23 March, 2016

હોલી હૈ તો આજ અપરિચિત સે પરિચય કર લો


યહ મિટ્ટી કી ચતુરાઈ હૈ, રૂપ અલગ ઔર રંગ અલગ
ભાવ વિચાર તરંગ અલગ હૈ, ઢાલ અલગ હૈ ઢંગ અલગ
આઝાદી હૈ જિસકો ચાહો, આજ ઉસે કર લો,
હોલી હૈ તો આજ અપરિચિત સે પરિચય કર લો.
નિકટ હુએ તો બનો નિકટતર, ઔર નિકટતમ ભી જાઓ,
રૂઢ-રીતિ કે ઔર નીતિ કે, શાસન સે મત ઘબરાઓ,
આજ નહીં બરજેગા કોઈ, મનચાહી કર લો.
હોલી હૈ તો આજ મિત્ર કો પલકોં મેં ઘર લો.
પ્રેમ ચિરંતન મૂલ જગત કા, વૈર-ઘૃણા ભૂલેં ક્ષણ કી,
ભૂલચૂક લેનીદેની મેં, સદા સફલતા જીવન કી,
જો હો ગયા બિરાના ઉસકો ફિર અપના કર લો
હોલી હૈ તો આજ શત્રુ કો બાંહો મેં ભર લો.
હોલી હૈ તો આજ અપરિચિત સે પરિચય કર લો,
હોલી હૈ તો આજ મિત્ર કો પલકોં મેં ઘર લો,
ભૂલ શૂલ સે ભરે વર્ષ કે વૈર-વિરોધો કો,
હોલી હૈ તો આજ શત્રુ કો બાંહો મેં ભર લો.

દેશના અત્યારના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક માહોલના શુદ્ધિકરણ માટે કવિ હરિવંશરાય બચ્ચનનો આ કાવ્યમય સંદેશ પવિત્ર ગંગાજળ જેવું કામ કરી શકે એવો છે. ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતાના કારણે તેમાં સંઘર્ષનો વિશિષ્ટ રંગ ભળેલો છે. જોકે, આ સંઘર્ષ વચ્ચે ભારતનું વિવિધરંગી સાહિત્ય હજારો વર્ષોથી ભારતની સાંસ્કૃતિક એકતા ટકાવવામાં ભરપૂર મદદ કરી રહ્યું છે. એ સાહિત્યનો રંગ સંસ્કૃત છે, હિન્દી છે અને ઉર્દૂ પણ છે. ખાસ કરીને હોળીના સંસ્કૃત રંગે હિન્દી અને ઉર્દૂ રંગ પર જે ઘેરી અસર કરી છે તે અત્યંત રસપ્રદ છે. 

ઈતિહાસ સાક્ષી છે કે, આર્યો હોળી ઊજવતા હતા કારણ કે પુરાણોમાં સૌથી પ્રાચીન વિષ્ણુ પુરાણમાં પણ હોળીનો ઉલ્લેખ છે. મહાભારતના રચયિતા વેદવ્યાસના શિષ્ય જેમિની ઋષિના મીમાંસા સૂત્રમાં પણ હોળીનો ઉલ્લેખ છે. હિંદુ ધર્મના છ દર્શનમાંનું એક એટલે મીમાંસા. એ સિવાયના પાંચ દર્શન અનુક્રમે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને વેદાન્ત નામે ઓળખાય છે. નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ હોળીની ઉજવણીના ઉલ્લેખ છે. હિંદુ શાસ્ત્રના કુલ ૧૮ પુરાણોમાં હિરણ્યકશિપુ અને પ્રહલાદ સિવાય શિવપાર્વતી, કૃષ્ણ પુતના વધ જેવી અનેક પૌરાણિક કથાઓ વાંચવા મળે છે, જે ઘણી જાણીતી છે.

આધુનિક સંસ્કૃત સાહિત્યમાં હોળીના અનેક રૂપ જોવા મળે છે. શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણમાં રસોના સમૂહ રાસના વર્ણનોમાં હોળીની ઉજવણીની વાત છે. રાસશબ્દનો ઉલ્લેખ ૧૩મી સદીના મહાન દાર્શનિક નિમ્બાર્ક અને ચૈતન્ય મહાપ્રભુ (૧૪૮૬-૧૫૩૪)થી પણ બે હજાર વર્ષ પહેલાંના સાહિત્યમાં છે. એ જ કાળની અનેક રચનાઓમાં રંગનામના તહેવારનો પણ ઉલ્લેખ છે. જેમ કે, ઉત્તર ભારતના રાજા હર્ષવર્ધન (૫૯૦-૬૪૭) રચિત સંસ્કૃત નાટક પ્રિયદર્શિકાઅને રત્નાવલીમાં રંગોનો તહેવાર ઊજવાતો હોવાની નોંધ છે. ઈસ. પૂર્વે ચોથી સદીમાં થઈ ગયેલા કવિ કાલિદાસના ઋતુસંહારખંડકાવ્યનો આખો એક ખંડનો વિષય જ હોળી છે. તેમના કુમારસંભવમ્મહાકાવ્ય અને માલવિકાગ્નિમિત્રમનાટકમાં પણ હોળીનો ઉલ્લેખ છે. છઠ્ઠી સદીના મહાન સંસ્કૃત કવિ ભારવિ અને શિશુપાલવધનામના મહાકાવ્યના રચયિતા કવિ માઘે પણ વસંતોત્સવનો મહિમા કર્યો છે.



પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિ ચંદ બરદાઈ (૧૧૪૯-૧૨૦૦)એ પૃથ્વીરાજ રાસોમાં હોળીનું વર્ણન કર્યું છે, જે હિન્દી ભાષાનું પહેલું મહાકાવ્ય ગણાય છે. આ મહાકાવ્ય આધુનિક હિન્દીની પૂર્વજ એવી સંસ્કૃતમય હિન્દીમાં આલેખાયું છે. ભક્તિકાળ પહેલાંના આદિકાલીન કવિ વિદ્યાપતિ (૧૩૫૨-૧૪૪૮) મૈથિલી ભાષાના મહાન કવિ ગણાય છે, જેમના સાહિત્યમાં હોળીના પ્રસંગો આવે છે. આજની બંગાળી, અસમી અને ઉડિયા લિપિની માતા એટલે આ મૈથિલી ભાષા. જોકે, મૈથિલી ઉત્તર ભારતથી નેપાળ સુધીના વિસ્તારોમાં બોલાતી હતી અને કાળાંતરે દેવનાગરી લિપિમાં લખાતી થઈ ગઈ. આજની બંગાળી, અસમી અને ઉડિયા જેવી ભાષાનો વિકાસ વિદ્યાપતિને આભારી છે. આ કામ બદલ તેમની સરખામણી ઈટાલીના મહાન કવિ દાંતે અને ઇંગ્લેન્ડના જ્યોફ્રી ચૌસર સાથે થાય છે. વિદ્યાપતિ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હોવાથી તેમની મૈથિલી ભાષાની કૃતિઓ પર સંસ્કૃત સાહિત્યનો પ્રભાવ જોવા મળે છે.

