ખાડા મૂળ સ્મારકથી પૂર્વ દિશામાં દોઢ કિલોમીટર દૂર છે કારણ કે, ટેરાકોટા સૈન્યએ પૂર્વ દિશામાંથી થતાં આક્રમણો રોકવાના હતા.

ટેરાકોટા મ્યુઝિયમ કોમ્પ્લેક્સ કે જેની અંદર હજુયે ખોકદામ ચાલી રહ્યું છે

આધુનિક ટેક્નોલોજીની મદદથી રિસ્ટોર કરાયેલા શિલ્પો

આશરે છ હજાર સૈનિકો ધરાવતો સૌથી પહેલો મુખ્ય ખાડો ૨૩૦ મીટર લાંબો અને ૬૨ મીટર પહોળો છે. આ ખાડામાં સરેરાશ ત્રણ મીટર પહોળી કુલ ૧૧ ગલી છે. આ ગલીઓની ડિઝાઈન રાજવી મહેલની ગલીઓ જેવી જ છે અને દરેક ગલીમાં સૈનિકો ખડે પગે છે. આ ગલીઓની દીવાલોના ટેકે લાકડાની છત હતી, જેના પર વાંસની સાદડીઓ અને માટીના ઉપરાછાપરી થર તૈયાર કરીને સમગ્ર માળખાને વોટરપ્રૂફ કરાયું હતું. બાદમાં આ ચણતરને જમીનની ઉપર બેથી ત્રણ મીટર સુધીના ટેકરા કરીને ટેરાકોટા સૈન્ય દાટી દેવાયું હતું.

હવે મોટા ભાગના વિસ્તારમાં ખોદકામ થઈ ગયું છે. બીજા નંબરના ખાડામાં પાયદળ અને અશ્વદળની ટુકડીઓ તેમજ યુદ્ધ રથો છે. ત્રીજા નંબરના ખાડામાં હુકમ કરવાની સત્તા ધરાવતા ઊંચ્ચ અધિકારીઓ અને યુદ્ધ રથો છે, જ્યારે ચોથો ખાડો ખાલી છે. ઈતિહાસકારોના મતે, આક્રમણો કે બીજા કોઈ કારણોસર આ કામ અધૂરું રહી ગયું હશે. પહેલા ખાડામાં આગ અને જોરદાર આક્રમણ થયાના પુરાવા પણ મળ્યા છે. મૂળ સ્મારકની આસપાસ બીજા પણ કેટલાક ખાડા મળ્યા છે, જેમાંથી રાજવી મહેલમાં નૃત્ય અને અંગકસરતના ખેલ કરનારા લોકોના ટેરાકોટા શિલ્પ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે.

ટેરાકોટા સૈન્યની ગુપ્તતા માટે હત્યા

કિન શિ હુઆંગે રાજકારણ, અર્થતંત્ર અને વિજ્ઞાનમાં ક્રાંતિકારી સુધારાનો માર્ગ મોકળો કર્યો હતો. કિનના સમયમાં જ ચીનની રાજકીય શક્તિ, અર્થતંત્ર અને સાંસ્કૃતિક વિકાસ ચરમસીમાએ હતો. તેણે ભાષાના ધોરણો નક્કી કર્યા હતા તેમજ માપ લેવાના વજનિયા સહિતના એકમોનું ધોરણ નક્કી કર્યું હતું, જે ૨,૨૦૦ વર્ષ પહેલાંના ચીનની મોટી સિદ્ધિ છે. જોકે, કિન શિ હુઆંગ વિશ્વના ઈતિહાસમાં તેની ક્રૂરતા માટે પણ જાણીતો છે. કિને પોતાની કબર અને ટેરાકોટા સૈન્યનું સ્થળ ક્યાં છે એની ગુપ્તતા હજારો વર્ષ સુધી જાળવી રાખવા હજારો નાના મજૂરો અને કારીગરોની હત્યા કરાવી દીધી હતી!

