18 July, 2018

સૈલન મન્ના : બૂટબોલ નહીં, ફૂટબોલના મહારથી


ફૂટબોલની રમત નિયમિત રીતે પ્લેબોય, સેલિબ્રિટી, રેસિસ્ટ, બિલિયોનેર્સ, ફેશન મોડેલ્સ અને બગડી ગયેલા યુવાનો પેદા કરે છે, પરંતુ આ રમત ક્યારેય સંતપુરુષનું સર્જન નથી કરતી. જોકે, તેમાં એક અપવાદ છે, શૈલેન્દ્રનાથ મન્ના. તેઓ કોલકાતામાં મૃત્યુ પામ્યા ત્યારે હુગલી નદીના કિનારે આવેલા કિઓરતાલા સ્મશાન ઘાટ સુધી જઈ રહેલી સ્મશાન યાત્રામાં બે હજાર લોકો ઊમટ્યા હતા. એ લોકોએ એક ઉત્તમ ફૂટબોલરથી ઘણું વધારે ગુમાવ્યું હતું...

૨૭મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ ભારતીય ફૂટબોલર શૈલેન્દ્રનાથ મન્નાનું મૃત્યુ થયું ત્યારે બ્રિટનથી પ્રકાશિત થતાં 'ધ ઇકોનોમિસ્ટ' સામયિકે તેમને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં આ શબ્દો લખ્યા હતા. બંગાળી લેખક રોનોજોય સેને 'નેશન એટ પ્લે: એ હિસ્ટરી ઓફ સ્પોર્ટ્સ ઈન ઈન્ડિયા' પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે, 'ફ્રિડમ ગેમ્સ: ધ ફર્સ્ટ ટુ ડિકેડ્સ ઓફ ઇન્ડિપેન્ડન્સ'. આ પ્રકરણમાં તેઓ નોંધે (પાના નં.૧૯૧) છે કે, આજ સુધી ભારતના કોઈ ફૂટબોલરને આવું સન્માન મળ્યું નથી.

ગયા અઠવાડિયે આપણે ભારતીય ફૂટબોલના સુવર્ણ દિવસોને યાદ કરવાના બહાને ગોસ્થા પાલની વાત કરી. આજે શૈલેન્દ્રનાથ મન્ના ઉર્ફ સૈલન મન્ના ઉર્ફ મન્ના દાને યાદ કરવાના બહાને બીજી થોડી વાત.

***

ગોસ્થા પાલની જેમ મન્ના દાએ પણ ભારતીય ફૂટબોલ ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવા લાયક બનાવી હતી. ૧૯૪૮માં લંડન ઓલિમ્પિકમાં ભારતીય ફૂટબોલ ટીમે ભારતની સરખામણીમાં ઘણી મજબૂત ગણાતી ફ્રાંસની ટીમને હંફાવી હતી. એ મેચ ફ્રાંસે ૨-૧થી જીતી હતી, પરંતુ સૈલન મન્નાની કપ્તાની હેઠળ ભારતીય ફૂટબોલ ટીમે ફ્રાંસ સામે કરેલા ડિફેન્સની દુનિયાએ નોંધ લેવી પડી હતી. આ એ દિવસોની વાત છે, જ્યારે યુરોપની ફૂટબોલ ટીમો ફિટનેસ અને ફૂટબોલની વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ લઈને મેદાનમાં ઉતરતી અને ભારતને બ્રિટીશરોથી આઝાદી મળ્યાને માંડ એક વર્ષ થયું હતું. દેશ અરાજકતામાંથી પસાર થઈ રહ્યો હતો. બ્રિટીશ રાજની દાયકાઓ સુધી ગુલામી ભોગવનારા ભારતીયો માટે 'ગોરા સાહેબોની રમત'માં ભારતીય ખેલાડીઓ ગોરા ખેલાડીઓને જ હરાવે એ ખૂબ મોટી વાત હતી.




‘નેશન એટ પ્લે’ પુસ્તકની અનુક્રમણિકા

ફ્રાંસ સામેની મેચમાં ઉત્તમ દેખાવ કર્યા પછી લંડન ઓલિમ્પિકનું ઉદ્ઘાટન કરનારા કિંગ જ્યોર્જ ચોથા અને પ્રિન્સેસ માર્ગારેટે ભારતીય ફૂટબોલ ટીમને પણ બકિંગહામ પેલેસની પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા. એ વખતે પ્રિન્સેસે મન્ના દાને પૂછ્યું કે, ખુલ્લા પગે ફૂટબોલ રમતા ડર નથી લાગતો? ત્યારે મન્ના દાએ જવાબ આપ્યો હતો કે, 'ખુલ્લા પગે ફૂટબોલને કાબૂમાં રાખવામાં ઘણું સરળ રહે છે.' એ સમયે ભારતના મોટા ભાગના ખેલાડીઓને ખુલ્લા પગે (અથવા ફક્ત મોજા કે એન્કલેટ) રમતા જોઈને મજાકમાં એવું પણ કહેવાતું કે, 'અસલી ફૂટબોલ તો ભારતમાં રમાય છે, બીજે બધે તો બૂટબોલ રમાય છે.'

અહીં બીજી પણ એક વાત સમજવા જેવી છે. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોલકાતામાં થાણું ઊભું કર્યું હોવાથી ઉત્તરપૂર્વ ભારત (આજના બાંગ્લાદેશ સહિત) ફૂટબોલ અને ક્રિકેટના ગાઢ પરિચયમાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીયોએ પણ આ બંને રમત રમવાનું શરૂ કર્યું, પરંતુ ત્યાંના ગરીબ વિસ્તારોમાં ફૂટબોલનો ખાસ્સો વિકાસ થયો કારણ કે, ફૂટબોલમાં કોઈ ખર્ચ ન હતો. ભારતીય યુવકોને શૂઝનો ખર્ચ પોસાતો નહીં હોવાથી તેઓ ખુલ્લા પગે ફૂટબોલ રમતા, જ્યારે ક્રિકેટ રમવા વધુ ખેલાડીઓ અને બીજા મોંઘા સાધનોની જરૂર પડતી. આજેય દુનિયાભરમાં ક્રિકેટ કરતા ફૂટબોલ અનેકગણી વધુ લોકપ્રિય છે, અને, વિશ્વની અનેક ફૂટબોલ ટીમોમાં ઝૂંપડપટ્ટીમાં ઉછરેલા યુવકોની બોલબાલા છે, એનું એક કારણ આ પણ છે.



સૈલન મન્ના



ફૂટબોલ મનોરંજન અને પ્રેક્ટિસ માટે એકલા રમી શકાય એવી 'સામાન્ય' માણસના ઝનૂનની રમત હતી, બલકે છે, જ્યારે ક્રિકેટ શરૂઆતથી ધનવાનોની રમત હતી. બ્રિટનમાં ક્રિકેટ 'જેન્ટલમેન' રમતા અને જોવા પણ એવા જ લોકો આવતા. એ જ બ્રિટીશ રોયલ માનસિકતા ભારતમાં પણ આવી. અહીં પણ ક્રિકેટને મહારાજાઓ અને ધનવાન પારસીઓનું પ્રોત્સાહન મળ્યું, જેના કારણે પશ્ચિમ ભારતના રાજવી પરિવારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ક્રિકેટ ખાસ્સી વિકસી. ટૂંકમાં, ભારતીય ફૂટબોલરોની તાલીમ શરૂઆતથી જ ખુલ્લા પગે થઈ અને આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ કોઈ કડક નિયમો નહીં હોવાથી 'બૂટબોલ'ના બદલે 'ફૂટબોલ' ચાલી ગયું.

ઓલિમ્પિકમાં સૈલન મન્નાની આગેવાનીમાં ઉત્તમ દેખાવ કર્યા પછી ભારતીય ફૂટબોલ ટીમને ૧૯૫૦માં બ્રાઝિલમાં આયોજિત ફૂટબોલ વિશ્વકપમાં પણ આમંત્રણ મળ્યું હતું. જોકે, ભારતીય ટીમ બ્રાઝિલ ના ગઇ. એ પછી એવું તૂત ચાલ્યું કે, ભારતીય ફૂટબોલરો શૂઝ પહેર્યા વિના રમવા માંગતા હોવાથી તેમને મંજૂરી ના અપાઈ. તો કોઈએ ત્યાં સુધી અફવા ફેલાવી કે, ભારતીય ફૂટબોલ ટીમ પાસે શૂઝ ખરીદવાના પૈસા ન હતા તેથી તેઓ બ્રાઝિલ જઇ ના શક્યા. આ બંને વાત ખોટી છે.



