27 February, 2014

ફેસબૂક અને વૉટ્સએપઃ આપણે શું શીખવાનું છે?


દુનિયાભરમાં લોકપ્રિય એવી ફેસબૂક અને વોટ્સએપ જેવી બે કંપનીઓનું મર્જર થયું એ પછી ફરી એ વાતે જોર પકડ્યું છે કે, ભારતીય કંપનીઓ સંશોધન અને ઈનોવેશનમાં કેમ પાછળ પડે છે? ભારતની આઈટી ઈન્ડસ્ટ્રીની ટીકા કરતા એવું કહેવાય છે કે, ભારતને આઈટી હબ કહેવું જરા વધારે પડતું છે. ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી અમેરિકા સહિતના દેશોના આઉટસોર્સિંગના કારણે ફૂલીફાલી છે. આ દલીલમાં તથ્ય પણ છે. ભારતીય કંપનીઓમાં સંશોધનોને બહુ ઓછું મહત્ત્વ અપાય છે અને તેના મૂળિયા ભારતની શિક્ષણ વ્યવસ્થામાં છે. જો આપણે ફેસબૂક, એપલ કે વૉટ્સએપ જેવી કંપનીઓ ઊભી કરવા માગતા હોઈએ તો આ ક્ષેત્રની કંપનીઓએ જ તેમના એન્જિનિયરો (સ્ટાફ) અને વિદ્યાર્થીઓ (યુનિવર્સિટી સ્તરે) સંશોધનમાં રસ લે એવું વાતાવરણ વિકસાવવું જોઈએ. 

આપણે કોઈ ભારતીય આઈટી કંપની વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં કઈ કંપનીના નામ આવે છે? ઈન્ફોસીસ, નૌકરી.કોમ, મેકમાય ટ્રીપ અથવા ફ્લિપકાર્ટ. બરાબર?, પણ  આ બધી જ કંપનીઓની સામાન્ય બાબત એ છે કે, આ બધી સર્વિસ આધારિત કંપનીઓ છે. આ કંપનીઓએ કોઈ આઈટી પ્રોડક્ટ નથી બનાવી. આઈટી પ્રોડક્ટમાં એપ્લિકેશન (એપ), ગેમ કે પછી ફેસબૂક જેવી નેટવર્કિંગ વેબસાઈટનો સમાવેશ કરી શકાય. ભારતમાં આઈટી ઈન્ડસ્ટ્રીનો ગમે તેટલો વિકાસ થયો હોય પણ આપણે વિશ્વકક્ષાની એક પણ કંપની ઊભી કરી શક્યા નથી. એ માટે ગોખણપટ્ટી આધારિત પરીક્ષા પદ્ધતિ ના ચાલે, રિસર્ચ અને ઈનોવેશનને મહત્ત્વ આપવું પડે.  

બ્રાયન એક્ટન અને જેન કુમ 

એકવાર ઈન્ફોસીસના પૂર્વ વડા કે.આર. નારાયણમૂર્તિએ ન્યૂયોર્કમાં આયોજિત આઈઆઈટી પાન સમિટમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓના કથળતા સ્તરની ટીકા કરતા કહ્યું હતું કે, આજકાલ કોચિંગ ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાની ફોર્મુલા જાણી લે છે. આવી રીતે આઈઆઈટીમાં પ્રવેશ તો મળી જાય છે પણ વિશ્વકક્ષાએ તેઓ વામણાં પુરવાર થાય છે. આઈઆઈટીના બહુ ઓછા વિદ્યાર્થીઓ વિશ્વ સ્તરના હોય છે, બાકીના ગોખણિયા હોય છે. કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવાના વ્યૂહ શીખવાડાય છે, ચાલાકીથી પાસ થવાની પદ્ધતિઓ શીખવાડાય છે. આ જ કારણે આપણો દેશ શોધ-સંશોધન કરીને વિશ્વ કક્ષાની કંપનીઓ ઊભી કરવામાં નિષ્ફળ ગયો છે. આ વિદ્યાર્થીઓ સખત મહેનત કરીને પરીક્ષામાં ફક્ત ‘સ્કોર’ કરી શકે છે...

નારાયણ મૂર્તિની વાત બિલકુલ યોગ્ય હતી પણ આ ટીકાનું બીજું પણ એક પાસું છે. આ ટીકાથી આઈઆઈટી-આઈઆઈએમના પૂર્વ વિદ્યાર્થી ચેતન ભગત ગુસ્સે થયા હતા અને તેમણે નારાયણ મૂર્તિને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, મૂર્તિજીની બધી વાત બરાબર હશે પણ ઈન્ફોસીસે આઈઆઈટીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોઈ સર્જનાત્મક કે સંશોધનને લગતા પ્રોજેક્ટમાં સામેલ કરવા કેટલા પ્રયાસ કર્યા છે? ઈન્ફોસીસે આવા જ વિદ્યાર્થીઓની મદદથી વિદેશી કંપનીઓનું કામ કર્યું છે અને હજારો કરોડની કમાણી કરી છે. આટલી કમાણી કર્યા પછી ઈન્ફોસીસે કેમ આગવી પ્રોડક્ટ માટે સંશોધન કરવા વિદ્યાર્થીઓને તક ના આપી? ચેતન ભગતના સવાલો વેધક છે, જ્યારે નારાયણ મૂર્તિના નિવેદનો કદાચ સાચા પણ અધકચરા હતા. કારણ કે, વિદ્યાર્થીઓને સંશોધનો માટે પ્રોત્સાહન આપવાની જવાબદારી ફક્ત સરકારની નહીં પણ સફળ બિઝનેસમેનો અને કંપનીઓની પણ છે.