ટેરાકોટા સૈન્ય વિશે નેશનલ જિયોગ્રાફિક, ડિસ્કવરી, બીબીસી અને સ્મિથસોમિયન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ બનાવી ચૂકી છે. આ સિવાય પણ અનેક શોર્ટ ફિલ્મ્સ ઓનલાઈન જોઈ શકાય છે. ૧૯મી ફેબુ્રઆરી, ૨૦૧૧થી સાતમી નવેમ્બર, ૨૦૧૧ દરમિયાન નેશનલ મ્યુઝિયમ ઓફ નવી દિલ્હી, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ-મુંબઈ, સાલારગંજ મ્યુઝિયમ-હૈદરાબાદ અને નેશનલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયા-કોલકાતા એમ ચાર સ્થળે ટેરાકોટા સૈન્યની પસંદગીની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું. બ્રિટન, અમેરિકા, કેનડા, સ્વિડન અને ઈટાલીમાં પણ ટેરાકોટા સૈન્યની પસંદગીના નમૂનાનું પ્રદર્શન થઈ ચૂક્યું છે.

13 May, 2015

બુરી નજરવાલે તેરા મુંહ કાલા


મહારાષ્ટ્ર સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યા પછી ટ્રક પાછળ 'હોર્ન ઓકે પ્લીઝ' સૂત્ર લખવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રકારના પ્રતિબંધ માટે મહારાષ્ટ્ર સરકારે ધ્વનિ પ્રદૂષણનું કારણ રજૂ કર્યું છે. જે દેશના લોકો પર ટ્રાફિકને લગતા સાઈન બોર્ડની અસર થતી ના હોય, તેઓ ટ્રકો પાછળ લખેલા સૂત્રો કે સ્લોગન જોઈને હોર્ન મારતા હોય તો એ ભારતની ટ્રક શણગાર કળા (ડેકોરેટિવ આર્ટ)ની તાકાત કહેવાય. ખરેખર તો ટ્રકો પાછળ લખેલા 'હોર્ન ઓકે પ્લીઝ' જેવા સૂત્રોને ટ્રાફિક નિયમન સાથે ઓછો અને લોક સંસ્કૃતિ સાથે વધુ સંબંધ છે. વિશ્વમાં ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ટ્રકોનો શણગાર અને તેની પાછળ લખવામાં આવતા સૂત્રો એ એશિયન પોપ આર્ટ કલ્ચરનો રસપ્રદ વિષય છે. મહારાષ્ટ્ર સરકારને કદાચ ખ્યાલ નથી કે, આખા દેશમાં કદાચ એવી એક પણ ટ્રક નથી કે જેના પર 'હોર્ન ઓકે પ્લીઝ' નહીં લખ્યું હોય! મહારાષ્ટ્ર સરકારનું વલણ 'ચાલો નવો પ્રતિબંધ મૂકીએ' એ પ્રકારનું છે કારણ કે, દેશના બીજા રાજ્યોની ટ્રકો મહારાષ્ટ્રની સરહદમાં પ્રવેશશે ત્યારે આ નિયમ કેવી રીતે લાગુ પડશે, એ વિશે તંત્રએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ પ્રતિબંધ પછી મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર મહેશ ઝગાડે ન્યૂઝ ચેનલોના કેમેરા સામે કહી રહ્યા હતા કે, ''આ દિશામાં સાંસ્કૃતિ બદલાવની જરૂર છે અને તે લક્ષ્ય હાંસલ કરવા આ નિર્ણય કરાયો છે. હોર્નથી અવાજનું પ્રદૂષણ વધે છે, જેને આવી રીતે જ ઘટાડી શકાય...'' જોકે, મહારાષ્ટ્ર સરકારે સાંસ્કૃતિક બદલાવ લાવવાના ચક્કરમાં એક સાંસ્કૃતિક ઘટના પર જ પ્રહાર કર્યો છે. કોઈ પણ વિસ્તારની સંસ્કૃતિને નજીકથી જાણવા અને માણવા તેના માર્ગો પર પગપાળા પ્રવાસ પણ કરવો જોઈએ. એવી જ રીતે, કોઈ પણ દેશનું કુદરતી સોંદર્ય માણવા તેમજ તેની સંસ્કૃતિ, સમાજ અને લોકોને વધુ ઊંડાણથી સમજવા તેના હાઈ વે પર પ્રવાસ કરવો જોઈએ. ભારતના હાઈ વે પર લાં...બી મુસાફરી કરવી એ વિશ્વમાં કદાચ સૌથી વધુ રસપ્રદ છે અને એનું એક કારણ છે, ટ્રકોને શણગારવાની કળા અને તેની પાછળ લખેલા સૂત્રો. હાઈ વે પર લાંબી મુસાફરીનો આનંદ લેવો એ પણ એક કળા છે.

