14 May, 2018

ચક્કા, પલપ્પાલમ, કટહલ, ફણસ ઉર્ફ જેકફ્રૂટ


ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફણસ, કેરળમાં ચક્કા, તમિલનાડુમાં પલપ્પાલમ, બંગાળમાં એન્કર, આસામમાં કોથોલ, મેઘાલયમાં તેબ્રોંગ અને ઉત્તર ભારતમાં કટહલ તરીકે ઓળખાતું જેકફ્રૂટ ભારતનું સૌથી 'વંચિત' ફળ કહી શકાય.

વંચિત એટલા માટે કે, દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. આશરે ૧૪ લાખ ટન. ફણસની ખેતી ખૂબ જ ઓછા ખર્ચે થાય છે. ઓછું પાણી તો ઠીક, દુકાળ પડે તો પણ ફણસનું વૃક્ષ ફળો આપે છે. ભારતના મોટા ભાગના મુખ્ય પાક 'વેધર સેન્સિટિવ' છે. વાતાવરણમાં ફેરફાર થતા જ પાક નિષ્ફળ જાય છે પણ ફણસનો પાક ક્યારેય નિષ્ફળ જતો જ નથી. ફણસ જીવાત સામે પણ સહેલાઈથી ટકી શકે છે એટલે તેને જંતુનાશકોની જરૂર પડતી નથી. ફણસને રાસાયણિક ખાતરોની પણ જરૂર પડતી નથી. એ રીતે ફણસ ૧૦૦ ટકા ઓર્ગેનિક ફળ છે. આ ઉપરાંત ફણસમાં ભરપૂર પોષક દ્રવ્યો છે. ડાયાબિટીસમાં પણ તે લાભ પહોંચાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી હૃદયરોગની શક્યતા ઘટાડે છે. ૧૦૦ ગ્રામ ફણસમાંથી માંડ ૯૫ કેલરી મળે છે. ફણસ પોષક દ્રવ્યોથી ભરપૂર લૉ કેલરી ફૂડ છે. તે શરીરને પૂરતું પોષણ આપીને વજન ઘટાડવામાં મદદ કરતું સુપરફૂડ છે.

આમ છતાં, ભારતમાં પાકતા ૧૪ લાખ ટનમાંથી ૭૦ ટકા ફણસ કચરામાં જતા રહે છે. આઘાતજનક ના કહેવાય? પાણીની અછત વચ્ચે ખેતી કરીને આજે પણ ભૂખમરો અને કુપોષણને સહન કરી રહેલા દેશને આ પોસાય ખરું?

એ વિશે વાત કરતા પહેલાં ફણસ વિશે થોડી જાણકારી. 

કેરળના 'ચક્કા'ને જેકફ્રૂટ નામ કેમ મળ્યું?  

ફણસ વૃક્ષ પર પાકતું દુનિયાનું સૌથી મોટું ફળ છે. તેનું વૃક્ષ દર વર્ષે ૧૦૦થી ૨૦૦ ફળ આપે છે. આવા એક ફળનું વજન ૩૫ કિલો સુધીનું પણ હોઇ શકે છે. નાળિયેરની જેમ ફણસના વૃક્ષનો પણ દરેક ભાગ કામમાં આવે છે. ફણસનું લાકડું ફર્નિચર બનાવવા ઉત્તમ છે, તેના પાંદડાનો દવા તરીકે ઉપયોગ થઈ શકે છે અને પોષકદ્રવ્યોથી ભરપૂર તેના બીજને શેકીને ખાઈ શકાય છે. ફણસ કાચું કે પાકું ખાઈ શકાય છે પણ કમનસીબે દેશના કરોડો લોકોએ ફણસ ચાખ્યું સુદ્ધાં નથી હોતું. ભારતીય ઉપખંડમાં છ હજાર વર્ષથી ફણસની ખેતી થતી હોવાના પુરાતત્ત્વીય પુરાવા છે, પરંતુ છેક ૨૦૧૨ સુધી સરકારના લાગતા-વળગતા વિભાગો પાસે ફણસ વિશે પૂરતી જાણકારી ન હતી. સેન્ટ્રલ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અને બેંગલુરુની એગ્રિકલ્ચર સાયન્સ યુનિવર્સિટીએ ૨૦૧૨માં એક સર્વે કર્યો ત્યારે ખબર પડી કે, ભારતમાં ફણસની ૧૦૫ જાત થાય છે.



ફણસ નીચાણવાળા ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં પાકતું ફળ હોવાથી દક્ષિણ ભારતમાં તેનો પાક વધુ ઉતરે છે. ભારતમાં જ નહીં, વિશ્વમાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. મલયાલમ ભાષામાં ફણસ 'ચક્કા' નામે ઓળખાય છે. પોર્ટુગીઝો ૧૪૯૮માં ભારતમાં વેપાર કરવા આવ્યા ત્યારે કેરળના કાલિકટ અને મલબારમાં ઉતર્યા હતા. એ વખતે પોર્ટુગીઝ વેપારીઓ પણ ચક્કાના સંપર્કમાં આવ્યા. જોકે, પોર્ટુગીઝોએ કરેલા પ્રવાસ વર્ણનોમાં ચક્કાનો ઉલ્લેખ 'જક્કા' તરીકે કર્યો. એટલે પોર્ટુગલમાં અને પછી અન્ય દેશોમાં ફણસ પહેલાં 'જક્કા ફ્રૂટ' અને ત્યાર પછી અપભ્રંશ થઈને 'જેકફ્રૂટ' થઇ ગયું.

દેશભરમાં ફણસની આશરે ૨૦૦ પ્રકારની પરંપરાગત વાનગીઓ નોંધાયેલી છે. દરેક રાજ્યની ભાષા અને સ્થાનિક બોલીઓમાં પણ ફણસના આગવા નામ છે. આ વાત જ સાબિત કરે છે કે, ભારતીય સંસ્કૃતિમાં ફણસના મૂળિયા ખૂબ જ ઊંડા છે.

...અને કેરળે ફણસને 'સ્ટેટ ફ્રૂટ' જાહેર કર્યું

ફણસ તેના આરોગ્યપ્રદ ગુણોના કારણે ફાઈવ સ્ટાર હોટેલો સુધી પહોંચી ગયું છે. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને મેઘાલય સહિતના અનેક રાજ્યોમાં ઓછે-વત્તે અંશે ફણસનું ઉત્પાદન થાય છે અને જુદી જુદી વાનગીઓના સ્વરૂપમાં ખવાય પણ છે. જોકે, આટલા જંગી ઉત્પાદનના પ્રમાણમાં ફણસનો વપરાશ નહીંવત છે. જો ફણસનું વેપારી ધોરણે ઉત્પાદન કરીને યોગ્ય માર્કેટિંગ કરવામાં આવે તો કુપોષણ, ભૂખમરા જેવા દુષણો સામે લડી શકાય. એટલું જ નહીં, ઓછો વરસાદ આપતા પ્રદેશોમાં ફણસની ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોને લાભ થાય એવા પગલાં પણ લઇ શકાય.



