12 August, 2012

21મી સદીનો વાલિયો લૂંટારો


નાઈજલ અક્કરા 
પશ્ચિમ બંગાળમાં હજુ ત્રણ ઓગસ્ટ, 2012ના રોજ પ્રદર્શિત થયેલી બંગાળી ફિલ્મ ‘મુક્તોધારા’ અને તેના હીરોને અત્યારથી જ જબરદસ્ત કવરેજ મળી રહ્યું છે. ફક્ત 43 દિવસમાં શૂટ કરાયેલી આ ફિલ્મની વાર્તા કંઈક આ મુજબ છે. ફિલ્મના હીરોને ખંડણી, અપહરણ અને હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફરમાવાય છે અને તેને કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં મોકલી દેવામાં આવે છે. આ દરમિયાન જેલના ઈન્સ્પેક્ટર જનરલ જેલ સુધારણા કાર્યક્રમના ભાગરૂપે કેદીઓને નૃત્ય, સંગીત, ચિત્રકામ વગેરેની તાલીમ આપવા જેલમાં જાણીતા કલાકારોને આમંત્રિત કરે છે. આ કલાકારોમાં એક જાણીતા નૃત્યાંગના પણ હોય છે, જે કેદીઓને નૃત્યની તાલીમ આપે છે. આ કેદીઓની સાથે ફિલ્મનો નાયક પણ થોડી આનાકાની પછી ગુરુ સાથે ખૂબ ગંભીરતાથી નૃત્ય શીખવા લાગે છે. આ દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપવા ગુરુજી ફિલ્મના હીરોને રવિન્દ્રનાથ ટાગોરની નૃત્ય નાટિકા ‘વાલ્મિકી પ્રતિભા’ની તાલીમ આપે છે. આ નાટિકામાં વાલીયો લૂંટારો કેવી રીતે વાલ્મિકી ઋષિ બનીને મહાન ગ્રંથ રામાયણની રચના કરે છે એ સુંદર રીતે દર્શાવાયું છે. આમ તો આ વાર્તા અત્યંત સીધી સાદી છે, પરંતુ ‘મુક્તોધારા’ના હીરોની વાર્તા એક અસલી ગુનેગારના જીવન પરથી પ્રેરિત છે, અને તે ગુનેગાર છે ખુદ ફિલ્મનો હીરો નાઈજલ અક્કરા. હા, આ ફિલ્મમાં કેદી યુસુફ મોહમ્મદ ખાનનું પાત્ર ભજવનારા નાઈજલને ફક્ત 21 વર્ષની વયે ખંડણી, અપહરણ અને હત્યા જેવા ગંભીર ગુના બદલ આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.


હવે અસલી જિંદગીની વાત કરીએ તો, પશ્ચિમ બંગાળના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન બી.ડી. શર્મા વર્ષ 2007માં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલા નૃત્યાંગના આલોકનંદા રોયને કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં કેદીઓને નૃત્યની તાલીમ આપવા આમંત્રિત કરે છે. આ કામ આલોકનંદા બખૂબી નિભાવે છે, અને તેમના સારા વિદ્યાર્થીઓમાંનો એક હોય છે નાઈજલ અક્કરા. તેઓ કેદીઓને જેલમાં રવિન્દ્રનાથ ટાગોરની નૃત્ય નાટિકા ‘વાલ્મિકી પ્રતિભા’ની તાલીમ આપે છે. નવાઈની વાત તો એ છે કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ આલોકનંદાનો વિશ્વાસ અને કેદીઓના જીવનમાં આવેલું પરિવર્તન જોઈને આ નૃત્ય નાટિકાની ભજવણી કરવા એકસાથે લગભગ 100 કેદીને જામીન આપે છે. પોલીસ અધિકારીઓ જાણતા હોય છે કે, આ બહુ મોટું જોખમ છે, અને નાઈજલ જેવા ખૂંખાર કેદીને છોડવો તો બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. પરંતુ નૃત્ય નાટિકાની 100 વાર ભજવણી થઈ એ દરમિયાન એક પણ કેદીએ ભાગવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો ન હતો. પ્રેસિડેન્સી જેલના કેદીઓ આ નાટિકા કોલકાતા ઓડિટોરિયમ સહિત મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં પણ ભજવી ચૂક્યા છે. આ પ્રયાસ બદલ કોલકાતાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના થઈ રહી છે.

