30 January, 2017

માતા હરિ : ૧૦૦ વર્ષ પહેલાં થયેલું એન્કાઉન્ટર


માતા હરિ. આવું છેતરામણું નામ વાંચતા કે સાંભળતા લાગે કે, માતા હરિ જરૂર કોઈ દિવ્ય આત્મા ધરાવતી સ્ત્રી, દેવી કે સાધ્વી હોવી જોઈએ! આશરે ૧૦૦ વર્ષ પહેલાં ૧૭મી ઓક્ટોબર, ૧૯૧૭ના રોજ ફ્રાંસે ૪૧ વર્ષીય માતા હરિને ગોળીઓથી વીંધી નાંખવાની સજા આપી ત્યારે કોઈને વિશ્વાસ નહોતો થતો કે, માતા હરિ જેવી સીધીસાદી નૃત્યાંગના વિચક્ષણ બુદ્ધિ ધરાવતી જર્મન જાસૂસ હતી! જોકે, એ આરોપ હતો, જે આજ સુધી સંતોષજનક રીતે સાબિત થઈ શક્યો નથી. તેના પર આરોપ હતો કે, તેણે જર્મનીને આપેલી માહિતીના કારણે ૫૦ હજાર સૈનિકોના મોત થયા હતા. માતા હરિની જિંદગીની આસપાસ એટલા બધા રહસ્યો વીંટળાયેલા છે કે, આજેય લોકો તેને મહાન જાસૂસ સમજે છે અને એટલે તેના મોતને લઈને પણ જાતભાતની થિયરીઓ વહ્યા કરે છે. માતા હરિના જીવન પર બનેલી પાંચેક ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, નાટકો અને અનેક પુસ્તકોના કારણે આ પ્રકારની થિયરીઓને હજુયે હવા મળી રહી છે.

જોકે, ઓક્ટોબર ૨૦૦૧માં માતા હરિ ફાઉન્ડેશને બ્રિટીશ જાસૂસી સંસ્થા એમઆઈ-૫ના દસ્તાવેજો જાહેર કરીને સાબિત કર્યું હતું કે, માતા હરિએ જર્મનીને કે ફ્રાંસને આપેલી માહિતી 'નકામી' હતી. માતા હરિ પર આટલો મોટો આરોપ મૂકવો એ ખૂબ જ મોટો અન્યાય છે. મૃત્યુના આટલા વર્ષો પછીયે તેને આ આરોપમાંથી મુક્ત કરવી જ જોઈએ

કોણ હતી માતા હરિ?

પ્રેમી માટે 'જોખમી' શરત સ્વીકારી

૨૮મી જુલાઈ, ૧૯૧૪ના રોજ પહેલું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું હતું, પરંતુ નેધરલેન્ડે યુદ્ધમાં તટસ્થ રહેવાની જાહેરાત કરી હતી. માતા હરિ ડચ નાગરિક હતી એટલે વિશ્વ યુદ્ધ વખતે યુરોપના કોઈ પણ દેશમાં સરળતાથી પ્રવેશી શકતી. તે વાયા સ્પેન, બ્રિટનથી વારંવાર ફ્રાંસ અને નેધરલેન્ડમાં આવનજાવન કરતી. વળી, માતા હરિ અનેક દેશોમાં શક્તિશાળી નેતાઓ અને લશ્કરી અધિકારીઓ સાથે અંતરંગ સંબંધો ધરાવતી હતી. આ જ કારણસર બ્રિટન-ફ્રાંસ અને જર્મનીના જાસૂસો તેને લઈને થોડા સાવચેત હતા. એ દિવસોમાં માતા હરિ કેપ્ટન વદિમ માસ્લો નામના ૨૫ વર્ષીય રશિયન પાયલોટના પ્રેમમાં પણ હતી. માસ્લો ફ્રાંસમાં ફરજ બજાવતા ૫૦ હજાર રશિયન સૈનિકોના ખૂંખાર લશ્કરનો સૈનિક હતો. રશિયાએ ફ્રાંસને મદદ કરવા એ લશ્કર મોકલ્યું હતું.

માતા હરિ

ફ્રાંસના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને જાસૂસો કોઈ પણ ભોગે જર્મનીને વધુને વધુ નુકસાન પહોંચાડવા કાવાદાવા કરી રહ્યા હતા. આ દરમિયાન વર્ષ ૧૯૧૬માં જર્મનો સાથે થયેલા એક ફાઈટર પ્લેન યુદ્ધમાં વદિમ માસ્લોએ દૃષ્ટિ ગુમાવી દીધી. માસ્લો પેરિસ નજીકના કોઈ મિલિટરી બેઝ પરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે માતા હરિએ પ્રેમીને મળવાની મંજૂરી માગવા ગઈમાતા હરિને જોતા જ બેઝ પરના ચબરાક ફ્રેન્ચ લશ્કરી અધિકારીનું મગજ કામે લાગ્યું. ફ્રાંસનો એ લશ્કરી અધિકારી જાણતો હતો કે, માતા હરિ જર્મનીના પ્રભાવશાળી નેતાઓ અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓને આંગળીના ઈશારે નચાવી શકે છે. એટલે તેણે માતા હરિ સામે શરત મૂકી કે, તુ જર્મનોની જાસૂસી કરવા તૈયાર થાય તો જ તને વદિમ માસ્લો સાથે જવાની મંજૂરી આપું. માતા હરિએ પૈસા માટે નહીં પણ પ્રેમી માટે આ શરત સ્વીકારી લીધી.

પરંતુ માતા હરિ રાજકારણ અને લશ્કરની દુનિયામાં આટલો પ્રભાવ કેમ ધરાવતી હતી?


એ એશિયાઈ નહીં, ડચ સ્ત્રી હતી

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં માતા હરિના પૂર્વ જીવન વિશે જાણવું જરૂરી છે. 'માતા હરિ' જેવા નામના કારણે યુરોપમાં અનેક લોકો એવું માનતા કે, તેના નજીકના સગામાં કોઈ એશિયાઇ કે મધ્ય પૂર્વીય દેશ સાથે સંબંધ ધરાવતું હશે, પરંતુ એવું નહોતું

માર્ગારેટા ગિરતુઇડા નામ ધરાવતી એ સ્ત્રી મૂળ નેધરલેન્ડની હતી. માર્ગારેટાનો જન્મ સાતમી ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ ઝેલે અટક ધરાવતા ડચ પરિવારમાં થયો હતો. એટલે સ્કૂલ-કોલેજમાં તે માર્ગારેટા ઝેલે તરીકે ઓળખાતી. માર્ગારેટના પિતા એડમ ઝેલે હેટ શૉપના માલિક હતા અને તેમણે રોકાણો કરીને ઓઈલ ઉદ્યોગમાં પણ કાઠું કાઢ્યું હતું. એટલે માર્ગારેટાનું ૧૨ વર્ષ સુધીનું જીવન અત્યંત વૈભવમાં વિત્યું, પરંતુ માર્ગારેટાએ કિશોરાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યારે વર્ષ ૧૮૮૯માં એડમ ઝેલેએ દેવાળુ ફૂંક્યું. એ પછી ૧૮૯૧માં એડમ ઝેલે અને માર્ગારેટાની માતા આંજે ઝેલેએ છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાના ત્રણ વર્ષ પછી માર્ગારેટાની માતાનું અવસાન થયું અને તેના પિતાએ પણ બીજા લગ્ન કરી લીધા. ઝેલે દંપતિના ચાર સંતાનમાં માર્ગારેટા સૌથી મોટી હતી, પરંતુ માતાના અવસાન પછી આખો પરિવાર વિખેરાઈ ગયો.

