31 December, 2012

...એન્ડ એવોર્ડ ગોઝ ટુ સીએમ


જો તમે શીર્ષક વાંચીને કંઈક જુદું સમજ્યા હોવ તો સ્પષ્ટતા કરી લઈએ કે, આ લેખ ચૂંટણીમાં સતત ત્રીજી જીત મેળવીને વિરોધીઓની બોલતી બંધ કરી દેનારા સીએમ એટલે કે, ચિફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને નહીં પણ કોમન મેન- આમ આદમીને સમર્પિત છે. આમ તો આપણે ટ્વેન્ટી-20 ક્રિકેટ, ફેસબુક પોસ્ટ, ટ્વિટ અને 24x7 ન્યૂઝ ચેનલના જમાનામાં જીવીએ છીએ, જ્યાં દરેક સમાચાર થોડા કલાકો પછી ઈતિહાસ બની જાય છે. વર્ષ 2012માં પણ આમ આદમી એટલે કે, સામાન્ય માણસ માટે મહત્ત્વની અનેક ઘટનાઓ બની જે અત્યારે ભલે લોકોને યાદ નહીં હોય પરંતુ લોકશાહી માટે તે તંદુરસ્ત નિશાની હતી. આ વર્ષે સામાન્ય માણસોએ ભ્રષ્ટાચાર, કાળું નાણું, બળાત્કાર, ન્યુક્લિયર પ્લાન્ટ અને જનલોકપાલ જેવા ‘વિરોધ કરવા લાયક’ મુદ્દા પર જાહેર માર્ગો પર અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આક્રોશ ઠાલવીને રાજકારણીઓ પર દબાણ ઊભું કર્યું. તેથી આ વર્ષે સામાન્ય માણસ, આમ આદમી કે કોમન મેન ખરેખર એવોર્ડને લાયક છે.

હા, સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ સામાન્ય માણસમાં રોજ કમાઈને રોજ ખાતા ખેતમજૂર માંડીને એરકન્ડિશન્ડ ઓફિસમાં લેપટોપ પર કામ કરતા બિઝનેસ એક્સિક્યુટિવનો સમાવેશ થતો હતો. તેઓનો રોષ વ્યક્ત કરવાનો પ્રકાર ભલે જુદો જુદો હતો, પરંતુ તે તમામની આંખોમાં દેખાતા જ્વાળામુખીની વિનાશક તાકાત એકસરખી હતી. સામાન્ય માણસ રસ્તા પર રેલીઓ, બેનરો અને ધરણાં કરીને પોતાના રોષ ઠાલવતા હતા, જ્યારે યુવાનો અને અન્ય શિક્ષિત વર્ગ સોશિયલ મીડિયાની મદદથી પોતાના દિલની વાત કહેતી હતી. સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા યુવાનોને ક્યારેક ‘ઈન્ટરનેટ જનરેશન’નું સંબોધન કરીને બહુ હળવાશથી લેવામાં આવે છે, પરંતુ ખાડી દેશોમાં સોશિયલ મીડિયાની મદદથી રાજકારણીઓ સામે ઊભો થયેલો જુવાળ અને અણ્ણા હજારે આંદોલન વખતે સોશિયલ મીડિયાની પ્રચંડ શક્તિનો આપણા રાજકારણીઓને અંદાજ આવી જ ગયો છે. અને કદાચ એટલે જ તેઓ સેન્સરશિપની મદદથી લોકશક્તિને ઓછી કરવા પ્રયત્નશીલ છે.

હવે રાજકારણીઓએ સમજી લેવું પડશે કે, આ સામાન્ય માણસના દિલમાં ભભૂકતો આ લાવા કોઈ એકાદ ઘટનાથી નહીં પણ રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીના કારણે ઉત્પન્ન થયો છે. મોંઘવારી અને તેના કારણે સર્જાતી નાણાભીડ, રાજકારણીઓના ભ્રષ્ટાચાર, કાળું નાણું, ગુંડાગર્દી, ઘરફોડ ચોરીઓ, બળાત્કાર, બેકારી, જાહેર માર્ગો પર યુવતીઓની ખુલ્લેઆમ છેડતી, બળાત્કારો, સ્થાનિક તંત્રના અણઘડ વહીવટને કારણે ટ્રાફિક અને તૂટેલા ફૂટેલા રસ્તા પર રોજેરોજ ભોગવવી પડતી હાલાકી તેમજ બાળકોના એડમિશન લેવામાં પડતી મુશ્કેલી જેવા અનેક કારણોથી સામાન્ય માણસ જબરદસ્ત આક્રોશમાં જીવી રહ્યો છે. એક વાત નક્કી છે કે, આઝાદી પછી સામાન્ય માણસ અને રાજકારણીઓ વચ્ચેનો સંવાદ સતત ઘટતો ગયો છે અને આ બંને વચ્ચેની ખાઈ દિવસે ને દિવસે પહોળી થઈ રહી છે.

કલાકો સુધી સતત પાણીમાં ઊભા રહીને વિરોધ કરનારા
મધ્યપ્રદેશના ખેડૂતોના  પગ કોહવાઈ ગયા હતા 

એકવાર ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી નિરાંત, એ માનસિકતામાંથી રાજકારણીઓએ જલદીથી બહાર આવી જવું પડશે. કારણ કે, ભારતીય ચૂંટણી પદ્ધતિમાં જેને સૌથી વધુ મત મળે એ જીતી જાય એ જ સૌથી મોટી ખામી બની ગઈ છે. કરિશ્માઈ નેતાઓએ એ વાત યાદ રાખવી જોઈએ કે, રાજકારણમાં પ્રશંસા અને વ્યક્તિપૂજા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. ખરેખર એક બુદ્ધિશાળી ટીકાકાર એકસો પ્રશંસકો કરતા વધુ સારો હોય છે. કારણ કે, સ્વતંત્ર વિચારો ધરાવતા લોકો એ ‘ટોળું’ નથી. તાજેતરમાં જ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વૉચ ડૉગ સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ખાડી દેશોમાં અને યુરોપમાં ફેલાયેલા લોક આંદોલનો ભ્રષ્ટાચાર સામેના આક્રોશમાંથી પેદા થયા છે. આ સંસ્થાએ કુલ 183 દેશમાં ઊંડો અભ્યાસ કરીને આ તારણ આપ્યું હતું. ગ્લોબલ ફાઈનાન્સિયલ ઈન્ટિગ્રિટી દર વર્ષે ભ્રષ્ટાચારના કારણે કયા દેશને કેટલું નુકસાન થયું એ અંગેના આંકડા બહાર પાડે છે.

આ સંસ્થાના આંકડા મુજબ, વર્ષ 2011માં ભ્રષ્ટાચારના કારણે ભારતને 21 લાખ કરોડનું જંગી નુકસાન થયું હતું. બીજી તરફ, ભ્રષ્ટાચારીઓના કરોડો ડૉલર રૂપિયા વિદેશી બેંકોમાં જમા પડ્યા છે. કદાચ એટલે જ વર્ષ 2012માં સામાન્ય માણસે ભ્રષ્ટાચાર સામે કરેલું આંદોલન સૌથી મહત્ત્વનું કહી શકાય. અણ્ણા હજારેની આગેવાનીમાં ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન બેનર હેઠળ બે વર્ષ પહેલાં શરૂ થયેલા આ લોક આંદોલનમાં સામાન્ય માણસ ખૂબ મોટી સંખ્યામાં જોડાયો હતો. આ આંદોલનનો મુખ્ય હેતુ જન લોકપાલ સ્થાપવાનો અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા કડક બનાવવાનો છે. ખેર, આ આંદોલન કેટલું સફળ થયું કે થશે એ કરતા અહીં સામાન્ય માણસે તેમાં કેટલા જુસ્સાથી ભાગીદારી નોંધાવી એ મુદ્દો મહત્ત્વનો છે. આ આંદોલન રાજકીય છે કે બિનરાજકીય તેના કરતા પણ લાખો સામાન્ય માણસો તેમાં જોડાયા તે વાત મહત્ત્વની છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલે તો ‘આમ આદમી’નો મૂડ જોઈને આમ આદમી પક્ષની જ સ્થાપના કરી દીધી.

ઘણાં લોકોને એવું લાગી શકે છે કે, આમ આદમી ફક્ત થોડો સમય રોષ કાઢીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને રાજકારણીઓ થોડો સમય નિવેદનો, મગરના આંસુ અને સમિતિની મદદથી ‘ડેમેજ કંટ્રોલ’ કરીને ફરી એકવાર લાલ લાઈટોમાં ફરવા માંડે છે. પરંતુ સાવ એવું પણ નથી. મધ્યપ્રદેશમાં સપ્ટેમ્બર, 2012માં ખંડવા પાસેના ગોધલગાવના ખેડૂતોને ‘જળ સત્યાગ્રહ’થી મળેલી સફળતા એ લોક આંદોલનનું ઉત્તમ ઉદાહરણ છે. મધ્યપ્રદેશના દસેક જિલ્લાના લોકો બે દાયકાથી ઓમકારેશ્વર, ઈન્દિરા સાગર અને મહેશ્વર એમ ત્રણ હાઈડ્રોપ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહ્યા હતા. કારણ કે, આ પ્રોજેક્ટે તેમની જમીન ડૂબાડી દીધી હતી. સરકાર અને નર્મદા બચાવો આંદોલન વચ્ચેની લાંબી કાનૂની લડત પછી સર્વોચ્ચ અદાલતે વર્ષ 2011માં ઓમકારેશ્વર ડેમની ઊંચાઈ 189થી વધારીને 193 અને ઈન્દિરા સાગર ડેમની ઊંચાઈ 260થી વધારીને 262 કરવાની મંજૂરી આપી હતી. આ વર્ષે વરસાદ સારો થતાં ડેમો ભરાઈ ગયા, અને 150થી વધુ ગામો ડૂબી ગયા. જોકે, સર્વોચ્ચ અદાલતે એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિસ્થાપિતોનું યોગ્ય પુનર્વસન ન થાય ત્યાં સુધી ડેમમાં પાણીનું સ્તર ન વધારવું. પરંતુ સરકારો પુનર્વસન ભૂલી ગઈ અને વળતર આપીને છૂટી ગઈ. જોકે, કેટલાક લોકો તો વળતર ન મળ્યાનો પણ દાવો કરે છે.