ફિલ્મના દિગ્દર્શક શિબોપ્રસાદ મુખોપાધ્યાય કહે છે કે, “અમે પહેલેથી જ સજાગ હતા કે અમે નાઈજલના જીવન પરથી જ ફિલ્મ બનાવી રહ્યા છીએ. તેથી મેં તેમાં કેટલીક કલ્પનાઓ પણ ઉમેરી હતી. અમારો સબ-પ્લોટ અત્યંત મજબૂત છે. ફિલ્મમાં રીતુપૂર્ણા ઘોષે નૃત્યાંગના નિહારીકાનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે, નિહારીકના લગ્ન પશ્ચિમ બંગાળના એક જાણીતા ક્રિમિનલ લૉયર સાથે થયા હોય છે, અને તેનું લગ્નજીવન સારી રીતે નથી ચાલી રહ્યું. આ ક્રિમિનલ લૉયરની ભૂમિકા પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી બ્રાત્યા બોઝે કરી છે. તેઓ રાજકારણમાં પ્રવેશ્યા એ પહેલાં અભિનેતા હતા. નિહારીકાને લૉયર થકી એક પુત્રી પણ છે, જે સાંભળી અને બોલી શકતી નથી.”

બ્રાત્યા બોઝ નાઈજલના વખાણ કરતા થાકતા નથી. તેઓ કહે છે કે, “આ ફિલ્મનું સૌથી જમા પાસું હોય તો તે છે, નાઈજલ. કારણ કે, તે પોતે જેલમાં હતો ત્યારે તેણે આલોકનંદા રોય સાથે જેલમાં ‘વાલ્મિકી પ્રતિભા’ ભજવ્યું હતું. તે જબરદસ્ત અભિનય કરે છે. મેં તેનું સ્ટેજ પર્ફોર્મન્સ પણ જોયું છે. મને લાગે છે કે, અભિનેતાઓના વિશ્વમાં નાઈજલ આ વર્ષની સૌથી મોટી શોધ છે.”

આ તો ફિલ્મની વાત થઈ, પરંતુ આ આ સમગ્ર ઘટનાના ‘અસલી હીરો’ આલોકનંદા રોય છે. જેમણે જીવના જોખમે કોલકાતાની પ્રેસિડેન્સી જેલના કેદીઓને નૃત્યની તાલીમ આપવાનું આમંત્રણ એક સેકન્ડનો વિચાર કર્યા વિના સ્વીકારી લીધું હતું. જેલમાં કેદીઓને તાલીમ આપતી વખતે પણ આલોકનંદાએ તેમની સાથે સતત હોંશિયારીથી કામ લીધું હતું. તેઓ ક્યારેય કોઈ કેદીને તેમના ભૂતકાળ વિશે સવાલ ન કરતા, અને બધુ જ ભૂલી જઈને ફક્ત નૃત્યના ઝીણાંમાં ઝીણાં પાસાં પર ધ્યાન આપવાની સલાહ આપતા. આમ આલોકનંદાએ નાઈજલ સહિતના અનેક ગંભીર ગુનેગારોને ‘ડાન્સ થેરેપી’ થકી સામાન્ય જિંદગી જીવતા શીખવ્યું છે, કેદીઓને તેમણે મેડિટેશનની જેમ નૃત્ય કરતા શીખવ્યું છે.

‘મુક્તોધારા’ ફિલ્મનું પોસ્ટર 
આ અંગે આલોકનંદા કહે છે કે, “હું તેમને ફક્ત તાલીમ નહોતી આપતી, એક માનવી તરીકે તેમની સાથે અંતરથી જોડાઈ જતી હતી. નૃત્ય શીખતી વખતે કેદીઓ બધું જ ભૂલી જતા હતા. મને લાગે છે કે, હું ફરી એકવાર તેમનામાં શ્રદ્ધા જીવિત કરી શકી છું. આને તમે ‘ડાન્સ થેરેપી’ નહીં પણ ‘લવ થેરેપી’ કહી શકો.” 

‘મુક્તોધારા’માં ‘વાલ્મિકી પ્રતિભા’ને પ્રતીકાત્મક રીતે દર્શાવીને આ જ સંદેશ આપવામાં આવ્યો છે કે, ગુનેગારને પણ સમાજમાં પાછો ફરીને સામાન્ય જિંદગી જીવવાનો હક્ક છે. આ અંગે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજનો સેકન્ડ યર બી.કોમ. ડ્રોપઆઉટ નાઈજલ કહે છે કે, “આ ફિલ્મથી સમાજને બહુ મોટો સંદેશ મળશે. આ ફિલ્મનો ખરો સંદેશ એ છે કે, ગુનેગારને તેના ગુના બદલ સજા ફરમાવી દેવાય છે, પરંતુ આ સજા ભોગવ્યા પછી સમાજ તેમને વારંવાર સજા કરે છે. તેમને પણ એક તક આપવી જોઈએ. આખરે તેઓ પણ માણસ છે. મેં થોડી આનાકાની પછી નૃત્ય શીખવાની શરૂઆત કરી ત્યારે જેલમાં મારા મિત્રો પણ મારી મજાક ઉડાવતા. તેઓ કહેતા કે, હવે ગૂંડો ઘુંઘરુ પહેરેશે.”