આ સ્થિતિમાં માર્ગારેટને મિ. વિસેર નામની એક વ્યક્તિ મળી, જેમણે માર્ગારેટાને કિન્ડરગાર્ટનમાં શિક્ષકની નોકરી અપાવી. આ દરમિયાન સ્કૂલના હેડમાસ્તરે માર્ગારેટા સાથે ફ્લર્ટિંગ શરૂ કર્યું અને નોકરી ગઈ માર્ગારેટાની. બેકાર થઈ ગયા પછી માર્ગારેટા કાકાના ઘરે નેધરલેન્ડના વિખ્યાત હેગ શહેરમાં રહેવા જતી રહી.

માર્ગારેટા 'માતા હરિ' કેવી રીતે બની?

માર્ગારેટાએ હેગના સ્થાનિક અખબારમાં એક લગ્નવિષયક જાહેરખબર જોઈ, જેમાં જણાવાયું હતું કે ડચ ઈસ્ટ ઈન્ડિઝ (હાલનું ઈન્ડોનેશિયા)માં ફરજ બજાવતા ડચ કોલોનિયલ આર્મી કેપ્ટન રૂડોલ્ફ મેકલિયોડને લગ્ન માટે ડચ મૂળની યોગ્ય યુવતી જોઈએ છે. આ જાહેરખબર થકી માર્ગારેટાએ ૧૯ વર્ષની વયે તેનાથી ૨૦ વર્ષ મોટા આર્મી કેપ્ટન રૂડોલ્ફ મેકલિયોડ સાથે ઘરસંસાર માંડ્યો. આ લગ્નથી માર્ગારેટા રાતોરાત મોભાદાર લશ્કરી પરિવારો અને બ્રિટીશ રાજના નેજા હેઠળ અન્ય દેશમાં ફરજ બજાવતા ઉચ્ચ લશ્કરી અધિકારીઓના સંપર્કમાં આવી. જોકે, સ્વતંત્ર મિજાજી માર્ગારેટ પર સખત મિજાજી કેપ્ટન રૂડોલ્ફ મેકલિયોડનું ભારે વર્ચસ્વ હતું. માર્ગારેટા ૨૨ વર્ષની વયે બે સંતાનની માતા હતી, પરંતુ મેકલિયોડ દારૂ પીને માર્ગારેટાની વારંવાર મારઝૂડ કરતો.


માતા હરિનો પતિ રૂડોલ્ડ મેકલિયોડ અને તેમના બે સંતાન લુઈ અને નોર્મન

છિન્નભિન્ન લગ્નજીવનથી કંટાળેલી માર્ગારેટાને ઈન્ડોનેશિયામાં કોઈ ઓળખતું નહોતું, પરંતુ એક ડચ  લશ્કરી અધિકારી આશરો આપવા રાજી થઈ જતા માર્ગારેટા પતિની ચુંગાલમાંથી મુક્ત થઈ ગઈ. માર્ગારેટા ત્યાં રહીને બીજે મન પરોવવા એક ડાન્સ કંપનીમાં જોડાઈ. અહીં માર્ગારેટાએ મહિનાઓ સુધી ઉચ્ચ દરજ્જાની નૃત્યાંગનાની તાલીમ લઈને પોતાના માટે એક નવું જ નામ પસંદ કર્યું, માતા હરિ. ઈન્ડોનેશિયાની મલય ભાષામાં માતા હરિનો અર્થ 'દિવસની આંખ' એટલે કે 'સૂર્ય' થાય છે. માર્ગારેટાએ સૌથી પહેલીવાર વર્ષ ૧૮૯૭માં ઈન્ડોનેશિયાથી નેધરલેન્ડ તેના સગાવ્હાલાને લખેલા પત્રોમાં આ નામ વિશે માહિતી આપી હતી.

આ દરમિયાન માર્ગારેટાના બંને બાળકો સિફિલિસમાં પટકાયા, જેમાં એકનું મૃત્યુ થઈ ગયું. એવું કહેવાય છે કે, કદાચ મેકલિયોડના દુશ્મનોએ બંને બાળકોના ભોજનમાં ઝેર આપ્યું હતું.

સર્કસમાં હોર્સ ગર્લ અને પછી સ્ટ્રીપ ડાન્સર

પતિની મારઝૂડ અને એક સંતાનના મોત પછી હૃદયભગ્ન થયેલી માર્ગારેટા વર્ષ ૧૯૦૩માં ૨૭ વર્ષની વયે પેરિસ આવી ગઈ. અહીં તે સિંગલ મધર તરીકે એક બાળક પણ ઉછેરી રહી હતી, પરંતુ પેરિસ જેવા શહેરમાં જીવન વિતાવવા માર્ગારેટાને તેનો પતિ ફૂટી કોડી પણ આપતો ન હતો. જોકે, સ્ટેજ પર નૃત્ય કરીને મનોરંજન કરવામાં મહારત હાંસલ કરનારી માર્ગારેટાને પેરિસની એક સર્કસ કંપનીમાં હોર્સ ગર્લ તરીકેનું કામ મળી ગયું. જ્વેલરી બ્રા અને ચળકદાર લેંઘો પહેરીને ઘોડા પર જાતભાતના કરતબ બતાવવાનું કામ કરીને તે થોડી કમાણી કરી લેતી, પરંતુ 'મેકલિયોડ' જેવી ડચ અટકવાળી આ છોકરીને પેરિસમાં બહુ સફળતા ના મળી. માર્ગારેટાએ થોડો સમય પેરિસના કલાકારોની નગ્ન મોડેલ તરીકે પણ કામ કર્યું.


માતા હરિની ૧૯૦૬માં ક્લિક કરાયેલી બોલ્ડ તસવીરો

આ બે નોકરીના અનુભવ પછી વર્ષ ૧૯૦૫માં ૨૯ વર્ષની વયે માર્ગારેટાએ પેરિસની વિખ્યાત ક્લબમાં એક્ઝોટિક ડાન્સર તરીકે કારકિર્દી શરૂ કરી. માર્ગારેટા મેકલિયોડે તેનું નામ-અટક બધું જ ફગાવી દીધું અને તેની પસંદગીનું એશિયાઇ છાંટ ધરાવતું 'માતા હરિ' નામ અપનાવી લીધું. આ જ નામ સાથે ૧૩મી માર્ચ, ૧૯૦૫ના રોજ માતા હરિએ પેરિસના એશિયાઇ કળાના સૌથી મોટા મ્યુઝિયમ ગુઇમેતમાં સ્ટ્રીપ ડાન્સર જેવું પર્ફોર્મન્સ આપ્યું અને રાતોરાત પ્રસિદ્ધિ મેળવી. ફ્રાંસ અને જર્મનીના અખબારો માટે માતા હરિ 'વિદેશી' હતી. તેઓ માતા હરિને ઊંચી અને મજબૂત, જાદુઈ નૃત્ય કરતી, જંગલી પશુ જેવી ચબરાક અને નૃત્ય કરતી વખતે જેનું એક એક અંગ ગતિ કરે છે એવી ઉપમાઓ આપતા. માતા હરિ તેની સુંદરતાના કારણે નહીં, પણ તેની કોન્ફિડન્ટ પર્સનાલિટી અને સેક્સ અપીલના કારણે વધુ લોકપ્રિય હતી.  

