16 August, 2012

પાકિસ્તાનના હિંદુઓ ભારતના શરણે


હજુ દેશના પૂર્વીય રાજ્ય આસામમાં બાંગલાદેશીઓની ઘૂસણખોરીને પગલે સર્જાયેલી હિંસાની આગ બુઝાઈ નથી ત્યાં પશ્ચિમી સરહદેથી દેશમાં પ્રવેશી રહેલા હિંદુ પરિવારોને લઈને મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, આ બંને મુદ્દા એકબીજાથી બિલકુલ અલગ છે. આસામમાં મૂળ બોડો જાતિના લોકો બાંગલાદેશી ઘૂસણખોરોથી ત્રસ્ત છે, તો પાકિસ્તાનથી આવેલા હિંદુ પરિવારો ત્યાંના કટ્ટરવાદીઓથી ત્રસ્ત હોવાના કારણે ભારતમાં પનાહ લઈ રહ્યા છે. પાકિસ્તાનમાં હિંદુઓની કફોડી સ્થિતિના સમાચાર આપણે પહેલીવાર નથી સાંભળી રહ્યા. પાકિસ્તાનની આશરે 18 કરોડની વસતીમાં 95 ટકા લોકો મુસ્લિમ ધર્મ પાળે છે, જ્યારે બાકીના પાંચ ટકામાં હિંદુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી, અહેમદિયા અને યહૂદીઓ વગેરેનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંતમાં હિંદુઓની વસતી મોટા પ્રમાણમાં છે. આ વિસ્તારોમાં લઘુમતીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ધર્માંતરણ, સામૂહિક હિંસા, બળાત્કાર તેમજ ખંડણી ઉઘરાવવી અત્યંત સામાન્ય છે. વળી, હિંદુ યુવતીઓનું અપહરણ કરીને તેમને મુસ્લિમ બનાવી દઈ લગ્ન કરી લેવા જેવા ગુનાની પણ સિંધમાં નવાઈ નથી. દર વર્ષે અનેક હિંદુ પરિવારો પાકિસ્તાનથી ભારતમાં યાત્રા કરવા આવે છે, અને પછી ક્યારેય પાકિસ્તાન પરત જતા નથી.
પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશી રહેલું એક હિંદુ જૂથ
આ વર્ષે પણ 10 ઓગસ્ટ, 2012ના રોજ 150 હિંદુઓનું એક જૂથ ઈસ્લામાબાદથી ભારત યાત્રા કરવા આવી રહ્યું હતું, ત્યારે પાકિસ્તાન પોલીસે વાઘા સરહદે તેમને સાત કલાક સુધી બાનમાં લઈ લીધા હતા. પાકિસ્તાન પોલીસનું માનવું હતું કે, દક્ષિણ સિંઘમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાને કારણે આ પરિવારો કદાચ પાકિસ્તાન પરત નહીં ફરે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનની બદનામી થશે. પરિણામે હિંદુ પરિવારોએ ભારત આવતા પહેલાં પાકિસ્તાન સરકારને ખાતરી આપવી પડે છે કે, તેઓ ભારત સરકાર પાસે આશરો નથી ઈચ્છતા, અને કોઈ પણ સંજોગોમાં ફક્ત 30 જ દિવસમાં યાત્રા કરીને પાકિસ્તાન પરત ફરશે. પાકિસ્તાનથી આવતા હિંદુ પરિવારો મોટે ભાગે હરિદ્વારની મુલાકાત લેવા ભારત આવતા હોય છે. જોકે, હિંદુ યાત્રાળુઓના આગેવાન અનુપકુમારે પાકિસ્તાન સરકારને આવી ખાતરી આપી હોવા છતાં ભારત આવીને તેઓ કહે છે કે, “હાલના સંજોગોમાં અહીં આવેલો એક પણ હિંદુ પાકિસ્તાન પરત જવા માંગતો નથી. પાકિસ્તાનમાં હિંદુ પરિવારો બિલકુલ સુરક્ષિત નથી. કટ્ટરવાદીઓ બંદૂકની અણીએ રોજેરોજ હિંદુ છોકરીઓ અને નવવધૂઓના અપહરણ કરે છે. સિંધમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળેલી છે, અને સરકાર પણ કટ્ટરવાદીઓની તમામ પ્રવૃત્તિને મૂક પ્રેક્ષકની જેમ જોઈ રહે છે.”

પાકિસ્તાનથી હિંદુ યાત્રાળુઓ ભારત આવ્યા તેના ત્રણ દિવસ અગાઉ જ સિંધના જેકોબાબાદ વિસ્તારમાં એક 14 વર્ષીય હિંદુ કિશોરી મનીષાકુમારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરિણામે ભારત આવતા યાત્રાળુઓમાં ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે, સિંધ અને બલુચિસ્તાનમાંથી વધુને વધુ હિંદુ પરિવારો હિજરત કરવાના ઈરાદે ભારતમાં યાત્રાએ કરવા આવી રહ્યા છે. જોકે આ કિશોરીના અપહરણના પાકિસ્તાનના લઘુમતી સમાજમાં જોરદાર પ્રત્યાઘાત પડતા સિંધના મુખ્ય મંત્રી કાઈમ અલીએ સ્થાનિક લઘુમતી બાબતોના મંત્રી મોહનલાલને તાત્કાલિક જેકોબાબાદ મોકલ્યા હતા. આ અંગે પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના પ્રમુખ જેઠાનંદ ડુંગરમલ કોહિસ્તાની જણાવે છે કે, “સિંધ અને બલુસિસ્તાનમાં છેલ્લાં અમુક મહિનામાં 11 હિંદુ વેપારી અને એક કિશોરીનું અપહરણ થયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી ગઈ હોવાથી હિંદુઓ દુઃખી છે. અરે, ફક્ત હિંદુઓ નહીં, મુસ્લિમો પણ આ સ્થિતિથી ત્રાહિમામ છે.” જ્યારે હિંદુ પંચાયતના વડા બાબુ મહેશ લાખાણીનો દાવો છે કે, “અનેક હિંદુ પરિવારોએ ભારત જવાનું નક્કી કરી લીધું છે, અને બીજા કેટલાક લોકો પણ તેમની સાથે જશે. કારણકે, તેઓ પાકિસ્તાનમાં અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે.”

જોકે, ઈસ્લામાબાદ સ્થિત ભારતીય એલચી કચેરીનું કહેવું છે કે, હિંદુઓએ સામૂહિક હિજરત કરી હોવાના કોઈ અહેવાલ નથી. કોહિસ્તાની પણ આ વાતનું સમર્થન કરતા કહે છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાથી હિંદુઓ સખત દબાણમાં છે, પરંતુ તેઓ કંઈ સામૂહિક હિજરત નથી કરી રહ્યા. તેઓ કહે છે કે, “સિંધુ નદીની જમીન અમારી માતૃભૂમિ છે. કેટલાક હિંદુ પરિવારો ભારતમાં યાત્રા કરવા ગયા છે. હા, કેટલાક ગુનેગારો યાત્રાળુઓ પાસેથી ખંડણી ઉઘરાવી રહ્યા છે, અપહરણ કરી રહ્યા છે અને પાકિસ્તાન પોલીસ તેમની બિલકુલ મદદ નથી કરતી.” 

જેઠાનંદ ડુંગરમલ કોહિસ્તાની 
જોકે, કોહિસ્તાની ડરના માર્યા અર્ધસત્ય જણાવતા હોય એવું લાગે છે. કારણ કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગયા વર્ષે આવેલા પૂરમાં થયેલી તબાહી પછી 150 હિંદુ પરિવારોએ ભારતમાં શરણ લીધુ હતું, અને બાદમાં પાકિસ્તાન પાછા ગયા ન હતા. આ તમામ હિંદુ પરિવારોએ પાકિસ્તાનમાં જાતિગત ભેદભાવ અને જબરદસ્તીથી ધર્માંતરણ કરાતું હોવાના આધાર પર ભારતમાં રાજકીય આશરો માંગતી અરજી કરી છે. જોકે, ભારત સરકારે તેમને પાકિસ્તાન પરત જવા કહ્યું હતું, પરંતુ અદાલતના હસ્તક્ષેપ પછી તેમની દરખાસ્ત અંગે ચુકાદો ન આવે ત્યાં સુધી તેમને ભારતમાં રહેવાની મંજૂરી અપાઈ છે. આ હિંદુ પરિવારો હાલ રાજસ્થાન અને નવી દિલ્હીના રિંગ રોડની આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહે છે. નવી દિલ્હીમાં ફૂટપાથ પર રહેતા મૂળ સિંધના હૈદરાબાદ શહેરના વતની કૃષ્ણને પાકિસ્તાન પરત નહીં જવાનું કારણ પૂછતા તે કહે છે કે, “ત્યાં હું શાકભાજી બજારમાં કામ કરતો હતો, ખેતીકામ પણ કરતો હતો. હું એવું વિચારીને ભારત આવ્યો હતો કે, મારા બાળકોનું જીવન સુધરી જશે. અહીં આપણા ધર્મમાં સુરક્ષિત રહીશ, અહીં અમને કોઈ હેરાન નહીં કરે. અમે પાકિસ્તાનમાં હોત તો કંઈક ને કંઈક ગરબડ જરૂર થાત. ગયા વર્ષે પણ ત્યાં ચારેક ડૉક્ટરોની હત્યા કરી દેવાઈ હતી.”

