24 November, 2016

ફિફ્ટી શેડ્સ ઓફ બ્લેક મની


નોટબંધી પછી કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર વિશે લખવા-બોલવાનો માહોલ સ્વ. રમેશ પારેખની વિખ્યાત ગઝલ 'મનપાંચમના મેળા' જેવો છે. આ માહોલને પણ એવા જ કાવ્યમય અંદાજમાં (સ્વ. રમેશ પારેખની ક્ષમાયાચના સાથે) બયાં કરવો હોય તો શું કહી શકાય?

આ નોટબંધી મુદ્દે સૌ કોઈ અભિપ્રાય લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે કાળું નાણું ખતમ કરવાનું સપનું લઈને,
કોઈ દેશનું ભાવિ અંધકારમય લઈને આવ્યાં છે. 

અહીં નિષ્ણાતોની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને પેલા બેંક ખાતાવાળા બબ્બે પૈસાની ઓકાત લઈને આવ્યા છે.

કોઈ અર્થતંત્રનું ફૂટવું લાવ્યા, કોઈ જીડીપીનું તૂટવું લાવ્યા
કોઈ ટોળું બનેલા માણસનો રોષ લઈને આવ્યા છે.

કોઈ મજૂરો, રોજમદારોની લાગણીઓ, કોઈ બેંક-એટીએમની ઉભડક લાઈનો,
કોઈ લાઈનમાં થયેલું મોત, તો કોઈ કાળાં બજારિયાની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ મોદી, રાહુલ અને કેજરીવાલ બુલેટિન જેવું બોલે છે,
અહીં સૌ તટસ્થ અભિપ્રાયનો વહેમ લઈને આવ્યા છે.

કોઈ બિલ્લી જેવી આંખોથી જુએ છે ટીવી ચેનલ, વાંચે છે છાપા,
ને કોઈ 'મોદી સામે કાળાં બજારિયાની વિસાત શું' લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા આર્થિક સુધારાનું અજવાળું, કોઈ લાવ્યા આશા અમર,
કોઈ ગૃહિણીઓની ભીની ભીની આંખો લઈને આવ્યા છે

કોઈ સરકારના ચારણ બનીને, કોઈ મધ્યમવર્ગીય આશા લઈને,
કોઈ અધકચરાઅધૂરા વિશ્લેષણોની ઠોકમઠોક લઈને આવ્યા છે.

આ અભિપ્રાયો વચ્ચે કેટલાક ખુદ મૂંઝારો બનીને આવ્યા છે,
સરકાર સામે સવાલિયા નિશાન લઈને આવ્યા છે. 

***

નોટબંધી 'કેટલી ફાયદેમંદ, કેટલી અસરકારક' એ મુદ્દે આર્થિક નિષ્ણાતો વિરોધાભાસી અભિપ્રાયો આપી રહ્યા હોય, ભારતવર્ષની મહાન પ્રજા વ્યક્તિપૂજામાં લીન હોય અને બૌદ્ધિકો પણ પોતપોતાનો ચોકો રચીને ચબરાકીથી પૂર્વગ્રહયુક્ત મત આપી રહ્યા હોય ત્યારે આમ આદમીએ કેટલીક પાયાની વાત સમજવી ખાસ જરૂરી છે. નોટબંધીના પરિણામો શું આવશે એ જાણવા રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી, પણ નોટબંધીની ઉજવણી અને રોક્કળના સમાંતર માહોલમાં આપણે ફક્ત એટલું યાદ રાખીએ કે, રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ કરવાથી 'રામરાજ્ય' નથી સ્થપાઈ જવાનું!

સરકાર કહે છે કે, નોટબંધીનો નિર્ણય કાળું નાણું, ભ્રષ્ટાચાર અને નકલી નોટો જેવા દુષણને કાબૂમાં લેવામાં આવ્યો છે. દેશભરના અંગ્રેજી, પ્રાદેશિક મીડિયા તેમજ વિદેશી મીડિયાએ પણ 'વડાપ્રધાન મોદીના નિર્ણય'ને વધાવી લીધો છે. મીડિયામાં જે કોઈ 'મોદી વિરોધી' સમાચારો આવી રહ્યા છે એ રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટો રદ કર્યાના નહીં, પણ નોટબંધી પછી લોકોને પડી રહેલી મુશ્કેલીઓના છે. એક સરેરાશ વ્યક્તિએ પણ નોટબંધીના નિર્ણયને આવકાર્યો છે કારણ કે, લોકોને આશા છે કે હવે કાળાં બજારિયાની ખેર નથી. ઓકે, કુબૂલ હૈ, કુબૂલ હૈ, કુબૂલ હૈ.




પરંતુ, નોટબંધીનો નિર્ણય કાળાં નાણાં અને નકલી નોટોના દુષણ સામે લડવામાં કામ આવી શકે, નહીં કે ભ્રષ્ટાચારનો અંત લાવવા. જોકે, ભારતમાં કાળું નાણું કેટલું છે એ વિશે હંમેશાં મતમતાંતર રહ્યા છે. જીડીપીમાં દસ ટકાથી લઈને ૫૦ ટકા સુધી કાળું નાણું હોવાના 'અંદાજ' થઈ ચૂક્યા છે. કાળાં નાણાંના ચોક્કસ આંકડા ક્યારેય મેળવી શકાયા જ નથી અને ભવિષ્યમાં પણ મેળવી નહીં શકાય. હવે તો સરકારે પણ કહી દીધું છે કે, દેશમાં કેટલું કાળું નાણું છે એના અમારી પાસે કોઈ ચોક્કસ આંકડા નથી.

દેશભરમાં અપાતી લાંચ અને નાના-મોટા કૌભાંડો પછી જુદા જુદા લોકો પાસે વહેંચાઈ ગયેલા કાળાં નાણાંનો (અને કાળાંમાંથી સફેદ થઈ ગયેલા) હિસાબ કેવી રીતે હોય? તમે મહેનત પરસેવાની કમાણીની લાંચ આપો એ જ ઘડીએ તમારું સફેદ નાણું કાળું થઈ જાય છે. આપણે આરટીઓમાં લાઈનમાં ઊભું રહેવું ના પડે એ માટે ૧૦૦ રૂપિયાની લાંચ આપીએ તો એ ભ્રષ્ટાચાર થયો અને જે વ્યક્તિ રૂ. ૧૦૦ લે છે એની પાસે એટલું કાળું નાણું થયું! દેશભરમાં રોજેરોજ આવી રીતે બેહિસાબ લાંચ અપાય છે, પરંતુ બીજો પણ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખો.

ચાર રસ્તે ઊભેલા ટ્રાફિક પોલીસને અપાતી અને આઈએએસ અધિકારીને અપાતી લાંચમાં ફર્ક હોય છે. અહીં રકમ કેટલી છે એ મુદ્દો નથી, પણ એ બંને હોદ્દેદારો દ્વારા લેવાતી લાંચ અને ભ્રષ્ટાચારની ગંભીરતા ઘણી જુદી છે. આર્થિક જરૂરિયાતોમાંથી ઉદભવેલા ભ્રષ્ટાચાર અને આઈએએસ અધિકારી કે રાજકારણીઓ દ્વારા કરાતા ભ્રષ્ટાચારને એક જ ત્રાજવે ના તોલાય. તગડો પગાર ધરાવતો કોઈ લશ્કરી અધિકારી કે પરમાણુ વિજ્ઞાની લાંચ લઈને અમુકતમુક માહિતી પાકિસ્તાનના જાસૂસને આપી દે અને કોઈ સરકારી કચેરીનો પટાવાળો ૫૦ રૂપિયા લઈને લાંબી લાઈનમાંથી બચાવી લે, એની સરખામણી થાય?