હાવરા મ્યુનિસિપલ સ્ટેડિયમ, જે હવે મન્ના દા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે 

વાત એમ હતી કે, દ્વિતિય વિશ્વ યુદ્ધ પછી ૧૯૫૦માં બ્રાઝિલમાં પહેલો ફૂટબોલ વિશ્વ કપ યોજાયો ત્યારે વિશ્વના અનેક દેશો આર્થિક સંકડામણ અને અરાજકતાના માહોલમાંથી પસાર થઇ રહ્યા હતા. એ સ્થિતિમાં અનેક ફૂટબોલ ટીમોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી, જેથી બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપમાં કુલ ટીમની સંખ્યા ફક્ત ૧૩ રહી ગઈ. કદાચ એટલે જ ભારતીય ફૂટબોલ ટીમ સહેલાઇથી ક્વૉલફાય થઇ હતી, એ વાતને પણ નજરઅંદાજ ના કરી શકાય. આ દરમિયાન બ્રાઝિલ ફૂટબોલ ફેડરેશનઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન સમક્ષ ભારતીય ફૂટબોલ ટીમની મુસાફરીનો ખર્ચ ઉઠાવવાની પણ તૈયારી બતાવી હતી, પરંતુ ઑલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને ભારતીય ટીમને બ્રાઝિલ ના મોકલી અને ઉમેદવારી પણ પાછી ના ખેંચી.

નિયમ પ્રમાણે, ફૂટબોલ રમવા શૂઝ પહેરવા ફરજિયાત હતા એ વાત ખરી પણ એ મુદ્દો જ ન હતો. ઑલ ઈન્ડિયા ફૂટલોલ ફેડરેશને બ્રાઝિલ વિશ્વકપમાં ફૂટબોલ ટીમ નહીં મોકલવાના અનેક કારણ આપ્યા હતા, જેમાં વિશ્વ કપ માટે બ્રાઝિલ જવાનો જંગી ખર્ચ, પ્રેક્ટિસ ટાઈમનો અભાવ, વિદેશી હુંડિયામણની અછત અને લાંબી દરિયાઈ મુસાફરી માટે ભારતીય ફૂટબોલરો તૈયાર નથી એવું પણ એક કારણ સામેલ હતું. એ પછી કોઈએ પેલું શૂઝવાળું તૂત ચલાવ્યું અને કેટલાક ઈતિહાસકારોએ પણ તેની નોંધ લઈ લીધી. એકવાર સૈલન મન્નાએ કહ્યું હતું કે, ભારત સરકાર બ્રાઝિલ ફૂટબોલ વિશ્વ કપ માટે ઓલિમ્પિક જેટલી ગંભીર ન હતી...     

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એમ. કે. નારાયણન અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ
મન્ના દાને ‘બંગાવિભૂષણ’ પુરસ્કારથી સન્માનિત કર્યા ત્યારે

ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૧ની એશિયન ગેમ્સમાં પહેલો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક પણ મન્ના દાની કપ્તાની હેઠળ જ જીતી હતી.  એક ઉત્તમ કપ્તાન તરીકે મન્ના દાએ અનેક ફૂટબોલર તૈયાર કર્યા અને એક કપ્તાનમાં કેવા ગુણો હોવા જોઈએ તેનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું. ઇંગ્લિશ ફૂટબોલ એસોસિયેશને ૧૯૫૩માં મન્ના દાને વિશ્વના દસ સર્વશ્રેષ્ઠ ફૂટબોલ કપ્તાનોમાં સ્થાન આપ્યું હતું. આ પ્રકારનું સન્માન મેળવનારા તેઓ એકમાત્ર એશિયન ફૂટબોલર હતા. આંતરરાષ્ટ્રીય ફૂટબોલની વીસ વર્ષની કારકિર્દીમાં મન્ના દાએ એક પણ વાર ફાઉલ નહોતું કર્યું અને કોઈ ગોરા રેફરીએ તેમને યલો કાર્ડ પણ નહોતું બતાવ્યું. ફૂટબોલરો અને તેના ચાહકોમાં પણ મન્ના દાને 'સંત' જેવું સન્માન મેળવ્યું હતું.

એકવાર ડુરાન્ડ ફૂટબોલ કપની સેમી ફાઈનલમાં મન્ના દાની મોહન બાગાન અને બોર્ડર સિક્યોરિટી ફોર્સની ટીમ વચ્ચે જોરદાર ટક્કર થઇ. એ મેચ ડ્રો રહી, પરંતુ બંને ટીમના ખેલાડીઓ જબરદસ્ત આક્રમક રીતે રમ્યા હોવાથી મોહન બાગાનના મોટા ભાગના ખેલાડીઓ ઇજાગ્રસ્ત થયા. એ સ્થિતિમાં એવું નક્કી થયું કે, ફાઈનલમાં મોહન બાગાન નહીં પણ બીએસએફ ટીમ રમશે. એ મેચ જોવા આવેલા મોહન બાગાનના વીસેક હજાર ચાહકોને ખબર પડતા જ તેમણે જોરદાર હોબાળો કર્યો. ત્યારે પણ મન્ના દાએ જ સમજાવટથી ટોળાને શાંત પાડ્યું હતું અને બીએસએફની ટીમને ફાઇનલ માટે અભિનંદન આપીને બાજી સંભાળી લીધી હતી. મન્ના દાની આગેવાનીમાં ભારતીય ફૂટબોલ ટીમ થોડા તો થોડા સમય માટે અત્યંત મજબૂત ફૂટબોલ ટીમ તરીકે ઉભરી હતી.

***

મન્ના દાનો જન્મ પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૪ના રોજ પશ્ચિમ બંગાળના હાવરામાં થયો હતો. હાવરા યુનિયનથી ફૂટબોલ કારકિર્દી શરૂ કરનારા મન્ના દા ૧૮ વર્ષની ઉંમરે જ મોહન બાગાન ક્લબમાં જોડાયા હતા. ત્યાર પછી તેઓ સળંગ ૧૯ વર્ષ આ ક્લબ વતી રમ્યા. ૧૯૫૦થી ૫૫ દરમિયાન તેમણે મોહન બાગાન ફૂટબોલ ક્લબની કપ્તાની પણ સંભાળી. આ ૧૯ વર્ષના ગાળામાં મન્ના દાએ ફૂટબોલમાંથી ફક્ત રૂ. ૧૯ની કમાણી કરી હતી. આ વાત ખુદ મન્ના દાએ કબૂલી હતી. જોકે, મન્ના દાનું ગુજરાન જિયોગ્રાફિકલ સર્વે ઓફ ઈન્ડિયાની નોકરીમાંથી ચાલતું. કમાણીને લઈને મન્ના દાને જીવનમાં ક્યારેય ફરિયાદ નહોતી કરી.

એસિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મળ્યા પછી જવાહરલાલ નહેરુએ મન્ના દાનું ગોલ્ડ મેડેલિયન આપીને સન્માન કર્યું હતું. એ પણ તેમણે ભારત સરકારને સ્મૃતિ તરીકે ભેટમાં આપી દીધો હતો. મન્ના દાએ પોતાની ફૂટબોલ ટીમના બ્લેઝર-ટાઇની ચેરિટી માટે નિલામી કરી દીધી હતી. બે દાયકા ફૂટબોલ રમ્યા પછી મન્ના દા કોચ અને આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે બીજા ત્રીસેક વર્ષ મોહન બાગાન સાથે સંકળાયેલા રહ્યા.

ભારત સરકારે ૧૯૧૭૧માં તેમનું પદ્મશ્રી આપીને સન્માન કર્યું, ત્યારે તેઓ ગોસ્થા પાલ પછી પદ્મ પુરસ્કારથી સન્માનિત બીજા ફૂટબોલર બન્યા. કોલકાતામાં ૮૭ વર્ષની વયે મન્ના દાનું અવસાન થયું ત્યારે બંગાળના જ નહીં, દેશના અનેક અખબારોએ તેમના મૃત્યુને 'ફૂટબોલમાં એક યુગનો અંત' કહીને અંજલિ આપી હતી.

ગોસ્થા પાલઃ મોહન બાગાન ફૂટબોલ ક્લબનો ભૂલાયેલો ‘ક્રિકેટર’


ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનો ફિવર પૂરજોશમાં જામ્યો છે, દુનિયાની અનેક ચુનંદા ફૂટબોલ ટીમો બહાર ફેંકાઈ ગઈ છે અને વૉટ્સએપ પર ભારતીય ફૂટબોલની મજાક કરતા મેસેજ ફરી રહ્યા છે ત્યારે ભારતના ફૂટબોલ ઈતિહાસના સુવર્ણ પ્રકરણને યાદ કરવાના બહાને આપણા બે પોતીકા ફૂટબોલ સ્ટારને યાદ કરીએ. આ બંને ફૂટબોલરે ભારતીય ફૂટબોલને કિક મારીને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકી દીધો હતો પણ એ પછી આપણી સરકારો અને ફૂટબોલ સંસ્થાઓ એ વારસો આગળ ધપાવી ના શકી. જરા, વિગતે વાત કરીએ.