માતા હરિએ એવો પણ ઢોંગ કર્યો કે, હું મૂળ જાવાની છું, પરંતુ નાનપણથી ભારતના પવિત્ર નૃત્યો શીખી રહી છું. માતા હરિ જેવા નામ અને થોડા જૂઠે એવો જાદુ કર્યો કે, યુરોપના અનેક કળા વિવેચકોએ તેના ડાન્સ શૉના લાંબા-લાંબા વર્ણનો છાપ્યા. હવે તો માતા હરિને એમિલ ગુઇમેત નામના એક ઉદ્યોગપતિનો સાથ મળી ગયો હતો. છેવટે વર્ષ ૧૯૦૬માં માર્ગારેટ અને રૂડોલ્ફ મેકલિયોડના છૂટાછેડા થઈ ગયા.

માતા હરિના પતિએ ગુઇમેત સાથેની નગ્ન અને અર્ધનગ્ન તસવીરોનો ઉપયોગ કરીને તેમના એકમાત્ર સંતાનની કસ્ટડી પણ મેળવી લીધી. હવે પેરિસમાં એકલવાયું જીવન વીતાવતી માતા હરિ અંદરથી દુ:ખી અને ઉપરથી બિંદાસ હતી.

માતા હરિ 'મહાન મહિલા જાસૂસ' હતી?

પહેલા વિશ્વ યુદ્ધ વખતે બ્રિટન, ફ્રાંસ, રશિયા સહિતના ૧૧ દેશ સામે જર્મની, ઓસ્ટ્રિયા, ઓટ્ટોમન સામ્રાજ્ય અને બલ્ગેરિયાએ ભેગા થઈને મોરચો માંડ્યો હતો. યુદ્ધની સ્થિતિ અગાઉ માતા હરિએ ફ્રાંસ અને જર્મનીમાં અનેક ડાન્સ શૉ કર્યા, જેના કારણે બંને દેશના શક્તિશાળી નેતાઓ અને લશ્કરી અધિકારીઓમાં તે લોકપ્રિય હતીએ વખતે માતા હરિના જીવનમાં પેલો વદિમ માસ્લો નામનો રશિયન સૈનિક આવી ગયો હતો. બ્રિટીશ અને ફ્રેન્ચ જાસૂસો આ વાત જાણતા હતા, જેથી તેઓ માતા હરિનો ઉપયોગ કરીને જર્મનીને જોરદાર નુકસાન પહોંચાડવા આતુર હતા. જોકે, મુશ્કેલી એ હતી કે, સામા પક્ષે જર્મની પણ માતા હરિનો ઉપયોગ કરીને બ્રિટન અને ફ્રાંસને નુકસાન પહોંચાડવાનું વિચારતા હતા. 

આ દરમિયાન વર્ષ ૧૯૧૬માં માતા હરિ માસ્લોને મળવાના ચક્કરમાં સ્પેનના માદ્રિડ શહેરમાં ફરજ બજાવતા જર્મન લશ્કરી અધિકારી મેજર આર્નોલ્ડ કાલેને મળી. આર્નોલ્ડ કાલે માતા હરિની મુલાકાત જર્મનીના ઉચ્ચ લશ્કરી અધિકારી સાથે કરાવવાનો હતો. તેઓ ઈચ્છતા હતા કે, માતા હરિ તેમના માટે જાસૂસી કરેઆ દરમિયાન મેજર કાલેએ બર્લિન રેડિયો સ્ટેશનને કોડ લેન્ગ્વેજમાં એક સંદેશ આપ્યો કે, જર્મન જાસૂસ એચ-૨૧ દ્વારા ઘણી મદદ મળી. આ સંદેશ ફ્રાંસના જાસૂસોએ આંતરી લીધો અને આ કોડ લેન્ગ્વેજ ઉકેલીને તેઓ એવા તારણ પર આવ્યા કે, એચ-૨૧ એટલે માતા હરિ.

પછી શું? ફ્રાંસે ૧૩મી ફેબ્રુઆરી૧૯૧૭ના રોજ પેરિસની એક ભવ્ય હોટેલમાંથી માતા હરિની ધરપકડ કરી. ફ્રાંસ લશ્કર અને ગુપ્તચર તંત્રે રજૂઆત કરી કે, માતા હરિ જર્મન જાસૂસ હતી. તેણે પહોંચાડેલી માહિતીના કારણે ૫૦ હજાર સૈનિકના મોત થયા હતા. આ આરોપના કારણે જ મીડિયાએ માતા હરિને 'મહાન જાસૂસ' તરીકે ચગાવી મૂકી. હકીકત એ હતી કે, માતા હરિએ જર્મનીને ફ્રેન્ચ નેતાઓ અને લશ્કરી અધિકારીઓની અંતરંગ વાતો અને સેક્સ કૌભાંડોની 'નકામી' માહિતી આપી હતી.

એવું કહેવાય છે કે, આવી નકામી માહિતી મેળવીને ગુસ્સે થયેલા જર્મનોએ જ માતા હરિને ફ્રાંસની જાસૂસી કરવાના કેસમાં ફસાવી દીધી હતી. આ કેસની સુનવણી વખતે માતા હરિએ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે, તેણે હંમેશા ફ્રેન્ચ લશ્કરને મદદ કરી હતી, પરંતુ આવું કરતા ફ્રાંસે પણ માતા હરિ પર 'ડબલ એજન્ટ'નો આરોપ મૂકી દીધો હતો.

***

માતા હરિના મૃત્યુના ૧૦૦ વર્ષમાં થયેલા અનેક સંશોધનો પરથી એવું સાબિત થઈ ગયું છે કે, માતા હરિએ પ્રેમી વદિમ માસ્લોને મળવાની લાલચમાં અથવા કોઈ મોટી મુશ્કેલીથી બચવા માટે જર્મની અને ફ્રાંસના લશ્કરી અધિકારીઓ વચ્ચે 'સંતુલન' રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વ્યવહારુપણું જ તેના માટે મોત બનીને આવ્યું હતું. ફ્રાંસે માતા હરિને જાસૂસી કાંડમાં સંડોવી દીધી હતી અને પછી તેનું ઠંડા કલેજે 'એન્કાઉન્ટર' કરવાનો હુકમ કર્યો હતો.

છેવટે આરોપો, પ્રતિ-આરોપો અને સુનવણીઓના દોર પછી ૧૫મી ઓક્ટોબર, ૧૯૧૭એ ફ્રેન્ચ ફાયરિંગ સ્ક્વૉડે માતા હરિને ગોળીઓથી વીંધીને મૃત્યુદંડ આપ્યો હતો. માતા હરિએ મોતનો સામનો કરતી વખતે આંખો પર કાળી પટ્ટી પહેરવાની ઘસીને ના પાડી દીધી હતી. જીવનની આખરી ક્ષણોમાં પણ તે એક ઉચ્ચ દરજ્જાની નર્તકીની જેમ સજીધજીને આવી હતી અને છાતીમાં ગોળીઓ ઝીલતા પહેલાં તેણે ફાયરિંગ સ્ક્વૉડને પણ ફ્લાઇંગ કિસ આપી હતી.

17 January, 2017

આઈ એમ નોટ યોર સુગર, આઈ એમ નોટ યોર પેટ્રોલ


આ કોઈ રેપ સોંગ નથીઅને નથી હંમેશાની જેમ કવિતા
હું તમને કંઈક પૂછવા માંગુ છુંજે ફક્ત તમારો થોડો સમય લેશે

આઈ એમ નોટ યોર સુગરઆઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ જીવતી જાગતી માણસ છુંઆત્મામાં અગ્નિ ધરાવતી

આ ખૂબ જ પેચીદું છેઆટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે?
અને એ પણ એના માટે કે જે એકદમ સ્પષ્ટ રીતે ખોટું છે

તમે કહો છો બધા જ પુરુષો આવા નથી
પરંતુ તમે મને કહી શકો કેબધા ગંદા પુરુષ ક્યાં જતા રહે છે?