આ અત્યંત ગંભીર મુદ્દો છે. કાળું નાણું કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે રૂ. ૫૦૦, ૧૦૦૦, ૫૦૦૦ની લાંચ લેનારા જ કેમ દંડાય? એન્ટિ કરપ્શન બ્યુરો છટકું ગોઠવીને ક્યારેક નાના ભ્રષ્ટાચારીને પકડી લાવે ત્યારે હસવું આવે છે. અહીં નાના ભ્રષ્ટાચારી કે નાની લાંચ આપવા-લેવાની તરફેણ નથી કરાતી કારણ કે, આપણે લાંચ આપીએ છીએ ત્યારે ભ્રષ્ટાચારને તો પ્રોત્સાહન આપીએ જ છીએ પણ કાળાં નાણાંના સર્જનમાં પણ સહભાગી બનીએ છીએ. લાંચ આપીને આપણે નૈતિક મૂલ્યોના અધઃપતનમાં પણ ભાગીદાર બનીએ છીએ. નાના ભ્રષ્ટાચારીઓને ભલે સજા થાય, પણ મોટા કૌભાંડીઓ છૂટી ના જવા જોઈએ. રાજકારણીઓ શેના છટકી જાય?

કાળાં નાણાં અને ભ્રષ્ટાચારના અનેક પ્રકાર હોય છે. ટુજી સ્પેક્ટ્રમ કે કોલસા બ્લોકની ફાળવણી જેવા કૌભાંડોમાં પૈસાની લેતીદેતી ઓછી, પરંતુ 'લાભ'ના બદલામાં કોઈની 'ફેવર' વધુ થઈ હતી. આ પ્રકારની ફેવર પછી કમાયેલું જંગી સફેદ નાણું કાળું જ કહેવાય ને! કોમનવેલ્થ ગેમ્સ, તેલગી, સત્યમ, બોફોર્સ, ઘાસચારા, કેતન પારેખ, હવાલા અને વ્યાપમ જેવા કૌભાંડોમાં મોટી રકમની લેતીદેતી થાય છે પણ એ કૌભાંડીઓને બચાવવા મોટા વકીલો હાજર હોય છે. એ કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર કહેવાય? આઈ મીન, કાળાં બજારિયાની સેવા કરીને વસૂલેલી ફી સફેદ કહેવાય કે કાળી? વર્ષ ૨૦૦૫માં કૌભાંડી કેતન પારેખ વતી ભાજપના રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલી સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેટલી સાહેબે કેતન પારેખ પાસેથી વસૂલેલી ફી કાળી કહેવાય કે સફેદ?

કાળાં નાણાંનો બહુ મોટો હિસ્સો સોનું, રિયલ એસ્ટેટ, જમીનો અને વિદેશોમાં પણ સંઘરાયેલો છે. એનું શું? ગેરકાયદે રીતે અને ખોટા રસ્તે કમાયેલું લાખો-કરોડોનું કાળું નાણું તો પહેલેથી જ બેંકોમાં સુરક્ષિત કરી દેવાયું છે. એ કાળું નાણું તો ટેકનિકલી સફેદ છે. આ જંગી કાળું નાણું મારા-તમારા જેવાએ નહીં પણ રાજકારણીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, માફિયા અને દલાલોની મિલિભગતમાંથી સર્જાયું છે. એ બેનામી નાણાં અને મિલકતોની માલિકી એ જૂજ લોકો પાસે જ છે, જેનું સર્જન ગરીબો કે મધ્યમવર્ગે નહીં પણ ઉચ્ચ શિક્ષણ પામેલા તેમજ મજબૂત રાજકીય અને આર્થિક સત્તા ધરાવતા લોકોએ કર્યું છે.

ચાલો, કાળાં નાણાં સામેના સરકારી અભિયાનને સલામ કરીએ અને 'બેનિફિટ ઓફ ડાઉટ' પણ આપીએ કે, નોટબંધી પછી કાળાં બજારિયા અને આતંકવાદી સંસ્થાઓને મોટું નુકસાન થયું છે. તો પણ, ભ્રષ્ટાચારનો પ્રશ્ન (રિપિટ) ત્યાં જ છે. કાળાં નાણાંનો જન્મ જ ભ્રષ્ટાચારમાંથી થાય છે. ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી ફક્ત સરકારની નહીં, પ્રજાની પણ છે. સરકારી ફતવા કે કાયદા-કાનૂનથી થોડું ઘણું કાળું નાણું ખતમ થાય અને ઈન્કમટેક્સ ડેકલરેશન સ્કીમ હેઠળ થોડું ઘણું કાળું નાણું પાછું મેળવી શકાય, પણ ભ્રષ્ટાચાર ખતમ ના થાય. ભ્રષ્ટાચાર તો નવી નોટોથી શરૂ થઈ જશે, રાધર થઈ ગયો છે. હજુ તો નવી નોટો લેવા લોકો બેંકો-એટીએમની લાઈનોમાં ઊભા હતા ત્યાં જ સમાચાર હતા કે, ફલાણો અધિકારી રૂ. બે હજારની નવી નોટની લાંચ લેતા ઝડપાયો. હવે નવી નોટોથી ભ્રષ્ટાચાર થશે એટલે નવું કાળું નાણું અસ્તિત્વમાં આવશે.

રાજકારણીઓ કૌભાંડો કરવામાં વ્યસ્ત હોય ત્યારે લોકો ધર્મ, જાતિ, સંપ્રદાય, પ્રદેશવાદના 'લાગણીદુભાઉ' રાજકારણને હવા આપવામાં મસ્ત હોય છે. આ સ્થિતિમાં રાજકારણીઓ હંમેશા જીતતા હોય છે અને પ્રજા તરીકે આપણે સતત હારતા હોઈએ છીએ.

કોઈ ‘મસીહા’ આવશે અને જાદૂઈ છડી ફેરવીને રામરાજ્ય સ્થાપી નાંખશે એવી રાહ જોઈને બેઠેલી પ્રજાને ક્યારેય 'રામરાજ્ય' નથી મળતું!

નોંધ ઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

21 November, 2016

શું ટ્રમ્પ આ વાત સમજશે?


અમેરિકામાં 'દબંગ' ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા એટલે આતંકવાદનો સફાયો થઈ જશે. ખાસ કરીને સીરિયા અને ઈરાકમાં પાંગરીને છેક યુરોપ અને અમેરિકા સુધી પોતાની પાંખો પ્રસરાવી ચૂકેલા ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો તો નક્કી જ છે. આ ઉપરાંત ઈસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી જૂથોની વિચારધારાથી પ્રભાવિત અમેરિકામાં રહેતા કોઈ એકલદોકલ યુવકોના લૉન વુલ્ફ એટેકનો પણ ખતરો નહીં રહે. કારણ? કારણ કે, ટ્રમ્પ ગેરકાયદે મુસ્લિમ વસાહતીઓ, ગુનેગારો અને શંકાસ્પદોને અમેરિકામાં રહેવા દેશે તો લૉન વુલ્ફ એટેક થશે ને!

જો રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પની જીત પછી તમે આવું કંઈ માનતા હોવ તો તમે હજુયે 'બોર્નવિટા બોય' (કે ગર્લ) છો. અમેરિકા હોય કે ભારત, બ્રિટન હોય કે ફ્રાંસ- કોઈ પણ દેશની માસ સાયકોલોજીના પાયાના નિયમો અફર હોય છે. લોકોને ડરાવી-બીવડાવીને અને કાલ્પનિક ભય બતાવીને થોડો ઘણો સમય મૂર્ખ બનાવી શકાય છે. આ પ્રકારની સ્થિતિ દેશે-દેશે બદલાતી હોય છે અને એમાંય એકસાથે અનેક પરિબળો કામ કરતા હોય છે. આવા રાજકીય સંજોગોના નિર્માણ પાછળ સત્તાધારી પક્ષોની નબળાઈ, કૌભાંડો, પ્રજાની પરેશાની અને અસંતોષ, સ્થાનિક વેપારી નીતિઓમાંથી સર્જાયેલો અન્યાય બોધ અને તેમાંથી ઊભા થયેલા બેકારી જેવા પ્રશ્નો જવાબદાર હોઈ શકે છે. હાલના અમેરિકાની સ્થિતિ કંઈક આવી છે. આ સંજોગોની રોકડી કરીને ટ્રમ્પે સાબિત કરી નાંખ્યું છે કે, 'બોલ બચ્ચનગીરી' કરીને ગમે તેવા શિક્ષિત અને મુક્ત વિચારધારા ધરાવતા સમાજને પણ 'ટોળા'માં પરિવર્તિત કરી શકાય છે અને દમ હોય તો અમેરિકાના પ્રમુખ પણ બની શકાય છે.