એસ.પી. ઉદયકુમાર 

આ ઘટનાથી વ્યથિત 150 ગામના ખેડૂતોએ સતત 17 દિવસ પાણીમાં ઊભા રહીને સરકાર સામે ‘જળ સત્યાગ્રહ’ નામે જંગ છેડ્યો. સરકારે હંમેશાંની જેમ આ આંદોલનની અવગણના કરી, પરંતુ આખા દેશના મીડિયામાં આ ખેડૂતોની તસવીરો છપાઈ અને સરકાર પર દબાણ ઊભું થયું. પરિણામે સરકારે બંને ડેમમાં પાણીનું સ્તર ઘટાડવુ પડ્યું. જોકે, આ સફળતા ટૂંકા ગાળાની પણ હોઈ શકે છે, પરંતુ તેનાથી સામાન્ય માણસે સામુહિક શક્તિ શું છે તે સમજવાનું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, લોકશાહી સમાજમાં સામાન્ય માણસે ‘સામુહિક શક્તિ’નો યોગ્ય દિશામાં, યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખી લેવું જોઈએ. કારણ કે, જ્યાં સુધી સામાન્ય માણસ જ્ઞાતિ-જાતિના ભેદભાવ અને ટૂંકા ગાળાના સ્વાર્થમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી રાજકારણીઓ રાજાશાહી ભોગવતા રહેશે. પરંતુ 2012ના વર્ષમાં સામાન્ય માણસે વિવિધ તબક્કે પોતાની શક્તિનો પરચો બતાવ્યો એ આનંદની વાત છે.

એવી જ રીતે, વર્ષ 2012માં તામિલનાડુમાં એસ.પી. ઉદયકુમારે સામાજિક નેતાગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઉદયકુમાર સામાન્ય શિક્ષક, લેખક અને સામાજિક કાર્યકર છે. તેઓ સાઉથ એશિયન કોમ્યુનિટી ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ નામની સંસ્થા હેઠળ સામાન્ય લોકોને સાથે રાખીને તિરુનવેલીના કુડનકુલનમાં આકાર લઈ રહેલા ન્યુક્લિયર પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. આ પ્લાન્ટથી 30 કિલોમીટર દૂર એક ગામમાં રહેતા ઉદયકુમારે આસપાસના ગામોમાં વસતા અર્ધશિક્ષિત અને અભણ લોકોને ન્યુક્લિયર પાવરની સમજ આપીને આ આંદોલન માટે તૈયાર કર્યા હતા. ઉદયકુમારનું માનવું છે કે, આ પ્લાન્ટથી ‘ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડિયા’ને જ ફાયદો છે, સામાન્ય માણસને નહીં. આ પ્લાન્ટ જાપાનના ફુકુશિમા પ્લાન્ટ જેવી હોનારત સર્જી શકે છે અને તેની 30 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા દસ લાખ લોકોનું જીવન ભયમાં છે. જર્મનીએ પણ દેશની 23 ટકા વીજળી પૂરી પાડતા 17 ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરી દીધા છે. પરંતુ ભારત સરકાર પ્લાન્ટના ન્યુક્લિયર કચરાનો કેવી રીતે નિકાલ કરશે એ વિશે કશું બોલતી નથી. તેઓ અમને પૂરેપૂરી વાત જણાવતા જ નથી.

જોકે, પોલિટિકલ સાયન્સમાં પીએચ.ડી.ની ડિગ્રી ધરાવનારા એ.પી. ઉદયકુમારે સામાન્ય માણસોને સાથે રાખીને ભૂખ હડતાળ, જાહેર સભાઓ, સેમિનારો કર્યા, માથે મુંડન કરાવ્યા, રસ્તાઓ પર રસોઈ કરી અને ન્યુક્લિયર પ્લાન્ટના મોડેલની જાહેર માર્ગો પર આગચંપી કરી. આમ સતત 197 દિવસની લડાઈ ચાલી. છેવટે છઠ્ઠી ફેબ્રુઆરી, 2012ના રોજ બહેરી સરકારના કેન્દ્રીય મંત્રી વી. નારાયણસામીએ ઉદયકુમારની એનજીઓ પર વિદેશી ભંડોળ લેવાનો આરોપ મૂક્યો અને તેમની ત્રણ એનજીઓના લાયસન્સ રદ કર્યા. પરંતુ ઉદયકુમારે હિંમતથી આ બધાનો સામનો કર્યો અને ભારત સરકારે ન્યુક્લિયર પ્લાન્ટમાં સુરક્ષાના પૂરતા પગલાં લેવાયા છે કે નહીં તેનો અહેવાલ આપવા એક સમિતિની નિમણૂક કરી. તમિલનાડુ સરકારે પણ ચાર નિષ્ણાતોની સમિતિ બનાવીને ન્યુક્લિયર પ્લાન્ટમાં તકેદારી માટે જરૂરી એવો અહેવાલ આપ્યો. તમિલનાડુમાં વીજળીની અછત હોવાથી આ પ્લાન્ટ ચાલુ થશે, પરંતુ આ ઘટનામાં પણ સામાન્ય માણસની સામુહિક તાકાતને પરિણામે આખા દેશનું ધ્યાન એક ઘટના તરફ ગયું અને સરકારે તકેદારી માટે વિચારવું પડ્યું તે વાત મહત્ત્વની છે.

ગાંધી બાપુની તસવીર લઈને પગપાળા દિલ્હી જઈ રહેલા  સત્યાગ્રહીઓ

ગુજરાતના મહુવા નજીક આકાર લેનારો નિરમા સિમેન્ટ પ્લાન્ટ પણ સામાન્ય માણસોના પ્રચંડ વિરોધના કારણે જ રદ કરવો પડ્યો છે. આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર નવ ગામમાંથી આખેઆખા સાત ગામની જમીન આપી દેવા તૈયાર થઈ ગઈ હતી. ખેડૂતો આવિકાસને કેવી રીતે મંજૂર કરે? છેવટે નિરમાએ જૂન 2012માં સિમેન્ટ પ્લાન્ટ માટે રાજસ્થાનમાં જમીન શોધવાનું શરૂ કરવું પડ્યું હતું. એવી જ રીતે, એકતા પરિષદે ગ્વાલિયરથી દિલ્હી સુધી 50 હજાર ખેડૂતોની પદયાત્રા યોજીને કેન્દ્ર સરકાર પર જમીનસુધારાના કાયદા ઘડવાનું દબાણ ઊભું કરવા ઐતિહાસિક પદયાત્રા યોજી હતી. બીજી ઓક્ટોબર, 2012ના રોજ ગાંધીજીના જન્મદિવસથી યોજાયેલી આઠ દિવસ પછી આ પદયાત્રા 11મી ઓક્ટોબરે આગ્રા પહોંચી અને કેન્દ્ર સરકારે જમીન સુધારણા અને વંચિતોને જમીન વહેંચવાનું વચન આપ્યું હતું. કહેવનો અર્થ એ છે કે, ગયા વર્ષે સામાન્ય માણસો અનેકવાર પોતાના હક્ક માટે આગળ આવ્યા અને સરકારે તેની નોંધ લેવી પડી.

આવા જનાક્રોશ પાછળ લોકોની અસુરક્ષિતતાની લાગણી અને સામાન્ય માણસના સતત સંઘર્ષમાંથી ઉદભવેલી નિરાશા જવાબદાર છે. દિલ્હીમાં ચાલુ બસે 23 વર્ષીય યુવતી પર થયેલા સામુહિક બળાત્કાર અને તેના મૃત્યુની ઘટના પછી સામાન્ય માણસના ગુસ્સાના કારણે જ આળસુ વહીવટી તંત્રમાં સ્ફૂર્તિ આવી છે. આ યુવતીને વધુ સારવારની બહાનું કાઢીને તાત્કાલિક સિંગાપોર ખસેડી દેવાઈ હતી. કારણ કે, રાજકારણીઓ સારી રીતે જાણતા હતા કે, આ યુવતીને વધુ સમય સુધી દિલ્હીમાં રાખશે તો તેમની શું હાલત થઈ શકે છે અને લોકોનો ગુસ્સો તેમના પર કેવો ભડકી શકે છે! કારણ કે, સામાન્ય માણસ સતત એવી લાગણી અનુભવી રહ્યો છે કે, પોલીસનો કાફલો અમારા નહીં, પણ રાજકારણીઓની ખડેપગે સુરક્ષા માટે છે. આ પ્રકારની સામુહિક લાગણી કોઈ અણછાજતી ઘટનાને પણ નોંતરી શકે છે એ રાજકારણીઓએ સમજી લેવું પડશે.

રોજિંદી મુશ્કેલીઓથી કંટાળેલા ટોળાને હિંસક બનતા વાર નથી લાગતી. આવો સમાજ માનસિક વિકારોથી પીડાતો હોય છે. બ્રેડ ચોરી કરતા પકડાયેલા ભૂખ્યા બાળકને મૃત્યુ ના થાય ત્યાં સુધી માર મારવો એ આવા જ રોગિષ્ટ સમાજનું લક્ષણ છે. આમ છતાં સામાન્ય માણસ સારા-નરસાનું ભાન રાખીને, ટોળાશાહીથી દૂર રહીને તેમજ નવા વિચારો માટે મગજની બારી ખુલ્લી રાખીને વિરોધ પ્રદર્શન કરે તો તેને ચોક્કસ સફળતા મળે છે એ વાતમાં કોઈ શંકા નથી.

‘પુષ્પક’, ‘અપ્પુરાજા’ અને હવે વધુ એક પ્રયોગ


‘તલાશ’ રિલીઝ થયા પછી ઈન્ડિયા ટીવીના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં આવેલા આમિરખાને પોતાના ટીવી શૉ ‘સત્યમેવ જયતે’ સંદર્ભે ટેલિવિઝન મીડિયાની તાકાતનો પુરાવો આપતા રજત શર્માના એક સવાલના જવાબ આપતા કહ્યું હતું કે, “થ્રી ઈડિયટ્સ ભારતની અત્યંત સફળ ફિલ્મો પૈકીની એક છે. પરંતુ આ ફિલ્મ કેટલા લોકોએ જોઈ? આશરે ચાર કરોડ લોકોએ. પરંતુ આ જ ફિલ્મ ટેલિવિઝન પર આવી ત્યારે કેટલા લોકોએ જોઈ? ફક્ત એક જ દિવસમાં 50 કરોડ લોકોએ...” આ આંકડા પરથી ટેલિવિઝન મીડિયાની શક્તિનો આપણને અંદાજ મળી શકે છે. વાત એમ છે કે, હંમેશાં નવા નવા પ્રયોગો કરીને ધ્યાન ખેંચનારા મેઘાવી અભિનેતા કમલ હસને પોતાની લેટેસ્ટ સ્પાય થ્રીલર ફિલ્મ ‘વિશ્વરૂપમ’ સિનેમાઘરોમાં રિલીઝ થાય એના એક દિવસ પહેલાં ડીટીએચ (ડાયરેક્ટ ટુ હોમ) પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે.

