24 September, 2018

સમલૈંગિકતાઃ અરેબિયન નાઈટ્સ અને કરાચીના પુરુષ બજારો


આ વાત છે, ૧૯મી સદીની. વર્ષ ૧૮૪૨. આશરે ૧૭૬ વર્ષ પહેલાનું ભારત. ઉત્તર પૂર્વમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું. એ દિવસોમાં ભારત સહિત દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોમાં બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ફેં ફાટતી હતી. યુરોપથી લઈને આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં સફળતાપૂર્વક ઘૂસ માર્યા પછી બ્રિટીશરોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો. આ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આખા ભારત પર કબ્જો જમાવવાના ગુપ્ત હેતુથી ચાર્લ્સ જેમ્સ નેપિયર નામના બ્રિટીશ લશ્કરી અધિકારીને તેડું મોકલ્યું. નેપિયર યુવાનીમાં નેપોલિયનના લશ્કર સાથે પણ યુદ્ધ ખેલી ચૂક્યા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં નિમણૂક કરાઈ ત્યારે તેમની ઉંમર હતી ૬૦ વર્ષ. જોકે, કંપનીએ અનુભવી નેપિયરને યુદ્ધ કરવાનું નહીં પણ કરાચી બંદરને 'સુરક્ષિત' કરવાનું કામ સોંપ્યું હતું કારણ કે, બ્રિટીશ લશ્કર અફઘાનિસ્તાનમાં યુદ્ધ ખેલી રહ્યું હતું અને એ યુદ્ધ માટે જરૂરી પુરવઠો કરાચી બંદરેથી મોકલાતો હતો.

બોમ્બે પ્રેસિડેન્સીના લશ્કરનું મુખ્ય થાણું બોમ્બેમાં હોવાથી નેપિયરના કામકાજનું કેન્દ્ર પણ બોમ્બે હતું. બોમ્બેમાં હોવાથી તેમના માટે એ જાણવું અઘરું હતું કે, કરાચીમાં તૈનાત બ્રિટીશ અધિકારીઓ-સૈનિકો ફરજો પ્રત્યે કેટલા સજાગ છે. નેપિયરને એવી પણ શંકા હતી કે, બ્રિટીશ સૈનિકો કરાચીના વેશ્યાલયોની મુલાકાતો લેતા થઈ ગયા છે, જે ભવિષ્યમાં લશ્કરની શિસ્ત પર ગંભીર કરી શકે એમ હતું. આ બધું જાણવા શાતિર નેપિયરે ઉચ્ચ લશ્કરી અધિકારીઓ પાસે સત્તાવાર તપાસ અહેવાલ ના માંગ્યો પણ એક અત્યંત બુદ્ધિશાળી યુવાન સૈનિકને જાસૂસ તરીકે કરાચી મોકલ્યો. એ વર્ષ હતું ૧૮૪૫ અને જાસૂસ હતો રિચર્ડ ફ્રાન્સિસ બર્ટન. ઉંમર એની માંડ ૨૪ વર્ષ. બ્રિટીશ-આઈરિશ માતાપિતાનું સંતાન. જન્મ અને ઉછેરના વર્ષો ફ્રાન્સ અને ઈટાલીમાં. નેપિયરને અંદાજ પણ ન હતો કે, એક દિવસ આ છોકરો ઈતિહાસમાં ચતુર જાસૂસ, સૈનિક, નૃવંશશાસ્ત્રી, ઓરિયેન્ટેલિસ્ટ (પૂર્વીય દેશોની સંસ્કૃતિનો નિષ્ણાત) નકશાશાસ્ત્રી, તલવારબાજ, કવિ, ભાષાશાત્રી, અનુવાદક અને લેખક તરીકે ઓળખાવાનો છે. હા, લેખક અને એ પણ 'અરેબિયન નાઇટ્સ'નો લેખક.