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સામે લડવા ઈરાકી મહિલાને તાલીમ આપી રહેલો અમેરિકન સૈનિક

ટ્રમ્પ પ્રમુખ તો બની ગયા પણ હવે તેઓ ચૂંટણીમાં કહેલી વાતોનો કેટલો અને કેવી રીતે અમલ કરશે એની અમેરિકામાં જ નહીં, દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ ચૂંટણી પહેલાં (અને પછીયે) જ રાજકીય નિષ્ણાતો સોઈ ઝાટકીને કહી ચૂક્યા છે કે, ટ્રમ્પ પ્રમુખ બનશે તો દુનિયાભરના રાજકીય અને સમીકરણો બદલાશે. વેપારી નીતિઓની વાત છે ત્યાં સુધી ટ્રમ્પ બહુ બહુ તો ઘરઆંગણે થોડી ઘણી રોજગારી ઊભી કરશે, ચીની માલની આયાત રોકવા થોડાઘણાં હથકંડા અજમાવશે, મેક્સિકો જેવા દેશોના ગેરકાયદે નાગરિકો સામે થોડું ઘણું આકરાપણું દાખવશે અને આતંકવાદ સામે ટ્રમ્પ આક્રમકતા બતવાશે અથવા તો એવી છબિ ઊભી કરવાનો પ્રયાસ કરશે. બીજું બધું તો ઠીક છે પણ આતંકવાદને લગતી નીતિમાં ટ્રમ્પના ‘ટ્રમ્પ કાર્ડ’ ઊંધા પડ્યા તો અમેરિકા અને યુરોપ જ નહીં, ભારત જેવા દેશોએ પણ ભોગવવાનું આવશે. કેવી રીતે?

જો ટ્રમ્પ ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટનો ખાત્મો કરવાની લ્હાયમાં કોઈ દુ:સાહસ કરશે તો તેના આફ્ટર શૉક્સ કેવા હશે એ સમજવા અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ઉત્તમ ઉદાહરણ છે. અફઘાનિસ્તાનમાં સિત્તેર-એંશીના દાયકામાં સોવિયેત યુનિયનના સૈનિકોનો ખાત્મો કરવા અમેરિકાએ અલ કાયદાના લડવૈયાઓને શારીરિક અને શૈક્ષણિક તાલીમ આપવા ભરપૂર મદદ કરી હતી. એ વખતે અમેરિકાને અંદાજ પણ નહોતો કે, આ લડવૈયાઓને અપાતી તાલીમ ફક્ત અમેરિકા જ નહીં, આખી દુનિયા માટે ખતરનાક સાબિત થવાની છે! શસ્ત્રોની તાલીમ તો ફક્ત શારીરિક હતી પણ શૈક્ષણિક તાલીમમાં 'વિચારધારાના ફેલાવા'નો સમાવેશ થતો હતો. શસ્ત્રોની તાલીમ પામેલા અને ‘શિક્ષણ’ મેળવીને ચોક્કસ વિચારધારાથી પ્રભાવિત આ લડવૈયાઓએ જ અમેરિકાના 'ટ્વિન ટાવર પર હુમલો કર્યો હતો, જે ૯/૧૧ તરીકે જાણીતો છે. એ ઘટના પછી સોવિયેત યુનિયન સામે લડતા અલ કાયદાના 'લડવૈયા' અમેરિકા માટે રાતોરાત 'આતંકવાદી' થઈ ગયા હતા.

૯/૧૧ પછી અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિદેશ અને ઈમિગ્રન્ટ નીતિમાં ધરખમ ફેરફારો કર્યા. બાદમાં અફઘાનિસ્તાનને ધમરોળીને હજારો તાલીબાનોને ખતમ કરી અલ કાયદાને પણ નબળું પાડી દીધું. જોકે, અફઘાનિસ્તાનમાં અલ કાયદા નબળું પડ્યું એ પછીયે આતંકવાદ ખતમ ના થયો, ઊલટાનો વધ્યો. તાલીબાનો ખતમ થયા પણ ઓસામા બિન લાદેન નામે ઊભો થયેલો 'વિચાર' ના મર્યો. અમેરિકાએ જ તૈયાર કરેલા આ આતંકવાદીઓ અફઘાનિસ્તાન, આફ્રિકા અને યુરોપના દેશોમાં નાના-મોટા જૂથોમાં વહેંચાઈ ગયા, જે હજુયે સક્રિય છે. આ ઉપરાંત અનેક 'તૈયાર લડવૈયા' ઈસ્લામિક સ્ટેટ જેવા નવા આતંકવાદી જૂથો સાથે જોડાઈ ગયા અને તેઓ પણ અનેક દેશોમાં સક્રિય થયા. બેલ્જિયમ અને ફ્રાંસ જેવા દેશોમાં થયેલા હુમલા એની સાબિતી છે. અહીં એ વાત પણ નોંધવી પડે કે, ટ્વિન ટાવરના હુમલા પછી અમેરિકામાં નાના-મોટા છમકલાંને બાદ કરતા કોઈ મોટો આતંકવાદી હુમલો સફળ થઈ શક્યો નથી. આ વાત દર્શાવે છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ જડબેસલાક છે.

હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. અમેરિકામાં કોઈ હુમલો નથી થયો એ કબૂલ પણ અમેરિકન નાગરિકો વિશ્વભરમાં ફેલાયેલા છે અને તેઓ દુનિયાભરના દેશોનો પ્રવાસ કરે છે. આતંકવાદીઓ અમેરિકામાં ઘૂસી નથી શકતા તો શું, હવે તેઓ દુનિયાભરના પ્રવાસન સ્થળોએ અમેરિકનો-યુરોપિયનોને લક્ષ્યાંક બનાવે છે. અમેરિકનો પણ મુસ્લિમ દેશો સહિત દુનિયાભરમાં વેપાર-ધંધો કરે છે. આ સ્થિતિમાં ઈરાક, સીરિયા કે આફ્રિકાના કોઈ દેશમાં માથાફરેલ ઈસ્લામિક સત્તા આવે તો અમેરિકાનો વાળ પણ વાંકો ના થાય એ શક્ય નથી. એટલે જ અમેરિકા આ બંને દેશમાંથી ઈસ્લામિક સ્ટેટને ખતમ કરવા સમજી વિચારીને ખેલ ખેલી રહ્યું છે. આ બંને દેશમાં આતંકવાદ સામે લડવા અમેરિકાએ વિવિધ સ્તરે લાંબા ગાળાની વ્યૂહાત્મક નીતિઓ અમલમાં મૂકી છે. પરંતુ ઈરાકમાં સદ્દામ હુસૈનને ખતમ કરવા 'પોલિટિકલી ઈનકરેક્ટ' પગલું લીધા પછી જ ઈસ્લામિક સ્ટેટ નામનું ‘જીન’ બાટલીમાંથી બહાર આવ્યું છે અને આતંકવાદ વધ્યો છે, જેનો અમેરિકાને પણ ભય છે. અફઘાનિસ્તાન અને ઈરાકનો ઈતિહાસ ગવાહ છે કે, અમેરિકાની ભૂલોના કારણે તેમણે તો ઠીક, આખી દુનિયાએ આતંકવાદનો સામનો કરવો પડ્યો છે! અત્યારે અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ ભારતને નડી જ રહ્યા છે ને?

