24 February, 2015

બ્રહ્માંડને સમજવાનો હેતુ એ જ મારો ધર્મ


''બ્રહ્માંડનો હેતુ સમજવાનો પ્રયાસ ધર્મ છે, જ્યારે બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે એ સમજવાનો પ્રયાસ વિજ્ઞાન છે. જો બ્રહ્માંડનો કોઈ હેતુ કે અર્થ હોય તો એવું કંઈ ચોક્કસ છે, જે તેને ચલાવી રહ્યું છે.'' આ વાત જુદી જુદી રીતે અનેકવાર આપણે સાંભળી અને વાંચી છે. જોકે, આ ગૂઢ અવતરણ કોઈ સંત, મહાત્મા કે તત્ત્વજ્ઞાનું નહીં પણ વીસમી સદીમાં સૌથી વધુ પ્રયોગો કરનારા ભૌતિક વિજ્ઞાનીનું બિરુદ મેળવનારા ચાર્લ્સ ટાઉન્સનું છે. દરેક બાબતમાં ભારે જિજ્ઞાસાવૃત્તિ રાખનારા ચાર્લ્સ ટાઉન્સે અણુ-પરમાણુમાં ઊંડો રસ લઈને લેસર લાઈટ તેમજ બ્રહ્માંડને લગતી વિવિધ થિયરીનો અભ્યાસ કરીને અવકાશ વિજ્ઞાનમાં ઘણી મહત્ત્વની અને પાયાની ગણાતી બ્લેક હૉલની શોધમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ ૧૯૬૪માં તેમને લેસર લાઈટની શોધ કરવા બદલ બે રશિયન ભૌતિક વિજ્ઞાનીઓ સાથે સંયુક્ત ધોરણે નોબલ પુરસ્કાર મળ્યો હતો. લેસર લાઈટની ક્રાંતિકારી શોધ ચાર્લ્સ ટાઉન્સે સમગ્ર ભૌતિક વિજ્ઞાન જગત તેમજ સમાજને આપેલી અણમોલ ભેટ છે. આ મહાન વિજ્ઞાનીનું ૨૭મી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ ૯૯ વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું છે.

ચાર્લ્સ ટાઉન્સના વતન ગ્રીન વિલે, સાઉથ કેરોલિનામાં વર્ષ 2006માં
ચાર્લ્સના શિલ્પનું અનાવરણ થયું એ પ્રસંગે પત્ની ફ્રાંસ સાથે... 

વર્ષ ૧૯૮૬માં નિવૃત્ત થતા પહેલાં ચાર્લ્સ ટાઉન્સે વીસ વર્ષ અમેરિકાના બર્કલેમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં અધ્યાપક અને સંશોધક તરીકે ફરજ બજાવી હતી. ટાઉન્સના જીવનનું સૌથી રસપ્રદ પાસું એ છે કે, તેમને જ્યારે પણ તક મળી ત્યારે તેમણે વિજ્ઞાનની એક જ શાખામાં નહીં પણ અણુથી લઈને અવકાશ વિજ્ઞાનમાં ભારે રસ લઈને ક્રાંતિકારી સંશોધનો કર્યા હતા. અમેરિકામાં ત્રીસીના દાયકામાં મહામંદીની શરૂઆત થઈ ત્યારે ટાઉન્સને અધ્યાપક તરીકે નોકરી મળતી ન હતી અને તેથી તેઓ ન્યૂયોર્કની જગવિખ્યાત બેલ ટેલિફોન લેબોરેટરીઝમાં જોડાયા. વર્ષ ૧૯૩૯માં બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત વખતે તેમણે અહીં રડાર અને નેવિગેશન સિસ્ટમના વિકાસ માટે કામ કર્યું. બીજા વિશ્વ યુદ્ધના અંત પછી અમેરિકન આર્મીને 'કોલ્ડ વૉર સાયન્ટિસ્ટ્સ'નું જૂથ (જે ગુપ્ત રીતે જેસન નામે ઓળખાતું હતું) બનાવવામાં પણ ટાઉન્સે જ મદદ કરી હતી. આ જૂથનું કામ સોવિયેત સબમરિન અને સેટેલાઈટની જાસૂસી કરવા શક્ય  હોય એ તમામ સંશોધનો કરવાનું હતું. આ નોકરી છોડીને તેઓ કોલમ્બિયા યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા અને લેસર લાઈટની પૂર્વજ મેસર પર ઐતિહાસિક કામ કર્યું, જ્યારે વર્ષ ૧૯૬૦-૭૦માં એપોલો પ્રોગ્રામમાં પણ તેમણે જ નાસાને મદદ કરી હતી. વર્ષો સુધી ઈન્ફ્રારેડ અને રેડિયો એમિસનનો અભ્યાસ કર્યા પછી વર્ષ ૧૯૮૫માં તેઓ આકાશગંગાની મધ્યમાં બ્લેક હૉલ શોધનારી ટીમને માર્ગદર્શન આપતા હતા.

એક વિચાર, જેણે બદલી નાંખી દુનિયા

ચાર્લ્સ ટાઉન્સનું સૌથી મોટું પ્રદાન માઈક્રોવેવ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિસન ઓફ રેડિયેશન એટલે કે મેસરની શોધ છે. હાર્ડ ક્રિસ્ટલ્સ અને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રની મદદથી માઈક્રોવેવ (એક મીટરથી એક મિલીમીટરની તરંગલંબાઈ ધરાવતા કિરણો)ની શક્તિ વધારવાની ટેક્નોલોજી એટલે મેસર. આ સિદ્ધાંતના આધારે જ સુપર એક્યુરેટ પરમાણુ ઘડિયાળ શક્ય બની છે, જે આજની હાઈ ટેક કોમ્યુનિકેશન અને ટ્રાન્સ્પોર્ટેશન ટેક્નોલોજી માટે અત્યંત ઉપયોગી છે. મેસર અને પછી લેસરની શોધ કેવી રીતે થઈ હતી એ વાર્તા ખૂબ જ જાણીતી અને રસપ્રદ છે. કોલમ્બિયા યુનિવર્સિટીમાં જોડાયાના ત્રણ વર્ષ પછી ૨૬મી એપ્રિલ, ૧૯૫૧ના રોજ ચાર્લ્સ ટાઉન્સ વોશિંગ્ટનમાં એક કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા. ટાઉન્સ વહેલી સવારે નાસ્તો કરવા રેસ્ટોરન્ટ જાય છે, પરંતુ રેસ્ટોરન્ટ બંધ હોવાથી પ્રફૂલ્લિત વાતાવરણમાં ચાલતા ચાલતા ફ્રેન્કલિન સ્ક્વેર પહોંચીને બાંકડે બેઠા. એ દિવસે તેમણે કૂણા ફૂલોના મોર ઊગેલા જોયા અને સૂરજ પણ હળવેકથી ચમકી રહ્યો હતો. ચાર્લ્સ ટાઉન્સનું બાળપણ અમેરિકાના સાઉથ કેરોલિનાના નાનકડા ફાર્મહાઉસમાં પણ વીત્યું હતું અને તેથી પ્રકૃતિ પ્રત્યે તેમને વિશેષ પ્રેમ હતો.

