20 August, 2012

ભારત રહી રહીને જાગ્યું: હવે ઘૂસણખોરોની ઓળખ ઝડપથી કરાશે


બાંગલાદેશથી આસામમાં આવેલા ઘૂસણખોરો અને સ્થાનિક બોડો સંપ્રદાય વચ્ચે થયેલી હિંસક અથડામણો અચાનક કોમી સ્વરૂપ ધારણ કરી લેશે અને આ આગ દેશભરમાં ફેલાઈ જશે એની કોઈને કલ્પના સુદ્ધાં ન હતી. ભારતે આઝાદી વખતે શરણાર્થીઓથી ભરેલી બિહામણી ટ્રેનો જોઈ હતી, પરંતુ આઝાદીના 65 વર્ષ પછી આજની પેઢીને ફરી એકવાર ઉત્તર-પૂર્વ ભારતના શરણાર્થીઓથી ભરેલી ટ્રેનો જોવા મળી રહી છે. જોકે, એ વખતે ભારતથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત તરફ ટ્રેનો દોડી રહી હતી. જ્યારે અત્યારે દેશની અંદર જ ઈશાન ભારતીયોથી ભરેલી ટ્રેનો દોડી રહી છે.

આસામની હિંસાનો બદલો લેવાની સાચી-ખોટી અફવાઓના કારણે દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા લાખો ઈશાન ભારતીયોમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું છે. આસામમાં થયેલી હિંસક અથડામણો બાદ મહારાષ્ટ્ર, હૈદરાબાદ, તામિલનાડુ અને કર્ણાટકના વિવિધ શહેરોમાંથી હજારો લોકો સામૂહિક સ્થળાંતર કરી રહ્યા છે. ખાસ કરીને મુંબઈ, પૂણે અને મૈસુરમાં ઈશાન ભારતીય પર થયેલા હુમલા અને ત્યાર પછી એસએમએસ, ઈમેલના માધ્યમથી અપાયેલી બદલો લેવાની ધમકીઓના કારણે સંપૂર્ણ સ્થિતિ અફવા ફેલાવનારા લોકોની તરફેણમાં થઈ ગઈ. આઘાતજનક વાત તો એ છે કે, આવી અફવાઓના કારણે ઈશાન ભારતીયોએ આસામ તરફ સામૂહિક સ્થળાંતર શરૂ કર્યું છે, અને આસામમાં પણ વાતાવરણ અત્યંત તંગ છે. આ સ્થિતિમાં કર્ણાટકના બેંગલુરુ શહેરમાંથી જ 30 હજાર લોકો વિવિધ ટ્રેનોમાં આસામ પહોંચી ગયા છે.

બેંગલુરુથી ટ્રેનમાં બેસી આસામ જતા ઈશાન ભારતીયો
વડાપ્રધાન મનમોહનસિંહના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી ઈફતાર પાર્ટીમાં તેમણે હુમલાઓને લઈને ઊડી રહેલી અફવાઓ અંગે કહ્યું હતું કે, “આપણે બધાએ સાથે મળીને જોવાનું છે કે, જે અફવાઓ ચાલી રહી છે, એસએમએસ મોકલાઈ રહ્યા છે તેનાથી પૂર્વોત્તરના લોકોમાં ડર પેદા ન થાય. આપણે કોઈ પણ કિંમતે શાંતિ રાખવાની છે.જોકે લોકો પર આ વાતની બિલકુલ અસર નથી અને તેમનું સામૂહિક સ્થળાંતર અવિરત ચાલુ છે. રેલવે તંત્રના જણાવ્યા મુજબ, 18 ઓગસ્ટ સુધીમાં જ 12 હજાર જેટલી ટિકિટોનું વેચાણ થઈ ગયુ છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લોકોને જે તે પ્રદેશ નહીં છોડવા સમજાવાઈ રહ્યા છે, તો બીજી તરફ રેલવે તંત્રે બેંગલુરુથી પૂર્વોત્તરના રાજ્યોમાં જતી વધારાની ટ્રેનોની વ્યવસ્થા કરવી પડી છે. કર્ણાટકના મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરની સ્થળાંતર નહીં કરવાની વારંવારની અપીલ પછી પણ લોકોના મિજાજમાં કોઈ ફર્ક ન પડતા તેમણે ખુદ ગૃહ મંત્રીને રેલવે સ્ટેશન પર મોકલ્યા હતા. અહીં તેમણે ઈશાન ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષાની પૂરતી ખાતરી આપીને કર્ણાટક નહીં છોડવા સમજાવ્યા હતા. આમ છતાં અફવાઓને પગલે સર્જાયેલું ભયનું વાતાવરણ એટલું મજબૂત છે કે, લોકો ટસના મસ થતા નથી. આ સ્થિતિમાં તકવાદીઓ પૂર્વોત્તર રાજ્યોના ભાઈ-બહેનોનું દિલ જીતવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, અને પૂર્વ ભારતમાં ઘૂસણખોરીના પ્રશ્ને સત્તાધીશો ઊંઘતા ઝડપાયા છે.

