19 June, 2017

પરિવર્તનનો નિયમ ભાષાને પણ લાગુ પડે છે


રિવર્તન સંસારનો નિયમ છે. આ બહુ જાણીતું ક્વૉટ આખી દુનિયાને એકસરખી રીતે લાગુ પડે છે. આપણે ભાષાની વાત કરીએ. દર બે અઠવાડિયે પૃથ્વી પર એક ભાષાનું મૃત્યુ થાય છે. એક ભાષા મરે ત્યારે તેની સાથે આખી એક સંસ્કૃતિ અને જ્ઞાન પણ નાશ પામે છે. પ્રો. ગણેશ દેવીની આગેવાનીમાં કરાયેલા પીપલ્સ લિંગ્વિસ્ટિક્સ સર્વે ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, વૈવિધ્યથી ફાટફાટ થતાં ભારત દેશમાં જ ૭૮૦થી વધારે ભાષાનો જન્મ થયો છે, જેમાંથી છેલ્લા ૫૦ વર્ષમાં ૨૨૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે. એટલે કે હજુયે ભારતમાં ૫૬૦ ભાષા જીવંત છે, પરંતુ યુનેસ્કોએ તેમાંની ૧૯૭ને 'લુપ્ત થઈ રહેલી ભાષા'ના ખાનામાં મૂકી છે. રસપ્રદ વાત એ છે કે, આ ૧૯૭ લુપ્ત થઈ રહેલી ભાષા ભારતમાં જ નહીં, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન અને નેપાળમાં પણ બોલાય છે. જોકે, ભાષાઓ ઝડપથી લુપ્ત થઈ રહી હોય તો પણ આપણે ચિંતા કરવાની નહીં, નક્કર કામ કરવાની જરૂર છે.

જો આપણે ખરેખર ભાષાના વારસાનું જતન કરવા માગતા હોઇએ તો જૂનીપુરાણી અને લુપ્ત થઈ રહેલી ભાષાઓનું ટેક્નોલોજીની મદદથી સંવર્ધન કરવું જોઈએ. ભારતમાં ફક્ત ભાષાને વરેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભવ્યાતિભવ્ય મ્યુઝિયમ કેમ ઊભું ના કરી શકાય? ભારતની અનેક ભાષાઓ પાસે લોકસાહિત્ય, ગીતસંગીત, વાર્તાઓ, ચિત્રકામ, તહેવારો, ધાર્મિક ક્રિયાકાંડો તેમજ નૃત્ય, નાટક જેવી ભજવણી કરી શકાય એવી કળાનો ખજાનો છે. આ પ્રકારના મ્યુઝિયમોમાં આ બધી જ કળાકારીગરી ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે સાચવી શકાય. એ ભાષા બોલતા લોકોની વીડિયોગ્રાફી કરીને સાચા ઉચ્ચારોની પણ જાળવણી કરી શકાય. આ બધી જ માહિતી વિદેશીઓ અને ભારતીયોને પોતપોતાની ભાષામાં મળી શકે એવી વ્યવસ્થા કરી શકાય. ભાષા ખુદ એક ઈતિહાસ છે, સંસ્કૃતિ છે અને જ્ઞાન છે. એટલે જ કહેવાય છે કે, ભાષાનું મૃત્યુ થાય છે ત્યારે તેની સાથે ઘણું બધું મૃત્યુ પામે છે. લુપ્ત થઈ રહેલી ભાષાઓની ચિંતા ઈતિહાસના સંદર્ભમાં થવી જોઈએ, પરંતુ ઈતિહાસને લઈને આપણે ઘોર બેદરકાર છીએ.



જે ભાષાઓમાંથી રોજીરોટી અને આધુનિક જ્ઞાન ના મળતું હોય એ ભાષા લોકો શીખે અને બોલે એવી અપેક્ષા  રાખવી અયોગ્ય છે, પરંતુ જે ભાષાનું સ્થાન લોકજીભે ના હોય તેને કમસેકમ મ્યુઝિયમમાં સ્થાન આપવું જોઈએ! જો એ ભાષા મ્યુઝિયમમાં પણ નહીં હોય તો આવનારી પેઢીઓ એ ઐતિહાસિક તથ્યોથી પણ અજાણ રહી જશે. યુનેસ્કોએ બનાવેલી ૧૯૭ ભાષાની યાદીમાં ફક્ત બે જ ભાષા એવી છે, જેને ભારતમાં સત્તાવાર દરજ્જો મળ્યો છે. પહેલી છે બોડો અને બીજી મૈથેઈ. બોડો ભાષા ઉત્તર પૂર્વીય ભારત, તિબેટ, નેપાળ અને બાંગ્લાદેશમાં બોલાય છે, જ્યારે મૈથેઈ મણિપુર, આસામ, ત્રુપિરા સહિત બાંગ્લાદેશ અને બર્મામાં પણ બોલાય છે. આ ૧૯૭ ભાષામાંથી અનેક ભાષાઓ તો એવી છે, જેની કોઈ લિપિ જ નથી. એટલે કે, એ ભાષાઓ ફક્ત બોલી શકાય છે, લખી નથી શકાતી.

ભારત સરકારે ૧૯૬૪માં ભારતીય ભાષાઓનું સંશોધન અને દસ્તાવેજીકરણ કરવા મૈસૂરમાં સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયન લેન્ગ્વેજીસની સ્થાપના કરી હતી. આ સંસ્થાની મદદથી ૨૦૧૪માં સરકારે લુપ્ત થઈ રહેલી ભાષાઓનું સંવર્ધન કરવા અભિયાન શરૂ કર્યું, જે 'પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લેન્ગ્વેજીસ ઓફ ઈન્ડિયા' નામે જાણીતું છે. આ અભિયાન હેઠળ સરકારે દસ હજારથી ઓછા લોકો બોલતા હોય એવી ભાષાઓનું દસ્તાવેજીકરણ શરૂ કર્યું હતું, પરંતુ આ અભિયાન 'એક સારો સરકારી પ્રયાસ' બનીને રહી ગયું છે. દેશની કુલ ભાષાઓમાં લુપ્ત થઈ રહેલી ભાષાઓ ૯૬ ટકા છે. આ પ્રકારની ભાષાઓ મોટા ભાગે ખૂબ જ નાના સમાજ દ્વારા બોલાતી હોય છે. એટલે એ ભાષા જાણતી અને બોલતી છેલ્લી વ્યક્તિનું મૃત્યુ થાય એ સાથે જ એ ભાષાનું પણ મૃત્યુ થાય છે, પરંતુ જે ભાષા વધુ લોકો બોલે છે, જે ભાષામાં પ્રચુર જ્ઞાન છે અને જે ભાષા પરિવર્તન યુગમાંથી હેમખેમ પસાર થતી રહે છે, તે ભાષા જીવી જાય છે. જોકે, ઓછા લોકો દ્વારા બોલાતી ભાષાનું મૃત્યુ થાય તો પણ દુઃખી થવાની જરૂર નથી, રૂર છે એ વારસાનું જતન કરવાની. ભાષા પણ અમર નથી, તેનું પણ મૃત્યુ થાય છે. આ વાત જરા ઊંડાણપૂર્વક સમજીએ.

જેમ કે, ૧૯મી સદીના અંત સુધી બ્રિટન જેવા અનેક દેશોમાં વિક્ટોરિયન અંગ્રેજીનો યુગ હતો. આજે એ અંગ્રેજી સમજનારા કેટલા? અંગ્રેજી સાહિત્યના અઠંગ જાણકારો સિવાય એ જૂનીપુરાણી અંગ્રેજી કોઈ સમજતું નથી. શેક્સપિયરનું સાહિત્ય વિક્ટોરિયન અંગ્રેજીમાં છે. શેક્સપિયરના અંગ્રેજીમાં લેટિન અને ગ્રીક શબ્દોની ભરમાર હતી, પરંતુ શેક્સપિયર હજુયે જીવે છે કારણ કે, બંદે મે થા દમ. આજેય શેક્સપિયરનું સાહિત્ય દુનિયાભરની ભાષામાં જુદા જુદા સ્વરૂપે લોકો સમક્ષ રજૂ થતું રહે છે. પછી એ નાટક હોય કે ફિલ્મો, અખબાર કે સામાયિકમાં છપાતો લેખ હોય કે પછી પાઠ્યપુસ્તકમાં સમાવાયેલું પ્રકરણ. દુનિયાભરની યુનિવર્સિટીઓમાં અંગ્રેજી સાહિત્યના કોર્સમાં શેક્સપિયર ભણાવાય છે. ટૂંકમાં વિક્ટોરિયન અંગ્રેજી અને શેક્સપિયરનું સાહિત્ય બંને જીવંત છે, પણ તેના સ્વરૂપો બદલાઈ ગયા છે. ગુજરાતી, મરાઠી કે બંગાળીને પણ આ જ નિયમ લાગુ પડે છે. દલપતરામ, ન્હાનાલાલ કે ગોવર્ધનરામની ગુજરાતી અને આજની ગુજરાતીમાં ઘણો ફર્ક છે, પણ ગુજરાતી તો જીવે જ છે કારણ કે, લાખો લોકો દ્વારા બોલાતી ગુજરાતીએ પણ પરિવર્તનનો એક યુગ પચાવી જાણ્યો છે.