ભારતીય ઉદ્યોગપતિઓએ વિદેશી કંપનીઓ અને બિઝનેસમેનો પાસેથી આ વાત જ શીખવાની છે. ભારતીય કંપનીઓ કમાણી ઘરભેગી કર્યા પછી પણ શિક્ષણ વ્યવસ્થાની કે વિદ્યાર્થીઓના ઉતરતા સ્તરની વાત કર્યા કરે છે. તે સંશોધનને પૂરતું મહત્ત્વ આપતી નથી. અમેરિકા કે યુરોપમાં પણ સરકારો નહીં પણ કંપનીઓ જ સંશોધનને વધુને વધુ મહત્ત્વ આપે છે. નારાયણ મૂર્તિ કે એમના જેવા આઈટી કંપનીઓના વડા સફળ બિઝનેસમેન જરૂર છે, પણ એપલના સ્ટિવ જોબ્સ કે ફેસબૂકના માર્ક ઝકરબર્ગ જેવા સફળ ટેક્નોક્રેટ નહીં. વળી, આઈઆઈટીથી થોડી ઉતરતી કક્ષાની સંસ્થાઓમાં ભણીને વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ વિદેશી કંપનીઓમાં નોકરી કરીને સંશોધનો કરે જ છે અને કંપનીમાં મહત્ત્વના પદ સુધી પણ પહોંચે છે. જોકે, આવા વિશ્વ સ્તરના વિદ્યાર્થીઓ નારાયણ મૂર્તિ કહે છે એમ ‘બહુ ઓછા’ હોય છે. એટલે સાથે સાથે શિક્ષણ વ્યવસ્થામાં પણ સુધારા કરવા એટલા જ જરૂરી છે.

જો આપણી કંપનીઓ ઈનોવેશન અને સંશોધન યોગ્ય વાતાવરણ વિકસાવે તો આ વિદ્યાર્થીઓ અહીં પણ સંશોધનો કરવા સક્ષમ છે જ. જેને આઈટી ઈન્ડસ્ટ્રીનું થોડું વધારે જ્ઞાન છે એ કદાચ મોબસ્ટેક કે ટ્રુકૉલર જેવી કંપનીઓનું ઉદાહરણ આપીને કહેશે કે, આપણા દેશમાં પણ સારી પ્રોડક્ટ વિકસાવી હોય એવી આઈટી કંપની છે પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. કારણ કે આ કંપનીઓ હજુ વિકાસના તબક્કામાં છે. આપણે સારા એવા પ્રમાણમાં સર્વિસ આધારિત કંપનીઓ ઊભી કરી શક્યા છીએ તેનું કારણ એ છે કે, આપણા એન્જિનિયરોનું મુખ્ય લક્ષ્ય કંપનીને ખૂબ ઝડપથી સફળ બનાવવાનું હોય છે. સમાજશાસ્ત્રીઓ આ મુશ્કેલી પાછળ ભારતીય સમાજમાં ‘પૈસાની બોલબાલા’ના તત્ત્વને મહત્ત્વનું ગણે છે.

આ પ્રકારની કંપનીઓ સર્વિસ આપીને ઝડપથી કમાણી કરી શકશે એવી ખાતરી હોય છે. જેમ કે, ફ્લિપકાર્ટ પુસ્તકો સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે, ઈન્ફોસીસ ઓર્ડર પ્રમાણે સોફ્ટવેર બનાવી આપે છે અને આ બધી જ કંપનીઓ સર્વિસનું વેચાણ કરે એ પહેલાં જ તેમને પોતાની ફી મળી જાય છે. જ્યારે આઈટી પ્રોડક્ટ કંપનીઓમાં પહેલાં રોકાણ કરવું પડે છે, થાક્યા વિના સંશોધન કરવું પડે છે, પોતાના કોન્સેપ્ટમાં વિશ્વાસ રાખીને આગળ વધવું પડે છે અને પછી આ કંપનીઓ નફો કરતી થાય છે. ઈનોવેટિવ કોન્સેપ્ટ લઈને આવતી કંપનીએ નફો કરવા માટે આવક માટે ચોક્કસ મોડેલ વિકસાવવાનું કામ પણ પાર પાડવાનું હોય છે. આ બિઝનેસ મોડેલ નફો કરતું થઈ જશે એવું સાબિત થઈ ગયા પછી જ તેનો અમલ કરવાનો હોય છે. જોકે, બિઝનેસ મોડેલ તૈયાર કર્યા પછી પણ અનેક કંપનીઓ સરેઆમ નિષ્ફળ જાય છે અને એના માટે પણ તૈયાર રહેવું પડે છે.