ચાર્લ્સ ટાઉન્સ

ફ્રેન્કલિન સ્ક્વેરના બાંકડે તેઓ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા કે, ઓછી તરંગલંબાઈ (શોર્ટ વેવલેન્થ) ધરાવતા કિરણોનો ઊંચી ફ્રિક્વન્સી ધરાવતો પ્રકાશનો શેરડો કેવી રીતે રચી શકાય? છેક વર્ષ ૧૯૧૭માં મહાન વિજ્ઞાની આલબર્ટ આઈન્સ્ટાઈને ચોક્કસ ગણતરીઓના આધારે કહ્યું હતું કે, શોર્ટ વેવલેન્થ ધરાવતી હાઈ ફ્રિક્વન્સી લાઈટ શક્ય છે, પરંતુ એ કેવી રીતે શક્ય છે એ વિજ્ઞાન હજુ નથી જાણતું. સરળ રીતે કહીએ તો ઉત્તેજિત ઇલેક્ટ્રોન સામાન્ય ઊર્જા સ્તરે પહોંચે ત્યારે પ્રકાશનું સર્જન થાય છે, પરંતુ ઈલેક્ટ્રોન રેડિયેશન કોઈ પણ દિશામાં અવ્યવસ્થિત રીતે થતું હોવાથી પ્રકાશના કણો વિવિધ દિશામાં વિખરાઈ જાય છે. આ દિશામાં વિચારવાનું શરૂ કરીને ચાર્લ્સ ટાઉન્સે વર્ષ ૧૯૫૪માં સીધી લીટીમાં પ્રકાશ ફેંકતુ એવું ડિવાઈસ શોધ્યું, જેની મદદથી કરોડો ઈલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને પેદા કરેલા પ્રકાશને એક જ લીટીમાં કંટ્રોલ કરી શકાય અને તેમાં ફોટોનના કણો ખૂબ ઝડપથી સતત બમણાં થાય અને પ્રકાશ પણ મળે.

આ પ્રકારનું કામ કરતું ડિવાઈસ એટલે આજે ખૂબ જ સામાન્ય થઈ ગયેલી લેસર લાઈટ. આ ડિવાઈસની મદદથી પ્રકાશના કણોને વિખરાઈ જતા અટકાવીને સીધી લીટીમાં પ્રકાશિત કરવાનું શક્ય હતું. આજે સમગ્ર ઈન્ટરનેટ જગત ફાઈબર ઓપ્ટિક કેબલની મદદથી માહિતીની આપ-લે માટે લેસર લાઈટનો જ ઉપયોગ કરે છે. ડીવીડી અને બ્લૂ રે ડિસ્કથી લઈને આંખના નંબર ઉતારવાના ઓપરેશન, ગાઈડેડ મિસાઈલ, બાર કોડ રીડર તેમજ એન્જિનિયરિંગ જગતમાં મટિરિયલને કાપવા માટે પણ લેસરનો ઉપયોગ થાય છે. ફક્ત આ એક શોધ એન્જિનિયરિંગ, એન્ટરટેઇનમેન્ટ, મેડિસિન અને ટેલિકોમ્યુનિકેશન જેવા અનેક ક્ષેત્રોમાં ક્રાંતિકારી સાબિત થવાની હતી. આ સંશોધન બદલ વર્ષ ૧૯૬૪માં ચાર્લ્સ ટાઉન્સને રશિયન વિજ્ઞાનીઓ નિકોલાઇ બાસોવ અને એલેક્ઝાન્ડર પ્રોખોરોવ સાથે સંયુક્ત રીતે નોબલ પુરસ્કાર મળ્યો હતો. અમેરિકાથી હજારો કિલોમીટર દૂર બે રશિયન વિજ્ઞાનીઓએ પણ ટાઉન્સની જેમ આ જ સિદ્ધાંતો પર કામ કર્યું હતું.

લેસર વિવાદ પછીયે શ્રેયના પૂરા હકદાર

કોલમ્બિયા યુનિવર્સિટીમાં સંશોધન કરતી વખતે ચાર્લ્સ ટાઉન્સે કેટલાક વિદ્યાર્થીઓ સાથે મળીને વર્ષ ૧૯૫૪માં માઈક્રોવેવ રેડિયેશનના સ્ત્રાવને ઉત્તેજિત કરવા એમોનિયાના કણોનો ઉપયોગ કરતું ડિવાઈસ બનાવી દીધું હતું. આ ડિવાઈસને તેમણે 'મેસર' એટલે કે માઈક્રોવેવ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિસન ઓફ રેડિયેશન નામ આપ્યું હતું. જોકે, મેસર શોધાયાના ત્રણ વર્ષ પછી ટાઉન્સ અને બેલ ટેલિફોન લેબોરેટરીના વિજ્ઞાની આર્થર એલ. શેલો (ચાર્લ્સ ટાઉન્સના સાળા)એ આવી જ પ્રક્રિયા માઈક્રોવેવના બદલે લાઈટવેવ પર કરવાનું વિચાર્યું, પરંતુ આ ટેક્નોલોજીને તેમણે લેસર નામ નહોતુ આપ્યું. આ સિદ્ધાંતના આધારે ભવિષ્યના નોબલ વિજેતા ટાઉન્સ અને શેલોએ મેસર ડિવાઈસમાં સુધારાવધારા કરીને વર્ષ ૧૯૬૦માં બેલ ટેલિફોન લેબોરેટરીઝમાં પેટન્ટ પણ નોંધાવી હતી. એ પહેલાં રિસર્ચ કો-ઓપરેશન ફોર સાયન્સ એડવાન્સમેન્ટ નામના પ્રાઈવેટ ફાઉન્ડેશને પણ ટાઉન્સ માટે મેસરની પેટન્ટ નોંધી હતી. ટૂંકમાં આ બંને વિજ્ઞાનીઓ અત્યારે સામાન્ય થઈ ગયેલી લેસર ટેક્નોલોજી પર કામ કર્યું, પરંતુ તેને લેસર નામ ના આપ્યું.

