22 December, 2014

સાયબર ટેરરિઝમઃ ફિલ ધ પાવર ઓફ પાકિસ્તાન...


૨૧મી સદીના યુદ્ધો મેદાનો કે સરહદો પર ઓછા અને કૂટનીતિથી વધુ લડાશે એ વાતના સંકેત ઘણાં સમય પહેલાં જ મળવાની શરૂઆત થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાન દ્વારા વારંવાર થઈ રહેલો યુદ્ધવિરામનો ભંગ હોય કે પછી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ- એ પ્રકારના છમકલાં પાકિસ્તાનની ભારત સાથેની વિદેશ નીતિનો મહત્ત્વનો હિસ્સો છે. દેશની સુરક્ષા માટે પરમાણુ હથિયારો વિકસાવીને કે ખરીદીને શોભાના ગાંઠિયાની જેમ મૂકી રાખવા એ પણ કૂટનીતિનો એક મહત્ત્વનો હિસ્સો હોય છે. પરમાણુ હથિયારો ધરાવતા દુશ્મન દેશો વચ્ચે એકબીજાના ભયના ઓથાર તળે ઉપરછલ્લી શાંતિ જળવાઈ રહે છે. સરહદો પર થતાં વાસ્તવિક યુદ્ધમાં દેશના અર્થતંત્ર પર પારાવાર બોજ પડે છે. આજના સમયમાં લાંબા સમય સુધી સરહદ પર યુદ્ધ કરવું કોઈ દેશને પોસાય એમ નથી. વળી, તેમાં દુશ્મન દેશ કરતા પોતાને જ વધારે નુકસાન થાય એવું પણ થઈ શકે છે. આ પ્રકારના યુદ્ધો ચાલતા હોય ત્યારે દર વખતે નફ્ફટ થઈને આંતરરાષ્ટ્રીય કાયદાકાનૂનો નેવે મૂકવા અશક્ય હોય છે. પરંતુ દુનિયાની સામે આવ્યા વિના દુશ્મન દેશને આર્થિક નુકસાન પહોંચાડવું હોય તો શું કરી શકાય? જવાબ છે, સાયબર આતંકવાદ. સાયબર હુમલામાં ધડાકા કર્યા સિવાય સામેના દેશને ભયાનક નુકસાન પહોંચાડી શકાય છે. છેલ્લાં ઘણાં પાકિસ્તાને ભારત સામે આ હથિયાર પણ ઉગામ્યું છે.

વર્ષ ૧૯૬૫, ૧૯૭૧ અને ૧૯૯૯માં ભારત સામેના યુદ્ધમાં હારનો સામનો કર્યા પછી પાકિસ્તાને સરહદી યુદ્ધ છેડીને કાશ્મીર કબજે કરવાના મનસૂબા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. એ પછી પાકિસ્તાને ભારત સામેનું યુદ્ધ ચાલુ રાખવા આતંકવાદનો મહાવિનાશક માર્ગ અપનાવ્યો, પરંતુ આજે એ જ આતંકવાદી જૂથો પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ આતંકવાદને ડામવામાં ભારત સરકારને મળેલી વ્યૂહાત્મક જીત પછી પાકિસ્તાને ભારત સામે પદ્ધતિસરનું સાયબર વોર છેડી દીધું છે. છઠ્ઠી નવેમ્બર, ૨૦૧૪ના રોજ પાકિસ્તાનના હેકરોએ ભારત સરકારના જુદા જુદા વિભાગોની ૨૨ વેબસાઈટની સકલ-સુરત બગાડી નાંખી હતી. આ વેબસાઈટ પર હેકરોએ '1337 & r00x! Team MaDLeeTs' એમ હેકિંગની લાક્ષણિક ટેકનિકલ સ્ટાઈલમાં પોતાની ઓળખ આપી હતી. પાકિસ્તાની હેકર તરીકેની ઓળખ આપનારા આ શખસોએ મોટા ભાગની વેબસાઈટ પર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કરને લઈને ભારત સરકાર સામે કેટલાક આરોપો મૂક્યા હતા.

હેકરોએ લખ્યું હતું કે, 'અમે કાશ્મીર નથી માગતા. અમને શાંતિની માગણી કરીએ છીએ. અમે અહીંથી કશું જ ડીલિટ કે ચોરી નથી કર્યું. અમે અહીં ફક્ત સરકાર અને ભારતના લોકોને સંદેશ આપવા આવ્યા છીએ.' આ સંદેશના અંતમાં હેકરોએ 'પાકિસ્તાન જિંદાબાદ' લખ્યું હતું. પહેલી નવેમ્બર, ૨૦૧૪ના રોજ પોતાને 'પાકિસ્તાન સાયબર માફિયા હેકર્સ' તરીકે ઓળખાવતા પાકિસ્તાનના હેકરોએ ગુજરાત સરકારની કમિશનરેટ ઓફ હાયર એજ્યુકેશનની વેબસાઈટ www.egyan.org.in તેમજ અમદાવાદની એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી, અમદાવાદની વેબસાઈટ www.apmcahmedabad.comને પણ નિશાન બનાવી હતી. આ બંને વેબસાઈટના હોમ પેજ પર હેકરોએ તેમનો લોગો મૂકીને લખ્યું હતું કે, હેક્ડ બાય પાકિસ્તાન સાયબર માફિયા હેકર્સ, ફિલ ધ પાવર ઓફ પાકિસ્તાન, પીકે રોબોટ વોઝ હિયર અને પાકિસ્તાન જિંદાબાદ. ભારત પર થતાં મોટા ભાગના સાયબર હુમલા પાકિસ્તાન અને ચીન પ્રેરિત હોય છે.



કોમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ૧૪મી જુલાઈ, ૨૦૧૪ના રોજ દેશમાં વધી રહેલા સાયબર હુમલા વિશે લેખિતમાં માહિતી આપી હતી. વર્ષ ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૪ (મે સુધી)માં અનુક્રમે દેશની ૨૧,૬૯૯, ૨૭,૬૦૫, ૨૮,૪૮૧ અને ૯,૧૭૪ વેબસાઈટો હેક થઈ હતી. વેબસાઈટ હેકિંગનો હેતુ ભાંગફોડ કરીને આથક નુકસાન કરવાથી વિશેષ હોતો નથી. કારણ કે, વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી પહેલેથી જ જાહેર હોય છે એટલે જાસૂસીનો પણ સવાલ નથી. વેબસાઈટો પર દેશની સુરક્ષા માટે સંવેદનશીલ કહી શકાય એવી કોઈ માહિતી પણ હોતી નથી. પરંતુ જો આ વેબસાઈટોને હંમેશાં માટે ખોરવી નાંખવામાં આવે કે ડેટા ડિલિટ કરી નાંખવામાં આવે તો કેવું નુકસાન થાય એ સમજી શકાય એમ છે. કોમ્યુનિકેશન એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ જ કામ કરતી કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઈન્ડિયાના આંકડા પ્રમાણે ભારત સરકારને આથક નુકસાન પહોંચાડવા તેમજ સિસ્ટમ ખોરવી નાંખવા માટે વર્ષ ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં અનુક્રમે ૧૩,૩૦૧, ૨૨,૦૬૦ અને ૭૧,૭૮૦ સાયબર હુમલા થયા હતા. આમ, વર્ષ ૨૦૧૩માં આગલા વર્ષ કરતા સાયબર હુમલા ત્રણ ગણાથી પણ વધુ થઈ ગયા હતા, જ્યારે મે ૨૦૧૪ સુધીમાં ગંભીર કહી શકાય એવા સાયબર હુમલાની સંખ્યા ૬૨,૧૮૯એ પહોંચી ગઈ છે.

સાયબર હુમલાની સૌથી મોટી વિશેષતા એ છે કે, એ ક્યાંથી થઈ રહ્યા છે એ જાણ્યા પછી પણ એની પાછળ કોનો હાથ છે એ ચોક્કસ કહી શકાતું નથી. ભારતમાં થયેલા સાયબર હુમલા પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુએઈ, ચીન, તુર્કી, અલ્જિરિયા, અમેરિકા, બ્રાઝિલ અને યુરોપના કેટલાક દેશોમાંથી થયા હતા. હવે પાકિસ્તાનના હેકરો પોતાની ઓળખ જાહેર ના કરે ત્યાં સુધી કોઈ જાણી શકતું નથી કે, આ હુમલો કોણે કર્યો? પાકિસ્તાનનો હેકર પોતાના દેશમાં બેઠા બેઠા અમેરિકા કે બ્રાઝિલનું સર્વર હેક કરીને હુમલો કરતો હોય એવું પણ બની શકે છે. બાંગ્લાદેશનો કોઈ હેકર પાકિસ્તાનના નામે ભારત પર સાયબર હુમલા કરતો હોય એવું પણ શક્ય છે. સાયબર હુમલા બહુ ઓછા ખર્ચે, બહુ નાની ટીમની મદદથી અને ખાસ કોઈ  જોખમ ખેડયા સિવાય દુશ્મન દેશને હેરાન-પરેશાન કરી શકાય છે. આ ઉપરાંત હજારો હુમલા કરીને પણ 'આતંકવાદી દેશ' જેવા લેબલથી બચી શકાય છે. વળી, સાયબર હુમલાખોરોની ઓળખ કરીને તેમને જે તે દેશના વહીવટી તંત્રની મદદથી સજા ફટકારવામાં પણ અનેક અડચણો છે. છેલ્લાં ચાર વર્ષમાં આટલા બધા હુમલાની સામે વર્ષ ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૩માં ઈન્ડિયન પીનલ કોડ હેઠળ ફક્ત ૪૨૨, ૬૦૧ અને ૧,૩૩૭ ફરિયાદો નોંધાઈ છે.

સાયબર આતંકવાદીઓ બેંકો અને રેલવે જેવી વેબસાઈટને હેક કરીને આતંક સર્જી શકે છે. ચૂંટણી પંચ જેવી વેબસાઈટ હેક કરીને તમામ માહિતી ડિલિટ કરી શકે છે, ખોટી માહિતી આપીને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે અને સંસદના બંને ગૃહોની વેબસાઈટ પર ખોટી માહિતી અપલોડ કરીને કે બધી માહિતી ડિલિટ કરીને અરાજકતા સર્જી શકે છે. સાયબર આતંકવાદને મૂળભૂત બે ભાગમાં વહેંચી શકાય. કમ્પ્યુટર નેટવર્ક અને વિવિધ સરકારી વિભાગોને સપોર્ટ કરતું ઓનલાઈન માળખું ખોરવી નાંખવું એ સીધેસીધો સાયબર આતંકવાદ છે, જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કરાતો સાયબર સ્પેસનો ઉપયોગ એ આડકતરો સાયબર આતંકવાદ છે. સાયબર સ્પેસના ઉપયોગથી ધર્મના નામે યુવાનોને આકર્ષીને ભરતી કરવા, ખોટો પ્રચાર કરવાના હેતુથી તૈયાર કરેલું સાહિત્ય વેબસાઈટ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર અપલોડ કરવું તેમજ ફેક એકાઉન્ટો ખોલીને ગુપ્ત સંદેશાની આપ-લે કરવા માટે સાયબર સ્પેસનો ઉપયોગ કરવાની પ્રવૃત્તિ પણ ખૂબ ફૂલીફાલી છે. દેશમાં મોટા ભાગના કોમી રમખાણોમાં ઘી હોમવાનું કામ પણ સાયબર સ્પેસની મદદથી જ થાય છે.