હાલના સંજોગોમાં દેશના તમામ રાજકીય પક્ષોએ ઈશાન ભારતીયોને પૂરતી સુરક્ષાની ખાતરી આપી છે. પરંતુ ભયભીત લોકો કોઈનું સાંભળવા તૈયાર નથી. આ સ્થિતિમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલુ થઈ ગયો છે. બેંગલુરુમાં સર્જાયેલી સ્થિતિ બદલ કેટલાક લોકો કર્ણાટકની ભાજપ શાસિત સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, બેંગલુરુમાં તો હજુ સુધી એક પણ હિંસક ઘટના બની નથી, તેમ છતાં કેમ આટલા મોટા પાયે સ્થળાંતર થઈ રહ્યું છે. કારણ કે, મોટા ભાગના લોકોને હાલની સરકારમાં બિલકુલ વિશ્વાસ નથી. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે, લોકોમાં મનમાં ડરનો માહોલ એટલો સજ્જડ છે કે, તેઓ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી. બેંગલુરુમાં હોટેલોમાં અને સુરક્ષાકર્મીઓ તરીકે બહુ મોટી સંખ્યામાં ઈશાન ભારતીયો કામ કરે છે. તેઓને તેમના ઘરેથી સતત ફોન કૉલ્સ આવી રહ્યા છે અને પરિવારજનો તેમને આસામ આવી જવા કહી રહ્યા છે. બેંગલુરુથી ટ્રેનમાં આસામ જતા કેટલાક લોકો એક ટીવી ચેનલને જણાવતા હતા કે, “અમને રસ્તામાં ઊભા રાખીને પૂછવામાં આવતું હતુ કે, ‘શું તમે આસામના છો?આ ઘટનાથી અમે ગભરાઈ ગયા છીએ.” 

આ પ્રકારની ઘટનાથી અન્ય ઈશાન ભારતીયોમાં પણ ભયનું વાતાવરણ સર્જાવુ સ્વભાવિક છે. બેંગલુરુથી પોતાના મિત્રો સાથે ફક્ત એક બેગ લઈને આસામ જતો બિકાશ જણાવે છે કે, ‘અમે આસામી ટીવી ચેનલ પર આસામની હિંસાના દૃશ્યો જોયા હતા, અને અમે સાંભળ્યુ છે કે, આ ઘટનાઓનો અમારી સાથે બદલો લેવાશે. હવે જ્યાં સુધી સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી અમે અહીં નહીં આવીએ.બીજી તરફ, મુંબઈની હિંસા પછી ઈશાન ભારતીયોએ એસએમએસ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ તેમજ મિત્રો પાસેથી સાંભળ્યું છે કે, 20 ઓગસ્ટે ઈદ પછી કંઈકઅજુગતી ઘટના બનશે. આ સ્થિતિમાં સામૂહિક ડરનું વાતાવરણ સર્જાયું છે, અને લોકો સામાન્ય ઘટનાને પણ અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે.