મેઘાલયમાં દર વર્ષે સરેરાશ રૂ. ૩૦૦-૪૦૦ કરોડના ફણસ કચરામાં પધરાવી દેવાય છે અને બીજી બાજુ ઉત્તર-પૂર્વીય રાજ્યોના આદિવાસીઓ ભૂખમરો-કુપોષણનો સતત ભોગ બની રહ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને કેરળે ૨૧મી માર્ચ, ૨૦૧૮ના રોજ જેકફ્રૂટને 'સ્ટેટ ફ્રૂટ' જાહેર કર્યું છે. તમિલનાડુનું સ્ટેટ ફ્રૂટ પણ ફણસ છે. બાંગલાદેશ અને શ્રીલંકાનું તો 'નેશનલ ફ્રૂટ' ફણસ છે. હવે કેરળ સરકારે ફણસના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને એક ફૂડ પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું છે, જેમાં ફણસમાંથી 'રેડી ટુ ઈટ' અને 'રેડી ટુ કૂક' ચીજવસ્તુ બનાવવામાં આવે છે.

કેરળ વિધાનસભામાં આપેલી માહિતી પ્રમાણે, ફણસનું યોગ્ય માર્કેટિંગ કરીને બગાડ અટકાવવામાં આવે તો ખેડૂતો-વેપારીઓને વર્ષે રૂ. ૧૫ હજાર કરોડની આવક થઈ શકે! આ માટે કેરળે જેકફ્રૂટ પ્રમોશનલ કાઉન્સિલની  પણ રચના કરી છે. આ કાઉન્સિલ ત્રણ દિશામાં કામ કરી રહી છે. ૧. ફણસના આરોગ્યલક્ષી ગુણો વિશે જાગૃતિનો ફેલાવો ૨. મુખ્ય વાનગી સિવાય પણ ફણસમાંથી જુદી જુદી ચીજવસ્તુ બનાવીને તેની લોકપ્રિયતા વધારવાના સંશોધનોને પ્રોત્સાહન. જેમ કે, જેકફ્રૂટ ચિપ્સ, જામ, અથાણું, જ્યૂસ, હલવો વગેરે. ૩. ફણસની ખેતીમાંથી ખેડૂતો-વેપારીઓને મહત્તમ લાભ થાય એ દિશામાં કામ કરવાનું.

અત્યાર સુધી દેશભરમાં ફણસની ઉપેક્ષા કેમ?

ભારતમાં છ હજાર વર્ષનો સમૃદ્ધ ઈતિહાસ ધરાવતું હોવા છતાં ફણસ જ્યાં પાકે છે ત્યાં પણ રોજિંદા ભોજનમાં સ્થાન કેમ ના પામ્યું? આજેય દુનિયામાં ફણસનું સૌથી વધુ ઉત્પાદન ભારત કરે છે ત્યારે આ સવાલ થવો સ્વાભાવિક છે. ફણસને કોઈએ ગંભીરતાથી નહીં લીધું હોવાના અનેક કારણો છે.




દક્ષિણ ભારતમાં ફણસનું જંગી ઉત્પાદન ભલે થતું, પણ એ છૂટુછવાયું છે. ખેડૂતો વેપારી ધોરણે ફણસનો પાક લઈને ગુજરાન ચલાવી ના શકે. એકલું કેરળ દિલ્હીમાં દર વર્ષે આશરે ૫૦ હજાર ટન ફણસ પહોંચાડે છે. વચેટિયાઓ ખેડૂતો પાસેથી પ્રતિ ફણસ રૂ. પાંચથી દસના ભાવે હજારો ટન ફણસ ખરીદી લે છે, જે દિલ્હીમાં રૂ. ૩૦ સુધીના ભાવે વેચાય છે. આ કારણસર ખેડૂતો ફણસની એક્સક્લુસિવ ખેતી નથી કરતા પણ ખેતરોના કિનારે ફણસના વૃક્ષો ઊગાડી દે છે. આ ઉપરાંત ફણસની વાવણી મહેનત માંગી છે. ફણસને કાપવું, છીલવું અને પછી તેમાંથી કોઈ વાનગી બનાવવા માટે પણ ખાસ આવડત અને સમય જોઈએ. બહુ ઓછા લોકો પાસે આ આવડત હોય છે. પ્રેક્ટિસ ના હોય તો ફણસને રાંધવામાં કલાકો નીકળી જાય. ફાસ્ટ લાઇફમાં આટલો બધો સમય કોણ કાઢે?

આજકાલ ફાઈવસ્ટાર હોટેલના મેન્યૂમાં ફણસની વાનગીઓ જોવા મળતી હોવાથી અનેક લોકો તેને અમીરોનું ફળ કહે છે, અને, જ્યાં તે પાકે છે ત્યાંના લોકો તેને ગરીબોનું ફળ સમજે છે. આ પ્રકારના સામાજિક વલણે ફણસને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. આરોગ્યની દૃષ્ટિએ ફણસ કેરી  કે સંતરા જેવા ટ્રોપિકલ ફળો કરતા અનેકગણું વધારે ગુણવાન છે, પરંતુ તેનું કદ તેના માટે શ્રાપ છે. એક સંપૂર્ણ પાકેલું ફણસ પાંચ-દસ કિલોનું હોઇ શકે, પરંતુ તે ઝડપથી બગડી જાય છે. એક નાનકડો પરિવાર એક દિવસમાં આખું ફણસ ખાઈ જાય એ શક્ય જ નથી. એટલે તેની છૂટક ખરીદી બહુ ઓછી થાય છે. શાકાહાર પ્રભાવિત વિસ્તારોમાં ફણસ તેના સ્વાદના કારણે 'માંસ' જેવું ફળ ગણાય છે. ઇસ. ૧૩૦૦માં  થઇ ગયેલા અમીર ખુસરોના સાહિત્યમાં પણ ફણસનો ઉલ્લેખ મળે છે. એ કાળના સાહિત્યમાં કેટલાક વિદ્વાનોએ ફણસના સ્વાદની સરખામણી ઘેંટાના આંતરડા સાથે કરી હતી કારણ કે, એ ખાવામાં ખૂબ મીઠા હોય છે.

આ બધા જ કારણસર ધીમે ધીમે ફણસની મુખ્ય આહારમાંથી બાદબાકી થઇ ગઇ હોઇ શકે!

દુનિયાના બીજા દેશો શું કરી રહ્યા છે?

ભારતની જેમ ચીન, મલેશિયા, વિયેતનામ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, મ્યાંમાર અને શ્રીલંકા જેવા દેશોમાં પણ ફણસ હજારો વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. આજેય દક્ષિણ પૂર્વ એશિયાના અનેક વિસ્તારોમાં ફણસના લાકડામાંથી બનાવેલી બુદ્ધની મૂર્તિઓ જોવા મળે છે. જંગલોમાં રહેતા બૌદ્ધ સાધુઓ શરીર પર આછા બદામી રંગનું પહેરણ નાંખે છે. એ કપડાને રંગવા માટે ફણસના વૃક્ષના થડમાંથી રંગ બનાવાયો હોય છે.