ઈરાક અને સીરિયામાં આતંક મચાવનારા ઈસ્લામિક સ્ટેટ જૂથે ઈન્ટરનેટની મદદથી એક સોફિસ્ટિકેટેડ કેમ્પેઇન શરૂ કરીને જ વિશ્વભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે. અલ કાયદા, અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ ઈન્ડિયન મુજાહિદ્દીન, તહેરિકે તાલિબાન-પાકિસ્તાન, જમાત-ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ વગેરે આતંકી જૂથો સાયબર સ્પેસનો ઉપયોગ કરીને મજબૂત થઈ રહ્યા હોવાથી ભારત-અમેરિકાએ ઈન્ડો-યુ.એસ. જોઈન્ટ વકગ ગૂ્રપની રચના કરીને સાયબર ટેરર નેટવર્ક ખતમ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી જુલાઈ, ૨૦૧૪ના રોજ ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બકર અલ બગદાદીએ 'એ મેસેજ ટુ ધ મુજાહિદ્દીન એન્ડ ધ મુસ્લિમ ઉમ્માહ ઇન ધ મન્થ ઓફ રમઝાન' નામે વીસ સેકન્ડનો એક ઓડિયો સોશિયલ મીડિયાની મદદથી જ વહેતો કર્યો હતો. ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૧૪માં પણ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક કેનેડિયન યુવકે ભારતીય યુવાનોને તેમની સાથે જોડાવાની હાકલ કરતો ૧૧ મિનિટનો વીડિયો ફરતો કર્યો હતો. આ વીડિયોમાં હિન્દી, તમિલ અને ઉર્દૂમાં સબ-ટાઈટલ હતા. આ ઘટનાના એક જ મહિના બાદ ત્રીજી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ અલ કાયદાના વડા અયામાન અલ ઝવાહિરીએ ભારતીય ઉપખંડમાં આતંક ફેલાવવા નવી શાખાની જાહેરાત વીડિયો અપલોડ કરીને જ કરી હતી. સોશિયલ મીડિયા પર કોઈ સમાજની ધામક લાગણી દુભવતા ઓડિયો-વીડિયો મેસેજ કે તસવીરોથી પણ કોમી તોફાનો ફાટી નીકળતા હોય ત્યાં સાયબર સ્પેસની મદદથી ઝવાહિરી જેવા આતંકવાદીઓના હાથ મજબૂત થતા ના હોય એવું માનવું અઘરું છે.  

સપ્ટેમ્બર ૨૦૧૨માં નવી દિલ્હીમાં સુરક્ષા નિષ્ણાતો દ્વારા આયોજિત ઉચ્ચ સ્તરીય બેઠકમાં નોંધ કરાઈ હતી કે, 'આઈએસઆઈ આતંકવાદીઓને સાયબર હુમલા કરવા માટે તાલીમ આપી રહી છે કારણ કે, તેઓ જાણે છે કે આ પ્રકારના હુમલા ખાળવા ભારત પૂરતું સજ્જ નથી.' પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ ભારત સામે સાયબર યુદ્ધ છેડયું હોવાથી જ તેઓ શિક્ષિત યુવાનોની ભરતી પર ખાસ ભાર આપી રહ્યા છે. સાયબર હુમલાને કોઈ પણ મોટા આતંવાદી હુમલાથી જરા પણ ઉતરતી કક્ષાના ગણીને તેની અવગણના કરી શકાય એમ નથી. આ સંજોગોને વેળાસર પારખીને ભારતે પણ સાયબર ગુનાખોરી અને સાયબર આતંકવાદ સામેની લડાઈને રાષ્ટ્રીય સુરક્ષા માટેની પ્રાથમિકતા ગણીને આ દિશામાં મક્કમ ગતિએ આગળ વધવાનો સમય થઈ ગયો છે.

15 December, 2014

કિમ અને લિઃ કોરિયામાં આ બે જ અટકોની બોલબાલા કેમ?


વિશ્વના મોટા ભાગના દેશોમાં એકદમ સામાન્ય હોય એવું ઘણું બધું ઉત્તર કોરિયામાં પ્રતિબંધિત છે. ઉત્તર કોરિયાના લોકો ટેલિવિઝનમાં માંડ એકાદ સરકારી ચેનલ કે સરકારી સમાચારનું પ્રસારણ જોઈ શકે છે. અહીં દેશ બહાર જવા માટે સરકાર પાસે મંજૂરી લેવી પડે છે. કારણ કે, દેશના કોઈ પણ નાગરિક પર ઝડપથી  વિકસી રહેલા વૈશ્વિક સમાજ, રાજકીય-આર્થિક સ્થિતિ કે સંસ્કૃતિનો પ્રભાવ પડે એ સરમુખત્યાર કિમ જોંગ ઉન માટે જોખમી છે. અહીં બાઈબલ પર પણ પ્રતિબંધ છે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોને અહીં સત્તાવાર દુશ્મન જાહેર કરાયા છે. કદાચ અમેરિકા ઉત્તર કોરિયા પર હુમલો કરે તો પણ 'સરકાર'ને લોકોનો સહકાર મળી રહે એ માટે અહીંના મીડિયામાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશો વિરુદ્ધ સતત પ્રચાર થાય છે. લોકોના મગજમાં એવું ઠસાવાય છે કે, અમેરિકા તમને ગુલામ બનાવી દેવા માગે છે. અહીં ટેલિવિઝન, રેડિયો, અખબારો અને ઈન્ટરનેટ જેવા માહિતીના તમામ સાધનો પર સરમુખત્યાર કિમ જોંગ ઉનનો સંપૂર્ણ કાબૂ છે. હવે આ યાદીમાં કિમ જોંગ ઉન નામ પરનો પ્રતિબંધ પણ ઉમેરાયો છે.

હા, સરમુખત્યાર કિમ જોંગ ઉને આદેશ કર્યો છે કે હવે દેશમાં એક પણ વ્યક્તિ પોતાનું નામ જોંગ ઉન નહીં રાખી શકે અને કિમ અટકનો પણ ઉપયોગ નહીં કરી શકે. આ નામ પર ફક્ત તેમનો અને અટક પર ફક્ત તેમના પરિવારનો હક છે. કિમ જોંગ ઉને તમામ સરકારી વિભાગો અને સુરક્ષા એજન્સીઓને આવું નામ કે અટક ધરાવતા લોકોને ઓળખીને તેમના નામ બદલવાના આદેશ કર્યા છે. ઉત્તર કોરિયાની લોખંડી દીવાલો કૂદીને આ વાત બહાર આવે એ શક્ય જ ન હતું, પરંતુ વર્ષ ૨૦૦૮માં ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા ભાગી જવામાં સફળ થયેલી એક વ્યક્તિએ મીડિયાને આ માહિતી આપી છે. આ વ્યક્તિના જણાવ્યાનુસાર, વર્ષ ૨૦૦૮માં કિમ જોંગ ઈલના મૃત્યુ પછી તેમનો પુત્ર કિમ જોંગ ઉન સત્તામાં આવ્યો ત્યારે નવા જન્મેલા બાળકને દેશના ફર્સ્ટ ફેમિલીનું નામ કે અટક ધરાવતું જન્મનું પ્રમાણપત્ર આપવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ દરમિયાન કોઈ પણ સત્તાવાર દસ્તાવેજ પર આ નામ હોય તો તે દૂર કરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હતી.

ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન 

કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલ અને તેના દાદા કિમ ઈલ સંગ પણ આવા ફતવા જારી કરી ચૂક્યા છે. જોકે, ઉત્તર કોરિયામાં માહિતીના સાધનો પર સજ્જડ પ્રતિબંધના કારણે દેશભરમાં આવા ફતવાનો ચુસ્ત અમલ કરવો અઘરો છે. આજે પણ સમગ્ર કોરિયા ઉપખંડમાં 'કિમ', 'લિ' અને 'પાર્ક' અટક ધરાવતા લોકો બહુમતીમાં છે. કોરિયામાં પાંચમાંથી એક વ્યક્તિની અટક કિમ અથવા લિ હોય છે, જ્યારે દસમાંથી એક વ્યક્તિની અટક પાર્ક હોય છે. દક્ષિણ કોરિયાના પ્રમુખનું નામ પાર્ક જ્યુન હાઈ છે. (કોરિયામાં અટક હંમેશાં પહેલાં લખાય છે). આ મહિલા પ્રમુખ પહેલાંના પ્રમુખ લિ મ્યુન્ગ બાક (૨૦૦૮-૧૩) હતા. લિ મ્યુન્ગ બાક પહેલાંના પ્રમુખનું નામ કિમ દાઈ જુંગ (૧૯૯૮-૦૩) હતું અને એ પહેલાં પ્રમુખનું નામ કિમ સામ યંગ (૧૯૯૩-૯૮) હતું. કોઈ પણ વિશ્વ વિખ્યાત કોરિયન પણ મોટા ભાગે કિમ, લિ અને ક્યારેક પાર્ક હોય છે. સાય નામે ઓળખાતા ગંગનમ સ્ટાઈલ સિંગરનું પણ સાચું નામ પાર્ક જે સાંગ છે. કોરિયાનો રાજકારણી હોય કે ફિલ્મી હસ્તી, મલ્ટીનેશનલ કંપનીનો અધિકારી હોય કે સ્પોર્ટ્સમેન- બધે જ કિમ અને લિની બોલબાલા છે.

કોરિયા ઉપખંડની આશરે ૭૫ લાખની વસતીમાંથી અડધાથી પણ વધારે લોકોની અટક કિમ, લિ અને પાર્ક હોવાનો અંદાજ છે. આ સિવાય કોરિયાની સૌથી જાણીતી અટકો ચોઈ, જેઓંગ, કાંગ, યૂન, જાંગ અને શિન છે. ઉત્તર કોરિયા વિશે તો વિશ્વને ખાસ કોઈ જાણકારી મળી શકતી નથી, પરંતુ દક્ષિણ કોરિયામાં જ આશરે દસ લાખ  'કિમ' છે. સમગ્ર કોરિયા ઉપખંડ (ઉત્તર-દક્ષિણ કોરિયા)માં ૨૫૦ જેટલી અટકનો ઉપયોગ થાય છે, જેમાંની દસેક અટકોને બાદ કરતા બાકીની મોટા ભાગની અટકોનો ઉપયોગ કરતા કુટુંબોની સંખ્યા નહીંવત છે. કોરિયામાં કિમ અને લિ અટકોની બોલબાલાનું રહસ્ય કોરિયાના સામંતવાદી ઈતિહાસ તેમજ તેના ચીન સાથેના સંબંધમાં પડેલું છે. ચીનમાં પણ ફક્ત ૧૦૦ અટકો ચલણમાં છે. કોરિયાના જાગીરદારોએ છેક પાંચમી સદીથી ચીનના શાસકોનું પ્રભુત્વ સ્વીકારી લીધું હતું. ચીનના શાસકો કોરિયન જાગીરદારોને આગવી ઓળખ આપવા માટે પોતાની અટકોનો ઉપયોગ કરવાની છૂટ આપતા હતા. હાલ કોરિયામાં ૧૩૦ જેટલી અટકો મૂળ ચીની સમાજની છે.

કોરિયામાં છેક નવમી દસમી સદીની આસપાસના ગાળામાં કિમ અને પાર્ક જેવી સામંતવાદી ઈતિહાસ સાથે સંકળાયેલી અટકો લોકપ્રિય હતી. અહીં ઈસ. પૂર્વે નવમી સદીથી ઈસ. ૯૩૫ સુધી શિલ્લા વંશનું વર્ચસ્વ હતું. આ સામ્રાજ્યના સ્થાપકો કિમ વંશના લોકો હતા. કિમ વંશના લોકોએ કોરિયામાં આશરે એક હજાર વર્ષ શાસન કર્યું. એવી જ રીતે, કોરિયાના મોટા ભાગના વિસ્તારમાં ઈસ. ૧૩૯૨થી છેક ૧૯૧૦ સુધી ચોસુન સામ્રાજ્યનું શાસન હતું, જે વિશ્વમાં સૌથી લાંબો રાજ કરનારા રાજવી વંશ તરીકે પણ ઓળખાય છે. આ સામ્રાજ્યના સ્થાપક લિ અટક ધરાવતા હોવાથી તે લિ સામ્રાજ્ય તરીકે પણ ઓળખાય છે. લિ સામ્રાજ્યના આશરે પાંચ સદીના શાસનકાળમાં પણ હજારો કુટુંબો લિ અટક અપનાવતા ગયા. આમ, કિમ અને લિ સામ્રાજ્યમાં આ બંને અટક વડની વડવાઈઓ ફેલાય એવી રીતે સમગ્ર કોરિયા ઉપખંડમાં ફેલાઈ ચૂકી છે. વળી, કોરિયામાં રાજવી પરિવારો તેમજ ગણ્યાગાંઠયા ઉમરાવ કુટુંબોને જ અટકોનો ઉપયોગ કરવાની છૂટ હતી. કારણ કે, કોરિયન સમાજમાં અટક સામાજિક મોભો બતાવવાનું એક માધ્યમ હતું. કોરિયામાં વર્ષ ૧૯૧૦ સુધીમાં સમાજના ઉપલા અને નીચલા વર્ગ વચ્ચેની ખાઈ બહુ ઊંડી થઈ ચૂકી હતી. કોરિયામાં અટક ધરાવનારા લોકોનો સામાજિક મોભો ઊંચો ગણાતો હતો.

પરંતુ વર્ષ ૧૯૧૦માં જાપાને કોરિયા પર કબજો કરતા ચોસુન સામ્રાજ્યનો અંત આવ્યો અને સામંતશાહી પરંપરાઓ ભૂલાવાની શરૂઆત થઈ. બાદમાં કોરિયા ઉપખંડમાં સામ્યવાદના પ્રભાવ વધ્યો અને સામાજિક ભેદભાવો પણ ભૂંસાવા લાગ્યા. ચોસુન સામ્રાજ્યના અંત સુધી સમાજના જે નીચલા વર્ગને અટકનો ઉપયોગ કરવાની છૂટ નહોતી તેમને પણ સામ્યવાદના પ્રભાવ તળે આ લાભ મળ્યો. આ શોષિત વર્ગ નહોતો ઈચ્છતો કે, તેઓ સામંતવાદીઓ અને ઉમરાવોથી નીચેની કક્ષાના કે તેમના ગુલામો તરીકે ઓળખાય. આ વર્ગે ખૂબ મોટા પાયે કિમ અને લિ અટકો સ્વીકારવાનું શરૂકર્યું. વિશ્વના મોટા ભાગના દેશોમાં અટક સામાન્ય રીતે વંશીય મૂળ (જિનેટિકલ ઓરિજિન)નું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ કોરિયામાં આવું નથી. કોરિયામાં અટકો વંશીય મૂળ સાથે સંકળાયેલી હોય એ જરૂરી નહીં હોવા પાછળનું સૌથી મોટું કારણ સમાજના નીચલા વર્ગને પણ કિમ અને લિ અટકો સ્વીકારવાની છૂટ મળી એ છે. એટલે કોરિયામાં કિમ અને લિના જુદા જુદા વંશોને છૂટા પાડવા માટે પ્રાંતનું નામ અપાય છે. જેમ કે, 'ગ્યોંગ્જુ કિમ'. ગ્યોંગ્જુ દક્ષિણ કોરિયામાં દક્ષિણ-પૂર્વીય દરિયા કિનારે આવેલું શહેર છે. કોરિયામાં આવા ૩૦૦ જેટલા વિસ્તારોના લોકોએ કિમ અટક સ્વીકારી છે.

શિલ્લા અને ચોઝુન સિવાય દક્ષિણ કોરિયાના ગોરિયો નામના રજવાડાએ (ઈસ. ૯૧૮થી ૧૩૯૨) પણ કિમ અને લિ અટકનું ચલણ વધારવામાં આડકતરી ભૂમિકા ભજવી છે. કોરિયામાં ચોઝુન કાળમાં સરકારી અધિકારીઓની ભરતી કરવા માટે સિવિલ સર્વિસ જેવી પરીક્ષા લેવાતી, જે ત્યાં ગ્વાજિયો નામે જાણીતી હતી. ગોરિયો રાજવંશના સ્થાપક રાજા વાંગ જિયોને કેટલાક સુધારાત્મક પરિવર્તનો કરવા ગ્વાજિયોમાં અરજી કરનારા ઉમેદવારો માટે અટકની નોંધણી ફરજિયાત બનાવી. આ દરમિયાન અનેક ઉમરાવ પરિવારો સિવિલ સર્વિસનો લાભ લેવા માટે ખૂબ ઝડપથી કિમ અને લિ અટક સ્વીકારતા ગયા. થોડા સમય પછી આ બંને અટકો ઉચ્ચ સરકારી અધિકારીઓની સાથે સાથે સફળ વેપારીઓમાં પણ લોકપ્રિય થઈ ગઈ. કોરિયામાં ૧૮મી સદીમાં ઉચ્ચ વર્ગના લોકોમાં પોતાને રાજવંશ કે ઉચ્ચ ઉમરાવ વર્ગના સાબિત કરવા માટે કૌટુંબિક ઈતિહાસના સંદર્ભો ધરાવતા 'જોકબો' નામે જાણીતા પુસ્તકો વસાવવાનું મોટા પાયે શરુ થઈ ગયું હતું. (ગુજરાતમાં  બારોટ જાતિના લોકો પણ આવા કૌટુંબિક ઈતિહાસના સંદર્ભો ધરાવતા ચોપડા બનાવવા માટે જાણીતા છે.) જોકે, જોકબોની બોલબાલા વધતા તેમાં ભ્રષ્ટાચાર પણ વ્યાપક રીતે વધ્યો. જોકબો નિષ્ણાતો લાંચ લઈને પોતાના પૂર્વજોના નામો તેમાં નોંધાવવા માંડયા. પરિણામે આજના કોરિયામાં કિમ, લિ કે પાર્ક અટક ધરાવતા કુટુંબોના વંશજો જનીનિક સામ્યતા ધરાવતા હોય એ જરુરી નથી.

આ ઉપરાંત કોરિયામાં સદીઓ સુધી સરખી અટક ધરાવતા લોકોના લગ્નો પણ પરંપરા વિરુદ્ધના ગણાયા. પરંતુ ૧૯મી સદીમાં સામ્યવાદના પ્રભાવમાં લગભગ તમામ સામંતવાદી પરંપરાઓને યુવાનોએ ફગાવી દીધી. આજે કોરિયામાં સરખી અટક ધરાવતા લગ્નો સામાન્ય છે પણ અહીંના પુરુષપ્રધાન સમાજમાં દરેક સ્ત્રી લગ્ન પછી પતિની અટક સ્વીકારે છે. આ કારણોસર પણ કિમ અને લિ અટક ધરાવતા કુટુંબોની સંખ્યા સતત વધી રહી છે. દક્ષિણ કોરિયાનું નાગરિકત્વ મેળવવામાં સફળ થનારા ચીન, વિયેતનામ, મોંગોલિયા અને ફિલિપાઈન્સના લોકો પણ મોટા ભાગે કિમ અને લિ અટક સ્વીકારે છે. આ બંને પછી સૌથી વધુ લોકપ્રિય અટકો પાર્ક અને ચોઈ છે. અટકોના આ ચક્રવ્યૂહમાં કોરિયામાં વર્ગ ભેદ નાબૂદ થઈ જવો જોઈએ, પરંતુ એવું થયું નથી. ઉત્તર કોરિયાની તો વિશ્વ પાસે ખાસ કોઈ માહિતી નથી, પરંતુ દક્ષિણ કોરિયામાં અટકની પાછળ લગાવેલું પ્રાંતનું પૂંછડું આજે પણ સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે, અટક ભલે કિમ હોય પણ જો અટક પાછળનો પ્રાંત સમાન હોય તો લોકો પ્રાંતીય એકતાની ભાવના દર્શાવવા પરસ્પર સહકાર દાખવતા હોય છે.

આમ, વિશ્વના મોસ્ટ એડવાન્સ્ડ ટેક્નોલોજિકલ દેશના વેપારીઓ માટે આજેય આખું નામ એ ફક્ત ઓળખ નહીં પણ ગૌરવનું પ્રતીક છે.