આ દરમિયાન કોલમ્બિયા યુનિવર્સિટીના ગોર્ડન ગુલ્ડ નામના વિદ્યાર્થીને પણ ચાર્લ્સ ટાઉન્સ સાથે ચર્ચા કરતી વખતે લેસર ડિવાઈસ બનાવવાનો વિચાર આવ્યો અને તેના સિદ્ધાંતોની નોંધ પણ કરી. વર્ષ ૧૯૫૭માં ગોર્ડન ગુલ્ડે લાઈટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિસન ઓફ રેડિયેશન એટલે કે લેસર નામ પ્રચલિત કર્યું. હવે આવી મહત્ત્વની શોધ વિશે વિવાદ થવો સ્વાભાવિક હતો. ટાઉન્સે દાવો કર્યો કે, ગોર્ડન ગુલ્ડે આ સિદ્ધાંતો નોંધ્યા એના મહિનાઓ પહેલાં હું આ વિચાર પર કામ કરી ચૂક્યો છું. ચાર્લ્સ ટાઉન્સની પેટન્ટ બે જગ્યાએ નોંધાઈ હોવાથી પલ્લું પહેલેથી તેમની તરફેણમાં હતું. આમ છતાં, વર્ષ ૧૯૫૯માં ગોર્ડન ગુલ્ડ પેટન્ટ ઓફિસમાં ચાર્લ્સ ટાઉન્સ વિરુદ્ધ દાવો કરે છે અને દસ વર્ષની કાયદાકીય લડાઈ પછી વર્ષ ૧૯૭૭માં ગોર્ડન ગુલ્ડને પણ લેસરના અમુક સિદ્ધાંતો પર કામ કરીને ડિવાઈસ બનાવવા બદલ પેટન્ટ મળે છે. ખેર, લેસર ટેક્નોલોજીનો અત્યાર સુધીનો વિકાસ અનેક વિજ્ઞાનીઓને આભારી છે અને એ માટે ડઝનેક વિજ્ઞાનીઓ નોબલ પુરસ્કાર મેળવી ચૂક્યા છે. જોકે, લેસરનો વિકાસ મેસરની શોધના કારણે શક્ય બન્યો હતો અને એનો સંપૂર્ણ શ્રેય ફક્ત ચાર્લ્સ ટાઉન્સને જાય છે. નવાઈની વાત તો એ છે કે, નેવું વર્ષની ઉંમરે ચાર્લ્સ ટાઉન્સે બ્રહ્માંડમાં વિચરતા તારાઓના આકાર અને કદનો અભ્યાસ કરવા માટે લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ વિચાર પણ હજુ પા-પા પગલી માંડી રહ્યો છે.

ચાર્લ્સ ટાઉન્સને વિજ્ઞાનની જુદી જુદી શાખામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા જોઈને વિજ્ઞાન જગતના ધુરંધરો આજે પણ મ્હોંમાં આંગળા નાંખી દે છે. જોકે, આ મુદ્દે તેઓ સહજતાથી કહેતા કે, મારું બેકગ્રાઉન્ડ ભૌતિક વિજ્ઞાનનું છે પણ એ પછી બેલ લેબોરેટરીઝમાં મને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની તાલીમ મળી. એટલે હું મેસર અને લેસરથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની શાખામાં કામ કરી શક્યો છું...

ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ

ચાર્લ્સ ટાઉન્સનો જન્મ ૨૮મી જુલાઈ, ૧૯૧૫ના રોજ અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યની ગ્રીન વિલે કાઉન્ટીમાં ટાઉન્સ દંપત્તિના ઘરે થયો હતો. ટાઉન્સ પરિવારને ત્રણ છોકરા અને ત્રણ છોકરી એમ કુલ છ સંતાન હતા. પિતા એલન હાર્ડ ટાઉન્સ એટર્ની હોવાથી તેમજ માતા હેનરી કિથ ટાઉન્સ વાચનના શોખીન હોવાથી તેમના બે માળના નાનકડા ઘરમાં એન્સાઇક્લોપીડિયાથી લઈને શેક્સપિયર અને માર્ક ટ્વેઇનના પુસ્તકોની ભરમાર હતી. વર્ષ ૧૯૩૫માં ડયુક યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રની ડિગ્રી લઈને ટાઉન્સે કેલિફોર્નિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજીમાંથી પીએચ.ડી. કર્યું હતું. આ દરમિયાન વર્ષ ૧૯૪૧માં ટાઉન્સે ફ્રાન્સિસ હિલ્ડરેથ બ્રાઉન સાથે લગ્ન કર્યા. વર્ષ ૧૯૫૦માં કોલમ્બિયા યુનિવર્સિટીમાં જોડાયા પછી ટાઉન્સે કારકિર્દીનો મોટા ભાગનો સમય માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં વિતાવ્યો, પરંતુ તેઓ યુનાઈટેડ ચર્ચ ઓફ ક્રિસ્ટના પણ સભ્ય હતા. ટાઉન્સ કહેતા કે, વિજ્ઞાન અને ધર્મમાં ઘણું સામ્ય છે. વર્ષ ૨૦૦૫માં માનવ જગતની આધ્યાત્મિક સમજ વધારવા બદલ ચાર્લ્સ ટાઉન્સને દોઢ મિલિયન ડોલરની ઈનામી રકમ સાથેનો પ્રતિષ્ઠિત ટેમ્પલ્ટન પુરસ્કાર મળ્યો હતો. જોકે, ઈનામની મોટા ભાગની રકમ તેમણે શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી દીધી હતી. આધ્યાત્મિકતામાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હોવાથી એકવાર તેમણે કહ્યું હતું કે, ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોને પગલે પૃથ્વી પર અકસ્માતે જીવન ઉદ્ભવ્યું છે એ માનવુ ખૂબ અઘરું છે.

ટ્વિટરે 'મિસ કોલ' મારતી ભારતીય કંપની કેમ ખરીદી?


ક્યારેક મજાકમાં એવું કહેવાય છે કે, સ્માર્ટફોનની શોધ ભલે ગમે તેણે કરી હોય પણ મિસ કોલની શોધ ભારતમાં થઈ છે. જોકે, આ વાત ભલે મજાકમાં કહેવાઈ હોય પણ ભારતમાં આજે પણ મિસ કોલ એ મેસેજ  કરવાની એક સ્ટાઈલ છે. મેસેજ આપવાની આ સ્ટાઈલ બધાને પોસાય એવી પણ છે કારણ કે, આવી રીતે મેસેજ આપવા માટે કોઈ જ ખર્ચ થતો નથી. બસ આ જ આઈડિયાના આધારે વર્ષ ૨૦૧૦માં ત્રણ તરવરિયા ટેક્નોક્રેટે બેંગલુરુમાં ઝિપ ડાયલ નામની કંપની સ્થાપી હતી. ઝિપ ડાયલે મિસ કોલ કરીને માર્કેટિંગનો ઈનોવેટિવ આઈડિયા શોધ્યો હતો, જે ભારત જેવા અનેક વિકાસશીલ દેશોમાં સફળ રહ્યો છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પણ ઓછા ખર્ચે કેવી રીતે માર્કેટિંગ કરી શકાય એવા એક આઈડિયા પર ઊભી કરાયેલી આ કંપનીને ગયા અઠવાડિયે જ ટ્વિટરે ૪૦ મિલિયન ડોલરમાં ખરીદી લીધી છે. સામાન્ય રીતે, મિસ કોલ મારવો એ કડકાઈની નિશાની છે પણ ટ્વિટર જેવી જાયન્ટ સોશિયલ મીડિયા કંપનીએ ઝિપ ડાયલ જેવી ભારતના બેંગલુરુ શહેરની નાનકડી કંપની કેમ ખરીદી લીધી એના કારણો ઘણાં રસપ્રદ છે.