'જો અને તો'ના અનુમાનો સાથે બીજા પણ કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે. સૌથી પહેલી વાત એ કે, અમેરિકામાં ૯/૧૧ હુમલો થયો ત્યારે રિપબ્લિકન પાર્ટીની સરકાર હતી અને પ્રમુખ હતા જ્યોર્જ બુશ. આ જાણકારી આપવાનો અર્થ એ નથી કે, આતંકવાદ વધ્યો એ માટે રિપબ્લિકન પાર્ટી જવાબદાર છે. ટ્વિન ટાવરના હુમલાની તૈયારી તો અલ કાયદાએ ઘણાં વર્ષો પહેલાં શરૂ કરી દીધી હતી. જ્યોર્જ બુશ અગાઉ અમેરિકન પ્રમુખપદે ડેમોક્રેટિક પાર્ટીના બિલ ક્લિન્ટન હતા. સિત્તેર-એંશીના દાયકામાં અમેરિકાએ સોવિયેત યુનિયન સામે અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનનોને મદદ કરવાનું શરૂ કર્યું ત્યારે ડેમોક્રેટિક પાર્ટીના જિમી કાર્ટર અમેરિકન પ્રમુખ હતા. કાર્ટરની વિદાય પછી વર્ષ ૧૯૮૧માં અમેરિકન પ્રમુખપદે રિપબ્લિકન પાર્ટીના રોનાલ્ડ રેગન આવ્યા અને એમણે પણ એ જ નીતિઓ ચાલુ રાખી.  

આ તમામ અમેરિકન પ્રમુખોના કાર્યકાળમાં અમેરિકાની આતંકવાદ સામેની લડાઈ ચાલી જ રહી હતી અને હજુયે ચાલી રહી છે. એ વખતે પણ અમેરિકા જે કરવું હોય તે કરતું જ હતું, પણ અમેરિકાની મુક્ત અને ખુલ્લું મન ધરાવતા અમેરિકન સમાજની છબિને નુકસાન પહોંચાડ્યા વિના. એ અસલી અમેરિકા હતું. ૯/૧૧ પછી અમેરિકાને ફૂલપ્રૂફ કરવાનું કામ કોઈ શોરબકોર વિના શરૂ થઈ જ ગયું હતું. એ પછી તો અમેરિકાએ આતંકવાદ વિરોધી અભિયાનમાં ઘણી મોટી સફળતાઓ મેળવી છે. આતંકવાદી જૂથો દ્વારા મુસ્લિમ દેશોમાં અમેરિકા વિરોધી જુવાળ ઊભો કરવાના સફળ પ્રયાસ પછીયે અમેરિકા આતંક વિરોધી અભિયાનમાં મુસ્લિમ દેશો અને મુસ્લિમ નાગરિકોનો સાથ મેળવી શક્યું છે. દુશ્મનના મગજમાંથી 'દુશ્મની' જ ખતમ કરી નાંખવી એ યુદ્ધની અસલી જીત છે અને આજના જમાનામાં દેશ કે સમાજને એ વાત વધારે લાગુ પડે છે. અમેરિકા અને યુરોપિયન દેશોના સૈનિકો ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે સીધી લડાઈ નથી લડી રહ્યા, પરંતુ ઈરાક અને સીરિયાના સૈનિકોને સાથે રાખીને આ કામ કરી રહ્યા છે. આ એક વ્યૂહ છે, સ્પેશિયલ ફોર્સનું ઓપરેશન છે, માસ્ટર સ્ટ્રોક છે. આ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ઈસ્લામની લડાઈ નથી, એવું સાબિત કરવામાં આ પ્રકારનો જ ‘ઈતિહાસ’ જ કામમાં આવે છે.

ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટેના ચૂંટણી પ્રચારમાં અમેરિકન પ્રમુખ બરાક ઓબામા કિર્ઝ ખાનના પુત્ર હુમાયુ ખાનની શહીદીનો ખાસ ઉલ્લેખ કરતા હતા. પાકિસ્તાની મૂળના કિર્ઝ ખાનનો પુત્ર હુમાયુ ખાન અમેરિકન લશ્કરમાં કેપ્ટન હતો અને ઈરાક યુદ્ધ મોરચે આતંકવાદીઓ સામે લડતી વખતે શહીદ થયો હતો. કિર્ઝ ખાને ટ્રમ્પ વિરુદ્ધ આપેલું ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ધર્મ, જાતિ, ઓળખ અને પ્રદેશોની ઓળખના આધારે યુદ્ધો લડવા એ જૂનીપુરાણી પદ્ધતિ છે. યુદ્ધનો આ 'આઉટડેટેડ' પ્રકાર છે, જે 'સો કૉલ્ડ મોડર્ન સિવિલાઈઝ્ડ' લોકો નથી લડતા.

અમેરિકામાંથી દરેક મુસ્લિમને હાંકી કાઢવો શક્ય નથી એ વાત યાદ રાખીને ઓબામા સરકાર ઈસ્લામિક સ્ટેટ સામે લડી જ રહી હતી, એ વાત ટ્રમ્પના સમર્થકો સમજે તો ઘણું. ઈરાક અને સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ નબળું પડવું જ જોઈએ, પણ જો ઈસ્લામિક સ્ટેટનો ટ્રમ્પ સ્ટાઈલમાં ખાત્મો થશે તો અમેરિકા અને યુરોપ પર ખતરો વધશે. કદાચ ઓબામા આ વાત સમજી ગયા હતા.

શું ટ્રમ્પ આ વાત સમજશે?

09 November, 2016

અબ કી બાર ટ્રમ્પ સરકાર?


અમેરિકન પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણી સૂત્ર છેમેક અમેરિકા ગ્રેટ અગેઇન. મીડિયાની બદોલત એક સરેરાશ ભારતીય જાણે છે કેટ્રમ્પ એ જાતિવાદીરંગભેદીમહિલા વિરોધીમુસ્લિમ વિરોધીભારતીય-ચાઈનીઝ-મેક્સિકન લોકોને ખુલ્લેઆમ ગાળો ભાંડતોપોતાની જ પુત્રી વિશે અસભ્ય ટિપ્પણી કરતો બેશરમ અને સનકી પ્રકારના અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર છે.

ટ્રમ્પ આવા હોવા છતાં અનેક મહિલાઓભારતીયોચાઈનીઝ અને મેક્સિકન અને બ્લેક આફ્રિકન તેમની તરફેણ કરી રહ્યા છે. ટ્રમ્પ સમર્થકો છાતી ઠોકીને કહે છે કેમીડિયા ટ્રમ્પના નિવેદનોને તોડી-મરોડીને અને વધારે ઉશ્કેરણી સાથે રજૂ કરે છે. ટ્રમ્પની 'બદનામીમાટે તેમની ફ્રેન્કનેસ અને મીડિયાના પૂર્વગ્રહો- એ બંને બાબત થોડી ઘણી જવાબદાર છે... અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના અંતિમ તબક્કામાં ટ્રમ્પને મળતો પ્રતિભાવ જોતા આ 'છેતરામણી દલીલોસાચી લાગી શકે છેપણ એ ભ્રમ છે! રસપ્રદ વાત એ છે કેઅત્યારે ટ્રમ્પની તરફેણમાં ખૂલીને બહાર આવેલી સૌથી મોટી અમેરિકન લઘુમતી કોઈ હોય તો તે છેભારતીય અમેરિકનો. ભારતીય અમેરિકનો કેમ અને કઈ તર્જ પર ટ્રમ્પનું સમર્થન કરી રહ્યા છે એ ગણતરી અને ગણિત ખૂબ જ રસપ્રદ છે.


