26 August, 2012

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, ‘સીમી’નો નવો ચહેરો?


આજે સાયબર ટેક્નોલોજીના જમાનામાં દરેક દેશે જાણી લેવું જોઈએ કે, તેમની પાસે સાયબર ક્રાઈમને રોકવા માટે પૂરતું માળખું તેમજ આવા ગુનેગારોને કડક સજા કરવા કાયદો છે કે નહીં? ધર્મ, જાતિ, ભાષા વગેરેનું અપાર વૈવિધ્ય ધરાવતા ભારત જેવા દેશ માટે તો આ અત્યંત જરૂરી છે. ઈન્ટરનેટ સ્વતંત્રતાની આક્રમક તરફેણ કરનારા લોકો પણ વિવિધ વેબસાઈટો પર અપલોડ કરાતા કોમવાદી લાગણીઓ ઉશ્કેરે એવા કન્ટેન્ટનો સજ્જડ વિરોધ કરે છે, જેના કારણે દેશના હજારો ઈશાન ભારતીયોને બિસ્તરા પોટલા લઈને રાતોરાત વતનમાં જવાની ફરજ પડી હતી. આસામની ઘટના વખતે કેન્દ્ર અને રાજ્ય સરકારના સતત આશ્વાસન છતાં ઈશાન ભારતીયોએ વતન તરફ ‘ભાગવાનું’ ચાલુ રાખ્યું એ પાછળ ઈન્ટરનેટ અને મોબાઈલ ફોને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સ્થિતિમાં લોકોને ઉશ્કેરતા વીડિયો, તસવીરો કે ધમકીભર્યા મોબાઈલ મેસેજના કારણે પૂર્વોત્તર ભારતના લોકોમાં ભયનું મોજું વ્યાપી ગયું હતું. પરિણામે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે 309 વેબસાઈટ અને સોશિયલ નેટવર્ક સાઈટો પર નફરત ફેલાવતા એકાઉન્ટ બ્લોક કરી દીધા હતા તેમજ જથ્થાબંધ એસએમએસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, આ નફરતની આગ ફેલાવવા પાછળ કોનું ભેજું હતું? કેન્દ્ર સરકાર કહી રહી છે કે, પાકિસ્તાનસ્થિત હરકત ઉલ જિહાદ અલ ઈસ્લામી (હુજી) અને ભારતની પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓએ આવું ભડકાઉ કન્ટેન્ટ અપલોડ કર્યું હતું અને જથ્થાબંધ મેસેજ કર્યા હતા. પરંતુ પીએફઆઈ આવી કોઈ પણ પ્રવૃત્તિ પાછળ પોતાનો હાથ હોવાનો ઈનકાર કરી રહી છે.


તમિળનાડુમાં પોલીસ વિરુદ્ધ દેખાવો કરી રહેલા પીએફઆઈના કાર્યકરો 

આમ દેશભરના ઈશાન ભારતીયોએ વતન તરફ હિજરત ચાલુ કરી ત્યારે પીએફઆઈ પ્રકાશમાં આવી હતી. આ સંસ્થા અત્યાર સુધી મોટે ભાગે દક્ષિણ ભારતમાં સક્રિય હોવાનું મનાઈ રહ્યું છે. હજુ જુલાઈ 2012માં કેરળ પોલીસના ઈન્ટેલિજન્સ વિંગના એડિશનલ ડીજીપી સિદ્દિક રાવથેરે કેરળ હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે, “પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સીમી)નું જ નવું રૂપ છે, અને આ સંસ્થા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ છે.” આ એફિડેવિટમાં સ્પષ્ટ કહેવાયું છે કે, આ સંસ્થા નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ જેવા છેતરામણાં નામે આત્યંતિક વિચારો ફેલાવવામાં માહેર છે. ‘સીમી’ પર પ્રતિબંધ મૂકાયો એ પહેલાં તે બિલકુલ પીએફઆઈ જેવું જ કામ કરતી હતી. ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધાયેલી પીએફઆઈના તમામ સભ્યો ‘સીમી’ના પૂર્વ મુસ્લિમ સભ્યો છે, જેમનું લક્ષ્ય ભારતમાં ચુસ્ત ઈસ્લામિક વિચારો ફેલાવવાનું છે. નવાઈની વાત તો એ છે કે, પીએફઆઈએ 15મી ઓગસ્ટે કેરળમાં ચાર સ્થળે ‘ફ્રીડમ પરેડ’ યોજવા માટે જુલાઈ 2012માં પોલીસની મંજૂરી માંગી હતી. પરંતુ ‘ફ્રીડમ પરેડ’ જેવું શંકાસ્પદ નામ ધરાવતી રેલીને પોલીસે મંજૂરી ના આપતા પીએફઆઈએ કેરળ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે, કેરળ હાઈકોર્ટે પણ ત્રીજી ઓગસ્ટે આ પ્રકારની પરેડ કરવાથી રાજ્યની કોમી શાંતિ જોખમમાં મૂકાઈ શકે છે એમ કહીને પીએફઆઈની ‘ફ્રીડમ પરેડ’ યોજવાની અપીલ ફગાવી દીધી હતી.

પીએફઆઈ પોતાની સત્તાવાર વેબસાઈટ પર જણાવે છે કે, “હાલનું સામાજિક-આર્થિક વિકાસ મોડેલ દેશના લોકોની ગરીબી અને પછાતપણું દૂર કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે...” “પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા રાષ્ટ્રના વંચિત અને કચડાયેલા વર્ગના સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય વિકાસની દિશામાં સંકલન અને સંચાલન પૂરું પાડવાનો એક પ્રયાસ છે. આ એક ભેદભાવ રહિત સમાજ રચવાનો પ્રયાસ છે, જ્યાં તમામને સ્વતંત્રતા, ન્યાય અને રક્ષણ મળતું હોય.” જોકે, આવી ડાહી વાતો કરતી પીએફઆઈએ તાજેતરમાં જ કેરળમાં તાલીબાનોને શરમાવે એવા કૃત્ય કર્યા હતા. પીએફઆઈના સાત કાર્યકરોએ કેરળના પારાવૂરમાં આઠમી ઓગસ્ટે સ્થાનિક મસ્જિદ સમિતિના એક સભ્ય નસીર વનિયાક્કડ પર તલવારો અને પાઈપો વડે હુમલો કરીને રહેંસી નાંખ્યો હતો. નસીરનો વાંક ફક્ત એટલો જ હતો કે, સ્થાનિક મસ્જિદ સમિતિમાં તેનું જૂથ પીએફઆઈના સભ્યો કરતા વધુ મજબૂત થઈ ગયું હતું.

કેરળ પોલીસે ખૂબ ઝડપથી નસીર પર હુમલો કરનારા 19 લોકોને ઓળખી કાઢ્યા હતા, પરંતુ હજુ સુધી ફક્ત પાંચ આરોપીની ધરપકડ થઈ શકી છે. આ આરોપીઓના રિમાન્ડ રિપોર્ટમાં પોલીસે લખ્યું છે કે, આ કેસમાં કુલ 19 દોષિત છે, અને આ તમામ આરોપી પીએફઆઈ અને હાલ પ્રતિબંધિત સંસ્થા ‘સીમી’ના જ પૂર્વ કાર્યકરો છે. નોંધનીય છે કે, ચોથી જુલાઈ, 2010ના રોજ પીએફઆઈના કાર્યકરોએ ટી.જે. જોસેફ નામના પ્રોફેસરનો જમણો હાથ કાપી નાંખ્યો હતો. પીએફઆઈનું કહેવું હતું કે, જોસેફે એક પ્રશ્નપત્રમાં મોહમ્મદ પયગંબરની નિંદા થાય એ મુજબનો પ્રશ્ન પૂછ્યો છે. નસીર પરના હુમલાને દક્ષિણ ભારતા અખબારોએ ‘તાલિબાની હુમલો’ કહીને વખોડી કાઢ્યો હતો. કારણ કે, નસીરના હાથ, પગ પર એટલા ક્રૂર પ્રહાર કરવામાં આવ્યા હતા કે, ડૉક્ટરો પણ નસીરનો દેહ જોઈને સમસમી ગયા હતા. ડૉક્ટરોએ નસીરને બચાવી લીધો હતો, પરંતુ તેનો જમણો પગ ફરી ક્યારે સાજો થશે એ કહી શકાય એમ નથી. આઘાતજનક વાત તો એ છે કે, પોતાની સામે પડનારાને શારીરિક પંગુ બનાવી નાંખવો એ પીએફઆઈની નીતિ છે. નસીર પર જીવલેણ હુમલો કરનારા કાર્યકરોએ કબૂલ્યું હતું કે, તેઓ ભારતીય બંધારણ ફગાવીને ઈસ્લામિક કાયદાનું શાસન લાવવા માંગે છે.

બીજી તરફ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓએ કેન્દ્ર સરકારને સંકેત આપ્યા છે કે, દક્ષિણ ભારતમાં ઈસ્લામિક કોર્ટનું અસ્તિત્વ હોઈ શકે છે, અને તેઓ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સંગઠિત થઈ શકે છે. વર્ષ 2010માં પ્રોફેસર જોસેફ પર તાલિબાન સ્ટાઈલમાં હુમલો થયો એ કેરળમાં તાલિબાન ઈસ્લામિક કોર્ટ હોવાનો પહેલો સંકેત હતો. એવા અહેવાલ છે કે, કેરળ સહિતના રાજ્યોમાં પ્રવર્તમાન ઈસ્લામિક કોર્ટો મિલકત અને કૌટુંબિક ઝઘડાઓનું ઈસ્લામિક કાયદા મુજબ નિવારણ લાવે છે. જોકે, કેરળના ગૃહ મંત્રી કોટિયેરી બાલાક્રિષ્નન જણાવે છે કે, “ધાર્મિક વડાઓ આવા ઝઘડાના ઉકેલ લાવે છે, પરંતુ રાજ્યમાં તાલિબાન મોડેલ કોર્ટ હોવાના કોઈ પુરાવા નથી.”

જોકે તાલિબાન કોર્ટ હોય કે ન હોય તેનાથી વધુ મહત્ત્વનું એ છે કે, ‘હુજી’ અને પીએફઆઈ જેવા સંગઠનો દેશમાં આતંકવાદ ફેલાવવામાં રસ રાખી રહ્યા છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના સૂત્રો જણાવે છે કે, “આસામમાં આતંકવાદ ફેલાવવામાં ‘હુજી’ને રસ છે. તેઓ નવા ભરતી થયેલા લોકોનો દેશના વિવિધ ભાગમાં હુમલા કરવા ઉપયોગ કરી શકે છે.” જોકે, આસામ ઘટના વખતે અફવા ફેલાવવામાં પોતાનો હાથ હોવા મુદ્દે પીએફઆઈના અધ્યક્ષ અબુ રહેમાન અને કર્ણાટકના પ્રમુખ અશરફ મૌલવી સ્પષ્ટ ઈનકાર કરતા કહે છે કે, અમને બદનામ કરવા પાછળ ‘કોમવાદી બળો’નો હાથ છે. પરંતુ દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને કેરળમાં પીએફઆઈ દ્વારા કરાયેલા તાલિબાની કૃત્યો કંઈક જુદુ જ બયાન કરે છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

No comments:

Post a Comment