અહીં બધે જ ફેશન શૉના જજીસ જેવું સંભળાય છે
એના કપડાં થોડા ટૂંકા છેતેની હિલ્સ ખૂબ મોટી છે

શરીર કેટલું ઢંકાયેલું છે એનાથી જ સ્ત્રીનું ચરિત્ર નક્કી થાય?
હું પણ એક માણસ છુંજીવતી જાગતીતમારા જ જેવી

મારે પણ સપનાં છેઈચ્છાઓ છે
સ્ત્રીઓને નથી જોઈતા તમારા વણમાંગ્યા ચુંબનો

આ એકદમ સીધીસાદી વાત છે,
તમે મને સ્પર્શી ના શકોતમને એ અધિકાર જ નથી

આપણે હજુયે કેમ ચૂપ છીએચાલો આ લડાઈ લડીએ
મિ. આઝમીને સોરી કહી દોમિ. પરમેશ્વરને પણ માફ કરી દઈએ

આ બધું જ દુષ્ટ વર્તનના કારણે જ થયું છે,
પશ્ચિમી સંસ્કૃતિના કારણે નહીં

આઈ એમ નોટ યોર સુગરઆઈ એમ નોટ યોર પેટ્રોલ
હું પણ એક માણસ છુંજીવતી જાગતીઆત્મામાં અગ્નિ ધરાવતી...

***

બેંગલુરુમાં ૩૧મી ડિસેમ્બરની મધરાત્રે અનેક યુવતીઓ છેડતીની ચર્ચા શરૂ થયા પછી મેંગલોરની સાત્શ્યા અન્ના થેયિરન નામની ૨૨ વર્ષની યુવતીએ મૂળ અંગ્રેજીમાં લખેલી કવિતાનો આ ભાવાનુવાદ છે. કવિઓનો કદાચ આ કવિતા 'પરફેક્ટના લાગેપરંતુ તેમાં મૂળ મુદ્દો હૃદય વીંધી નાંખે એમ સરળ રીતે રજૂ થઈ શક્યો છે. એટલે જ ફેસબુક પર વીડિયો ક્લિપ મૂકીને રજૂ કરાયેલી આ કવિતા વાયરલ થઈ ગઈ હતી. કમનસીબે કહેવું પડે છે કેબેંગલુરુ જેવી ઘટનાઓમાં નવું કશું નથી. હજુ આવતા વર્ષેય આવું ક્યાંક થશે! અબુ આઝમીઆઝમ ખાન કે જી. પરમેશ્વર જેવા નેતાઓ અને પોલીસની માનસિકતામાં પણ કોઈ જ ફર્ક નહીં પડે! આવા નેતાઓને લોકોનું સમર્થન પણ મળતું રહેશે.


સાત્શ્યા અન્ના થેરિયન

ઈવનએક ઓનલાઈન અંગ્રેજી પોર્ટલમાં પણ જી. પરમેશ્વરના વીડિયો મૂકીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરાયો હતો કેતેઓ કશું વાંધાજનક બોલ્યા જ નથી. તેઓ ફક્ત એટલું જ કહેતા હતા કે, ... લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છેપશ્ચિમી કપડાં પહેરે છેદારૂ પીવે છે અને પછી મોડી રાત્રે છેડતીઓ શરૂ થાય છે. ગયા વર્ષે પણ આવું થયું હતું. એટલે અમે ૧૫ હજાર જેટલા પોલીસ જવાન તૈનાત કર્યા હતા...

ચાલો માન્યું. ગૃહ મંત્રીએ ગયા વર્ષની છેડતીની ઘટનાઓ ધ્યાનમાં રાખીને આ વર્ષે પોલીસ ખડકી હતી એ સારું થયું. કદાચ એટલે જ બેંગલુરુની એ બિહામણી રાત્રે હૃદય વીંધતી કોઈ માનવસર્જિત ચીખ ના સંભળાઈ. જી. પરમેશ્વરે પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી એ વાત પછીએ પહેલાં એમની વાતમાં બીજું પણ કંઈક પડઘાય છેતેની વાત કરીએ. જેમ કેગયા વર્ષે પણ આવી જ છેડતીઓ થઈ હતી. આવું કેમઆપણે ઉજવણી કરતી વખતેદારૂ પીને ભાન કેમ ભૂલી જઈએ છીએભેગા થતાં જ 'ટોળુંકેમ બની જઈએ છીએલોકોને પરેશાની થાય એવું ન્યૂસન્સ કેમ કરીએ છીએકોલેજના યૂથ ફેસ્ટિવલોમાં પણ આવો જ માહોલ હોય છે! મલ્ટીપ્લેક્સમાં પણ આવા વિકૃતો આવે છેજે 'હાઈ વેજેવી સંવેદનશીલ ફિલ્મ જોતા હોય કે પછી 'પિંક'. તેમને કોઈ જ ફર્ક નથી પડતો. એ લોકો સતત સેક્સિસ્ટ કમેન્ટ કરીને બધાને ખલેલ પહોંચાડયા કરે છે અને આખા થિયેટરમાં કોઈ મર્દ એમને ચૂપ રહેવાનું કહેતો નથી.

આ એવા જ લોકો હોય છેજેમને એકલી કે ગભરુ છોકરીને જોઈને મર્દાનગી બતાવવામાં કિક વાગે છે. સોશિયલ મીડિયામાં પણ રોગિષ્ઠ મનોદશા ધરાવતા મર્દો વિચરતા હોય છે, જેમાં એકદમ વિકૃત માનસિકતા ધરાવતા પુરુષોથી માંડીને જે તે ક્ષેત્રના સિનિયર હોય એવી રીતે ચરકતા, હંમેશા જોક કરતા, હસતા રહેતા, ક્યારેક સરસ દાઢી ધરાવતા અને વિદ્વતાનો અંચળો ઓઢીને ફરતા મર્દો પણ હોય છે. આ પ્રકારના મર્દો ફ્રેન્ડ્સને પર્સનલ મેસેજીસ કરીને સતત સંપર્કમાં રહેવા આતુર હોય છે, પણ ફક્ત વિમેન ફ્રેન્ડ્સ સાથે જ. જોકે, આ પ્રકારના મર્દો વચ્ચે સરળતાથી ભેદ પાડવો અઘરો હોય છે, પરંતુ મહિલાઓને અનુભવે આ વાત સમજાઈ જતી હોય છે! બેંગલુરુની ઘટનાથી વ્યથિત થઈને વિરોધવંટોળ શરૂ થયોતો ટ્વિટર પર 'નોટ ઓલ મેનહેશટેગ ટ્રેન્ડિંગ થયું. એટલે કેબધા જ પુરુષો 'એવાનથી હોતા! આ ટ્રેન્ડ થતાં જ અનેક સ્ત્રીઓના ભવાં તંગ થઈ ગયા. ફરી કોઈએ ટ્વિટ કરી કેઅમે બધા જ પુરુષોનો દોષ કાઢીએ છીએ કારણ કેદરેક બળાત્કારી પુરુષ જ હોય છે. ફરી પાછો જવાબ આવ્યો કેબધા જ પુરુષો બળાત્કારી નથી હોતા એ વાત તમે ભૂલી ગયા છો. વગેરે.