ભારતીય ફૂટબોલ ટીમની ચીનની દીવાલ

કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમની સામે કાળા રંગનું એક પૂતળું છે. પૂતળાની નીચે બંગાળી ભાષામાં કંઈક લખ્યું છે. એ વિશે કોઈ બંગાળીને પૂછીએ ત્યારે ખબર પડે છે કે, આ ગોસ્થા બિહારી પાલનું પૂતળું છે. જોકે, પ્રાદેશિક અભિમાનથી ફાટફાટ સરેરાશ બંગાળી પણ તેમના વિશે ખાસ કંઈ જાણતો નથી હોતો. ઈડન ગાર્ડનથી ઓતરામ ઘાટ સુધી જતા રસ્તાનું નામ પણ 'ગોસ્થા પાલ માર્ગ' છે પણ લગભગ કોઈ બંગાળી આ રસ્તાને એ નામથી નથી ઓળખતો. પૂતળું જોઈને ફક્ત એટલું અનુમાન લગાવી શકાય છે કે, ગોસ્થા પાલ જાણીતા ફૂટબોલર હોવા જોઈએ. ઇડન ગાર્ડન માર્ગ પર આવેલી વિખ્યાત મોહન બાગાન ફૂટબોલ ક્લબે ગોસ્થા પાલ સિવાય એક પણ ફૂટબોલરનું લાઈફસાઈઝ પૂતળું મૂકાવ્યું નથી. આ સન્માન મેળવનારા તેઓ પહેલાં ફૂટબોલર છે.


ગોસ્થા પાલ

ગોસ્થા પાલ કોઈ સામાન્ય ફૂટબોલર ન હતા. બ્રિટીશ ભારતમાં તેઓ ભારતીય ફૂટબોલ ટીમની 'ચિનેર પ્રાચીર' એટલે કે ચીનની દીવાલ કહેવાતા. અખંડ ભારતના બાંગ્લાદેશમાં આવેલા ફરીદકોટમાં ૨૦મી ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ તેમનો જન્મ થયો હતો. ઘોડિયામાં હતા ત્યારે જ પરિવાર સાથે કોલકાતા આવીને વસી ગયા. ગોસ્થાએ ૧૧ વર્ષની વયે ઉત્તર કોલકાતાની કુમારતુલી ક્લબમાં ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જુલાઈ ૧૯૧૧ના એક દિવસે સખત વરસાદ વચ્ચે કુમારતુલી પાર્કમાં કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા, જેમાં પંદરેક વર્ષના ગોસ્થા પણ હતા. કાલીચરણ મિત્રા નામના ફૂટબોલરે આત્મવિશ્વાસથી ડિફેન્ડ કરતા ગોસ્થાને જોયા. મિત્રા ઉત્તમ ફૂટબોલર હોવાની સાથે બ્રિટીશરોનું પ્રભુત્વ ધરાવતા ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશનના સભ્ય પણ હતા. તેઓ તુરંત જ ગોસ્થાની કાબેલિયત પારખી ગયા. મિત્રાએ ગોસ્થાનું નામ-ઠામ જાણી લીધું અને તેમને દુખીરામ મજૂમદાર પાસે લઈ ગયા.

દેશદાઝથી લાલઘૂમ મોહન બાગાનમાં પ્રવેશ

૧૯મી સદીના બંગાળમાં અનેક બાળકોને ઉત્તમ ફૂટબોલ રમતા કરવાનું શ્રેય દુખીરામ મજૂમદારને જાય છે. તેઓ ૧૮૮૪માં સ્થપાયેલી આર્યન ફૂટબોલ ક્લબના 'ફાધર ફિગર' ગણાતા. એ વખતે બંગાળમાં બે એલિટ ફૂટબોલ ક્લબ હતી, મોહન બાગાન અને આર્યન. મજૂમદારે ગોસ્થાને તાલીમ આપવાનું શરૂ કર્યું અને એ પછી જે કંઈ થયું, એ ઈતિહાસ છે. એ દિવસોમાં મોહન બાગાન અને આર્યન વચ્ચે સારામાં સારા ફૂટબોલ ખેલાડીઓને પોતાની ક્લબમાં લઈ આવવાની હોડ હતી. મોહન બાગાનના પ્રતિભાશાળી ફૂટબોલર રાજેન સેને પણ ૧૬ વર્ષના મજબૂત કદકાઠી ધરાવતા ગોસ્થા પાલને પોતાની ક્લબના સભ્ય બનાવી દીધા. રાજેન સેન બ્રિટીશરોને હરાવનારી લોકપ્રિય ફૂટબોલ ક્લબ મોહન બાગાનના આગળ પડતા સભ્ય હતા.


દુખીરામ મજુમદાર 

અંગ્રેજોનું પ્રભુત્વ ધરાવતું ઈન્ડિયન ફૂટબોલ એસોસિયેશન પોતાના સ્થાપના વર્ષ ૧૮૯૩થી દર વર્ષે 'ઈન્ડિયન ફૂટલોબ એસોસિયેશન (આઈએફએ) શિલ્ડ' નામની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજતું. આ ટુર્નામેન્ટમાં અંગ્રેજ લશ્કરની વિવિધ ટીમોની જ જીત થતી. જોકે, ૧૯૧૧માં બંગાળી યુવકોની મોહન બાગાન ક્લબે ઈસ્ટ યોર્કશાયર રેજિમેન્ટને ૨-૧થી હરાવી અને એ પરંપરા તૂટી. એ ટીમને જીતાડવામાં રાજેન સેને પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના યુવકોએ પહેલીવાર ગોરા લશ્કરી સાહેબોને હરાવ્યા હતા. ભારતીય ફૂટબોલ ઈતિહાસની એ સૌથી મહત્ત્વની ક્ષણ હતી. રમતના મેદાન પર થતી હરીફાઈને પણ અંગ્રેજો 'રાજ સામેના પડકાર'ના રૂપમાં જોતા. એવી જ રીતે, ભારતીયો પણ શોષણખોર બ્રિટીશ રાજના ખેલાડીઓને હરાવીને જીતનો સંતોષ અને ઉન્માદ અનુભવતા.

આ પ્રકારના માહોલમાં ગોસ્થા પાલે સત્તરેક વર્ષની ઉંમરે રાષ્ટ્ર દાઝથી લાલઘૂમ મોહન બાગાન ફૂટબોલ ટીમમાં રમવાનું શરૂ કર્યું.

મોહન બાગાનનું નામ વિદેશોમાં ગૂંજતુ કર્યું

ગોસ્થા પાલ ૧૯૧૩માં પહેલીવાર ડેલહાઉસી ફૂટબોલ ક્લબ સામેની મેચ રમ્યા, પરંતુ ડિફેન્ડર તરીકે સારો દેખાવ ના કરી શક્યા અને વિરોધી ટીમે બે ગોલ ફટકારી દીધા. એ વખતના અનેક ફૂટબોલ ખેલાડીઓની જેમ ગોસ્થા પણ ખુલ્લા પગે રમતા, પરંતુ ડેલહાઉસી જેવા ખૂબ ઠંડા પ્રદેશમાં બર્ફીલા કરાથી ભરેલા મેદાનમાં તેઓ કૌવત ના બતાવી શક્યા. કોલકાતાના ફૂટબોલ ચાહકોએ એ નાનકડા છોકરાનો એવો હુરિયો બોલાવ્યો કે, ગોસ્થા એવું જ માનવા લાગ્યા કે આટલી મોટી ક્લબમાં મારી કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઇ ગઇ. તેમણે ધારી લીધું કે, હવેની મેચમાં તેઓ 'આઉટ' છે. જોકે, તેમના આશ્ચર્ય વચ્ચે રાજેન સેને ગોસ્થોની ફિલ્ડ પોઝિશન ચેન્જ કરીને તેમને બીજીવાર ચાન્સ આપ્યો. એ પછી ગોસ્થા પાલ સળંગ ૨૨ વર્ષ, ૧૯૩૫ સુધી, મોહન બાગાન માટે ફૂટબોલ રમ્યા. ગોસ્થા પાલ બહુ જ બધા ગોલ કરનારા ખેલાડી ન હતા, પરંતુ તેમના કાર્યકાળમાં જ ભારતીય યુવાનોમાં ફૂટબોલે લોકપ્રિયતા હાંસલ કરી હતી.

આઈએફએ શિલ્ડની એક મેચમાં ગોસ્થા પાલે ડ્યૂક ઓફ કોર્નવૉલ્સ લાઇટ ઇન્ફન્ટ્રી- રંગૂન નામની અંગ્રેજ ટીમ સામે કરેલા દેખાવ પછી 'ધ ઇંગ્લિશમેન' નામના એક બ્રિટીશ અખબારે તેમને ભારતીય ટીમની ગ્રેટ વૉલ ઓફ ચાઇનાનું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧થી ૧૯૨૬ સુધી તેઓ મોહન બાગાન ફૂટબોલ ટીમના કેપ્ટન રહ્યા. તેમના કારણે જ ૧૯૨૩માં (૧૯૧૧ પછી પહેલીવાર) મોહન બાગાન આઈએફએ શિલ્ડ ટ્રોફીમાં ફાઇનલમાં પહોંચી. જોકે, જીતી ના શકી.


