13 June, 2016

દાન ધર્મ: ભારતનો અને અમેરિકાનો


બાયોકોન લિમિટેડના વડા કિરણ મજુમદાર શૉ ગિવિંગ પ્લેજપર સહી કરનારી બીજી ભારતીય હસ્તી બન્યા છે. વર્ષ ૨૦૧૦માં બિલ ગેટ્સ અને વૉરન બફેટે અમેરિકાના ૪૦ ધનવાન પરિવાર સાથે ગિવિંગ પ્લેજની સ્થાપના કરી હતી. ગિવિંગ પ્લેજમાં સહી કરનારા ધનવાનો જીવતે જીવ અથવા વસિયતમાં પોતાની ઓછામાં ઓછી ૫૦ ટકા સંપત્તિ સામાજિક ઉત્થાન માટે દાનમાં આપી દે છે. અત્યાર સુધી ગિવિંગ પ્લેજમાં ૧૬ દેશના ૧૫૪ ધનવાનોએ સહી કરી છે. ગિવિંગ પ્લેજનો હેતુ વૈશ્વિક સમાજના પાયાના પ્રશ્નો સામે લડવા ભંડોળ ઊભું કરવાનો છે. ગિવિંગ પ્લેજમાં સૌથી પહેલાં વિપ્રોના અઝીમ પ્રેમજીએ ૧૭ અબજ ડોલર સાથે નામ નોંધાવ્યું હતું. હવે કિરણ મજુમદારની સાથે શોભા ગ્રૂપના વડા પી.એન.સી. મેનને પણ ગિવિંગ પ્લેજ પર સહી કરી છે. દુનિયાને દાન ધર્મશીખવનારા ભારત-વર્ષમાંથી અત્યાર સુધી ફક્ત ત્રણ જ વ્યક્તિએ ગિવિંગ પ્લેજમાં નામ નોંધાવ્યું છે, જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે. આ સમાચાર વાંચ્યા પછી એવો સવાલ થાય છે કે, શું ભારતના ધનવાનો અમેરિકનો જેવા ઉદાર નહીં પણ સ્વાર્થી છે? કે પછી ભારતના ઉદ્યોગ ગૃહો દેશ કે સમાજની મુશ્કેલી માટે બેદરકાર છે?

ચાલો, આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.

૨૧મી સદીના ભારતનો દાન ધર્મ

એવું ના કહી શકાય કે ગિવિંગ પ્લેજમાં નામ નોંધાવનારી વ્યક્તિ જ દાન ધર્મ કરે છે. ભારતમાં દાન કરવું એ નવી વાત નથી. મુશ્કેલી એ છે કે, ભારતમાં દાન પણ ધર્મ સાથે સંકળાયેલી બાબત છે. ભારતના ઉદ્યોગ ગૃહો પણ ટ્રસ્ટ કે ફાઉન્ડેશન બનાવીને ધર્મ, જાતિ કે સમાજની વાડાબંધી વિના સામાજિક ઉત્થાનનું કામ કરી જ રહ્યા છે. આજના ભારતનો યુવાન ઉદ્યોગપતિ શિક્ષણ, કળા અને સાહિત્યના વિકાસ માટે પણ કરોડો રૂપિયા ખર્ચી જાણે છે. વર્ષ ૨૦૧૫માં ફોર્બ્સ મેગેઝીને બહાર પાડેલા ફિલાનથ્રોપિસ્ટ લિસ્ટ (દાનવીરોની યાદી)માં સાત ભારતીયોની સાથે રોહન મૂર્તિનું પણ નામ હતું. ઈન્ફોસીસના સ્થાપક એન.આર. નારાયણમૂર્તિના પુત્ર રોહન મૂર્તિનું નામ ભારતના સૌથી યુવાન દાનવીર તરીકે લેવાય છે. જુનિયર મૂર્તિએ પાંચ કરોડ ડોલર ખર્ચીને મૂર્તિ ક્લાસિકલ લાઇબ્રેરી ઓફ ઈન્ડિયાયોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દૂ જેવી ભાષાઓના ક્લાસિક પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થઇ રહ્યો છે. આગામી ૧૦૦ વર્ષમાં આ તમામ પુસ્તકો હાવર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત કરાશે.