એ પછીનો ઈસ. ૧૩૭૫થી ઈસ. ૧૭૦૦ સુધીનો સમય ભક્તિકાળ તરીકે ઓળખાય છે. એ યુગ હિન્દી સાહિત્યનો સર્વોત્તમ સમય ગણાવાયો છે કારણ કે, એ કાળમાં સૂરદાસ, રહીમ, સૈયદ ઈબ્રાહિમ રસખાન, મીરાબાઈ, કબીર, પદ્માકર અને મોહમ્મદ મલિક જાયસી જેવા ઉત્તમોત્તમ હિન્દી સાહિત્યકારો થઈ ગયા. આ સાહિત્યકારોની કૃતિઓમાં કૃષ્ણ, વસંતોત્સવ અને હોળી ઉત્સવના વર્ણનો છે. સૂરદાસે હોળી વિશે ૭૮ પદ લખ્યા છે. પદ્યાકરે પણ હોળી વિશે ઘણું લખ્યું છે. રહીમે વ્રજ, અવધિ અને ખડી બોલીમાં ૧૧ સાહિત્યિક કૃતિ રચી છે. તેમણે લખેલા ૩૦૦ દોહા દોહાવલીનામના પુસ્તકમાં સંગ્રહિત છે. રહીમે સંસ્કૃત અને ખડી બોલી મિશ્રિત મદનાષ્ટકકૃતિમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રાસલીલાનું વર્ણન કર્યું છે. તેમણે બરવૈનામના એક પુસ્તકમાં ૧૦૧ છંદ લખ્યા છે, જેનાથી પ્રભાવિત થઈને તુલસીદાસે બરવૈ રામાયણ રચ્યું હતું. આ પ્રસિદ્ધ કવિ રહીમ એટલે જ અકબરના નવ રત્નોમાંના એક વીર યોદ્ધા અબ્દુલરહીમ ખાનખાના. ગુજરાતના યુદ્ધમાં શૌર્ય દાખવવા બદલ અકબરે રહીમને ખાનખાનાની ઉપાધિ આપી હતી.  

રસખાન પણ કૃષ્ણભક્તિના રંગે રંગાયેલા મુસ્લિમ હિન્દી કવિ હતા, જે બાદમાં વૈષ્ણવ બની ગયા હતા. તેમણે ભાગવતનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. રસખાને તો સૂફીવાદને પણ ભગવાન કૃષ્ણના માધ્યમથી પ્રગટ કર્યો હતો. કેટલું અદભુત! આજેય મથુરાના મહાવનમાં રસખાનની સમાધિ જોવા મળે છે. મોહમ્મદ મલિક જાયસીએ હોલીનામાનામની કૃતિ રચી હતી. આ કૃતિ હાલ અપ્રાપ્ય છે. ચિશ્તી પરંપરાના ચોથા સંત હજરત નિઝામુદ્દીન ઓલિયા (૧૨૩૮-૧૩૨૫)એ હોળી અને ફાગુન સાહિત્ય પર ઘણું લખ્યું છે. આ સાહિત્ય આજેય હિંદુ-મુસ્લિમોમાં જાણીતું છે. તેમના શિષ્ય અમીર ખુસરોએ હિન્દી ખડી બોલી અને ફારસીમાં હોળીની અનેક રચનાઓ લખી છે.

છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના ઉર્દૂ સાહિત્યમાં પણ હોળીના ઉલ્લેખો છે. મોગળ કાળમાં ફાયઝ દેહલવી, મીર, ખ્વાજા હૈદર અલી, ઈંશા, તાંબા અને નઝીર અકબરાબાદી જેવા ઉર્દૂ કવિઓ-શાયરો થઈ ગયા. આ તમામે રાધાકૃષ્ણના પ્રેમનું સુંદર વર્ણન કર્યું છે. ઈસ. ૧૭૦૦ની આસપાસના કાળમાં હિન્દી કાવ્યશાસ્ત્રનો વિકાસ કવિતાની રીતિના આધારે થયો હોવાથી એ રીતિકાળ તરીકે ઓળખાય છે. આ યુગમાં પણ બિહારી, ધનાનંદ અને કેશવ જેવા મહાન હિન્દી સાહિત્યકારો થઈ ગયા, જેમનો પ્રિય વિષય વસંતોત્સવ અને હોળી રહ્યો છે. એ હિન્દી અને ઉર્દૂ હોળી સાહિત્યનું પ્રતિબિંબ આધુનિક હિન્દી સાહિત્યમાં પણ ઝીલાયું છે. ફણીશ્વરનાથ રેણુની વિખ્યાત રસપ્રિયા’, પ્રેમચંદની હોલી કી છુટ્ટિયાઅજ્ઞોયની મેજર ચૌધરી કી વાપસીયશપાલની હોલી કા મજાકઅને નિર્મલ વર્માની ધૂપ કા એક ટુકડાજેવી કૃતિઆમાં હોળીનું જુદી જુદી રીતે વર્ણન કરાયું છે, તો કૈસ જોનપુરીની હોલી બાદ નમાજજેવી કૃતિનું નામ જ સામાજિક સૌહાર્દનો ભાવ પ્રગટ કરે છે. ફણીશ્વરનાથ રેણુની પહેલી કવિતા જ સાજન હોલી આઈ હૈછે.

ભારતેન્દુ હરિશ્ચંદ્રે ગલે મુજકો લગા લો એ દિલદાર હોલી મેંઅને ગિરીશ પંકજે મન મેં રહે ઉમંગ તો સમઝો હોલી હૈજેવી સુંદર ગઝલો લખી છે. નિરાલાએ ખૂન કી હોલીઅને વસંત આયાકવિતામાં હોળીનું વર્ણન કર્યું છે. સૂર્યકાંત ત્રિપાઠી-નિરાલા, કવિ આર્ત, હરિવંશરાય બચ્ચન, શિવદિન રામ જોશી, શશિ પાધા, રસૂલ, અશોક ચક્રધર, મહેન્દ્ર ભટનાગર, પૂર્ણિમા વર્મન, રૂપચંદ શાસ્ત્રી અને સુદર્શન વશિષ્ઠ જેવા સાહિત્યકારો પણ હોળીને ધ્યાનમાં રાખીને કવિતા લખવાની લાલચ રોકી શક્યા નથી.

હોળી સાહિત્ય સંસ્કૃત, હિન્દી કે ઉર્દૂ રંગથી ભીંજાયેલું છે એવી જ રીતે, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, કાશ્મીરી, અસમી, તમિલ, તેલુગુ અને મલયાલમ રંગમાં પણ રગદોળાયેલું છે. આ ભાષાઓના હોળી સાહિત્યને પણ સંસ્કૃત, હિન્દી કે અન્ય ભાષાના સાહિત્યએ પ્રભાવિત કર્યું હશે! જ્યાં સુધી ભાષાઓ એકબીજા સાથે આવી રીતે આપ-લે કરતી રહેશે ત્યાં સુધી ભારતની સાંસ્કૃતિક એકતાને ઉની આંચ નહીં આવે એ વાતમાં કોઈ શંકા નથી!

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

21 March, 2016

ટાઈટેનિક ડૂબતું હતું ત્યારે કઈ પ્રાર્થના ગવાતી હતી?


હોલિવૂડ બ્લોકબસ્ટર 'ટાઈટેનિક' ફિલ્મ આવ્યા પછી એ ભયાવહ્ દુર્ઘટના વિશે ભાગ્યેજ કોઈ અજાણ હશે પણ આજે એના સાથે સંકળાયેલી એક ઓછી જાણીતી વાત કરવી છે. ઈંગ્લેન્ડના સધમ્પ્ટનથી દસમી એપ્રિલ, ૧૯૧૨ના રોજ ૮૮૨ ફૂટ લાંબુ, ૭૫ ફૂટ ઊંચું અને ૫૨૩૧૦ ટન વજન ધરાવતું 'ટાઈટેનિક' આશરે ૨,૨૨૪ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને ન્યૂયોર્ક સિટી જવા નીકળ્યું. આ મુસાફરી શરૂ થયાના ચાર જ દિવસ પછી ૧૪મી એપ્રિલ, ૧૯૧૨ના રોજ તે કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડ ટાપુ નજીક સવારે ૧૧:૪૦ વાગ્યે એક હિમશીલાને અથડાયું. ટક્કરથી જહાજના ૧૬માંથી પાંચ વૉટરટાઈટ કમ્પાર્ટમેન્ટ ખૂલી ગયા અને તે ડૂબવાનું શરૂ થયું. ડૂબી રહેલા જહાજમાં બે હજારથી પણ વધુ લોકો એકસાથે મોતની રાહ જોતા હોય એ દૃશ્ય કેટલું ભયાવહ્ હશે! આ સ્થિતિમાં લોકો મૃત્યુનો શાંતિથી સ્વીકાર કરી શકે એ માટે અર્નેસ્ટ સી. કાર્ટર નામના પાદરીએ 'લીડ કાઈન્ડલી લાઈટ' નામની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. ૧૫મી એપ્રિલ, ૧૯૧૪ના રોજ મધરાત્રે ૨:૨૦ વાગ્યે 'ટાઈટેનિક' ,૫૦૦ લોકોને લઈને દરિયામાં ગરકાવ થયું એ પહેલાં તમામે આ પ્રાર્થના સાંભળી હતી. આ 'લીડ કાઈન્ડલી લાઈટ' એટલે જ ગાંધીજીની અત્યંત પ્રિય 'પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ'-એ પ્રાર્થના, જેનો તેમણે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા પાસે અનુવાદ કરાવ્યો હતો. આ પ્રાર્થનાના શબ્દો જેટલા ભાવવાહી છે એટલો જ રોચક તેનો ઈતિહાસ છે. 