મોહન બાગાન ક્લબે ૧૯૧૧માં આઈએફએ શિલ્ડમાં પહેલીવાર
ઇસ્ટ યોર્કશાયર રેજિમેન્ટને હરાવી એ ભારતીય ફૂટબોલરોની ટીમ

એજ વર્ષે બોમ્બેમાં આયોજિત પ્રતિષ્ઠિત રોવર્સ કપની ફાઈનલમાં પણ મોહન બાગાન પહોંચી હતી. ગળાકાપ હરીફાઈ ધરાવતી એ ટુર્નામેન્ટમાં પહેલીવાર ભારતીય ખેલાડીઓની કોઈ ટીમે આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ અંગ્રેજ લશ્કરની ડરહામ લાઇટ ઇન્ફન્ટ્રી સામે તેમની હાર થઇ. એ મેચ પછી જ બ્રિટીશ ભારતમાં ગોસ્થા પાલને લિજેન્ડરી સ્ટેટસ મળ્યું. ગુલામી કાળના એ વર્ષોમાં અંગ્રેજ અધિકારીઓને ભારતીય યુવકો હંફાવે એ વાત જ ભારતીય દર્શકોને 'કિક' આપતી હતી. યાદ રાખો, અંગ્રેજ શાસનમાં ભારતીય ફૂટબોલ ટીમના ખેલાડીઓ ગાંઠનું ગોપીચંદન કરીને રમતા, આપણી ક્લબો આર્થિક રીતે શક્તિશાળી નહીં હોવાથી કોચિંગ માટે પણ ખર્ચ કરી શકે એમ ન હતી. એ જમાનામાં ગોસ્થા પાલ મોહન બાગાનને આ ઊંચાઈ સુધી લઈ ગયા હતા.

ક્રિકેટ મેચમાં ધોતી પહેરીને અનોખો સત્યાગ્રહ

ઈસ. ૧૯૨૪માં પહેલીવાર વિદેશ (શ્રીલંકા) રમવા જતી ભારતની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું સુકાન ગોસ્થા પાલને સોંપાયું હતું. મોહન બાગાન ક્લબને ૧૯૨૫માં વિશ્વની બીજા નંબરની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરાન્ડ કપમાં રમવાનું આમંત્રણ મળ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગોસ્થા પાલે મોહન બાગાનને સેમી ફાઈનલ સુધી પહોંચાડી, પરંતુ અંગ્રેજોની શેરવૂડ ફોરેસ્ટ સામે તેઓ ટકી ના શક્યા. આજે દંતકથા સમાન ગણાતી મોહન બાગાન ફૂટબોલ ક્લબને મજબૂત કરવામાં તેમજ ઉત્તરપૂર્વ ભારતમાં ફૂટબોલને લોકપ્રિય કરવા ગોસ્થા પાલે 'ખરા અર્થમાં' લોહી અને પરસેવો એક કર્યા હતા. તેઓ બૂટ પહેર્યા વિના ફૂટબોલ રમતા ત્યારે અંગ્રેજ ખેલાડીઓ મજબૂત બૂટથી જાણી જોઇને ઇજા કરીને ભારતીય ખેલાડીઓને લોહીલુહાણ કરી નાંખતા.

મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઇને રમતના મેદાન પર સૌથી પહેલો 'અનોખો' સત્યાગ્રહ કરવાનો શ્રેય પણ ગોસ્થા પાલને જાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મોહન બાગાન ક્લબ એક સમયે ક્રિકેટ પણ રમતી. ક્રિકેટમાં મોહન બાગાનની કટ્ટર હરીફ ટીમ હતી, કોલકાતા ક્રિકેટ ક્લબ. અંગ્રેજોનું પ્રભુત્વ ધરાવતી આ ક્લબ સામે ૧૯૨૮માં યોજાયેલી એક મેચમાં ગોસ્થા પાલ અને બીજા કેટલાક ક્રિકેટર ધોતી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. તેમનો વિરોધ ગોરા રેફરીઓની અન્યાયી રંગભેદી નીતિ સામે હતો. જોકે, શરૂઆતમાં એકેય ગોરા ક્રિકેટરે વિરોધ ના કર્યો પણ ગોસ્થા પાલે ચાર બૉલમાં બે વિકેટ લેતા જ અંગ્રેજી ક્રિકેટરોએ એમ્પાયર સમક્ષ વિરોધ નોંધાવ્યો કે, ધોતી 'દેશી' યુનિફોર્મ છે. ક્રિકેટ માટે એ પેન્ટ જ સૌથી યોગ્ય ડ્રેસ છે.


ગોસ્થા પાલની યાદમાં બહાર પાડેલી ટપાલ ટિકિટ

અંગ્રેજોએ એમ્પાયરને કહી દીધું કે, ગોસ્થા પાલ સહિત બધા ક્રિકેટરો પેન્ટ પહેરશે તો જ મેચ ચાલુ રહેશે. જોકે, તેઓ રાજી ના થયા અને મેચ અટકી ગઇ. એ પછી સતત છ વર્ષ સુધી મોહન બાગાન અને કોલકાતા ક્રિકેટ ક્લબ એકબીજા સાથે ના રમ્યા. ગોસ્થા પાલ પર મહાત્મા ગાંધીના આઝાદીના આંદોલનનો એટલો પ્રભાવ હતો કે, ૧૯૩૪માં તેમણે રંગભેદ વિરોધી આંદોલનને ટેકો જાહેર કરવા દક્ષિણ આફ્રિકા રમવા જતી ભારતીય ટીમનું કેપ્ટનપદ સંભાળવાની ના પાડી દીધી હતી.

અંગ્રેજ સૈનિક સાથે ગોસ્થાની માતાનો ભેટો

ગોસ્થા પાલ ભારતભરમાં (અખંડ ભારત) કેટલા લોકપ્રિય હશે એ વાતનું અનુમાન એક કિસ્સા પરથી આવી શકે છે. ૧૯૪૮માં ગોસ્થા પાલના માતા નવીન કિશોરી દેવી પુત્રને મળવા રેલવેમાં બાંગ્લાદેશથી કોલકાતા આવી રહ્યા હતા. ભારતના ભાગલા થઇ ચૂક્યા હતા, જેથી ભારતીય અને અંગ્રેજ સૈનિકો ગમે ત્યારે, ગમે તે વ્યક્તિને પકડીને પૂછપરછ કરતા. નવીન કિશોરી દેવી લોખંડની નાનકડી પેટી લઇને જતા હતા એટલે એક અંગ્રેજ સૈનિકે તેમને પકડયા. તેમણે કહ્યું કે, હું વિધવા છું અને મારા પુત્રને મળવા જઇ રહી છું. આમ છતાં, અંગ્રેજ સૈનિકે તેમની પેટીના તાળા ખોલાવ્યા. પેટીમાં તો થોડા કપડાં અને ગોસ્થા પાલની એક તસવીર હતી. એ જોઈને પેલા સૈનિકે પૂછ્યું કે, આ તસવીર કેમ સાથે રાખી છે?

ત્યારે વૃદ્ધાએ જવાબ આપ્યો કે, એ મારો પુત્ર છે. આ વાત સાંભળીને અંગ્રેજ સૈનિકે હતપ્રત થઇને પૂછ્યું કે, તમે ગોસ્થા પાલના માતા છો? એ પછી તેણે વૃદ્ધાની માફી માંગી અને ટ્રેનમાં બારી પાસે બેસાડીને રવાના કર્યા. જોકે, આ ઘટનાથી ગોસ્થા પાલના માતા ગભરાઇ ગયા. તેઓ પુત્રને મળ્યા ત્યારે આ વાત જણાવીને સૌથી પહેલો સવાલ કર્યો કે, તુ કરે છે શું? ત્યારે ગોસ્થા પાલ ખડખડાટ હસી પડ્યા અને માતાને જવાબ આપ્યો, 'કશું નથી કરતો, ફક્ત બોલને કિક મારવાનું કામ કરું છું.'

આ કિસ્સો જાણીતા ફૂટબોલ રિસર્ચર અને ગોસ્થા પાલના પુત્ર નિલાંશુ પાલે નોંધ્યો છે.  

***

૨૭મી એપ્રિલ, ૧૯૬૨ના રોજ ભારત સરકારે ગોસ્થા પાલનું પદ્મ શ્રી આપીને સન્માન કર્યું. ૧૯૯૮માં ગોસ્થા પાલના માનમાં તેમની તસવીર સાથેની ટપાલ ટિકિટ પણ બહાર પડાઈ. આ બંને સન્માન મેળવનારા તેઓ દેશના પહેલા ફૂટબોલર છે. ગોસ્થા પાલ પછી બીજા પણ એક ફૂટબોલરને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. 

એ વાત અહીં બીજા લેખમાં. 