દક્ષિણ પૂર્વના દેશોમાં પણ ભારતની જેમ ફણસની વર્ષો સુધી ઉપેક્ષા કરાઈ હતી. ચીને ૧૯૯૨માં ફણસનું મહત્ત્વ સમજીને રસ્તાની આસપાસ ફણસ ઊગાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું, જે હજુયે ચાલુ છે. વિયેતનામે પંદરેક વર્ષ પહેલાં ખેડૂતોને ફણસની ખેતીના આર્થિક ફાયદા સમજાવવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આજે ત્યાં ૫૦ હજાર હેક્ટરમાં ફણસનું ઉત્પાદન થાય છે. ફિલિપાઇન્સે જેકફ્રૂટ પ્રોસેસિંગ યુનિટમાં મદદરૂપ થઈ શકે એવી ટેક્નોલોજીના સંશોધન માટે જંગી રોકાણ કર્યું છે. આ દેશોમાંથી પ્રેરણા લઇને મલેશિયા, કંબોડિયા અને શ્રીલંકા પણ ફણસનું વેપારી ધોરણે ઉત્પાદન કરવા ખેડૂતોને આક્રમક રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે. શ્રીલંકામાં કૃષિ વિભાગ હેઠળની સંસ્થાઓ તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ, છૂટક શાકભાજી-ફળોનું વેચાણ કરતા ફેરિયાઓ અને નાના ઉદ્યોગસાહસિકોને ફણસમાંથી બીજી ચીજવસ્તુઓ બનાવવાની તાલીમ પણ આપે છે. શ્રીલંકામાં અત્યારે ડઝનેક નાની કંપનીઓ છે, જે જેકફ્રૂટ પ્રોડક્ટ્સની નિકાસ કરીને હજારો લોકોને રોજગારી પણ આપે છે.     

ભૂખમરો અને કુપોષણની થિયરીને સમજાવતા અનેક ફૂડ એક્સપર્ટ્સ દૃઢપણે માને છે કે, કેરી-કેળા અને દ્રાક્ષની જેમ ફણસને પણ ફ્રૂટ ચેઇનમાં સમાવેશ કરવાનો આ યોગ્ય સમય છે કારણ કે, ફણસ ઘઉં કે ચોખા જેવા સ્ટાર્ચ આધારિત મુખ્ય આહારનું પણ સ્થાન લઇ શકે એટલું સક્ષમ છે. ફણસ ખરા અર્થમાં 'કલ્પવૃક્ષ' છે. નાનકડા શ્રીલંકાના વિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ અને કર્મશીલો આત્મવિશ્વાસથી કહે છે કે, હવે દુકાળ પડશે તો પણ અમારો દેશ ભૂખે નહીં મરે.

શું ભારત આવું ના કહી શકે?

10 May, 2018

રાજકુમાર ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી કેમ નહોતા લડ્યા?


નવેમ્બર ૧૯૭૮ના દિવસોની વાત છે. ઈન્દિરા ગાંધીએ કર્ણાટક લોકસભાની ચિકમંગલુર બેઠક પરથી પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેઓ મરણિયા થઇને છેલ્લો દાવ ખેલી રહ્યા હતા કારણ કે, ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરીને કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ગુમાવી ચૂકી હતી. કોંગ્રેસની હારનું મુખ્ય કારણ હતું, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી. કટોકટીના કારણે સર્જાયેલા ઈન્દિરા ગાંધી વિરુદ્ધના જુવાળમાં આઝાદી પછી પહેલીવાર ભારતમાં કોંગ્રેસની નહીં, પણ ક્રાંતિકારી નેતા જયપ્રકાશ નારાયણે સ્થાપેલી જનતા પાર્ટીની સરકાર બની હતી. એ સ્થિતિમાં કોંગ્રેસે ‘મેડમ’ને ઉત્તર ભારતમાંથી નહીં પણ દક્ષિણ ભારતની એક ‘સુરક્ષિત’ બેઠક પરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો કારણ કે, ઉત્તર ભારતમાં જનતા પાર્ટી સામે કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારો ખરાબ રીતે હાર્યા હતા. એ સુરક્ષિત બેઠક એટલે કર્ણાટકનું ચિકમંગલુર.

દક્ષિણ ભારતના કોંગ્રેસી નેતા ડી. બી. ચંદ્રે ગૌડાએ ખાસ ઈન્દિરા ગાંધી માટે ચિકમંગલૂર બેઠક ખાલી કરી હતી. ઈન્દિરા ગાંધી ચિકમંગલુરમાં જીતે એવી પૂરેપૂરી શક્યતા હોવાથી જનતા પાર્ટીને એવા કરિશ્માઇ નેતાની જરૂર હતી, જે કોંગ્રેસના સૌથી ‘મજબૂત’ ઉમેદવારને ચૂંટણીના રણમેદાનમાં ચકનાચૂક કરી નાંખે. જનતા પાર્ટીની આ શોધ રાજકુમાર પર આવીને અટકી. જો રાજકુમાર ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડવા તૈયાર થાય તો જનતા પાર્ટીની જીત લગભગ નક્કી હતી, પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી અને જનતા પાર્ટીએ વીરેન્દ્ર પાટિલને ચૂંટણીમાં ઊભા રાખવા પડ્યા. કહેવાની જરૂર નથી કે, એ ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી જીતી ગયા.

કોણ હતા રાજકુમાર? અને તેમણે કેમ ચૂંટણી લડવાની કેમ ના પાડી હતી?  

***

રાજકુમાર એટલે કન્નડ ફિલ્મ સ્ટાર સિંગાનાલ્લુરુ પુટ્ટાસ્વામયા મુથુરાજુ. વિશાળ ચાહક વર્ગ ધરાવતા રાજકુમાર કોઈ સામાન્ય સુપરસ્ટાર ન હતા. કર્ણાટકની પ્રજા તેમને પૂજતી હતી. રાજકુમારની ફિલ્મોની રિલીઝ વખતે કર્ણાટકમાં ઉત્સવનો માહોલ સર્જાતો. તેમના જન્મ દિવસની આખા કર્ણાટકમાં ઉજવણીઓ થતી અને કરોડો ચાહકો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવતા. કન્નડો માટે તેઓ સાક્ષાત દેવ હતા. રાજકુમાર ફક્ત ઠાલી લોકપ્રિયતા ધરાવતા અભિનેતા ન હતા, પરંતુ ભારતીય સિનેમાના ઉત્તમોતમ અભિનેતાઓમાં પણ તેમનું નામ અચૂક મૂકાય છે. ભારતીય સિનેમામાં પ્રદાન બદલ ૧૯૮૩માં પદ્મભૂષણ અને ૧૯૯૫માં દાદાસાહેબ ફાળકે સન્માન મેળવી ચૂકેલા રાજકુમાર ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડીને ફિલ્મોની જેમ રાજકીય ઈતિહાસમાં પણ અમર થઇ શકે એમ હતા.
રાજકુમાર

