07 April, 2016

પંચતંત્રની વાર્તાઓ પાછળની વાર્તા


વિશ્વભરના બાળસાહિત્યના ઈતિહાસમાં ‘પંચતંત્ર’ જેટલી સફળતા કદાચ કોઈને નથી મળી. પંચતંત્રની વાર્તાઓ જેટલા વ્યાપક અનુવાદ ભારતની નહીં પણ વિશ્વની એકેય સાહિત્યિક કૃતિના નથી થયા. છેક ત્રીજી સદીમાં વિષ્ણુ શર્મા (સંસ્કૃત નામ વિષ્ણુશર્મન) નામના વિદ્વાને સંસ્કૃતમાં લખેલી આ વાર્તાઓ આજેય દુનિયાના કોઈ પણ દેશના બાળકને અપીલ કરે છે. સંસ્કૃત ભાષાના અમેરિકન વિદ્વાન ફ્રેન્કલિન એડર્ટનના (૧૮૮૫-૧૯૬૩) સંશોધન પ્રમાણે, દુનિયાની ૫૦થી પણ વધારે ભાષામાં પંચતંત્રની વાર્તાઓ વાંચવા મળે છે, જેમાં ત્રીજા ભાગની ભાષાઓ ભારતની નથી. ૧૧મી સદીમાં જ આ વાર્તાઓ યુરોપ પહોંચી ગઈ હતી. ઈસ. ૧૬૦૦ સુધી તે અંગ્રેજી, ગ્રીક, લેટિન, સ્પેનિશ, જર્મન, ઈટાલિયન, જૂની સ્લેવોનિક ભાષાઓ એટલે કે રશિયન, યુક્રેનિયન, ઝેક અને બલ્ગેરિયનમાં પણ અનુવાદિત થઈ ગઈ હતી. ઈન્ડોનેશિયાના જાવા ટાપુઓની જાવાનીઝ અને રિપબ્લિક ઓફ આઈલેન્ડની આઈલેન્ડિક જેવી અત્યંત ઓછી જાણીતી ભાષાઓમાં પણ પંચતંત્રની વાર્તાઓ વાંચવા મળે છે...

અમેરિકાના જાણીતા લેખક ફ્રેન્કલિન એડર્ટને કરેલી આ નોંધ વાંચીને દુનિયાના કોઈ પણ ભાષાના સાહિત્યકારને વિષ્ણુ શર્માની ઈર્ષા થઈ શકે! તેઓ અમેરિકાની યેલ અને પેન્સિલવેનિયા તેમજ ભારતની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણાવતા હતા. એડર્ટન ભગવદ્ ગીતાના અત્યંત ઉચ્ચ દરજ્જાના અંગ્રેજી અનુવાદના કારણે વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા હતા, જે વર્ષ ૧૯૪૪માં હાવર્ડ ઓરિએન્ટલ સીરિઝ હેઠળ પ્રકાશિત થયો હતો. તેમણે વિષ્ણુ શર્મા લિખિત સિંહાસન બત્રીસીની સંસ્કૃત કથાઓનું પણ સંપાદન કર્યું હતું. વિષ્ણુ શર્મા લિખિત પંચતંત્રની વાર્તાઓ અત્યારે મૂળ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી, પરંતુ અથાક સંશોધન કરીને તેની પુન:રચના કરવાનો શ્રેય પણ એડર્ટનને જાય છે. પંચતંત્રની વાર્તાઓમાં સદીઓથી ફેરફાર થઈ રહ્યા છે. કોઈએ સ્થાનિક-આધુનિક બોલીઓમાં પંચતંત્રની વાર્તાઓ લખી છે, તો કોઈએ નવા શ્લોક કે કાવ્યોમાં તેને પરિવર્તિત કરી છે. સંસ્કૃત ભાષામાં જ પંચતંત્રની વાર્તાઓની જુદી જુદી ૨૫ આવૃત્તિ મોજુદ છે. આ તમામ આવૃત્તિના લેખકો જુદા છે અને એમના નામ અનેક સંશોધનો પછીયે જાણવા મળ્યા નથી.

