05 August, 2015

ભારતીય બાળસાહિત્યનું ભૂલાયેલું 'ક્લાસિક' પુસ્તક


આપણે ક્યારેક બહુ 'વજનદાર' કહી શકાય એવા પુસ્તકો પણ એક જ બેઠકમાં પૂરા કરી દેતા હોઈએ છીએ. આવા પુસ્તકો જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ 'આ પુસ્તક પૂરું જ ના થાય તો કેવું સારું' એવી લાગણી થતી જાય છે. આવો જ અનુભવ કરાવતું એક હલકુંફૂલકું નાનકડું પુસ્તક એટલે 'ગે-નેકઃ ધ સ્ટોરી ઓફ એ પીજન'. નામ વાંચીને ખાસ કંઈ જિજ્ઞાસા ના થાય એવું શુષ્ક શીર્ષક ધરાવતું આ પુસ્તક વળી બાળકો અને કિશોરોને ધ્યાનમાં રાખીને લખાયું છે. બાળ સાહિત્યમાં ઉત્કૃષ્ઠ પ્રદાન કરવા બદલ અંગ્રેજી ભાષાના આ પુસ્તકના લેખકને અમેરિકન લાઈબ્રેરી એસોસિયેશનનો પ્રતિષ્ઠિત 'જ્હોન ન્યૂબેરી મેડલ' પણ મળ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, અંગ્રેજી બાળ સાહિત્યમાં ક્લાસિકની કેટેગરીમાં આવતા આ પુસ્તકના લેખક બંગાળી છે. આ બંગાળી એટલે અમેરિકા જઈને અંગ્રેજી ભાષાના લેખક તરીકે સફળ થનારો પહેલવહેલો ભારતીય યુવક ધન ગોપાલ મુખરજી.

અમેરિકામાં બાળ-નવલકથાના ખાનામાં મૂકાયેલા આ પુસ્તકની વાર્તા 'ગે નેક' જેવું વિચિત્ર નામ ધરાવતા 'મેસેન્જર પીજન'ની આસપાસ ફરે છે. કબૂતરનું નામ 'ગે નેક' કેમ છે એ વાત લેખકે પહેલાં જ પ્રકરણમાં સુંદર રીતે ગૂંથી લીધી છે. તેઓ કહે છે કે, ‘...ચિત્ર એટલે 'ગે' રંગથી ચિતરેલું અને ગ્રિવા એટલે ગળું. એટલે કે ચિત્રગ્રિવા, જેને અંગ્રેજીમાં એક શબ્દમાં ગે-નેક કહી શકાય. ક્યારેક અમે તેને ‘ઈરિડેસન્સ-થ્રોટેડ’ (Iridescence Throated) નામે પણ બોલાવતા.’ 

અંગ્રેજીમાં એકથી વધુ તેજસ્વી રંગોના ઝગમગાટ માટે 'ગે-Gay' શબ્દ છે, જ્યારે ઈરિડેસન્સ એટલે મેઘધનુષ્ય જેવી રંગઆભા અને થ્રોટેડ એટલે ગળું. દાચ ગ્લોબલ અપીલ મેળવવા લેખકે કબૂતરનું નામ ગે નેક રાખ્યું હશે! પેગ્વિને ૧૯૨માં પ્રકાશિત કરેલું આ પુસ્તક લેખકે વિદેશમાં (મોટા ભાગે ફ્રાન્સના બ્રિટની પ્રાંતમાં) લખ્યું હતું. 

વર્ષ 1944માં પફિન સ્ટોરી બુક્સે પ્રકાશિત કર્યું ત્યારનું કવરપેજ અને બાજુમાં ધન ગોપાલ મુખરજી

પુસ્તકની પ્રસ્તાવનામાં જ લેખક નિખાલસતાથી કહે છે કે, ‘બેસ્ટ ફોર એજીસ ૯ ટુ ૧૪’. જોકે, લેખક પોતે આવું માનતા હોય તો પણ આ પુસ્તક દરેક ઉંમરના લોકોને જકડી રાખે એવું છે. વાર્તાની શરૂઆતના પ્રકરણોમાં ચિત્રગ્રિવા ઈંડામાંથી બહાર આવે છે ત્યારથી માંડીને તેના માતા-પિતાની મદદથી તે ઉડવાની શરૂઆત કેવી રીતે કરે છે એ વાત કરાઈ છે. આ પ્રકરણો વાંચતી વખતે વાચક કબૂતર અને અન્ય પક્ષીઓના કૌટુંબિક-સામાજિક વ્યવહાર અને તેમની આદતો વિશે માહિતી મેળવતો જાય છે. કબૂતર ઘરમાં માળો બાંધે ત્યારે શું ના કરવું જોઈએ, એ પણ વાચકો (ખાસ કરીને બાળકો દયા-અનુકંપાના પાઠ) શીખતા જાય છે. આ દરમિયાન કબૂતરના બચ્ચાંનો વિકાસ અને તેનામાં થતાં જૈવિક ફેરફારોનું પણ જ્ઞાન મળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ બધી જ વાત કંટાળો આવે એવી શૈક્ષણિક શૈલીમાં નહીં પણ અત્યંત રસાળ રીતે વાર્તામાં ગૂંથી લેવાઈ છે. આ બધું જ વર્ણન જબરદસ્ત સંશોધન સાથે થયું હોય છતાં વાર્તાનો દરેક ફકરો ખૂબ ઝડપથી પૂરો થતો જાય છે.

જેમ કેચિત્રગ્રિવાનો જન્મ થયો એની વાત કરતા એક જગ્યાએ લેખક કહે છે કે, ‘અલબત્ત, ચિત્રગ્રિવા ઈંડામાંથી બહાર આવ્યું ત્યારે મેઘધનુષ્ય જેવું તેજસ્વી ગળું નહોતું ધરાવતું. તેના પીંછામાં પણ દર અઠવાડિયે થોડો થોડો વધારો થતો. અરે, ત્રણ મહિનાનું થયું ત્યાં સુધી તો એવી આશા પણ નહોતી કે, તે ચમકદાર રંગો ધરાવતા ગળાનું માલિક બનશે, પરંતુ આખરે એ સિદ્ધિ મેળવીને તે ભારતમાં મારા શહેરનું સૌથી સુંદર કબૂતર બન્યું. મારા કોલકાતા શહેરના યુવાનોએ જ આશરે ચાળીસેક હજાર કબૂતર પાળ્યા હતા.’ 

આ પુસ્તક લેખકના બાળપણના અનુભવો પર આધારિત છે. ધન ગોપાલ મુખરજીએ નોંધ્યું છે કે, ‘એ વખતે ડઝનેક કબૂતરોના માલિક હોવું એ હિંદુ યુવકોમાં નવી વાત ન હતી.’ નવલકથામાં ચિત્રગ્રિવાને તાલીમ આપનારા યુવક લેખક પોતે છે. તેમનો જન્મ છઠ્ઠી જુલાઈ, ૧૮૯૦ના રોજ બ્રિટિશ ભારતના કોલકાતા નજીકના એક ગામમાં થયો હતો, જ્યારે નવલકથામાં ચિત્રગ્રિવાનો જન્મ પણ કોલકાતામાં થયો છે. તે કોઈ સામાન્ય કબૂતર નથી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેણે ફ્રાંસમાં મેસેન્જર પીજન તરીકે ઘણું શૌર્ય દાખવ્યું હતું. પુસ્તકના અમુક પ્રકરણો ચિત્રગ્રિવાના મોંઢે કહેવાયા છે. એટલે કે ચિત્રગ્રિવા પહેલો પુરુષ એકવચનમાં વાચકોને વાર્તા કહે છે. આ પુસ્તકમાં કબૂતરના જીવનની શરૂઆત અને તેને અપાયેલી યુદ્ધની તાલીમના વર્ણનો સાચુકલા છે. એ રીતે, ૧૯મી સદીના અંતથી ૦મી સદીની શરૂઆત સુધી બંગાળ પ્રેસિડેન્સીમાં ઉચ્ચ વર્ગીય પરિવારોના યુવાનોના કબૂતર પાળવાના શોખ તેમજ એ વખતે કબૂતરોને યુદ્ધમાં ‘સંદેશાવાહક’ તરીકે કેવી રીતે તાલીમ અપાતી હતી- એ રસપ્રદ માહિતી મેળવવા પણ આ પુસ્તક મહત્ત્વનું છે

ચિત્રગ્રિવા ઉત્તમ મેસેન્જર પીજન કેમ બની શક્યું એનું કારણ લેખકે ઉત્તમ ફિલ્મ લેખકની જેમ શરૂઆતમાં જ આપી દીધું છે. તેઓ કહે છે કે, ‘...ચિત્રગ્રિવાના પિતા ઉત્તમ  ટમ્બલર (જિમ્નાસ્ટ) હતા. તેમણે એ વખતની સૌથી સુંદર કબૂતરી સાથે લગ્ન કર્યા હતા, જે મેસેન્જર પીજનની પેઢીમાંથી આવતી હતી. એટલે જ ચિત્રગ્રિવા યુદ્ધ અને શાંતિના સમયમાં પોતાને સર્વોત્તમ મેસેન્જર સાબિત કરી શક્યું હતું. માતા પાસેથી તેને શાણપણ મળ્યું હતું, જ્યારે પિતા પાસેથી બહાદુરી અને ચપળતા. ક્યારેક તો તે બાજ જેવા શિકારી પક્ષીના માથા નજીક જઈને છેલ્લી ઘડીએ ગુલાંટ મારી પલાયન થઈ જતું...’

જોકે, ચિત્રગ્રિવાના પિતા એક વાવાઝોડામાં મૃત્યુ પામે છે, જ્યારે માતા બાજનો શિકાર થઈ જાય છે. આમ, કેટલીક નાટ્યાત્મક ઘટનાઓ પછી ચિત્રગ્રિવા તેના માલિકને છોડીને હિમાલયના જંગલોમાં જતું રહે છે. એ પછી તેનો માલિક તેના મિત્ર 'ધોન્ડ ધ હંટર' અને 'રાજા ધ પ્રિસ્ટ'ની સાથે તેનો પીછો કરે છે. આ દરમિયાન હિમાલયના પશુ-પક્ષીઓ અને વનસ્પતિ-સૃષ્ટિના અત્યંત ઉત્કૃષ્ટ કાવ્યાત્મક વર્ણનો આવે છે. ચિત્રગ્રિવા જંગલમાંથી હેમખેમ પાછું મળે છે એ પહેલાં જીવિત રહેવા તેણે જંગલી હાથીથી માંડીને સમડી, ગીધ અને બાજનો સામનો કરવો પડે છે. ચિત્રગ્રિવા ડરી ગયું હોવા છતાં બધી જ મુશ્કેલીઓને પાર કરીને બૌદ્ધ સાધુઓના મઠમાં પહોંચી જાય છે, જ્યાં લામા તેની સારવાર કરે છે. અહીં લેખકે બૌદ્ધ તત્ત્વજ્ઞાાન અને અલૌકિક શક્તિ ધરાવતા લામાની વાત પણ એકદમ હળવી શૈલીમાં વણી લીધી છે. આ દરમિયાન લેખક બાળકોને શીરાની જેમ ગળે ઉતરી જાય એ રીતે હિમાલયની ભવ્યતા અને 'અખંડ પવિત્રતા'ના આધારે હિંદુ ધર્મના પાયાના તત્ત્વજ્ઞાનની પણ વાત કરે છે.

છેવટે ગે નેક માલિકના ઘરે પરત ફરે છે પણ હવે તેને લાંબી મુસાફરીએ (યુદ્ધમાં મેસેજન્જર પીજન તરીકે) જવાનું છે. આ વર્ણનોમાં ધન ગોપાલ મુખરજીની વ્યથા પણ છે કારણ કે, શ્રીમંત મુખરજી પરિવારે ધન ગોપાલના ક્રાંતિકારી વિચારોથી ડરીને તેમને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલી દીધા હતા. ગે નેક પણ ધન ગોપાલ મુખરજીની જેમ નવા દેશ ફ્રાંસ જાય છે. ત્યાં ગે નેકે 'ધોંડ ધ હંટર'ના માર્ગદર્શન હેઠળ યુદ્ધમાં મેસેન્જર પીજન તરીકે ફરજ બજાવવાની હોય છે. યુદ્ધમાં તેનો સામનો જર્મનીના મહાકાય મશીન-ઈગલ (ફાઈટર પ્લેન), ગોળા-બારુદ અને આગ સાથે થાય છે. આ દરમિયાન ગે નેકનું એક સાથી કબૂતર ગોળી વાગતા મૃત્યુ પામે છે પણ તે આઘાતમાં સરી પડે છે. આખરે, ચિત્રગ્રિવા અને 'ધોંડ ધ હંટર' ભારતમાં બૌદ્ધ આશ્રમમાં પરત ફરે છે, જ્યાં બૌદ્ધ સાધુ તેમને નફરત અને ડરમાંથી બહાર લાવીને 'સ્વચ્છ' કરે છે.

આ પુસ્તકમાં લેખકે પશુ-પક્ષીઓના પરસ્પરના અને માણસજાત સાથેના સંબંધોનું અત્યંત ઝડપથી ઊંડું અને વાસ્તવિક ચિત્રણ કર્યું છે. કબૂતરના પ્રેમ, વફાદારી અને ડર પર વિજય મેળવવાના વર્ણનોથી લેખક બાળકોને સરળતાથી સંદેશ આપે છે. આધ્યાત્મિક ઉપદેશોની સાથે સાથે જીવનની કરુણ વાસ્તવિકતાનો પણ લેખક બાળકોને સરળતાથી પરિચય કરાવે છે. જેમ કે, એકવાર ચિત્રગ્રિવા કહે છે, ‘મને કહો કે, પક્ષીઓ અને પશુઓ એકબીજાને મારીને પારાવાર વેદના કેમ આપતા હશે? મને નથી લાગતું કે, તમે માણસો એકબીજાને દુઃખ પહોંચાડતા હોવ. શું તમે આવું કરો છો?’ 

કમનસીબે, કબૂતર આવું પૂછે છે એના થોડા જ સમયમાં વિશ્વ યુદ્ધ ફાટી નીકળે છે. આમ, પુસ્તકના ફકરે ફકરે સંતોષના ઓડકાર આવે છે. એક સમયે ગે નેકના ચાહકોએ આ પુસ્તકનું નામ બદલી નાંખવાનું સૂચન કર્યું હતું. જોકે, આ પુસ્તક વૈશ્વિક બાળસાહિત્યનો પણ ઉજ્જવળ ઈતિહાસ છે અને એટલે તેને જેવું છે એ જ સ્વરૂપમાં સાચવવું જોઈએ, એવું કહીને મોટા ભાગના લોકોએ આ માંગ ફગાવી દીધી. ધન ગોપાલ મુખરજીએ ૧૯૧૭માં અમેરિકા જઈને લખવાનું ચાલુ કર્યા પછી વીસેક પુસ્તક લખ્યાં, જેમાંના ૧૫થી વધુ બાળ સાહિત્યનાં છે. જીવનભર બાળકોને પ્રેરણા આપનારા આ સિદ્ધહસ્ત લેખકે ૧૪મી જુલાઈ, ૧૯૩૬ના રોજ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

ધન ગોપાલ મુખરજીને વિદેશ કેમ જવું પડ્યું હતું?

ધન ગોપાલ મુખરજીની બીજી પણ એક ઓળખ આપવી જરૂરી છે. ધન ગોપાલ એટલે જાણીતા બંગાળી ક્રાંતિકારી જદુ ગોપાલ મુખરજીના નાના ભાઈ. જદુ ગોપાલ અને તેમના મિત્રો અંગ્રેજ શાસન વિરુદ્ધ આંદોલન ચલાવતા હતા. આ કારણસર તેમણે અદાલતી ટ્રાયલ વિના ૧૯૨૩થી ૧૯૨૭ વચ્ચે જેલમાં રહેવું પડ્યું હતું. જોકે, ધન ગોપાલ તેના મોટા ભાઈ જદુગોપાલ અને તેના મિત્રોથી પ્રભાવિત છે, એવો અણસાર આવતા જ માતા-પિતાએ તેમને વિદેશ મોકલી દીધા હતા.  

કોલકાતા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ધન ગોપાલે જાપાનની યુનિવર્સિટી ઓફ ટોકિયો અને પછી અમેરિકામાં કેલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આમ, ધન ગોપાલના જાપાન અને અમેરિકામાં થયેલા ઉચ્ચ અભ્યાસ માટે તેમના ભાઈ અને ક્રાંતિકારી વિચારો નિમિત્ત બન્યા હતા. વર્ષ ૧૯૨૪માં તેમણે 'માય બ્રધર્સ ફેસ' નામનું જદુ ગોપાલ સાથેના સંસ્મરણોનું પુસ્તક પણ લખ્યું હતું.  

3 comments:

  1. Interesting and informative.

    ReplyDelete
  2. બાળકોને સ્ટોરીના માધ્યમથી શિક્ષણ આપવામાં પશુ-પક્ષી-પ્રાણીઓની વાર્તા પ્રભાવી અસર છોડે છે. ગે નેક પુસ્તક વિશે વાંચીને આનંદ થયો. કબુતરની આંતરખોજ અને રઝળપાટ વાચકોને પણ મનોપ્રદેશમાં વિહરતા અને વિચારતા કરી દે એ જ તો લેખનની ખૂબી છે. ભારતમાં આ શ્રેણીમાં પંચતંત્ર શિરમોર મનાય છે. એક ભારતીય લેખકની વાર્તા-પુસ્તક અંગ્રેજી સાહિત્યમાં પણ અવ્વલ છે, તે આનંદ સાથે ગૌરવની પણ વાત છે. સાહિત્ય જગતની ઓછી જાણીતી વાતોને કોલમના માધ્યમથી પીરસવા બદલ આભાર..

    ReplyDelete