10 July, 2018

હાયર એજ્યુકેશન: સ્વાયત્તતા અને રાજકારણ


ભારતમાં ઉચ્ચ શિક્ષણની મુશ્કેલીઓના ઉકેલની વાત આવે ત્યારે સ્વાયત્તતા (ઓટોનોમી)નો મુદ્દો અચૂક છેડાય છે. આપણે હજારો વાર સાંભળી ચૂક્યા છીએ કે, શૈક્ષણિક સંસ્થાઓની ફલાણી-ઢીંકણી સમસ્યાઓનો અંત લાવવા સ્વાયત્તતા આપી દેવી જોઈએ. જાણે સ્વાયત્તતા જ ઉચ્ચ શિક્ષણની બધી મુશ્કેલીની દવા હોય! રાજકારણીઓ પણ હવે આ ભાષા બોલે છે, પણ પ્રાઈવેટ કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા છીનવવાનું કામ રાજકારણીઓ જ કરે છે. જો તેમણે શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવી હોય તો આપી દે. એમાં ચોળીને ચીકણું કરવાની ક્યાં જરૂર છે? આપણે ક્યારેય એવું સાંભળ્યું છે કે, યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરની નિમણૂક પ્રક્રિયામાં સુધારો કરાશે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક  જેટલું જ મહત્ત્વ, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓની નિમણૂકનું પણ છે.

આપણી યુનિવર્સિટીઓના વડાઓ અને અધ્યાપકો પર અવારનવાર હુમલા થાય છે. કદાચ શિક્ષકના હોદ્દાની ગરિમા ભૂંસાઇ ગઇ હોવાથી આવી ઘટનાઓ વધી ગઇ છે. દુનિયાને ગુરુશિષ્યની પરંપરાની ભેટ આપનારા આ દેશમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આદરણીય સંબંધ દિવસે ને દિવસે ખતમ થઇ રહ્યો છે. ગયા અઠવાડિયે જ કચ્છમાં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓએ એક અધ્યાપકનું મ્હોં કાળા રંગથી રંગી દીધું. વિદ્યાર્થીઓ પોતાના ગુરુનું આવું અપમાન કરી રહ્યા હતા ત્યારે કેમેરા પણ હતા, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ ડર કે શરમ ન હતા. આ પ્રકારના દૃશ્યો પરથી અંદાજ લગાવી શકાય છે કે, ભારતમાં શિક્ષણનું ભવિષ્ય શું છે?

આ પ્રકારના દૃશ્યો એટલા સામાન્ય બની ગયા છે કે, તે આપણી સંવેદનના ઝકઝોરી શકતા નથી. શિક્ષક દિવસ ભલે પાંચમી સપ્ટેમ્બરે આવે છે, પણ, એક શિક્ષક ૩૬૫ દિવસ શિક્ષક હોય છે. આ વિદ્યાર્થીઓએ અધ્યાપક પર યુનિવર્સિટીની ચૂંટણીમાં મતદાતા પત્રકોમાં ગરબડ કરવાનો આરોપ મૂક્યો હતો. શું આ એટલો મોટો આરોપ છે કે, કેમેરા સામે અધ્યાપકનું મ્હોં કાળું કરીને તેમનું હળહળતું અપમાન કરવામાં આવે? કોઈ પણ અધ્યાપક ગમે તેટલો મોટો ગુનેગાર હોય તો પણ વિદ્યાર્થીઓને આવું વર્તન કરવાનો હક નથી. વ્યક્તિની નહીં પણ હોદ્દાની ગરિમા જેવી પણ કોઈ ચીજ હોય છે. કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે, એ અધ્યાપક ક્લાસરૂમમાં ભણાવતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ તેમને ખેંચીને ત્યાંથી લઈ ગયા અને એ પછી તેમનું મ્હોં કાળું કરી દીધું.




યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આવું કરવાની સ્વાયત્તતા આપી નથી, પરંતુ એ વિદ્યાર્થીઓએ જાતે જ લઈ લીધી. કોઈ પણ વિદ્યાર્થીઓ રાજકીય પક્ષના ટેકા વિના આવા કારસ્તાન ના કરી શકે. કચ્છ યુનિવર્સિટીના અધ્યાપકનું મ્હોં કાળું કરનારા વિદ્યાર્થીઓ પણ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા અથવા તેના સમર્થકો હતા. થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશના અલીગઢની શિવદાનસિંહ ઇન્ટર કોલેજના એક દલિત અધ્યાપકનો વિવાદાસ્પદ વીડિયો પણ સામે આવ્યો હતો. આ અધ્યાપકે એક અખબારની સ્ટોરીનું કટિંગ કરીને ફેસબુક પર પોસ્ટ કર્યું હતું, જેનું શીર્ષક હતું 'ભારત કે ભવિષ્ય કા નિર્માણ કરના હૈ તો બ્રાહ્મણવાદ કો પૈરો તલે કુચલ ડાલો.'

આ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ત્યાં સુધી તો બધું બરાબર હતું, પરંતુ ત્યાં કોલેજ સાથે લેવાદેવા ન હતી ત્યાં ભાજપના સ્થાનિક નેતા પણ પહોંચ્યા. એ અધ્યાપકને ફેસબુક પર જ જાહેરમાં માફી માંગવા ફરજ પડાઈ. અહંકારમાં મદમસ્ત નેતાજીને એ પછી પણ સંતોષ ના થયો એટલે તેમને પોલીસની હાજરીમાં જ એક અધ્યાપકને પગમાં પડીને માફી માંગવા મજબૂર કર્યા. એક શિક્ષકને થોડી જ મિનિટોમાં લાચાર બનાવી દેવાયો. કોઈ પણ દેશ-સમાજ માટે લાચાર શિક્ષક બહુ જ મોટી શરમ છે. સ્થાનિક સ્તરે આ પ્રકારના વીડિયો વાયરલ થયા પછી શિક્ષક કયા મોંઢે વિદ્યાર્થીઓ સામે ગયા હશે! કોઈને પગમાં પડીને માફી માંગવાનું કહેવું એ સામંતવાદી-જમીનદારી માનસિકતા નથી? આ શિક્ષકે જે અખબારનું કટિંગ મૂક્યું હતું કે તેમાં એવો દાવો કરાયો હતો કે, બ્રાહ્મણવાદને કચડી નાંખવાનું સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. જોકે, એ ખોટી વાત છે.

અહીં કોઈ એક પક્ષના નેતાની વાત નથી. બધા પક્ષના નેતાઓ એકસરખા જ હોય છે. વાંક કદાચ આપણો છે. મૂળ મુદ્દો એ છે કે, આ નેતાઓને આવી સ્વાયત્તતા આપી કોણે? યુજીસીએ? હવે સરકારે ધ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા (રીપિલ ઓફ યુજીસી એક્ટ) એક્ટ ૨૦૧૮ હેઠળ યુજીસી ખતમ કરીને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયાની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે દેશની પ્રજા કોઈ સૂચન કરવા માંગતી હોય તો સમય પણ અપાયો છે, પણ ફક્ત દસ દિવસ. સરકારનું કહેવું છે કે, અમે ઉચ્ચ શિક્ષણનું નિયમન (રેગ્યુલેટિંગ) કરતી સંસ્થાઓને મજબૂત કરવા પ્રતિબદ્ધ છીએ, જેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુને વધુ સ્વાયત્તતા મળી શકે. જોકે, અત્યારે હાયર એજ્યુકેશનમાં ટોપ બોડી યુજીસી હોવા છતાં રાજ તો રાજકારણીઓનું જ છે, અને, યુજીસીના બદલે જે સંસ્થા ઊભી કરાશે તેમાં એવું નહીં થાય એની શું ગેરંટી!

એટલે જ એ સવાલ કરવો જરૂરી છે કે, યુજીસીમાં એવું શું નથી, જે નવા શિક્ષણ આયોગમાં સમાવી લેવાયું છે? રાજકારણીઓ ધારે તો નવા શિક્ષણ આયોગની સ્વાયત્તતા છીનવી જ શકે છે. ભારતીય શિક્ષણની જે કોઈ વિકરાળ મુશ્કેલીઓ યુજીસી સામે છે, એ નવા આયોગ સામે પણ હશે જ. આપણી શિક્ષણને લગતી મુશ્કેલીઓ એટલી ઊંડી અને વ્યાપક છે, જેનો કોઈ નવા આયોગની રચનાથી ઉકેલ આવે એ શક્ય જ નથી. દેશમાં કલા, સાહિત્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કોઈ જવા નથી માંગતું કારણ કે, આખો સમાજ મની ઓરિએન્ટેડ થઇ ગયો છે એના મૂળમાં સમગ્ર શિક્ષણ જગતની મુશ્કેલીઓ છે. તેમાં વિદ્યાર્થીઓનો વાંક નથી કારણ કે, ભારત જેવા વિકાસશીલ દેશમાં પૈસાથી જ સામાજિક-આર્થિક સુરક્ષા મળે છે. એટલે જ વિદ્યાર્થીઓ દિલની વાત સાંભળવાના બદલે પૈસા વધારે મળે એ તરફ ઘેંટાની જેમ ચાલવા માંડે છે.