કમલ હસનના આ નિર્ણયને પગલે કેટલાક ફિલ્મ વિતરકો સ્વાભાવિક રીતે જ નારાજ છે અને તેમણે ફિલ્મને ડીટીએચ પર રિલીઝ થતી અટકાવવા ધમપછાડા પણ કર્યા હતા. પરંતુ ‘સમયથી આગળ વિચારવા’ માટે જાણીતા કમલ હસને એરટેલ ડિજિટલ ટીવી સાથે કરાર કરી લીધા છે. આજ સુધી ક્યારેય કોઈ નિર્માતા કે દિગ્દર્શકેપોતાની ફિલ્મ રિલીઝના 12 કલાક પહેલાં ટીવી પર તે ફિલ્મ બતાવવાની હિંમત કરી નથી. આ અંગે કમલ હસન કહે છે કે, “આવું સાહસ કરવા એરટેલ ડીટીએચ સાથે જોડાતા મને આનંદ થાય છે. મનોરંજન અને ટેક્નોલોજીનો આ સમન્વય આગામી દિવસોમાં નવી ઊંચાઈ હાંસલ કરશે. મને એ વિચારથી જ આનંદ થાય છે કે, હવે બહુ બધા દર્શકો ઘરમાં શાંતિથી બેસીને ‘વિશ્વરૂપમ’ની મજા લેશે.”કમલ હસને 58 વર્ષની વયે ‘વિશ્વરૂપમ’ના નિર્માતા, દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા તરીકે પણકામ કર્યું છે.

‘વિશ્વરૂપમ’ 11મી જાન્યુઆરી, 2013ના રોજ સિનેમાઘરોમાં આવી રહ્યું છે, પરંતુ 10મી જાન્યુઆરી, 2013ના રોજ રાત્રે સાડા નવે એરટેલ ડીટીએચના પે પર વ્યૂ (પીપીવી) પર તમિળ, તેલુગુ અને હિંદીમાં ‘વિશ્વરૂપ’ નામે દર્શકોને બતાવવામાં આવશે. કમલ હસન જેવા ધરખમ અભિનેતાની નવીનક્કોર ફિલ્મ એરટેલ પર રિલીઝ થવાથી કંપનીને જોરદાર ફાયદો થશે, પરંતુ સાથે ફિલ્મ નિર્માતાને પણ તગડી કમાણી થશે. આ સોદામાં કમલ હસનને રૂ. 40 કરોડ ચૂકવાયા હોવાના અહેવાલ છે. આમ રૂ. 95 કરોડમાં બનેલી ફિલ્મનો ઘણો મોટો હિસ્સો અત્યારથી જ કમલ હસનને મળી ગયો છે. જોકે, કેટલાક લોકો એવી શંકા વ્યક્ત કરે છે કે, જો ભવિષ્યમાં બધા નિર્માતાઓ આવી રીતે ટેલિવિઝન પર ફિલ્મ રિલીઝ કરશે તો ફિલ્મ વિતરકોને જંગી નુકસાન થશે અને તેઓ ઈન્ડસ્ટ્રીમાંથી નામશેષ થઈ જશે.

‘વિશ્વરૂપ’ (હિંદી આવૃત્તિ)નું પોસ્ટર 

પરંતુ દરેક નવો પ્રયોગ પોતાની સાથે અનેક શંકાઓ લઈને આવતો હોય છે અને સમય જતાં તેનું યોગ્ય સમાધાન પણ થઈ જતું હોય છે. અહીં કહેવાનો અર્થ એ છે કે, ટેલિવિઝન આવવાથી રેડિયોનો જમાનો જતો નથી રહ્યો. ઊલટાનું અત્યારે સમગ્ર વિશ્વમાં પહેલાંથી અનેકગણા વધારે રેડિયો સ્ટેશનો છે. એવી જ રીતે, ઈન્ટરનેટ, ટેલિવિઝન કે રેડિયોના કારણે અખબારોની દુનિયા લુપ્ત નથી થઈ. એ વાતમાં કોઈ શંકા નથી કે, આ પ્રયોગ કરીને કમલ હાસને એક નવી જ ઈન્ડસ્ટ્રીને જન્મ આપ્યો છે. આ અંગે ભારતી એરટેલ ડીટીએચ/મીડિયાના સીઈઓ શશી અરોરા કહે છે કે, “અમને ગર્વ છે કે એરટેલ ડીટીએચ એક નવી જ ‘ઈન્ડસ્ટ્રી’ને સૌથી પહેલાં લૉન્ચ કરી રહ્યું છે...”

જોકે, આ ફિલ્મ જોવા માટે એરટેલ કનેક્શનદીઠ રૂ. 1000ની વસૂલાત કરવાનું છે. પરંતુ કંપનીનું કહેવું છે કે, “જો પાંચ વ્યક્તિનો એક પરિવાર ફિલ્મ જોવા જાય તો આટલો ખર્ચ થઈ જ જાય છે. વળી, તેમાં પણ ટ્રાન્સપોર્ટ અને ફૂડનો ખર્ચ સામેલ કરો તો તે સંખ્યા ઘણી મોટી થઈ જાય છે.” ફક્ત રૂ. 1000 ચૂકવીને ટેલિવિઝન પર ઘણાં બધા લોકો ફિલ્મ જોઈ શકે છે તે તેનો સૌથી મોટો ફાયદો છે. પરંતુ મૂળ વાત એ છે કે, આજે પણ ભારતમાં મલ્ટીપ્લેક્સ સિવાયના નાના થિયેટરોમાં લાખો નીચ મધ્યમવર્ગીય પરિવારો ફિલ્મોનો આનંદ માણે છે. આવો પાંચ વ્યક્તિનો પરિવાર ઘણાં ઓછા પૈસામાં ફિલ્મોનો આનંદ માણે છે. તેથી આ પ્રયોગની નાના થિયેટરો કરતા મલ્ટીપ્લેક્સના બિઝનેસને વધુ અસર થઈ શકે છે. કારણ કે, નીચ મધ્યમવર્ગીય પરિવાર કરતા ‘મલ્ટીપ્લેક્સ ફેમિલી’ને હાઈ ક્વૉલિટી હોમ થિયેટર પર ફિલ્મ જોવી વધુ માફક આવી શકે છે. 

જોકે, ભારતી એરટેલ સમગ્ર દેશમાં 75 લાખથી પણ વધુ દર્શકો ધરાવે છે. તેથી કંપનીને આશા છે કે, આ પ્રયોગ અત્યંત સફળ થશે. બીજી તરફ, ડીટીએચના ગ્રાહકો મોટે ભાગે શહેરોમાં જ હોય છે એવી પણ માન્યતાનું ખંડન કરતા કંપની કહે છે કે, અમારા આશરે 66 ટકા દર્શકો નાના નગરોના છે. પરંતુ ટેલિવિઝન પર ફિલ્મ પ્રદર્શિત કરતી વખતે નકલખોરી અને ચોરીનો પણ ભય રહે છે. એવી જ રીતે, દર્શકો ડીવીઆરની મદદથી આખેઆખી ફિલ્મ ‘સેવ’ કરી શકે છે. પરંતુ આ મુદ્દે પણ કંપનીએ વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા કરી છે. કારણ કે, કોઈ પણ દર્શક ફિલ્મ ‘સેવ’ તો કરી શકશે, પરંતુ 24 કલાક પછી તે આપોઆપ ‘ઈરેઝ’ થઈ જશે. વળી, જ્યાં સુધી પાઈરેસીનો સવાલ છે ત્યાં સુધી થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મો પણ આ દુષણનો ભોગ બને જ છે. આ માટે કોઈ પ્રયોગ પર પ્રતિબંધ મૂકવાના બદલે કડક નીતિ-નિયમો બનાવવાની જરૂર છે.

એ વાત પણ એટલી જ સાચી છે કે, થિયેટર અને ટેલિવિઝન પર ફિલ્મ જોવાનો અનુભવ ખાસ્સો જુદો હોય છે. એરટેલનો દાવો છે કે, તેઓ તમિલનાડુમાં 30 ટકા ડીટીએચ માર્કેટ ધરાવે છે. પરંતુ તમિલનાડુના ટેલિવિઝન દર્શકોની સૌથી મોટી મુશ્કેલી વીજળી છે. હા, અહીં વારંવાર વીજળી જવાથી ટેલિવિઝન દર્શકો તેમના મનપસંદ કાર્યક્રમોનો અવિરત આનંદ નથી ઉઠાવી શકતા. તમિલનાડુમાં ફક્ત ચેન્નાઈ શહેરમાં જ દિવસના 22 કલાક મળે છે. બાકીના રાજ્યમાં 14થી 16 કલાક નિયમિત પાવર-કટ હોય છે. અહીં ભાગ્યે જ સળંગ ત્રણ-ચાર કલાક વીજળી મળે છે. આવી સ્થિતિમાં દર્શકો ત્રણેક કલાકની ફિલ્મ કેવી રીતે જોઈ શકે? આમ છતાં, તમિળ, તેલુગુ અને હિંદીમાં તમિળ આવૃત્તિનો જ સૌથી વધુ ભાવ રખાયો છે.

એરટેલ રૂ. 40 કરોડ વસૂલવા ફિલ્મની વચ્ચે ભરપૂર એડવર્ટાઈઝમેન્ટ પણ બતાવવાનું છે. જોકે, કમલ હસન કદાચ બધું જ જાણે છે, લોકો ટીવી પર ટ્રેલરની જેમ ફિલ્મ જોશે અને પછી સિનેમાઘરોમાં ફિલ્મ જોવા ઉમટી પડશે. જોકે, આ બધી જ ધારણાઓ છે અને આ પ્રયોગથી કોને કેટલું નુકસાન અને કોને ફાયદો થશે તે તો સમય જ કહેશે. પરંતુ ડીટીએચ રિલીઝથી વધુ સારી પારિવારિક ફિલ્મો બનાવવાનું પ્રોત્સાહન મળી શકે છે. કારણ કે, ડીટીએચ પર ફક્ત યુ/એ પ્રમાણપત્ર ધરાવતી જ ફિલ્મ રિલીઝ થશે, ‘એ’ પ્રમાણપત્ર ધરાવતી નહીં. આ મોડેલ એટલી તો ખાતરી આપે જ છે કે, ડીટીએચ પર આવતી દરેક ફિલ્મનો દર્શક ‘પરિવાર’ હશે.

આ ફિલ્મ સ્પાય થ્રીલર છે. વિવિધ ફિલ્મ પ્રિવ્યૂઝ મુજબ કમલ હસને સખત મહેનત કરીને એક સુંદર મનોરંજક ફિલ્મ બનાવી છે. ચેન્નાઈની મધ્યમવર્ગીય પરિવારની પુત્રી નિરુપમા ઉચ્ચ અણુવિજ્ઞાનમાં અભ્યાસ માટે અમેરિકા જાય છે. ત્યાં તે વિશ્વનાથ નામના નૃત્યના શિક્ષકને પરણી જાય છે. તેઓ શાંતિમય જીવન વિતાવતા હોય છે. નિરુપમા પોતાનું પીએચ.ડી. પૂર્ણ કરવા માંગતી હોય છે. આ મુદ્દે તેઓ વચ્ચે ઝગડો થાય છે અને તેઓ છૂટા પડી જાય છે. બીજી તરફ, નિરુપમા પોતાના પતિના ચરિત્રમાંથી ખામીઓ શોધવા તેની પાછળ જાસૂસો લગાવી દે છે. આમ આ એક સીધીસાદી વાર્તા છે, પરંતુ કમલ હસનનો ‘ટચ’ તેને ઉત્તમ બનાવે છે.

આ અંગે કમલ હસન કહે છે કે, “હું ભરતનાટ્યમ, કુચીપુડી શીખ્યો હતો, અને હવે કથ્થક શીખ્યો. આ ફિલ્મમાં હું દસ ભૂમિકામાં છું. આ ઉપરાંત સ્ટંટ અને રિમેક (મલયાલમ, (હિંદી) માટે પણ મેં મહેનત કરી છે.” નોંધનીય છે કે, આ ફિલ્મની કોરિયોગ્રાફીનું કામ બિરજુ મહારાજે પાર પાડ્યું છે. ‘પુષ્પક’ હોય કે ‘અપ્પુ રાજા’ કમલ હસનની ફિલ્મો હંમેશાં સમયથી આગળ હોય છે. આ ફિલ્મમાં પણ તેણે ઓરો 3D સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધી ‘રેડ ટેઈલ્સ’ અને ‘રાઈઝ ઓફ ધ ગાર્ડિયન્સ’ એમ બે જ હોલિવૂડ ફિલ્મોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. ઓરો 3D એડવાન્સ સાઉન્ડ ટેક્નોલોજી 9.1 અને 13.1 સ્પીકરમાં ઉચ્ચ કક્ષાનો સાઉન્ડ આપે છે.

જોકે, કમલ હસનનું કહેવું છે કે, “લોકો મને સમયથી આગળ કેમ કહે છે તે હું નથી જાણતો. હું ખરેખર સમયથી પાછળ છું. કારણ કે હું સમજણની મર્યાદામાં બંધ છું. હું કદાચ મારા કેટલાક સાથીદારોથી આગળ હોઈ શકું છું, પરંતુ સમયથી આગળ નહીં. તમે મને તક આપો, હું નવી ક્ષિતિજોનું સર્જન કરીશ, પણ નવી ક્ષિતિજોનું સર્જન કરવું એ ‘લોન્લી બિઝનેસ’ છે. કારણ કે, મેં જે ફિલ્મો બનાવી છે તે કેટલાકને પસંદ ન પણ હોય. કદાચ તેઓ એ માટે તૈયાર નથી. આ માટે થોડો સમય લાગશે. પરંતુ હું તેને નિષ્ફળતા તરીકે નથી જોતો. તેનાથી મને નવા નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળે છે. હું એક્સલન્ટ બનવાનો પ્રયાસ કરું છું, પરફેક્ટ નહીં. કારણ કે, કોઈ પરફેક્ટ નથી.”

29 December, 2012

‘ટ્રોમા’માંથી બહાર આવવાનું વિજ્ઞાન


અત્યારે આખો દેશ બળાત્કારનો ભોગ બનીને મૃત્યુ પામનારી દિલ્હીની મેડિકલની વિદ્યાર્થિની પ્રત્યે સહાનુભૂતિ દાખવીને બળાત્કારીઓને કડકમાં કડક સજા આપવાની વાત કરી રહ્યો છે. આ ઘટનાને લઈને નાગરિકોનો મૂડ જોતા લાગી રહ્યું છે કે, બળાત્કારીઓને જેમ બને તેમ ઝડપથી સજા થશે. આ દરમિયાન સમાચાર હતા કે, યુવતીનો બોયફ્રેન્ડ જોરદાર ‘ટ્રોમા’માં છે. આપણે સમજી શકીએ છીએ કે, આ ઘટના વખતે હાજર તેના મિત્રને માનસિક આઘાત લાગ્યો હોય તો બળાત્કાર પછી તે યુવતીની સ્થિતિ કેવી હશે! બ્રિટિશ કવિ વૉલ્તેર દ લા મેરે કહ્યું હતું કે, “માણસનું મગજ ઘણું ધીમું કામ કરે છે. પહેલાં તે જોરદાર ઝાટકો આપે છે અને કલાકો પછી રૂઝાય છે.” 

ટ્રોમાથી પીડિત વ્યક્તિને એટલો જોરદાર આઘાત લાગ્યો હોય છે કે, તેનું બાકીનું જીવન દોઝખ બની જાય છે. કદાચ એટલે જ આવી વ્યક્તિ માટે સ્વૈચ્છિક મૃત્યુની માંગ કરવામાં આવે છે. વિશ્વભરમાં અને હવે ભારતમાં પણ વિવિધ કારણોસર ટ્રોમાથી પીડાતા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જેમાં મોટા ભાગના લોકો ભૂકંપ, સુનામી કે પૂર જેવી કુદરતી હોનારતો, આતંકવાદી હુમલો તેમજ અન્ય લોકોનું પોતાની સાથે હિંસક વર્તન (જેમ કે બળાત્કાર) જેવા અનેક કારણોથી ટ્રોમાનો ભોગ બને છે. ભારતમાં દર વર્ષે કેટલા લોકો માનસિક આઘાતના કારણે મૃત્યુ પામે છે તેના કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી. પરંતુ અમેરિકન સરકાર ટ્રોમાના દર્દીઓની સારવાર માટે દર વર્ષે 42 બિલિયન ડૉલરનો ખર્ચ કરે છે. 



મનોવિજ્ઞાનીઓનું માનવું છે કે, આ આઘાતમાંથી બહાર આવવું અઘરું છે પરંતુ અશક્ય નથી. ટ્રોમાનો સામનો કરીને ધીમે ધીમે સામાન્ય જીવન જીવી શકાય છે. વળી, ટ્રોમાથી પીડિત વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે એ માટે તેના પ્રત્યે ‘સામાન્ય’ વ્યવહાર કરવો જરૂરી છે. આ સામાન્ય વ્યવહાર એટલે શું તે આપણે આગળ સમજીએ. સૌથી પહેલાં આ ટ્રોમાં શું છે તે સમજવું જરૂરી છે. સાદી ભાષામાં જબરદસ્ત માનસિક આઘાતને ટ્રોમા કહેવાય છે. વિશ્વભરમાં આ રોગના દર્દીઓમાં સતત વધારો થવાના કારણે વર્ષ 1980માં ‘ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ ડિસઓર્ડર’ નામની સંસ્થાએ ટ્રોમા રોગની વ્યાખ્યા આપતા સમજાવ્યું હતું કે, “ઓળખી શકાય એવો તણાવ અથવા સામાન્ય માણસોમાં જોવા મળતા તણાવના લક્ષણોમાં સતત વધારો.” કમનસીબે આ રોગના દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં વધી રહી છે. પરંતુ સારા સમાચાર એ છે કે, તાજેતરમાં જ મનોવિજ્ઞાનીઓએ કેટલાક પ્રયોગો કરીને સજ્જડ પુરાવા આપ્યા છે કે, ગમે તેવા ટ્રોમાનો ભોગ બનેલી વ્યક્તિ પણ સામાન્ય જીવન જીવી શકે છે.

મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુદ્ધમાં બચી ગયેલા નાગરિકો, ટોર્ચર કે કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી ભાગી છૂટેલા લોકો પણ સામાન્ય જીવન જીવી શકે છે. હા, મોટા ભાગના લોકો આવા કોઈ પણ માનસિક આઘાતમાંથી બહાર આવી જાય છે. પરંતુ તેનો આધાર પણ જનીનિક બંધારણ અને અન્ય પરિબળો પર રહેલો છે. આ ઉપરાંત તાજા પ્રયોગોમાંથી જાણવા મળ્યું છે કે, અગાઉના કોઈ માનસિક આઘાતના કારણે પણ માનસિક રીતે નબળા પડી ગયેલા લોકો ટ્રોમામાંથી બહાર ન આવી શકે એવું બની શકે છે.

વિજ્ઞાન કહે છે કે, ખરેખર તો આવા કોઈ દર્દીને ચોક્કસ કેવી સારવાર આપીને સાજો કરી શકાય એ કહેવું અઘરું છે. કારણ કે, માનસિક આઘાત કેમ લાગ્યો છે તેમજ આવી ઘટના પછી અન્ય લોકો તેની સાથે કેવું વર્તન કરે છે જેવા પરિબળો પણ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. જેમ કે, બળાત્કારની ઘટના પછી યુવતી સાથે માતા-પિતા, ભાઈ-બહેન, સગાંવ્હાલા, મિત્રો અને અન્ય લોકોનું વર્તન યુવતીની માનસિક સ્થિતિ પર ઘણી અસર કરી શકે છે. હા, યુવતી સાથે વધુ પડતી સહાનુભૂતિ બતાવવી જરૂરી નથી, પરંતુ તેની સાથે સામાન્ય વ્યવહાર કરવો જરૂરી છે. બીજી તરફ, બળાત્કાર કે છેડતીનો ભોગ બનેલી યુવતીની તસવીરો છાપવાથી પણ તેની માનસિક સ્થિતિ પર વિપરિત અસર પડી શકે છે.

ઉંદર અને માણસ પર કરાયા પ્રયોગ

આ વર્ષે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં આયોજિત ‘ઈન્ટરડિસિપ્લિનરી કોન્ફરન્સ ઓફ કલ્ચર, માઈન્ડ એન્ડ બ્રેઈન’માં મનોવિજ્ઞાનીઓની એક ટીમે ટ્રોમા શું છે તે સમજાવવા ટ્રોમેટિક એક્સપિરિયન્સનું મોડેલ રજૂ કર્યું હતું. આ માટે તેમણે લેબોરેટરીના ઉંદર અને બાળ સૈનિક (ચાઈલ્ડ સોલ્જર)નું ઉદાહરણ આપ્યું હતું. આ મોડેલ બનાવનારા અમેરિકાની ઈમોરી પ્રાઈવેટ રિસર્ચ યુનિવર્સિટીના ન્યૂરોબાયોલોજિસ્ટ પોલ પ્લોસ્કીએ વર્ષ 1990માં આ મોડેલ બનાવ્યું હતું. એ વખતે તેઓ માતા પાસેથી બચ્ચા ને અલગ કરી દેવાથી તેમની માનસિક હાલત કેવી થાય છે તે જાણવા માંગતા હતા.

ન્યૂરોબાયોલોજિસ્ટ પોલ પોલસ્કી 
પોલ પોલસ્કીએ ઉંદરના બચ્ચા ને તેમની માતા પાસેથી એકથી 24 કલાક સુધી જુદા કરી દીધા હતા. તેમણે 15 મિનિટથી લઈને 180 મિનિટ સુધી તેમને અલગ રાખ્યા હતા. પરંતુ 15 મિનિટ પછી બચ્ચા  ધીમે ધીમે માનસિક તણાવનો ભોગ બનતા જોવા મળ્યા હતા. કારણ કે, ઘરેલુ કે જંગલ વિસ્તારમાં રહેતા ઉંદર તેમના બચ્ચા  માટે ખોરાક શોધવા જાય ત્યારે 15 મિનિટ જેટલો સમય એકલા છોડી દેતા હોય છે. પરંતુ 15 મિનિટ સુધી માતા ન આવે તેનો અર્થ બચ્ચા  એવો કરતા હોઈ શકે છે કે, તેમની માતા શિકારીનો કોળિયો થઈ ગઈ છે. જોકે, 15 મિનિટ પછી માતાને દરમાં પાછી મોકલતા તે બધા જ બચ્ચા ને સૂંઘવા માંડી હતી અને તેમને દૂધ પીવડાવ્યું હતું. 

એટલું જ નહીં, ઉંદરોની માતા પરત આવીને તેમની સાથે વિશિષ્ટ શૈલીમાં વાતો પણ કરતી હતી. પરંતુ 180 મિનિટ સુધી માતાને બચ્ચા થી અલગ કરી દીધા પછી લગભગ તમામ માદા ઉંદર ભયભીત હોય તેવા ઉદગારો કાઢતી હતી. વળી, તે પોતાના બચ્ચા ની પણ અવગણના કરતી હતી. બીજી તરફ, બચ્ચા  પણ ભયભીત થયા હોય એવા અવાજો કાઢતા હતા. નવાઈની વાત તો એ છે કે, આ તમામ બચ્ચા એ બાકીના જીવનમાં માનસિક તણાવનો સામનો કરતી વખતે વધુ પડતી પ્રતિક્રિયા આપી હતી.

મનોવિજ્ઞાનની દુનિયામાં આ 15/180 મોડેલ સ્ટાન્ડર્ડ ગણાય છે, જે દર્શાવે છે કે, લાંબા સમય સુધી છૂટા પડ્યા પછી ઉંદરના ચિંતિત બચ્ચાની સ્ટ્રેસ હોર્મોન એક્ટિવિટી, બ્રેઈન સ્ટ્રક્ચર અને અન્ય બંધારણમાં કાયમી બદલાવ આવી ગયો હતો. મનોવિજ્ઞાનીઓ એકમતે સ્વીકારે છે કે, આ પ્રયોગના આધારે વિજ્ઞાનીઓએ ટ્રોમા અને તેની અસરોનો ઊંડો અભ્યાસ કરી શક્યા હતા. ડૉ. પોલસ્કી જણાવે છે કે, “ઉંદર અને તેના બચ્ચાને ફરી એ જ પાંજરામાં મૂકી દેવામાં આવ્યા હતા, પરંતુ તેમને લાગ્યું હતું કે, આ જગ્યા અસુરક્ષિત છે.”

આ વાત માલુમ પડતા વિજ્ઞાનીઓએ ઉંદરોની નેવિગેશનલ સ્કિલ ચકાસવા માટે આઠ ઓરડા ધરાવતા એક નાનકડા પાંજરામાં મૂક્યા. પરંતુ અહીં પણ માતા અને બચ્ચા વચ્ચે 180 મિનિટની જુદાઈ પછી ઉંદરોના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું ન હતું. પરંતુ માદા ઉંદરને આ પાંજરામાં મૂકતા જ તેણે એક-બે ઓરડા ચકાસીને ‘ઘર’ બદલ્યુ હતું, અને બચ્ચા મળતા જ તેણે વ્હાલ વરસાવ્યું હતું. આ જ પ્રયોગ ડૉ. પોલસ્કીએ સતત બીજા દિવસે પણ દોહરાવ્યો હતો. ત્યાર પછી સળંગ આઠ દિવસ પણ તેમણે આમ કરી જોયું હતું. જેમાં તેમને જાણવા મળ્યુ હતું કે ઉંદરે રહેવા માટે આઠેય દિવસ અલગ અલગ ઓરડા પસંદ કર્યા હતા.

સાઈકિયાટ્રિસ્ટ બ્રાન્ડન કોહર્ટ
તો શું બચ્ચાએ બાકીનું જીવન આઘાતમાં વિતાવ્યું હતું? વિજ્ઞાનીઓ જવાબ આપે છે, ના. પરંતુ કેટલાક બચ્ચામાં થોડા સમય સુધી માનસિક આઘાતની અસરો રહી તો કેટલાકની થોડો વધુ લાંબા સમય સુધી રહી. પરંતુ બાદમાં માતાએ બચ્ચાને સુરક્ષિત વાતાવરણ આપ્યું અને રોજિંદુ જીવન ફરી એકવાર સામાન્ય થઈ ગયા પછી ઉંદરો ફરી એકવાર ખુશીથી જીવતા હતા. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે, લેબોરેટરીમાં કરેલા આ પ્રયોગ માણસજાત માટે કેટલો બંધ બેસી શકે? પરંતુ વિજ્ઞાનીઓએ નેપાળના બાળ સૈનિકો પર પણ આવો પ્રયોગ કર્યો હતો. જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના સાઈકિયાટ્રિસ્ટ અને મેડિકલ એન્થ્રોપોલોજિસ્ટ બ્રાન્ડન કોહર્ટે આવા 141 બાળકો પર પ્રયોગ કર્યો હતો જે જીવનના કેટલાક વર્ષો માઓવાદી ક્રાંતિકારીઓ સાથે વિતાવીને પોતાના ગામ પાછા ફરે છે. નોંધનીય છે કે, વર્ષ 1996થી 2006 સુધી નેપાળમાં સિવિલ વૉર ચાલ્યું હતું.

આ તમામ બાળકો પાંચથી 14 વર્ષની ઉંમરે ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયા હતા અને આટલી નાની ઉંમરમાં જ તેમણે હિંસા જોઈ હતી. વળી, તેઓ કુટુંબથી અલગ થઈ ગયા હતા. આ પ્રયોગમાં વિજ્ઞાનીઓને જાણવા મળ્યું હતું કે, આ બાળકોની માનસિક તંદુરસ્તી પર યુદ્ધની અસર ઓછી હતી, પરંતુ યુદ્ધમાંથી પાછા આવ્યા પછી તેમના કુટુંબીજનોએ કરેલા વર્તનની અસર વધુ હતી. જે ગામમાં બાળકોને કલંકિત કે બહિષ્કાર કરાયો હતો તેમની માનસિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. આવા બાળકો ટ્રોમાનો ભોગ બન્યા હતા. પરંતુ જે ગામમા બાળકો પરત ફરતા કોઈ નાનકડો પ્રસંગ યોજીને તેમનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તેઓ ખૂબ જ આનંદિત હતા. આ બાળકોમાં તણાવનું પ્રમાણ પણ મર્યાદિત હતું.

આ બાળકોનો ગ્રામજનો અને કુટુંબીજનોએ સ્વીકાર કરી લેતા તેમને મનોવૈજ્ઞાનિક મદદ મળી હતી. તમામ બાળકો ખુશ રહેતા હતા અને ખૂબ ઝડપથી સામાન્ય જીવન જીવવા લાગ્યા હતા. આ વાત સાબિત કરે છે કે, ટ્રોમાનો ભોગ બનેલી વ્યક્તિને કુટુંબીજનો, સગા-વ્હાલાં અને મિત્રોનો સહકાર મળતા તેઓ ખૂબ ઝડપથી તેમાંથી બહાર આવી શકે છે. જોકે, મોટા ભાગના વૈજ્ઞાનિક પ્રયોગોની જેમ આ પ્રયોગ અંગે પણ કેટલાક વિજ્ઞાનીઓ શંકાશીલ છે. પરંતુ ‘વેલકમ ટુ યોર બ્રેઈન’ અને ‘વેલકમ ટુ યોર ચાઈલ્ડ્સ બ્રેઈન’ના સહલેખિકા અને ન્યૂરોસાયન્ટિસ્ટ સાન્ડ્રા એમોલ્ટ કહે છે કે, “ટ્રોમામાંથી બહાર આવવામાં સામાજિક વાતાવરણ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.”

કદાચ આપણે અયોગ્ય ઘટનાઓને સંપૂર્ણપણે દૂર ન કરી શકીએ, પરંતુ આપણે બળાત્કારનો ભોગ બનેલી યુવતીઓ કે એવા કોઈ પણ દર્દીઓને ઉત્તમ સામાજિક વાતાવરણ તો પૂરું પાડી જ શકીએ છીએ. ડૉ. સાન્ડ્રા એમોલ્ટ કહે છે કે, આવું વલણ રાખીને આપણે શક્ય તેટલો લાભ ઉઠાવી શકીએ છીએ.

પાંચ ઈન્દ્રિયો ધરાવતું કમ્પ્યુટર


તમે ટેક્નોસાવી હશો, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ભવિષ્યમાં તમારું નાનકડું કમ્પ્યુટર જોઈ શકશે, સાંભળી શકશે, ચાખી શકશે અને સૂંઘી પણ શકશે. આજના સ્માર્ટ કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં તમે ટચસ્ક્રીનનો ઉપયોગ કરો છો તે એક પ્રકારની સ્પર્શેન્દ્રિય જ છે. પરંતુ ટેક્નોલોજિસ્ટોનો દાવો છે કે, વર્ષ 2018 સુધીમાં જ તેઓ કમ્પ્યુટર અને સ્માર્ટફોનને વધારાની ચાર ઈન્દ્રિયો પણ આપી દેશે. જોકે, આ કોઈ ગપગોળા નથી. કારણ કે, આ જાહેરાત કમ્પ્યુટર જાયન્ટ આઈબીએમ દ્વારા કરવામાં આવી છે.

આઈબીએમએ જણાવ્યું છે કે, વર્ષ 2018 સુધીમાં કમ્પ્યુટર મશીન માણસમાં છે તેવી પાંચ ઈન્દ્રિય ધરાવતું હશે. ત્યાર પછી કમ્પ્યુટર અને માણસ વચ્ચેનો સંવાદ વિશિષ્ટ પ્રકારનો થઈ જશે. કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ઈન્ફ્રારેડ અને હેપ્ટિક ટેક્નોલોજીની મદદથી આજના યુગમાં તમે સ્માર્ટફોનમાં ટચસ્ક્રીન અને વાઈબ્રેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરી જ રહ્યા છો. આ બંને ટેક્નોલોજીનો આધાર ‘ફિઝિકલ સેન્સેશન’ જ છે. જેમ કે, મોબાઈલ યુઝર્સ ટચસ્ક્રીન પર આંગળી અડકાવીને કામ કરી શકે છે તો તેને એક પ્રકારની સ્પર્શેન્દ્રિય જ છે. એવી જ રીતે, ખિસ્સામાં પડેલો મોબાઈલ વાઈબ્રેટ થાય ત્યારે પણ આપણને સ્પર્શેન્દ્રિયની મદદથી જ ખબર પડે છે કે, કૉલ આવ્યો.

કમ્પ્યુટરની સ્પર્શેન્દ્રિય વિકસાવવા હજુ વધુ ઊંડું સંશોધન કરી
રહેલા રોબિન શ્વાર્ટ્ઝ, રિટેઈલ એનાલિટિક્સ, એસોસિયેટ ડિરેક્ટર
આ અંગે આઈબીએમના બર્નાર્ડ મેર્સકોએ કહ્યું હતું કે, “60 વર્ષમાં થયેલી કમ્પ્યુટિંગ ક્રાંતિ જબરદસ્ત છે અને તમે જોઈ શકો છો કે આપણે આટલા ઓછા સમયમાં જ ક્યાં પહોંચી ગયા.” તેમણે ઉમેર્યું હતું કે, સૌથી પહેલું પ્રોગ્રામેબલ કમ્પ્યુટર વર્ષ 1940માં તૈયાર કરાયું હતું અને એ વખતે કેલ્ક્યુલેટર વધુ સારી ઝડપથી કામ કરતા હતા. જોકે ત્યાર પછી આપણે પર્સનલ કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને સોશિયલ નેટવર્કિંગના યુગમાં પ્રવેશ્યા. આજે આપણે કોગ્નિટિવ કમ્પ્યુટિંગના યુગમાં પ્રવેશ્યા છીએ, જે આપણને વિચાર કરવામાં પણ મદદરૂપ થાય છે.

કમ્પ્યુટિંગ ક્રાંતિની સૌથી રસપ્રદ વાત એ છે કે, માણસજાત કમ્પ્યુટર મશીનને ધીમે ધીમે પોતાના મગજ જેવી વિચારવાની ક્ષમતા આપતી ગઈ. હવે, નવી ટેક્નોલોજી કમ્પ્યુટરને નકલ કરવાની અને સજીવ જેવી ઈન્દ્રિયોની ક્ષમતા પણ આપશે. હા, ટેક્નોલોજિસ્ટો મશીનોને સ્પર્શેન્દ્રિય એટલે કે, સેન્સિંગ તો આપી જ ચૂક્યા છે. આજના ટચસ્ક્રીન મશીનો, સેલ્ફ-પાર્કિંગ કાર અને બાયોમેટ્રિક સિક્યોરિટી આવી સેન્સિંગ ટેક્નોલોજીનો જ એક ભાગ છે. આમ છતાં, આજના ગેજેટને ‘સેન્સિંગ સ્માર્ટ’ એટલે કે માણસ જેવી સ્પર્શેન્દ્રિય આપવા હજુ વધુ ઊંડુ સંશોધન ચાલી રહ્યું છે. ટેક્નોલોજિસ્ટોનું માનવું છે કે, કોગ્નિટિવ ટેક્નોલોજીની મદદથી માનવ જીવનમાં ખાસ્સો સુધારો લાવી શકાય છે. જોકે, હજુ આ દિશામાં નાનકડી બારી જ ખૂલી છે, પરંતુ નજીકના ભવિષ્યમાં એક આખો નવો યુગ શરૂ થશે એ વાતમાં કોઈ શંકા નથી.

કારણ કે, હવેના કમ્પ્યુટર ફક્ત સ્પર્શેન્દ્રિય જ નહીં પણ ચક્ષુન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય થી સજ્જ હશે. એટલે કે, થોડા વર્ષો પછી બજારમાં મળતા કમ્પ્યુટર જોઈ શકશે, સાંભળી શકશે, સૂંઘી શકશે અને ચાખી પણ શકશે. હા, ટેક્નોલોજિસ્ટો સ્પષ્ટતા કરે છે કે, તેઓ માણસના મગજ જેવું કોઈ મશીન નથી વિકસાવી રહ્યા. વળી, ભવિષ્યમાં ફક્ત કમ્પ્યુટર કે મોબાઈલ ફોન જ બધા વિચારો કરશે અને મગજને કંઈ કરવું જ નહીં પડે એવું માની લેવાની પણ જરૂર નથી. કહેવાનો અર્થ એ છે કે, કોગ્નિટિવ ટેક્નોલોજીનો યુગ તો ક્યારનોય શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ હવે વધુ સારા પરિણામો મેળવવા માટે માણસ અને મશીનનો સમન્વય કરવાની દિશામાં વિજ્ઞાનીઓ પ્રયત્નશીલ છે.

ટેક્નોલોજિસ્ટોનું કહેવું છે કે, માણસની સરખામણીમાં મશીન વધુ સારું વિશ્લેષણ કરી શકે છે અને તે મશીનો તર્કસંગત (રેશનલ) પણ છે. માણસે મશીનને ફક્ત નિર્ણયો, લાગણી, નૈતિકતા અને રચનાત્મકતા જ આપવાની બાકી છે.

દૃષ્ટિ

એવું કહેવાય છે કે, એક પિક્સલ હજારો શબ્દોની ગરજ સારે છે. માણસની આંખ જે સિદ્ધાંતોના આધારે કામ કરે છે તેવા જ સિદ્ધાંતોના આધારે આ ટેક્નોલોજીનો વિકાસ કરાઈ રહ્યો છે. હા, આ ટેક્નોલોજી વિકસાવવામાં સૌથી મોટી મુશ્કલી એ છે કે, એવો કોઈ પ્રોગ્રામ બનાવવો શક્ય નથી કે જેની મદદથી કમ્પ્યુટર જોઈ શકે. તેથી વિજ્ઞાનીઓ કોગ્નિટિવ ટેક્નોલોજીની દિશામાં વિચારી રહ્યા છે. કમ્પ્યુટરમાં અગાઉથી જ દરેક વસ્તુના હજારો દૃશ્યો ઉમેરી દેવામાં આવશે. જેની પેટર્નની મદદથી કમ્પ્યુટર કહી દેશે કે, તે વેબ પર અપલોડ કરાયેલી સ્કેન્ડ તસવીર છે કે પછી કેમેરા ફોનથી લીધેલા વીડિયો ફૂટેજ છે.

કમ્પ્યુટરને દૃષ્ટિ આપવામાં વ્યસ્ત જ્હોન સ્મિથ,
સિનિયર મેનેજર, ઈન્ટેલિજન્ટ ઈન્ફર્મેશન ઓફિસર
આ વાત ઉદાહરણ સાથે સમજીએ. જેમ કે, કમ્પ્યુટરને બિચ કેવો હોય એવું શીખવવા માટે તેમાં બિચના હજારો દૃશ્યો ઉમેરી દેવામાં આવશે. કમ્પ્યુટર આ તમામ દૃશ્યોને પોતાની ભાષામાં પરિવર્તિત કરશે અને તેના રંગ, ડિસ્ટ્રિબ્યુશન, ટેક્સચર્ડ પેટર્ન, એજ ઈન્ફર્મેશન કે મોશન ઈન્ફર્મેશનની મદદથી તે શું છે તે ઓળખી લેશે. એવી જ રીતે, તે સામેની વસ્તુ સ્ટીલ ફોટોગ્રાફ છે કે, વીડિયો ફૂટેજ છે તે પણ સહેલાઈથી જણાવી શકશે. એટલું જ નહીં, ફૂટેજ મોબાઈલ ફોનથી લેવાયું છે કે પછી અત્યાધુનિક કેમેરાની મદદથી, તે પણ કમ્પ્યુટર જણાવી શકશે. આવી રીતે કમ્પ્યુટરને અત્યંત ઊંડાણપૂર્વકની માહિતીનું વિશ્લેષણ કરવાનું શીખવવામાં આવશે. જેમ કે, જુદી જુદી દસ રમતો રમતી ટીમને જોઈને જ કમ્પ્યુટર કહી દેશે કે, કઈ ટીમ ક્રિકેટ રમી રહી છે, કઈ ટીમ ફૂટબોલ રમી રહી છે અને કોણ તે મેચ જોઈ રહ્યું છે. વિજ્ઞાનીઓને આશા છે કે, ત્યાર પછી તેઓ એ પણ જાણી શકશે કે, ક્રિકેટ ભારતમાં રમાઈ રહી છે કે, પછી ઓસ્ટ્રેલિયામાં.

એવી જ રીતે, હેલ્થકેર, રિટેઈલ, એગ્રિકલ્ચર જેવી ઈન્ડસ્ટ્રીઝમાં જાતભાતની માહિતી એકત્રિત કરીને કમ્પ્યુટરનો વધુને વધુ સ્માર્ટ ઉપયોગ કરવો શક્ય છે. જેમ કે, એમઆરઆઈ, એક્સ રે અને સી.ટી. સ્કેનથી નિદાન કરતી વખતે કોગ્નિટિવ વિઝ્યુઅલ કમ્પ્યુટિંગ વધુ સારું કામ આપી શકે છે. આ ટેક્નોલોજીની મદદથી ડૉક્ટરો ટ્યૂમર, બ્લડ ક્લોટ અને અન્ય મુશ્કેલીને ઓળખીને ઝડપથી સારવાર શરૂ કરી શકશે. એવી જ રીતે, ચામડીના કેન્સરના દર્દીઓની હજારો તસવીરો લઈને કમ્પ્યુટરને એવી તાલીમ આપી શકાશે કે, તે ચામડી જોઈને જ ડર્મેટોલોજિસ્ટને ઝડપથી નિદાન આપી શકે!

શ્રવણશક્તિ

અત્યારે સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને તમે તમારું બાળક ઘરે  કેમ રડી રહ્યું છે અને કૂતરું કેમ ભસી રહ્યું છે તે જાણી જ શકો છો. બસ આવી જ રીતે, પાંચેક વર્ષમાં જ કમ્પ્યુટરમાં કોગ્નિટિવ ટેક્નોલોજીની મદદથી ચોક્કસ પ્રકારનું અલગોરિધમ વિકસાવીને કમ્પ્યુટરને શ્રવણેન્દ્રિય આપી શકાશે. જેમ કે, નાનકડું બાળક દુઃખાવો, ભૂખ કે અકળામણ એમ ઘણાં બધા કારણોસર રડતું હોય છે. પરંતુ ડૉકટો માટે પણ તે સમજવું ક્યારેક અઘરું હોય છે.

કમ્પ્યુટરને શ્રવણેન્દ્રિય આપવા મથતા
દિમિત્રી કાનેવાસ્કી, આઈબીએમ રિસર્ચ સાયન્ટિસ્ટ
આ અંગે આઈબીએમની ટીમે દરેક ઉંમરના બેબી સાઉન્ડના ડેટાના આધારે ભવિષ્યમાં વિકસિત થનારી ટેક્નોલોજીની પેટન્ટ કરાવી છે. આ માટે ટેક્નોલોજિસ્ટો ડૉક્ટરોની મદદથી મગજ, હૃદય અને ફેફસાનો અભ્યાસ કરીને બેબીની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ ટ્રાફિક અને શુદ્ધ પાણીનું ‘સ્માર્ટ’ વિતરણ કરવા માટેના સેન્સર ઉપલબ્ધ છે. બસ આ જ સેન્સરનો ઉપયોગ કરીને અવાજને પણ ઓળખી શકાય છે. જેમ કે, વાવાઝોડા વખતે વૃક્ષ કેવો તણાવ અનુભવે છે અને તણાવના કયા સ્તરે તે રસ્તા પર ધરાશયી થઈ જશે, એ પણ સેન્સરની મદદથી જાણી શકાય છે. આ સેન્સર ડેટા-સેન્ટરમાં આવી ઊંડાણપૂર્વકની માહિતી મોકલી શકે છે. પરિણામે આપણે કુદરતી હોનારતો વખતે અગમચેતીના પગલાં લઈ શકીએ છીએ. આ ‘ઓડિટરી સિગ્નલ પ્રોસેસિંગ સેન્સર’ને વિકસાવીને વધુ સારા હિયરિંગ એઈડ્સ બનાવી શકાય છે. એવી જ રીતે, ભવિષ્યમાં તમારો સ્માર્ટફોનમાં ખૂબ સરળતાથી બેકગ્રાઉન્ડ નોઈઝ પણ દૂર કરી શકાશે.

ધ્વનિ દર સેકન્ડે હજારો ફ્રિક્વન્સી પર 340 મીટર પ્રવાસ કરે છે. પરંતુ આઈબીએમની રિસર્ચ ટીમ અલ્ટ્રાસોનિક ફ્રિક્વન્સીના ડેટાની પણ ઊંડી માહિતી મેળવી રહી છે, જે ફ્રિક્વન્સીનો અવાજ માનવી સાંભળી નથી શકતો. જોકે, અલ્ટ્રાસોનિક ડિવાઈસની મદદથી વિજ્ઞાનીઓ ડોલ્ફિન જેવા સમુદ્રી જીવોનો અવાજ સાંભળીને સંશોધન કરતા હોય છે. આ સિદ્ધાંતના આધારે કંઈક એવી ટેક્નોલોજીનો વિકાસ કરાઈ રહ્યો છે. જેમ કે, તમારા સ્માર્ટફોન સાથે અલ્ટ્રાસોનિક સિસ્ટમ જોડાયેલી હશે અને તે સ્પીકરના અવાજને અલ્ટ્રાસોનિક ફ્રિક્વન્સીમાં પરિવર્તિત કરી દેશે. આ ટેક્નોલોજીની મદદથી હજારોના ટોળામાં પણ ફક્ત એક જ વ્યક્તિને મેસેજ આપી શકાશે. જેમ કે, કોઈ આતંકવાદી ઘટના વખતે પોલીસ અધિકારીઓ માઈકનો ઉપયોગ કર્યા વિના રસ્તા પરથી જતા અમુક લોકોને મેસેજ આપી શકશે. આ માટે રીસિવિંગ ડિવાઈસની પણ જરૂર નહીં પડે. એવી જ રીતે, માતાપિતા પણ તેમના ક્રિકેટ રમવા ગયેલા બાળકને મેસેજ આપીને ઘરે બોલાવી શકશે. ભલે, પછી તેની પાસે મોબાઈલ ફોન નહીં હોય!

સ્વાદેન્દ્રિય

ધારી લો કે, એક ભવ્ય પાર્ટીમાં ડાઈનિંગ ટેબલ પર સુંદર રીતે રાંધીને તૈયાર કરેલી વાનગીઓ પડી છે. પરંતુ કોઈ પણ એવું ન કહી શકે કે આ બધુ જ ખાવાનું સ્વાદની દૃષ્ટિએ એકદમ ‘ખામીરહિત’ છે કે નહીં. વળી, દરેક માણસને જુદા જુદા પ્રકારના સ્વાદ માણવા ગમતા હોય છે. પરંતુ હવેના પાંચ વર્ષમાં કમ્પ્યુટરમાં સ્વાદેન્દ્રિય પણ આવી જશે. એટલું જ નહીં, ભવિષ્યનું કમ્પ્યુટર ટેબલ પર પડેલી વાનગી કેટલી સ્વાદિષ્ટ અને કેવા કેવા પોષક દ્રવ્યોથી ભરેલી છે તે પણ કહી શકશે.

કમ્પ્યુટરને સ્વાદ આપવામાં વ્યસ્ત લાવ વાર્શની,
આઈબીએમ રિસર્ચ સાયન્ટિસ્ટ
કમ્પ્યુટરને સ્વાદેન્દ્રિય આપવા ટેક્નોલોજિસ્ટો વિવિધ વાનગીઓમાં કેમિકલ કમ્પાઉન્ડ એકબીજા સાથે કેવી રીતે ભળે છે, દરેક સંયોજનમાં કેટલા અણુ હોય છે અને તેમનું રાસાયણિક બંધારણ શું હોય છે, તે કેવી રીતે બદલાય છે વગેરે ડેટા ભેગા કરી રહ્યા છે. પરંતુ દરેક માણસને અલગ અલગ પ્રકારના સ્વાદ પસંદ હોય છે. આ માટે સંશોધકો મનોવૈજ્ઞાનિક સ્તરે પણ અભ્યાસ કરી રહ્યા છે. જેમ કે, કયા મગજના કયા રસાયણોના કારણે માણસને ચોક્કસ પ્રકારના સ્વાદ પસંદ પડે છેઆ ટેક્નોલોજીની મદદથી હૃદયરોગ, સ્થૂળતા તેમજ ચોક્કસ વિટામિનોની ખામીથી થતા રોગો નિવારી શકાશે. કારણ કે, આવા મશીનની મદદથી લૉ ફેટ હલવો અને લૉ સોડિયમ વેફરો પણ તૈયાર કરી શકાશે. એટલું જ નહીં, આરોગ્ય ખાતું આવા મશીનોની મદદથી વાનગીઓની ચકાસણી પણ કરી શકશે. વિકાસશીલ દેશોમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે પણ આ ટેક્નોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત વિવિધ દર્દીઓ અને ગર્ભવતીઓ માટે પોષણયુક્ત આહાર નક્કી કરવામાં પણ મદદ મળશે. ભારતમાં અમુક વિસ્તારોના લોકોને ચોક્કસ પોષકદ્રવ્યો ધરાવતો ખોરાક જ મળે છે. આવી ભૌગોલિક સ્થિતના કારણે ઉદભવતી તકલીફોનું નિવારણ પણ સારી રીતે કરી શકાશે. પરિણામે અમુક પ્રકારના રોગો અમુક વિસ્તારોના લોકોમાં વધુ જોવા મળે છે. પરંતુ સંશોધકોને આશા છે કે, કમ્પ્યુટરમાં સ્વાદેન્દ્રિય વિકસાવીને દરેક માણસને ગમે તેવા સ્વાદમાં પોષક આહાર ડિઝાઈન કરી શકાશે. જેના કારણે કુપોષણ જેવી મુશ્કેલીઓ સામે પણ સરળતાથી લડી શકાશે.

ઘ્રાણેન્દ્રિય

આપણે શ્વાસ લઈએ ત્યારે લાખો અણુઓ અંદર લઈને છીએ અને બહાર કાઢીએ છીએ. આમાંના કેટલાક અણુઓ બાયોમાર્કર હોય છે, જેમાં તમારા શરીરની ઘણાં પ્રકારની માહિતી આપી શકે છે. આ અણુઓ માહિતીને ઓળખીને કમ્પ્યુટરની મદદથી વ્યક્તિના આરોગ્ય વિશે જાણકારી મેળવી શકાય છે.
કોગ્નિટિવ કમ્પ્યુટિંગના યુગમાં કમ્પ્યુટર વધુને વધુ ડેટાનું વિશ્લેષણ કરી શકશે. વળી, કમ્પ્યુટર પોતાની ભૂલો અને ખામીઓમાંથી નવું શીખશે પણ ખરા. હા, માણસની સરખામણીમાં મશીન પોતાની ખામી ખૂબ ઝડપથી સુધારી લેશે અને મોટે ભાગે એકની એક ભૂલ બીજી વાર નહીં કરે. આ ટેક્નોલોજી આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. જોકે, કમ્પ્યુટર સૂંઘી કેવી રીતે શકશે તે યક્ષપ્રશ્ન છે.

કમ્પ્યુટરને ધ્રાણેન્દ્રિય આપવા સંશોધન કરી રહેલા
હેન્ડ્રિક હેમેન, રિસર્ચ મેનેજર, ફિઝિકલ એનાલિટિક્સ
ટેક્નોલોજિસ્ટોને આશા છે કે, નાનકડા સ્મેલ સેન્સરની મદદથી કમ્પ્યુટર કે સ્માર્ટફોન સૂંઘી શકશે. આ માટે કમ્પ્યુટરમાં અગાઉથી બધા જ બાયોમાર્કર ફિડ કરી દેવામાં આવશે અને તેની મદદથી કમ્પ્યુટર વિવિધ ડેટાનું વિશ્લેષણ કરી શકશે. સામાન્ય ભાષામાં કહીએ તો, આવી ટેક્નોલોજી બ્રેથએનાલાઈઝર જે સિદ્ધાંત પર કામ કરે છે તેવી હશે. હાલ કોઈ માણસે દારૂ પીધો છે કે નહીં તે જાણવા માટે વિશ્વભરની પોલીસ બ્રેથએનાલાઈઝરનો જ ઉપયોગ કરે છે. આ જ ટેક્નોલોજીને વધુ વ્યાપક સ્તરે વિકાસ કરવા સંશોધકો બાયોમાર્કર ડેટા એકત્રિત કરી રહ્યા છે. જેની મદદથી ભવિષ્યના કમ્પ્યુટર લિવર કે કિડની ડિસઓર્ડર, ડાયાબિટીસ અને ટીબી જેવા રોગોનું નિદાન કરી શકશે. જોકે, આવા સેન્સરની ક્ષમતા અનેક પરિબળો પર આધારિત છે. તેથી અત્યારે લેબમાં સેન્સિંગ સિસ્ટમની મદદથી બાયોમાર્કરથી લઈને મોલેક્યુલને કમ્પ્યુટર સૂંઘીને ઓળખી શકે છે કે નહીં એ જાણવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

26 December, 2012

ભારતમાં આયોજિત સૌથી પહેલો આંતરરાષ્ટ્રીય આર્ટ ફેર


કેરળના કોચીના કિલ્લામાં પ્રવેશ કરતા જ વિશ્વવિખ્યાત કલાકારોના ચિત્રો, શિલ્પો અને જાતભાતના ઈન્સ્ટૉલેશન જોવા મળે છે. અહીં દુબઈમાં પોતાની લાલચટક ફેરારી કારમાં બેઠેલા એમ.એફ. હુસૈનની તસવીર પણ જોવા મળે છે, તો અતુલ ડોડિયા મહાન ભારતીય કલાકારોના પોટ્રેટ સાથે ઓળખાણ કરાવે છે. કોચીના કિલ્લામાં આવેલા એસ્પિનવૉલ હાઉસમાં 12મી ડિસેમ્બર, 2012થી કોચી-મુઝિરિસ બિનિઅલ નામે એક ભવ્ય આર્ટ ફેર શરૂ થયો છે. આ આર્ટ ફેર સતત ત્રણ મહિના સુધી એટલે કે 13મી માર્ચ, 2012 સુધી ચાલવાનો છે. આયોજકોનું કહેવું છે કે, અહીં પ્રથમ દિવસે જ લગભગ દસેક હજાર કલાકારોએ નોંધણી કરાવી દીધી હતી

