27 June, 2013

કુદરતના તાંડવ અને મનુષ્યની બર્બરતા વચ્ચે શિવજીનું પ્રાગટ્ય


એવું કહેવાય છે કે, ટ્રેજેડી એટલે કે કરુણ ઘટના વખતે માણસનું સારામાં સારું રૂપ પ્રગટ થાય છે, પરંતુ ટ્રેજેડી ક્યારેક માણસનું ખરાબમાં ખરાબ રૂપ પણ પ્રગટ કરી દે છે. અત્યારે ઉત્તરાખંડમાં કંઈક આવુ જ થઈ રહ્યું છે. ઉત્તરાખંડની ઘાટીઓમાંથી અત્યારે વીરતા, હિંમત, માનવતા, લાલચ, દુષ્ટતા અને બર્બરતા એમ બધા જ પ્રકારના પડઘા સંભળાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ અને આભ ફાટવાની ઘટના પછી આવેલા વિકરાળ પૂરને કારણે મુશ્કેલીમાં મુકાયેલા યાત્રાળુઓને બચાવવા ભારતીય લશ્કરના જવાનો ટાંચા સાધનોની મદદથી રાત-દિવસ ખડે પગે રાહત અને બચાવકાર્ય કરી રહ્યા છે. પરંતુ આ જ ‘દેવભૂમિ’ પર એવા પણ કેટલાક દુષ્ટાત્માઓ છે જેમણે કપરી પરિસ્થિતિમાં મૂકાયેલા યાત્રાળુઓની મજબૂરીનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરવામાં પણ કશું જ બાકી રાખ્યું નથી.  

ઉત્તરાખંડમાં પૂર આવ્યા પછી લશ્કરના જવાનોએ હજારો લોકોને હેમખેમ બચાવી લીધા છે. આ કામમાં સ્વાભાવિક રીતે જ કેદારનાથ સહિતના વિસ્તારોમાં આવેલા મંદિરો અને આશ્રમોના સાધુઓ તેમજ સ્થાનિક લોકો પણ મદદરૂપ થતા હતા. આ ઉપરાંત અન્ય યાત્રાળુઓ કરતા પ્રમાણમાં મજબૂત બાંધાના અને તંદુરસ્ત યાત્રાળુઓને પણ એકબીજાને મદદ કરીને કુદરતી આપત્તિ વખતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉત્તરાખંડમાં પર્વતારોહણ કરવા આવેલા ઉત્સાહી યુવાનોએ પણ બચાવકાર્યમાં લશ્કરને મદદ કરી હતી. લશ્કરી જવાનો અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા લોકોની મદદથી જ હજારો યાત્રાળુઓ તેમના સ્વજનો પાસે હેમખેમ પહોંચી શક્યા છે. જોકે, આ સ્થિતિમાં કેટલાક બર્બર લોકોએ એવા કૃત્યો આચર્યા છે, જે જોઈને ભારતીયોની જ નહીં, પણ ખુદ શિવજીની આંખો શરમથી ઝુકી ગઈ હશે!

બદ્રીનાથમાં પોતાની માતાને આર્મી હેલિકોપ્ટરમાં લઈ જવા
જવાનને વિનંતી કરતી એક મહિલા

ઉત્તરાખંડથી હેમખેમ પરત ફરેલા યાત્રાળુઓ મીડિયાને જણાવી રહ્યા છે કે, કેટલાક લોકોએ પીડિતોને બચાવવા કે શોધી લાવવાનો ‘ધંધો’ શરૂ કરી દીધો હતો. કેદારનાથથી મોતના મુખમાંથી બચીને આવેલા કેટલાક પીડિતો ન્યૂઝ ચેનલોને માહિતી આપતા હતા કે, અમે સ્વજનોને બચાવવા માટે બેથી પાંચ હજારનો ખર્ચ કર્યો હતો. પરંતુ આ લોકો પૈસા મળી ગયા પછી છૂ થઈ જતા હતા. આ ઉપરાંત સમાચારો જોઈ-વાંચીને ચિંતામાં ઝૂરી રહેલા સ્વજનો સાથે અમુક સેકન્ડ વાત કરાવવાના પણ એકાદ હજાર રૂપિયા વસૂલાતા હતા. ઉત્તરાખંડમાં ભૂખ્યા-તરસ્યા અને થાકેલા યાત્રાળુઓ પાસે એક ચમચો ભાતના રૂ. 120 પડાવી લેવાતા હતા. કેટલીક હોટેલોએ પૂર પીડિતોને એક રોટલીના રૂ. 180 અને એક ભાતની પ્લેટના રૂ. 500નું બિલ પકડાવ્યું હતું. એવી જ રીતે, ઉત્તરાખંડ દુર્ઘટના વખતે એક પરાઠાના રૂ. 250 અને એક વેફરના પેકેટના રૂ. 100 આપીને પેટ ભરનારા યાત્રાળુઓની પણ કમી ન હતી. કમનસીબી તો એ હતી કે, ચોતરફ પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં અનેક યાત્રાળુઓ પાણીના એક એક ટીપાં માટે તરસતા હતા અને નાના-મોટા દુકાનદારો પાણીની એક બોટલના 400 રૂપિયા વસૂલતા પણ શરમાતા ન હતા.

ઉત્તરાખંડમાં હજારો લોકો ફસાયેલા હતા ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. તેથી ભારતીય લશ્કરે ભારે વરસાદની આગાહીના કારણે ઓછામાં ઓછા 22 હજાર લોકોને બચાવવા માટે સમય સામે પણ સ્પર્ધા કરવાની હતી. બીજી તરફ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ-તરસથી પીડાતા અને થાકેલા યાત્રાળુઓ તૂટેલા રસ્તા, પૂરના પાણી અને કુદરતી આપત્તિના ઓઠા હેઠળ સક્રિય થયેલા અસામાજિક તત્ત્વોના ભય હેઠળ સુરક્ષિત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કરતા હતા. આ સંજોગોમાં પણ લાલચુ લોકોએ યાત્રાળુઓને અન્નના એક એક દાણાના મોહતાજ બનાવી દીધા હતા. અહેવાલ તો એવા પણ છે કે, કેટલાક લોકો તો અન્ન માટે કચરાપેટીઓ ફેંદતા જોવા મળ્યા હતા. આ ઘટનામાંથી આપણે પ્રકૃતિની ઈજ્જત કરતા પણ શીખવાનું છે. અન્નનો બગાડ થતો અટકાવવાનો છે. આપણે યાદ રાખવાનું છે કે, ખેતરમાં અન્નનો એક દાણો ઉગાડવા પ્રકૃતિએ ઘણો સમય લીધો હોય છે અને કોઈ ખેડૂતે લોહી-પાણી એક કર્યા હોય છે.

કુદરતના આ તાંડવ વચ્ચે સૌથી જઘન્ય અપરાધ મહિલાઓ પર થતા અત્યાચારનો હતો. આ દુર્ઘટના પછી ‘સમાધાન’ એનજીઓના કર્તાહર્તા રેણુ સિંઘે સમગ્ર ઉત્તરાખંડમાં ‘મોનિટરિંગ સેન્ટર’ ઊભા કર્યા છે. આ સંસ્થા વેશ્યાવૃત્તિમાં ધકેલાયેલી સ્ત્રીઓ માટે કામ કરે છે. હાલ આ મોનિટરિંગ સેન્ટરો બેઘર મહિલાઓને શોધીને તેમને આશ્રય આપી રહી છે. આ સ્ત્રીઓએ તેમના પતિ કે પિતા પણ ગુમાવી દીધા હોઈ શકે છે. રેણુ સિંઘે મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમે નોંધ લીધી છે કે, આવી કોઈ પણ કુદરતી આપત્તિ પછી બળાત્કારનું પ્રમાણ વધી જાય છે તેમજ વેશ્યાવૃત્તિમાં ધકેલાતી સ્ત્રીઓના પ્રમાણમાં પણ ખૂબ વધારો થાય છે.” નવાઈની વાત તો એ છે કે, કુદરતી આપત્તિ વખતે અનેક કુટુંબો તેમની પુત્રીઓને ત્યજી દે છે, તો કેટલાક પતિઓ તેમની પત્નીને તરછોડી દે છે. આ અંગે રેણુ સિંઘ કહે છે કે, “આ કૃત્ય પણ બળાત્કારથી ઓછું નથી.” ઉત્તરાખંડની દુર્ઘટના પછી ‘સમાધાન’ સંસ્થા આવી સ્ત્રીઓ વતી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

ઉત્તરાખંડમાં મહિલાઓ પર બળાત્કાર અને લૂંટફાટની ઘટનાઓને અફવામાં ખપાવીને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થયો હતો પણ ખરેખર એ અહેવાલો જ ‘અફવા’ હતા. કેદારનાથ વેલીના ગૌરીકુંડ વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રી પર બળાત્કાર થયાના અહેવાલો ચમક્યા હતા. આ ઉપરાંત બિહારની એક મહિલા પણ બળાત્કારનો ભોગ બની હતી. એવી જ રીતે, કેદારનાથ ધામમાં ખચ્ચરોનું ટ્રેડિંગ કરતા ત્રણ સગા ભાઈની હત્યા કરીને લૂંટારુઓએ 17 લાખ રૂપિયાની લૂંટ કર્યાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાયાના અહેવાલ છે. ઉકીમઢ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા ગોંધલુ ગામમાં પણ અજાણ્યા શખસોએ મહિલા પર બળાત્કાર અને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સ્થાનિકોએ જ મીડિયા અને પોલીસને માહિતી આપી હતી અને આખરે પોલીસ ચોપડે આ ગુનો નોંધાયો હતો. આ બધા સમાચારોથી કરોડો દેશવાસીઓની આંખ શરમથી ઝુકી ગઈ છે અને આપણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, આપણે સૌથી મોટા દંભીઓ છીએ.

ખુદ ઉત્તરાખંડના પોલીસ વડા સત્યવ્રત બંસલે આવી ઘટનાઓની કબૂલાત કરી છે. તેમણે કહ્યું હતું કે, “હું એ વાત નકારતો નથી કે, કેટલાક અસામાજિક તત્ત્વો આ સ્થિતિનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે. પરંતુ આવી ઘટનાઓ એકલદોકલ છે, છડેચોક આવી ઘટનાઓ નથી થઈ રહી.” જો રાજ્ય પોલીસવડા આવી એકલદોકલ ઘટનાની કબૂલાત કરતા હોય તો બચી ગયેલા યાત્રાળુઓ કેવા ભયના ઓથારમાંથી પસાર થયા હશે તે સમજી શકાય એમ છે. સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આ સ્થિતિમાં કેટલીક લૂંટારુ ગેંગો સક્રિય થઈ હતી અને તેઓ લાશો પરથી ઘરેણાં ચોરતા હતા. ઘરેણાં માટે તેઓ લાશોની કાપકૂપ કરતા પણ ખચકાતા ન હતા. ઉકીમઠ પોલીસે જ લાશો પરથી ઘરેણાં અને તેમની ચીજવસ્તુઓ ચોરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોતાને સાધુ કહેતી આ વ્યક્તિ પાસેથી પોલીસે રોકડ અને કેટલીક ચીજવસ્તુઓ કબજે કરી હતી જે તેણે લાશો પરથી ચોરી હતી. ઉત્તરાખંડમાં સાધુના વેશમાં આવા તકસાધુઓએ લૂંટ ચલાવી હોય તો નવાઈ નહીં. લૂંટારુઓએ વૃદ્ધો અને મહિલાઓ પાસેથી પૈસા અને તેમના ચંપલ પણ પડાવી લીધા હતા.