ઉચ્ચ શિક્ષણની બદતર હાલતનું એક નાનકડું ઉદાહરણ જોઈએ. હાલ દેશમાં એક લાખ શિક્ષકોની અછત છે. દેશના વિવિધ રાજ્યોના શિક્ષકો અને અધ્યાપકોના પગાર પણ એકસરખા નથી. ૨૫મી જૂને ઝારખંડ સેન્ટ્રલ યુનિવર્સિટીએ વેબસાઈટ પર જાહેર કર્યું હતું કે, તેઓ માસિક પગાર રૂ. ૫૫ હજારના ફિક્સ પગારથી ૬૪ આસિસ્ટન્ટ પ્રોફેસર (ટેમ્પરરી)ની ભરતી કરવા માંગે છે. ત્યાર પછી ૧૨ જ કલાકમાં યુનિવર્સિટીએ સુધારો કર્યો કે, રૂ. ૫૫ હજાર નહીં પણ રૂ. ૩૫ હજારનો માસિક પગાર મળશે. ફક્ત અડધા દિવસમાં જંગી પગાર ઘટાડો કરી દેવાયો. દિલ્હી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આવો જ હોદ્દો ધરાવતા પ્રોફેસરને માસિક રૂ. ૬૫ હજાર પગાર મળે છે. આમ, દેશની બે યુનિવર્સિટીના એક જ સરખા હોદ્દા ધરાવતા પ્રોફેસરોનો પગાર અલગ અલગ છે. મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તો રૂ. વીસ હજારના પગારદાર પ્રોફેસરો પણ છે. આ શિક્ષકો સાથે ક્રૂર મજાક છે.

આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે? શક્ય જ નથી કારણ કે, શિક્ષકને જ અન્યાયની ભાવના થઈ રહી હોવાથી એક સામાન્ય ઉમેદવાર જ પ્રોફેસરની નોકરી સ્વીકારશે અને એ પણ મજબૂરીમાં. થોડા સમય પહેલાં જ સમાચાર હતા કે, દેશની પ્રીમિયમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ્સમાં પણ એક તૃતિયાંશ હોદ્દા ખાલી છે. સરકારે જ આપેલા આંકડા પ્રમાણે, નવી સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ૫૩.૨૮ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ૪૭ ટકા હોદ્દા ખાલી છે. નવી-જૂની આઈઆઈટીમાં ૩૫ ટકા નિમણૂકો બાકી છે. દેશભરના આઈઆઈએમમાં સરેરાશ ૨૬ ટકા અને આઈઆઈએમ-ઇન્દોરમાં તો ૫૧ ટકા જગ્યાઓ ખાલી છે. એવી જ રીતે, એપ્રિલ ૨૦૧૭ના આંકડા પ્રમાણે હરિયાણા સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ૭૫ ટકા, દિલ્હી યુનિવર્સિટીમાં ૫૪.૭૫ ટકા અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ૬૪ ટકા હોદ્દા ખાલી છે. દેશના સાતેય એઇમ્સમાં પણ ૭૧ ટકાથી વધુ હોદ્દા (ટીચિંગમાં) ખાલી છે. અન્ય મેડિકલ કોલેજોની હાલત પણ બદતર છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીઓ તો સ્વાયત્ત હોવાનું કહેવાય છે, અને છતાં આ હાલ છે. જો દેશભરના નાગરિકો નક્કી કરે કે, હવે આપણે એવી જ યુનિવર્સિટીમાં સંતાનોને મોકલીશું, જ્યાં પૂરતા શિક્ષકો હશે. તો તમે ક્યાં મોકલશો? હાલમાં બીજા એક દુ:ખદ સમાચાર વાંચવા મળ્યા હતા કે, રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટીમાં બીએસસી થર્ડ યરના ૮૦ ટકા અને પહેલા વર્ષમાં ૫૬ ટકા વિદ્યાર્થી નાપાસ થઇ ગયા છે. આઘાતજનક વાત એ છે કે, મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નકલખોરી વિરોધી અભિયાન (ટીવી મીડિયામાં) ચાલી રહ્યું હોવાથી પરીક્ષા આપવા જ નહોતા આવ્યા અને એટલે નાપાસ થયા હતા. સ્નાતકની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ ફક્ત નકલખોરી નહીં કરવા દેવાના કારણે નાપાસ થયા હતા. આ બાબતથી કોઈની લાગણી કેમ દુભાતી નથી? શું આ આપણી સામાજિક શરમ નથી? રામમનોહર લોહિયા અવધ યુનિવર્સિટીની પણ અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓની સામે શિક્ષકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. કાનપુર અને બુંદેલખંડ યુનિવર્સિટીમાં પણ ૫૦ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

આજે આપણી પાસે નથી સારા વિદ્યાર્થીઓ અને નથી શિક્ષકો. જો આ સ્થિતિને કાબૂમાં નહીં લેવાઇ તો ઉચ્ચ શિક્ષણનું ભવિષ્ય શું હશે એ આપણે સમજી શકીએ છીએ! આ તો ફક્ત તાજા સમાચારોની સાથે રજૂ કરેલી નાનકડી વિચાર કણિકાઓ છે, જેને ઉચ્ચ શિક્ષણની બદતર હાલતનું ‘ટ્રેલર’ કહી શકાય.

03 July, 2018

ઈમા કિથિલ : લલ્લુપ-કાબા, નુપી લાન, ફનેક અને મનોરમા


જો બે છોકરા જણતી મા મેડલ જીતી શકે છે, તો તમે બધા પણ આ કરી શકો છો. મારું જ ઉદાહરણ લો અને હંમેશા ઝઝૂમતા રહો...

આ શબ્દો છે, લિજેન્ડરી ફિમેલ બોક્સર મેરી કોમના. બે છોકરાની મા બનીને બોક્સિંગ જેવી ફૂલ કોન્ટેક્ટ ગેમમાં ચેમ્પિયન બનવું એ સ્પોર્ટ્સ હિસ્ટરીની અજોડ ઘટના છે. આજની પેઢી મણિપુરને પાંચ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચનારી મેરી કોમથી ઓળખે છે. મણિપુરમાં સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિમાં ઉછરેલી છોકરીને વિમેન એમ્પાવરમેન્ટ કે મહિલા સશક્તિકરણ શું છે એ ખબર નહીં હોય, પરંતુ તેમનો જિંદગી પ્રત્યેનો અભિગમ મેરી કોમ જેવો જ લડાયક હોય છે.

ઇમા કિથિલ પર હિસ્ટરી ચેનલની શોર્ટ ફિલ્મ



એક સરેરાશ ભારતીય ઉત્તરપૂર્વ ભારતની અનેક જાણીતી બાબતોથી અજાણ હોય છે. આવી જ એક જાણીતી પણ અજાણી વાત એટલે મણિપુરનું ‘ઇમા કિથિલ’. ઇમા કિથિલ ઇમા કિથિલ ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત બજાર છે. મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં આવેલા આ બજારમાં પાંચેક હજાર દુકાનો છે, જે દરેકની દુકાનદાર મહિલા છે. ઇમા કિથિલ મેઇતેઇ કે મણિપુરી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'માતાઓનું બજાર' એવો થાય છે. સમગ્ર એશિયામાં ફક્ત મહિલાઓ દ્વારા સંચાલિત આટલું મોટું બજાર જોવા મળતું નથી. અમુક લોકોનો દાવો છે કે, વિશ્વમાં પણ ક્યાંય મણિપુરના ઇમા કિથિલ જેવું બજાર નથી! દુનિયામાં અનેક સ્થળે મહિલાઓ દુકાન પર બેસીને માલસામાન વેચતી હોય એવા બજારો છે, પરંતુ એ બજારમાં પુરુષો પણ હોય છે. ઇમા કિથિલમાં ફક્ત પરિણિત સ્ત્રીઓ જ દુકાનદારી કરી શકે છે. એટલે વિદેશીઓ તેને 'મધર્સ માર્કેટ' તરીકે ઓળખે છે.

કુપ્રથામાંથી આકાર પામ્યું અનોખું 'બજાર'

દુનિયાના બીજા કોઈ પણ બજારથી ઇમા કિથિલ બિલકુલ અલગ છે. ઇમા કિથિલ દાયકાઓથી આકાર લઇ રહેલા સમૃદ્ધ ઇતિહાસના પાયા પર રચાયેલું છે. ઇસ. ૧૫૩૩માં ઇમા કિથિલની શરૂઆત થઇ હતી. આ અનોખા બજારના પાયામાં ગરીબી, ગુલામી, મજબૂરી, બહાદુરી અને શૌર્ય જેવા અનેક રંગ ભળેલા છે. ૧૬મી સદીમાં દેશના અનેક વિસ્તારોની જેમ ઉત્તરપૂર્વ ભારતમાં પણ લલ્લુપ-કાબા ઉર્ફ વેઠિયા મજૂરીનું દુષણ ચરમસીમાએ હતું. સમાજના ઉચ્ચ વર્ગના (વાંચો, ક્રૂર-અનૈતિક ધનિકો) લોકો ગરીબોને 'વેઠ' એટલે કે મજૂરી કરાવવા રીતસરના ગુલામ બનાવતા. આ પ્રકારની મજૂરી કરવામાં ગુલામોનું જીવન વીતી જતું, પરંતુ કમાણી નહીંવત થતી. ' ભગવદ્ગોમંડળ'માં 'વેઠ' શબ્દનો અર્થ જ 'વગર દામનું વૈતરું' અને 'જેમાં કોઈ વળતર ના હોય એવી મહેનત', એવો અપાયો છે. મણિપુરના ગરીબ મેઇતેઇ લોકો પણ આ પ્રકારની વેઠમાંથી બાકાત નહોતા રહી શક્યા.  

