11 November, 2015

તહેવારો એટલે વરુની પેઠે ખાવું...


રાજકીય એકતા ટકાવવી હોય તોપણ સાંસ્કૃતિક એકતાને મજબૂત અને સમૃદ્ધ કર્યે જ છુટકો. એ કામ ત્યારે જ બની શકે જ્યારે આપણે એકબીજાના તહેવારો ઊજવી શકીશું. ભેદના તત્ત્વો ગૌણ કરી શકીશું, અને બધા ધર્મોમાં, સંસ્કૃતિના નવા નવા આવિષ્કારોમાં, અને ભિન્ન ભિન્ન ભાષાના સાહિત્યમાં, કૌટુંબિક ભાવ ખીલવી શકીશું. આપણે ત્યાં દુનિયાના લગભગ બધા જ ધર્મો આવીને વસ્યા છે. એમની વચ્ચે સંઘર્ષ રહે એ કોઈ કાળે ચલાવી ન લેવાય. બધા ધર્મો વચ્ચે કૌટુંબિક ભાવ સ્થાપન કરીએ. આ કામમાં તહેવારો, જો સુંદર અને ઉદાર રીતે ગોઠવાયેલા હોય તો, ઉત્તમમાં ઉત્તમ મદદ કરી શકશે.

***   

'જીવતા તહેવારો' પુસ્તકની પ્રસ્તાવનામાં કાકાસાહેબ કાલેલકરે આ ધાંસુ શબ્દો લખ્યા છે. આ તો કાકાના ભારતીય સમાજ અને સંસ્કૃતિના ચિંતનની એક નાનકડી ઝલક છે. આવતીકાલે હિંદુ કેલેન્ડર પ્રમાણે કારતક સુદ એકમથી બેસતું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે 'જીવતા તહેવારો'માં કરાયેલી વાતો યોગાનુયોગે અત્યારના રાજકીય-સામાજિક માહોલમાં કદાચ ઘણી વધારે મહત્ત્વની છે. આ પુસ્તકના ૩૫૦ પાનામાં આવી ઢગલાબંધ ચિંતન કણિકાઓ વિખરાયેલી છે. કાકા કહે છે કે, ''...સંભવ છે કે તહેવારોની ઉજવણીની પદ્ધતિઓ સુધારીને આપણે સર્વધર્મસમભાવ અને સાંસ્કૃતિક રાષ્ટ્રીય એકતા વધારે મજબૂત કરી શકીશું...''  

‘જીવતા તહેવારો’ના પ્રકાશક ‘નવજીવને’ પણ આ પુસ્તકના પ્રકાશકીય નિવેદનમાં કહ્યું છે કે, ''... જૂનું ધાર્મિક વાચન સમાજમાં રૂઢ હોત તો સમાજને કીમતી લોકકેળવણી મળી હોત... આજના જમાનામાં કેવળ શ્રદ્ધાથી કામ નહીં ચાલે અને કેવળ તાર્કિક અશ્રદ્ધાથી પણ સામાજિક આત્મા સંતુષ્ટ ન થાય. બંનેનો જ્યાં સમન્વય હોય એવાં લખાણો જ લોકહૃદયને પૌષ્ટિક ખોરાક પૂરો પાડી શકે...''


તો ચાલો 'જીવતા તહેવારો'માં દિવાળીના તહેવારો વિશે કહેલી વાતોનો 'ગમતાનો ગુલાલ' કરીએ. આ સાથે કાકા કહે છે એમ બેસતા વર્ષથી બધા જ તહેવારોની ઉજવણીની રીત બદલવાનો સંકલ્પ કરીએ. જોકે, ઉજવણીની રીત બદલવાની કેવી રીતે? જેમ કે, આ વર્ષે દિવાળી સહિતના તમામ તહેવારોની ઉજવણીની થીમ 'પુસ્તક અને વાચન' રાખીએ.  લેટ્સ સ્ટાર્ટ.