ઉત્તરાખંડના જંગલો, વેરાન અને અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા યાત્રાળુઓના દિવસ તો ગમે તેમ કરીને પસાર થઈ જતા હતા, પરંતુ લૂંટારુઓના ભયે એક એક રાત તેમને એક મહિના જેટલી લાંબી લાગતી હતી. રાલ્ફ વાલ્ડો ઈમર્સને ‘ધ કન્ડક્ટ ઓફ લાઈફ’ નામના તેમના નિબંધ સંગ્રહમાં કહ્યું હતું તેમ “અંધારું માણસની ઓળખ છુપાવી દે છે અને તેથી માણસમાં અપ્રામાણિકતાની લાગણી જન્મે છે.” અંધારી રાત્રે સ્ત્રીઓ અને પુરુષો બંનેને સૌથી મોટો ભય સ્ત્રીઓની શોધમાં નીકળતા ‘ગીધો’નો લાગતો હતો. જોકે, લશ્કરના જવાનોએ ઉત્તરાખંડ જેવા પહાડી અને જંગલ વિસ્તારોમાં ફસાયેલા યાત્રાળુઓ માટે પાર પાડેલું રાહત અને બચાવકાર્ય ખરેખર કાબિલેદાદ છે. સામાન્ય સંજોગોમાં એરફોર્સના જવાનોએ ‘પાઈલોટ રૂલ બુક’નું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે, પરંતુ આ બચાવ અભિયાન માટે તેમણે ચોક્કસ મર્યાદા કરતા વધુ કલાકોનું ઉડાન કરીને બચાવકાર્ય સતત ચાલુ રાખ્યું હતું. આમ જવાનોએ સમયસર પહોંચી જઈને યાત્રાળુઓને ફક્ત કુદરતી આપત્તિથી નહીં પણ ગીધોથી પણ બચાવ્યા છે.

કદાચ એટલે જ શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે થાક્યા-હાર્યા બાદ બચી ગયેલા અનેક યાત્રાળુઓ મીડિયાને કહેતા હતા કે, અમને જવાનોના રૂપમાં સાક્ષાત શિવજીના દર્શન થયા હતા. કેટલાક જવાનો રજા પર હતા તેઓ પણ રાહત અને બચાવ કાર્ય માટે પરત આવી ગયા હતા. ગોરખા રાઈફલના મેજર મહેશ કિરકી પણ આવા જ એક જવાન છે, જે 12મી જૂનથી સાતમી જુલાઈ સુધી રજા પર હતા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં અહેવાલ હતો કે, 15મી જૂને મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે મેજર મહેશ પોતાની એસયુવી કારમાં પત્ની, સાસુ અને બે બાળકો સાથે દહેરાદૂનથી બદ્રીનાથ જતી વખતે કર્ણપ્રયાગમાં ફસાઈ ગયા હતા. આમ છતાં, જોખમ ખેડીને તેઓ બીજા દિવસે સાંજે જોશીમઠ પહોંચ્યા. અહીં તમામ માર્ગો તૂટી ગયા હોવાથી તેમને જવાનોએ પરત જતા રહેવા જણાવ્યું. હવે તેમની પાસે બે વિકલ્પ હતા. એક, પાછા ફરીને સલામત સ્થળે જતા રહેવું અને બીજું, એ વિસ્તારની આસપાસ ફસાયેલા લોકો માટે કંઈક કરવું. કહેવાની જરૂર નથી કે, મેજર મહેશ કિરકી પત્નીને રાહ જોવાનું કહીને જતા રહ્યા હતા અને ફસાયેલા યાત્રાળુઓ સામે ‘શિવજી’ બનીને પ્રગટ થયા હતા. 

નોંધઃ લેખમાં લીધેલી તસવીર રોયટરની છે. 

25 June, 2013

શ્રીનગરમાં લાલચોકની મુલાકાતનું સાહસ


કાશ્મીર પ્રવાસ ભાગ-1માં આપણે પટનીટોપ, શ્રીનગર, ગુલમર્ગ અને સોનમર્ગમાં પડેલી મુશ્કેલીઓ વિશે જાણ્યું. હવે ભાગ-2માં વાંચો નફરત અને ધિક્કારના પાટનગર શ્રીનગર પ્રવાસનું વર્ણન...

શ્રીનગરમાં અમે બે રાત્રિ હાઉસબોટમાં રોકાવાના હતા. દૂરથી જોયું તો દાલ સરોવર ખૂબ જ મનોહર લાગતું હતું, પરંતુ હાઉસબોટમાં રોકાયા ત્યારે ખબર પડી કે આપણે જો શહેરોને કોંક્રિટનું જંગલ કહેતા હોઈએ તો દાલ સરોવરને શિકારા અને હાઉસબોટનું જંગલ કહેવું પડે. પાણી પર તરતી શિકારા અને હાઉસબોટ આપણને જાણે કે નવા જ શહેરમાં આવી ગયા હોઈએ તેવો અનુભવ કરાવે છે. શરૂઆતમાં થોડી વાર આ દૃશ્ય જોવામાં કદાચ સારું લાગે, પરંતુ બાદમાં સરોવરનું શહેરીકરણ થયું હોવાનું લાગ્યા વગર રહેતું નથી. હાઉસબોટના રૂમ ખૂબ જ સાંકડા અને બંધિયાર હોય છે અને હવા-ઉજાસ માટે બારીઓ ખોલવામાં આવે તો મચ્છર અને અન્ય જીવજંતુઓનું જોખમ રહે છે. વળી, હાઉસબોટમાં બાથરૂમ-સંડાસનો કચરો ક્યાં ઠલવાય છે અને ન્હાવા-ધોવા માટેનું પાણી ક્યાંથી આવે છે તે પણ એક પ્રશ્ન છે. કારણ કે અહીં ક્યાંય ડ્રેનેજ લાઈનો નંખાઈ હોય એવું જણાતું નથી. આ બાબતનો પુરાવો એ વાત પરથી મળે છે કે હાઉસબોટમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધાં હોતી નથી. હાઉસબોટમાં રહેનાર વ્યક્તિએ બજાર કરતાં બમણા ભાવે લોકલ કંપનીનું મિનરલ વોટર ખરીદવું પડે છે.

ગુલમર્ગથી થાકીને આવ્યા હોવાથી હાઉસબોટમાં પહેલી રાત ખૂબ સરસ રીતે પસાર થઈ ગઈ. બીજા દિવસે વહેલી સવારે અમે શ્રીનગર લોકલમાં ફરવા ગયા. સૌપ્રથમ અમે શ્રીનગરના પ્રખ્યાત મુઘલ ગાર્ડન-નિશાતમાં ગયા. ઉનાળો  હોવાથી અહીં ફૂલોનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ વિશાળ જગ્યામાં પથરાયેલો નિશાત ગાર્ડન ધોમધખતા તાપમાં પણ ઠંડક આપતો હતો. આ બગીચામાં પાંગરેલા ફૂલોના ખજાના અને તેની સુંદરતા વિશે જે વાંચ્યું હતું તેમાંથી નહીંવત વસ્તુઓ અમે માણી શક્યા. જોકે અમે ઉનાળામાં ગયા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું બાદમાં અમને સમજાયું. નિશાત ગાર્ડનમાંથી અમે બહાર નીકળ્યા ત્યારે પે એન્ડ પાર્કના એક કર્મચારી સાથે કોઈ વ્યક્તિ ઝઘડી રહી હતી. ખૂબ મોટા અવાજે ઝઘડો થતો હોવાથી અમે કુતુહલવશ ત્યાં પહોંચ્યાં અને ઝઘડો કરી રહેલી વ્યક્તિને આ અંગેનું કારણ પૂછ્યું. તે વ્યક્તિએ કહ્યું કે હું અહીંનો સ્થાનિક ડ્રાઈવર છું અને પ્રવાસીઓને લઈને આવ્યો છે. પાર્કિંગના સ્ટાફનો કર્મચારી મને પ્રવાસી સમજીને કાશ્મીરી ભાષામાં ગંદી ગાળો (ગાળો અહીં લખી શકાય તેમ નથી) આપતો હતો. તે વ્યક્તિની હિંમત કઈ રીતે થઈ મને ગાળો આપવાની

દાલ સરોવરમાં હાઉસ બોટ

ડ્રાઈવરની વાત સાંભળીને મને થયું કે અત્યાર સુધી અમે જેટલી જગ્યાએ ફર્યા છીએ તે દરેક જગ્યાએ સ્થાનિક લોકોએ અમને તેમની ભાષામાં આવી જ ગાળો આપી હશે ને! અમારા જેવા કેટલાય પ્રવાસીઓને તેઓ આ રીતે ગાળો આપતા હશે! પ્રવાસીઓને તેઓ આટલી બધી નફરત શા માટે કરે છે? જે પ્રવાસીઓના કારણે કાશ્મીરનું અર્થતંત્ર ચાલે છે, તે જ પ્રવાસીઓ પ્રત્યે આટલો બધો અણગમો હોય તો પ્રવાસીઓએ શા માટે કાશ્મીર જવું જોઈએ? નિશાત ગાર્ડન, શાલિમાર ગાર્ડન અને ચશ્મ-એ-શાહી બાદ અમે શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકમાં જવાનું વિચાર્યું. આ દરમિયાન બપોર થઈ ગઈ હોવાથી અમે દાલ સરોવર પાસે આવેલી એક શાકાહારી હોટલમાં ભોજનની વિધિ આટોપી અને લાલ ચોક જવા નીકળી ગયા. અમારી કારના કેપ્ટને સ્પષ્ટ શબ્દોમાં લાલ ચોક નહીં જવાની સલાહ આપી હોવા છતાં અમે નવું સાહસ ખેડવા નીકળ્યા.

રીક્ષા કરીને અમે લાલ ચોકના બજારની એકદમ મધ્યમાં ઉતર્યા. અમારા ઉતરતાની સાથે જ સેંકડો નજરો અમારા તરફ તાકવા લાગી. શરૂઆતમાં અમને આ સાહજિક લાગ્યું, પરંતુ ધીમે-ધીમે સમજાયું કે આ નજરોમાં અમારા જેવા પ્રવાસીઓ માટે ભારોભાર અણગમો હતો. નજરોની ભાષા સમજવામાં કદાચ અમારી ભૂલ થઈ હશે તેવું વિચારી અમે આગળ વધ્યા. એક દુકાનદારને કાશ્મીરી ડ્રેસનો ભાવ પૂછ્યો, તે વ્યક્તિએ એટલી તોછડાઈથી જવાબ આપ્યો કે અમે તેની દુકાનમાં જવાની હિંમત કરી નહીં. બાદમાં ડ્રાયફ્રુટની દુકાનમાં પણ અમને તેવો જ અનુભવ થયો. અમારે લાલ ચોકમાંથી ખરીદી કરવી હતી અને કાશ્મીરની પ્રખ્યાત વસ્તુઓ ઘરે લાવવી હતી, પરંતુ અમારી સાથે વાત કરવા કોઈ તૈયાર થતું ન હતું. આખરે અમે લાલ ચોકમાંથી રવાના થવાનું જ ઉચિત સમજ્યું. શ્રીનગરના લાલ ચોકમાં નહીં જવાની અમને શા માટે સલાહ અપાઈ હશે તે અમને હવે સમજાઈ ગયું હતું.

લાલ ચોકના બજારનું એક દૃશ્ય

આ સમયે મને અમારા એક પરિચિત ટુર ઓપરેટર સાથે બનેલી ઘટના યાદ આવી. આ ટુર ઓપરેટર ગાંધીનગરમાં રહે છે અને તેઓ દર વર્ષે કાશ્મીરમાં પોતાની ટુર લઈને જાય છે. તેમના વ્યાપારિક હિતને ધ્યાનમાં રાખીને અહીં તેમનું નામ લખતો નથી. આ ટુર ઓપરેટર ફેબ્રુઆરી મહિનામાં લક્ઝરી લઈને પ્રવાસે ગયા હતા. કુખ્યાત આતંકવાદી અફઝલને ફાંસી અપાઈ ત્યારે તેઓ શ્રીનગરમાં ફરતા હતા. નવમી ફેબ્રુઆરીએ અફઝલને ફાંસી અપાયા બાદ શ્રીનગરનું વાતાવરણ ખૂબ જ તંગ થઈ ગયું હતું પણ આટલી હદે સ્થિતિ ખરાબ હશે તેની તેમને ખબર ન હતી. દાલ સરોવર સ્થિત રાજ્ય પોલીસ વડાની ઓફિસ અને સીઆરપીએફના કેમ્પની નજીકથી તેમની બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ બસ પર પથ્થરમારો થયો. આગળ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી. જેમ-તેમ કરીને તેમણે બસને સીઆરપીએફના કેમ્પમાં ઘૂસાડી દીધી અને ફરજ પરના જવાનોને રક્ષણ આપવા વિનંતી કરી. સ્થિત પારખીને જવાનોએ બસના તમામ યાત્રીઓનું રક્ષણ કર્યું અને સ્થિતિમાં સુધારો આવ્યા બાદ તેમને સુરક્ષિત રીતે હોટલ સુધી પહોંચાડી દીધા. અફઝલને ફાંસી અપાયા બાદ સરકારે સલામતી બંદોબસ્ત વધારી દીધો હતો, પરંતુ અમે ગયા ત્યારે લશ્કર અને સીઆરપીએફની મોટા ભાગની ટુકડીઓ ખસેડી લેવાઈ હતી. આ ટુકડીઓ ખસેડીને સ્થાનિક અને કેન્દ્રીય નેતાઓએ લોકસભા ચૂંટણીના દાવ-પેચ રમવાની શરૂઆત કરી દીધી હોય તેવું લાગ્યું.

કાશ્મીરનું મોટાભાગનું અર્થતંત્ર પ્રવાસીઓ પર નિર્ભર છે અને તેમાં પણ મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતના હોય છે. આ પ્રવાસીઓની સલામતી માટે સ્થાનિક પોલીસ પૂરતી નથી. આ કામ આર્મી કે સીઆરપીએફને જ સોંપી દેવું જરૂરી છે. એક વર્ષ અગાઉ શ્રીનગરમાં લશ્કર અને સીઆરપીએફના જવાનોને ઠેર-ઠેર તૈનાત કરાયા હતા. અમદાવાદ રહેતા મારા સાળા મનીષભાઈ ગત સપ્ટેમ્બરમાં શ્રીનગર ગયા ત્યારે તેમને કોઈ વાતનો ભય ન હતો. શિકારામાં બેઠા બાદ શિકારાના ચાલકે તેમની પાસેથી વધારે પૈસા પડાવવાનો પેંતરો ગોઠવવા માંડ્યો હતો. તેણે અગાઉ નક્કી કરેલા રૂ. ૫૦૦ ઉપરાંત વધારાના રૂ. ૫૦૦ ચૂકવવા માટે શિકારા ચાલક દર બે મિનિટે મનીષભાઈને આગ્રહ કરતો હતો. શિકારાની મજા ધીમે-ધીમે સજામાં બદલાતી હોવાનું જાણીને મનીષભાઈએ તેને કહ્યું કે, “હવે તુ મને કિનારા પર જ લઈ જા. મારે તારી સાથે નથી ફરવું. હું આર્મીને તારી ફરિયાદ કરીશ. આર્મીનું નામ સાંભળતા જ તે વ્યક્તિએ હોઠ સીવી લીધા અને કિનારા પાસે પહોંચ્યા બાદ વિનંતી કરી કે, આર્મીને મારી ફરિયાદ કરશો તો તેઓ મને મારશે.કોઈ પ્રવાસી સાથે ખરાબ વર્તન થયાની ફરિયાદ કરવામાં આવે તો આર્મીના જવાનો તેને ગંભીરતાથી લે છે.

કાશ્મીરમાં લશ્કર-સીઆરપીએફની હાજરી હોય તો શું થઈ શકે છે અને તેમને હટાવી લેવામાં કેટલું જોખમ રહેલું છે તે દર્શાવતા બે વાસ્તવિક કિસ્સા ઉપર જણાવ્યા છે. અમારા પ્રવાસના સમયગાળા દરમિયાન શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ સહિતના મોટા ભાગના સ્થળોએ લશ્કર કે સીઆરપીએફના જવાનોની હાજરી નહીંવત હતી. રાજ્ય સરકારે પ્રવાસીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ શરૂ કર્યો છે, પરંતુ આ વિભાગના જવાનો ભાગ્યે જ ક્યાંક નજરે ચડ્યા હતા. કદાચ લશ્કરના જવાનો સોનમર્ગ અને ગુલમર્ગમાં હોત તો અમને જે દુઃખદ અનુભવો થયા તે ન થયા હોત.

લાલ ચોકમાંથી પરત ફર્યા બાદ અમે દાલ સરોવરની આસપાસની દુકાનોમાં ફર્યા અને રાત્રે ભરાતા બજારમાં ખરીદી કરી. આ ખરીદી વખતે અમને કેટલાક ગુજરાતી પ્રવાસીઓ મળ્યા, જેઓ સોનમર્ગ અને ગુલમર્ગ જઈને આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓને પણ અમારા જેવા જ અનુભવ થયા હતા. શ્રીનગરમાં અમારી તે છેલ્લી રાત હતી અને તે ક્યારે સવાર પડે તેની રાહ જોતાં અમે સૂઈ ગયા. શ્રીનગરથી પહેલગામ, વૈશ્નોદેવી થઈને અમે જમ્મુ પહોંચ્યા અને જમ્મુથી ટ્રેન પકડીને ભારે હૈયે કાશ્મીરમાં ફરી નહીં આવવાનો સંકલ્પ કર્યો. અમારી સાથે ટ્રેનમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના કેટલાક પ્રવાસીઓ હતા. આ તમામ પ્રવાસીઓને તેમના કાશ્મીર પ્રવાસ અંગે પૂછ્યું તો તેઓ પણ પોતાના આ પ્રવાસ દુઃખદ ગણાવતા હતા અને ફરીથી કાશ્મીર નહીં જવાની ઈચ્છા ધરાવતા હતા.
                                                                                                    (સંપૂર્ણ)
નોંધઃ લાલ ચોકના બજારની તસવીર ગૂગલ પરથી લીધી છે.

22 June, 2013

એડવર્ડ સ્નોડેનઃ અમેરિકાનો હીરો કે ગદ્દાર?


કોઈ પણ દેશની સુરક્ષા વ્યવસ્થાની મજબૂતાઈનો આધાર તેનું જાસૂસી તંત્ર કેટલું મજબૂત છે તેના પર હોય છે. એવું કહેવાય છે કે, હાલ વિશ્વમાં સૌથી મજબૂત જાસૂસી તંત્ર અમેરિકાએ ઊભું કર્યું છે અને ત્યાર પછી ચીનનો નંબર આવે છે. અમેરિકામાં 9/11ની ઘટના પછી અમેરિકન સુરક્ષા એજન્સીઓએ સજ્જડ જાસૂસી તંત્ર ઊભું કરીને આશરે 45 જેટલા જેહાદી હુમલાને નાકામ બનાવ્યા હતા. પરંતુ આ માટે અમેરિકન સુરક્ષા એજન્સીઓએ અમેરિકન નાગરિકોની પ્રાઈવેસી પર પણ તરાપ મારી હતી. અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીએ લાખો અમેરિકનોની કૉલ ડિટેઈલ્સ, ઈ-મેઈલ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ ડેટા પર ચાંપતી નજર રાખવા ‘પ્રિઝમ’ પ્રોગ્રામ હેઠળ ઈલેક્ટ્રોનિક જાસૂસી નેટવર્ક ગોઠવીને આ કામ પાર પાડ્યું હતું. પરંતુ એડવર્ડ જોસેફ સ્નોડેન નામના સીઆઈએના જ એક કર્મચારીએ પ્રિઝમ પ્રોગ્રામ સહિતની અનેક ગુપ્ત બાબતોના વટાણા વેરી દેતા અમેરિકા ભારે મુશ્કેલીમાં મૂકાયું છે. જોકે, અમેરિકાની મુશ્કેલીઓ વિશે વાત કરતા પહેલાં એડવર્ડ સ્નોડેન અને પ્રિઝમ પ્રોગ્રામ વિશે જાણવું જરૂરી છે.

એડવર્ડ જોસેફ સ્નોડેન અમેરિકન જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)નો જ પૂર્વ કર્મચારી છે. સ્નોડેને મીડિયા સામે આ ધડાકો કર્યો ત્યારે તે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીની કોન્ટ્રાક્ટર કંપની બૂઝ એલન હેમિલ્ટન વતી આ એજન્સીમાં કામ કરતો હતો. વર્ષ 2007માં નેશનલ સિક્યોરિટી એજન્સીએ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ‘પ્રિઝમ’ નામનો એક સર્વેઈલન્સ પ્રોગ્રામ ડિઝાઈન કર્યો હતો. ફોરેન ઈન્ટેલિજન્સ સર્વેઈલન્સ એક્ટ અનુસાર સિક્યોરિટી એજન્સી દ્વારા ચાલતા આ પ્રોગ્રામ પર યુનાઈટેડ સ્ટેટ્સ ફોરેન ઈન્ટેલિજન્સ સર્વેઈલન્સ કોર્ટની પણ દેખરેખ હતી. સ્નોડેનનો દાવો છે કે, અમેરિકાએ પ્રિઝમ પ્રોગ્રામ હેઠળ એવું માળખું વિકસાવ્યું છે કે જેની મદદથી અમેરિકાની ધરતી પર આવનારી દરેક વ્યક્તિનો ઈલેક્ટ્રોનિક ડેટા આંતરી શકાય. આજના યુગમાં જાસૂસીનું મોટા ભાગનું કામ ઈલેક્ટ્રોનિક ડેટાના આધારે કરવામાં આવે છે. પરંતુ અમેરિકનોને સુરક્ષા આપવા માટે નેશનલ સિક્યોરિટી એજન્સી દ્વારા કરાતી આ જાસૂસી સ્નોડેનને પસંદ ન હતી.

છેવટે છઠ્ઠી જૂન, 2013ના રોજ એડવર્ડ સ્નોડેને ‘ધ ગાર્ડિયન’ અને ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા માતબર અખબારો સમક્ષ પ્રિઝમ પ્રોગ્રામ સહિતની અનેક ‘ટોપ સિક્રેટ’ વાતો જાહેર કરી દીધી. આ માહિતી જાહેર કરવા બદલ અમેરિકન મીડિયાએ એડવર્ડ સ્નોડેનને વ્હિસલ બ્લોઅર તરીકે વધાવી લીધો છે. પરંતુ એક વાત યાદ રાખો કે, અમેરિકન નેશનલ સિક્યોરિટી એજન્સી આ જાસૂસી તંત્રની મદદથી જ 9/11 પછીના 45 જેટલા આતંકવાદી હુમલા રોકી શકી છે. કદાચ એટલે જ અમેરિકાના બે મુખ્ય પક્ષ ડેમોક્રેટ અને રિપબ્લિકનો પ્રિઝમ પ્રોગ્રામની કાયદેસરતા કે તેની શું અસરો અંગે બિલકુલ ચિંતિત નથી. અમેરિકન સરકારનું કહેવું છે કે, આ પ્રોગ્રામને સંસદે માન્યતા આપી છે અને તેના પર કેવી રીતે કામ થઈ રહ્યું છે તેના પર સતત નજર રખાઈ રહી છે. ઓબામાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, “100 ટકા પ્રાઈવેસી અને થોડી પણ મુશ્કેલી સહન કર્યા વિના તમે 100 ટકા સુરક્ષા મેળવી શકો નહીં...” ઓબામા વહીવટી તંત્ર અને અન્ય રાજકારણીઓ કોઈ પણ સંજોગોમાં સ્નોડેનના ‘દેશદ્રોહી’ કૃત્ય બદલ તેને સજા કરવા તત્પર છે.

એડવર્ડ સ્નોડેન

‘ટાઈમ’ મેગેઝીને કરેલા એક સર્વેક્ષણ મુજબ, 53 ટકા અમેરિકનો પણ સ્નોડેનને સજા કરવાની તરફેણ કરી રહ્યા છે, અને ફક્ત 27 ટકા લોકો જ એવું વિચારે છે કે તેને છોડી દેવો જોઈએ. ‘ટાઈમ’ મેગેઝીનના સર્વેક્ષણના આધારે એવું કહી શકાય કે, સ્નોડેન અમેરિકન જાસૂસી તંત્રને ગુપ્તતા પરની તરાપ ગણાવી રહ્યો છે, પરંતુ અડધાથી વધારે અમેરિકનોને તો તેમની પ્રાઈવેસીના ભંગની કોઈ ચિંતા જ નથી. કારણ કે, તેઓને ફક્ત સુરક્ષા જોઈએ છે. જાસૂસીના કામ માટે એપલ, ગૂગલ, યાહૂ, માઈક્રોસોફ્ટ, એઓએલ અને ફેસબુક સહિતની કંપનીઓ પણ સુરક્ષા એજન્સીઓને તેમના યુઝર્સની માહિતી આપતી હતી. આ વાતથી ભડકીને જ કેટલાક લોકો સ્નોડેનને ‘વ્હિસલ બ્લોઅર’, ‘હેકિંગ એક્ટિવિસ્ટ’ કે ‘હેક્ટિવિસ્ટ’ (હેકિંગ+એક્ટિવિસ્ટ) જેવા શબ્દોથી નવાજી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના બૌદ્ધિકો અને કેટલાક રાજકારણીઓ પણ તેના પગલાંને સંપૂર્ણ યોગ્ય ગણાવી રહ્યા છે. રાજકારણીઓનું વલણ તો સમજી શકાય એમ છે, પરંતુ અમેરિકાના જાસૂસી તંત્રનો વિરોધ કરનારા લોકો ફક્ત વ્યક્તિગત ગુપ્તતાનો મુદ્દો ઉઠાવીને સ્નોડેનના કૃત્યને ન્યાયી ગણાવી રહ્યા છે. વિકિલિક્સના કર્તાહર્તા જુલિયન અસાન્જેએ પણ સ્નોડેનને ‘હીરો’ ગણાવ્યો છે. પરંતુ નેશનલ સિક્યોરિટી એજન્સીની જાસૂસી કરવાની રીત ખોટી હોય તો સાચી રીત કઈ? અમેરિકાએ 9/11 જેવા હુમલાને જાસૂસી કર્યા વિના અટકાવવા હોય તો શું કરી શકાય? – આવા કોઈ પ્રશ્નોના જવાબ આ લોકો પાસે નથી.

‘ધ ગાર્ડિયન’ને આપેલા ઈન્ટરવ્યૂમાં એડવર્ડ સ્નોડેન આ વાતનો જવાબ આપતા કહે છે કે, “આપણે એ નક્કી કરી લેવું જોઈએ કે, આતંકવાદ કેમ નવો ભય છે. આતંકવાદ તો પહેલાં પણ હતો. બોસ્ટનનો હુમલો એક ગુનાઇત કૃત્ય હતું. એ સર્વેઈલન્સનું નહીં, પણ જૂની પદ્ધતિથી થઈ શકે એવું પોલીસનું કામ હતું. આ દિશામાં પોલીસ સારું કામ કરી જ રહી છે.” આમ સ્નોડેન પણ આ સવાલનો અસ્પષ્ટ જવાબ આપે છે. આ સવાલનો જવાબ આપતી વખતે તે સિફતપૂર્વક ભૂલી જાય છે કે, નેશનલ સિક્યોરિટી એજન્સીએ આતંકવાદીઓના ઈરાદા નાકામ કરવા માટે જ આ તંત્ર ઊભું કર્યું છે, નહીં કે સામાન્ય માણસોની જાસૂસી કરવા માટે.  સામાન્ય નાગરિકો કરવેરા ભરે છે અને આ ભંડોળની મદદથી જ દેશમાં પ્રિઝમ જેવા પ્રોગ્રામ તૈયાર થાય છે. આવા અતિ ગુપ્ત પ્રોગ્રામ માટે કરોડોનો ખર્ચ કરાયો હોય છે. આ સ્થિતિમાં જાસૂસી તંત્ર સાથે સંકળાયેલો જ કોઈ વ્યક્તિ તમામ ગુપ્ત માહિતીને ‘લોકોના ભલા’ માટે જાહેર કરીને દે તો તેને ‘હીરો’ કહેવો કે ‘ગદ્દાર’ તે અમેરિકાની પ્રજાને જ નક્કી કરવા દેવું જોઈએ.

વળી, આ કામ પાર પાડીને સ્નોડેન ચીનના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીજન હોંગકોંગમાં ભાગી ગયો છે. અમેરિકાની ખરી મુશ્કેલી જ આ છે. અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે, પ્રિઝમ પ્રોગ્રામની માહિતી જાહેર થઈ ગયા પછી સ્નોડેને સમજી વિચારીને જ હોંગકોંગ પસંદ કર્યું છે અને યુ.એસ.-ચાઈના સમિટ વખતે જ તેણે ધડાકો કર્યો છે, જે ખૂબ શંકાસ્પદ છે. કારણ કે, આ સમિટમાં બરાક ઓબામાએ ચીનની સાયબર જાસૂસીને એક મોટા મુદ્દા તરીકે ઉઠાવ્યો હતો. પરંતુ એ જ વખતે અમેરિકાની ‘અયોગ્ય જાસૂસી’ મીડિયામાં ચમકતા આખી વાત પર પાણી ફરી ગયું. અમેરિકાના જાસૂસી તંત્રનો પર્દાફાશ કર્યા પછી હોંગકોંગ કેમ પસંદ કર્યું એ વાતનો જવાબ આપતા સ્નોડેને ‘ધ ગાર્ડિયન’ને જણાવ્યું હતું કે, “મને લાગે છે કે, આ બહુ દુઃખદ ઘટના છે કે, એક અમેરિકને ઓછી સ્વતંત્રતા ધરાવતી જગ્યાએ જવું પડે છે. આમ છતાં, હોંગકોંગમાં સ્વતંત્રતા છે અને તે પણ ચીનનો એક ભાગ હોવા છતાં. અહીં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની મજબૂત પરંપરા રહી છે...” આ સવાલનો જવાબ પણ તેણે અસ્પષ્ટ આપ્યો છે.

આમ, સ્નોડેને પોતાની સુરક્ષા માટે અમેરિકાની સામે ચીનના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ રીજન હોંગકોંગમાં આશ્રય લીધો છે એ વાત જ અમેરિકાને સૌથી વધારે પરેશાન કરી રહી છે. અમેરિકાના સુરક્ષા સલાહકારોનું સ્પષ્ટપણે માનવું છે કે, જો સ્નોડેન કોઈ યુરોપિયન દેશ પણ પસંદ કરી શક્યો હોત, પરંતુ તેણે હોંગકોંગ પસંદ કર્યું એ ખૂબ શંકાસ્પદ છે! આ મુદ્દે અમેરિકાની ચિંતા વાજબી છે. કારણ કે સીઆઈએ ત્યાં જઈને સ્નોડેનની અટકાયત કરી શકે એમ નથી અને જો ચીન સ્નોડેનને ‘સુરક્ષા’ આપી રહ્યું હશે તો તે તેની કિંમત પણ વસૂલશે. એટલે કે, અમેરિકનોએ હજારો નિષ્ણાતોની મદદથી કરોડોનો ખર્ચ કરીને જે જાસૂસી તંત્ર ઊભું કર્યું છે તે વિશે સ્નોડેને ચીનને માહિતી આપવી પડશે. સ્નોડેન જે કંઈ જાણે છે તે ચીન માટે સોનાની ખાણ સાબિત થઈ શકે છે. કેટલાક સુરક્ષા નિષ્ણાતોએ તો એવી પણ શંકા વ્યક્ત કરી છે કે, તે અગાઉથી ચીનના પે-રોલ પર હોઈ શકે છે. કારણ કે, સ્નોડેન ચાર કમ્પ્યુટરમાં માહિતી ભરીને હોંગકોંગ લઈ ગયો છે.
 
આ માહિતીની મદદથી ચીન દુનિયાભરમાં ફેલાયેલા સીઆઈએ અને એનએસએ અન્ડરકવર અધિકારીઓને ઓળખી શકે છે. આ ઉપરાંત તેઓ અમેરિકાએ કરોડો રૂપિયા ખર્ચીને ઊભી કરેલી સાયબર જાસૂસી ટેક્નોલોજીમાં પણ ડોકિયું કરશે. ચીન અગાઉ અનેકવાર અમેરિકાની સાયબર જાસૂસી સામે આંગળી ચીંધી ચૂક્યું છે, અને એ વાત પણ જગજાહેર છે કે, ચીન ભારત સહિતના તમામ દેશોમાં ખૂબ આક્રમક રીતે સાયબર જાસૂસી કરી રહ્યું છે. એડવર્ડ સ્નોડેન આ વાત જાણતો ના હોય એ શક્ય નથી. સીઆઈએમાં કામ કરતો હતો એ દરમિયાન સ્નોડેને થોડી ઘણી મેન્ડેરિન (ચીનની ભાષા) શીખી લીધી હતી અને તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યાનો પણ દાવો કર્યો હતો. સ્નોડેન પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોંગકોંગની પણ મુલાકાત લઈ ચૂક્યો છે. એકવાર તેણે કહ્યું હતું કે, “કારકિર્દી માટે ચીન સારો વિકલ્પ છે.” આ બધું યોગાનુયોગ હોય એવી શક્યતા બહુ ઓછી છે અને અમેરિકન જાસૂસીતંત્રને તેમાંથી કંઈક ગંધ આવવી સ્વાભાવિક છે.