મેઇતેઇ સ્ત્રીઓ દ્વારા સંચાલિત ઇમા કિથિલ

મણિપુરના વેઠિયા મજૂરોએ ધનવાનોની જમીન-જાયદાત પર ખેતી અને બીજા કામ કરવા મહિનાઓ સુધી ઘરેથી દૂર રહેવું પડતું. મણિપુરના લડાયક અને ખડતલ પુરુષોનો યુદ્ધોમાં પણ ઉપયોગ કરાતો. આ સ્થિતિમાં તેઓ ક્યારેક મહિનાઓ સુધી ઘરે નહોતા જઇ શકતા. એ વખતે કૌટુંબિક માલિકીની નાની-મોટી જમીન પર ખેતી કરવાનું કામ ઘરની સ્ત્રીઓ સંભાળતી. પુરુષોની ગેરહાજરીમાં મેઇતેઇ સ્ત્રીઓ પશુપાલન કરતી અને કૃષિ ઉત્પાદનો વેચવા બજારમાં પણ જતી. આમ, ઇમા કિથિલને જન્મ આપવામાં લલ્લુપ-કાબા જેવી કુપ્રથાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મણિપુરના હજારો ઘરોનું ચુલો બાળતું બજાર

એક સમયે વેઠિયા મજૂરોની વિધવા માતાઓ અને પત્નીઓ ગામને પાદરે કૃષિ આધારિત પેદાશો વેચતી, પરંતુ હવે ઇમ્ફાલમાં એક મહાકાય બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં વેચાણ કરવા દરેક મહિલાને નાનકડી જગ્યા ફાળવાય છે. એ જગ્યા બદલ નજીવી રકમ વસૂલાય છે. જેમ કે, થોડા સમય પહેલાં એક મહિનાનું ભાડું ફક્ત ચાળીસ રૂપિયા હતું. આજના આ સંગઠિત બજારમાં કાપડ, ધાતુ, માટી અને વાંસની કલાત્મક ચીજવસ્તુઓ, ફેશનેબલ જ્વેલરી, મસાલા, જડીબુટ્ટીઓ અને ઔષધિઓ, શાકભાજી, ફળો, સૂકા માછલા અને 'મોરોક' ચિલી સહિત ઘણું બધું વેચાય છે. મોરોક મણિપુરની મરચાની જાણીતી જાત છે, જે ભૂત જોલોકિયા, ઘોસ્ટ જોલોકિયા, ઘોસ્ટ પીપર, નાગા જોલોકિયા, રેડ નાગા અને નાગા કિંગ ચિલી જેવા અનેક નામે જાણીતી છે. ૨૦૦૯માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે તેની દુનિયાના સૌથી તીખા મરચા તરીકે નોંધ લીધી હતી.

ઇમા કિથિલનું આજનું બિલ્ડિંગ 

ઇમા કિથિલમાં મહિલાઓએ યુનિયન પણ બનાવ્યું છે. આ યુનિયન બજારનું સંચાલન યોગ્ય રીતે થાય અને કોઈ સ્ત્રીને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખે છે. કોઈ પણ મહિલાને નાની-મોટી લોનની જરૂરિયાત પણ ઇમા કિથિલમાંથી પૂરી થઇ જાય છે. મહિલાઓ વધુ માલ ખરીદવા માટે પણ લોન લઇ શકે છે, જે નફો કર્યા પછી યુનિયનને પરત કરી શકાય છે. ઇમા કિથિલના કારણે મણિપુરના અંતરિયાળ વિસ્તારની અનેક મહિલાઓના ઘરનો ચુલો બળે છે. મણિપુરના સ્થાનિક અર્થતંત્રને મજબૂતાઈ આપવામાં પણ ઇમા કિથિલ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
  
બ્રિટીશરો સામેના આંદોલનનું એપિસેન્ટર

ઇમા કિથિલ સાથે આઝાદીકાળની એક મહત્ત્વની ઐતિહાસિક ઘટના જોડાયેલી છે. બ્રિટીશ રાજ વખતે મણિપુરને અન્યાય થતાં ઇમા કિથિલ આંદોલનના કેન્દ્ર તરીકે ઊભર્યું હતું. વાત એમ હતી કે, બ્રિટીશરોએ ઉત્તરપૂર્વ ભારતમાં મણિપુરની આસપાસ લશ્કરી થાણાં ઊભા કર્યાં હતાં. ત્યાં બ્રિટીશ રાજની સેવામાં તૈનાત બ્રિટીશ સૈનિકોને કરિયાણાની મોટા પાયે જરૂર પડતી. આ જરૂરિયાત પૂરી કરવા બ્રિટીશ અધિકારીઓ મણિપુર સહિતના અનેક પ્રદેશોના મોટા ભાગના ચોખા બ્રિટીશ સૈનિકો માટે રવાના કરી દેતા. મણિપુરના રાજાઓ પણ બ્રિટીશ રાજના રબર સ્ટેમ્પ શાસકો હતા. આ સ્થિતિમાં મણિપુરી સ્ત્રીઓએ ઇમા કિથિલમાં જ બેઠકો, ચર્ચાવિમર્શ અને રેલીઓનું આયોજન કરીને બ્રિટીશરો સામે રણશિંગુ ફૂંક્યું હતું.

ઇમ્ફાલમાં આવેલું  બ્રિટીશરો સામેના આંદોલનની યાદ કરાવતું  સ્મારક 

આ આંદોલનને કચડી નાંખવા બ્રિટીશરોએ ઇમા કિથિલનું બિલ્ડિંગ વેચી કાઢવાની યોજના બનાવી હતી, પરંતુ મણિપુરની મહિલાઓએ બ્રિટીશરોનો ઉગ્ર વિરોધ કર્યો. મણિપુરની મેઇતેઇ ભાષામાં આ આંદોલન 'નુપી લાન' તરીકે ઓળખાય છે, જેનો અર્થ 'સ્ત્રીઓનું યુદ્ધ' એવો થાય છે. એ યુદ્ધમાં મણિપુરની મહિલાઓએ છેલ્લે સુધી હાર નહોતી માની. છેવટે ૧૯૩૯માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા મણિપુર વૉર ઝોનમાં ફેરવાઇ ગયું, થોડા સમય પછી જાપાને મણિપુરનો કબ્જો કર્યો અને આ આંદોલનનો અંત આવ્યો. મણિપુરના જ નહીં, ભારતના ઈતિહાસમાં સૌથી અનોખા ગણાતા આ આંદોલનને પાઠયપુસ્તકોમાં ભણાવાતું નથી.

મણિપુરની જીવનશૈલીનું અભિન્ન અંગ

ઇમા કિથિલ એક નાનકડા વિસ્તારમાં વિકસેલી સમૃદ્ધ સંસ્કૃતિ છે, જીવન જીવવાની પદ્ધતિ છે. ઇમ્ફાલમાં અંધારુ વહેલું થતું હોવાથી ઇમા કિથિલમાં બીજી પણ એક ખાસ વાત જોવા મળે છે. અહીં અનેક સ્ત્રીઓ માલસામાન બાંધીને ઘરે જતી રહે છે, જ્યારે કેટલીક મહિલાઓ પોતાની દુકાનમાં જ સાંજની રસોઇ બનાવે છે. સ્ત્રીઓ દુકાનમાં જ વાળુ કરી લે છે અને પરિવારના બીજા સભ્યો માટે ઘરે પણ લઇ જાય છે. ઇમા કિથિલ મણિપુરના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવાહો સાથે અભિન્ન રીતે વણાઇ ગયું હોવાથી મહિલાઓ માટે જ નહીં, મણિપુરી પુરુષો માટે પણ એક 'ઐતિહાસિક બજાર'થી ઘણું વધારે છે.

ફનેકઃ મણિપુરની ગલીઓથી બોલિવૂડ સુધી 

ઇમા કિથિલમાં મણિપુરની જ નહીં, ઉત્તરપૂર્વ ભારતની પરંપરાગત ફેશનનું પણ પ્રતિબિંબ ઝીલાય છે. પૂર્વાંચલ હિમાલયની પર્વતમાળાઓ વચ્ચે આવેલા ઇમ્ફાલની ગલીઓમાં વહેલી સવારથી જ ફનેક અને ઇન્નાફિ પહેરીને ઇમા કિથિલ તરફ જતી સ્ત્રીઓનું સંગીત રેલાવા લાગે છે. ફનેક એટલે ઉત્તરપૂર્વ ભારતમાં સ્ત્રીઓ દ્વારા કમરની નીચે પહેરાતું લુંગી જેવું રંગીન વસ્ત્ર અને ઇન્નાફિ એટલે શાલ. ઇમા કિથિલ પર અનેક સંસ્થાઓએ ડોક્યુમેન્ટ્રી બનાવી છે, અને, હવે નિકિતા કાલા નામના સ્ટાઇલિસ્ટ ફેશન આધારિત ફિલ્મ પણ બનાવી રહ્યા છે. મણિપુરના આ પરંપરાગત પોષાકથી પ્રભાવિત થઇને અનેક ફેશન ડિઝાઇનરો ફનેક અને ઇન્નાફિનું મોડર્ન ફ્યૂઝન પણ કરી ચૂક્યા છે. બોલિવૂડ 'ક્વિન' કંગના રણૌતના કારણે પણ ફનેકની લોકપ્રિયતા વધી છે.