કિરણ મજુમદાર શૉ, આઝીમ પ્રેમજી અને પી.એન.સી. મેનન

આ યાદીમાં નંદન નીલકેણી, સેનાપથી ગોપાલક્રિશ્નન અને એસ.ડી. શિબુલાલ પણ હતા, જે ત્રણેય ઈન્ફોસીસના સ્થાપક સભ્યો છે. નંદન નીલકેણી અત્યાર સુધી વિવિધ સંસ્થાઓને રૂ. ૫,૩૦૯ કરોડનું દાન આપી ચૂક્યા છે. આઈઆઈટી બોમ્બેને તેમણે રૂ. ૧૭ કરોડનું દાન આપ્યું હતું. આ પણ અમેરિકન સંસ્કારછે. અમેરિકામાં પોતાની માતૃસંસ્થાને કરોડો રૂપિયાનું દાન આપનારા તમને હજારો વિદ્યાર્થીઓ મળશે. નીલકેણીએ યેલ યુનિવર્સિટીને પણ રૂ. ૨૭ કરોડનું દાન આપ્યું છે. આ પ્રકારની સંસ્થાઓનું વાતાવરણ અને તાલીમ જ વિદ્યાર્થીઓને કંઈક કરવા પ્રેરે છે. અનિલ અગ્રવાલ કે શિવ નાદર જેવી હસ્તીઓએ ગિવિંગ પ્લેજમાં સહી નથી કરી, પરંતુ ભારતીય દાનવીરોમાં તેમના નામ અચૂક મૂકવા પડે. વેદાંત રિસોર્સીસના સ્થાપક અનિલ અગ્રવાલ વેદાંત ફાઉન્ડેશન ઊભું કરીને અત્યાર સુધી રૂ. ૧,૭૦૦ કરોડથી પણ વધારેનું દાન કરી ચૂક્યા છે. ગિવિંગ પ્લેજમાં ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકો વિનોદ ખોસલા, રોમેશ વાઢવાણી, મનોજ ભાર્ગવ અને સની વાર્કી જેવા લોકો પણ નામ નોંધાવી ચૂક્યા છે. આ લોકોની કર્મભૂમિ ભારત નથી, પરંતુ તેઓ ભારતમાં જુદા જુદા ક્ષેત્રમાં બદલાવ લાવવા પ્રયત્નશીલ છે.

ફોર્બ્સની યાદીમાં મૂળ ચેન્નાઇના સુરેશ રામક્રિશ્નન અને મહેશ રામક્રિશ્નન નામના જોડિયા ભાઈઓના પણ નામ હતા. આ બંને યુવાનો લંડનમાં વ્હિટકોમ્બ એન્ડ શાફ્ટ્સબરી નામની કંપની સ્થાપીને ટેલરિંગ બિઝનેસ કરી રહ્યા છે. માઇકલ જેક્સનથી લઇને સચિન તેંદુલકર અને હોલિવૂડ સ્ટાર નિકોલસ કેજ, રિચર્ડ ગિયર વગેરે રામક્રિશ્નન બ્રધર્સના હેન્ડમેઇડસ્યૂટ પહેરી ચૂકી છે. આવી અનેક હસ્તીઓ જે સ્યૂટ પહેરે છે એ દક્ષિણ ભારતના સુનામી પીડિતો દ્વારા તૈયાર કરાયા હોય છે. દક્ષિણ ભારતમાં વર્ષ ૨૦૦૪માં આવેલા સુનામી પછી રામક્રિશ્નન બંધુઓએ રૂ. વીસ કરોડનો ખર્ચ કરીને ચાર હજાર સુનામી પીડિતોને સ્યૂટ સીવવાની તાલીમ આપી હતી.

આ રીતે દાન કરવું એ પણ મૂળ પશ્ચિમી વિચાર છે, જે અમેરિકા-યુરોપમાં ફિલાન્થ્રોકેપિટાલિઝમપ્રચલિત થઈ રહ્યો છે. ફિલાનથ્રોપી (દાન ધર્મ) અને કેપિટાલિઝમ (મૂડીવાદ) જેવા બે વિરોધાભાસી શબ્દો સાથે જીવી શકે છે એ વાત અમેરિકન ઉદ્યોગપતિઓ સાબિત કરી રહ્યા છે. ફિલાનથ્રોકેપિટાલિસ્ટને સાદી ભાષામાં સોશિયલ ઈન્વેસ્ટર કહી શકાય. આ પ્રકારના ઈન્વેસ્ટર ખર્ચ કરે ત્યારે વળતર (રિટર્ન)ની સાથે સામાજિક બદલાવ (સોશિયલ ચેન્જ)ની પણ અપેક્ષા રાખતા હોય છે.