આ સ્થિતિને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે મહત્ત્વનું પગલું લેતા 17 ઓગસ્ટથી સતત 15 દિવસ માટે બલ્ક એસએમએસ અને એમએમએસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. બીજી તરફ, આસામના કોમી રમખાણોમાંથી પદાર્થપાઠ લઈને કેન્દ્ર સરકારે ઘૂસણખોરોની ઓળખ કરવાના કામમાં પણ ઝડપ વધારી છે. આસામમાં આ વર્ષના અંત સુધીમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનસીઆર)નું કામ શરૂ થઈ જશે એવા અહેવાલ છે. આ સાથે બાંગલાદેશી ઘૂસણખોરોને ઓળખવા વૈજ્ઞાનિક તપાસ કરવાનો પણ વિચાર કરાઈ રહ્યો છે. એટલું જ નહીં, કેટલાક શંકાસ્પદ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવાનો પણ નિર્ણય લેવાયો છે. બે વર્ષ પહેલાં જ આ રજિસ્ટરને અપડેટ કરવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં આ કામને લઈને હંગામો મચી ગયો હોવાથી તે બંધ કરવાની ફરજ પડી હતી. નવાઈની વાત તો એ છે કે, આ રજિસ્ટર છેક વર્ષ 1951માં અપડેટ કરાયું હતું.

આસામ દેશનું પહેલું રાજ્ય છે જ્યાં કેન્દ્રના રાષ્ટ્રીય વસતી રજિસ્ટરની સાથે રાજ્યની વસતી ગણતરી માટે એનસીઆરની પણ વ્યવસ્થા કરાઈ હોય. કારણ કે, મૂળ આસામનો નાગરિક કોને ગણવો તે મુદ્દો આઝાદીકાળથી વિવાદિત છે. આમ તો, આસામ કે તેની બહાર રહેતા એવા લોકો કે જે આસામી ભાષા સાથે જોડાયેલા હોય તેને આસામી ગણવામાં આવે છે. પરંતુ આસામી નાગરિકની આ વ્યાખ્યાએ જાતભાતના વિવાદો સર્જ્યા અને રાજકારણીઓએ તેનો ભરપૂર ફાયદો પણ ઉઠાવ્યો. છેવટે માર્ચ 2007માં આસામ સરકારે આસામના નાગરિકની વ્યાખ્યા નક્કી કરવા એક સમિતિની રચના કરી, જેમાં નક્કી કરાયું કે, “જે પણ નાગરિકનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ-1951માં હોય તેઓ અને તેમના પૂર્વજોને આસામી ગણવાં.આસામમાં બોડો લોકોની સાથે બાંગલાદેશી ઘૂસણખોરોને પણ જાતભાતના લાભ મળે છે, અને એક અંદાજ પ્રમાણે આસામમાં 30 ટકા વસતી બાંગલાદેશીઓની છે. બોડો લોકોની માગ છે કે, આ તમામ ઘૂસણખોરોની ઓળખ કરીને તેમને બાંગલાદેશ પરત મોકલવામાં આવે, જેથી સ્થાનિક લોકોને રાજ્યના સંસાધનોનો પૂરતો લાભ મળે. જોકે, મત બેંકના રાજકારણના પાપે આટલા વર્ષો પછી લાખો બાંગલાદેશીઓની ઓળખ કરવી ઘણી અઘરી છે.

મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો સામે બાંગલાદેશનું આકરું વલણ

બાંગલાદેશ પોતાના પાડોશી દેશ મ્યાનમારમાંથી આવતા વિસ્થાપિતો પ્રત્યે અત્યંત આકરું વલણ રાખે છે. મ્યાનમારમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોને વર્ષોથી અન્યાય કરાય છે એ જગજાહેર વાત છે. આમ તો, મ્યાનમારમાં તેમની વસતી દસેક લાખ જેટલી છે, પરંતુ મ્યાનમાર સરકારે વર્ષ 1982માં કાયદો પસાર કરીને એવું નક્કી કર્યું હતું કે, રોહિંગ્યા મુસ્લિમો ક્યારેય મ્યાનમારના નાગરિક નહીં બની શકે. પરિણામે બાંગલાદેશ પણ સતત ઘૂસણખોરીનો સામનો કરી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ, વર્ષ 1991-92માં જ બે લાખ 70 હજાર રોહિંગ્યા મુસ્લિમોએ બાંગલાદેશમાં શરણ લીધું હતુ. છેવટે બાંગલાદેશ સરકારે ઘૂસણખોરી પ્રત્યે સખતાઈથી કામ લેવાનું શરૂ કર્યું. પરંતુ રોહિંગ્યા મુસ્લિમોની કફોડી સ્થિતિને પગલે શેખ હસીના સરકારે આંતરરાષ્ટ્રીય દબાણમાં આવીને પોતાની સરહદો ખુલ્લી કરવી પડી હતી. આ દરમિયાન શેખ હસીનાએ કહ્યું હતું કે, પહેલેથી જ વસતી વધારાનો સામનો કરી રહેલા બાંગલાદેશ પાસે જમીન અને સંસાધનોની કમી છે, અને હવે તે રોહિંગ્યા વિસ્થાપિતોનો ભાર સહન કરી શકે એમ નથી. હાલ બાંગલાદેશ ચારેક લાખ વિસ્થાપિતોને પોષી રહ્યું છે. 

મ્યાનમારમાં કોમી હિંસાથી બચવા જળમાર્ગે ભાગીને આવેલા
એક રોહિંગ્યા મુસ્લિમ જૂથના આગેવાનની બાંગલાદેશ સરહદ
પર લશ્કર સમક્ષ આશ્રય માટે વિનવણી : એપી
હાલમાં જ બાંગલાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ રોહિંગ્યા મુસ્લિમો આતંકવાદીઓ સાથેના જોડાણોને લઈને શંકા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે અપીલ કરતા કહ્યું હતું કે, “મ્યાનમાર સરહદ પર જમાતે ઈસ્લામી નામનું આતંકવાદી જૂથ મજબૂત સ્થિતિમાં છે, અને તેથી જ આપણે સામૂહિક ઘૂસણખોરીના કારણો જાણવા ઊંડી તપાસ કરવી જોઈએ.રોહિંગ્યા સોલિડેરિટી ઓર્ગેનાઈઝેશન સહિતની સંસ્થાઓ બાંગલાદેશ અને બહારના આતંકવાદી જૂથો સાથે સારા સંબંધ ધરાવે છે એ પણ જગજાહેર છે. બીજી તરફ, મ્યાનમાર સરકાર પણ રોહિંગ્યા મુસ્લિમોને ઈસ્લામિક બળવાખોરોગણાવી રહી છે. આપણે સમજી શકીએ છીએ કે, આ સ્થિતિમાં રોહિંગ્યા મુસ્લિમોને ભડકાવવા મુસ્લિમ આતંકવાદીઓ માટે કેટલું સહેલું કામ છે.

આ દરમિયાન રાષ્ટ્રીય લઘુમતી પંચે ભારત સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, “આસામના બોડો જિલ્લાઓમાં રહેતા મુસ્લિમો આતંકવાદીઓ બની જઈ શકે છે. કારણકે, બોડો લોકોને બોડો લિબરેશન ટાઈગર્સે એકે 47 જેવા હથિયારો આપ્યા છે, જ્યારે બાંગલાદેશી મુસ્લિમો પાસે હથિયારો નથી. આ સ્થિતિમાં કેટલાક આતંકવાદી જૂથો બોડોલેન્ડના મુસ્લિમોને મદદ કરી શકે છે.લઘુમતી પંચના સભ્ય સૈયદા હમીદ અને કે.એન. દારૂવાલાએ બોડોલેન્ડ ટેરિટોરિયલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ્સ એટલે કે, કોકરાજાર, ગોસાઈગાઓ, ધુબરી અને બિલારીપરા જેવા જિલ્લાઓની મુલાકાત લઈને આ અહેવાલ તૈયાર કર્યો છે. જોકે, આપણા રાજકારણીઓ લઘુમતી પંચના અહેવાલને ગંભીરતાથી લેશે, કે પછી તેને પણ એક અફવાગણીને ભૂલી જશે એ તો સમય જ બતાવશે.

નોંધઃ બંને તસવીર નેટ પરથી લીધી છે. 

No comments:

Post a Comment