14 August, 2012

મહિલા સ્વાતંત્ર્ય માટે આર્થિક સ્વાતંત્ર્ય જરૂરી


પંડિત જવાહરલાલ નહેરુએ એકવાર કહ્યું હતું કે, “તમે કોઈ પણ દેશની સ્ત્રીઓની સ્થિતિ જોઈને તે દેશની હાલત જાણી શકો છો.” પશ્ચિમી વિચારોથી પ્રભાવિત સુશિક્ષિત મહિલાઓને પણ તમે ઘણી વાર એવું કહેતા સાંભળી હશે કે, મહિલાઓ બીજા પર આધાર રાખે એના કરતા તેને ખરા અર્થમાં સ્વતંત્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ ભારત સહિત વિશ્વના અનેક દેશોનો સામાજિક-આર્થિક ઈતિહાસ સાક્ષી છે કે, આર્થિક સ્વાતંત્ર્ય વિના મહિલાઓ ખરા અર્થમાં સ્વતંત્ર થાય એ લગભગ અશક્ય છે. 15મી ઓગસ્ટે આપણે વધુ એક સ્વતંત્રતા દિવસ ઊજવવા જઈ રહ્યા છે ત્યારે મહિલા સ્વાતંત્ર્યને વિશાળ અર્થમાં સમજવાનો સમય આવી ગયો છે. કારણ કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વર્ષ 2011ના આંકડા અનુસાર આજે પણ ભારતમાં મહિલા સાક્ષરતા દર ફક્ત 65 ટકા છે. ખરેખર તો, સ્ત્રીઓને પણ પુરુષની જેમ મરજી પ્રમાણે શિક્ષણ લેવાની, નોકરી કરવાની કે કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે તેને જ સાચી આઝાદી કહી શકાય. જો સાઈના નેહવાલ કે મેરી કોમના કુટુંબીજનો આઝાદીને વ્યાપક અર્થમાં સમજ્યા ના હોત તો તેઓ કદાચ ઓલિમ્પિકમાં ચંદ્રકો જીતી શક્યા ના હોત. અહીં કહેવાનો અર્થ એ છે કે, આઝાદી એક લાગણી છે, અનુભવ છે. જેમ કે, આપણે ન્હાતી વખતે બાથરૂમમાં આંખો બંધ કરીને શાવર લઈએ છીએ ત્યારે આપણે જાણતા હોઈએ છીએ કે, આપણા પર પાણી જ પડી રહ્યું છે. સ્ત્રીઓને આગળ વધવા ઉપરછલ્લી નહીં, પણ પુરુષ જેવી અને જેટલી જ આઝાદી મળવી જોઈએ. કારણ કે, કોઈ પણ સમાજ કે દેશ સ્ત્રીઓના પ્રદાન વિના સાચો વિકાસ સાધી શકતો નથી એ વૈશ્વિક સ્તરે સમજાઈ ગયું છે.

દેશની આઝાદી પછી છેલ્લાં 65 વર્ષમાં ભારતીય સમાજમાં ઘણાં ફેરફારો આવ્યા અને સાથે સ્ત્રીઓની સ્થિતિમાં પણ ખાસ્સો બદલાવ આવ્યો. ભારતના બંધારણમાં પણ “સ્ત્રીની માનમર્યાદાને હાનિ પહોંચે એવું આચરણ ન કરવું.” એ મુજબનો આદેશ કરવામાં આવ્યો છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ સ્ત્રીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે, અને સમાજ પણ સ્ત્રીને દેવીના રૂપમાં પૂજે છે. ભારતીય બંધારણમાં આ જ વાતને કાયદાકીય રૂપ અપાયું. કારણ કે, ભારતમાં એક સમયે સ્ત્રીની સ્થિતિ અત્યંત દયનીય હોવાથી બંધારણના ઘડવૈયાઓએ આમ કરવાની ફરજ પડી હતી. આઝાદીની ચળવળ વખતે ગાંધી બાપુ પણ સ્ત્રીઓનું મહત્ત્વ પારખી શક્યા હતા, અને સ્ત્રીઓને આઝાદીની લડતમાં સહભાગી બનાવી હતી. આમ છતાં, આજે પણ ભારતીય સમાજ બંધારણ મુજબ સ્ત્રી-પુરુષને સમાન દરજ્જો આપવાથી જોજનો દૂર છે. આજે પણ ભારતનું સ્થાન ત્રીજા રાષ્ટ્રોમાં જ છે. ભારતે સાચા અર્થમાં સ્વતંત્ર થવા સ્ત્રી શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. કારણ કે, સ્ત્રીઓને સાચું સ્વાતંત્ર્ય આપવા આર્થિક સ્વાતંત્ર્ય અનિવાર્ય છે, અને શિક્ષણ વિના આર્થિક સ્વાતંત્ર્ય અશક્ય છે. એટલે જ કહેવાય છે કે, જો તમે એક પુરુષને શિક્ષિત કરશો તો તમે એક વ્યક્તિને શિક્ષિત કરશો, પરંતુ જો તમે એક સ્ત્રીને શિક્ષિત કરશો તો એક આખા પરિવારને શિક્ષિત કરશો. આમ સમગ્ર સમાજના વિકાસ માટે પ્રત્યેક પરિવારને પણ શિક્ષિત કરવો અનિવાર્ય છે, જે કામ સ્ત્રીઓની મદદથી સારી રીતે પાર પાડી શકાય એમ છે.

જૂન 2012માં ‘થોમસ રોઈટર્સ ફાઉન્ડેશન’ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં કહેવાયું છે કે, સ્ત્રીઓ માટે અત્યંત ખરાબ દેશોમાં ભારત અગ્રેસર છે. વિશ્વના કુલ 19 દેશમાં કરાયેલા આ સર્વેક્ષણમાં ભારતનો ક્રમ સૌથી છેલ્લો 19મો છે. નવાઈની વાત તો એ છે કે, સાઉદી અરેબિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં પણ સ્ત્રીઓની સ્થિતિ ભારત કરતા એકંદરે સારી છે. આ સર્વેક્ષણમાં દેશના વિવિધ રાજ્યોમાં થતી ઘરેલુ હિંસાનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. આજે દેશમાં જ્યારે પણ મહિલા સ્વતંત્રતાની વાત થાય છે ત્યારે આપણે આર્થિક સ્વતંત્રતાની ચર્ચા કરીએ છીએ. હા, આર્થિક સ્વતંત્રતા થકી જ સ્ત્રી ખરા અર્થમાં સ્વતંત્ર થશે એ વાત સાચી, પરંતુ આર્થિક સ્વતંત્રતાની ચર્ચામાં આપણે ઘરની જવાબદારી સંભાળતી ગૃહિણીને સહેલાઈથી ભૂલી જઈએ છીએ, કારણ કે એક ગૃહિણી આર્થિક રીતે તેના પતિ કે પરિવાર પર આધાર રાખતી હોય છે. આપણે ગૃહિણીની સ્વતંત્રતા અને દરજ્જાને ફક્ત આર્થિક પ્રદાનના આધારે જ જોખીએ છીએ, અને આર્થિક સ્વતંત્રતાની ખૂબ જ ટૂંકી અને સંકુચિત વ્યાખ્યા કરીએ છીએ. ખરેખર તો ઘરનું કામ, બાળકોની સંભાળ અને ઘરમાં ઘરડાં લોકોની સારસંભાળ જેવા કામમાં ભલે આર્થિક ઉપજ ના થતી હોય, પરંતુ તેનું સામાજિક મહત્ત્વ ઘણું ઊંચું ગણાવું જોઈએ.

વિશ્વ વિખ્યાત ફ્યૂચરિસ્ટ એલ્વિન ટોફલરે પોતાના પુસ્તક ‘ત્રીજુ મોજું’માં જણાવ્યું છે કે, “આર્થિક પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે. એક એવી પ્રવૃત્તિ કે જેમાં કંઈ વળતર ચૂકવાતું નથી અને તેની કિંમતમાં ગણતરી થતી નથી. આ કામ વ્યક્તિ પોતાના માટે, કટુંબ માટે કે સમાજ માટે સ્વેચ્છાએ વિના મૂલ્યે કરે છે. જ્યારે બીજા પ્રકારની પ્રવૃત્તિ, સેવા કે કામ વેચાણ માટે હોય છે, જે વિનિમય તંત્રમાં કે બજારમાં પ્રવેશે છે...”, “અર્થશાસ્ત્રીઓ પહેલા પ્રકારની પ્રવૃત્તિનું અસ્તિત્વ જ ભૂલી ગયા છે. અર્થતંત્રની વ્યાખ્યા જ એવી કરી દેવાઈ છે કે જે ચીજવસ્તુ, સેવા કે કામ બજારમાં ન પ્રવેશે તેની તેમાં ગણના જ ન થાય...” ટોફલર કહે છે કે, “સ્ત્રીઓ દ્વારા થતું ઘરકામ, બાળઉછેર વગેરેને ‘બિન-આર્થિક’ ગણીને કાઢી નાંખવામાં આવ્યું છે, તે બિલકુલ અયોગ્ય છે.” આમ ટોફલર પોતાના પુસ્તકમાં આજના અર્થશાસ્ત્રીઓએ કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં એક ગૃહિણી દ્વારા થતા કામોને ગણતરીમાં ના લીધા એ બાબતે અફસોસ વ્યક્ત કરે છે.