ફિલાન્થ્રોકેપિટાલિઝમ અને મહાજન પરંપરા

આપણે જે ભારતીયોના ઉદાહરણ જોયા એ ટીપિકલ ઈન્ડિયન સ્ટાઈલમાં દાન નથી કરતા, પરંતુ તેઓ પશ્ચિમની દાન કરવાની પદ્ધતિથી પ્રભાવિત છે. ફિલાનથ્રોકેપિટાલિઝમ ભારતની મહાજન પરંપરાની યાદ અપાવે છે. ભગવદ્ગોમંડળમાં મહાજન, મહાજન પંચાયત, મહાજન સમાજવાદ, મહાજન સમાજવાદી, મહાજનસત્તાક જેવા શબ્દો છે પણ મહાજન પરંપરાજેવો શબ્દ નથી. ભગવદ્ગોમંડળમાં મહાજન પંચાયતનો અર્થ મોટા માણસોની પંચાયત એવો છે, જ્યારે મહાજન સમાજવાદનો અર્થ ખૂબ વિસ્તૃત અપાયો છે. વાંચો, એ નામનો એક રાજનૈતિક મત, જુદા જુદા ઉદ્યોગોમાં ઔદ્યોગિક મંડળોના એકત્ર બંધારણથી ઉદ્યોગો ચલાવવા, તે તંત્ર રાજકીય તંત્રથી બને એટલું સ્વતંત્ર રાખવું અને તે રીતે ઔદ્યોગિક અને રાજકીય એવાં બે તંત્રો દ્વારા દેશનો વ્યવહાર ચલાવવો એવો મત, ગિલ્ડ સોશિયાલિઝમ.

મહેશ રામક્રિશ્નન, સુરેશ રામક્રિશ્નન અને રોહન મૂર્તિ


ટૂંકમાં મહાજન પરંપરા શબ્દ થોડા દાયકા પહેલાં જ પ્રચલિત થયો હોવો જોઈએ. આ પરંપરા શું હતી એ સમજવા બહુ દૂર નજર કરવાની જરૂર નથી. મહાજન પરંપરાનું સૌથી ઉત્તમ ઉદાહરણ ગુજરાતના શેઠિયાઓએ આપ્યું છે. હાલના ગુજરાતમાં શિક્ષણ, કળા, વિજ્ઞાન અને સાહિત્ય સાથે સંકળાયેલી મોટા ભાગની સંસ્થાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા ગુજરાતી પરિવારોની દેન છે. આવા ૩૯ ગુજરાતી પરિવારે ગુજરાતના ઘડતરમાં કેવો જબરદસ્ત ફાળો આપ્યો છે એ વિશે લેખક-સંશોધક મકરંદ મહેતાના ગુજરાતના ઘડવૈયાપુસ્તકમાં એક્સક્લુસિવ માહિતી મળે છે. જોકે, ગુજરાત કે ભારતે આ પ્રકારના દાનવીરોનો કાળ બહુ ઓછો જોયો છે એ પણ હકીકત છે.

રાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ મહાજન પરંપરા નિભાવવામાં ટાટા જૂથ અગ્રેસર છે. ટાટા સન્સે એક સદીથી પણ વધારે સમય પહેલાં ટાટા ટ્રસ્ટ બનાવ્યું હતું. ટાટા સન્સની કંપનીઓનું ૭૫ ટકા હોલ્ડિંગ ટાટા ટ્રસ્ટ પાસે છે. દેશના ૧૭ રાજ્યોના ૧૭૦ જિલ્લામાં ટાટાના સહકારથી સામાજિક વિકાસના કાર્યક્રમો ચાલે છે. અત્યાર સુધી ટાટા જૂથ શિક્ષણ, વિજ્ઞાન, કળા અને રમતગમત ક્ષેત્રનો યોગ્ય દિશામાં વિકાસ કરવા કરોડો રૂપિયા ખર્ચી ચૂક્યું છે.

ટાટા ટ્રસ્ટ કે બિલ ગેટ્સનું ફાઉન્ડેશન દાન કરે છે ત્યારે તેમના હેતુમાં સ્વાર્થ નહીંવત હોય છે. ગેટ્સ ફાઉન્ડેશન આફ્રિકાના દેશોમાં પણ સામાજિક ઉત્થાનનું કામ કરે છે અને એઇડ્સ-કેન્સરની દવાઓના સંશોધન માટે પણ કરોડોની ફાળવણી કરે છે. આ પ્રકારનું દાન કરતી વખતે ચોક્કસ ધર્મ-જાતિ કે સમાજનું ભલું કરવાનો સંકુચિત ખ્યાલ નહીં પણ આખા સમાજનો વિકાસ થાય એવી અપેક્ષા હોય છે! આ પ્રકારનું દાન ધાર્મિક નહીં, પણ માનવીય હોય છે.

ભારતમાં દાનની ધાર્મિક પરંપરા

જોકે, ભારતીય સમાજના વિકરાળ પ્રશ્નો અને વસતીની સરખામણીએ ભારતમાં ધનવાનો દ્વારા બિનસરકારી વિકાસકાર્યોખૂબ ઓછા થઈ રહ્યા છે એ હકીકત છે. આપણે અહીં એક સરેરાશ ભારતીય પાપ ધોવા, ધાર્મિક વૃત્તિથી, દયાભાવથી કે પછી આવકવેરામાંથી થોડી ઘણી રકમ બાદ મેળવવા દાન આપે છે, એની નહીં પણ દેશ-સમાજના ઠોસ વિકાસ માટે યોગ્ય દિશામાં કરાતા દાનની વાત કરીએ છીએ.

ભારતમાં અયોગ્ય દિશામાં તો કરોડો રૂપિયાનું દાન થાય જ છે. કરોડો ભારતીયો મંદિર-મસ્જિદ બહાર બેઠેલા ભિખારીઓને દાન આપે છે, જેનાથી સામાજિક ઉત્થાન નથી થતું પણ પાપ ધોયાનો સંતોષ મળે છે. રસપ્રદ વાત એ છે કે, દયાભાવથી કરાતા કરોડો રૂપિયાના દાનથી ભિખારીઓની સંખ્યા ઘટવાના બદલે વધી છે. ભીખની લાલચે બાળકો સહિત લાખો લોકો ભીખના ધંધામાં આવ્યા છે અને મફતનું ધન ઘરભેગું કરવા ભિખારી માફિયાપણ અસ્તિત્વમાં આવ્યા છે, જે બાળકો-વૃદ્ધોનું અપહરણ કરીને તેમને ભીખના ધંધામાં જોતરી દે છે. ભિખારીનો છોકરો ભિખારી ના બને એ માટે આર્થિક રીતે સંપન્ન વર્ગે શું કર્યું? ધાર્મિક વૃત્તિથી કરાયેલું દાન પણ પથ્થરો કે સોનામાં રોકાઇ જાય છે, જે અર્થતંત્ર પર બોજ છે. અહંકાર સંતોષવા ઉછામણીમાં ઊંચા કરેલા હાથ કરતા બે-ચાર ગરીબ બાળકોના શિક્ષણ માટે લંબાવેલો હાથ વધારે મહાન છે.

આ બધી વાતો સરેરાશ ભારતીય સમજે છે, પરંતુ તેનો અમલ કરતા ડરે છે કારણ કે, તેમની પ્રાથમિકતા ફક્ત પાપ ધોવાની છે અને માનસિકતા ક્રાંતિકારી નહીં પણ ઉદાસીન છે. ભારતીયો ભગવાનને દાન કરે ત્યારે તેમનામાં શ્રદ્ધાની સરવાણી ફૂટે છે, પરંતુ એવી મજા સામાજિક ઉત્થાન માટે કામ કરતી સંસ્થાને દાન કરવામાં નથી આવતી. એનું કારણ ભારતીયોના દિલોદિમાગ પર ખોટી રીતે છવાયેલો ‘ધર્મ’ કે ભગવાનછે.

***

ભારતમાં છેલ્લાં દસ વર્ષમાં અબજોપતિઓની સંખ્યા ૩૩૦ ટકા વધી છે. એ સામે વિશ્વભરના ધનવાનોની સંખ્યા માંડ ૬૮ ટકાના દરે વધી છે. વર્ષ ૨૦૧૮ સુધી ભારતમાં ચાર લાખ મિલિયોનેર (ડૉલરમાં) હશે! આમ, ભારતમાં ધનવાનોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ એની સામે ઠોસ સામાજિક ઉત્થાન માટેના પ્રયાસ એકજૂટ નહીં પણ છૂટાછવાયા અને બિનઅસરકારક છે. આ માટે બીજું પણ એક મહત્ત્વનું કારણ જવાબદાર હોઈ શકે! ભારતના મોટા ભાગના શ્રીમંતો ઉદારીકરણના શરૂઆતના યુગમાં સફળ થયા છે. આ લોકોએ ભ્રષ્ટ રાજકીય સિસ્ટમના પડકારો વચ્ચે સફળતા મેળવી છે. ઉદારીકરણ પછી અસ્તિત્વમાં આવેલી ધનવાનોની આ પેઢીને તમામ મોજ-શોખ કરવા છે અને સારું જીવન જીવવું છે. આ વાતનો પુરાવો એ છે કે, છેલ્લાં ૧૪ વર્ષમાં ભારતમાંથી ૧૪ હજાર મિલિયોનેર સારું જીવન જીવવા બીજા દેશોમાં સ્થાયી થઈ ગયા છે.

ખેર, આ તમામ મુશ્કેલીઓ વચ્ચે એટલું યાદ રાખવાનું છે કે આપણે ધર્મ, જાતિ, સમાજ, સંપ્રદાયના વાડા ત્યજીને દાન કરવાનું શીખી જઈશું તો આગામી થોડા વર્ષોમાં દેશનું એકેય બાળક ભૂખ્યું નહીં સૂતું હોય!

1 comment: