Showing posts with label પર્યાવરણ. Show all posts
Showing posts with label પર્યાવરણ. Show all posts

29 October, 2018

ઈન્ડિયન ગ્રે વુલ્ફ : મોગલીના પરિવાર પર ખતરો


રુડયાર્ડ કિપલિંગની 'ધ જંગલ બુક'માં મોગલીનો ઉછેર વરુઓના એક ઝૂંડમાં થાય છે. મોગલીનો ઉછેર રક્ષા નામની એક માદા વરુ કરે છે, જે મોગલીને શેર ખાનથી કેવી રીતે બચવું અને જંગલી કૂતરાઓને કેવી રીતે ગેરમાર્ગે દોરવા એ શીખવે છે. આ શેર ખાન એટલે રોયલ બેંગાલ ટાઈગર અને મોગલીનો ઉછેર કરતા વરુ એટલે ઈન્ડિયન ગ્રે વુલ્ફ. (કિપલિંગે મોગલીની વાર્તાઓમાં રોયલ બેંગાલ ટાઈગરને 'શેર' પરથી શેર ખાન નામ આપ્યું છે, પરંતુ હિંદીમાં શેરનો અર્થ સિંહ અને બાઘનો અર્થ વાઘ થાય). મોગલીની વાર્તાઓમાં વરુઓને વાઘનો ભય છે, પરંતુ અસલી જિંદગીમાં પણ વાઘ-સિંહના કારણે જ વરુઓના માથે ખતરો તોળાઈ રહ્યો છે. 'ધ જંગલ બુક'માં કહેવાયું છે એવી રીતે નહીં પણ જરા જુદી રીતે.

ભારતમાં 'સેવ વાઈલ્ડ લાઈફ'ની વાત આવે એટલે મુદ્દો વાઘ-સિંહ સુધી આવીને અટકી જાય છે, જેના કારણે ઈકો સિસ્ટમમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતા બીજા અનેક સસ્તન પ્રાણીઓ પર 'સરકારી ધોરણે' પણ ધ્યાન અપાતું નથી. ઈન્ડિયન ગ્રે વુલ્ફ સાથે પણ આવું જ થયું છે, જે ભારતમાં વરુ જેવા સીધાસાદા નામે ઓળખાય છે. આ વરુ જ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતા હરણ, સસલાં, ઉંદરો, મોટા પક્ષીઓ, પહાડી બકરા-ઘેંટા વગેરેનો શિકાર કરીને તેમની વસતી કાબૂમાં રાખે છે. ભારતીય સંસ્કૃતિમાં એટલે જ વરુનો શિકાર કરવો અપશુનિયાળ મનાતો. ખેડૂતો એવું માનતા કે, વરુનો શિકાર કરવાથી પાક સારો નથી ઉતરતો.

મોગલી અને રક્ષાનું ફિલ્મી દૃશ્ય 

આજકાલ ખેડૂતોની જેમ વરુની સ્થિતિ પણ બદતર છે. ૨૦૦૪માં કરાયેલા અંદાજ પ્રમાણે, દેશભરમાં વરુઓની વસતી માંડ બે-ત્રણ હજાર રહી ગઈ છે. આપણી પાસે તેનો પણ ચોક્કસ આંકડો નથી. એક સમયે ઈન્ડિયન ગ્રે વુલ્ફ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા હતા. આ જ પ્રજાતિ નેપાળ અને ભુતાનમાં પણ જોવા મળતી હતી પણ અત્યારે આ પ્રદેશોમાં તે હયાત છે કે નહીં એ વિશે કોઈ માહિતી નથી. ભારત સરકારે ૧૯૭૨માં ઈન્ડિયન ગ્રે વુલ્ફને ઝડપથી લુપ્ત થઈ રહેલી પ્રજાતિમાં મૂકીને સંરક્ષણ આપ્યું હતું. છેલ્લાં કેટલાક વર્ષોમાં જંગલો વધુને વધુ પાંખા થઈ રહ્યા છે, જેના કારણે વરુનો ખોરાક ગણાતા નાના અને મધ્યમ કદના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ ઘટી રહી છે. આ સ્થિતિમાં વરુ કેવી રીતે બચે? 

ભારતમાં પશ્ચિમ ઘાટથી છેક સામે છેડે પૂર્વ ઘાટ સુધી પથરાયેલો વિસ્તાર 'ડેક્કન પ્લેટો' તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વરુને બચાવવા સારું કામ થઈ રહ્યું છે. સરકારી નહીં, પણ સ્વૈચ્છિક ધોરણે. આ વિશે વિગતે વાત કરીએ. તમે હમ્પીનું નામ સાંભળ્યું હશે. કર્ણાટકમાં આવેલા આ ઐતિહાસિક સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે. ૧૪મી સદીમાં સોળે કળાએ ખીલેલા વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પી હતી. આધુનિક કર્ણાટકના બેલ્લારી અને કોપ્પલ જિલ્લાના અમુક વિસ્તારમાં હમ્પીના ઐતિહાસિક સ્થાપત્યો પથરાયેલા છે. દેશી-વિદેશી પ્રવાસીઓમાં આ સ્થળ ખૂબ લોકપ્રિય છે. રોપ અને હાર્નેસ વિના નાનકડા ખડકો પર ક્લાઇમ્બિંગ કરવાની 'બુલ્ડરિંગ' નામની એડવેન્ચર સ્પોર્ટ્સના કારણે પણ હમ્પી જાણીતું છે. જોકે, એક વાત બહુ ઓછી જાણીતી છે. અહીંની વાઈલ્ડ લાઈફ.

વેળાવદરમાં આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ


હમ્પી નજીક આવેલા રેલવે સ્ટેશનથી માંડ ત્રીસેક કિલોમીટર દૂર કોપ્પલની વચ્ચે ચારેય તરફ પર્વતમાળા પથરાયેલી છે. વિસ્તારમાં સ્લોથ બેર અને દીપડા સારી એવી સંખ્યામાં વસે છે. હમ્પીની બાજુમાં જ દારોજી બેર સેન્ચુરી છે અને ત્યાં પણ સ્લોથ બેર જોવા મળે છે. આ ઉપરાંત અહીંના છુટાછવાયા વેરાન વિસ્તારોમાં જળ બિલાડી, ચટાપટાવાળા ઝરખ, કાળિયાર, શાહુડી, શિયાળ, એશિયન પામ સિવેટ (એક પ્રકારની નાની બિલાડી) અને ઈન્ડિયન ગ્રે વુલ્ફ જોવા મળે છે. પોષણકડીમાં ખૂબ જ મહત્ત્વના મનાતા આ તમામ દુર્લભ સસ્તન પ્રાણીઓની વસતી અત્યારે ઝડપથી ઘટી રહી છે. હજુ એકાદ દાયકા પહેલાં અહીં ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ નામના પક્ષી પણ ઠેર ઠેર જોવા મળતા. ગુજરાતીમાં આ પક્ષીને આપણે ઘોરાડ તરીકે ઓળખીએ છીએ. પીળા રંગનું ગળું ધરાવતી બુલબુલ અને તેતર પણ અહીં જોવા મળતા. જોકે, ખડકાળ વિસ્તારોમાં ઝાડીઝાંખરા ઘટવાના કારણે આ પક્ષીઓ પણ હવે લુપ્ત થઈ રહ્યા છે.

હમ્પીથી એક કલાકના અંતરે વેરાન જંગલમાં રાજવી પરિવારની માલિકીની એક લૉજ છે, જે ઈન્દ્રજીત ઘોરપડેનું નિવાસ સ્થાન છે. તેઓ છ સદીનો ઈતિહાસ ધરાવતા ગજેન્દ્રગઢ રાજવી પરિવારના વંશજ છે. મરાઠી ભાષામાં મોનિટર લિઝાર્ડ (એક પ્રકારની ઘો) 'ઘોરપડે' તરીકે ઓળખાય છે, જેના પરથી રાજવી પરિવારને આ અટક મળી હતી. ઈન્દ્રજીત ઘોરપડે કોપ્પલની વાઈલ્ડ લાઈફના માનદ્ સંરક્ષક છે. તેઓ ડેક્કન કન્ઝર્વેશન ફાઉન્ડેશન હેઠળ ઈન્ડિયન ગ્રે વુલ્ફ સહિતના સસ્તન પ્રાણીઓને બચાવવા પ્રયત્નશીલ છે. ઈન્દ્રજીત ઘોરપડે અહીં ફોટોગ્રાફી કે સફારી કરવા આવતા વાઈલ્ડ લાઈફના રસિયાઓને અંતરિયાળ વિસ્તારમાં ઊંડે સુધી લઈ જઈને સમજાવે ત્યારે અહેસાસ થાય છે કે, વિકાસની દોડમાં જમીન, પાણી અને હવાના પ્રદૂષણના કારણે અત્યંત સમૃદ્ધ જંગલ વિસ્તારોનો કેવી રીતે સફાયો થઈ રહ્યો છે!


હમ્પીનું વિખ્યાત વિરુપક્ષા મંદિર


જેમ કે, થોડા સમય પહેલાં અહીં જંગલી ફૂલો સારા એવા પ્રમાણમાં થતા, જેના કારણે અહીં જાતભાતના પતંગિયા જોવા મળતા, પરંતુ હવે ફૂલોનું વૈવિધ્ય પણ ઘટી રહ્યું છે. હમ્પીની આસપાસના જંગલોમાં ઝાડીઝાંખરા ધરાવતા ખડકાળ જંગલો વધારે છે. આ પ્રકારના પ્રદેશોમાં કુરુબા નામની જાતિના પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં ઘેંટા-બકરા ચરાવતા જોવા મળે, જે ઈન્ડિયન ગ્રે વુલ્ફનો સૌથી મહત્ત્વનો ખોરાક છે. કદાચ એટલે જ અહીં ઈન્ડિયન ગ્રે વુલ્ફે રહેવાનું પસંદ કર્યું હશે! ગીરના માલધારીઓ સિંહ સાથે જેવો સંબંધ રાખે છે, એવો જ સંબંધ અહીંના પશુપાલકોને વરુ સાથે છે. પરંતુ ઘાસિયા મેદાનો ધરાવતા વેરાન વિસ્તારોને કર્ણાટકની સરકાર 'બહુ મહત્ત્વનો નહીં એવો વિસ્તાર' ગણીને દુર્લક્ષ સેવે છે. આ કારણસર ત્યાં વસતા સજીવો સરકારી યોજનાઓથી વંચિત રહી જાય છે. પક્ષીઓ, સરિસૃપો અને જીવડાંની હજારો પ્રજાતિઓ પણ વાઈલ્ડ લાઈફ છે, એ વાત તો જાણે સરકાર ભૂલી જ ગઈ છે.

આપણે વરુની વાત કરીએ. વરુ કોઈ સામાન્ય પ્રાણી નથી. પૃથ્વી પર વિચરતા સૌથી જૂના સસ્તન પ્રાણીઓમાં વરુનો સમાવેશ થાય છે. હમણાં સુધી એવું મનાતું કે, ભારતમાં જોવા મળતા ઈન્ડિયન ગ્રે વુલ્ફ યુરેશિયા (યુરોપ-એશિયાને જોડતા પ્રદેશો) અને ઉત્તર અમેરિકામાં દેખાતા ગ્રે વુલ્ફની જ પેટા પ્રજાતિ છે. જોકે, વિજ્ઞાનીઓની એ માન્યતા પણ ખોટી પડી. તાજેતરના ડીએનએ સંશોધનો અને વિવિધ અશ્મિઓની શોધ પછી એવું જાણવા મળ્યું કે, પાછલા ૪૦ હજાર વર્ષમાં ભારતીય વરુનું બીજી કોઈ જાતિ સાથે ક્રોસ બ્રિડિંગ થયું નથી. એ પછી ગ્રે વુલ્ફની આગળ 'ઈન્ડિયન' લગાડીને તેની જુદી જાતિ તરીકે નોંધ લેવાઈ.  રસપ્રદ વાત એ છે કે, અરેબિયન ઉપખંડ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં દેખાતા વરુ ગ્રે વુલ્ફની જ પેટા પ્રજાતિ મનાય છે, પરંતુ ભારતીય વરુ નહીં. એ પ્રદેશોમાં જોવા મળતા વરુ 'ઈરાનિયન વુલ્ફ' તરીકે ઓળખાય છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં જોવા મળતા વરુ 'હિમાલયન વુલ્ફ' તરીકે ઓળખાય છે. હિમાલયન વુલ્ફ મોટા ભાગે તિબેટિયન ઉપખંડમાં ફેલાયેલા છે. વરુ આઈસ એજમાં પણ ટકી ગયા હતા કારણ કે, અત્યંત કપરી સ્થિતિમાં જીવન ટકાવવાની પદ્ધતિઓ શોધી કાઢવામાં તેઓ માહેર છે.

હમ્પીના ખડકો પર બુલ્ડરિંગ

આ સુંદર જીવ એક સમયે ખેડૂતમિત્ર મનાતા પણ છેલ્લી બે-ત્રણ સદીમાં તેની ક્રૂરતાપૂર્વક કત્લેઆમ કરાઈ છે. બ્રિટીશ રાજમાં અંગ્રેજ અધિકારીઓ શિકાર કરવા નીકળે ત્યારે વરુને નહોતા મારતા, પરંતુ બાદમાં જંગલો ઘટતા વરુ માનવ વસતી તરફ આવવા લાગ્યા. વરુના ઢોરો અને બાળકો પર હુમલા વધી ગયા. એક અંદાજ પ્રમાણે, ૧૮૭૧થી ૧૯૧૬ વચ્ચે રાજા-મહારાજાઓ, અંગ્રેજો અને સ્થાનિકોએ ફક્ત બક્ષિસ માટે એક લાખ વરુનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. ભારત સરકારના આંકડા પ્રમાણે, ૧૮૭૮માં વરુએ ઉત્તર પ્રદેશમાં ૬૨૪ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મધ્ય ભારતમાં ઈસ. ૧૯૦૦માં ૨૮૫ લોકો વરુના હુમલામાં મરી ગયા. ૧૮૭૬માં બિહારમાં ઢોરો અને માણસો પર વરુના ૭૨૧ હુમલા નોંધાયા. આ હુમલાને પગલે સ્થાનિકોએ ૨,૮૨૫ વરુની હત્યા કરી નાંખી. એ પછીના વર્ષે વરુના ૬૨૪ હુમલા નોંધાયા, જેની પ્રતિક્રિયા રૂપે ૨,૬૦૦ વરુની હત્યા કરાઈ।

ઈસ. ૧૯૦૦ પછી સતત વીસેક વર્ષ સુધી ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં વરુ સંખ્યાબંધ બાળકોને ઉઠાવી ગયા અથવા હુમલા કર્યા. આ જ પ્રકારની વાતોમાંથી વરુના ટોળામાં મોટા થયેલા બાળકની સાચી-ખોટી વાતો ફેલાઈ અને રુડયાર્ડ કિપલિંગે મોગલી નામના મહાન કાલ્પનિક પાત્રનું સર્જન કર્યું. 

રાજા-મહારાજાઓના સમયમાં ઈન્ડિયન ગ્રે વુલ્ફ ડેક્કન પ્લેટનો આત્મા ગણાતા. આશા રાખીએ કે, ભારતીય ઉપખંડના સૌથી જૂની ભૌગોલિક રચના ગણાતા આ વિસ્તારનો આત્મા અમર રહે!

17 September, 2018

ઈકો વિલેજ: ભારતના સાચા વિકાસનો જવાબ


સુરત નજીક એક નાનકડું ગામ છે, ધજ. થોડા સમય પહેલાં આ ગામને દેશનું સૌથી પહેલું ઈકો વિલેજ જાહેર કરાયું હતું. ઈકો વિલેજ એટલે સ્થાનિક લોકો અને પર્યાવરણ એ બંનેને ધ્યાનમાં રાખીને વિકસાવેલું મોડેલ. આ પ્રકારના ગામમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી હોય એ તમામ બાબત પર ભાર મૂકાયો હોય. ટકાઉ એટલે એવો વિકાસ જેનાથી માણસો અને પર્યાવરણને લાંબા ગાળે નુકસાન ના થાય. જેમ કે, પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા, વરસાદી પાણી વહી ના જાય એ માટે રિચાર્જવેલ, સજીવ ખેતીને પ્રોત્સાહન, બાયોગેસ-સૌર અને પવન ઊર્જાનો મહત્તમ ઉપયોગ, પ્રવાહી અને ધન કચરાના નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, બાયોટોઈલેટ તેમજ ખેડૂતો કૃષિ અને ગ્રામીણ મહિલાઓ પશુપાલન કે હસ્તકલા જેવા પરંપરાગત વ્યવસાયમાં આગળ વધી શકે એ બધી જ સુવિધા.

ઈકો વિલેજના આ પાયાના માપદંડો છે, પરંતુ સ્થાનિક વસતીની સંસ્કૃતિ, પરંપરાઓ, પર્યાવરણ અને જરૂરિયાતો મુજબ તેમાં ફેરફારો થઈ શકે. ધજ ગામ હવે પાંચેક લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. અગાઉ ધજમાં વરસાદી પાણી વહી જતું, પરંતુ હવે ત્યાં પાંચ રિચાર્જ વેલ છે, જેના કારણે ભૂગર્ભ જળસપાટી પણ ઊંચી આવી છે. લોકો સૌરઊર્જાનો ઉપયોગ કરે છે એટલે વીજળી પર આધાર નથી રાખવો પડતો. વીજળી બચે એ પાછો બીજો ફાયદો. જો ગામડાંમાં 'સ્વચ્છ' ઊર્જાને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તો થોડા વર્ષોમાં અડધા ભારતને આપોઆપ એક્સટર્નલ ગ્રીડમાંથી મુક્તિ મળી જાય. આ ઉપરાંત ધજ ગામે બાયોગેસ અપનાવતા આસપાસના જંગલ વિસ્તાર પર ભારણ ઘટ્યું છે. વાયુ પ્રદૂષણ પણ ઓછું થયું છે. બાયોગેસ મળવાથી લોકો પ્રેશરકૂકરનો ઉપયોગ કરે છે, જેના કારણે નાનકડા ઘરોમાં રસોઈ કરતી મહિલાઓના શ્વાસમાં ચૂલાના ઝેરી ધુમાડા જતા નથી. અમેરિકાની મિશિગન યુનવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઈકો વિલેજનો અભ્યાસ કરવા ધજની મુલાકાત લઈ ચૂક્યા છે.

શું આપણે ભારતના સાતેક લાખ ગામડાંને ઈકો વિલેજમાં પરિવર્તિત ના કરી શકીએ? દેશની વસતી ૧૩૨ કરોડ અને ૪૨ લાખે પહોંચી ગઈ છે. પર્યાવરણના મુખ્ય ચાર સ્રોત પાણી, વાયુ, ઊર્જા અને જમીન ખૂટી ગયા છે અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાંથી મોટા શહેરો તરફ સ્થળાંતર વધી રહ્યું છે, જેના કારણે બેફામ શહેરીકરણ, ગીચતા, બિમારીઓ, ગંદી ઝૂંપડપટ્ટીઓ, ટ્રાફિક અને પાર્કિંગ સહિતની મુશ્કેલીઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરોને જોઈને ગ્રામીણ ભારતમાં હજુ પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે, વિકાસના ફળ તમામ લોકો સુધી પહોંચ્યા નથી. આર્થિક અસમાનતા વધી રહી છે. નાના અને મધ્યમ ખેડૂતોની આવક સતત ઘટી રહી છે.



આ સ્થિતિમાં ગામડાંમાં રહેતા યુવકો ખેતીમાં શું કામ રસ લે? ખેડૂતોની તો ધૂમ કમાણી કરે છે અને તેઓ કરવેરા પણ ભરતા નથી એવી દલીલ કરનારાને ખબર નથી કે, ગ્રામીણ ભારતમાં જેની પાસે જમીન છે એ ધનવાન છે, બાકીનો બહુ જ મોટો વર્ગ નાના ખેડૂતો અને ખેતમજૂરોનો છે. શહેરો કરતા ગામોમાં આર્થિક અસમાનતાનો પ્રશ્ન વધુ ઊંડો છે. ખેડૂતોની આત્મહત્યાના સત્તાવાર (રિપીટ, સત્તાવાર) આંકડા પર નજર કરો. દેશના તમામ રાજ્યોમાં ગામડાં વધારે છે પણ ૫૦ ટકાથીયે વધુ વસતી શહેરોમાં છે. જોકે, ગામડા ખાલી થવાનું કારણ એકલું રોજગારી નથી. ગામમાં રહેતો માણસ સારા જીવનધોરણની શોધમાં શહેર તરફ જાય છે. જેમ કે, શહેરોમાંથી અમેરિકા કે બીજા કોઈ દેશમાં સ્થાયી થતાં બધા જ લોકો કંઈ ડૉલરને પ્રેમ નથી કરતા. અનેક લોકો ફક્ત 'ક્વૉલિટી ઓફ લાઈફ' માટે બીજા દેશમાં જાય છે. આપણા અનેક મિલિયોનેર્સ-બિલિયોનેર્સ વિદેશોના નાગરિક છે, એનું કારણ પણ આ. એવી જ રીતે, ગામડાંમાં રહેતા માણસને પણ સારું શિક્ષણ અને આગળ વધવાની 'તક' જોઈએ છે. કોને પોતાના મૂળિયા તરફ જોડાઈ રહેવું ના ગમે?

ઈકો વિલેજની બીજી એક મહત્ત્વની શરત એ પણ છે કે, ગામડાં નજીક જ લોકોને ઉત્તમ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મળવું જોઈએ. ટૂંકમાં ગામડાંના લાખો રોજગારીની શોધમાં, વધુ કમાણીની લાલચમાં અને બાળકોને સારું શિક્ષણ આપવાના હેતુથી શહેરો તરફ આવી રહ્યા છે. આ બધું તેઓને ગામડાંમાં કે ગામડાં નજીક મળવું જોઈએ. શહેરીકરણ સાથે એક બીજો પણ મુદ્દો ગાઢ રીતે જોડાયેલો છે, પર્યાવરણ. દુનિયાભરના પર્યાવરણમાં મોટા પાયે ફેરફારો થવાના કારણે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. વળી, ભારતમાં બંધના પ્રમાણમાં સિંચાઈનું નેટવર્ક ઓછું છે. આ બંધ પાછા ભારે વરસાદના કારણે ભરાઈ જાય ત્યારે દરવાજા ખોલી નંખાય છે અને એમાં સૌથી પહેલો ભોગ લેવાય છે, ઊભા પાકનો. છેક ઉપરથી નીચે સુધી તમામ સ્તરે આવા મિસ મેનેજમેન્ટના કારણે કૃષિ અર્થતંત્રની ઘોર ખોદાઈ રહી છે. એક સમયે ભારતનું શહેરી અર્થતંત્ર પણ ખેડૂતોના કારણે ધબકતું રહેતું, પરંતુ આજના ખેડૂત દેવાના બોજ તળે દબાયેલા છે અને કૃષિ ધિરાણોની યોજનાઓ પણ અસરકારક નીવડી નથી. કૃષિ ધિરાણ યોજનાઓના આંકડા કહે છે કે, ભારતમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત રાખવા બનાવેલી કૃષિ યોજનાઓનો ભાગ્યેજ સારી રીતે અમલ થયો છે.

વળી, ભારતમાં પર્યાવરણને લગતા કાયદાનો અમલ ઢીલો છે, જેના કારણે ઔદ્યોગિકીકરણથી વધારે નુકસાન થઈ રહ્યું છે. શહેરોમાં રોજગારી ઊભી કરવાની યોજનાઓના અમલથી, નથી શહેરોમાં લાંબા ગાળાનો ફાયદો દેખાઈ રહ્યો, કે નથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતાઈ મળી રહી. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી યોજનાઓનો અમલ એટલો બધો બિનઅસરકારક છે કે, ત્યાં આકર્ષક રોજગાર ઊભા થાય એ પહેલાં લોકો શહેરોના ઔદ્યોગિક વિસ્તારો તરફ આવી જાય છે. દેશમાં સાત લાખ ગામડાં છે અને ગામડાંનો મુખ્ય વ્યવસાય સીધી કે આડકતરી રીતે કૃષિ જ છે. જો લાખો લોકો કૃષિથી દૂર જવાનું આવી જ રીતે ચાલશે તો ગ્રામીણ અર્થતંત્રની કમર તૂટી નહીં જાય?

કૃષિ અર્થતંત્રના જાણકારોનું માનવું છે કે, ગ્રામીણ ભારતનું અર્થતંત્ર ચેતનવંતુ કરવા એક ફૂલપ્રૂફ યોજનાની જરૂર છે. દેશમાં પાણી, જમીન અને ઊર્જાને લગતા વિપુલ સ્રોત છે. આ બધાનું યોગ્ય આયોજન કરવામાં આવે તો આપણે સ્વનિર્ભર થઈ શકીએ. આજે પણ ગામડાંમાં ખૂબ જ સારું વાતાવરણ છે, પૂરતા કુદરતી સ્રોતો છે અને આપણે તેને પ્રદૂષિત નહીં કરી દેવા જોઈએ. કેન્દ્ર સરકાર જ દરેક રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરનું આયોજન કરીને 'ઈકો વિલેજ'ની યોજનાનો અમલ કરાવી શકે. આ પ્રકારની યોજનાથી ગ્રામીણ ભારત જ નહીં, શહેરી ભારતની સુરત પણ બદલી શકાય. યુરોપના મોટા ભાગના દેશોએ ગ્રામીણ વિકાસ પર ઉદ્યોગો જેટલો જ ભાર મૂક્યો છે. જેમ કે, જર્મનીના ફ્રેઇમ્ટ નામના ઈકો વિલેજની વસતી ૪,૩૦૦ છે. આ તમામ લોકો માટે બાયોગેસ પ્લાન્ટ તેમજ સોલાર-વિન્ડ ઊર્જા પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૪ મિલિયન કિલોવોટ ઊર્જા મળે છે, જે તેમની જરૂરિયાત કરતા ત્રણ લાખ કિલોવોટ વધારે છે. જર્મનીના અનેક ગામો જરૂરિયાત કરતા ૩૦૦ ગણી વધારે ઊર્જાનું ઉત્પાદન કરે છે અને ભારતના કુદરતી સ્રોતો જોતા અહીં પણ આવું અર્થતંત્ર વિકસાવવાની પૂરેપૂરી શક્યતા છે. યુરોપના અનેક દેશોના ગામડાંરૂરિયાત કરતા વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે અને તેનું વેચાણ કરીને વર્ષેદહાડે લાખો યુરોની આવક પણ કરે છે.

ભારતમાં પણ ૨૦૧૩ની શરૂઆતમાં ઈકો વિલેજ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન પૂણે જિલ્લાની ૭૫૩ ગ્રામ પંચાયતોએ કેન્દ્ર સરકારે શરૂ કરેલી ઈકો વિલેજ યોજના માટે અરજી કરી હતી. જોકે, વાત આગળ ના વધી. આ યોજનાનો અમલ કરતી વખતે સરકારે લાંબા ગાળાના લક્ષ્યાંકો રાખવાના બદલે ફક્ત વૃક્ષો ઊગાડવાની અને અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા જેવી બાબતો પર જ ભાર મૂક્યો. છેવટે ઈકો વિલેજ યોજનાનો અમલ ઉપરછલ્લો, લોકરંજક અને ચૂંટણીલક્ષી બનીને રહી ગયો અને તેનો ફાયદો જ ના મળ્યો. યુરોપના જર્મની અને ફ્રાંસ જેવા અનેક દેશોમાં ઈકો વિલેજના કોન્સેપ્ટને ખૂબ જ આવકાર મળ્યો છે અને તેનો યોગ્ય રીતે અમલ પણ થઈ શક્યો છે, પરંતુ ભારત ગામડાંઓનો દેશ હોવા છતાં આ દિશામાં કોઈ જ ધ્યાન નથી અપાતું.

ઈકો વિલેજ કોન્સેપ્ટને અમલમાં મૂકીને યુરોપ 'ચેન્જ' લાવી શકે છે, તો ભારત કેમ નહીં? બસ જરૂર છે, રાજકીય ઈચ્છા શક્તિની!

નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે. 

13 June, 2018

અરુણાચલ: એક અજાણ્યો 'પ્રદેશ'


ચીનના સૈનિકો ઘૂસણખોરી કરે ત્યારે અરુણાચલ પ્રદેશ અચૂક સમાચારોમાં ચમકે છે, પરંતુ આ કારણથી વારંવાર સમાચારમાં ચમકતો નથી એવો પણ અરુણાચલમાં એક 'પ્રદેશછે. આ પ્રદેશ જાણે દેશથી અલગ પડી ગયો હોય એવા ઉત્તર પૂર્વ (નોર્થ-ઇસ્ટ) ભારતમાં આવેલો હોવાથી સરેરાશ ભારતીય તેના વિશે બહુ ઓછું જાણે છે. હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં ૬૬ પ્રજાતિના પક્ષી પહેલીવાર નોંધાયા. આ ૬૬ પૈકી છ ઝડપથી લુપ્ત થઇ રહેલી પ્રજાતિમાં આવે છે. આશ્ચર્યની વાત છે કે, અત્યાર સુધી સરકારના લાગતા-વળગતા વિભાગોને ખબર ન હતી કે, આ ૬૬ પ્રકારના પક્ષીઓ અરુણાચલમાં પણ વસવાટ કરે છે. આજેય ભારત સરકાર પાસે અરુણાચલ સહિતના હિમાલયના અંતરિયાળ વિસ્તારોના જંગલો, નદીઓ અને ઉપનદીઓની ચોક્કસ માહિતી નથી. આ બ્લોગમાં બ્રહ્મપુત્ર નદીની સિરીઝ પોસ્ટ કરાઈ ત્યારે એ વિશે વિગતે વાત કરાઈ હતી.

કેવી રીતે મળ્યા અરુણાચલમાં નવા પક્ષીઓ?

અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ એન્વાયર્મેન્ટના સંશોધક અનિર્બાન દત્તા રોયે પીએચ.ડી. ફિલ્ડ વર્કના ભાગરૂપે એક રિપોર્ટ તૈયાર કરવાનો હતો. એ માટે તેમણે અરુણાચલના અપર સિઆંગ જિલ્લાના જંગલોમાં ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ફિલ્ડ વર્ક કરીને શોધી કાઢ્યું કે, અરુણાચલના સિઆંગ ખીણમાં કુલ ૨૫૨ પ્રકારના પક્ષીઓની પ્રજાતિ રહે છે, જેમાંથી ૬૬ પ્રકારના પક્ષીઓ પહેલીવાર નોંધાયા છે. જેમ કે, એશિયન એમરાલ્ડ, કોમન હૉક અને ડ્રોંગો જેવી કોયલની નવ પ્રજાતિ. ગ્રે લેગ ગૂઝ, કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, લિટલ ગ્રેબ અને મલાર્ડ જેવી માઇગ્રેટિંગ વોટરફાઉલ (જળકૂકડી)ની સાત પ્રજાતિ. આ સર્વેક્ષણ પહેલાં પક્ષીવિદેને અંદાજ પણ ન હતો કે, સિઆંગના જંગલોમાં આ પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે! અરુણાચલમાં પહેલીવાર દેખાયેલા પક્ષીઓ સામાન્ય રીતે શિયાળામાં આવે છે. આ પહેલાં અરુણાચલના જંગલોમાં શિયાળામાં પક્ષી સર્વેક્ષણનું કામ થયું ન હતું.
કોયલની ત્રણ પ્રજાતિ (ક્લોકવાઇઝ) એશિયન એમરાલ્ડ, ડ્રોંગો અને કોમન હૉક

અનિર્બાન દત્તા રોય

આ થકવી દેતા કામમાં અનિર્બાન દત્તા રોય સાથે સેન્ટર ઓફ બાયોલોજિકલ સાયન્સ સાથે સંકળાયેલા સંશોધકો વિવેક રામચંદ્રન અને કાર્તિક તિગાલાપલ્લી પણ જોડાયા હતા. આ ત્રણેય સંશોધકોએ કરેલું સર્વેક્ષણ 'જર્નલ ઓફ થ્રેટન્ડ ટેક્સા' નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું છે.

અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની સંસ્કૃતિ

આ ત્રણેય પક્ષીવિદ્દોએ રજૂ કરેલા રિસર્ચ પેપરમાં એક વાતની ખાસ નોંધ લીધી છે, અરુણાચલની અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની અનોખી સંસ્કૃતિ. જેમ કે, અરુણાચલના સિઆંગ ખીણ વિસ્તારમાં 'આદિ' નામની પ્રજાતિના લોકો વસે છે. આ આદિવાસીઓ વર્ષોથી 'ફરતી ખેતી' કરે છે. ફરતી ખેતી એટલે એક જમીનના ટુકડા પર પાક ઉતાર્યા પછી બીજી વાર એ જમીનનું 'શોષણ' નહીં કરવાનું. કુદરતી રીતે જ ત્યાં જે કંઈ થાય એ થવા દેવાનું. એ જમીન પર પાક નહીં લેવાનો ગાળો દરેક સ્થળે જુદો-જુદો હોઈ શકે છે. આજે મોટા ભાગના લોકો એક ખેતરમાં દર વર્ષે એકનો એક પાક લેતા હોવાથી અથવા પાકની ફેરબદલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નહીં કરતા હોવાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, જ્યારે ફરતી ખેતી સમગ્ર કુદરત માટે લાભદાયી છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચૂકી છે.


માઇગ્રેટિંગ વૉટરફાઉલ (જળકૂકડી)ની (ક્લોકવાઇઝ) કોમન ટીલ, 
નોર્થન પિનટેઇલ, મલાર્ડ અને લિટલ ગ્રેબ નામની પ્રજાતિ
‘આદિ’ આદિવાસીઓના કૃષિ આધારિત સોલંગ ઉત્સવનું દૃશ્ય

ફરતી ખેતી થતી હોય ત્યાં પશુ-પક્ષીઓ, જીવડા અને અન્ય વનસ્પતિઓની પ્રજાતિમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. આ રિસર્ચ પેપરમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે, જો સિઆંગ ખીણમાં ફરતી ખેતી ના થતી હોત તો અહીંની પક્ષી સૃષ્ટિમાં આટલું વૈવિધ્ય ના હોત! આ સંશોધન દરમિયાન પ્રોટેક્ટેડ ઝોનની બહાર પણ સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિ મળી આવી છે. એ રીતે આ રિસર્ચ પેપર ફરતી ખેતીની તરફેણનો પણ મજબૂત કેસ સ્ટડી છે.

અરુણાચલની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ

વર્ષ ૨૦૦૦માં કરાયેલા સર્વેક્ષણ પ્રમાણે, અરુણાચલનો ૭૭ ટકા વિસ્તાર જંગલોથી હર્યોભર્યો હતો. હિમાલયની પર્વતમાળામાં જોવા મળતું ઘણું બધું જૈવવૈવિધ્ય અરુણાચલમાં પણ જોવા મળે છે. હિમાલયની વિશિષ્ટ ભૂગોળને કારણે અરુણાચલને આ લાભ મળ્યો છે. ૨૦૧૩માં એક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, અરુણાચલનું ૩૧,૨૭૩ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું જંગલ 'ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપ'નો હિસ્સો છે. આ લેન્ડસ્કેપ કુલ ૬૫,૭૩૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, જે મ્યાંમાર, ચીન અને ભુતાનના કેટલાક વિસ્તાર સુધી પથરાયેલા છે. ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપની ભૂગોળ એટલી જટિલ હોય છે કે, ત્યાં કોઈ માનવીય પ્રવૃત્તિ થઈ જ નથી શકતી એટલે ત્યાં કુદરત ખીલી ઊઠે છે. આ કારણસર અરુણાચલમાં ૮૫ પ્રકારના સસ્તન પ્રાણીઓ, ૫૦૦થી વધુ પ્રજાતિના પક્ષીઓ અને દુનિયામાં ક્યાંય નથી એવા પતંગિયા, ફૂદ્દા, જીવડાં અને સરિસૃપ સજીવો જોવા મળે છે.


અપર સિઆંગ જિલ્લામાંથી વહેતી સિઆંગ નદીની આસપાસના જંગલ

ભારતમાં અરુણાચલ અને અરુણાચલનો નકશો 

અરુણાચલની બીજી પણ એક ખાસ વાત છે. અહીંનો દરિયાઈ સપાટીથી સૌથી નીચેનો વિસ્તાર આસામ સાથે સરહદ ધરાવે છે, જ્યાં બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારના જંગલો આવેલા છે. એવી જ રીતે, અરુણાચલનો સૌથી ઊંચો વિસ્તાર તિબેટ સાથે સરહદ વહેંચે છે, જ્યાં પૂર્વ હિમાલયના નીચાણવાળા વિસ્તારના લીલા જંગલો આવેલા છે. આ પ્રકારની ભૂગોળના કારણે અરુણાચલના લૉઅર સુબાનસિરી જિલ્લામાં ઔષધીય ગુણો ધરાવતી ૧૫૦ જાતની વનસ્પતિ પણ મળે છે.

અરુણાચલનો અનોખો 'બાયોસ્ફિયર રિઝર્વ'

વર્ષ ૧૯૯૮માં અરુણાચલમાં દિબાંગ ખીણ તેમજ અપર સિઆંગ અને વેસ્ટ સિઆંગ જિલ્લાના કુલ ૫,૧૧૨ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારને 'દિહાંગ-દિબાંગ બાયોસ્ફિયર રિઝર્વ' જાહેર કરાયું હતું. આ બાયોસ્ફિયર રિઝર્વના ૪૮૩ સ્ક્વેર કિલોમીટર વિસ્તારને મોલિંગ નેશનલ પાર્ક જાહેર કરાયો છે, જેનો કેટલોક વિસ્તાર ઇસ્ટ સિઆંગ જિલ્લામાં પણ પડે છે. મોલિંગ 'આદિ' ભાષાનો શબ્દ છે. તેનો અર્થ 'લાલ ઝેર' અથવા 'લાલ લોહી' એવો થાય છે. એવું કહેવાય છે કે, અહીંની કેટલીક વનસ્પતિઓમાંથી લાલ રંગનો ઝેરી રસ નીકળે છે. આ કારણસર આ વિસ્તારને સ્થાનિકો 'મોલિંગ' તરીકે ઓળખતા હતા. આ ઉપરાંત અહીં ઝેરી સાપોની પણ અનેક પ્રજાતિઓ છે, પરંતુ તેનું સત્તાવાર દસ્તાવેજીકરણ કરવાનું હજુ બાકી છે.
(ક્લોકવાઈઝ) બાર્કિંગ ડિયર, રેડ પાન્ડા, ટેકિન અને સેરો (હિમાલયન)

મોલિંગ નેશનલ પાર્કમાં દરિયાઈ સપાટીથી ૪૦૦ મીટરથી ઊંચાઈએથી માંડીને ત્રણ હજાર મીટરની ઊંચાઈ સુધીના જંગલો છે. આ વિસ્તાર હિમાલયમાં ઊંચાઇએ આવેલા ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) અને નીચે આવેલા સામાન્ય જંગલોની વચ્ચે પડે છે, જ્યાં બંગાળ વાઘ, દીપડા, લાલ પાન્ડા, બાર્કિંગ ડિયર, સેરો (કાળા રંગની જંગલી બકરી) અને ટેકિન (જંગલી ભેંસ જેવી ભારેખમ બકરી) પણ જોવા મળે છે. આ જ બાયોસ્ફિયર રિઝર્વમાં ૪,૧૪૯ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું દિબાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પણ આવેલું છે. અહીં કસ્તૂરી મૃગ સહિત હિમાલયમાં જોવા મળતા અનેક સસ્તન પ્રાણીઓ જોવા મળે છે.

પક્ષીઓનું સ્વર્ગ એટલે, ઇગલનેસ્ટ સેન્ચુરી

અરુણાચલના વેસ્ટ કામેંગ જિલ્લામાં હિમાલયની તળેટીમાં ૨૧૮ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જાહેર કરાયો છે. ઇગલનેસ્ટની ઉત્તર-પૂર્વમાં સેસા ઓર્કિડ સેન્ચુરી અને પૂર્વમાં કામેંગ નદીની સમાંતરે પાખુઇ ટાઇગર રિઝર્વ આવેલું છે. ઇગલનેસ્ટ પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. આ નાનકડું જંગલ કામેંગ એલિફન્ટ રિઝર્વનો હિસ્સો છે, પરંતુ આપણે અહીં ઇગલનેસ્ટ સેન્ચુરીની જ વાત કરીએ. આ વિસ્તારમાં દરિયાઇ સપાટીથી ૫૦૦ મીટરની લઈને ૩,૨૫૦ મીટરની ઊંચાઈ સુધી જંગલો છે. વર્ષ ૧૯૫૦માં અહીં ભારતીય સેનાની રેડ ઇગલ ડિવિઝનની પોસ્ટ ઊભી કરાઈ હતી, જેથી આ વિસ્તાર 'ઇગલનેસ્ટ' તરીકે જાણીતો થયો. આ નામને બાજ કે સમડી સાથે કોઈ લેવાદેવા નથી.

બુગુન લિઓસિચલા 
રમણ અથરેયા

દક્ષિણ અમેરિકામાં આવેલી એન્ડિસ પર્વતમાળાઓ પછી દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં જોવા મળે છે. અરુણચાલમાં જોવા મળતા ૫૦૦માંથી ૪૫૪ પ્રજાતિના પક્ષીઓ ઇગલનેસ્ટ સેન્ચુરીમાં વસે છે. અરુણાચલમાં ૧૯૯૫માં બુગુન લિઓસિચલા (Bugun liocichala) નામનું પક્ષી જોવા મળ્યું હતું. એ પછી ૨૦૦૬માં જાણીતા પક્ષીવિદ રમણ અથરેયાએ ફરી એકવાર ઇગલનેસ્ટમાં તેની નોંધ લીધી. એવું કહેવાય છે કે, હવે તેની વસતી માંડ ૧૪ રહી છે અને ઇગલનેસ્ટ સિવાય દુનિયામાં ક્યાંય તે જોવા મળતું નથી.

આ ઉપરાંત ઇગલનેસ્ટમાં સસ્તન પ્રાણીઓની સાથે ઊભયજીવીની ૩૪, સાપની ૨૪, ગરોળીની સાત અને પતંગિયાની ૧૬૫ પ્રજાતિ પણ જોવા મળે છે.   
     
***

અરુણાચલના જંગલો અને જૈવ વૈવિધ્યની સુરક્ષા કરવામાં સ્થાનિક આદિવાસીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જેમ કે, ઇગલનેસ્ટ સેન્ચુરીનું રક્ષણ કરવામાં જંગલ ખાતાના અધિકારીઓને 'બુગુન' નામના આદિવાસીઓની પણ ભરપૂર મદદ મળે છે. આદિવાસીઓ કુદરત પાસેથી જોઇએ એટલું જ લેતા હોવાથી કુદરત જળવાઈ રહે છે. એટલે જ ભારત સરકારે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ અંતર્ગત ઠરાવ્યું હતું કે, રાજ્ય સરકારો નેશનલ પાર્ક કે સેન્ચુરીનો હિસ્સો ના હોય એવા વિસ્તારને 'કોમ્યુનિટી રિઝર્વ' જાહેર કરીને પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ અને પરંપરાગત જ્ઞાનના રક્ષણને પ્રોત્સાહન આપી શકે છે.

આ તો મીડિયામાં ચમકતા અરુણાચલ સિવાયના 'પ્રદેશ'ની એક નાનકડી ઝલક છે. અરુણાચલમાં નામડાફા  નેશનલ પાર્ક પણ આવેલો છે, જે દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર છે. અરુણાચલમાં કામલાંગ, મેહાઓ, ઇટાનગર, કેન અને ડાઇંગ એરિંગ જેવા નાના-મોટા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી તેમજ પક્કે ટાઇગર રિઝર્વ પણ આવેલું છે. એક સમયે અરુણાચલમાં પણ લાકડું અને ઔષધીય વનસ્પતિઓ મેળવવા આડેધડ જંગલો કપાતા હતા અને બેફામ શિકાર પણ થતા હતા, પરંતુ ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટે અરુણાચલના જંગલોમાં લાકડું કાપવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી ૨૦૦૬માં ફરી એકવાર બુગુન લિઓસિચલા મળી આવતા અરુણાચલની આંતરરાષ્ટ્રીય મીડિયાએ નોંધ લીધી હતી. આ પક્ષીને જોવા પ્રવાસીઓનો ધસારો અચાનક વધી જતા સ્થાનિકો પણ જંગલોનું મહત્ત્વ સમજતા થયા.

હવે સિઆંગ વેલીમાં દસ હજાર મેગા વૉટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો ડેમ પણ બની રહ્યો છે, પરંતુ સ્થાનિકો જ કુદરતના ભોગે વિકાસ નહીં એવું કહીને તેનો વિરોધ કરી રહ્યા છે.