‘પંચતંત્ર’નો એક પોસ્ટેજ સ્ટેમ્પ

પંચતંત્ર પર નજર કરતા જણાય છે કે, વિષ્ણુ શર્માએ મહાનવલ લખતા હોય એવી ડિસિપ્લિનથી પંચતંત્રનું સર્જન કર્યું હશે! તેમણે પાંચ ભાગમાં વાર્તાઓ રચી હોવાથી તેને પંચતંત્ર (એટલે કે પાંચ ભાગ) નામ આપ્યું હતું. આ પાંચ ભાગમાં મિત્રભેદ, મિત્રલાભ અથવા મિત્રસંપ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિત કારકનો સમાવેશ થાય છે. મિત્રભેદમાં મિત્રો સાથે થતા મનદુ:ખ અને જુદાઈના આધારે ધીરજ રાખવાનો બોધ અપાયો છે. મિત્રપ્રાપ્તિમાં મિત્ર મળે તો જીવનમાં કેવા કેવા લાભ થઈ શકે એવો સંદેશ આપવા આ વાર્તાઓ કહેવાઈ છે. કાકોલુકિયમમાં કાગડા અને ઘુવડ જેવા પાત્રોના આધારે સ્વાર્થી લોકોથી બચવાની વાર્તાઓ કહેવાઈ છે. લબ્ધપ્રણાશમાં વાંદરા અને મગરની વાતના આધારે હાથ લાગેલી ચીજ હાથમાંથી જતી રહી શકે છે એવો સંદેશ આપતી કથાઓ છે. અપરીક્ષિત કારક એટલે કે છેલ્લા ભાગમાં વિચારશીલ અને ગૂઢ નીતિઓની વાત સરળ શબ્દોમાં કહેવાઈ છે. આ જ ભાગમાં વિષ્ણુ શર્માનું ઊંડુ ચિંતન છતું થાય છે. આ ભાગની મુખ્ય કથા આંધળુ અનુકરણ કરનારાની હાલત ખરાબ થાય છે એવો સંદેશ આપે છે.

વિષ્ણુ શર્માએ આ પાંચેય ભાગની એક મૂળ વાર્તા લખી છે, જેને સાહિત્યની પરિભાષામાં ફ્રેમ સ્ટોરી કહેવાય. આ મૂળ વાર્તાની આડ વાતોમાંથી જ બીજી વાર્તા નીકળે અને એમાંથી ત્રીજી-ચોથી વાર્તા પણ આવે અને એવી રીતે કથા આગળ વધતી જાય. આ શૈલી પંચતંત્રને વધારે રસપ્રદ બનાવે છે. રામાયણ અને મહાભારતમાં પણ આવી વાર્તા શૈલીનો ઉપયોગ કરાયો છે. આપણે વાંચેલી કે સાંભળેલી વાર્તાઓ મોટા ભાગે મૂળ વાર્તાની આડ વાર્તાઓ છે અને અત્યારે બજારમાં પણ પંચતંત્રની એવી જ વાર્તાઓની ભરમાર છે. પદ્ધતિસર લખાયેલા આ પાંચેય ભાગ જોતા એવું અનુમાન થઈ શકે કે, પંચતંત્રનું સર્જન કરતા પહેલાં વિષ્ણુ શર્મા કયા ભાગમાં કયો બોધપાઠ આપવાનો છે એ બાબતે પહેલેથી જ સ્પષ્ટ હતા.