ભારતની ૨૨ સત્તાવાર ભાષામાંથી અનેક શબ્દો અને રૂઢિપ્રયોગો લુપ્ત થઈ રહ્યા છે. આજ મુશ્કેલી અંગ્રેજી, ફ્રેન્ચ અને મેન્ડેરિનની પણ છે જ. દરેક ભાષાના દરેક શબ્દો હંમેશા જીવંત રહે એ શક્ય જ નથી. આપણે વારસો સમજીને એનું જતન જરૂર કરી શકીએ પણ જૂનાપુરાણા શબ્દોનો ઉપયોગ કરવાનો દુરાગ્રહ ના રાખી શકીએ. ફ્રાંસ સરકારે લુપ્ત થઈ રહેલા શબ્દોને શોધવા એક સમિતિ બનાવી છે. અંગ્રેજી અને ફ્રેંચ જેવી ભાષાઓમાં જૂના શબ્દોને મુખ્યધારાના માધ્યમોમાં સ્થાન મળે છે એટલે બીજી ભાષાઓની સરખામણીમાં એવા શબ્દો થોડું વધારે ટકે છે. જૂના શબ્દો જીવંત રાખવાનો આ એક ક્રિએટિવ આઈડિયા છે, પણ આધુનિક ભાષામાં બધા જ શબ્દો સમાવી લેવા અશક્ય છે. ઉદાહરણ તરીકે, બે-ચાર સદી પહેલાં ભારતમાં ખેતીવાડીને લગતા જાતભાતના શબ્દો હતા, જે આજે નથી વપરાતા અને એના અર્થો પણ શહેરી લોકોને ના સમજાય. કારણ કે, શહેરી લોકો ખેતી નથી કરતા અને ગામડામાં પણ ખેતી આધુનિક થઈ ગઈ છે. બે-ચાર સદી પહેલાં ટ્રેક્ટર કે દવા (પેસ્ટિસાઇડ્સ) જેવા શબ્દોની બોલબાલા ન હતી, પણ આજે છે. કોઈ પણ સમાજ-સંસ્કૃતિની રહેણીકરણી અને જીવન પદ્ધતિ બદલાય તેમ તેમ ભાષા પણ બદલાય છે.

આ જ કારણસર લાખો-કરોડો લોકો દ્વારા બોલાતી ભાષા પણ બદલાઈ જાય છે. એટલે જ બહુ ઓછા લોકો દ્વારા બોલાતી ભાષા લુપ્ત થઈ જાય એમાં નવાઈ ના લાગવી જોઈએ. બીજું એક ઉદાહરણ જોઈએ. આજથી પચાસ વર્ષ પહેલાં કોઈ પણ ભાષામાં મોબાઈલ, સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ટેબલેટ જેવા શબ્દો રૂઢ ન હતા, પરંતુ અત્યારે વિશ્વની બધી જ સત્તાવાર ભાષામાં આ શબ્દો છે. કેટલીક ભાષામાં આ શબ્દોના અનુવાદ કરવાના નિરર્થક પ્રયાસ પણ થયા છે પણ એ લોકવાણીમાં ટકી નથી શક્યા. કમ્પ્યુટરને 'ગણકયંત્ર' કહેવાથી ભાષાની સેવા નહીં, કુસેવા થાય છે. ભાષાશુદ્ધિનો જડ આગ્રહ નક્કામો છે. ભાષા એટલે જ વિવિધ સંસ્કૃતિઓમાંથી પેદા થયેલા શબ્દોનો શંભુમેળો. જે ભાષા બીજી ભાષાના શબ્દો અપનાવે, એટલી એ ભાષા વધારે સમૃદ્ધ. ગુજરાતીએ પણ ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાના અનેક શબ્દો ખુલ્લા દિલે અપનાવી લીધા છે અને એટલે જ ગુજરાતી પરિવર્તનો સામે ઝીંક ઝીલી શકી છે. એકાદ વર્ષ પહેલાં આ જ કોલમમાં ગુજરાતી ભાષામાં ફારસી, અરબી શબ્દો કેવી રીતે આવ્યા એ વિશે લખ્યું હતું. સાર્થ જોડણીકોષ અને ભગવદ્ગોમંડળમાં પણ ગુજરાતીમાં રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દો વાંચવા મળે જ છે. જોકે, એનો અર્થ એ પણ નથી કે, ગુજરાતી લખતી વખતે અંગ્રેજી કે હિન્દી કે ઉર્દૂ શબ્દોનો બેફામ ઉપયોગ કરવો. ગુજરાતીમાં લખતી વખતે 'પણ' ના બદલે 'બટ' શબ્દ વાપરવાથી ભાષા સમૃદ્ધ ના થાય. કોઈ પણ ભાષામાં લખતી વખતે બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ પણ એક કળા છે. દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો સાંસ્કૃતિક આદાનપ્રદાનથી સામેલ થતા જ હોય છે, એ માટે આપણે વિકૃત પ્રયાસ નથી કરવાના.




આ વર્ષના અંત સુધીમાં ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાની સંખ્યા ૪૫ કરોડની આસપાસ પહોંચી જશે. એનો અર્થ એ પણ છે કે, આગામી વર્ષોમાં ભારતની દરેક ભાષામાં ઈન્ટરનેટ યુગના ટેકનિકલ શબ્દો સામાન્ય થઈ ગયા હશે! બીજી તરફ, આજેય ભારતમાં માંડ ૩૦ ટકા લોકો સારી રીતે અંગ્રેજી સમજી શકે છે. આ ૩૦ ટકામાંથી પોણા ભાગના લોકો એવા છે, જેમને ફેસબુકથી લઈને ટ્વિટર બધું જ માતૃભાષામાં જોઈએ છે. માતૃભાષા માટે લોકોની ચાહત બાય ડિફોલ્ટ હોય છે કારણ કે, એ બાળકના ઉછેર સાથે સંકળાયેલી બાબત છે. એટલે જ ઈન્ટરનેટની દુનિયામાં માતૃભાષા એક બિઝનેસ છે. દરેકને પોતાની ભાષામાં માહિતી જોઈએ છે. ગુજરાતી સહિતની અનેક ભારતીય ભાષાઓમાં પ્રાથમિક શિક્ષણની વાત આવે ત્યારે લોકો આવો આગ્રહ કેમ નહીં રાખતા હોય?- એ સંશોધનનો વિષય છે. માતૃભાષામાં ટેકનિકલ જ્ઞા મળશે એટલે દરેક ભાષામાં નવા શબ્દો આવશે! તેને ભાષા દુષિત થઈ એમ ન કહી શકાય.

આપણને ભાષા દુષિત થઈ જશે એની આટલી બધી ચિંતા કેમ છે એ પણ સમજવા જેવું છે. ૨૧મી સદીના ભારતમાં પણ આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્નોનો બાધ છે અને આંતરદેશીય લગ્નો તો બહુ દૂરની વાત છે. આજેય દેશના અનેક રાજ્યોમાં ઓનર કિલિંગ થાય છે. હકીકતમાં જુદા જુદા ધર્મ-જાતિ-સમાજ-સંસ્કૃતિના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજી શકે એ માટે આંતરજ્ઞાતીય, આંતરધર્મીય અને આંતરદેશીય લગ્નોને પ્રોત્સાહન આપવું એ સૌથી ઉત્તમ ઉપાય છે. વિઝનરી સરકારોએ તો આવા લોકોને 'સરકારી લાભ' આપવા જોઈએ, પરંતુ નાત-જાતના રાજકારણ પર ઊભી થયેલી લોકશાહી પાસેથી આવી અપેક્ષા રાખવી વધારે પડતી છે. આપણે જે તે પ્રજાનું લોહી શુદ્ધ રહેવું જોઈએ એવો અવૈજ્ઞાનિક વિચાર ધરાવતા લોકો છીએ. આ જ નિયમ આપણે ભાષામાં પણ ઠોકી બેસાડવા માગીએ છીએ. આપણે ભાષાને પણ આપણા જેવું ખાબોચિયું બનાવી દેવા માગીએ છીએ.

ભાષા તો વહેતી નદી છે, જે વહેશે તો જીવશે, નહીં તો મોત નક્કી છે.