એક અંદાજ પ્રમાણે હાલ ભારતમાં ટ્વિટર યુઝર્સની સંખ્યા ૩.૩૦ કરોડની આસપાસ છે, જ્યારે ફેસબુક પર સક્રિય ભારતીયોની સંખ્યા દસ કરોડથી પણ વધારે છે. જોકે, ટ્વિટર તેની આગવી ખાસિયતોના કારણે સેલિબ્રિટી સર્કલમાં વધારે લોકપ્રિય છે, પરંતુ ફેસબુક સેલિબ્રિટીથી લઈને સામાન્ય માણસ સુધી દરેક સ્તરે ટ્વિટરથી સતત આગળ વધી રહ્યું છે. ટ્વિટરે કરોડો ડોલર ખર્ચીને ઝિપ ડાયલ ખરીદી લીધી એ પાછળનો હેતુ ભારતમાં સક્રિય યુઝર્સ (ક્વોલિટી બેઝ) વધારવાનો અને ફેસબુકથી આગળ નીકળવાનો છે. ટ્વિટરે ભારતમાં કરેલું આ પહેલું એક્વિઝિશન (હસ્તાંતરણ) છે. ટેક્નોલોજિકલ માળખાની દૃષ્ટિએ ભારત ઘણું પછાત હોવા છતાં ભારતની ૩૫ ટકા વસતી યુવાનોની હોવાથી આઈટી આધારિત સેવા આપતી કંપનીઓ ભારતીય બજાર પર કબજો જમાવવા ઉત્સુક છે. ભારત અને અમેરિકા વચ્ચે વિકાસની રીતે બહુ મોટી ખાઈ હોવા છતાં, એક અંદાજ પ્રમાણે વર્ષ ૨૦૧૭ સુધીમાં અમેરિકા કરતા ભારતમાં ફેસબુક યુઝર્સ વધી જશે. વળી, વર્ષ ૨૦૧૭ સુધીમાં ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા ૫૦ કરોડને પાર થઈ જશે એવો પણ એક અંદાજ છે.


આમિયા પાઠક
સંજય સ્વામી
વાલેરી વેગનર

આ અંદાજો ઉતાવળે કરાયા હોય તો પણ સોશિયલ મીડિયા કે ઓનલાઈન બિઝનેસ કરતી વિશ્વની કોઈ પણ કંપની ભારતીય યુવાનોની સતત વધી રહેલી ઓનલાઈન પ્રેઝન્સની અવગણના કરી શકે એમ નથી. કોઈ પણ દેશમાં સફળતાપૂર્વક વેપાર કરવા માટે ત્યાંની સંસ્કૃતિ, રાજકારણ, સામાજિક સ્થિતિ અને લોકોના ગમા-અણગમા સમજવા જરૂરી હોય છે અને આ કામ વિદેશી કરતા સ્થાનિક કંપનીઓ વધુ સારી રીતે કરી શકે છે. પશ્ચિમી દેશોના નિષ્ણાતો અમુકતમુક વર્ષો પછી ભારતમાં આટલા કરોડ સ્માર્ટફોન યુઝર્સ થઈ જશે એવા અંદાજો કરી રહ્યા હતા, ત્યારે વર્ષ ૨૦૧૦માં ઝિપ ડાયલના સ્થાપકો આમિયા પાઠક, સંજય સ્વામી અને વેલેરી વેગનરે વિચાર કર્યો હતો કે, ભારતમાં ભલે લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા હોય પણ મોંઘા ઈન્ટનેટ ડેટા પ્લાનનો બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે. જે લોકો મોંઘા સ્માર્ટફોન વસાવી શકવા સક્ષમ છે, તેઓ પણ કોલિંગ કે ડેટા પ્લાન ખરીદતા જ નથી અને ખરીદે છે તો તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરે છે. એક અમેરિકનના માસિક સરેરાશ ૧.૩૮ જીબી ઈન્ટરનેટ ડેટાના ઉપયોગ સામે એક ભારતીય માસિક સરેરાશ ફક્ત ૬૦ એમબી ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે.

આમ, આ ત્રણેય આઈટી એન્જિનિયરોએ ભારતીયોની નાડ પારખીને ઝિપ ડાયલ નામે મોબાઈલ માર્કેટિંગ કંપનીની સ્થાપના કરી હતી, જે તેના ગ્રાહકોને મિસ કોલ કરીને માર્કેટિંગ કરી આપે છે. જેમ કે, દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા દરેક લોકો ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા નથી, દરેક લોકો હંમેશાં વાઈફાઈ નેટવર્કમાં હોતા નથી તેમજ ભારત જેવા દેશમાં અંતરિયાળ વિસ્તારોના સ્માર્ટફોન ધારકો ૨૪ કલાક ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય એવું પણ હોતું નથી. આ વર્ગમાં પહોંચવા માગતી કંપનીઓને ઝિપ ડાયલ ઈનોવેટિવ સર્વિસ આપે છે. આ કંપનીના બ્રાન્ડિંગ માટે ઝિપ ડાયલ તેના યુઝર્સને ટોલ ફ્રી નંબર આપે છે અને કંપની પ્રિન્ટ  કે ટેલિવિઝન જાહેરખબરોમાં તે નંબરનો ઉપયોગ કરી શકે છે. આ નંબર પર યુઝર્સ ફક્ત મિસ કોલ કરીને તે બ્રાન્ડની માહિતી કોલ, એસએમએસ કે એપ નોટિફિકેશન દ્વારા મેળવી શકે છે. યુનિલિવર જેવી મહાકાય કંપનીએ પણ નેવિયા બ્રાન્ડની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડવા ઝિપ ડાયલના જ પ્લેટફોર્મની સેવા લીધી હતી.