કેરળનું કોચી-મુઝિરિસ બિનિઅલ ભારતમાં યોજવામાં આવેલું સૌથી પહેલું આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન છે. કદાચ એટલે જ વિશ્વભરના કલાકારો અને કલા વિવેચકો આ આર્ટ ફેર પર બાજનજર રાખી રહ્યા છે. આ પ્રકારના આર્ટ ફેરમાં જાહેર સ્થળે જ કલાત્મક રીતે કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત કલાકૃતિઓના પ્રદર્શન માટે મોટે ભાગે ઐતિહાસિક સ્થળોની કે બહુ ઉપયોગમાં ના લેવાતી હોય એવી બિલ્ડિંગની પસંદગી કરવામાં આવે છે. મુઝિરિસ કોડુન્ગલ્લુરમાં આવેલું દરિયા કિનારાનું બંદરીય શહેર છે. થોડા વર્ષો પહેલાં આ બંદર પરથી જ સ્થાનિક લોકો વિદેશીઓ સાથે મરીમસાલાનો વ્યાપાર કરતા હતા. તેથી અહીં એક કિલ્લો પણ બાંધવામાં આવ્યો હતો. કોચી-મુઝિરિસ બિનિઅલ અંતર્ગત કિલ્લાની અંદર અને બહારના અનેક સ્થળોએ દુનિયાભરના કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ચિત્રો, શિલ્પો, ફિલ્મો, ઈન્સ્ટૉલેશન અને ન્યૂ મીડિયા એન્ડ પર્ફોર્મિંગ આર્ટ્સ પણ જોવા મળે છે. આયોજકોના મતે, કોચી-મુઝિરિસ બાયનેલમાં 24 દેશના 1,300 કલાકારોએ ભાગ લીધો છે.

એક સમયે ખંડેર ભાસતું એસ્પિનવૉલ હાઉસ અત્યારે
કલાત્મક પ્રવૃત્તિથી ધમધમતું થઈ ગયું છે

કોઈ પણ આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનની જેમ કોચી-મુઝિરિસ બાયનેલમાં પણ કલાને લગતા વાર્તાલાપો, પરિસંવાદો, શિબિરો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિનું પણ આયોજન થઈ રહ્યું છે. આ પ્રકારના કાર્યક્રમોનો હેતુ સ્થાનિક કલાકારો અને શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો હોય છે. આયોજકોને આશા છે કે, ત્રણ મહિનામાં તેઓ આઠેક લાખ મુલાકાતીઓને આકર્ષી શકશે. આ કલા પ્રદર્શન યોજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા એક આયોજક કહે છે કે, કોચીના કિલ્લાની બહાર તમે કારની લાંબી લાઈનો જોઈ શકો છો અને સાંજ થતા અહીં તમને માણસોના ટોળેટોળા જોવા મળશે. જાણીતા લેખક પોલ ઝકરિયા કહે છે કે, “કેરલની સમકાલીની કલાના ઈતિહાસમાં બિનિઅલ ટર્નિંગ પોઈન્ટસાબિત થઈ શકે છે. મલયાલીઓ ફિલ્મો, નાટકો અને અન્ય કલા પ્રદર્શનોમાં ખાસ્સા ઉત્સાહથી ભાગ લે છે. પરંતુ અહીં બાયનેલની ખોટ વર્તાતી હતી. મને આશા છે કે, મારા સાથીદારો તેનો પૂરેપૂરો લાભ ઉઠાવશે. તેનાથી કેરલના પ્રવાસન ઉદ્યોગને પણ ફાયદો થશે.”

આ આર્ટ ફેરથી ખુશખુશાલ કલાકારો કહે છે કે, કેરલમાં અત્યાર સુધી મ્યુઝિયમ કે ગેલેરી કલ્ચરની બહુ જ મોટી ખોટ વર્તાતી હતી. પરંતુ કોચી-મુઝિરિસ બાયનેલની શરૂઆતથી તે ખોટ થોડીઘણી પણ ભરપાઈ થઈ શકે એમ છે. આ અંગે જાણીતા કલાકાર બોઝ ક્રિષ્ણામાચારી કહે છે કે, “અમે ઝીરોથી શરૂઆત કરી હતી અને એ વખતે અમારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે કલ્ચર પોલિસી જેવું કશું ન હતું. પરંતુ બાયનેલના કારણે ભારતમાં સમકાલીન કલાને લગતી કોઈ પ્રવૃત્તિ શરૂ થઈ છે.” જ્યારે આ કલા પ્રદર્શનમાં કો-ક્યુરેટર તરીકે સેવા આપી રહેલા રિયાઝ કોમુ કહે છે કે, “અમે એક ચળવળનો ભાગ બની શક્યા છીએ અને દુનિયાના કલાના નકશામાં ભારતને મૂકવાનો અમને ગર્વ છે. લોકો સુધી સંદેશ પહોંચાડવી એ આપણી ફરજ છે.”

જુદા જુદા વાસણોનો ઉપયોગ કરી બનાવેલી સુબોધ ગુપ્તાની
‘ધ લાઈન ઓફ કંટ્રોલ’ કલાકૃતિ
એલ્યુમિનિયમ અને લાકડામાંથી બનાવેલું કલાકાર સુંદરમ શેટ્ટીનું શિલ્પ

કેરલનું કોચી અને મુઝિરિસ એક સમયે મરીમસાલાના વેપારનું કેન્દ્ર ગણાતું હતું. જોકે આ વેપાર મોટે ભાગે ઈંગ્લિશ, ડચ અને પોર્ટુગિઝોએ વહેંચી લીધો હતો. બસ, આ વાતને ધ્યાનમાં રાખીને જ ક્યુરેટરોએ કોચી-મુઝિરિસ બિનિઅલ માટે આ સ્થળની પસંદગી કરી હતી. જોકે, આ માટે તેમને મુશ્કેલીમાંથી પણ પસાર થવું પડ્યું હતું. કારણ કે, કોચી-મુઝિરિસ બાયનેલને મળેલા પ્રચંડ પ્રતિસાદના કારણે ક્યુરેટરોએ એક-બે નહીં પણ સતત દસ વાર કલા પ્રદર્શનની જગ્યા વધારવા જાતભાતના નુસખા અજમાવવા પડ્યા હતા. એવી જ રીતે તમામ કલાકારોને પણ તેમના ઈન્સ્ટૉલેશનને ધ્યાનમાં રાખીને જ જગ્યા ફાળવવામાં આવે છે.

જેમ કે, કલાકારો ક્રિસ્ટોફર સ્ટોર્ઝ અને શીલા ગૌડાએ જાતભાતના 170 પત્થરનું ઈન્સ્ટૉલેશન કર્યું છે. એક સમયે કોચીના મરીમસાલા બજારમાં મસાલાનું વજન કરવા માટે આ પત્થરોનો ઉપયોગ કરવામાં આવતો  હતો. આ પ્રકારના બજાર સો-બસો વર્ષ પહેલાં જેટી તરીકે ઓળખાતા હતા. ક્રિસ્ટોફર ઉત્સાહપૂર્વક કહે છે કે, “અહીં પ્રદર્શિત કરેલા તમામ પત્થરની એક આગવી કહાની છે. એક સમયે તે અહીંના લોકોના જીવનનો અભિન્ન હિસ્સો હતા, પરંતુ હવે આ પ્રકારના પત્થરોની કોઈ જરૂરિયાત નહીં હોવાથી તે રસ્તામાં ફેંકી દેવાયા છે.” શીલાનું કહેવું છે કે, “કંઈક આવા જ કારણોસર આ પત્થરોને અહીં લાવવા જરૂરી હતા. કારણ કે, તેની સાથે યાદો અને કહાનીઓ જોડાયેલી છે.”

જોકે, કેરલના અનેક સ્થાનિક કલાકારોએ કલાકૃતિઓ પસંદ કરવામાં પારદર્શકતા નહીં જાળવી હોવાના આરોપો મૂકતા આ આર્ટ ફેર વિવાદમાં ઢસડાયો છે. બીજી તરફ, કેરલના જ અનેક કલાકારોએ આવા આરોપોને ફગાવી દીધા છે અને કોચી-મુઝિરિસ બાયનેલમાં સહકાર આપવાનું પસંદ કર્યું છે. નોંધનીય છે કે, ‘ફોર્બ્સમેગેઝિને વર્ષ 2012ના મહત્ત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોની યાદીમાં ભારતમાંથી ફક્ત કોચી-મુઝિરિસ બાયનેલનો જ સમાવેશ કર્યો છે. કારણ કે, આ પ્રદર્શનમાં ત્રણેક મહિનામાં જ આઠ લાખ જેટલા વિદેશી પ્રવાસીઓ આવશે એવો નિષ્ણાતોનો અંદાજ છે.

બાયનેલની શરૂઆત ક્યાંથી થઈ હતી?

બોઝ ક્રિષ્ણામાચારી અને રિયાઝ કોમુ  
ઈટાલીના વેનિસ શહેરમાં દર બે વર્ષે સમકાલીન કલાકારોને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક ભવ્ય આર્ટ ફેરનું આયોજન કરવામાં આવે છે. બિનિઅલ ઈટાલિયન શબ્દ છે, અને તેનો અર્થ થાય છે દર બે વર્ષે’. સૌથી પહેલો બિનિઅલ વર્ષ 1895માં યોજાયો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે, વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ પણ આ જ આર્ટ ફેરનો હિસ્સો છે. જેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે, આ આર્ટ ફેરનું આયોજન કેટલા મોટા પાયે કરવામાં આવતું હશે! એટલું જ નહીં, આ આર્ટફેર અંતર્ગત વેનિસ બિનિઅલ ઓફ આર્કિટેક્ચરનું પણ આયોજન કરાય છે અને વર્ષ 1999થી તેમાં ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ કન્ટેમપરરી ડાન્સ પણ ઉમેરવામાં આવ્યો છે. આ દરમિયાન વર્ષ 2010માં મુંબઈ સ્થિત કલાકારો બોઝ ક્રિષ્ણામાચારી અને રિયાઝ કોમુને કેરલના સંસ્કૃતિ મંત્રી એમ.. બેબીએ વેનિસ બિનિઅલ પ્રકારના આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનને કેરલમાં શરૂ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. તેમનો હેતુ ભારતના સમકાલીન કલાકારોને એક મજબૂત માધ્યમ પૂરું પાડવાનો હતો. આ વિચારમાંથી જ કોચી-મુઝિરિસ બાયનેલનો જન્મ થયો છે. આમ હાલ વિશ્વભરમાં વેનિસ બાયનેલની 150થી પણ વધુ આવૃત્તિનું આયોજન કરાય છે. જોકે, વિવિધ દેશોમાં યોજાતા આ પ્રકારના આર્ટ ફેરમાં સ્થાનિક કલા-સંસ્કૃતિ, ફિલ્મો, નાટકો, સંગીત અને સાહિત્ય વગેરેને જ વધુમાં વધુ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

નોંધઃ તસવીરો ઈન્ટરનેટ પરથી લીધી છે.