27 November, 2017

ગેરીલા ગાર્ડનિંગઃ યા હોમ કરીને પડો ફતેહ છે આગે


શિયાળો આવતા જ દિલ્હીમાં સ્મોક (ધુમાડો) અને ફોગ (ધુમ્મસ)ના કિલર કોમ્બિનેશન 'સ્મોગ'નું પ્રમાણ ભયજનક સપાટીએ પહોંચી જતાં દિલ્હી અચાનક હરકતમાં આવી ગયું છે. દિલ્હીવાસીઓ રેલીઓ કાઢીને ચોખ્ખી હવાની માગણી કરી રહ્યા છે. હજુ તો દિલ્હી ગૂંગળાઈ રહ્યું છે ત્યાં અમદાવાદમાં પણ પ્રદૂષણ ભયનજક સપાટીએ પહોંચી ગયું. અમદાવાદના પીરાણામાં આવેલી લેન્ડફિલ સાઇટ પર વારંવાર આગ લાગવાથી તેની આસપાસના વિસ્તારોનું વાતાવરણ દિલ્હીથી પણ વધુ પ્રદૂષિત છે. આટલું પ્રદૂષણ હોવા છતાં બીઆરટીએસ, મેટ્રો રેલ જેવી યોજનાઓને માટે એકલા અમદાવાદમાં સાત હજાર વૃક્ષો કાપી નંખાયા છે. જોકે, આ વિકાસ હજુ અધૂરો છે એટલે મેટ્રો રેલ માટે હજુ ૯૦૦ વૃક્ષ કાપવાની તૈયારી થઈ રહી છે! આ સ્થિતિમાં આપણે રેલીઓ કાઢવાની નહીં, એક્શન લેવાની જરૂર છે. 

કેવી એક્શન?

પ્રદૂષણ, ગંદકી અને કોંક્રિટના જંગલ સામે જંગ

એક્શન એટલા માટે કે પ્રદૂષણ જેવો મુદ્દો એકલી સરકારોની જવાબદારી નથીપ્રજાની પણ છે. સરકારો તો પ્રદૂષણ નાથવા કાચબા ગતિએ કામ કરતી રહેશે પણ પોતાના વતન-શહેર અને દેશને સ્વચ્છ-સુંદર બનાવવા પ્રજા શું કરી શકેજવાબ છે, ગેરીલા ગાર્ડનિંગ. 

ગેરીલા ગાર્ડનિંગ એટલે સરકાર કે કોઈની અંગત માલિકીની જર્જરિત જગ્યાએ 'ગેરકાયદે' રીતે સુંદર ફૂલ-છોડ કે વૃક્ષો ઊગાડવાનું પર્યાવરણીય આંદોલન. દુનિયાના દરેક દેશ-શહેરમાં એવા અનેક સ્થળો હોય છે, જ્યાં સરકારી તંત્રે જરૂર ના હોય ત્યાં પણ ટાઈલ્સ નાંખી દીધા હોય કે પ્લાસ્ટર કરી દીધું હોય! ગેરીલા ગાર્ડનર આવા સ્થળને શોધીને લીલાછમ કરી નાંખે અને જરૂર હોય ત્યાં ડામરના રોડ ખોદીને પર્કોલેટિંગ ટાઇલ્સ પણ નાંખી દે. આમ કરવાથી ચોમાસામાં વધુને વધુ પાણી જમીનમાં ઉતરે. ગેરીલા ગાર્ડનર મ્યુનિસિપાલિટીઓના જડસુ કોન્ટ્રાક્ટરોએ વૃક્ષોના થડને ડામર કે સિમેન્ટથી ઢાંકી દીધો હોય તો એ ઉખાડી નાંખે અને થડની આસપાસ નાનકડી દીવાલ બનાવી દે, જેથી વૃક્ષો પણ સહેલાઇથી શ્વાસ લઈ શકે અને પાણી પી શકે. (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ૨૦૧૩માં દિલ્હીના તમામ વૃક્ષોની આસપાસથી ડામર હટાવવાનું સૂચન કર્યું હતું) સરકાર કે ખાનગી માલિકોએ ત્યજી દેતા વેરાન સ્થળને પણ ગેરીલા ગાર્ડનર સુંદર વન કે ઘનઘોર જંગલમાં પરિવર્તિત કરી દે છે. જરૂરી નથી કે આ કામ ખૂબ મોટા પાયે જ થાય!


ગેરીલા ગાર્ડનરે  સર્જેલી ગ્રીન આર્ટ 

આ પ્રકારનું બાગકામ ક્યારેક છુપાઈને કરવું પડે છે અને તેમાં જમીન માલિકીને લગતા કાયદાનો ભંગ થતો હોવાથી ગેરકાયદે પણ છે, એટલે તેને 'ગેરીલા વૉર' પરથી 'ગેરીલા ગાર્ડનિંગ' નામ અપાયું છે. ગેરીલા વૉર છુપાઈને અચાનક હુમલો કરવાની 'વૉર ટેકનિક' છે. યુદ્ધમાં જે રીતે બોમ્બ, ગ્રેનેડ, વૉર અગેઇન્સ્ટ ટેરર અને ફ્રન્ટ લાઇન જેવા શબ્દોનો ઉપયોગ થાય છે એવી જ રીતે, ગેરીલા ગાર્ડનિંગની સફળતા પછી સીડ બોમ્બ, સીડ ગ્રેનેડ, વૉર અગેઇન્સ્ટ ડર્ટી અને હોર્ટિકલ્ચર ફ્રન્ટ લાઇન જેવા નવા શબ્દો અસ્તિત્વમાં આવ્યા છે.

પર્યાવરણનું ધ્યાન નહીં રાખતી સરકારોનો કાન આમળવાની આ ક્રિએટિવ, ઈનોવેટિવ રીત છે. પ્રદૂષણ જેવી મુશ્કેલી સામે લડવા વિવિધ સ્તરે કામ કરવું પડે. ફક્ત ગેરીલા ગાર્ડનિંગથી હવા ચોખ્ખી નહીં થઈ જાય એ વાત ખરી, પરંતુ આ પ્રકારના પર્યાવરણીય આંદોલનથી વાયુ પ્રદૂષણ કાબૂમાં રહેવાની સાથે બીજા પણ અનેક ફાયદા મળે છે. ભારત જેવા ગરમ દેશમાં વાયુ પ્રદૂષણ, ઠેર ઠેર ગંદકી અને અણઘડ શહેરી આયોજનના કારણે સર્જાયેલા કોંક્રિટના જંગલોમાં આખું વાતાવરણ ભારેખમ અને કઢંગુ બની જાય છે. આ ક્રૂર માહોલમાં વધુને વધુ વૃક્ષો, ફૂલ-છોડ અને લીલોતરીથી પ્રજાનું માનસિક આરોગ્ય પણ સુધરે છે.

ગેરીલા ગાર્ડનિંગ શરૂ કરનારા પ્રકૃતિવિદો

અમેરિકામાં છેક ૧૮૦૧માં જ જ્હોની એપલસીડ નામના પાદરીએ ગેરીલા ગાર્ડનિંગ શરૂ કર્યું હતું. એ વખતે રાલ્ફ વાલ્ડો ઇમર્સન (૧૮૦૩), હેનરી ડેવિડ થોરો (૧૮૧૭) અને જ્હોન મુઇર (૧૮૩૮) જેવા પ્રખર પ્રકૃતિવાદી વિચારકોનો જન્મ પણ નહોતો થયો. જ્હોની એપલસીડે અમેરિકાના પેન્સિલવેનિયા, ઓહાયો, ઈન્ડિયાના અને ઇલિનોઇના નિર્જન વિસ્તારોમાં સફરજનના હજારો વૃક્ષોનું વાવેતર કર્યું હતું. એટલે જ તેમના નામ પાછળ 'એપલસીડ'નું લટકણિયું લાગ્યું. હકીકતમાં તેમની અટક ચેપમેન હતી.


ન્યૂયોર્ક સિટીના મેનહટનની બાવરી અને હ્યુસ્ટન સ્ટ્રીટ પર લિઝ ક્રિસ્ટીએ સર્જેલો
બગીચો અને બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં લિઝ ક્રિસ્ટી

જોકે, જ્હોની એપલસીડના જમાનામાં ગેરીલા ગાર્ડનિંગ શબ્દ અસ્તિત્વમાં નહોતો આવ્યો. આ શબ્દનો પહેલવહેલો ઉપયોગ લિઝ ક્રિસ્ટી નામની અમેરિકન મહિલાએ કર્યો હતો. લિઝ ક્રિસ્ટીએ ૧૯૭૩માં ન્યૂયોર્કમાં 'ગ્રીન ગેરીલા' નામનું જૂથ બનાવ્યું હતું. આ જૂથે ન્યૂયોર્ક સિટીના કોંક્રિટના વચ્ચે સર્જાયેલા અનેક જર્જરિત સ્થળોને સુંદર બાગબગીચામાં પરિવર્તિત કરી દીધા હતા. લિઝ ક્રિસ્ટીની ટીમ સરકારની અને કોઈની વ્યક્તિગત માલિકીના અંગત સ્પેસને પણ નહોતી છોડતી. જ્યાં જુઓ ત્યાં લીલોતરી જ લીલોતરી. આ કામનો શરૂઆતમાં વિરોધ પણ થયો. સરકારે ય વાંધો ઉઠાવ્યો કારણ કે, ગેરીલા ગાર્ડનિંગ સામે જમીન માલિકોએ વાંધા ઉઠાવ્યા હતા. જોકે, આજે પર્યાવરણવાદીઓની સાથે ન્યૂયોર્ક મ્યુનિસિપાલિટી પણ લિઝ ક્રિસ્ટીએ સર્જેલા સુંદર ગ્રીન સ્પેસની દેખભાળ કરી રહી છે.

લિઝ ક્રિસ્ટીએ ૧૯૭૪થી ૧૯૮૧ વચ્ચે ન્યૂયોર્ક સિટીમાં 'ગ્રો યોર ઑન' નામના રેડિયો કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે શહેરોમાં બાગબગીચા, લીલોતરી અને શહેરોની વચ્ચે જંગલોનું મહત્ત્વ જેવા મુદ્દે લોકજાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું.

એકલા હાથે ફરીદાબાદમાં સ્વર્ગ ઊભું કર્યું

અત્યારે વિશ્વના ત્રીસથી વધુ દેશોમાં ગ્રીન ગાર્ડનિંગ નામનું આ ઈનોવેટિવ એક્ટિવિઝમ ચાલી રહ્યું છે. ભારતમાં પણ ગેરીલા ગાર્ડનિંગનો કોન્સેપ્ટ આવી ગયો છે, પરંતુ તેની પહોંચ હજુ મર્યાદિત છે. હરિયાણાના શેલ ઝાંબ નામના બિઝનેસમેને ગેરીલા ગાર્ડનર તરીકે ક્રાંતિકારી કામ કર્યું છે. શેલ ઝાંબે માતાપિતાને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી ફરીદાબાદમાં સરકારી માલિકીની ગંદીગોબરી જગ્યાએ ૧૯૯૭માં સુંદર વૃક્ષારોપણ શરૂ કર્યું હતું. એક સમયે ગંદકી અને ભૂંડના ઝૂંડેઝૂંડથી ઊભરાતું એ સ્થળ દસ વર્ષની અથાક મહેનત પછી સુંદર બગીચામાં પરિવર્તિત થઈ ગયું છે.


શેલ ઝાંબ 

જોકે, ફક્ત સારા હેતુથી કોઈ કામ શરૂ કરવું પૂરતું નથી હોતું. એ માટે સરકારની લાલફિતાશાહી સામે લડવાની ધીરજ જોઈએ, થકવી નાંખે એટલા પ્રયત્નો કરવા પડે અને પૈસા પણ જોઈએ. શેલ ઝાંબ ગાર્ડનિંગ કરવા રોજિંદી ઘટમાળમાંથી સમય પણ નહોતા કાઢી શકતા. એટલે તેમણે પોતાના શરીરને રોજના ફક્ત ચાર કલાક ઉંઘ લેવાની આદત પાડી. આજે તો શેલ ઝાંબ પાસે દુનિયાભરમાંથી આયાત કરેલા અત્યંત કિંમતી ફૂલ-છોડનું બેનમૂન કલેક્શન પણ છે, જે તેમણે ૨૦ વર્ષની સખત મહેનત પછી તૈયાર થયું છે. આ કલેક્શનના કેટલાક છોડના ફૂલોમાં તો સિત્તેરથી પણ વધુ કલરની વેરાયટી જોવા મળે છે. હવે શેલ ઝાંબ ગાર્ડનિંગને લગતી ઈનોવેટિવ આંતરપ્રિન્યોરશિપ શરૂ કરીને બીજાને પણ ગાર્ડનિંગ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે અને ગેરીલા ગાર્ડનર તરીકે દુનિયાભરમાં ખ્યાતિ પણ પામ્યા છે.

આમ છતાં, હરિયાણાના એકેય સેક્ટરમાં મ્યુનિસિપાલિટીઓ શેલ ઝાંબને સ્થાનિક બાગ-બગીચાની દેખભાળ કરવાની મંજૂરી નથી આપતી કારણ કે, આ કામનો મ્યુનિસિપાલિટી કોન્ટ્રાક્ટ આપે જ છે. મ્યુનિસિપાલિટી સાથે મિલીભગત ધરાવતા જાડી ચામડીના કોન્ટ્રાક્ટરોના જ ટેન્ડરો પાસ થાય છે. રહેણાક વિસ્તારોમાં એક બગીચાની દેખભાળ કરવાના ટેન્ડરનો ભાવ વાર્ષિક રૂ. દસથી બાર લાખ હોય છે. આ બગીચાઓમાં ઘાસ અને ફૂલ-છોડ પહેલેથી ઉગાડેલા જ હોય છે, જેમાં વેરાયટી જેવું કશું હોતું નથી. એટલે કોન્ટ્રાક્ટરોએ બગીચાના મેઇન્ટેનન્સ સિવાય કોઇ કામ કરવાનું હોતું નથી. આ કામ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ પર રાખેલા માળીઓ પાસે કરાવે છે, જેમાંના કેટલાકને તો ગુલાબ અને ગલગોટા વચ્ચેનો ભેદ ખબર નથી હોતી.

૧૮ વર્ષ છુપાઈને બનાવ્યો રોક ગાર્ડન

હરિયાણાની રાજધાની ચંદીગઢમાં બીજા પણ એક વિશ્વ વિખ્યાત ગેરીલા ગાર્ડનર થઈ ગયા, નેક ચંદ. તેમણે ચંદીગઢના સુખના તળાવ નજીક આવેલા નિર્જન વિસ્તારમાં આવેલી ૧૮ એકર જમીનમાં નાના-મોટા પથ્થર, સિરામિક-કાચના ટુકડા અને લોખંડના ભંગારમાંથી શિલ્પો તૈયાર કર્યા હતા. આ બધું તેઓ ડિમોલિશન સાઇટ પર ઠાલવી દીધેલા વેસ્ટમાંથી લઈ આવતા અને જાતે જ રિસાયકલ કરતા. નેક ચંદે ૧૯૫૭થી નિર્જન સ્થળે શિલ્પો તૈયાર કરીને ગોઠવવાનું શરૂ કર્યું હતું, પરંતુ સળંગ ૧૮ વર્ષ સુધી નેક ચંદ છુપાઇને કામ કરતા રહ્યા. આ સ્થળ જાહેર થતાં જ સરકારે બધા જ શિલ્પોને તોડી પાડવાનું વિચાર્યું કારણ કે, નેક ચંદે સરકારની માલિકીની જગ્યાએ 'રોક ગાર્ડન' સર્જી દીધો હતો.

ચંદીગઢનો રોક ગાર્ડ અને તેના સર્જક નેક ચંદ 

સદનસીબે ચંદીગઢની પ્રજાએ સરકારની વિરુદ્ધ જઈ નેક ચંદને સાથ આપ્યો અને રોક ગાર્ડન બચી ગયો. એ પછી તો ખુદ સરકારે જ ૧૯૮૬માં રોક ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું. નેક ચંદને રોક ગાર્ડનના સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકેનો હોદ્દો અને પગાર પણ નક્કી કરાયો કારણ કે, નેક ચંદ ૧૯૫૭થી હરિયાણા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં રોડ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા. રોક ગાર્ડનની સંભાળ માટે સરકારે તેમને ૫૦ મજૂરનો સ્ટાફ પણ આપ્યો. આજેય રોક ગાર્ડન જોવા રોજના પાંચ હજાર લોકો આવે છે. તાજ મહેલ પછી ભારતનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ રોક ગાર્ડન છે.

નેક ચંદને પણ ગેરીલા ગાર્ડનર જ ગણી શકાય કારણ કે, તેમણે પણ પર્યાવરણને સ્વચ્છ રાખવાના હેતુથી જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને રોક ગાર્ડન બનાવવાનું બીડું ઝડપ્યું હતું. સરકારે ૧૯૮૩માં નેક ચંદના નામે ટપાલ ટિકિટ બહાર પાડીને તેમજ ૧૯૮૪માં પદ્મ શ્રી આપીને તેમનું સન્માન કર્યું હતું. દુનિયાભરની પ્રતિષ્ઠિત આર્ટ ગેલરીમાં નેક ચંદના શિલ્પોનું પ્રદર્શન થઈ ચૂક્યું છે, પરંતુ નેક ચંદના શિલ્પોનું સૌથી મોટું અને સુંદર કલેક્શન ભારતમાં નહીં, અમેરિકામાં છે.

***

હજુયે આપણે ત્યાં નાત-જાત-કોમવાદના જોરે જ ચૂંટણીઓ લડાય છે એટલે પ્રદૂષણ ચૂંટણી મુદ્દો બને એવા 'અચ્છે દિન' હજુ દૂર છે. પરંતુ જો એક લિઝ ક્રિસ્ટી, શેલ ઝાંબ કે નેક ચંદ ક્રાંતિકારી પરિવર્તન લાવી શકતા હોય તો એકસાથે બહુ બધા લોકો પરિવર્તન લાવી જ શકે ને? 

શીર્ષક પંક્તિઃ નર્મદ 

નોંધઃ આ લેખનો ભાગ-2

1 comment:

  1. બહુ જ સરસ વાત. આ જ બાબત પર બે સત્યકથાઓ લખેલી. તમને અને સૌ વાચકોને એ ગમશે -

    http://webgurjari.in/2017/06/25/modern-india_35/

    http://webgurjari.in/2017/06/11/modern-india_32_-priya-ramasubban/

    ReplyDelete