'જીવતા તહેવારો' વાંચતી વખતે સમજાય છે કે, પરિવર્તન સંસારનો નિયમ છે. શહેરીકરણ વધતા તહેવારોની ઉજવણીની રીતો ધીમે ધીમે બદલાઈ ગઈ છે. કાકા લખે છે કે, ''ધનતેરસ દિવાળીની તૈયારીનો તહેવાર છે. લોકવાર્તાઓ પ્રમાણે, ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે... જુવાનોના અકાળ મૃત્યુની સંખ્યા સમાજમાં વધતી જાય છે એના કારણો તપાસી તે દૂર કરવાની યોજના સમાજના આગેવાનો આ દિવસે વિશેષે કરીને ચર્ચે, અને યુવાનોને જે બોધ આપવા જેવો હોય તે આપે... ગાયોના ધણની પૂજા પણ આ દિવસને માટે કહેલી છે. તે વિશે જે કરી શકાય તે કરીએ.'' કાકા 'ધનતેરશ અથવા ધણતેરશ' શીર્ષક હેઠળ આવી માહિતી આપે છે.

ભારતીય સમાજ કૃષિપ્રધાન હોવાથી તેના તહેવારોની ઉજવણીનો આધાર એક સમયે કૃષિ-પશુપાલન હતો. જોકે, હવે સમય બદલાઈ ગયો છે. ધનતેરસ યુવાનોના અપમૃત્યુથી છૂટેલી દયાનો તહેવાર છે, એ વાત પણ ભૂલાઈ ગઈ છે. પરંતુ આપણે યુવાનોની આત્મહત્યાથી લઈને યુવકો દ્વારા સ્ત્રીહિંસા જેવી નવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. તો આ દિવસોમાં આ મુદ્દા પર ફોકસ કરતી સાહિત્ય કૃતિઓનું વાચન કે એ વિશે વાત કરી શકે એવા વિદ્વાનોને બોલાવીને નાનકડા ગેટ-ટુ-ગેધરનું આયોજન કરી શકાય. આ પ્રકારના કાર્યક્રમો કંટાળાજનક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું.  શૈક્ષણિક સંસ્થાઓ કે ક્લબો દ્વારા પુરુષોએ સ્ત્રીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ એની સમજ આપતા ઈનોવેટિવ સેશન્સ પણ ગોઠવી શકાય. ગિફ્ટમાં આવા જ મુદ્દા પર લખાયેલા સુંદર પુસ્તકની ભેટ આપી શકાય. એ બહાને સારી કૃતિઓનું પણ વાચન વધશે. 

પહેલાં ગાયોના ધણની પૂજા થતી હતી કારણ કે, ઢોરઢાંખર જ 'ધન' હતું. એટલે જ ધનતેરસનું બીજું નામ 'ધણતેરસ' છે. શહેરી સંસ્કૃતિમાં ગાયોના ધણની પૂજાનું મહત્ત્વ ઘટી જવું સ્વાભાવિક છે એટલે આપણે ધનની પૂજા કરીએ છીએ. જોકે, આ દિવસે સોના-ચાંદીની સાથે સાથે દર વર્ષે પસંદ કરેલા ૧૧, ૧૦૧, ૧૫૧, ૫૦૧ કે ૧૦૦૧ પુસ્તકોની પસંદગી કરીને તેની પૂજા કેમ ના કરી શકીએ?