09 December, 2014

ઓળખ અને આનંદની 'સેલ્ફી' ક્રાંતિ


કહેવાય છે કેમાગ એ જરૂરિયાતોની માતા છે. ફ્રન્ટ કેમેરા સાથેના સ્માર્ટફોનના યુઝર્સ વધ્યા પછી 'સેલ્ફીનામનું વાવાઝોડું એવું ફૂંકાયું કેહાથમાં સ્માર્ટફોન પકડીને સેલ્ફી લેવામાં તકલીફ પડતી હોય તો હવે સેલ્ફી સ્ટિક પણ હાજર છે. ટાઈમ મેગેઝિને વર્ષ 2014ના ટોપ 25 ઈન્વેન્શનની યાદીમાં ભારતના મંગળયાનહાઈ બીટા ફ્યૂઝન રિએક્ટરથ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીરતાંધળાપણું દૂર કરે એવા કેળામાઈક્રોસોફ્ટ સર્ફેસ પ્રો-૩ઈબોલા સામે લડી શકે એવું ફિલ્ટરબ્લેકફોનઈલેક્ટ્રિક કારએપલ વોચઓછું બિલ આવે એવું એરકન્ડિશનર અને ખાઈ શકાય એવા રેપર વગેરેની સાથે સેલ્ફી સ્ટિકને પણ સ્થાન આપ્યું છે. આજે સેલ્ફીની એટલી બોલબાલા છે કેયંગસ્ટર્સ ફ્રન્ટ કેમેરા વિનાના સ્માર્ટફોનને સ્માર્ટ નહીં પણ 'ડબલુંગણે છે. વર્ષ 2012માં 'સેલ્ફીશબ્દ એટલો બધો ફેશનેબલ બન્યો કેએ વર્ષે ટાઈમ મેગેઝિને તેને ટોપ 10 પ્રચલિત શબ્દોની યાદીમાં સ્થાન આપ્યું હતું. એ પછી વર્ષ 2013માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં પણ 'સેલ્ફીશબ્દ ઉમેરાયો હતો. આજે સેલ્ફી એક શબ્દથી આગળ વધીને 'કલ્ચરલ ફિનોમેનનએટલે કે એક અસાધારણ સાંસ્કૃતિક ઘટના બની ગઈ છે.

સેલ્ફીનો વ્યાપ વધવાના કારણે રોજિંદા જીવનમાં નવા નવા શબ્દો ઉમેરાતા જાય છે. સેલ્ફીમાં તો ફક્ત એક જ વ્યક્તિ હોય છે પણ જો તમે ગ્રૂપમાં સેલ્ફી ક્લિક કરો તો તેને ‘ગ્રૂપી’ અથવા અંગ્રેજીના ‘WE’ પરથી ‘વેલ્ફી’ કહેવાય છે. છોકરીઓ પોતાના નિતંબ (બટ-BUTT) બતાવવા માટે જે સેલ્ફી ક્લિક કરે છે તેને ‘બેલ્ફી’ કહે છે. એવી જ રીતેડોગ સાથે ક્લિક કરાતા સેલ્ફીને ‘ડેલ્ફી’ કહે છે. ડોગ સિવાયના પેટ (પાલતુ પ્રાણી) સાથે ક્લિક કરેલા સેલ્ફીને ‘પેલ્ફી’ કહે છે. જો તમે સેલ્ફીમાં હેર સ્ટાઈલ બતાવી છે તો તેને ‘હેલ્ફી’ કહેવાય છે. સેલ્ફી લઈને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ કરનારા યુરોપિયન ખેડૂતોના ક્રેઝે પણ નવો શબ્દ આપ્યો છે, ‘ફેલ્ફી’. ‘ફેલ્ફી’ એટલે કે ફાર્મમાં લીધેલો સેલ્ફી. સૂતા સૂતા કે સાયકલ ચલાવતી વખતે ક્લિક કરેલા પગના સેલ્ફીને ‘લેલ્ફી’ કહેવાય છે. બીચ પર સૂતા સૂતા પોતાના પગની તસવીરના બેકગ્રાઉન્ડમાં દરિયા કિનારાની તસવીર લેવાના ક્રેઝ પછી અમેરિકા-યુરોપમાં ‘લેલ્ફી’ શબ્દ પ્રચલિત થયો છે. નવી ટેક્નોલોજીના કારણે ડિક્શનરીમાં નવા નવા શબ્દો ઉમેરાતા જાય એ નવી વાત નથીપરંતુ સેલ્ફી વિશ્વભરના સામાજિક અને રાજકીય સ્તરે પણ છવાઈ ગયેલી ઘટના છે.

બાંગલાદેશમાં નોકિયા લુમિયા 730થી 1151 લોકોનો ક્લિક કરાઈ રહેલો સેલ્ફી

આજકાલ અવકાશયાત્રાએ જતા વિજ્ઞાનીઓથી માંડીને પૃથ્વી પર અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના રાજકારણીઓ સેલ્ફીના પ્રેમમાં પડી ગયા છે. ફિલ્મ સહિતના ક્ષેત્રોની હસ્તીઓ પણ સોશિયલ મીડિયામાં સેલ્ફી અપલોડ કરીને 'લાઈક' ઉઘરાવતી રહે છે. માર્ચ 2014ના ઓસ્કારમાં 12 યર્સ ઓફ સ્લેવ અને ગ્રેવિટી જેવી ફિલ્મો કરતા પણ વધારે ચર્ચા બ્રેડલી કૂપરે ક્લિક કરેલા સેલ્ફીની થઈ હતી. આ સેલ્ફીમાં મેરીલ સ્ટ્રીપ, જુલિયા રોબર્ટ્સકેવિન સ્પેસીબ્રેડ પીટજેનિફર લોરેન્સ અને ચેનિંગ ટાટૂમ જેવી હોલિવૂડ હસ્તીઓ સામેલ હતી. આ સેલ્ફી પછી જ સામાન્ય લોકોમાં સેલ્ફી લેવાનો ક્રેઝ ફાટી નીકળ્યો હતો. સામાન્ય વ્યક્તિ માટે સેલ્ફી પોતાની ઓળખ રજૂ કરવાનું શક્તિશાળી માધ્યમ છે. સેલ્ફી અપલોડ કરવામાં કોઈ જ પ્રકારના ભેદભાવો આડે આવતા નથી. ઓબામા હોય કે મોદીબ્રેડ પીટ હોય કે શાહરૂખખાન- આ તમામ સેલ્ફી ક્લિક કરે છે. વળી, સેલિબ્રિટી સેલ્ફી અપલોડ કરવા ફેસબુકટ્વિટર કે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છેતો સામાન્ય માણસ પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

સેલ્ફીના કારણે વિકસિત દેશોએ કાયદાકાનૂનો બનાવવાની શરૂઆત કરવી પડી છે. બ્રિટનના બે રાજ્યોએ ચૂંટણીની મોસમ નજીક છે ત્યારે સોશિયલ મીડિયા પર બેલટ કાર્ડ સાથેના સેલ્ફી પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના માસાચ્યુસેટ્સ રાજ્યમાં પણ આવો કાયદો છે. અમેરિકાના બીજા કેટલાક રાજ્યો પણ સેલ્ફીને લગતા કાયદા ઘડવાનું વિચારી રહ્યા છે. જોકેઆવા કાયદા ઘડવાની હિલચાલ થતા જ અમેરિકન સિવિલ લિબર્ટીઝે સેલ્ફી પર પ્રતિબંધ મૂકતા કોઈ પણ કાયદાને ફ્રિડમ ઓફ સ્પિચ અને ફ્રિડમ ઓફ ધ પ્રેસ જેવા પાયાના હક્ક પર તરાપ ગણાવીને તેનો વિરોધ શરૂ કરી દીધો છે. આ સંગઠને બ્રિટનમાં પણ વિરોધ શરૂ કર્યો છે. દક્ષિણ કોરિયા જેવા મોસ્ટ એડવાન્સ્ડ ટેક્નોલોજિકલ દેશે સેલ્ફી લેનારાઓને કાબૂમાં રાખવા અપ્રમાણિત સેલ્ફી સ્ટિક વેચતા રિટેઈલરોને 27 હજાર ડોલરનો દંડ અને ત્રણ વર્ષ સુધીની કેદની સજા કરવાની ધમકી આપી છે.

દક્ષિણ કોરિયા સરકારનું કહેવું છે કે, ''બ્લૂ ટૂથની સુવિધા ધરાવતી અપ્રમાણિત સેલ્ફી સ્ટિકમાંથી સતત ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીકળતું હોવાથી તે લોક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ પ્રમાણે આ પ્રકારની ચીજવસ્તુનું કોમર્શિયલ વેચાણ કરતા પહેલાં તેનું ટેસ્ટિંગ થયું હોવું જરૂરી છે.'' દક્ષિણ કોરિયામાં છેક વર્ષ 1990થી સેલ્કા (સેલ્ફ કેમેરા) નામે સેલ્ફી સ્ટિક જાણીતી છે પણ તેનું વેચાણ વધ્યા પછી સરકાર આ દિશામાં સફાળી જાગી છે. અમેરિકાની બ્રિઘમ યંગ યુનિવસટીના કેમ્પસમાં સેલ્ફી લેનારાઓને કાબૂમાં રાખવા માટે વિદ્યાર્થીઓએ એક ડોલરના દંડની શરૂઆત કરી છે. આ દંડની રકમનો ઉપયોગ તેઓ વિકાસશીલ દેશોના વિદ્યાર્થીઓને લોન આપવામાં કરે છે. આ વિદ્યાર્થીઓ માટે મીડિયામાં 'સેલ્ફી પોલીસશબ્દ જાણીતો થયો છે. જોકેતેમનું કામ સંસ્કૃતિ રક્ષકો કે 'મોરલ પોલીસ'થી ઘણું જુદું છે.

ચાર હજારથી વધુ યહૂદી ધર્મગુરુઓ દ્વારા ક્લિક કરાઈ રહેલો સેલ્ફી

આજે પ્રવાસે જતા પહેલાં જે તે સ્થળે પહોંચીને પરફેક્ટ હોલિડે સેલ્ફી કેવી રીતે લેવો એ વિશે પણ લોકો ગૂગલ પર ખાંખાખોળા કરી લે છે. વિશ્વભ્રમણે નીકળતા પ્રવાસીઓ જુદા જુદા દેશોમાં સેલ્ફી લેવાના જાતભાતના વિશ્વ વિક્રમ કરી રહ્યા છે. કોઈ પેરા જમ્પિંગ કરીને સેલ્ફી લે છે તો કોઈ શાર્ક સાથે અન્ડર વોટર સેલ્ફી લે છે. માઈક્રોસોફ્ટ લુમિયાએ ૨૬મી નવેમ્બરે બાંગલાદેશમાં નોકિયા લુમિયા 730 સ્માર્ટફોનથી 1151 લોકોનો સેલ્ફી લઈને સૌથી મોટો સેલ્ફી લીધાનો દાવો કર્યો છે. જોકેસેલ્ફી લેવાનું સરળ બન્યા પછી આ પ્રકારના વિક્રમો રોજ બને છે અને રોજ તૂટે છે. હાલમાં જ ન્યૂયોર્કના બ્રૂકલિનમાં યહૂદી ધર્મગુરુઓની એક બેઠક બાદ 15 ફૂટ લાંબી સેલ્ફી સ્ટિકની મદદથી ચાર હજારથી પણ વધુ ધર્મગુરુઓનો સેલ્ફી ક્લિક કરાયો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં તો સેલ્ફી ફોટોગ્રાફી એક્ઝિબિશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. અમેરિકાના સધમ્પટન આર્ટ્સ સેન્ટરમાં તો આખો પરિવાર સેલ્ફી લઈ શકે એ માટે એક બુથ ઊભું કરવાનું પણ વિચારાઈ રહ્યું છે. પેપર મેગેઝિને વર્ષ 2015માં અમેરિકન અભિનેતાફિલ્મમેકર અને લેખક જેમ્સ ફ્રાન્કોના સેલ્ફીનું કેલેન્ડર બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ કેલેન્ડરની ડિઝાઈન તૈયાર કરવા ફ્રાન્કોના સેલ્ફીની સાથે તેના ક્વોટ અને તેની બિન-જાણીતી વાતો પણ મૂકાઈ છે.