13 June, 2017

આલ્ફોન્સોની 'આફૂસ'થી 'હાફૂસ' સુધીની સફર


દેશમાં કેરી પકવતા રાજ્યોની વાત આવે એટલે બધા જ રાજ્યોની વાત થાય છે, પરંતુ ગોવાની વાત ક્યારેય નથી થતી. વિશ્વના કુલ કેરી ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૪૦ ટકાથી પણ વધારે છે, જ્યારે ભારતના કુલ કેરી ઉત્પાદનમાં ૨૪ ટકા સાથે સૌથી વધુ હિસ્સો ઉત્તરપ્રદેશનો છે. એ પછી આંધ્રપ્રદેશ (૨૨.૧૪) કર્ણાટક (૧૧.૭૧), બિહાર (૮.૭૯), ગુજરાત (૬) અને તમિલનાડુ (૫.૦૯)નો નંબર આવે છે પણ ગોવાનું ક્યાંય નામ નથી કારણ કે, દેશના કુલ કેરી ઉત્પાદનમાં તેનો હિસ્સો પાંચ ટકાથી પણ ઓછો છે! જોકે, ગોવામાં ભલે કેરીનો ટનબંધ પાક નથી ઉતરતો પણ પશ્ચિમ ઘાટના નકશામાં 'પાતળી લીટી' જેવા આ રાજ્યમાં ૧૦૦થી પણ વધારે જાતની કેરી પાકે છે. દેશની સૌથી મીઠી, રસાળ, સુગંધીદાર, મોંઘી અને સૌથી વધારે નિકાસ થતી કેરી આલ્ફોન્સો એટલે કે હાફૂસ પણ ગોવાની જ વતની છે.

ગુજરાતમાં કેરીની સિઝનમાં છાપા, ટીવી અને રસ્તા પર ઠેર ઠેર જાહેરખબરો જોવા મળે છે કે, સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર અને હાફૂસ કેરી અહીં મળે છે. ગુજરાતમાં પણ હાફૂસ, રાજાપુરી, વનરાજ, નીલમ, જમાદાર, નીલમ, દશેહરી અને લંગરા જેવી કેરીનો પાક લેવાય છે પણ ગુજરાતની એક્સક્લુસિવ કેરી ફક્ત કેસર છે, બીજી એકેય નહીં. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંચાલિત ચેન્નાઈની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન રજિસ્ટ્રીએ ૨૦૧૧માં 'ગીર કેસર'ને 'જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ' આપ્યું હતું. કોઈ સ્થળ સાથે જોડાયેલી એક્સક્લુસિવ ચીજવસ્તુને જીઆઈ ટેગ અપાય છે. જેમ કે, પાટણના પટોળા અને દાર્જિલિંગની ચા. કેસર પણ ગીરની એક્સક્લુસિવ પ્રોડક્ટ છે એટલે તેને પણ જીઆઈ ટેગ મળ્યું છે. વર્ષ ૧૯૩૧માં જૂનાગઢના વજીર સાલેભાઈએ ગિરનારની તળેટીમાં આવેલા લાલ દૂરી ફાર્મમાં ૭૫ આંબા કલમ કર્યા હતા. આ આંબાની ત્રણેક વર્ષ લાડકા બાળકની જેમ માવજત કરાઈ અને ૧૯૩૪માં તેના પર ફળ પણ આવી ગયા. આ કેરી સૌથી પહેલાં જૂનાગઢના નવાબ રસૂલ ખાનજીને મોકલાઈ. આ કેરીના સ્વાદ, સુગંધ અને રંગથી પ્રભાવિત થઈને નવાબ બોલ્યા કે, આ તો કેસર છે. બસ, ત્યારથી એ કેરી 'ગીર કેસર' તરીકે ઓળખાય છે.

ગીરની અસલી કેસર

હાલ જૂનાગઢ અને અમરેલીના કુલ ૨૦ હજાર હેક્ટરમાં કેસરનો પાક લેવાય છે, પરંતુ એક સમયે ગીર અભયારણ્યની આસપાસ પાકતી કેરી જ 'ગીર કેસર' ગણાતી. કેસર ગુજરાતની છે એ તો જાણીતી વાત છે પણ હાફૂસ એ પોર્ટુગીઝોની દેન છે. નેશનલ હોર્ટિકલ્ચરના બોર્ડની વેબસાઈટ પર પણ હાફૂસ પકવતા રાજ્યોમાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુનું નામ નોંધાયેલું છે પણ ગોવાનો ઉલ્લેખ નથી. આ વર્ષે મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં અને દેવગઢ તાલુકામાં પાકતી હાફૂસને પણ જીઆઈ ટેગ અપાયું. દેશમાં સૌથી વધારે જીઆઈ ટેગ પણ કેરીને જ મળેલા છે કારણ કે, કેરી પ્રાદેશિક અભિમાનસાથે જોડાયેલું ફળ છે. જેમ કે, મહારાષ્ટ્રની મરાઠાવાડા કેસર, ઉત્તરપ્રદેશની મલિહાબાદી દશેહરી, કર્ણાટકની એપ્પેમિડી, આંધ્રપ્રદેશની બાંગ્લાપલ્લી તેમજ પશ્ચિમ બંગાળની લક્ષ્મણ ભોગ, હિમસાગર અને ફઝલી એમ ત્રણ જાતની કેરીને જીઆઈ ટેગ અપાયા છે. એટલે કે, આ બધી જ કેરીની જેમ રત્નાગીરી અને દેવગઢનું નામ પણ હાફૂસ  સાથે જોડાઈ ગયું અને ગોવા રહી ગયું.

આલ્ફોન્સો કેરીનું નામ જ પોર્ટુગલના લશ્કરી સેનાપતિ આફોસો દ અલ્બુકર્કના નામ પરથી પડ્યું છે. સમયાંતરે 'આલ્ફોન્સો' અપભ્રંશ થઈને હાફૂસ થઈ ગયું. આ હાફૂસ પણ અપભ્રંશ શબ્દ છે. સાર્થ જોડણીકોશ અને ભગવદ્ગોમંડળમાં 'આફૂસ' શબ્દ છે, 'હાફૂસ' નહીં. આ બંને ગ્રંથમાં 'આફૂસ' શબ્દની વ્યુત્પત્તિ આલ્ફોન્સો પરથી થઈ હોવાની નોંધ છે. ભગવદ્ગોમંડળમાં નોંધ્યા પ્રમાણે, પોર્ટુગલનો ઓલ્ફોન્સો નામનો વહાણવટી બ્રાઝિલમાંથી આંબાની કલમ હિંદુસ્તાનમાં લાવ્યો હતો, તે જાતના કલમી આંબા અને તેની કેરી આલ્ફોન્સો કહેવાય છે... આફૂસનો એક બીજો પણ અર્થ થાય છે, મુરતિયાની અછત. હાફૂસ શબ્દનો ઉચ્ચાર અને અર્થ મરાઠી અને ગુજરાતી ભાષામાં આવ્યો એ પછી બદલાઈ ગયો. પણ આ બંને ભાષામાં આલ્ફોન્સો શબ્દ આવ્યો કેવી રીતે? જરા વિગતે વાત કરીએ.

ફાઇબરલેસ આલ્ફોન્સો ઉર્ફે આફૂસ ઉર્ફે હાફૂસ ;)

ભારતમાં તો હજારો વર્ષોથી કેરીઓ થતી જ હતી. રામાયણ, મહાભારતથી લઈને બૌદ્ધ-જૈન ગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં પણ કેરીના અનેક ઉલ્લેખો મળે છે. જોકે, આજની કેરીઓની અનેક જાતો સદીઓના જનીનિક ફેરફારો પછી પેદા થઈ છે. પોર્ટુગલના રાજા મેન્યુઅલ પહેલાના સેનાપતિ આફોસો દ અલ્બુકર્કે ઈસ. ૧૫૧૦માં ગોવામાં શાસન સ્થાપ્યું ત્યારથી ભારતમાં દેશી કેરીઓ સાથેના જનીનિક ફેરફારો શરૂ થયા. પોર્ટુગીઝોના શાસનકાળમાં ભારત અને યુરોપનું સાંસ્કૃતિક આદાનપ્રદાન શરૂ થયું. પોર્ટુગીઝોએ વનસ્પતિ શાસ્ત્રમાં સારું એવું કાઠું કાઢ્યું હતું અને તેમના થકી જ ભારતમાં યુરોપિયન આંબા તેમજ આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી. ઈસ. ૧૫૬૩માં પોર્ટુગીઝ-યહૂદી રસાયણશાસ્ત્રી ગાર્સિયા દ ઓર્ટાએ પણ ભારતની મુલાકાત લીધી. ઓર્ટા ઈતિહાસમાં તબીબ, પ્રકૃતિશાસ્ત્રી અને ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) દવાઓના પિતામહ્ તરીકે ઓળખાય છે. દવાઓનું સંશોધન કરવાના હેતુથી ઓર્ટાએ ઉષ્ણકટિબંધીય ફળો પર ઊંડુ સંશોધન કર્યું હતું. કેરી અંગે ઓર્ટાએ લખ્યું હતું કે, યુરોપના બધા જ ફળો કરતા કેરી ચડિયાતી છે... ઈસ. ૧૮૫૫માં પોર્ટુગીઝોએ ઓર્ટાની યાદમાં ગોવાના પણજીમાં ભવ્ય બગીચો બંધાવ્યો હતો, જે આજે પણજી મ્યુનિસિપલ ગાર્ડન તરીકે વધારે જાણીતો છે. 
  