બેંકો પોતાના ગ્રાહકો પાસે મિસ કોલ કરાવીને બેંક બેલેન્સની જાણ કરતો એસએમએસ આપવા ઝિપ ડાયલની સેવા ખરીદે છે. એમેઝોનથી લઈને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓએ વધુને વધુ લોકો તેમની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરે એ માટે ઝિપ ડાયલના જ 'મિસ કોલ'ની મદદ લે છે. ફેસબુક અને ટ્વિટર જેવી અત્યંત લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટો પણ વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે ઝિપ ડાયલના મિસ કોલનો ઉપયોગ કરી ચૂકી છે. ટ્વિટર પર લોગ-ઈન થયા વિના મનપસંદ સેલિબ્રિટીના ટ્વિટની માહિતી મેળવવી છે, તો ઝિપ ડાયલ એસએમએસ કરી દે છે. રાજકારણ, ફિલ્મ અને રમતજગતની અનેક હસ્તીઓ સોશિયલ મીડિયા પર હાજરી ના ધરાવતા હોય એવા એવા ચાહકો સુધી પહોંચવા ઝિપ ડાયલની મદદ લે છે. વર્ષ ૨૦૧૩માં અમિતાભ બચ્ચનના જન્મ દિવસ પર ટ્વિટર પર ના હોય એવા ચાહકોને અમિતાભની ટ્વિટ પહોંચાડવા ટ્વિટરે ઝિપ ડાયલની સેવા લીધી હતી. જે મોબાઈલ યુઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવા છતાં કોઈને કોઈ કારણોસર ઓફલાઈન હોય છે તેમના સુધી ઝિપ ડાયલ બ્રાન્ડને પહોંચાડી આપે છે. આ માટે ઝિપ ડાયલ એસએમએસ અને વોઈસ મેસેજ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

આ તો થઈ કોઈ બ્રાન્ડિંગની વાત, પરંતુ ઝિપ ડાયલે તો યુઝર્સને મનગમતા સમાચારો પણ મિસ કોલથી આપવાનો આઈડિયા કર્યો છે. દાખલા તરીકે, કોઈને ફક્ત ચૂંટણીના સમાચારોમાં જ રસ છે, કોઈને નવી આવી રહેલી ફિલ્મોના સમાચારો જ જાણવા છે તો કોઈને ક્રિકેટના સ્કોરથી વધારે કશું જાણવું નથી. આ લોકો ઝિપ ડાયલે ફાળવેલા નંબર પર મિસ કોલ કરીને મનપસંદ સમાચારનો એસએમએસ મેળવી શકે છે. આ માટે મોંઘા ઈન્ટરનેટ પ્લાન ખરીદવાની જરૂર જ નથી. વળી, મિસ કોલ કરીને મનપસંદ સમાચારો મેળવવાથી તમામ કેટેગરીના સમાચારોના નોટિફિકેશનમાંથી પણ છુટકારો મળે છે. આવા આઈડિયા પર ઊભી કરાયેલી ઝિપ ડાયલના પ્લેટફોર્મ પર આશરે છ કરોડ લોકો એકબીજા સાથે સંકળાયેલા છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પેપ્સી, જિલેટ, કોલગેટ, આઈબીએમ, કેએફસી, આઈસીઆઈસીઆઈ, કિંગફિશર, મેક માય ટ્રીપ, એરટેલ, કેડબરી, બોર્નવિટા અને વીડિયોકોન જેવી વિશ્વની અનેક અગ્રણી બ્રાન્ડ અને મીડિયા કંપનીઓ સામેલ છે. જે બહુરાષ્ટ્રીય કંપનીઓ બ્રાન્ડ પ્રમોશન માટે હજારો કરોડનું બજેટ ફાળવીને એડવર્ટાઈઝ કેમ્પેઈન કરે છે, તેઓ પણ પોતાના ટાર્ગેટ ઓડિયન્સને સમજીને વફાદાર ગ્રાહક વર્ગ ઊભો કરવા ઝિપ ડાયલની સેવા લઈ રહી છે.

ઈનોવેશનમાં આ તાકાત છે. વર્ષ ૨૦૧૪માં યાહૂએ  બેંગલુરુની 'બુક પેડ' કંપની રૂ. ૫૦ કરોડમાં ખરીદી લીધી હતી. આ એપ્લિકેશનની મદદથી એકવાર ક્લાઉડ પ્લેટફોર્મ પર શેર થઈ ગયેલા ડોક્યુમેન્ટ પણ રિયલ ટાઈમમાં (સામેની વ્યક્તિ ડોક્યુમેન્ટ જોતી હોય ત્યારે પણ એડિટિંગ શક્ય) એડિટ કરી શકાય છે. આ કંપની આઈઆઈટી, ગુવાહાટીના ૨૫ વર્ષીય ડિઝાઈન એન્જિનિયર આદિત્ય બાન્દી, ૨૪ વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયર નિકેથ સબ્બિનેની અને ૨૩ વર્ષીય કેમિકલ એન્જિનયર અશ્વિન બટ્ટુએ સંયુક્ત રીતે સ્થાપી હતી. ગયા વર્ષે ફેસબુકે પણ 'લિટલ આઈ લેબ્સ' નામની બેંગલુરુ સ્થિત કંપની ખરીદી લીધી હતી. આ કંપની મોબાઈલ એપ્સ માટે પર્ફોર્મન્સ એનાલિસિસ અને મોનિટરિંગ ટૂલ્સની સેવા આપે છે. એવું કહેવાય છે કે, આ વર્ષે ભારતની આવી અનેક ઈનોવેટિવ બિઝનેસ કરી રહેલી કંપનીઓને સિલિકોન વેલીની જાયન્ટ કંપનીઓ ખરીદી લેશે.

આમ, ભારતીય યુવાનો વધુને વધુ ઈનોવેટિવ થઈ રહ્યા છે અને પશ્ચિમી દેશોએ પણ તેમની નોંધ લેવી પડી રહી છે. ભારત જેવા દેશની અનેક મુશ્કેલીઓ સામે ઈનોવેશન તેમજ સોશિયલ આંત્રપ્રિન્યોરશિપની મદદથી લડી શકાય છે. ઝિપ ડાયલ એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશોમાં સફળ થઈ રહી છે એનું કારણ પણ ઈનોવેશન જ છે. ફક્ત આઈટી ક્ષેત્રે જ નહીં પણ ખેતીથી લઈને શિક્ષણ સુધીના તમામ ક્ષેત્રમાં ટેક્નોલોજિકલ ઈનોવેશન ક્રાંતિકારી સાબિત થઈ શકે એમ છે.