હાલ, વિશ્વની મોટા ભાગની વેબ આધારિત વિશ્વ સ્તરીય કંપનીઓ અમેરિકાના સિલિકોન વેલીમાં આવેલી છે, જ્યારે વિશ્વ સ્તરીય સર્વિસ આપતી કંપનીઓ ભારતની છે. ભારતમાં સર્વિસ કંપનીઓના ઉદય પાછળ સસ્તા અને હોંશિયાર એન્જિનિયરો સહિતના અનેક પરિબળો જવાબદાર છે. સર્વિસ આપતી કંપનીઓ મેનેજરિયલ અને બિઝનેસ સ્કિલ ધરાવતા એન્જિનિયરોથી સફળ થઈ શકે છે. આ કંપનીઓમાં એન્જિનિયરોએ એવી રીતે કામ કરવાનું હોય છે કે, ઈનોવેશન કે ક્રિયેટિવિટીને કોઈ અવકાશ જ રહેતો નથી. આ માટે રોકાણકારો પણ જવાબદાર છે, જે નવા વિચારો સાથે આવતા એન્જિનિયરો કે ઈનોવેટરોને પ્રોત્સાહન આપવાના બદલે તેમને સતત હતોત્સાહ કરે છે. યુવાન એન્જિનિયરો રોકાણકારોને ‘ક્વિક મની’નું વચન આપી શકતા નથી અને છેવટે તેમણે ઈન્ફોસીસ જેવી કોઈ કંપનીમાં નોકરી સ્વીકારી લેવી પડે છે. 

વૉટ્સએપ ફક્ત પાંચ વર્ષ પહેલાં શરૂ થયેલી કંપની છે અને તે કંઈ તગડો નફો પણ કરતી નથી. આમ છતાં, ફેસબૂકે આ કંપની 19 બિલિયન ડૉલરમાં ખરીદી લીધી છે. ફેસબૂકે આ કંપનીનું મૂલ્ય એકસો વર્ષ જૂની કંપનીઓથી પણ વધારે કર્યું છે. ભારતીય કંપનીઓએ, શિક્ષકોએ, સંશોધકોએ, એન્જિનિયરોએ કે ઈનોવેટરે વિદેશી કંપનીઓમાંથી અને ફેસબૂક કે વૉટ્સએપના જોડાણમાંથી આવી ઘણી વાતો શીખવાની છે, સમજવાની છે. હવે ભારતીય કંપનીઓએ ઝડપથી નફો કરી આપીને અદૃશ્ય થઈ જતી ‘કોપી કેટ’ કંપનીઓ કરતા ઈનોવેટિવ અને વિઝનરી મોડેલને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વર્ષ 2009માં જેન કુમ અને બ્રાયન એક્ટને વૉટ્સએપ શરૂ કરી અને પોતાની કોઈ નકલ કરી લેશે એવો ડર રાખ્ય વિના એક વર્ષ માટે યુઝર્સને ફ્રી સર્વિસ આપવાનું જોખમ પણ ઉઠાવ્યું હતું. આ દરમિયાન ચીનની એક કંપનીએ ભારતમાં વિચેટ લૉન્ચ કર્યું અને ટેલિવિઝન પર આક્રમક એડવર્ટાઈઝિંગ પણ શરૂ કર્યું. જોકે, આક્રમક માર્કેટિંગથી દરેક વસ્તુ વેચી નથી શકાતી. વિચેટ યુઝર્સનું દિલ જીતી ના શક્યું અને વૉટ્સએપની સફળતાના આપણે સૌ સાક્ષી છીએ.

અને છેલ્લે ઓર એક વાત. કંઈક નવું કે અલગ કરવાની વાતો કરતા યુવાનોએ એ યાદ રાખવાનું છે કે, જેન કુમ અને બ્રાયન એક્ટને વૉટ્સએપ ડિઝાઈન કરવાનો વિચાર કર્યો ત્યારે તેમણે ફક્ત કંઈક નવું કરવું હતું. હા, તેમને થોડી ઘણી કમાણીની આશા જરૂર હતી પણ આ એપ વિકસાવતી વખતે તેમણે બિલિયોનેર થવાના સપનાં જોયા ન હતા. 

21 February, 2014

હું ક્યારેય અમિતાભ સ્ટારર ફિલ્મ બનાવવા નહોતો ઈચ્છતો


ફ્રાંસના જાણીતા સમાજશાસ્ત્રી અને તત્ત્વવેતા મોરિસ હૉલ્બવેકે વર્ષ 1950માં ‘ધ કલેક્ટિવ મેમરી’ નામના પુસ્તકમાં ‘મેમરી’ વિશે વિષદ છણાવટ કરી હતી. મોરિસ કહેતા કે, મેમરી એટલે કે યાદો ફક્ત વ્યક્તિગત નહીં, સામૂહિક પણ હોય છે. દરેક વ્યક્તિની ભૂતકાળની વ્યક્તિગત સમજની અસર આખા સમાજ પર પડતી હોય છે. આવી અનેક વ્યક્તિઓથી સમાજ બને છે, અને સમાજની સામૂહિક યાદને મોરિસ ‘કલેક્ટિવ મેમરીઝ’ કહેતા હતા. (જેમ કે, ગુજરાતી સમાજની સામૂહિક યાદો ગોધરાકાંડ, અનુગોધરાકાંડ, સુરતમાં પ્લેગ-પુર, કચ્છનો ભૂકંપ હોઈ શકે) ફિલ્મમેકર કમલ સ્વરૂપને ફ્રેંચ સમાજશાસ્ત્રીની આ વાત સ્પર્શી ગઈ હતી. વર્ષ 1982માં રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહેલા કમલ સ્વરૂપને વિચાર આવતો હતો કે, મોરિસની ફિલોસોફીના આધારે ભારતીયો માટે પણ એક ફિલ્મ બનવી જોઈએ. ‘ગાંધી’ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં જ કમલ સ્વરૂપે એક પટકથા તૈયાર કરી અને ‘ઓમ દરબદર’ નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મ 12મી ફેબ્રુઆરી, 1988ના રોજ બર્લિનમાં પ્રદર્શિત થઈને રાતોરાત ‘કલ્ટ ક્લાસિક’ કેટેગરીમાં આવી ગઈ હતી. 