પોર્ટુગલોના શાસનને પગલે ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં યુરોપિયન સંસ્કૃતિ વિકસી રહી હતી. આ દરમિયાન ઈસ. ૧૫૫૬માં મોગલ વંશના રાજા અકબરે રાજગાદી સંભાળી. અકબર પણ કેરીનો રસિયો હતો અને તે જાણતો હતો કે, પોર્ટુગીઝોએ જાતભાતના ફળોનો પાક લેવામાં મહારત હાંસલ કરી છે. અકબરે પોતાના દરબારમાં પોર્ટુગીઝોને આવકાર્યા અને આંબા કલમ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને પ્રોત્સાહન આપ્યું. બિહારના દરભંગામાં અકબરે એક લાખ આંબા કલમ કરાવ્યા હતા, જે આજે લાખી બાગ તરીકે ઓળખાય છે. ત્યાર પછી ૧૬૨૮થી ૧૬૫૮ સુધી અકબરના પ્રપૌત્ર શાહજહાં (જહાંગીરનો પુત્ર)ના શાસનકાળમાં પણ કેરીની બોલબાબા રહી. શાહજહાંએ મુમતાઝની યાદમાં તાજમહેલ બનાવ્યા સિવાય પણ એક મહત્ત્વનું કામ કર્યું હતું. શાહજહાંએ એ જમાનામાં મહારાષ્ટ્ર-ગોવાના ઉનાળુ ફળોને દિલ્હી સુધી લાવવા ખાસ ફાસ્ટ ટ્રેક રૂટ તૈયાર કરાવ્યો હતો.

આફોસો દ અલ્બુકર્ક (ક્લોક વાઈઝ), પોર્ટુગલની રાજધાની લિસ્બનની
 ઈન્સ્ટિટ્યુટ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિન સેન્ટર બહાર ગાર્સિયા દ ઓર્ટાનું પૂતળું
અને મોગલવંશનો ઈટાલિનય હકીમ નિકોલા માનુસી 

મોગલ વંશના રાજાઓએ અનેક વિદેશી નિષ્ણાતોને પણ પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું, જેમાંના એક હતા નિકોલા માનુસી. મોગલ કાળમાં માનુસીએ તબીબ, ઈતિહાસકાર, લેખક અને સાહસિક પ્રવાસી તરીકે નામના મેળવી હતી. ઈસ. ૧૬૫૩માં માનુસીએ નોંધ્યું હતું કે, ''દુનિયાની શ્રેષ્ઠ કેરીઓ ગોવામાં પાકે છે. અહીંની કેરીઓને તેના રંગ, સુગંધ અને સ્વાદ પ્રમાણે જુદી પણ પડાય છે. મેં અહીંની અનેક કેરીઓ ખાધી છે, જેનો સ્વાદ યુરોપના પિચ, નાસપતિ અને સફરજન જેવો છે. આમાંની અનેક કેરીઓ તમે બ્રેડ સાથે કે બ્રેડ વગર ખાઈ શકો છો. જો કેરી વધુ ખાવાની ઈચ્છા હોય તો પણ કંઈ નુકસાન થતું નથી...'' આ રીતે અનેક યુરોપિયન પ્રવાસીઓ થકી ભારતીય કેરીઓ દુનિયાભરમાં જાણીતી થઈ. પોર્ટુગીઝો માટે ગોવાની કેરીને રાજકીય સાધન બની ગઈ હતી. પોર્ટુગીઝ અને મોગલ રાજાઓ, વેપારીઓ અને સેનાપતિઓ એકબીજાને કેરી મોકલાવીને કડવાશ દૂર કરતા. આજેય ભારત-પાકિસ્તાનના રાજકારણીઓ એકબીજાને પોતપોતાના પ્રદેશની કેરીઓ મોકલાવે છે, જે પરંપરા આટલી જૂની છે.

મોગલોના કેરી પ્રેમના કારણે ઈસ. ૧૭૯૨ સુધી ગોવાની આલ્ફોન્સો કેરીની ઉત્તર ભારત, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં આયાત શરૂ થઈ ગઈ હતી. જોકે, પૂણેમાં ફરજ બજાવતા પોર્ટુગીઝ અધિકારીઓએ આલ્ફોન્સોની નિકાસને ગંભીરતાથી લીધી અને ગોવાના ગવર્નરને પત્ર લખીને જણાવ્યું કે, ગોવાની આલ્ફોન્સોનો સ્વાદ, સુગંધ અને રંગ જાળવી રાખવો હોય તો તેની બેફામ નિકાસ અટકવી જોઈએ. ગોવાની આલ્ફોન્સોનું મૂલ્ય જાળવી રાખવું હોય તો તેને દુર્લભ જ રહેવા દેવું જોઈએ... આ પ્રકારની ભલામણોની પોર્ટુગીઝો પર ધારી અસર થઈ અને નિકાસમાં રૂકાવટ આવી. એટલે આલ્ફાન્સો માટેનો જઠરાગ્નિ સંતોષવા પેશ્વાઓએ કોંકણમાં હજારો આલ્ફોન્સો આંબા કલમ કર્યા. કોંકણની આલ્ફોન્સો કેરીઓ સ્થાનિક વાતાવરણ અને કલમ પદ્ધતિના કારણે ગોવાની આલ્ફોન્સો કરતા સ્હેજ અલગ પડી, પરંતુ આ કેરીઓ પણ સ્વાદિષ્ટ અને આલ્ફોન્સોની જેમ રેસાવિહિન (ફાઇબરલેસ) જ હતી. આ રીતે મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકના દરિયા કિનારાનો ૭૨૦ કિલોમીટર લાંબા કોંકણ પટ્ટામાં આલ્ફોન્સોનો પાક લેવાનું શરૂ થયું. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં પણ આલ્ફોન્સો વાયા કોંકણ પહોંચી. એ પછી આલ્ફોન્સો શબ્દ મરાઠી અને ગુજરાતી ભાષામાં પણ આવ્યો, પરંતુ સમયાંતરે અપભ્રંશ થઈને ‘આફૂસ’ અને 'હાફૂસ' થઈ ગયો.

આશ્ચર્યની વાત છે કે, પશ્ચિમ બંગાળ અને ઓડિશા 'રસગુલ્લા તો અમે શોધ્યા' એવો દાવો કરીને જીઆઈ ટેગ મુદ્દે લડાઈ કરી શકે છે, પરંતુ મહારાષ્ટ્રના બે વિસ્તારને હાફૂસનું જીઆઈ ટેગ અપાયું હોવા છતાં ગોવાના લોકો પોતાની મસ્તીમાં ગૂલ છે. એનું કારણ કદાચ ગોવા પાસે હાફૂસ સિવાય પણ બીજી ૯૯ જાતની કેરીઓ છે, એ હોઈ શકે! ગોવા પાસે સ્વાદમાં બેજોડ એવી મોન્સેરેટ, માલકુરદા અને કોલેકો જેવી કેરીઓ છે. કોંકણી ભાષામાં મોન્સેરેટ મુસરત, માલકુરાડા માનકુરંદ અને કોલેકો કુલાસ થઈ ગઈ. જુદી જુદી ભાષા, લિપિ અને સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાન પછી શબ્દોના ઉચ્ચાર અને અર્થ પણ બદલાઈ જતા હોય છે. ફર્નાન્ડિન, હિલારિયો, બિશોપ, ઝેવિયર અને મલગેશ પણ ગોવાની જાણીતી કેરીઓ છે. આ એકેય કેરીને હાફૂસની જેમ ઓળખ ભૂંસાઈ જવાનો ખતરો નથી કારણ કે, આ કેરીઓને હાફૂસની જેમ હાઇબ્રિડ કરીને લાંબો સમય સુધી બગડે નહીં એવી રીતે પકવી શકાતી નથી.