ચાર્લ્સ જેમ્સ નેપિયર

નેપિયરના હુકમ પ્રમાણે બર્ટને કામ ચાલુ કર્યું અને એક દિવસ અહેવાલ રજૂ કર્યો કે, કરાચીમાં તૈનાત અનેક બ્રિટીશ સૈનિકો નિયમિત રીતે વેશ્યાલયોમાં જાય છે પરંતુ ત્યાં મહિલાઓ નહીં, યુવકો અને વ્યંડળો પોતાનું શરીર વેચે છે. કરાચીમાં આવા ત્રણ પુરુષ બજાર છે. આ વાત જાણીને નેપિયરના પગ નીચેથી ધરતી સરકી ગઈ. નેપિયર સ્વીકારી સુદ્ધાં નહોતા શકતા કે, સમલૈંગિકતા અને પુરુષ વેશ્યા જેવું પણ કંઈક હોય છે. બ્રિટીશરો માટે સમલૈંગિકતા મહા પાપ હતું. (એક આડ વાતઃ બ્રિટને લશ્કરમાંથી સમલૈંગિકો પરનો પ્રતિબંધ વર્ષ ૨૦૦૦માં દૂર કર્યો હતો, જ્યારે સમલૈંગિકોને લગ્નનો અધિકાર ૨૦૧૪માં આપ્યો હતો). કરાચીના એ પુરુષ વેશ્યાલયોનો બિનસત્તાવાર અહેવાલ નેપિયરે દબાવી દીધો કારણ કે, એ સનસનીખેજ અહેવાલ જોઈને નેપિયરની હકાલપટ્ટી થઈ શકતી હતી. નેપિયર પર પોતાના જ સૈનિકોની જાસૂસી કરાવવાનો 'ગુનો' સાબિત થઈ શકતો હતો.

જોકે, તેમને આઘાત લાગવાનું બીજું પણ એક કારણ હતું, બર્ટનની ઠંડકભરી રજૂઆત. બ્રિટીશરો સમલૈંગિક શારીરિક સંબંધને પાપ ગણતા, પરંતુ બર્ટને કોઈની શેહશરમ રાખ્યા વિના એક તબીબ અને મનોવિજ્ઞાનીની જેમ વૈજ્ઞાનિક આધારો આપીને આ વાત રજૂ કરી. આખાયે અહેવાલમાં બર્ટન સમલૈંગિકો પ્રત્યે બિલકુલ જજમેન્ટલ નહોતો થયો, અને, નૈતિકતાનો તો સરેઆમ છેદ ઉડાવી દીધો હતો. નેપિયરને આ વાત ખટકી. એ અહેવાલમાં બર્ટને યુવાન છોકરાઓની કિંમત વ્યંડળ કરતા વધુ કેમ હોય છે એ મુદ્દો ગંભીરતાથી છેડ્યો હતો, જે આજેય વાંચવા-સાંભળવામાં આઘાતજનક છે. આ અહેવાલ તૈયાર કરવા બર્ટને અનેકવાર પુરુષ વેશ્યાલયોની મુલાકાત લીધી હતી. એટલે જ કેટલાક ઈતિહાસકારો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે, બર્ટન બાયસેક્સ્યુઅલ હોઈ શકે છે!

 રિચર્ડ બર્ટનના જુદા જુદા રૂપ 

રિચર્ડ ફ્રાન્સિસ બર્ટનની સાહસવૃત્તિથી ભરપૂર જિંદગી પર નજર કરીએ તો આ પ્રકારની શંકા થવાના મજબૂત કારણો પણ મળે છે. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં સૈનિક તરીકે જોડાયો ત્યારે તેનું પોસ્ટિંગ ૧૮મી બોમ્બે નેટિવ ઈન્ફન્ટ્રીમાં કરાયું હતું, જેનું વડુંમથક ગુજરાતમાં હતું. બર્ટન જુદા જુદા પ્રદેશોના લોકોના વર્તન, મનોવિજ્ઞાન, રીતરિવાજો, સંસ્કૃતિ, પરંપરા, ભાષા અને સેક્સ્યુઅલ બિહેવિયરમાં ઊંડો રસ લેતો. એક ખૂબ જ રસપ્રદ વાત. બર્ટને ગુજરાતમાં સમય વીતાવ્યો ત્યારે ગુજરાતી ભાષા શીખી હતી. આ સિવાય ભારતમાં તે હિંદુસ્તાની, મરાઠી, પંજાબી, સિંધી, ફારસી અને ઉર્દૂ પણ શીખ્યો. એક નાગર બ્રાહ્મણ પાસે હિંદુ ધર્મનું જ્ઞાન મેળવતો. બર્ટને દાવો કર્યો હતો કે, મારા બ્રાહ્મણ શિક્ષકે મને દીક્ષા આપીને જનોઈ પહેરવાની મંજૂરી આપી છે. જોકે, આ દાવાને લઈને ઈતિહાસકારો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે. ભારતમાં તેણે પહેલીવાર મદારીઓ જોયા. મદારીઓ પાસેથી તેણે સાપ પકડવાની અને માંકડા પાળવાની વિદ્યા શીખી. તેને આશા હતી કે, એક દિવસ તે પાલતુ બંદરોની ભાષા પણ શીખી લેશે. ભારતની આદિજાતિઓ સાથે રખડપટ્ટી કરીને તે બાજ પાળીને શિકાર કરવાની કળા પણ શીખ્યો અને એક પુસ્તક લખ્યું, 'ફાલ્કનરી ઈન ધ વેલી ઓફ ઈન્દૂસ'.