જોકે, એવું ના થયું. આખા દેશના આશ્ચર્ય વચ્ચે તેમણે કોઈ જ કારણ આપ્યા વિના ચૂંટણી લડવાની ના પાડી દીધી. એ પછી રાજકુમારે અનેક ફિલ્મોમાં કામ કર્યું અને ઈન્ટરવ્યૂ પણ આપ્યા, પરંતુ જનતા પાર્ટીની અનેક વિનંતીઓ પછીયે ઈન્દિરા સામે ચૂંટણી નહીં લડવાના નિર્ણય વિશે તેમણે ક્યારેય ફોડ ના પાડ્યો. આ રહસ્ય આશરે ૪૦ વર્ષ સુધી અકબંધ રહ્યું. હાલમાં જ ૨૩મી એપ્રિલે રાજકુમારની ૯૦મી જન્મજયંતિની ઉજવણી થઈ ત્યારે તેમના પુત્ર રાઘવેન્દ્ર રાજકુમારે આ હકીકત વિશે ઘટસ્ફોટ કર્યો. વર્ષ ૨૦૦૫માં રાજકુમાર ઢીંચણના ઓપરેશન માટે ચેન્નાઇની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ વખતે રાજકુમારે પુત્ર રાઘવેન્દ્રને બોલાવીને ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી નહીં લડવાનું તેમજ ફૂલ ટાઈમ રાજકારણમાં નહીં ઝંપલાવવાના કારણો જણાવ્યા હતા.

આ કારણો અત્યારના રાજકારણીઓ અને ફિલ્મ સ્ટારો માટે ખાસ પ્રેરણાદાયી છે. રાજકુમારનું ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી નહીં લડવાનું કારણ એ હતું કે, જનતા પાર્ટી ફક્ત ઈન્દિરા ગાંધીને હરાવવા માટે તેમનો ઉપયોગ કરવા માંગતી હતી. એ વાત રાજકુમારને ખટકતી હતી. રાજકુમાર માનતા કે, રાજકારણમાં કોઈ 'પોઝિટિવ ચેન્જ' માટે તેમને ચૂંટણી લડવાનું કહ્યું હોત તો વાત અલગ હતી, પરંતુ 'કોઈને પાડી દેવા' રાજકારણીઓ તેમનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માંગતા હતા. આ દરમિયાન રાજકુમારે પુત્ર રાઘવેન્દ્રને બીજી પણ એક વાત કહી હતી કે, 'મને ગોકક આંદોલન ભાગ લેવા અનેક લોકોએ અપીલ કરી હતી. તેમાં મેં ઉત્સાહભેર ભાગ લીધો કારણ કે, ત્યાં મારી જરૂર હતી. એ ચળવળમાં ભાગ લઈને હું કંઇક હકારાત્મક પ્રદાન આપી શકતો હતો.'
રાજકુમાર અમિતાભ બચ્ચન અને નીચે (ડાબે) રાજકપૂર સાથે

કર્ણાટક સરકારની સ્કૂલોમાં કન્નડ ભાષા ફરજિયાત શીખવાડાય એ માટે ગોકક આંદોલન થયું હતું. વર્ષ ૧૯૫૬માં અસ્તિત્વમાં આવ્યા પછી કર્ણાટકે 'ત્રિ ભાષા' થિયરી અપનાવી હતી, જેના કારણે કન્નડ વિદ્યાર્થીઓ સ્કૂલોમાં હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત શીખતા હતા પણ સ્કૂલિંગ પૂરું થઈ જાય ત્યાં સુધી કન્નડ ભાષા શીખવાનું નસીબ નહોતું થતું. આ દરમિયાન કન્નડ અને અંગ્રેજી સાહિત્યના વિદ્વાન વિનાયક ક્રિશ્ના ગોકકની આગેવાનીમાં બનેલી સમિતિએ સૂચન કર્યું કે, રાજ્ય સરકારની તમામ સ્કૂલોમાં કન્નડ ભાષા ફરજિયાત ભણાવવી જ જોઈએ. વિનાયક ક્રિશ્ના ગોકક એટલે ૨૦મી સદીના સૌથી મોટા મહાકાવ્ય 'ભારત સિંધુ રશ્મિ' બદલ ૧૯૯૦માં પાંચમા જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સાહિત્યકાર. વર્ષ ૧૯૬૧માં તેમને પદ્મશ્રી સન્માન પણ મળ્યું હતું. આમ, ગોકક પણ કર્ણાટકના પ્રાદેશિક અભિમાનનું મહત્ત્વનું પરિબળ હતા, જેથી તેમણે કન્નડ ભાષા વિશે કરેલા સૂચનની ધારી અસર થઇ અને કર્ણાટકમાં કન્નડ ભાષાની તરફેણમાં જોરદાર આંદોલન થયું, જે 'ગોકક આંદોલન' તરીકે ઓળખાયું.

આંદોલનની જવાબદારી રાજકુમારે લીધી હતી, અને, કર્ણાટક સરકારે સ્કૂલોમાં ફરજિયાત કન્નડ ભાષા દાખલ કરવી પડી હતી. રાજકુમાર અસલી હીરો નહીં પણ સુપરહીરો હતા. જાન્યુઆરી ૧૯૮૦માં ઈન્દિરા ગાંધીનો ફરી એકવાર રાજકીય ઉદય થયો. આ દરમિયાન જનતા પાર્ટી અને કર્ણાટકના સ્થાનિક પક્ષોના નેતાઓ રાજકુમારને રાજકારણમાં ઝંપલાવવા ઘણાં વર્ષો સુધી ભારે દબાણ કરતા રહ્યા. કર્ણાટકના પાડોશી રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ફિલ્મ સ્ટારોએ ભારતીય રાજકારણમાં ઝંપલાવીને 'હીરોપંથી' શરૂ કરી દીધી હતી. સાઠના દાયકામાં તમિલનાડુમાં 'એમજીઆર' તરીકે જાણીતા ફિલ્મ સ્ટાર એમ. જી. રામચંદ્રનનો સૂરજ સોળે કળાએ તપતો હતો. એમજીઆર ૧૯૫૩ સુધી કોંગ્રેસના સભ્ય હતા અને ફક્ત ખાદી પહેરતા. એ પછી તેઓ સી.એન. અન્નાદુરાઇની પ્રેરણાથી દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે)માં જોડાઇને દ્રવિડિયન રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભર્યા.
રાજકુમાર ધર્મેન્દ્ર અને ફિલ્ડમાર્શલ કે.એમ. કરિઅપ્પા સાથે

એવી જ રીતે, એન.ટી. રામારાવે ૨૪મી માર્ચ, ૧૯૮૨ના રોજ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ની સ્થાપના કરીને રાજકારણમાં કાઠું કાઢ્યું. રાજકુમાર પણ કન્નડોના નેતા બનીને મુખ્યમંત્રી બની શકે એટલી લોકપ્રિયતા અને આર્થિક શક્તિ ધરાવતા હતા. વળી, રાજકુમારને તો બીજા પક્ષોના રાજકારણીઓનો પણ ટેકો હતો. વર્ષ ૧૯૫૬માં કર્ણાટક બન્યું ત્યારે સાંસ્કૃતિક રીતે તે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. પહેલો- હૈદરાબાદ કર્ણાટક, બીજો- મુંબઇ કર્ણાટક અને ત્રીજો- જૂનું મૈસુર. હૈદરાબાદ પર નિઝામોએ શાસન કર્યું હોવાથી ત્યાંની સંસ્કૃતિ અલગ હતી, જ્યારે મુંબઇ કર્ણાટક પર મરાઠી પ્રભાવ વધારે હતો અને મૈસુર કર્ણાટકમાં મૈસુરના રાજવી પરિવારનું શાસન હતું. કર્ણાટકનો આ હિસ્સો પહાડો અને દરિયાઇ પટ્ટીથી છવાયેલો છે.

રાજકુમાર આ ત્રણેય કર્ણાટકમાં વસતી પ્રજા પર એકસરખો જાદુ ધરાવતા હતા. ત્રણેય પ્રદેશોમાં વસતા કન્નડોમાં તેઓ અપ્પાજી (પિતા), અન્નાવરુ (મોટા ભાઇ), નટા સાર્વભૌમા (અભિનેતાઓનો રાજા), બંગરડા મનુષ્ય (સોનાનો માણસ), વરા નટા (ઇશ્વરીય દેન ધરાવતો અભિનેતા) અને રાજાન્ના (ભાઈ રાજકુમાર) જેવા હુલામણા નામે ઓળખાતા. આમ છતાં, રાજકુમાર રાજકારણથી દૂર રહ્યા, અને, આ માટે તેમણે આપેલા કારણો ચોંકાવનારા છે. આ વિશે રાઘવેન્દ્ર કહે છે કે, 'મારા પિતા માનતા કે, રાજકારણી બનવા તેમના પાસે પૂરતું શિક્ષણ ન હતું. તેમણે બીજું પણ એક કારણ આપ્યું હતું. તેઓ કહેતા કે, એક લોકપ્રિય અભિનેતા તરીકે હું જવાબદાર રહેવા ઇચ્છું છું. ફક્ત રાજકીય લાભ ખાટવા હું મારા ચાહકોને મારી સાથે જોડી ના શકું...'
દક્ષિણ ભારતની રાજનીતિના બે દિગ્ગજ અભિ‘નેતા’
એન.ટી. રામારાવ અને એમ.જી. રામચંદ્રન

રાજકુમારની આ વાત હંમેશા પ્રસ્તુત રહેશે. આજકાલ ફિલ્મ સ્ટાર તો ઠીક, ધર્મગુરુઓ, બાપુઓ, બાબાઓ અને યોગીઓ પણ તેમના ઘેંટા જેવા કંઠીબાજ ચેલાઓની રાજકીય ઉશ્કેરણી કરતા ખચકાતા નથી, ત્યારે રાજકુમારની વાત વધુ પડતી નૈતિક લાગી શકે. રાજકુમાર દૃઢપણે માનતા કે, ઈશ્વરે મને ફક્ત ફિલ્મોમાં અભિનય કરવા માટે બનાવ્યો છે અને એ જ મારા જીવનનું મુખ્ય લક્ષ્ય છે. એંશીના દાયકામાં રાજકુમાર પરિવાર સાથે ચેન્નાઇમાં એક ભવ્ય બંગલૉમાં રહેતા હતા. રાજકુમારને રાજકીય મેદાનમાં ખેંચી લાવવા ત્યાં પણ મોટા નેતાઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી. એ વખતે રાજકુમાર તેમના પત્ની પાર્વથામ્મા સાથે તમિલનાડુ જતા રહ્યા હતા કારણ કે, તેઓ ફિલ્મ અને અભિનય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતા હોવાથી ફક્ત ફિલ્મી હસ્તીઓને મળવા માંગતા હતા. પાછલી જિંદગીમાં પણ રાજકુમાર તમિલનાડુના ઇરોડ જિલ્લામાં ગજનુરમાં આવેલા તેમના ભવ્ય ફાર્મ હાઉસમાં રહેવા જતા રહ્યા હતા.

૩૦મી જુલાઈ, ૨૦૦૦ના રોજ ચંદન ચોર વીરપ્પને એ જ ઘરમાંથી રાજકુમાર, તેમના જમાઇ ગોવિંદરાજુ અને અન્ય બેનું અપહરણ કર્યું હતું. વીરપ્પનની તમિલનાડુ સરકાર સમક્ષ માંગ હતી કે, તેની ગેંગના સભ્યોને તાત્કાલિક મુક્ત કરાશે તો જ તેઓ રાજકુમારને છોડશે. આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા અને તમિલનાડુ તો ઠીક, કર્ણાટક સરકાર પણ ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગઇ. રાજકુમારના અપહરણની સુપ્રીમ કોર્ટે પણ અત્યંત ગંભીર નોંધ લીધી અને કહ્યું કે, તમિલનાડુ સરકારે 'માફ ના કરી શકાય એવી' ભૂલ કરી છે કારણ કે, સરકારને એક વર્ષ પહેલાં જ ગુપ્ત માહિતી મળી ગઇ હતી કે, વીરપ્પન રાજકુમારનું અપહરણ કરી શકે છે. જોકે, સરકારે પણ રાજકુમારને આ વાત જણાવીને ફાર્મહાઉસમાં નહીં રહેવાની ચેતવણી આપી હતી, પરંતુ રાજકુમારે આ વાત ગંભીરતાથી ના લીધી. ત્યાર પછી તમિલનાડુ સરકારે વીરપ્પનને ઝડપી લેવા રાજ્ય પોલીસ વડાની આગેવાનીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી, પરંતુ વીરપ્પન હાથમાં ના આવ્યો. છેવટે ૧૦૮ દિવસ બાદ, ૧૫મી નવેમ્બર ૨૦૦૦ના રોજ, વીરપ્પને રાજકુમારને સહી-સલામત મુક્ત કરી દીધા. જોકે, વીરપ્પન જેવા ઘાતકી ગુનેગારે રાજકુમારને છોડી કેમ દીધા એ આજે પણ એક રહસ્ય છે.    
વીરપ્પને રાજકુમારનું અપહરણ કર્યું ત્યારે પ્રસિદ્ધ થયેલી કેટલીક તસવીર

આજેય રાજકીય વિશ્લેષકો દૃઢપણે માને છે કે, રાજકુમાર ચિકમંગલુર બેઠક પરથી ચૂંટણી ના લડ્યા એટલે ઈન્દિરા ગાંધી જીતી ગયા. જો રાજકુમાર ચૂંટણી લડ્યા હોત તો ઇન્દિરા ગાંધીનો રાજકીય વનવાસ વહેલો શરૂ થઇ ગયો હોત, પરંતુ શું તેમની હત્યા પણ ના થઇ હોત?