વેલ, ગોવા પાસે બિચ અને બિયર સિવાય પણ ઘણું બધું છે અને એ છે, તેનું ફૂડ કલ્ચર. યુરોપ સાથેના પ્રચંડ સાંસ્કૃતિક આદાનપ્રદાનને પગલે ગોવા ખાણીપીણીનો રસાળ ઈતિહાસ ધરાવે છે અને કેરીની તો વાત જ કંઈક ઓર છે!

06 June, 2017

ભારતીય સર્કસ: એક ભૂલી હુઈ દાસ્તાં


૧૯મી સદીના છેલ્લાં દાયકાઓની વાત છે. ભારતભરમાં અંગ્રેજ હુકુમતની ફેં ફાટતી હતી. દેશના મોટા ભાગના વિસ્તારોના નાના-મોટા રજવાડા અંગ્રેજોના ખંડિયા રાજા હતા. મહારાષ્ટ્રના સાંગલીના પ્રિન્સલી સ્ટેટ ઓફ કુરુંદવાડમાં બાળાસાહેબ પટવર્ધનનું રાજ હતું. એ વખતનું કુરુંદવાડ એટલે આજનું કોલ્હાપુર. દેશના બીજા રજવાડાની જેમ કુરુંદવાડમાં પણ મનોરંજનનું મુખ્ય સાધન ગીતસંગીત, નાટકો અને ઘોડેસવારીને લગતી રમતો હતી. એ સમયે ઈટાલીમાં સર્કસ શૉ કરીને તગડી કમાણી કરતા ગિસેપ કિઆરિની નામના એક ઉદ્યોગસાહસિકે ભારતમાં પહેલું સર્કસ રજૂ કરવાનો નિર્ણય કર્યો. આશરે ૧૮૮૦માં કિઆરિનીની રોયલ ઈટાલિયન સર્કસની ટીમે બોમ્બેમાં સર્કસ શૉ કરવા ડેરા તંબૂ તાણ્યા. કુરુંદવાડના મરાઠા રાજા પટવર્ધન સાહેબ પણ પોતાનો કાફલો લઈને કિઆરિનીનો એ સર્કસ શૉ જોવા ગયા. 

 દરમિયાન એક એવી ઘટના બની જેણે ભારતમાં સર્કસની દુનિયાનો પાયો નાંખ્યો અને કદાચ એટલે જ મહાન અભિનેતા રાજકપૂર ‘મેરા નામ જોકર’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી શક્યા. 

એ શૉમાં ઘોડેસવારીના કરતબો અને અંગકસરતના ખેલ જોઈને રાજા અને તેમનો કાફલો દંગ રહી ગયો. શૉ પૂરો થતા જ પટવર્ધન સાહેબ અને કિઆરિની વચ્ચે ભારતનું પોતાનું સર્કસ તૈયાર કરવા અંગે વાતચીત થઈ, પરંતુ કિઆરિનીએ રાજાને ટોણો માર્યો કે, ભારત હજુ પોતાના સર્કસ માટે સક્ષમ નથી. અમારા જેવા ઘોડાના કરતબો કરતા તમને છ મહિના જેટલો સમય લાગી જાય! આ ટોણો પટવર્ધન સાહેબના તબેલાના વડા વિષ્ણુપંત મોરેશ્વર છત્રે (૧૮૪૦-૧૯૦૬)થી સહન ના થયો અને તેમણે એ જ ઘડીએ ભારતનું સર્કસ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. રોયલ ઈટાલિયન સર્કસની તર્જ પર છત્રેએ ઘોડેસવારો, જાદુગરો, હાથી-વાઘ-સિંહ-પોપટને તાલીમ આપી શકે એવા ઉસ્તાદો તેમજ ટ્રેપિઝ કલાકારો (બે દોરડા વચ્ચે બાંધેલી લાકડી પર લટકીને કરાતો ખેલ) તૈયાર કરવાનું નક્કી કર્યું. આ કામમાં પટવર્ધન સાહેબે પણ છત્રેને પૂરેપૂરો સહકાર આપ્યો.


વિષ્ણુપંત મોરેશ્વર છત્રે અને ગિસેપ કિઆરિની

આખરે ૨૦મી માર્ચ, ૧૮૮૦ના રોજ ભારતના પોતાના ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસનો પહેલો શૉ રજૂ થયો. છત્રેએ પણ યુરોપિયન સર્કસ ટીમની જેમ દૂર સુધી પ્રવાસો ખેડીને સર્કસ શૉ કરવાનું શરૂ કર્યું. ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસ ઉત્તરથી લઈને દક્ષિણ ભારત અને શ્રીલંકા સુધી ફરી વળ્યું. એ જમાનામાં ભારતીયો તો ઠીક, બ્રિટીશરો માટે પણ સર્કસ શૉ જોવો મોટો લહાવો ગણાતો. છત્રેએ મદ્રાસ પ્રેસિડેન્સીના મલબાર જિલ્લામાં પણ એક શૉ કર્યો. અહીં તેઓ કલ્લરીપટ્ટયુ માર્શલ આર્ટના નિષ્ણાત કિલેરી કુન્હીકન્નનને મળ્યા. કુન્હીકન્નન હરમાન ગુન્ડેર્ટ ('સિદ્ધાર્થ' નવલકથાના લેખક હરમાન હેસના પિતા) દ્વારા શરૂ કરાયેલી મલબારની વિખ્યાત બેસલ ઈવાન્જેલિકલ મિશન સ્કૂલનમાં માર્શલ આર્ટ અને જિમ્નાસ્ટિક શીખવતા. છત્રે જાણતા હતા કે, અમેરિકા અને યુરોપિયન સર્કસની સરખામણીમાં સ્વદેશી સર્કસમાં એક્રોબેટિકના ખેલ ઘણાં નબળાં છે. એટલે કુન્હીકન્નન સાથે મુલાકાત થતાં જ મરાઠા લડવૈયાની કુનેહ ધરાવતા છત્રેને વિચાર આવ્યો કે, કલ્લરીપટ્ટયુનો આ શિક્ષક મારા સર્કસમાં ઘણો મદદરૂપ થઈ શકે છે!

ભારતમાં પહેલું સર્કસ રજૂ કરવાનો શ્રેય છત્રેને જાય છે, પરંતુ છત્રે જાણતા ન હતા કે આ મુલાકાત કુન્હીકન્નનને ભારતીય મોડર્ન સર્કસના પિતામહનું બિરુદ અપાવવામાં નિમિત્ત બનશે! આ દરમિયાન છત્રેએ કુન્હીકન્નને ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસના કલાકારોને એક્રોબેટિકના ખેલ શીખવવાની ભલામણ કરી. છત્રેને કુન્હીકન્નનું સર્કસ જોઈને આ કળામાં રસ પડ્યો જ હતો એટલે તેમણે આ પ્રસ્તાવ ખુશીથી સ્વીકારી લીધો. ત્યાર પછી કિલેરી કુન્હીકન્નને ઈસ. ૧૯૦૧માં કેરળના કોલ્લમ જિલ્લાના ચિરક્કરા ગામમાં રીતસરની સર્કસ સ્કૂલ શરૂ કરી. એ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સર્કસ મેનેજમેન્ટથી લઈને સર્કસના જુદા જુદા ખેલ શીખવવામાં આવતા. ઈસ. ૧૯૦૪માં આ સ્કૂલના પારિયાલી કન્નમ નામના વિદ્યાર્થીએ ગ્રાન્ડ મલબાર સર્કસ શરૂ કર્યું, જે માંડ બે વર્ષ ચાલીને બંધ થઈ ગયું. એ પછી તો આ સ્કૂલમાંથી ભારતના અનેક જાણીતા સર્કસ અને મલયાલી કલાકારોનો જાણે રાફડો ફાટ્યો.  


કિલેરી કુન્હીકન્નન

કિલેરી કુન્નહીકન્નનના ભાણેજ કે.એમ. કુન્હીકન્નને ૧૯૨૨માં વ્હાઈટવે સર્કસ શરૂ કર્યું, તો કલ્લન ગોપાલને ૧૯૨૪માં ગ્રેટ રેમેન સર્કસ કંપની શરૂ કરી. વર્ષ ૧૯૨૪માં કે.એન. કુન્હીકન્નને ગ્રેટ લાયન નામે નવી સર્કસ કંપનીની સ્થાપના કરી. કલ્લન ગોપાલને પણ નેશનલ સર્કસ અને ભારત સર્કસ નામે મજબૂત કંપનીઓ ઊભી કરી, જેના થકી તેમણે ધીકતી કમાણી કરી. આ જ અરસામાં અમર સર્કસ, ફેરી સર્કસ, ધ ઈસ્ટર્ન સર્કસ, ધ ઓરિએન્ટલ સર્કસ, ગ્રેટ બોમ્બે સર્કસ, રાજકમલ સર્કસ, રેમ્બો સર્કસ, કમલા સર્કસ અને જેમિની સર્કસ જેવી અનેક કંપનીઓ શરૂ થઈ. આ કંપનીઓના મોટા ભાગના માલિકો અને કલાકારો કુન્હીકન્નના વિદ્યાર્થીઓ હતા. 