‘ઓમ દરબદર’ની વાર્તા રાજસ્થાનના અજમેરમાં રહેતા ઓમ (આદિત્ય લાખિયા) નામના યુવકની આસપાસ ફરે છે. કિશોરવયના ઓમના પિતાએ (લક્ષ્મીનારાયણ શાસ્ત્રી) સરકારી નોકરી છોડીને ફૂલટાઈમ જ્યોતિષશાસ્ત્રના વ્યવસાયમાં ઝંપલાવ્યું હોય છે. ઓમની મોટી બહેન (ગોપી દેસાઈ) એક લોફર જેવા યુવક (લલિત તિવારી) સાથે ડેટિંગ કરતી હોય છે. ઓમને વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં રસ હોય છે. ઓમના આ બંને રસના વિષયોની મદદથી ફિલ્મ દર્શકોને પૌરાણિક માન્યતાઓ, કળા, રાજકારણ અને તત્ત્વજ્ઞાનની અનોખી દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઈ એ પછી પણ તેની એકમાત્ર વીએચએસ પ્રિન્ટ કમલ સ્વરૂપ પાસે હતી. ફક્ત આ એક પ્રિન્ટ દેશભરના ફિલ્મ રસિયાઓના જૂથો, ફિલ્મ મેકિંગના વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક લોકો પાસે સતત 26 વર્ષ સુધી ફરતી રહે છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, પૂણેના વિદ્યાર્થીઓ આજે પણ આ ફિલ્મના સોગંધ લે છે. એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓ માટે ‘ઓમ દરબદર’ ઈન્ડિયન સિનેમાની માસ્ટરપીસ છે.

‘ઓમ દરબદર’ ફિલ્મનું પોસ્ટર

હાલ તો કમલ સ્વરૂપ શોર્ટ ફિલ્મો અને લેખનમાં વ્યસ્ત રહે છે. આજે પણ તેઓ ‘ઓમ દરબદર’ને યાદ કરીને રોમાંચિત થઈ જાય છે. કમલ સ્વરૂપ જેવી ફિલ્મો બનાવવા ઈચ્છતા હતા એ જોવા સામાન્ય દર્શકો ક્યારેય મલ્ટીપ્લેક્સ સુધી ના આવે અને કદાચ એટલે જ તેમણે 26 વર્ષ પહેલાં જ ફૂલલેન્થ ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું હતું. આ અંગે તેઓ કહે છે કે, “આઝાદી પછી ભારતીય સમાજની સામૂહિક યાદ (કલેક્ટિવ મેમરી) શું હતી? આઝાદી પછી ભાગલા, હિન્દી-ચીની ભાઈ-ભાઈ, સાયકલ ચલાવતી ભારતીય નારી સ્વતંત્ર થઈ ગઈ એ મતલબનું નહેરુનું ભાષણ, જાતિવાદ, પ્રદેશવાદ, ચંદ્ર પર જનારો પહેલો માણસ, ફિલ્મો, નાટકો અને રાજકીય ગોટાળા અને તેમાંથી નીકળતો બેસૂરો ધ્વનિ. હવે આ બધું જ 70 એમએમની પટ્ટી પર સંવાદો અને અવાજ સાથે જોઈ શકાય છે.” કદાચ કમલ સ્વરૂપ ‘ઓમ દરબદર’ બનાવીને આઝાદી પછીના ભારતીય સમાજની સામૂહિક યાદ પર વ્યંગ કરવા માગતા હતા. આ ફિલ્મમાં કમલ સ્વરૂપે ધારદાર વ્યંગ કર્યા છે. જેમ કે, ફિલ્મના એક દૃશ્યમાં નાયિકા નાયક (લલિત તિવારી)ને પૂછે છે કે, “શું સ્ત્રી પુરુષની મદદ વિના ખરેખર માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે? ત્યારે લલિત જવાબ આપે છે કે, “કેમ નહીં, દેવી પાર્વતીએ એ કર્યું જ છે.” જોકે, આ તો એક નાનકડું ઉદાહરણ છે. ફિલ્મના દરેક દૃશ્યમાં પ્રતીકાત્મક રીતે ધારદાર વ્યંગ કરાયા છે.

ફિલ્મ ખેરખાંઓ ‘ઓમ દરબદર’ને પોસ્ટમોડર્નિસ્ટ એટલે કે આધુનિક ગણાવે છે અને તેના વખાણ કરતા થાકતા નથી, પરંતુ સામાન્ય દર્શકોને આ ફિલ્મ પસંદ ના પડે. વળી, આ એક નોન-લિનિયર પદ્ધતિથી બનાવેલી ફિલ્મ છે. આ પ્રકારની પદ્ધતિથી બનતી ફિલ્મોનું એક પણ દૃશ્ય એકબીજા સાથે તંતુ ધરાવતું હોય એ જરૂરી નથી. કદાચ એટલે જ 26 વર્ષ પહેલાં બનેલી આવી ‘અઘરી’ ફિલ્મ છેક 17મી જાન્યુઆરી, 2014ના રોજ પીવીઆરની મદદથી દેશના માત્ર પસંદગીના સિનેમાઘરોમાં પ્રદર્શિત થઈ અને જતી પણ રહી. 26 વર્ષ પહેલાં ‘ઓમ દરબદર’ની ફક્ત વીડિયો રિલીઝ થઈ હતી અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશને આ ફિલ્મ બનાવવા આટલા વર્ષ પહેલાં રૂ. દસ લાખની આર્થિક સહાય કરી હતી. હવે, એનએફડીસીએ આ ફિલ્મની પ્રિન્ટ ‘રિસ્ટોર’ કરીને તેને સિનેમાઘરો સુધી પહોંચાડવામાં કમલ સ્વરૂપને મદદ કરી છે.