આ વાર્તાઓની બીજી એક ખાસિયત તેનું અદ્ભુત પાત્રાલેખન છે. વિષ્ણુ શર્માએ રાજનીતિ, મનોવિજ્ઞાન અને વ્યવહારુપણાંની સરળ સમજ આપવા માણસોની સાથે પશુ-પંખીઓના પણ સુંદર પાત્રો સર્જ્યા છે. જેમ કે, આ વાર્તાઓમાં માણસોની સાથે સિંહ, વાઘ, શિયાળ, હાથી, સસલું, બળદ અને ગધેડો જેવા પશુઓ તેમજ કાગડો, ઘુવડ, મોર, કબૂતર, પોપટ જેવા પક્ષીઓ અને કીડી જેવા નાનકડા જંતુ જેવા પાત્રો પણ છે. આ વાર્તાઓ વાંચતા ખ્યાલ આવે છે કે, વિષ્ણુ શર્માએ વાર્તાના પાત્રો ઉપસાવતી વખતે તમામ પશુ-પંખીઓનું ઊંડુ નિરીક્ષણ પણ કર્યું હશે! આ ઉપરાંત તેમણે નદી, પર્વત, ગુફા અને વૃક્ષનો પણ પાત્ર તરીકે ઉપયોગ કર્યો છે. વિષ્ણુ શર્માએ આવા પાત્રોની મદદથી આખેઆખું નીતિશાસ્ત્ર રચ્યું છે, જેને આજે દુનિયા ‘પંચતંત્ર’ તરીકે ઓળખે છે.

પંચતંત્ર દુનિયાભરમાં કેવી રીતે પહોંચ્યું?

આ વાર્તાઓ સદીઓ પહેલાં દુનિયાભરમાં કેવી રીતે પહોંચી એ પણ એક રસપ્રદ કહાની છે. પંચતંત્રની વાર્તાઓ ભારત બહાર સૌથી પહેલા બૌદ્ધ સાધુઓ દ્વારા ગઈ હતી. ભારત ભ્રમણ કરતી વખતે બૌદ્ધ ભિક્ષુકોએ પંચતંત્રની મૂળ સંસ્કૃત વાર્તાઓ સાંભળી કે વાંચી હતી. આવી રીતે આ વાર્તાઓ તિબેટ, નેપાળ, ચીન અને મોંગોલિયા સુધી પહોંચી અને સમયાંતરે પંચતંત્રની ચાઈનીઝ, તિબેટન, મોંગોલિયન, જાવાનીઝ અને લાઓ જેવી ભાષાઓની આવૃત્તિઓ સર્જાઈ. જોકે, અત્યારે આ બધી ભાષાની આધુનિક આવૃત્તિઓ જ હયાત છે.

પંચતંત્રનો સૌથી પહેલો અનુવાદ ઈસ. ૫૭૦માં બુર્ઝોય નામના ડૉક્ટરે કર્યો હોવાના પુરાવા મળ્યા છે. એવું કહેવાય છે કે, પર્શિયાના રાજા ખુસરો (ઈસ. ૫૦૧થી ૫૭૯)ની મદદથી બુર્ઝોય ભારતમાં જડીબુટ્ટી શોધવા આવ્યો હતો. એણે ક્યાંક વાંચ્યું હતું કે, ભારતના પહાડોમાં એવી જડીબુટ્ટી મળે છે, જેને નાશ પામેલી વનસ્પતિ પર છાંટતા જ તે જીવંત થઈ જાય છે. બુર્ઝોયને એવી કોઈ જડીબુટ્ટી તો ના મળી પણ તે ભારતથી 'ડહાપણ શીખવતું પુસ્તક' લઈને પર્શિયા પરત ફર્યો. આ પુસ્તક એટલે જ પંચતંત્રની વાર્તાઓ, જેનો તેણે પાહલવી એટલે કે મધ્યયુગીન પર્શિયનમાં અનુવાદ કર્યો હતો. મૂળ સંસ્કૃતમાંથી થયેલો આ અનુવાદ નાશ પામ્યો એ પહેલાં ઈસ. ૭૫૦માં ઇબ્ન અલ-મુકફ્ફાએ તેનો અરબીમાં અનુવાદ કરી દીધો હતો. આ અરબી અનુવાદ થકી જ પંચતંત્રની વાર્તાઓ ૧૦મી સદીમાં આરબોની સીરિયક બોલીમાં, ૧૧મી સદીમાં ગ્રીકમાં અને ૧૨મી સદીમાં હિબ્રુમાં અનુવાદિત થઈ. આ હિબ્રુ આવૃત્તિ પરથી ૧૩મી સદીના સાહિત્યકાર જ્હોન કપુઆએ પંચતંત્રની વાર્તાઓ લેટિનમાં ઉતારી. આ પુસ્તકના આધારે પંચતંત્ર જર્મન જેવી યુરોપિયન ભાષામાં પહોંચ્યું.

રસપ્રદ વાત એ છે કે, પ્રિન્ટિંગ પ્રેસના શોધક તરીકે અમર થઈ જનારા જોહાનિસ ગુટેનબર્ગે પણ ઈસ. ૧૪૮૩માં પંચતંત્રની જર્મન આવૃત્તિ છાપી હતી. ગુટેનબર્ગે બાઈબલ સહિત પહેલવહેલા છાપેલા પુસ્તકોમાં પંચતંત્રનો પણ સમાવેશ થાય છે. ઈસ. ૧૫૫૨માં એન્ટોનફ્રેન્સેસ્કો દોનીએ લેટિન આવૃત્તિ પરથી પંચતંત્રનો ઈટાલિયન અનુવાદ કર્યો હતો, જેના આધારે ઈસ. ૧૫૭૦માં સર થોમસ નોર્થે એલિઝાબેથ અંગ્રેજી (જૂની અંગ્રેજી)માં પંચતંત્રની વાર્તાઓનો અનુવાદ કર્યો અને તેના આધારે જ પંચતંત્રની સંખ્યાબંધ આધુનિક અંગ્રેજી આવૃત્તિઓ અસ્તિત્વમાં આવી. 

આમ, પંચતંત્રની વાર્તાઓ દુનિયાભરમાં ફેલાઈ અને દરેક સર્જકોએ તેમાં પોતપોતાની સંસ્કૃતિ, ભાષા અને સમજ પ્રમાણે ફેરફારો કરીને તેને અપનાવી લીધી. ભારતની સૌથી વધારે અને સતત અનુવાદિત થયેલી સાહિત્યિક કૃતિમાં પંચતંત્રનો સમાવેશ થાય છે. આ વાર્તાઓ સદીઓથી દુનિયાભરના બાળકો જ નહીં મોટેરાઓને પણ મનોરંજનની સાથે બોધપાઠ આપી રહી છે.

પંચતંત્રની સૌથી પ્રાચીન હસ્તપ્રતો

સંશોધકોએ સરળતા ખાતર પંચતંત્રની સૌથી પ્રાચીન આવૃત્તિઓને ચાર ભાગમાં વહેંચી છે. પહેલા ભાગમાં પાહલવી ભાષામાંથી અરબી અને સીરિયન ભાષામાં થયેલા પંચતંત્રના અનુવાદોનો સમાવેશ થાય છે. અત્યારે પાહલવીના અનુવાદ અપ્રાપ્ય છે, પણ અરબી અને સીરિયન અનુવાદો ઉપલબ્ધ છે. બીજા ભાગમાં ક્ષેમેન્દ્રએ રચેલી 'બૃહત્કથા મંજરી' અને સોમદેવની 'કથાસરિત્સાગર'નો સમાવેશ કરાયો છે. આ બંને ગ્રંથ ગુણાઢ્ય નામના વિદ્વાને પૈશાચી ભાષામાં લખેલી 'બૃહદ્કથા'ના અનુવાદો છે. જોકે, હાલ 'બૃહદ્કથા' અપ્રાપ્ય છે. ત્રીજા ભાગમાં 'તંત્રાખ્યાયિકા'નો સમાવેશ કરાયો છે, જેમાં જૈન કથાઓનો સંગ્રહ છે. પંચતંત્રની આ સૌથી પ્રાચીન આવૃત્તિ મનાય છે. જાણીતા જર્મન વિદ્વાન જોહાનિસ હર્ટેલે (૧૮૭૨-૧૯૫૫) સખત મહેનત પછી આ આવૃત્તિ શોધી કાઢી હતી. પંચતંત્રની મૂળ વાર્તાઓની નજીકમાં નજીક હોય એવી આવૃત્તિઓ શોધવામાં ભારત કરતા પશ્ચિમી વિદ્વાનોનું પ્રદાન વધારે છે. 'તંત્રાખ્યાયિકા' જ આધુનિક યુગનું ‘પંચતંત્ર’ ગણાય છે. ચોથા ભાગમાં નેપાળી પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓનો સમાવેશ કરાયો છે. ભારતીય વિદ્વાનોના મતે, હિતોપદેશની વાર્તાઓના સર્જક નારાયણ પંડિતે પણ પંચતંત્રના આધારે જ હિતોપદેશની વાર્તાઓ રચી હોવાનું કબૂલ્યું હતું. 

