આજે પણ પુરુષપ્રધાન સમાજમાં કેટલાક ક્ષેત્રોમાં પુરુષો મહિલાઓને જલદીથી સ્વીકારી શકતા નથી. મહિલાઓ ભલે કોર્પોરેટ વિશ્વમાં નોકરી કરતી થઈ હોય પરંતુ ત્યાં પણ તેમની સાથે ભેદભાવયુક્ત વર્તન કરવામાં આવે છે. જોકે, આ વાત કેટલી વાજબી છે તે અંગે અહીં વાત નથી કરવી. ભારતમાં વર્ષોથી એક ક્ષેત્રમાં પુરુષો જેટલી જ મહિલાઓની પણ બોલબાલા રહી છે, અને તે છે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી. અત્યાર સુધી તમે મધુબાલાથી લઈને કેટરિના કૈફની સફળતાની ગાથાઓ સાંભળી હશે. પરંતુ આજે આપણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત સફળતા મેળવનારી એવી મહિલાઓની વાત કરવી છે, જે સ્ટાર કે સુપસ્ટાર નથી. આ મહિલાઓ મુંબઈના કોઈ મૉલમાં ખરીદી કરવા જાય તો તેમની ઓટોગ્રાફ લેવા ટોળેટોળાં નથી વળતા. એટલું જ નહીં, ફિલ્મના શોખીન લોકોએ પણ તેમના નામ કદાચ સાંભળ્યા નહીં હોય! આમ છતાં, ફિલ્મ દિગ્દર્શકો અને નિર્માતાઓએ તેમને મળવા એપોઈન્ટમેન્ટ લેવી પડે છે, અને ફિલ્મ સ્ટારો પણ તેમના સલાહ-સૂચનો મુજબ વર્તતા હોય છે. હા, આજે આપણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘બિહાઈન્ડ ધ કેમેરા’ કામ કરી રહી હોય એવી ફિલ્મ રાઈટરોની વાત કરવી છે. ‘અગ્નિપથ’, ‘વિકી ડૉનર’ અને ‘શાંઘાઈ’માં શું સામ્યતા છે? હા, તમને ખ્યાલ હશે કે આ ત્રણેય ફિલ્મો વર્ષ 2012માં પ્રદર્શિત થઈ છે. પરંતુ એક વાત ઘણાં ઓછા લોકો જાણે છે કે, આ ત્રણેય ફિલ્મની વાર્તા મહિલાઓએ લખી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ તપાસીએ તો ફિલ્મની વાર્તા, સંવાદો અને ગીતો લખવામાં પુરુષોનો જ ઈજારો રહ્યો છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, આજે આ ક્ષેત્રમાં અનેક મહિલાઓ કાઠું કાઢી રહી છે.
ઊર્મિ જુવેકર
ઊર્મિએ વર્ષ 2003માં ‘પ્યાર કા
સુપરહિટ ફોર્મુલા’ જેવી હળવી વાર્તા લખીને ફિલ્મ લેખનમાં ઝંપલાવ્યા બાદ આજ
સુધી પાછુ વળીને જોયું નથી. ત્યાર પછી ઊર્મિએ ‘ઓયે લકી, લકી ઓયે’, ‘આઈ એમ’ અને ‘શાંઘાઈ’ જેવી
ફિલ્મ લખીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મજબૂત સ્થાન બનાવી લીધું છે. જૂન 2012માં
પ્રદર્શિત થયેલી ‘શાંઘાઈ’ ફિલ્મનું બજેટ રૂ. 18 કરોડ
હતુ, અને તેણે બોક્સ ઓફિસ પર રૂ. 35 કરોડનો નફો કર્યો હતો. ઊર્મિ કહે છે કે, ‘શાંઘાઈ’ની સૌથી
સારી વાત એ જ હતી કે, દિબાકરે (ફિલ્મ દિગ્દર્શક) મને હું ઈચ્છુ તેમ ‘શાંઘાઈ’ લખવાની
છૂટ આપી હતી. આ ફિલ્મમાં ઊર્મિએ જ્યારે કોઈ સમાજમાં પોલિટિકલ એક્ટિવિસ્ટની હત્યા
થાય ત્યારે શું થાય એ વાત કરી છે. ઊર્મિ કહે છે કે, “હું
બદલાની ભાવના પર આધારિત ફિલ્મ નહોતી બનાવવા માંગતી, કે
બિન-અદાલતી ઉકેલો પણ નહોતી આપવા માંગતી. હું ન્યાય પર ફિલ્મ બનાવવા ઈચ્છતી હતી.
પરંતુ ન્યાય શું છે? ન્યાય બહુ જટિલ છે. ગુજરાત કે જેસિકા લાલ કેસ જુઓ. અનેક
કુટુંબો દિગ્મૂઢ છે, તૂટી ગયા છે અને ન્યાય મળ્યા પછી જ તેઓ આગળ વધી શકશે.
ફિલ્મોમાં આવુ કશું હોતુ નથી. બદલો લેવો સરળ છે, બંદૂક
ખરીદો અને વિલનને મારી નાંખો. હારી જાઓ અથવા ગોળીથી મારી નાંખો. પરંતુ ‘શાંઘાઈ’માં
કહેવાયું છે કે, કોઈ નિર્દોષ નથી, તેથી ન્યાય પણ
મર્યાદિત મળે છે.” આમ ઊર્મિની તમામ ફિલ્મોમાં કથાવસ્તુ અત્યંત ઊંડી હોય છે, પરંતુ તે
સરળ રીતે કહેવાઈ હોય છે. એટલે જ ઊર્મિ કહે છે કે, “અનેક
ફિલ્મોમાં ટ્વિસ્ટ, ટર્ન અને જાતભાતના પ્લોટ હોય છે, પરંતુ ‘શાંઘાઈ’માં એવું
નથી. તેમાં આત્મમંથનની તક મળે છે. ફિલ્મ લખતી વખતે સંવાદો પર કાબૂ રાખવો મારા માટે
અધરો હતો. ‘શાંઘાઈ’માં કોઈ ચમકીલા સંવાદો નથી. આ ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ
તેમ અસર છોડતી જાય છે.”
અદ્વૈતા કાલા
ફિલ્મ દિગ્દર્શક સુજોય ઘોષ સાથે
મળીને ‘કહાની’ જેવી ફિલ્મ લખનાર અદ્વૈતા કાલાનું નામ આજે હિન્દી ફિલ્મ
ઈન્ડસ્ટ્રીમાં ગૂંજી રહ્યું છે. કેમ નહીં, ફક્ત રૂ. આઠ કરોડનું બજેટ ધરાવતી
‘કહાની’ મહિલા કેન્દ્રિત ફિલ્મ હતી, પરંતુ માર્ચ 2012માં પ્રદર્શિત થયેલી આ ફિલ્મે
બોક્સઓફિસ પર રૂ. 104.43 કરોડનો જંગી નફો કર્યો હતો. આ ફિલ્મ ફક્ત બોક્સઓફિસ પર
હીટ નહોતી ગઈ, પરંતુ ફિલ્મ સમીક્ષકોએ પણ તેના ખૂબ વખાણ કર્યા હતા. અદ્વૈતાને
ટ્રાવેલિંગનો જબરદસ્ત શોખ છે. તેઓ મહિનાના અડધા દિવસ શહેરની બહાર જ હોય છે. વળી,
તેમને ભારતીય રેલવે પણ ખૂબ પસંદ છે, અને મોટે ભાગે રેલવેમાં જ પ્રવાસ કરે છે.
અદ્વૈતા માને છે કે, ભારતનું વૈવિધ્ય જોવા અને માણવાનો શ્રેષ્ઠ રસ્તો ભારતીય રેલવે
છે. અદ્વૈતા આ શોખના કારણે જ ફિલ્મ ‘કહાની’માં એક અજાણી મહિલાની નજરે કોલકાતા
શહેરની સફર કરાવવામાં સફળ થયા છે. વળી, અદ્વૈતાએ તો ‘કહાની’માં એક એવી મહિલાની
નજરે કોલકાતા શહેરની સફર કરાવી છે, જે ગર્ભવતી છે, એકલી છે અને પોતાના પતિને શોધવા
માટે શહેરમાં આવી છે. આ થ્રીલર ફિલ્મમાં અદ્વૈતાએ ગૂંથેલા તાણાવાણાએ દર્શકોને
છેલ્લી ઘડી સુધી જકડી રાખ્યા હતા. નોંધનીય છે કે, ફિલ્મો લખવાનું શરૂ કર્યું એ
પહેલાં અદ્વૈતા ‘ઑલમોસ્ટ સિંગલ’ નામની નવલકથા લખી ચૂક્યા છે, જે યુવા વાચકોમાં
ખાસ્સી લોકપ્રિય થઈ હતી.
જૂહી ચતુર્વેદી
જૂહીએ ફિલ્મ લેખનમાં ઝંપલાવ્યું એ
પહેલાં તે એડવર્ટાઈઝમેન્ટના ક્ષેત્રે કામ કરતા હતા. તેણે પોતાની પહેલી ફિલ્મ ‘વિકી
ડૉનર’થી જ જોરદાર સફળતા મેળવી છે. બોલિવૂડની ટીપિકલ ફિલ્મોથી અલગ
જ વાર્તા ધરાવતી ‘વિકી ડૉનર’ ઓછા બજેટની હોવા છતાં મજબૂત વાર્તાના કારણે હીટ ગઈ હતી.
જૂહીએ આ ફિલ્મમાં વીર્યદાન જેવા અઘરા અને સૂગ ધરાવતા વિષય પર સ્ટોરી લખીને
ઈન્ડસ્ટ્રીના અનેક ખેરખાંનું ધ્યાન ખેંચ્યુ છે. જૂહીએ સાબિત કરી દીધું છે કે, જો તમે
નવો આઈડિયા લઈને આવશો તો તમે પુરુષ છો કે મહિલા એવું કોઈ નહીં જુએ. જૂહી શૂજિત
સિરકાર સાથે એક લવ સ્ટોરી પર કામ કરતી હતી ત્યારે તેઓ કોઈ સારી સ્ટોરી વિશે ચર્ચા
કરતા હતા. પરંતુ ઘણાં દિવસો સુધી કોઈ સારો સ્ટોરી આઈડિયા મળતો ન હતો. છેવટે એક
દિવસ ‘સફરજન’ પડ્યું. જૂહીને વીર્યદાન કરતા એક યુવાન પર ફિલ્મ બનાવવાનો
વિચાર આવ્યો, જેને એવી યુવતી સાથે પ્રેમ થઈ જાય છે જે માતા બની શકે એમ ન
હતી. પછી તો જૂહીએ પોતાની એડવર્ટાઈઝિંગની તાલીમ કામે લગાડી, અને
પોતાની જાતને સતત પ્રશ્નો પૂછ્યા કે, લોકો કેમ આ ફિલ્મ
જોવા જશે?, આ ફિલ્મ બીજાથી અલગ કેવી રીતે હશે? આ વિચાર
પ્રક્રિયામાંથી ‘વિકી ડૉનર’ જેવી ‘હટ કે’ વાર્તા સર્જાઈ. આ ફિલ્મનું બજેટ ફક્ત રૂ. પાંચ કરોડ હતું, પરંતુ
બોક્સ ઓફિસ પર તેણે રૂ. 46 કરોડનો નફો કર્યો હતો.
અનુષા રીઝવી
અનુષા રીઝવીએ ખેડૂતોની આત્મહત્યા
જેવા મુદ્દે ‘પીપલી લાઈવ’ જેવી કટાક્ષયુક્ત
વાર્તા લખવાની સાથે આ ફિલ્મનું દિગ્દર્શન, સ્ક્રીનપ્લે
રાઈટિંગ પણ સંભાળીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પોતાની કાબેલિયતનો પરિચય આપ્યો છે.
ફિલ્મ દિગ્દર્શન અને લેખનમાં ઝંપલાવતા પહેલાં અનુષા એનડીટીવીમાં પત્રકાર હતા.
તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેંટ સ્ટીફન કોલેજમાંથી ઈતિહાસમાં સ્નાતકની પદવી મેળવી
છે. આ ફિલ્મની સફળતા પછી અનેક પત્રકારો અનુષાને સવાલ કરે છે કે, “શું
પીપલીની પત્રકાર નંદિતા મલિક તમે અસલી જિંદગીમાં જોયેલું કોઈ પાત્ર છે?” આ અંગે
તેઓ કહે છે કે, “નંદિતાનું પાત્ર આત્મકથાત્મક છે, અને
ફિલ્મના બાકીના પાત્રો પણ અસલી જિંદગીમાં જોયેલા લોકોથી જ પ્રભાવિત છે. આમ પણ, લેખક કે
ફિલ્મમેકરનું પહેલું કામ મોટે ભાગે આત્મકથાત્મક જ હોય છે.” સ્ત્રીઓ
દ્વારા કરાતા લેખન વિશે અનુષાનું માનવું છે કે, સ્ત્રી
કે સ્ત્રી દ્વારા કહેવાતી વાર્તામાં કોઈ ખાસ ફર્ક નથી હોતો, પરંતુ
તેમની દૃષ્ટિમાં ચોક્કસ ફર્ક હોય છે. જ્યારે લાગણીઓને ભારપૂર્વક રજૂ કરાય છે
ત્યારે સ્ત્રી-પુરુષ અલગ પડે છે. આ મુદ્દે તેઓ કહે છે કે, “જેમ કે, મેં મારી
ફિલ્મમાં સ્ત્રીઓની એક વાત ભારપૂર્વક રજૂ કરી છે કે, વિશ્વભરમાં
70 ટકા મજૂરી સ્ત્રીઓ દ્વારા થાય છે. પરંતુ આપણે આવી વાત પર ધ્યાન નથી આપતા. આમ
છતાં શહેરો અને ગલીઓના નામ અસલી જિંદગીમાં કે ફિલ્મોમાં સ્ત્રીઓ સાથે ભાગ્યેજ
જોડાયેલા હોય છે.” ‘પીપલી લાઈવ’ રૂ. દસ કરોડમાં
બની હતી, અને બોક્સઓફિસ પર તેણે રૂ. 30 કરોડનો
નફો કર્યો હતો.
ઈલા બેદી દત્તા
અમિતાભ બચ્ચનને લઈને યશ જોહરે
બનાવેલી ‘અગ્નિપથ’ની રિમેક બનાવવા માટે કરણ જોહેરે ઈલા બેદી દત્તા અને કરણ
મલહોત્રાને સ્ક્રીનપ્લે રાઈટિંગની જવાબદારી સોંપી હતી. કોઈ જૂની ફિલ્મની રિમેક
જેવું અઘરું કામ ઈલાને સોંપવાનું કારણ એટલું જ હતું કે, છેલ્લાં ઘણાં વર્ષોથી ટેલિવિઝન
લેખન ક્ષેત્રે સક્રિય ઈલા દર્શકોની નાડ બરાબર પારખે છે. વળી, એક એક્શન ડ્રામા
ફિલ્મ લખીને ઈલાએ મહિલાઓ એક્શન ફિલ્મો ન લખી શકે એ માન્યતા પણ તોડી નાંખી છે. ઈલાને
નાનપણથી ઘરમાં જ લેખન કરવાની પૂરતી મોકળાશ મળી હતી. કારણ કે, તેમના પિતા નરેન્દ્ર
બેદી જાણીતા ફિલ્મ દિગ્દર્શક હતા, જ્યારે દાદા રાજેન્દ્રસિંહ બેદી ઉર્દૂ નાટ્યકાર,
હિન્દી ફિલ્મ દિગ્દર્શક અને સ્ક્રીન રાઈટર હતા. ઈલા કહે છે કે, “હું ઘરમાં જ
ઈન્ડસ્ટ્રી જેવું વાતાવરણ અનુભવતી હતી.” આ પ્રકારના વાતાવરણમાં ઉછેર થવાના કારણે જ
કદાચ ઈલા એવું કહે છે કે, “એક મહિલા તરીકે મારી સાથે ક્યારેય ભેદભાવભર્યું વર્તન
થયું નથી. અહીંના લોકો ખૂબ સહકાર આપે છે. અત્યારે તો ઈન્ડસ્ટ્રીમાં ક્રિએટિવિટી જ
સર્વસ્વ છે, મજબૂત કન્ટેન્ટ જ તમારો ‘હીરો’ છે.”