જોકે પછી તો જેલના લગભગ બધા જ કેદીઓ આલોકનંદા રોયથી પ્રભાવિત થયા વિના ન રહી શક્યા. આલોકનંદા પણ જેલના કેદીઓ સાથે ધીમે ધીમે આત્મીયતા વધારતા ગયા, અને કેદીઓને જાત સાથે સંવાદ કરતા શીખવ્યું. ફિલ્મમાં રીતુપૂર્ણા ઘોષે નૃત્યાંગના નિહારીકાનું પાત્ર સુંદર રીતે ભજવ્યું છે. રીતુપૂર્ણા કહે છે કે, “દર વર્ષે અનેક કલાકારો ફિલ્મી દુનિયામાં પ્રવેશે છે, પરંતુ તેમાં નાઈજલ જેવા ભાગ્યેજ હોય છે. તે આપણા સમયનો સૌથી પ્રતિભાશાળી અભિનેતા છે. તે ખૂબ જ મહેનત, લગન અને ગંભીરતાથી પોતાનું કામ કરે છે. હું પોતે તેનાથી ઘણી પ્રભાવિત છું.”

ફિલ્મના દિગ્દર્શકો શિબોપ્રસાદ મુખરજી અને નંદિતા રોયે અગાઉથી જ નક્કી કરી લીધું હતું કે, ફિલ્મમાં નાઈજલની ભૂમિકા ખુદ નાઈજલ અક્કરા જ કરશે. આ અંગે નંદિતા રોય કહે છે કે, “નાઈજલની સેક્સ અપીલ, છ ફૂટ ઊંચાઈ અને તેના ઈતિહાસના કારણે હું તેની પાસે ભૂમિકા કરાવવા લલચાઈ હતી. નાઈજલ 21 વર્ષની ઉંમરે એટલે કે, વર્ષ 2001માં હત્યા જેવો ગંભીર ગુનો કરીને જેલમાં જાય છે. ત્યાર પછી  વર્ષ 2006માં આ કેસની આખરી સુનવણી કરતા સેશન્સ કોર્ટ તેને આજીવન કેદની સજા ફરમાવે છે. પરંતુ વર્ષ 2009માં પુરાવાના અભાવે કોલકાતા હાઈકોર્ટ તેને નિર્દોષ છોડી દે છે. આ આઠેક વર્ષ નાઈજલ જેલમાં નૃત્યની તાલીમ લે છે, અને તેનું જીવન બદલાઈ જાય છે.”

નાઈજલનો જન્મ કેરળના મલયાલમ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તે જેલમાં હતો ત્યારે જ નંદિતા રોયે તેની સમક્ષ ફિલ્મમાં અભિનય કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ફિલ્મ માટે તેણે થોડા ખચકાટ સાથે રૂ. અઢી લાખની ફી લીધી હતી. જોકે, નાઈજલ સમયના અભાવે અભિનય કરવા માંગતો ન હતો. કારણ કે હાલ નાઈજલે પોતાના નાના ભાઈ પાસેથી પૈસા ઉધાર લઈને એક કંપની સ્થાપી છે, જે સિક્યોરિટી, પેસ્ટ કંટ્રોલ અને હાઉસકિપિંગ સર્વિસ પૂરી પાડે છે. અગાઉ તે આલોકનંદા રોયની એનજીઓ ‘ટચ વર્લ્ડ’માં માસિક રૂ. પાંચ હજારના પગારે નોકરી કરતો હતો. નાઈજલ કહે છે કે, “મારી કંપનીમાં 80 લોકો નોકરી કરે છે. મેં તે તમામ માટે પીએફ, ગ્રૂપ ઈન્સ્યોરન્સની વ્યવસ્થા કરી છે.”

શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે એવા પ્રશ્નનો જવાબ આપતા નાઈજલ કહે છે કે, “મારી માતા કે જેમને હું ‘મમ્મી’ અને આલોકનંદા કે જેમને હું ‘મા’ કહું છું તે બંનેએ મને છોકરી શોધવા બે વર્ષ આપ્યા હતા. છેવટે તેમણે એક છોકરી શોધી લીધી છે. મારી પાસે બિલકુલ સમય નથી. કોઈ વ્યક્તિને આપવા માટેની સૌથી ઉત્તમ ભેટ કોઈ હોય તો તે છે સમય, જે મારી પાસે નથી. હું મારી જિંદગીના નવ વર્ષ બરબાદ કરી ચૂક્યો છું. મારે હજુ ઘણું બધુ કરવાનું બાકી છે.”

No comments:

Post a Comment