આ પ્રાર્થના ગાંધીજીના હૃદયની અત્યંત નજીક કેમ હતી એવો સવાલ થયો હોય તો મૂળ અંગ્રેજી પ્રાર્થનાના શબ્દો વારંવાર વાંચજો, સાંભળજો. ગાંધીજીના જન્મના આશરે ૩૬ વર્ષ પહેલાં ઈસ. ૧૮૩૩માં જ્હોન હેનરી ન્યૂમેન નામના યુવાન પાદરીએ (૧૮૦૧-૯૦) 'પિલાર્સ ઓફ ક્લાઉડ' શીર્ષક હેઠળ આ પ્રાર્થના લખી હતી. ન્યૂમેન દરિયાઈ માર્ગે વિવિધ દેશોમાં ધર્મસેવા કરવા પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે ઈટાલીમાં સખત બિમાર પડ્યા. બિમારીમાં તેમને ઇંગ્લેન્ડની યાદ સતાવવા લાગી પરંતુ ત્રણેક અઠવાડિયા સુધી તેઓ પ્રવાસ કરી શકે એમ ન હતા. આ દરમિયાન માનસિક શાંતિ માટે તેમણે ઈટાલીના વિવિધ ચર્ચની મુલાકાતો લીધી. છેવટે ત્રણ અઠવાડિયા પછી ન્યૂમેનને ફ્રાંસના માર્સેલી જતા જહાજમાં રવાના થવાની તક મળી. દરિયાઈ વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી આ જહાજે પણ ફ્રાંસના કોર્સિકા (હા, 'તમાશા' ફિલ્મવાળું) અને ઈટાલીના સાર્ડિનિયા વચ્ચેની બોનિફેસિયો સામુદ્રધુનીમાં એક અઠવાડિયું રોકાવું પડ્યું. આ રોકાણ વખતે યુવાન ન્યૂમેને 'લીડ કાઈન્ડલી લાઈટ'ના શબ્દો કાગળ પર ઉતાર્યા...

th'encircling gloom,
Lead Thou me on!
The night is dark, and I am far from home,
Lead Thou me on!
Keep Thou my feet; I do not ask to see
The distant scene; one step enough for me.

I was not ever thus, nor prayed that Thou
Shouldst lead me on;
I loved to choose and see my path; but now
Lead Thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will. Remember not past years!

So long Thy power hath blest me, sure it still
Will lead me on.
O'er moor and fen, o'er crag and torrent, till
The night is gone,
And with the morn those angel faces smile,
Which I have loved long since, and lost awhile!

Meantime, along the narrow rugged path,
Thyself hast trod,
Lead, Saviour, lead me home in childlike faith,
Home to my God.
To rest forever after earthly strife
In the calm light of everlasting life."

એ પછી આ પ્રાર્થના યુરોપિયન પાદરીઓમાં પણ લોકપ્રિય થઈ. જોકે, આ પ્રાર્થનાનો ચોથો શ્લોક ઇંગ્લેન્ડના એક્સેટર શહેરના બિશોપ એડવર્ડ બિકરસ્ટેથે પાછળથી ઉમેર્યો હતો. આજેય ભારત સહિત દુનિયાની હજારો અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં નિયમિત રીતે આ પ્રાર્થના ગવાય છે, જ્યારે ગુજરાતની અનેક સ્કૂલોમાં ‘પ્રેમળ જ્યોતિ’ નિયમિત રીતે ગવાતી હતી. 

યુવાનીમાં જ્હોન હેનરી ન્યૂમેન અને નરસિંહરાવ દિવેટિયા


ગાંધીજી 'લીડ કાઈન્ડલી લાઈટ'ના પરિચયમાં કેવી રીતે આવ્યા એનો પહેલવહેલો ઉલ્લેખ તેમના દક્ષિણ આફ્રિકાના દિવસોમાં મળે છે. ગાંધીજીએ સપ્ટેમ્બર, ૧૯૦૬માં દ. આફ્રિકા આવતા એશિયનોની ફરજિયાત નોંધણીના કાયદા સામે સત્યાગ્રહ શરૂ કર્યો હતો. આ મુદ્દે મિ. ગાંધી દ. આફ્રિકાના તત્કાલીન વડાપ્રધાન જનરલ સ્મટ્સ સાથે ભળી ગયા છે એવી ગેરસમજને પગલે એક ભારતીયે તેમના પર હુમલો કર્યો. આ હુમલા પછી પાદરી જોસેફ જે. ડૉક ગાંધીજીને આરામ કરવા પ્રેમપૂર્વક પોતાના ઘરે લઈ ગયા. એ વખતે ગાંધીજી ડૉકની પુત્રી ઓલિવ પાસે પોતાની પ્રિય પ્રાર્થના 'લીડ કાઈન્ડલી લાઈટ' ગવડાવતા હતા. ૧૯મી ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ ગાંધીજીએ ઓલિવ ડૉકને લખેલા પત્રમાં આ વાતની નોંધ મળે છે. દ. આફ્રિકામાં ગાંધીજી અનેક ખ્રિસ્તી વિદ્વાનો અને પાદરીઓના સંપર્કમાં આવ્યા હતા. એટલું જ નહીં, પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં પણ તેઓ ઘણીવાર ખ્રિસ્તી સેવા કેમ્પમાં ભાગ લેતા હતા. એ વખતે તેઓ 'લીડ કાઈન્ડલી લાઈટ'ના પરિચયમાં આવ્યા હશે એવું માની શકાય!

ગાંધીજી કહેતા કે, ‘‘ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી.’’ ખાસ કરીને, હવે શું કરવું જોઈએ એવી મૂંઝવણ થાય ત્યારે ગાંધીજી પ્રાર્થનાનું શરણું લેતા હતા! પ્રાર્થનાની શક્તિ વિશે ગાંધીજીએ લખ્યું છે કે, ‘‘... રાજદ્વારી ક્ષિતિજમાં આજે મારી સામે નિરાશાનો ઘનઘોર અંધકાર હોવા છતાં, હું કદી શાંતિ ખોઈ બેઠો નથી. ઘણાં લોકોને મારી શાંતિની ઈર્ષા આવે છે. એ શાંતિ પ્રાર્થનામાંથી જન્મી છે એ તમે જાણી લેજો!...’’  દ. આફ્રિકામાં સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારથી જ ગાંધીજી પ્રાર્થનાની શક્તિ વિશે આવા વિચારો ધરાવતા હતા. વર્ષ ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમને અંગ્રેજોના જુલમી શાસન અને કરમાળખા સામે લડવા ગણોતિયા, ખેડૂતો અને મજૂરોને એક છત નીચે લાવવાનું કામ શરૂ કરવું હતું. દ. આફ્રિકાથી ટોલ્સટોય ફાર્મના અનુભવો લઈને આવેલા ગાંધીજી દૃઢપણે માનતા હતા કે, આ પ્રકારનું કામ આશ્રમજીવનમાં વધુ સારી રીતે થઈ શકે. વળી, આશ્રમજીવન યોગ્ય રીતે ચલાવવા સામૂહિક પ્રાર્થના જેવા નીતિનિયમો ઘણાં મહત્ત્વના છે એવું પણ તેઓ માનતા હતા. કંઈક આવા સામાજિક-રાજકીય હેતુથી તેમણે ૨૫મી મે, ૧૯૧૫ના રોજ અમદાવાદમાં જીવણલાલ દેસાઈના કોચરબ બંગલૉમાં આશ્રમજીવનની શરૂઆત કરી.