શલભકુમાર અને ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાની છેલ્લી વસતી ગણતરી પ્રમાણેભારતીય અમેરિકનોની વસતી ૩૦ લાખ૪૩ હજાર જેટલી છેજેમાં ૫૧ ટકાથી પણ વધુ હિંદુઓ૧૮ ટકા ખ્રિસ્તીઓ૧૪ ટકા નાસ્તિકોદસ ટકા મુસ્લિમોપાંચ ટકા શીખો અને ચાર ટકા જૈનોનો સમાવેશ થાય છે. આમઅમેરિકાની કુલ વસતીમાં ભારતીય અમેરિકનોનું પ્રમાણ માંડ એક ટકો છે. હવે એક સીધી સાદી વાત સમજી લો. અમેરિકામાં વસતા તમામ ભારતીય અમેરિકનો હિંદુ નથી અને જે છે એ બધા જ ટ્રમ્પના સમર્થનમાં નથી. ટ્રમ્પ ઈસ્લામોફોબિયામાં ઘી હોમીને એક સરેરાશ અમેરિકનને પોતાની તરફેણમાં કરવામાં સફળ થયા છે.

આ વાત એક અમુકતમુક હિંદુઓને પણ લાગુ પડે છે. ટ્વિન ટાવર પરનો આતંકવાદી હુમલોઈસ્લામિક સ્ટેટનો ઉદય અને તેના આતંકીઓ દ્વારા યુરોપિયન દેશોમાં થયેલા હુમલા પછી અમેરિકા-યુરોપમાં ઈસ્લામવિરોધી લાગણી બળવત્તર બની છેહજુયે બની રહી છે, જ્યારે હિંદુ-મુસ્લિમોનો ઈતિહાસ તો સદીઓથી લોહિયાળ રહ્યો છે. આ સ્થિતિ ટ્રમ્પની ઉમેદવારીને આડકતરી રીતે મજબૂત કરવામાં મદદરૂપ થઈ રહી છે. ટ્રમ્પે વૈશ્વિક સ્થિતિના આ કોકટેલની ચૂંટણી પ્રચાર વખતે ભરપૂર રોકડી કરી છે, જેમાં તેઓ મહદ્અંશે સફળ પણ થયા છે.

હાલ અનેક અમેરિકન હિંદુઓ ટ્રમ્પ પ્રમુખ બને એ માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છેએ આ વાતની સાબિતી છે. ટ્રમ્પ ભારતીયો સહિતના 'આઉટસાઇડર'ના અંગ્રેજી ઉચ્ચારોની ખુલ્લેઆમ મજાક ઉડાવી ચૂક્યા છે પણ સહિષ્ણુ ભારતીય અમેરિકનો આ વાત ભૂલી ગયા છે. શિકાગો સ્થિત ભારતીય અમેરિકન બિઝનેસમેનઆંત્રપ્રિન્યોર શલભકુમારે તો રિપબ્લિકન હિંદુ કોએલિશન નામની સંસ્થા પણ સ્થાપી દીધી છે. ૬૭ વર્ષીય શલભકુમાર મિલિયોનેર છે અને ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં લાખો ડૉલર્સ ખર્ચ કરી રહ્યા છે. હજુ ગયા મહિને જ શલભકુમારે 'આતંકવાદથી પીડિત હિંદુઓમાટે ભંડોળ ભેગું કરવા ન્યૂ જર્સીમાં એક ડાન્સ શૉનું આયોજન કર્યું હતું. આ ડાન્સ શૉમાં પર્ફોર્મર કોણ હતું ખબર છેમલાઈકા અરોરા ખાન. ટ્રમ્પે હિંદુ વિધિ પ્રમાણે દીવો પ્રગટાવીને આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. એ પછી ટ્રમ્પે કહ્યું હતું કે, 'હું હિંદુઓનો બહુ જ મોટો ચાહક છું...'

આ શૉમાં રિપબ્લિકન હિંદુ કોએલિશનના સમર્થકો 'ટ્રમ્પ અગેઇન્સ્ટ ટેરર', 'ટ્રમ્પ ગ્રેટ ફોર ઈન્ડિયાઅને 'ટ્રમ્પ ફોર ફાસ્ટર ગ્રીન કાર્ડ્સજેવા બેનરો લઈને બેઠા હતા. રિપબ્લિકન હિંદુ કોએલિશને ક્રૂક્ડ હિલેરી- વૉટ ફોર રિપબ્લિકનવૉટ ફોર ઈન્ડિયા-યુએસ રિલેશનનામની વીડિયો એડવર્ટાઈઝમેન્ટ પણ બનાવી છે. આ વીડિયોમાં હિલેરી ક્લિન્ટનને પાકિસ્તાન તરફીઆતંકવાદી દેશ પાકિસ્તાનને આર્થિક ટેકો પૂરો પાડવામાં મદદ કરનારા તેમજ નરેન્દ્ર મોદીને વિઝા નહીં આપનારા નેતા તરીકે ચીતરવામાં આવ્યા છે. મુંબઈ અને પઠાણકોટ હુમલા પછી ભારતીય અમેરિકનોમાં પણ પાકિસ્તાન વિરોધી લાગણીએ જોર પકડ્યું છે. આ પ્રકારની લાગણીને ઉત્તેજન આપતી એક એડમાં તો હિંદુઓને એવી પણ ચેતવણી અપાઈ છે કેહિલેરી ક્લિન્ટનના સલાહકાર હુમા આબેદિન મૂળ પાકિસ્તાની છે. જો હિલેરી જીતશે તો તેઓ ચિફ ઓફ સ્ટાફ બનશે. આ પ્રકારની માહિતી આપવા રિપબ્લિકન હિંદુ કોએલિશને ઘરે ઘરે હજારો પેમ્ફ્લેટ નંખાવ્યા છે.

વર્ષ ૨૦૧૩માં શલભકુમાર યુએસ કોંગ્રેસના કેટલાક સભ્યોની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરાવવા ભારત આવ્યા હતા કારણ કેમોદી પર અમેરિકામાં પ્રતિબંધ હોવાથી તેઓ અમેરિકા જઈ શકે એમ ન હતા. શલભકુમાર ડેમોક્રેટ્સના કટ્ટર વિરોધી કેમ છે એ સમજી શકાય એમ છેપરંતુ તેઓ કોના દોરીસંચાર હેઠળ કામ કરી રહ્યા છે એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રિપબ્લિકન હિંદુ કોએલિશનના સભ્યોનું કહેવું છે કેજેવી રીતે ભારતમાં નરેન્દ્ર મોદીને તક અપાઈ એવી જ રીતેટ્રમ્પને પણ તક આપવી જોઈએ. કદાચ તકવાદી ટ્રમ્પ છેલ્લે છેલ્લે ભારતીય અમેરિકનોની નાડ પારખી ગયા છે.

એટલે જ તેમણે એક વીડિયો એડવર્ટાઈઝમેન્ટ બનાવીને ભારતીયોને હિંદી ભાષામાં દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. ટ્રમ્પે ઈન્ડિયન અમેરિકન એડવાઝરી કાઉન્સિલની સલાહ પ્રમાણે જ આવી જુદી જુદી ૫૯ વીડિયો એડ તૈયાર કરાવી છેજેમાં તેઓ 'અબ કી બાર ટ્રમ્પ સરકારઅને 'વૉટ ફોર રિપબ્લિકનવૉટ ફોર ઈન્ડિયા-યુએસ રિલેશન્સજેવા સૂત્રો બોલીને પોતાને મત આપવાની અપીલ કરી રહ્યા છે.

ટ્રમ્પનું હિંદુઓ માટેનું વલણ ઘણું નરમ લાગી રહ્યું છેપરંતુ ટ્રમ્પની મુસ્લિમ નીતિ આક્રમક છે. મુસ્લિમો ટ્રમ્પની સાથે નથી કારણ કેમુસ્લિમો સામેનો અણગમો ટ્રમ્પ બહુ છુપાવતા નથી. એક વાત યાદ રાખો. બીજા કોઈ પણ સમાજ-જૂથની સરખામણીમાં ટ્રમ્પ ફક્ત મુસ્લિમો માટે એકદમ સ્પષ્ટ છે. બીજી તરફ, કેટલાક ભારતીયોની જેમ ચાઈનીઝમેક્સિકનયહૂદીઓ અને યુરોપિયનો પણ ટ્રમ્પના સમર્થનમાં છે. કદાચ, આ હકીકતો અમેરિકન મીડિયા જાણી જોઈને ભૂલી રહ્યું છે. આ સ્થિતિ સાબિત કરે છે કે, મીડિયાએ પણ ‘અસલી સમાચાર’ આપવાના બદલે જાણ્યે-અજાણ્યે ટ્રમ્પ વિરોધી સમાચારો પર વધારે જોર આપ્યું હતું. (જો ટ્રમ્પ જીતશે તો આ વાત થોડે ઘણે અંશે સાચી સાબિત થશે!)

જોકેરિપબ્લિકન હિંદુ કોએલિશન અમેરિકાના બધા જ હિંદુઓનું પ્રતિનિધિત્વ નથી કરતું એ પણ હકીકત છે. અનેક સર્વેક્ષણો એકબીજાથી વિરોધાભાસી ચિતાર રજૂ કરી રહ્યા છે ત્યારે ભારતીય અમેરિકનો ખરેખર કોની સાથે છે એ જાણવા કેટલાક આંકડા પર નજર કરીએ. એશિયન અમેરિકનોનો ઝોક કોની તરફ છે એ જાણવા ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાએ એક પ્રશ્નાવલિ તૈયાર કરીને ઊંડુ વિશ્લેષણ કર્યું છે. આ સંસ્થાઓમાં એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસએશિયન એન્ડ પેસિફિક આઈલેન્ડર અમેરિકન વૉટ તેમજ એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ ડેટાનો સમાવેશ થાય છે.

આ સંસ્થાઓએ ભારતીય અમેરિકનો સહિત ચાઈનીઝવિયેતનામીઝજાપાનીઝકોરિયન અને ફિલિપિનો એમ તમામ એશિયન લઘુમતીઓના સર્વેક્ષણો કર્યા છે. આ સંસ્થાઓના ડેટા પ્રમાણેઅમેરિકામાં આશરે ૬૦ ટકા ભારતીય અમેરિકનો હજુયે રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વિશે સારો અભિપ્રાય નથી ધરાવતાજ્યારે ફક્ત ૧૭ ટકા લોકો ટ્રમ્પની સ્પષ્ટ તરફેણ કરે છે. એવી જ રીતેઆશરે ૬૫ ટકા ભારતીય અમેરિકનો ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વિશે સારો અભિપ્રાય ધરાવે છેપરંતુ ૧૭ ટકા લોકો તેમના વિરોધી છે.

આ સંસ્થાઓએ તૈયાર કરેલી પ્રશ્નાવલિમાં એક રસપ્રદ પ્રશ્ન હતો. વાંચો. શું પ્રમુખપદનો ઉમેદવાર આક્રમક રીતે મુસ્લિમ વિરોધી પ્રતિક્રિયા આપતો હોય તો તમે અન્ય મુદ્દે તેની સાથે સહમત થશો?, શું તમે એ ઉમેદવારને મત આપશો કે બીજાનેઆ સવાલના જવાબમાં ૫૯ ભારતીય અમેરિકનોએ કહ્યું હતું કેઅમે મુસ્લિમ વિરોધી ઉમેદવારને નહીંબીજા ઉમેદવારને મત આપીશું... જોકે અમેરિકાના કુલ મતદારોમાં ભારતીય અમેરિકનોની વસતી ઘણી જ ઓછી છે એટલે ચૂંટણીના પરિણામો પર તેની અસર નહીંવત રહેશે. આ સર્વેક્ષણો પ્રમાણે, ૮૩ ટકાથી પણ વધુ એશિયનો ઓબામાને ચાહે છે. ઓબામાની આવી લોકપ્રિયતાનો ફાયદો હિલેરી ક્લિન્ટનને મળી શકે છે.

એવું પણ કહેવાય છે કેભારતીય અમેરિકનો પરંપરાગત રીતે ડેમોક્રેટ્સના સમર્થકો છે. વર્ષ ૨૦૧૨માં પણ રિપબ્લિકન ઉમેદવાર મીટ રોમનીને ફક્ત ૧૬ ટકા  ભારતીય અમેરિકનોએ મત આપ્યા હતા. આ પ્રકારની સ્થિતિમાં હિંદુ અમેરિકન ફાઉન્ડેશન નામની બીજી એક સંસ્થા તકેદારી ખાતર જાહેરાત કરી હતી કેકોઈ પણ વ્યક્તિ-સમાજ-જૂથને ધર્મજાતિચામડીનો રંગ અને લૈંગિક અભિગમ (સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન) એ મૂળભૂત હિંદુ મૂલ્યોનું વિરોધી છે.

આ બધા સર્વેક્ષણો-આંકડા પછીયે લાગી રહ્યું છે કેટ્રમ્પ આતંકવાદઈસ્લામિક સ્ટેટ અને પાકિસ્તાનના નામે લોકોને ડરાવીને થોડા ઘણાં અમેરિકનો અને અન્ય લઘુમતીઓનું સમર્થન મેળવવામાં સફળ થયા છે. ખેર, હવે તો ચૂંટણી પરિણામો પછી જ ખબર પડશે કેઅમેરિકાને ફરી એકવાર 'ગ્રેટબનાવવાની તક કોને મળે છે!

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે.  

03 November, 2016

પર્યટક અને પ્રવાસી વચ્ચે શું ફર્ક છે?


આપણે પ્રવાસ કેમ કરીએ છીએ? કારણ કે, આપણે પ્રવાસેથી પાછા આવીને જીવનને નવી દૃષ્ટિથી જોતા શીખીએ. જીવનના નવા રંગ-ઉમંગ ઓળખતા શીખીએ. એવી જ રીતે, જ્યાં જઈએ છીએ ત્યાંના લોકો આપણને નવી દૃષ્ટિથી જુએ એ પ્રવાસનો હેતુ હોય છે. પ્રવાસ એટલે નવું શીખવું. પ્રવાસેથી પાછા આવીને જ્યાં અટક્યા હતા, ત્યાંથી જ ફરી જીવન શરૂ કરવું એ ‘પ્રવાસ’ નથી.

ધંધા-વેપાર અને નોકરીના કારણે વ્યસ્તતા વધી હોવાથી તહેવારોની રજાઓમાં પ્રવાસે જતા રહેવાનું ચલણ દેશભરમાં વધ્યું છે. હા, દેશમાં સૌથી વધારે પ્રવાસ ગુજરાતીઓ કરે છે પણ એક સરેરાશ ગુજરાતી સામાન્ય પર્યટક (ટુરિસ્ટ) છે, પ્રવાસી (ટ્રાવેલર) નહીં. પર્યટનમાં મોજશોખ અને સુવિધા મળી રહે છે, જ્યારે પ્રવાસમાં શરીરને કષ્ટ પડે છે, થોડું સાહસ કરવું પડે છે અને ભાવશે-ફાવશે-ચાલશે વાત જીવનમાં ઉતારવી પડે છે. દસ દિવસમાં ૧૫ સ્થળો જોઈ નાંખવા, કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોએ હોટેલની ચાર દીવાલ વચ્ચે આરામ ફરમાવવો, હોટેલ ફૂડ ખાવું અને ઘરે પાછા આવી જવું એ પર્યટન છે, મોજશોખ અને જલસા છે. સ્કુબા ડાઈવિંગ, બંજી જમ્પિંગ અને પેરા ગ્લાઈડિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટ્સમાં સાહસ જરૂર છે પણ પ્રવાસનું તત્ત્વ નથી. લક્ઝરી અને નેચર ટ્રાવેલ વચ્ચે આ પાયાનો ફર્ક છે. 