આપણી તકલીફ જ આ છે. આપણે આડી-અવળી એટલી બધી ચર્ચા કરીએ છીએ કેમૂળ મુદ્દો જ ભૂલાઈ જાય છે. ભારતીય સમાજમાં 'એનાલિટિકલ ડિસ્કશનથઈ શકતું નથી. આ વાતનું પ્રતિબિંબ ન્યૂઝ ચેનલોમાં ટીઆરપી ઉઘરાવતા શૉમાં પણ ઝીલાય છે. યુવતીઓની છેડતી થઈ એ એ ખોટું થયું એ વાતને વળગી રહેવાના બદલે જી. પરમેશ્વર અને અબુ આઝમી જેવા નેતાઓએ પશ્ચિમી સંસ્કૃતિની ટીકા કરી અને પછી શરૂ થયેલી મીડિયા ટ્રાયલમાં ગંભીર મુદ્દા જ ભૂલાઈ ગયા. જોકેપરમેશ્વર કરતા અબુ આઝમીનું નિવેદન વધારે વાંધાજનક હતું. આઝમીએ કહ્યું હતું કે, ''પેટ્રોલ હોય ત્યાં આગ તો લાગવાની જ. ખાંડ નાંખો તો કીડીઓ તો જમા થવાની જ.'' બે વર્ષ પહેલાં તો આઝમીએ બળાત્કાર અને લગ્નેતર સંબંધ માટે યુવતીઓને સજા કરવાની માગ કરી હતી.

જોકેઆપણે ફક્ત નેતાઓ પર જ દોષનો ટોપલો કેમ ઢોળવો જોઈએબોલો! 'પિંકફિલ્મ જોઈને પણ અનેક લોકોએ સવાલ કર્યો હતો કેકોઈ છોકરી અજાણ્યા લોકો સાથે પાર્ટી કરેદારૂ પીએદારૂ પીરસે અને નોન વેજ જોક કરે- આવું જોખમ ખેડવાની શું જરૂર છેમુદ્દો એ છે કેયુવતીઓએ ફિલ્મો જોઈને જે સમજવું હશે એ સમજી લેશે પણ મર્દોએ પણ તેમાંથી કંઈક શીખવું જોઈએ નેસેક્સ વર્કર હોય કે પત્ની- 'નો મિન્સ નોજ હોય એ વાત સમજતા ખબર નહીંઆપણને કેટલી સદીઓ લાગશે! આ પ્રકારના મુદ્દે આપણે હંમેશા બે છેડાના અભિપ્રાયો (ટુ એક્સટ્રિમ્સ) વચ્ચે અટવાઈ જઈએ છીએ. અત્યારે સવાલ ફક્ત એ છે કેસ્ત્રી પીડિત હોય તો પણ સ્ત્રીને જ કેમ કઠેડામાં ઊભી કરી દેવાય છેઆપણા નેતાઓની માનસિકતા કેમ આવી છે અને પોલીસ પણ સ્ત્રીને ગુનેગાર તરીકે જ કેમ જુએ છેમોડર્નફન લવિંગઓપન માઈન્ડેડ અને કોન્ફિડન્ટ યુવતીઓને જોઈને બીજી ‘પછાત’ સ્ત્રીઓના પેટમાં કેમ દુઃખે છેઆવી સ્ત્રી એક સરેરાશ ભારતીય સાસુથી પણ સહન નથી થતી. આ સ્ત્રીઓને મહિલા પોલીસની પણ સહાનુભૂતિ કેમ નથી મળતીફરી યાદ કરો 'પિંક'.

કાન સરવા કરીએ તો આપણી આસપાસ પણ નેતાઓ અને પોલીસની ભાષા બોલતા લોકો સંભળાય જ છે. એટલે ફક્ત તેમનો વાંક કાઢવાનો કોઈ અર્થ નથી. ભારતમાં પશ્ચિમી સંસ્કૃતિને ગાળો કોણ નથી દેતું? એટલે જ તો આવા બબુચક નેતાઓ ચૂંટાઈ આવે છે. લોકોનો જ તેમને સહકાર છે. આપણે વડીલો, સાધુ-સંતો અને આસપાસના લોકોના મોંઢે અનેકવાર પશ્ચિમી સંસ્કૃતિની ટીકા સાંભળી ચૂક્યા છીએ. પશ્ચિમી સંસ્કૃતિને ગાળો દઈને ઘેનમાં રહેવું એ આપણો સૌથી ફેવરિટ ટાઈમ પાસ છે. એવું કરવાથી ગિરેબાનમાં ઝાંખવામાંથી મુક્તિ મળી જાય છે કારણ કે, કદાચ આપણે આપણી ઓકાતનો સામનો કરવા નથી માગતા! જો ફક્ત પશ્ચિમી કપડાં પહેરવાથી જ છેડતી-બળાત્કારો થતાં હોય તો કુમળી વયના બાળકો (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર કેમ થાય છે? બસોમાં, ઓફિસોમાં, સ્કૂલોમાં, કોલેજોમાં અને ભીડભાડ ધરાવતા  તમામ સ્થળોએ કઈ સ્ત્રી ટૂંકા કપડાંમાં હોય છે? એટલે જ આપણે જ્યારે એમ કહીએ છીએ કે, સ્ત્રીઓની સુરક્ષાની જવાબદારી ફક્ત તેમની છે ત્યારે જ પુરુષોની મર્દાનગીનું સૂરસૂરિયું થઈ જાય છે.

શું ભારતીય પુરુષ સેક્સ્યુઅલી ફ્રસ્ટ્રેટેડ છે? આ સવાલના ઊંડાણમાં ઉતરવાનો આ જ યોગ્ય સમય છે. સવાલોના જવાબ શોધવાના બદલે પલાયનવૃત્તિ અપનાવી લીધી હોવાથી જ કદાચ આપણે આર્થિકસામાજિકસાંસ્કૃતિક અને બૌદ્ધિક સ્તરે પશ્ચિમી દેશો જેટલી ઝડપથી આગળ નથી વધી શક્યા. પશ્ચિમી સંસ્કૃતિનું કહેવાતું 'આક્રમણન હતું ત્યારે પણ છેડતીઓ અને બળાત્કારો થતાં જ હતા. વર્ષ ૧૯૩૯માં એક પંજાબી છોકરીએ ગાંધીજીને પત્ર લખીને રોજેરોજ થતી છેડતી અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ પહેલી જાન્યુઆરી૧૯૩૯ના રોજ 'હરિજનબંધુમાં એ પત્રના અંશો પ્રગટ કર્યા હતા. વાંચો.

- ...અને તેમને આમ એકલા જતાં જતાં જુએ છે એટલે દુષ્ટ માણસો તેમની પાછળ પડે છે. તેઓ બાજુએ થઈને ચાલતાં ભૂંડી અશ્લીલ ભાષા ઉચ્ચારે છે અને જો આસપાસ ડરવા જેવું ન જુએ તો એથી પણ વધુ છૂટ લેવાની હિંમત કરતાં અચકાતા નથી. આવે પ્રસંગે અહિંસા કઈ રીતનું કામ આપી શકે એ જાણવા ઈંતેજાર છું...

- ... તમને દુઃખ અને આશ્ચર્ય થશે કે દીવાળી વગેરે તહેવારો દરમ્યાન છાપાંવાળા એવી જાહેર ચેતવણીઓ છાપે છે કેસ્ત્રીઓએ રોશનાઈ વગેરે જોવા સારુ પણ ઘર છોડી ન નીકળવું. આ એક જ વાત પરથી આપ જોશો કેઆ તરફ અમારી કેવી દયામણી હાલત છે! આવી ચેતવણીઓ છાપનારાઓને કે તેના વાંચનારાઓને કોઈને જ એ વાતનું ભાન નથી કે આવી ચેતવણીઓ છાપવી પડે એમાં તેમની કેવડી મોટી શરમ સમાયેલી છે...