ચંદુલાલ ભગુભાઈ દલાલે 'ગાંધીજીની દિનવારી'માં કરેલી નોંધ પ્રમાણે ૧૫મી સપ્ટેમ્બર, ૧૯૧૫ના રોજ વહેલી સવારે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (૧૮૫૯-૧૯૩૭) કોચરબ આશ્રમમાં મળવા આવ્યા ત્યારે ગાંધીજીએ તેમને 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર કરી આપવા વિનંતી કરી હતી. નરસિંહરાવને ભાષાંતર કરવાની વિનંતી કરી એના અઢી મહિના પછી ૨૩મી નવેમ્બર, ૧૯૧૫ના રોજ નરસિંહરાવ 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર લઈને આવ્યા. ગાંધીજી તેમના પાસે આ પ્રાર્થનાનો અનુવાદ કરાવી શક્યા એ ખરેખર તેમની સિદ્ધિ ગણાય કારણ કે, નરસિંહરાવ અંગ્રેજોની રંગભેદ નીતિનો ભોગ બન્યા હોવા છતાં પરદેશી રાજના વફાદાર અને ગાંધીજીની ચળવળના સખત વિરોધી હતા.

નરસિંહરાવ પિતાની ઈચ્છાથી વર્ષ ૧૮૮૪માં આસિસ્ટન્ટ કલેક્ટર બન્યા હતા. કદાચ આ કારણોસર તેમનો અભિગમ અંગ્રેજ સરકાર તરફી હોઈ શકે! તેઓ ગાંધીજી કરતા દસ વર્ષ મોટા હતા. ગાંધીજી દ. આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે તેઓ મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળતા અને ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આવા વિદ્વાન સામે ગાંધીજીએ 'લીડ કાઈન્ડલી લાઈટ'ના ભાષાંતરમાં પ્રયોજેલા 'પ્રેમલ' શબ્દ સામે હળવેકથી વાંધો ઉઠાવ્યો હતો. ગાંધીજી અને નરસિંહરાવે 'પ્રેમળ' નહીં પણ 'પ્રેમલ' શબ્દ પ્રયોજ્યો છે. પછીના વર્ષોમાં અપભ્રંશ થતા કે અન્ય કોઈ કારણસર 'પ્રેમલ'ને બદલે 'પ્રેમળ' શબ્દ ચલણી બન્યો હશે, એવું માની શકાય! 

નરસિંહરાવે (ગાંધીજીની દિનવારીની તારીખ પ્રમાણે જ) પણ ૨૩મી નવેમ્બર, ૧૯૧૫ના રોજ રોજનીશીમાં 'લીડ કાઈન્ડલી લાઈટ'નું ભાષાંતર લઈને આશ્રમે ગયાનું નોંધ્યું છે. આ નોંધ પ્રમાણે, એ દિવસે નરસિંહરાવે પહેલીવાર ગાંધીજી અને તેમના સાથીદારો સામે 'પ્રેમલ જ્યોતિ...' ગાઈ સંભળાવ્યું હતું. ગાંધીજીને ભાષાંતર ગમ્યું પણ 'પ્રેમલ' શબ્દ બહુ સંસ્કૃતમય હોવાથી ખૂંચ્યો હતો કારણ કે, પ્રાર્થનાની શરૂઆતમાં પરિચિત શબ્દ હોવો જોઈએ એવું તેઓ માનતા હતા. એટલે નરસિંહરાવે 'વત્સલ' શબ્દ પર વિચાર કરી જોયો પણ 'પ્રેમલ' જેટલું માધુર્ય એમાં નથી એવું તેમને લાગતું હતું. એ જ દિવસે ગાંધીજીએ નરસિંહરાવને જણાવ્યું હતું કે, આ પ્રાર્થનાનું ભાષાંતર કરવાનું કામ તેમણે કવિ ન્હાનાલાલને પણ સોંપ્યું છે. ત્યારે નરસિંહરાવે કહ્યું હતું કે, ‘‘એ સારું કરશે. હેમનામાં શબ્દો યોજવાની શક્તિ સારી છે. પછી કોકવાર વિચિત્રતા પણ થાય છે.’’ આ પ્રાર્થનાનું ન્હાનાલાલે ભાષાંતર કર્યું છે કે નહીં એ જાણવા મળતું નથી.

જોકે, નરસિંહરાવનો 'લીડ કાઈન્ડલી લાઈટ'નો અનુવાદ એટલો ઉત્કૃષ્ટ છે કે, એ વાંચીને ગમે તેવો કાવ્ય રસિક પણ કહી ના શકે કે, આ કોઈ અંગ્રેજી કૃતિનું ભાષાંતર છે! ખરેખર તો તે 'અનુવાદ' કે 'ભાવાનુવાદ' નહીં પણ નરસિંહરાવનું પોતીકું સર્જન જ ગણી શકાય! ગાંધીજી જીવિત રહ્યા ત્યાં સુધી આ શબ્દોમાંથી શક્તિ મેળવતા રહ્યા હતા!

પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ
દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ ... પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય ... પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર ... પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી, સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ ... પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ!, આજ લગી પ્રેમભેર
નિશ્ચે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર ... પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર ... પ્રેમળ જ્યોતિ

રજની જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ, દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ, જે મેં ખોયા હતાં ક્ષણવાર ... પ્રેમળ જ્યોતિ

...જ્યારે 'લીડ કાઈન્ડલી લાઈટ'એ  ખાણિયાઓનો જીવ બચાવ્યો

આ પ્રાર્થના સાથે 'ટાઈટેનિક' સિવાય બીજી પણ એક રસપ્રદ ઘટના જોડાયેલી છે. ૧૬મી ફેબ્રુઆરી, ૧૯૦૯ના રોજ ઇંગ્લેન્ડની ડરહામ કોલસાની ખાણમાં બે ભયાનક વિસ્ફોટ થયા, જેમાં ૧૬૮ લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં એક સ્થળે ઘણે ઊંડે દટાઈ ગયેલા ૩૪ ખાણિયાઓને એક એર પોકેટ મળી ગયું હતું, જેમાંથી તેઓ શ્વાસ લઈ શકતા હતા. આ ૩૪ પૈકીના એક ખાણિયાએ એર પોકેટના સહારે 'લીડ કાઈન્ડલી લાઈટ એમિડસ્ટ ધ એન્સર્કલિંગ ગ્લૂમ, લીડ ધાઉ મી ઓન. ધ નાઈટ ઈઝ ડાર્ક એન્ડ આઈ એમ ફાર અવે ફ્રોમ હોમ...' ગણગણવાનું શરૂ કર્યું. કહેવાની જરૂર નથી કે, આ અવાજ સાંભળીને થોડી જ વારમાં બીજા ખાણિયાઓએ પણ કોરસ ગાન શરૂ કરી દીધું. આ ૩૪માંથી ૩૦ને ૧૪ કલાકની જહેમત પછી બચાવી શકાયા હતા. હાલમાં જ સિઆચેનમાં થયેલા હિમપ્રપાતમાં લાન્સનાયક હનુમંતથપ્પા કોપ્પડ પણ આવા એર પોકેટના સહારે જ ૩૫ ફૂટ ઊંડે છ દિવસ સુધી જીવિત રહી શક્યા હતા.