મિસ કોલના તુક્કામાંથી તગડું બિઝનેસ એમ્પાયર

ઝિપ ડાયલનું સૌથી પહેલું વર્ઝન ચિફ ઓપરેટિંગ ઓફિસર આમિયા પાઠકે એકલા હાથે ઊભું કર્યું હતું. આ વર્ઝન પર કામ કરતી વખતે આમિયાનો એક હાથ ફ્રેક્ચર્ડ હતો તેથી તેના મિત્રો ઘણીવાર મજાકમાં કહેતા કે, આમિયાએ ઝિપ ડાયલનું વર્ઝન ખરેખર 'એકલા હાથે' બનાવ્યું છે. આઈઆઈટી કાનપુર અને આઈઆઈએમ કોલકાતામાંથી અભ્યાસ કર્યા પછી આમિયાએ કેટેરા અને ઝપાક (રિલાયન્સે ખરીદી) જેવી કંપનીઓ માટે ટેક્નોલોજી પ્લેટફોર્મ બનાવ્યું હતું. બાદમાં આમિયાએ ઝિપ ડાયલના પ્લેટફોર્મ પર કામ કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન આમિયાના સંજય સ્વામી નામના એક મિત્રે ઝિપ ડાયલનું મહત્ત્વ સમજીને તેને વિકસાવ્યું હતું, જે હાલ ઝિપ ડાયલના ચેરમેન છે. એ પહેલાં સંજય સ્વામી એમ-ચેક મોબાઈલ પેમેન્ટના ચેરમેન તરીકે ફરજ બજાવતા હતા. સંજયે ભારતમાં ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થઈને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાંથી માસ્ટર્સ કર્યું છે. આ બંને મિત્રો સાથે મૂળ કેલિફોર્નિયાની વાલેરી વેગનરે પણ ઝિપ ડાયલને વિકસાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૧માં વાલેરીને વુમન ઈન લીડરશિપ ફોરમમાં ટેક્નોલોજીમાં મોખરાનું સ્થાન ધરાવતી ભારતીય સ્ત્રીઓની યાદીમાં સ્થાન મળ્યું હતું. વર્ષ ૨૦૧૩માં એમઆઈટી ટેક્નોલોજીએ વાલેરીને 'ટોપ ઈનોવેટર અન્ડર ૩૫' એવોર્ડ આપ્યો હતો. વાલેરીએ બેચલર (પબ્લિક પોલિસી) અને માસ્ટર્સ (ઈકોનોમિક સોશિયોલોજી) એમ બંને ડિગ્રી અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી છે.

05 February, 2015

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે એકલા હાથે ઝઝૂમનારો 'ચાર્લી'


આજે બરાબર 3 દિવસ પછીયે ફ્રાંસના સાપ્તાહિક 'ચાર્લી હેબ્દો' પરના આતંકવાદી હુમલાની ઘટનાના પ્રત્યાઘાતો વિશ્વના અનેક દેશોમાં પડી રહ્યા છે. ચાર્લી હેબ્દો ઈસ્લામ જ નહીં પણ ખ્રિસ્તી સહિતના તમામ ધર્મોની અત્યંત ભદ્દી રીતે મજાક ઉડાવવા પંકાયેલું હોવા છતાં તેની તરફેણમાં ઊભો થયેલો સૂર અભૂતપૂર્વ છે. ફ્રાંસમાં ચાર્લી હેબ્દોનો ફેલાવો ૬૦ હજારની આસપાસ છે, પરંતુ આ હુમલા પછી પ્રકાશિત થયેલા ચાર્લી હેબ્દોના અંકની છ ભાષામાં ૭૦ લાખ નકલો વેચાઈ ગઈ. ફ્રાંસની રાજધાની પેરિસમાં ૧૧મી જાન્યુઆરીએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણમાં યોજાયેલી 'રેલી ઓફ યુનિટી'માં વીસ લાખ લોકોએ ભાગ લીધો, જેમાં ૪૦ દેશોના સર્વોચ્ચ નેતાએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન ફ્રાંસના અન્ય સ્થળોએ પણ સાડા ત્રણ કરોડ લોકો ચાર્લી હેબ્દોની તરફેણમાં બહાર આવ્યા. આ પ્રદર્શનકારીઓનું મુખ્ય સૂત્ર હતું, 'આઈ એમ ચાર્લી' કારણ કે, ફ્રાંસના કાર્ટૂનિસ્ટોની હત્યા પછી કરોડો લોકોએ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની તરફેણમાં પોતાને પ્રતીકાત્મક રીતે 'ચાર્લી' જાહેર કર્યા હતા. આ વાત દર્શાવે છે કે, આજના પશ્ચિમી દેશોના નાગરિકો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે કેટલા સજાગ અને જાગૃત છે. 

આજના પશ્ચિમી જગતના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને કાયદાનું રૂપ આપવામાં એક અમેરિકન 'ચાર્લી'એ ૧૨૨ વર્ષ પહેલાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને એ પણ એકલા હાથે. એ અમેરિકન ચાર્લી એટલે બીજું કોઈ નહીં પણ જાણીતો અમેરિકન પબ્લિશર સેમ્યુઅલ (સેમ) રોથ. આજના અમેરિકામાં ખૂબ જ સહજ ગણાતા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે સેમ રોથે આકરી કાયદાકીય કાર્યવાહીનો સામનો કર્યો હતો. હજુ છ દાયકા પહેલાં અમેરિકામાં ગર્ભપાત અને ગર્ભનિરોધક વિશે માહિતી આપવી એ પણ 'અશ્લીલ' ગણાતું હતું અને અમેરિકન કાયદા પ્રમાણે તેનો પ્રચાર-પ્રસાર સજાને પાત્ર હતો. આવો ગુનો કરનારા માટે અમેરિકામાં ખૂબ જ કડક કાયદા હતા. વર્ષ ૧૯૨૦ના દસકામાં સેમ રોથે જેમ્સ જોયસનું વિશ્વ વિખ્યાત નાટક 'યુલિસિસ', ડી.એચ. લોરેન્સની જાણીતી નવલકથા 'લેડી ચેટર્લીઝ લવર', જર્મન નાટયકાર આર્થર શિઝલરનું 'હેન્ડ્સ અરાઉન્ડ' અને ભારતના કામસૂત્ર જેવા ક્લાસિક પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ કર્યું હતું. આ પુસ્તકોના પ્રકાશન બદલ સેમ રોથ સામે અમેરિકન અદાલતમાં કેસ થયો અને વર્ષ ૧૯૨૯માં તેમને છ મહિનાની જેલ પણ થઈ. 