અમેરિકામાં વોર્નર બ્રધર્સે સેલ્ફી નામની ટેલિવિઝન શ્રેણી પણ બનાવી છે. આ શ્રેણીની વાર્તા ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર સેલ્ફી અપલોડ કરીને પ્રસિદ્ધ થવા ઈચ્છતી એલિઝા ડૂલી નામની એક અમેરિકન યુવતીની આસપાસ ફરે છે. બાદમાં એલિઝાને ભાન થાય છે કેસોશિયલ મીડિયા પર તેના સાચા મિત્રો નથી અને તે ચિંતામાં સરી પડે છે. આ સ્થિતિમાં બહાર આવવા તે માર્કેટિંગ ગુરુ હેનરી હિગ્સની મદદ લે છે. હેનરીની મદદથી એલિઝાનું સોશિયલ સ્ટેટસ સુધરે છે અને બંને પ્રેમમાં પડે છે. યુરોપના નાનકડા દેશ રોમાનિયામાં તો મે2014માં 'સેલ્ફીનામની ફિલ્મ પણ રિલીઝ થઈ ગઈ છે. પશ્ચિમી સાહિત્યકારોસમાજશાસ્ત્રીઓમનોવિજ્ઞાનીઓ અને કલાકારોએ પણ સેલ્ફીની નોંધ લેવી પડી છે. વારંવાર સેલ્ફી ક્લિક કરીને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ કરવાની આદતને કેટલાક લોકો એક પ્રકારનું વ્યસનનાર્સિસિઝમ (પોતાના જ પ્રેમમાં ગુલતાન રહેવાની મનોસ્થિતિ) કે મેન્ટલ ડિસઓર્ડર ગણાવી રહ્યા છે. સેલ્ફી ક્લિક કરવાની લ્હાયમાં અકસ્માતો પણ વધ્યા છે અને તેના કારણે મૃત્યુ પામતા લોકોના સમાચારો પણ ચમકતા રહે છે. આમ છતાંવિશ્વભરમાં રોજના કરોડો સેલ્ફી ક્લિક કરાય છે અને લાખો અપલોડ કરાય છે.

સેલ્ફી સમાજના વિવિધ સ્તરે અસર કરી રહ્યું હોવાથી તેને એક સાંસ્કૃતિક ઘટના કહેવાના આપણી પાસે અનેક કારણો છે અને સ્માર્ટફોનનું વેચાણ વધી રહ્યું છે ત્યાં સુધી આવા કારણો મળતા રહેશે.

સૌથી પહેલા સેલ્ફીથી શરૂ થયેલી રસપ્રદ સફર

હાલના મોટા ભાગના ઈતિહાસકારો સૌથી પહેલો સેલ્ફી લેવાનું શ્રેય મૂળ નેધરલેન્ડના અમેરિકન રસાયણશાસ્ત્રી રોબર્ટ કોર્નેલિયસને આપે છે. કોર્નેલિયસે વર્ષ 1839માં ડેગરોટાઈપ પદ્ધતિથી પોતાનો સેલ્ફ-પોટ્રેટ લીધો હતો. આધુનિક ફોટોગ્રાફીની સૌથી પહેલી સફળ પ્રક્રિયા પણ ડેગરોટાઈપ જ ગણાય છે. લુઈસ જેક્સ મેન્ડે ડેગર અને જોસેફ નાઈસફોર નીપ્સે સિલ્વર આયોડાઈડના આવરણથી તૈયાર તાંબાની પ્લેટ પર પહેલાં પ્રકાશ અને બાદમાં મર્કયુરી અને મીઠાના સોલ્યુશનનો ધુમાડો ફેંકીને કાયમી ફોટોગ્રાફ લેવાની પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિથી સેલ્ફી લેવા માટે કોર્નેલિયસ ઘણી મિનિટો સુધી કેમેરા સામે બેસી રહ્યા હશે. આ દરમિયાન વર્ષ 1880 સુધીમાં કોડાક જેવી કંપનીઓએ આધુનિક કેમેરા વિકસાવી લીધો હતો અને ૩૫ એમ.એમ.ની ફિલ્મ પર સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ લેવા શક્ય બન્યા હતા. વર્ષ 1898માં બેલ્જિયન પેઈન્ટર હેનરી ઈવનપોલે આવા જ કેમેરાની મદદથી અરીસામાં જોઈને સેલ્ફી ક્લિક કર્યો હતો.


રોબર્ટ કોર્નેલિયસ, રશિયન પ્રિન્સેસ એનાસ્ટેસિયા રોમાનોવા
અને બઝ ઓલ્ડરિને અવકાશમાં લીધેલો સેલ્ફી

વર્ષ 1910માં ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર હેરોલ્ડ ઝેનોક્સે અરીસામાં જોઈને સેલ્ફી ક્લિક કર્યો હતો. વર્ષ 1914માં રશિયાની પ્રિન્સેસ એનાસ્ટેસિયા નિકોલાએવના રોમાનોવાએ કોડાક બ્રાઉની બોક્સ નામના કેમેરાથી અરીસાની સામે ઊભા રહીને સેલ્ફી ક્લિક કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ફ્લાઈટ કમાન્ડર થોમસ બેકરે પહેલા વિશ્વયુદ્ધમાં ફ્રાંસ માટે લડવા જતા પહેલાં વર્ષ 1918માં અરીસાની સામે ઊભા રહીને સેલ્ફી કર્યો હતો. આ સેલ્ફી લઈને બેકરે ઉડાન ભરી હતી અને ફક્ત ૨૧ વર્ષની વયે ચોથી નવેમ્બર1918ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. નીલ આર્મસ્ટ્રોંગ પછી ચંદ્ર પર પગ મૂકનારા અમેરિકન ખગોળશાસ્ત્રી બઝ ઓલ્ડરિને વર્ષ 1966માં સૌથી પહેલો સ્પેસ સેલ્ફી લીધો હતો. જોકેઆ તમામ સેલ્ફી આજના જેવા ફ્રન્ટ કેમેરાથી નહીં પણ કેમેરા પોતાની સામે રાખીને ક્લિક કરાયા હતા. ટાઈમરની સુવિધા ધરાવતા ડિજિટલ કેમેરાથી લાખો લોકોએ લીધેલા ફોટોગ્રાફને પણ સેલ્ફી જ કહી શકાય. ડેગરોટાઈપ ફોટોગ્રાફી યુગથી છેક 20મી સદી સુધી અનેક લોકોએ સેલ્ફી ક્લિક કર્યાના પુરાવા મોજુદ છે. આ કોઈ વ્યક્તિને પોતે લીધેલા ફોટોગ્રાફને સેલ્ફી નામ આપવાનું સૂઝયું ન હતું. 13મી સપ્ટેમ્બર2002ના રોજ એબીસી ઓનલાઈન પર એક યુવકે 21મા જન્મદિવસે દારૂ પીને પોતાના ફાટેલા હોઠનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હતો. આ ફોટોગ્રાફ સાથે લખેલા લાંબા મેસેજમાં છેલ્લે તેણે લખ્યું હતું કે, ''...સોરી અબાઉટ ધ ફોકસઈટ વોઝ અ સેલ્ફી.'' જોકેઆ યુવકની ઓળખ હજુ સુધી જાહેર થઈ શકી નથી.

આમસૌથી પહેલો સેલ્ફી લેવાનું શ્રેય રોબર્ટ કોર્નેલિયસને અપાય છેતો સેલ્ફી શબ્દનો ઉપયોગ કરવાનો શ્રેય આ અજાણ્યા યુવકને અપાય છે.

28 November, 2014

ચલો એકબાર ફિરસે હો જાયે, ‘ચાય પે ચર્ચા’


ભારતમાં મહિલા અધિકારોની વાત કરવી બેધારી તલવાર પર ચાલવા જેવું કામ છે. હાલમાં જ સર્વોચ્ચ અદાલતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી શકશે એવો ચુકાદો આપીને સિને કોસ્ચ્યુમ્સ, મેકઅપ આર્ટિસ્ટ એન્ડ હેરડ્રેસર્સ એસોસિયેશનના ૫૭ વર્ષ જૂના તુઘલકી નિયમનો છેદ ઉડાવી દીધો. મહિલા મેકઅપ આર્ટિસ્ટનો માર્ગ મોકળો કરવાનો ચુકાદો આપતી વખતે અદાલતે દેશની સૌથી પ્રોગ્રેસિવ ગણાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ મહિલાઓ સાથે રખાતા જાતીય ભેદભાવ પર ટિપ્પણી કરી અને એટલે તે દેશભરના અખબારોમાં મોટા સમાચાર બન્યા. આ એસોસિયેશનના નિયમો પર નજર કરતા જણાય છે કે, તેના નિયમોમાં જાતીય ભેદભાવ કરતા તુઘલકી નિર્ણયોનું તત્ત્વ વધારે છે. જેમ કે, એક જૂના નિયમ પ્રમાણે મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરી શકતી ન હતી, તો પુરુષો પણ હેરડ્રેસર તરીકે કામ કરી શકતા ન હતા. આજથી પાંચ દાયકાથી પણ વધુ સમય પહેલાં આ નિયમો બનાવવા પાછળનો હેતુ ઈન્ડસ્ટ્રીમાં એક વ્યક્તિને એકસાથે બે વ્યવસાયની મંજૂરી નહીં આપવાનો હતો. એટલે પુરુષોએ ફક્ત મેકઅપ અને મહિલાઓએ ફક્ત હેરડ્રેસિંગનું કામ કરવાની છૂટ હતી.