‘ઓમ દરબદર’ એક કોમર્શિયલ ફિલ્મ ન હતી અને છતાં તેણે શરૂઆતથી જ સેન્સર સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમ કે, આ ફિલ્મના એક દૃશ્યમાં દેડકાના ડિસેક્શનનું પ્રતીકાત્મક દૃશ્ય છે, જેમાં દેડકો મારવાના કારણે એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ મેનકા ગાંધી ગુસ્સે ભરાયા હતા અને સેન્સર બોર્ડે પણ તેમાં ચાર ‘કટ’નું સૂચન કર્યું હતું. આ અંગે કમલ સ્વરૂપ કહે છે કે, “આ દૃશ્યમાં ઓમે ગળામાં એક લોકેટ પહેર્યું હોય છે, જેમાં એક નાનકડું પુસ્તક હોય છે. સેન્સર બોર્ડ માનતું હોય છે કે, તે પુસ્તક કુરાન છે.” સેન્સર બોર્ડનું માનવું હતું કે, ગળામાં કુરાન પહેરેલો ઓમ દેડકો કાપી રહ્યો છે એવું દૃશ્ય બતાવીને ફિલ્મમેકર કંઈક એવું કહેવા માગે છે જેનાથી કોઈની લાગણીઓ દુભાઈ શકે છે. જોકે, આ વાતને પણ કમલ સ્વરૂપ હસી કાઢે છે અને પોતાની જ ફિલ્મ પર વ્યંગ કરતા કહે છે કે, “આ દૃશ્ય કાઢી નાંખ્યા પછી પણ મારી ફિલ્મને વિતરકો મળ્યા ન હતા. બધા જ લોકો તેને ‘મેડ’ ફિલ્મ કહેતા હોય છે.”  

60 વર્ષીય કમલ સ્વરૂપ યુવાનીમાં વાસ્તવવાદથી અત્યંત પ્રભાવિત હતા. જે બૌદ્ધિકો યુદ્ધ અને અશાંતિના મૂળમાં સાંસ્કૃતિક અસંવાદિતાને જવાબદાર ગણે છે તેઓ વાસ્તવવાદી (સરરિયાલિસ્ટિક) તરીકે ઓળખાતા હોય છે. કમલ સ્વરૂપની વીએચએસ ટેપ હવે સીડી કે ડીવીડીમાં પરિવર્તિત થઈ ગઈ છે અને અનેક લોકો સુધી પહોંચી રહી છે. નવાઈની વાત એ છે કે, આજનું ભારત 26 વર્ષ પહેલાંના ભારતથી ઘણું જ બદલાઈ ગયું છે. હટકે ફિલ્મોના શોખીન હજારો યુવાનો ‘ઓમ દરબદર’ ઓનલાઈન જોઈ રહ્યા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. કમલ સ્વરૂપ નિખાલસ કબૂલાત કરે છે કે, “હું ક્યારેય મનમોહન દેસાઈ કે પ્રકાશ મહેરા બનવા નહોતો માગતો. હું અમિતાભ સ્ટારર ફિલ્મ બનાવવા પણ નહોતા ઈચ્છતો.” જોકે, યુવાન ફિલ્મ દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી આ ફિલ્મને ‘જૂનો દારૂ’ કહે છે. કારણ કે, જૂનો દારૂ ઉચ્ચ કક્ષાનો હોય એવી માન્યતા છે. તો અનુરાગ કશ્યપે જાહેરમાં કબૂલ્યું છે કે, મારી ફિલ્મ ‘દેવ ડી’નું ‘ઈમોશનલ અત્યાચાર’ ગીત ‘ઓમ દરબદર’ના ‘મેરી જાન’ ગીતથી પ્રભાવિત છે. આજના ભારતની પેઢી પણ કમલ સ્વરૂપ જેવા ફિલ્મ જિનિયસને ધીમે ધીમે ઓળખવા માંડી છે.

ખેર, ફિલ્મના ખેરખાંઓ ‘ઓમ દરબદર’ ફિલ્મને કેમ કલ્ટ ક્લાસિક કહીને નવાજી રહ્યા છે એ સમજવા આ ફિલ્મને ઘૂંટડે ઘૂંટડે પીવી જરૂરી છે.