પાકિસ્તાનના સમાચાર માધ્યમો જણાવી રહ્યા છે કે, હિંદુઓ પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, એ વાતની પ્રમુખ આસિફ અલી ઝરદારીએ ગંભીરતાથી નોંધ લીધી છે અને સિંધ સરકારને તાત્કાલિક ધોરણે લઘુમતીઓની મુશ્કેલીઓ દૂર કરવાની સૂચના આપી છે. પરંતુ બીજી તરફ, પાકિસ્તાનના જેકોબાબાદના બક્ષપુરમાં રહેતા અમેશકુમાર જણાવે છે કે, “અહીં 90 જેટલા હિંદુઓએ ભારત જવાનું નક્કી કરી લીધું છે. અમે વેપારી છીએ, પરંતુ હવે અમારે હેરાનગતિ, લૂંટફાટ, હિંદુ યુવતીઓના અપહરણ અને જબરદસ્તીથી ધર્માંતરણ જેવા કારણોસર માતૃભૂમિ છોડવી પડશે.” જ્યારે બીજી એક વ્યક્તિ પાકિસ્તાનના ‘ડોન’ અખબારને પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવે છે કે, “પાકિસ્તાન અમારી માતૃભૂમિ છે, પરંતુ હવે અમે ભારતમાં યાત્રા કરવા જઈ રહ્યા છીએ. જો ભારતમાં પાકિસ્તાન કરતા સારી સ્થિતિ હશે તો અમે ત્યાં જ રહીશું, અને મારી સાથેના બીજા લોકો પણ આમ જ વિચારે છે.” 

આ વાતનું આડકતરી રીતે સમર્થન કરતાં પાકિસ્તાનના નિવૃત્ત એર માર્શલ કપિલ કાક કહે છે કે, “ખાસ કરીને હિંદુ યુવતીઓના અપહરણ અને ધર્માંતરણના કારણે લઘુમતીઓમાં ભયનું વાતાવરણ છે. પરિણામે અનેક હિંદુ પરિવારો ભારતીય સરહદ બાજુ જઈ રહ્યા છે. ભારતે તેમને વિઝા આપવા જોઈએ અને પાકિસ્તાનમાં જ્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી તેમને ત્યાં રહેવા દેવા જોઈએ. ભારતે પાકિસ્તાનને પણ સ્થિતિ તાત્કાલિક કાબૂમાં લેવાની સલાહ આપવી જોઈએ.” પાકિસ્તાનના જ નિવૃત્ત એરમાર્શલે આપેલા આ નિવેદનથી સાબિત થઈ ગયું છે કે, પાકિસ્તાનમાં હિંદુઓની હાલત વત્તેઓછે અંશે કફોડી છે! પરંતુ દિલ્હીના એક ઉચ્ચ અધિકારી કહે છે કે, આ મુદ્દા પર કંઈ પણ કહેવું વહેલું ગણાશે. જ્યાં સુધી વિઝા કે સિટીઝનશિપની વાત છે ત્યાં સુધી દરેકની વ્યક્તિગત તપાસ અને સુરક્ષા એજન્સીઓની સલાહ પછી જ કોઈ નિર્ણય લઈ શકાય.

આ દરમિયાન લોકસભામાં પણ કેટલાક સાંસદોએ પાકિસ્તાનથી ભારત આવતા હિંદુ પરિવારો મુદ્દે ચિંતા પ્રગટ કરી હતી. ભારતીય જનતા પક્ષના સભ્ય રાજનાથ સિંઘે શૂન્યકાળ દરમિયાન માંગ કરી હતી કે, પાકિસ્તાનમાં ધર્માંતરણ અને હિંદુ યુવતીઓના જબરજસ્તીથી થતાં લગ્નો મુદ્દે આપણે તાત્કાલિક ધોરણે ખરડો પસાર કરવો જોઈએ. સમાજવાદી પક્ષના પ્રમુખ મુલાયમ સિંઘ યાદવે આ મુદ્દે લોકસભામાં ચર્ચા કરવાની અપીલ કરતા કહ્યું હતું કે, “પાકિસ્તાનમાં બનતી ઘટનાઓનું ભારતમાં પુનરાવર્તન ન થવું જોઈએ. આ સ્થિતિનું નિરાકરણ લાવવા સરકારે વાત કરવી જોઈએ.” જ્યારે બીજુ જનતાદળના સભ્ય ભાર્તુહરિ મહેતાબે કહ્યું હતું કે, “સરકારે પાકિસ્તાનથી આવતા હિંદુ પરિવારોનું સ્વાગત કરવું જોઈએ, અને તેમને અહીં રહેવાની છૂટ આપવી જોઈએ. કારણ કે, આમ કરીને ભારત સાબિત કરી શકશે કે, લઘુમતીઓના દમન મુદ્દે પાકિસ્તાન સરકાર મૂક દર્શક છે.”

આ લખાઈ રહ્યું છે ત્યારે પંજાબના અટ્ટારીથી અહેવાલ છે કે, હિંદુ પરિવારોનું વધુ એક જૂથ સમઝૌતા એક્સપ્રેસમાં ભારત પહોંચી ગયુ છે. આ જૂથના એક સભ્ય મુકેશકુમાર આહુજા જણાવે છે કે, “મારી પાસે ત્યાં એક દુકાન હતી, પરંતુ એક વર્ષ પહેલાં તે બંધ કરવી પડી. કેટલાક લોકોએ મારી દુકાનમાં લૂંટફાટ કરી હતી. હું હંમેશાં ગભરાયેલો રહેતો. કારણ કે, ત્યાં જીવનું જોખમ છે. ત્યાં ગૂંગળાવી નાંખે એવી સ્થિતિ છે, તેથી અમે અમારું ઘર વેચીને કાયમ માટે પાકિસ્તાન છોડી દીધુ છે. અમારે ચાર બાળકો છે અને તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. માતૃભૂમિ છોડવાનું અમને ખૂબ દુઃખ છે, પરંતુ સુરક્ષા વધુ મહત્ત્વની છે.” અત્યાર સુધી પાકિસ્તાનના આશરે 250 હિંદુ ભારતમાં આવી ચૂક્યા છે, અને તેમાંના લગભગ તમામ લોકો પાકિસ્તાન પરત જવા ઈચ્છતા નથી.

મોહમ્મદ અલી ઝીણા

પાકિસ્તાનના કાયદે આઝમ મોહમ્મદઅલી ઝીણાએ 11 ઓગસ્ટ, 1947ના રોજ બંધારણીય સભામાં પ્રવચન આપતા કહ્યું હતું કે, “...આપણે બહુમતી અને લઘુમતી કે હિંદુ અને મુસ્લિમ જેવા ખૂણાઓમાંથી બહાર આવીને  ઉત્સાહપૂર્વક આગળ વધવું જોઈએ. કારણ કે, જો તમે મુસ્લિમ હશો તો તમે પઠાણ, પંજાબી, શિયા કે સુન્ની કે બીજું કંઈ હશો, અને હિંદુ હશો તો બ્રાહ્મણ, વૈષ્ણવ, ખત્રી, બંગાળી કે મદ્રાસી હશો, જે તમારો નાશ કરી નાંખશે...” પરંતુ પાકિસ્તાનની હાલની સ્થિતિ જોતા આ વાત ‘જોક’ લાગી રહી છે.

No comments:

Post a Comment