કંઈક નવી વાત જાણવાના હેતુથી બર્ટન સાધુ-બાવા સાથે અનેકવાર અફીણ અને ભાંગનો નશો કરવા પહોંચી જતો. બર્ટનનું વર્તન જોઈને બ્રિટીશરોને પણ શરૂઆતમાં તે અસંસ્કૃત (અનસિવિલાઈઝ્ડ) લાગતો, પરંતુ એવું હતું નહીં. આત્યંતિક કહી શકાય એવી કુતુહલવૃત્તિના કારણે બર્ટન એવું વર્તન કરતો. એકવાર બર્ટન કોલેરામાં પટકાયો અને યુરોપ પાછો જતો રહ્યો, પરંતુ ૧૮૫૧માં વધુ આક્રમક થઈને બહાર આવ્યો. એ વર્ષે રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ આફ્રિકામાં કેટલાક મહત્ત્વાકાંક્ષી એક્સપ્લોરેશન કરવાનું નક્કી કર્યું. બર્ટનને ફેલોશિપ લઈને કામ કરવાની તક મળી ગઈ. ભારતમાં તે મુસ્લિમ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે ઘણું બધું શીખ્યો હતો, જે તેને આફ્રિકાના ઈસ્લામિક દેશોમાં કામ લાગવાનું હતું. બર્ટન થોડા જ સમયમાં આફ્રિકા પહોંચી ગયો અને ૧૮૫૩માં એક સાહસભર્યો નિર્ણય લીધો, હજ કરવાનો. એ જમાનામાં કોઈ બિન-મુસ્લિમ મક્કા-મદીના જતા પકડાય તો ક્રોસ પર લટકાવીને મારી નંખાતા અથવા ગુલામ તરીકે વેચી દેવાતા. જોકે, બર્ટન કોઈ પણ સાંસ્કૃતિક માહોલની રીતભાત શીખીને તેમાં સહેલાઈથી પોતાની જાતને ઢાળી શકતો. હજ કરવા તે હાજી અબ્દુલ્લા યઝદી નામ અપનાવીને સિંધ પ્રાંતના મુસ્લિમ યાત્રાળુઓના જૂથમાં જોડાઈ ગયો. બર્ટન સિંધી ભાષા પણ જાણતો. જોખમો ખેડવાની સાથે તે સાવચેત પણ રહેતો. હજ કરતા પહેલાં તેણે સુન્નત સુદ્ધાં કરાવી લીધી હતી. 