ભાવની ઐયર
ભાવની ઐયર ‘બ્લેક’ અને ‘ગુઝારિશ’
જેવી બે ફિલ્મો લખીને પોતાની પ્રતિભાનો પરિચય આપી ચૂક્યા છે. જોકે હાલ તેઓ
અનિલકપૂરના બહુચર્ચિત પ્રોજેક્ટ ‘24’ સાથે સંકળાયેલા છે, જે વિદેશી ટીવી સીરિઝ
પરથી ભારતીય ટેલિવિઝન માટે પણ બની રહ્યો છે. જોકે, ભાવની ઐયર પણ આત્મવિશ્વાસ
ધરાવતી આધુનિક મહિલા છે, અને કદાચ એટલે જ તેઓ માને છે કે ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ
સાથે ભેદભાવભર્યું વર્તન નથી થતું. આ વાત સમજાવતા તેઓ કહે છે કે, “ઈન્ડસ્ટ્રીમાં
પડદા પાછળ કામ કરતા પુરુષ અને મહિલાઓનો રેશિયો અસમતોલ છે એ વાત સાચી. પરંતુ આ માટે
ભેદભાવ કે બીજા કોઈ કારણ જવાબદાર નથી. બહુ સીધુ ગણિત છે કે, આ ક્ષેત્રમાં રસ ધરાવતા
લોકો અહીં આવે છે, અને જેમની પાસે ટેલેન્ટ છે તેઓ સફળ થાય છે.” સ્ક્રીન રાઈટિંગમાં
સૌથી મહત્ત્વનું પાસું કયું છે એવા સવાલનો જવાબ આપતા ભાવની કહે છે કે, “જ્યારે તમે
સ્ક્રીપ્ટ સોંપો છો ત્યારે તમે જે કોઈ પાત્રોનું સર્જન કર્યું છે તે.” નોંધનીય છે
કે, ભાવની ‘મૈ ઐસા હી હૂં’, ‘સ્વામી’, ‘ભ્રમ’, અને ‘લવ સ્ટોરી-2050’ જેવી ઓછા
બજેટની ફિલ્મોનું સ્ક્રીનપ્લે રાઈટિંગ પણ કરી ચૂક્યા છે.
રાજશ્રી ઓઝા
રાજશ્રીએ વર્ષ 2002માં ‘બદગર’થી
હિન્દી લેખન અને દિગ્દર્શનમાં ઝંપલાવ્યુ હતું. ત્યાર પછી તેમણે ‘યાત્રા’, ‘ચૌરાહે’
અને ‘આઈશા’ જેવી ઓછા બજેટની ફિલ્મોનું દિગ્દર્શન, સ્ક્રીનપ્લે રાઈટિંગ કર્યું છે.
હિન્દી ફિલ્મ લેખનમાં અત્યારે મહિલાઓની સ્થિતિ વિશે તેઓ કહે છે કે, “અત્યારે
લોકોની દૃષ્ટિ ખાસ્સી બદલાઈ છે, અને વધુને વધુ મહિલાઓ આ ક્ષેત્રે આવી રહી છે.”
રાજશ્રીને ફિલ્મ લેખનમાં ખરી ઓળખ વર્ષ 2007માં આવેલી ‘ચૌરાહે’થી મળી હતી. આ
ફિલ્મમાં તેમણે માનવીય સંબંધોના તાણાવાણા કળાત્મક રીતે રજૂ કર્યા છે. આ ફિલ્મ
જાણીતા હિન્દી સાહિત્યકાર નિર્મળ વર્માની ચાર વાર્તાઓ પર આધારિત છે. આ અંગે
રાજશ્રી કહે છે કે, “ફિલ્મ બનાવવા મારી પાસે પૈસા ન હતા, કોઈ સંપર્કો નહોતા. મારી
પાસે ફક્ત ડિપ્લોમા વખતે બનાવેલી ફિલ્મ ‘બડગર’ હતી. આ ફિલ્મ પણ જગ સરૈયાની ટૂંકી
વાર્તા પર આધારિત હતી. હું વિચારતી હતી કે, આ ફિલ્મ નિર્મળજીને ગમશે. પછી તો
નિર્મળજીએ મને તેમની કોઈ પણ વાર્તા પસંદ કરવાની છૂટ આપી હતી. પરંતુ મેં જ્યારે
તેમને કહ્યું કે, મારે એક નહીં, ચાર વાર્તા જોઈએ છે ત્યારે તેમને નવાઈ લાગી. મારે
તેમને સમજાવવા પડ્યા કે, હું ચાર વાર્તા ભેગી કરીને જટિલ માનવીય સંબંધો દર્શાવવા
માંગુ છુ.” આ ફિલ્મમાં વિક્ટર બેનર્જી એક વૃદ્ધની ભૂમિકામાં છે, જે એક વિદેશી
મહિલાના પ્રેમમાં પડે છે. આ વિદેશી મહિલાનું પાત્ર કિરા ચેપ્લીને ભજવ્યું છે, જે
ચાર્લી ચેપ્લિનના દોહિત્રી છે.