અસલી પ્રવાસીમાં કુતુહલ ઠાંસી ઠાંસીને ભર્યું હોય છે. પ્રવાસન સ્થળે શક્ય હોય ત્યાં સ્થાનિકના ઘરે રોકાવું, લગ્નપ્રસંગો હોય તો ત્યાં પહોંચી જવું, ઐતિહાસિક સ્થળો અને મ્યુઝિયમોમાં રસ ના હોય તો પણ થોડો રસ લેવો, સ્થાનિક બજારો-પુસ્તકાલયો, ખાણીપીણી બજારોમાં રખડપટ્ટી કરવી, સ્થાનિક છાપા ફંફોળીને સંગીત જલસો, કવિ સંમેલન કે નાટકો હોય તો એ જોવા પહોંચી જવું અને નેશનલ પાર્ક જેવા કુદરતી સ્થળો હોય તો ત્યાં પણ સમય વીતાવવો એ અસલી પ્રવાસ છે. 

એની વે, લક્ઝરી ટ્રાવેલમાં કશું ખોટું નથી પણ અહીં વાત કરવી છે નેચર ટ્રાવેલની. જો તમે વર્ષેદહાડે એક-બે વાર નાનું મોટું વેકેશન લેતા હોવ તો એકાદવાર નેચર ટ્રાવેલનો વિકલ્પ અપનાવવા જેવો છે. જંગલો અને વેરાન સ્થળોએ માઉન્ટેઇનિયરિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ અને ટ્રેઇલ વૉકિંગ કરીને પહોંચવું અને ત્યાં જઈને પોતાની જાતને ક્વૉલિટી ટાઈમ આપવો, શરીરને કષ્ટ આપીને નવા જ સ્થળને બેઝ કેમ્પ બનાવીને ત્યાં બે-ત્રણ દિવસ જાતે રાંધેલી ખીચડી ખાવી અને બીજાને (પરાણે) ખવડાવવી, હિલ સ્ટેશન પર કોઈ હોટેલમાં સ્ટે કરીને રોજ વહેલી સવારે કે સાંજે બસ એમ જ લાં...બી લટાર મારવા નીકળી જવું, શહેરની આસપાસના વેટલેન્ડમાં બર્ડ વૉચિંગ, ઈન્સેક્ટ (જીવજંતુ) સફારીનું પ્લાનિંગ કરવું અને ફોટોગ્રાફી કરવી કે પછી ફિટનેસ હોય તો બેકપેકિંગ કરીને મોટરબાઈક કે સાયકલ પર ક્યાંક ઉપડી જવું એ નેચર ટ્રાવેલ છે. આ પ્રકારનો પ્રવાસ જીવનના અઘરામાં અઘરા પાઠ પણ સહેલાઈથી શીખવી દે છે.

કેવા પાઠ?

* * *

હાંફતા હાંફતા પણ આગળ વધતા રહો

જીવન એટલે સફર. આ સફર ફક્ત બહારની નહીં, અંદરની પણ છે. આંતરખોજ કરવામાં પ્રવાસ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ તો હિંદુ ધર્મ-સંસ્કૃતિમાં પ્રવાસનો ખ્યાલ તીર્થાટન સાથે સંકળાયેલો છે. ભારતમાં અનેક ભગવાનોના ધામ પહાડો ઉપર અને નદીઓ કિનારે છે. આ તીર્થસ્થાનોની મુલાકાતને આત્માની નજીક જવા સાથે સાંકળવામાં આવી છે. નેચર ટ્રાવેલ પણ આપણને પહેલાં શારીરિક કષ્ટ અને પછી માનસિક તૃપ્તિનો અનુભવ કરાવે છે. પર્વતો અને જંગલો આપણને પોકારી પોકારીને કહે છે કે, ગમે તે થાય જીવન અટકવાનું નથી, એટલે બસ ચાલતા રહો. જીવન સ્પ્રિન્ટ નહીં મરેથોન છે. હાંફતા હાંફતા પણ આગળ વધો, નહીં તો શું આવ્યા અને શું ગયા! માણસને આગળ લઈ જતી સફરની મજા જ કંઈક ઓર છે. ક્યારેક સફરમાં જે આનંદ લૂંટ્યો હોય છે એવો મંજિલે પહોંચ્યા પછી પણ નહીં મળે, એટલે અટક્યા વિના આગળ વધો.

લોથપોથ થઈ જાઓ એટલી ઝડપ ના કરો

મંજિલ નજીક દેખાતા જ આપણે ક્યારેક વધારે પડતા આનંદ-ખુશીમાં દિલોદિમાગ પરનો કાબૂ ગુમાવી દઈએ છીએ! નેચર ટ્રાવેલ આપણને શીખવે છે કે, બસ હવે મંજિલે પહોંચી ગયા એવું લાગે તો પણ ઝડપ કરીને તેને છીનવવાની કોશિષ ના કરો. જે પર્વતનું શિખર નજીક દેખાઈ રહ્યું છે એ દૂર પણ હોઈ શકે છે. જીવનમાં ઘણીવાર આવા ભ્રમ થતા હોય છે. એટલે જ કારણ વિના ઉતાવળ કરીને કેલરી ના વેડફો. વળી, જીવનનો આનંદ લેવા બહુ ઉતાવળ પણ ના કરો, આસપાસની સૃષ્ટિને માણતા માણતા મજાથી આગળ વધો. વધારે ઝડપથી મજા જ ખોવાઈ જાય અને લક્ષ્યાંક પણ હાંસલ ના થાય, એવું થઈ શકે છે. સો, બી કેરફૂલ. જીવનનું પણ એવું જ છે. એટલે જ પોતાની ક્ષમતા અને આવડતની કડવી વાસ્તવિકતાને સારી રીતે ઓળખીને આગળ વધો, નહીં તો લોથપોથ થઈને પડી જશો અને પ્રવાસ અધૂરો રહી જશે. આખરે મહત્ત્વ મંજિલે પહોંચવાનું છે, દર વખતે કોણ પહેલા પહોંચ્યું એનું મહત્ત્વ નથી હોતું!

જોખમ લો, પણ જરૂર કરતા વધારે નહીં

નેચર ટ્રાવેલ સૌથી મહત્ત્વનો પાઠ એ શીખવે છે કે, જોખમ લેશો તો જ આગળ વધશો, પણ બિનજરૂરી જોખમ લેશો તો ઊંધે માથે પટકાશો. લાઈફ હોય કે બિઝનેસ, બધી જ બાબતમાં ‘સંતુલનનો નિયમ’ લાગુ પડે છે. પર્વતો અને જંગલો પ્રવાસીને અહેસાસ કરાવે છે કે, વિના કારણે જોખમ લઈશ તો ઘાયલ થઈશ, અને ઘાયલ થઈશ તો બીજા માટે ભારરૂપ થઈ જઈશ. આ છુપો ડર પ્રવાસીને જાતની સંભાળ રાખતા શીખવે છે. એટલું જ નહીં, પ્રવાસીને ખબર પડી જાય છે કે, મારો સાથીદાર જ નહીં, રસ્તે પડેલી ધૂળ પણ કામની છે. વારંવારના આ અનુભવ પછી દરેક વ્યક્તિ આત્મવિશ્વાસથી બીજાની સંભાળ લેતો થઈ જાય છે, અને પછી તો બીજાને સતત મદદ કરીને આત્મસંતોષ અનુભવવા આતુર રહે છે. જો બધા સાથે છે તો જ ખુશીઓ વહેંચીને આનંદ બેવડો કરી શકીશું એવું તે સમજવા માંડે છે. આ રીતે નેચર ટ્રાવેલમાં આડકતરી રીતે ટીમ બિલ્ડિંગ અને લીડરશિપના પાઠ પણ શીખવા મળે છે, જેનો ક્યારેક તો પ્રવાસીને અહેસાસ સુદ્ધાં નથી થતો.