હજ વખતે બર્ટને તૈયાર કરેલો પોતાનો સ્કેચ

એ પ્રવાસમાં લૂંટારુઓએ બર્ટનના કાફલા પર જીવલેણ હુમલો કરીને તેના ૧૨ સાથીદાર અને સાત ઊંટને મારી નાંખ્યા. આવી મુશ્કેલીઓ વેઠીને તે મક્કા પહોંચ્યો અને ત્યાં જઈને તમામ ધાર્મિક વિધિ-પ્રાર્થનામાં ભાગ લીધો અને બધું બરાબર સમજીને પાછો ફર્યો. બર્ટન પહેલાં એક-બે યુરોપિયને હજ કરી હતી, પરંતુ બર્ટને આખીયે હજ યાત્રાની રજેરજની વિગતો સમજાવતું પુસ્તક લખ્યું, 'પિલગ્રિમેજ ટુ અલ મદીના એન્ડ મક્કા'. એટલું જ નહીં, તેણે હજ વખતે પહેરેલા સફેદ ડગલા પર મસ્જિદનું ચિત્ર પણ દોરી લીધું. આ તો નાનકડી શરૂઆત હતી. આફ્રિકાના અંતરિયાળ પ્રદેશોમાં ડોકિયું કરવા માંગતી રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૫૪માં બર્ટનને યમન મોકલ્યો. ત્યાંથી બર્ટનને હરાર (આજનું ઈથોપિયા)માં પ્રવેશીને સ્થાનિક સ્થિતિનો વિગતવાર અહેવાલ આપવાનો હતો. એ પ્રદેશોમાં જઈને બર્ટન આફ્રિકાના મહાકાય સરોવરો જોવા માંગતો હતો. એ જાદુઈ સરોવરોની વાતો તેણે આરબ વેપારીઓ અને પ્રવાસીઓ પાસેથી સાંભળી હતી. બર્ટને ઈથોપિયાના અંતરિયાળ વિસ્તારોમાં જઈને એ સપનું પણ પૂરું કર્યું. તેના પહેલાં એકેય યુરોપિયન ઈથોપિયામાં પ્રવેશ્યો પણ ન હતો. એ પ્રવાસમાં પણ તેણે સોમાલિયન લૂંટારુઓનો સામનો કર્યો, ઈજાગ્રસ્ત થયો અને જેલમાં પણ ગયો. રોયલ જિયોગ્રાફિક સોસાયટીની દૃષ્ટિએ એ પ્રવાસ નિષ્ફળ હતો, પરંતુ બર્ટન પાસે અનુભવનો ખજાનો હતો. તેણે એક પુસ્તક લખ્યું, 'ફર્સ્ટ ફૂટસ્ટેપ ઈન ઈસ્ટ આફ્રિકા'. આફ્રિકામાં ગાળેલા સમય દરમિયાન બર્ટન હિબ્રુ, એગબા, સ્વાહિલી અને અસાન્તે જેવી ભાષાઓ શીખ્યો.

૧૮૫૬માં રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ફરી એકવાર બર્ટનને ટાન્ઝાનિયા-ઝાંઝીબાર મોકલવાનું નક્કી કર્યું. ત્યાં જઈને બર્ટને સ્થાનિક સંસ્કૃતિ અને વેપારની શક્યતાઓ વિશે અહેવાલ તૈયાર કરવાનો હતો. આ પ્રવાસની સાથે તેણે એક બહુ જ મોટી સિદ્ધિ હાંસલ કરી, નાઈલ નદીનું મૂળ શોધવાની. આ ઉપરાંત તેણે અનેક સરોવરોના વિગતવાર નકશા પણ તૈયાર કર્યા. બર્ટને કરેલું કામ બ્રિટીશ રાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું હતું. રઝળપાટ કરતી વખતે બર્ટને સાહિત્ય ક્ષેત્રે પણ એક જબરદસ્ત કામ કર્યું, આફ્રિકાના વિખ્યાત પુસ્તક 'વન થાઉઝન્ડ એન્ડ વન નાઈટ્સ'નો પહેલો અંગ્રેજી અનુવાદ કરવાનું. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિને બર્ટને, ‘ધ બુક ઓફ ધ થાઉઝન્ડ નાઈટ્સ એન્ડ નાઈટ’ જેવું સ્ટાઈલિશ નામ આપ્યું. આજે આ પુસ્તકને દુનિયા 'અરેબિયન નાઈટ્સ' તરીકે ઓળખે છે. આ પુસ્તક કોઈ એક જ લેખકનું સર્જન નથી. આઠમીથી ૧૩મી સદી ઈસ્લામનો સુવર્ણયુગ ગણાય છે. એ ગાળામાં આફ્રિકા અને દક્ષિણ એશિયામાં સુંદર લોક સાહિત્ય સર્જાયું. અનેક લેખકોએ, અનેક સદીઓ સુધી આ સાહિત્યને એકઠું કર્યું, જેનું સમયાંતરે એક પુસ્તકના સ્વરૂપમાં સર્જન થયું. આપણે 'અરેબિયન નાઇટ્સ'ને 'અલીબાબા અને ચાલીસ ચોર', 'અલાદ્દીનનો ચિરાગ', 'સિંદબાદ અને નાવિક'ની વાર્તાઓના કારણે જાણીએ છીએ, પરંતુ તેના દસ દળદાર ભાગમાં બીજું પણ ઘણું બધું છે.