મેકઅપ આર્ટિસ્ટ ચારુ ખુરાનાની અરજી પર સર્વોચ્ચ અદાલતે મહિલાઓને મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરવાની મંજૂરી તો આપી દીધી પણ આજેય પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની છૂટ નથી. સર્વોચ્ચ અદાલતનું કામ મહિલા આર્ટિસ્ટને કામ કરવાની મંજૂરી માગતી અરજી પર ચુકાદો આપવાનું હતું પણ બીજા જરીપુરાણા નીતિનિયમો ફગાવી દેવાનું કામ એસોસિયેશનનું છે. આ ચુકાદા પછી પણ પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની મંજૂરી નહીં હોવાથી અનેક સવાલો ત્યાંના ત્યાં રહી ગયા છે. જેમ કે, પુરુષોને હેરડ્રેસર તરીકે કામ કરવાની મંજૂરી નહીં આપી હોવાથી તેઓ અન્યાયની ભાવનાથી પીડાઈને મહિલા મેકઅપ આર્ટિસ્ટ સાથે વધુ ભેદભાવ નહીં રાખે? આ ચુકાદા પછી મહિલાઓ મેકઅપ આર્ટિસ્ટ અને હેરડ્રેસર એમ બંને વ્યવસાય એકસાથે અપનાવશે તો પુરુષો સાથે મોકળાશથી કામ કરી શકશે? કામના સ્થળે મહિલાઓએ પુરુષોની સીધી કે આડકતરી હેરાનગતિ સહન નહીં કરવી પડે? પ્રોગ્રેસિવ ગણાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'ક્રાઉડ પુલર' અભિનેત્રીને પણ અભિનેતા કરતા ઓછી ફી મળતી હોય ત્યારે આવા સવાલો થવા સ્વાભાવિક છે. જોકે, આ ચુકાદા પછી આવા જટિલ મુદ્દાની ચર્ચા કરવાના બદલે તેને ફક્ત મોટી જીત તરીકે વધાવીને ભૂલી જવાયો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વી.સી. ઝમીરુદ્દીન શાહ 

કોઈ પણ મુશ્કેલીને આક્રમકતાથી રજૂ કરીને તેનો કામચલાઉ ઉપાય શોધવો અથવા તેને ભૂલી જવી એ આપણી રાષ્ટ્રીય બીમારી છે. સાચી દિશામાં ચર્ચા કરીને અને મુશ્કેલીઓના મૂળ સુધી પહોંચીને તેનો કાયમી ઉકેલ લાવવામાં આપણે માનતા નથી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થિનીઓ પર પ્રતિબંધના વિવાદમાં પણ કંઈક આવું જ થયું. આ લાઈબ્રેરીનો ઉપયોગ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અબ્દુલ્લા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ નથી કરી શકતી, પરંતુ યુનિવર્સિટીની મેડિકલ, એન્જિનિયરિંગ, બી.કોમ. અને એલએલ.બી. કોલેજમાં અભ્યાસ કરતી પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ તેનો ઉપયોગ કરી શકે છે. જો એક જ કોલેજની વિદ્યાર્થિનીઓ આ લાઈબ્રેરીનો ઉપયોગ કરી શકતી ના હોય તો ફક્ત જાતીય ભેદભાવની ફરિયાદો કરીને આ મુદ્દાને ભૂલાવી દેવો ના જોઈએ, પરંતુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહના વિવાદાસ્પદ નિવેદનના કારણે કમનસીબે એવું જ થયું. મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ મૌલાના આઝાદ લાઈબ્રેરીમાં કેમ નથી આવી શકતી એ મતલબના સવાલનો જવાબ આપતા વાઈસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ઝમીરુદ્દીન શાહે કહ્યું હતું કે, “અહીં છોકરીઓને આવવાની મંજૂરી આપીશું તો છોકરાઓની સંખ્યા ચાર ગણી વધી જશે.”

ઝમીરુદ્દીન શાહનું નિવેદન વખોડવાલાયક જ હતું પણ યુનિવર્સિટીના નિયમની વાત છે ત્યાં સુધી તેમાં જાતીય ભેદભાવનું તત્ત્વ ન  હતું. ૧૯૬૦માં મૌલાના આઝાદ લાઈબ્રેરીની સ્થાપના થઈ ત્યારથી અહીં મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ આવી શકતી નથી. કારણ કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મહિલા કોલેજને પોતાની લાઈબ્રેરી, સાયબર કાફે અને બ્યુટી પાર્લર પણ છે. જો યુનિવર્સિટીના હોદ્દેદારો ખરેખર તાલિબાની માનસિકતા ધરાવતા હોય તો ત્યાં મહિલાઓ માટે સાયબર કાફે કે બ્યુટી પાર્લર કેવી રીતે હોઈ શકે? આ વિદ્યાર્થિનીઓ માટે મહિલા કોલેજની લાઈબ્રેરીની સાથે મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીના ઓનલાઈન એક્સેસની સુવિધા પણ છે. પરંતુ ઝમીરુદ્દીન શાહને 'સબસે તેઝ' આડે હાથ લેવાની લ્હાયમાં ફક્ત જાતીય ભેદભાવ અને તાલિબાની માનસિકતાના મુદ્દા ઉછળ્યા. બીજી તરફ, ટેલિવિઝન ચેનલોની ચર્ચામાં ગમે તે ભોગે સમાનતાની માગણી કરતા બૌદ્ધિકોએ પણ સમગ્ર વિવાદને મોટા ભાગે જાતીય ભેદભાવની ઉપરછલ્લી દૃષ્ટિએ જોયો અને જટિલ કહી શકાય એવા મુદ્દા ભૂલાઈ ગયા.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અધ્યાપિકા ફૈઝા અબ્બાસીએ એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલની ચર્ચામાં આવો જ એક મુદ્દો છેડતા કહ્યું હતું કે, ''...આ નિયમથી મહિલાઓને અન્યાય થતો નથી. કારણ કે, મહિલા કોલેજમાં છોકરાઓ પણ જઈ શકતા નથી. સેન્ટ્રલ લાઈબ્રેરીમાં અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓ નથી જઈ શકતી પણ તેમની સિનિયર જઈ જ શકે છે. આ વાતને જાતીય ભેદભાવની રીતે નહીં પણ સાંસ્કૃતિક મર્યાઓની રીતે મૂલવવી જોઈએ. કાલે યુવકો પણ મહિલા કોલેજની લાઈબ્રેરીમાં જવાની મંજૂરી માગશે તો શું અમે એવું કરી શકીએ?''  આ જ ચર્ચામાં અબ્બાસીની સાંસ્કૃતિક મર્યાદાની દલીલને ટેકો આપતા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સ્થાપક સભ્ય કમાલ ફારૃકીએ કહ્યું હતું કે, 'અબ્દુલ્લા મહિલા કોલેજ મુસ્લિમ યુવતીઓને કોલેજ સુધી લઈ આવવાનો એક માર્ગ છે...” આ દલીલ ખૂબ જ મહત્ત્વની છે. જે દેશ-સમાજમાં છોકરીઓ છોકરા સાથે ભળે નહીં ફક્ત એટલા જ કારણથી શિક્ષણથી વંચિત રખાતી હોય ત્યારે આ મુદ્દાને જાતીય ભેદભાવથી ઉપર ઉઠીને જોવો જોઈએ.

જેમ કે, યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ફક્ત જગ્યાના અભાવે મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને પ્રવેશ નથી અપાતો. ચાલો આ વાત માની લઈએ, પરંતુ દબાણને વશ થઈને સંચાલકો મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓને સેન્ટ્રલ લાઈબ્રેરીમાં જવાની મંજૂરી આપે એમાં પણ અનેક ભયસ્થાનો છે. આવા નિયમો હળવા કર્યા પછી અહીં ફક્ત મહિલા કોલેજના બહાને અભ્યાસ કરવા આવી શકતી યુવતીઓની સંખ્યામાં ઘટાડો થશે તો જવાબદાર કોણ? કારણ કે, અબ્દુલ્લા મહિલા કોલેજમાં ભણતી મોટા ભાગની વિદ્યાર્થિનીઓના માતાપિતા ખૂબ જ રૃઢિચુસ્ત છે. તેઓ નથી ઈચ્છતા કે તેમની પુત્રીઓ યુવકો સાથે ભળે. અહીં અભ્યાસ કરતી મોટા ભાગની વિદ્યાર્થિનીઓને તેમના માતાપિતાએ ફક્ત મહિલા કોલેજના બહાને સ્નાતક થવાની મંજૂરી આપી હોય છે. આજે પણ મહિલા કોલેજો યુવતીઓને કોલેજ સુધી લાવીને શિક્ષિત કરવાનો એક સરળ રસ્તો છે. મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓની સુરક્ષા મુદ્દે પણ એવી દલીલ થઈ કે, યુવતીઓ પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના ગમે ત્યાં જઈ શકવી જોઈએ કારણ કે, તેમની સુરક્ષાની જવાબદારી સંચાલકોની છે. ફક્ત સાંભળવામાં સારી અને તાળી-ઉઘરાઉ દલીલો કરનારાએ એ પણ વિચારવું જોઈએ કે, દેશભરમાં મહિલાઓ સામેની ગુનાખોરી સતત વધી રહી હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓએ અગમચેતી રાખવી જરૃરી નથી? ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મહિલા સ્કૂલ-કોલેજો છે અને તેમાં યુવતીઓ માટે ચોક્કસ નીતિનિયમો હોય જ છે, રાખવા પડે છે.

મૌલાના આઝાદ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં વિદ્યાર્થિનીઓના પ્રવેશનો મુદ્દો ખોટી રીતે રજૂ થયો એનો અર્થ એ નથી કે, યુનિવર્સિટીમાં જાતીય ભેદભાવ રખાતો નથી. મુદ્દો એ છે કે, ખોટી દિશામાં ચર્ચા કરવામાં આવતા યોગ્ય મુદ્દાની ચર્ચા જ ના થઈ અને અનેક સવાલો ત્યાંના ત્યાં જ રહ્યા.જેમ કે, પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીઓ સેન્ટ્રલ લાઈબ્રેરીમાં ભલે જઈ શકતી હોય પરંતુ ૧૩૦૦ લોકોને બેસવાની ક્ષમતા ધરાવતી લાઈબ્રેરીમાં યુવતીઓ માટે ફક્ત ૧૨ જ બેઠકો અનામત છે. ચર્ચા કરવા માટે આ મુદ્દો મહત્ત્વનો નથી? અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની વાત છે ત્યાં સુધી મહિલાઓને સમાન હક્કનો મુદ્દો અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થિનીઓને સેન્ટ્રલ લાઈબ્રેરીમાં પ્રવેશથી ઘણો આગળ ચર્ચાવો જોઈતો હતો. અહીંના મુખ્ય કેમ્પસમાં યુવતીઓ આઈ-ટીઝિંગ જેવા કારણોસર યુવકોની જેમ છૂટથી ફરી શકતી નથી. યુનિવર્સિટી કેમ્પસમાં પણ યુવતીઓની સુરક્ષાના પ્રશ્નો માટે આટલું સજાગ રહેવું પડે એ યુવકો માટે શરમજનક વાત નથી? અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આજે પણ વહીવટથી લઈને શિક્ષણ સુધીના તમામ સ્તરે પુરુષપ્રધાન માનસિકતા અને ઈસ્લામિક મૂલ્યોના નામે દંભ છવાયેલો છે.