ધનતેરસ પછી નરક ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ ઊજવાય છે. કૃષિ પ્રધાન સમાજમાં તહેવારોની ઉજવણીના પાયામાં કૃષિ સંસ્કૃતિનું મહત્ત્વ વધારે હતું. કાકા લખે છે કે, ''આ દિવસે ઉકરડા કાઢીને તેનું ખાતર ખેતરમાં નાખવું, અથવા ખાડામાં દાટી દેવું. ત્યાર પછી તેલથી માલિશ કરીને ગરમ પાણીએ નાહવું. પહેલેથી તૈયાર કરાવી ધોળાયેલા મકાન પર ચૂના હળદર કે બીજા રંગની આછી લીટીઓ દોરવી. દીવાલો ચિતરામણથી શણગારવી...'' એટલે જ કાળી ચૌદશે કકળાટના રૂપમાં દિલોદિમાગમાંથી બધી જ 'ઈલ ફિલિંગ્સ' કાઢવાનું મહત્ત્વ છે. કૃષિપ્રધાન સમાજ ઉકરડો કાઢતો હતો પણ હવે શહેરી સમાજે મન-મગજમાં ઘર કરી ગયેલો પૂર્વગ્રહ, ઈર્ષા અને લાલચરૂપી ઉકરડો દૂર કરવાનો છે. સમજદાર વ્યક્તિ તો લાલચ અને ઈર્ષા જેવા 'ઉકરડા'ને પણ દોડતા રહેવાની પોઝિટિવ એનર્જીમાં પરિવર્તિત કરી શકે છે. આ દિવસે ટોપ ૧૦ પ્રેરણાત્મક પુસ્તકોની વાત કરી શકાય અને એકાદ પુસ્તકના પસંદીદા પ્રકરણો કે લખાણોનું વાચન પણ કરી શકાય. આ પ્રકારના પુસ્તકોની અત્યારે બોલબાલા છે પણ ક્લાસિકની કેટેગરીમાં આવતા પુસ્તકો બહુ જાણીતા ના પણ હોય! એ માટે જાતે જ ગૂગલિંગ કરીને કે ફેસબુક, વોટ્સએપ પર બીજા વાચકોની મદદથી ધાંસુ પુસ્તકોની યાદી બનાવી શકાય.કાકા કાલેલકર

કાળી ચૌદશ પછી આવે છે દિવાળી. કાકા લખે છે કે, ''શાસ્ત્રોમાં દરેક તહેવારનું માહાત્મ્ય અને કથા આપેલાં હોય છે. દિવાળી વિશે એટલી બધી કથાઓ છે કે 'દિવાળીમાહાત્મ્ય' લખવા જઈએ તો એક મોટું પુરાણ થઈ જાય...'' આ પુસ્તકમાં કાકાએ બળિનું રાજ્ય, દિવાળી, મોતનો ઉત્સવ, નાના ભાઈ વગર દિવાળી અને દિવાળી (ફરી એ જ શીર્ષક) એમ કુલ પાંચ ભાગમાં દિવાળીનું મહત્ત્વ સમજાવ્યું છે. 'દિવાળી' શીર્ષક હેઠળ કાકા કહે છે કે, ''દીવાનખાનામાં એકાદ સુંદર વસ્તુ રાખવાનો રિવાજ દરેક ઘરમાં હોય છે. બહારનો કોઈ માણસ આવે એટલે સહેજે તે પર એની નજર જાય છે અને તે બોલી ઊઠે છે:કેવી મઝાની વસ્તુ! તમે આ ક્યાંથી મેળવી?...'' હવે આપણે પુસ્તકની થીમ પણ દિવાળી ઊજવતા હોઈએ તો ડ્રોઈંગ રૂમથી લઈને બેડરૂમ સુધી બધે જ પુસ્તકો અને સામાયિકોની સ્ટાઈલિશ ગોઠવણી કરીને ઘર સજાવી શકાય. ઘરમાં ગુજરાતીથી લઈને વિશ્વભરના સાહિત્યકારોના ક્વોટ્સ સાથેના સ્ટાઈલિશ પોસ્ટરો પણ મૂકી શકીએ. રંગોળીથી લઈને તોરણો પણ પુસ્તક થીમના આધારે ડિઝાઈન કરી શકાય. આ દિવસે પુસ્તકોથી જોજનો દૂર હોય એવા મહેમાનોને સાહિત્યકાર અને તેની કૃતિઓની માહિતી આપીને પરિચય પુસ્તિકાઓ, જીવન ચરિત્ર કે આત્મકથાની ભેટ આપી શકાય.