અરેબિયન નાઈટ્સના દસમા ભાગમાં બર્ટને સમલૈંગિકો
વિશે લખેલા નિબંધ, ‘ટર્મિનલ’ની ઝલક 

રોયલ જિયોગ્રાફિક સોસાયટીના મેગેઝિનમાં બર્ટનને અપાયેલી શ્રદ્ધાંજલિ. બર્ટનના નામની
પાછળ બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત  કે.સી.એમ.જી. પુરસ્કારનું લટકણિયું છે, જેનો અર્થ
નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સેંટ માઈકલ એન્ડ સેંટ જ્યોર્જ એવો થાય છે

આ પુસ્તકના દસમા ભાગમાં 'ટર્મિનલ' નામના નિબંધમાં બર્ટને સમલૈંગિકતા અને આફ્રિકાના (ખાસ કરીને ઇસ્લામિક દેશોમાં) લોકોના સેક્સ્યુઅલ બિહેવિયર વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી છે. સેક્સને લગતી વાતો પર ખૂબ ભાર મૂક્યો હોવાથી બર્ટને કરેલા અનુવાદની એ વખતે ટીકા પણ થઈ હતી. બિભત્સ લખાણને લગતા કાયદાના કારણે તેનું પુસ્તક પ્રકાશિત કરવા કોઈ તૈયાર પણ ન હતું. જોકે ભારતમાં કાર્યરત કામસૂત્ર સોસાયટીએ અગાઉથી લવાજમ ભરનારા ગ્રાહકો માટે તે ખાનગી ધોરણે છાપ્યું હતું. બ્રિટીશ લેખક અને અનુવાદક ફોર્સ્ટર ફિટ્સજેરાલ્ડ આર્બથનોટે આ સોસાયટી સ્થાપી હતી. કેટલાક લોકો બર્ટનને 'કામ સૂત્ર'ના લેખક તરીકે પણ ઓળખે છે પણ એ ગેરમાન્યતા છે. બર્ટનની સંસ્કૃત પર હથોટી નહોતી. 'કામ સૂત્ર'નો અનુવાદ ખુદ આર્બથનોટે કર્યો હતો. બર્ટને આફ્રિકાના 'કામ સૂત્ર' ગણાતા 'ધ પર્ફમ્યૂડ ગાર્ડન'નો અનુવાદ કર્યો હતો.

બર્ટને કુલ ૪૮ દળદાર પુસ્તક લખ્યા. આજેય દુનિયાભરમાં બર્ટન અને તેના પુસ્તકો વિશે લખાતું રહે છે. દુનિયાના અનેક દિગ્ગજ લેખકોએ બર્ટનનું જીવનચરિત્ર લખ્યું છે અને હોલિવૂડમાં પણ અનેક ફિલ્મો બની છે. બર્ટનના (૧૮૨૧-૧૮૯૦) મૃત્યુના ઘણાં સમય પછી 'ટાઈમ' મેગેઝિને તેને 'મોસ્ટ રિમાર્કેબલ મેન ઓફ હિઝ ટાઈમ' કહીને સન્માન આપ્યું હતું.

બર્ટન કહેતો કે, હું વિવિધ ધર્મોનો જેમ જેમ અભ્યાસ કરતો ગયો તેમ તેમ હું દૃઢપણે માનતો થઈ ગયો કે, માણસે પોતાની જાત સિવાય કોઈની પૂજા કરવાની જરૂર નથી...

6 comments:

  1. અલકેશ પટેલSeptember 24, 2018 at 7:23 PM

    સરસ ������

    ReplyDelete
  2. Ever since I read this article I become a fan-kt

    ReplyDelete
  3. બર્ટનની ફિલૉસિફી કે-માણસ ને જાત સિવાય બીજા કોઈ ની પૂજા કરવાની જરૂર નથી...સટીક છે

    ReplyDelete