નોંધઃ આ બંને પ્રાર્થના ઓનલાઈન સાંભળી શકાય છે.

15 March, 2016

રામ, આખિર તેરી ગંગા મૈલી ક્યું હો ગઈ?


ગંગા નદીમાં વિસર્જન, સ્નાન, દાંત સાફ કરવા, કોગળા કરવા, કાનમાંથી મેલ કાઢવો, માથું ધોવું, ફૂલહાર ફેંકવા, રમતો રમવી, કપડાં ધોવા-ફેંકવા અને બિભત્સ ચેનચાળા કરવા વર્જ્ય છે. ગંગા સામે બીજા પવિત્ર તીર્થોના વખાણ પણ ના કરી શકાય. ગંગાના પાણીમાં તરતા તરતા સામે કિનારે પણ જવું પ્રતિબંધિત છે...

આ શબ્દો આજકાલના કોઈ પર્યાવરણવાદીએ નહીં પણ છેક ૧૬મી સદીમાં એક સંસ્કૃત શ્લોકમાં લખાયેલા છે. આ શ્લોકનો ભાવાર્થ એ છે કે, ગંગામાં ફક્ત પવિત્ર ડૂબકી જ મારી શકાય. બંગાળમાં ૧૬મી સદીમાં થઈ ગયેલા હિંદુ તત્ત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત રઘુનંદનાએ 'પ્રાયશ્ચિત તત્ત્વ' નામના પુસ્તકમાં ગંગામાં શું ના કરી શકાય એ કહેવા આ શ્લોક લખ્યો હતો. રઘુનંદના જેવા વિદ્વાને લખેલા શ્લોક પરથી અનુમાન કરી શકાય કે, ૧૬મી સદીથી પણ ઘણાં સમય પહેલાં ગંગા દુષિત થવાનું શરૂ થઈ ગયું હશે! ગંગા હિંદુ ધર્મ-સંસ્કૃતિનું અભિન્ન અંગ હોવા છતાં તે આટલી ગંદી કેમ થઈ ગઈ? કે પછી ગંગા હિંદુ ધર્મ-સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલી હોવાથી જ પ્રદૂષિત છે? હજુ બીજી માર્ચે જ વારાણસી મ્યુનિસિપાલિટીએ જાહેરાત કરી છે કે, ગંગામાં પેશાબ કરનારાને રૂ. ૫૦૦ દંડ ફટકારાશે. આવો નિયમ બનાવવો પડે એ જ આપણા માટે શરમજનક નથી?

ગંગામાં થઈ રહેલા પ્રદૂષણના કારણોને બે ભાગમાં વહેંચી શકાય. એક સાંસ્કૃતિક અને બીજું આપણી કંગાળ-ખોખલી સિસ્ટમના કારણે થઈ રહેલું પ્રદૂષણ. ગંગાની આસપાસના હજારો નાના-મોટા કારખાના કચરાનો નિકાલ સીધો ગંગામાં કરે છે અને ગટરોનું પાણી ય ગંગામાં વહેવડાવાય છે. એ સાંસ્કૃતિક નહીં પણ આપણી બોદી સિસ્ટમની મુશ્કેલી છે. આ પ્રકારની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવું સહેલું છે, એ દિશામાં ગોકળગતિએ કામ પણ શરૂ થઈ ગયું છે, પણ સાંસ્કૃતિક મુશ્કેલીઓના ઉકેલો લાવવા એટલા સરળ નથી. શું આપણે નથી જાણતા કે, ગંગા પવિત્ર નદી છે? તો પણ ગંગાના વિવિધ ઘાટની આસપાસ ભયાનક ગંદકી કેમ છે? શું ગંગાની આસપાસના મંદિરોના પૂજારીઓ, મઠાધિપતિઓને હિંદુ ધર્મનું પૂરતું જ્ઞાન નથી? ગંગાને સ્વચ્છ કરવી તેમની જવાબદારી છે કે નહીં? આ પ્રકારના સવાલોમાંથી જ જવાબ મળે છે કે, કદાચ હિંદુઓ બધું જાણે જ છે પણ ગંગા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને માન્યતાઓના કારણે જ ગંગા આટલી હદે પ્રદૂષિત છે અને હજુ વધારે થઈ રહી છે. જેમ કે, ગંગામાં માણસો અને પશુઓના મડદાં તરતા જોવા મળે છે. જે ગરીબ ખેડૂતોને ગાયના અગ્નિ સંસ્કાર કરવા પોસાય એમ ના હોય તેઓ ગાયનું શબ ગંગામાં પધરાવી દે છે કારણ કે, સ્વર્ગમાંથી ઊતરેલી ગંગાને શબ આપ્યા પછી કોઈ હિંદુ વિધિની જરૂર જ નથી. ગંગા એ તો માતા છે, એ બધું જ સ્વીકારી લે છે એવી હિંદુ ધર્મની માન્યતા છે.




હિંદુ ધર્મમાં ગંગાને માતાના બદલે પુત્રીનો દરજ્જો હોત તો ગંગા ચોખ્ખી હોત? શું એટલે જ આપણે આપણી માતાની જેમ ગંગાને પણ 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લઈ લીધી છે? ગંગાનો ઉલ્લેખ હજારો વર્ષો પહેલાંના વૈદિક સાહિત્યમાં પણ છે. હિંદુઓના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદના 'નદીસ્તુતિ સુક્તા'માં નદીઓને માતા કહેવાઈ છે. તેમાં સિંધુ નદી વિશે કહેવાયું છે કે, સિંધુ ગાયની જેમ તેના વાછરડા પાછળ દોડી રહી છે... એટલે કે, સિંધુની સરખામણી ગાય સાથે કરી છે. એવું નથી લખ્યું કે, સિંધુ વાછરડાની જેમ તેની માતા પાછળ દોડી રહી છે. ગંગા સદીઓથી પ્રદૂષિત થઈ રહી છે એ પાછળ આ પ્રકારની સૂક્ષ્મ માન્યતાઓ જવાબદાર હોઈ શકે? કદાચ આપણો સમાજ આ પ્રકારના સવાલો ઊઠાવી શકે એટલો પરિપક્વ નથી. એનું કારણ શું હશે?

દેશની વસતીની સાથે ગંગા સહિતની નદીઓનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું હોવા છતાં ભારતીયોની શ્રદ્ધા અડગ છે. કમ્પ્યુટર એન્જિનિયરથી લઈને ખેડૂત સુધીના કરોડો લોકોને ગંગા સ્નાન કરીને પાપ ધોવા માંગે છે. ગંગાનું પાણી અનેક જગ્યાએ કાળું પડી ગયું છે, જેમાં કેમિકલ અને ગટરનો કચરો છે, હાનિકારક બેક્ટેરિયા છે અને માનવ મળ-મૂત્રની પણ ભરમાર છે. આમ છતાં, બેંગલુરુની આઈટી કંપનીમાં નોકરી કરતો યુવાન સોફ્ટવેર એન્જિનયર, હરિયાણાનો શ્રીમંત ખેડૂત, ગુજરાતનો બિઝનેસમેન કે દક્ષિણ ભારતનો કોઈ કલાકાર ગંગા ઘાટ પર ડૂબકી મારતો હોય એવા દૃશ્યો સામાન્ય છે. અમેરિકામાં જન્મેલો અને ઉછરેલો હિંદુ પણ ગંગામાં ડૂબકી મારે છે. આ ડૂબકીઓ વાગતી હોય ત્યારે બાજુમાં ગાયનું મડદું પણ તરતું હોઈ શકે છે. કરોડો હિંદુઓ માને છે કે, ગંગા પવિત્ર છે. ગંગામાં એટલી શક્તિ છે કે એ શરીર જ નહીં, મને અને આત્મા પણ શુદ્ધ કરે છે. એટલે તેમાં સ્નાન કરવાથી બિમાર પડાતું નથી... કરોડો હિંદુઓની આવી શ્રદ્ધા સામે તર્કસંગત વાતો અને પ્રદૂષણના અહેવાલો હારી જાય છે. શું આ શ્રદ્ધાના કારણે જ હિંદુઓને ગંગા માટે લાગણી નથી થતી?