એ યુગમાં સૌથી મોટું સર્કસ ગ્રેટ બોમ્બે ગણાતું, જેનો જન્મ ત્રણ સર્કસ કંપનીના જોડાણ થકી થયો હતો. બાબુરાવ કદમ નામના બિઝનેસમેને ૧૯૨૦માં ગ્રાન્ડ બોમ્બે સર્કસ શરૂ કર્યું હતું. કે. એમ. કુન્હીકન્નને ૧૯૪૭માં ગ્રાન્ડ બોમ્બે સર્કસ ખરીદી લીધું અને તેને વ્હાઈટવે અને ગ્રેટ લાયન સર્કસમાં ભેળવી દીધું. આ સર્કસને તેમણે ગ્રેટ બોમ્બે સર્કસ નામ આપ્યું. દેશના સૌથી મોટા ગણાતા ગ્રેટ બોમ્બે સર્કસ પાસે ૩૦૦ કલાકારો સહિત વાઘ, સિંહ અને હાથી જેવા ૬૦ પ્રાણીઓનો કાફલો હતો.


જેમિની સર્કસના ડેરાતંબૂ

આ બધામાં સૌથી જાણીતું સર્કસ એટલે જેમિની. રસપ્રદ વાત એ છે કે, મૂળ કેરળના મૂર્કોથ વાંગાકંડી શંકરન અને કે. સહદેવને ગુજરાતના બિલિમોરામાં આ સર્કસની સ્થાપના કરી હતી. આ બંને યુવાનોએ પચાસના દાયકામાં વિજયા સર્કસ ખરીદીને તેને નામ આપ્યું, જેમિની સર્કસ. આ સર્કસના મુખ્ય કર્તાહર્તા એમ. વી. શંકરન હતા અને તેમનો જન્મ મિથુન (જેમિની) રાશિમાં થયો હતો. એટલે તેમણે આ કંપનીને જેમિની સર્કસ નામ આપ્યું હતું. એમ. વી. શંકરન દ્વિતિય વિશ્વયુદ્ધમાં ફરજ બજાવી ચૂક્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી તેમણે ચિરક્કરાની જ 'કિલેરી કુન્હીકન્નન ટીચર મેમોરિયલ સર્કસ એન્ડ જિમ્નાસ્ટિક્સ ટ્રેનિંગ સ્કૂલ'માં એરિયલિસ્ટ અને હોરિઝોન્ટલ બાર જિમ્નાસ્ટની તાલીમ લીધી હતી. આ સ્કૂલની સ્થાપના કિલેરી કુન્હીકન્નનના જ વિદ્યાર્થી એમ. કે. રમને કરી હતી.

જેમિની સર્કસનો પહેલો શૉ ૧૫મી ઓગસ્ટ, ૧૯૫૧ના રોજ યોજાયો હતો. સિત્તેરના દાયકામાં 'મેરા નામ જોકર' ફિલ્મ બનાવતી વખતે રાજકપૂરે પણ જેમિની સર્કસ સાથે જ શૂટિંગને લગતા કરારો કર્યા હતા. આજકાલ આપણા દેશમાં એન્ટરટેઇન્મેન્ટ અને આઉટિંગનું સૌથી મહત્ત્વનું માધ્યમ મલ્ટીપ્લેક્સમાં જઈને ફિલ્મ જોવી અને હોટેલમાં જઈને ડિનર લેવું એ છે, એવી રીતે બ્રિટીશકાળના ભારતમાં મનોરંજનનું મહત્ત્વનું સાધન સર્કસ હતું. જોકે, સર્કસની પહોંચ ફિલ્મો કરતા ઘણી જ ઓછી હતી, પરંતુ સર્કસની દુનિયાનો પ્રભાવ ફિલ્મોમાં પણ ઝીલાયો હતો. ‘મેરા નામ જોકર’ પછી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં સર્કસ કે પ્રાણીઓના દૃશ્યો દેખાયા હતા અને એ માટે ફિલ્મ ડિરેક્ટરો શંકરનને જ યાદ કરતા હતા. વર્ષ ૧૯૭૭માં તેમણે એપોલો, વાહિની અને જમ્બો સર્કસ પણ શરૂ કર્યા. એપોલો, જમ્બો, ગ્રેટ બોમ્બે અને જેમિની સર્કસના શૉ તો ગુજરાતમાં અમદાવાદ (મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં) સહિતના શહેરોમાં પણ યોજાઈ ચૂક્યા છે.


હિસ્ટરી ઓફ સર્કસ પુસ્તકનું કવરપેજ (ક્લોકવાઈઝ), કન્નન બોમ્બાયોનું નામ
છાપીને  દર્શકોને આકર્ષવા ડિઝાઈન કરાયેલો પાસ અને કન્નન બોમ્બાયો

કિલેરી કુન્હીકન્નન ભારતના અનેક મોડર્ન સર્કસની સ્થાપનામાં નિમિત્ત બન્યા, એવી જ રીતે તેમના હાથ નીચે તૈયાર થયેલા કલાકારોએ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ સર્કસ કલાકાર તરીકે નામ અને દામ મેળવ્યા. આવા જ એક વિદ્યાર્થી એટલે ૧૯૧૦માં કુન્હીકન્નનની સ્કૂલમાંથી રોપ ડાન્સિંગમાં સ્નાતક થયેલા, કન્નન બોમ્બાયો. ત્રીસીના દસકામાં અમેરિકા અને યુરોપના અનેક મોટા સર્કસમાં કન્નન બોમ્બાયો સ્ટાર પર્ફોર્મર તરીકે રજૂ કરાતા. બ્રિટનના વિશ્વ વિખ્યાત બરટ્રામ મિલ્સ સર્કસમાં પણ કન્નન બોમ્બાયોએ પર્ફોર્મ કર્યું હતું. ૩૦મી મે, ૧૯૦૭ના રોજ કેરળના ચિરક્કામાં જન્મેલા કન્નન બોમ્બાયોનું મૂળ નામ એન. પી. કુંચી કન્નન હતું.

ભારતીય સર્કસની અત્યંત દુર્લભ માહિતી આપતા 'એન આલ્બમ ઓફ ઈન્ડિયન બિગ ટોપ્સ-હિસ્ટરી ઓફ સર્કસ' નામના પુસ્તકમાં શ્રીધરન ચંપદ (પાના નં.૩૧-૩૨) નોંધે છે કે, ''... એ દિવસોમાં ઈન્ડિયા કરતા 'બોમ્બે' વધુ પ્રખ્યાત હતું. એટલે બરટ્રામ મિલ્સે તેમને કન્નન બોમ્બાયો તરીકે રજૂ કર્યા. એનો અર્થ હતો, કન્નન ધ ઈન્ડિયન. કન્નન બોમ્બાયો હાથી પર સવાર થઈને આવતો અને હાથીની પીઠ પરથી ૩૦ ફૂટ ઊંચે બાંધેલા દોરડા પર સમરસૉલ્ટ મારીને જતો...'' બરટ્રામ મિલ્સ સર્કસે એકવાર જર્મનીમાં 'બર્લિન શૉ' યોજ્યો હતો, જે જોવા ખુદ હિટલર આવ્યો હતો.

શ્રીધરન નોંધે છે કે, ''...કન્નનનું પર્ફોર્મન્સ જોઈને હિટલર આશ્ચર્યચક્તિ થઈને ઊભો થઈ ગયો હતો. શૉ પૂરો થયા પછી હિટલરે કન્નનને બોલાવીને તેના શૂઝ તપાસ્યા હતા. જોકે, હિટલરને તેના શૂઝમાંથી કશું જ ના મળ્યું. એ પછી હિટલરે કન્નનને ઓટોગ્રાફ આપીને લખ્યું કે, યુ આર ધ જમ્પિંગ ડેવિલ ઓફ ઈન્ડિયા... રિંગલિંગ બ્રધર્સ : બાર્નમ એન્ડ બેલી સર્કસ દર અઠવાડિયે કન્નન બોમ્બાયોને ૪૦૦ ડૉલર (એ જમાના પ્રમાણે રૂ. ચાર હજાર) ચૂકવતું. અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ, ઈટાલીના વડાપ્રધાન બેનિટો મુસોલિની, બ્રિટનના છઠ્ઠા રાજા કિંગ જ્યોર્જ જેવી હસ્તીઓ પણ કન્નનના વખાણ કર્યા હતા...''