ધ્યેય નક્કી કરી લીધા પછી ફોકસ્ડ રહો

ધ્યેય તો ઘણાં રાખતા હોય છે પણ ફોકસ્ડ અને કોન્સન્ટ્રેટ રહે એ જીતે છે. નેચર ટ્રાવેલ શીખવે છે કે, એકવાર જીવનમાં કંઈક નક્કી કરી લો પછી એ સિદ્ધ કરવામાં અનેક અડચણો આવશે. અહીંથી લદ્દાખ મોટરબાઈક પર જવાનો વિચાર ખૂબ જ રોમેન્ટિક છે, પણ ૫૦૦-૧૦૦ કિલોમીટરના ડ્રાઇવિંગ પછી ખ્યાલ આવવા લાગે છે કે, પ્રવાસ કરવો એટલે શું અને અસલી પ્રવાસી કોને કહેવાય! એટલે જ ક્યાંક જવાનું નક્કી કર્યા પછી માર્ગમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે તો પણ ઢીલા ના પડો. શક્તિ બાવડામાં જ નહીં, દિલોદિમાગમાં પણ હોય છે. આ શક્તિને આપણે સંકલ્પશક્તિ-મનોબળ-વિલપાવર, આત્મવિશ્વાસ-સેલ્ફકોન્ફિડન્સ અને જુસ્સો-હામ-પેશન જેવા નામે ઓળખીએ છીએ.

એક વાત યાદ રાખો, તમે જે હાંસલ કરવા જઈ રહ્યા છો એ બધા સિદ્ધ નથી કરી શકતા. શું તમે એ મેળવવા હજુ થોડી વધારે મહેનત ના કરી શકો? શું તમે હજુ વધારે ફોકસ્ડ ના રહી શકો? પોતાનો ફોટો પાડવા ઘરેથી બે-ચાર હજાર કિલોમીટર દૂર જઈને પાછો આવે એવા પર્યટકો તો ઘણાં છે, પણ તમે જે મેળવવાના છો એ દરેકના બસની વાત નથી. આ પાયાનો વિચાર જીવનમાં આગળ વધવામાં પણ જરૂરી છે.

મહાન લોકો પણ જન્મજાત એક્સપર્ટ નથી હોતા

માઉન્ટેઇનિયરિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ, કેમ્પિંગ કે બાઇકિંગ જેવા શબ્દોથી ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલી વાત તો એ કે, નેચર ટ્રાવેલ માટે આમાંથી એકેય સ્પોર્ટમાં એક્સપર્ટાઈઝ જરૂરી નથી. આ બધું કરવામાં  ફિટનેસ સાથ ના આપતી હોય તો, ફિટનેસ બનાવી શકાય છે. જો એ પણ શક્ય ના હોય તો પણ કુદરતના સાનિધ્યમાં અલગારી રખડપટ્ટી અને ફેમિલિ કેમ્પિંગ તો કરી જ શકાય છે. જે લોકોએ અત્યાર સુધી પેકેજ્ડ ટુરમાં જલસા કર્યા હોય કે ફક્ત તીર્થાટન કર્યું હોય એવા સિનિયર સિટીઝન્સે પણ ગભરાવાની જરૂર નથી. ગિરનાર, અંબાજી, પાલીતાણા, વૈષ્ણૌદેવી કે સમેતશિખરે જઈને ભગવાનને મળી આવતા ‘વડીલો’એ તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. ટૂંકમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે નેચર ટ્રાવેલ કરી શકે છે. બર્ડ વૉચિંગ કે જંગલ કેમ્પિંગ કરવા જબરદસ્ત સ્ટેમિના અને એક્સપર્ટાઈઝની નહીં, ઈચ્છાશક્તિની જરૂર છે. યૂથ હોસ્ટેલ જેવી સંસ્થાઓ વર્ષોથી નેચર એક્ટિવિટી પ્રમોટ કરવા આવા હટકે પ્રવાસોનું આયોજન કરે જ છે.

* * *

તીર્થધામોના સ્ટિરિયોટાઈપ અને બોરિંગ પ્રવાસ સામે આ વિકલ્પ એકવાર અપનાવી જોજો. વ્યક્તિ 'જાત્રા' કરીને પાછો આવે તો પણ ત્યાંનો ત્યાં જ હોય છે. એટલે કે, કશું જ મેળવ્યા વિના પાછો આવી જાય છે. તીર્થસ્થાનોમાં સત્તા માટે રાજકારણ ખેલતા સ્વાર્થી સાધુ-સંતો, ગંદકી, અરાજકતા, ધક્કામુક્કી અને એના કારણે થતા મોત- એ બધું જોતા પ્રવાસનો હેતુ જ સિદ્ધ ના થાય એમાં નવાઈ ના લાગવી જોઈએ. કદાચ એટલે જ નેચર ટ્રાવેલમાં પ્રવાસી કુદરત, સર્વશક્તિમાન, પરમાત્મા કે ઈશ્વરનો વધુ આત્મીય અનુભવ કરે છે. આપણા દેશમાં પેકેજ ટુરમાં મજા લૂંટતા પ્રવાસીઓએ તો ઠીક, તીર્થાટન કરતા શ્રદ્ધાળુઓએ પણ કુદરતી સ્થળોને ઉકરડા બનાવવાનું મહાપાપ કર્યું છે. આપણે ધર્મ, સંસ્કૃતિ, તીર્થધામ અને ભગવાનના નામે પણ કુદરતને સાચવી નથી શક્યા. આ કોની નિષ્ફળતા કહેવાય? ધર્મની, ભગવાનની, સાધુ-સંતોની કે કાયદા-કાનૂનની?

આગામી પેઢીમાં કુદરત-પર્યાવરણ માટે ખરો પ્રેમ અને અનુકંપા જાગે એ માટે નેચર ટ્રાવેલને વધુને વધુ પ્રોત્સાહન આપવાનું સૌથી મહત્ત્વનું કારણ આ છે. જો એમાં સફળતા મળે તો કદાચ કુદરત અને આપણે- બંને બચી જઈએ!

ચીનના વિખ્યાત તત્વજ્ઞાની લાઓ ત્સેએ કહ્યું હતું કે, 'હજારો માઈલની સફર એક નાનકડા ડગલાથી શરૂ થાય છે.'

તો, હવે તમે રજાઓમાં ક્યાં જવાનું વિચારો છો?

***

ભારત નેચર ટ્રાવેલનું હબ કેમ હોવું જોઈએ?

ભારત તો નેચર કે બેકપેક ટ્રાવેલનું હબ હોવું જોઈએ કારણ કે, આપણી પાસે પર્વતોનો ભીષ્મ એવો હિમાલય છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશથી માંડીને છેક પશ્ચિમ બંગાળ સુધી હિમાલયના પર્વતો અને જંગલોના અનેક રૂપ જોવા મળે છે. ઉત્તરપ્રદેશ પાસે ગઢવાલ હિમાલય અને શિવાલિકની પહાડીઓ છે. દક્ષિણ ભારતના તમિલનાડુ પાસે નીલગીરી, તેલંગાણા પાસે દખ્ખણની પહાડીઓ અને આંધ્રપ્રદેશ-ઓડિશા પાસે મહેન્દ્ર પર્વતમાળા છે. ગુજરાત પાસે તો પર્વતોનો આખેઆખો ગુલદસ્તો છે. ગુજરાતમાં દાદુ પર્વત ગિરનાર છે. સાપુતારાની પર્વતમાળા પૂર્વ ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પૂર્વ છત્તીસગઢ સુધી ફેલાયેલી છે. દેશની સૌથી જૂની અરવલ્લીની પર્વતમાળા પણ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને છેક દિલ્હી સુધી ૬૯૨ કિલોમીટરમાં ફેલાયેલી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી કિનારે અને મહારાષ્ટ્રની સરહદેથી શરૂ થતી સહ્યાદ્રીની પર્વતમાળા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ એમ પાંચ રાજ્યમાં ૧,૬૦૦ કિલોમીટરનો વિસ્તારમાં મારી-તમારી વાટ નીરખતી ઊભી છે. પર્વતોના આ વૈવિધ્યના કારણે ભારત પાસે પહાડી વિસ્તારના જંગલોથી લઈને દરિયા કિનારાના જંગલોનું અદ્ભુત વૈવિધ્ય છે. માઉન્ટેઇનિયરિંગ સાથે સંકળાયેલી બધી જ એડવેન્ચર સ્પોર્ટ્સની મજા એ છે કે, તેમાં પ્રવાસનું તત્ત્વ સમાયેલું છે.