જો તમે કાશી આવીને ગંગામાં ડૂબકી ના મારો તો તમારું તીર્થાટન નિરર્થક છે એવું પણ આપણે હજારો વાર સાંભળી ચૂક્યા છીએ. કાશીમાં ગમે એટલી ગંદકી હોય હિંદુઓને કોઈ ફર્ક નથી પડતો. હિંદુઓ માટે કાશી ગંગા જેટલું જ પવિત્ર છે. ગુજરાતીમાં કહેવત છે કે, કાશીનું મરણ અને સુરતનું જમણ. ગુજરાતીઓને જ નહીં દુનિયાભરના કરોડો હિંદુઓને કાશીમાં મરવું છે. કાશીનું સંસ્કૃત નામ મહાસ્મશાનમ્ છે. હિંદુ માન્યતા પ્રમાણે, કાશી એક એવું શહેર છે જ્યાં રાત્રે શિવજી ભૂત-પિશાચો સાથે ફરવા નીકળે છે. જે લોકોના જીવનને મૃત્યુ દસ્તક મારી રહ્યું છે એવા લાખો લોકો કાશી લાભ મુક્તિ ભવન જેવી સંસ્થાઓમાં મોક્ષ પ્રાપ્ત કરવા આવે છે. અહીં તમે વધુમાં વધુ ૧૫ દિવસ રહીને મૃત્યુની રાહ જોઈ શકો છો. જો ૧૫ દિવસમાં મોક્ષ ના મળે તો બીજાને 'લાભ' અપાય છે. લાખો હિંદુઓ તેમના સ્વજનોના મૃતદેહ વિમાનમાં, કારમાં, ટ્રકમાં અને બળદગાડામાં કાશી સુધી લાવે છે અને કરોડો લોકો ગંગામાં અસ્થિ વિસર્જન કરે છે.

જવાહરલાલ નહેરુએ પણ તેમના વસિયતમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, મૃત્યુ પછી મારી થોડી રાખ અલ્હાબાદની ગંગામાં છાંટવામાં આવે. જોકે, મારે મને તેનું બહુ ધાર્મિક મહત્ત્વ નથી... હું નાનપણથી ગંગા અને યમુના સાથે લાગણીમય રીતે બંધાયેલો છું અને તેના જુદા જુદા સ્વરૂપોને હું ચાહું છું. એટલે હું મારા અસ્થિફૂલ ગંગામાં નાંખવા માંગુ છું... નહેરુના આ શબ્દો જ સાબિત કરે છે કે, તેમના જેવા વિદ્વાન પણ હિંદુ માન્યતાઓથી સંપૂર્ણપણે અળગા રહી શક્યા ન હતા. આખરે નહેરુએ અસ્થિફૂલ નાંખવા ગંગાને જ કેમ પસંદ કરી? યમુના, ઝેલમ, કાવેરી, ગોદાવરી કે નર્મદા કેમ નહીં? નહેરુએ ગંગા વિશે નોંધ્યું છે કે, આપણે ભારતીયો આપણામાંથી ભૂતકાળની સંપૂર્ણ બાદબાકી ના કરી શકીએ. ભારતના અતિપ્રાચીન ભૂતકાળમાં ઈતિહાસનો સૂર્યોદય થયો ત્યારથી સર્જાયેલી એક સાંકળ સાથે આપણે જોડાયેલા છીએ. સભાનપણે કે અભાનપણે આપણા જીવનમાં એ હકીકતનું પ્રતિબિંબ પડે છે...

નહેરુએ કરેલી વાત ખૂબ જ ગૂઢ છે. આપણી મોટા ભાગની પૌરાણિક માન્યતાઓ હજુયે જીવિત છે. ભારતની સિંધુ સંસ્કૃતિની જેમ બેબીલોન (ઈજિપ્ત), ગ્રીસ અને રોમમાં પણ વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓ વિકસી છે. જોકે, આ તમામ દેશોમાં આધુનિક જીવનની શરૂઆત સાથે પૌરાણિક કથાઓ, માન્યતાઓ અને તેના પાત્રો મ્યુઝિયમ, ઈતિહાસના પુસ્તકો, વાર્તાઓ અને નાટયકળા પૂરતા સીમિત થઈ ગયા, પરંતુ ભારત અપવાદ છે. આજેય ભારતમાં પૌરાણિક પાત્રોના મંદિરો-દેરીઓ, માન્યતાઓ, ધાર્મિક વિધિઓ, સંસ્કારો અને કર્મકાંડો જીવનનો અભિન્ન હિસ્સો છે. શું આ જ સ્થિતિએ આપણા સમાજને દંભી બનાવી દીધો છે? ગંગાના ૨,૫૧૦ કિલોમીટર લાંબા પટ્ટાની આસપાસ લાખો મંદિરો છે, જ્યાં લાખો લોકો તીર્થયાત્રાએ આવે છે. આરતી, દીવડાં, ધૂપ-અગરબત્તી, ફૂલહાર અને મીઠાઈઓના નામે આ મંદિરો રોજેરોજ ગંગાને પ્રદૂષિત કરે છે. આ લાખો તીર્થયાત્રીઓના કારણે હોટેલ સહિતના ઉદ્યોગો પણ ફૂલ્યાફાલ્યા છે અને એનાથી પણ ગંગામાં પારાવાર પ્રદૂષણ થાય છે. આપણે સમય-સંજોગો પ્રમાણે આપણી ધાર્મિક વિધિઓ-માન્યતાઓમાં વૈજ્ઞાનિક અભિગમ દાખલ ના કરી શકીએ?

વિશ્વના સૌથી ઉદાર ગણાતા હિંદુ ધર્મમાં તો એની પણ વ્યવસ્થા છે. કેવી રીતે? ધ્યાનથી વાંચો. હિંદુ સાહિત્ય મૂળ બે ભાગમાં છે, એક શ્રુતિ અને બીજુ સ્મૃતિ. વેદો-ઉપનિષદો એ શ્રુતિ એટલે કે પેઢી દર પેઢી સાંભળીને સંગ્રહેલું જ્ઞાાન છે. વેદોના કોઈ લેખક નથી અને એટલે જ તે અપૌરુષેય કહેવાય છે. વેદોમાં ફેરફારને અવકાશ નથી, પરંતુ સ્મૃતિ સાહિત્યના લેખકો છે. તેમાં સમય પ્રમાણે અનેક ફેરફારો થયા છે અને એટલે જ તેના એકથી વધારે લેખકો છે. વેદાંગ, રામાયણ-મહાભારત જેવા મહાકાવ્યો, પુરાણો, શ્રુતિ સાહિત્ય પર લખાયેલા ભાષ્યો, ધર્મસૂત્ર અને સંસ્કૃતિ-કળા-સમાજ પર લખાયેલા સંખ્યાબંધ નિબંધો સ્મૃતિ સાહિત્ય છે. 

લેખની શરૂઆતમાં જેમનો ગંગા વિશેનો શ્લોક ટાંક્યો છે એ રઘુનંદનાએ હિંદુ ધર્મના નીતિનિયમોની સમજ આપવા કુલ ૨૮ સ્મૃતિ લખી હતી. જેમ કે, દયા તત્ત્વ, દિક્ષા તત્ત્વ, એકાદશી તત્ત્વ, જન્માષ્ટમી તત્ત્વ, શુદ્ધિ તત્ત્વ, તિથિ તત્ત્વ, યજુ શ્રાદ્ધ તત્ત્વ વગેરે. આ પ્રદાન બદલ પશ્ચિમી દેશોના વિદ્વાનોએ રઘુનંદનાની સરખામણી જ્હોન કોમિન્સ સાથે કરતા કહ્યું છે કે, રઘુનંદના પૂર્વના જ્હોન કોમિન્સ છે. ૧૭મી સદીમાં થઈ ગયેલા સર જ્હોન કોમિન્સે કાયદાની સમજ આપવા 'અ ડાયજેસ્ટ ઓફ ધ લૉઝ ઓફ ઈંગ્લેન્ડ' નામનું દળદાર પુસ્તક લખ્યું હતું, જે આજેય ક્લાસિક ગણાય છે. એવી જ રીતે, હિંદુ ધર્મના વિદ્વાન રઘુનંદનાએ હિંદુ સંસ્કૃતિના રોજિંદા નીતિનિયમોને જમાના પ્રમાણે ઢાળવાનું ભગીરથ કામ કર્યું હતું. અત્યારના સંજોગોમાં આપણે રઘુનંદના જેવા વિદ્વાનોના સાહિત્યનો વધુને વધુ પ્રચાર કરવાની અને આ ધરતીમાં વધુને વધુ રઘુનંદના પાકે એવી સિસ્ટમ વિકસાવવાની રૂર છે.

શું કહો છો?

તિબેટનો 'વિકાસ' : ભારત માટે માથાનો દુઃખાવો


જમ્મુ કાશ્મીરના પેમ્પોરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આપણા પાંચ જવાનો શહીદ થઈ ગયા. એ પાંચમાં ત્રણ તો સ્પેશિયલ ફોર્સના કમાન્ડો હતા. પહેલા પઠાણકોટ અને હવે પેમ્પોરની ઘટના પછી સ્પેશિયલ ફોર્સના બેજવાબદારીભર્યા ઉપયોગ અને ઓપરેશન ટેક્ટિક્સ સામે અત્યંત ગંભીર સવાલો ઊભા થયા છે. પેમ્પોરનો આતંકવાદી હુમલો પણ પાકિસ્તાને ઊભા કરેલા લશ્કર એ તૈયબાની દેખરેખમાં જ થયો હોવાના અહેવાલ છે. કદાચ આ પ્રકારની ઘટનાઓમાં પાકિસ્તાને તો કશું ગુમાવવાનું નથી પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેના યુદ્ધમાં ભારતના એલિટ કમાન્ડોઝ સતત શહીદ થઈ રહ્યા છે. એક તરફ પાકિસ્તાને ભારત સામે લડવા આતંકવાદનું હથિયાર અજમાવ્યું છે અને બીજી તરફ, ચીન સ્પેશિયલ ફોર્સનો વ્યૂહાત્મક ઉપયોગ કરીને ભારતથી સતત આગળ નીકળી રહ્યું છે. આ વાતનું તાજું ઉદાહરણ છે, તિબેટમાં સતત ફૂલીફાલી રહેલો પ્રવાસન ઉદ્યોગ. આ વાત થોડી વિગતે સમજીએ.

ભારતની જેમ ચીન પણ સંરક્ષણ બજેટ પાછળ ધૂમ ખર્ચ કરી રહ્યું છે. જોકે, ચીને ભારત સહિતના તમામ દેશોની સરહદો પર માળખાગત સુવિધાઓ વિકસાવીને પ્રવાસન ઉદ્યોગને ધક્કો મારવા એક બજેટ બનાવ્યું છે, જે ખરેખર 'સંરક્ષણ બજેટ' જ છે. આ ચાઈનીઝ સ્ટાઈલ છે. વર્ષ ૨૦૧૫માં ચીન નાનકડા તિબેટમાં બે કરોડ અને તિબેટન પ્લેટુમાં ૨.૩૦ કરોડ પ્રવાસી આકર્ષવામાં સફળ રહ્યું હતું. તિબેટની ભૌગોલિક સ્થિતિથી તો આપણે વાકેફ છીએ પણ આ તિબેટન પ્લેટુ પણ સંરક્ષણની રીતે મહત્ત્વનો ભૌગોલિક વિસ્તાર છે. તિબેટન પ્લેટુ મધ્ય એશિયાથી લઈને છેક પૂર્વ એશિયા સુધીનો ઉચ્ચ ખડકાળ પ્રદેશ છે, જે ઉત્તરથી દક્ષિણ એક હજાર કિલોમીટર અને પશ્ચિમથી પૂર્વ અઢી હજાર કિલોમીટર લાંબો પટ્ટો છે. દરિયાઈ સપાટીથી ૧૪,૮૦૦ ફૂટ ઊંચાઈએ આવેલો આ પ્રદેશ ૨૫ લાખ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલો છે. તિબેટન પ્લેટુ વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ હોવાથી રૂફ ઓફ ધ વર્લ્ડ-દુનિયાનું છાપરું તરીકે પણ ઓળખાય છે. તિબેટન પ્લેટુમાં લગભગ આખું તિબેટ, પશ્ચિમ ચીનનો કિન્ઘાઈ પ્રોવિન્સ અને લદ્દાખનો પણ ઘણો વિસ્તાર આવી જાય છે.

તિબેટની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે ચીનની ભપકાદાર પરેડમાં ચીનના બસ્સો સૈનિકો આવી રીતે ચીની ધ્વજ લઈને આવ્યા હતા

તિબેટન પ્લેટુની આસપાસ યુનનાન, સિચુઆન અને ગાન્સુ પ્રોવિન્સ આવેલા છે. ગયા વર્ષે આ ત્રણેય પ્રોવિન્સમાં દોઢેક કરોડ પ્રવાસી ફરવા આવ્યા હતા. આમ, ચીન વર્ષ ૨૦૧૫માં તિબેટ, તિબેટન પ્લેટુ અને તિબેટન પ્લેટુની આસપાસ છ કરોડ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું હતું. ભારત સાથેના સાંસ્કૃતિક યુદ્ધની દૃષ્ટિએ ચીનની આ બહુ મોટી સફળતા છે. તિબેટમાં પ્રવાસીઓને આકર્ષવા ચીન તિબેટની સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય, લોકસંગીત, બર્ફીલા પર્વતો, આધ્યાત્મિક સ્પર્શ, પવિત્ર સરોવરો અને તિબેટિયનો જેનું ગૌરવ લે છે એ બધાનો પ્રચાર કરે છે. આ માટે ચીન ધૂમ પૈસા ખર્ચી રહ્યું છે પણ બદલામાં તેને ઊંચું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળી રહ્યું છે. ચીને એક જ કાંકરે બહુ બધા પક્ષીઓ માર્યા છે. જેમ કે, ચીને પ્રવાસનના નામે તિબેટમાં મહાકાય રસ્તા, એરપોર્ટ, ટનલ અને પાઈપલાઈન બનાવ્યા છે. આ બધી જ માળખાગત સુવિધાનો ઉપયોગ ચીનનું લશ્કર પણ કરી રહ્યું છે. હવે ચીને સંરક્ષણ માટે વધારાના યુઆન (ચીનનું ચલણ) ફાળવવાની જરૂર જ નથી. ઊલટાનું પ્રવાસનમાંથી જે કંઈ આવક થાય છે એનો જ ચીન વ્યૂહાત્મક ઉપયોગ કરે છે. વર્ષ ૨૦૧૫માં પશ્ચિમ તિબેટમાં કૈલાશ પર્વતની આસપાસના વિસ્તારોમાં ૪.૭૦ લાખ પ્રવાસી આવ્યા હતા, જે ૨૦૧૩ કરતા ૫૦ ટકા વધારે છે. પ્રવાસન ઉદ્યોગ વિકસાવીને ચીને તિબેટન પ્લેટુને રાજકીય-સાંસ્કૃતિક રીતે સંતુલિત (પોતાની તરફેણમાં) કર્યું છે, તિબેટમાં પોતાના પાયા વધુ ઊંડા કર્યા છે અને સરહદી વિસ્તારમાં રહેતા લોકોનો વિશ્વાસ જીતી લીધો છે.

શું સ્થાનિકોનો વિશ્વાસ જીત્યા વિના સરહદી સુરક્ષા જડબેસલાક કરવી શક્ય છે? ના, બિલકુલ નહીં. ભારત-પાકિસ્તાનની સરહદો કેમ આટલી પોલી છે? આ સવાલનો ટૂંકમાં એવો જવાબ આપી શકાય કે, આપણે સ્થાનિકોને આપણી તરફેણમાં નથી કરી શક્યા. આતંકવાદ સામે સ્પેશિયલ ફોર્સીસની મદદથી લડાતા સાંસ્કૃતિક યુદ્ધનું મહત્ત્વ ભારત બહુ મોડું સમજ્યું છે. જમ્મુ અને કાશ્મીરની પ્રજાનો વિશ્વાસ જીતવામાં ભારત સરેઆમ નિષ્ફળ ગયું છે એ વાત ભારત સરકાર અને લશ્કર બંને સારી રીતે જાણે છે. આ હકીકતોને ધ્યાનમાં લઈને જ વર્ષ ૧૯૯૮માં ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ અર્જુન રેની દેખરેખ હેઠળ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન સદ્ભાવના શરૂ કર્યું હતું. આ યોજના હેઠળ અહીં ૧૩ સદભાવનાના સ્કૂલ, ૧૧ મહિલા સશક્તિકરણ કેન્દ્ર અને અભણ સ્ત્રીઓ માટે ૬૦ શૈક્ષણિક કેન્દ્ર શરૂ કરાયા છે. જમ્મુ અને કાશ્મીરના વધુને વધુ યુવાનોને ભારતીય લશ્કરમાં નોકરી અપાઈ રહી છે. અહીંના યુવાનોને આઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવો હોય તો લશ્કરના ફ્રી કોચિંગ કેમ્પ પણ મોજુદ છે. આ પ્રકારના 'યુદ્ધ' સ્પેશિયલ ફોર્સીસની દેખરેખ હેઠળ થતા હોય છે એટલે તેનું મહત્ત્વ કેટલું હોય એ સમજી શકાય છે. ટૂંકમાં સ્પેશિયલ ફોર્સીસનું કામ સાંસ્કૃતિક યુદ્ધ કરવાનું છે. શારીરિક હુમલો તેમના માટે સૌથી છેલ્લો વિકલ્પ હોય છે. પઠાણકોટ હુમલાની ઘટના વખતે આ કોલમમાં સ્પેશિયલ ફોર્સીસનું માળખું અને તેનું વાસ્તવિક કામ શું છે એ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી.

ચીને પણ સ્પેશિયલ ફોર્સીસની દેખરેખ હેઠળ જ તિબેટમાં 'વિકાસનું હથિયાર' અજમાવ્યું છે. ચીન સારી રીતે જાણે છે કે, તિબેટમાં લશ્કરને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં જોખમ છે, બંદૂકનો ઉપયોગ કરીશું તો લાંબા ગાળે મુશ્કેલીઓ વધશે અને છેવટે હારી-થાકી જઈશું. આ બધું સમજ્યા પછી જ ચીને તિબેટના થોલિંગ, સાપારંગ અને રુતોક જેવા ઐતિહાસિક શહેરોના વિકાસની યોજનાઓ બનાવી છે. આ બધા જ શહેરોની સરહદો લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે છે. ચીને લ્હાસા અને નિંગચીને જોડતી ૪૦૨ કિલોમીટર લાંબી રેલવે લાઈન મંજૂર કરી છે. ચીનના સિચુઆન પ્રોવિન્સની રાજધાની ચેંગડુ અને તિબેટની રાજધાની લ્હાસાને જોડતી ૧,૬૨૯ કિલોમીટર લાંબી રેલવે લાઈનનું કામ પણ શરૂ થઈ ગયું છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં ચીને નેપાળ સાથેની સરહદો સુધી રેલવે લાઈનો નાંખવાની પણ યોજના બનાવી છે. આ યોજનાનો હેતુ નેપાળના લોકો ચીનની પ્રજા સાથે વધુ સાંસ્કૃતિક ઐક્ય અનુભવે એ છે. ચીનને ભવિષ્યમાં બ્રહ્મપુત્રા એટલે કે તિબેટની સાંગપો નદી પર આકાર લેનારા હાઈડ્રોપાવર પ્રોજેકટ્માં પણ આ રેલવે લાઈનોની મદદ મળશે. હાલમાં જ નેપાળમાં મધેશીઓના આંદોલન વખતે જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે નેપાળનો ભારત કરતા ચીન તરફ વધારે ઝુકાવ જોવા મળ્યો હતો.

કદાચ થોડા સમય પછી તિબેટમાં 'ચીનના વિકાસ'નો વિરોધ કરનારા તિબેટિયનો તિબેટના દુશ્મનો, વિકાસના વિરોધીઓ અને દેશદ્રોહીઓ ગણાવા લાગે તો ભારતને આશ્ચર્ય ના થવું જોઈએ. ભારતની મુશ્કેલી એ છે કે, નેપાળ, તિબેટ તેમજ અરુણાચલ પ્રદેશ, મણિપુર, લદ્દાખના લોકો ચહેરા-મ્હોરાની રીતે પણ ચીનના લોકો સાથે વધારે જોડાણ અનુભવે છે. ચીન માટે ઘણાં વર્ષો સુધી તિબેટની અલગતાવાદી ચળવળ માથાના દુઃખાવા સમાન હતી. જમ્મુ અને કાશ્મીરમાં ભારતની સ્થિતિ પણ આવી જ છે. જોકે, ચીને વર્ષો પહેલાં સમજી વિચારીને એ મુશ્કેલીઓને જડમૂળમાંથી ઉખેડવા એક સાંસ્કૃતિક યુદ્ધની શરૂઆત કરી દીધી હતી. સપ્ટેમ્બર ૨૦૧૫માં તિબેટની ૫૦મી જ્યંતિ નિમિત્તે તો ચીને રાજધાની લ્હાસામાં પીપલ્સ લિબરેશન આર્મીની ભવ્યાતિભ્ય પરેડ યોજીને એક સાંસ્કૃતિક યુદ્ધ છેડાઈ ગયાની આડકતરી કબૂલાત પણ કરી હતી. આ દરમિયાન પોલિટ બ્યુરોના પ્રતિનિધિ મંડળે તિબેટમાં તૈનાત ચીની લશ્કરના ઉચ્ચ અધિકારીઓને કહ્યું હતું કે, તમે અલગતાવાદી સંગઠનોને કડક હાથે દાબી દો અને ૧૪મા દલાઈ લામા સામે એક લાંબા યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ... આ લાંબુ યુદ્ધ એટલે જ ચીનનું તિબેટમાં ચાલી રહેલું સાંસ્કૃતિક યુદ્ધ. આ પ્રકારના યુદ્ધોમાં ગોળી છોડવી એ અંતિમ વિકલ્પ હોય છે. એટલે જ તે 'બુલેટલેસ વૉર' તરીકે ઓળખાય છે, જે સ્પેશિયલ ફોર્સીસની દેખરેખ હેઠળ લડાતા હોય છે. આપણે સાંસ્કૃતિક લડાઈ તો ઠીક, પઠાણકોટ-પેમ્પોર જેવા કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં પણ સ્પેશિયલ ફોર્સીસની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શક્યા, એ કડવી હકીકત છે.  

જો વર્ષ ૨૦૨૦ સુધી ચીન તિબેટન પ્લેટુમાં દસેક કરોડ પ્રવાસીઓ આકર્ષવામાં સફળ થશે તો પૂર્વીય ભારત પર કેવી રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક અસરો પડશે? આ સવાલનો જવાબ ઘણો અઘરો છે પણ એ અસરો ભારત માટે સારી નહીં જ હોય!

નોંધ ઃ ચીન સોફ્ટ પાવર વધારવામાં પણ ભારતથી સતત આગળ નીકળી રહ્યું છે. એ મુદ્દે લખેલો લેખ અહીં વાંચી શકો છો.