એ છોકરીએ ગાંધીજીને લખેલા પત્રોના આ અંશો વાંચીને આપણે અનુમાન કરી જ શકીએ છીએ કે, આટલા વર્ષો પહેલાયે છેડતી કરનારા હતા જ. બળાત્કારો પણ થતાં જ હશે! દીવાળીની ભીડમાં રોશની જોવા યુવતીઓએ બહાર નહીં નીકળવું એવી ચેતવણીઓ ગાંધીયુગમાં છાપવી પડતી હતી અને સાલું હજુયે ભારતીય પુરુષ ત્યાંનો ત્યાં જ છે. એ છોકરીને ગાંધીજીએ શું જવાબ આપ્યો એ વાત મહત્ત્વની જ નથી. મહત્ત્વનું એ છે કેઆપણે એક પ્રજા તરીકે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યાનબળી માનસિકતા ધરાવતા માણસો ભેગા થઈને નબળો સમાજ જ રચે છે. આપણે એક પ્રજા તરીકે વિકસિત થવા માગીએ છીએ કે પછી હજુયે અનેક પેઢીઓને આવી જ પછાત માનસિકતા આપવા માગીએ છીએ

લેખની શરૂમાં મૂકેલી કવિતામાં સાત્શ્યા સાચું જ કહે છે. સ્પષ્ટ રીતે ખોટું છે એની આટલી ચર્ચા કેમવિમેન્સ આર નોટ મેન્સ સુગરવિમેન્સ આર નોટ મેન્સ પેટ્રોલ.

05 January, 2017

મન કા ગોતાખોર ડૂબ ગયા ઉભરકર


આજે કોઈ પ્રાંતીય ભાષાની નવલકથાની પણ એકાદ લાખ નકલો નથી છપાતી અને તેનો ૧૯ ભાષામાં અનુવાદ થાય એ તો બહુ દૂરની વાત છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' નામનું પુસ્તક તળાવો જેવા 'બોરિંગ' વિષય પર લખાયેલું હોવા છતાં આ સિદ્ધિ મેળવી શક્યું છે.

વર્ષ ૧૯૯૩માં પહેલીવાર હિંદીમાં પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધી એક લાખથી પણ વધુ નકલો ખપી ગઈ છે. એન્વાયર્મેન્ટ નોન-ફિક્શન કેટેગરીમાં તો આ બહુ મોટી સિદ્ધિ છે. પાણીના મુદ્દે કામ કરતી દેશભરની સ્વૈચ્છિક સંસ્થાઓ માટે 'આજ ભી ખરે હૈ તાલાબ' 'હેન્ડબુક' સમાન છે. આ પુસ્તકનું મહત્ત્વ સમજીને નેશનલ બુક ટ્રસ્ટે તેનું ૧૩ ભાષામાં પ્રકાશન કર્યું છે અને બ્રેઈલ લિપિમાં પણ તે ઉપલબ્ધ છે. ફ્રાંસની પેરિસ યુનિવર્સિટીમાં પર્યાવરણ, પાણીની તંગી અને પાણીના સંગ્રહની પરંપરાગત રીતો જેવા અનેક વિષયોમાં તેનો અભ્યાસ કરાવાય છે. 'આજ ભી ખરે હૈ તાલાબ' અંગ્રેજીમાં આવ્યું એ પહેલાં તેનો ફ્રેંચમાં અનુવાદ થઈ ગયો હતો. આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને મોરોક્કોના શાહે ત્યાંના રણપ્રદેશોમાં તળાવ બનાવીને પાણીનો સંગ્રહ કરવાની યોજના શરૂ કરી હતી. 'આજે પણ સાચાં છે તાલાબ' નામે ગુજરાતીમાં પણ આ પુસ્તક ઉપલબ્ધ છે, જેનો અનુવાદ દિનેશ સંઘવીએ અને પ્રકાશન ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન- નવી દિલ્હીએ કર્યું છે.

ઈતિહાસ ખોટો લખાય ત્યારે કેવા પરિણામો આવે?

'લાખો મેં એક' એવા આ પુસ્તકના લેખક અનુપમ મિશ્રનું ૧૯મી ડિસેમ્બર, ૨૦૧૬ના રોજ ૬૮ વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ એક વર્ષથી પ્રોસ્ટેટ કેન્સરને હંફાવી રહ્યા હતા. 'આજ ભી ખરે હૈ તાલાબ' માટે તેમણે આઠ વર્ષ દેશભરમાં રઝળપાટ કરીને તળાવો વિશે માહિતી ભેગી કરી હતી તેમજ રાજા-મહારાજાઓ અને અંગ્રેજોના જમાનાના ગેઝેટિયરો પણ ફેંદી નાંખ્યા હતા. મિશ્રનું માનવું હતું કે, અંગ્રેજો જે વિસ્તારોને સૂકાભઠ સમજતા હતા ત્યાં તો આપણે તળાવોની મદદથી પાણીની જરૂરિયાત સંતોષી જ લેતા હતા, પરંતુ કાળક્રમે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ આપણે ભૂલી ગયા!
મૂળ હિંદીમાં લખાયેલું પુસ્તક

આ મુદ્દો સમજાવતા મિશ્રએ 'આજ ભી ખરે હૈ તાલાબ'માં અંગ્રેજ રાજ વખતના એક ગેઝેટિયરનો ઉલ્લેખ કર્યો છે :  ''... તેમાં જેસલમેરનું વર્ણન ખૂબ જ બિહામણું છે. ગેઝેટિયરમાં લખ્યું છે કે, અહીં એક પણ બારમાસી નદી નથી. ભૂજળ ૧૨૫ ફૂટથી ૨૫૦ ફૂટ અને ક્યાંક ક્યાંક તો ૪૦૦ ફૂટ જેટલી ઊંડાઈએ છે, વરસાદ બહુ જ અલ્પ છે, માત્ર ૧૬.૪ સે.મી. છેલ્લાં સિત્તેર વર્ષના અધ્યયન અનુસાર વર્ષના ૩૬૫ દિવસોમાંથી ૩૫૫ દિવસો સૂકા હોય છે...''

ગેઝેટિયરમાંથી આટલું વર્ણન ટાંકીને મિશ્ર પોતાનો મુદ્દો રજૂ કરે છે, જે ધ્યાનથી સમજવા જેવો છે. ''... એટલે ૧૨૦ દિવસની વર્ષાઋતુ અહીં પોતાના અલ્પતમ રૂપમાં કેવળ દસ દિવસ માટે આવે છે. પરંતુ આ બધો હિસાબ-કિતાબ કેટલાક નવા લોકોનો છે. મરુભૂમિના સમાજે માત્ર દસ દિવસની વર્ષામાં કરોડ કરોડ બિંદુ જોયાં અને પછી એકત્ર કરવાનું કામ ઘેર ઘેર, ગામ ગામ અને પોતાના શહેરોમાં પણ કર્યું. આ તપશ્ચર્યાનું ફળ સામે દેખાય છે. જેસલમેર જિલ્લામાં આજે ૫૧૫ ગામો છે. એમાંથી ૫૩ ગામો કોઈને કોઈ કારણે ઉજ્જડ થયા છે, આબાદ છે ૪૬૨. આમાંથી કેવળ એક ગામ છોડીને એક્કએક ગામમાં પીવાના પાણીની સમૂચિત વ્યવસ્થા છે. વેરાન થઈ ગયેલા ગામોમાં પણ આ વ્યવસ્થા જોવા મળે છે. સરકારના આંકડા મુજબ જેસલમેર જિલ્લાનાં ૯૯.૭૮ ગામોમાં તળાવ, કૂવા અને અન્ય સ્રોત છે...''