વર્ષ 1955માં ન્યૂયોર્કની અદાલતમાં દલીલો કરી રહેલો સેમ રોથ


સેમ રોથને થયેલી સજાના કારણો ખૂબ જ રસપ્રદ છે. તેમણે પ્રકાશિત કરેલા પુસ્તકોમાં સેક્સના વર્ણનો આવતા હોવાથી અમેરિકન કાયદા પ્રમાણે તે અશ્લીલ ગણાતા હતા. જોકે, આજે આ બધા જ પુસ્તકો ક્લાસિક છે અને યુલિસિસ તો ૨૦મી સદીની મહાન નવલકથાઓમાંની એક ગણાય છે. સેમ રોથ સામે અશ્લીલ પુસ્તકોના પ્રકાશન અને વેચાણ સિવાય કોપીરાઈટ ભંગના પણ ગંભીર કેસ હતા. તેમણે બ્યુ-BEAU (એસ્ક્વાયર મેગેઝિનનું પુરોગામી, જે પુરુષોનું સૌથી પહેલું મેગેઝિન ગણાય છે) તેમજ 'ટુ વર્લ્ડ્સ' અને 'ટુ વર્લ્ડ્ઝ મન્થલી' જેવા મેગેઝિનો પણ શરૂ કર્યા હતા. આ મેગેઝિનોમાં સેમ રોથે લેખકોની મંજૂરી વિના ‘યુલિસિસ’ સહિત કેટલાક પુસ્તકોના અંશો છાપ્યા હતા. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સામે લડાયક વૃત્તિ દાખવનારા સેમ રોથ બીજાના કોપીરાઈટની પરવા કરતા ન હતા, જે તેમના વિરોધાભાસી વ્યક્તિત્વનું અવગણી ના શકાય એવુ પાસું છે. ૮૧ વર્ષના આયુષ્યમાં સેમ રોથને પાંચ વાર નાની-મોટી જેલ અને દંડ તેમજ એકવાર પાંચ વર્ષની જેલ થઈ, જ્યારે અનેકવાર તેઓ જેલની સજામાંથી બચી ગયા. આમ છતાં, સેમ રોથે કોપીરાઈટની જેમ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જીવનના કોઈ તબક્કે બાંધછોડ કરી ન હતી. 

જોકે, કોપીરાઈટ ભંગથી ભડકેલા ‘યુલિસિસ’ના આઈરિશ લેખક જેમ્સ જોયસે પ્રકાશક સિલ્વિયા બ્લિચને સેમ રોથનો આયોજનબદ્ધ રીતે વિરોધ કરવા મનાવી લીધા હતા. વર્ષ ૧૯૨૭માં  ‘યુલિસિસ’ના લેખક અને પ્રકાશકે આંતરરાષ્ટ્રીય સ્તરના ૧૬૭ લેખકોને સાથે રાખીને સેમ રોથનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. આ ઘટના પછી જ અમેરિકામાં લેખકોના કોપીરાઈટ અને પાઈરેસીની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ઘટનાના થોડા જ સમયમાં સેમ રોથે લોરેન્સની 'લેડી ચેટર્લીઝ લવર'ની પાઇરેટેડ નકલનું પ્રકાશન કરીને અને સમગ્ર સાહિત્ય જગતની ખફગી વ્હોરી લીધી. સેમ રોથ કોઈ પુસ્તકની પાઈરેટેડ નકલ કરનારા પહેલાં અમેરિકન પણ ગણાય છે. સેમ રોથ મોટા ભાગે સેક્સના વર્ણનો ધરાવતા પુસ્તકો માટે  જ કોપીરાઈટનો ભંગ કરતા. જોકે, તેમણે  પસંદ કરેલા પુસ્તકોનું સાહિત્યિક અને કળાત્મક મૂલ્ય  ખૂબ ઊંચું રહેતું. કેટલાક અમેરિકન પ્રકાશકો અને લેખકોના મતે, સેમ રોથ કળાના સૂઝ ધરાવતા હતા પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે તેઓ રાજકારણ, સેક્સ અને હોલિવૂડની 'મસાલેદાર' પુસ્તકો છાપીને પૈસા કમાવવા આકર્ષાયા હતા.

વર્ષ 1950માં ઓફિસમાં ડિક્શનરી સાથે સેમ રોથ

આ બધી પ્રવૃત્તિ માટે સેમ રોથ વિલિયમ ફારો જેવા ખોટા નામે અન્ડરગ્રાઉન્ડ પબ્લિશિંગ હાઉસ ચલાવતા હતા. વર્ષ ૧૯૩૧માં તેમણે જ્હોન હેમિલના 'ધ સ્ટ્રેન્જ કરિયર ઓફ મિ. હુવર અન્ડર ટુ ફ્લેગ્સ' નામના પુસ્તકનું છૂપી રીતે પ્રકાશન કર્યું હતું, જેમાં તત્કાલીન અમેરિકન પ્રમુખ હર્બર્ટ હુવર પર આકરા પ્રહારો કરાયા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે હુવરે કમિશન ફોર રીલિફ ઈન બેલ્જિયમના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર કામગીરી કરી હતી, પરંતુ આ પુસ્તકના લેખક હેમિલે હર્બર્ટ હુવરને બેલ્જિયમની સેવા કરવાના બહાને મેવા ખાનારા 'ગ્રેટ એન્જિનિયર' ગણાવ્યા હતા. જોકે, હુવરે એફબીઆઈની મદદથી સેમ રોથ અને તેમના પબ્લિશિંગ હાઉસની લિંક પકડી લીધી હતી. પોલીસે સેમ રોથના ઘરે દરોડા પાડીને કેટલીક ચીજવસ્તુઓ કબજે કરી હતી, જેમાં ગેરકાયદે પ્રકાશિત કરેલા પુસ્તકોના દસ્તાવેજો પણ હતા. આ દસ્તાવેજોના આધારે વ્હાઈટ હાઉસ સેમ રોથ સામેનો કેસ વધુ મજબૂત બનાવી શકતું હતું. તેથી પોલીસે સેમ રોથને પૈસા લઈને પુસ્તક પાછું ખેંચી લેવા દબાણ કર્યું હતું, પરંતુ આ ઓફર તેમણે ફગાવી દીધી હતી. જોકે, સેમ રોથે આ નિર્ણય નૈતિકતાના આધારે નહીં પણ એવી આશાએ લીધો હતો કે, જો આ સનસનીખેજ પુસ્તકનું પ્રકાશન થશે તો વધારે પૈસા મળશે!

વર્ષ ૧૯૩૨માં તેમણે બે પુરુષોના સજાતીય સંબંધો પર આધારિત 'એ સ્કારલેટ પાન્ઝી' નામની નવલકથાનું પ્રકાશન કર્યું, જે આજે ઐતિહાસિક 'ગે નોવેલ' ગણાય છે. સેમ રોથે વર્ષ ૧૯૩૩માં ટપાલ સેવાની મદદથી વિશ્વાસુ ગ્રાહકોને પ્રતિબંધિત પોર્નોગ્રાફી વેચવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એફબીઆઈએ પુરાવા સાથે ઝડપી લેતા તેમણે ઘણો લાંબો સમય જેલમાં રહેવું પડ્યું. જોકે, કાયદેસરની કાર્યવાહી કે લોકોના વિરોધની પરવા કર્યા વિના તેઓ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના કડક કાયદાનો આક્રમક રીતે ભંગ કરતા અને અશ્લીલતાના કાયદાનો તો વધુ ઉગ્રતાથી ભંગ કરતા. વર્ષ ૧૯૪૭માં તેમણે 'વેગિશ ટેલ્સ ફ્રોમ ધ ઝેક્સ' નામના પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પુસ્તકમાં વાંધાજનક લખાણ ન હોવા છતાં અમેરિકન પોસ્ટ ઓફિસે તેના પાર્સલ અટકાવી દીધા. છેવટે ૧૯૪૯માં સેમ રોથે ન્યૂયોર્કના પોસ્ટ માસ્તર વિરુદ્ધ કેસ કર્યો, જેનો ચુકાદો એવો આવ્યો કે અમેરિકાનો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો કાયદો આ પુસ્તકનું પ્રકાશન કરવાની મંજૂરી નથી આપતો. આ ચુકાદાના પ્રતિભાવરૂપે સેમ રોથે વધુ આક્રમક થઈને સજાતીય સંબંધો ધરાવતી સ્ત્રીઓની વાર્તાઓ તેમજ નગ્ન તસવીરકળાનું મહત્ત્વ સમજાવતા પુસ્તકો છાપ્યા. ૧૯૫૨માં તેમણે 'ધ પ્રાઈવેટ લાઈફ ઓફ ધ ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર' નામનું પુસ્તક છાપ્યું. આ પુસ્તકનો બ્રિટિશ બોર્ડ ઓફ ટ્રેડે વિરોધ કર્યો. એ પછી ન્યૂયોર્ક સિટી ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે સેમ રોથને પુસ્તક પાછું ખેંચી લેવા વિનંતી કરી હતી. 

જોકે, વિનંતીની અસર થાય તો એ 'સેમ રોથ' નહીં! આ દરમિયાન અમેરિકન પોસ્ટલ સર્વિસ, ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસ, એફબીઆઈ અને સાહિત્ય જગતની હસ્તીઓ સેમ રોથની વિરુદ્ધ થઈ ગયા. છેવટે ૧૯૫૭માં અમેરિકન કોર્ટે અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરીને તેને વેચવા બદલ સેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી. આ ચુકાદા સામે સેમ રોથે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી, પરંતુ એ ફગાવી દેવાઈ. જોકે, આ ઘટનાના બે જ વર્ષ પછી 'રોથ વર્સિસ ધ યુનાઈટેડ સ્ટેટ્સ' કેસમાં સેમ રોથે કરેલી દલીલોના આધારે પ્રતિષ્ઠિત પ્રકાશક બાર્ની રોસેટને 'લેડી ચેટર્લીઝ લવર'નું પુનઃપ્રકાશન કરવાની મંજૂરી અપાઈ. એવી જ રીતે, હેનરી મિલરની નવલકથા 'ટ્રોપિક ઓફ કેન્સર'ના પ્રકાશક એલમર ગર્ટ્સને પણ સેમ રોથની દલીલોના આધારે જ સેક્સના વર્ણન ધરાવતું પુસ્તક વેચવાની મંજૂરી મળી. ત્યાર પછી અમેરિકામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના કાયદાનું વિસ્તરણ કરવા સેમ રોથે વિવિધ અપીલો વખતે કરેલી દલીલોનો પણ માપદંડ તરીકે સ્વીકાર કરાયો. એ સેમ રોથના જીવનની સૌથી મોટી સફળતા હતી. ચાર્લી હેબ્દોની તરફેણમાં તો કરોડો ‘ચાર્લી’ બનીને બહાર આવ્યા છે, જ્યારે સેમ રોથે સામા પ્રવાહે તરીને એકલપંડે આ સિદ્ધિ મેળવી હતી. 

જોકે, આ સફળતા પછીયે કોપીરાઈટ અને પોર્નોગ્રાફિક સાહિત્યને લગતા મજબૂત કેસોને પગલે સેમ રોથે જેલવાસ ભોગવવો પડ્યો હતો. આધુનિક વિશ્વમાં શૃંગારસસથી ભરપૂર સાહિત્યનું પ્રકાશન અને વેચાણ માન્ય છે, પરંતુ કોપીરાઈટ ભંગનો ગુનો ઘણો જ ગંભીર અને અનૈતિક બાબત છે. ચાર્લી હેબ્દોના મોટા ભાગના કાર્ટૂન અશ્લીલ, ભદ્દા, આમન્યાની ઐસીતૈસી કરનારા અને નૈતિકતાની કસોટીમાં ખરા ના ઉતરે એવા હોય છે, એ સ્વીકારવું જ પડે. એવી જ રીતે, સેમ રોથને કોપીરાઈટના ભંગ કરવા બદલ તો માફ ના જ કરી શખાય. 

ખેર, આ વિરોધાભાસી વ્યક્તિત્વનું પાસું ધ્યાનમાં લીધા પછીયે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના પહેલવહેલા લડવૈયા તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે.

ફક્ત ૧૬ વર્ષની વયે પત્રકાર 

સેમ રોથે 'સ્ટોન વોલ્સ ડુ નોટ' નામે લખેલી આત્મકથામાં જણાવ્યાનુસાર, તેમનો જન્મ વર્ષ ૧૮૯૩માં પશ્ચિમ યુરોપના ગેલિસિયા (હાલનું યુક્રેન)માં પોલિશ યહૂદી પરિવારમાં થયો હતો. વર્ષ ૧૮૯૭માં ચાર વર્ષની વયે સેમ રોથનો પરિવાર અમેરિકાના મેનહટનમાં આવીને વસ્યો હતો. નાનકડો સેમ દસ વર્ષે ન્યૂઝ બોય તરીકે કામ કરતો. ત્યાં ચાર વર્ષ કામ કરીને સેમ બેંકમાં જોડાયો અને બાદમાં ફક્ત ૧૬ વર્ષની વયે 'ન્યૂયોર્ક ગ્લોબ'ના પત્રકાર તરીકે કામ શરૂ કર્યું. આ નોકરી વખતે સેમ રોથ લેખન અને પ્રકાશન કરતા શીખ્યા હતા. આ દરમિયાન તેમને કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે એક વર્ષની સ્કોલરશિપ પણ મળી હતી. આ અભ્યાસ પૂરો કરીને તેમણે બુક સ્ટોર શરૂ કર્યો અને યુવાન વયે જ સફળતાપૂર્વક 'બ્યુ' મેગેઝિન પણ ચાલુ કર્યું.