18 June, 2013

દુનિયાના સૌથી અશાંત દેશોમાં ભારતનો સમાવેશ


મધર ટેરેસાએ શાંતિ વિશે બોલતી વખતે એકવાર કહ્યું હતું કે, “ઈફ વી હેવ નો પીસ, ઈટ ઈઝ બિકોઝ વી હેવ ફોરગોટન ધેટ વી બિલોન્ગ ટુ ઈચઅધર...” એટલે કે, જો આપણને શાંતિ નથી તો એનું કારણ એ છે કે, આપણે ભૂલી ગયા છીએ કે આપણે બધાં જ એકબીજા સાથે જોડાયેલા છીએ. આજે વિશ્વના અનેક દેશોમાં આંતરવિગ્રહો ચાલી રહ્યા છે અને અનેક દેશો બીજા દેશો સામે પણ લડી રહ્યા છે. આ લડાઈઓના કારણે સમગ્ર વિશ્વની શાંતિ ડહોળાય છે અને લાંબા ગાળે તેની ભયાવહ અસરો ભોગવવી પડે છે. તાજેતરમાં જ ઈન્સ્ટિટ્યુટ ફોર  ઈકોનોમિક્સ એન્ડ પીસ નામની સંસ્થાએ વિશ્વના તમામ દેશોમાં કેટલી શાંતિ પ્રવર્તી રહી છે તેના આધારે એક રસપ્રદ અહેવાલ તૈયાર કર્યો છે. આ યાદીમાં સૌથી શાંત દેશને પ્રથમ નંબર અપાયો છે અને એ રીતે 160 દેશોની યાદીમાં ભારતનો ક્રમ છેક 141મો છે. 

આ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત સામાયિક ‘ઈકોનોમિસ્ટ’ના ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા એકત્રિત કરાયેલા ડેટાનો આધાર લેવાયો છે. આ તથ્યોના આધારે ગ્લોબલ પીસ ઈન્ડેક્સ તૈયાર કરાઈ છે. આ ઈન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી વધુ હિંસક 25 દેશોમાં ભારતને 21મો ક્રમ અપાયો છે. વિવિધ દેશોમાં કેટલી શાંતિ પ્રવર્તે છે એ દિશામાં અભ્યાસ કરવા માટે ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કુલ 22 માપદંડો નક્કી કરાયા હતા. જેમાં જે તે દેશમાં લશ્કરીકરણ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતા વિગ્રહો, વિવિધ કારણોસર પોલીસ ચોપડે નોંધાતી રોજિંદી હત્યાઓ અને ભ્રષ્ટાચારને મહત્ત્વ અપાયું હતું. હવે કહેવાની જરૂર નથી કે, આ યાદીમાં ભારત કેમ સૌથી અશાંત અને હિંસક દેશો સાથે સ્પર્ધા કરી રહ્યું છે.


વિશ્વના સૌથી શાંત દેશોની વર્ષ 2012ની ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 142મું હતું અને આ વખતે ભારત એક કદમ આગળ આવ્યું છે. આ મુદ્દે અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે, લશ્કરી ખર્ચમાં વધારો થયો હોવા છતાં ભારતમાં અંદરોદર થતા વિગ્રહોને કારણે થતા મૃત્યુદરમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત સામાજિક હિંસાનું પ્રમાણ પણ થોડું ઘટ્યું છે. જોકે, અહેવાલમાં કરાયેલી આ હકારાત્મક ટિપ્પણીથી બિલકુલ હરખાવા જેવું નથી. કારણ કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજકીય-સામાજિક હિંસા, ઓનર કિલિંગ, સ્ત્રી હિંસા, કુપોષણથી થતા મૃત્યુ, આતંકવાદી હુમલા અને નક્સલવાદ જેવી આંતરિક મુશ્કેલીઓના કારણે ભારતમાં હત્યાનું પ્રમાણ વધ્યું છે અને દેશના સામાજિક માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

ગ્લોબલ પીસ ઈન્ડેક્સના અહેવાલમાં જણાવાયું છે કે, મ્યાનમાર, ઈરાન, કેન્યા, રવાન્ડા અને કિર્ગિસ્તાન જેવા દેશોમાં પણ ભારત કરતા વધારે શાંતિ છે. જોકે, આ યાદીમાં પાડોશી દેશ મ્યાનમારનું સ્થાન ભારતથી એક કદમ આગળ એટલે કે, 140મું છે. ભારતે ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં લેબેનોન, બુરુન્ડી અને લિબિયા જેવા દેશો સાથે હરીફાઈ કરી છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, હિંસા અને ભ્રષ્ટાચારના કારણે ભારત કેવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ફક્ત દક્ષિણ એશિયાની પીસ ઈન્ડેક્સ જોઈએ તો શ્રીલંકા ભારતથી ફક્ત એક કદમ આગળ છે, પરંતુ વિશ્વના તમામ દેશોની યાદીમાં શ્રીલંકાનું સ્થાન 110મું છે. આ આંકડા પરથી ભારત અને શ્રીલંકાની આંતરિક સ્થિતિમાં કેટલોક ફર્ક છે તેનો અંદાજ લગાવી શકાય એમ છે.

દક્ષિણ એશિયામાં સૌથી ઉત્તમ દેખાવ ભુતાનનો છે. આ યાદીમાં ભુતાન 20માં સ્થાને છે, એટલે કે વિશ્વના સૌથી શાંત 25 દેશોમાં ભુતાનનો સમાવેશ થયો ગણાય. દક્ષિણ એશિયાના સૌથી શાંત દેશોમાં ભુતાન પછી નેપાળ, બાંગલાદેશ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન અને છેલ્લે અફઘાનિસ્તાન છે. આમ દક્ષિણ એશિયામાં શાંતિની દૃષ્ટિએ ભારત અને પાકિસ્તાનની સ્થિતિમાં બહુ ફરક નથી. એક વાત યાદ રાખો કે, આ યાદી તૈયાર કરવા માટે સ્થાનિક સ્તરે થતી હિંસા, હત્યા અને ભ્રષ્ટાચાર જેવા દુષણોના સત્તાવાર આંકડાઓનો પણ આધાર લેવામાં આવ્યો છે. આ અહેવાલમાં લશ્કરી ખર્ચનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે, વિશ્વના મોટા ભાગના દેશોમાં માનવ હત્યાનું પ્રમાણ વધ્યું છે અને વધુ 59 દેશોએ પોતાના લશ્કરી ખર્ચમાં જંગી વધારો કર્યો છે. આ કારણોસર સમગ્ર વિશ્વની શાંતિ ડહોળાઈ છે.

આ અહેવાલ પરથી દેશમાં શાંતિ સ્થાપવામાં સફળ થનારા દેશો વિશે પણ જાણી શકાય છે. જેમ કે, તાજેતરના આંતર વિગ્રહો પછી લિબિયાની નવી સરકારે દેશમાં શાંતિપૂર્ણ શાસન સ્થાપવામાં મોટી સફળતા મેળવી છે. ગયા વર્ષે આ યાદીમાં લિબિયાનું સ્થાન 147મું હતું અને એક વર્ષમાં તે 145માં ક્રમાંકે પહોંચ્યુ છે. એવી જ રીતે ચાડ જેવો નાનકડો દેશ ગયા વર્ષે 145માં ક્રમે હતો, પણ આ વખતે 138મા સ્થાને છે. આ યાદીમાં ભારતનું સ્થાન 141મું છે એ પરથી અંદાજ લગાવી શકાય એમ છે કે, આ નાનકડા દેશની સફળતા કેટલી મોટી છે!

વિશ્વશાંતિ, અર્થતંત્ર અને માનવહત્યા

વૈશ્વિક શાંતિ ડહોળાતા વૈશ્વિક અર્થતંત્ર પર પણ વિપરિત અસર પડે છે. ગમે તેવા મજબૂત રાષ્ટ્રો પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. આ અહેવાલ મુજબ, આ વર્ષે વૈશ્વિક શાંતિમાં ગયા વર્ષ કરતા પાંચ ટકાનો ઘટાડો થયો છે અને તેથી વૈશ્વિક અર્થતંત્રને 473 બિલિયન ડૉલરનું નુકસાન ભોગવવું પડ્યું છે. એવી જ રીતે, ગયા વર્ષની સરખામણીમાં માનવ હત્યાના પ્રમાણમાં આઠ ટકાનો જંગી વધારો થયો છે. મધ્ય અમેરિકામાં આવેલા રિપબ્લિક ઓફ હોન્ડુરાસ નામના દેશમાં ગયા વર્ષ સુધી દર લાખ વ્યક્તિએ 82 લોકોની હત્યા થતી હતી, પણ આ વર્ષે આ આંકડો દર લાખે 92 લોકોની હત્યા સુધી પહોંચ્યો છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે.

આ અહેવાલ મુજબ, ભારત જેવા વિકાસશીલ દેશોમાં શહેરીકરણની આંધળી દોટના કારણે માનવ હત્યાના આંકડામાં જંગી વધારો થયો છે અને વિશ્વનો શાંતિ સૂચકાંક નીચે લાવવામાં આ પરિબળ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગામડાંમાંથી શહેરો તરફના સ્થળાંતરના કારણે ગુનાખોરીમાં વધારો થાય છે. વિકાસશીલ દેશોની પોલીસે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો વિશ્વાસ જીતવો ખૂબ જ જરૂરી હોય છે. જોકે, આ સ્થિતિ સામે લડવા સૌથી પહેલાં પોલીસ વિભાગમાંથી ભ્રષ્ટાચાર ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ આ મુદ્દા સાથે પોલીસ વિભાગમાં નાના કર્મચારીઓને યોગ્ય પગાર જેવા નીતિવિષયક પ્રશ્નોની પણ છણાવટ કરવી પડે અને સમાજમાં શાંતિ સ્થાપવા લાંબા ગાળાનું આયોજન કરવું પડે એમ છે. 

આ અહેવાલમાં બીજો એક રસપ્રદ મુદ્દો એ છે કે, ઓછી આવક ધરાવતા ઈરાન, ઈરાક, ઝીમ્બાબ્વે, કોંગો અને અફઘાનિસ્તાન જેવા દેશો કુલ ઘરેલુ ઉત્પાદનના સાત ટકાથી પણ વધારે લશ્કરી ખર્ચ કરી રહ્યા છે. લશ્કરી ખર્ચ પર ગજા બહારનો ખર્ચ કરવાથી સ્વાભાવિક રીતે જ દેશની સામાજિક ઉત્થાનની યોજનાઓ પર ભાર પડે છે અથવા તેમાં ખામી સર્જાય છે. આમ કુપોષણ અને ભૂખથી થતા મૃત્યુ અને સ્થાનિક સ્તરે થતી ગુનાખોરી માટે પણ લશ્કરી ખર્ચનું ભારણ જવાબદાર છે. જો લશ્કરી ખર્ચ પર કાબૂ રાખવામાં આવે તો તે ભંડોળને સામાજિક ઉત્થાન કે પોલીસ આધુનિકરણ પાછળ વાપરી શકાય.

જે દેશો સમૃદ્ધ અર્થતંત્ર ધરાવે છે ત્યાં સ્વાભાવિક રીતે જ શાંતિ પ્રવર્તે છે. યુરોપના ટોપ 20 દેશોમાંથી 13 દેશોમાં એકદમ શાંતિ છે અને દુનિયાના રહેવાલાયક દેશોમાં પણ તેમનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી પહેલાં નંબરે આઈસલેન્ડ છે. જ્યારે સ્પેન, ગ્રીસ, ફ્રાંસ અને પોર્ટુગલ જેવા દેશો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા હોવાથી ત્યાં શાંતિ થોડી જોખમાઈ છે. જેમ કે, ગયા વર્ષે 40માં સ્થાને રહેલું ફ્રાંસ હાલ 53માં ક્રમે આવી ગયું છે. આમ કોઈ પણ દેશનું અર્થતંત્ર અને વૈશ્વિક શાંતિ એકબીજા સાથે સૂક્ષ્મ રીતે સંકળાયેલા છે. આ અહેવાલ પરથી એ સ્પષ્ટ થાય છે કે, વિવિધ દેશો દ્વારા લશ્કરી ખર્ચમાં વધારો થવાથી સીધી કે આડકતરી રીતે હિંસાને પ્રોત્સાહન મળે છે. પાડોશી દેશો સાથે અવિશ્વાસના સંબંધો ધરાવતા ભારત જેવા દેશો માટે લશ્કરી ખર્ચ કરવો અનિવાર્ય છે. આ સંજોગોમાં ભારત-પાકિસ્તાન-ચીન સહિતના દેશોએ તેમની ભંડોળને વધુને વધુ લોકોના ઉત્થાન માટે વાપરવા માટે એકબીજા સાથે વિશ્વાસના સંબંધો વિકસાવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.

ભારત જેવા વિશાળ દેશમાં વાસ્તવિક શાંતિ સ્થાપવા માટે ન્યાય પ્રક્રિયાથી લઈને પોલીસ વિભાગમાં વ્યાપક સુધારા કરવા જરૂરી છે, પરંતુ ફક્ત તેનાથી કામ નહીં ચાલે. દેશમાં-સમાજમાં વાસ્તવિક શાંતિ સ્થાપવા માટે સામાજિક-ધાર્મિક આગેવાનો, યુવાનો, મીડિયા જૂથો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સરકારના કામમાં સીધી કે આડકતરી રીતે મદદરૂપ થવું પડશે. નહીં તો નજીકના ભવિષ્યમાં વિશ્વના ટોપ 10 અશાંત દેશોમાં ભારતનો સમાવેશ થાય તો નવાઈ નહીં.

વિશ્વના ટોપ 10 શાંત દેશો

આઈસલેન્ડ, ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, જાપાન, ફિનલેન્ડ, કેનેડા, સ્વિડન અને બેલ્જિયમ

વિશ્વના ટોપ 10 અશાંત દેશો

અફઘાનિસ્તાન, સોમાલિયા, સીરિયા, ઈરાક, સુદાન, પાકિસ્તાન, કોંગો, રશિયા, ઉત્તર કોરિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક

13 June, 2013

યહાં હમારા કાનૂન ચલતા હૈ


છાપાઓની પૂર્તિ અને ટેલિવિઝન શૉમાં દેખાડવામાં આવતા પ્રવાસ અને અસલી પ્રવાસમાં કેટલીકવાર બહુ મોટો ફર્ક હોય છે. અહીં આપણે કાશ્મીરની વાત કરવી છે. કાશ્મીર વિશે વાંચ્યાસાંભળ્યા અને ટીવીમાં જોયા પછી આપણા માનસપટલ પર કાશ્મીરની એક રોમેન્ટિક છબી રચાઈ જાય છે. પરંતુ ગુજરાત ગાર્ડિયન’ દૈનિક સાથે જોડાયેલો પત્રકાર મિત્ર શ્રેયસ પંડિત તેના પરિવાર સાથે (શ્રેયસના માતા-પિતાપત્નીભાઈ-ભાભી અને બંને ભાઈના બે બાળકો) કાશ્મીર ફરવા ગયો અને ત્યાં તેને કેવા કડવા અનુભવો થયા તેનું બયાન કરતો એક લેખ ગુજરાત ગાર્ડિયનની ટ્રાવેલ પૂર્તિ (13મી જૂનનો અંક) માટે લખ્યો. આ લેખ વાંચીને સ્વાભાવિક રીતે જ અનેક લોકો ચોંકી ગયા. અમને બંનેને આ વાત વધુને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી લાગી અને એટલે આ બ્લોગ પર પણ હું એ લેખ મૂકી રહ્યો છું.

વાંચો શ્રેયસ પંડિતના કાશ્મીર પ્રવાસના રસપ્રદ અહેવાલનો ભાગ-1 

ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીર. પ્રાચીન કાળના ઋષિઓથી માંડીને આધુનિક સમયના અનેક સાહિત્યકારોને ઉત્તમ વિચારો માટેની પવિત્ર ઊર્જા પૂરી પાડનારી સ્વપ્નભૂમિ એટલે કાશ્મીર. કાશ્મીર અંગે સાંભળેલી અને વાંચેલી આવી અનેક કથાઓના મીઠા સંસ્મરણને યાદ કરીને અમે મે મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન સપરિવાર કાશ્મીરને માણવા અને જાણવાનો કાર્યક્રમ બનાવ્યો. ટ્રેનમાં જમ્મુ પહોંચ્યા બાદ અમે સીધા પટનીટોપ ગયા અને અહીં રાતવાસો કર્યો. હરિયાળા પર્વતોની વચ્ચે વસેલું પટનીટોપ વહેલી સવારે જાણે કે વાદળો સાથે વાતો કરવામાં ગુલતાન હતું. પટનીટોપની ખુશનુમા આબોહવા અમને અહીં રોકાવા માટે લલચાવી રહી હતી, પરંતુ અમારે ખૂબ ઝડપથી સોનમર્ગ અને ગુલમર્ગ જવું હતું એટલે પટનીટોપમાં વધારે રોકાયા નહીં.

પટનીટોપથી સીધા શ્રીનગર પહોંચ્યા. શ્રીનગરથી વહેલી સવારે નીકળીને અમે સોનમર્ગ ગયા. બરફના ગોળા બનાવીને તોફાન-મસ્તી કરવા માગતા કે સ્કીઈંગ, ઘોડેસવારી કરવા માગતા લોકો માટે સોનમર્ગ એક આદર્શ સ્થળ છે. ફિલ્મોમાં જોયેલા દૃશ્યો અને કાશ્મીરીઓના આતિથ્યભાવના ઊંચા ખ્યાલને મનમાં રાખીને અમે સોનમર્ગ પહોંચ્યા અને કાશ્મીરીઓની મહેમાનનવાઝીની વાતો સાંભળીને કરેલી કલ્પનાઓ પત્તાના મહેલની જેમ કડડભૂસ તૂટી પડે એના દુઃખદ અનુભવોની શરૂઆત થઈ. સોનમર્ગમાં બરફની વચ્ચે જતાં પહેલાં ઠંડીથી બચવા માટેના ખાસ પ્રકારના કોટ અને બૂટ ભાડેથી લેવા પડે છે. એક જગ્યાએ અમે કોટ અને બૂટ ભાડે લેવા ઊભા રહ્યા. દુકાનદારે ચાર વ્યક્તિ માટેના સૂટનું ભાડું રૂ. 600 નક્કી કર્યું અને કપડાં પહેરાવી દીધા. અમે જેવા કપડાં પહેર્યા કે તરત જ તેણે રૂ. 600ના બદલે રૂ. 800 ભાડું માગ્યું. અમે તેને પૂછ્યું કે આવું કેમ? રૂ. 600 નક્કી કર્યા પછી તમારી જબાન ફરી કેમ ગઈ? દુકાનદાર કહે, “અહીં તો આ જ ભાવ ચાલે છે અને હવે તમે કપડાં પહેરી લીધા એટલે પૈસા તો આપવા જ પડશે. અમારી કારના ડ્રાઈવર સાથે જ હતા, પરંતુ સ્થાનિકોની સામે બોલવાની હિંમત નહીં હોવાનું જણાવીને તેણે હાથ ઊંચા કરી દીધા. આસપાસમાં ટુરિસ્ટ પોલીસ કે લશ્કરના જવાનો પણ હતા નહીં એટલે દુકાનદારની વાત માન્યા સિવાય છુટકો ન હતો. કાશ્મીર સરકારે સહેલાણીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ બનાવ્યો છે, પરંતુ આ વિભાગના કર્મચારીઓ હકીકતમાં શું કરે છે તેનો જવાબ અમને બાદમાં મળી ગયો.

શ્રેયસ પંડિત પત્ની અને તેના પુત્ર સાથે

કપડાંવાળાની મનમાનીને તાબે થયા બાદ અમે સોનમર્ગ પહોંચ્યા. સોનમર્ગમાં કાર પાર્ક થતાની સાથે જ એક ઘોડાવાળો અમારી પાસે આવ્યો અને એક વ્યક્તિના રૂ. ૩૫૦૦ લેખે ઘોડેસવારી કરવા જણાવ્યું. જોકે અમારી ઈચ્છા પગપાળા જવાની હોવાથી અમે ઘોડા પર બેસવાની ના પાડી. ઘોડા ભાડે લેવાની ના પાડતા જ ઘોડામાલિકે કહ્યું કે, તમે અહીંયા પૈસા ખર્ચવા આવ્યા છો અને તમારે અમારા માટે જ પૈસા ખર્ચવાના છે, તો ના કેમ કહો છો? તમારે જો ઘોડા પર ના બેસવું હોય તો અહીંથી જતા રહો. પૈસા ખર્ચવા તૈયાર ના હોય એવા લોકોની અહીં કોઈ જરૂર નથી. અમે ફરી એકવાર અમારા ડ્રાઈવર અને ટુર કેપ્ટન દર્શનભાઈને બોલાવ્યા. અહીં પણ દર્શનભાઈ કશું ન કરી શક્યા. આ દરમિયાન પાંચ-છ ઘોડાવાળા અમને ઘેરી વળ્યા અને રીતસરના ધમકાવતા હોય તેવી ભાષામાં વાત કરવા લાગ્યા. આ સમયે અમે આસપાસ ટુરિસ્ટ પોલીસને શોધવા ફાંફા માર્યા પણ કોઈ દેખાયું નહીં. ઘોડાવાળાઓની આક્રમકતા વધતી જોઈને અમને અમારી સલામતીની ચિંતા થઈ અને ચૂપચાપ ઘોડા પર બેસી ગયા. ઘોડા પર બેઠા બાદ અમે રસ્તામાં જોયું કે છેક સુધી પાકો રસ્તો બનેલો હતો અને ગાડી લઈને ત્યાં સુધી જઈ શકાયું હોત. આ અંગે અમે અમારા કેપ્ટનને પૂછ્યું કે તેઓ શા માટે અમને લઈ ગયા ન હતા? તો તેમણે જણાવ્યું કે, કોઈ પણ ટેક્સી કે બસવાળો ત્યાં સુધી લઈ જશે નહીં. ભૂલેચૂકે કોઈ ત્યાં જાય તો ઘોડાવાળા તેમના પર હુમલો કરી દે છે. કેપ્ટનની આ વાત સાંભળીને અમને ઘણી નવાઈ લાગી અને થયું કે, ભલા પોલીસ આટલી બધી નઠારી હોઈ શકે! જો કે તેમની વાત કેટલી સાચી હતી તે અમને બીજા દિવસે ગુલમર્ગમાં જાણવા મળી ગયું.

ગુલમર્ગ પહોંચતાની સાથે જ ગાઈડ હોવાનો દાવો કરતો એક દાઢીધારી યુવાન અમારી ગાડી સાથે લટકી ગયો અને તેણે અમને પૂછ્યું કે, તમારે ગાઈડ જોઈએ છે? અમે ના પાડી તો કહે કે, “તમારી મરજી, પણ હું તો તમારી સલામતી માટે કહેતો હતો. ગાઈડની વાતને અવગણીને અમે આગળ વધ્યા. ગુલમર્ગમાં રાજેશ ખન્નાના પ્રખ્યાત ગીત જય જય શિવ શંકર, કાંટા લગે ના કંકરનું શુટિંગ જે મંદિર પર થયું હતું ત્યાં દર્શન કરીને અમે રોપ-વેનો આનંદ માણવા ગંડોલા પહોંચ્યા. અહીં રોપ-વેની ટિકિટ માટે બે લાંબી લાઈન હતી. એક પ્રવાસીઓની અને બીજી ગાઈડની. નિયમ મુજબ બંને લાઈનમાંથી એક-એક વ્યક્તિનો વારો આવવો જોઈએ. જોકે ગાઈડ અને ટિકિટ આપનારા સ્ટાફ વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે માત્ર ગાઈડને જ ટિકિટ અપાતી હતી. એક-એક ગાઈડ ૨૦-૨૫ ટિકિટ લઈ જતો હતો અને રૂ. ૪૦૦માં લીધેલી એક-એક ટિકિટ બાજુમાં જ ઊભેલા પ્રવાસીને રૂ. ૬૦૦માં વેચી દેતો હતો. સમય બચાવવા માટે પ્રવાસીઓ પણ ટિકિટોના કાળાબજારને પ્રોત્સાહન આપતા હતા. આ સમગ્ર ઘટના બનતી હતી ત્યારે ટુરિસ્ટ પોલીસનો એક જવાન થોડે દૂર ઊભો હતો, પણ તે ગંડોલાની ટિકિટબારી બાજુ નજર રાખવાના બદલે પીઠ બતાવીને ઊભો હતો અને મસ્તીથી સિગારેટના કશ ખેંચતો હતો.

પોલીસ, ગાઈડ અને સ્ટાફની આ મિલિભગતથી કંટાળેલા એક પ્રવાસીએ જ્યારે ક્રમ મુજબ પોતાનો વારો હોવાનો દાવો કર્યો ત્યારે ગાઈડો ઉશ્કેરાઈ ગયા અને અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે એ પ્રવાસીને પીટવાનું શરૂ કર્યું. પ્રવાસીને માર મારવાની શરૂઆત કરતાં પહેલા ગાઈડે ખૂબ જ મોટો ઘાંટો પાડીને તમામ પ્રવાસીઓ સમક્ષ એલાન કર્યું કે, “યહ હમારી ઝમીન હૈ ઔર યહાં પે હમારા કાનૂન ચલતા હૈ.જોકે નસીબજોગે અન્ય પ્રવાસીએ આ ઘટનાને સાક્ષીભાવે જોવાના બદલે વળતો પ્રતિકાર કર્યો. પોતાના માનીતા ગાઈડને માર પડતો જોઈને ટુરિસ્ટ પોલીસનો કર્મચારી દોડતો-દોડતો આવ્યો અને તેણે પણ પ્રવાસીઓને ધમકાવ્યા. ગુલમર્ગના ઘોડાવાળા અને પોલીસની સાંઠગાંઠ ખૂબ કુખ્યાત છે એવું અમને બાદમાં જાણવા મળ્યું. અમે પહેલગામમાં જે હોટલમાં રોકાયા હતા તે હોટલના માલિકે અમારો કિસ્સો સાંભળીને કહ્યું કે, “તમે પ્રવાસી હતા એટલે સસ્તામાં પતી ગયું, પણ જો કોઈ ડ્રાઈવર હોત તો મામલો બગડ્યો હોત!” બાદમાં તેણે અમને એક કિસ્સો કહ્યો. તેણે માર્ચ મહિનામાં પોતાના એક ડ્રાઈવરને ગુલમર્ગ મોકલ્યો હતો. ગુલમર્ગ પહોંચ્યા બાદ આ ડ્રાઈવરે પોતાના પ્રવાસીને સલાહ આપી કે, તમે પહેલા ગંડોલામાં રોપ-વેમાં બેસી આવો અને પછી ઈચ્છા હોય તો ઘોડેસવારી કરજો. એક ઘોડાવાળાએ આ સંવાદ સાંભળી લીધો અને પછી તો અનેક ઘોડાવાળાઓએ ભેગા થઈને તે ડ્રાઈવરને ઢોર માર માર્યો. ગુલમર્ગમાં જાહેરમાં આ ઘટના બની હોવા છતાં ઘોડાવાળાઓને રોકનારું કોઈ ન હતું. સરકારે કોઈ કારણોસર લશ્કરને ખસેડી લીધું હતું અને પોલીસ વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવવાનો હોય ત્યારે જ નજરે પડતી હતી.

સોનમર્ગની ધમકીભરી ભાષા અને ગુલમર્ગની મારામારીને જોયા બાદ અમે રીતસરના ગભરાઈ ગયા હતા, પણ પછી એવું વિચાર્યું કે હવે આપણે બે રાત શ્રીનગરમાં રોકાવાનું છે અને શ્રીનગર એ રાજ્યનું પાટનગર હોવાથી અહીંની પરિસ્થિતિ ચોક્કસ જુદી જ હશે! આમ પણ કાશ્મીરના પ્રવાસન પ્રધાને જ્યારે આપણને, ગુજરાતીઓને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને સલામતીની ખાતરી આપી છે એટલે અહીં તો ચિંતા કરવા જેવું કશું હશે જ નહીં. જોકે, શ્રીનગરમાં ફરતી વખતે અમને જાણવા મળ્યું કે કાશ્મીરના સ્થાનિક લોકો આપણા જેવા પ્રવાસીઓને હિન્દુસ્તાનીકહે છે અને પોતાની ઓળખ કાશ્મીરીતરીકેની આપે છે. શ્રીનગરના બહુચર્ચિત લાલ ચોક, દાલ સરોવર અને મુઘલ ગાર્ડનની મુલાકાત વખતે અમારા અનુભવ કેવા રહ્યા તે અંગેની વાત આવતા અંકમાં...

નોંધઃ કાશ્મીર અહેવાલના ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો.

11 June, 2013

હમ દોનો હૈ અલગ અલગ...


આપણે ફિલ્મોમાં જોઈએ છે કે, જોડિયા ભાઈ કે બહેનોનો જુદી જુદી રીતે ઉછેર થયો હોવાથી તેઓ એકબીજાથી વિપરિત સ્વભાવના હોય છે. જો જુદી જુદી રીતે ઉછેર થયો હોય તો તેમનો સ્વભાવ અલગ હોઈ શકે, પરંતુ જોડિયા ભાઈ કે બહેનનો એક જ માતાપિતાએ, એકસરખી રીતે અને એક જ છત નીચે ઉછેર કર્યો હોય તો પણ તેઓ હંમેશાં એકબીજાથી વિપરિત પ્રકૃતિના જ હોય છે. આ રહસ્યનો જવાબ શોધવા વિશ્વના અનેક વિજ્ઞાનીઓ પ્રયત્નશીલ હતા. જોકે, થોડા સમય પહેલાં બ્રિટિશ વિજ્ઞાનીઓએ આ રહસ્ય ઉકેલી નાંખ્યાનો દાવો કર્યો હતો. આ વિજ્ઞાનીઓએ કેટલાક જોડિયા પર જન્મથી લઈને તેઓ પુખ્ત થયા ત્યાં સુધી સતત 21 વર્ષ સંશોધન કરીને જોડિયા બાળકોનો બાહ્ય દેખાવ જેટલો સરખો હોય છે, એટલા જ તેઓ અંદરથી જુદા કેમ હોય છે? એ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે

બ્રિટનની લંડન સ્થિત કિંગ્સ કોલેજના ટ્વિન રિસર્ચ યુનિટના વડા અને પ્રોફેસર ટીમ સ્પેક્ટરે બે દાયકાથી પણ વધુ સમય પહેલાં આ રહસ્ય ઉકેલવાનું બીડું ઝડપ્યું હતું. પ્રો. ટીમે 21 વર્ષ પહેલાં કિંગ્સ કોલેજના ટ્વિન રિસર્ચ સેન્ટરમાં બ્રિટનના સાત હજાર જોડિયા બાળકોની નોંધણી કરીને આ સંશોધનકાર્ય ચાલુ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, આ સંશોધનો માટે વિજ્ઞાનીઓએ તમામ બાળકોને જીવનના પ્રથમ 18 વર્ષ એક જ સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું હતું, બાળપણથી તેઓ સમાન વાતાવરણમાં ઉછર્યા હતા, એક જ પ્રકારની રમતો રમતા હતા, એક જેવું ખાતાપીતા અને તેમની આસપાસનો માહોલ પણ એકસરખો હતો. અહીં આપણે આઈડેન્ટિકલ ટ્વિન્સની વાત કરી રહ્યા છીએ. વૈજ્ઞાનિક ભાષામાં તેઓ મોનોઝાયગોટિક તરીકે ઓળખાય છે. મોનોઝાયગોટિક ટ્વિન્સે એક જ ફલિત ઈંડામાંથી જન્મ લીધો હોય છે. આ પ્રકારના ટ્વિન્સ મેટરનલ ટ્વિન્સ તરીકે પણ ઓળખાય છે.


જોડિયા બાળકો એક જ જનીનનો ભાગ હોવાથી આશ્ચર્યજનક સમાનતા ધરાવતા હોય છે. જોકે, આ સમાનતા દેખાવ, ઊંચાઈ કે વજન જેવી બાબતોને લઈને હોય છે, પરંતુ તેમની પ્રકૃતિ બિલકુલ અલગ હોય છે. જેમ કે, જોડિયા બાળકોનો સ્વભાવ બિલકુલ અલગ હોય છે અને તેઓ ક્યારેય એક જ રોગથી મૃત્યુ નથી પામતા. ટ્વિન રિસર્ચ યુનિટમાં અન્ય ટ્વિન્સની સાથે બાર્બરા ક્રિસ્ટિન ઓલિવર નામની બે બહેનોની પણ નોંધણી કરાઈ હતી. આ બંને બહેનોનો સંપૂર્ણ મેડિકલ ડેટા એકત્રિત કરીને તેમના વચ્ચેની સમાનતા, અસમાનતા અને તેઓ વચ્ચે અસમાનતા જીવનના કયા વર્ષે, કેવી રીતે સર્જાવાની શરૂઆત થઈ- તે તમામ ઝીણી ઝીણી વિગતો નોંધી લેવાઈ હતી. જોડિયા બાળકોની જેમ બાર્બરા અને ક્રિસ્ટિન વચ્ચે પણ લાગણીમય સંબંધ હતો. બંને બહેનો નાનપણમાં એકસરખા કપડાં પહેરવાનું પસંદ કરતી અને તેમની હેર સ્ટાઈલ પણ એકસરખી હતી.

