07 August, 2012

એક એવી ‘સુખી મહિલા’ જે 16 વર્ષથી પૈસા વિના જીવી રહી છે


જો આજથી જ એવું નક્કી કરવામાં આવે કે, તમારે આપણે એક પણ પૈસો ખર્ચ્યા વિના જીવન જીવવાનું છે. તો શું આ શક્ય છે? જોકે, આવું કરવા માટે હેડમેરી શૂર્મર જેવી હિંમત હોવી જોઈએ. હા, 69 વર્ષીય જર્મન મહિલા હેડમેરી છેલ્લાં 16 વર્ષથી એક પણ પૈસો કમાયા કે ખર્ચ્યા વિના જીવી રહ્યા છે. જોકે 16 વર્ષ પહેલાં હેડમેરી પણ એક સામાન્ય માનવીની જેમ જ જીવન જીવતા હતા. એક સફળ બિઝનેસમેનની પુત્રી હેડમેરીનો ઉછેર પ્રૂશિયાના અત્યંત સુખી-સંપન્ન કુટુંબમાં થયો હતો. હેડમેરીની સારસંભાળ માટે તેમના પિતાએ એક ફૂલ-ટાઈમ આયા રાખી હતી. પરંતુ વર્ષ 1939માં યુરોપ દ્વિતીય વિશ્વયુદ્ધમાં સપડાયું ત્યારે તેનું પરિવાર ખેદાન-મેદાન થઈ ગયું, તેમની પાસે કશું જ ન રહ્યું અને વિશ્વયુદ્ધના શરણાર્થીઓ તરીકે તેમના કુટુંબને જબરદસ્તીથી જર્મની મોકલી દેવામાં આવ્યા. અહીં પણ થોડા સંઘર્ષ પછી હેડમેરીના પિતાએ તમાકુ કંપની ઊભી કરી અને ફરી એકવાર પોતાનો ધંધો જમાવવામાં સફળ થયા.

હેડમેરી શૂર્મર

આ દરમિયાન હેડમેરી શૂર્મરના જીવનમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું હતું. બાળપણમાં એશોઆરામ વચ્ચે ઉછરેલી હેડમેરી ભૌતિક સુખોથી કંટાળી ગઈ હતી. આ અંગે હેડમેરી કહે છે કે, “અમે અત્યંત શ્રીમંત હતા, પરંતુ એક દિવસ રસ્તે રઝળતા થઈ ગયા. અમે ફરી એકવાર સંજોગો સામે લડીને ધનવાન બન્યા. જોકે હું હંમેશા મારી જાત સાથે ન્યાય કરવા માંગતી હતી, પછી હું ધનિક હોઉં કે ગરીબ.” 

હેડમેરીએ લગભગ ચાળીસેક વર્ષ પહેલાં પોતાના પહેલાં અને છેલ્લાં પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા, અને ફરી ક્યારેય લગ્ન ન કર્યા. હાલ 69 વર્ષીય હેડમેરી અગાઉ શિક્ષિકા અને ત્યાર બાદ સાયકોથેરાપિસ્ટ તરીકે સારા પગારે નોકરી કરતા હતા. આમ છતાં તેઓ બાળપણના એ સંઘર્ષના દિવસો ભૂલી ન શક્યા. આ સ્થિતિમાંથી બહાર આવવા તેમણે પૈસા વિના જીવન વ્યતિત કરવાનો માર્ગ અપનાવ્યો, અને વર્ષ 1994માં જર્મનીના પહેલાં એક્સચેન્જ સર્કલની સ્થાપના કરી. આ સર્કલ ‘ગિવ એન્ડ ટેક’ પદ્ધતિના આધારે કાર્યરત છે, જે લોકોને બેબીસીટિંગ, હાઉસ ક્લિનિંગ જેવી સેવા આપે છે, અને ફી તરીકે ફક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લે છે. આ કામમાં હેડમેરીએ અનુભવ્યું કે, ઓછામાં ઓછા પૈસાથી પણ જીવન જીવી શકાય છે.

આ દરમિયાન હેડમેરીની એક ડિવોર્સી મિત્રે પોતાના બે પુત્ર અને ત્રણ પૌત્ર-પૌત્રીની સારસંભાળ માટે તેમની સમક્ષ પ્રસ્તાવ મૂક્યો, અને પછી તો હેડમેરીએ આ જવાબદારી ખુશીથી ઉઠાવી લીધી અને સતત એક વર્ષ સુધી એક પણ પૈસો કમાયા કે ખર્ચ્યા વિના જીવન વીતાવ્યું. આ કામ બદલ હેડમેરી ફક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવતા હતી. આ અંગે હેડમેરી કહે છે કે, “અત્યારે મારી મિત્રના તમામ પુત્રો, પૌત્રો અને પૌત્રી મારા પર ખૂબ ગર્વ અનુભવે છે.”

આ જવાબદારી સ્વીકારતા પહેલાં હેડમેરીએ પોતાની તમામ ઘરવખરી અને પોતાનું ઘર પણ વેચી દીધુ હતું, અને ઘરમાંથી બહાર નીકળતી વખતે તેમની પાસે ફક્ત એક નાનકડી સૂટકેસ હતી. પછી તો એક પણ પૈસા વિના એક વર્ષ જીવવાનું હેડમેરીનું મિશન સતત 16 વર્ષ સુધી લંબાયુ. આ અંગે તેઓ કહે છે કે, “હું તે એક વર્ષ ફક્ત એક પ્રયોગ કરવા માંગતી હતી, પરંતુ એ સમય દરમિયાન મેં અત્યંત આનંદ અનુભવ્યો. એટલે હું જૂની લાઈફસ્ટાઈલ સ્વીકારવા જ નહોતી માંગતી. હું નિવૃત્તિની ચિંતા નહોતી કરવા માંગતી. અનેક લોકો આજે પણ મને પેન્શન અને મારી ઉંમર અંગેના પ્રશ્નો પૂછે છે. મોટા ભાગના લોકો મને કહે છે કે, તમારી ઉંમર બગીચામાં બેસવાની છે. પરંતુ હું સતત પ્રવાસ કરવા માંગુ છુ. હું એક શાંતિદૂત જેવી છું, જે ઘરે ઘરે જઈને પોતાની ફિલોસોફી લોકો સાથે વહેંચે છે.” આવી રીતે જીવવાનું શરૂ કર્યું ત્યારે હેડમેરી શરૂઆતમાં ઘરડાં મિત્રોના ઘરે રહ્યા, પરંતુ તેમના આ પ્રયોગની વાત જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ લોકો તેને મળવા આવવા લાગ્યા. લોકો હેડમેરીને નાનકડા મિત્રવર્તુળમાં પોતાના પ્રયોગના અનુભવો વહેંચવા બોલાવવા લાગ્યા. આ માટે પણ હેડમેરી આમંત્રિતો પાસેથી ફક્ત ટ્રેનનું ભાડું જ સ્વીકારતા. અનેક લોકો તેમને મોટી રકમ આપવાનો પ્રયાસ કરતા, પરંતુ હેડમેરી હંમેશાં તેનો નમ્રતાથી અસ્વીકાર કરતા.

આ પ્રયોગ દરમિયાન હેડમેરીને પોતાના આમંત્રિતોના ત્યાં માળી-કામ, વિન્ડો વૉશિંગ વગેરે જેવા ચિત્રવિચિત્ર કામ પણ કરવા પડ્યાં. ખરેખર તેઓ કોઈ રકમ સ્વીકારતા ન હોવાથી લોકોને આવું કામ સોંપવુ પડતું. હેડમેરીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘લિવિંગ વિધાઉટ મની’માં દર્શાવાયું છે કે, તેઓ ખાણીપીણીની શોધમાં માર્કેટમાં ફરી રહ્યા છે, અને છેવટે એક દુકાનદાર સાથે ક્લિનિંગ સર્વિસનો સોદો કરીને બદલામાં ખાવાનું મેળવે છે. જ્યારે હેડમેરીના મિત્રો તેને અનેકવાર કપડાં કે અન્ય કોઈ ચીજવસ્તુનું દાન કરતા. નવાઈની વાત તો એ છે કે, હેડમેરી પોતાની સૂટકેસમાં કપડાં લઈને પણ નહોતા નીકળ્યા. લગભગ દરેક નવી સિઝનમાં હેડમેરી નવા કપડાં આવે તેની રાહ જોતા, અને મોટે ભાગે મિત્રો, આમંત્રિતો તેમને કપડાં પહોંચાડી દેતા, જેને હેડમેરી દાન નહીં, પણ એક ચમત્કાર માને છે. હેડમેરી કહે છે કે, “મેં મારા જીવનમાં અનેક ચમત્કારો જોયા. જેમ કે, શરૂઆતમાં જ મને ખાવાપીવાનું મળી ગયું, ચીજવસ્તુઓની જરૂર પડી તો તે પણ મળી ગઈ. લોકો જ મને મદદ કરતા ગયા.”


આ અંગે હેડમેરી કહે છે કે, “સમાજ જે લોકોને પસંદ નથી કરતો તેવા ઘરવિહોણા લોકો સાથે તમે મારી સરખામણી ન કરી શકો. તેમને મારી જેમ લોકોના ઘરે આમંત્રણ નથી મળતું. આપણે સૌ એક જ પિતાના સંતાન છીએ, અને સમગ્ર વિશ્વ એક જ તાંતણે જોડાયેલું છે. આપણે નાનકડા જીવ છીએ અને આપણે સૌએ સાથે મળીને આગળ વધવું જોઈએ.”


નોંધઃ ગૂગલમાં ખાંખાખોળા કરતી વખતે હેડમેરીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘લિવિંગ વિધાઉટ મની’ હાથ લાગી અને એ જોયા પછી આ લખાણ મૂકી રહ્યો છું. 

No comments:

Post a Comment