અહીંના વિદ્યાર્થી  યુનિયનોમાં યુવતીઓની હિસ્સેદારી નહીંવત છે. વિદ્યાર્થી યુનિયનના ત્રણ મહત્ત્વના હોદ્દામાંથી અત્યાર સુધી ફક્ત એક હોદ્દા માટે એક જ યુવતી ચૂંટણી લડી હતી અને તે હારી ગઈ હતી. આ તો વિદ્યાર્થીઓની વાત થઈ. અત્યાર સુધી એકેય મહિલા શિક્ષક સ્ટાફ એસોસિયેશનની ચૂંટણી લડી નથી. અહીં નાટક, સાહિત્ય અને સંગીતની ઈતર પ્રવૃત્તિ કરતી ત્રણ મોટી ક્લબ છે પણ અત્યાર સુધી એકેય ક્લબનો ચાર્જ મહિલાએ સંભાળ્યો નથી. સામાન્ય અપવાદોને બાદ કરતા મુખ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી મોટા ભાગની યુવતીઓ દૂર જ રહે છે. અહીં શિક્ષકો ફક્ત લેક્ચર લઈને જતા રહે છે. તેઓ યુવકો-યુવતીઓને સાથે રાખીને કોઈ મુદ્દે ચર્ચા કરી શકતા નથી. વિદ્યાર્થી ચળવળમાં મદદ કરતા શિક્ષકોને દંડ કરાય છે અને તેમની નોકરી જોખમમાં મૂકાય છે. વહીવટી તંત્રથી વિરુદ્ધની કોઈ પણ વાતનું સમર્થન કરતા શિક્ષકોને ઈસ્લામના વિરોધીઓ ગણીને ચૂપ કરી દેવાય છે. યુનિવર્સિટીના વહીવટમાં અપારદર્શકતા કે ભ્રષ્ટાચારની વાત કરાય ત્યારે સંસ્થાને બદનામ કરવાનું કાવતરું કહીને આખી વાત ઉડાવી દેવાય છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ કામના કલાકો દરમિયાન ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ છે. કારણ કે, જુલાઈ 2014માં ઈતિહાસ વિભાગના એસોસિયેટ પ્રોફેસર નદીમ રેઝાવીએ વાઈસ ચાન્સેલર ઝમીરુદ્દીન શાહને ફેસબુક પર બે અકલકહ્યા હતા. એ પહેલાંના વાઈસ ચાન્સેલરને પણ તેમણે ફેસબુક પર લૂટિયા ચોરકહ્યા હતા. આ ઘટના પછી યુનિવર્સિટીએ પ્રો. રેઝાવીને સસ્પેન્ડ કર્યા અને ફેસબુક પર કામના કલાકો દરમિયાન પ્રતિબંધ મૂકી દીધો. આ ઘટના બાદ પણ ફક્ત એ જ ચર્ચા થઈ કે, આજકાલ ફેસબુક ખૂબ ઉપયોગી માધ્યમ હોવાથી યુનિવર્સિટીએ તેના પર પ્રતિબંધ ના મૂકવો જોઈએ અને પ્રો. રેઝાવી સાથે સંચાલકોએ અન્યાય કર્યો છે. આ ધમપછાડામાં ફક્ત એવો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો કેઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તાલીબાની માનસિકતા ધરાવતા સંચાલકોથી ખદબદે છે. શું આ ઘટના બાદ એ ચર્ચા ના થવી જોઈએ કે, પ્રો. રેઝાવીએ કરેલો ફેસબુકનો ઉપયોગ યોગ્ય છે? કામના કલાકો દરમિયાન ફેસબુક પર પ્રતિબંધથી વિદ્યાર્થીઓને શું નુકસાન થશે?

વિચારવાનું આપણે પણ છે, ખાલી યુનિવર્સિટીએ નહીં. શું કહો છો?

21 November, 2014

સુસાઈડ ટુરિઝમઃ આત્મહત્યાનો પણ ધંધો કરતું સ્વિત્ઝર્લેન્ડ


આજકાલ સ્વિત્ઝર્લેન્ડનું નામ લઈએ એટલે સ્વિસ બેંકો કે કાળું નાણું જેવા શબ્દો કાને પડઘાય છે. જોકે, એકાદ મહિનાથી આ સિવાયના કારણોસર પણ સ્વિત્ઝર્લેન્ડની દુનિયાભરના મીડિયામાં નોંધ લેવાઈ રહી છે. સ્વિસ બેંકમાં ખાતું ધરાવનારને ગુપ્તતાનો લાભ મળે છે, એવી જ રીતે અહીં 'ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ' કે 'ડેથ વિથ ડિગ્નિટી'નો પણ વિશિષ્ટ લાભ મળે છે. ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ એટલે સામાન્ય ભાષામાં ડોક્ટરની દેખરેખ હેઠળ પ્રતિષ્ઠાપૂર્વકની આત્મહત્યા. આ પદ્ધતિમાં વ્યક્તિ રીબાઈ રીબાઈને મૃત્યુ પામવાના દુખમાંથી છુટકારો મેળવવા ડોક્ટરની મદદથી મૃત્યુ પામતી હોવાથી તેને પ્રતિષ્ઠા સાથેની આત્મહત્યા કહેવાય છે. ઈન્સ્ટિટયુટ ઓફ લિગલ મેડિસિન ઈન ઝ્યુરિકના નિષ્ણાતોએ 'લો, એથિક્સ એન્ડ મેડિસિન' નામની જર્નલમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડને લગતું સંશોધન પેપર પ્રકાશિત કર્યું એ પછી આ મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. આ પેપરના આંકડા મુજબ, વર્ષ ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે ૬૧૧ વિદેશીઓએ સ્વિત્ઝર્લેન્ડ જઈને ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડની સુવિધાનો લાભ લીધો હતો. 

ભારતમાં પણ મુંબઈની અરુણા શાનબાગના કિસ્સા પછી ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને યુથેનેશિયા (મર્સી કિલિંગ)ની ચર્ચાએ જોર પકડ્યું હતું. ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને યુથેનેશિયા વચ્ચે પાતળી ભેદરેખા છે. યુથેનેશિયામાં ક્યારેક ડોક્ટર જ સ્વજનોની સંમતિથી દર્દીને જીવલેણ દવા આપે છે. એ વખતે દર્દી કોમામાં હોય કે માનસિક રીતે બિમાર હોય તો તેની સંમતિ ના લેવાઈ હોય એવું બની શકે છે, એટલે આ પદ્ધતિ મર્સી કિલિંગ કે એક્ટિવ આસિસ્ટેડ સુસાઈડ તરીકે ઓળખાય છે. જ્યારે ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડમાં દર્દીની વિનંતી, ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા અને મેડિકલ સ્ક્રીનિંગ પછી જ ડોક્ટર દર્દીને મૃત્યુ પામવામાં મદદ કરે છે. અરુણા શાનબાગના કેસ પછી ભારતમાં ફક્ત પેસિવ આસિસ્ટેડ સુસાઈડને જ મંજૂરી મળી છે, જેમાં દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ ખસેડવાની તેમજ દવાઓ અને નળી વાટે ખોરાક બંધ કરવાની જ મંજૂરી હોય છે.



અત્યારે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જેવા દેશોમાં યુથેનેશિયા કાયદેસર છે, જ્યારે સ્વિત્ઝર્લેન્ડ, અલ્બેનિયા, કોલમ્બિયા, જાપાનમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ કાયદેસર છે. અમેરિકાના વોશિંગ્ટન, વર્મોન્ટ, ઓરેગોન, ન્યૂ મેક્સિકો અને મોન્ટાના તેમજ કેનેડાના ક્યુબેકમાં પણ ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ કાયદેસર છે. જોકે, આ તમામ જગ્યાએ ચોક્કસ કાયદાકીય અને મેડિકલ પ્રક્રિયા પછી જ દર્દીને આવી મંજૂરી અપાય છે. દર્દીને રોગમાંથી મુક્ત કરવાની અને તેનું દર્દ ઓછું કરવાની શક્યતા તેમજ દર્દીને મરવાની ઇચ્છા જેવા અનેક માપદંડો ચકાસ્યા પછી જ આ લાભ મળે છે. આજે પણ વિશ્વના મોટા ભાગના દેશોમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ ગેરકાયદે છે, જ્યારે અનેક દેશોમાં તેને લગતા કાયદા જ નથી અથવા તો અસ્પષ્ટ છે.

જર્મની જેવા દેશોમાં તો આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા અને ફોજદારી કાયદા વિરોધાભાસી છે. જેમ કે, જર્મન ડોક્ટર દર્દીને આસિસ્ટેડ સુસાઈડ માટે જીવલેણ દવા પ્રિસ્ક્રાઈબ કરી શકતા નથી, પરંતુ જર્મનીનો નાગરિક કોઈની મદદ વિના જીવલેણ દવા લઈ શકે છે. કારણ કે, જર્મનીના ફોજદારી કાયદા મુજબ, જીવલેણ દવા લઈને આત્મહત્યાનો પ્રયાસ ગુનો નથી. કોઈને આત્મહત્યા કરવા માર્ગદર્શન કે પ્રોત્સાહન આપવું એ પણ સજાપાત્ર નથી. આવા કિસ્સાને સચ્ચાઈની એરણ પર ચકાસવા જર્મનીએ બીજા પણ કેટલાક કાયદા ઘડાયા છે. જર્મનીમાં આસિસ્ટેડ સ્યુસાઈડ અને એક્ટિવ આસિસ્ટેડ સ્યુસાઈડ એમ બે શબ્દોનો ઉપયોગ કરીને કાયદો ઘડાયો છે. કારણ કે, અહીં હિટલર યુગની કડવી યાદો તાજી નહીં કરવાનો વણલિખિત નિયમ હોવાથી 'યુથેનેશિયા' શબ્દનો ઉપયોગ નથી કરાતો. (વર્ષ ૧૯૩૯થી ૧૯૪૧ દરમિયાન નાઝીઓએ જર્મનીમાં ૭૦ હજારથી પણ વધુ લોકોને જીવલેણ ઝેર આપીને મારી નાંખ્યા હતા એ કલંકિત પ્રકરણ વિશ્વના ઈતિહાસમાં 'યુથેનેશિયા પ્રોગ્રામ' તરીકે નોંધાયેલું છે.)