જોકે, આ સંશોધનો દરમિયાન વિજ્ઞાનીઓએ નોંધ્યું હતું કે, કિશોરાવસ્થામાં પહોંચવાની શરૂઆત થતાં જ જોડિયા બહેનોની પ્રકૃતિ બદલાવાની શરૂ થઈ હતી, અને હવે તેમની પસંદ-નાપસંદ જુદી હતી. બાર્બરા સ્કર્ટ પહેરવાનું પસંદ કરતી, પણ ક્રિસ્ટિન જેકેટ પહેરતી. એવી જ રીતે, તેમના વ્યક્તિત્વમાં પણ નોંધપાત્ર ફેરફારો નોંધાવા માંડ્યા. ક્રિસ્ટિન કર્તવ્યનિષ્ઠ અને ભાવુક હતી, જ્યારે બાર્બરા ક્રિસ્ટિનથી થોડી વધુ આત્મવિશ્વાસુ હતી. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ તેમનું વ્યક્તિત્વ એકબીજાથી જુદું થઈ ગયું. આ સંશોધનોમાં તમામ જોડિયાની જેમ આ બંને બહેનોએ પણ આ કબૂલાત કરી છે. ક્રિસ્ટિને કબૂલ્યું હતું કે, “હું ખૂબ જ ભાવુક હતી અને ક્યારેક તણાવ અનુભવતી. પરંતુ બાર્બરામાં આવું કંઈ ન હતું. અમે આઈડેન્ટિકલ ટ્વિન્સ હતા, પરંતુ બીજી બધી રીતે અલગ હતા.બસ, આ વાત વિજ્ઞાનીઓને પરેશાન કરતી હતી. એક જ જનીનમાંથી સર્જાયેલા બે બાળક દેખાવમાં સરખા હોય એ સમજી શકાય, પણ તેમનું વ્યક્તિત્વ કેમ હંમેશાં જુદુ હોય છે?

પ્રયોગની શરૂઆત અને તારણો

પ્રો. ટીમે કિંગ્સ કોલેજ લંડન સ્કૂલ ઓફ મેડિસિનના કેમ્પસમાં આવેલી સેન્ટ થોમસ હોસ્પિટલમાં જોડિયા બાળકોની નોંધણી શરૂ કરીને આ સંશોધનકાર્યની શરૂઆત કરી. વિજ્ઞાનીઓને આશા હતી કે, જો મોનોઝાયગોટિક કે ડાયઝાયગોટિક બાળકો (બે જુદા જુદા ઈંડામાંથી એક જ સમયે ગર્ભમાં ઉછરેલા જોડિયા, જે ફ્રેટરનલ, નોન આઈડેન્ટિકલ અને બાયોવુલર ટ્વિન્સ તરીકે ઓળખાય છે)ની સરખામણી કરીને વિવિધ બીમારી સામે તેમની સંવેદનશીલતા ચકાસવામાં આવે તો જનીનો પર પર્યાવરણની શું અસર થાય છે એ વિશે જાણી શકાય એમ છે. આ સંશોધનો શરૂ થયા ત્યારે આધુનિક જનીનશાસ્ત્રની શરૂઆત થઈ ચૂકી હતી. એંશી અને નેવુંના દાયકામાં આધુનિક મોલેક્યુલર બાયોલોજીની મદદથી વિવિધ વારસાગત રોગો માટે જવાબદાર ઘણાં જનીનો ઓળખાઈ ગયા હતા. આ દરમિયાન હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગો માટે એકથી વધારે જનીનો જવાબદાર હોય છે એના પુરાવા પણ મળી ચૂક્યા હતા.

પ્રો. ટીમ સ્પેક્ટર 

આ દરમિયાન વર્ષ 1984માં જ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના સહયોગથી હ્યુમન જિનોમ નામનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ માનવ જનીનના ડીએનએની ત્રણ બિલિયન બેઝ પેર (મૂળ એકમ)ના આધારે જનીનોને વર્ગીકૃત કરવાનું ચાલુ કરાયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત થયેલા સંશોધનોનો લાભ પણ પ્રો. ટીમને મળ્યો. પ્રો. ટીમ કહે છે કે, “અમારી પાસે સાત હજાર ટ્વિન્સ હતા, એટલે કે, 3,500 જોડિયા ભાઈ કે બહેન હતા. આમાંથી અડધાથી પણ વધુ લોકોની જિનોમ સિક્વન્સ (વંશસૂત્રોનો સમગ્ર ઘટનાક્રમ) નોંધી લેવાઈ હતી.આ ઉપરાંત દર વર્ષે જોડિયાના લોહીના નમૂના, હાડકાઓની ઘનતા, ફેફસાની કામગીરી, સમગ્ર શરીરનું સ્કેનિંગ અને સાઈકોમેટ્રિક ટેસ્ટિંગ પણ સતત ચાલી રહ્યા હતા.

આ સંશોધનો વખતે વિજ્ઞાનીઓને સમજાઈ ગયું હતું કે, જોડિયા બાળકોનું વ્યક્તિત્વ બદલાઈ જવા પાછળ કોઈ જનીનિક પ્રક્રિયા જ જવાબદાર છે. વિજ્ઞાનીઓએ હવે જોડિયા બાળકોમાં જન્મ વખતની સમાનતા કરતા તેઓ વચ્ચે કેવી અસમાનતા હોય છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જનીનોનું ઊંડુ સંશોધન કરતા જાણવા મળ્યું કે, જોડિયાનું મૃત્યુ એકસાથે થવાની સંભાવના 25 ટકા જ હોય છે. એવી જ રીતે, એકને હૃદયરોગ થાય તો બીજાને પણ એ રોગ થવાની સંભાવના 30 ટકા જ હોય છે. જ્યારે બંનેને સંધિવા થવાની શક્યતા માંડ 15 ટકા હોય છે. આટલું જાણ્યા પછી વિજ્ઞાનીઓ સમજી ગયા હતા કે, આ તમામ રોગો ચોક્કસ જનીનિક પેટર્ન પર આધારિત છે. જોડિયામાં આ પેટર્ન પણ એકસરખી રીતે વર્તે એવું બનતું નથી. એવું નહોતું કે આ વાત વિજ્ઞાનીઓ જાણતા ન હતા. તેઓને ખાતરી હતી કે, આ માટે જનીનિક પેટર્ન જવાબદાર છે પરંતુ અત્યાર સુધી વિજ્ઞાન પાસે કોઈ પુરાવા ન હતા.

જોડિયા બાળકોનો ઉછેર ભલે સરખા વાતાવરણમાં થાય પણ કિશોરાવસ્થાથી તેમનામાં બદલાવની શરૂઆત થઈ જાય છે, પણ એવા કયા જનીનિક ફેરફારો થાય છે, જે તેમનું સમૂળું વ્યક્તિત્વ બદલી નાંખે છે? આ સૌથી મોટો સવાલ હતો. છેવટે પ્રો. ટીમને જવાબ મળ્યો કે, હ્યુમન એપિજિનોમમાં ફેરફાર થવાથી આવું થાય છે. આ અંગે પ્રો. ટીમ કહે છે કે, “માનવ જનીનો પર પર્યાવરણની અસરથી જે કોઈ ફેરફારો થાય તે શાસ્ત્ર એપિજિનેટિક્સ કહેવાય છે. જનીનોમાં મિથાઇલેશન નામની પ્રક્રિયા થતી હોય છે. આપણા કોષોની અંદર ચારેય તરફ મિથાઈલ નામનું કેમિકલ તરતું હોય છે, જે તેને ડીએનએ સાથે જોડી દે છે. પરંતુ આવું થાય છે ત્યારે તે જનીનિક પ્રક્રિયા હેઠળ પ્રોટીન ઉત્પાદનની ક્રિયા પણ રોકી દે છે અથવા ધીમી પાડી દે છે.

મહત્ત્વની વાત એ છે કે, ડીએનએ મિથાઇલેશન પર જીવનના તમામ પ્રસંગોની અસર હોય છે. જેમ કે, ડાયટ, નાની-મોટી બીમારી, ઉંમર, પર્યાવરણમાં રહેલા રસાયણો, ધુમ્રપાન અને દવાઓ વગેરે. એક જ વાતાવરણમાં ઉછરેલા, એક જ સ્કૂલમાં ભણનારા, એક જેવું ખાતા-પીતા અને એક જેવી રમતો રમતા બાળકો કિશોરાવસ્થામાં બદલાઈ ગયા. કારણ કે, તેમનું ડીએનએ મિથાઇલેશન જુદી રીતે થયું હતું અને તેને કાબૂમાં રાખવું અશક્ય છે. એપિજિનેટિક્સમાં નાનકડા ફેરફારો વ્યક્તિની રોગ થવાની સંભાવના પણ બદલી નાંખે છે. આ સંશોધનોમાં પ્રો. ટીમને જાણવા મળ્યું છે કે, જોડિયા બાળકોની પ્રકૃતિ જુદી હોવા પાછળ ડીએનએ મિથાઇલેશન જ જવાબદાર છે. એટલું જ નહીં, માણસની સહનશક્તિ અને વિવિધ રોગો થવાની સંભાવના પાછળ પણ ડીએનએ મિથાઇલેશન મહત્ત્વની ભૂમિકા ભજવે છે

એપિજિનેટિક્સના કારણે ટ્વિન્સના સ્વભાવ અને વર્તન જુદું હોય છે એ બાર્બરા-ક્રિસ્ટિન સહિતના લોકો પર પણ લાગુ પડે છે. ક્રિસ્ટિન કહે છે કે, “કુદરતી રીતે જનીનોમાં ફેરફાર થવાથી અમે જુદા છીએ. બાર્બરાએ પહેલાં લગ્ન કર્યા. ઘણાં જોડિયા કહેતા હોય છે કે, આવું થાય છે ત્યારે બીજો ટ્વિન શોકમગ્ન થઈ જાય છે. આવું મારી સાથે પણ થયું. પછી હું લ્યુકેમિયાનો ભોગ બની અને મારા છુટાછેડા પણ થઈ ગયા. કોઈ પણ વ્યક્તિ માટે આ દુઃખદ ઘટના હોઈ શકે. પરંતુ નસીબ જેવું પણ કંઈક ભાગ ભજવતું હશે!

એપિજિનેટિક્સની લાંબા ગાળાની અસર

એપિજિનેટિક્સમાં થતા ફેરફાર સામાન્ય નથી હોતા, તે વ્યક્તિની જનીનિક પેટર્ન નક્કી કરે છે અને તેની અસર ત્રણ પેઢી સુધી રહે છે. એટલે કે, માણસજાતને પ્રક્રિયાનો પણ વારસો મળે છે. દ્વિતિય વિશ્વયુદ્ધમાં ભયાનક દુષ્કાળનો સામનો કરી ચૂકેલી એક ગર્ભવતીના બાળક અને તેના પૌત્ર પર થયેલા સંશોધનો પરથી માલુમ પડ્યું છે કે, તે બંને એકસરખી મનોવિકૃતિ અને ડાયાબિટીસની સંભાવના ધરાવતા હતા. જનીનોની મદદથી કુદરતી રીતે પેઢી દર પેઢી આવા સામાન્ય ફેરફારો થતા રહે છે. તેમાં દુષ્કાળ કે મોટી બીમારી જેવા સંજોગોમાં ફેરફારો પણ થાય છે, પરંતુ તમે તુરંત તમારા જનીનો બદલી શકતા નથી. પ્રો. ટીમ કહે છે કે, “એપિજિનેટિક્સની મદદથી આપણે જાડા કે પાતાળા બાળકો પેદા કરી શકીએ છીએ. ફેરફારો બે કે ત્રણ પેઢી સુધી રહે છે.” માણસજાતનું ભલું કરવા જનીનશાસ્ત્રની આ શાખાનો પણ મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે.