ઉત્તરપ્રદેશની બાગપત જિલ્લા પંચાયતે 13 જુલાઈ, 2012થી પ્રેમલગ્નો પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, પંચાયતે 40 વર્ષથી ઓછી વયની સ્ત્રી ખરીદી કરવા નહીં જઈ શકે, મહિલાઓ ઘરની બહાર મોબાઈલ ફોન વાપરી નહીં શકે તેમજ પુરુષો ગામની ગલીઓમાં ઈયર ફોન પહેરીને ફરી નહીં શકે એ મુજબના ધડ-માથાં વિનાના ફતવા જારી કર્યા છે. આ પંચાયતમાં 36 જાતિના અગ્રણીઓ ભેગા થયા હતા, અને આ તમામ અગ્રણીઓએ બધાં જ ફતવાઓને એકસૂરે વધાવી લીધા હતા. આ અગ્રણીઓમાં હિંદુ અને મુસ્લિમ બંને જાતિના લોકો સામેલ હતા. બાગપતના આસરા ગામમાં યોજાયેલી આ પંચાયતે એવો ફતવો પણ બહાર પાડ્યો છે કે, સ્ત્રીઓ ઘરની બહાર નીકળે ત્યારે તેમનું માથું ઢંકાયેલું જ હોવું જોઈએ. આ અંગે કેટલીક સામાજિક સંસ્થાઓએ પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ પંચાયતના સભ્યો પોતાની જીદ પર અડગ છે. પ્રેમલગ્ન વિશે તેમનું કહેવું છે કે, “પ્રેમલગ્નના કારણે સમાજમાં માતા-પિતાનું નાક કપાય છે, સમાજનું નાક કપાય છે અને ગામનું નામ પણ ખરાબ થાય છે. આમ છતાં જેમને પ્રેમલગ્ન કરવા હોય તે કરી શકે છે પરંતુ ત્યાર પછી તેમને ગામમાં રહેવાનો અધિકાર નથી.”
બાગપતના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વી.કે. શેખરને આ મુદ્દે પૂછતાં તેઓ કહે છે કે, “હા, આ ફતવાની મને મીડિયા દ્વારા જાણ થઈ છે અને અમે તપાસ હાથ ધરવાના છીએ.” આપણે સમજી શકીએ છીએ કે, આવી તપાસ કેવી રીતે થશે અને ક્યાં જઈને અટકશે. આવો ફતવો જારી કરનાર પંચાયતના એક પણ સભ્યની હજુ સુધી ધરપકડ કેમ નથી કરાઈ એ મતલબના સવાલનો જવાબ આપતા તેઓ કહે છે કે, “તપાસ અહેવાલ આવ્યા પછી જ આ દિશામાં કાયદાકીય પગલાં લઈ શકાય.”
ભારતીય સમાજ કેમ આજે પણ પ્રેમલગ્નોની વિરુદ્ધ છે અને પ્રેમલગ્નની વાત આવતા જ માતા-પિતા, સમાજ ક્રૂર હિંસા પર કેમ ઉતરી આવે છે? આખરે આવી ઘટનાઓ કેમ બને છે એ વિશે સમાજશાસ્ત્રીઓ જાતભાતના તારણો કાઢી રહ્યાં છે. ગયા અઠવાડિયે જ એસોસિયેશન ફોર એડવોકેસી એન્ડ લિગલ ઇનિશિયેટિવ (આલી) નામની નારીવાદી સંસ્થાએ સતત વધી રહેલી સ્ત્રી હિંસા પાછળનું તારણ આપતા કહ્યું કે, સ્ત્રી હિંસા વધવાનું એક કારણ પ્રેમલગ્નો પણ છે. કેમકે, આજે પણ ભારતીય સમાજમાં મોટા ભાગની સ્ત્રીઓને પસંદગીના પુરુષ સાથે લગ્ન કરવાનો અધિકાર નથી. વળી, જો સ્ત્રી કુટુંબ કે સમાજની વિરુદ્ધ જઈને લગ્ન કરે તો પણ મોટા ભાગના કિસ્સામાં પોલીસ અને કાયદાકીય વ્યવસ્થા પણ સ્ત્રીની વિરુદ્ધ જ હોય છે. એટલે કે, પ્રેમલગ્ન પછી પણ સ્ત્રી-પુરુષની પહેલાં માતા-પિતા, પછી સમાજ અને પછી પોલીસ દ્વારા એમ વારંવાર હત્યા થાય છે. વળી, જો આ પ્રેમલગ્ન નિષ્ફળ જાય તો તે સ્થિતિમાં પણ મોટે ભાગે સ્ત્રીને જ વધુ સહન કરવાનું આવે છે.
આ સંસ્થાના સભ્ય અને જાણીતા એડવોકેટ સીમા મિશ્રા ચોંકાવનારી સાબિતીઓ આપતા કહે છે કે, “આંતર-જાતીય કે આંતર-ધર્મી લગ્નોમાં કુટુંબ કે સમાજનો વિરોધ થવો સામાન્ય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, અનેક કિસ્સામાં પોલીસ અને નીચલી અદાલતો પણ કાયદાનો ભંગ કરે છે અને ગેરબંધારણીય રીતે વર્તે છે.” ‘આલી’ના અન્ય એક સભ્ય રેણુ મિશ્રા અદાલતી ચુકાદા બતાવતા કહે છે કે, “બંધારણ મુજબ કોઈ પણ સ્ત્રી પોતાની મરજી મુજબના સંબંધ રાખવા કે નહીં રાખવા માટે સ્વતંત્ર છે.”
ભારતમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા પ્રવર્તમાન છે, અને અનેક વિદ્વાનો ભારતને લોકશાહીની દૃષ્ટિએ પણ અત્યંત સફળ રાષ્ટ્ર ગણાવે છે. આમ છતાં આપણે અખબારોમાં છાશવારે વિવિધ સમાજ, પંચાયતોના વિચિત્ર ફતવાના સમાચારો જોઈએ છીએ. ‘આલી’ના કહેવા પ્રમાણે, ગયા વર્ષે ફક્ત ઉત્તરપ્રદેશમાં જ પસંદગીના પુરુષ સાથે લગ્ન કરવા બદલ સ્ત્રી હિંસાના 139 કેસ નોંધાયા હતા, જેમાંના 103 કિસ્સામાં તો સ્ત્રી-પુરુષ બંનેની હત્યા કરી દેવાઈ છે. આ મુદ્દે ‘આલી’એ એક નિવેદન જારી કરતા કહ્યું હતું કે, “આ ફક્ત ઉત્તરપ્રદેશની જ વાત નથી, પરંતુ આ ઘટનાઓ સમગ્ર દેશની સ્થિતિનું પ્રતિબિંબ પાડે છે. હજુ ગયા મહિને જ દિલ્હીમાં એક શિક્ષિકાની તેના ભાઈ અને માતા દ્વારા જ હત્યા કરી દેવાઈ. આ શિક્ષિકાનો વાંક ફક્ત એટલો જ હતો કે, તે પસંદગીના પુરુષ સાથે લગ્ન કરવા મક્કમ હતી.” કારણકે, ભારતીય સમાજમાં આજે પણ પ્રેમલગ્નને એક કલંકિત ઘટના તરીકે જોવામાં આવે છે. દેશના ઉત્તરીય રાજ્યોની અનેક જિલ્લા પંચાયતોએ પ્રેમલગ્નો પર જ નહીં, પરંતુ સ્ત્રીઓ પર જાતભાતના પ્રતિબંધો લાદ્યા છે. વળી, ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ પણ ખૂબ સામાન્ય છે.
બાગપત પંચાયતના ફતવાનો પ્રતિભાવ આપતા નેશનલ કમિશન ફોર વિમેનના વડાં મમતા શર્મા દુઃખી સ્વરે કહે છે કે, “આઝાદીના 64 વર્ષ પછી હજુ આપણે આવા ફતવા બહાર પાડીએ છીએ. પંચાયતોને આવા કોઈ જ બંધારણીય હક નથી, અને જો તેમની પાસે આવા હક નથી તો પછી પ્રજાએ આવા ફતવાનું પાલન જ ન કરવું જોઈએ. આવી પંચાયતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સરકાર તરફથી જ જાહેરાતો થવી જોઈએ કે, કોઈએ આ પ્રકારના ફતવાનું પાલન કરવાની જરૂર નથી. અત્યારના યુગમાં આવા ફતવા હાસ્યાસ્પદ છે.” પરંતુ અહીં પણ એ જ વાત ફરી ફરીને આવે છે કે, આપણે ખરેખર સુસંસ્કૃત સમાજને શોભે એવી વિચારસરણી અપનાવી શક્યા છીએ કે નહીં?
ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડાના ઝેરલી ગામે 16 જુલાઈ, 2012ના રોજ પ્રેમલગ્ન કરનારા એક યુગલને ગામમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તેમનો વાંક એટલો જ છે કે, તેમણે તેમના માતાપિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. આ યુગલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સમક્ષ રક્ષણ માંગ્યું છે. પરંતુ પ્રાણપ્રશ્ન એ છે કે, શું દરેક સામાજિક પ્રશ્નોના ઉકેલ કાયદાકીય રીતે લાવવા શક્ય છે ખરા? આખરે પોલીસ તેમને કેટલા દિવસો, મહિના કે વર્ષો સુધી રક્ષણ આપી શકશે? વળી, આ એ જ દેશની વાત છે જ્યાં હજારો વર્ષોથી સ્ત્રીને દેવી તરીકે પૂજવામાં આવે છે, પરંતુ આવી હજારો ઘટનાઓ સાબિત કરે છે કે, આ એક ભ્રમ છે, દંભ છે. જે દેશમાં સ્ત્રીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું હોય ત્યાં સ્ત્રી વિરુદ્ધ આટલી હિંસા થવાના કારણો શું હોઈ શકે?
કેન્દ્રીય ગૃહખાતાના નેશનલ ક્રાઈમ રેકોર્ડ મુજબ, વર્ષ 1953થી 2011 સુધીમાં દેશમાં બળાત્કારનું પ્રમાણ 873 ટકા વધ્યું છે. વળી, દેશના બંધારણ પ્રમાણે દેશના તમામ જામીનપાત્ર ગુના અને હત્યાના ગુના કરતા બળાત્કારનું પ્રમાણ સાડા ત્રણ ટકાની ગતિએ વધી રહ્યું છે. આ આંકડા પરથી એવું કહી શકાય કે, દેશમાં દર 22 મિનિટે બળાત્કાર થાય છે, દર 58 મિનિટે કોઈ વહુને દહેજ માટે જીવતી સળગાવી દેવાય છે. તાજેતરમાં જ આપણે આમિરખાનના બહુચર્ચિત શૉ ‘સત્યમેવ જયતે’માં જોયું કે, દહેજને લઈને સ્ત્રી હિંસા કે સ્ત્રી ભ્રૂણ હત્યા જેવા અતિ જઘન્ય ગુના આઈએએસ, આઈપીએસ, ડૉક્ટર અને એન્જિનિયરો પણ સાહજિક રીતે કરે છે. આ માટે આપણી જડ ધાર્મિક-સામાજિક માન્યતાઓ, જાતિવાદ, અંધશ્રદ્ધા, ખામીયુક્ત શિક્ષણ વ્યવસ્થા વગેરે જેવા અનેક પરિબળો જવાબદાર છે.
આમ છતાં, આપણે એટલો આશાવાદ સેવી શકીએ કે આવા તમામ સામાજિક દુષણોને આપણે સફળતાપૂર્વક દૂર કરી શકીએ છીએ. સામાન્ય પ્રજા ખરેખર ‘સામાન્ય’ નથી હોતી તે વાત આપણે વારંવાર યાદ કરવી પડશે, અને નવી પેઢીને પણ તે યાદ કરાવતા રહેવું પડશે. આસામના ગુવાહાટીના એક પબ બહાર 20 ગુંડા જાહેરમાં એક યુવતી પર જાતીય હુમલો (સેક્સ્યુઅલ એસોલ્ટ) કરે છે. આ ઘટના ગુવાહાટીના ગુવાહાટી-શિંલોગ રોડ પર બની હતી, જે લગભગ 24 કલાક ધમધમતો હોય છે. આ ઘટના બની ત્યારે પણ એ રોડ પરથી હજારો લોકો પસાર થઈ રહ્યા હતા, અને તે યુવતી તમામને મદદ માટે કરગરી રહી હતી. પરંતુ આ ‘સામાન્ય પ્રજા’માંથી એક પણ વ્યક્તિ મદદ માટે આગળ ન આવી. હવે વિચારવાનું આપણે છે કે, શું આપણે આવા સામાન્ય લોકો જ બનીને રહી જવા માંગીએ છીએ કે, સમાજના વિવિધ સ્તરેથી દુષણોને ફગાવીને અસામાન્ય પ્રજા બનવા માંગીએ છીએ.
ભારતીય સંસ્કૃતિમાં તો હિંસાની અત્યંત સૂક્ષ્મ વ્યાખ્યા કરતા કહેવાયું છે, જે સમાજમાં નફરત અને ધ્રુણાનું સર્જન થાય ત્યાં હિંસા, અશાંતિની શરૂઆત થાય. વળી, સ્ત્રી હિંસા તો હિંસાનું સૌથી નિમ્ન રૂપ છે. કારણકે, પુરુષ ભલે સમાજમાં આર્થિક સહયોગ આપતો હોય, પરંતુ સમાજમાં શાંતિ, સભ્યતા અને સંસ્કૃતિનું વહન તો સ્ત્રી જ કરે છે.
No comments:
Post a Comment