જોકે, ઈતિહાસમાં 'જો અને તો'ના ક્યારેય જવાબ નથી મળતા!

02 May, 2018

થરૂરનું શબ્દ ભંડોળઃ લાલોચેઝિયા, વેબકૂફ અને રોડોમોન્ટેડ


શશી થરૂરની ટ્વિટમાં ફરી એક નવો શબ્દ વાંચવા મળ્યો. Lalochezia-લાલોચેઝિયા. એટલે શું? કોઈ વ્યક્તિ પીડા ભૂલવા, તણાવ દૂર કરવા કે હલકોફૂલકો થવા બિભત્સ શબ્દોનો ઉપયોગ કરે-ગાળાગાળી કરે તેને ‘લાલોચેઝિયા’ કહેવાય. થરૂરે એ મતલબની ટ્વિટ કરી હતી કે, ''ટ્વિટર પર રોજેરોજ મને લાલોચેઝિયાથી પીડાતા લોકો ભટકાય છે. આ લોકો હંમેશા મારા અને મારા વિચારો સાથે સહમત હોય એવા લોકો પર પોતાનો રોષ ઠાલવે છે...'' 

એ ટ્વિટ પછી હંમેશાની જેમ ટ્વિટર પર ફની વન લાઇનર્સ અને મીમ ઠલવાયા. કોઈએ કહ્યું કે, તમારે ટ્વિટર પર 'વર્ડ ઓફ ધ ડે' શરૂ કરવું જોઈએ, તો કોઇએ એ મતલબની કમેન્ટ પણ કરી કે, નેવુંના દાયકાના બાપુજી શબ્દ ભંડોળ વધારવા ડિક્શનરીમાંથી રોજ એક શબ્દ મોઢે કરવાનું કહેતા, જ્યારે આજે ટ્વિટર પર શશી થરૂરને ફોલો કરવાની સલાહ અપાય છે... 

થરૂરની અંગ્રેજી ભાષા પરની પકડ અને શબ્દ ભંડોળ બ્રિટીશરોને પણ લઘુતાગ્રંથિ થાય એવું છે. શું છે એનું રહસ્ય? આ સવાલનો ટૂંકો જવાબ છે, 'રીડર્સ ડાઇજેસ્ટ'.

***

થરૂરને નાનપણમાં 'રીડર્સ ડાઇજેસ્ટ' જેવું ઉત્તમ મેગેઝિન વાંચવાનું વ્યસન હતું. આ મેગેઝિન તેની તાજા અને વૈવિધ્યસભર વિષયો પરની કોલમ્સ, ઈન્ટરવ્યૂઝ, સત્ય ઘટનાઓ અને જોક્સની સાથે અંગ્રેજી ભાષાના વ્યાકરણ અને શબ્દોને લગતી માહિતી માટે આજે પણ દુનિયાભરમાં લોકપ્રિય છે. આશરે ૯૬ વર્ષ પહેલાં પાંચમી ફેબ્રુઆરી, ૧૯૨૨ના રોજ ડે-વિટ વૉલેસ અને લીલા એચિસન વૉલેસ નામના અમેરિકન દંપતિએ 'રીડર્સ ડાઇજેસ્ટ'નો પહેલો અંક બહાર પાડ્યો હતો. મેગેઝિનની દુનિયામાં દાયકાઓ સુધી એકહથ્થું શાસન ભોગવનારું 'રીડર્સ ડાઇજેસ્ટ' એક સમયે ૨૧ ભાષામાં, ૪૯ આવૃત્તિ થકી ૭૦ દેશના કરોડો વાચકો પર રાજ કરતું. અનેક ઉતારચઢાવ પછી આ મેગેઝિન આજેય ૧૯ ભાષામાં, ૪૮ આવૃત્તિ થકી ૬૦ દેશના દસ કરોડ વાચકો સુધી પહોંચી રહ્યું છે.

‘રીડર્સ ડાઇજેસ્ટ’ શરૂ કરનારું દંપત્તિ ડે-વિટ વૉલેસ અને લીલા એચિસન વૉલેસ

શશી થરૂર 

વૈશ્વિક લોકચાહના મેળવનારા આ મેગેઝિનની ભારતીય આવૃત્તિ શરૂ કરવાનું શ્રેય થરૂર પરમેશ્વરનને જાય છે. થરૂર પરમેશ્વરન એટલે શશી થરૂરના પિતા ચંદ્રન થરૂરના મોટા ભાઈ. ભારતમાં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની આવૃત્તિ શરૂ કર્યા પછી થરૂર પરમેશ્વરને વર્ષો સુધી તેના તંત્રી, પ્રકાશક અને મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા બખૂબી ભજવી. આઝાદી પછીના ભારતમાં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની શરૂઆતથી જ ૪૦ હજાર જેટલી નકલો ખપી જતી. ૨૦૦૮માં કરાયેલા સર્વે પ્રમાણે, ભારતમાં રીડર્સ ડાઇજેસ્ટનો માસિક ફેલાવો છ લાખ નકલનો હતો, જ્યારે ઈન્ડિયન રીડરશિપ સર્વે મુજબ, ૨૦૦૯માં 'રીડર્સ ડાઇજેસ્ટ'ની રીડરશિપ ચાળીસ લાખથી પણ વધુની હતી.

થરૂર પરમેશ્વરનને નિવૃત્તિ લીધા પછી શશી થરૂરના પિતા ચંદ્રન થરૂરે પાંચ વર્ષ સુધી (૧૯૮૦-૮૫ ) 'રીડર્સ ડાઇજેસ્ટ'ના એડવર્ટાઇઝિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી. રસપ્રદ વાત એ છે કે, થરૂર પરિવારમાં આ મેગેઝિનની એક પણ નકલ ફ્રીમાં નહોતી આવતી. થરૂર બંધુઓ સિદ્ધાંતવાદી હતા. ચંદ્રન થરૂરે પણ 'રીડર્સ ડાઇજેસ્ટ'નું લવાજમ ભરવું પડ્યું હતું, પરંતુ તેનો સૌથી વધારે લાભ કદાચ નાનકડા શશીએ લીધો હતો. શશી થરૂર નાનપણથી અસ્થમાનો ભોગ બન્યા હોવાથી ઘર બહાર રમવા બહુ જતા નહીં, અને, તેમનો આખો દિવસ ચાર દીવાલો વચ્ચે વીતી જતો. એટલે કંટાળો દૂર કરવા તેમની પાસે ફક્ત એક જ ઉપાય હતો, વાંચન. શશી થરૂર કહે છે કે, 'એ વખતે કમ્પ્યુટર, વીડિયો ગેમ્સ અને સ્માર્ટફોન હતા નહીં. મારી પાસે ફક્ત એક જ વસ્તુ હતી, પુસ્તકો. અને હું એ ખૂબ ઝડપથી વાંચી કાઢતો. એ પછી કંઈક નવું શીખવા-સમજવા અથવા ચેન્જ કે મનોરંજન માટે મારા પાસે એક જ સ્રોત બચતો, મેગેઝિન્સ...'


ચંદ્રન થરૂર અને બાજુમાં તેઓ પત્ની લીલી સાથે 




થરૂર તેમની ટ્વિટમાં નવા શબ્દનો ઉપયોગ કરે પછી ગૂગલ પર તેના વિશે વિશે સર્ચ કરનારાની સંખ્યામાં અચાનક વધારો થઈ જાય છે. જોકે, આ વખતે તેમણે પોતે જ 'લાલોચેઝિયા' શબ્દનો અર્થ શું થાય એ વિશે સ્ક્રીન શોટ મૂક્યો હતો. શશી થરૂરના પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુ પછી જાણીતા પત્રકાર અર્નબ ગોસ્વામી  તેમના પર 'કંઈક છુપાવવાનો' આરોપ મૂકતા હતા. આ આક્ષેપબાજીનો જવાબ આપતા થરૂરે ટ્વિટ કરી હતી કે, “Exasperating farrago of distortions, misrepresentations & outright lies being broadcast by an unprincipled showman masquerading as a journalist.” આ ટ્વિટ પછી સ્વાભાવિક રીતે જ ટ્વિટર પર મસ્તીભરી ટ્વિટ્સ અને મીમનું વાવાઝોડું ફૂંકાયું. આ ટ્વિટમાં થરૂર શું કહેવા માંગે છે એ સમજવા પહેલાં તેમણે વાપરેલા અંગ્રેજી શબ્દોનો અર્થ જોઈએ. ' Exasperating-ઇક્ઝાસ્પરેટિંગ' એટલે ખૂબ તીવ્રતાપૂર્વક ચીડવવું. ' Farrago-ફ્રાગો' એટલે મૂંઝવણ થાય એવી ભેળસેળ, જ્યારે  'Masquerading-માસ્કરેડિંગ એટલે કંઈક હોવાનો ડોળ કરવો. આ ટ્વિટમાં થરૂર અર્નબ ગોસ્વામીને 'પત્રકાર હોવાનો ડોળ કરતો સિદ્ધાંતવિહોણા શૉમેન' કહ્યા હતા. બાકીની ટ્વિટમાં થરૂર શું કહેવા માંગે છે, એ જાતે સમજી લેજો, પ્લીઝ.  

ટેલિવિઝન કે ઇન્ટરનેટ મીડિયા પર આવતી બધી માહિતીને સાચી માની લેતા લોકો માટે એક શબ્દ છે, 'Webaqoof-વેબકૂફ'. 'બેવકૂફ' પરથી જ 'વેબકૂફ'. આ શબ્દ પણ ટ્વિટર જગતમાં થરૂરે જ ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વાંચવા મળતી તમામ માહિતીને સાચી માનીને ટ્રોલ (ઝૂડી કાઢવું) કરતા લોકો માટે થરૂરે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આવા શબ્દોને અંગ્રેજીમાં ' Slang-સ્લેન્ગ' કહેવાય. 'સ્લેન્ગ' એટલે સામાન્ય રીતે ફક્ત બોલચાલની ભાષામાં વપરાતા અશિષ્ટ શબ્દો. આવા શબ્દો ડિક્શનરીમાં ના પણ હોય. અંગ્રેજી સહિતની દરેક ભાષામાં આ પ્રકારના શબ્દો હોય છે. જેમ કે, ગુજરાતીમાં 'સમજ્યા હવે' અથવા 'હમજ્યા હવે'. 'જો બકા' એ પણ એક સ્લેન્ગ છે.

જો બકા, આ પ્રકારના શબ્દોનો બીજી ભાષામાં અનુવાદ શક્ય નથી, અને, મારી-મચડીને કરીએ તો તેમાં રહેલો ભાવ ખતમ થઈ જાય છે. થરૂર આવા અંગ્રેજી સ્લેન્ગ પર પણ જબરી પકડ ધરાવે છે. થોડા સમય પહેલાં થરૂરે 'વર્ડ ઓફ ધ ડે' ટ્વિટ  કરીને એક અંગ્રેજી સ્લેન્ગનો પરિચય કરાવ્યો હતો, 'Snollygoster-સ્નોલીગોસ્ટર'. અમેરિકામાં સિદ્ધાંતવિહોણા, લુચ્ચા રાજકારણીઓ માટે આ શબ્દનો ઉપયોગ કરાય છે. એવું કહેવાય છે કે, થરૂરે નીતીશકુમારને ધ્યાનમાં રાખીને એ ટ્વિટ કરી હતી. જોકે, અઘરા શબ્દોનો ઉપયોગ કરવા બદલ થરૂરને સોશિયલ મીડિયામાં દર વખતે આવકાર નથી મળતો. ઊલટાનું અનેક લોકો તેમને 'Boastful-બોસ્ટફૂલ' એટલે કે 'ડંફાસિયા' કહીને ટ્રોલ પણ કરે છે.





આ મુદ્દે થરૂરે ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો કે, 'મારા લખવાનો કે બોલવાનો હેતુ કોમ્યુનિકેશનમાં ‘Precision-પ્રિસિસન'  રાખવાનો હોય છે, હું મારા વિચારોને સારામાં સારી રીતે અભિવ્યક્ત કરવા અમુક શબ્દોનો ઉપયોગ કરું છું. એ બધા શબ્દો ‘Obscure-અબસ્ક્યોર' નથી હોતા અને 'Rodomontade-રોડોમોન્ટેડ'ના હેતુથી  પણ તેનો ઉપયોગ નથી કરાયો હોતો.' ઉફ્ફ, એ ટ્વિટ પછી ગૂગલ પર આ ત્રણેય શબ્દોના સર્ચમાં અચાનક જ વધારો થઇ ગયો. 'પ્રિસિસન' એટલે કોઈ પણ બાબતમાં સંપૂર્ણપણે ચોક્સાઈ રાખવી તે, 'અબસ્ક્યોર' એટલે સરળતાથી સમજાય નહીં એવું અસ્પષ્ટ, જ્યારે 'રોડોમોન્ટેડ'નો અર્થ થાય બડાઈ હાંકવી, ડંફાશ મારવી વગેરે. આ ટ્વિટ પછી કોઇએ મસ્તીભરી ટ્વિટ કરતા કહ્યું હતું કે, 'થરૂર ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરીના સિક્રેટ એજન્ટ છે, તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ.' તો ઓમર અબ્દુલ્લાએ પણ હળવી ટ્વિટ કરલા લખ્યું હતું કે, 'અંગ્રેજી શીખી રહ્યા હોવ તો મારા મિત્ર શશી થરૂરને ફોલો કરો. તમને જેના અસ્તિત્વની જ જાણ નથી એવા નવા શબ્દો જાણવા મળશે તેમજ વાક્યમાં તેનો ઉપયોગ કરવા પણ તમારે મહેનત કરવી પડશે...'   

થરૂરે સાબિત કરી દીધું હતું કે, ટ્રોલિંગમાં પણ તેઓ 'ક્લાસ અપાર્ટ' છે. અંગ્રેજી બોલતા-લખતા લોકો પણ રોજબરોજના જીવનમાં જે શબ્દોનો ઉપયોગ ના કરતા હોય, એવા શબ્દોનો થરૂર સહજતાથી ઉપયોગ કરે છે. ગયા અઠવાડિયે જ થરૂરે ટ્વિટર પર વધુ એક 'વર્ડ ઓફ ધ ડે' પોસ્ટ કર્યો, ‘Roorback-રોરબેક' અર્થાત 'રાજકીય લાભ ખાટવા પ્રકાશિત કરાતું-ફેલાવાતું જૂઠ'. આ શબ્દના કેપ્શનમાં થરૂરે લખ્યું હતું કે, ‘I’ve had to put up with a lot of roorbacks in the last few years!’ આ ટ્વિટ પછી કોઈએ મજાકમાં લખ્યું પણ ખરું કે, આ શબ્દનું વિરોધી થાય, ‘Tharoorback-થરૂરબેક'.

***

નાનપણથી જ ઉત્તમ પ્રકારનું અગાધ વાચન, કૌટુંબિક વાતાવરણ અને પિતાની ટ્રાન્સફરેબલ જોબના કારણે થરૂરનું ઘડતર વિશિષ્ટ રીતે થયું છે. તેમના પિતા ચંદ્રન થરૂરે એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં મુંબઇ, દિલ્હી, કોલકાતા અને લંડનમાં વિવિધ હોદ્દા પર વર્ષો સુધી ફરજ બજાવી હતી, જેમાં 'ધ સ્ટેટ્સમેન' અખબારનો પણ સમાવેશ થાય છે. ચંદ્રન થરૂર અને તેમના પત્ની લીલી થરૂર લંડનમાં હતા ત્યારે શશીનો જન્મ થયો હતો. એ પછી ભારતમાં જ તેમનું સ્કૂલિંગ અને કોલેજનું શિક્ષણ થયું. ત્યાર પછી થરૂરે અમેરિકા જઇને ટફ્સ યુનિવર્સિટીમાંથી 'લૉ એન્ડ ડિપ્લોમસી'માં માસ્ટર્સ કર્યું, બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો અને ૨૨ વર્ષની ઉંમરે પી.એચડી. પણ પૂરું કર્યું અને એ જ વર્ષે યુએન હાઇ કમિશનર ફોર રેફ્યૂજીના સ્ટાફ મેમ્બર તરીકે જોડાઈને સ્વિત્ઝર્લેન્ડ જતા રહ્યા.

યુએનમાં બે દાયકા કામ કરીને થરૂર કોમ્યુનિકેશન એન્ડ પબ્લિક ઇન્ફોર્મેશનના અન્ડર સેક્રેટરી જનરલના હોદ્દા સુધી પહોંચ્યા, અને, ૨૦૦૬ની સેક્રેટરી જનરલની ચૂંટણીમાં બાન કી મૂન સામે ઝંપલાવ્યું. થરૂર સેક્રેટરી જનરલ બની ન શક્યા, પરંતુ બાન કી મૂન પછી સૌથી વધુ મત મેળવનારા ઉમેદવાર જાહેર થયા. થરૂરની હાર પછી બહાર પણ આવ્યું કે, અમેરિકાને કોફી અન્નાન જેવા મજબૂત અને સ્વતંત્ર દિમાગ ધરાવતા સેક્રેટરી જનરલ નહોતા જોઈતા. એટલે તેમણે વિટો વાપરીને થરૂરને હટાવી દીધા.


યુએનમાં ડિરેક્ટર ફોર એક્સર્ટનલ અફેર્સના સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે થરૂર


આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ૧૯૭૯માં રેફ્યુજી ક્રાઈસીસ સર્જાયા
ત્યારે શશી થરૂર ચુનંદા પત્રકારો સાથે એ દેશોના પ્રવાસે 

જોકે, બાન કી મૂને થરૂરને યુએનમાં વિવિધ પ્રોજેક્ટ માટે આવકાર્યા, પરંતુ થરૂરે મર્યાદા જાળવીને ચૂપચાપ યુએનને અલવિદા કહી દીધી. ભારતમાં બે વાર સાંસદ તરીકે ચૂંટાયેલા થરૂર 'ન્યૂયોર્ક ટાઇમ્સ', 'વૉશિંગ્ટન પોસ્ટ' અને 'ટાઈમ' મેગેઝિન સહિત દેશના અનેક અગ્રણી અખબારોમાં કોલમ લખે છે. થરૂરના નામે ચાર ફિક્શન, ૧૧ નોન-ફિક્શન અને બે ઇલસ્ટ્રેટેડ પુસ્તકો પણ બોલે છે. આ કોઈ પણ પુસ્તકમાંથી પસાર થતી વખતે વાચકને સતત થરૂરના ઈતિહાસ વિશેના અગાધ જ્ઞાન, વિચારોની સ્પષ્ટતા, શબ્દ ભંડોળ અને દૂરંદેશિતાનો પરિચય મળ્યા કરે છે. હમણાં જ પ્રકાશિત થયેલું તેમનું 'વાય આઈ એમ અ હિંદુ' થરૂરના ઉત્તમ પુસ્તકોમાંનું એક છે.  
  
***

ભારતમાં ૨૦૦૯માં ટ્વિટર આજના જેવું લોકપ્રિય ન હતું, પરંતુ થરૂર અત્યારની જેમ ત્યારે પણ ટ્વિટર પર સક્રિય હતા. એ વખતે તેમની 'ટ્વિટર મિનિસ્ટર' કહીને મજાક ઊડાવાતી. આ અંગે એક ઈન્ટરવ્યૂમાં થરૂરે કહ્યું હતું કે, 'આજે ટ્વિટ કરવા બદલ બધા જ મને ભાંડી રહ્યા છે, પણ મારા પર વિશ્વાસ કરો. દસેક વર્ષમાં ભારતનો દરેક નેતા ટ્વિટર પર હશે...'

થરૂરની આ વાત સાચી પડવામાં દસ વર્ષ પણ ના લાગ્યા. આ ભવિષ્ય ભાખ્યાના ચાર જ વર્ષમાં વડાપ્રધાન મોદીના ફોલોઅર્સ થરૂર કરતા અનેકગણા વધારે હતા!