આ મિશ્રનું તારણ છે. તેઓ અંગ્રેજોને સમજી-વિચારીને 'નવા લોકો' કહે છે. અંગ્રેજો અહીંની મુશ્કેલીઓ શું છે અને ભારતીયોએ તેનો શું ઉપાય શોધ્યો છે તેનાથી પૂરેપૂરા વાકેફ ન હતા. એટલે જ મિશ્ર કહે છે કે, રણપ્રદેશના સમાજે તો દસ દિવસના વરસાદમાં પણ પાણીની કરોડો બુંદ જોઈ અને તેને તળાવોમાં ભેગા કરીને પાણીનો પ્રશ્ન જ હલ કરી નાંખ્યો! ક્યા ખૂબ! મિશ્રે સાબિત કર્યું હતું કે, દેશના અનેક વિસ્તારોમાંથી પાણીની તંગી દૂર કરવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય તળાવો, સરોવરો, કૂઈ, કૂવા, વાવ, ટાંકા, કૂંડી અને ચાલ (પહાડી વિસ્તારોમાં જોવા મળતા ઢોળાવ ધરાવતા નાના કૂંડ) જ છે. નહેરોમાં તો નદીઓના વહેણ બદલીને પાણી લાવવામાં આવે છે, જ્યારે આ પરંપરાગત પદ્ધતિઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરાય છે. એટલે પર્યાવરણની દૃષ્ટિએ પણ  આ વધુ સારી પદ્ધતિઓ છે.

જૂના જ્ઞાનનું દસ્તાવેજીકરણ ના થાય અને જે તે પ્રદેશનો ઈતિહાસ 'બહારના લોકો' પોતાની દૃષ્ટિએ લખે ત્યારે આવા પરિણામો આવે!

તળાવની ભાષા એટલે ગજધર અને અંબુ તસ્કર

પાણી સાચવવાનું પરંપરાગત જ્ઞાાન ખતમ થઈ રહ્યું હોવાથી સંસ્કૃતિ અને ભાષાને પણ નુકસાન થઈ રહ્યું છે! આ વાત સમજાવતા મિશ્ર લખે છે કે, ''... તળાવ સ્વયં એક મોટું શૂન્ય છે. પરંતુ તળાવ કંઈ પશુની ખરીથી બનેલો એવો કોઈ ખાડો નથી કે જેમાં વરસાદનું પાણી પોતાની મેળે ભરાઈ જાય! આ શૂન્યને બહુ સમજી-વિચારીને, ખૂબ આયોજનપૂર્વક બનાવવામાં આવે છે. નાનકડાથી માંડીને તે એક મોટા સુંદર તળાવના કેટલાય અંગ-પ્રત્યંગ હોય છે. દરેકનું એક વિશેષ કામ હોય છે. અને દરેકનું એક વિશેષ નામ પણ. તળાવની સાથે સાથે એને બનાવનારા સમાજની ભાષા અને બોલીનો એ સમૃદ્ધ પુરાવો હતો. પણ જેમ જેમ સમાજ તળાવની બાબતમાં ગરીબ બન્યો છે, તેમ તેમ ભાષામાંથી પણ આ નામો, શબ્દો ધીરે ધીરે લુપ્ત થતા ગયા છે...''

અનુપમ મિશ્ર

તળાવ બનાવનારને શું કહેવાય? મિશ્ર પાસે જવાબ છે :  ''...ગજધર એક ખૂબ જ સુંદર શબ્દ છે, તળાવ બનાવનારાઓને આદર સહિત યાદ રાખવા માટે. રાજસ્થાનના કોઈ કોઈ ભાગમાં આ શબ્દ આજે પણ સાંભળવા મળે છે. ગજધર એટલે કે જે ગજને ધારણ કરે છે અને ગજ એ કે જે માપવાના કામમાં આવે છે. પરંતુ આમ છતાં સમાજે તેમને માત્ર ત્રણ હાથની લોઢાની છડ લઈને ફરતો માત્ર મિસ્ત્રી કે કડિયો ન માન્યો. ગજધર તો સમાજનું ઊંડાણ માપી લે - એમને એવું સ્થાન અપાયું હતું...''

રાજસ્થાનમાં તો સૂરજ 'સોળે કળા'એ તપતો હોય છે. અહીં તળાવ બનાવીએ તો સૂરજ જ બધું પાણી ખેંચી લે, પરંતુ તળાવ એવી રીતે બનાવવામાં આવે છે, જેથી સૂરજના તાપમાં પાણીનું ઓછામાં ઓછું બાષ્પીભવન થાય. મિશ્ર આ મુદ્દો પણ સમજાવે છે :  ''... તપતો સૂરજ તળાવનું એ બધું પાણી ખેંચી લેશે. કદાચ તળાવના સંદર્ભમાં જ સૂરજનું એક વિચિત્ર નામ અંબુ તસ્કર (પાણી ચોર) રાખવામાં આવ્યું છે. ચોર હોય સૂરજ જેવો અને આગર એટલે કે ખજાનો હોય ચોકીદાર વિનાનો તો પછી ચોરી થવામાં વાર શું લાગે? આ ચોરીને અટકાવવા માટે પૂરતી કોશિષ કરવામાં આવે છે...''

તળાવનું પાણી અંબુ તસ્કરથી બચાવવા સદીઓ પહેલાં લોકો શું કરતા હતા? અરે, તળાવ બનાવવું, ભરાઈ જવું, ખાલી થવું, તેનું પાણી ઊલેચવું અને ખેતરો સુધી લઈ જવું- એ બધી જ ઘટનાઓ વખતે ભવ્ય ઉત્સવો ઊજવાતા અને એ બધું જ એક મહાન સંસ્કૃતિનો નાનકડો હિસ્સો હતા. આ બધું જાણવા માટે તો આ પુસ્તક જ ઘૂંટડે ઘૂંટડે પીવું પડે. કમનસીબે આજે ઘણું બધું લુપ્ત થઈ ગયું છે, થઈ રહ્યું છે.

આઝાદ ભારતે પોતાની મુશ્કેલીઓના ઉપાય શોધતી વખતે સ્થાનિક સંસ્કૃતિ અને જ્ઞાાનનું મહત્ત્વ જ ના સમજ્યું. એટલું જ નહીં, દરેક મુશ્કેલીનું 'ઈનોવેટિવ સોલ્યુશન' શોધવાના બદલે 'જુગાડ' કર્યો અને પોતાની જ સમૃદ્ધ સંસ્કૃતિનો મહદ્અંશે વિનાશ કર્યો, એ પણ આ પુસ્તકમાં 'બિટ્વિન ધ લાઈન્સ' વાંચવા મળે છે.

જ્ઞાન આપવા પુસ્તકના કોપીરાઈટ ના લીધા

આમ, અનુપમ મિશ્રે અત્યંત રસાળ અને સીધીસાદી ભાષામાં, ફક્ત ૧૦૦ પાના અને નવ પ્રકરણમાં તળાવોનો નાનકડો એન્સાઇક્લોપીડિયા લખી નાંખ્યો છે. એટલે જ આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી હજારો ખેડૂતો તે વાંચીને પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત રીતો અને તેની પાછળનું રહસ્ય શું હતું એ સમજી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે, ભારતના અનેક અંતરિયાળ વિસ્તારો સુધી આ પુસ્તકની ફોટોકોપી પણ પહોંચી ગઈ છે! મિશ્રનો હેતુ આ જ હતો. એક લેખક માટે આનાથી મોટી સિદ્ધિ શું હોઈ શકે!

ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકનું મુખપૃષ્ઠ અને અનુક્રમણિકા


પાણીનો સંગ્રહ કરવાની પ્રાચીન પદ્ધતિઓ પર કરેલા સંશોધનમાંથી મિશ્રના હસ્તે વર્ષ ૧૯૯૫માં બીજું પણ એક સીમાચિહ્નરૂપ પુસ્તક જન્મ્યું, 'રાજસ્થાન કી રજત બુંદે'. મૂળ હિન્દીમાં લખાયેલું આ પુસ્તક પણ બીજી ભાષાઓમાં ઉપલબ્ધ છે. પરંતુ આ ભૂલાયેલું જ્ઞાાન ઘરે ઘરે પહોંચે એ માટે મિશ્રએ એ બંને પુસ્તકના કોપીરાઈટ નહોતા કરાવ્યા. આ પુસ્તકોના વખાણ સાંભળીને તેઓ સહજતાથી બોલતા કે, આપણે તો બાબુ આદમી કે ક્લાર્કનું જેવું કામ કરીએ છીએ, સમાજે જે કંઈ સારું કર્યું છે એ લખવાનું કામ કરી રહ્યા છીએ...

મિશ્ર અંગ્રેજી પણ ખૂબ સારું જાણતા હતા, પરંતુ પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રમાં પાયાનું કામ કરવા માટે તેમણે 'હિન્દી મિજાજ' અપનાવી લીધો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેમણે પ્રતિષ્ઠિત ટેડ (ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ એન્ડ ડિઝાઈન) ટૉકમાં 'ધ એન્સિયન્ટ ઇનજેન્યુઇટી ઓફ વૉટર હાર્વેસ્ટિંગ' વિષય પર અંગ્રેજીમાં ભાષણ આપ્યું ત્યારે પર્યાવરણ મુદ્દે કામ કરતા વિદ્યાર્થીઓ તો ઠીક, અઠંગ પર્યાવરણવિદે પણ તેમની જ્ઞાાનવાણી સાંભળીને દંગ રહી ગયા હતા. ત્યાર પછી વિશ્વમાં આઠેક લાખ લોકોએ એ ભાષણ ઓનલાઈન સાંભળ્યું હતું. મિશ્ર રાજકારણ અને નવી દિલ્હીના 'ઈકો ફ્રેન્ડ્લી ક્લાસ'થી અંતર જાળવી શક્યા હતા, એટલે 'મીડિયા હાઇપ'નો ક્યારેય ભોગ નહોતા બન્યા.

મિશ્રને ભાષાવારસો પિતાજી તરફથી મળ્યો હતો. તેમના પિતા ભવાનીપ્રસાદ મિશ્ર (માર્ચ ૧૯૧૩-ફેબુ્રઆરી ૧૯૮૫) હિન્દીના વિખ્યાત કવિ અને લેખક હતા. ભવાનીપ્રસાદ ગાંધીવિચારોથી પ્રભાવિત હતા. તેમણે ગાંધીજી પર ૫૦૦ કવિતા લખી હતી. આ કવિતાઓનું પુસ્તક 'ગાંધી પંચશતિ' નામે પ્રકાશિત થયું છે. અનુપમ મિશ્રને ગાંધીવિચારનો વારસો પણ પિતા તરફથી જ મળ્યો હતો. કદાચ આ વારસાના કારણે જ અનુપમ મિશ્ર જીવનની અંતિમ ક્ષણ સુધી મનગમતા કામમાંથી આનંદ લેતા ગયા અને માર્ગમાં આવતા હજારો લોકોને પોતાના બનાવતા ગયા.

અને છેલ્લે એક વાત.વર્ષ ૨૦૧૧માં ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે અનુપમ મિશ્ર હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ''...નોકરીઓ કરો, પરંતુ સમાજ માટે પણ કંઈક કરો. આ ખરાબ સમયમાં થોડું આત્મનિરીક્ષણ કરીને તમારામાં રહેલી શક્તિઓને જાણો. એવી જ રીતે, સમાજના પણ સારા ગુણો જુઓ. તો જ તમને સમાજમાં દરેક સ્તરે ગાંધી હોવાનો અહેસાસ થશે...''

***

ભારતની નદીઓ અને જંગલોના પણ અઠંગ અભ્યાસુ

ટેડ ટૉકમાં અનુપમ મિશ્ર
અનુપમ મિશ્રે તળાવો અને રાજસ્થાન પર લખેલા પુસ્તકો માઈલસ્ટોન સમાન છે એ વાત ખરી, પણ ફક્ત તેના આધારે તેમનું મૂલ્યાંકન કરવું તેમને અન્યાય કરવા બરાબર છે. અનુપમ મિશ્રનો જન્મ વર્ષ ૧૯૪૮માં મહારાષ્ટ્રના વર્ધામાં થયો હતો અને બાળપણ પણ ત્યાં જ વીત્યું. સિત્તેરના દાયકામાં તેમણે ચંડીપ્રસાદ ભટ્ટ સાથે ઉત્તરાખંડના ચિપકો આંદોલનમાં ઝંપલાવ્યું અને એ પછી તેઓ આ જ ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. વૃક્ષો કપાતા રોકવા હજારો લોકો થડને ચીપકીને એક અનોખું આંદોલન શરૂ કરી દે એ ઘટનાથી અનુપમ મિશ્ર ઘણાં પ્રભાવિત હતા. ચિપકો આંદોલન વિશે પણ તેઓ અંગ્રેજી પુસ્તક લખી ચૂક્યા છે. 

એ પછી મિશ્રે દિલ્હીથી પ્રકાશિત થતાં 'પ્રજાનીતિ' નામના હિન્દી અખબારમાં કામ કર્યું. આ દરમિયન ઉદ્યોગપતિ રામનાથ ગોએન્કાએ 'જનસત્તા' નામનું હિન્દી અખબાર શરૂ કર્યું, જેના તંત્રીપદે જાણીતા પત્રકાર પ્રભાસ જોશી હતા. જોશીએ મિશ્રને 'જનસત્તા'માં જોડાઈ જવા બહુ મનાવ્યા, પરંતુ મનગમતું કામ કરવાની જિદના કારણે તેઓ લખતા રહ્યા પણ 'પ્રોફેશનલ જર્નાલિસ્ટ' ના બની શક્યા. ગાંધી પીસ ફાઉન્ડેશનના દ્વિમાસિક 'ગાંધી માર્ગ'ના પણ તેઓ તંત્રી હતા.

મિશ્ર પાણીનો સંગ્રહ કરવાની પરંપરાગત પદ્ધતિઓના જ નહીં, આખા ભારતની નદીઓ અને જંગલ સિસ્ટમના અઠંગ અભ્યાસુ હતા. ગંગા સહિતની નદીઓના સ્વચ્છતા અભિયાન, નહેરોના બાંધકામ, નદીકિનારા અને જંગલ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ સહિતના તમામ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ હતા. આ તમામ મુદ્દે તેઓ જીવનભર કામ કરતા રહ્યા, લખતા રહ્યા અને ભાષણો આપતા રહ્યા. આ કામ બદલ મિશ્રને અમર શહીદ ચંદ્રશેખર આઝાદ (૨૦૦૮) અને જમનાલાલ બજાજ (૨૦૧૧) પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

શીર્ષક પંક્તિ- ભવાનીપ્રસાદ મિશ્ર (અનુપમ મિશ્રના પિતા)