પછી આવે બેસતું વર્ષ. આ તહેવાર વિશે કાકાએ ખૂબ જ ટૂંકમાં માહિતી આપતા કહે છે કે, ''આ દિવસ મુખ્યત્વે મિત્રોને મળવાનો તેમજ ગુરુજનોને મળી તેમનો આશીર્વાદ લેવાનો દિવસ છે. નવા વરસનો નવો સંકલ્પ અને આખા વરસની કંઈક નિશ્ચિત યોજના પણ આ દિવસે કરાય. જે વિચાર કરી શકે છે તે એકબે કલાક શાંતિથી એકાંતમાં બેસી પ્રાર્થનાપૂર્વક નવા વરસનો સંકલ્પ અને એ પાર પાડવાની વિગતો મનમાં ગોઠવે અને જેની આગળ નવો સંકલ્પ જાહેર કરવો ઘટે તેને જણાવે અને પોતાની પાસે અવશ્ય લખી રાખે.''

ટૂંકમાં આ દિવસે રિઝોલ્યુશન કરવાની પરંપરા વર્ષો પુરાણી છે. આપણી ઉજવણીની થીમ પુસ્તકો છે એટલે આ દિવસે ગૂગલિંગ કરીને વિશ્વના શ્રેષ્ઠ ૧૦૦ વાંચવા જેવા ફિક્શન, નોન-ફિક્શન, ક્લાસિક પુસ્તકોથી લઈને ઉત્તમ જીવનચરિત્રો, આત્મકથાઓ, સાયન્સ ફિક્શન, ટ્રાવેલ, ઈતિહાસ, તત્ત્વજ્ઞાાન, અધ્યાત્મ, બાળ સાહિત્ય તેમજ અંગ્રેજી સહિતની ભાષામાં જે લેખકોના પુસ્તકો પરથી સૌથી વધારે ફિલ્મો બની હોય એવી જાતજાતની માહિતીના દરિયામાં ધુબાકા મારીને મલ્ટિ ડાયમેન્શિયલ યાદી બનાવીએ અને તે વાંચવાનો સંકલ્પ લઈએ. આ માટે ન્યૂયોર્ક ટાઈમ્સ, બીબીસી જેવી સંસ્થાઓએ સમયાંતરે તૈયાર કરેલી જાતભાતના બેસ્ટ સેલર્સ તેમજ ટોપ ૧૦૦ પુસ્તકોની યાદી પર પણ નજર ફેરવીને વાચનનો દૃષ્ટિકોણ જરા વિશાળ કરવાનો સંકલ્પ પણ લેવા જેવો ખરો! 

બેસતું વર્ષ પછી ઉજવણી થાય ભાઈબીજની. કાકાએ 'ક્યાં છે ભાઈબીજ?' અને 'ભાઈબીજ' એમ બે શીર્ષક હેઠળ ભાઈબીજનું મહત્ત્વ સમજાવ્યું છે. પહેલાં પ્રકરણમાં કાકા હિંદુ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ જેવી હોવી જોઈએ તેવી નથી એમ કહીને આવું કેમ થયું એ મુદ્દે વિષદ્ છણાવટ કરે છે. કાકા ફરિયાદ કરતા લખે છે કે, ''... યુગો થયા ભારતવાસીઓ દર વર્ષે ભાઈબીજનો તહેવાર ઊજવતા આવ્યા છે, છતાં એકે કવિને ભાઈબહેનના સંબંધને પ્રાધાન્ય આપીને મહાકાવ્ય લખવાનું સૂઝ્યું નથી. નિરાશ થયેલું મન જ્યારે હતાશ દૃષ્ટિ લોકસાહિત્ય તરફ ફેંકે છે ત્યારે તે સાનંદાશ્ચર્યથી ભીની થાય છે. ભાઈબહેનનો સંબંધ અનાદિ છે, હૃદયસહજ છે, સાર્વભૌમ છે. લોકહૃદય તેને કેમ ભૂલે? લોકગીતો અને લોકવાર્તાઓમાં જ્યાં જુઓ ત્યાં ભાઈબહેનના મીઠા સંબંધનાં સંભારણાં વેરાયેલાં છે. ભવિષ્યનો સામાજિક આદર્શ ઘટનારા આજના કવિઓ! આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો, અને સ્ત્રીપુરુષ વચ્ચેના આ એકમાત્ર નિર્વિકારી, નિષ્કામ અને સમાન સંબંધને ચીતરવામાં તમારું શક્તિસર્વસ્વ ખરચો.'' જો આવું છે તો પછી પુસ્તકાલયમાં જઈને જાતે જ લોકગીતો-વાર્તાઓમાંથી ગીત, વાર્તા કે અવતરણો શોધી કાઢો. બહેનને ભેટ આપતી વખતે આ માહિતીનો ગિફ્ટમાં સ્ટાઈલીશ રીતે ઉપયોગ કરો અને જો કવિ હોવ તો કાકાએ કહ્યું છે એમ આ અણખેડેલા ક્ષેત્ર તરફ દૃષ્ટિ નાખો...

આ તો દિવાળીના તહેવારો ઉજવવાનો એક નવો આઈડિયા-એક થીમ આપી. આ બેસતા વર્ષથી આપણે આખા વર્ષના બધા તહેવારો આવી જુદી જુદી થીમ સાથે ઉજવીએ અને સાંસ્કૃતિક એકતા થકી સામાજિક અને રાજકીય એકતા તરફ આગળ વધીએ.

છેલ્લે કાકાના જ શબ્દો સાથે નવા સંકલ્પો સાથે નવું વર્ષ, નવું જીવન શરૂ કરીએ.:

વરુની પેઠે ખાવું, બિલાડીની પેઠે બગાસાં ખાવાં, અને અજગરની પેઠે પડ્યાં રહેવું એ તહેવારનું મુખ્ય લક્ષણ થઈ પડ્યું છે. એક તહેવાર એટલે ત્રણ દિવસનો બગાડ એટલું તો ખરું જ. આવી હાલતમાંથી તહેવારોને બચાવવા એ આપણું મુખ્ય કામ છે...

નોંધઃ આ લેખમાં કાકાના અવતરણોની જોડણી પુસ્તકમાં છે એમ જ રાખી છે. 

2 comments:

  1. Vishal, Fabulous writing. The way you described KAKA and his thought mixed with your inputs are amazing. I always wait for your next article. Can't resist my wish to read this when I see it on my mobile. On this diwali night, I turned my laptop on and read your article. Keep writing.....

    ReplyDelete
    Replies
    1. નિખિલ. આ પ્રકારની કોમેન્ટ મારો તો શું, કોઈ પણ લેખકનો ઉત્સાહ વધારી દે એમાં કોઈ ડાઉટ નથી, પણ આ કોમેન્ટની કિંમત મારા માટે અનેકગણી વધારે છે. કારણ કે, તું મારો લંગોટિયો ફ્રેન્ડ છું અને કોઈ લેખકનો લંગોટિયો મિત્ર જ્યારે એને વાંચીને આવી રીતે ખુશ થાય અને પાનો પણ ચઢાવે ત્યારે જે ખુશી થાય, એનું શાબ્દિક વર્ણન કરવું ગમે તેવા લેખકને અઘરું પડે. બીજી એક ખાસ વાત, નિખિલ તું સી.એ. હોવા છતાં ;) બહુ સારો વાચક છું અને બહુ સત્વશીલ વાચન જ કરે છે- એ હું ઘણાં ટાઈમથી માર્ક કરી રહ્યો છું. રીડિંગ જ નહીં પણ બધી જ બાબતોમાં તારો ટેસ્ટ જરા ઊંચો છે. આખરે તું ભાઈબંધ કોનો ;) સો કિપ ‘વર્થ’ રીડિંગ, કિપ શેરિંગ... :)

      Delete