'હોર્ન ઓકે પ્લીઝઆવ્યુ ક્યાંથી?

'હોર્ન ઓકે પ્લીઝ' આવ્યુ ક્યાંથી એ કોઈ જાણતું નહીં હોવાથી તેનો જવાબ મેળવવાની મથામણમાં જાતભાતની થિયરી સર્જાઈ છે. આ પ્રશ્નનો સૌથી તાર્કિક જવાબ એવો અપાય છે કે, હાઈ વે પર ટ્રક ડ્રાઈવર સાવચેતીથી ઓવરટેક કરે એ માટે પચાસ-સાઠના દાયકામાં ટ્રક પાછળ 'હોર્ન પ્લીઝ' લખવાની શરૂઆત થઈ હતી. કારની સરખામણીમાં ટ્રકનું કદ મોટું હોય છે અને સામાન્ય રીતે તેમાં જંગી માલસામાન ભરેલો હોય છે. આ સ્થિતિમાં ટ્રક ડ્રાઈવરે અકસ્માત નિવારવા સમજી-વિચારીને ઓવરટેક કરવું જોઈએ એ વાત યાદ અપાવવા ટ્રકો પાછળ આવું સૂત્ર ચિતરાતું હતું. જો 'હોર્ન પ્લીઝ'નો જન્મ આવી રીતે થયો હોય તો વચ્ચે 'ઓકે' શબ્દ ક્યાંથી આવ્યો

‘હોર્ન ઓકે પ્લીઝ’ સહિતના સૂત્રો સાથે ટીપિકલ ટ્રક આર્ટ

ટાટા ઓઈલ મિલ્સ કો.નો ‘ઓકે’ સાબુ

એવું કહેવાય છે કે, 'ઓકે'ને 'હોર્ન પ્લીઝ' શબ્દો સાથે કોઈ સંબંધ નથી. પાછળ આવતી વ્યક્તિ દૂરથી પણ 'હોર્ન પ્લીઝ' વાંચી શકે એ માટે મોટા ભાગની ટ્રકો પાછળ છેક ડાબી બાજુ 'હોર્ન' અને છેક જમણી બાજુ 'પ્લીઝ' લખ્યું હોય છે, પરંતુ 'ઓકે' શબ્દ વચ્ચે લખ્યો હોય છે. આ કારણોસર 'હોર્ન પ્લીઝ' અને 'ઓકે'ને એકબીજાથી અલગ હોય એ થિયરી સાચી હોય એવું માની શકાય.

'ઓકે'ના ઉદ્ભવ વિશે એવી થિયરી અપાય છે કે, આરટીઓના નિયમ પ્રમાણે દરેક ટ્રક તપાસીને પ્રમાણિત કરાયેલી હોવી જરૂરી છે. જે ટ્રક આ પ્રક્રિયામાંથી પસાર થઈ હોય તેના પર 'ઓકે' લખાય છે. જોકે, આરટીઓના એક પણ નિયમ પ્રમાણે આવું લખવું ફરજિયાત નથી. બીજી એક થિયરી પ્રમાણે, દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે ડીઝલની અછત સર્જાતા ટ્રકો ચલાવવા કેરોસીનનો ઉપયોગ થતો હતો. કેરોસીનથી ચાલતી ટ્રકોનો અકસ્માત  વધુ ગંભીર રહેતો. આ અકસ્માતો નિવારવા હોર્ન મારવાનું વિનમ્ર સૂચન કરવા 'ઓકે' લખવાની શરૂઆત થઈ હતી. આ શુભેચ્છામાં અકસ્માતોથી બચવા 'યુ આર ઓકે, સો આઈ એમ ઓકે'નો ગુઢાર્થ સામેલ હતો.

બીજી એક થિયરી પ્રમાણે, વર્ષો પહેલાં 'ઓકે'ની નીચે નાનકડો બલ્બ પણ ફિટ કરાતો હતો. ટ્રક ડ્રાઈવરો પાછળ આવતી ટ્રકને 'ઓવરટેક કરવું ઓકે છે અને સામેથી કોઈ વાહન નથી આવી રહ્યું' એવો સંદેશ આપવા આ બલ્બ ચાલુ-બંધ કરતા. જોકે, સિંગલ લેન હાઈ વે વખતે આ પદ્ધતિ અપનાવાતી હતી પણ મલ્ટી-લેન હાઈવે બન્યા પછી 'ઓકે' રહી ગયું અને મેઇન્ટેનન્સના કારણે બલ્બ લુપ્ત થઈ ગયો.

ખેર, આ બધી શંકાસ્પદ થિયરી વચ્ચે 'ઓકે'ના ઉદ્ભવની બીજી પણ એક રસપ્રદ થિયરી છે. આ થિયરી પ્રમાણે, આઝાદી પછી ટાટા મોટર્સ સૌથી મોટા ટ્રક ઉત્પાદક કંપની તરીકે ઊભરી રહી હતી. એ વખતે ટાટા જૂથની બીજી પેટા કંપની ટાટા ઓઈલ મિલ્સ કોર્પોરેશને 'ઓકે' નામનો ન્હાવાનો સાબુ બજારમાં મૂક્યો હતો. આ સાબુનું માર્કેટિંગ કરવા કંપનીએ ટાટાની ટ્રકો પાછળ 'ઓકે' લખવાનું શરૂ કર્યું હતું. આ સાબુનું કુદરતીપણું અને તાજગી દર્શાવવા તેના પર કમળનું ચિહ્ન મૂકીને માર્કેટિંગ કરવામાં આવતું હતું. આજે પણ ભારતના હાઈવે પર હજારો ટ્રકોમાં 'ઓકે'ની સાથે કમળનું ચિહ્ન જોવા મળે છે, જે 'ઓકે' સાબુની થિયરીમાં સત્યનો અંશ હશે એવું માનવા પ્રેરે છે.

જોકે, સમયની સાથે 'ઓકે' સાબુ ભૂલાઈ ગયો પણ 'હોર્ન ઓકે પ્લીઝ' અમર થઈ ગયું કારણ કે, આઝાદી પછી દાયકાઓ સુધી ટ્રક ઉત્પાદનમાં ટાટાનું એકચક્રી સામ્રાજ્ય રહ્યું હતું. જોકે, આજેય ટ્રક ઉત્પાદનમાં ટાટા અગ્રણી કંપનીઓ પૈકીની એક છે. આ કારણોસર ટ્રક પાછળ આ સૂત્ર લખવું વણલિખિત નિયમ બની ગયો હોઈ શકે છે.

પોપ્યુલર આર્ટ કલ્ચરમાં મહત્ત્વ

એશિયન પોપ્યુલર આર્ટ કલ્ચરમાં ટ્રકોની શણગાર કળા અને તેની પાછળ લખવામાં આવતા સૂત્રો એ અત્યંત રસપ્રદ વિષય છે. હાઈ વે પર ટ્રક લઈને લાંબી મુસાફરી કરતા ડ્રાઈવર, ક્લિનરને ટ્રક સાથે એક નાતો જોડાઈ જતો હોય છે. કદાચ આ કારણોસર તેઓ પોતાની ટ્રકને એક દુલ્હનની જેમ સજાવતા હશે! ટ્રકોની સજાવટ માટે ડ્રાઈવરો ઓઈલ પેઈન્ટિંગ, લાઈટિંગ, ચળકતા પતરાં, ફૂમતા, રંગબેરંગી ઊનની દોરીઓ અને કાપડનો ઉપયોગ કરાતો હોય છે. પાકિસ્તાનની લોક સંસ્કૃતિમાં ટ્રકના શણગારનું ભારત કરતા પણ વધારે મહત્ત્વ છે. પાકિસ્તાનમાં ટ્રક ડેકોરેશન ક્ષેત્ર ઘણાં લોકોને રોજગારી આપે છે. પાકિસ્તાનના ટ્રક માલિકો એક ટ્રક સજાવવા ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે.

ભારતીય ટ્રક આર્ટનો નમૂનો 

ટ્રક આર્ટનો પોપ કલ્ચર પર પ્રભાવ

પાકિસ્તાનની ભપદાકાર ટ્રક આર્ટ

આ પ્રકારના ભપકાદાર શણગાર વચ્ચે સૌથી ધ્યાનાકર્ષક બાબત ટ્રક પાછળ લખેલા સૂત્રો હોય છે. આ સૂત્રોમાં પ્રેમ, ગુસ્સો, ધર્મ, તત્ત્વજ્ઞાાન, હાસ્ય અને દેશપ્રેમ જેવા વૈવિધ્યસભર રંગો વ્યક્ત થતા હોઈ શકે છે. 'હોર્ન ઓકે પ્લીઝ' પછી સૌથી વધારે જોવા મળતા સૂત્રોમાં 'મેરા ભારત મહાન', 'યુઝ ડીપર એટ નાઈટ', 'બુરી નજરવાલે તેરા મુંહ કાલા' કે 'મા કા આશીર્વાદ'નો સમાવેશ થાય છે. ભારતમાં આ પ્રકારના સૂત્રો મોટા ભાગે હિન્દી અને અંગ્રેજીમાં લખેલા હોય છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવા સૂત્રો મોટા ભાગે ઉર્દૂમાં લખ્યા હોય છે.

'હોર્ન ઓકે પ્લીઝ' સૂત્રે આધુનિક શહેરી સંસ્કૃતિ પર ઘેરી છાપ છોડી છે. આધુનિક કળા વિશ્વ પર નજર કરીએ તો પણ માટીના વાસણો, ઝુમ્મરો, ફાનસ, ચાદર, ઓશિકાના કવર અને ઘર સજાવટની ચીજવસ્તુઓમાં  પણ ટ્રક શણગારની છાંટ જોવા મળે છે. અનેક હોમ વીડિયો, ફિલ્મો, બ્લોગ, પુસ્તકો અને રેસ્ટોરન્ટના નામ પણ 'હોર્ન ઓકે પ્લીઝ'થી પ્રેરિત છે. રાજકોટમાં 'હોર્ન ઓકે પ્લીઝ' નામનો ઢાબા છે. આ ઢાબાની દીવાલોને ટ્રક પાછળ લખ્યા હોય એવા સૂત્રોથી સજાવાઈને ટ્રક અને હાઈ વેની યાદ અપાવે એવો માહોલ ઊભો કરાયો છે. પૂણે, ઈન્દોર અને છેક લંડનમાં પણ 'હોર્ન ઓકે પ્લીઝ' રેસ્ટોરન્ટ છે. વર્ષ ૨૦૦૬માં યુ.કે.માં જુલ સિમોન અને વૈભવ કુમારેશની 'હોર્ન ઓકે પ્લીઝ' નામની હિન્દી એનિમેશન ફિલ્મ રિલીઝ થઈ હતી. વર્ષ ૨૦૦૯માં રાકેશ સારંગની 'હોર્ન ઓકે પ્લીઝ' નામની નાના પાટેકર અભિનિત ફિલ્મ આવી હતી, જેમાં તેઓ ટ્રક ડ્રાઈવરની ભૂમિકામાં છે. શાંતનુ સુમને ભારતીય ટ્રક શણગાર કળાને વિશ્વ સમક્ષ મૂકવા વર્ષ ૨૦૧૨માં 'હોર્ન પ્લીઝ' નામની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં ઘણી વખણાઈ હતી. 

એ પછી વર્ષ ૨૦૧૪માં અભિષેક ચોબેની 'દેઢ ઈશ્કિયા'માં 'હોર્ન ઓકે પ્લીઝ' પરથી પ્રેરિત એક ગીત હતું, જે હની સિંગ અને સુખવિન્દર સિંગે ગાયું હતું. 'હોર્ન ઓકે પ્લીઝ, મેં આ રિયા હું કિ જા રિયા હું, રિવર્સમેં મુસ્કુરા રિયા હું' જેવા રમૂજી શબ્દો ધરાવતું આ ગીત ગુલઝાર અને વિશાલ ભારદ્વાજ જેવા ધુરંધર સર્જકોએ લખ્યું છે.

મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવરો આ બધું જાણતા ના હોય એ સમજી શકાય એમ છે. આમ છતાં, મહારાષ્ટ્રના ટ્રક ડ્રાઈવરોએ 'હોર્ન ઓકે પ્લીઝ'ને 'ટાટા બાય બાય' કહેવાની ના પાડી દીધી છે. જો ટ્રક પાછળ લખેલા સૂત્રો ધ્વનિ પ્રદૂષણ કરી શકે એટલા અસરકારક હોય તો હવે મહારાષ્ટ્ર સરકાર 'બુરી નજરવાલે તેરા મુંહ કાલા' સૂત્ર પર પણ પ્રતિબંધ મૂકી દેશે. આ માટેનું કારણ અપાશે કે, આ સૂત્ર રંગભેદને પ્રોત્સાહન આપે છે. 

શું કહો છો?