વિશ્વના મોટા ભાગના દેશોના આવા જટિલ કાયદાઓની સામે સ્વિત્ઝર્લેન્ડમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા હાસ્યાસ્પદ કહી શકાય એટલા હળવા છે. અહીં પણ ડોક્ટર જીવલેણ ડ્રગ આપીને દર્દીને મરવામાં મદદ કરી શકતા નથી, પરંતુ કોઈને મરવામાં મદદરૂપ થતી વખતે 'કંઈક મેળવવા'નો હેતુ ના હોય તો સ્વિત્ઝર્લેન્ડ સરકારને વાંધો નથી. સ્વિત્ઝર્લેન્ડમાં આસિસ્ટેડ સુસાઈડને લગતા કાયદા એટલા બધા હળવા છે કે, અહીં વિદેશી નાગરિકો પણ 'સુસાઈડ' કરવા આવી શકે છે. નવાઈની વાત તો એ છે કે, સ્વિસ કાયદા પ્રમાણે કંઈક મેળવવાનો હેતુ ગેરકાયદે હોવા છતાં ત્યાંની સરકાર ફી લઈને ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડમાં મદદરૂપ થતી સંસ્થાઓને 'ધંધો' કરવા દે છે. ડિગ્નિટાઝ  આ પ્રકારની સેવા આપતી સ્વિત્ઝર્લેન્ડની સૌથી મોટી અને વિશ્વભરમાં જાણીતી સંસ્થા છે. આવી સંસ્થાના સભ્ય બનવા માટે પાંચ હજાર ડોલર જેવી તગડી રકમ ચૂકવવી પડે છે. આ સંસ્થાઓનું કામ પણ સ્વિસ બેંકો જેવું જ છે. તેઓ તેમના ગ્રાહકોના આર્થિક કે શારીરિક બિમારીને લગતા ડેટા ગુપ્ત રાખે છે. સુસાઈડ ટુરિઝમમાંથી સ્વિત્ઝર્લેન્ડ સરકાર કેટલી આવક કરે છે તેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં આત્મહત્યા માટે આવતા પ્રવાસીઓ બે-ગણા વધ્યા છે.

જર્મનીના મેડિકલ કોડ મુજબ, આત્મહત્યા માટે મદદ કરવી એ અનૈતિક છે, પણ સ્વિસ ડોક્ટર ચોક્કસ સંજોગોમાં દર્દીને મૃત્યુ પામવામાં મદદરૂપ થઈ શકે છે. સ્વિત્ઝર્લેન્ડમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડનો લાભ લેવા માટે બ્રિટિશરો પછી જર્મન પ્રવાસીઓ સૌથી વધુ આવે છે. યુ.કે.ના ચારેય દેશોમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ ગેરકાયદે હોવાથી તેઓ મરવા માટે સ્વિત્ઝર્લેન્ડ આવે છે, જ્યારે જર્મનો મરતા મરતા કાયદાની આંટીઘૂંટીથી બચવા માટે સ્વિત્ઝર્લેન્ડ આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૩૧ દેશોના પ્રવાસીઓએ ફિઝિશિયન આસિસ્ટેડ સ્યુસાઈડના હેતુથી સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત લીધી છે. આ નાગરિકોમાં ૨૩ વર્ષના યુવાનોથી લઈને ૯૦ વર્ષના વૃદ્ધોનો સમાવેશ થાય છે. સ્વિત્ઝર્લેન્ડના સુસાઈડ ટુરિઝમના તરફદારોની દલીલ છે કે, આ તમામ નાગરિકો જીવલેણ રોગોથી પીડાતા હોવાના કારણે સ્વિત્ઝર્લેન્ડમાં આસિસ્ટેડ સુસાઈડનો લાભ લેવા આવ્યા હતા. જોકે, એક અહેવાલ પ્રમાણે વર્ષ ૧૯૯૮થી આસિસ્ટેડ સુસાઈડના હેતુથી સ્વિત્ઝર્લેન્ડ આવેલા એક હજારમાંથી ૨૧ ટકા જેટલા પ્રવાસીઓ જીવલેણ બીમારીથી પીડાતા ન હતા.

છેલ્લાં બે દાયકામાં વિશ્વના અનેક દેશોમાં વિવિધ મેડિકલ કેસ સામે આવ્યા પછી ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ અને મર્સી કિલિંગની ચર્ચાએ જોર પકડ્યું છે. વર્ષ ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન આર્ટિફિશિયલ રેસ્પિરેટર, ફિડિંગ ટયૂબ્સ અને ડાયાલિસિસ મશીનો જેવી મેડિકલ ટેક્નોલોજીના કારણે જીવલેણ રોગથી પીડાતા દર્દીઓને જીવિત રાખવા સરળ બન્યા છે. આવી રીતે ફક્ત ટેક્નોલોજીના સહારે પથારીમાં જીવન ગુજારી રહેલા દર્દીઓનું જીવન ક્યારેક અત્યંત દુષ્કર બની જતું હોય છે. અમુક પ્રકારના કેન્સરમાં દર્દીને અત્યંત પીડાદાયી સારવાર આપીને વર્ષો સુધી જીવિત રખાય છે. જોકે, આવી રીતે જીવતો દર્દી ખરેખર 'જીવિત' જ ના હોય એવું બની શકે છે. અમેરિકા, કેનેડા તેમજ યુરોપિયન દેશોમાં આવા કિસ્સા સામે આવ્યા પછી આસિસ્ટેડ સુસાઈડ અને મર્સી કિલિંગની તરફેણમાં સૂર ઉઠ્યો  છે. અમેરિકા, કેનેડા અને યુરોપના મોટા ભાગના નાગરિકો સ્વેચ્છાએ મૃત્યુ પામવાના કાયદા ઘડવાના હિમાયતી છે.

જોકે, આ પ્રકારના કાયદા બનાવવામાં મેડિકલ એથિક્સથી લઈને ધર્મ સુધીની અનેક અડચણો છે. આવા કાયદાની વિરુદ્ધ મેડિકલ જગતમાંથી પણ એવો સૂર ઉઠયો છે કે, લોકોને મરવાની છૂટ આપતા કાયદા બનાવવા કરતા દર્દીની વધુ સારી રીતે કાળજી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લોકોને મરવાની છૂટ આપતો કાયદા બનાવીએ એના કરતા કેવા કેસમાં ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડ કે મર્સી કિલિંગની મંજૂરી મળી શકે એની રૂપરેખા ધરાવતી માર્ગદર્શિકા પણ ઘડી શકાય. જે દેશોમાં આવા કાયદા છે ત્યાં પણ દર વખતે તેનું આંધળુ અનુસરણ કરીને દર્દીને મરવાની કે મારવાની મંજૂરી અપાતી નથી. આવા કાયદા ઘડતા પહેલાં પથારીવશ દર્દીઓ પર મૃત્યુ પામવાનું આડકતરું દબાણ, મૃત્યુની મંજૂરી આપવામાં ડોક્ટરની જટિલ ભૂમિકા, હત્યાને પણ ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડમાં ખપાવી દેવાનો ભય તેમજ ડિફરન્ટલી એબલ્ડ લોકો પ્રત્યે સામાજિક ભેદભાવ જેવા અનેક ભયસ્થાનો છે.

હિંદુ સહિત વિશ્વના મોટા ભાગના ધર્મો પણ અકુદરતી મૃત્યુનો અને આવા કાયદાનો વિરોધ કરે છે. અરુણા શાનબાગના કિસ્સા પછી ભારતમાં પણ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મગુરુઓનો મત જાણવાનો પ્રયાસ કરાયો હતો. આ તમામ ધર્મો એકસૂરે એક્ટિવ આસિસ્ટેડ સુસાઈડનો વિરોધ કરે છે. જોકે, જૈન ધર્મ સંથારા અને હિંદુ ધર્મ પ્રયોપવેશ નામની ધાર્મિક વિધિ હેઠળ વ્યક્તિને અન્ન-જળ છોડીને મૃત્યુ પામવાની મંજૂરી આપે છે. અરુણા શાનબાગના કિસ્સા પછી ભારતમાં પણ ફક્ત પેસિવ આસિસ્ટેડ સુસાઈડ જ કાયદેસર છે.

અરુણા શાનબાગનો કિસ્સો શું છે?

અરુણા શાનબાગના બહુચર્ચિત  કિસ્સા પછી ભારતમાં મર્સી કિલિંગ અને ફિઝિશિયન આસિસ્ટેડ સુસાઈડની ચર્ચા થઈ હતી. ઉત્તરપ્રદેશના હલ્દીપુર ગામમાં જન્મેલી અરુણા શાનબાગ મુંબઈની કિંગ એડવર્ડ હોસ્પિટલમાં જુનિયર નર્સ તરીકે નોકરી કરતી હતી. આ દરમિયાન ૨૭મી નવેમ્બર, ૧૯૭૩ની રાત્રે અરુણા હોસ્પિટલના ભોંયરામાં કપડાં બદલતી હતી ત્યારે સોહનલાલ વાલ્મિકી નામના સફાઈ કામદારે તેના પર જાતીય હુમલો કર્યો હતો. સોહનલાલે અરુણાને ડોગ ચેઈનથી ગૂંગળાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ હુમલાના શારીરિક અને માનસિક આઘાતને લીધે અરુણાના મગજને ઓક્સિજન પ્રવાહ આપતી સિસ્ટમ ખોરવાઈ જતા તે કોમામાં ચાલી ગઈ હતી. અરુણાની ગરદનના ઉપરના મણકાને ગંભીર નુકસાન થતાં તેણે દૃષ્ટિ અને શ્રવણશક્તિ પણ ગુમાવી દીધી હતી. આ ઘટના બાદ તેને લાઈફ સપોર્ટ સિસ્ટમની મદદથી મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં જીવિત રખાઈ છે.

અરુણા શાનબાગ યુવાનીમાં અને હોસ્પિટલના બિછાને

આ દરમિયાન 'અરુણા'ઝ સ્ટોરીઃ અ ટ્રુ એકાઉન્ટ ઓફ અ રેપ એન્ડ ઈટ્સ આફ્ટલમેથ'ના લેખિકા પિંકી વિરાણીએ અરુણાના મર્સી કિલિંગ માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. આ અરજીમાં દલીલ કરાઈ હતી કે, અરુણાને પરાણે જીવિત રાખવી એ તેના માન-સન્માન સાથે જીવવાના અધિકારનો ભંગ કરે છે. જોકે, વિવિધ સુનવણીઓ પછી સાતમી માર્ચ, ૨૦૧૧ રોજ સર્વોચ્ચ અદાલતે અરુણાના મર્સી કિલિંગને લગતી અરજી ફગાવી દીધી હતી. એક્ટિવ આસિસ્ટેડ સુસાઈડ કે મર્સી કિલિંગ માટે દેશમાં ચોક્કસ કાયદાના અભાવે અરુણા શાનબાગના મર્સી કિલિંગને મંજૂરી મળી ન હતી. જોકે, આ ચુકાદામાં અદાલતે એક માર્ગદર્શિકા નક્કી કરીને પેસિવ આસિસ્ટેડ સુસાઈડ એટલે કે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ અને નળી વાટે અપાતો ખોરાક કે પાણી ચોક્કસ સંજોગોમાં બંધ કરવાનો નિર્ણય લેવાની મંજૂરી આપી હતી.

ખેર, ચોક્કસ કાયદાના અભાવે અરુણા શાનબાગ આજે ૪૧ વર્ષ પછીયે હોસ્પિટલમાં પથારીવશ અવસ્થામાં જીવિત છે.

નોંધઃ બંને તસવીરો ગૂગલ પરથી લીધી છે.