સર્વોચ્ચ અદાલતે હાલમાં જ જુલાઈ 2012ના રોજ એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું છે કે, આપણે ગૃહિણીના સાચા પ્રદાનને સમજવું જોઈએ અને સરકારે પણ આ વાતની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. વાત એમ છે કે, અરુણકુમાર અગ્રવાલ વિરુદ્ધ નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના કેસમાં નીચલી અદાલતે ગૃહિણીનું ઘરમાં કોઈ આર્થિક પ્રદાન નથી એ તર્ક પર વળતર આપવાની ના પાડી દીધી. પરંતુ આ જ કેસમાં સુપ્રીમ કોર્ટે ગૃહિણીના કામને પ્રત્યક્ષ અને સ્વતંત્ર ગણીને વીમા કંપનીને વળતર આપવા હુકમ કર્યો હતો. આ ચુકાદા દરમિયાન થયેલા ઊંડાણપૂર્વકના સંશોધનમાં સર્વોચ્ચ અદાલતના ધ્યાનમાં આવ્યું કે, વર્ષ 2001ની વસતી ગણતરીમાં આશરે 37 કરોડ ભારતીય મહિલાઓને ‘નોન-વર્કર’ ગણીને ભિખારી, વેશ્યા કે કેદીના વર્ગમાં મૂકવામાં આવી છે. આ પગલાંનો સર્વોચ્ચ અદાલતે જોરદાર વિરોધ કર્યો, અને સરકારે ગૃહિણીઓને તાત્કાલિક ધોરણે આ વર્ગમાંથી કાઢવાની ફરજ પડી. આ ઉપરાંત સરકારે નોન-વર્કરનો અર્થ કોઈ પણ પ્રકારનું આર્થિક ઉપાર્જન નહીં કરતી વ્યક્તિ એ મુજબનો કરવો પડ્યો. પરંતુ ફરી એકવાર એ વાત યાદ આવે છે કે, શું ગૃહિણીના કામનું આર્થિક મૂલ્ય શૂન્ય છે?

સ્ત્રીઓને વાસ્તવિક સ્વતંત્રતા આપવા બંધારણમાં કેટલાક ઠોસ ફેરફારો કરવા અત્યંત જરૂરી બની ગયા છે. ઘરના કામો જેવા કે રસોઈ, વાસણ-કપડાં ધોવા, બાળકોની સારસંભાળ, પાણી ભરવું કે ગ્રામ્ય સ્તરે ખેતી કામમાં મદદ કરવી, પશુઓની સંભાળ રાખવી વગેરેને બંધારણીય દરજ્જો આપવો જોઈએ અને તેનું આર્થિક મૂલ્ય નક્કી કરવું જોઈએ. કારણ કે, આ પણ મહિલાઓ દ્વારા અપાતી સેવા જ છે, પછી ભલે તે કૌટુંબિક સ્તરે અપાતી હોય. એક ગૃહિણીના કામનું આર્થિક મૂલ્ય સરળતાથી નક્કી કરી શકાય છે. જેમ કે, ચાર સભ્યોના એક પરિવાર માટે એક મહિલા રસોઈ બનાવીને કેટલું આર્થિક પ્રદાન આપે છે તે નક્કી કરવા આ કામ માટે રસોઈયો કેટલો પગાર લે, ચાર વ્યક્તિ માટે બહારથી ખાવાનું લાવીએ તો શું ખર્ચ થાય અથવા ગૃહિણીએ બનાવેલું ભોજન બહાર વેચીએ તો તેના કેટલા પૈસા ઉપજે વગેરે પદ્ધતિ મુજબ આ મૂલ્ય નક્કી કરી શકાય છે. ઈવાન્જેલિકલ સોશિયલ એક્શન ફોરમ એન્ડ હેલ્થ બ્રિજમાં જણાવ્યા મુજબ, ભારતીય ગૃહિણીઓ દર વર્ષે આશરે 612.8 બિલિયન ડૉલરનું કામ કરે છે. આમ છતાં, હજારો વર્ષોથી ગૃહિણીના કામને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ તરીકે લેવામાં આવી રહ્યું છે. પરિણામે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ગૃહિણીના કામને પણ ઓળખ મળવી જોઈએ.

ભારતની મહિલા સંસ્થાઓએ 65માં સ્વતંત્રતા દિવસ પર ગૃહિણીની ભૂમિકાને આર્થિક કે બિન-આર્થિક ઓળખ મળે એ માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કારણ કે, આર્થિક સ્વાતંત્ર્ય વિના મહિલાઓને સાચા અર્થમાં સ્વતંત્રતા આપવી ઘણી અઘરી છે. આ સાથે આર્થિક સ્વાતંત્ર્યની બીબાઢાળ વ્યાખ્યાને બદલે તેને વ્યાપક અર્થમાં સમજવું પણ એટલું જ જરૂરી છે. વળી, નોકરી કરવા જતી સ્ત્રીના માથે તો બેવડી જવાબદારી હોય છે. આવી સ્ત્રીઓ તો પુરુષનો આર્થિક બોજ હળવો કરવાની સાથે ઘરકામ પણ સંભાળી લે છે. આ સ્થિતિમાં ઘરકામની જવાબદારી પણ સ્ત્રી અને પુરુષ બંને વચ્ચે વહેંચાઈ જવી જોઈએ. એક સફળ વર્કિંગ વુમન પાસે વણલિખિત શરત હોય છે કે, તે બહાર ગમે તેટલી સફળ હોય તો પણ ઘરની જવાબદારી તો સંભાળવી જ પડશે. વર્કિંગ વુમને ઘરની સાફ-સફાઈ, બાળકોનો ઉછેર-અભ્યાસ, વડીલોની જરૂરિયાતો સંતોષવાની હોય છે, અને જો ઘરમાં નોકર હોય તો તેમનું સુપરવિઝન પણ મોટે ભાગે મહિલાએ જ કરવાનું હોય છે. હવે કોઈ સંજોગોમાં સ્ત્રી એકસાથે આટલી ભૂમિકા ભજવી ના શકે તો તેની પાસે એક જ વિકલ્પ હોય છે, નોકરીને ગુડ બાય કરી દે અથવા તો ‘સુપર વુમન’ બનીને સંજોગો સામે લડતી રહે. હવે પુરુષે નક્કી કરવાનું છે કે તે પોતાની માતા, પત્ની કે બહેનને હકીકતમાં સ્વતંત્ર કરવા માંગે છે, કે પછી તેને ‘સુપર વુમન’નું બિરુદ આપીને પરિસ્થિતિથી ભાગવા ઈચ્છે છે.

ગૃહિણીના આર્થિક પ્રદાનનું મૂલ્યાંકન પણ જરૂરી 

તાજેતરમાં એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ ડિસક્રિમિનેશન અગેઈન્સ્ટ વિમેનની એક સભામાં મહિલાઓની બિન-આર્થિક પ્રવૃત્તિની આકારણી કરીને તેને ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં ગણવાનું નક્કી કરાયું હતું. નવમી જુલાઈ, 1993ના રોજ ભારત સરકારે પણ આ કરાર પર સહી કરી હતી, પરંતુ આજ દિન સુધી ગૃહિણીના પ્રદાનનું મૂલ્યાંકન થઈ શક્યું નથી. વર્ષ 2000માં યુનિસેફે નોંધ્યું હતું કે, “કોઈ પણ વળતર વિના થતું કાળજી રાખવાનું કામ માનવજાતના પાયાસમાન છે.” આ વાતને યાદ કરીને સર્વોચ્ચ અદાલત નોંધે છે કે, “ખાસ કરીને ભારતમાં એક મહિલા માતા તરીકે કુટુંબની કાળજી રાખીને જે પ્રકારનું આર્થિક પ્રદાન આપે છે તે અસામાન્ય છે.” નવાઈની વાત તો એ છે કે, ભારત કરતા અત્યંત નાના દેશ કંબોડિયાએ પણ ગૃહિણીના કામને બંધારણીય દરજ્જો આપ્યો છે, પરંતુ ભારતે હજુ પણ વૈશ્વિક નીતિનિયમોને અવગણવાનું ચાલુ રાખ્યું છે.

No comments:

Post a Comment