પંચતંત્રની રચના ચાણક્યએ કરી હોવાનો મત કેમ ઉદ્ભવ્યો?

ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના સમયમાં એટલે કે ત્રીજી સદીમાં પંચતંત્રની રચના થઈ હતી. ચાણક્યએ રચેલા 'નીતિશાસ્ત્ર'નો પંચતંત્રની વાર્તાઓમાં સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. આ કારણોસર કેટલાક લોકો એવું માનતા હતા કે, પંચતંત્રની વાર્તાઓના સર્જક પણ ચાણક્ય છે. જોકે, કેટલાક સંશોધનો પછી અમુક વિદ્વાનો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, ચાણક્યનું બીજું નામ વિષ્ણુગુપ્ત છે અને પંચતંત્રની વાર્તાઓના સર્જક વિષ્ણુ શર્મા છે. આ નામોની સમાનતાના કારણે આવી ગેરસમજ થઈ હતી.

અમુક વિદ્વાનોએ તો ચાણક્ય અને વિષ્ણુગુપ્તને પણ અલગ અલગ વ્યક્તિ ગણાવ્યા છે. આ થિયરીમાં માનતા વિદ્વાનોનું કહેવું છે કે, ચાણક્ય કે કૌટિલ્યની કૃતિઓનું વિષ્ણુગુપ્ત નામના વિદ્વાને પુન:લેખન કર્યું હતું. આ કારણસર કેટલાક સંશોધકો ચાણક્ય કે કૌટિલ્યને જ વિષ્ણુગુપ્ત માની બેઠા છે. હકીકતમાં ચાણક્યનું બીજું નામ વિષ્ણુગુપ્ત ન હતું.

6 comments:

 1. superb details, very nicely written.. interesting facts.. about a tale that i grew up with but did not know...

  ReplyDelete
 2. સરસ માહિતીપ્રદ પોસ્ટ..આભાર.

  ReplyDelete
 3. પંચતંત્રની વાર્તાઓ જેટલી મજેદાર હોય છે, તારો આ આર્ટિકલ પણ એટલો જ મજેદાર છે.પંચતંત્ર નામ તો અનેકોએ સાંભળ્યું હશે પણ આ માહિતી એકદમ એક્સક્લુસિવ છે. પંચતંત્રની વિવિધ ભાષાઓની સફરથી માંડીને તેના વિભાગો, મૂળ સર્જકનો વિવાદ વગેેરે માહિતી દુર્લભ શ્રેણીની છે.
  સુપર્બ, બ્રેવો મેન..

  ReplyDelete
  Replies
  1. યસ્સ સંદીપ. સતત પ્રોત્સાહિત કરતી કમેન્ટ કરવા બદલ થેંક્સ બડી :)

   Delete