મેઘા રામાસ્વામી
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ
ઈન્ડિયામાંથી ગ્રેજ્યુએટ થનારા મેઘા રામાસ્વામીએ બિજોય નામ્બિયારની ‘શૈતાન’માં
સહ-લેખિકા તરીકે કામ કરીને ફિલ્મ લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. મેઘા પણ મેટ્રો
ગર્લ છે, અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે એ વાતને
સંપૂર્ણ ફગાવી દે છે. 30 વર્ષીય મેઘા કહે છે કે, “બોલિવૂડમાં આવી વાત કરવી અયોગ્ય
છે. અહીં દરેક પોતાની મરજી મુજબની વાર્તા લખી શકે છે, અને યોગ્ય લોકો સમક્ષ તેની
રજૂઆત પણ કરે છે. જો તમારી વાર્તામાં દમ હશે, તો એક દિવસ કામ થશે.” મેઘા સોની
તારાપોરવાલાને યશ આપે છે જેમણે વર્ષ 1988માં મીરા નાયર સાથે ‘સલામ બોમ્બે’ની
સ્ટોરી લખીને આજની મહિલાઓને એક દિશા ચીંધી હતી. આ બદલાવ લાવવા બદલ મેઘા હની ઈરાની
અને કામના ચંદ્રા જેવી ફિલ્મ લેખિકાઓને પણ આદરપૂર્વક યાદ કરે છે. નોંધનીય છે કે,
હની ઈરાની ‘ડર’, ‘ક્યા કહેના’, ‘કોઈ મિલ ગયા’, અને ‘ક્રિશ’ જેવી કુલ 15 ફિલ્મ લખી ચૂક્યા છે. જ્યારે કામના ચંદ્રાએ
‘પ્રેમરોગ’, ‘ચાંદની’, ‘1942- એ લવ સ્ટોરી’, ‘ભૈરવી’, ‘કરીબ’ અને ‘ગજગામિની’ જેવી
ફિલ્મોનું લેખન સંભાળ્યુ હતુ.
આમ, આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં
ફિલ્મ લેખન ક્ષેત્રે પુરુષોનું વર્ચસ્વ રહ્યું નથી. વાર્તા જ નહીં, સંવાદો અને
સ્ક્રીનપ્લે રાઈટિંગ જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓ આગળ વધી રહી છે. રાજશ્રી ઓઝાની ‘આઈશા’ના સંવાદો, સ્ક્રીપ્લે રાઈટિંગમાં રીતુ ભાટિયા અને દેવિકા ભગત નામની મહિલાઓ
પણ સહભાગી હતી. રીતુએ અગાઉ ‘લંડન પેરિસ ન્યૂયોર્ક’ના સંવાદો લખ્યા હતા, જ્યારે દેવિકા
‘બચના એ હસીનો’ અને ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’ જેવી સફળ ફિલ્મોનું સ્ક્રીનપ્લે
રાઈટિંગ કરી ચૂક્યા છે. મહિલાઓ લેખનના સાથે દિગ્દર્શન, ફિલ્મ એડિટિંગ,
સિનેમેટોગ્રાફી, કોરિયોગ્રાફી અને મ્યુઝિક જેવા ક્ષેત્રોમાં પણ પુરુષની બરાબરી કરી
રહી છે. આ સિવાય પણ અનેક મહિલાઓ ટેલિવિઝન કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ
ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કરી રહી હશે એ વાતમાં કોઈ શંકા નથી.
AWESOME!
ReplyDeleteThx
Delete