***

આજેય બોમ્બાયોની ગણના ૨૦મી સદીના સૌથી મહાન સર્કસ કલાકારોમાં થાય છે. આ પુસ્તકમાં રિંગલિંગ બ્રધર્સના એકમાત્ર ભારતીય રિંગ માસ્ટર દામુ ધોત્રે વિશે પણ શ્રીધરને ૧૩ પાનાંમાં વિસ્તૃત માહિતી આપી છે. ધોત્રેએ વર્ષ ૧૯૪૦થી સળંગ દસ વર્ષ સુધી રિંગલિંગ બ્રધર્સના રિંગ માસ્ટર તરીકે કામ કર્યું હતું. અમેરિકાના ૧૪૬ વર્ષ જૂના રિંગલિંગ બ્રધર્સ : બાર્નમ એન્ડ બેલી સર્કસનો ૨૫મી મે, ૨૦૧૭ના રોજ કાયમ માટે પડદો પડી ગયો, ત્યારે ભારતીય સર્કસના આ સુવર્ણ ઈતિહાસને પણ યાદ કરવો જોઈએ.

કમનસીબે ભારતમાં તો શ્રીધરન ચંપદના પુસ્તક સિવાય સર્કસના મહામૂલા ઈતિહાસની ક્યાંય નોંધ નથી લેવાઈ, પરંતુ વર્ષ ૧૯૭૭થી ૨૦૧૬ સુધી કાર્યરત બિગ એપલ સર્કસે દુનિયાભરની સર્કસ કંપનીઓ અને કલાકારોની માહિતી આપતો સર્કસ એન્સાઇક્લોપીડિયા તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ યોજના હેઠળ વિશ્વના ૨૫૦ વર્ષના સર્કસના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરવાનું કામ હજુયે ચાલુ છે.

ભારતમાં છેલ્લાં ૧૩૭ વર્ષમાં ૩૦૦થી પણ વધુ નાના-મોટા સર્કસ શરૂ થયા અને બંધ થયા. આજે ય ભારતમાં કેટલીક સર્કસ કંપનીઓ કાર્યરત છે, પરંતુ ભારતીય સર્કસ કંપનીઓ વિદેશ સાથે સમયસર તાલ મિલાવવામાં સરેઆમ નિષ્ફળ ગઈ. વળી, વર્ષ ૨૦૧૩માં ભારત સરકારે સર્કસમાં સિંહ, વાઘ અને હાથી જેવા પ્રાણીઓ તેમજ બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો, જે સર્કસ ઉદ્યોગ માટે સૌથી જીવલેણ ફટકો સાબિત થયો!

અનાજ, વીજળી અને પાણીનું જટિલ ગણિત


પાણીની નિકાસ કરતા દેશોમાં પહેલો નંબર પાકિસ્તાનનો છે પણ ત્રીજા નંબરે છે ભારત. આ પ્રકારના સમાચાર વાંચીને એવો સવાલ થઈ શકે કે, નદીઓના પાણીને લઈને તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યો વચ્ચે ભારત-પાકિસ્તાન જેવો માહોલ સર્જાય છે ત્યારે વળી આપણે પાણીની ય નિકાસ કરીએ છીએ? રાજ્યો રાજ્યો વચ્ચે તો ઠીક, દેશમાં અનેક શહેર, જિલ્લા, ગામ અને સોસાયટીઓમાં પાણીના કારણે વારંવાર તંગદિલી સર્જાય છે. જોકે, આપણે પાણીની સીધેસીધી નહીં પણ આડકતરી કે અજાણતા જ નિકાસ કરીએ છીએ!

ભારત જેવા કૃષિપ્રધાન દેશે લાખો લિટર પાણીની નિકાસ કેવી રીતે થઈ જાય છે એનું ગણિત સમજવું ઘણું જરૂરી છે. જેમ કે, ભારતમાં એક કિલોગ્રામ ચોખાના પાકને સરેરાશ ત્રણથી ચાર હજાર લિટર પાણી જોઈએ. એવી જ રીતે, પંજાબ અને હરિયાણામાં એક કિલોગ્રામ ચોખાનો પાક લેવા પાંચેક હજાર લિટર પાણી જોઈએ. વર્ષ ૨૦૧૫માં ભારતે એક કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. બસ, મુશ્કેલી અહીંથી જ શરૂ થાય છે. આ ચોખાની નિકાસની સાથે ભારતે એ વર્ષે ૩૦થી ૫૦ બિલિયન ક્યુબિક મીટર પાણીની નિકાસ પણ કરી દીધી. ભારતના કૃષિ નિષ્ણાતો આ વાતથી સારી રીતે વાકેફ છે. કૃષિવિજ્ઞાનીઓ પણ પાણીનું ગણિત સમજાવતા જાતભાતના અહેવાલો તૈયાર કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પણ મુશ્કેલીનું નિવારણ કરવા જડબેસલાક યોજના બનાવવી પડે અને પછી તેનો એવી જ રીતે અમલ કરવો પડે. આપણે યોજનાઓ તો બનાવીએ છીએ પણ એનો અમલ કરવામાં કંગાળ છીએ.

ભારતમાં નદી-નાળા અને નહેરો થકી સિંચાઈ વ્યવસ્થા અત્યંત કંગાળ હોવાથી લાખો ખેડૂતોનો પાણીનો પ્રાથમિક સ્રોત ભૂગર્ભ જળ છે. આ કારણસર દેશના તમામ સમૃદ્ધ રાજ્યોમાં જમીની પાણીના તળ વધુને વધુ નીચે જઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૦માં દેશભરમાં જમીન નીચેથી ૭૫ ક્યુબિક કિલોમીટર પાણી ખેંચાયું હતું. એ પાણીનો પણ બેફામ વેડફાટ થાય છે એ પાછો અલગ મુદ્દો છે. પાકિસ્તાને પણ ૨૦૧૦માં હજારો ટન અનાજની નિકાસ કરી હતીજે પકવવા માટે ૭.૫ ક્યુબિક કિલોમીટર પાણી વપરાયું હતું. એક ક્યુબિક મીટર એટલે ૧૦૦ અબજ લિટર. પાકિસ્તાને આટલા પાણીની અનાજના સ્વરૂપમાં નિકાસ કરી દીધી હતી. એશિયાના બે સૌથી મોટા કૃષિપ્રધાન દેશ ભારત અને પાકિસ્તાનમાં માથાદીઠ પાણી પહેલેથી ઓછું છે. આમ છતાંઆ બંને દેશ દર વર્ષે હજારો લિટર પાણીની અજાણતા જ નિકાસ કરી દે છે.  આ બંને દેશની સાથે વાત એટલા માટે કેભૂગોળ અને પર્યાવરણની રીતે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. 




ખાંડના ઉત્પાદનમાં પણ પાણીનું ગણિત સમજવા જેવું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે ભયાનક દુકાળ પડે છે, જે કુદરતી કરતા માનવસર્જિત વધારે છે. મહારાષ્ટ્રમાં ખાંડ માફિયા અને રાજકારણીઓની મિલિભગતના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, અહીં અનેક ખાંડ સહકારી મંડળીઓ અને સુગર મિલોના પ્રમોટરો રાજકારણીઓ છે. એ લોકોને પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ હજારો લિટર પાણી પી જતી શેરડીની ખેતી કરાવવામાં જ રસ છે. આ મુદ્દે વિવાદ થાય છે ત્યારે રાજકારણીઓ દલીલ કરે છે કે, મહારાષ્ટ્રમાં માંડ ચાર ટકા જમીન પર જ શેરડીની ખેતી થાય છે. સાંભળવામાં જોરદાર લાગતી આ દલીલ સામેવાળાને ચૂપ કરી દે છે, પરંતુ એ છેતરામણી દલીલ છે. રાજકારણીઓ એવું નથી કહેતા કે, ચાર ટકા જમીનમાં પકવવામાં આવતી શેરડી મહારાષ્ટ્રના કૂવા અને સિંચાઈનું ૭૧ ટકાથી પણ વધુ પાણી પી જાય છે. શેરડીની જેમ કોઈ પણ કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતી વખતે પાણીની ગણતરી કરવી જરૂરી છે. મહારાષ્ટ્રનો દુકાળ માનવસર્જિત છે, કુદરતી નહીં. વરસાદ ભલે આકાશમાંથી પડે છે, પરંતુ દુકાળનું સર્જન તો પૃથ્વી પર જ થાય છે.