ફક્ત બે જ ફિલ્મ બનાવનાર જિનિયસ ફિલ્મમેકર કમલ સ્વરૂપ

કમલ સ્વરૂપ 
કમલ સ્વરૂપનો જન્મ કાશ્મીરમાં થયો હતો. તેમના પિતા એક સામાન્ય શિક્ષક અને માતા ગૃહિણી હતા. તેમનો પરિવાર કાશ્મીરથી અજમેર સ્થાયી થયો હતો, જ્યાં તેમણે બાયોલોજીમાં સ્નાતકની પદવી લીધી હતી. ત્યારપછી તેઓ પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં ફિલ્મ દિગ્દર્શન શીખ્યા હતા. વર્ષ 1974માં એફટીઆઈઆઈની પદવી લઈને તેમણે થોડો સમય ઈસરોમાં કામ કર્યું હતું. ઈસરોમાં તેઓ રશિયન પરીકથાઓની મદદથી બાળકોને વિજ્ઞાનમાં રસ લેતા કરતા હતા. તેમણે થોડો સમય મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ફિલ્મ મેકિંગ ભણાવવાનું કામ પણ કર્યું હતું. તેઓ મણિ કૌલ, મીરા નાયર, અપર્ણા સેન, સઈદ અખ્તર મિર્ઝા, શ્યામ બેનેગલ અને સઈ પરાંજપે જેવા દિગ્ગજો સાથે કામ કરી ચૂક્યા છે.

જોકે, કમલ સ્વરૂપે તેમની કારકિર્દીમાં કોઈ ખાસ ફિલ્મો બનાવી નથી. તેમના ખાતામાં ફૂલ લેન્થ ફિલ્મોના દિગ્દર્શક તરીકે બે જ ફિલ્મો બોલે છે, એક ‘ઓમ દરબદર’ અને બીજી ‘ઘાસીરામ કોટવાલ’. આ અંગે તેમણે એકવાર કહ્યું હતું કે, “તમે ફિલ્મ બનાવો અને પછી કેટલાક લોકોને બતાવો, પછી બીજી એક સ્ટોરી શોધો. આ બધામાં મને કોઈ રસ નથી અને વર્ષ 1988 પછી મારા બધા ભ્રમ ભાંગી ગયા. મેં ફિલ્મ દિગ્દર્શન કરવાનું જ બંધ કરી દીધું અને નાની ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.” બાદમાં કમલ સ્વરૂપે દાદાસાહેબ ફાળકેથી દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. આ ફિલ્મમાં તેમણે એ દર્શાવ્યું છે કે, ભારતીય સિનેમાના ભિષ્મ પિતામહ્ ગણાતા દાદાસાહેબ ફાળકે ફિલ્મોના પ્રેમમાં કેવી રીતે પડ્યા હતા. છેલ્લાં વીસ વર્ષમાં તેમણે દાદાસાહેબ ફાળકે પર સાત શોર્ટ ફિલ્મો બનાવી છે, જે તાજેતરમાં જ પસંદગીના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાઈ હતી. આ ઉપરાંત તેમણે એનએફડીસી સાથે મળીને ‘ટ્રેસિંગ ફાળકે’ નામનું એક કોફી ટેબલ પુસ્તક પણ ફિલ્મ રસિયાઓને આપ્યું છે. વર્ષ 2013માં તેમણે ‘રંગભૂમિ’ નામની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.

અફઘાનિસ્તાનનું ભવિષ્ય દાવ પર લગાવતા કરઝાઈ


અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટોનું લશ્કર સંપૂર્ણપણે પાછું નહીં ખેંચી લેવા મુદ્દે અમેરિકા-અફઘાનિસ્તાનનું કોકડું વધારે ને વધારે ગુંચવાયું છે. અમેરિકાનું માનવું છે કે, અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને નાટો દેશોના સૈનિકોનીમર્યાદિત હાજરી’ (લિમિટેડ પ્રેઝન્સ) જરૂરી છે. કારણોસર અમેરિકા અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કરઝાઈને અમેરિકા-અફઘાનિસ્તાન સુરક્ષા સંધિ પર હસ્તાક્ષર કરવા દબાણ કરી રહ્યું છે. વર્ષ 2012માં અમેરિકામાં યોજાયેલી શિકાગો સમિટમાં નાટો દેશોએ નક્કી કર્યું હતું કે, વર્ષ 2014ના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી નાટો સૈન્ય તબક્કાવાર પાછું ખેંચી લેવામાં આવશે અને ત્યાર પછી દસેક હજાર જેટલા વિદેશી સૈનિકો અફઘાનિસ્તાનના સૈન્યને તાલીમ આપીને આતંકવાદી વિરોધી યુદ્ધ ચાલુ રાખશે. પરંતુ હવે અફઘાનિસ્તાન સરકાર માની રહી છે કે, તેમને અમેરિકા કે નાટોના સૈન્યની તાલીમની પણ જરૂર નથી અને વિદેશી સૈનિકોએ અફઘાનિસ્તાનની ધરતી પરથી પ્રયાણ કરી દેવું જોઈએ. જોકે, અમેરિકાને તમામ સૈનિકો પાછા બોલાવી લેવાનો નિર્ણય અયોગ્ય લાગી રહ્યો છે. અમેરિકન સરકારનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે યુદ્ધ કરી રહેલા અફઘાન સૈન્યને તાલીમ આપવા માટે અમેરિકા અને નાટો સૈન્યની મર્યાદિત હાજરી અત્યંત જરૂરી છે.

જોકે, અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કરઝાઈ પાંચમી એપ્રિલ, 2014ના રોજ અફઘાનિસ્તાનમાં યોજાનારી ચૂંટણી નજીક છે ત્યારે સંધિ પર હસ્તાક્ષર કરવામાં મોડું કરી રહ્યા છે. જ્યારે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતો બરાક ઓબામા સરકારને સંધિ પર ઝડપથી હસ્તાક્ષર કરાવીને આગળ વધવાની સલાહ આપી રહ્યા છે. અમેરિકાના પેન્ટાગોનસ્થિત સુરક્ષા નિષ્ણાતોને ચિંતા છે કે, અફઘાનિસ્તાનમાં હમીદ કરઝાઈ બાદ આવનારા નેતા સાથે કામ પાડવું અઘરું થઈ જાય એવા સંજોગો સર્જાઈ શકે છે. હમીદ કરઝાઈએ સંધિ પર સહી કરવામાં મોડું કરીને સ્વાભાવિક રીતે અમેરિકાની નારાજગી વ્હોરી લીધી છે. નવાઈની વાત તો છે કે, અફઘાનિસ્તાનની ચૂંટણી નજીક છે ત્યારે કરઝાઈ અમેરિકા સામે યુદ્ધે ચડ્યા હોય એવું વલણ દાખવી રહ્યા છે. હમીદ કરઝાઈ સરકારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીકની પરવન જેલમાં બંધ 65 બળવાખોરોને છોડી મૂક્યા છે. અમેરિકન સરકારે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદ વિરોધી યુદ્ધ અંતર્ગત પરવન ડિટેન્શન ફેસિલિટી નામે અત્યાધુનિક જેલનું નિર્માણ કરાવ્યું હતું, જે હવે અફઘાનિસ્તાન સરકારના તાબા હેઠળ છે.

હમીદ કરઝાઈ

અફઘાનિસ્તાનની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરીથી નારાજ અનેક અફઘાન જૂથો અને અમેરિકા સહિતના વિદેશી સૈનિકો વચ્ચેની સશસ્ત્ર અથડામણો અફઘાનિસ્તાનની રોજિંદી ઘટના છે. કારણોસર અફઘાનિસ્તાન સરકારના 65 બળવાખોરોને મુક્ત કરવાના નિર્ણયનો અમેરિકન સૈન્યે જોરદાર વિરોધ કર્યો છે. અમેરિકન સૈન્યના મતે, 65 બળવાખોરો ખરેખર તાલિબાનો સાથે સંકળાયેલા છે અને તેઓ ફરી એકવાર અફઘાનિસ્તાનના સૈન્ય સામે મેદાને પડશે. અમેરિકા અને નાટોના સૈનિકોએ અફઘાનિસ્તાનને લાંબા ગાળાની સુરક્ષા આપવા માટે આટલા વર્ષોમાં અફઘાનિસ્તાનનું સુવ્યવસ્થિત સૈન્ય ઊભું કર્યું છે. અમેરિકા અને નાટોનું સૈન્ય આતંકવાદી વિરોધી યુદ્ધમાં સીધું સામેલ થવાના બદલે અફઘાનિસ્તાનના સૈન્યને લશ્કરી તાલીમ આપી રહ્યું છે. કારણોસર અમેરિકા ઈચ્છે છે કે, અમેરિકા અને નાટોના સૈન્યની અફઘાનિસ્તાનમાં મર્યાદિત હાજરી જરૂરી છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકાના લશ્કરી ઓપરેશનનો 31મી ડિસેમ્બરે અંત આવી ગયો હતો, પરંતુ અમેરિકાને હજુ પણ અફઘાનિસ્તાનની ધરતી પર દસ હજાર સૈનિકો ખડકી રાખવા છે. જો અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કરઝાઈ સુરક્ષા સંધિ પર સહી નહીં કરે તો વર્ષ 2014ના અંત સુધીમાં અમેરિકા અને નાટો સૈનિકોએ અફઘાનિસ્તાન છોડી દેવું પડશે. બરાક ઓબામા સરકારે તો થોડા ગુસ્સામાં જાહેર પણ કરી દીધું છે કે, “અમે વર્ષના અંત સુધીમાં અમારા તમામ સૈનિકોને પરત બોલાવી લઈશું...” અફઘાનિસ્તાનના અમેરિકા વિરોધી વલણના કારણે અમેરિકન સરકારે આવું નિવેદન આપવાની ફરજ પડી છે. અફઘાનિસ્તાનની જેલોમાં અમેરિકાએ પૂરેલા 65 બળવાખોરોને છોડતી વખતે હમીદ કરઝાઈએ અફઘાનિસ્તાનની ન્યાયિક બાબતોમાં દખલગીરી કરવા બદલ અમેરિકાની ટીકા કરી હતી. કરઝાઈએ કહ્યું હતું કે, “અમેરિકાએ અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વને માન આપવું જોઈએ. જો અફઘાનિસ્તાન તેના કેદીઓને છોડવા માગતુ હોય તો અમેરિકાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.”

અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા પછી હમીદ કરઝાઈએ અમેરિકાને પરવન ડિટેન્શન ફેસિલિટીનું સંચાલન અફઘાન સરકારને સોંપી દેવાની વિનંતી કરી હતી. વિનંતીને માન્ય રાખીને અમેરિકાએ માર્ચ, 2013માં પરવન જેલનું સંચાલન કરવાની સત્તા અફઘાનિસ્તાન સરકારને સોંપી દીધી હતી. અમેરિકાના મતે, જેલોમાં અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક કેદીઓ બંધ છે, જેને સરકારે મુક્ત કરી દીધા છે. અમેરિકન મિલિટરીએ પગલાંને અત્યંત જોખમી ગણીને પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, કરઝાઈ સરકારે મુક્ત કરેલા અનેક કેદીઓ આતંકવાદી પ્રવૃત્તિમાં સીધા સંડોવાયેલા હોવાના પુરાવા છે. કેદીઓએ કરેલા હુમલાઓમાં અમેરિકાના 32 તેમજ અફઘાનિસ્તાનના 23 સૈનિકો અને નિર્દોષ નાગરિકો કમોતે માર્યા ગયા હતા. અમેરિકન સરકારે તમામ કેદીઓને અફઘાનિસ્તાનની અદાલતોમાં ઊભા કરીને તેમની સામે કેસ ચલાવવાનું સૂચન કર્યું છે. પરંતુ કરઝાઈ સરકારે એક પણ કેદી સામે પૂરતા પુરાવા નહીં હોવાનું કહીને અમેરિકાનું સૂચન ફગાવી દીધું છે. જોકે, અમેરિકાએ તો આમાંના અનેક કેદીઓને જીવતા જાગતા બોમ્બ ગણાવીને કહ્યું છે કે, બળવાખોરો અફઘાનિસ્તાનના સૈન્ય માટે નહીં પણ નિર્દોષ નાગરિકો માટે પણ મોટો ખતરો છે.

અફઘાનિસ્તાનમાં એપ્રિલ, 2014માં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હમીદ કરઝાઈ અમેરિકાની નારાજગી કેમ વ્હોરી રહ્યા છે વિશે કંઈ કહેવું અત્યારે ઘણું વહેલું છે. અફઘાનિસ્તાનના બંધારણ પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ ફક્ત બે વાર અફઘાનિસ્તાનના સર્વોચ્ચ પદ માટે ચૂંટાઈ શકે અને પ્રમુખપદની એક ટર્મ પાંચ વર્ષની હોય છે. આમ આગામી ચૂંટણીમાં પ્રમુખપદની રેસમાંથી હમીદ કરઝાઈ આપોઆપ બહાર છે. ચૂંટણીમાં અમેરિકા વિરોધ વલણ અખત્યાર કરીને તેમને કોઈ મોટો ફાયદો થવાનો નથી તો પછી તેઓ આવું કેમ કરી રહ્યા છે અમેરિકા માટે પણ એક સવાલ છે. જોકે, પ્રમુખપદની મુદત પૂરી થઈ ગઈ હોવાથી હમીદ કરઝાઈ અફઘાનિસ્તાનના રાજકારણમાં પોતાનું વજન વધારવા કે પોતાના સ્થાપિત હિતોને પોષવા માટે આવું વલણ અખત્યાર કરતા હોઈ શકે છે. હમીદ કરઝાઈની સરકારે નવેમ્બર, 2013માં અફઘાન સૈન્યને તાલીમ આપવા માટે વિદેશી સૈન્યની મદદની મંજૂરી મેળવવાલોયા જિરગાનું પણ આયોજન કર્યું હતું. લોયા જિરગા પશ્તુ ભાષાનો શબ્દ છે અને તેનો અર્થમહા સભાએવો થાય છે.

લોયા જિરગામાં અફઘાનિસ્તાનના ત્રણેક હજાર જેટલા કબીલાઓના વડા સામેલ થતા હોય છે અને અફઘાનિસ્તાનના રાજકારણમાં તેમનું જબરદસ્ત પ્રભુત્વ છે. સામાન્ય રીતે અફઘાનિસ્તાનની કોઈ સરકાર લોયા જિરગાની નારાજગી વ્હોરતી નથી. સભામાં પણ એવો નિર્ણય લેવાયો હતો કે, અફઘાનિસ્તાનના સૈનિકોને મદદ અને તાલીમ માટે વિદેશી સૈનિકોની મર્યાદિત હાજરી હોવી અનિવાર્ય છે. કારણ કે, વિવિધ કબીલાઓના વડાઓએ પણ એવી શંકા વ્યક્ત કરી હતી કે, વિદેશી સૈનિકોની ગેરહાજરીમાં તાલિબાનોનો સામનો કરવા મળતી આર્થિક મદદ પણ બંધ થઈ જઈ શકે છે. જો આર્થિક અને લશ્કરી મદદ મળતી બંધ થઈ જશે તો અફઘાનિસ્તાન એકદેશતરીકે ખતમ થઈ જઈ શકે છે. લોયા જિરગાનું વલણ જાણ્યા પછી પણ હમીદ કરઝાઈ અમેરિકા સામે ખુલ્લેઆમ દુશ્મની વ્હોરી રહ્યા છે. હમીદ કરઝાઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે, અમેરિકાએ તાલિબાનો સાથે શાંતિ વાર્તા (પીસ ડાયલોગ) ચાલુ કરવી જોઈએ. તેમણે કહ્યું છે કે, “અમેરિકા આમ કરવા ના ઈચ્છતું હોય તો તેઓ દેશ છોડી શકે છે અને અમને અમારા ભરોસે છોડી દેવા જોઈએ...”

ખેર, હમીદ કરઝાઈના આવા વલણ છતાં બરાક ઓબામા સરકાર ધીરજ રાખીને બેઠી છે. કારણ કે, અફઘાનિસ્તાનના આગામી પ્રમુખ તરીકેના તમામ ઉમેદવારો અમેરિકા-તરફી છે અને અમેરિકાને આશા છે કે, અફઘાનિસ્તાનના આગામી પ્રમુખ સુરક્ષા સંધિને સ્વીકારી લેશે.