... અને બંદૂકની ગોળીઓને ફનેકથી પડકારાઈ

આ એજ ફનેક છે, જેને 'બખ્તર' બનાવીને મણિપુરની ૧૨ 'ઇમા' (માતા)એ સંપૂર્ણ નગ્ન થઇને ભારતીય સેનાને લલકાર કર્યો હતો કે, 'ઇન્ડિયન આર્મી રેપ અસ... વી ઑલ આર મનોરમા'સ મધર... કિલ અસ, રેપ અસ...' ૧૫મી જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ફાનેક રંગીન નહોતું પણ સફેદ હતું, જેના પર લાલ શબ્દોમાં એ આક્રોશ ચીતરાયો હતો. આ બારેય માતા ૩૨ વર્ષીય મનોરમા નામની યુવતીની હત્યાથી છિન્નભિન્ન થઇ ગઇ હતી. શું થયું હતું, મનોરમા સાથે?

૧૦મી જુલાઈ, ૨૦૦૪ના રોજ ભારતીય સેનાના આસામ રાઇફલ્સ યુનિટના જવાનો મનોરમાને તેના ઇમ્ફાલના ઘરેથી પૂછપરછ માટે લઇ ગયા. મણિપુરમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) હેઠળ ભારતીય સેનાને કારણ આપ્યા વિના કોઈ પણ વ્યક્તિની વૉરંટ વિના ધરપકડ કરવાનો, પૂછપરછ કરવાનો અને ગોળી મારવાનો અધિકાર અપાયો છે. મનોરમાને પણ લઇ ગયા અને બીજા દિવસે, ૧૧મી જુલાઈ, ૨૦૦૪ના રોજ તેનો ચીંથરેહાલ મૃતદેહ મળ્યો. મનોરમાના જનનાંગોમાં ૧૬ ગોળી મરાઈ હતી અને તેના શરીરના અનેક ભાગ પર છરાના ઊંડા ઘા હતા. શબપરીક્ષણમાં માલુમ પડ્યું હતું કે, આ જઘન્ય હત્યા પહેલાં તેના પર અનેકવાર બળાત્કાર ગુજારાયો હતો.

આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર સામે વિરોધ કરતી મણિપુરી મહિલાઓ, મનોરમા અને
આફસ્પા હટાવવા ૧૬ વર્ષ ઉપવાસ કરીને અહિંસક આંદોલન ચલાવનારા ઇરોમ શર્મિલા

કોઈ પણ સ્ત્રી માટે જાહેરમાં સંપૂર્ણ નગ્ન થવું કેટલું કપરું હોય છે એ સમજી શકાય છે, પરંતુ મનોરમાનો ચીંથરેહાલ મૃતદેહ જોઈને ઇમા કિથિલમાં કામ કરતી ૧૨ માતા માટે નગ્ન થવું સહેલું થઇ ગયું. આ સ્ત્રીઓએ આસામ રાઇફલ્સના હેડ ક્વાર્ટર કાંગ્લા ફોર્ટ સામે પહોંચીને બધા જ કપડાં ઉતાર્યા. એ દિવસે જવાંમર્દો હતપ્રત થઇ ગયા અને બંદૂકો કલાકો સુધી ચૂપ થઇ ગઇ. આ અનોખા વિરોધની તસવીરોના ભારત સહિત દુનિયાભરમાં જબરદસ્ત પ્રત્યાઘાત પડયા, પરંતુ થોડા જ સમયમાં બારેય માતાઓની ધરપકડ થઇ અને ત્રણ મહિના માટે જેલમાં ધકેલી દેવાઇ. એ પછી મણિપુરમાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો અને આસામ રાઇફલ્સે કાંગ્લા ફોર્ટ ખાલી કરવો પડ્યો. ઇમ્ફાલ ખીણના સાત વિસ્તારમાંથી આફસ્પા હટાવાયો, પરંતુ આજેય આ અન્યાયી કાયદો મણિપુરમાં લાગુ છે. આ જ કાયદો હટાવવા મણિપુરના ઇરોમ શર્મિલાએ સતત ૧૬ વર્ષ ઉપવાસ કર્યા હતા. 

જોકે, આજેય નથી આ કાયદો હટ્યો કે નથી મનોરમાના હત્યારા પકડાયા. 

આપણે બસ એટલું જ કહી શકીએ. ઇમા કિથિલ અમર રહો.

***

કેટલીક જરૂરી નોંધઃ- 

- આફસ્પા હટાવવા ઇરોમ શર્મિલાએ પાંચમી નવેમ્બર, ૨૦૦૦ના રોજ ઉપવાસ શરૂ કર્યા. આ દરમિયાન તેમની અનેકવાર ધરપકડ થઇ, નાકમાં ટોટીઓ નાંખી પેટમાં પરાણે ખોરાક નંખાયો, પરંતુ તેમની ભૂખ હડતાળ ચાલુ રહી. છેવટે ૨૬મી જુલાઈ, ૨૦૧૬ના રોજ શર્મિલાએ ભૂખ હડતાળને આટોપી. જોકે, આફસ્પા ના હટ્યો. 

- ઓક્ટોબર ૨૦૧૬માં શર્મિલાએ રાજકીય પક્ષ સ્થાપ્યો, પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ એલાયન્સ. ૨૦૧૭માં થોબુલમાંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી ઓકરામ ઇબોલી સિંઘ સામે ચૂંટણીમાં ઊભા રહ્યા. એ ચૂંટણીમાં ઇબોબી સિંઘના ૧૮,૬૪૯ સામે શર્મિલાને ફક્ત નેવું (૯૦) મત મળ્યા. 

- મણિપુરની પ્રજા માટે વિશ્વની સૌથી લાંબી ભૂખ હડતાળ કરનારા ‘આયર્ન લેડી’ને મણિપુરની જ પ્રજાએ ફગાવી દીધા. કેમ? આફસ્પા હટાવવાની એ અહિંસક લડતમાં મણિપુરીઓને વિશ્વાસ નહોતો રહ્યો? કાશ એવું ના હોય!

- દેશપ્રેમનો અર્થ લશ્કર અને ‘ભારત માતા કી જય’ની નારેબાજીથી ઘણો વધારે છે. સેનાના જવાનો દેશની રક્ષા કરે છે એટલે તેમને ગુનાખોરી કરવાનો હક નથી મળતો. દેશના બીજા વિભાગોની જેમ સેનામાં પણ ભ્રષ્ટાચાર અને બીજા દુષણો છે જ. દેશના કાયદા-કાનૂન બધાને સમાન રીતે લાગુ પડે છે. આવી સીધી સાદી વાત સમજવા રોકેટ સાયન્ટિસ્ટ હોવું જરૂરી નથી. અને હા, મણિપુરના લોકો પણ ભારતીયો જ છે. 

- મણિપુરની ૧૨ મહિલા મનોરમા માટે નગ્ન થઈને વિરોધ કરવા તૈયાર થઇ ત્યારે તેમની મનોસ્થિતિ કેવી હશે? અત્યારે આ મહિલાઓ શું કરી રહી છે? એ ઘટનાને આજે એ મહિલાઓ કેવી રીતે જોઈ રહી? આશરે ૬૦ વર્ષની આસપાસની આ મહિલાઓને જોઈને એક યુવાન સ્ત્રી પણ નગ્ન થઇને વિરોધ કરવા તૈયાર થઇ ગઇ હતી. આ વાત કોઈ સ્ત્રીએ ઘરે નહોતી જણાવી. એ ખૂબ જ હિંમતપૂર્વકનો નિર્ણય હશે, એ પણ આપણે કલ્પના કરી શકીએ છીએ. એ દિવસે મણિપુરની અમુક રૂઢિચુસ્ત સ્ત્રીઓ તેમના પતિને પગે લાગીને પણ આવી હતી. 

- આ સામાન્ય મહિલાઓની અસામાન્ય હિંમત વિશે રજેરજની વિગત જાણવી હોય તો એવોર્ડ વિનિંગ મહિલા પત્રકાર ટેરેસા રહેમાનનું પુસ્તક ‘ધ મધર્સ ઓફ મણિપુરઃ ટ્વેલ્વ વિમેન હુ મેડ હિસ્ટરી’ મસ્ટ રીડ છે.