કયા વિસ્તારમાં, કયો પાક લેવો જોઈએ?, કઈ ચીજનું ઉત્પાદન કરવાના બદલે આયાત કરવી સસ્તી પડશે? તેમજ કયા ઉત્પાદનની વાસ્તવિક કિંમત વધારે છે?- આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા પાણીને પણ ગણતરીમાં લેવું જોઈએ એવું અનેક કૃષિ અહેવાલોમાં વાંચવા મળે છે. કૃષિ ઉત્પાદનોની વાસ્તવિક કિંમતમાં પાણી અને વીજળીના મૂલ્યનો પણ સમાવેશ કરવો પડે. એવી જ રીતે, કૃષિ ક્ષેત્રે પાણીની જેમ વીજ વપરાશનું પણ આગવું ગણિત છે. હાલમાં જ પંજાબે પાકિસ્તાનને થોડી વધારે વીજળી વેચવા કેન્દ્ર સરકારની મંજૂરી લીધી હતી. જોકે, આ વીજળી પેદા કરવા પણ ભારતની જમીનમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે. ભારત જેવો દેશ કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતી વખતે પાણીની જેમ ઊર્જા એટલે કે વીજળીની પણ નિકાસ કરે છે.

પાણી અને વીજળીના ગણિતને સમજવા બીજું પણ એક ઉદાહરણ જોઈએ. દેશ આઝાદ થયા પછી પંજાબે હરિયાળી ક્રાંતિનો જબરદસ્ત લાભ લેવાનું શરૂ કર્યું. પંજાબના ખેડૂતો કપાસનો વધુને વધુ પાક લેવા માટે હાઇબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કરતા. આ બિયારણોના ઉપયોગથી કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. પંજાબી ખેડૂતો માલદાર થઈ રહ્યા હતા તેથી ખુશ હતા. આમ આદમી ખુશ હતો એટલે સરકારને પણ ખાસ કંઈ પડી ન હતી. આવું અનેક વર્ષો ચાલ્યા પછી હરિયાળી ક્રાંતિની આડઅસરો સામે આવવા લાગી. હાઇબ્રિડ કોટન બિયારણોમાં એક નવા જ પ્રકારની જીવાત આવી, જે અમેરિકન બોલવૉર્મ તરીકે ઓળખાય છે. કપાસમાં જીવાત તો પહેલા પણ થતી હતી, પરંતુ એ જીવાત એટલી ખાઉધરી ન હતી. નવી નવી જીવાતો માટે નવી દવાઓનો ઉપયોગ કરાયો, જે પાછી માનવશરીર માટે ખતરનાક હતી. જૂની જીવાત થોડો ઘણો પાક ખાઈ જતી, પરંતુ અમેરિકન બોલવૉર્મની કપાસની ભૂખ કુંભકર્ણ જેવી હતી.

આ સ્થિતિમાં પંજાબમાં કપાસના ખેડૂતો રાતોરાત પાયમાલ થવા લાગ્યા, હોબાળો થયો. રાજ્ય સરકારે કપાસ ખરીદવાની ખાતરી આપી અને ટેકાના ભાવ જાહેર કર્યા. સરકારે નિષ્ણાતો જોડે અહેવાલો તૈયાર કરાવીને ખેડૂતોને કપાસની ખેતી બંધ કરવાની અપીલ કરી, અભિયાનો ચાલ્યા પણ આ દરમિયાન એક મોટી ભૂલ થઈ ગઈ. સરકારે કપાસની ખેતી બંધ કરનારા ખેડૂતોને ડાંગરનો પાક લેવા પ્રોત્સાહન આપ્યું. જોકે, પંજાબની ભૂગોળ અને વાતાવરણ માટે ડાંગરનો પાક નવો હતો. ડાંગરને તો કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી જોઈએ, પરંતુ આ વાત યાદ આવી ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું.

વિચાર કરો. પંજાબમાં કપાસનો પાક તો કેનાલોના પાણીથી પણ લેવાઈ જતો, પરંતુ ડાંગર તો જન્મોજન્મની તરસી હોય એમ પાણી પીતી. ડાંગરની તરસ છીપાવવા ખેડૂતોએ ટ્યૂબવેલો વસાવી અને જમીનમાંથી પાણી ખેંચવાનું શરૂ કર્યું. પંજાબમાં જમીની પાણીની સપાટી ૫૦૦ ફૂટ નીચે મળે છે, જે તમામ રાજ્યોમાં સૌથી ઊંડું છે. હવે પંજાબ અને કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા પ્રોત્સાહન આપે છે. આજેય પંજાબમાં પાણીની તંગી છે. સરકાર ડેમો બનાવે છે પણ એ પાણી દૂરસુદુરના વિસ્તારોમાં પહોંચાડવા સિંચાઈ વ્યવસ્થા જોઈએ અને એ તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. સિંચાઈ માટે કરોડોના ખર્ચ પછીયે દેશની ૫૦ ટકા જમીન પાણી માટે તરસે છે. પાણીનો સંગ્રહ તો થઈ ગયો પણ વૉટર મેનેજમેન્ટ નથી. વરસાદ થોડો ઘટે કે પછી નહીંવત થાય તો ખેડૂતોની આત્મહત્યામાં વધારો થાય છે.

ભારતમાં ટપક સિંચાઈથી ખેતીને પણ વધુને વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે કારણ કે, તેમાં ઓછા પાણીથી વધારે પાક લઈ શકાય છે અને ઊર્જાની પણ બચત થાય છે. આ સ્થિતિમાં અનાજની સાથે પાણી-વીજળીની વર્ચ્યુઅલ નિકાસ કરી દેવી કેવી રીતે પોસાય? દેશના જ વિવિધ રાજ્યો વચ્ચે પાણીની નિકાસ થાય છે, એ પાછો અલગ મુદ્દો છે. જેમ કે, ગુજરાત અને કર્ણાટક જેવા પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાંથી જળસમૃદ્ધ રાજ્યોમાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરાય છે. એવી જ રીતે, વીજ અછત ધરાવતા રાજ્યમાંથી વીજ સમૃદ્ધિ ધરાવતા રાજ્યમાં નિકાસ થાય છે. ભારતમાં વીજળી પેદા કરવા પાણીનો મહત્તમ ઉપયોગ થાય છે અને એ પાણીથી ખેતી કરવા ફરી પાછો વીજળીનો ઉપયોગ થાય છે. એટલે જ અનેક દેશો ફક્ત પાણી, પર્યાવરણ અને વીજળી બચાવવા અનાજની આયાત કરે છે. કદાચ ભારત સરકાર માટે આવો નિર્ણય લેવો અત્યારે અઘરો છે, પરંતુ આપણે વૈજ્ઞાનિક ખેતી જરૂર કરી શકીએ છીએ. આપણી મોટા ભાગની મુશ્કેલીઓ વૈજ્ઞાનિક અભિગમના અભાવના કારણે છે. બળદના બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરવાથી વૈજ્ઞાનિક ખેતી નથી થઈ જતી!

વૈશ્વિક કૃષિ વેપારના કારણે પૃથ્વીના પેટાળનું ૧૧ ટકા પાણી ઓછું થઈ ગયું છે. આ પ્રક્રિયા હજુયે ચાલુ છે. એ પાણીનો ૨૫ ટકા હિસ્સો તો એકલા ભારત-પાકિસ્તાન અને અમેરિકાએ જ ખાલી કરી દીધો છે. કૃષિ વેપારમાં વરસાદી પાણીની પણ નિકાસ થઈ જાય છે, પરંતુ નિષ્ણાતો ફક્ત જમીની પાણીના આંકડા જ તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. નિકાસ થઈ જતા પાણીમાં વરસાદી પાણીનો હિસ્સો કેટલો?- એ નક્કી કરવું કૃષિવિજ્ઞાનીઓ માટે પણ અઘરું છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી પાણી નહીં અપાતું હોવાના કારણે પાણીના ઘણાં મોટા હિસ્સાનું બાષ્પીભવન પણ થઈ જાય છે. એ રીતે પણ પાણીનો વેડફાટ થાય છે.

ભારતના પેટાળનું અને વરસાદનું સૌથી વધારે પાણી ઘઉં પી જાય છે કારણ કે, લગભગ બધા જ રાજ્યોમાં ઘઉંની ખેતી થાય છે. એ પછી ચોખા, કપાસ, શેરડી અને ગૌમાંસનો ક્રમ આવે છે. હા, ગૌમાંસની સૌથી વધારે નિકાસ કરતો દેશ ભારત છે. તાજા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૬-૧૭માં ભારત ત્રણ લાખ ટન ઘઉં અને ૧.૭૦ કરોડ ટન ચોખાની નિકાસ કરશે. આ બંને ઉત્પાદનોની નિકાસની સાથે સાથે ભારત આડકતરી રીતે પાણી અને વીજળીની પણ નિકાસ કરે છે. શું આ નિકાસથી આપણને ફાયદો છે?

ભારતે સુપરપાવર બનવા અનાજ, પાણી અને વીજળી વચ્ચેનો સંબંધ સમજવાનો સમય થઈ ગયો છે કારણ કે મોંઘવારી, ફુગાવો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે.